Opinion Magazine
Number of visits: 9965445
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગઈકાલના લેખના અનુસન્ધાનમાં …

સુમન શાહ|Opinion - Literature|5 December 2020

= = = = સુરેશ જોષી નામના સાહિત્યવિચારથી આપણને કલાતત્ત્વની જે કેળવણી મળી એ આપણા સમયમાં પ્રગટેલો સૌથી મોટો ઉપકારક સંજોગ છે = = = =

= = = = ગુજરાતી સાહિત્યક્ષેત્રે ‘સર્જક વ્યક્તિ વિરુદ્ધ સાહિત્યસંસ્થા’  – ‘Writer VS Institution’-નો જે ભાવ દૃઢ કરાયો છે તે વાસ્તવમાં તો ન હોવો ઘટે કેમ કે સંસ્થાઓ પોતાની મર્યાદાઓમાં રહીને સાહિત્યોપકારક ઘણું કરી શકે, અને તે થયું છે, કેટલીયે સંસ્થાઓ કરી રહી છે. પણ એ વિરોધવચનનો  દુરુપયોગ થયો છે અને સુરેશ જોષી સમી કેટલીયે શક્તિશાળી વ્યક્તિઓ એનો ભોગ બની છે. એમના વિચારોને તરછોડાયા છે, એમની વગોવણીઓ કરાઈ છે ! = = = = =

તારીખ ૩ ડિસેમ્બરના મારા ‘સિદ્ધાન્તવિવેચક સુરેશ જોષી વિશે બે વાત’ લેખના પ્રતિભાવોમાં અનેક મિત્રો ભળ્યા છે, એનો આનન્દ છે.

‘કૉમન સૅન્સ’ શીર્ષકથી ચાલતા બ્લૉગમાં તત્ત્વચિન્તનની સરસ વાતો રજૂ કરતા મારા મિત્ર કર્દમ આચાર્યે, કલાકારે સેવેલા કે ધારણ કરેલા કે કરવા જોઈતા સત્ય વિશે સરસ પ્રશ્ન કર્યો, જેનો મેં લાઉડ થિન્કિન્ગની રીતે પ્રતિભાવ આપ્યો છે, કૉમેન્ટ્સમાં હજી છે.

એક બીજા સન્મિત્રને મેં મારો એ લેખ મોકલેલો. તો એમણે મને લખ્યું કે ‘એમની (સુરેશ જોષીની) અદ્વિતીયતા સિદ્ધ કરવાને બદલે એમની ઉપકારકતાને બિરદાવવી અને એ માટે એમની સાહિત્યમીમાંસાનો તટસ્થ અને ઝીણવટભર્યો અભ્યાસ કરવો …’ વગેરે.

એમને મેં સમુચિત ઉત્તર વાળ્યો છે.

પણ સુરેશ જોષીની અદ્વિતીયતા અને ઉપકારકતા વિશે મને જે વિચારો સૂઝ્યા છે એ અહીં મૂક્યા છે :

‘ન તુ અપૂર્વ કિંચિત્’ જેવા વિનમ્ર વચનથી સુરેશભાઈએ પ્રારમ્ભ કર્યો છે. અને છેવટ લગી પૂર્વના કે પશ્ચિમના જે તે પૂર્વસૂરિને નામોલ્લેખ સાથે ટાંક્યા છે. એટલે કે, એ વ્યક્તિ પોતે જ પોતાને અપૂર્વ કે અદ્વિતીય નથી ગણતી.

પણ પોતાના સાહિત્યવિચારને કે કલાતત્ત્વને સમજવાની અને પોતાનાં લેખનો વડે આપણને સમજાવવાની એમની જે રીતિ છે, તે નિ:શંક અપૂર્વ છે.

મારા એ લેખમાં એ વાત મેં "મને આ ક્ષણે એમને વિશેના મારા શોધગ્રન્થ ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’-ના ઉપસંહારનું છેલ્લું પાનું દેખાય છે…" એ ફકરામાં મૂકી છે. એનું પુરાવર્તન કરવાની જરૂર નથી. (એ લેખમાં જુઓ, એ ફકરો છઠ્ઠો છે.)

પણ એ પાનાને અન્તે, એ ફકરા પછી, થીસીસના અન્તે, મેં એક યાદી વીગતવાર આપી છે કે સુરેશ જોષીનો સાહિત્યવિચાર કોના કોના વડે પ્રેરાયો, પુષ્ટ થયો, અને સુધર્યો. એ આ પ્રમાણે છે :

રૂપવિભાવ, વસ્તુનું નિગરણ – ઑર્તેગા વડે; કૃતિ સ્વયંસિદ્ધ સૃષ્ટિ – ઍરિસ્ટોટલ, સુસાન લૅન્ગર, વાલેરી વડે; કલાની પ્રાતિભાસિક સત્તા – રસસમ્પ્રદાય, સુસાન લૅન્ગર, વાલેરી, બૉદ્લેર વડે; અસમ્બદ્ધ અને કપોલકલ્પિત – કામૂ, કાફ્કા, રવીન્દ્રનાથ વડે; પ્રિમિટિવિઝમ અને ઍન્ટિઇન્ટેલૅક્ચ્યાલિઝમ – રિલ્કે, વાલેરી, યુન્ગ વડે; કલામાં ટૅકનિક – માર્ક શોરર વડે; કલાસર્જન પ્રક્રિયા છે – પૉલ ક્લી વડે; કૃતિ ઇર્રીડ્યુસિબલ મિનિમમ છે – માલ્કમ બ્રૅડબરી વડે; માનવીય પરિસ્થિતિનાં અસ્તિત્વપરક આકલનો – દોસ્તોએવસ્કી, કિર્કેગાર્દ, સાર્ત્ર, કાફ્કા, કામૂ વડે; કલા પ્રતીકધર્મી છે – બૉદ્લેર, વાલેરી અને ફ્રૅન્ચ પ્રતીકવાદી કવિઓ વડે; સર્જકભાષા – કુન્તક, આનન્દવર્ધન, વાલેરી વડે; શુદ્ધ કવિતા અને અતિવાસ્તવવાદી અકુણ્ઠિત સાહસ – ડાલિ, વાલેરી વડે; કલા સવાઈ સત્ય છે – રવીન્દ્રનાથ, આયોનેસ્કો વડે. વગેરે વગેરે.

એમને પશ્ચિમવાદી ગણનારાઓએ પૂર્વપશ્ચિમથી મુક્ત આ સુભગ સિદ્ધાન્ત-સાયુજ્ય નથી જોયું કેમ કે વાંચ્યું નથી …

એમની રીતિ અપૂર્વ છે ને એમાં વિશ્વભરના આટલા બધા સાહિત્યકારોનું વિચારદ્રવ્ય ભળ્યું છે એ કેટલી મોટી વાત છે. એ અર્થમાં સુરેશ જોષી કોઈ વ્યક્તિ નથી પણ બુલંદ સાહિત્યવિચાર છે, વળી એ વિચાર પૂરો થઈ ગયેલો નથી, નિરન્તર ચાલુ રહેનારો છે. એની એ લાક્ષણિકતા પણ એ જ દર્શાવે છે કે કશું અહીં અદ્વિતીય કે સમ્પૂર્ણ નથી. તેમ છતાં આપણી સર્જનાત્મક પરિસ્થિતિને મદદ કરનાર એમના સમો કોઈ સાહિત્યવિચારપુરુષ વીસમી સદીના ઉત્તરાર્ધથી માંડીને આજદિન સુધી સંભવ્યો નથી એ મારું સુદૃઢ મન્તવ્ય છે. એમને એવા મદદગાર ન ગણનારને શું કહીશું? એ કાં તો નિર્દોષ હશે અથવા તો સુબુધ પણ દમ્ભી હશે !

આ હું કહું છું એટલે તો ખરું જ છે પણ ૧૯૫૭થી માંડીને ૨૦૨૦ લગીમાં ગુજરાતી સાહિત્યજગતમાં જે સર્જનો થયાં, વિવેચનો થયાં, પરમ્પરા સામે જે સંઘર્ષો થયા ને જે ઉન્મેષો પ્રગટ્યા, એ સર્વ ઘટનાઓનો સાચ્ચો ઇતિ-હ-આસ વાંચી શકનારી કોઈપણ વ્યક્તિ પણ કહેશે, અવશ્ય કહેશે.

ફરિયાદો કરનારા ગુજરાતી સાહિત્યકારોની સરેરાશ વિશેષતા એ છે કે વગર વાંચ્યે બોલવું. મારો સવાલ છે કે કેટલાયે સુરેશ જોષીનું સાદ્યન્ત સઘન વાચન કર્યું છે -? કેટલાએ એમને વિશેનાં સંશોધનો કે લેખનો વાંચ્યાં છે? કશા તોલમોલ વિના બોલવું એ અવિવેક નથી તો શું છે? કરુણતા એ છે કે આ બેઢંગ પ્રવૃત્તિથી મહાન ગણાતા સાહિત્યકારો પણ મુક્ત નથી, અરે, કેટલાક તો એ પ્રવૃત્તિના જનકો છે !

એમની સાહિત્યમીમાંસાનો વસ્તુલક્ષી ધોરણનો અભ્યાસ કેટલાએ કર્યો છે? એથી આપણી સર્જનાત્મક પરિસ્થતિ પર જે ઉપકાર થયો છે એ કંઈ દીવો ધરીને બતાવવું પડે એવું થોડું છે? તમે નામ લો એ સર્જકમાં હું એ તત્ત્વ બતાવી દઈ શકું, જે એમના વિચારજગતમાં ન હોય. એ સાહિત્યવિચારપુરુષ સૌ સર્જકો, વાચકો અને ભાવકોના સાહિત્યિક અનુભવની ચીજ રહી છે. દરેકના આગવાં મત-માન્યતાઓ ઉપરાન્તની ચીજ છે એ. અરે, એ તો ગુજરાતી સાહિત્યસમાજના ‘કલેક્ટિવ અન્કૉન્શયસ’ -માં ઊતરી ગયેલી હકીકત છે.

પણ આ સત્ય સ્વીકારવાની કેટલાકોની તૈયારી નથી. એ અસ્વીકારની પશ્ચાદભૂમાં સુરેશભાઈના થયેલા ભરપૂર સ્વીકારથી આઘાત, ઈર્ષા, સ્વકીર્તિનાશનો ડર છે. એની નુક્તેચિની કરવાની કશી જરૂર નથી. જાગ્રત સૌ જાણે છે.

સુરેશ જોષી નામના સાહિત્યવિચારથી આપણને કલાતત્ત્વની જે કેળવણી મળી એ આપણા સમયમાં પ્રગટેલો સૌથી મોટો ઉપકારક સંજોગ છે. અને એ કંઈ એમનાથી નથી, એમના ધોરણે તો એ માત્ર કિંચિત્ છે, સર્વ સંજ્ઞાતા પૂર્વસૂરિઓના સ્મરણે સંભવ્યો છે અને તેઓના વિચારોના રસાયને રસાયેલો છે.

એક વાત સાંભળવાજોગ છે : ગુજરાતી સાહિત્યક્ષેત્રે ‘સર્જક વ્યક્તિ વિરુદ્ધ સાહિત્યસંસ્થા’  -‘Writer VS Institution’-નો જે ભાવ દૃઢ કરાયો છે તે વાસ્તવમાં તો ન હોવો ઘટે કેમ કે સંસ્થાઓ પોતાની મર્યાદાઓમાં રહીને સાહિત્યોપકારક ઘણું કરી શકે, અને તે થયું છે, કેટલીયે સંસ્થાઓ કરી રહી છે.

પણ એ વિરોધવચનનો અપપ્રયોગ થયો છે અને સુરેશ જોષી સમી કેટલીયે શક્તિશાળી વ્યક્તિઓ એનો ભોગ બની છે. એમના વિચારોને તરછોડાયા છે, એમની વગોવણીઓ કરાઈ છે ! અને એની સામે, દેશનાં ને પ્રદેશનાં ઇનામ-ઍવૉર્ડ વિજેતાઓને તથા સરકારી કે લોકશાહીય અધ્યક્ષ કે પ્રમુખ જેવાં પદોને મહિમાવન્ત ગણવાનો ચાલ ઊભો થયો છે.

આ વિરોધવચનનો જો આવનારા સમયમાં સમીક્ષાપૂર્વક નાશ નહીં કરાય તો એ આપોઆપ નાશ પામશે એ વાત નક્કી છે. એટલા માટે, કે આવનારી પેઢીઓને એની કશી તમા હશે નહીં કેમ કે ઇનામવિજેતાઓ ને પદધારકો એવા તોરતરીકાથી અને એવા દરજ્જાના આવી ગયા હશે કે તમા રાખવાની જરૂર જ નહીં પડે.

= = =

(December 4, 2020: USA)

Loading

કેનેડાના વડા પ્રધાન કરતાં નરેન્દ્ર મોદી વધુ ગુનેગાર ગણાય કે નહિ?

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|5 December 2020

દિલ્હી જતા ખેડૂતોને અટકાવવા માટે પોલિસે જે કાર્યવાહી કરી તેના સંદર્ભમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ત્રુદોએ ભારતમાં ખેડૂતોના "શાંતિપૂર્ણ વિરોધ કરવાના અધિકારનો બચાવ" કર્યો. આ મામલો ભારતનો આંતરિક મામલો છે એવું કહીને ભારત સરકારે તેની ટીકા કરી. આ ઘટનાના સંદર્ભમાં કેટલાક વિચારણીય મુદ્દા:

(૧) દુનિયાભરમાં આશરે ૨.૩૫ લાખ બહુરાષ્ટ્રીય કંપનીઓ છે. તેઓ દુનિયામાં બધે રોકાણ કરે છે ત્યારે સરકારોના કાયદા તેઓ બદલાવે છે અથવા સરકારો પોતે તેમને બોલાવવા કાયદા બદલે છે. તે સમયે કેમ કશી બાબત કોઈ દેશની આંતરિક બાબત નથી ગણાતી?

(૨) જો મૂડી રોકાણ અને તે કરનારી કંપનીઓ વૈશ્વિકીકરણનો ભાગ હોય તો, સ્વતંત્રતાનો અધિકાર અને એકંદરે તમામ માનવ અધિકારો પણ વૈશ્વિકીકરણનો ભાગ જ ગણાય. કોઈને પણ કોઈ પણ દેશમાં થતા માનવ અધિકારોના ભંગ સબબ અભિવ્યક્તિ કરવાનો અધિકાર છે.

(૩) તા. ૨૨-૯-૨૦૧૯ના રોજ ભારતના વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ 'હાઉડી મોદી' કાર્યક્રમમાં અમેરિકાની ધરતી પર "અબકી બાર ટ્રમ્પ સરકાર”-નો નારો ૨૦૨૦ની અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીના સંદર્ભમાં અમેરિકન ભારતીયો સમક્ષ પોતે લગાવ્યો હતો. ત્યારે તે ‘અમેરિકાની રાજકીય બાબતમાં મોદીની સીધી દખલગીરી’ હતી કે નહિ? તે સમયે અમેરિકાના કોઈ રાજકીય નેતાએ પોતાની ચૂંટણીમાં કોને જીતાડવા કે હરાવવા એ અમેરિકાનો આંતરિક મામલો છે અને નરેન્દ્ર મોદીએ એમાં દખલગીરી ના કરવી જોઈએ એવું કશું કહ્યું હોવાનું જાણમાં નથી. 'કૃષ્ણ કરે તે લીલા અને બીજા કરે તે છીનાળું?'  કેનેડાના વડા પ્રધાને તો સ્વતંત્રતાના ભારતના બંધારણમાં લખવામાં આવેલા અધિકારના સંદર્ભમાં વાત કરી, જ્યારે મોદીએ તો સીધી ચૂંટણીમાં જ દખલગીરી કરી! જસ્ટિન ત્રુદોનો જો ગુનો હોય જ તો મોટો ગુનો મોદીનો ના ગણાય?

(૪) 'સંયુક્ત રાષ્ટ્રો'(UN)માં અને એવી અનેક વૈશ્વિક સંસ્થાઓમાં થતી અનેક સંધિઓ અને સમજૂતીઓમાં દુનિયાના ભારત સહિતના દેશો સહીસિક્કા કરે છે અને તેમનું પાલન કરવા બંધાય છે. તે વખતે ભારત સહિતનો કોઈ દેશ કોઈ મુદ્દો પોતાની આંતરિક બાબત છે એવો ચીપિયો પછાડતો નથી. તે સમયે સાર્વભૌમત્વ ક્યાં લપાઈ જાય છે?

આમ જુઓ તો, સાર્વભૌમત્વનો ખ્યાલ તદ્દન ઘસાઈ ગયો છે આ વૈશ્વિકીકરણના યુગમાં, એ સમજવાની જરૂર છે. જો ભારત સરકાર વિદેશી કંપનીઓને લાલ જાજમ બિછાવીને બોલાવતી હોય અને દેશની જમીનો અને અન્ય સંસાધનોની તેમને માલિક બનાવતી હોય, આ દેશમાં નફો રળીને પોતાના દેશભેગો કરવાની તેમને છૂટ આપતી હોય, તો ત્યારે દેશનું સાર્વભૌમત્વ કયા માળિયામાં સંતાઈ જાય છે એ સમજાતું નથી. દેશભક્તિ ત્યારે કેમ સૂકાઈને ઠીકરું થઈ જાય છે?

માનવ અધિકારો વૈશ્વિક મામલો છે કારણ કે મૂડી રોકાણ વૈશ્વિક મુદ્દો છે.

તા. ૦૨-૧૨-૨૦૨૦.

https://www.facebook.com/profile.php?id=100008214734262  

Loading

દાર્શનિક ચિંતન પ્રણાલીઓઃ આધ્યાત્મવાદી અને પાર્થિવવાદી

જયંતી પટેલ|Opinion - Opinion|4 December 2020

આ વિશ્વના ઉદ્ભવ, વિકાસ, સંચાલન, જીવો અને માનવીનું સર્જન, તેમના અસ્તિત્વનું કારણ અને હેતુ વિષે માનવીનું કુતૂહલ સ્વાભાવિક હતું. આ પ્રશ્નો વિષે તે કલ્પના કરતો, વિચારતો, વિવાદ કરતો સંશોધન કરતો અને પ્રાપ્ત જ્ઞાનના આધારે તર્ક કરતો, વિવેચન કરતો તારણ કાઢતો તથા તેમાં સુધારા-વધારા કરતો રહ્યો છે. પ્રાથમિક અવસ્થાના સમયથી બુદ્ધિસંપન્ન માનવી એટલું તો સમજી ચુક્યો હતો કે દરેક ઘટના પાછળ તેના કર્તારૂપ કારણ હોય છે. પરિણામે, વિશ્વના સર્જનથી માંડી તેની આસપાસની ઘટનાઓ માટે તે કર્તા કે કારણ વિષે કલ્પના કરતો કે વાસ્તવિક કારણ ખોજતો રહ્યો છે.

બુદ્ધિ સાથે સંકળાયેલા તર્ક અને તેના ફલસ્વરૂપ વૈજ્ઞાનિક પદ્ધતિથી ચકાસણી કરી તારણ પર આવવાની તથા વધુ જ્ઞાન મળતાં તેમાં સુધારા-વધારા કરતા જવાની તેની કાર્યપદ્ધતિના કારણે દાર્શનિક ચિંતન અને તેની પ્રણાલીઓ, તેમના સંયોજન અને સમજની ક્ષિતિજોનું વિસ્તરણ અને પરિશુદ્ધિ થતાં રહ્યાં છે. પ્રારંભિક અવસ્થાના કોરા કલ્પનાવિહારથી આગળ વધી તે રેશનલ ઢબે, વૈજ્ઞાનિક પદ્ધતિના સહારે, નિષ્કર્ષ પર  આવવા લાગ્યો છે. દાર્શનિક ચિંતન પ્રણાલીના આ બે પ્રવાહો, કલ્પના આધારિત (સ્પેક્યુલેટિવ, આધ્યાત્મિક), અને રેશનલ-વૈજ્ઞાનિક પદ્ધતિ આધારિત (ભૈતિકવાદી-પાર્થિવ પ્રકૃતિવાદ (ફિઝિકલ નેચરાલિઝમ), વચ્ચેના વિવાદની ખાઈ ધીરેધીરે ઘટવા લાગી છે અને, વિશ્વસનીયતાની દૃષ્ટિએ, રેશનલ-વૈજ્ઞાનિક (ભૈતિકવાદી-પાર્થિવ પ્રકૃતિવાદ (ફિઝિકલ નેચરાલિઝમ) પ્રવાહનું મહત્ત્વ સ્વીકાર પામવા લાગ્યું છે.

માનવીનું જ્યાં જ્યાં અવતરણ થયું હતું ત્યાં બધે માનવી ઉપરોક્ત પ્રશ્નો વિષે વિચારતો હતો. પરંતુ, ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો વ્યવસ્થિત દાર્શનિક ચિંતન પ્રણાલીના પ્રારંભનો યશ ભારત, ચીન, ગ્રીકના ચિંતકોને ફાળે જાય છે. આ પ્રદેશોના વિવિધ ચિંતકો અને તેમના વૈવિધ્યપૂર્ણ ચિંતને આપણા વૈચારિક વારસાની ઈમારતનો પાયો નાંખ્યો છે. તેમનાં ચિંતનમાં પણ આ બંને પ્રવાહોના અંશો ઓછાવત્તા પ્રમાણમાં મળી આવે છે (દા.ત. ચાર્વાક, ભારતની સાંખ્યાદિ પ્રણાલી, એપિક્યુરિયસ, કન્ફ્યુસિયસ વગેરેમાં ભૌતિકવાદ-પાર્થિવ પ્રકૃતિવાદ (ફિઝિકલ નેચરાલિઝમ). અલબત્ત, આવા અપવાદોને બાદ કરતાં, આ સમયગાળાનું ચિંતન મહદંશે કલ્પનાપ્રધાન-સ્પેક્યુલેટિવ-ઈશ્વરવાદી-પરલોકવાદી, આધ્યાત્મવાદી કહી શકાય તેવું હતું.

આધ્યત્મવાદઃ

આધ્યાત્મવાદી પ્રણાલીમાં, વિશ્વના સર્જન તથા સંચાલક તરીકે કોઈ વ્યક્તિ કે માનવેતર શક્તિ અને તેની ઈચ્છા, મૃત્યુ પછીના જીવન, પરલોકવાદ જેવી બાબતો હોવાથી ઈશ્વરનો ખ્યાલ, તેની પાઠપૂજા કે ભક્તિ દ્વારા લાભની હિમાયત કરતા અનેકવિધ ધર્મો, ધર્મપ્રવર્તકો, ધર્મસ્થાનો અને તેના સંચાલકો (પૂજારી, બાવા, સાધુ, સંત, ધર્મગુરુ, મૌલવી, પાદરી ઇત્યાદિ.) સર્જાયા, પરલોકમાં સુખ-સગવડોની પ્રાપ્તિના નામે સ્વર્ગ, જન્નત, મોક્ષ, નિર્વાણ તથા તે પામવા માટેનાં વિધિ-વિધાનો અને માર્ગદર્શકોની માયાજાળ રચાઈ. આ જગતને મિથ્યા, ક્ષણિક, ગણી તેમાં માનવીને સુખ શોધવા કે પામવાને બદલે પરલોકનાં મૃગજળ પાછળ જવા પ્રેરવામાં આવ્યો અને, આ જગતમાં પ્રવર્તતા અન્યાય, દરિદ્રતા, શોષણ, ભેદભાવ, તકલીફોની નાબૂદી માટે મથવાને બદલે, ઈશ્વર, તેની ઈચ્છા, પરલોકમાં કે આગળના જન્મમાં તેનાં ફળ મળવાની ભ્રામક વાતો, દ્વારા પલાયનવાદી વલણને પોષવામાં આવ્યું. (એ લક્ષમાં રાખવા જેવું છે કે, બૌદ્ધ, જૈન જેવા નિરીશ્વરવાદી ધર્મોમાં પણ, અવતારવાદ, પાઠપૂજા, ધર્મગુરુઓ, ધર્મસ્થાનો, પરલોક, કર્મનો સિદ્ધાત, તથા આ જગતને મિથ્યા ગણવાની માન્યતા વગેરેનું ચલણ છે.).

તદુપરાંત, અનેકવિધ ધર્મો, ધર્મપ્રવર્તકો, તેમનાં વિધિ-વિધોનો, ગ્રંથો, તેનું અર્થઘટન કરનારા સંતો, સમર્થકો પેદા થયા. તેઓ પોતાનો ધર્મ જ સાચો છે અને અન્ય ધર્મીઓ ગેરમાર્ગે છે, તેમણે આમારો ધર્મ સ્વીકારવો જોઈએ અથવા તેમનો નાશ કરવો જોઈએ, તેવા આગ્રહો પણ વ્યક્ત થવા લાગ્યા. આ પ્રકારની ધર્માંધતા તથા ધર્મઝનૂનથી પ્રેરાયોલા જૂથોએ પોતાના ધર્મના ફેલાવા માટે બળપ્રયોગનો પણ સહારો લીધો અને ધર્મ સાથે ભૂમિવિસ્તારની લાલસા અને રાજસત્તાના પ્રસારનું ગઠબંધન થયું. ધર્માંધતા વધી અને અન્ય ધર્મ કે માન્યતા ધરાવનારાની હત્યા, તેમની સંપત્તિની લૂંટફાટ, સ્ત્રીઓ-બાળકોનું અપહરણ, જેવા અત્યાચારોનો સિલસિલો વ્યાપક બન્યો. અન્ય વાણી, વિચાર, માન્યતા કે મંતવ્યની અભિવ્યક્તિની સ્વતંત્રતા ઝુંટવાઈ ગઈ.

પાર્થિવવાદી પરિવર્તનઃ

અનેક ધર્મો, ધર્મપ્રવર્તકો, ધર્મગુરુઓ, ધર્મસ્થાનો, ધાર્મિક ઝનૂનના પ્રભાવ, ઈશ્વર અને પરલોકવાદના ખ્યાલોથી માનવીનું વિચારજગત અને વ્યવહારો ગ્રસ્ત જણાતા હતા. આમ છતાં, માનવીના મગજને વિચારો કરતાં, તર્ક કરતાં, પ્રશ્નો કરતાં, સત્યની ખોજ કરતાં, હકીકતની ચકાસણી કરતાં રોકી શકાતું નથી.

ઉપરાંત, રેશનલ વિચારણા અને પાર્થિવવાદી વિચારધારાનો પ્રવાહ સાવ લુપ્ત થયો ન હતો. ગ્રીક અને ભારતીય ચિંતનની પાર્થિવવાદી જ્યોત બુઝાઈ નહોતી. આ વિશ્વની પ્રકૃતિ અને પ્રક્રિયાઓનાં નિરીક્ષણ, તેની પાછળ રહેલાં કાર્ય-કારણ સંબંધો વિષે વધતી સમજ, જિજીવિષાની વૃત્તિથી પ્રેરાઈ આદરાયેલી સલામતી તથા સવલતો માટેનીની ખોજ વગેરે વિષયો માનવીના મગજમાં કાર્યરત હતા.

આસપાસના જગતના વ્યાપારોના નિરીક્ષણ, કાર્ય-કારણ સંબંધની સાંકળની સમજ, તારણોની ચકાસણી, પ્રયોગશીલતા દ્વારા માનવી જોઈ શક્યો કે આ વિશ્વના વ્યવહારો અમુક ચોક્કસ નિયમો અનુસાર ચાલે છે, તે કોઈ મનસ્વી વ્યક્તિની મુનસૂફી પ્રમાણે ચાલતા નથી. સૂર્ય-ચંદ્રના ઉદય-અસ્ત, ઋતુચક્ર, જન્મ-મરણ, વનસ્પતિનું ઊગવું, વિકસવું અને વિલાવવું વગેરે ઘટનાઓ નિયમબદ્ધ છે. આ સાથે વૈજ્ઞાનિક પદ્ધતિ અને દૃષ્ટિકોણથી જગતને તથા તેના વ્યાપારોને સમજવાની, તેનો પોતાના હેતુઓ માટે ઉપયોગ કરવાની સૂઝ વિકસી તેમ જ, માનવીને જણાયું કે આ વિશ્વના વ્યવહારોના સર્જન કે સંચાલન માટે કોઈ અલૌકિક વ્યક્તિ કે શક્તિ જરૂરી નથી. માનવી પોતે પણ ઘણી ઘટનાઓને આકાર આપી શકે છે. આથી, માનવી તરીકેની આત્મશ્રદ્ધા વિકસી તથા આસપાસના જગતના ઘડતર તથા નિર્માણ માટે તેણે મથામણ આદરી.

આ સાથે, ઈશ્વર તથા પરલોકની હ્યાતિ, ધર્મપ્રવર્તકોના આદેશો, ધર્મગુરુઓ અને ધર્મગ્રંથોનાં વિધાનો, પરંપરાગત માન્યતાઓ અને વિધિ-વિધાનોને નિર્વિવાદ માની લેવાના બદલે તે વિષે પ્રશ્નો કરવાનું, શંકા ઊઠાવવાનું, તેની ટીકા તથા વિવેચન કરવાનું, હકીકતોના આધારે ભિન્ન મત વ્યક્ત કરવાનું વલણ વિકાસ પામ્યું. વિચાર અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય માટેનો આગ્રહ સર્જાયો તથા તે માટે ઘણાએ શહાદત અને અત્યાચારો પણ સહ્યા.

રસપ્રદ અને નોંધપાત્ર હકીકત તો એ છે કે સનાતની-અસહિષ્ણુ-કટ્ટરવાદી ધર્મોનો પ્રભાવ હતો ત્યાં એવા વિદ્રોહી ચિંતકો પ્રગટ થયા જેમણે પાર્થિવવાદી-રેશનલ-વૈજ્ઞાનિક વિચારોનો વારસા ઉપરની ધૂળ ખંખેરી, તેને જાળવ્યો, સંમાર્જિત કર્યો અને પ્રચારિત કર્યો. આ સમયગાળામાં અનેક વિદ્યાપીઠો સ્થપાઈ, ગ્રંથાલયો રચાયાં, વિજ્ઞાન, ગણિતનાં વિષયોનું ખેડાણ થયું. આ સમય નવજાગરણ (રેનેસાંસ) અને પ્રબોધન (એનલાઈટનમેન્ટ) યુગનો પૂર્વસૂરી બની રહ્યો.

આ વૈચારિક પરિવર્તનના અનુસંધાનમાં, પ્રવર્તમાન સામાજિક-રાજકીય અને, સમય જતાં, આર્થિક વ્યવસ્થામાં પ્રવર્તતા ભેદભાવ, અન્યાય, દમન, શોષણ વગેરે સામે પણ વિરોધનો સૂર આકાર પામવા લાગ્યો.

નિંદનીય પાસુઃ

દરેક જીવ પોતાની તથા પોતાના કુટુંબ-સમાજની અસ્તિ ટકાવી રાખવા, સલામતી મેળવવા સુખ-સગવડ જાળવવા ઉપરાંત તેમાં વૃદ્ધિ કરવાની પણ અપેક્ષા રાખે છે. આ વલણ ભોગવાદનો અતિરેક, વધુ અને વધુ મેળવવાની લાલસા તથા સંગ્રહવૃત્તિ પ્રેરે છે. માનવીએ વિકસાવેલી ખોજવૃત્તિ તથા પ્રયોગશીલતાને કારણે આવિષ્કાર પામેલી યાંત્રિક અને તાંત્રિક (વ્યવસ્થાલક્ષી) ક્ષમતાઓને કારણે તેની શક્તિઓમાં અદ્વિતીય વૃદ્ધિ થઈ હતી. આશાઓના આધારે તે પ્રકૃતિ, અન્ય જીવજગત, અન્ય માનવસમૂહો ઉપર કાબૂ જમાવી, આધિપત્ય સ્થાપી, પોતાની સુખ-સમુદ્ધિમાં અનર્ગળ વધારો કરવા લાગ્યો. આ પ્રકારની પ્રવૃત્તિનાં પરિણામે રાજાશાહી, સામંતશાહી, મૂડીવાદ, સામ્રાજ્યવાદ, ગુલામીપ્રથા, વર્ણવ્યવસ્થા જેવી શોષણખોર અને અન્યાયી વ્યવસ્થાઓ રચાઈ. તદુપરાંત, પર્યાવરણનો નાશ તથા પ્રદૂષણમાં વૃદ્ધિની સમસ્યાઓ પણ સર્જાઈ છે.

આવકારદાયક પાસુઃ

માનવીની વિશિષ્ઠતા એ છે કે તે પોતાનાં વર્તનને કારણે સર્જાયેલી હાનિકારક પરિસ્થિતિ સમજી શકે છે તથા તેનાં નિવારણ માટેનાં પગલાં લેવાની ક્ષમતા પણ ધરાવે છે. વધુમાં, સમાજિક વ્યવસ્થાના ભાગરૂપે તેણે વિકસાવેલાં નૈતિક વ્યવહારનાં ધારાધોરણો તથા ન્યાયબુદ્ધિ પણ માનવીય સમાજરચના માટેની માંગને સંકોરતી રહે છે. આ સાથે, માનવીમાં રહેલી સહાનુભૂતિ અને હમદર્દીની લાગણી પણ તેને ન્યાયી અને માનવીય વ્યવહારોનો આગ્રહ સેવવા પ્રેરે છે. આથી, માનવ ઇતિહાસમાં આપખુદશાહી, પરાધીનતા, અન્યાય, ભેદભાવ, અત્યાચારો, શોષણ વગેરે સામે ઝૂંબેશ ચાલતી રહી છે, વિદ્રોહ અને ક્રાંતિઓનો સિલસિલો ચાલતો રહ્યો છે. પરિણામે, માનવજીવનને સુખમય, તેની સર્વ પ્રતિભાઓના વિકાસની મોકળાશ આપતી, વ્યવસ્થા માટેની માંગ તથા તે માટે જરૂરી સત્યની ખોજ માટેના વૈચારિક અને અભિવ્યક્તિનાં સ્વાતંત્ર્ય, સ્વાધીનતા, લોકશાહી, સામાજિક અને આર્થિક સમાનતા, માનવ અધિકારો જેવી બાબતોનો આગ્રહ વ્યાપક બન્યો છે. 

પૂર્વમાં અવળી ગંગાઃ

દાર્શનિક ચિંતનના વિકાસની એ ઐતિહાસિક વિચિત્રતા છે કે બુદ્ધિપ્રધાન વિચારણા, વિશ્લેષ્ણ અને વિવેચનનો ઉષઃકાળ ધરાવતા ગ્રીક અને પૌર્વાત્ય ચિંતનમાંથી પ્રેરણા મેળવીને પશ્ચિમનું ચિંતન આગળ વધી રહ્યું હતું ત્યારે તેનાં જન્મસ્થાનમાં પ્રત્યાઘાતી પરલોકવાદી, વહેમ-અંધશ્રદ્ધા, ધર્માંધતા, ભક્તિવાદી અને પલાયનવાદી વિચારણાનો પ્રભાવ વધી રહ્યો હતો. આપખુદ રાજ્યસત્તા, સામાજિક ભેદભાવ અને આર્થિક અસમાનતાનો વ્યાપ વધતો જતો હતો. પરિણામે, વિજ્ઞાન અને વૈજ્ઞાનિક વિચારણા વિકસી નહીં, માનવીની સુખ-સગવડ અને સલામતીમાં વૃદ્ધિ કરતાં ઉપકરણો સુલભ ના બન્યા, રાજકીય-સામાજિક-આર્થિક વ્યવસ્થા પરંપરાવાદી અને કાલગ્રસ્ત રહી. અલબત્ત, વર્તમાનકાળમાં, છેલ્લી બેએક સદીના વૈચારિક પરિવર્તન પછી પણ, આ પ્રત્યાઘાતી વલણો સામેનો સંઘર્ષ હજી ચાલી રહ્યો છે. આ સંઘર્ષની ફલશ્રુતિનાં મીઠાં ફળ ક્યારેક તો જરૂર પાકશે તેવી આશા રાખીયે.

—

e.mail : jaykepatel@gmail.com

Loading

...102030...2,1832,1842,1852,186...2,1902,2002,210...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved