Opinion Magazine
Number of visits: 9965754
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતનો મધ્યમ વર્ગ, ક્યાં છે તમારો રોષ આ વખતે?

મૂળ લેખ : નિધિ રાઝદાન : અંગ્રેજીમાંથી અનુવાદ : રૂપાલી બર્ક|Opinion - Opinion|2 October 2020

હું રોષે ભરાયેલી છું. તમારે પણ હોવું જોઈએ.

એક યુવાન દલિત મહિલા પર પાશવી સામૂહિક બળાત્કાર થયો, એને એટલી બૂરી રીતે માર મારવામાં આવ્યો કે એને અનેક ફ્રેક્ચર થયાં, લકવો થયો, એનું ગળું દબાવતી વખતે અને પીંખતી વખતે એની જીભ કપાઈ ગઈ. ત્યારબાદ એને ઉત્તર પ્રદેશમાં એના ઘર પાસેના ખેતરમાં લોહીલુહાણ હાલતમાં મૂકી દેવામાં આવી. ભારતના સૌથી મોટા રાજ્યમાં લોહી થીજવી દેનારો ગુનો બન્યો જ્યાં થોડા જ સમય પહેલાં પોતાના કાર્યકાળ દરમ્યાન કાયદો અને વ્યવસ્થાને કેવા પુન:સ્થાપિત કર્યા છે, એવી મુખ્ય મંત્રી આદિત્યનાથ બડાઈ મારતા હતા.

બે અઠવાડિયાના સંઘર્ષ બાદ ૧૯ વર્ષીય મહિલા હૉસ્પિટલમાં મૃત્યુ પામી. ત્યારબાદ વધુ કમકમાટીભરી ઘટના બની — યુ.પી.ના અમાનુષી, નિર્દય, નઠોર અને બેશરમ પોલીસકર્મીઓએ મધરાતે શબને બાળી નાખ્યું. મરનારનાં માતાપિતા અને કુટુંબીજનોને હાજર રહેવા દીધાં નહીં. એમની છુપી કામગીરીને પકડી પાડવા પહોંચી ગયેલાં રિપોર્ટરોના સવાલોના જવાબ આપ્યા નહીં. મહિલાનું શબ મેળવવા પોલીસને આજીજી કરતાં ઍમ્બ્યુલન્સ પર પોતાને ફંગોળતા કુટુંબીજનોનો હૃદયસ્પર્શી વીડિયો બહાર પડ્યો છે. ઊલટાનું, પોલીસની કામગીરી ચાલુ હતી તે દરમ્યાન કુટુંબીજનોને ઘરમાં પૂરી દેવામાં આવ્યાં હતાં. કુટુંબની વિનંતીનો અન્ય મુદ્દો એ પણ હતો કે હિન્દુ રિવાજ મુજબ સૂર્યાસ્ત પછી અંતિમક્રિયા કરી શકાતી નથી.

પીડિતા દલિત હતી અને બધાં જ આરોપીઓ ઉચ્ચ જાતિના પુરુષો છે, એ આ ભયાનક કહાણીનું બીજું મહત્ત્વનું પાસું છે. દૈનિકોના અનેક અહેવાલોમાં દર્શાવવામાં આવ્યું છે કે ઉચ્ચ વર્ગના પુરુષો, ખાસ કરીને આરોપીઓમાંનો એક, મૃતક મહિલા અને એના કુટુંબને કેટલા ય મહિનાઓથી કનડગત કરતા હતા.

કોઈ ઉચ્ચ જ્ઞાતિના કુટુંબ સાથે શું યુ.પી. પોલીસ અને યુ.પી. સરકાર આવો વ્યવહાર કરવાની હિંમત દાખવત? જે લોકો આ કિસ્સામાં જ્ઞાતિના સંદર્ભ પર ચૂનાનો કૂચડો ફેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે, એ કાં તો વાસ્તવિકતા ઢાંકવાનો પ્રયત્ન કરી રહ્યા છે અથવા જ્ઞાતિના નામમાં આજે ય જે ગુનાઓ આચરવામાં આવે છે એનો સ્વીકાર કરવા તૈયાર નથી. ટ્વીટર પર જ્ઞાતિના દૃષ્ટિકોણ અંગે મીડિયાને ગાળો ભાંડવામાં કે ટ્રોલ કરવામાં વ્યસ્ત રહેનારા આરામદાયક પરપોટામાં જીવતા હોય છે.

નિર્ભયાના સામૂહિક બળાત્કાર અને હત્યા પછી પણ આપણે કશું જ શીખ્યા નથી. આપણી પોલીસ તૂટી ચૂકી છે, આપણી ન્યાય વ્યવસ્થા તૂટી ચૂકી છે, આપણા રાજકારણીઓ તૂટી ચૂક્યાં છે, અને આપણે, એટલે કે લોકો, તૂટી ચૂક્યાં છીએ.

યાદ છે તમને બધાંને, ૨૦૧૨માં નિર્ભયાના સામૂહિક બળાત્કાર અને હત્યા બાદ, દિલ્હીના માર્ગો પર ન્યાયોચિત નહીં એવો ગુસ્સો અને આક્રોશ ઠલવાયો હતો? ભા.જ.પે., જે વિરોધ પક્ષ હતો, શિલા દિક્ષિત અને મનમોહનસિંગ સરકારનો યોગ્ય પીછો કરેલો. સાધારણ લોકો રસ્તા પર આવી જઈને વિરોધ કરવા લાગેલા, વધુ કડક કાનૂન, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને બળાત્કાર કે હુમલાનો ભોગ બનેલી મહિલાઓની ઝડપી અને ન્યાયી સુનાવણી કરે એવી વ્યવસ્થાની માંગ કરતા હતા. હું તે વખતે ત્યાં હાજર હતી, માર્ગો પરના વિરોધનું કવરેજ કરતી હતી, પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા મોટી સંખ્યામાં બહાર નીકળેલી મા-દીકરીઓ સાથે વાત કરતી હતી.

ભા.જ.પ.ની નેતાગીરી ક્યાં છે આજે? સત્તામાં છે ત્યારે આ ઘટના પર મૌન કેમ? યુ.પી. પોલીસ યોગી આદિત્યનાથને અહેવાલ આપે છે ને વાતનો ત્યાં અંત આવે છે. ના, એ પર્યાપ્ત નથી કે પ્રધાન મંત્રીએ યુ.પી.ના મુખ્ય મંત્રીને ફોન કરીને કહ્યું કે આરોપીઓને કાયદાના જોરદાર સકંજામાં લેવામાં આવે. અસલમાં આના માટે કોને જવાબદાર ઠેરવવામાં આવે છે? સંસ્કારી લોકશાહીમાં મુખ્ય મંત્રીએ રાજીનામું મૂકવાનો નિર્ણય કર્યો હોત. પણ એ બધાંને પડી નથી. એ લોકો આક્રોશ શમવાની અને સમાચારોનું ચક્ર ફરે ને દીપિકા પાદુકોણની આગલી વૉટ્સઍપ ચૅટ બહાર પડે એની રાહ જોશે.

આ ઘટના પર સત્તાધીશ પક્ષની નેતાગીરીનું મૌન દેખીતું છે. સ્મૃતિ ઇરાની, મહિલા અને બાળ વિકાસ મંત્રી અને યુ.પી.ના ધારાસભ્ય, જે ઘણા બધા પ્રશ્નો પર પોતાની વાત મુકતાં હોય છે, આ ઘટના અંગે જોઈએ એટલી મજબૂતીથી આ કુટુંબ માટે ન્યાયની માંગણી કરી શક્યા નથી. પ્રધાન મંત્રીએ આ ઘટના પર હજુ સુધી એક ટ્વીટ પણ કરી નથી. “બેટી બચાવો”નું સૂત્ર આપનારી આ સરકારે આપણી બેટીઓને માત્ર સૂત્ર બનાવી દીધી છે.

નિર્ભયાના બળાત્કાર અને હત્યા બાદ સંસદ દ્વારા નવા કાયદા પસાર કરવામાં આવ્યા, પણ આંકડા સૂચવે છે કે  મહિલાઓ વિરુદ્ધ આચરવામાં આવતા ગુનામાં ઘટાડો નહીં, પરંતુ વધારો થયો છે. આ જ અઠવાડિયે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા પ્રકાશિત સરકારી આંકડા દર્શાવે છે કે અગાઉના વર્ષની સરખામણીમાં ૨૦૧૯માં મહિલાઓ વિરુદ્ધ આચરવામાં આવતા ગુનામાં ૭%નો વધારો થયો છે. ndtv.com પર પ્રકાશિત એક અહેવાલ મુજબ ૨૦૧૮માં એક લાખ મહિલાઓની વસ્તી દીઠ ગુનાનો દર ૫૮.૮%થી વધીને ૨૦૧૯માં ૬૨.૪% થયો હતો. નિર્ભયાના હત્યારાની ખૂબ વિલંબિત સુનાવણીના અંતે એમને મળેલી મોતની સજા ડારનારી ઘટના સાબિત ન થઈ. હકીકતે, આપણી આખી વ્યવસ્થા તૂટી ચૂકી છે, પોલીસથી માંડી ન્યાય વ્યવસ્થા સુધી. સજાનો ડર નથી રહ્યો.

છેવટે, મીડિયા છે. અમુક અપવાદોને બાદ કરતાં, મોટા ભાગના મુખ્યધારાના માધ્યમોએ ગઈકાલ સુધી હાથરસની ઘટનાને લક્ષમાં જ લીધી ન હતી. ભલે મહિલાઓના બળાત્કાર અને હત્યા થાય, અર્થતંત્ર ખૂબ મુશ્કેલીમાં હોય, કોવિડ ઘણાં વધુ લોકોને મારી નાખે, ચીન આપણા દેશમાં પગપેસારો કરે, અમુક ન્યુઝ ચૅનલો બૉલીવુડ અને એની કથિત ડ્રગ સમસ્યાનો રાત દર રાત પીછો કરતી રહેશે. આ ભયાનક હુમલો જો મોટાં શહેરની મહિલા પર થયો હોત, તો ન્યુઝ કવરેજ બહુ જુદુ હોત એની મને ખાતરી છે. આ વખતે કૅન્ડલ-લીટ માર્ચ નથી, ૨૦૧૨માં આઘાત પામેલા મધ્યમ વર્ગ તરફથી વિરોધની બૂમાબૂમ નથી. આપણે બધાં જ તૂટી ચૂક્યાં છીએ.

સ્રોત : www.ndtv.com

તારીખ : ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૦

નિધિ રાઝદાન અસોસિયેટ પ્રોફેસર, જર્નલિઝમ વિભાગ, હાવર્ડ યુનિવર્સિટી અને એન.ડી.ટી.વી.નાં ભૂતપૂર્વ ઍક્સિક્યુટિવ ઍડિટર છે.

Loading

હવે તો રોકો !!!

મુકેશ પરીખ|Opinion - Opinion|2 October 2020

હે મારા દેશના કહેવાતા
રાજકીય નેતાઓ!

દેશની દીકરીઓને
સળગાવીને એ જ
ભઠ્ઠી ઉપર રાંધવાનું
હવે તો રોકો!

‘દીકરી બચાવો’ના
ખોખલા
નારા લગાવવાનું
હવે તો રોકો!

શહીદ દીકરીઓનાં
નામ વટાવીને
મતપેટીઓ ભરવાનું
હવે તો રોકો!

ખાખી વરદી આપીને
બહાદુર જવાનોને
કઠપૂતળી બનાવવાનું
હવે તો રોકો!

દેશની સંસ્કૃતિનું
ગુંડાઓ થકી સરેઆમ
લિલામ કરાવવાનું
હવે તો રોકો!

રામ-રહીમ અને
કૃષ્ણની પાવન ભૂમિને
નર્કાગાર બનાવવાનું
હવે તો રોકો!

ઓક્ટોબર ૧, ૨૦૨૦

https://www.facebook.com/mukesh.parikh.90

Loading

ગાંધી, સંકેલાતે એક્સો એકાવનમે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|1 October 2020

હવે તરતમાં ગાંધી જયંતી આવશે. સાર્ધ શતાબ્દી નિમિત્તે કંઈક શોરઉજવણાં, કંઈક સહવિચાર-દોર તો ક્રિયોપચાર વગેરે વિરમ્યાં કે આછર્યાં પછી બાકી સિલક શું રહે છે એ એક સહજ જાગતો સવાલ છે અને રહેશે. ગાંધીનાં ચશ્માં ને ઝાડુ તો કે’દીનાં સત્તા-પ્રતિષ્ઠાને હસ્તગત કીધાં છે. તેમ છતાં, સ્વચ્છતા ઝંખતી પારદર્શક દૃષ્ટિની રીતે જે ગાંધીની વિરાસત છે તે છે.

દેખીતી રીતે જ સામ્પ્રત કોરોનારણ્યે પહેલો પ્રતિભાવ કદાચ એવો હોઈ શકે કે સરવાળે સવાલ તો જીવનશૈલીનો છે. જે જીવનશૈલી ભણી આપણે આંધળીદોટ ને આકરી હરીફાઈ(રેટ રેસ)માં ગાંડાતુર પેશ આવીએ છીએ – રનિંગ એમક, એ પુનર્વિચાર માગે છે. હજુ ઔદ્યોગિકીકરણ આજની હદે નહોતું ત્યારે, ખાસાં એકસો દસથી પણ વધુ વરસ પર, ‘હિંદ સ્વરાજ’માં ગાંધીએ આ સ્તો ઊહાપોહ કરેલો. જો કે લાંબા સમય લગી ઘણાં વર્તુળોમાં આ કિતાબ સાહિત્યેર ઉપેક્ષિતા શી રહી છે. બલકે, માદામ સોફિયા વાડિયાએ ‘આર્યન પાથ’નો વિશેષાંક ‘હિંદ સ્વરાજ’ વિશે કાઢવાનું નક્કી કર્યું ત્યારે ખુદ ગાંધીએ સંદેશમાં કહ્યું હતું કે વાચક યાદ રાખે કે એક મિત્રે આને ‘મૂર્ખ માણસની કૃતિ’ કહી છે. અને આ મિત્ર, ગાંધીજીના ગુરુઓ પૈકી ગોખલે હતા.

ગમે તેમ પણ, જીવનશૈલી બાબતે જે બુનિયાદી વિચારભૂમિકા ‘હિંદ સ્વરાજ’ના લેખકે સૈકાથીયે પહેલાં લીધી હતી તે ભૂમિકા આજે ઔદ્યોગિકોત્તર (પોસ્ટ ઈન્ડસ્ટ્રિયલ) સમયમાં તો ઊલટાની વધુ વિચારણીય અને આચરણીય લાગે છે. લૉકડાઉનનાં અઠવાડિયાઓમાં કંઈક પ્રદૂષણ ઘટ્યું ન ઘટ્યું અને સુદૂર જલંધરથી હિમાલયનાં દર્શન થવાં લાગ્યાં ત્યારે કેવી હરખની હેડકી ઉપડી’તી યાદ છે ને. પણ એ તો એક આભાસી આનંદ હતો, અને જીવનશૈલીનો પડકાર તો એથી દૂર, એથી ઊંડે જતો એકદમ જ મૂળગામી છે.

મારી દૃષ્ટિએ જો કે મુશ્કેલી જરી જુદી છે. મૂળગામિતાની જિકર કરતી વખતે આપણે ખોટા નથી. પણ ગાંધીને સારુ મૂળગામિતા એ પ્રત્યક્ષ સામે આવી ઊભેલ સીધા સવાલનો તત્ક્ષણ વિકલ્પ નહોતો. સામ્પ્રત જોડે કામ પાડવાનું લગારે ચૂક્યા વગર એ ચાલતા. અલબત્ત, એ પ્રકારની મથામણ અગર જદ્દોજહદ વહોરતી વખતે એ દૂર જોવાનું ચૂકતા નહીં; પણ એમનું દૂર જોવું તે સામ્પ્રત પડકારમાંથી પલાયન થવાની પેરવી નહોતી. દૂરિતને દૂરની આશાએ અણદીઠું કરવું ને વણપડકાર્યા રહેવું એ ગાંધીની પદ્ધતિ નહોતી. એક ડગલું બસ થાય, એ ક્રિયારૂપ ગાંધીની સૂઝતાં સૂઝે એવી રણનીતિ હતી.

વિશ્વસ્તરે બીજી ઑક્ટોબર અહિંસા દિવસરૂપે મનાવાય છે ત્યારે આ સંદર્ભમાં એ સંભારવું રસપ્રદ ને વિચારપ્રદ થઈ પડશે કે આ અહિંસામૂર્તિને નોબેલ શાંતિ પારિતોષિક મળ્યું નહોતું! ભાઈ, એનો ખુલાસો સીધોસાદો એ છે કે એ અન્યાયનો પ્રતિકાર ટાળીને શાંતિ ખાતર શાંતિના હિમાયતી નહોતા. સામ્પ્રતમાં પ્રત્યક્ષ દૂરિતને વણદેખ્યું વણપડકાર્યું જવા દેવું, અન્યાયને આધીન થવું એવી કોરીધાકોડ ને અર્થશૂન્ય શાંતિ એ આ અહિંસામૂર્તિને પસંદ નહોતી. એટલે સહજરૂપે શાંતિ પુરસ્કાર માટે ઉભરવું જોઈતું એમનું નામ યુરોપીય સંસ્થાનવાદની ભીંતે અફળાઈને પાછું પડતું રહ્યું. શાંતિ અને ન્યાય વચ્ચે અવિનાભાવ સંબંધ જોતી અહિંસાદૃષ્ટિ આ માણસની હતી, પણ સંસ્થાનવાદી સત્તાઓને એમની ભૂમિકા ક્યાંથી રાસ આવે? અલબત્ત, ૧૯૪૮નું શાંતિ માટેનું નોબલ પારિતોષિક કોઈને ય અપાયું નહીં (કેમ કે ૩૦મી જાન્યુઆરીની ઇતિહાસઘટનાએ જેની પાત્રતા અંકે કરી હતી તે વ્યક્તિને મરણોત્તર માન આપવું શક્ય નહોતું).

ગાંધી પરત્વે લાંબો સમય ટીકાભાવ સેવતા ડાબેરીઓને ગાંધીના બલિદાને છેક નહીં તો પણ કંઈક પુનર્વિચાર કરવા પ્રેર્યા હતા, એ ઇતિહાસવસ્તુ છે. જો કે ખાસું નોંધપાત્ર નિરીક્ષણ બીયૉન્ડ માર્ક્સિઝમની રીતે નવમાનવવાદ વિકસાવી ચૂકેલ ક્રાંતિપંડિત માનવેન્દ્રનાથ રાય (એમ.એન. રોય) તરફથી દર્જ થયેલું છે. બલિદાન પરત્વે આદરાંજલિના હૃદયભાવ સાથે એમણે કહ્યું હતું કે રાષ્ટ્રવાદના ઉદ્‌ગાતાનો ભોગ છેવટે રાષ્ટ્રવાદે જ લીધો! ગાંધીએ દેશની આમ જનતાને પૂર્વે નહીં તે હદે ઉદ્યુક્ત કરી ત્યારે તેમાં રહેલી હિંસક શક્યતા વિશે ગુરુદેવે મહાત્માને જાહેરમાં આલોચનાવચનો કહેતાં સંકોચ કર્યો નહોતો, અને એમણે જેમાં ‘ધર્મ’ જોયો તે વિશે ઘટતી નુકતેચીની અને સફાઈને ધોરણે મહાત્માએ એમને ‘ગ્રેટ સેન્ટિનલ’ (મહાન સંત્રી) કહ્યા હતા. એ આખી ચર્ચા રાષ્ટ્રવાદની રવીન્દ્ર-ગાંધી ભૂમિકાને યુરોપીય અભિગમથી અલગ તારવવાની દૃષ્ટિએ મૂળગામી મહત્ત્વની બની રહે છે. અમદાવાદમાં આશ્રમની સ્થાપના વેળાએ વિશ્વહિતને અવિરોધી એવા દેશહિતની જે ભૂમિકા ગાંધીએ લીધી હતી એમાં પણ એ સંકેત વાંચી શકાશે. યુરોપીય રાષ્ટ્રવાદમાં રમી દેશમાં એક પ્રકારે સાંસ્થાનિક માનસિકતાવશ ખીલી રહેલા સંકીર્ણ ને પ્રતિગામી રાષ્ટ્રવાદથી ઉફરાટે ગાંધીવલણને એક સળંગ પ્રક્રિયારૂપે જોતાં, બને કે, રૉયને પોતાની ટિપ્પણીમાં કંઈક સુધાર કરવાપણું પણ લાગી શકે.

એમની અહિંસાદૃષ્ટિ કહો, પ્રેમની ભૂમિકા કહો, એણે ગાંધી પાસે એક સત્યાગ્રહી અભિગમ વિકસાવ્યો. દૂરિતનો શાંતિમય પ્રતિકાર કરતે કરતે, ખુદ કષ્ટસહનને રસ્તે, ન્યાય વાસ્તે મથવું એ એમનો વિશેષ હતો. એમનાં ચશ્માં અને એમનું ઝાડુ તો સત્તા-પ્રતિષ્ઠાને માનો કે ઓળવી લીધાં, પણ એમની કને તો એક આખું પેકેજ હતું જેમાં સત્યાગ્રહી પ્રતિકાર એ કદાચ સૌથી મોટી વાત હતી – અને એ પ્રતિકારની જ એક છટા જેને અસંમતિનો અવાજ કહેવામાં આવે છે તે હતી.

વિશ્વસ્તરે અહિંસા દિવસનું ગૌરવ લેવું અને ઘરઆંગણે અસંમતિના અવાજને રૂધવો તેમ જ દમવો, શું કહીશું એને. અસંમતિના અવાજ સહ શાંતિમય પ્રતિકારની રીતે જેઓ કાર્યરત છે એ સૌ પોતપોતાની ગજાસંપત પ્રમાણે નાના નાના પણ ગાંધી છે. તેઓ પ્રસંગે વિરોધ કે પ્રતિકારની જે ભૂમિકા લેતા માલૂમ પડે છે એ વાસ્તવમાં સમાજમાં જે લૂણ પડેલું છે એનું પ્રગટીકરણ નથી તો કશું નથી.

મુદ્દે, ગાંધીનાં ચશ્મે જોવા સારુ જે સાફ નજર જોઈએ અને ગાંધીનું ઝાડુ સાહવા માટે જે મજબૂત પકડ જોઈએ તેનું હાલના સત્તા-પ્રતિષ્ઠાનમાં એ હદે ટાંચુ પડેલું છે કે તે કેવળ અને કેવળ સત્તાશાહી, સામ્રાજ્યશાહી, સંસ્થાનશાહી માનસ સિવાય કામ લઈ શકતી નથી.

હમણેના દિવસોમાં જે દાખલા બહાર આવી રહ્યા છે તેની લગરીક વાત કરીએ તો મુદ્દો તરત સાફ થઈ જશે. શાહીનબાગના નમૂનેદાર શાંતિમય પ્રતિકાર નિદર્શન પછી રાજધાનીના એક હિસ્સામાં હિંસાનો જે દોર ચાલ્યો એને અંગે મોડે મોડે એફ.આઈ.આર. દર્જ કરી જે પકડાપકડી થઈ તેમાં મહદ્‌ ધોરણે વરતાતી રૂખ જેઓ ભોગ બન્યા છે એમને જ કનડવાની છે. પોલીસ ચાર્જશીટમાં યોગેન્દ્ર યાદવ, હર્ષ મંદર, રાહુલ રોય, સબા દીવાન વગેરે વાતચીત, સમાધાન, શાંતિ-પ્રયાસમાં રોકાયેલાઓને ગુનેગાર ઠરાવવાની કોશિશ જણાય છે. જેમણે શાંતિના પ્રયાસ કીધા એ પકડવા લાયક મનાયા! સામ્રાજ્યશાહી સંસ્થાનવાદ અન્યાય પ્રતિકારક ગાંધીનું શાંતિ સૈનિક શું સ્વરૂપ સમજવામાં ગોથું ખાતો અગર જોયું ન જોયું કરતો હતો, કંઈક એવું જ આ કિસ્સામાં બની રહ્યું છે. તાજેતરનાં વરસોમાં ભીમા કોરેગાંવ ઘટના પણ બીજું શું છે? એને બહાને દેશભરમાંથી એવાઓને ખોળી ખોળીને પકડવામાં આવ્યા છે જેઓ મોટે ભાગે અહીં કે તહીં અન્યાયપીડિતોને ન્યાય અપાવવાની શાંતિમય ચળવળમાં પડેલા છે. બીજી બાજુ, મિલિન્દ એકબોટે અને સંભાજી ભીડે (હિન્દુત્વવાદી નેતાઓ) સામે ઉશ્કેરણીના આરોપો અને પુરાવાના સગડ છતાં પોલીસ કારવાઈનો કોઈ સંચાર નથી.

જેઓ નવી ને ન્યાયી દુનિયા ઝંખે છે અને શોષણયુક્ત સમાજવ્યવસ્થાના સિપાહી છે તેઓ પોતપોતાની મર્યાદામાં ગાંધીનું કામ કરી રહ્યાં છે. એમની કનડગત કરનારું સત્તા-પ્રતિષ્ઠાન ગાંધીની સાર્ધ શતાબ્દીનાં શોરઉજવણાં પછી અને છતાં કાલચક્રની કસોટીએ ગુનેગાર ઠર્યા વિના રહેવાનું નથી.

કાશ, ગાંધીનું એકસો એકાવનમું આ પાયાની સમજ સાથે સંકેલાઈ શકતે!

સપ્ટેમ્બર ૨૮, ૨૦૨૦     

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2020; પૃ. 01-02

Loading

...102030...2,2672,2682,2692,270...2,2802,2902,300...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved