Opinion Magazine
Number of visits: 9663880
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હંસને કી ચાહને કિતના મુઝે રુલાયા હૈ

સોનલ પરીખ|Opinion - Opinion|11 July 2025

હંસને કી ચાહ ને કિતના મુઝે રુલાયા હૈ
કોઈ હમદર્દ નહીં દર્દ મેરા સાયા હૈ…

દિન તો ઉલઝા હી રહા ઝિંદગી કી બાતોં મેં
સાંસે જલતી હૈ કભી કભી રાતોં મેં
કિસી કી આહ પે તારોં કો પ્યાર આયા હૈ…

સપનેં છલતે હી રહે રોજ નઈ રાહોં સે
કોઇ ફિસલા હૈ અભી અભી બાહોં સે
કિસકી હૈં આહટેં યે કૌન મુસ્કુરાયા હૈ…

‘શાદીશુદા આદમી જ્યાદાતર અકેલા હી હોતા હૈ’ આ સંવાદ છે બાસુ ભટ્ટાચાર્યની એક અદ્દભુત ફિલ્મ ‘આવિષ્કાર’નો.

લગ્ન પહેલા માનસી ગાતી અને અમર ઉત્કંઠાપૂર્વક સાંભળતો. એ જરા ઉદાસ થતી ને અમર વહાલ કરીને કહેતો, ‘મુઝે અપના દુ:ખ નહીં બતાઓગી તો મૈં તુમ્હેં સુખ કૈસે

દૂંગા?’ માનસી પૂછતી, ‘શાદી હમેં સુખ દેગી, અમર? એ કહેતો, ‘ક્યોં નહીં? અગર હમ સચ્ચે રહેં તો જરૂર દેગી.’

અને હવે, કુછ સાલ બાદ, માનસી કહે છે, ‘અબ તુમ્હેં સુખ મિલતા હૈ સિર્ફ મેરે કપડે ઉતારને મેં.’ અને કડવાશથી અમર કહે છે, ‘અબ તો ઉસસે ભી તંગ આ ચૂકા હૂં.’ બધું પૂરું થઈ ગયું છે બન્ને વચ્ચે, બાકી રહી છે જે કંઈ થયું તે માટે બીજા પર દોષ ઢોળવાની વિકૃત મઝા.

બાસુ ભટ્ટાચાર્ય

આ ફિલ્મનું એક સુંદર ગીત ‘હંસને કી ચાહ ને કિતના મુઝે રુલાયા હૈ’ આજે આપણે માણવાના છીએ, બાસુદાની પુણ્યતિથિ આવી રહી છે એ નિમિત્તે. લગ્નસંસ્થા અને દાંપત્ય પર અણિયાળા સવાલો કરનારી બાસુ ભટ્ટાચાર્યની પ્રસિદ્ધ ફિલ્મત્રયી ‘અનુભવ’ (1971), ‘આવિષ્કાર’ (1974) અને ‘ગૃહપ્રવેશ’ (1979)એ એક આખી પેઢીના ગુમસુમ સંબંધોને સ્પર્શ કર્યો હતો.

આ ત્રણે ફિલ્મનાં નાયક-નાયિકાનાં નામ અમર અને માનસી છે. તેઓ પ્રેમ કરે છે, પરણે છે અને પછી અનુભવે છે કે તાજી, ખળખળ વહેતી જિંદગી બંધિયાર અને વાસી બનતી જાય છે. ઊડી જાય છે એ સુગંધ જે પ્રિયપાત્રને જોઈ હૃદયમાંથી ઊઠતી હતી. આવું કેમ થાય છે ને આવું થાય તો પછી શું થાય છે? દરેક ફિલ્મમાં બાસુદા આ સવાલ મૂકે છે. દર્શકને તેની ધાર વાગ્યા વિના રહેતી નથી અને અંત એમ તો સુખદ કહી શકાય એવો હોવા છતાં એક અસમંજસ, થિયેટર છોડ્યા પછી પણ ખાસ્સો સમય દર્શકની સાથે રહે છે.

‘આવિષ્કાર’ ફિલ્મની શરૂઆત જ ‘હંસને કી ચાહ ને કિતના મુઝે રુલાયા હૈ’ ગીત સાથે થાય છે. ગીત આગળ વધતું જાય છે, ટાઈટલ્સ સરતાં જાય છે અને ફિલ્મનું વાતાવરણ બંધાતું જાય છે. કપિલકુમારના શબ્દોને મન્ના ડેએ એટલા પ્રાણવાન બનાવ્યા છે કે અનુભૂતિ કોઈ એકની ન રહેતા દરેકની બની જાય છે. ફિલ્મના સંગીતકાર હતા કનુ રૉય. ‘અનુભવ’માં એમણે પોતાની બહેન ગીતા દત્ત પાસે ‘મુઝે જા ન કહો મેરી જાં’, ‘કોઈ ચૂપકે સે આ કે’ જેવાં કમાલનાં ગીત ગવડાવેલાં. તે જો મૃત્યુ ન પામી હોત તો તેના કંઠને અનુરૂપ એવું ‘આવિષ્કાર’નું ‘નૈના હૈં પ્યાસે મેરે’ પણ તેણે ગાયું હોત એમ ધારવું ગમે. કપિલ કુમારે ‘અનુભવ’ માટે અદ્દભુત ગીત લખ્યું છે, ‘ફિર કહીં કોઈ ફૂલ ખિલા, ચાહત ના કહો ઉસકો’ એ પણ મન્ના ડેએ ગાયું છે.

અમર (રાજેશ ખન્ના) અને માનસી (શર્મિલા ટાગોર) બંને આધુનિક, સુશિક્ષિત, બુદ્ધિશાળી છે. ચિક્કાર પ્રેમ કરીને અને વિદ્રોહ કરીને લગ્ન કરે છે. થોડાં વર્ષો પછી સ્થિતિ એ થાય છે કે લગ્નતિથિ હોવા છતાં અમર મોડે સુધી ઑફિસમાં બેઠો રહે છે – ઘેર જવાનું મન નથી થતું. ઘેર મિત્ર સુનીલ પુષ્પગુચ્છ લઈને જાય છે ત્યારે માનસી કહે છે, ‘નવાઈની વાત છે, તમને અમારી લગ્નતિથિ યાદ છે અને અમે જ ભૂલી ગયાં!’ સુનીલ વાતને વાળી લે છે, ‘એવું થાય.’ માનસી યાદ કરે છે, ‘પહેલી લગ્નતિથિ પર ખૂબ ફર્યાં હતાં, ખૂબ વાતો કરી હતી. બીજી લગ્નતિથિ પર બાળકના આગમનની તૈયારી હતી. ત્યાર પછી બેચાર લગ્નતિથિ આવી, પણ કોઈ પ્રોગ્રામ કરવાનું મન જ નથી થતું.’ ફરી સુનીલ વાત વાળી લે છે, ‘સંબંધો સાદગી પર ઊતરી આવે ત્યારે એવું જ થાય, કોઈ પ્રોગ્રામની જરૂર ન રહે.’

બાસુ ભટ્ટાચાર્યની કારકિર્દી બિમલ રૉયની ‘મધુમતી’ના સહાયક દિગ્દર્શક તરીકે થઈ. માધ્યમ તરીકે ફિલ્મોને કલાત્મકતાના સર્વોચ્ચ શિખરે પહોંચવામાં તેમણે પોતાના ગુરુ જેવી જ મહારત હાંસલ કરી હતી. ‘તીસરી કસમ’ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બાસુદા અને બિમલ રૉયની પુત્રી રિન્કીએ બધાના વિરોધ છતાં ભાગીને લગ્ન કર્યાં પણ ઝડપથી સંબંધો વણસ્યા, રિન્કી ઘર છોડી ચાલી ગઈ અને પછી છૂટાછેડા થયા. આ કડવા અનુભવોને ફિલ્મોમાં મૂકી બાસુદા જાણે કોઈ હલ શોધે છે. ‘આવિષ્કાર’ના અંતે સવારે દૂધની બોટલ લેવા બારણું ખોલતી માનસીને અમરે બહાર જ મૂકી દીધેલો પુષ્પગુચ્છ મળે છે એ જોઈ તે રાતની અકળામણ ભૂલી જાય છે અને અમર તેને સાહીને ઘરમાં લઈ જાય છે. દર્શક વિમાસે છે, આ નવી શરૂઆત છે કે સુખની એક આકસ્મિક પળ? શર્મિલા ટાગોર અને રાજેશ ખન્ના એ સમયના સફળ અને વ્યસ્ત કલાકારો. બંનેએ કહ્યું છે કે બાસુદા સાથે કામ કરવું એ એક ‘ક્રિએટિવ એક્સપિરિયન્સ’ છે.

‘આવિષ્કાર’ને વિવેચકોએ ખૂબ વખાણેલી. ‘સૂરજ હૈ સૂરજ ધરતી સે, સૂરજ ફિર ભી સૂરજ હૈ; ધરતી હૈ ધરતી સૂરજ સે, ધરતી ફિર ભી ધરતી હૈ’ – રાજેશ ખન્ના દ્વારા બોલાતી આ પંક્તિ અનંત અર્થની વાહક બની છે. તેને આ ફિલ્મ માટે અવૉર્ડ મળ્યો હતો. અમર કહે છે, ‘લગ્ન પહેલાં આપણે થોડું મળતાં. મળતાં ત્યારે શ્રેષ્ઠ રૂપમાં રહેતાં. તે વખતે આપણે કેટલાં સુંદર હતાં!’ ‘તો હવે કુરુપ થઈ ગયાં?’ ‘ના, લાચાર.’ અને માનસી કહે છે, ‘મારા પિતા કહે છે કે પ્રેમ પોકળ વસ્તુ છે, નક્કર ચીજ છે શ્રદ્ધા. પણ મારી મા કહે છે, પુરુષ કદી સ્ત્રીને શ્રદ્ધાથી જોઈ શકતો નથી. જ્યાં સુધી શરીરનું આકર્ષણ છે, ત્યાં સુધી એ પત્નીનો ગુલામ થઈને રહે છે, ત્યાર પછી બની જાય છે પત્ની-સંતાનોનો માલિક. ક્યારેક વિચાર આવે છે, આપણે પ્રેમનો અર્થ સમજતાં હતાં ખરાં?’ – ‘સપને છલતે હી રહે રોજ નઈ રાહોં સે, કોઈ ફિસલા હૈ અભી અભી બાહોં સે.’ શું છે આ છલના, આ ફિસલન?

1997ની 19 જૂને 63 વર્ષની ઉંમરે બાસુદાનું નિધન થયું. એ જ વર્ષના જાન્યુઆરીમાં એમની છેલ્લી ફિલ્મ ‘આસ્થા’ આવી, એમાં પણ એક અમર-માનસી છે. વધતા જતા ભૌતિકવાદની શહેરી જીવન, મધ્યમવર્ગ અને લગ્નનાં મૂલ્યો પર થયેલી અસર વચ્ચે ભીંસાતાં ‘આસ્થા’ના અમર-માનસી આ છલના, આ ફિસલનનો કેવો અનુભવ કરે છે, કેવો અર્થવિસ્તાર કરે છે? ક્યારેક વાત કરીશું એ ફિલ્મની.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 06 જૂન 2025

Loading

વરસાદમાં દરવાજો પલળ્યો

નરેશ સક્સેના [મૂળ હિન્દી પરથી અનુવાદઃ રૂપાલી બર્ક]|Poetry|11 July 2025

વરસાદમાં દરવાજો પલળી
ને ફૂલી ગયો છે
ક્યારેક વૃક્ષ હતો,
અમે સમજ્યા કે
એ ભૂલી ચૂક્યો હશે

હવે એના ચોખટામાં
બંધબેસતો નથી
કેટલીય ખીલીઓ ઠોકેલી છે
તોય વળી રહ્યો છે

વરસાદમાં ભીંજાવા
બહારની તરફ ઝુકી ગયો છે
ક્યારેક વૃક્ષ હતો,
અમે સમજ્યા કે
એ ભૂલી ચૂક્યો હશે.

ફોટોઃ રૂપાલી બર્ક

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

પણે કેવળ પ્રાસંગિક થઈને રહી ગયા છીએ ….

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|11 July 2025

રવીન્દ્ર પારેખ

દુનિયામાં કૈં પણ થાય, આપણને તેની બહુ અસર થતી નથી. એકાદ દુઃખ હોય તો રડીએ, પણ રોજ જ મરે તેનું કેટલુંક રડીએ? કમાઈએ કે કૂટીએ? પહેલાં એ સુખ હતું કે ખબર જ મોડી પડતી. એકાદ છાપું આવે ને એકાદ ખૂન થાય કે ક્યાંક આગ લાગે કે ક્યાંક પાણી ભરાય, તો ચુમાઈને બેસી રહેતાં. હવે તો એટલા સમાચાર ને વિગતો ટેરવે આવી ગયાં છે કે એ જાણી, સમજીને ય ચામડું એવું બહેર મારી જાય છે કે ભેજું સડવા લાગે છે. એટલું બધું મગજ પર ઠોકાતું રહે છે કે તમે ન ઈચ્છો તો પણ તમારે ભાગે એ આવે ને ધીમે ધીમે હાલત એવી થતી જાય કે કોઈ અસર જ ન થાય. કશું પણ બહુ ફીલ થતું જ નથી ને થાય તો પણ કેટલુંક? હવે ખાસ અસર જ ન થાય એટલું બધું ફીલ થાય છે. બને છે જ એટલું બધું કે સવાલ થાય કે કોનું ફીલ કરવું ને કોનું ન કરવું? 

જેમ કે વડોદરા અને આણંદને જોડતો ગંભીરા બ્રિજ બે દિવસ પર મહીસાગરમાં ખાબકી ગયો, તો મીડિયામાં કાગારોળ મચી ગઈ. 110 ફૂટ ઊંચેથી વાહનો ખાબક્યાં ને કેટલાં કે જળસામાધિ લીધી. 4 વર્ષમાં આ 16મો પુલ તૂટ્યો હતો. હવે એમાં કૈં આમ રડારોળ કરવાની જરૂર નથી. પુલ છે ને તૂટે ય ખરો. તૂટવા માટે જ તો હોય છે એ. ગયે વર્ષે જ 1.18 કરોડને ખર્ચે એ રીપેર પણ થયો હતો. એ રીપેર કરનાર એજન્સીની પણ એણે શરમ ન રાખી ને તૂટી પડ્યો. હવે તો એવું છે કે રીપેર થાય કે ન થાય, તૂટવાનો હોય તો પુલ તૂટે જ છે. ત્રણેક વર્ષ પર મોરબીનો નવો જ પુલ ખુલ્લો મુકાતાં તૂટેલો જ ને ! ને 135 લોકોના જીવ ગયેલા તો શું ખાટુંમોળું થયેલું? જો કે, ત્યારે પણ કેટલું બધું લાગી આવેલું? ખુલ્લો મુકાયેલો પુલ જ આમ પાણીમાં ગરક થઇ જાય, એ તો ચાલે જ કેમ? પણ ચાલ્યું. તપાસ સમિતિ રચાઈ, કોઈને છોડવામાં નહીં આવે એવું પણ રિવાજ મુજબ કહેવાયું, કહોવાયું, થોડાક લાખના કટકા પણ હાય સામે સહાયના નંખાયેલા ને બધું ટાઢું પડી ગયેલું. હવે તેનું કેટલુંક રડીએ? એવા તો બીજા સોળસત્તર પુલો તૂટવાનું મૂરત કઢાવીને બેઠા છે. તે એને માટે રડવાનું બચાવવાનું કે નહીં? કે એમ જ આંખો ખાલી કરી દેવાની? ઠીક છે, સોળક જીવ ગંભીરાએ ગંભીર થઈને લઈ લીધા, દુઃખ થાય, જેનું ગયું તેને તો વધારે થાય, પણ આપણે ત્યાં એટલું સારું છે કે કોઈ પણ મરે, સરકાર તરત જ પડખે આવીને ઊભી રહી જાય છે ને મૃતકો માટે કિલો કિલો સંવેદનાઓ પાઠવતી રહે છે. સંવેદના બહુ માપીતોલીને પાઠવાતી હોય છે. કારણ ભવિષ્યમાં એનો સતત ઉપયોગ કરવો પડવાનો છે, તે સૌ મંત્રીઓ જાણતા હોય છે. શું છે કે લાખો કરોડો રૂપિયા ટેક્સના ઉસેટ્યા બાદ, સરકાર એ લઈને બેસી નથી રહેતી. તે મૃતકોને ચાર પાંચ લાખની એવરેજે આપે પણ છે. ગંભીરા પુલ તૂટવાના બનાવમાં પણ મૃતકોને કેન્દ્ર અને રાજ્ય સરકારે થોડાક લાખ વહેંચી પણ આપ્યા. સરકાર એટલેથી જ અટકી નથી ગઈ, ઘાયલોને પચાસ પચાસ હજાર આપવામાંથી પણ નથી ગઈ!

આમાં શું છે કે વિપક્ષો દાખલ પડી જતાં હોય છે. તેમણે પણ સત્તામાં આવવું હોય છે, એટલે સરકારનો કાઢી શકાય એટલો વાંક કાઢતા રહે છે. હકીકત એ છે કે સરકારને પોતાની ખામી દેખાતી નથી ને વિપક્ષને ખામી સિવાય બીજું કૈં દેખાતું નથી.

એટલું સારું છે કે હજી એવા દિવસો આવ્યા નથી કે પુલો, રસ્તાઓ, ખાવાપીવાનું શાસકો માટે જુદું ને વિપક્ષો માટે જુદું, એવું નથી. કાલ ઊઠીને એવું થઈ શકે કે વિપક્ષને માટેનો પુલ કાચોપોચો રખાય ને શાસકો માટેનો મજબૂત ! આમે ય પુલ ન તૂટે તો ય વિપક્ષ તો રાસ રમતો જ રહે છે, તે ભલે પછી પુલ તૂટવાને નામે રાસડા લે, શો ફરક પડે છે? એ તો ભવિષ્યની વાત છે, પણ ગંભીરા પડ્યો તેનું શું? ને એ કૈં વિપક્ષને પાડવા પડ્યો છે એવું તો નથી. પુલ પરથી તો શાસકના વાહનો ય જતાં હતાં ને વિપક્ષના પણ, એટલે કોઈને ડેલિબરેટલી પાડવા પુલ તૂટ્યો છે એવું નથી. એ તો કાગનું બેસવું ને ડાળનું પડવું જ થયું છે. એનાં પર રાજકારણ કોઈ ન કરે તે અપેક્ષિત છે.

એ પણ છે કે આખો પુલ તૂટ્યો નથી, એક નેતાએ વાજબી જ કહ્યું કે બાકીના થાંભલા તો સલામત છે. એક થાંભલો તૂટ્યો તે કહ્યું તો ખરું. બાકીના થાંભલા પરથી જાવને! કોણ રોકે છે?એવું પણ કહી શકાયું હોત કે પુલબુલ કૈં તૂટ્યું નથી. આ તો વિપક્ષે ફેલાવેલી અફવા છે, પણ પ્રમાણિકતા જુઓ કે એવું કહ્યું નથી. એક કેન્દ્રીય મંત્રીને તો આમાં કૈં લાગતું જ નથી. એ તો કહે છે કે અકસ્માતો તો થતા રહે એની એટલી શું ચિંતા કરવાની ! જોયુંને, લોકો જ જાડી ચામડીના છે, એવું નથી. મંત્રીઓને તો ચામડી હોય એ જ ઘણું છે. એમણે તો કેટલું બધું જોવાનું હોય છે. રાજકોટમાં ટી.આર.પી. કાંડ થાય એની આગમાં તાપવાનું, સુરતમાં કોઈ ટેક્સ્ટાઇલ માર્કેટમાં આગ લાગે તો તેમાં ઠંડી ઉડાડવાની, વડોદરામાં હરણી કાંડ થાય તો એમાં પલળવાનું, અમદાવાદમાં એરક્રેશ થાય તો એના બ્લેકબોક્સની ચિંતા કરવાની…….ને એવું એવું તો કેટલું? ચામડી બચે તો પણ ક્યાં સુધી?

એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે આખો પુલ તૂટ્યો નથી, વચ્ચે 120 ફૂટનું ગાબડું પડ્યું ને થોડાં વાહનો સહિત કેટલાક જીવ પણ નદીમાં ખાબક્યા. એ વાહનો કૈં સરકારે પધરાવ્યા નથી, નથી તો મહીસાગરમાં પાણી સરકારે છોડ્યું કે નાનાંમોટાં એમાં સમાય. બનવા કાળ બન્યું. આટલા ભંગાર પુલ પરથી વર્ષો સુધી અવરજ્વર રહી જ ને ! રીપેર કરવાની અરજીઓ પણ થયેલી, પણ સરકાર જાણતી હતી કે ચાળીસ જ વર્ષ થયા છે, તે એટલામાં કૈં પુલ, ‘ફૂલ’ ન બનાવે. આમ તો એની આવરદા સોની મુકાયેલી, તેમાં હજી 60 વર્ષ તો બાકી હતાં, એટલામાં થોડો કૈં પુલ મરવા પડે? માનો કે કોન્ટ્રાકટરોએ કે એજન્સીએ વધારે હોજરી ભરી હોય, તો પણ 40 વર્ષમાં તેની શોકસભા ભરવી પડે એવું ન હતું, પણ પેલા 16 જણાનું હાર્ડ લક તે 9મીની વહેલી સવારે જ ધબાય નમઃ થઈ ગયા. એવું હોય તો ફરી સંવેદના પાઠવીએ. એમાં ક્યાં કૈં પૈસા પડે છે ! લઈ જાવને જોઈએ એટલી. ને આ કોરી સંવેદના જ નથી, સાથે લ્હાણી પણ છે, સોરી, લ્હાણી નહીં, પણ મદદ. આવી મદદ માટે સરકાર મોખરે રહે છે. પુલ તૂટ્યો નથી કે સહાય શરૂ થઈ નથી ! ઘણી વાર તો કળતર મટે તે પહેલાં વળતર શરૂ થઈ જાય છે. એ તો સારું છે કે મરવાની રાહ જોવાય છે, બાકી ઘણી વાર તો મદદની ઉત્સુકતા જ એવી હોય કે વળતર મળી જાય પછી પેલો ગુજરે.

આવી પરગજુ સરકાર બીજે ક્યાં મળવાની હતી?

એ તો સારું થયું કે એક ગાબડું પડ્યું તો ખબર પડી કે બંધાયેલા લગભગ તમામ પુલો ધંધે લાગી ગયા છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા એમ ઠેર ઠેર બૂમ પડી કે પુલ ડેમ ફૂલ, સોરી, ડેમ પુલ છે. હવે રાતોરાત તો બધાં કૈં ઉતારી ન લેવાયને ! ને આ બધું ગુજરાતમાં જ છે એવું નથી, થોડાં સમય પહેલાં બિહારમાં પુલ તૂટવાની મોસમ ચાલતી હતી, હવે એ ગુજરાતમાં બેઠી છે.

એ એન્જિનિયરિંગની જ કમાલ ગણાય છે. એ કમાલ ન હોય તો પુલ તૂટવાની હારમાળા, હોરરમાળા જેવી સર્જાય નહીં. એન્જિનિયર્સ ન હતા ત્યાં સુધી મીનાક્ષી મંદિર, લાલકિલ્લો, તાજમહાલને વાંધો આવ્યો નથી. હવે એન્જિનિયર્સ, એજન્સીઓ, કોન્ટ્રાકટર્સ વધ્યા છે, એટલે બંધાયા વગર પણ પુલો બને છે, બને છે તો નવા નકકોર તૂટે પણ છે, કેટલાક તો બંધાવાની સાથે જ જર્જરિત થવા લાગે છે.  થાય છે શું કે જે પૈસા પુલમાં નાખવાના તે પેટમાં નાખો તો પુલ નહીં, પેટ મજબૂત બને. વારુ, પેટ પકડાય તો પુલ બચે, પણ કોના કોના પેટ પકડો, બધાં જ ધરાયેલા હોય ત્યાં? એ સ્થિતિમાં છે તે પુલો માટે પણ પડશે તેવા દેવાશે – એમ જ રાખવું પડે.

આમાં સલાહ આપનારાઓનો પણ તોટો નથી. કોઈ કહે છે કે મત આપતા પહેલાં વિચાર કરો કે કોને મત આપો છો? એવું હોય તો બીજી સરકાર લાવો. પણ બીજીને લાવીને ય શું? વર્ષો સુધી બીજી સરકાર હતી જ ને ! તેણે ના ઉકાળ્યું એટલે તો હાલની સરકાર લાવ્યા. હવે આ પણ નથી ગમતી તો બીજી કઈ લાવવાની?

એક વાત દુનિયા જાણે છે કે અહીંના હોય કે બહારના, કાગડા તો બધે જ કાળા હોવાના ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 જુલાઈ 2025
કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય

Loading

...102030...218219220221...230240250...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved