Opinion Magazine
Number of visits: 9574678
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિપક્ષોએ ભા.જ.પ.ની હિંદુત્વની રાજનીતિની નકલ કરવાનો મોહ છોડવો પડશે

રમા લક્ષ્મી|Opinion - Opinion|2 September 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન પછી જે.ડી.યુ. અને આર.જે.ડી. જેવા વિપક્ષોના કેટલાંક નેતાઓએ જાનકી જન્મભૂમિના વિકાસનો રાગ છેડ્યો છે. તે ભવ્ય રામમંદિરની જેમ જ ભવ્ય સીતામંદિર બનાવવા માગે છે. 5 ઓગસ્ટે અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરના શિલાન્યાસ પહેલાં લગભગ દરેક રાજકીય પક્ષનાં નેતાઓમાં જય શ્રી રામના જાપ જપવાની હોડ લાગી હતી.

આજકાલ ઉત્તર ભારતમાં તો હિંદુત્વની નકલ કરી એકબીજાની બરાબરી કરવાની સ્પર્ધા ચાલી રહી છે. તે સંદર્ભે કોકા કોલા (કોક) વિરુદ્ધ પેપ્સીના બ્રાન્ડિંગ-યુદ્ધની યાદ તાજી થાય છે. પેપ્સી ‘કોકા-કોલા જેવુ’ પીણું મનાતું હતું. બીજુ બાજુ કોકે તેની ‘ધિ રિયલ થિંગ’ — એટલે કે ‘અસલી ચીજ’ની ટેગલાઇન જાળવી રાખી હતી. પીણાંના નામની અગાઉથી જાણ કર્યા વગર બંને પીણાં ચખાડવામાં આવે તો મોટા ભાગના લોકોને કોક કરતાં પેપ્સી વધુ ભાવતી હતી. તેમ છતાં ઠંડા પીણામાં કોક બ્રાન્ડ નેમ બની રહ્યું છે એ હકીકત છે.

નરેન્દ્ર મોદી-અમિત શાહના ભા.જ.પ.ની પણ કંઈક આવી જ સ્થિતિ છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહનું હિંદુત્વ કોક જેવું છે, જે બજારની સૌથી ઊંચી બ્રાન્ડ ગણાય છે. બીજી તરફ વિપક્ષોનું હિંદુત્વ પેપ્સી જેવું છે. તેમાં કૉન્ગ્રેસનું જનોઈધારી, આમ આદમી પાર્ટીનું હનુમાનચાલીસાના પાઠ કરતું-શાહીનબાગથી દૂર ભાગતું, આર.જે.ડી.-જે.ડી.યુ.નું સીતામંદિરવાળું અને એસ.પી.-બી.એસ.પી.નું  પરશુરામ બ્રાન્ડ હિંદુત્વ. આવી તો હિંદુત્વની કેટલી ય બ્રાન્ડ છે.

‘મૂળભૂત હિંદુત્વ’ માટેની ખેંચતાણ

ભારતીય લોકશાહી સાથે ઠીક ઠીક સામ્ય ધરાવતા, ગરમાગરમ સ્પર્ધાત્મક બજારમાં જે કંપનીઓ પોતાની વિશિષ્ટતા સ્થાપિત કરી શકે, તે જ રાજ કરે. અને જે એવું ન કરી શકે, તેમને કોઈ પ્રમાણભૂત – ‘અસલ’ ન ગણે.

5 ઑગસ્ટના રામમંદિર ભૂમિપૂજન પહેલાં કેટલાંક કૉન્ગ્રેસીઓએ ‘આખરે તાળું કોણે ખોલ્યું?’ એવો સવાલ ઉઠાવ્યો હતો. આ સવાલ પાછળ તેમનો ખરો ઉદ્દેશ્ય રામમંદિર નિમાર્ણનાં બીજ 1985માં રાજીવ ગાંધીના હસ્તે રોપાઈ ચુક્યાં હતાં તે સાબિત કરવાનો હતો. કારણ કે 1985માં રાજીવ ગાંધીએ બાબરી મસ્જિદ ખોલવાની અને 1989મા મંદિરનાં શિલાન્યાસની મંજૂરી આપી દીધી હતી. એક રીતે તો મૂળભૂત હિંદુત્વ પરની કૉન્ગ્રસની દાવેદારીનું આ ઉત્તમ ઉદાહરણ છે. તે એ પણ દર્શાવે છે કે પોતાની બ્રાન્ડનું પોઝિશનિંગ કેવી રીતે ન કરવું.

ઉલ્લેખનીય છે કે, કમ્પ્યૂટરની શોધ સ્પેરી રેન્ડે કરી હતી. પણ આજે કોઈને એ કંપની યાદ છે? અમેરિકન લેખક અલ રીસે તેમના પુસ્તક ‘પોઝિશનિંગ : ધ બેટલ ફોર યોર માઈન્ડ’માં કહ્યું છે કે બ્રાન્ડ લીડર તે જ છે જે ગ્રાહકોને આકર્ષે છે અને તેમનાં હ્રદયને સ્પર્શે છે. જેમ આઈ.બી.એમ.એ કમ્પ્યૂટરનાં કિસ્સામાં કર્યું. આ વાત ભા.જ.પ. અને અયોધ્યાનાં કિસ્સામાં પણ લાગુ પડે છે.

ગ્રાહક સમક્ષ બજારની શ્રેષ્ઠ બ્રાન્ડ હોય તો કોઈ પણ ગ્રાહક કોઈ નકલી બ્રાન્ડને શા માટે પસંદ કરે? આ વાતને હિંદુત્વ સાથે જોડીને જોઈએ તો, જેની હિંદુત્વની બ્રાન્ડ બજારમાં શ્રેષ્ઠ હોય તેના પ્રત્યે જ લોકો આકર્ષિત થાય. લોકો પાસે મૂળભૂત – અસલ બ્રાન્ડનો વિકલ્પ હોય ત્યારે તે છોડીને તેની નકલ કરતી બ્રાન્ડની શા માટે પસંદગી કરે? એ તો ‘બર્ગર કિંગ’ને છોડી ‘બર્ગર સિંઘ’ને અપનાવવા જેવું થાય છે.

શશિ થરૂરે પણ ૨૦૧૭માં ચેતવણી આપી હતી કે કૉંગ્રેસે ભા.જ.પ.ની નકલ કરવી જોઈએ નહીં. ‘કૉંગ્રેસ ભા.જ.પ.ની નબળી નકલ કરશે તો તે ‘કોક ઝીરો’ જેવું થશે ને આપણા હાથમાં ઝીરો જ આવશે’ એવું તેમણે કહ્યું હતું. નબળી નકલ ટૂંકા ગાળામાં થોડો ફાયદો જરૂર કરાવે, પણ લાંબા ગાળે તે કદી લાભપ્રદ બનતી નથી. દાખલા તરીકે 2014માં ‘ફૅર એન્ડ હેન્ડસમ’ ફેસ ક્રીમનું રિ-લોન્ચ શાહરુખખાન દ્વારા કરાયું હતું. ‘ફેર એન્ડ હેન્ડસમ’ ક્રીમે મહિલાઓ માટેની બ્રાન્ડ ‘ફૅર એન્ડ લવલી’(જેનો ઉપયોગ પુરુષો પણ છાનામાના કરતા હતા)ની લોકપ્રિયતાનો લાભ લેવાનો પ્રયત્ન કર્યો હતો. પણ આગળ કહ્યું તેમ, નકલ લાંબા સમય સુધી ટકી શકતી નથી. એ ન્યાયે ‘ફૅર એન્ડ હેન્ડસમ’નો જાદુ પણ  થોડા સમયમાં ઓસરી ગયો.

જમણેરી બનવાની હોડ

નકલી હિંદુત્વમાં રહેલા બ્રાન્ડ પોઝિશનિંગનાં જોખમ ઉપરાંત, જે લોકો ધાર્મિક કટ્ટરતાનો વિકલ્પ શોધી રહ્યા છે તેમના માટે પણ તે રાજકારણને સાવ કંટાળો આવે એ રીતે વિકલ્પ વગરનું બનાવી મૂકે છે. જો સૌ કોઈ  ખુલ્લેઆમ હિંદુ રાજનીતિ અથવા તેના કોઈ પણ પ્રકારને અપનાવે છે તો તેમને મૂળ કટ્ટર હિંદુ કરતાં અધિક કટ્ટર હિંદુ થવાની ફરજ પડશે. એ તો તળિયે પહોંચવાની હોડ બની જશે.

ઇઝરાઇલની ગત ચૂંટણીમાં બધા પક્ષોનું વલણ જમણેરી હતું. તેના કારણે રાજકીય પક્ષો વચ્ચેની રાજકીય વિચારધારાનો ભેદ ભૂંસાઈ ગયો. આ જ બાબત પાડોશી દેશ પાકિસ્તાનને પણ લાગુ પડે છે. પાકિસ્તાનમાં લગભગ તમામ મુખ્ય પક્ષો જેવા કે પી.પી.પી., પી.એમ.એલ.(એન.) અને પી.ટી.આઈ.માં રાજકીય વિચારધારાનો તફાવત બહુ ઓછો છે. પાકિસ્તાનના ત્રણેય મુખ્ય રાજકીય પક્ષો ઇસ્લામિક કટ્ટરવાદીઓને પ્રોત્સાહન આપે છે અને સૈન્યનાં ગુણગાન ગાય છે.

ગયા વરસે મેં લખ્યું હતું કે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ભારતીય રાજકારણમાં હિન્દુ ધર્મ, રાષ્ટ્રવાદ, સામાજિક ઉદારવાદ અને લોકકલ્યાણવાદનું સંયોજન ધરાવતો એક નવો મધ્યમમાર્ગીય  વિકલ્પ આપી રહ્યા છે. પરંતુ તે પછી કેજરીવાલ મધ્યમ માર્ગથી દૂર હઠીને જમણેરી બળોની વધુ નજીક જતા રહ્યા છે. તંગ દોરડા પર તેમની આ નટચાલ ભારે જોખમી છે. સમય વીતતાં વાસ્તવિક વિકલ્પનો અભાવ અને જવાબદાર તંત્રની ગેરહાજરી ભારતના લોકતંત્રને-તેના પોતાને નબળું પાડી શકે છે. વિપક્ષોએ નકલ કરવાને બદલે બ્રાન્ડનું નવેસરથી પોઝિશનિંગ કરવાની જરૂરિયાત છે.

નંબર બે જ આગળ વધી શકશે

વિજ્ઞાપન જગતમાં અને ભાડાની કારના બજારમાં એવિસની સામે હર્ટ્ઝની બ્રાન્ડનું યુદ્ધ દંતકથા સમું બની ચુક્યું છે. કારબજારમાં એવિસ બ્રાન્ડનું સ્થાન બીજા ક્રમાંકે હતું, જ્યારે હર્ટ્ઝની બ્રાન્ડ બજારમાં મોખરે હતી. વર્ષોથી એવિસની ટેગ લાઇન (જાહેરખબરમાં વપરાતું ચોટડૂક સૂત્ર) હર્ટ્ઝની ટેગ લાઇન જેવી જ હતી. ત્યાર બાદ એવિસે તે બદલી નાખી અને બજારમાં બીજા સ્થાને રહીને જ પોતાની જાહેરખબર શરૂ કરી. બલકે, તેણે બીજા સ્થાનને પોતાની વિશિષ્ટતા બનાવીને વેચવાનું શરૂ કર્યું. તેનો નવો સંદેશો એવો હતો કે ‘અમારી સેવા લો. અમે ભાડે કાર આપનારી બીજા નંબરની મોટી કંપની છીએ. અમે વધુ સારો દેખાવ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. અમારા ગ્રાહક ઓછા છે, જેથી અમારી કાર પણ સારી સ્થિતિમાં હોય છે, વગેરે.’ ત્યાર પછી એવિસે કમાવાનું શરૂ કર્યું, પણ તે હર્ટ્ઝના જેવી બનીને નહીં, હર્ટ્ઝની સામે પડીને શક્ય બન્યું.

જ્યારે કોઈ કંપની બજારમાં ખૂબ મોટી અને ટોચની કંપની બને છે ત્યારે તે પોતાના જ વાયદાઓમાં અને પોતાની રચેલી સૃષ્ટિમાં અટવાતી જાય છે. સફળતા કોઈને પણ આળસુ બનાવે છે અને હર્ટ્ઝ સાથે પણ કંઈક આવું જ થયું. વધારે વિચાર્યા વગર અને ગભરાઈને નિર્ણય લેવાને બદલે, એવિસે ટોચની – નંબર વન કંપનીની નબળાઈ – તેના કામગીરી સુધારવાનાં અભાવનો લાભ લેવાનું નક્કી કર્યું.

કોલાની બોલબાલાવાળા ઠંડા પીણાંના બજારમાં સેવન અપે ‘અન-કોલા’ બનીને કંઈક આવું જ કર્યું હતું. એ જ રીતે અમેરિકામાં લાંબી અને ચમકિલી ગાડીઓનું ચલણ હતું ત્યારે ફોક્સવેગન બીટલે તેની પ્રખ્યાત ટેગ લાઇન 'થિન્ક સ્મોલ' રજૂ કરી. પેપ્સીએ પણ જ્યારે યુવાનોને આકર્ષવા સંગીતના માધ્યમથી માઇકલ જેક્સનને તેની જાહેરાતોમાં દર્શાવવાનું શરૂ કર્યું, ત્યારે તે પોતાનું સ્થાન જમાવી શકે. તાજગીભરી પસંદગીના રૂપમાં રજૂ થઈને પેપ્સીએ કોકને જૂનવાણી સાબિત કરવાનો પ્રયાસ કર્યો.

કુઆલાલુમ્પુરસ્થિત બ્રાન્ડ વિશ્લેષક શિવરંજન સહગલ જણાવે છે કે, 'કોઈ પણ વ્યવસાયીએ તેનો ધંધો વધારવા નવા ગ્રાહકોને પોતાની સાથે જોડવાની કે હાલના ગ્રાહકોને ઉત્પાદનનો વધુ ઉપયોગ કરવા પ્રેરવાની કે ઉત્પાદનનાં નવા ઉપયોગોને પ્રોત્સાહન આપવાની જરૂર હોય છે. એ જ રીતે, રાજકીય પક્ષોએ પણ નવા સમર્થકોને પોતાના તરફ આકર્ષવાની અને ચોક્કસ સંદેશ સાથે મૂળ સમર્થકોમાં પોતાની પ્રાસંગિકતા વધારવાની જરૂર હોય  છે.

વિપક્ષોએ પણ આ વાતમાંથી એ ધડો લેવાનો છે કે ભા.જ.પા.નું પ્રભાવશાળી હિંદુત્વ મોજૂદ હોય ત્યારે નકલી હિંદુત્વમાં કોને રસ પડે?

‘ધ પ્રિન્ટ-હિંદી,’ અનુવાદ દિપ્તીકા ડોડીઆ

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 31 ઑગસ્ટ 2020; પૃ. 08-10

Loading

ભૂલી ગયો છે

સંજુ વાળા, સંજુ વાળા|Poetry|1 September 2020

ગરબડ 'ને ગોટાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે 
માણસ ધોળા-કાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે 

ગલી ગલીનું  બચ્ચેબચ્ચું પોપટ પોપટ કહી પજવે છે 
કોઇ બિચારો માળામાંથી બ્હાર નીકળવું ભૂલી ગયો છે

ઘરથી મંદિર, મંદિરથી ઘર; સર્કિટ જેવું જીવ્યા કરે છે 
એ માણસ કુંડાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

રાતું – પીળું ગાતા એક ફકીરનું નિદાન થયું કે –
ગુલમ્હોર – ગરમાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે 

જોશી-જાદૂગરના ચરણે પરખ-પાસવર્ડ શોધે છે, એ –
ભીતર ભીડ્યા તાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે 

નથી જવાતું ઉપર કે ના પાછો નીચે ફરી શકે છે 
વિકટ કોઇ વચગાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે 

પદ-પ્રતિષ્ઠા, જ્ઞાન-ગરથના સામે પલ્લે ગઝલ મૂકી, તું 
સમજણ નામે શાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે 

ખબરદાર, આ ચેતવણી છે : સ્હેજે ના અનુસરશો એને
સંજુ, સંજુ વાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે

પ્રગટ : “નવનીત સમર્પણ”, સપ્ટેમ્બર 2020

Loading

બાબુ : સંઘર્ષના મેદાનનો ‘ધ્યાનચંદ’

જે.આર. સેનવા|Opinion - Opinion|1 September 2020

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટસ મેદાન પર ખો-ખોની એક ફાઈનલ મેચ જામી હતી. બંને ટીમો અન્ય ઘણી ટીમોને હરાવીને ફાઈનલમાં પહોંચી હતી. એમાં અમારી અમદાવાદની ટીમ ફિલ્ડમાં હતી અને ગાંધીનગરની ટીમનો દાવ હતો. અમારી યજમાન ટીમ આગલા વર્ષે રાજકોટ ખાતે યોજાયેલ પ્રથમ રમતોત્સવમાં પણ સ્ટેટ ચેમ્પિયન રહી હતી. આ બીજો રમતોત્સવ હતો. આગલા વર્ષના સ્ટેટ લેવલના વિજયના કારણે અમારી ટીમ વિજયના કેફમાં હતી. વળી આ બીજા રમતોત્સવની સ્પર્ધાઓમાં પણ ઘણી હરીફ ટીમોને કારમી રીતે હરાવી હતી. પરંતુ આજે ગાંધીનગરની હરીફ ટીમના એક ખેલાડીએ અમારી ટીમના નાકમાં દમ લાવી દીધો હતો. ખો-ખોની મેચમાં એક દાવ નવ મિનિટનો હોય. એમાં કોઈ પણ ખેલાડી બે મિનિટ ખેંચે તો પણ બહુ કહેવાય. એમાં વીજળીની ઝડપ અને ચિત્તાની ચપળતાથી રમતા આ ખેલાડીએ પહેલા રાઉન્ડમાં પણ પાંચ મિનિટ ઉપર ખેંચી નાખી હતી. ફાઈનલ રાઉન્ડમાં થોડી મિનિટો બાકી હતી અને અમારા વિજયનાં સપનાંને એ એકલો ચકનાચૂર કરતો હતો. આખરે સ્થાનિક હોવાનો ફાયદો લઈને અમે રમતની છેલ્લી મિનિટમાં ‘અનંચઈ’ કરી. મારી આંગળી એને અડી ગઈ છે એવી વારંવાર દલીલ કરીને અમે સ્થાનિક રેફરીઓની મદદથી ‘નકલી વિજય’ મેળવ્યો. જો કે આ રસાકરીભરી મેચનો હીરો તો હરીફ ટીમનો એ ખેલાડી બાબુ જ હતો !

બાબુ પરમાર ઉત્તર ગુજરાતના એક નાના ગામડાંથી ગાંધીનગરમાં ભણવા આવેલો. ગાંધીનગરની સમાજકલ્યાણ ખાતા દ્વારા સંચાલિત ‘આંબેડકર હોસ્ટેલ’માં રહીને કોલેજ કરતો હતો. આ બાજુ હું પણ અમદાવાદની ‘નરસિંહ ભગત છાત્રાલય’માં રહીને કોલેજ કરતો હતો. સમાજ કલ્યાણ ખાતા દ્વારા વર્ષ-2005-06 દરમિયાન રાજ્ય લેવલનો રમતોત્સવ યોજાયો હતો. મેં રાજકોટ ખાતે યોજાયેલ પ્રથમ રમતોત્સવમાં જ મારું હુન્નર દેખાડી દીધું હતું. ચારસો મીટરની દોડમાં બીજા નંબરે આવ્યો હતો અને ખો-ખોમાં પણ અમારી ટીમ ચેમ્પિયન બની હતી. આ ટીમમાં મારી સાથે સતીષ દાલોદ, રવિચંદ્ર રાઠોડ અને રાજેન્દ્ર સોયા જેવા જાબાંજ ખેલાડીઓ હતા. એમાં ય સતીષ પણ બાબુ જેવો રમતવીર હતો. પણ બાબુને ટક્કર આપવા જેટલો કાબેલ નહીં. આ બીજા રમતોત્સવમાં ટીમનું સુકાન મારા હાથમાં હતું. આગલા વર્ષના વિજયને જાળવી રાખવાનું પ્રેશર પણ ખૂબ હતું. કારણ કે  અમારી નરસિંહ ભગત છાત્રાલયની કબડ્ડીની ટીમ પણ સતત બીજા વર્ષે ચેમ્પિયન બની હતી. એટલે ગમે તે રીતે અમે વિજય તો મેળવ્યો પણ એ વિજય ફિક્કો હતો.

આ પછીના વર્ષે બાબુ અમદાવાદમાં આવી ગયો એટેલે અમારી ટીમ રાજયની હોસ્ટેલ્સમાં ‘ડ્રીમ ઈલેવન’ જેવી બની ગઈ. ત્રીજા વર્ષે પણ અમે બાબુ જેવા ખેલાડીઓ દ્વારા વિજયની ‘હેટ્રીક’ લગાવી. હવે અમારી ટીમ વધુ સારી રીતે અન્ય જગ્યાએ રમવા જઈ શકે એવી સક્ષમ બની ગઈ હતી. પરંતુ કમનસીબે એ વર્ષથી સમાજકલ્યાણ ખાતના આ ઉજ્જવળ પ્રોજેક્ટનું બાળમરણ થયું અને અમારી હોસ્ટેલના બાબુ જેવા કેટલાં ય ઊગતા ‘ધ્યાનચંદ’ કરમાઈ ગયા.

જો કે આ બધામાં અપવાદ હતો બાબુ ! કદાચ એ ‘ગોડ ગિફટેડ’ હતો ! કોલેજ પછીના થોડાં વર્ષો પછી અમે નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પડી ગયા. બાબુ હવે મારો નજીકો મિત્ર બની ગયો હતો. સરકારી હોસ્ટેલમાંથી અમારા અન્ન-જળ પૂરાં થઈ ગયાં હતાં. પરંતુ અમારે અમદાવાદમાં આશરાની ખૂબ જ જરૂર હતી. એટલે યુનિવર્સિટીની હોસ્ટેલમાં ‘ઈ-લીગલ’ બનીને રહેવા લાગ્યા. બાબુ યુનિવર્સિટીમાં જ કરાર આધારિત નોકરી કરતો હતો અને સાથે-સાથે સ્પર્ધાત્મક તૈયારી પણ કરતો હતો. સરકારી હોસ્ટેલની સલામત જગ્યા છુટ્યા પછી ખરો સંઘર્ષ શરૂ થયો હતો. એમાં બધાં વધતા-ઓછા અંશે પીસાતા હતા. આમ છતા બાબુ આ સંઘર્ષમાં પણ મોજથી રહેતો હતો. તેનું કારણ એનું હસમુખું વ્યક્તિત્વ હતું. જ્યાં મારા જેવા કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ થઈને નિરાશ થઈ જતા ત્યાં બાબુ એનાં તકિયા-કલામ જેવા વાક્યથી અમારી નિરાશા દૂર કરવાના પ્રયત્નો કરતો. આકાશ તરફ જોઈને બે હાથની મુઠ્ઠી વાળી પછી જોરથી બોલતો ‘મા ફડાવા જાય બધું, મોજથી રે’વાનું.’ અને અમે એનાં હાસ્યરસથી થોડા ફ્રેશ થઈ જતા.

નોકરી મેળવીને સેટ થઈ જવાના સમયમાં અમારા સંઘર્ષમાં સ્પોર્ટસ તો બિલકુલ ભુલાઈ ગયું હતું. મારા જેવાને તો હવે સો મીટરની દોડમાં પણ છેલ્લે એવા હાલ હતા. ગ્રાઉન્ડથી તો ક્યારનો ય છેડો ફાટી ગયો હતો. પરંતુ એક ઈતેકાફથી મારે ફરીથી ગ્રાઉન્ડ પર જવાનુ શરૂ થયું. વર્ષ 2012માં ગુજરાત સરકાર દ્વારા પોલીસ ખાતામાં લગભગ સત્તર હજારની ભરતી આવી. આથી હું મારા કાકાના દીકરા ધીરુને મારી જોડે સ્પર્ધાત્મક તૈયારી કરાવવા ગામડેથી યુનિવર્સિટી હોસ્ટેલમાં લઈ આવ્યો હતો. એની કદ-કાઠી પોલીસને અનુરૂપ હતી, પણ મનોબળ તળિયે હતું. આથી હું એને લઈને સાંજે યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર દોડવા જતો. અમારી સાથે બાબુ પણ આવતો. યુનિવર્સિટીના ચારસો મીટરના ટ્રેક પર પોલીસની ફિઝિકલ ટેસ્ટની તૈયારી કરતા યુવાનોએ તેર-ચૌદ રાઉન્ડ નિયત સમયમાં પૂરા કરતા હતા. મારાથી તો હવે ચારથી વધારે રાઉન્ડ વાગતા નહોતા. પરંતુ આ બધા વચ્ચે હજુ બાબુમાં હજુ સ્પોર્ટપર્સન જીવતો હતો. એ સામાન્ય રીતે વીસેક રાઉન્ડ આરામથી લગાવી લેતો હતો. પરંતુ એની તકલીફ પણ મારા જેવી હતી. ઓછી હાઈટના કારણે પોલીસ ભરતીમાં જવું શક્ય નહોતું. છતા એ દોડતો હતો.

આ દરમિયાન અમદાવાદ કોર્પોરેશન દ્વારા સાબરમતી મેરેથોન દોડની જાહેરાત થઈ. આમાં દોડવા માટે બાબુએ રજિસ્ટ્રેશન કરાવ્યું. મેરેથોનની પ્રેક્ટીસ માટે બાબુ ગ્રાઉન્ડના સાઈઠ-સાઈઠ જેટલા રાઉન્ડ લગાવવા લાગ્યો. અમારા આશ્ચર્ય વચ્ચે આટલું દોડવા છતા એનામાં થાકનો કંઈ વરતારો નહતો. અમે પણ એને ખૂબ પ્રોત્સાહિત કરવા લાગ્યા. આખરે એ મેરેથોનમાં દોડવા ગયો. અમે વિજય ચાર રસ્તા પાસે એને ચીયર-અપ કરવા પહોંચ્યા ત્યાં તો એ ખૂબ આગળ નીકળી ગયો હતો. બાબુએ 42.195 કિલોમીટરની મરેથોન દોડ 3 કલાક 36 મિનિટ 2 સેકન્ડમાં પૂરી કરી અને લોકલ લેવલનુ ઈનામ પણ લઈ આવ્યો.

ધીરુ એ ગ્રાઉન્ડના બાર રાઉન્ડ માંડ-માંડ પૂરા કરી શકતો હતો. મને એની ઘણી ચિંત્તા હતી. પરંતુ ‘દશેરાએ એનું ઘોડું દોડી ગયું’ અને એ પોલીસ બની ગયો. સ્પર્ધાત્મક તૈયારી કરતા અમે ઘણા-બધા મિત્રો પણ સરકારી નોકરીમાં સેટ થઈ ગયા હતા, એટલે યુનિવર્સિટીની હોસ્ટેલને અલવિદા કરી દીધી હતી. પરંતુ બાબુનો સંઘર્ષ હજુ ચાલુ હતો. એની કરાર આધારિત નોકરી પૂરી થઈ ગઈ હતી. આમ છતા એણે હિંમત હાર્યા વિના નોકરી માટેની તૈયારી ચાલુ રાખી. હોસ્ટેલમાં રહેવાનું બંધ થતા અમદાવાદમાં રહેવા માટે એક પ્રાઈવેટ નોકરી શરૂ કરી અને એક નાનકડી ખોલી ભાડે રાખીને પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ચાલુ રાખી. આ દરમિયાન જ એના લગ્ન થઈ ગયા.

પરંતુ જીવનસાથીએ નાની વાતમાં આવેશમાં આવીને અંતિમ પગલું ભરી લીધું. બાબુ માથે હવે નોકરીની સાથે સાત-આઠ મહિનાના બાળકની જવાબદારી પણ આવી ગઈ. આમ છતા એણે નિરાશ થયા વિના સંઘર્ષ ચાલુ રાખ્યો. એનાં સઘર્ષના પરિણાણરૂમે હાયર સેકન્ડરીની ટાટ પરીક્ષામાં એણે ખૂબ સારો સ્કોર મેળવ્યો. બીજી તૈયારી પણ ખૂબ સારી હતી પરંતુ બીજી સરકારી ભરતીને કોરોના ભરખી ગયો. લોક-ડાઉન થયું ત્યારથી ગામડે જતું રહેવું પડ્યું. ગામડે પણ એનાં સંઘર્ષની ‘મેરેથોન’ અવિરત રીતે ચાલે છે. એવા જ વિશ્વાસથી કે કાલે નવું પરોઢ થશે અને આશાનું એક કિરણ લઈ સુખનો સૂરજ ઊગશે !

Loading

...102030...2,1962,1972,1982,199...2,2102,2202,230...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved