Opinion Magazine
Number of visits: 9680577
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ અમેરિકાનું શું થવા બેઠું છે?

નટવર ગાંધી|Opinion - Opinion|24 October 2020

અમેરિકાનો પત્ર —

છેલ્લા કેટલાક મહિનાઓથી અહીં અમેરિકામાં છાપું ઉઘાડો કે ટી.વી. ઉપર ન્યૂઝ જુઓ તો ખરાબ, ખરાબ અને ખરાબ જ સમાચાર દેખાય છે! થાય કે આ અમેરિકાનું શું થવા બેઠું છે! આ શું દેશના વળતાં પાણી છે? કરોના વાયરસની કસોટીમાં અમેરિકા સાવ નિષ્ફ્ળ નીવડ્યું, એ વાત તો હવે જગજાહેર છે. જે કરોના વાયરસને દુનિયાના કેટલાક ગરીબ દેશો કાબૂમાં લાવી શક્યા છે, તે અતિ સમૃદ્ધ અમેરિકા નથી કરી શક્યું, એ કેમ બન્યું? દુનિયાની માત્ર ચારેક ટકા વસ્તી અમેરિકામાં હોવા છતાં વાયરસને લીધે થયેલા મોતમાં એનો હિસ્સો જબરો વીસ ટકા જેટલો છે. અત્યાર સુધીમાં લગભગ 2,00,000થી પણ વધુ અમરિકનો વાયરસમાં મર્યા છે, અને હજી પણ દરરોજ લગભગ હજારને હિસાબે વધુ મરતા જાય છે! આ મોતનો આંકડો ક્યાં જઈને અટકશે? 

કરોના વાયરસને કારણે દેશનું અર્થકારણ પણ ખળભળી ગયું છે. એકાએક જ મોટા ભાગની આર્થિક પ્રવૃત્તિઓ બંધ થઈ.  જ્યાં જ્યાં લોકડાઉન થયું ત્યાં ત્યાં મોટા ભાગના લોકોને ઘરમાં ગોંધાઇને બેસી રહેવું પડ્યું, લોકો જો ઘરની બહાર જ નીકળતા હોય તો એરલાઇન્સ, ટ્રેન, બસ, વગેરે ક્યાંથી ચાલે? હોટેલો, રેસ્ટોરાં, સ્ટોર્સ વગેરે બંધ થવા મંડ્યાં, વેપાર ધંધા પડી ભાંગ્યા, પચીસ મિલિયન લોકો રાતોરાત બેકાર થઈ ગયા. જે દશા 1930ના ગ્રેટ ડિપ્રેશનમાં થઈ હતી તેનું જાણે પુનરાવર્તન થતું હોય એમ લાગ્યું. 

વધુમાં આ કરોનાની મહામારી ઓછી હોય એમ પશ્ચિમ અમેરિકાના જંગલોમાં ભયન્કર દાવાનળ થવા લાગ્યા છે. એમાં અત્યાર સુધી લગભગ ત્રણેક મિલિયન એકર બળી ગયાં છે. ચારેક હજાર ઘરો ખાખ થયાં છે અને અસંખ્ય લોકો ઘરબાર વગરના થઈ ગયા છે. આ જંગલોમાં આગ લાગવી એ કંઈ નવી નવાઈની વાત નથી, પણ આવા મોટા અને આટલા બધા દાવાનળ એક સાથે છેલ્લાં સો વરસમાં થયા નથી. કુદરત જાણે કે અમેરિકા ઉપર વિફરી હોય એમ લાગે લાગે છે. દક્ષિણમાં ભયાનક વાવાઝોડાં એક પછી એક આવવા મંડ્યા. જો કે આ વાવાઝોડાં દર વર્ષે આવે જ છે, પણ આ સમયે એની સંખ્યા વધી છે, અને સાથે સાથે એનાથી થતી હાનિ અને હોનારત પણ વધી છે. આ બધું ઓછું હોય એમ અહીંનો કાળા ધોળાનો વિખવાદ જેના ઊંડા મૂળ આજથી દોઢસોએક વરસ પહેલાં થયેલી સિવિલ વોરમાં નખાયેલાં છે તે વળી પાછો વિફર્યો છે. મોટાંમોટાં શહેરોમાં એ બાબતમાં હુલ્લડો પણ થયાં. વોશીંન્ગટન જેવા કેટલાંક મોટાં શહેરોમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પએ શાંતિ અને વ્યવસ્થા જાળવવા લશ્કર પણ બોલાવ્યું. આ મુસીબતો ઉપરાંત રંક તવન્ગર વચ્ચે વધતી જતી આર્થિક અસમાનતા, ગરીબોની અવદશા, મધ્યમવર્ગની વધતી જતી કઠણાઈ, કથળતી કુટુંબવ્યવસ્થા, હિંસક ગુનેગારી, અઢળક પૈસાથી કલુષિત રાજકારણ વગેરે અહીં લોકોને પજવે છે.

દયાપાત્ર અમેરિકા?

અમેરિકાની આવી કફોડી દશા જોઈ દુનિયાના લોકોને અમેરિકા માટે જે માન અને અહોભાવ હતા તે ઓછા થવા લાગ્યા છે. પાંચેક વરસ પહેલાં દુનિયાભરમાં અમેરિકા માટે સારી છાપ હતી તે હવે નથી રહી. જાણે કે લોકોને અમેરિકામાંથી શ્રદ્ધા ઊઠી ગઈ છે. ખુદ અમેરિકનોને જ થઈ ગયું છે, કે આ શું આપણો  દેશ છે? સામાન્ય રીતે એક પ્રજા તરીકે અમેરિકનોને ઘમંડ ઘણું. પોતે વિશિષ્ટ છે, અજોડ છે, એવું અમેરિકનો માને, પણ હવે તેમને પોતાની વિશિષ્ટતા માટે શંકા ઉપજી છે. જે દેશ એક વખત દુનિયાની મહાન સત્તા ગણાતો, જેણે બબ્બે વિશ્વયુદ્ધો લડીને યુરોપને ફાસિઝમ, નાઝીઝમ અને કોમ્યુનિઝમમાંથી બચાવ્યું, જે દેશની નેતાગીરી નીચે વર્લ્ડ બેન્ક, આઈ.એમ.એફ., યુનાઇટેડ નેશન્સ જેવી લાભદાયી સંસ્થાઓ ઊભી થઈ અને યુદ્ધો ન થાય તેવી વ્યવસ્થા થઇ, અને જેની મહાન કંપનીઓ દુનિયા આખીમાં વેપાર ધંધા કરે છે, તે આજે દયા પાત્ર બની ગયો છે એ માનવું મુશ્કેલ છે.  

અમેરિકાએ એના ત્રણસોએક વર્ષના ઇતિહાસમાં જે મહાન ભૌતિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી પ્રજાને ઊંચું જીવન ધોરણ આપ્યું તેને કારણે એ ઈર્ષાપાત્ર જરૂર થયો છે. જે દેશે એની પંચરંગી પ્રજાને હાડકાં ભાંગતી ગરીબીમાંથી બચાવીને વ્યક્તિગત સ્વમાન જળવાય એવું મોકળાશનું જીવન જીવવાની તક આપી અને જ્યાં આવવા માટે હજી પણ દુનિયાના લોકો તલપાપડ થાય છે અને જ્યાં પહોંચવા જાતનું જોખમ વહેરે છે, તે દયાપાત્ર? દુનિયામાં જ્યાં ત્યાં જઈને બિનજરૂરી યુદ્ધો લડીને અમેરિકા મોટી હોનારત કરે છે અને હજારો અને લાખો લોકોની ખૂનામરકી કરે છે તે માટે એ જરૂર ધિક્કારપાત્ર થયો છે. પણ જે દેશ પોતાની અપ્રતિમ લશ્કરી સત્તા અને અસાધારણ આર્થિક સમૃદ્ધિને કારણે દુનિયા આખીને અભિભૂત કરે છે તેને શું દયાપાત્ર ગણવો?

અમેરિકાએ છેલ્લાં સોએક વરસોમાં નાનાં મોટાં કૈંક યુદ્ધો જોયા છે, કંઈક ચડતી પડતી જોઈ છે, કેટલા ય વેરી દેશો સામે સંગ્રામો ખેલ્યા છે, પણ આખરે આ બધામાંથી એ હેમખેમ બહાર આવ્યું છે. છતાં કરોના વાયરસની મહામારીમાં એ થાપ ખાઈ ગયું. આમ જુઓ તો અહીંની મહાન યુનિવર્સિટીઓમાં મેડિસિનમાં નોબેલ પ્રાઈઝ લેનારા કઈંક સંશોધકો અડ્ડો જમાવીને બેઠા છે અને એમની સંશોધનસિદ્ધિઓ વિશ્વપ્રસિદ્ધ છે. જ્યારે ક્યાં ય કોઈ મહામારી થઈ તો લોકો અહીંના વિશ્વવિખ્યાત સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેંશન પાસેથી માર્ગદર્શન લેવા આવે. દેશની  પ્રસિદ્ધ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થમાં કેન્સર જેવા અનેક કપરા રોગોને ટાળવા નિત્ય પ્રયત્ન થઈ રહ્યા છે. અહીંની હોસ્પિટલોમાં દુનિયા આખીના ખમતીધર લોકો, શ્રીમન્તો, વડા પ્રધાનો, રાજાઓ અને રાજકુમારો વગેરે અસાધ્ય માંદગીઓની સારવાર કરાવવા આવે છે. અને છતાં અમેરિકા આ કરોના વાયરસના કોયડાને ઉકેલી નથી શક્યું, એ કેમ બન્યું?

ટ્રમ્પની રેઢિયાળ નેતાગીરી

અમેરિકાની કરોનાને કાબૂમાં લાવવાની નિષ્ફ્ળતાના મૂળમાં હું એની અત્યારની રેઢિયાળ નેતાગીરી જોઉં છું. આ કસોટીમાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ સર્વથા નિષ્ફ્ળ નીવડ્યા છે. એમને માટે અનેક અપમાનભર્યાં  વિશેષણો વપરાય છે :  ચરિત્રહીન, દુષ્ટ, સ્વાર્થી, નિષ્ઠુર, હલકટ, લમ્પટ, નિર્લજ્જ, ગુંડો, જુઠ્ઠો, વ્યભિચારી, વગેરે. એક દુરાચારી વ્યક્તિ તરીકે ટ્રમ્પનાં લક્ષણો આપણે બાજુમાં મૂકીને માત્ર એમની નેતાગીરીનો જ વિચાર કરીએ તો એક વાત સ્પષ્ટ સમજાય છે કે આ માણસ અધકચરો, અણઘડ, બિનઅનુભવી, બેજવાબદાર, અને અમેરિકા જેવા મહાન દેશનું સંચાલન કરવા માટે સર્વથા અસમર્થ છે. આવડા મોટા દેશને ચલાવવા માટે જે આવડતની જરૂરિયાત છે તેનો એનામાં અભાવ છે. છતાં આવો ના-લાયક માણસ પ્રમુખ તરીકે કેમ ચૂંટાયો તે અમેરિકન રાજકારણ અને એની વિચિત્ર ચૂંટણીપ્રથાનું એક મહાન રહસ્ય છે. બહારના લોકો માટે એ સમજવું મુશ્કેલ છે. 

અગત્યની વાત એ છે કે એક વાર ચૂંટાયા પછી પણ પ્રમુખના હોદ્દાની જવાબદારીઓ સ્વીકારવા એ તૈયાર નથી, એને માટે જે તૈયારી કરવી પડે — વાંચવું, વિચારવું, ચર્ચવુ પડે, વિરોધીઓ સાથે મસલત કરવી પડે — એ એને ગમતું નથી, અને આજુબાજુ હોશિયાર મદદનીશ સલાહકારો  રાખવા પણ એ તૈયાર નથી. એને કામ જ નથી કરવું, એને ગોલ્ફની રમત રમવી છે, એને ટી.વી. સામે બેસીને જોવું છે કે કોણ એનાં કેટલાં વખાણ કરે છે, કોણ એની ટીકા કરે છે, અને પછી એ મુજબ એના પચાસેક મિલિયન અનુયાયીઓને દિવસને રાત ટ્વીટ કરવી છે. આ ટ્વીટમાં હરીફરીને એક જ વાત હોય છે — પોતે મહાન છે, અમેરિકાને પોતાની જેવો મહાન પ્રમુખ હજુ મળ્યો નથી, ટી.વી. અને છાપાંવાળાઓ જે ટીકા કરે છે, તે બધા ખોટા છે. પોતાના વિરોધીઓને ઉતારી પાડવામાં એ પાછા પડતા નથી. પોતાના બણગાં ફૂંકવામાં એને કોઈ લાજ શરમ નથી કે જૂઠું બોલવામાં એને કોઈ સંકોચ નથી. અહીંના વિખ્યાત વર્તમાનપત્ર ‘વૉશિંટન પોસ્ટ’ની ગણતરી મુજબ ટ્રમ્પ રોજના પાંચ જૂઠાણા વહેતા મૂકે છે. આ ગણતરીએ છેલ્લા સાડા ત્રણ વરસમાં એણે હજારોની સંખ્યામાં જૂઠાણાં ફેલાવ્યા છે!

કશો પણ નાનો મોટો પ્રશ્ન આવીને ઊભો રહે, અથવા કોઈ અગત્યના નિર્ણયની જરૂર પડી તો તે ઘડીએ એને જે સૂઝ્યું એ કરે છે.  પછી એ પ્રશ્ન દેશના અત્યન્ત સંકુલ સરંક્ષણનો હોય, કે અટપટા અર્થશાસ્ત્રનો હોય, કે કથળતી આબોહવાનો હોય, દાવાનળમાં ખાખ થઈ જતાં મોટાં જંગલોનો હોય, કે ભયંકર પૂર આવ્યાં હોય તેનો હોય — આવા આવા અનેક  જટિલ પ્રશ્નોના ઉકેલ કરવા માટે નિષ્ણાતોએ કરેલાં સલાહસૂચનોને અવગણી એ પોતાનો કક્કો સાચો કરે છે અને પોતાનું હંકારે જાય છે. ઊલટાનું એમ કહે છે કે નિષ્ણાતોને શું ખબર પડે? એ પોતે જ બધું જાણે છે, પોતે સ્થિર મેધાવી પુરુષ (stable genius) છે એમ માને છે!

આગળ જણાવ્યું તેમ અમેરિકા પાસે નિષ્ણાત ડોકટરો છે, ઉત્તમ અને અનુભવી સંશોધકો છે, સરંજામ, સાધનો, સંસ્થાકીય વ્યવસ્થા છે, છતાં છેલ્લાં સાડા ત્રણ વર્ષ ટ્રમ્પએ એ બધાને બાજુમાં રાખી પોતાનું તૂત ચલાવ્યું છે. વાયરસના નિષ્ણાતોની સલાહસૂચનો સ્પષ્ટ હતાં. એમનું કહેવું હતું કે જો તમારે કરોનાને કાબૂમાં લાવવો હોય તો લોકડાઉન કરી ઘરમાં બેસો, વારંવાર સાબુથી હાથ ધુઓ, લોકોને જો મળવાનું હોય તો જરૂર છ ફૂટ જેટલું અંતર રાખો, મંદિર, મસ્જિદ અને સભા સરઘસોમાં જવાનું ટાળો. ટ્રમ્પએ આ બધી સલાહ અવગણી. આ નવેમ્બરમાં અહીં પ્રમુખની ચૂંટણી થવાની છે. એમાં જો ટ્રમ્પ ફરી વાર ચૂંટાશે તો એની રેઢિયાળ નેતાગીરી નીચે દેશ તેમ જ દુનિયાને અકલ્પ્ય હાનિ થશે.  

અમેરિકન પ્રજાની ચૂંટણી અને રાજકારણ પ્રત્યેની જે ભયકંર બેદરકારી છે તેનાથી 2016માં ટ્રમ્પની ચૂંટણી થઈ, અને તે પણ સીધી બહુમતિ મતદાનથી નહીં, પણ અહીંની વિચિત્ર ઈલેક્ટોરલ કોલેજની અટપટી પ્રથાથી. અમેરિકનોને રમતગમત અને એના ખેલાડીઓમાં જેટલો રસ છે, તેટલો રસ તેમને દેશના રાજકારણમાં કે એમના કૉન્ગ્રેસમેન, સેનેટર, ગવર્નર કે પ્રમુખમાં નથી. અમેરિકનો પોતાના નેતાઓ વિષે આવી બેદરકારી કેમ રાખે છે એ અમેરિકન રાજકારણના વિદ્વાનો માટે એક મોટો કોયડો છે.

અમેરિકાનું ઉજ્જવળ ભવિષ્ય

અમેરિકાની અત્યારની અવદશા જરૂર નિરાશાજનક છે, છતાં એના ભવિષ્ય માટે હતાશ થવાની જરૂર નથી. આ જ પ્રજાએ માત્ર બે જ સદીની હયાતીમાં વિશ્વની એક મહાસત્તા સમું રાષ્ટ્ર ઊભું કર્યું, સમૃદ્ધ અર્થકારણની રચના કરી, એક ઉત્તમ બંધારણ ઘડ્યું, અને બધા લોકોને ઈર્ષ્યા આવે એવી સધ્ધર લોકશાહી ઊભી કરી. વધુમાં અમેરિકાએ કટોકટીના ખરાબ દિવસો આ પહેલાં પણ જોયા છે અને એ બધી અગ્નિપરીક્ષાઓમાંથી એ ઉજ્જવળ થઈ ને બહાર નીકળ્યું છે. 1860ના દાયકામાં અહીં ઉત્તર અને દક્ષિણના રાજ્યો વચ્ચે ભયકંર સિવિલ વૉર થયેલી. 1930ના ગ્રેટ ડિપ્રેશનમાં તો અમેરિકા સાવ ખલાસ થઈ ગયેલું. 1940ના દાયકામાં બીજા વિશ્વયુદ્ધમાં લડવા માટે એ પૂરતું તૈયાર પણ ન હતું. 1960ના દાયકામાં સિવિલ રાઇટ્સ અને વિયેટનામના યુદ્ધને કારણે અહીં મોટી ચળવળ થયેલી, પ્રેસિડેન્ટ કેનેડી અને માર્ટિન લ્યુથર કીન્ગની હત્યા થયેલી અને મોટાં શહેરોમાં ભયકંર હુલ્લડો થયેલાં. 

આવા બનાવો અહીં થતા જ રહે છે. છતાં અમેરિકા એ બધામાંથી વધુ સધ્ધર અને સબળ થઈને બહાર નીકળે છે એના મૂળમાં એક પ્રજા તરીકેની અમેરિકનોની કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે. સૌથી અગત્યની વાત એ છે કે અમેરિકનો એક નિરન્તર પરિવર્તનશીલ પ્રજા છે. જ્યારે જ્યારે અમેરિકા પાછું પડે છે ત્યારે ત્યારે એ અરીસામાં જુએ છે, જાતતપાસ શરૂ કરે છે, પોતાનામાં શી ખામી ખોટપ છે? કેવી રીતે આ થાપ ખાધી? આવી ભૂલો ફરી ન થાય તે માટે શું કરવું જોઈએ? હવે શું થશે એમ કહીને લમણે હાથ મૂકીને બેસી રહે એવી આ પ્રજા નથી. અત્યારે એને ખબર છે કે એ પેન્ડેમિકના સંકંજામાં સપડાઈ છે. એટલે એમાંથી કેમ બહાર નીકળવું તે માટે રાતદિન મથે છે.  વહેલી મોડી પણ કરોના વાયરસની વેક્સિન અહીં શોધાશે ને આ મહારોગને અહીં કાબૂમાં લવાશે.

આવી પરિવર્તનશીલતા કારણે અમેરિકનો નવા સંયોગો, નવી પરિસ્થિતિને અપનાવીને અનુકૂળ વર્તન અને વ્યવહાર કરે છે. રોજબરોજના વ્યવહારમાં, વાતચીતોમાં, અમેરિકન પ્રજા સમજુ, સજાગ અને વ્યવહારુ છે. એ જુએ કે શું કામ લાગશે, શું ચાલશે, અને એ પ્રમાણે નવી રીતભાત, નવી પદ્ધતિ અપનાવે છે. એમની પાસે લાંબો ઇતિહાસ નથી, પૂર્વજોની હજારો વર્ષ જૂની સંસ્કૃતિનો ભાર નથી એટલે એમને રૂઢિ અને રીતરિવાજો નડતા નથી. એ તો એ જુએ છે કે જે પ્રશ્ન છે તેનો નિકાલ કરવા માટે આજે અને અત્યારે શું કરવું જોઈએ અને તે મુજબ યોજના કરી કામે લાગી જાય છે. એ કામ કોણ કરે છે — અહીં જન્મેલો છે કે ગઈ કાલે આવેલો ઇમિગ્રન્ટ છે, કાળો છે કે ધોળો, સ્ત્રી છે કે પુરુષ — એવાં  ભેદભાવ કર્યા વગર જેની પાસે આવડત છે એની પાસેથી કામ લે છે. આનો અર્થ એ નથી કે અહીં ભેદભાવ નથી — છે જ, પરંતુ ધીમે ધીમે એને નાબૂદ કરવામાં અમેરિકનો નિત્ય પ્રવૃત્ત રહે છે. વ્યક્તિગત તેમ જ પ્રજા તરીકે સુધરવા માટે નિરન્તર મથામણ કર્યા કરવી, એ એમની એક પ્રશંસનીય વિશિષ્ટતા છે.

દેશનાં નાનાં મોટાં અસંખ્ય કામો વ્યવસ્થિત રીતે પૂરા પડે એ માટે અમેરિકાને અનેક પ્રકારના માણસોની જરૂર છે તો એ આખી દુનિયામાંથી લોકોને અહીં આવવા દે છે. અહીંની ઈમિગ્રેશન પોલીસીમાં પારકાને સ્વીકારવાની અને પોતાના કરવાની ઉદારતા જરૂર વ્યક્ત થાય છે, પરંતુ સાથે સાથે એમાં અમેરિકનોની વ્યવહારુતા પણ પ્રગટ થાય છે. સમાજના મોવડીઓને ખબર છે કે આ દેશનો વિકાસ જાળવી રાખવો હોય તો ઇમિગ્રન્ટ્સ ખૂબ ઉપયોગી નીવડવાના છે. યુનિવર્સિટીઓ, હોસ્પિટલો અને હાઈટેક કંપનીઓમાં પ્રોફેસરો, ડોકટરો, અને એંજિનિયરોની જરૂર છે, તેમ જ ખેતરો, ફેકટરીઓ, કતલખાનાઓમાં અને ઘરોમાં કામ કરવા માટે મજૂરો, ખેડૂતો, દાડિયાઓ, કામવાળાઓની પણ જરૂર છે. ઇમિગ્રેશનને ઓછું કરવાની અથવા તો સાવ બંધ કરવાની મોટી મોટી વાતો ભલે થાય અને એ બાબતના કાયદાઓ ભલે ઘડાય, છતાં અંતે તો ભણેલાગણેલા તેમ જ અભણ ઈમિગ્રન્ટ્સ અહીં કાયદેસર કે ગેરકાયદેસર લાખોની સંખ્યામાં આવ્યા જ કરે છે. દુનિયાભરથી આવી ચડતા આ ભાતભાતના ઈમિગ્રન્ટ્સ પેઢીએ પેઢીએ દેશમાં નવું લોહી રેડે છે. નવું જોમ આપી દેશને યુવાન રાખે છે. વધતા જતા વૃદ્ધ લોકો અને તેમની સંભાળ લેવાનો જે બહુ મોટો પ્રશ્ન યુરોપ કે જાપાનનો છે, અને જે ચીનને પણ આવી રહ્યો છે તે આ ઈમિગ્રેશનને કારણે અમેરિકાને નથી.  

કામઢા ઇમિગ્રન્ટ્સ આ દેશને કેટલા ઉપયોગી નીવડે છે તેનો એક દાખલો આપણા ભારતીય ઇમિગ્રન્ટ્સ પૂરો પાડે છે. ભણેલગણેલ અને વિવિધ કૌશલ્ય ધરાવતા ભારતીયો આવીને તરત કામે લાગી જાય છે અને દેશના આર્થિક વિકાસમાં ફાળો આપવા માંડે છે. સ્પેઈસ શટલ અને સોલર એનર્જીથી માંડીને હોટેલ, મોટેલ, ગ્રોસરી, ધોબી, ગેસ સ્ટેશન સુધીના અનેક ક્ષેત્રોમાં ભારતીય ઈમિગ્રન્ટ્સ યથાશક્તિ પ્રદાન કરી રહ્યા છે. જે ભારતીયો અહીં મેડિસીન કે એન્જીનિયરીંગ જેવી પ્રોફેશનલ ટ્રેનીંગ વગર આવે છે તે પણ પોતાના વ્યાપાર કૌશલ્ય અને ખંતથી નાનામોટા ધંધા રોજગાર શરૂ કરે છે. સંખ્યાની દૃષ્ટિએ ભારતીય ઈમિગ્રન્ટ્સ ભલે બહુ ઓછા હોય, પણ પોતાના કૌશલ્ય, ખંત, અને ભણતરને કારણે એમણે અમેરિકન સમાજમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

એકાઉન્ટીંગથી માંડીને ઝૂઓલોજી સુધીના કોઈ પણ ક્ષેત્રનું પ્રોફેશનલ સામયિક ઉઘાડો તો તેમાં એકાદ ભારતીયનો મહત્ત્વનો લેખ જરૂર જોવા મળે. અમેરિકામાં ભાગ્યે જ એવી હોસ્પિટલ હશે કે એમાં ભારતીય ડોક્ટરો કામ ન કરતા હોય કે ભાગ્યે જ એવી કોઈ યુનિવર્સિટી હશે જેમાં ભારતીય પ્રોફેસરો ન હોય. કરોના વાયરસનો ઉકેલ કેમ કરવો એ બાબતમાં દરરોજ થતાં ટી.વી. પ્રોગ્રામોમાં અચૂક નિષ્ણાત ભારતીય ડોક્ટરોની સલાહ લેવાય છે. અહીંની મહત્ત્વની એન્જિનિયરિંગ કન્સલ્ટિંગ કંપનીઓમાં ભારતીય એન્જિનિયરો મોટી સંખ્યામાં અવશ્ય હોય જ. અમેરિકાની મહાન કંપનીઓ — આઈ.બી.એમ., માઈક્રોસોફ્ટ, ગૂગલ, અડોબી, હરમન, માસ્ટરકાર્ડ, વગેરેના ચીફ એકઝીકયુટીવ ભારતીય ઇમિગ્રન્ટ્સ છે. અહીં વસતા ઇન્ડિયન અર્થશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો આંતરરાષ્ટ્રિય  કીર્તિ ધરાવે છે. આ ક્ષેત્રોમાં ભવિષ્યના ભારતીય નોબેલ પ્રાઈઝ વિજેતાઓ અમેરિકામાંથી નીકળશે તેવી સમર્થ એમની સિદ્ધિઓ છે.  અત્યાર સુધીમાં હરગોવિંદ ખુરાના (1968), એસ. ચંદ્રશેખર (1983), અમર્ત્ય સેન (1998), વી. રામક્રિશ્નન (2009) અને અભિજીત બેનરજી(2019)ને નોબેલ પ્રાઈઝ મળી ચૂક્યાં છે.  

ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સની જેમ આખી દુનિયાના વૈજ્ઞાનિકો અને સંશોધકો અમેરિકાની મહાન યુનિવર્સિટીઓમાં અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સમાં કામ કરવા તત્પર છે. અહીંના વૈજ્ઞાનિકોમાં લગભગ 40 ટકા ઇમિગ્રન્ટ્સ છે. છેલ્લા વીસ વરસમાં જે 85 અમેરિકનોને નોબેલ પ્રાઈઝ મળ્યા છે, તેમાં 33 ઇમિગ્રન્ટ્સ હતા. 2017 અને 2018માં જે 6 અમેરિકનોને નોબેલ પ્રાઈઝ મળ્યાં તે બધાં જ ઇમિગ્રન્ટ છે. એવી જ રીતે કુશળ ઇમિગ્રન્ટ્સ ઉદ્યોગપતિઓ અહીં આવીને નાની મોટી અસંખ્ય કંપનીઓ શરૂ કરે છે અને દેશને સમૃદ્ધ કરે છે. કહેવાનો આશય એટલો જ છે કે અમેરિકાને આખી દુનિયાની કુશળતા, ઉદ્યમ અને બુદ્ધિમતાનો લાભ મળતો રહે છે.

આ લેખની શરૂઆતમાં જણાવ્યું તેમ ટી.વી. અને છાપાંઓની હેડલાઈન્સ જોતાં કોઈને પણ અમેરિકાના ભવિષ્ય માટે સહજ જ ચિંતા થાય. કરોના વાયરસને કાબૂમાં લાવવામાં અમેરિકાની સદન્તર નિષ્ફ્ળતા જોતાં આજે ભલે આપણને અમેરિકાનું ભવિષ્ય ધૂંધળું દેખાય, પણ એવું નિરાશાજનક નિદાન કરવું એ ઐતિહાસિક દૃષ્ટિએ અયોગ્ય અને ઉતાવળું છે. વિચિત્ર સંજોગોમાં અને વિવિધ કારણોસર મહાસત્તાઓ થાપ ખાઈ જાય એવા કંઈક દાખલાઓ ઇતિહાસમાં મળી રહે છે. અમેરિકાનું એવું જ કાંઈક થયું છે. છતાં ભૂતકાળની આવી અને આનાથી યે કપરી કસોટીમાંથી અમેરિકા વધુ બળવાન થઈને જ બહાર નીકળ્યું છે. અત્યારની કરોનાની દુર્દમ મહામારી અને ટ્રમ્પના ચાર કે આઠ વરસનાં પ્રમુખપદને હું અમેરિકાનાં ત્રણસોએક વરસના ભવ્ય ઇતિહાસમાં માત્ર એક ભૂંડા અને લાંછનભર્યા પ્રકરણથી વધુ ગણતો નથી. ઊલટાંનું અહીંની બળકટ પ્રજાની નિત્ય પરિવર્તનશીલતામાં અને દુનિયા આખીના ઇમિગ્રન્ટ્સને પોતાના કરવાની એની વ્યવહારુતામાં હું અમેરિકાનું ઉજ્જવળ ભવિષ્ય જોઉં છું.

(શબ્દ સંખ્યા 2381)

સપ્ટેમ્બર 28, 2020

4301 Military Road NW, #510 Washington, DC 20015

e.mail : natgandhi@yahoo.com

પ્રગટ : મહદ્દ અંશ : "ચિત્રલેખા", 02 નવેમ્બર 2020; પૃ. 20-23

Loading

વ્રજભાષા પાઠશાળા – વિદ્યાસંકુલ, ભુજ

કીર્તિ ખત્રી, કીર્તિ ખત્રી|Opinion - Opinion|24 October 2020

ગુજરાતી નહીં, કદાચ કચ્છીઓને પણ ખબર નહીં હોય કે અઢીસો વર્ષ પહેલાં કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે વ્રજભાષા પાઠશાળા નામે એક વિદ્યાસંકુલ ભુજમાં હતું અને તેમાં કવિ બનવા માંગતા તેજસ્વી વિદ્યાર્થીઓને પિંગળ શાસ્ત્રનું વિધિસરનું શિક્ષણ નિષ્ણાતો દ્વારા અપાતું. એ જમાનામાં જેમ સંસ્કૃત માટે કાશી પ્રખ્યાત હતું તેમ કવિતા માટે કચ્છ જાણીતું હતું. આજ સુધીના ઇતિહાસમાં ગુજરાત કે ભારત જ નહીં, વિશ્વભરમાં આ પ્રકારની એકમાત્ર કાવ્ય શાળા હતી. તેમાં પાંચથી સાત વર્ષનો અભ્યાસક્રમ હતો અને તેના આધાર પર રાજાશાહી યુગમાં 'રાજકવિ'ની નિમણૂકો થતી. ગુજરાતના કવીશ્વર દલપતરામ અને સ્વામિનારાયણ સંપ્રદાયના જાણીતા કવિ બ્રહ્માનંદ સ્વામી સહિતના સંખ્યાબંધ કવિઓ અહીં કાવ્યશાસ્ત્ર પાઠ શીખ્યા હતા. આઝાદી પછી બંધ થયેલી આ પાઠશાળા અંગે 90ના દાયકામાં હિન્દીના પ્રાધ્યાપિકા નિર્મળા આસનાણીએ શોધનિબંધ લખીને ડોક્ટરેટની પદવી મેળવી હતી. ૧૯૯૬માં પુસ્તક રૂપે પ્રગટ થયા પછી ભાવનગર યુનિવર્સિટીએ તેને અભ્યાસક્રમ સુધ્ધામાં સ્થાન આપ્યું હતું.

આ મહાનિબંધ ઉપરાંત આ પાઠશાળાના છેલ્લા શિક્ષક રાજકવિ શંભુ દાનજી આયાચી અને અન્ય લોકસાહિત્યકારોએ લખેલા લેખોની માહિતીનું સંકલન કરીને ટૂંકમાં એના ઇતિહાસ પર નજર કરીએ તો 18મી સદીમાં વ્રજભાષા કેવળ વ્રજની જ બોલી ન રહેતાં વિશાળ ભૂખંડની કાવ્યભાષા બની ગઈ હતી. તેમાં રહેલા માધુર્યના સહજ ગુણને લીધે લોકોમાં એણે પોતાનું સ્થાન જમાવી લીધુ હતું. એ અરસામાં જ મહારાવ લખપતજી કચ્છની રાજગાદી પર આવ્યા. તેઓ જાતે કલા સાહિત્ય પ્રેમી અને સર્જક હતા. તેમણે છંદશાસ્ત્ર રસશાસ્ત્ર તથા પિંગળનો અભ્યાસ કર્યો હતો એટલે એમના દરબારમાં કોઈ વિખ્યાત રાજકવિઓ અને વિદ્યાગુરુઓ આવતા તે સૌ બહુમાન મેળવતા.

આવા જ એક પિંગળશાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય પૂજ્ય કનક કુશલજી મહારાવને કવિતાનો શોખ છે એ જાણીને ભુજ દરબારમાં આવ્યા. મહારાવને કવિતાથી પ્રસન્ન કર્યા તો લખપતિજીએ 'ભટાર્ક' પદવીથી નવાજ્યા. એ જ વખતે મહારાવે વ્રજભાષા પાઠશાળા ભુજમાં શરૂ કરવાની દરખાસ્ત કરી અને તેના આચાર્ય તરીકે કાર્યભાર સંભાળી લેવા પૂજ્ય કનકકૌશલજી મહારાજને વિનંતી કરી. કવિતા શાળાના આચાર્યની આજીવિકા માટે ભુજથી પાંચ ગાઉ દૂર આવેલું રેહા નામનું ગામ બક્ષીસમાં આપ્યું. આ ગામની આવકમાંથી પાઠશાળાનો નિભાવ ખર્ચ પણ મળી જાય એવી ગોઠવણ થઈ.

આમ ભુજના એક વિશાળ ભવનમાં કાવ્યપાઠશાળા શરૂ થઈ. શરૂઆતમાં તે નાની પોશાળ તરીકે ઓળખાતી. ઇતિહાસ અનુસાર લગભગ સવાસો વર્ષ સુધી જૈનાચાર્યના સંચાલન હેઠળ પાઠશાળા સારી પેઠે ચાલી. તે પછી જૈનેતર આચાર્યો આવ્યા. આ ફેરફાર સાથે પાઠશાળાનું ભવન પણ બદલાયું. ભુજમાં આશાપુરા મંદિરની પાસે બે માળના મકાનમાં શાળાનું સ્થળાંતર થયું. મહારાવ લખપતજીએ શરૂઆતથી જ કાઠિયાવાડ, રાજસ્થાન તેમ જ અન્ય હિન્દીભાષી પ્રદેશોમાં વસતા કવિ હૃદય(ભાટ ચારણો)ને ભુજ આવીને કાવ્યશાસ્ત્રની દિક્ષા પ્રાપ્ત કરવા ઈજન આપ્યું. દેશભરમાંથી એનો પ્રતિભાવ સાંપડ્યો. કવિ બનવાની ઈચ્છા સાથે આવતા વિદ્યાર્થીઓના શિક્ષણ તેમ જ રહેવા-જમવા સહિતનો તમામ ખર્ચ કચ્છ રાજ્ય ભોગવતું. પાઠશાળામાં ઉચ્ચ કોટિનું સાહિત્ય ભણાવવામાં આવતું. હિન્દી સાહિત્યની તમામ પરંપરાઓ અને સ્વરૂપનો અભ્યાસ વિદ્યાર્થી કરતા. કાવ્યરચનાના દશે-દશ પાસા એટલે કે રસ, છંદ, અલંકાર, રીતિ, વક્રોક્તિ, ધ્વનિ, નાયિકાભેદ, કાવ્યદોષ, કાવ્યગુણ અને શબ્દશક્તિનો ગંભીરતાથી અભ્યાસ કરાવાતો. બીજા અર્થમાં કહીએ તો હિન્દી કાવ્ય સાહિત્યના ઉત્કર્ષમાં પણ કચ્છની પાઠ શાળા એ મહત્ત્વનો ભાગ ભજવ્યો.

આ પાઠશાળાના માધ્યમથી રાજકવિ બનેલા ૩૫૦ જેટલાના તો નામ સુધ્ધાં ડોક્ટર આસનાણીએ મેળવ્યા હતાં. જે મુજબ કવિપદ પ્રાપ્ત કરનાર કવિઓએ ગુજરાત સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના નાના-મોટા રજવાડાઓમાં રાજકવિનું બહુમાન મેળવવાની સાથે સાથે યશ અને ધનપ્રાપ્તિ પણ કરી હતી.

1948માં આ અજોડ પાઠશાળા બંધ કરી દેવાઇ. આઝાદી પછી કચ્છ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો ત્યારે તેને ભાટચારણોના રાજાશાહી શોખની પાઠશાળા માનીને બંધ કરી દેવાઇ. આ પગલાંનો વિરોધ થયો પણ કંઈ વળ્યું નહીં. કાગળો અને દફ્તરો સળગાવી દેવાયા અને 2001ના ભૂકંપ પછી મકાનનુંયે નામનિશાન રહ્યું નથી.

છેલ્લા આચાર્ય શંભુદાનજી ગઢવી(ભૂતપૂર્વ સાંસદ પુષ્પદાનજીના પિતા)ની જન્મ શતાબ્દી ૨૦૧૦માં ઉજવાઇ ત્યારે ભુજમાં એ સમયના ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાજર રહ્યા હતા. એ વખતે વ્રજભાષા પાઠશાળાને પુનઃજીવિત કરવાનો અનુરોધ જુદા જુદા વક્તાઓ દ્વારા થયો. આખરે ચર્ચા વિચારણાને અંતે 2012માં સરકારની ૨૫ લાખની ગ્રાન્ટ સહાયને સહારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 'ઝવેરચંદ મેઘાણી લોકકલા સાહિત્ય કેન્દ્ર'નું મોરારિબાપુના હસ્તે ઉદ્દઘાટન થયું. યુનિવર્સિટીનું કેન્દ્ર ભુજ જેવી કાર્યશાળા નથી. હા, લોકસાહિત્ય અને ચારણીસાહિત્યને પ્રોત્સાહન મળે એ પ્રકારની પ્રવૃત્તિઓ જરૂર કરી છે. સાચું પૂછો તો આજે વ્રજભાષા પાઠશાળા જેવી સંસ્થા કવિઓને આર્થિક ક્ષેત્રે શું અપાવી શકે એ એક મોટો પ્રશ્ન છે. રાજાશાહીના જમાનામાં રાજકવિઓને માન ચાંદ અને ધન પણ મળતું. આજે કવિની પદવી મળ્યા પછી શું?

પ્રગટ : “દિવ્ય ભાસ્કર” દૈનિક, અમદાવાદ.

Loading

ચલ મન મુંબઈ નગરી—67

દીપક મહેતા|Opinion - Opinion|24 October 2020

સંસ્કૃતના હઠાગ્રહી દીકરાએ બાપનું નામ પણ બદલ્યું

નરસિંહરાવ દિવેટિયા એટલે તડ ને ફડના માણસ

ગુજરાતી નવલકથા અને કવિતાને પાંચ ડગલાં આગળ લઈ જનારાં બે પુસ્તકો એક જ વરસમાં મુંબઈમાં પ્રગટ થયાં. વરસ હતું ૧૮૮૭નું અને પુસ્તકો હતાં ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા સરસ્વતીચંદ્રનો પહેલો ભાગ અને નરસિંહરાવ દિવેટિયાનો પહેલો કાવ્ય સંગ્રહ કુસુમમાળા. ત્યારે ગોવર્ધનરામ ૩૨ વરસના યુવાન હતા તો નરસિંહરાવ હતા ૨૮ વરસના યુવાન. જેમ જીવનમાં, તેમ સાહિત્યમાં પણ કેટલાંક નામ ન ભૂલાવાં જોઈએ, છતાં ભૂલાઈ જાય છે. આપણા એક પ્રખર વિવેચક મનસુખલાલ ઝવેરીએ નરસિંહરાવને અર્વાચીન ગુજરાતી કાવ્ય-શકુન્તલાના કણ્વ તરીકે ઓળખાવ્યા હતા. શકુન્તલાના પિતા વિશ્વામિત્ર, પણ કણવના આશ્રમમાં જ એ ઉછરી અને મોટી થઈ. તેવી રીતે અર્વાચીન ગુજરાતી કવિતાનું પાલન-પોષણ કર્યું નરસિંહરાવે. અને છતાં આજે સાહિત્યના જાણકારો કે અભ્યાસીઓ પણ નરસિંહરાવનું નામ ભાગ્યે જ લે છે.

નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા

નરસિંહરાવનો જન્મ અમદાવાદમાં, ૧૮૫૯ના સપ્ટેમ્બરની ત્રીજી તારીખે. પિતા ભોળાનાથ સારાભાઈ ગર્ભશ્રીમંત, છતાં બ્રિટિશ સરકારમાં નોકરી કરી ઊંચા હોદ્દે પહોંચેલા. અમદાવાદમાં પ્રાર્થના સમાજના સ્થાપકોમાંના એક. નવી કેળવણી, સમાજ સુધારો, સ્ત્રીશિક્ષણના હિમાયતી અને ટેકેદર. અંગ્રેજી, સંસ્કૃત, ફારસી, ગુજરાતી, અને મરાઠી ભાષા અને સાહિત્યના અભ્યાસી. આપણા સાહિત્યના ઇતિહાસમાં જેને ‘પંડિત યુગ’ તરીકે ઓળખાવવામાં આવે છે તે સમયના ઘણાખરા લેખકો મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજના ગ્રેજ્યુએટ હતા. ગોવર્ધનરામ અને નરસિંહરાવ પણ આ જ કોલેજના ગ્રેજ્યુએટ. એ કોલેજમાં ભણવા માટે નરસિંહરાવ ૧૮૭૬ના જાન્યુઆરીમાં મુંબઈ આવ્યા. એ જમાનામાં કોઈ બહારગામ જાય ત્યારે હોટેલમાં ઉતરવાનો ચાલ નહોતો. કોઈ સગા, અને સગા ન હોય તો કોઈ ન્યાતિલાની ઓળખાણ કાઢીને તેમને ઘરે ઉતરવાનું સામાન્ય હતું, મુંબઈ જેવા શહેરમાં પણ. એક મુનીમ અને એક જૂના બ્રાહ્મણ નોકરને સાથે લઈને નરસિંહરાવ ભણવા માટે મુંબઈ આવ્યા. અને બીજા એક પ્રતિષ્ઠિત નાગર સદ્ગૃહસ્થને ઘરે ઊતર્યા. આગળ જતાં તેઓ ગોવર્ધનરામ અને નરસિંહરાવ વચ્ચેના સંબંધની કડીરૂપ બન્યા. એટલે થોડી વાત તેમને વિષે.

મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી

તેમનું નામ મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી. હા, જી. ગુજરાતીમાં પણ સંસ્કૃત પ્રમાણે બોલવા – લખવાના ખૂબ જ આગ્રહી. એટલે સંસ્કૃતને અનુસરીને પોતાના નામમાં વચમાં વિસર્ગનાં બે ટપકાં મૂકતા! કહેવાય છે કે રોજ જ્યારે ટપાલી આવે ત્યારે પહેલાં દરેક કાગળ પરનું પોતાનું નામ ચકાસતા અને પેલાં બે ટપકાં વગર નામ લખ્યું હોય એવા બધા કાગળ ‘આ મારા નથી’ એમ કહીને પાછા આપતા. તેમના પિતાનું નામ તો હતું સૂરજરામ, પણ સંસ્કૃતના આગ્રહને કારણે પિતાનું નામ પણ સૂરજરામમાંથી બદલીને સૂર્યરામ કરી નાખ્યું હતું! કોલેજના અભ્યાસ માટે વતન નડિયાદથી ૧૮૬૧ના જૂનમાં મુંબઈ આવીને એલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ થયા. પણ માંદગીને કારણે અભ્યાસ અધૂરો મૂકી ૧૮૬૩માં માધવરામ ત્રિપાઠીની પેઢીમાં જોડાઈ ગયા. આ માધવરામ તે ગોવર્ધનરામના પિતા. અને મનસુખરામના દાદા શિવરામ અને માધવરામ બે સગા ભાઈઓ. એટલે ગોવર્ધનરામ મનસુખરામને ‘ભાણાકાકા’ કહેતા. વખત જતાં આપબળે મનસુખરામ આગળ વધીને સૌરાષ્ટ્રના ત્રણ-ચાર દેશી રાજ્યોના મુંબઈ ખાતેના ‘એજન્ટ’ (આજની ભાષામાં લિયઝોં ઓફિસર) બન્યા. દેશી રાજ્યો પોતાના કારભારમાં પણ તેમની સલાહ લેતાં. કહેવાય છે કે ઘણી વાર મનસુખરામ બોલતા કે ચાર-ચાર દિવાનો તો મારા ખિસ્સામાં છે.

૧૮૭૪ના અરસામાં કાળનું ચક્ર ખાસ્સું ફરી ગયું હતું. માધવરામ ત્રિપાઠીની પેઢી ભાંગી હતી અને માધવરામને પુષ્કળ દેવું થયું હતું. પોતે એ દેવું ભરપાઈ કરી આપશે એવી ખાતરી આપીને ગોવર્ધનરામે માતાપિતાને નડિયાદ રહેવા મોકલ્યાં હતાં અને પોતે મનસુખરામને ત્યાં રહેવા લાગ્યા હતા. આજે જ્યાં સિક્કા નગરની મોટી વસાહત છે ત્યાં અગાઉ મહેલ જેવો ચીના (કે ચાઈના) બાગ હતો જે મોરારજી ગોકળદાસના કુટુંબની માલિકીનો હતો. તેના પાછલા ભાગમાં નોકરોને રહેવા માટેની સગવડ ઉપરાંત આઉટ હાઉસ, મહેમાન-ઘર વગેરે હતાં. મનસુખરામ આ ચીના બાગના આઉટ હાઉસમાં રહેતા. નરસિંહરાવ ૧૮૭૬માં ભણવા માટે મુંબઈ આવ્યા ત્યારે સૌથી પહેલાં આ ચીનાબાગના મનસુખરામના ઘરે ઉતરેલા. એ વખતે ગોવર્ધનરામ પણ ત્યાં જ રહેતા હતા એટલે સ્વાભાવિક રીતે પરિચય થયો. નરસિંહરાવ ચીના બાગમાં રહ્યા તો થોડા દિવસો જ. કારણ મનસુખરામના ઘરની રહેણીકરણી તેમને માફક ન આવી. એટલે એક નાની ઓરડી ભાડે રાખી નરસિંહરાવ ત્યાં રહેવા ગયા. પણ મનસુખરામ સાથેનો સંબંધ તો ચાલુ રહ્યો. ભણી લીધા પછી નરસિંહરાવ સરકારી નોકરીમાં આસિસ્ટન્ટ કલેકટર તરીકે જોડાયા. તેમની બદલી મોટે ભાગે આજના મહારાષ્ટ્રનાં શહેરોમાં થતી. ત્યાંથી અમદાવાદ આવતી-જતી વખતે તેઓ મનસુખરામને ઘરે ઉતરતા.

સાહિત્યકાર તરીકે આજે મનસુખરામનું નામ ભૂલાઈ ગયું છે, પણ બે સંસ્થાઓને કારણે તેમનું નામ થોડા જાણકારોના મનમાં જળવાઈ રહ્યું છે. ૧૮૮૬માં મનસુખરામનાં પત્ની ડાહીલક્ષ્મીનું નડિયાદમાં અવસાન થયું. એ જમાનામાં નાની ન ગણાય એવી ૫૦ હજાર રૂપિયાની રકમ ખર્ચીને તેમણે નડિયાદમાં ડાહીલક્ષ્મી પુસ્તકાલય શરૂ કર્યું. ૧૮૯૮માં તેનું ઉદ્ઘાટન થયું. ડો. હસિત મહેતાની આગેવાની નીચે આજે તે સાચા અર્થમાં એકવીસમી સદીનું ઇન્ફર્મેશન રિસોર્સ સેન્ટર બની રહ્યું છે.

ગુજરાતી સભા, મુંબઈની સ્થાપના અંગેની નોંધ, મનસુખરામના હસ્તાક્ષરમાં

૧૮૪૮માં અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપનામાં આગળ પડતો ભાગ ભજવનાર એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ ૧૮૬૨માં સ્થપાયેલી બોમ્બે હાઈ કોર્ટના પહેલા છ ન્યાયાધીશોમાંના એક તરીકે મુંબઈ આવ્યા. મનસુખરામ અને રેવરંડ ધનજીભાઈ નવરોજી ફોર્બ્સને મળ્યા અને એવી એક સંસ્થા મુંબઈમાં પણ શરૂ કરવા વિનંતી કરી. ફોર્બ્સના સૂચનથી આ માટે મનસુખરામે મુખ્યત્વે દેશી રાજ્યો અને મુંબઈના કેટલાક ધનાઢ્ય લોકો પાસેથી લગભગ ૬૫ હજારનો ફાળો ઉઘરાવ્યો અને ૧૮૬૫ના માર્ચની ૨૫મી તારીખે મુંબઈમાં ‘ગુજરાતી સભા, મુંબઈ’ની સ્થાપના થઈ. પણ તે પછી થોડા જ વખતમાં, ૧૮૬૫ના ઓગસ્ટની ૩૧મી તારીખે માત્ર ૪૩ વરસની ઉંમરે ફોર્બ્સનું અણધાર્યું અવસાન થયું. ત્યાર પછી તેમની યાદ કાયમ રાખવા માટે આ સંસ્થાનું નામ બદલીને ‘ફાર્બસ ગુજરાતી સભા’ કરવામાં આવ્યું. સંસ્થાની શરૂઆત થઈ ત્યારથી ૧૯૦૭ના મે મહિનાની ૩૦મી તારીખે તેમનું અવસાન થયું ત્યાં સુધી મનસુખરામ તેના મંત્રીપદે રહ્યા અને ફાર્બસ ગુજરાતી સભાના વિકાસમાં પાયાના પથ્થર બની રહ્યા.   

આ મનસુખરામને કારણે થયેલા ગોવર્ધનરામના પરિચય વિષે પછીથી નરસિંહરાવ લખે છે: ‘સમય ઈ.સ. ૧૮૭૬, જાન્યુઆરી માસ, સ્થળ ચીના બાગ, મનસુખરામ સૂર્યરામના મકાનનો ઓટલો. હું ઊભો છું. નવા, તાજા બી.એ.માં પાસ થયેલા પાંચ-છ મિત્રોનું મંડળ, તેમાં એક તેજસ્વી મુખમુદ્રાવાળી ઉત્સાહના જોશથી ચાલતી મૂર્તિ, તે ગોવર્ધનભાઈ, ચીના બાગના પાછલા મકાનમાં મિત્રોના ‘ક્લબ’ તરફ એ બધા જતા હતા. હું કુતૂહલ, માન અને કાંઇક રમૂજના આકર્ષણથી એ દેખાવ જોઈ રહ્યો છું. બસ, આ પ્રથમ દર્શન. સ્નેહયુક્ત આદરનું બીજ આમ વવાયું.’ પછી તો યુનિવર્સિટી ઓફ બોમ્બેના ૧૮૭૬ના કોનવોકેશનમાં પણ નરસિંહરાવ હાજર રહેલા અને ગોવર્ધનરામને ડિગ્રી મળી તે જોઈને હરખાયા હતા. પછી ‘સરસ્વતીચંદ્ર’ અને ‘કુસુમમાળા' પુસ્તકો પ્રગટ થયાં ત્યારે બન્નેએ એકબીજાને તેની નકલ ભેટ આપેલી. ગોવર્ધનરામે અભિપ્રાય આપવા કહેલું એટલે નરસિંહરાવે ભાષા-પ્રયોગની કેટલીક ભૂલો તરફ ધ્યાન દોરેલું. પણ પછી તેનો સ્વીકાર થતો નથી એમ લાગતાં વાત પડતી મૂકેલી. અભ્યાસ દરમ્યાન નરસિંહરાવ લલ્લુ ભગતના માળામાં રહેતા ત્યારે મળવા માટે ગોવર્ધનરામ દર અઠવાડિયે જતા. એટલું જ નહિ, ગોવર્ધનરામ અને નરસિંહરાવ નિકટના સગા બને એવો સંભવ પણ ઊભો થયો હતો. ગોવર્ધનરામનાં પહેલાં પત્નીના અવસાન પછી મનસુખરામે ભોળાનાથભાઈને પત્ર લખીને તેમના દીકરા અને નરસિંહરાવના ભાઈ ભીમરાવની દીકરી સાથે વિધુર ગોવર્ધનરામનાં લગ્નનું સૂચન કરેલું. પણ ભોળાનાથે એ સ્વીકાર્યું નહિ. કારણ, આ અંગે તેમણે જ્યારે ભીમરાવની દીકરીને પૂછ્યું ત્યારે તેણે માત્ર એટલું જ કહ્યું: 'એ તો મારા ગોવર્ધનકાકા થાય.’ 

આજની ભાષામાં કહીએ તો નરસિંહરાવ એટલે તડ ને ફડના માણસ. સાહિત્ય અંગે લખતી કે બોલતી વખતે કોઈની સાડીબારી રાખે નહિ. ગુજરાતી ભાષા અંગેના વિવાદમાં તેઓ અને ગોવર્ધનરામ સામસામે આવી ગયેલા અને બંને વચ્ચે થોડું મનદુખ પણ થયેલું. ગુજરાતી સાહિત્ય પરિષદનું પહેલું અધિવેશન ગોવર્ધનરામના પ્રમુખપદે અમદાવાદામાં ૧૯૦૫માં ભરાયું તે વખતે પણ બંને વચ્ચે થોડું ઘર્ષણ થયેલું. બીજી એક બાબતમાં પણ આ બંને સામસામે આવી ગયેલા. આજે ગોવર્ધનરામને સમન્વયસાધક તરીકે ઓળખાવવામાં આવે છે પણ નરસિંહરાવ જેવા સમાજ સુધારાના હિમાયતીઓની દૃષ્ટિએ ગોવર્ધનરામ પરંપરાવાદી હતા. અમદાવાદમાં ગોવર્ધનરામના પરંપરા તરફી ભાષણ પછી કેટલાક સુધારકોની માગણીથી નરસિંહરાવે જલદ ભાષણ કરી સુધારાનો પુરસ્કાર કર્યો. પ્રમુખસ્થાને બેઠેલા અંબાલાલ સાકરલાલે નરસિંહરાવના વિચારોનું સમર્થન કર્યું. આથી ગોવર્ધનરામ દુભાયા હતા, અને છતાં આવા વૈચારિક મતભેદો એ બંનેના અંગત મીઠા સંબંધમાં વચમાં આવતા નહિ!

વીસમી સદીની શરૂઆતમાં એલ્ફિન્સ્ટન કોલેજ

સાચાબોલો અને આખાબોલો સ્વભાવ નરસિંહરાવને સરકારી નોકરીમાં પણ આડો આવ્યો. લાયકાત પ્રમાણે બઢતી મળતી નહિ. પ્રમાણમાં છેવાડાની પણ કુદરતી સૌન્દર્ય માટે જાણીતી એવી કેટલીક જગ્યાએ તેમનું પોસ્ટિંગ થતું. ત્યારે ત્યાંના કુદરતી સૌન્દર્યને આકંઠ પીને તેમણે પોતાનાં કાવ્યોમાં પ્રગટ કર્યું. તેમણે સ્વેચ્છાએ વહેલા નિવૃત્ત થવાનું પસંદ કર્યું અને ૧૯૧૨માં સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા. તે પછી તેમની કારકિર્દીનો બીજો તબક્કો શરૂ થયો. ગોવર્ધનરામ પછી દસ વરસે, ૧૯૧૫માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા. જે કોલેજમાં પોતે ભણ્યા હતા એ એલ્ફિન્સ્ટન કોલેજમાં નરસિંહરાવ ૧૯૨૧માં ગુજરાતીના અધ્યાપક નિમાયા અને મુંબઈવાસી બન્યા. ૧૯૩૫ સુધી તેઓ આ પદ પર રહ્યા એટલું જ નહિ, મુંબઈના ગુજરાતી સાહિત્ય જગત પર છવાઈ ગયા. પણ નરસિંહરાવ એટલે માત્ર અગ્રણી કવિ જ નહિ, સહેલાઈથી રીઝે નહિ, પણ ખીજે ખરા, એવા વિવેચક અને ભાષાશાસ્ત્રના મોટા ગજાના અભ્યાસી પણ ખરા. ૧૯૧૫માં યુનિવર્સિટી ઓફ બોમ્બે આયોજિત વિલ્સન ફિલોલોજિકલ લેક્ચર્સ આપ્યાં જેનો વિષય હતો ગુજરાતી ભાષા અને સાહિત્ય. આ ઉપરાંત બીજા અનેક લેખોમાં તેમણે ગુજરાતી ભાષાની ચર્ચા કરી છે. ૧૯૨૪માં રોયલ એશિયાટિક સોસાયટી (આજની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ)ના ફેલો થયા.

ગોવર્ધનરામનું આયુષ્ય માત્ર બાવન વરસનું. જ્યારે નરસિંહરાવને લાંબુ, ૭૮ વરસનું આયુષ્ય મળ્યું. પાછલાં વરસો અધ્યાપન-અધ્યયનના મનગમતા કામમાં ગયા, પણ અંગત જીવનમાં એક પછી એક સ્વજનોને ગુમાવવાના ઘા ઉપરાઉપરી જીરવવા પડ્યા. ‘આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે’ એ તેમની કાવ્યપંક્તિ તેમની ઓળખાણ બની ગઈ. પણ તેમનો શોક શ્લોકત્વને પામીને ‘સ્મરણસંહિતા’ નામના કરુણપ્રશસ્તિ કાવ્યરૂપે પ્રગટ થયો. આ કૃતિ ગુજરાતી કવિતાનું એક મહત્ત્વનું સીમાચિહ્ન બની રહી છે. ૧૯૩૭ના જાન્યુઆરીની ૧૪મી તારીખે નરસિંહરાવનું મુંબઈમાં અવસાન થયું. એ વખતે કનૈયાલાલ મુનશીએ કહ્યું હતું: ‘નાટક ને નવલકથા સિવાયનાં ઘણાંખરાં સાહિત્યનાં ક્ષેત્રોમાં લગભગ પચાસ વર્ષ સુધી એમની હાક વાગતી. ઘણા વિષયોમાં એમનો નિર્ણય અંતિમ ગણાતો. શુદ્ધિ અને સત્યશોધનથી પ્રેરાયેલી આ ભીષ્મપિતામહની આણથી સાહિત્યકારો અને સાહિત્યરસિકો બંને ધ્રૂજતા હતા. ઘણી વાર તો જાણે અચલ ધ્રુવ હોય એમ એ આપણા સાહિત્યવ્યોમમાં શોભતા.’

ચર્ની રોડ સ્ટેશન આગળ આપણે ઊભા રહ્યા અને આપણને સરસ્વતીચંદ્રની ઘોડા ગાડી મળી. તેના લેખક ગોવર્ધનરામ મળ્યા, મનસુખરામ ત્રિપાઠી મળ્યા, નરસિંહરાવ દિવેટિયા મળ્યા. હજી આવાતે અઠવાડિયે પણ આપણે ત્યાં જ ઊભા રહેવાનાં છીએ અને આપણને મળશે આપણી ભાષાના એક મહાન લેખક. પણ તેઓ લેખક ઉપરાંત બીજું પણ ઘણું ઘણું ઘણું હતા. એમની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 24 ઑક્ટોબર 2020

Loading

...102030...2,1522,1532,1542,155...2,1602,1702,180...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved