Opinion Magazine
Number of visits: 9965752
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજ્યમાં શાસનમાં દખલ કરવાનો રાજ્યપાલને કોઈ અધિકાર નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|15 October 2020

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને ભલામણ કરી છે કે તેમણે રાજ્યમાં મંદિરો ખોલવાં જોઈએ. તેઓ આટલી ભલામણ કરીને અટક્યા નથી. તેમણે મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં પૂછ્યું છે કે, ‘શું હવે તમે સેક્યુલર થઈ ગયા છો? તમે હિન્દુત્વવાદી રાજકારણ કરતા હતા. મુખ્ય પ્રધાન બન્યા પછી તમે અયોધ્યા ભગવાન રામના દર્શન કરવા ગયા હતા અને હજુ ત્રણ મહિના પહેલાં અષાઢી એકાદશીને દિવસે પંઢરપુરમાં વિઠ્ઠલ રુકિ્‌મણીની પૂજા કરવા પણ ગયા હતા.’ તેમણે વ્યંગ કરતા લખ્યું છે કે, ‘મંદિરો ખોલવાનું મુલતવી રાખવાનો નિર્ણય કોઈ દૈવી સંદેશનું પરિણામ છે કે પછી તમે હવે સેક્યુલર થઈ ગયા છો? એક સમયે તો સેક્યુલર શબ્દ તમને સાંભળવો પણ ગમતો નહોતો.’

આવા છે અત્યારના રાજ્યપાલો જેમને બંધારણનાં મૂળભૂત તત્ત્વોની અને રાજ્યપાલના હોદ્દાની મર્યાદાની પણ સમજ નથી.

અહીં બચાવ સેકયુલરિઝમનો નથી કરવો. એ તો ભારતના બંધારણીય માળખાનો હિસ્સો છે જ અને માટે ભારત લોકતાંત્રિક – સેક્યુલર – સમવાય (ફેડરલ) સંઘ છે. બંધારણમાં દેશ કે રાષ્ટ્ર શબ્દ નથી ‘સંઘ’ (યુનિયન) શબ્દ છે અને એ શબ્દપ્રયોગ સહેતુક છે. લોકતંત્ર અને સેકયુલરિઝમની રખેવાળી કરવી એ દરેક શાસકનો તેમ જ દેશની લોકતાંત્રિક સંસ્થાઓનો ધર્મ છે અને તેમાં રાજ્યપાલના પદનો પણ સમાવેશ થાય છે. અત્યારના શાસનમાં લોકતંત્ર અને સેકયુલરિઝમ એમ બન્ને ઉપર ખતરો તો છે જ, પરંતુ લક્ષણો જોતાં એમ લાગે કે સમવાય ઢાંચો પણ સુરક્ષિત નથી.

હા, તો અહીં બચાવ ભારતના સમવાયતંત્રના ઢાંચાનો કરવાનો છે. રાજ્યના શાસનમાં દખલગીરી કરવાનો રાજ્યપાલને કોઈ અધિકાર નથી. તેઓ વધુમાં વધુ સૂચન કરી શકે. તેમણે માત્ર સૂચન નથી કર્યું, ઉદ્ધવ ઠાકરેને ટોણા માર્યા છે. તેમણે માત્ર રાજ્યપાલ બંધારણીય મર્યાદાનું ઉલ્લંઘન નથી કર્યું, માણસાઈની મર્યાદાનું પણ ઉલ્લંઘન કર્યું છે. કોઈ સભ્ય માણસ આવો પત્ર લખે?

ઉદ્ધવ ઠાકરેએ યોગ્ય રીતે જ કહ્યું છે કે, ‘અમને અમારું કામ કરવા દો અને અમે હિન્દુત્વવાદી છીએ કે નહીં એ વિશે તમારા સર્ટિફિકેટની જરૂર નથી. અમે અમારો ધર્મ અને અમારી ધાર્મિકતાને જાણીએ છીએ. એક તરફ લોકોની ધાર્મિક શ્રદ્ધા છે અને બીજી બાજુ લોકોની જિંદગી છે. જિંદગી વધારે કિંમતી છે. કેટલોક વખત મંદિરમાં નહીં જવાથી શ્રદ્ધા બુઠ્ઠી નથી થઈ જવાની, પણ લોકોના જીવની રક્ષા કરવી એ શાસકોનો ધર્મ છે. જે રીતે અચાનક ચાર કલાકની નોટિસ આપીને લોકડાઉન કરવાનો નિર્ણય અયોગ્ય હતો એ જ રીતે એક સાથે લોકડાઉન ઉઠાવવો એ પણ અયોગ્ય નિર્ણય સાબિત થઈ શકે છે. રહી વાત હિન્દુત્વની તો એ તમારી પાસેથી શીખવાની અમને જરૂર નથી. લોકોના જીવને જોખમમાં નાખીને મંદિર ખોલો તો હિન્દુત્વવાદી અને ન ખોલો સેક્યુલર એ વિચિત્ર તર્કશાસ્ત્ર અમને સ્વીકાર્ય નથી.’

એ વાત ખરી છે કે શિવસેના એક જમાનામાં હિંદુત્વવાદી રાજકારણ કરતી હતી અને ૧૯૮૯થી હિન્દુત્વવાદી રાજકારણમાં બી.જે.પી.ની ભાગીદાર હતી. જ્યારે તમામ રાજકીય પક્ષ બી.જે.પી. સાથે આભડછેટ રાખતા હતા ત્યારે સેનાએ બી.જે.પી.ને સાથ આપ્યો હતો. ૨૦૧૪ પછી બી.જે.પી.ની સ્થિતિ સુધરી એ પછી બી.જે.પી.એ પહેલો વિશ્વાસઘાત શિવસેના સાથે કર્યો હતો. ત્યારે હિંદુ હિંદુ ભાઈ ભાઈની યાદ નહોતી આવી? એનાથી સામે છેડે ગયા વરસે મહારાષ્ટ્રમાં બી.જે.પી.ને સરકાર રચવામાં બેઠકો ઓછી પડતી હતી, ત્યારે આ જ હિંદુહિતરક્ષક રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ હિન્દુત્વવાદી શિવસેનાને પડતી મૂકીને સેક્યુલર અને નાસ્તિક શરદ પવારના ભત્રીજા અજીત પવારના ટેકાવાળી સરકારને અડધી રાતે સોગંદ લેવડાવ્યા હતા. ત્યારે હિન્દુત્વની યાદ નહોતી આવી? ત્યારે તેમણે મહારાષ્ટ્રના બી.જે.પી.ના નેતાઓને ચેતવવા જોઈતા હતા અને ટોણો મારવો જોઈતો હતો કે, તમે શું સેક્યુલર થઈ ગયા છો કે અજીત પવારના ટેકા સાથે સરકાર રચી રહ્યા છો? એક હિન્દુત્વવાદીએ જતું કરીને પણ બીજા હિન્દુત્વવાદીનો સાથ નિભાવવો જોઈએ. પણ ત્યારે તેમને હિન્દુત્વની યાદ નહોતી આવી. વળી તેમના પોતાના રાજ્ય ઉત્તરાખંડમાં તેમના પોતાના જ પક્ષના રાજકીય પ્રતિસ્પર્ધી રમેશ પોખરિયાલ ‘નિશંક’ સાથેનો તેમનો સંબંધ ક્યાં હિંદુ-સહોદરનો હતો! એવો જ હતો જેવો કોઈ સત્તાપિપાસુ સ્વાર્થી રાજકારણીનો હોય.

માર્ચ મહિનામાં કોવીડપ્રકોપની હજુ શરૂઆત જ થઈ હતી ત્યારે દિલ્હીમાં મળેલા તબલીગી જમાતના અધિવેશનને કોમી સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મુસલમાનો એટલી ધર્મઘેલછા ધરાવે છે કે પ્રકોપના સમયે પણ તેઓ ધર્મને છોડીને જવાબદાર નાગરિક તરીકે વર્તતા નથી. ત્યારે તેમની ઠેકડી ઉડાડવામાં આવતી હતી અને મુસલમાનો સામે નફરતનું વાતાવરણ પેદા કરવામાં આવ્યું હતું. એ સમયે દેશમાં કોરોના કેસ ૩૦૦ પણ નહોતા. અત્યારે જ્યારે કોવીડ કેસ ૭૨ લાખની આસપાસ છે, ત્યારે સંઘપરિવાર મંદિરો અને ધાર્મિક સ્થળો ખોલવાનો આગ્રહ રાખે છે, એ ધર્મઘેલછા નથી તો બીજું શું છે? ધાર્મિક શ્રદ્ધા અંગત ભાવના છે અને તે મૂર્તિ અને મંદિરની મોહતાજ નથી. હા, ધર્મ અને ધાર્મિકતાનો દેખાવ કરવો હોય તો એ જુદી વાત છે. એને માટે મંદિર અને મસ્જીદની જરૂર પડતી હોય છે. જે ફરક ‘રામ રામ’ અને ‘જય શ્રીરામ’ વચ્ચે છે એ ફરક હિંદુ અને હિન્દુત્વ વચ્ચે છે.

ખેર, રાજ્યપાલને રાજ્યપાલના પદની ગરિમાનું અને મર્યાદાનું ભાન હોવું જોઈએ. તેનું કામ કેન્દ્રના પ્રતિનિધિ તરીકે રાજ્યમાં નજર રાખવાનું છે. તેના રાજ્યમાં શું ચાલી રહ્યું છે એ વિશે કેન્દ્ર સરકારને માહિતગાર રાખવાનું છે. જરૂર લાગે ત્યાં રાજ્ય સરકારને સલાહ-સૂચનો આપવાનું છે. રાજ્ય સરકાર તેની મર્યાદાની બહાર જઈને કોઈ કાયદા ઘડે તો તેને અટકાવવાનું છે અન્યથા બહાલી આપવાનું છે. રાજ્યપાલના મંજૂરીના સિક્કાની એટલા માટે જરૂરત રાખવામાં આવી છે કે રાજ્ય રાષ્ટ્રના હિતની વિરુદ્ધ કોઈ કામ ન કરે. આ સિવાય રાજ્યપાલને  રાજ્યના વહીવટીતંત્રમાં સીધું માથું મારવાનો કોઈ અધિકાર નથી. આનો અર્થ એ થયો કે રાજ્યપાલનું કામ દેશના સમવાય માળખાની જાળવી રાખવાનું છે, તોડવાનું નથી.

આદર્શ રાજ્યપાલ કેવો હોય એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કનૈયાલાલ માણેકલાલ મુનશી હતા. તેઓ ૧૯૫૨-૧૯૫૭ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ હતા. મુનશીએ રાજ્યપાલ તરીકે શું કર્યું હતું, કેવી પરંપરા કાયમ કરી હતી, કેવા દાખલા બેસાડ્યા હતા, રાજ્યના સાહિત્યિક-સાંસ્કૃતિક ઉત્થાનમાં સૂચનો દ્વારા કેવી રીતે ઉપયોગી થયા હતા, રાજ્યમાંની પ્રવૃત્તિઓ ઉપર કેન્દ્રના પ્રતિનિધિ તરીકે કેવી નજર રાખતા હતા અને રાષ્ટ્રપતિને વીસ વીસ પાનાનાં કેવા અહેવાલ મોકલતા હતા એ બધું બિચારા ભગત સિંહ કોશ્યારીના ગજાબહારનું કામ છે.

લોકતંત્ર અને સેકયુલરિઝમ જ નહીં; સમવાય ઢાંચો પણ જોખમમાં છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 15 ઑક્ટોબર 2020

Loading

કોઈ આઘે આઘેથી વેણુ વાય છે મને જાતી રહું, જાતી રહું થાય છે…!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|15 October 2020

હૈયાને દરબાર

કૌમુદી મુનશી : સ્મૃતિવંદના

ત્રીજી ફેબ્રુઆરી આવે એટલે અમને અંગત મિત્રોને ખબર જ હોય કે એ દિવસે આંખ-કાન-જીભ બધાંને જલસો. બુલબુલ જેવો મીઠો કંઠ ધરાવતાં સુપ્રસિદ્ધ ગાયિકા કૌમુદી મુનશીનો એ જન્મદિન. કૌમુદીબહેનનાં શિષ્યા નેહા યાજ્ઞિક જ મોટે ભાગે પાર્ટીનું આયોજન કરે અને અમે બધાં જાનમાં જોડાઈ જઈએ. અમે બધાં એટલે એમનાં શિષ્યગણ સહિત જાણીતાં કલાકારો રેખા ત્રિવેદી, સુરેશ જોશી, ઉપજ્ઞા પંડ્યા અને સંગીતભાવક તરીકે હું. જો કે, એમની પાસે ઠુમરી શીખવાનો લાભ મને પણ મળ્યો છે. ક્યારેક શ્રદ્ધા શ્રીધરાણી, જાહન્વી શ્રીમાંકર, નુપૂર જોશી, સુરુચિ મોહતા, નેહા ચિમ્મલગી અને પરિજ્ઞા પંડ્યા આવી પહોંચે તો કોઈ વાર એમના ઘરે વિખ્યાત કલાકારો અશ્વિની ભીડે દેશપાંડે, શુભા જોશી કે રજત ધોળકિયાનો ભેટો પણ થઈ જાય. અમેરિકાથી ફાલ્ગુની દલાલ-શાહ શુભેચ્છાઓ મોકલે. ઉદય મઝુમદાર તો હોય જ. પછી તો ખાણી-પીણી સાથે બનારસી ઠુમરી-કજરી-ચૈતીનો વૈભવ એમના વિલેપાર્લેના ઘરમાં છલકાય. રેડિયો પર તથા જાહેર કાર્યક્રમોમાં કૌમુદીબહેનનાં ગુજરાતી ગીતો ઘણાં પ્રચલિત પરંતુ, એમનાં પર્સનલ ફેવરિટ ઉપશાસ્ત્રીય હિન્દી ગીતો, ઉત્તર પ્રદેશ-રાજસ્થાનનાં લોકગીતો, ભક્તિરચનાઓ, કબીર-સૂરદાસનાં પદો સાંભળવાનો વિશેષાધિકાર અમારા જેવાં અંગત સ્નેહીઓને અનેક વાર મળ્યો છે. રેખા ત્રિવેદી, જાહન્વી, ઉપજ્ઞા-પરિજ્ઞા, ફાલ્ગુની શાહ, સુરુચિ, નેહા ચિમ્મલગી, આરોહી, રઘુવીર આ તમામ એમનાં શિષ્યોએ કલાજગતમાં સ્થાન બનાવ્યું છે. નલિની પંડ્યા તથા અપર્ણાબહેન પણ એમનાં જૂનાં શિષ્યાઓ.

ગુરુની ગાયકીને આગળ વધારી રહેલાં શિષ્યગણ સાથે કૌમુદી મુનશી

આ તો થઈ જન્મદિનની વાત. બાકી, કૌમુદીબહેનના ઘરના દરવાજા દરેક માટે ખુલ્લાં. એમના ઘરે જઈએ તો પ્લેટમાં કંઈક નાસ્તો લઈને આવે અને કહે, ચાખો, મેં બનાવ્યું છે. ૯૧ વર્ષની ઉંમરે પણ બધી રીતે સક્રિય. આ લોકડાઉનમાં એમને પૂછીએ કે શું કરો છો? તો કહે, કવિતા લખું છું, ગાઉં છું. એમણે લોકડાઉન દરમ્યાન કક્કાવારી પ્રમાણે ગીતોનું લિસ્ટ તૈયાર કર્યું હતું જેમાં ક, ખ, ગ ઈત્યાદિ અક્ષરોથી શરૂ થતાં ગીતોની નામાવલિ તૈયાર કરી હતી. કૌમુદીબહેનનાં શિષ્યા જાહન્વી શ્રીમાંકરે તો એટલી હદે કહ્યું કે હાર્મોનિયમ અને ગીતોની ડાયરી એમનાં સાથી તેથી જાતને આનંદમય રાખવા પોતે એકલાં એકલાં અંતકડી રમતાં. છેલ્લો અક્ષર જે આવે એના પરથી પોતે જ બીજું ગીત ગાય! સો ક્યુટ! આવો નિજાનંદ કોણ લઈ શકે!

પરીખ પરિવાર દ્વારા બહાર પાડવામાં આવેલી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે ‘સ્મરણાંજલિકા’ કેસેટ/સીડી એ એમનું સૌથી મોટું પ્રદાન છે. આ આખો પ્રોજેક્ટ અને સંગીત નિયોજન કૌમુદી મુનશીએ પરિપૂર્ણ કર્યાં હતાં. આર્કિટેક્ટ-કવિ અવિનાશ પારેખે આ સંદર્ભે જણાવ્યું કે, "વિશ્વભરના લાખો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે આ કેસેટ મહામૂલું નજરાણું બની રહી છે. લગ્ન વખતે દીકરીને આપવામાં આવતાં કરિયાવરમાં આ કેસેટ તો હોય જ. એ રીતે પેઢી દર પેઢી સુધી એમનું આ પ્રદાન વૈષ્ણવો યાદ રાખશે.

‘ધ નાઈન્ટિંગલ ઑફ ગુજરાત’ તથા ગુજરાત ગૌરવ પુરસ્કાર સહિત અનેક એવોર્ડ્સ મેળવી ચૂકેલાં કૌમુદીબહેન સાથેની એટલી બધી સ્મૃતિઓ છે કે કેટલી વાતો લખવી એ અવઢવ છે. છેવટ સુધી કાર્યરત રહેનાર કૌમુદી મુનશી સંગીતજગતનું એવું નામ છે જેમણે સંગીતને માત્ર પચાવ્યું જ નહીં, સંગીતમગ્ન રહીને આનંદમય જીવન જીવવાની ચાવી પણ આપી. કૌમુદી મુનશી વિશે ગૌરવપૂર્વક કહી શકાય કે એ નાઈન્ટી (૯૦) પ્લસ નહીં, નાઈન્ટીન (૧૯) યર્સનાં નાઈન્ટિંગલ હતાં. જે ઉંમરે સામાન્ય રીતે માણસ હાથ હેઠા મૂકી દે એ ઉંમરે તેઓ આપણને સસ્મિત આવકારે, હાર્મોનિયમની પેટી લઈને નવી નવી રચનાઓ સંભળાવે, ઠૂમરી કેવી રીતે ગવાય, ગાતી વખતે સ્પષ્ટ ઉચ્ચારણ તથા અનુસ્વારની અગત્યતા કેટલી છે એ સમજાવે ને વચ્ચે વચ્ચે એમણે પોતે બનાવેલી વાનગીઓ ચખાડે તથા નિતનવી રેસિપી શેર કરે. સ્વચ્છ-સુઘડ સાડી અને નાજુક આભૂષણોનાં શોખીન કૌમુદીબહેનને ભાગ્યે જ કોઈએ હતાશ કે નિરાશ જોયાં હશે.

એમનું અમૂલ્ય ઘરેણું હાર્મોનિયમ. કૌમુદી મુનશી સાથે કેટલાંક ગીતો અનિવાર્યપણે જોડાઈ ગયાં છે, જેમ કે, તમે થોડું ઘણું સમજો તો સારું, વૃંદાવન વાટે સખી જાતાં ડર લાગે, હે કોઈ આઘે આઘેથી વેણુ વાય રે, લાખનો ચૂડલો ઘડાવી દે ઓ માણીગર, વાંકાબોલી વરણાગી વાંસળી, આ રંગ ભીના ભમરાને, મને છેડી ગયો રે નંદલાલા તથા ચોર્યાસી રંગનો સાથિયો રે માંડ્યો …! કૌમુદી મુનશીએ જવાહર બક્ષીની ગઝલો તારો વિયોગ, બરફનો પહાડ થઈ … વગેરે ખૂબ સરસ ગાઈ છે.

પોતાનો જીવનમંત્ર આ શેર દ્વારા જ એ વ્યક્ત કરતાં; ઉમ્ર કા બઢના તો દસ્તૂર-એ-જહાં હૈ, મેહસૂસ ન કરો તો બુઢાપા કહાં હૈ?

એક વાર સંગીતકાર સુરેશ જોશી, રેખા ત્રિવેદી સહિત કેટલાંક કલાકારો એમના ઘરે ગોષ્ઠિ કરી રહ્યાં હતાં ત્યારે એમણે સહજતાથી મહત્ત્વની વાત કરી હતી. "કલાકાર માણસ તરીકે પણ સારો હોવો જોઈએ. તો એની કલાને ચાર ચાંદ લાગી જાય. કલાકારમાં અહંકાર ન હોવો જોઈએ. આંબાને ફળ આવે એમ એ ઝૂકતો જાય છે. કલાકારમાં વિનમ્રતા હોવી બહુ જરૂરી છે. ઈશ્વરે દરેકને કંઈક આપ્યું છે. તેથી એકબીજાને તોડવાનાં નહીં, માન આપવાનું. કેસરબાઈ કેરકર જેવાં દિગ્ગજ કલાકારની વિનમ્રતાનું ઉદાહરણ આપતાં એમણે કહ્યું કે, "બનારસમાં કેસરબાઈનો કાર્યક્રમ હતો. ઓડિયન્સમાં મારાં ગુરુ સિદ્ધેશ્વરી દેવી હતાં. દર્શકોએ કેસરબાઈને ઠુમરી ગાવાની ફરમાઇશ કરી તો એમણે કહ્યું કે મારી સામે ઠુમરીક્વીન સિદ્ધેશ્વરી દેવી બેઠાં છે, મારાથી ન ગાઈ શકાય. વિખ્યાત ગાયિકા બેગમ અખ્તરના અવસાન વખતે સિદ્ધેશ્વરી દેવીને હૈયાફાટ રૂદન કરતાં મેં જોયાં છે. રડતાં રડતાં એ બોલતાં હતાં કે અખ્તરી કે સાથ ગઝલ ગયી, ઠુમરી ગયી, દાદરા-કજરી-ચૈતી-ઝૂલા સબ કુછ ગયા ..! આમ, કલાકારો એકબીજાનો ખૂબ આદર કરતા. કૌમુદીબહેનનાં અવસાન પછી આપણે પણ આવું જ કંઈક અનુભવીએ છીએ.

કલાકારની તૈયારી વિશે એ કહેતાં કે પરફોર્મન્સ પહેલાં કલાકારે પૂરી સજ્જતા સાથે આવવાનું. રેડિયો પર મારે ગાવાનું હોય તો નિનુભાઈ મને કહે કે ઘરેથી પંદર વખત પ્રેક્ટિસ કરીને આવજે. કોઈ પણ ગીત ગમે ત્યારે ગાઈ શકો એવી તૈયારી હોવી જોઇએ. કૌમુદીબહેનના કંઠે ભક્તિ રચનાઓ સાંભળીને ગંગાજળની પવિત્રતા અને મીઠાશનો અનુભવ થતો. ઠુમરી-કજરી ગાનાર ગુજરાતી કલાકાર ભાગ્યે જ જોવા મળે!

મુસ્લિમ કવિઓનાં ગીતોનું સંશોધન કરી, સ્વરબદ્ધ કરી એમણે એક સરસ કાર્યક્રમ કર્યો હતો. તેઓ કૃષ્ણ ભક્ત રસખાન, તાજબીબીની રચનાઓ ગાતાં.

એક જમાનામાં દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમો કરી ચૂકેલાં કૌમુદીબહેનને પ્રવાસવર્ણનો અને ફોટોગ્રાફ્સ જોવામાં બહુ રસ પડતો. બે વર્ષ પહેલાં હું યુરોપના પ્રવાસે ગઈ હતી ત્યારે વીડિયોકોલ દ્વારા ત્યાંનાં સ્થળો જોવાં ઉત્સુક હતાં. રોમનાં ટ્રેવી ફાઉન્ટન પરથી વીડિયોકોલ દ્વારા અમે વાતો કરી હતી. વ્યક્તિની કદર કરવાનું કોઈ એમની પાસેથી શીખે!

કૌમુદીબહેનની ખાસ ઈચ્છા હતી કે બાળકો સહજતાથી ગાઈ શકે એવાં સરળ ગુજરાતી ગીતો તૈયાર કરાવીને ગુજરાતભરની શાળાઓમાં અભ્યાસક્રમના ભાગરૂપે શીખવાડાય તો બાળકો આજે માત્ર અંગ્રેજી જોડકણાં ગાય છે એને બદલે માતૃભાષા ગુજરાતીમાં ગીતો ગાતાં થાય. ફક્ત શિક્ષકો એ અભ્યાસક્રમ તૈયાર ન કરે. વિદ્વાનો અને સંગીતજ્ઞોનું સંગઠન ઊભું કરી બાળકોને રસ પડે એવું માળખું તેઓ તૈયાર કરે. બધી સ્કૂલમાં એક સરખો કોર્સ હોવો જોઈએ. ગુજરાત સરકાર સુધી આ વાત પહોંચવી જોઈએ. એ દિશામાં નક્કર કંઈક થાય તો આપણી સમૃદ્ધ ભાષા છેવાડાના માણસ સુધી પહોંચે. આ જવાબદારી હવે આપણી છે.

ગુજરાતી સુગમ સંગીતનાં માતામહ કૌમુદી મુનશીએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે પણ એ તો ચોર્યાસી રંગના સાથિયા(લખ ચોરાસીના ફેરા)ની વાત કરતાં, આઘે આઘેથી કૃષ્ણ કનૈયાની વાંસળી સાંભળીને વૃંદાવન વાટે નિકળી પડ્યાં છે. પુનર્જન્મે એમને કલાકાર કૌમુદી મુનશી તરીકે જ જન્મ લેવાની ઈચ્છા હતી. આમેય કલાકારને સાધના પૂરી કરવા ત્રણ જન્મ મળે એમ કહેવાય છે. વૃંદાવન વાટે કે બનારસના ગંગાઘાટે ક્યારેક મીઠો અવાજ સાંભળવા મળે તો એ કદાચ પુનર્જન્મ પામેલાં કૌમુદી મુનશી હોઈ શકે! કૌમુદીબહેન, ચાહકોના હૃદયમાં તમે અમર રહેશો.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 15 ઑક્ટોબર 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=657652  

Loading

કૌમુદી મુન્શી : દેહવ્યવસાયની જગ્યામાં કોઈ સંગીત શીખવા જાય? એમણે હિંમત કરેલી

સોનલ શુક્લ|Opinion - Opinion|15 October 2020

ઘટના અને અર્થઘટન –

કૌમુદી મુન્શી : જન્મ – ર ફેબ્રુઆરી ૧૯૨૮ — અવસાન – ૧૩ ઓક્ટોબર ૨૦૨૦

પચાસ વર્ષ સુધી જેમણે ગુજરાતી સંગીતરસિકોના હૃદય પર રાજ કરેલું, તે કૌમુદી મુન્શીનું તા.૧૩ ઓક્ટોબરે કોવિડ-૧૯ને કારણે અવસાન થયું છે. તેમનો જન્મ બનારસના જમીનદાર રાજા મુન્શી માધોલાલના પરિવારમાં થયેલો. જ્યારે એમનાં માતા સ્વાતંત્ર્ય પૂર્વેના સૌથી વધુ લોકપ્રિય નવલકથાકાર ર.વ. દેસાઇના બહેન હતાં. આ રીતે બાળપણથી જ તેઓ હિન્દી અને ગુજરાતી બોલતાં. ૧૯૫૧-૫૨માં તેઓ મુંબઇ આવ્યાં. પરિવારની ઇચ્છા હતી મુરતિયો શોધવાની પણ કૌમુદીબહેનની મહેચ્છા તો રેડિયો પર આવી શકે એવી ગાયિકા થવાનો હતો. પ્રારંભમાં તેઓએ અવિનાશ વ્યાસના જૂથમાં કામ કરેલું પણ ત્યાં ગાયિકા તરીકે ઊભરી શક્યાં નહોતાં.

૧૯૫૨માં તેમના ભાઇએ પેલા બંને કારણોસર નિનુ મઝુમદારનો સંપર્ક કર્યો. કૌમુદીબહેનનાં અતિશય મધુર અવાજ અને શાસ્ત્રીય સંગીતની જાણકારીએ નિનુભાઇ પર મોટો પ્રભાવ પાડ્યો. તેઓ પોતે ત્યારે ગાયક, ગીતકાર અને સંગીતકાર હતા. તેમણે કૌમુદીબહેનના અવાજ અને આવડતને અનુરૂપ ગીતો રચ્યાં. પોતાના બધા જ કાર્યક્રમોમાં એમને મુખ્ય ગાયિકા તરીકે લીધા અને એક ફિલ્મમાં પ્લેબેક પણ આપ્યું. નિનુ મઝુમદારના પિતા મૂંગી ફિલ્મના સમયથી દિગ્દર્શક હતા અને નિનુભાઇ પોતે હિન્દી ફિલ્મમાં સંગીત આપતા. કપૂરને પ્લેબેક માટે તેઓ એ બ્રેક આપેલો. દલસુખ પંચોલી દિગ્દર્શિત ફિલ્મ ‘ભાઇસાહેબ’માં કૌમુદીબહેને બેથી ત્રણ ગીત ગાયાં. આ ફિલ્મમાં સી.એસ. આત્મા હીરો તરીકે હતા.

૧૯૫૪માં નિનુભાઇનાં પ્રથમ પત્નીના અવસાન બાદ બંને લગ્નગ્રંથિથી જોડાયાં. એક આકસ્મિક અને સુખદ બનાવ એ થયો કે કૌમુદીબહેનને સિદ્ધેશ્વરી દેવી પાસે ઠુમરી, દાદરા વગેરે શીખવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આકસ્મિક એટલે કે સિદ્ધેશ્વરી દેવી પોતાના માસી રાસેશ્વરી દેવી જોડે રાજા મુન્શી માધોલાલની એસ્ટેટ પર રહેતાં, જેમ એમને ત્યાં રોજના કારીગરો વગેરે પણ વસતા. જમીનદારો તે સમયે પોતાના બાગબગીચાઓ, નૌકાઓ તો ક્યારેક ઘરમાં જલસા કરતા. આમાં ઘરની સ્ત્રીઓ પડદામાં હોય અને હાજર ન રહી શકે. કૌમુદીબહેન વિદ્યાર્થીકાળમાં રિયાઝ કરતાં તો પણ એમનાં માતાએ બારીબારણાં બંધ કરી તડોમાં રૂ ભરી દેવું પડતું.

બીજી બાજુ કૌમુદીબહેન પોતે ઠુમરીમાં વિશેષ આગળ વધવા ચાહતાં હતાં. નિનુભાઇ બનારસ અને આસપાસના ગામમાં રહી ચૂક્યા હતા અને તેમને પણ યુ.પી.નાં લોકગીતો જેવા કે કજરી, ચૈતી, હોરી વગેરે અતિપ્રિય હતાં. લગ્ન પછી કૌમુદીબહેન બનારસ જાય તો સિદ્ધેશ્વરી દેવીને મળવા ઝંખે. ઘરના લોકો જવા ન દે કારણ કે એ માટે ‘દાલકી મંડી’ વિસ્તારમાં જવું પડે જ્યાં દેહવ્યવસાય પણ થતો હોય. એક વાર નિનુભાઇ પણ જોડે બનારસમાં હતા અને એમણે કહ્યું, ‘ચાલ, હું તને લઇ જઇશ.’ બંને ગયાં. સિદ્ધેશ્વરી દેવીને મળ્યાં અને સંગીતની વાતવાતમાં નિનુભાઇએ કહ્યું કે આ તમારી શિષ્યા બનવા આવી છે તે રાજા મુન્શી માધોલાલની પૌત્રી છે. માધોલાલ તેમ જ કૌમુદીબહેનના પિતા નંદલાલ મુન્શી સિદ્ધેશ્વરી દેવીના ચાહકોમાંના હતા. સિદ્ધેશ્વરી દેવીએ આનંદ અને આદરપૂર્વક શિષ્યા તરીકે સ્વીકાર્યાં. ત્યાર પછી પોતે લાંબો સમય બનારસમાં અને પછીથી દિલ્હીમાં રોકાતા અને ગુરુ પાસેથી જ્ઞાન મેળવતાં. નિનુભાઇએ પોતે જ એમને પિયરની અટક ચાલુ રાખવાની પ્રેરણા આપેલી.

કૌમુદીબહેન મુનશી શાસ્ત્રીય સંગીત શીખવનાર ગુરુ સિદ્ધેશ્વરી દેવીની પાર્શ્વભૂમાંની છબિની ઓથે

મણિ કોલની દસ્તાવેજી ફિલ્મમાં ‘સિદ્ધેશ્વરી’નો પ્રારંભ જ કૌમુદીબહેને કરેલી રેકોર્ડથી અને સિદ્ધેશ્વરી દેવી એમને કંઇ કહે છે એનાથી શરૂ થાય છે.

એકવાર એવું બનેલું કે ‘દાલકી મંડી’થી કૌમુદીબહેનને ઘરે પહોંચાડવા કોઇ માણસ મળ્યો નહોતો. સિદ્ધેશ્વરી દેવી આ યુવાન શિષ્યાને એકલાં જવા ન દે. એ પોતે રિક્ષામાં મૂકવાં આવ્યાં. ઘર આવ્યું એટલે કૌમુદીબહેને કહ્યું, "તમે અંદર આવો. રાજમહેલમાં તો રહ્યાં નહોતાં પણ ‘મુન્શી કટરા’ નામની એક સારી જગ્યામાં એમનું મકાન હતું. સિદ્ધેશ્વરી દેવીએ ના પાડી. સંબંધ જૂનો હતો પણ એ ‘ઘરનો’ નહોતો, બહારનો હતો. કૌમુદીબહેનના આગ્રહથી એ અંદર આવ્યા તો ખરા પણ કૌમુદીબહેનના માતા જે પાટ પર બેઠા હતાં ત્યાં ન બેઠાં અને નીચે જ બેઠાં. એમને માતાએ કહ્યું કે, ‘તમે મારી જોડે બાજુમાં બેસો,’ તો તેમણે કહ્યું, ‘મુન્શી પરિવારમાં મારે તમારી જોડે ના બેસાય.’ કૌમુદીબહેનનાં માતાએ કહ્યું, ‘તમે અહીં એ સંબંધથી નથી આવ્યાં. તમે મારી દીકરીનાં ગુરુ છો એટલે તમારે મારી જોડે જ બેસવાનું.’ અહીં કૌમુદીબહેનના ઘરની મધ્યકાલીન અંધારયુગની પરંપરા પૂરી થતી હતી, અને આધુનિક સંગીત સમાજનો પ્રારંભ થતો હતો. કૌમુદીબહેનના ભૂતકાળના બંને પાસાં ગણિકાનું ગાન અને ઘરની શરીફ ગણાતી ઘરની સ્ત્રીઓ બંને માટેનો અન્યાયી ભેદભાવ તૂટ્યો. સનુબહેન મુન્શીએ સિદ્ધેશ્વરી દેવીને પાટ પર જોડે બેસાડી અને સિદ્ધેશ્વરી દેવીએ કૌમુદીબહેનને શિષ્યા તરીકે સ્વીકારી.

કૌમુદી મુન્શીએ ઘણાં સંગીતકારો સર્જિત ગીતો ગાયાં છે. નિનુ મઝુમદારનાં, ‘મને છેડી ગયો છે નંદલાલા’, ચોર્યાસી રંગનો સાથિયો રે માંડ્યો’, વગેરે તેમ જ પ્રિયકાંત મણિયારનાં, ‘ફૂલનો પવન’ પ્રખ્યાત છે. બંનેના સાયુજ્યનો પ્રારંભ તો ૧૯૫૨માં એમને માટે નિનુભાઇએ લખેલી ઠુમરી, ‘મેશ ન આંજુરામ’થી થયેલી. આ ગીત ‘કુમાર’ સામયિકમાં પ્રગટ થયું હતું. તે ઉપરાંત પછીના કાળમાં દિલીપ ધોળકિયાના, ‘આ રંગભીના ભમરાને’ કે ‘તમે થોડું સમજો તો સારું,’ કિરીટ સંપટના ‘કેવડિયાનો કાંટો, મુજને વનવગડામાં વાગ્યો રે’, ઘણાં ગીતો ગાયાં. એમણે અવસ્થાને કારણે ગાવાનું બંધ કર્યુ. એ અગાઉ તેમનાં પુષ્ટિસંપ્રદાયના ભજનો અને વિધિગાનના સંગીતઆલ્બમ સ્મરણિકાની લાખો નકલોના વેચાણથી ખ્યાતિ મેળવેલી. ગાયક હોવું તે માટે શરીરના અંગો પણ સ્વસ્થ હોવાં જરૂરી છે જે ઉંમર વધવા સાથે બની શકતું નથી. પણ ત્યાં સુધીમાં તો કૌમુદીબહેન પોતે સંગીતગુરુ તરીકે ભૂમિકા નિભાવે છે. એમણે અનેક ગૃહિણીઓ તેમ જ વ્યાવસાયિક ગાયિકાઓને તાલીમ આપી છે. મોટામાં મોટા શ્રીમંત અને વિખ્યાત મારવાડી પરિવારોમાં તેમણે દરેક શુભપ્રસંગે નવું સંગીત સર્જન કરીને આપ્યું છે. ગુજરાતી સમાજમાં પણ તેમ જ હતું. ડૉ. શાંતિલાલ સોમૈયાનાં પત્ની એમનાં વિદ્યાર્થી હતાં અને જ્યારે કૌમુદીબહેનને કોરોના લાગુ પડ્યું ત્યારે એમને માટે વિશેષ વ્યવસ્થા વિદ્યાવિહારની હોસ્પિટલમાં થઇ ચૂકી હતી.

એમની ગાયક શિષ્યાઓ અત્યારે મોટું નામ કમાઇ રહી છે, એમાં પ્રભાવશાળી ગાયિકા ઉપજ્ઞા પંડ્યા અને પરિતા પંડ્યા તેમ જ જાહ્નવી શ્રીમાંકરનું નામ આગળ છે. અમેરિકાના વ્હાઇટહાઉસમાં એ.આર. રહેમાન સાથે તેમ જ ગ્રેમી એવૉર્ડસ માટે શોર્ટ લિસ્ટેડ થયેલી ‘ફાલુ’ એટલે કે ફાલ્ગુની દલાલ શાહ, જાહ્નવીની જેમ જ બાળપણથી જ કૌમુદીબહેન પાસે શાસ્ત્રીય તેમ જ સુગમ સંગીત શીખેલી છે.

કૌમુદીબહેન આપણાં પ્રથમ વ્યાવસાયિક ગાયિકા છે. તે અગાઉ વીણા મહેતા, માલિની મહેતા જેવાં સુંદર ગાયકો આપણી પાસે હતાં. પણ કોઇએ વ્યાવસાયિક ગાયિકા તરીકે કામ કરવું, પોતાની ગીતસમૃદ્ધિ વધારવી, મહાનગુરુની શિષ્યા બનવા જનાર, મહત્ત્વની શિષ્યાઓ તૈયાર કરનાર ગાયિકા કૌમુદી મુન્શી હતાં. એ રીતે અજોડ રહ્યાં. છેક હવે એકવીસમી સદીના બીજા દાયકામાં આપણે ત્યાં ગુજરાતી ગાયિકી ક્ષેત્રમાં આવી છે, જે પોતાની રીતે પોતાની કેરિઅર સંભાળે છે અને વધારે છે. એ સૌ માટે કૌમુદીબહેનને સ્નેહભર્યો આદર હતો. ૧૯૬૦ પછી એમણે પોતાની કેરિઅર પોતે જ વિકસાવેલી. સાત સાત દાયકા સુધી ગુજરાતી સંગીત સમૃદ્ધિ વધારનાર કૌમુદી મુન્શી એક ફિનોમિનન હતાં, નિનુ મઝુમદારે એમનો ટેલંટ જોયો અને તક આપી ત્યારે એ ૧૯૫૨-૫૩માં એ રેડિયોમાં સુગમસંગીત વિભાગના અધ્યક્ષ નહોતા. એ તો ૧૯૫૪માં થયા. તે છતાં કૌમુદી મુન્શીની સફળતા માટે એમના પતિની લાગવગ છે એમ કહેનારાને એમણે અનેક સંગીતકારોનાં ગીતો ગાઇને ચાટ પાડી દીધાં. કોઇ આઘે આઘેથી વેણુ વાય છે ને મને જતી રહું, જતી રહું થાય છે’ કે ‘મને ફાગણનું એક ફૂલ આપો કે લાલ મોરા, કેસૂડો કામણગારોજી રે’ નિનુ મઝુમદારની રચનાઓ નહોતી. કૌમુદીબહેને એ સ્ટેજ, કેસેટ, ટી.વી. વગેરે અનેક માધ્યમોથી વિખ્યાત કરાવેલી.

આ બહુમુખી સંગીત સામ્રાજ્ઞી છે ‘બાળગીતા’નું આલ્બમ બહાર પાડવું, મુસ્લિમ કવિઓને કૃષ્ણભક્તિનાં કાવ્યોનો સંગીતમય રસાસ્વાદ કરાવવો વગેરે અનેક ક્ષેત્રો એકલે હાથે ખેડેલાં છે. એમને લક્ષ્યાંકો ગોઠવવા, આયોજન કરવું. એને અમલમાં મૂકવું. તે માટે નાણાં સહિત સંસાધનો મેળવવા સંપર્કો જાળવવા વગેરે અનેક આવડતો પર હથૉટી હતી. તે સિવાય સાત સાત દાયકા સુધી સફળ શી રીતે થયા હોત? આ વ્યાવસાયિક મહિલાને સલામ.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 15 ઑક્ટોબર 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=657648

Loading

...102030...2,2442,2452,2462,247...2,2502,2602,270...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved