Opinion Magazine
Number of visits: 9663880
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફૂટપાથ પર પહેલો અધિકાર કોનો? પેટનો કે પગનો?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|16 July 2025

ચંદુ મહેરિયા

સર્વોચ્ચ અદાલતની જસ્ટિસ અભય ઓકા અને ઉજ્જવલ ભુઈયાંની ખંડપીઠે, હમણાંના એક ચુકાદામાં, પગપાળા રાહદારી માટે અબાધિત અને સલામત ફૂટપાથના અધિકારને જીવનના અધિકારનો હિસ્સો માન્યો છે. ભારતીય બંધારણના અનુચ્છેદ ૨૧ હેઠળ નાગરિકોને જીવન જીવવાનો મૂળભૂત અધિકાર છે. તેમાં પગે ચાલતા નાગરિકના સલામત, યોગ્ય અને સુલભ ફૂટપાથના હકનો સમાવેશ કર્યો છે. ફૂટપાથના અભાવે પગે ચાલનારાને  જીવના જોખમે રસ્તા પર ચાલવું પડે છે. જે તેના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ પ્રમાણે દુનિયાભરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોમાં ૨૧ ટકા પગે ચાલનારા હોય છે. ભારતમાં ૨૦૨૩માં સડક દુર્ઘટનાઓમાં મરનારાઓમાં દર પાંચમી વ્યક્તિ પગપાળા ચાલનારી હતી. તેમના મૃત્યુનું મુખ્ય કારણ ફૂટપાથના અભાવે રસ્તા પર ચાલવું હતું.

સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં જણાવ્યું છે કે નગરો અને મહાનગરોના નાગરિકો અબાધિત ફૂટપાથનો ચાલવા માટે ઉપયોગ કરી શકે તે સુરક્ષિત અને સન્માનજનક જીવનનો ભાગ છે. ફૂટપાથ વગર પગે ચાલનારાને રસ્તા પર ચાલવા મજબૂર કરવા તે તેમના જીવન જીવવાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે. ફૂટપાથોનું નિર્માણ અને સારસંભાળ માત્ર સામાન્ય લોકો જ નહીં, દિવ્યાંગો પણ સહેલાઈથી વપરાશ કરી શકે તેમ હોવું જોઈએ. ફૂટપાથ પરથી ગેરકાયદે દબાણો હઠાવવા જોઈએ અને લોકો અબાધિત ઉપયોગ કરી શકે તેવી હોવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફૂટપાથોની ઉપલબ્ધતા અને સારસંભાળ સુનિશ્ચિત કરતી નીતિ ઘડવા પણ હુકમ કર્યો છે. અગાઉ ૨૦૧૮માં બોમ્બે હાઈકોર્ટે આ અંગે આપેલ ચુકાદાને તમામ રાજ્યો આદર્શ ગણી તે પ્રમાણેની માર્ગદર્શક સૂચનાઓ અને અમલનો અહેવાલ બે મહિનામાં રજૂ કરે તેમ પણ અદાલતે જણાવ્યું છે. 

દેશની સૌથી મોટી અદાલતને ફૂટવે અને ફૂટપાથ અંગે ચિંતા વ્યક્ત કરતા આદેશો કરવા પડે છે ત્યારે સ્થિતિ કેટલી ગંભીર હશે અને પગપાળા રાહદારીઓ માટે કેટલું જોખમ હશે તેની ગંભીરતા સમજાવી જોઈએ. શહેરી ભારતમાં ૨૮ ટકા લોકો પગપાળા ફરે છે. શહેરોમાં આસપાસનાં ગામડાંના લોકો પણ ખરીદી માટે આવતા હોય છે અને તેઓ પણ મોટેભાગે પગપાળા જ હોય છે. આ સંજોગોમાં આઈ.આઈ.ટી. દિલ્હીનો તાજેતરનો ઇન્ડિયા સ્ટેટસ રિપોર્ટ ઓન રોડ સેફ્ટી આપણી આંખ ઉઘાડનારો છે. દેશમાં સરેરાશ ૧૯ થી ૭૩ ટકા સડકો પર જ ફૂટપાથ આવેલી છે. જમ્મુ કશ્મીરમાં માત્ર ૩ જ ટકા ફૂટપાથ છે. તે પછીના ક્રમે પુડુચેરીમાં ૫ ટકા છે. બિહારમાં ૧૯ અને હરિયાણામાં ૨૦ ટકા રોડ સાથે ફૂટપાથ છે. સૌથી વધુ ફૂટપાથ ધરાવતું રાજ્ય મહારાષ્ટ્ર છે. 

બાળકો અને બુઝુર્ગો માટે આપણા રસ્તા સવિશેષ મુશ્કેલ છે. માર્ગ અકસ્માતનો ભોગ બનેલામાં ૧૯.૫ ટકા પગે જતા રાહદારીઓ છે. ૨૦૧૯થી ૨૦૨૩ સુધીમાં કુલ ૭.૯ લાખ  લોકોના મોત માર્ગ અકસ્માતમાં થયા હતા. તેમાંથી ૧.૫ લાખ લોકો પગપાળા જતા માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. તેમની સલામતી માટેની કાયદાકીય જોગવાઈઓ સીમિત છે. તેથી આ દિશામાં કોઈ ખાસ ધ્યાન આપતું નથી. 

શહેરોની ચોથા ભાગની વસ્તી પગપાળા રાહદારીઓની હોવા છતાં આપણા શહેરી આયોજનમાં ફૂટપાથની પાયાની જરૂરિયાતનું કોઈ સ્થાન જોવા મળતું નથી. ભારતના બંધારણે નાગરિક માત્રને દેશમાં ગમે ત્યાં નિર્બાધ ફરવાનો અધિકાર તો આપ્યો છે, પરંતુ શહેરોમાં અસલામત રસ્તા અને ફૂટપાથના અભાવે પગપાળા રાહદારીના અધિકારો ઉવેખાય છે. ફૂટપાથ સમાવેશી અને બાધામુક્ત હોવી જોઈએ. પણ વાસ્તવમાં ફૂટપાથોનો અભાવ છે અને જ્યાં છે ત્યાં તેના પર દબાણો છે. ફૂટપાથ વૈકલ્પિક સગવડ નથી પણ અનિવાર્ય આવશ્યકતા છે તે સાદું સત્ય કોઈને સમજવું નથી.

ફૂટપાથો પર નાના મોટા ધંધા રોજગાર કરનારાઓનું દબાણ છે. ધાર્મિક સ્થળોનું દબાણ છે અને ગરીબોમાં સૌથી વધુ ગરીબ લોકોનો આશિયાના ફૂટપાથ છે. એક અંદાજ મુજબ દેશમાં પચીસેક લાખ લોકો ફૂટપાથને ઘર બનાવી જીવનના દિવસો ટૂંકા કરે છે. જે લોકો ફૂટપાથ પર રહેવા લાચાર છે તેમની ઘરવખરીમાં રાંધી ખાવા ચુલો કે થોડાં વાસણો, ગાભા-ડૂચા અને ગંધાતી ગોદડીઓ હોય છે. જસ્ટિસ એમ.પી. ઠક્કરની આગેવાની હેઠળના લો કમિશનના ૧૩૮મા અહેવાલમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ, બોમ્બેના સર્વેક્ષણના તારણો ટાંકવામાં આવ્યા હતા. તે પ્રમાણે ફૂટપાયરીઓ પર જીવતા લોકોમાં ૫૩ ટકા શાકભાજી, ફળ-ફૂલ, આઈસ્ક્રીમ, રમકડાં, ફુગ્ગા વેચવાના અને બીજા નાના સ્વરોજગાર કરનાર અને ૩૮ ટકા ઘરેલુ નોકર, બાંધકામ મજૂર અને છૂટક મજૂરી જેવી આકસ્મિક રોજી કરનારા હતા. ભારતના ગરીબોને તેમની રહેઠાણની સ્થિતિ પ્રમાણે ક્રમ આપવો હોય તો પહેલા ચાલીઓમાં રહેતા, તે પછી ઝૂંપડાઓમાં રહેતા અને અંતે ફૂટપાથ પર રહેનાર છે. 

સર્વોચ્ચ અદાલતનો વર્તમાન ચુકાદો ફૂટપાથ પર ચાલવાનો નાગરિક અધિકાર સ્થાપે છે અને દબાણમુક્ત ફૂટપાથ ઇચ્છે છે ત્યારે ફૂટપાથ પર રહેનારા ગરીબોનું શું તેવો સવાલ ઊઠે છે. કેરળ અને કર્ણાટક હાઈકોર્ટના અગાઉના ચુકાદાઓમાં મંદિર સહિતનાં ધાર્મિક દબાણો ફૂટપાથ પર ન હોવા જોઈએ તેમ જણાવ્યું છે. ત્રિવેન્દ્રમ ચેમ્બર ઓફ કોમર્સની રિટ પર કેરળ હાઈકોર્ટે રાજકીય પક્ષો અને બીજાં સંગઠનો ધરણા, આંદોલન, દેખાવો માટે ફૂટપાથને બાધિત ન કરી શકે તેમ જણાવ્યું હતું. એટલે ફૂટપાથને ઘર બનાવનારા પણ દબાણકર્તા છે અને તેમને હઠાવવા પડે. ત્યારે ફૂટપાથ પર પહેલો હક કોનો ? પેટનો કે પગનો? તેવો સવાલ વિચારવો પડે. 

ગઈ સદીના નવમા દાયકે માનવ અધિકાર સંગઠન PUCLના એક સંમેલનમાં જસ્ટિસ વી.એમ. તારકુડેએ કહ્યું હતું, ‘ફૂટપાથના રહેવાસીઓને પણ રહેવાનું સ્થાન મેળવવાનો મૂળભૂત અધિકાર છે. એમનો એ અધિકાર બીજાના અધિકારની આડે આવતો હોય, જેમ કે ટ્રાફિક અથવા તો કહેવાતી ડિસન્સી, તો પણ ડિસન્ટ લાઈફ કરતાં લાઈફ મહત્ત્વની છે. લાઈફના ભોગે ડિસન્સી જળવાતી હોય તો આપણે ડિસન્સીનો ભોગ આપીને લાઈફને જ જાળવવા ઠેક સુધી પ્રયત્ન કરવા જોઈશે. થોડા ઉચ્ચ કે ઉપલા મધ્યમવર્ગના ‘ડિસન્સી’ના ખ્યાલો જો ગરીબ શ્રમજીવી જનતાના રહેઠાણ મેળવવાના હકની આડે આવતા હોય તો એ ડિસન્સી અને ટ્રાફિક સેન્સ જહન્નમમાં જાય! જે દેશ પોતાના નાગરિકોને આઠ ચોરસ ફૂટનો ઓટલો નથી આપી શકતો તે દેશમાં ડિસન્સી શક્ય બનવાની નથી. આસમાનની નીચે રહેવાનો અધિકાર માત્ર બંધારણે બક્ષ્યો છે એમ નહીં, બંધારણ બનતાં પહેલાંનો, અરે બાવા આદમની ઓલાદ પેદા થઈ ત્યારથી એને પ્રાપ્ત થયેલો અધિકાર છે. એને માત્ર રહેવાનો નહીં, કામની જગાએ, જ્યાં રોજી પ્રાપ્ત થાય તેવી જગાએ રહેવાનો મૂળભૂત અધિકાર છે.’

અબાધિત ફૂટપાથના અધિકાર સંબંધી વર્તમાન ચુકાદાના સંદર્ભમાં પણ જસ્ટિસ તારકુંડેએ કશું જૂદું કહ્યું ન હોત. એટલે પગની સલામતીમાં પેટ વિસરાવું જોઈએ નહીં. 

e.mail : maheriyachandu@gmail.com 

Loading

આંદોલન કોઈ પણ હોય એનો હેતુ મહત્ત્વનો છે!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|16 July 2025

સ્ફૂટ આંદોલનો અને નાગરિક સમાજ સાથેના વ્યાપક સંધાનની રમઝટ, એ ચાલુ ચૂંટણી વહેવારથી ક્યાંયે અદકેરી લોકશાહી ઓળખ ને પરખ છે

પ્રકાશ ન. શાહ

હમણાં જ એક સોજ્જો અવસર સયાજીનગરી વડોદરામાં ઊજવાઈ ગયો : એમ.એસ. યુનિવર્સિટીના અધ્યાપક યુનિયનના પૂર્વ અગ્રણી અને સેનેટ-સિન્ડિકેટ પર રહેલા સક્રિય જણ, પ્રોફેસર આઈ.આઈ. પંડ્યાનાં સંસ્મરણો ‘મેજર હિન્ટ્સ’ના ગુજરાતી અનુવાદના પ્રકાશનનો એ પ્રસંગ હતો. કેવળ એની જ નહીં પણ ગુજરાતના એકંદર અધ્યાપક આંદોલન આસપાસનીયે થોડીકેક વાતો આજે અહીં કરવાનો ખયાલ છે.

કેમ કે, કટોકટીની જાહેરાતની પચાસ વરસીનો સહેજસાજ સ્વયંભૂ અને ઠીક ઠીક સત્તા-પ્રાયોજીત માહોલ છે, 1973-74નાં વરસોમાં નવનિર્માણ આંદોલન અને છાત્રો સાથે અધ્યાપકી સહયોગિતાનાંયે સ્મરણો ઉભરાઈ આવે એ સહજ હતું અને છે. ત્યારે હું એચ. કે. કોલેજનો મુલાકાતી અધ્યાપક હતો અને જોગાનુજોગ ઇન્ડિયન પોલિટિકલ થૉટનું નવું નવું દાખલ થયેલું પેપર લેતો હતો. બીજી પાસ, ગાંધી પીસ ફાઉન્ડેશન સાથે મંત્રી તરીકે સંકળાયેલો એટલે બેઉ નિમિત્તે ઉભરતા છાત્ર-યુવા સંપર્કો સહજ હતા. મનીષી જાની, આનંદ માવળંકર, રાજેન્દ્ર દવે, આ સૌ અમારા એચ.કે. છાત્રમિત્ર : કોલેજમાં ત્યારે વિદ્યાર્થી પક્ષે ‘ટીચ અસ વેલ’નીયે ઝુંબેશ ચાલી શકતી અને સ્ટાફ રૂમમાં અધ્યાપક આંદોલનની મુક્ત ચર્ચા પણ ચાલતી. એ અલબત્ત આચાર્ય યશવન્ત શુક્લ હસ્તકનાં સંસ્થાનિર્માણનો રૂડો પ્રતાપ હતો.

વિષય પ્રવેશ પૂરતો સસંકોચ પણ આત્મવૃત્તમાં સરતો જાઉં તે પહેલાં અટકું અને મેં કરેલા પૂર્વોલ્લેખો લઈને આગળ ચાલું. નવનિર્માણનો યુવા ઉદ્રેક, એના થોડાં વરસ આગમચની યુરોપી-અમેરિકી છાત્ર હિલચાલ જોતાં સ્ટુડન્ટ પાવરનો એક દબદબો લઈને આવ્યો હતો. પરિવર્તનના ઓજાર તરીકે વયસંઘર્ષ, રિપીટ, વયસંઘર્ષની હર્બર્ટ માર્કુઝ કીધી માંડણી હતી તો ‘યૂથ ફોર ડેમોક્રસી’ના જે.પી. દીધા સૂત્રનીયે હવા હતી. નવનિર્માણના પ્રથમ પ્રસ્ફોટ સાથે અધ્યાપક આંદોલન પણ હતું. પણ કાઁગ્રેસે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનના સંકેત આપ્યા તે સાથે અધ્યાપકોના એક હિસ્સાએ ‘નવ દો ગ્યારા’માં નિજનું મોચન લહ્યું.

અંગત જોડાણથી ખસીને એક કેસ સ્ટડી તરીકે એ દિવસો, એ મહિનાઓ જોઉં છું ત્યારે નકરા રાજકીય પેચપવિત્રાની રીતે આ ઘટનાક્રમને નહીં જોતાં એક મૂળભૂત અવલોકન આસપાસ ચિત્ત નાંગરવા કરે છે. નવનિર્માણને જેમ પ્રારંભિક તબક્કે અધ્યાપક આંદોલનનો સથવારો હશે તેમ 14 ઓગસ્ટ શ્રમજીવી સમિતિએ સર્જેલ માહોલનીયે એમાં અનુગુંજ હતી. એ તબક્કે સમગ્ર આંદોલનની જે સાર્વત્રિક અપીલ ઊભી થઈ એનું રહસ્ય (ગીતાકાર તો કદાચ ‘સ્વારસ્ય’ કહે) એ બીનામાં હતું કે જનમાનસમાં સીમિત અને સાર્વત્રિક (પર્ટિક્યુલર અને જનરલ) હેતુની એક અજબ જેવી તદ્રુપતા સધાઈ હતી.

અધ્યાપક આંદોલન હો, છાત્રયુવા આંદોલન હો, શ્રમિક આંદોલન હો, અગ્રતાક્રમે એમના પોતપોતાના હેતુઓ હોય એમાં કશું અસ્વાભાવિક નથી. પણ સંસ્કૃત પરંપરામાં ચારુતાનો મહિમા એના પ્રિયેષુ સૌભાગ્યફલા નિખારમાં છે તેમ પર્ટિક્યુલર આંદોલનનો મહિમા એ જનરલ કહેતાં વ્યાપક સાથે કેવું ને કેટલું સંકળાઈ શકે એમાં છે. સ્ફૂટ આંદોલનો અને નાગરિક સમાજ સાથેના વ્યાપક સંધાનની રમઝટ, એ ચાલુ ચૂંટણી વહેવારથી ક્યાંયે અદકેરી લોકશાહી ઓળખ ને પરખ છે. સાર એટલો જ કે વિવિધ પ્રજાવર્ગોએ ‘જનરલ’ અને ‘પર્ટિક્યુલર’ના રસાયણની રગ કેળવી લેવી રહે છે.

આ કસોટીએ આજે યુનિવર્સિટી સ્પિરિટ ક્યાં છે? નરેન્દ્ર મોદીના મુખ્ય મંત્રી કાળમાં કોમન યુનિવર્સિટી એક્ટની પૂર્વકોશિશ વટહુકમથી થઈ ત્યારે સ્વાયત્તતાને મુદ્દે યુનિવર્સિટીના વડા હોદ્દેદારો મૌન હશે પણ પ્રો. પંડ્યાએ અને યુનિયન સાથીઓએ કેવળ પગાર, ઈજાફા, નોકરીની સલામતીની વાજબી ગણતરીઓમાં જ બંધાઈ ન રહેતાં સ્ટીમ રોલરી કે બુલડોઝરી ગુજરાત મોડેલ સામે ઝંડો ફરકાવ્યો.

આંદોલનને ગુજરાતભરમાંથી સમર્થન મળ્યું અને આશ્ચર્ય કે માર્ગદર્શક મંડળમાં હજુ નહીં ધકેલી દેવાયેલા અડવાણીને પંડ્યા ને સાથીની વ્યક્તિગત મુલાકાતમાં આ મુદ્દો વસ્યો. એમણે રાજ્ય સરકારને આ રસ્તે આગળ નહીં જવાની સાફ ને સફાળી સલાહ આપી. રાજ્ય સરકારને વળોટીને લોકશક્તિ ને રાજ્યશક્તિનાં આ સહિયારાં ત્યારે તે વાત અટકાવી શક્યાં હતાં. અલબત્ત, ત્યારના મુખ્ય મંત્રી પ્રધાન મંત્રી પદે પહોંચ્યા તે પછી આ મુદ્દે તવારીખ તેજની નહીં પણ છાયાની હોય એ જુદી વાત છે.

સરેરાશ યુનિયનિસ્ટથી ઉફરાટે પ્રો. પંડ્યાના યુનિવર્સિટી સંધાનમાં તમે જેમ પ્રતિકાર ને પડકારના તેમ કશીક રચનાના પણ સમર્પક ઉન્મેષો જોશો. આપણા જાહેર જીવનમાં અને યુનિયન પ્રવૃત્તિમાં આ બે વાનાં સાથેલગાં હોય તે કેવી મોટી વાત છે એ ‘મેજર હિન્ટ્સ’માંથી પસાર થતા સમજાય છે. તે સાથે એ પણ સમજાઈ રહે છે કે હમણેનાં વરસોમાં આપણે કેવા દુર્દૈવમાંથી પસાર થઈ રહ્યા છીએ. અગાઉની સરકારો વિશે પણ આપણે નાગરિક છેડેથી પ્રશ્નો ઉઠાવવાના થતા નહોતા એવું તો નહીં કહી શકાય. પણ ત્યારે શૈક્ષણિક નિમણૂકોમાં પક્ષપાત થયો જણાય તે વખતે પણ મોટા ભાગની નિમણૂકો સરવાળે સમકક્ષ સમીક્ષામાં ટકી જતી જણાતી હતી.

અહીં સંઘસંધાનથી વધુ મોટું પ્રમાણપત્ર બીજું એકે નહીં અને વિષયની ક્ષમતા ભગવાને ગીતામાં વર્ણવેલ નિર્વિષયી જેવી, એવા દાખલેદાખલા તમને સૂંડલામોંઢે જડશે. તેની સામેની રજૂઆતો ભીંતે અફળાઈને પાછી પડતી રહી છે – જેમ કે, પ્રો. મનોજ સોનીની વાઈસ ચાન્સેલર તરીકેની નિમણૂક અને તેમના કાર્યકાળમાં થયેલ નિમણૂકો, ચઢતીબડતી, બધું સંઘસંપર્ક આધીન, એવું એક વરવું ચિત્ર સરસ્વતી વસ્ત્રાહરણનું અહીં જોવા મળે છે. શૈક્ષણિક અનવસ્થાનું ચિત્ર માનો કે હુસેન કોઈક અવસ્ત્ર આકૃતિથી ઉપસાવે, પણ અહીં તો વાસ્તવિક જ વસ્ત્રાહરણન… આ બધી ચર્ચા છેવટે તો એટલા સારુ કે આપણે વિદ્યાક્ષેત્રે બલકે સર્વક્ષેત્રે વસ્ત્રાવરણની પ્રજાસૂય પહેલની રીતે લગરીકે વિચારી શકીએ.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 16 જુલાઈ 2025

Loading

ભગતસિંહ અને ગાંધીજી

નગીનદાસ પારેખ|Gandhiana|15 July 2025

નગીનદાસ પારેખ

17-5-1970ના ‘નિરીક્ષક’માં પ્રગટ થયેલા ભગતસિંહના ચરિત્રના અવલોકનમાં અવલોકનકારે લખ્યું છે :

“કમભાગ્યે, આપણા સ્વાતંત્ર્ય-આંદોલનમાં જે બે પ્રકારની વિચારધારાઓ ચાલી – હિંસા અને અહિંસા – તે સ્વાતંત્ર્ય ધ્યેયમાં પણ પરસ્પર વિરોધી અને એકબીજાથી નાક સંકોડવાની હદ સુધી પહોંચી હતી, એણે ઘણા વિવાદી પ્રશ્નો પણ જગવ્યા છે. તેમાંનો એક ગાંધીજી વિશેનો પણ છે.

શું ગાંધીજીએ ભગતસિંહ અને સાથીઓને બચાવવાની કોશિશ નહોતી કરી ? શું એમણે ધાર્યું હોત તો ગાંધી-અરવિન કરારમાં આ ત્રણેનાં જીવન બચાવી શક્યા ન હોત ? પણ વસ્તુતઃ કાઁગ્રેસ આંદોલન અને ક્રાંતિકારી આંદોલન વચ્ચેનો સંબંધ સહયોગનો નહિ વિરોધનો રહ્યો છે.”

અને પછી નેતાજી ક્રાંતિકારીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખતા હતા અને પાછળથી તેઓ પોતે પણ સશસ્ત્ર ક્રાંતિને માર્ગ વળ્યા હતા તે નોંધી તેમના પુસ્તક ‘ઇન્ડિયન સ્ટ્રગલ’નો હવાલો આપી જણાવ્યું છે કે “ગાંધી-અરવિન મુલાકાતમાં ગાંધીજીએ ભગતસિંહને બચાવવા કશું કર્યું નહિ.”

આમાંની એકે વસ્તુ સાચી નથી. આપણે એકે એકે જોઈએ. પહેલાં ભગતસિંહ અને તેમના સાથીઓની વાત લઈએ.

ગાંધીજીએ લોર્ડ અરવિન સાથે 17મી ફેબ્રુઆરી 1931ને રોજ વાટાઘાટ શરૂ કરી તે પહેલાં ભગતસિંહ અને તેમના સાથીઓને ફાંસીની સજા થઈ ચૂકી હતી. વાટાઘાટ લાંબી ચાલી હતી અને 5મી માર્ચે બપોરે સંધિ ઉપર સહી થઈ હતી. આ વાટાઘાટો વિશે લખતાં તેંડુલકર (ગાંધીજીના પ્રમાણભૂત ઇતિહાસના લેખક) લખે છે :

“વાટાઘાટ દરમ્યાન ગાંધીજીએ સત્યાગ્રહી કેદીઓ ઉપરાંત બીજા રાજકીય કેદીઓની મુક્તિ માટે પણ અપીલ કરી હતી. ગાંધીજીએ એમની મુક્તિ રાજકીય તંગદિલી હળવી કરવા માટે ખૂબ આવશ્યક છે એ રીતે વાત રજૂ કરી હતી. ઉપરાંત તેમણે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની મોતની સજા ઘટાડવા બાબત પણ અપીલ કરી હતી, પણ લૉર્ડ અરવિન મક્કમ હતા.” (ખંડ-3. પૃ. 75)

ગાંધીજી આ વાટાઘાટ પોતા તરફથી નહોતા કરતા પણ કાઁગ્રેસની કારોબારી સમિતિ તરફથી કરતા હતા, એટલે એમાં સતત કારોબારીની સંમતિ મેળવતા રહ્યા હતા. સંધિની છેવટની શરતોના સ્વરૂપથી ઘણાને સંતોષ નહોતો. તેંડુલકર લખે છે: “જપ્ત થયેલી જમીનને લગતી કલમ સામે (સરદાર) પટેલને વાંધો હતો. વાટાઘાટ પૂર્ણ સ્વરાજ્યની ભૂમિકાથી ન થઈ એનું જવાહરલાલને દુઃખ હતું. કેદીઓની મુક્તિને લગતી કલમમાં જેમનો જેમનો સમાવેશ થવો જોઈએ તે બધાનો થયો છે એવું કોઈને જ લાગતું નહોતું. એટલે ગાંધીજીએ સમિતિના એક પછી એક સભ્યને પૂછયું કે મારે કેદીઓના પ્રશ્ન ઉપર તોડવું ? જમીનના પ્રશ્ન ઉપર તોડવું ? પિકેટિંગના પ્રશ્ન ઉપર તોડવું ? શાના ઉપર તોડવું ? કારોબારીએ  છેવટે  reluctantly સંધિ સ્વીકારી.” (-એ જ પૃ. 71)

સંધિ થયાને બે દિવસ વીત્યા પછી દિલ્હીમાં જાહેર સભા સમક્ષ ગાંધીજીએ કહ્યું હતું :

“ભગતસિંહ અને બીજાઓને કેમ છોડવામાં નથી આવ્યા તે હું તમને કહું છું. એમ પણ બને, કે તમે જો વાટાઘાટ ચલાવતા હોત તો કદાચ તમે વાઈસરૉય પાસેથી વધુ સારી શરતો મેળવી શક્યા હોત. પણ અમે કારોબારીના સભ્યો આ શરતો કરતાં વધુ મેળવી શકીએ એમ નહોતું. મારે તમને કહેવું જોઈએ કે આખી વાટાઘાટ દરમ્યાન હું મારા પોતા તરફથી કશું કરતો નહોતો, આખી કારોબારી સમિતિનું મને પીઠબળ હતું. અને અમારી વાટાઘાટોમાં થઈ શકે એટલું બધું દબાણ અમે કર્યું હતું, અને આ કામચલાઉ સંધિ દ્વારા ન્યાયપૂર્વક જેટલું મેળવી શકાય તેટલાથી અમે સંતોષ માન્યો … મારો અહિંસા ધર્મ તો ચોરો, ધાડપાડુઓ અને ખૂનીઓને સુધ્ધાં સજા કરવાની હિમાયત કરતો નથી. કોઈને પણ ફાંસી દેવામાં આવે એમાં મારો અંતરાત્મા સંમતિ આપી શકતો નથી, પછી ભગતસિંહ જેવા વીર પુરુષની તો વાત જ શી ?” (પૃ. 79-80)

પણ આ વસ્તુ એમના મનમાંથી ગઈ  નહોતી. અમદાવાદ, રાસ, કરાડી, મુંબઈ વગેરે સ્થળોએ ફરતાં ફરતાં પણ આ પ્રશ્ન એમના મનમાં ઘોળાતો રહ્યો હતો અને 19મી માર્ચે એઓ ફરી વાર લોર્ડ અરવિનને મળ્યા હતા. એ વખતે સંધિની શરતોમાંથી ઊભા થતા કેટલાક તાકીદના પ્રશ્નોની અને રાજકીય કેદીઓના પ્રશ્નની ચર્ચા કરી હતી. તેંડુલકર લખે છે:

“સારા સંબંધો અને શાંતિમય વાતાવરણ સ્થપાય એ માટે એમણે ફરી એક વાર ભગતસિંહ અને તેમના સાથીઓની મોતની સજા ઘટાડવામાં આવે એની માટે અપીલ કરી. પણ લોર્ડ અરવિન મક્કમ રહ્યા.” (પૃ. 92)

−2−

આ મુલાકાતમાં (19 માર્ચ 1931) શું બન્યું એનો કેટલોક હેવાલ લૉર્ડ અરવિને પોતે ગાંધીજીના અવસાન પછી લખેલા એક લેખમાં આપેલો છે. તેમાં એમણે લખ્યું છે:

“ગાંધીજી તરત જ કરાંચી કોંગ્રેસના અધિવેશનમાં જવાના હતા અને એ કોંગ્રેસ અમારી વચ્ચે થયેલી સંધિને મંજૂરી આપે એવી તેઓ આશા રાખતા હતા, અને તાજેતરમાં જ જુદા જુદા ત્રાસવાદી ગુનાઓ માટે મોતની સજા પામેલા ભગત સિંહ નામના એક નવજુવાનની જિંદગી બચાવવા તેઓ અપીલ કરવા ઈચ્છતા બચાવવા તેઓ અપીલ કરવા ઈચ્છતા હતા. તેઓ પોતે તો મૃત્યુદંડની વિરુદ્ધ હતા, પણ અત્યારે મૃત્યુદંડ ચર્ચાનો મુદ્દો નહોતો. શ્રી ગાંધીએ કહ્યું, જો એ નવજુવાનને ફાંસી દેવામાં આવશે તો સંભવ એવો છે કે આખા રાષ્ટ્રને મન તે શહીદ બની જશે અને સમગ્ર વાતાવરણ અત્યંત પક્ષિલ બની જશે. ત્યારે મેં તેમને કહ્યું કે આ બાબતમાં તમારી લાગણીની હું પૂરી કદર કરું છું. મારે પણ મૃત્યુદંડ સારો કે નરસો એની સાથે નિસ્બત નથી, કારણ મારી ફરજ તો મારી સમજ પ્રમાણે કાયદાનો અમલ કરવાની જ છે. એ દૃષ્ટિએ જોતાં ભગતસિંહ કરતાં મૃત્યુદંડને વધુ લાયક હું કોઈને કલ્પી શકતો નથી, ઉપરાંત, એના જીવન માટે ગાંધીજીએ ખૂબ કમનસીબ ક્ષણે અપીલ કરી હતી. કારણ, બન્યું હતું એવું કે આગલી જ સાંજે મને ભગતસિંહની મોતની સજા મુલતવી રાખવાની અરજી મળી હતી અને તે મારે નામંજૂર કરવી જ જોઈએ એમ મને લાગ્યું હતું. અને આથી તેને શનિવારે સવારે (મારી સ્મૃતિ સાચી હોય તે અમારી વાતચીત ગુરુવારે થઈ હતી) ફાંસી દેવાવાની હતી. ગાંધીજી કોંગ્રેસના અધિવેશન માટે શનિવારે બપોર પછી કે સાંજે પહોંચવાના હતા, જ્યારે આ સમાચાર બહાર પડી ગયા હોય. અને આથી તેમની દૃષ્ટિએ આ તારીખનો યોગ અત્યંત વિષમ હતો.

ગાંધીજીએ કહ્યું, કે મને ખૂબ ડર છે કે આ બાબતમાં તમે કંઈ ન કરી શકો તો એની અસર એવી થશે કે આપણી સંધિ હતી ન હતી થઈ જશે.

ત્યારે મેં એમ કહ્યું કે તમે સ્પષ્ટપણે જોઈ શકશો કે ત્રણ જ માર્ગો છે. પહેલો તો એ કે કશું જ ન કરતાં ફાંસીનો અમલ થવા દેવો. બીજો રસ્તો એ હુકમ બદલીને ભગતસિંહની સજા મુલતવી રાખવાની અરજી મંજૂર કરવાનો છે. અને ત્રીજો રસ્તો એ છે કે કોંગ્રેસ બરાબર પતી જાય ત્યાં સુધી કોઈ નિર્ણય ન કરવો. મેં તેમને કહ્યું કે મારી દૃષ્ટિએ સજા મુલતવી રાખવાની અરજી મંજૂર કરવાનું મેં તેમને કહ્યું કે મારી દૃષ્ટિએ સજા મુલતવી રાખવાની અરજી મંજૂર કરવાનું મારે માટે અશક્ય છે એ તમે સ્વીકારશો. અને કેવળ નિર્ણય મુલતવી રાખી લોકોના મનમાં સજામાં ઘટાડો થવાનો સંભવ છે એવી માન્યતા ઉભી થવા દેવી એમાં વ્યવહારની સરળતા કે પ્રામાણિકતા નથી. એટલે પહેલો માર્ગ જ શક્ય હતો, એમાં ઘણી મુશ્કેલી હતી તેમ છતાં. (મહાત્મા ગાંધી, સંપાદક, રાધાકૃષ્ણન, જયકો પ્રકાશન, 1956, પૃ. 357-8)

આ પછી પણ ગાંધીજીએ આશા છોડી નહોતી. તેમણે તા. 23મી માર્ચે પરોઢિયે લોર્ડ અરવિનને ‘એક મહાન ખ્રિસ્તી’ તરીકે પ્રેમભાવનાને અપીલ કરતો એક પત્ર લખ્યો હતો પણ તે પણ વિફળ ગયો. 23મીની રાતે જ ભગતસિંહને અને તેમના સાથીઓને લાહોર જેલમાં ફ્રાંસી દેવાઈ ચૂકી હતી. (પૃ. 92)

આ સંબંધમાં ગાંધીજીએ તે વખતે લખ્યું હતું :

“પૂરા વિચાર પછી હું એવા અભિપ્રાયનો થયો છું કે સરકારની આ ગંભીર ભૂલથી જે સ્વતંત્રતા માટે ભગતસિંહ અને તેમના સાથીઓ મૃત્યુને વર્યા તે સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની આપણી શક્તિમાં વધારો થયો છે.” (પૃ. 93)

-3-

ભગતસિંહ

તા. 26મીએ કોંગ્રેસના મંડપમાં મળેલી વિશાળ માનવમેદનીને સંબોધતાં સંબંધમાં ગાંધીજીએ કહ્યું હતું : 

“આ ફાંસીઓ દ્વારા સરકારે રાષ્ટ્રને ઉશ્કેરણીનું ગંભીર કારણ આપ્યું છે. મને પણ એથી આઘાત લાગ્યો છે, કારણ મેં કરેલી વાટાઘાટો અને વાતચીતો ઉપરથી હું એવી આછી આછી આશા સેવી રહ્યા હતા કે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને કદાચ બચાવી શકાશે.” (પૃ. 97) 

કરાંચીમાં નવજુવાનોએ ગાંધીજી વિરુદ્ધ કરેલા દેખાવોનો ઉલ્લેખ કરી એમણે એ ભાષણમાં કહ્યું હતું:

“એમને એમ કરવાનો પૂરો હક્ક છે. કારણ એ લોકો એમ માનતા હતા કે ભગતસિંહને બચાવવા માટે મેં મારી પૂરી શક્તિ કામે લગાડી નથી અથવા અહિંસામાં માનતો હોઈ મેં ભગતસિંહની અને તેમના સાથીઓની છેક જ ઉપેક્ષા કરી છે … તમારે જાણવું જોઈએ કે કોઈ ખૂની, ચોર કે ધાડપાડુને પણ સજા કરવી એ મારા સિદ્ધાંત વિરુદ્ધ છે. એટલે હું ભગતસિંહને બચાવવા માગતો નહોતો એવા વહેમને કોઈ કારણ જ નથી. પણ તમે ભગતસિંહની ભૂલ પણ સમજો એમ હું ઇચ્છું છું. જો મને ભગતસિંહ અને તેમના સાથીઓ સાથે વાત કરવાનો પ્રસંગ મળ્યો હોત તો મેં તેમને કહ્યું હોત કે તેમણે જે માર્ગ સ્વીકાર્યો હતો તે ખોટો અને નિષ્ફળ જવા સરજાયેલો હતો.”

ગાંધીજીનું ભાષણ પૂરું થવા આવ્યું હતું ત્યાં કોકે પ્રશ્ન કર્યો કે ભગતસિંહને બચાવવા તમે શું કર્યું ? એનો જવાબ આપતાં તેમણે જણાવ્યું:

“હું કંઈ મારો બચાવ કરવા નહોતો આવ્યો એટલે ભગતસિંહ અને તેમના સાથીઓને બચાવવા મેં શું કર્યું એની વિગતો આપી તમને કંટાળો આપવા માગતો નહોતો. મેં મારી બધી શક્તિ વાપરીને વાઈસરોય આગળ રજૂઆત કરી, મેં મારી સમજાવવાની બધી જ શકિત તેમની ઉપર અજમાવી. ભગતસિંહના સગાંવહાલાંઓની છેલ્લી મુલાકાતને માટે નક્કી થયેલે દિવસે, 23મીની સવારે મેં વાઈસરોયને પત્ર લખ્યો, તેમાં મેં મારો સમગ્ર આત્મા રેડ્યો, પણ કંઈ ફળ ન આવ્યું. તમે કદાચ કહેશો કે હું હજી એક વસ્તુ કરી શકું એમ હતું. એમની સજા ઘટાડવામાં આવે એવી શરત સંધિમાં જ મારે દાખલ કરવી જોઈતી હતી. પણ એમ ન કરાય. વળી, સંધિમાંથી ખસી જવાની ધમકી આપવી એ તો દગો કર્યો કહેવાય. સજાના ઘટાડાને આ સંધિની પૂર્વશરત ન બનાવવામાં કારોબારી સમિતિ મારી સાથે હતી. એટલે હું એ બાબતનો ઉલ્લેખ સંધિથી અલગ રીતે જ કરી શકું એમ હતું. મેં મનની મોટાઈની આશા રાખી હતી. પણ એ મારી આશા ફળી નહિ. પણ એથી સંધિનો ભંગ ન કરી શકાય. અંતે માણસ કરી શકે એટલું બધું જ કરી છૂટનાર હું એકલો નહોતો. પંડિત માલવિય અને ડૉકટર સપ્રુએ પણ પોતાનાથી બનતું બધું કર્યું હતું.” (પૃ. 110)

ભગતસિંહને અને તેમના સાથીઓને બચાવવા ગાંધીજીએ કશું કયું નહોતું એવા આક્ષેપના જવાબમાં આથી વિશેષ લખવાની જરૂર નથી.

ક્રાંતિકારીઓ પ્રત્યેનું કાઁગ્રેસનું અને ગાંધીજીનું વલણ ‘વિરોધનું અને સંકોડવાનું’ હતું એ વિધાન પણ એવું જ નાપાયાદાર છે. ગાંધીજીએ કરાંચી પહોંચ્યા પછી કરેલા છાપા જોગ નિવેદનમાં કહ્યું  :

“ભગતસિંહની વીરતા અને ત્યાગભાવના આગળ આપણું મસ્તક નમી જાય છે. પણ, મારા નવજુવાન મિત્રોને દૂભવ્યા વગર એવો પ્રયોગ કરી શકાતો હોય તો હું કહું કે મારે તો એના કરતાં પણ ચડિયાતી વીરતા જેઈએ છે. સૌમ્યની, નમ્રની અને અહિંસકની વીરતા, જે એક પણ જીવને ઇજા કર્યા વગર કે ઇજા કરવાનો વિચાર સુધ્ધાં સેવ્યા વગર ફાંસીને માચડે ચઢી જાય.” (પૃ. 95)

એટલું જ નહિ, કરાંચી કાઁગ્રેસે પસાર કરેલો ભગતસિંહ અને તેમના સાથીઓને લગતો ઠરાવ પણ ગાંધીજીએ પોતે ઘડેલો હતો; અને તેમાં તેમની વીરતા અને ત્યાગભાવનાની પ્રશંસા કરેલી હતી. કેટલાકે તે વખતે એમ પણ કહ્યું હતું કે એ ઠરાવ તો નવજુવાનોને પોતાને પક્ષે લેવા માટેની લાંચ હતી. એને વિશે ગાંધીજીએ 6ઠ્ઠી ઑગસ્ટે મળેલી મહાસમિતિની બેઠકમાં કહ્યું હતું કે “જેઓ એમ કહે છે તેઓ મને ઓળખતા નથી. ભારતની સ્વતંત્રતા માટે સુધ્ધાં હું અસત્યને આશરે લઉં એમ નથી, પછી એક સંધિ સ્વીકારાવવા જેવી ક્ષુદ્ર વસ્તુની તો વાત જ શી ?” (પૃ. 129)

ગાંધીજી પોતે અહિંસાને વરેલા હતા એટલે પોતે તો હિંસાનો માર્ગ કદી લે જ નહિ, તેમ તેને ઉત્તેજન પણ આપે નહિ. તેમ છતાં એ રસ્તે જનારાઓ પ્રત્યે એમને આદર કે સહાનુભૂતિ નહોતી, અથવા તેમને તેઓ પોતાના વિરોધીઓ ગણતા હતા, એ વાત જરા ય સાચી નથી. એમણે વારંવાર ક્રાંતિકારીઓની વીરતા, દેશભક્તિ, અને બલિદાનની ભાવના આત્મત્યાગ વગેરે ગુણોની પ્રશંસા કરેલી છે, પણ એમનો રસ્તો સાચો નથી એવી એમની દૃઢ માન્યતા હોઈ એ માર્ગે જવાથી થનારાં નુકસાનો પણ એમણે અનેક વાર બતાવ્યાં છે. તેમ છતાં એવા અનેક ક્રાંતિકારીઓને એમણે ફાંસીને માંચડેથી કે કાળા પાણીની સજામાંથી કે નજરકેદમાંથી છોડાવ્યા છે, એ પણ ભૂલવું ન જોઈએ. એવા જ એક ક્રાંતિકારી હરિદાસ મિત્રનો લેખ ‘બાપુનાં દર્શન- ફાંસીખોલીમાં અને નોઆખાલીમાં’ નામે ‘વિશ્વમાનવ’ના મે-જૂન 1970ના અંકમાં પ્રગટ થનાર છે તે જોવાની જિજ્ઞાસુઓને વિનંતી કરું છું.*

(28-5-1970)

(સમાપ્ત)
  • આ લેખ અહીં નીચે ઊતાર્યો છે :

‘બાપુનાં દર્શન- ફાંસીખોલીમાં અને નોઆખાલીમાં’ – ‘વિશ્વમાનવ’ના મે-જૂન 1970

12-13-14 જુલાઈ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 361-362-363

Loading

...102030...213214215216...220230240...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved