Opinion Magazine
Number of visits: 9965752
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માળખાંકીય સુવિધાઓ અને મનોરંજન વચ્ચેનો તફાવત સમજવા જેવો છે

કાર્તિકેય ભટ્ટ|Opinion - Opinion|14 October 2020

શું તમે કદી આનંદમેળામાં કે એમ્યુઝમેન્ટ પાર્કમાં ગયા છો? ત્યાં ટ્રેન હોય છે, પ્લેન હોય છે, બોટ હોય છે. નાનાં-મોટાં વિસ્મયકારક પ્રદર્શનો હોય છે. પણ આ બધું જ હોય છે માત્ર મનોરંજન માટે, ઘડી-બે ઘડીના આનંદ માટે અને ખાસ તો રૂપિયા ખર્ચીને હળવા થવા માગતા સંપન્ન કુટુંબનાં લોકો માટે !

આવા આનંદમેળા હવે ગામડાંમાં પણ થાય છે. ગામડાંમાં પણ પૈસા ખર્ચી શકે તેવા લોકો આ મનોરંજનનો લાભ લે છે. છતાં, ગામડાંનાં લોકોને એટલી ખબર તો પડે જ છે કે આ માત્ર ઘડી-બે ઘડીનું મનોરંજન છે. આ આનંદમેળા કે એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડને કાયમી સેવા કે અર્થશાસ્ત્રની ભાષામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહી ન શકાય! આનંદમેળાની ગાડી કાયમી અપ-ડાઉનની સુવિધા નથી આપતી! પ્લેન કે બોટીંગ એ કાયમી સગવડો નથી, ભ્રમણા છે, દેખાડો છે, બે ઘડીનું મનોરંજન છે.

ગામડાંમાં સામાન્ય માણસને સમજાય તેવી બાબતો દેશના ઉચ્ચ મધ્યમ વર્ગના ચર્ચાવીરોને કાં તો સમજાતી નથી, કાં તો તેમને સમજવી નથી. અને અર્થશાસ્ત્રના અભ્યાસીઓ હવે રહ્યા નથી, અથવા ચાલ્યા ગયા છે. બાકી કોઇક તો, ક્યાંકથી તો અવાજ ઉપાડત કે થોભો! સી પ્લેન ઉડાડવાની હમણાં કયાં જરૂર છે? માત્ર અમદાવાદથી મુંબઇ વચ્ચે આવ-જા માટે બૂલેટ ટ્રેનના રાક્ષસી મૂડીરોકાણ અને વિદેશી દેવાની શું જરૂર છે? શહેરમાં બી.આર.ટી.એસ. કે અમદાવાદ-ગાંધીનગરના માત્ર ૨૬ કિલોમીટરના અપ-ડાઉન માટે હજાર કરોડનું મૂડીરોકાણ ન કરો. દેશમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ખૂબ જરૂરી હોય છે. કોઈ પણ દેશના આર્થિક વિકાસનો આધાર આંતર મૂડી માળખાંની સગવડોના વિકાસ પર હોય છે.

રસ્તા-પાણી-વીજળી-સંદેશાવ્યવહાર-વાહનવ્યવહાર વિકસે પછી અર્થતંત્ર આપોઆપ વિકસે, પણ જેમ ઘટના અને પ્રક્રિયામાં ફેર છે, તેમ આખા દેશમાં ટ્રેનની સુવિધા અને માત્ર બે શહેર વચ્ચે ટ્રેનની સુવિધા ઊભી કરવી તે બે બાબતમાં ફેર છે. એમ તો મુંબઈથી પૂણે વચ્ચે ટ્રેન અંગ્રેજોએ શરૂ કરી હતી, પણ આપણે તેને આંતરમૂડી માળખું ગણી શકીએ નહીં. રેલવે આંતરમૂડી માળખાંનો હિસ્સો તો ત્યારે બની, જ્યારે તે કાશ્મીરથી આસામ સુધી મુસાફરો, ખેતઉત્પાદનો, ઔદ્યોગિક સામાન બધું જ લાવવા- લઈ જવામાં મદદરૂપ થવા લાગી. મોટાં શહેરોમાં શહેરદર્શન માટે રંગબેરંગી સુશોભિત બસો ફરે છે પણ તે વાહનવ્યવહારની સગવડ ત્યારે જ બને છે, જ્યારે સિટી બસ મજૂરો-નોકરિયાતો-વિદ્યાર્થીઓ સૌના અપ-ડાઉનને સરળ બનાવે!

અર્થશાસ્ત્ર એ અછતવાળાં સાધનોનો માણસ પોતાની અમર્યાદિત જરૂરિયાત સંતોષવા કઈ રીતે ઉપયોગ કરે છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. સામાન્ય જન નહીં તો, કમ સે કમ અર્થશાસ્ત્રીઓએ તો બોલવું જોઈએ કે સરકારોએ દેશનાં અછતવાળાં સાધનોનો ઉપયોગ એવા ક્ષેત્રમાં કરવો જોઈએ, જયાં લાભ વ્યાપક હોય અને સમયની રીતે લાંબા ગાળાના હોય! છેલ્લાં વર્ષોમાં ભારતમાં સરકાર દ્વારા જે મોટાં મૂડીરોકાણો હાથ ધરાયાં છે તે દેશનું અર્થતંત્ર જાણે કે એમ્યુઝમેન્ટ પાર્ક હોય તે રીતે થઇ રહ્યાં છે. માત્ર બે શહેર વચ્ચે બુલેટ ટ્રેન કે માત્ર બે શહેર વચ્ચે સી પ્લેન!

જરા ધ્યાનથી જુઓ. શહેરના ઉચ્ચ ધનિક વર્ગના લોકોને એક માનસિક સંતોષ મળે કે હા, અમે પણ સી પ્લેનમાં બેઠા! હા, અમે પણ બુલેટ ટ્રેનમાં મુંબઇ ગયા’તા. એનાથી વિશેષ કયો લાભ આ હજારો કરોડોના રોકાણમાંથી મળવાનો છે? હા, એટલું ખરું કે આટલી મોટી મૂડી તેમાં રોકાઈ જશે તો તે દવાખાનાં, સ્કૂલ, ગામડાંના રસ્તાને નહીં મળે. રીવરફ્રન્ટ, તળાવ-વિકાસ, બુલેટ ટ્રેન વગેરેના નિર્માણમાં જે લોખંડ-સિમેન્ટ વપરાશે તે અર્થતંત્રનાં ઉત્પાદક કામોમાં નહીં વપરાય! આ વિકાસ માત્ર જોઇને રાજી થવાનો છે. અનુભવીને નહીં!

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 12 ઑક્ટોબર 2020; પૃ. 13

Loading

સ્ત્રીઓ પરની હિંસા કેમ અટકતી નથી ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|14 October 2020

ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત યુવતી પરના બળાત્કારની ઘટના કંઈ પહેલી નથી અને કદાચ છેલ્લી પણ નહીં હોય. દેશમાં દર પંદર મિનિટે બળાત્કારની એક ઘટના નોંધાતી હોવાનું દેશનું ગૃહ મંત્રાલય સત્તાવાર રીતે કબૂલે છે. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે છેલ્લા સત્તર વરસોમાં સ્ત્રીઓ પરના બળાત્કારના કેસો બે ગણા વધ્યા છે. બીજી તરફ બળાત્કારીઓને સજાનો દર ઘટી રહ્યો છે. ૨૦૦૬માં બળાત્કારના ગુનેગારોની સજાનો દર ૨૭ ટકા હતો તે ૨૦૧૬માં ઘટીને ૧૮.૯ ટકા થઈ ગયો હતો.

શું બળાત્કાર સહિતની મહિલાઓ પર ગુજારાતી હિંસા કાયદો અને વ્યવસ્થાનો જ સવાલ છે ? તેનો જવાબ હા પણ છે અને ના પણ છે. દિલ્હી, કઠુઆ, ઉન્નાવ, હૈદરાબાદ અને હવે હાથરસ જેવા જે મોટા સ્ત્રી હિંસાના અને સામૂહિક બળાત્કારના બનાવો બન્યા છે, તે દર્શાવે છે કે દેશમાં કાયદાનું મજબૂત શાસન છે અને તે તેમને છોડશે નહીં તેવો ગુનેગારોને ડર નથી. નિર્ભયા કાંડ અને તે પછીના જે કેટલાક બળાત્કારના બનાવો નોંધાયા છે, તેમાં મહિલા વિરોધી યૌન હિંસા અસહનીય હદે ક્રૂર રીતે પ્રગટી છે. સભ્ય સમાજ હોવાના આપણા તમામ દાવાને તેણે નકારી દીધા છે. હાથરસમાં જે જઘન્ય હિંસા આચરાઈ છે તેણે તો કોઈ પુરુષ કઈ હદે ક્રૂર બની શકે તે દર્શાવ્યું છે.

ભૂતકાળના બળાત્કાર અને યૌન હિંસાના બનાવો અને હાલના બનાવો એ વાતે પણ નોખા છે કે હવેના બનાવો સામૂહિક બળાત્કારના હોય છે, તેમાં બળાત્કાર પછી મહિલાને રહેંસી નાંખવામાં આવે છે, એટલે આ કોઈ સામાન્ય અપરાધી કે અપરાધી માનસનું કૃત્ય નહીં પણ અપરાધ સમૂહોનું કૃત્ય હોય તેવો પણ અંદેશો જાગે છે. પ્રતિષ્ઠિત અને ધર્મ, રાજ તથા અર્થસત્તા ધરાવતા લોકો યૌન હિંસા આચરવામાં મોખરે હોય છે. જાણે આખા સમાજનું અપરાધીકરણ થયું હોય તેમ આ બનાવોની પેટર્ન જોતાં લાગે છે. તેમાં પોલીસ અને તેને જેની ઓથ છે તે સરકારોની ભૂમિકા બહુ ભૂંડી છે.

જેમ હૈદરાબાદમાં તેમ હાથરસમાં પણ પોલીસ શરૂઆતમાં ફરિયાદ અને તપાસમાં વિલંબ કરતી જોવા મળી છે. સ્ત્રી હિંસાને ડામવા માટે પોલીસનું સંવેદનશીલ હોવું તે પોલીસ રિફોર્મનું પ્રથમ પગથિયું જ હજુ ભરાતું નથી. દેશ વિદેશમાં બહુ ગાજેલા ૨૦૧૨ના દિલ્હીના નિર્ભયા કાંડના દોષિતોને સજા અપાવવામાં સાત વરસ થયાં હતાં મહારાષ્ટ્રના ખેરલાંજી બળાત્કાર અને હત્યાકાંડને ચૌદ વરસ અને રાજસ્થાનના ભંવરીદેવી બળાત્કારને તો ત્રીસ વરસ થયાં છે પણ હજુ અંતિમ ન્યાય મળવાનો બાકી છે.

ભારતની સર્વોચ્ચ અદાલતમાં આશરે પચાસ હજાર, વડી અદાલતોમાં પચાસ લાખ અને દેશની અન્ય અદાલતોમાં ત્રણ કરોડ કેસો ન્યાયની આશા રાખીને ઊભા છે. સ્ત્રી વિરોધી હિંસા આચરતા અપરાધીઓને જાણે કે કાયદાથી બચવાના તમામ પ્રયાસોની ખબર છે પોલીસ તપાસ અને ન્યાયની અદાલતોમાં ત્વરિતતા અને તત્પરતાનો અભાવ છે. અદાલતોમાં લંબિત મામલાઓની સંખ્યા કરોડોની હોય, ન્યાયાધીશોના ઘણા પદ ખાલી હોય અને બળાત્કારના લાખો કેસ ન્યાયની રાહમાં અદાલતોમાં પડતર હોય તો મહિલાઓ પરની હિંસા અટકે ખરી ? બળાત્કારના કેસો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાનો અનુભવ પણ પણ સારો નથી. માર્ચ ૨૦૧૯માં ૫૮૧ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ૫,૯૦,૦૦૦ કેસો પડતર હતા. બળાત્કારના કુલ કેસોમાં મોટો હિસ્સો ધરાવતા રાજ્યોમાં તો ફાસ્ટ કોર્ટો જ નથી.

ન્યાયની ઓછી અને પુરાવાની વધુ એવી ભારતની અદાલતોમાં દર ચારમાંથી એક જ બળાત્કારના આરોપીને સજા થાય છે અને બાકીના ત્રણ નિર્દોષ છૂટી જાય છે. ૨૦૧૮માં બળાત્કાર વિરોધી કાયદા હેઠળના કેસોમાંથી ૯૩.૨ ટકા અને પોક્સો એકટ હેઠળના કેસોમાંથી ૯૪.૩ ટકા કેસોમાં ચાર્જશીટ દાખલ થયા હતાં. પરંતુ આ બંને ગુના હેઠળ અનુક્રમે ૨૭.૩ ટકા અને ૩૧.૫ ટકા જ આરોપીઓ દોષિત ઠર્યા હતા. યૌન હિંસામાં ૯૯.૧ ટકા કિસ્સામાં તો ફરિયાદ જ થતી ન હોય ત્યારે સજાનો આટલો નીચો દર ચિંતાજનક છે.

૨૦૧૨ના નિર્ભયા કાંડ પછી રચાયેલી જસ્ટિસ વર્મા સમિતિની ભલામણોને અનુલક્ષીને કાયદામાં સુધારા કરાયા છે. મહિલા સલામતી માટે વિશેષ નિર્ભયા ફંડની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ રાજ્ય સરકારો મહિલા સુરક્ષાના મુદ્દે ઉદાસીન જણાય છે. નિર્ભયા કોષના પોણા ભાગનાં નાણાં વણવપરાયેલા રહ્યા છે. યુ.પી., દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને તેલંગાણાએ તેને ફાળવેલા નિર્ભયા ફંડમાંથી માત્ર સાત જ ટકાનો ખર્ચ કર્યો હતો. મણિપુર, ત્રિપુરા, સિક્કિમ અને દમણ-દીવે એક પણ રૂપિયાનું નિર્ભયા ફંડ વાપર્યું નથી. સૌથી વધુ ખર્ચ કરેલ રાજ્યો, મિઝોરમ અને ઉત્તરાખંડે પણ પચાસ ટકા રકમ જ વાપરી હતી.

મહિલાઓ પરના અત્યાચારો ખાસ કરીને યૌન હિંસા માટે સરકાર જેટલો જ સમાજ પણ જવાબદાર છે. પુરુષોની એટલે પુરુષસત્તાક સમાજની દૂષિત માનસિકતા બદલાશે નહીં ત્યાં સુધી આ બાબતમાં ઝાઝો ફેર પડવાનો નથી. ઉત્તર પ્રદેશના બદાયું બળાત્કાર કાંડ વખતે પોતાના જાતભાઈઓની તરફેણમાં બુઝુર્ગ સમાજવાદી નેતા ઓચર્યા હતા કે, ‘લડકે હૈ ભૂલ હો જાતી હૈ’. હવે આવાં વલણો અને માનસિકતા ચાલશે નહીં. યૌન હિંસા માટે સ્ત્રીઓની દિનચર્યા કે વેશભૂષાને પણ જવાબદાર ઠેરવવાની માનસિકતા છે. ગામડાંની ખેતકામદાર સ્ત્રીઓ કે ગરીબ, દલિત ,આદિવાસી સ્ત્રીઓ હિંસા અને બળાત્કારનો સૌથી વધુ ભોગ બને છે. નાની બાળકીઓ અને વૃદ્ધાઓ પર પણ બળાત્કાર થાય છે એટલે સ્ત્રીઓની આધુનિકતા અને વેશભૂષા નહીં પુરુષોની નીચ માનસિકતા  આ માટે જવાબદાર છે.

સામાજિક, રાજકીય, આર્થિક અને ધાર્મિક તાકાત દેખાડવા કે સ્ત્રીઓ પર અને તે દ્વારા નબળા અને દબાયેલા વર્ગો પર નિયંત્રણ અને વર્ચસ્‌ સ્થાપવા બળાત્કારનું હથિયાર ઉગામવામાં આવે છે. રોજ ચાર દલિત મહિલાઓ પર બળાત્કાર થતા હોવાનું સત્તાવાર અહેવાલો જણાવતા હોય તો તેની ગંભીરતા સરકાર અને સમાજને સત્વરે સમજાવી જોઈએ. દારૂ અને નશાનું જોર પણ સ્ત્રી હિંસાનું પ્રમુખ કારણ છે. હિંસક અને અશ્લીલ ફિલ્મો અને પોર્નોગ્રાફીનો ફાળો પણ આ સમસ્યાને વકરાવે છે. મહિલાઓ પરની યૌન હિંસાને અટકાવવા વ્યાપક પ્રમાણમાં સમાજ સુધારણા થવી જોઈશે. બાળકોમાં શરૂઆતથી જ સ્ત્રી-પુરુષ સમાનતાના સંસ્કારો રોપવાની અને તેની સતત માવજત કરતા રહેવાની પણ જરૂર છે.

(તા.૧૪-૧૦-૨૦૨૦)

e.mail : maheriyachandu@gmail.com

Loading

વ્યથા એક બાળકની

કમલેશ ઓઝા|Opinion - Opinion|14 October 2020

હું એક ગર્ભશ્રીમંત
કુટુંબનું એકનું એક બાળક છું –
હું કંઇક સમજણો થયો
ત્યારથી મને એક પ્રશ્ન
મૂંઝવે છે તેનો જવાબ
તમે આપી શકો તો જરૂર આપજો –
આમ તો, મારા પપ્પા
અને મમ્મી બહુ જ કામમાં
રહે છે એટલે જ ક્યારે ય
આ પ્રશ્ન તેમને પૂછતો નથી –
નાહકના તેમના વ્યસ્ત
જીવનમાં ખલેલ પહોંચેને!
પપ્પા ધંધામાં એવા વ્યસ્ત છે કે
તેમની ઝાકમઝાળ અને
રંગીન દાસ્તાનને વધુ
રંગીન બનાવવામાં આખા
ભારતમાં તેમ જ વિદેશમાં
ઊડ્યા કરે છે –
કોઇવાર તેમની સામેના ઢગલાબંધ
મોબાઇલ ફોનમાં વાત સંભળાય
જાય કે પપ્પા કાલે મદ્રાસ હતા અને
આજે પાછા દિલ્હી જશે –
મમ્મી કીટી પાર્ટી અને ક્લબોના થોકબંધ
કાર્યક્રમમાં બહુ વ્યસ્ત હોઇને
બહુ મોડાં ઘરે પાછાં
આવે ત્યારે
હું લગભગ સૂઇ ગયો હોઉં
પણ બીજે દિવસે તેમને દૂરથી જોઇ લઉં છું !
કારણ કે તેઓ પણ ઢગલાબંધ
સેલ ફોનમાં વાતો કરતાં
ગળાડૂબ કામમાં હોય એટલે
મારે કાંઇ તેમને બોલાવાય ?
હા, મારી કાળજી પેલા
સુધાબે’ન જરૂર રાખે કે જેઓ
મારા જન્મની સાથે જ
વર્ષોથી મારી સંભાળ રાખતા આવ્યાં છે
આમ તો તેમને આયાનું
કામ સોંપેલું છે પણ હું કોઇવાર
ભૂલથી – સહજ રીતે તેમને મમ્મી
કહી બોલાવું છું તો
ગુસ્સે થતાં નથી –
અને ટપલી મારીને
હસી લે છે -!
અમારા બંગલાની બાજુમાં
એક ખૂણે પગી રણછોડ અંકલ
રહે છે –
તેમનો દીકરો દશરથ
મારી સાથે કોઇવાર
છાનોમાનો રમી લે ત્યારે
મને ખૂબ જ મજા પડે છે –
દશરથને તેનાં પપ્પા મમ્મી
દરરોજ રાત્રે તેમના
ખાટલા પર સાથે સુવડાવે છે
ત્યારે હું આવો ખાટલો શોધું છું
જ્યાં મારી મમ્મી મારી સાથે
સૂતી હોય !
પપ્પાની વાત જવા દો તે તો બહુ
કામમાં હોય તેમની આશા ન રખાય
પણ મમ્મી કોઇવાર
મળે ત્યારે આખો દિવસ હું બહુ
આનંદમાં રહું છું –
રણછોડ અંકલ અમારા બંગલામાં
આવેલા બગીચાનું સારસંભાળનું અને
માવજત કરવાનું
છોડવા ઊગાડવાનું અને પાણી પાવાનું કામ વર્ષોથી
કરતાં આવ્યા છે –
હું તેમને એકી ટસે –
બગીચાની તેમની સારસંભાળ પર
હરહંમેશાં જોયા કરું છું,
બગીચામાં કામ કરતા
છોડવાને પાણી પાતા
માવજત કરતા
રણછોડ અંકલને નિહાળી
મનોમન પૂછી લઉં છું કે
આ રણછોડ અંકલ જેમ બગીચામાં
ફૂલઝાડ ઊગાડવા પાણી
છાંટીને વૃક્ષોને ઊગાડવા
મહેનત કરે છે તેવી મહેનત
અને સંભાળ મારા બાળપણની
આ સાત વર્ષની ઉંમરે –
ઉછેર નામનું પાણી પાવાની જરૂર છે
તેમ મારી મમ્મી પપ્પાને
કોણ સમજાવશે ?
આ વાતનો
મારી વ્યથાનો – મૂંઝવણનો
કોઇ જવાબ આપશો મને ?

તા. ૨૮-૪-૨૦૧૦

e.mail : koza7024@gmail.com

Loading

...102030...2,2462,2472,2482,249...2,2602,2702,280...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved