Opinion Magazine
Number of visits: 9574841
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અન્નકૂટ

મનહર જે. વૈષ્ણવ|Opinion - Short Stories|14 August 2020

ડોરબેલ વાગ્યો એટલે રમાબહેન વાંચતાં હતાં તે ચોપડી બાજુમાં મૂકી, બારણું ખોલવા ગયાં.

‘ઓ…હો… પધારો, પધારો, મુખ્યાજી, આજ તો અમારી ઝૂંપડી પાવન કરી.’

હવેલીના મુખ્યાજીને નમસ્તે કર્યાં. રમાબહેને વંદન કરી અંદર આવવા કહ્યું. ‘બિરાજો.’ મુખ્યાજીને સોફામાં બેસાડી, પોતે સામેના સોફામાં બેઠાં.

‘અરે! રમાબહેન, આને તમે ઝૂંપડી કહેતા હો, તો આખા અમદાવાદમાં બધાને આવી ઝૂંપડી મળો.’ હસતાં હસતાં મુખ્યાજી બોલ્યા, ‘રમણભાઈની વિદાય પછી, તમે મા–દીકરાએ હજુ ‘હવેલી’ની માયા એવી ને એવી જ જાળવી છે તે પ્રભુકૃપા છે.’

‘કમળાબહેન’, રમાબહેને બૂમ પાડી. રસોડામાંથી કમળાબહેનને બોલાવી મુખ્યાજીને પાણી આપવા કહ્યું અને પછી કેસર–મસાલાયુક્ત ગરમ દૂધ તૈયાર કરવા જણાવ્યું.

‘અરે રમાબહેન, એવી કશી જરૂર નથી. આ તો ખાસ યાદ અપાવવા આવ્યો કે, આવતે અઠવાડિયે ઠાકોરજીનો પાટોત્સવ છે, તો અન્નકૂટના દર્શન કરવા જરૂર આવજો.’

‘એ તો મને યાદ છે. ઠાકોરજીનો પાટોત્સવ તો તેઓ હયાત હતા, ત્યારનો ઉજવાય છે. રાહુલ નાનો હતો ત્યારથી અમે તેને લઈને આવતાં; પણ અમારી પ્રસાદી તો લેવી જ પડશે.’

કમળાબહેન કેસરયુક્ત ગરમ દૂધ ટ્રેમાં લઈને આવ્યાં. મુખ્યાજીએ નમન કરી, દૂધ ગ્રહણ કર્યું. પછી કહ્યું, ‘રમાબહેન, દર્શને આવો ત્યારે રાહુલ, શૈલી અને નાના સ્વયમ્‌ને પણ લાવજો.’

‘ચોક્કસ .. પણ આજકાલની જનરેશનને આવી બાબતમાં આસ્થા ઓછી હોય; પણ રાહુલ ક્હ્યાગરો છે. એટલે ચોક્કસ લઈ આવીશ.’

મુખ્યાજી રવાના થયા. રમાબહેન ડ્રોઈંગરૂમમાં સિલ્વર ફ્રેમમાં લગાવેલી રમણભાઈની તસ્વીરને નમન કરી, રાહુલના આગમનની રાહ જોતાં વાચનમાં બેઠાં.

સાંજે રાહુલ અને શૈલી નાના સ્વયમ્‌ને લઈને બહારથી પરત આવ્યાં.

‘બા, કોઈ આવ્યું હતું?’ રાહુલે બાજુની ટીપોય પર પડેલાં ટ્રે અને કપ–રકાબી જોઈને પૂછ્યું.

‘અરે હા, હવેલીના મુખ્યાજી આવ્યા હતા. આવતે અઠવાડિયે ઠાકોરજીનો પાટોત્સવ છે. તો દર્શન કરવા આગ્રહ કરતા ગયા છે. તને અને શૈલીને પણ આવવા ખાસ કહ્યું છે.’

‘માત્ર દર્શન કરવા કે કંઈક વિશેષ!’ રાહુલે હસતાં હસતાં પૂછ્યું.

‘શું તુંયે, રાહુલ! એમ કંઈ ખાલી હાથે જવાય? તમે લગ્નના રિસેપ્શનમાં વગર કવરે જાઓ છો?’ સ્મિત સાથે રમાબહેને કહ્યું.

‘કાલે તું ઓફિસે જાય ત્યારે પાંચ હજાર ડ્રો કરી મુખ્યાજીને પાટોત્સવ નિમિત્તે આપતો આવજે.’

‘શું બા તમે ય?’ રાહુલે કહ્યું. ‘આ બધા પાટોત્સવની અઢળક મીઠાઈ, ફરસાણ, બધાંનાં પેકેટ શ્રીમંત અને ડૉનરોને ત્યાં જતાં હોય છે. તેમાંથી ભૂખ્યા લોકોને બટકું ય મળતું નથી. તો આવા ડોનેશનની જરૂર શી? માત્ર મોટાઈનું પ્રદર્શન કે બીજું કંઈક?’

‘જો રાહુલ, આપણે તો તારા પપ્પાની પરંપરા જળવાય અને ઠાકોરજીનું આપણી આવકમાંથી કંઈક ઋણ ચુકવાય એ શ્રદ્ધાથી આપીએ છીએ.’ રમાબહેને સ્પષ્ટતા કરી.

‘સારું બા, હું આપતો આવીશ.’ રાહુલે કહ્યું. સાંજે રાહુલ આવ્યો એટલે રમાબહેને પૂછ્યું, ‘રાહુલ, મુખ્યાજીને ડોનેશન પહોંચાડી દીધું ને?’

‘હા, હા …, બા, પહોંચાડી દીધું. નતમસ્તકે રાહુલે કહ્યું; પણ રાહુલના મનમાં ગડમથલ થવા લાગી. ‘બાને મેં જૂઠું કહ્યું, ખરેખર તો હું જનરલ હૉસ્પિટલના જનરલ વૉર્ડના જરૂરિયાતમંદ દરદીઓમાં દરેકને રૂપિયા 500 રોકડા વહેંચી આવ્યો હતો.’ પછી વિચાર્યું, ‘મેં ક્યાં કોઈ ખોટું કામ કર્યું છે. ખરેખર, આ જ સાચું ડોનેશન છે ને?

અઠવાડિયા પછી અન્નકૂટના દર્શને જવાનું હતું ત્યારે રમાબહેન તૈયાર થઈ ગયાં અને રાહુલને કહ્યું, ‘ગાડી કાઢ. આપણે અન્નકૂટનાં દર્શને જઈ આવીએ.’

રાહુલે નતમસ્તકે ગાડી કાઢી; પણ મનમાં મૂંઝવણ! મુખ્યાજી પૂછશે તો શો જવાબ દેવો તે વિચારવા લાગ્યો.

મા–દીકરો હવેલી પહોંચ્યાં. દર્શનાર્થીઓની ભીડ હતી. પરંતુ ડોનરો માટે ખાસ બીજા દરવાજેથી એન્ટ્રીની વ્યવસ્થા હતી. રમાબહેન સીધા તે દરવાજે અધિકારની રૂએ પહોંચી ગયાં. મુખ્યાજી ત્યાં ઉપસ્થિત હતા. રમાબહેન તરફ ધ્યાન હતું; બહુ ઉત્સાહ ન બતાવ્યો. પણ રમાબહેને કહ્યું, ‘નમસ્તે મુખ્યાજી, ક્યારે પડદો ખૂલશે દર્શનનો?’ પડદો ખૂલતાં બધા દર્શનાર્થીઓ  ધક્કાધક્કી સાથે પ્રવેશ્યા. મુખ્યાજીએ રમાબહેન તરફ ધ્યાન જ ન આપ્યું. રમાબહેનને આશ્ચર્ય થયું! આમ કેમ? દર વખતે તો મુખ્યાજી હસતાં હસતાં અંદર પ્રવેશ કરાવતા, જ્યારે આજે તો ધ્યાન પણ ન આપ્યું! છતાં ગમે તેમ દર્શન કરી, નીકળી ગયાં. રાહુલ મૂંઝાયો છતાં સ્વસ્થતાથી કહ્યું, ‘બા, દર્શન તો થઈ ગયાં ને પછી મુખ્યાજીના વર્તનને શા માટે વિચારવું?’

‘એમ નહીં રાહુલ; પણ આમ કેમ બને? તેં સમયસર ડોનેશન તો મંદિરમાં પહોંચાડયું ને?’ રમાબહેને થોડી આશંકા સાથે પૂછ્યું.

‘હા, હા, બા …., પહોંચાડ્યું ને! ચાલ, તને એનાં પણ દર્શન કરાવી દઉં.’

રમાબહેન પ્રશ્નભરી નજરે જોવા લાગ્યાં. મા–દીકરો ગાડીમાં બેઠાં. રાહુલે જનરલ હૉસ્પિટલ તરફ ગાડી લીધી. ત્યાં પહોંચ્યાં એટલે રમાબહેને કહ્યું, ‘આ તું ક્યાં લઈ આવ્યો? આ તો હૉસ્પિટલ છે!’

‘હા, હા, બા …, આ હૉસ્પિટલ જ જીવંત મંદિર છે, જ્યાં દુ:ખી દરદીઓની સેવા થાય છે અને જે ઠાકોરજીની સર્વશ્રેષ્ઠ ભક્તિ પૈકીની એક છે.’ અંદર જનરલ વૉર્ડમાં પડેલા દરદીઓના પલંગ બતાવી રાહુલે કહ્યું, ‘બા, જુઓ, આ બધાને અન્નકૂટનો પ્રસાદ નથી મળતો. તેઓને જરૂર છે, સારવાર માટેની આર્થિક મદદની. તેમને આપેલું નાનું ડોનેશન પણ ઠાકોરજી માટે મોટી ઋણમુક્તિ બની રહેશે.’

‘કેટલા આપ્યા બધાને?’ રમાબહેને સ્મિત સાથે પૂછ્યું.

‘દરેકને 500 રૂપિયા. તેં પાંચ હજાર કહ્યા હતા, તે દસ જણાને આપી દીધા.’ રાહુલે કહ્યું.

‘કંજૂસ કંઈનો!’ રમાબહેને હસતાં હસતાં કહ્યું.

‘બીજા દરદીઓનું શું? આજે જ અન્નકૂટના દિવસે આ બધાને પણ રૂપિયા 500નો પ્રસાદ આપી દેજે.’

મુખ્યાજીના સ્વાર્થી વ્યવહારે રમાબહેનને વાસ્તવિકતાનું ભાન કરાવ્યું અને પોતાના પુત્ર માટે તેમને માન થયું.

ડિસેમ્બર, 2019ના ‘અખંડ આનન્દ’નાં પાન : 27-28 ઉપરથી લેખકની અનુમતિથી સાભાર ..

સર્જકસમ્પર્ક : મનન ઈન્કમટૅક્સ સોસાયટી, એરોડ્રામ પાસે, રાજકોટ-360 007 eMail : manhar.vaishnav@gmail.com

♦●♦

સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ સોળમું – અંકઃ 459 –August 16, 2020

Loading

મુસ્લિમ મહિલાઓની સમસ્યાઓઃ પડકાર હજુ ઊભો જ છે

ઝકિયા સોમણ|Opinion - Opinion|13 August 2020

ગયા વરસની પહેલી ઑગસ્ટે તીન તલાક વિરુદ્ધનો કાયદો પસાર થયો હતો. ભારતીય જનતા પક્ષે  મુસ્લિમ મહિલા (વૈવાહિક અધિકારોમાં સંરક્ષણ) ૨૦૧૯ કાયદાની આ  વાર્ષિક તિથિ ‘મુસ્લિમ મહિલા અધિકાર દિવસ’ તરીકે મનાવી. સોશ્યલ મીડિયા પર ‘થેન્ક્સ મોદી ભાઈજાન’ ખૂબ ચાલ્યું. એ બાબતમાં કોઈ શંકા નથી કે આપણા દેશમાં એકતરફી મૌખિક તલાક કે તીન તલાકની વિરુદ્ધના  કાયદાની ખૂબ જ જરૂર હતી. સુપ્રીમ કોર્ટના ૨૦૧૭ના ચુકાદા છતાં તીન તલાકની ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી હતી. એ સ્થિતિમાં મુસ્લિમ મહિલાને સંરક્ષણ મળે તે યોગ્ય હતું. તેની સાથે એ પણ કહેવું જોઈએ કે તીન તલાક ઉપરાંતની ઘણી સમસ્યાઓનો મુસ્લિમ મહિલાઓ સામનો કરી રહી છે.

પિતૃસત્તાના પ્રશ્નો

સરકાર તીન તલાકના જેટલું જ ધ્યાન ગરીબી, રોજગાર, સામાજિક ન્યાય અને સમાન નાગરિક અધિકારો  પર આપે તે જરૂરી છે. વ્યાપક મુસ્લિમ સમાજ સાથે ભેદભાવ અને કટુતાને ચાલુ રાખીને મુસ્લિમ મહિલાને ન્યાય આપી શકાશે નહીં. આમે ય કોઈ પણ સમાજમાં સ્ત્રીઓના અધિકારની વાત ઉઠાવવી આસાન નથી હોતી. માનવજાતનો પુરુષ પ્રાધાન્યનો અને સ્ત્રી શોષણનો સદીઓ પુરાણો ઇતિહાસ છે. દુનિયાભરના દેશોમાં પિતૃસત્તાનું વર્ચસ્વ આધુનિક યુગમાં પણ બરકરાર છે. સ્ત્રીઓના હકના કાયદા કે નીતિનિયમો બનાવવા ખૂબ જ મુશ્કેલ બને છે.

વિકસિત દેશોમાં પણ મહિલાઓને મતદાન અને સંપત્તિનો અધિકાર આપતાં નવ નેજાં પાણી આવ્યું હતું. વળી આપણા દેશમાં તો પિતૃસત્તાક માનસિકતાની સાથે બધી જ બાબતો રાજકારણ પ્રેરિત હોય છે. મહિલા અધિકારોના કાયદા બનાવવાના માર્ગમાં ઘણા રાજકીય અવરોધો ઊભા કરી દેવામાં આવે છે.

ભારતીય સંસદને ૧૯૫૫માં હિંદુ લગ્ન કાયદો ઘડતાં ઘણા વિરોધોનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક કટ્ટરતાવાદી ધાર્મિક નેતાઓ અને રાજકીય સંગઠનોને હિંદુ મૅરેજ એક્ટમાં સુધારા મંજૂર નહોતા. આજે ભા.જ.પ., કૉંગ્રેસ અને બીજા રાજકીય પક્ષોનાં રાજકીય હિતોને તડકે મૂકી સ્ત્રી અધિકાર અને સ્ત્રી સ્વાતંત્ર્યની વાત કરવી અઘરી છે.

કૉંગ્રેસ-ભા.જ.પ.ની કોમી નીતિઓની આકરી કિંમત

આપણા દેશમાં મુસ્લિમ મહિલાઓના અધિકારો સાથે જોડાયેલી બીજી પણ મુશ્કેલીઓ છે. દેશનું બંધારણ તમામને સમાન અધિકાર અને ધર્મસ્વાતંત્ર્યનો અધિકાર આપે છે પરંતુ લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો શરિયત અને પારિવારિક બાબતોને લઈને હંમેશાં સંવેદનશીલ રહ્યાં છે. તેના લીધે મુસ્લિમ કૌટુંબિક કાયદાઓમાં સુધારા થઈ શક્યા નથી. ૧૯૮૬નું શાહબાનુ પ્રકરણ સૌને યાદ છે. ભારતમાં સેક્યુલરિઝમ કે ધર્મનિરપેક્ષતાના નામે  હંમેશાં રાજનીતિ થઈ છે. કૉંગ્રેસના સેક્યુલરિઝમની કિંમત મુસ્લિમ સમાજ, ખાસ કરીને મુસ્લિમ સ્ત્રીઓ ચુકવે છે. કૉંગ્રેસે હંમેશાં પર્સનલ લૉ બોર્ડ અને પુરુષવાદી કટ્ટર સંગઠનોને જ સાથ આપ્યો છે. તીન તલાક કે એકથી વધુ લગ્નો કે નિકાહ હલાલા જેવા કુરિવાજો પર કૉંગ્રેસ શાસનમાં કદી કાનૂની રોક લગાવી શકાઈ નહીં. પરંતુ શિક્ષણ અને જાગૃતિના કારણે ૧૯૮૬માં જે અશક્ય હતું તે ઘણી મુસ્લિમ મહિલાઓએ ૨૦૧૬માં શક્ય કરી દેખાડ્યું.

મહિલાઓએ પોતાના કુરાની અને બંધારણીય અધિકારો માટે લોકતાંત્રિક લડત કરી. સુપ્રીમ કોર્ટે એકતરફી મૌખિક કે તીન તલાક વિરુદ્ધ સ્ત્રીઓના અધિકારની તરફેણમાં ચુકાદો આપ્યો. કેન્દ્રની ભા.જ.પા. સરકારે આ ચુકાદો યથાર્થ રીતે લાગુ પાડવા ગયા વરસે તીન તલાક કાયદો પસાર કર્યો. સરકારના આ પગલાનો મુસ્લિમ સમાજે જોરદાર વિરોધ કર્યો. નોંધપાત્ર છે કે ૨૦૧૪માં ભા.જ.પ. કેન્દ્રની સત્તામાં આવી તે પછી ઘણી એવી ઘટનાઓ બની, જેનાથી મુસ્લિમ નાગરિકોમાં અસલામતીની ભાવના પેદા થઈ. ગોરક્ષાના નામે હિંસા, લવજેહાદના નામે પોલીસ દમન, વારંવાર પાકિસ્તાન ભેગા થઈ જવાનું કહેવું, સી.એ.એ. જેવો કાયદો, એન.આર.સી., એન.પી.આર. જેવી બાબતોએ મુસ્લિમ સમાજને વધુ ભયભીત કર્યો. સરકારર્ની નીતિઓ અને નિયત પર સવાલો ઊભા થયા. આ નીતિઓનો જોરદાર વિરોધ થયો અને મુસ્લિમ મહિલાઓએ વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ કર્યું. દેશભરમાં મુસ્લિમ મહિલાઓએ વિધાર્થીઓ, યુવાનો અને કર્મશીલો સાથે ખભેખભો મિલાવીને ન્યાય અને સમાનતા માટેના ઘણા  કાર્યક્રમોમાં ભાગ લીધો.

નાગરિક હકો વિના ન્યાય કેવો?

તીન તલાક પણ માનવ અધિકાર અને સામાજિક ન્યાયને સંબંધિત પ્રશ્ન છે. તેને અલગ પાડીને જોવો તે મજાક છે. જ્યારે નાગરિકતા પર જ પ્રશ્નચિન્હ લાગે ત્યારે મુસ્લિમ મહિલાઓનાં દુ:ખ કે તીન તલાક વિશે વિચારવાની કોઈને ફુરસદ ન હોઈ શકે. સરકારે પણ એ સમજવું પડશે કે મુસ્લિમ સ્ત્રીઓ પણ વ્યાપક મુસ્લિમ સમાજનો હિસ્સો છે. તેને મુસ્લિમ સમાજથી જુદી પાડીને તેના અધિકારો ન આપી શકાય. સરકારની બંધારણીય જવાબદારી પણ તમામ નાગરિકો પ્રતિ છે. પછી તે હિંદુ હોય, મુસ્લિમ હોય કે ખ્રિસ્તી હોય.

તીન તલાક કાયદાની ઘણી જોગવાઈઓની પણ ચર્ચા જરૂરી છે. તેમાં મુસ્લિમ પતિને ત્રણ વરસની સજાની જોગવાઈ છે. આ કાયદાના વિરોધમાં કેટલાક લોકોએ કહ્યું હતું કે આ કાયદો મુસ્લિમ મદરસાઓથી જેલો ભરવાની સાજિશ છે. તેમ છતાં આ કાયદો અસરકારક સાબિત થયો છે. તીન તલાકનું પ્રમાણ ઘટ્યું છે. જે કામ મુસ્લિમ મર્દોએ પોતે ન કર્યું તે કાયદા અને સજાના ડરે કરી બતાવ્યું. સારું થાત કે મુસ્લિમ ઉલેમાઓએ જાતે જ, સ્વચ્છાએ આ સુધારા કરી દીધા હોત. એનાથી મહિલાઓને તેમના કુરાની હક મળી શક્યા હોત. આ પૂર્વે દેશમાં દહેજવિરોધી કાયદો અને ઘરેલુ હિંસાવિરોધી કાયદો પણ અસરકારક નીવડ્યા છે. કાનૂની સંરક્ષણ મહિલાઓનો બંધારણીય અધિકાર છે.

૨૦૧૯માં પુન: ચૂંટાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌના સાથ અને સૌના વિકાસ સાથે સૌનો વિશ્વાસ હાંસલ કરવાની વાત કરી હતી. આ સૌનો વિશ્વાસ હાંસલ કરવાની વાતને હકીકતમાં તબદિલ કરવાના પ્રયાસો થવા જરૂરી છે. તીન તલાક કાયદો અને સાધારણ જાણકારીમાં વધારાથી દેશમાં એક તરફી મૌખિક તલાકમાં જરૂર રોક લાગી છે. કેબિનેટે તીન તલાક કાયદા પર જે પહેલ કરી એ જ દૃઢતાથી એણે  મુસ્લિમ નાગરિકોની લોકતંત્રમાં ભાગીદારી માટે પણ પહેલ કરવી જોઈએ.

‘રાષ્ટ્રીય સહારા’, તા.૫-૮-૨૦૨

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 10 ઑગસ્ટ 2020; પૃ. 06-07

Loading

જન્માષ્ટમીએ એક કાવ્ય

વિનોદ ગાંધી|Poetry|13 August 2020

તને યાદ છે, આપણે ગઈ આઠમે મળ્યા'તા?
અને તે ય પાછા મેળામાં?
તારી પાસે પાવો હતો,
તું ઉપરથી ઉઘાડો હતો.
તેં નાના અમથા મુગટમાં મોરપિચ્છ ખોસેલું,
તારી આગળપાછળ ફરતી  
બે યુવતીઓ,
એકે પથારાવાળા પાસેથી તંબૂરો 
તો બીજીએ ચિતરેલી નાની માટીની મટુકી ખરીદેલી.
તું રાજી થઈ મેળામાં મહાલતો હતો,
તેં ય સૅલથી ચાલતું રમકડું લીધેલું,
અદ્દલ સુદર્શનચક્ર જ જોઈ લો !
એક સ્ટૉલ પર તેં માખણ માંગેલું, પણ
પેલાએ તને બટર આપેલું,
પણ લૂખું તો ખવાય નહીં !
તું અકળાયેલો, મૂંઝાયેલો‌‌!

તે આજે ય જન્માષ્ટમી છે.
પણ, આજે મેળો નથી.
તું આવીશ નહીં, ફેરો પડશે.
આવે તો માસ્ક પહેરીને આવજે.
સેનેટાઈઝરને ઓળખે છે?
સોશ્યલ ડિસ્ટન્સની ખબર છે?
રાધા-મીરાંને કહેજે તારાથી દૂર રહે ‌!
કોરોના કે કંસે સામ્રાજ્યવાદી વલણ અપનાવ્યું છે.
તારો જાદૂ ચાલશે ?
હવે જો જાદૂ ન જ ચાલવાનો હોય તો તું
હોમક્વોરાઈન્ટન થઈ જજે.
અને હા,
અમને પેલો શ્લોક હવે યાદ નથી;
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति। भारत……… 
તેથી કશો સંકોચ કરતો નહીં !
અમારી ચિંતા કરતો નહીં,
અમને આત્મનિર્ભરના પાઠ સાહેબે
શીખવી દીધા છે.
ઓકે?

Loading

...102030...2,2262,2272,2282,229...2,2402,2502,260...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved