અમે તારું રક્ષણ કરવામાં સમર્થ નથી.
એ અમારા હાથની વાત નથી ..
ભલે કહેવાતું હોય કે
કાનૂનના હાથ લાંબા છે ..
હા અમારા હાથની વાત છે કે
તારા પરિવારને દસ-પંદર લાખની સહાયનો ચૅક
લખીને આપીએ!
તારું શીલ
તારી જીભ
તારી કરોડરજ્જુ
તારી ગરદન
એ બધાની કિંમત જાણે એટલી જ હશે ..
તારી જીભ કાપી નંખાઈ
પણ
લાગે છે તો એવું કે
અમે છતી જીભે
તારા વિશે બોલવા માટે પણ
સમર્થ રહ્યા નથી.
તેં પાડેલી ચિચિયારીઓ
અમારા ટી.આર.પી.ના કોલાહલના પ્રમાણમાં
તો જરા ઓછી કહેવાય ..
તારું અંગેઅંગ તૂટી ગયું છે એ સાચું
પણ અમારા બ્રેકિંગ ન્યૂઝની તોલે તો
એ ન જ આવે ને?
ઓ દુર્ભાગી “હાથરસી દીકરી”
તું કોઈ રાજકારણીની કે અધિકારીની દીકરી હોત
કે પછી કોઈ અભિનેત્રી હોત તો?
નારી તું નારાયણી ..
જ્યાં નારી પૂજાય છે ત્યાં દેવો વસે છે
એવા શુકપાઠ કરી
પોતાની જાતને ધન્ય ઠેરવતા આ સમાજમાં
તું હવે વ્યક્તિ મટીને
સામૂહિક બળાત્કારપીડિતાનો
પોલીસ દફ્તરે નોંધાયેલો
આંકડો બની ચૂકી છે.
હવે, તેરા વજૂદ તો હૈ સિર્ફ દાસ્તાં કે લિયે …
કાલે પાછી કોઈ બીજાની ચર્ચા હશે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2020; પૃ. 10
![]()


લાગે છે, આખરે ટ્રમ્પે ભરધમપછાડે પણ બાઈડનના વિજયની વાસ્તવિક્તા સ્વીકારી લીધી છે. આપણે જરૂર રાજી થઈશું, લગરીક હાશ અને ઠીક ઠીક રાહત પણ અનુભવીશું કે છેક જ બેજવાબદાર અને ધરાર નીંભર નેતૃત્વથી અમેરિકા છૂટકારો મેળવી રહ્યું છે; અને કેનેડી-ક્લિન્ટન-ઓબામા પરંપરાનો શોભીતો પ્રમુખીય મણકો તરતમાં વૉશિંગ્ટનની ગાદીએ હોવામાં છે. વિશ્વભરમાં છેલ્લાં વર્ષોમાં, જેને કોઈ વિશેષ ઓળખને અભાવે જમણેરી કહેવાનો ચાલ છે એવાં પરિબળો સત્તારૂઢ થતાં માલૂમ પડતાં રહ્યાં છે એની વચ્ચે આ એક જમાતજુદેરો દાખલો છે. ટ્રમ્પની ફરતે અમેરિકામાં જે ‘હિંદુ’ લૉબી જામેલી મનાતી હતી તે આ ઘટનાક્રમમાં રહેલી પુનર્વિચારસામગ્રીને પિછાણે છે અને બૂઝે છે કે કેમ તે જોવું રહેશે. ટ્રમ્પ મોદીને અનુસરે છે એવો જે રાજીપો આપણે ત્યાં કોઈક તબક્કે હતો એણે પણ નિજમાં ઝાંખવાં જેવું છે તે છે.