Opinion Magazine
Number of visits: 9747925
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજસત્તા સામે સ્વાયત્તતાનાં મૂલ્યની હૅટ ટ્રિક

પ્રવીણ પંડયા|Opinion - Opinion|1 November 2020

ગુજરાતી સાહિત્ય પરિષદની મૂલ્યનિષ્ઠ પરંપરામાં ચંદ્રકાંત ટોપીવાળા અને સિતાંશુ યશશ્ચંદ્ર પછી વર્ષ ૨૦૨૧-૨૦૨૩ માટે ચૂંટાયેલા પ્રમુખ પ્રકાશ ન. શાહના વિજયને આપણે સહુ સ્વાયત્તતાનાં મૂલ્યના વિજય તરીકે જોઈ રહ્યા છીએ અને એ આપણું મૂલ્ય આધારિત દર્શન છે. દેશમાં જ્યારે ચૂંટણીના માહોલમાં રાજકીય પક્ષો. તમે મત આપો-અમે તમને વેક્સિન આપીશું કહી પેંડો આપીને કડું કાઢવી લેવાના ખેલ પાડી રહ્યા છે ત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીમાં મૂલ્ય આધારિત લોકતંત્ર વધુ મજબૂત થતું જોવા મળ્યું છે. અને આવું એક વાર બને તો કોઈ એને અકસ્માત કહે, બીજી વાર બને તો યોગનુયોગના ખાનામાં ખતવી શકે; પણ ત્રણ ત્રણ વખત આવું એક સરખું પરિણામ આવે તો એને એના મૂળ સ્વરૂપમાં સ્વીકારવું પડે. સાહિત્ય પરિષદની આ લાગટ ત્રીજી ચૂંટણી છે જેમાં સાહિત્યકારો, સાહિત્યરસિકો અને નાગરિક સમાજે ગુજરાત મૂલ્ય આધારિત રાજનીતિથી જવાબ આપ્યો છે. ૨૦૧૫માં સાહિત્યકારોની સ્વાયત્ત લોકતાંત્રિક ગુજરાત સાહિત્ય અકાદમીને સત્તાનાં બળ, છળ અને કપટથી ગુજરાત સરકારે હસ્તગત કરી એટલું જ નહીં પણ એનો સાહિત્યનાં પ્રસાર પ્રચારસંવર્ધનનો હેતુ બદલી પોતાની વિચારધારાનાં પ્રચાર પ્રસારસંવર્ધનનુ રાજકીય કામ આરંભ્યું. સરકારની આ પ્રકારની જોહુકમી સામે સાહિત્ય સમાજે અકાદમીની સ્વાયત્તતા માટેનું આંદોલન શરૂ કર્યું અને ગોવર્ધનરામ ગાંધી ઉમાશંકરની મૂલ્યનિષ્ઠ પરંપરા ધરાવતી પરિષદે સ્વાયત્તતાનાં મુદ્દે સરકારને ટપારી ત્યારે સરકારે આ સંસ્થાને પણ અકાદમીની જેમ પોતાનાં કબજામાં લેવાના પેંતરા શરૂ કર્યા. પરિષદ પ્રમુખની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઊભા રાખી પરિષદ પર પોતાનો ઝંડો ફરકાવવાની કોશિશ કરી. વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૩ સુધીના પ્રમુખપદની ચૂંટણીમાં સરકાર પક્ષને પરિષદના મૂલ્યનિષ્ઠ લોકતંત્રે મ્હાત આપી સરકાર સામે એ ઉદાહરણ સ્થાપ્યું છે કે ‘સાહિત્યકારો કોઈપણ વિચારધારાનાં હોય એમની પ્રાથમિકતા મૂલ્ય હોય છે’ અને એ રીતે આ રાજસત્તા સામે  સ્વાયત્તતાના મૂલ્યની હૅટ ટ્રિક છે. ગુજરાત સરકાર અને જેમના હાથમાં અત્યારે એનો સૂત્રસંચાર છે એવા ભારતીય જનતા પક્ષે હવે રાજહઠ છોડીને ગુજરાત સાહિત્ય અકાદમી ફરી સ્વાયત્ત કરી લોકતાંત્રિક સરકારને છાજે એવું ઉદાહરણ સ્થાપવું જોઈએ.

રાજકીય પક્ષો સત્તાની ઘોડાદોડમાં જોતરાય ત્યારે વિચારધારાઓને લૂણો ય લાગે,પણ મૂલ્યોનો દૃઢ પાયો ધરાવતી સંસ્થાઓ જેમ જેમ જૂની થાય એમ વધુ પક્વ વિકસિત અને વિચારવંત બને. ગુજરાતી સાહિત્ય પરિષદ આનું ઉદાહરણ છે. આનું કારણ પણ સાવ સીધું સાદું અને સમજાય એવું છે.પક્ષોનું ચાલક બળ વિચારધારા હોય છે અને ધ્યેય દરેક ક્ષેત્રમાં સત્તા સ્થાપવાનું હોય છે; સાહિત્યનું ચાલક બળ મૂલ્ય છે, અને ધ્યેય કલાસર્જન વડે મૂલ્ય રક્ષા અને હર્ષ આદિની પ્રાપ્તિ. આમ બંનેની પ્રકૃતિ ભિન્ન છે. સાહિત્ય એક વિવિધરંગી મેઘધનુષ છે તો રાજકીય પક્ષો એકરંગી ઓળખ ધરાવતાં સંગઠન. કોઈ એક રંગ ક્યારેય સમસ્ત સાહિત્યને પોતાનાં રંગે ન રંગી શકે. આવો પ્રયાસ જ બાલિશતા છે જે અહીં હાલની ભાજપ સરકાર કરી રહી છે. સરકારોની આવી મૂલ્ય આધારિત તુલના કે ટીકાટિપ્પણી એ સાહિત્યકારનો બંધારણે આપેલો અભિવ્યક્તિનો જ નહીં પણ કળાએ બક્ષેલો માધ્યમગત અધિકાર પણ છે. અને એ બદલ કોઈ રાજકીય પક્ષ જો સાહિત્યકારો કે કલાકારોને ટેગ કે ટ્રોલ કરે અથવા દંડિત કરે તો એ લોકતાંત્રિક રાષ્ટ્રમાં રાજસત્તાનો ઘોર દુરુપયોગ જ કહેવાય. પણ અત્યારે આપણે આ ચર્ચાને અહીં વિરામ આપી એ વિચારીએ કે સાહિત્ય સમાજે બહુમતીથી રાજસત્તા સામે પોતાની સ્વાયત્તતા માટે લડતી આ સંસ્થામાં સરકાર તરફી પ્રમુખપદના ઉમેદવારને એકવાર નહીં પણ ત્રણ ત્રણ વાર પરાજય કેમ આપ્યો? કારણ માત્ર એટલું જ કે જુદી જુદી રાજકીય સમજણ ધરાવતા તમામ અગ્રણી સાહિત્યકારો સ્વાયત્તતાનાં મૂલ્યને પક્ષે છે. અને આનું ઉજ્જવળ ઉદાહરણ આ વખતના પ્રમુખપદ માટેના ત્રિપાંખિયા જંગે પૂરું પડ્યું છે એટલું જ નહીં પણ શાસક પક્ષને એ પણ બોધપાઠ આપ્યો છે કે સાહિત્યનું લોકતંત્ર; સાહિત્યની રાજનીતિ તમારી સત્તાની સીમિત સમજથી ઘણે દૂરની વાત છે, એનાં પર તમે ‘હું સીમિત રાજનીતિનો માણસ છું’ એવો વ્યંગ કરી શકો પણ લોભ-લાલચ કે કપટથી જેમ અન્ય ક્ષેત્રોમાં તમારો ઝંડો ફરકાવો છો એમ અહીં ન ફરકાવી શકો. અમે એ સંસ્કૃત વિદ્વાન રાજશેખરના વંશજો છીએ જે રાજાઓને પણ એ સલાહ આપતા કે રાજદરબારમાં સાહિત્યકારોનું ક્યાં અને કેવું સ્થાન હોવું જોઈએ. તમે આ નહીં સમજો તો દરબારી સાહિત્યકારો ભલે તમારો ‘જય હો.. જય હો’ કરે પણ પોતાની ‘સીમિત રાજનીતિ’ની સમજ સાથે જ સમેટાઇ જશો.

ગઈ બે ચૂંટણીમાં સરકાર પક્ષે પરિષદ પ્રમુખપદ માટે ટોપીવાળા અને સિતાંશુ ‘એઝ અ બ્રાન્ડ’ (ભા.જ.પ.) પોતાનાં ઉમેદવાર સામે અનુક્રમે નાનુભાઈ નાયક અને બળવંત જાની ઉતાર્યા હતા. આ બંને ભલે જુદી રાજકીય સમજ ધરાવતા હોય પણ આપણાં માટે સાહિત્યકાર તરીકે સન્નમાનનીય જ છે; પણ રાજસત્તાનું પૂરું પીઠબળ હોવા છતાં  તેઓ જંગી બહુમતીથી પ્રમુખપદ માટે પરાજિત થયા. આ વખતે રણનીતિ બદલાઈ. ઉમેદવાર તરીકે પરિષદ સાથે સતત સંકળાયેલા રહેલા ગુજરાત સાહિત્ય અકાદમીનાં ત્રણ ભૂતપૂર્વ મહામાત્રોને પરિષદનો કોઠો ભેદવા મેદાનમાં ઉતાર્યા જેમના એક ૬૩ વર્ષનાને પ્રમુખપદના યુવાન ઉમેદવાર તરીકે મૂક્યા. પ્રચાર પણ કમાલનો કર્યો. અન્ય બે ઉમેદવારમાં પ્રકાશ. ન. શાહ (૮૧ વર્ષ) અને હરિકૃષ્ણ પાઠક (૮૩ વર્ષ). હર્ષદ ત્રિવેદી તરફે સરકાર તરફી બળો અગાઉની જેમ જ કાર્યરત રહ્યાં, ‘પેલી સીમિત રાજનીતિના માણસવાળી’ દલીલની જેમ એમણે ‘યુવાનોનાં હાથમાં પરિષદનું સુકાન સોંપો’નું ‘નાગપુરી’ લૉજિક આગળ કર્યું અને પ્ર.ન. શા. ઘરડા છે ને’ સાહિત્યકાર તરીકે નહીં પણ પત્રકાર તરીકેની ઓળખ ધરાવે છે એવો ‘ડંક-નાદ’ કર્યો. પાઠકસાહેબનો પણ ‘વૃદ્ધ છે’ના લૉજિકથી છેદ ઊડાડવાની કોશિશ થઈ. સાહિત્યની રાજનીતિ પોતાની લીટી લાંબી કરવાની વિધેયાત્મક રાજનીતિમાં વિશ્વાસ ધરાવે છે. ‘સીમિત રાજનીતિની’ સમજમાં નહીં. પરિષદના શાણા મતદારોએ પરિણામ આ પ્રમાણે આપ્યુંઃ પ્રમુખપદના વિજેતા પ્રકાશ. ન. શાહ; ૫૬૨ મત, હર્ષદ ત્રિવેદી ૫૩૩, હરિકૃષ્ણ પાઠક ૧૯૭, કુલ મત ૧૨૯૨. સાર એ કે સાહિત્ય પરિષદ સાહિત્યની સંસ્થા છે એટલે એમાં મૂલ્ય આધારિત લોકતંત્ર જ ચાલે છે. પ્રકાશભાઈ અને પાઠકસાહેબ (ઘરડા, પણ ગાડાં વાળે એવા) બંનેની રાજકીય વિચારધારામાં તફાવત હશે, પણ સ્વાયત્તતાના મુદ્દે બંને સ્પષ્ટ હતા, જ્યારે હર્ષદ ત્રિવેદી અસ્પષ્ટ. આ વિજય સ્વાયત્તતાના મૂલ્યનો – પ્રકાશભાઈ ૫૬૨ + હરિકૃષ્ણભાઈ ૧૯૭, બહુમતીએ થયેલો સ્વાયત્તતાનો વિજય છે. સ્વાયત્તતાની આ હૅટ ટ્રિકને વધાવી આપણે સહુ હારજીત ભૂલીને કામે લાગીએ.

તારીખઃ ૨૬/૧૦/૨૦૨૦

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2020; પૃ. 03

Loading

ગુજરાતી સાહિત્ય પરિષદઃ હવે કઈ દિશા?

રમણ સોની|Opinion - Opinion|1 November 2020

સ્નેહાદરણી / નવનિર્વાચિત પ્રમુખશ્રી પ્રકાશભાઈ,

તમને ને નવી મધ્યસ્થ સમિતિના મિત્રોને હાર્દિક અભિનંદન આપીને તરત જ એમ કહેવાનું થાય છે કે તમારી સૌની જવાબદારી બેવડી થઈ જાય એવી આજે પરિષદની સ્થિતિ છે. પ્રશ્નો ઘણા છે ને એટલે દૃષ્ટિપૂર્વકનો પરિશ્રમ પણ એટલો જ રહેવાનો …

પરિષદની એક તાસીર એ રહી છે કે કેટલાંક ઉત્તમ કામો આદરીને એણે અધૂરાં મૂકી દીધાં છે. પરિષદમાં ‘માતૃભાષા સંવર્ધન કેન્દ્ર’ ચાલતું હતું, સરસ રીતે ચાલતું હતું. સાહિત્યના લેખકો-શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપરાંત પણ કેટલા બધા જિજ્ઞાસુઓને ગુજરાતી ભાષાની સમજ અંગેના એ વર્ગોમાં રસ પડતો હતો ને પ્રતિપોષણ મળતું હતું. પણ પછી એનું શું થયું? એ જ રીતે, બીજું એક અત્યંત જરૂરી ‘અનુવાદ કેન્દ્ર’ સ્થપાયું હતું. એ કાગળમાંથી બહાર નીકળીને કેટલું કાર્યરત રહ્યું? અનુવાદના વર્ગો પણ કેટલોક વખત ચાલીને વિરામ પામ્યા. છેલ્લાં વર્ષોમાં આવા વિરામોની સંખ્યા જ વધી છે. ભૂતપૂર્વ પ્રમુખશ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળાએ પરિસંવાદના કેટલાક નવતર કાર્યક્રમો ઉપરાંત પરિષદ-પ્રકાશનોના વક્તવ્ય-વિમર્શની પરિપાટી રચેલી. પછી એ અટકી તે અટકી. જ્ઞાનસત્રોમાં, સરજાતા સાહિત્યનું બે વર્ષનું સરવૈયું રજૂ થાય એવી, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યવાળી પરંપરા હતી એ પણ સમેટાઈ ગઈ. દલપતરામની દ્વિજન્મશતાબ્દી અને ઉશનસ્‌- જયંત પાઠકની જન્મશતાબ્દીઓ ગઈ, પણ એની કોઈ ગુંજ પરિષદમાં સંભળાઈ?

પરિષદે કર્યો જ છે, ને પરિષદ જ કરી શકે એવાં કેટલાંક કામ સાતત્યથી ચાલતાં રહેવાં જોઈતાં હતાં. ૧૯૮૦ આસપાસ આરંભાયેલું ને સતત ચાલતું રહેલું સાહિત્ય-કોશનું કાર્ય ૧૯૮૯ પછી પ્રકાશિત થતું રહ્યું પણ પછી એનું કોઈ સાતત્ય રહ્યું? જેમ કે, અર્વાચીનકાળને લગતો કોશનો ખંડઃ૨ પ્રગટ થયો (૧૯૯૦) ત્યારે એમાં ૧૯૫૦ સુધીમાં જન્મેલા લેખકોનો સમાવેશ થયેલો. ૧૯૫૦ પછી જન્મેલા લેખકમાંના કેટલાક હવે ૭૦ની વયના થવા આવ્યા, ને એમનાં સર્વ લેખનકાર્ય સાથે એ કોશની બહાર છે! એ કોશખંડનું પરિષદે શું વિચાર્યું? એ કાર્યનું કોઈ અનુસંધાન કે સાતત્ય રહ્યું છે ખરું? સાહિત્યસમાજની અપેક્ષા આવાં મૂળગામી અને ઇતિહાસદર્શી કાર્યોની હોય. હવેના પ્રમુખ અને વહીવટી મંડળી આવાં કાર્યોને અગ્રતા આપશે એવી અપેક્ષા રાખીએ.

પરિષદની એક ઊજળી પરંપરા હતી સાહિત્ય અને સાહિત્યવિદ્યા-વિમર્શ અંગેની કેન્દ્રવર્તી પ્રવૃત્તિઓની. નજીકનાં વર્ષોમાં પરિષદભવનમાં એવા કોઈ મહત્ત્વના પરિસંવાદો થયા? કોઈ સઘન પરિચર્ચાઓ યોજાઈ? ('અનુબંધ’, ‘આનંદની ઉજાણી’, વગેરે પ્રકારની જે પ્રવૃત્તિઓ ચાલી એ તો સાહિત્યના વ્યાપક પણ પ્રાથમિક સંપર્ક માટેની, પરિઘ પરની પ્રવૃત્તિઓ ગણાય. કેટલીક ઉત્તમ શાળાઓ પણ આવા કાર્યક્રમ કરતી હોય છે). એ અલબત્ત,એક ઉપયોગી વિસ્તરણ-પ્રવૃત્તિ ગણાય, પણ પરિષદનું એ મુખ્ય કેન્દ્રીય કામ ગણાશે? સાહિત્યના સુજ્ઞ રસિકોની ને વિદગ્ધોની, પરિષદ જેવી માતૃસંસ્થા પાસે રહે એવી વાજબી અપેક્ષાઓ કેટલી સંતોષાઈ? નવી મંડળી આના પર કેન્દ્રિત થાય એવી આશા અને અપેક્ષા છે.

અલબત્ત, પ્રવૃત્તિઓના સંચાર માટે આર્થિક ચાલક બળની જરૂર રહે. પરંતુ પરિષદની એ મુશ્કેલીનો ઉકેલ તો કર્યે જ છૂટકો. નહીં તો પરિષદના અસ્તિત્વનો જ પ્રશ્ન થાય. પરિષદ સરકારી સંસ્થા નથી, પ્રજાની – સાહિત્યરસિક પ્રજાવર્ગની સંસ્થા છે. પ્રકાશભાઈ, તમારો એક ગમતો શબ્દ છે – ‘પ્રજાસૂય’. તો લેખકો-ભાવકોની આ સંસ્થાના સંચાલન માટે, જરૂર પડ્યે, દરેક સાહિત્યરસિકની યથાશક્ય હિસ્સેદારીનું, સહાયનું પણ વિચારી શકાય. એવી પણ એક ઝુંબેશ હોઈ શકે. નવી મંડળી, ઉત્તમ સાહિત્યપ્રવૃત્તિઓથી સૌને પ્રતીતિ કરાવી શકે તો એ ઝુંબેશ સફળ થઈ પણ શકે.

અહીં જ સ્વાયત્તતાનો મુદ્દો પણ વિચારી લેવા જેવો છે. સ્વાયત્તતા આમ તો લેખકમાત્રના વ્યક્તિગત સ્વમાનનો ને ગૌરવનો મુદ્દો છે. પણ સરકારી અકાદમી સાથેના સંબંધો બાબતે આપણા ઘણા લેખકોએ સ્વમાનનું તળિયું બતાવી દીધું છે! આપણને જાણે ટટ્ટાર રહેવાનું ફાવતું (કે પાલવતું?) જ નથી!. સાહિત્ય પરિષદે સ્વાયત્તતા અંગે જે સંકલ્પ કરેલો છે  –  ને આજસુધીના બધા જ પ્રમુખો એને વળગી રહ્યા છે – એ આનંદનો વિષય છે. પણ સ્વાયત્તતાની લડત અંગે બે મુદ્દા વિચારી લેવા જેવા છે. એક તો એ કે, માત્ર ઠરાવો કે વિચારોથી સ્વાયત્તતા હાંસલ નહીં થઈ શકે, આંદોલન જ પરિણામગામી રસ્તો છે. બીજું એ કે, ગુજરાત સાહિત્ય અકાદમીની કોઈપણ પ્રવૃત્તિ સાથે ન જોડાવા અંગે મધ્યસ્થ-કારોબારી-હોદ્દેદારોને માટે પરિષદે નીતિલક્ષી નિર્ણય લીધો હોય તે બરાબર છે પણ સર્વ લેખકોને માટે પણ એની અજમાયશ કરવી એ બરાબર નથી. પરિષદના હોદ્દેદાર ન હોય એવા પણ ઘણા લેખકોએ ગુજરાત સાહિત્ય અકાદમીનો સ્વૈચ્છિક બહિષ્કાર કરેલો છે, કેટલાકે ન પણ કર્યો હોય, એટલે પરિષદના કાર્યક્રમોમાં વક્તવ્ય, ‘પરબ’માં લેખન, એ બધું દરેક લેખક માટે – એની યોગ્યતા-અનુસાર – ખુલ્લું રહેવું જોઈએ. વળી આ પ્રકારની અતાર્કિકતા અને મતાગ્રહ-આવેશ લોકશાહી-નિષ્ઠ સંસ્થાને શોભે નહીં. એને કારણે તો, પરિષદ જે ક્યારે ય ઈચ્છતી નથી એ પ્રતિસ્પર્ધા ભાવ નાહક વ્યાપક બનતો જશે.

સ્વાયત્તતાનો આગ્રહ એ પરિષદનો એક સ્પષ્ટ સંકલ્પ છે, પણ એ આગ્રહમાં જ પરિષદની ક્રિયાશીલતા સમાપ્ત થતી નથી, ન થવી જોઈએ. ખરેખર તો, પોતીકી મુદ્રા ઉપસાવતી ઉત્તમ અને નક્કર સાહિત્યપ્રવૃત્તિઓથી જ પરિષદ સ્વાયત્ત સંસ્થા એટલે શું એનું, વગરબોલ્યું, પ્રતિમાન રચી શકે – બલકે એ જ કર્તવ્ય કાર્ય છે.

આસન્ન ભૂતકાળના અનુભવોથી રહીરહીને એવો સંદેહ થાય છે કે આ નવું વહીવટી મંડળ એ જ ચાલતા ઢાળ પરથી ઢળી જવાનો સુકર રસ્તો લેશે કે કાર્યસઘન નવી ઉપત્યકાઓ રચવાનું સ્વીકારશે?

પરંતુ એવી આશા રાખવી જ અત્યારે તો ઈષ્ટ લાગે છે, પ્રકાશભાઈ, કે તમારા સરખા વિચારશીલ પ્રમુખની નરવી દોરવણીથી ને તમારી સંવાદી – પણ ક્રિયાવર્તી બનનારી – કાર્યશૈલી સાથે આ નવી મંડળી પરિષદને વિશ્વસનીયતાથી અને કાર્યનિષ્ઠાથી નવું અજવાળું આપે. એ પડકાર પણ આનંદદાયક નીવડે.

— ર.સો.

ઑક્ટોબર ૨૮, ૨૦૨૦

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2020; પૃ. 04

Loading

અગ્નિપથ: અરુણ શૌરીની મૃત્યુ સાથે એપોઇન્ટમેન્ટ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|1 November 2020

૧૯૯૦માં આવેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ 'અગ્નિપથ'માં પોલીસ કમિશનર ગાયતોંડે સાથે નાયક વિજયના ટકરાવનું એક દ્રશ્ય છે, જેમાં ગાયતોંડે વિજયને દિલનો ભલો માણસ સમજીને તેના બોસ લોકોથી ચેતતા રહેવા સલાહ આપે છે. જવાબમાં વિજય એક પાવરફુલ સંવાદ બોલે છે, "કહેના ક્યા ચાહતા હૈ તુમ, હાંય? કે વો લોગ આજ મેરી મોત કા દિન મુક્કરર કિયા હૈ, હાંય? લેકિન મુજેકો માલુમ હૈ વો કોનસા વક્ત મુક્કરર કિયા હૈ. યે દેખો, આજ શામ છે બજે મોત કે સાથ અપના એપોઇન્ટમેન્ટ હૈ … એપોઇન્ટમેન્ટ. ઇંગ્લિશ બોલતા હૈં."

ભારતીય ઇંગ્લિશ પત્રકારત્વમાં એક જમાનાના શેરદિલ એડિટર અને અટલ બિહારી વાજપેયી સરકારમાં અગ્રણી મંત્રી, ૭૮ વર્ષના અરુણ શૌરીએ, ‘અગ્નિપથ’ના વિજય દીનાનાથ ચૌહાણની જેમ, મૃત્યુ સાથે એપોઇન્ટમેન્ટ નક્કી કરી હોય તેમ, ‘પ્રિપેરિંગ ફોર ડેથ’ (મૃત્યુની તૈયારી) નામનું એક પુસ્તક લખ્યું છે. બૌદ્ધિકતાની નિશાની એ નથી કે તમે કેવાં અને કેટલાં ભાષણો આપો છો, ખાસ કરીને જ્યારે તમે તાળીઓ પડાવવાના વ્યવસાયમાં હો. બૌદ્ધિકતા એ છે કે તમે તમારું અને આસપાસનું જીવન કેટલું સમજો છો અને આવનારી પેઢી માટે તેમાંથી શું બોધપાઠ મૂકીને જાવ છો. શૌરીનું આ પુસ્તક એ અર્થમાં એક અસાધારણ પ્રયાસ છે. શૌરી આ પુસ્તકમાં જીવનની નહીં પણ મૃત્યુની વાત કરે છે.

નેવુંના દાયકાના હિંદુ રાષ્ટ્રવાદીઓમાં જેમની ગણના થતી હતી તે શૌરી, સેરેબ્રલ પાલ્સીથી પીડાતા તેમના એક માત્ર પુત્ર આદિત્ય અને પાર્કિન્સનના રોગથી પીડાતી તેમની પત્ની અનિતાની સારવાર માટે સક્રિય રાજનીતિમાંથી નિવૃત્ત થઇ ગયા છે, એટલું જ નહીં, જીવન અને જીવન સાથે જોડાયેલી અનેક બાબતોને ચિંતનાત્મક દ્રષ્ટિકોણથી જોતા થયા છે. મૃત્યુ એમાંથી એક છે. મૃત્યુનું આ ચિંતન અંગત જીવનના અગ્નિપથ પર ચાલીને આવ્યું છે.

શૌરી એક ઇન્ટરવ્યુમાં કહે છે, “મૃત્યુ એક શાશ્વત વિષય છે, અને હાલની કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં માત્ર ૧૦ જ મહિનામાં દસ લાખ લોકો જીવ ગુમાવી ચુક્યા હોય, ત્યારે તો તે ઔર પ્રાસંગિક બની જાય છે. પુસ્તકમાં એવાં તથ્યો છે જેને આપણામાંથી બહુ લોકો જાણતા નહીં હોય. અમુક એવી વ્યાખ્યાઓ છે જે નવી છે, ઉદાહરણ તરીકે ‘ધ તિબેટિયન બૂક ઓફ ડેડ’ વાસ્તવમાં આપણા જેવા જીવતા લોકો માટે છે. તેમાં દરેક અધ્યાય, દરેક ઘટનામાં વ્યવહારિક બોધ છે. થોડા મહિના પહેલાં હું આઈ.સી.યૂ.માં હતો, ત્યારે મને ધ્યાન કામમાં આવ્યું હતું, તેની વાતો પણ લખી છે.”

‘પ્રિપેરિંગ ફોર ડેથ’ કેવી રીતે શાંતિથી જીવનને અલવિદા કેવી રીતે ફરમાવવી તેની ગાઈડ બૂક છે. તેમાં શૌરીએ વસિયતનામું કેવી રીતે બનાવવું તેની ખુદના ઉદાહરણ સાથે સમજણ આપી છે. તે લખે છે, “શાંતિથી મૃત્યુને પામવા માટે લૌકિક કામો પૂરાં કરવાની સ્પષ્ટતા હોવી જરૂરી છે. મેં (વસિયતમાં) ઉમેર્યું છે કે (૧) મારું મગજ જો કામ કરતુ બંધ થઇ જાય અને મારા પાછા સ્વતંત્ર સભાનાવસ્થામાં આવવાની સંભવાના ન હોય, તો મને લાઈફ-સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં ન આવે (૨) મારા અંગોને કોઈને જરૂર હોય તો આપવામાં આવે (૩) અને મારા શરીરને કોઈ ક્રિયાક્રમ વગર બાળવામાં આવે. છેલ્લે, મેં સ્પષ્ટતા કરી છે કે અનિતા કે બીજા કોઈને અગવડ ના પડે તે માટે બેસણું કે શ્રદ્ધાંજલિ સભા રાખવામાં ન આવે.”

કોઈની મદદ વગર રહી ન શકતા દીકરા આદિત્યનું શું? શૌરીએ દીકરાની દેખભાળ માટે એક વકીલ મિત્રની મદદથી ટ્રસ્ટ ઊભું કર્યું છે. શૌરીની બચતનો મોટો હિસ્સો ટ્રસ્ટમાં જશે. અમુક હિસ્સો કટોકટી માટે પતિ-પત્નીના નામે રહેશે. પત્ની અનિતાની બહેન, ભાઈ, ભાઈની પત્ની અને એક ઘનિષ્ઠ મિત્ર ટ્રસ્ટનું સંચાલન કરશે.

પુસ્તકમાં તેમણે બુદ્ધ, રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, મહાત્મા ગાંધી અને વિનોબા ભાવેના છેલ્લા દિવસોની ઘટનાઓ અને મૃત્યુ અંગે ધાર્મિક શાસ્ત્રો તેમ જ ગુરુઓનાં ચિંતનને જોડીને ‘શાંતિપૂર્ણ રીતે મનના વિલય’નો માર્ગ તૈયાર કર્યો છે. પુસ્તકમાં મૃત્યુ અંગે શૌરીનું ચિંતન જાણે એક લાઈવ ફિલ્મ જેવું છે. એક અંશ:

“આપણો અંત નજીક આવે છે, અને એક ચક્રવાત બધું જ ખેંચી જાય છે, આપણને પણ. આપણે તીવ્ર શારીરિક પીડાની ગિરફતમાં હોઈશું. શ્વાસ રૂંધાતો હશે, આપણા હાથ-પગ ઠંડા પડતા જશે, એ ઠંડક ધડ તરફ અને પછી હૃદય તરફ આગળ વધશે. લાગણીઓનું એક તોફાન પણ સર્જાશે. આપણે જો સભાન હોઈએ, તો આપણને એ પણ અંદાજ આવશે કે જેને આપણે ચાહતા હતા અને જે આપણા માટે બહુમૂલ્ય હતું, તેનાથી આપણો વિચ્છેદ સંપૂર્ણ હશે, છેલ્લી વારનો હશે. આપણે ગમે એટલા સંબંધીઓને અલવિદા ફરમાવી હોય, આપણો વારો આવે, ત્યારે તે તદ્દન અનપેક્ષિત હશે. આ કરવાનું રહી ગયું અને તે કરવાનું રહી ગયું તેનો સમય નથી રહેતો. જે થઇ ગયું છે, તેને પાછું વાળવાનો પણ સમય નથી રહેતો. આ બધી વાતોનું શું મહત્ત્વ છે? એનો કોઈ મતલબ પણ હતો ખરો? આપણે હજારો વખત વાંચ્યું હશે કે સાંભળ્યું હશે કે યમનો દૂત આપણા પર આંગળી નહીં મૂકે. આપણો જે દિવસ નક્કી હશે ત્યારે બીજા ૧,૫૦,૦૦૦થી ૨,૦૦,૦૦૦ લોકો પણ અલવિદા ફરમાવી જવાના હશે, અને આપણને અન્યાયની લાગણી થશે; “મને જ કેમ? આજે જ કેમ?” હજુ તો કેટલું કરવાનું છે, કેટલાં અધૂરાં કામો પૂરાં કરવાનાં છે, આપણા વગર એ કામો લટકી જશે. એમાં પાછી આગળની ચિંતા. હું કોઈક સ્વરૂપમાં જીવતો રહીશ? જે મારા પહેલાં ગયા છે અને જે મને ચાહતા હતા, મારી સંભાળ રાખતા હતા, તેમને હું જોઈ શકીશ? હું અહીં જેમને પ્રેમ કરું છું, તેમનો મને ફરી ક્યારે ય ભેટો થશે?”

મોત એક અનિવાર્યતા છે અને છતાં આપણે તેનાથી આંખઆડા કાન કરતા રહીએ છે. શૌરીએ આ સર્વસાધારણ અભીગમને સુંદર રીતે ઝીલ્યો છે, “જીવનની એક નિશ્ચિતતા મૃત્યુ છે, અને આપણે તેનાથી અંતર કેળવી રાખીએ છીએ. આજુબાજુમાં અનેક મોત જોયાં છે અને આપણે દર વખતે જાતને કહીએ છીએ – હું નહીં, આજે તો નહીં જ. આપણામાં જીવતા રહેવાની ડાર્વિનિયન વૃત્તિ છે એટલે બાજુમાં મોત હોય તો પણ આપણી આંખો બંધ કરાવી દે છે.”

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 01 નવેમ્બર 2020 

Loading

...102030...2,1672,1682,1692,170...2,1802,1902,200...

Search by

Opinion

  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved