જગદીશચન્દ્ર જાણીને કૂવામાં ઊતરેલો
નાનો હતો જગલો હતો
‘બિલાડી’ ઉતારીને
કૂવામાં પડી ગયેલી વસ્તુઓ કાઢી આપતો
મોટપણે પ્રેમમાંયે જાણીને ઊતરેલો
પણ
કૂવામાં ટાંટિયા લંબાવીને
કૉલસા ચાવવાનો વારો આવ્યો
કેમજે
સખી છાંડી ગઈ
ગઈકાલે એણે
કૂવાનાં શીળાં જળમાં ચાંદો જોયો
પકડવાને ફાંફું માર્યું
સખી ખીલ ખીલ હસતી તે
મધુરાં હસવાં યાદ આવ્યાં
રડવા જેવું મલકાયો
કશેકથી મ્હૅકી ઊઠી
મઘમઘતી તારાભરી રાતો
ખિસ્સેથી મૂઠીએથી પાંપણને પલકારે
કેટલીયે વસ્તુઓ સરકીને
ક્યારે કેમ દડી પડી
ન સમજ્યો
અધૂરી આશા જેવી ડાયરી
લિક થયે જતી ઇચ્છા જેવી પેન
ચોખ્ખાં ચશ્માં
પછીના દિવસે
ફોન ફંગોટી દીધેલો કૂવામાં
ચાંદાના ચૂરા થયેલા
માથું પકડીને
મગજને ય ખખડાવી જોયેલું
આંસુ લૂછવાનો રૂમાલ સખીએ
સુખડની સુગન્ધી લગાડીને તો આપેલો
કહેલું
કૂવામાં આકાશ ને પાણી બન્ને હોય
તરાય કે ડુબાય
એટલે ઊતરેલો
પણ
મૉઢું નીરખ્યા કરે
દાઢી પંપાળે દાંતિયાં કરે
હથેળી જુએ મુઠ્ઠી વાળે ખોલે
ફરી વાળે ફરી ખોલે
હાથ ન આવે છેડો ન તળિયું
એટલે
કૉગળા કર્યા પિચકારીઓ મારી
કશેકથી યાદોના ગુચ્છા કાઢ્યા
ચાવ્યા ચગળ્યા થૂંકી કાઢ્યા
ને પછી
જગદીશચન્દ્રે
અંગાંગે ઘસ્યા ચાંદાના ચૂરા
થયું
પાછા નથી જવું
કહી દઉં
બૂમ પાડી જોઈ
પછી કૂવાનાં જળ
ધીમેશથી થયાં સરખાં ને
ચાંદો ફરી દેખાયો
કોઈ આજે કૂવામાં
‘બિલાડી’ ઉતારીને
પોતાની વસ્તુ કાઢવા કરે છે
લોક કહે છે
એ છે જગલાની સખી
= = =
નૉંધ : 'બિલાડી' લોખંડનું એક સાધન. એની બન્ને બાજુએ ૪-૫ ૪-૫ આંકડા હોય. એને કૂવામાં ઉતારવાનું. પડી રહેલી વસ્તુ પર સિફતથી ગોઠવવાનું. પછી કળથી વસ્તુ જોડે ફસાવવાનું અને વસ્તુ છૂટી જાય નહીં એવી કાળજી કરીને ઉપર ખૅંચી લેવાનું. ગામડાંઓમાં અને કસબાઓમાં ખાસ વપરાતું હતું…
(November 4, 2020: Peoria, IL U.S.A.)
સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાભાર
![]()






ગુજરાતની અસ્મિતાની વ્યાપક ભાવનાને કારણે જ ૧૯૨૬માં મુનશીએ અમદાવાદની ગુજરાતી સાહિત્ય પરિષદનું આઠમું અધિવેશન મુંબઈમાં યોજવાનું આમંત્રણ પોતાની સાહિત્ય સંસદ દ્વારા આપ્યું. ત્યાં સુધીમાં મુંબઈમાં મુનશીનો વિરોધ કરનારાં જૂથો સક્રીય થઈ ચૂક્યાં હતાં. મુનશીએ જેમાં નવલકથાલેખનની શરૂઆત કરેલી તે ‘ગુજરાતી’ સાપ્તાહિક અને ગોવર્ધનરામ ત્રિપાઠીના દીકરા રમણીયરામ જેના મોભી હતા તે ‘સમાલોચક’ સામયિક મુનશીની સતત ટીકા જ નહિ, અંગત નિંદા પણ કરતાં હતાં. મુનશીને ભીડાવવા માટે વિરોધીઓએ આ અધિવેશનના પ્રમુખપદે ગાંધીજીનું નામ આગળ કર્યું. મુનશી રમણભાઈ નીલકંઠની તરફેણ કરતા હતા. મુનશી સીધા ગાંધીજીને જઈને મળ્યા, પોતાની વાત સમજાવી, અને પોતે પ્રમુખ થવા ઇચ્છતા નથી એવી મતલબનો કાગળ ગાંધીજી પાસેથી લઈ આવ્યા. અધિવેશનના પ્રમુખપદ અંગેનો નિર્ણય લેવા જ્યારે મિટિંગ મળી અને ગાંધીજીના નામની દરખાસ્ત રજૂ થઈ ત્યારે કશું બોલ્યા વગર મુનશીએ ખિસ્સામાંથી કાઢીને એ કાગળ ધરી દીધો. ૧૯૨૮માં રમણભાઈ નીલકંઠનું અવસાન થયું તે પછી ગુજરાતી સાહિત્ય પરિષદ લગભગ નોધારી થઈ ગઈ હતી ત્યારે મુનશી તેને મુંબઈ લઈ આવ્યા. તેના દ્વારા અનેક નવાં કામો કર્યાં અને કરાવ્યાં. પરિષદના ખોળિયામાં નવું ચેતન પૂર્યું. પણ આઝાદી પછી ગુજરાતી સાહિત્યની સંસ્થા મુંબઈમાં હોય તે ગુજરાતના કેટલાક લેખકોને ખૂંચવા લાગ્યું. મુનશી પર લોકશાહીવિરોધી અને એકહથ્થુ સત્તાનો આરોપ મૂકવામાં આવ્યો. અગાઉ ૧૯૩૬માં આ અંગે પરિષદના પ્રમુખસ્થાનેથી ખુદ ગાંધીજીએ કહ્યું હતું: ‘મને તો ખબર જ છે કે ક્યાં ડેમોક્રસી ચાલે ને ક્યાં ન ચાલે. અને એથી જ કહું છુ કે સાહિત્ય પરિષદમાં ડેમોક્રસીના બધા નિયમો નહિ હોય. હું ડેમોક્રેટ છું છતાં કહું છું કે આવી પરિષદો ડેમોક્રસીનાં ધોરણે ન જ ચાલી શકે. એમાં ડેમોક્રસીનું તત્ત્વ હશે, પણ નિયમો નહિ હોય.’