Opinion Magazine
Number of visits: 9747790
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્કોટલેન્ડ : વિશ્વનો પ્રથમ પિરિયડ પ્રોડક્ટ્સ ફ્રી દેશ!

કિરણ કાપૂરે|Opinion - Opinion|6 December 2020

24 નવેમ્બરે સ્કોટલેન્ડનાં ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને પોતાના ટ્વિટર પર એક વાક્ય મૂક્યું : “વાડાબંધીને તોડતા આ કાયદા માટે વોટ કરવા અંગે ગૌરવ અનુભવીએ છે”. તેમણે આ સાથે એ પણ લખ્યું કે મહિલા અને કિશોરીઓ માટે આ સૌથી મહત્ત્વની નીતિ બનશે. સ્કોટલેન્ડની સંસદે જે કાયદો પસાર કર્યો અને જે માટે વિશ્વભરમાં તેની વાહવાહી થઈ રહી છે, તે કાયદો એટલે ‘પિરિયડ પ્રોડક્ટ્સ ફ્રી પ્રોવિઝન’. પશ્ચિમી દેશોમાં બહેનોને પિરિયડની પ્રોડક્ટ્સ વિનામૂલ્યે મળવી જોઈએ તેવી ચળવળ વર્ષોથી ચાલી રહી છે; જે ચળવળને કાયદાથી મહોર સ્કોટલેન્ડ મારી શક્યું છે. આ અગાઉ 2018માં પણ શાળા, કોલેજ અને યુનિવર્સિટીમાં સેનેટરી પેડ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાની પહેલ સ્કોટલેન્ડે કરી હતી, જેને મળેલા આવકારથી સ્કોટલેન્ડ સરકાર અંતે તે પહેલને કાયદા અંતર્ગત લીધી. યુરોપના દેશોમાં પિરિયડ પ્રોડક્ટ્સ ફ્રી અંગેની જાગૃતિ માટે થતા પ્રયાસનું કારણ એ છે કે દર મહિને પિરિયડના ચક્રમાં બહેનોને જે પ્રોડક્ટ્સ ખરીદવાં માટે આર્થિક ખર્ચ થાય છે તે પોસાય તેવું હોતું નથી. એક અભ્યાસ મુજબ બ્રિટનની જ દસ ટકા કિશોરીઓ સેનેટરી પ્રોડક્ટ્સને અફોર્ડ કરી શકતી નથી! યુરોપના દેશોમાં જો આ સ્થિતિ હોય તો સ્વાભાવિક છે કે ભારત જેવાં દેશોમાં આ અંગે અનેક પીડાદાયક કહાનીમાંથી પસાર થવું પડે.

આધુનિક સમાજમાં માનવી પર જે આશીર્વાદ વરસ્યા છે તેમાં આવી કેટલીક પાયાની બાબતો પણ છે, જે અંગે હજુ એકાદ સદી અગાઉ પણ મહદંશે લોકો અજ્ઞાનમાં જીવતા હતા. તે અજ્ઞાનતા આજે નવીન શોધ અને ટેક્નોલોજીના કારણે ઘટી રહી છે અને તેનો લાભ મહત્તમ લોકોને મળી રહ્યો છે. મહિલાઓનાં પિરિયડ પ્રોડક્ટ્સ પણ તેમાંની એક શોધ છે. બહેનોના માસિક ચક્રની બાબતમાં પણ જે પેડનો પહેલોવહેલો ઉપયોગ થયો તે પેડ સૈનિકોને થયેલાં જખમો પરનાં લોહીને અટકાવવા માટે થયો હતો. સૈનિકો માટેના આ પેડ બનાવવાનો શ્રેય અમેરિકાના બહુઆયામી વ્યક્તિ બેન્જામિન ફ્રેન્કલિનને જાય છે. તે અગાઉ 1888માં ‘જોહસન એન્ડ જોહસને’ ડિસ્પોઝેબલ નેપકિન નિર્માણ કરી ચૂક્યું હતું. પરંતુ મોટી સંખ્યામાં નર્સોએ જ્યારે સૈનિકોના પેડનો ઉપયોગ પોતાના માસિક સ્રાવના ફ્લોને અટકાવવા માટે કર્યો ત્યારે નર્સોને આ પેડ વધુ સગવડભર્યા લાગ્યા.

1921માં અમેરિકાની ‘કોટેક્સ’ કંપનીએ સૌપ્રથમ મહિલાઓને અનુકૂળ આવે તેવાં પેડનું ઉત્પાદન શરૂ કર્યું હતું. તે પહેલાં મહિલાઓ મહદંશે માસિકસ્રાવ વખતે ઘરે કાપડથી બનાવેલાં પેડનો ઉપયોગ કરતી. સમયાંતરે તેમાં સુધાર થતાં ગયા અને 1956માં અમેરિકાના મેરી કેનરે નામની મહિલાએ સેનટરી બેલ્ટનું નિર્માણ કર્યું, જે સેનેટરીના ઇતિહાસમાં માઇલસ્ટોન શોધ કહેવાય છે. આ રીતે તેમાં અસંખ્ય બદલાવ આવતાં ગયા અને આજે સેનેટરી પેડ્સ અત્યંત સુવિધાજનક બની ચૂક્યા છે. જો કે સમય અને સુવિધા સાથે તેની કિંમત પણ વધી છે અને જે પ્રમાણે બહેનો નોકરી-બિઝનેસમાં આવતી ગઈ તે રીતે તો તેની જરૂરિયાત પણ વધતી ગઈ.

માસિકસ્રાવ અંગેની જાગૃતિ વધી અને તે કારણે પેડનો ઉપયોગ વધ્યો. જો કે, જાગૃતિ આવવા છતાં બહેનો માટે પિરિયડનાં પ્રોડક્ટ્સ ખર્ચાળ લાગતાં રહ્યાં છે. દર મહિને મહદંશે પાંચ દિવસના આ ગાળામાં પેડનો ઉપયોગ થાય છે અને તે માટેનો જે ખર્ચ થાય છે તે બધી બહેનોને પોસાય તેમ હોતો નથી. સ્કોટલેન્ડની સરકારે હાલમાં આ ખર્ચની વિગત આપી છે. એક અદાંજ મુજબ સ્કોટલેન્ડમાં પિરિયડના પાંચ દિવસમાં મહિલાઓને આવતો ખર્ચ આઠ પાઉન્ડ (790 રૂપિયાની આસપાસ) થાય છે. સ્કોટલેન્ડ સરકારે જ્યારે શાળા, કોલેજોમાં પિરિયડ પ્રોડક્ટ્સ વિનામૂલ્યે કરી હતી ત્યારે તેની પાછળ 52 કરોડનું ભંડોળ ફાળવ્યું હતું, હવે તેમાં બીજા 31 કરોડોનો ઉમેરો થવાનો છે. પેડને લઈને જે કિંમત વિશ્વભરમાં જોવા મળે છે તેનું એક કારણ પેડને ઘણાં દેશોમાં લક્ઝરી પ્રોડક્ટ તરીકે ગણવામાં આવે છે. હંગરી અને સ્વિડનમાં તો સેનેટરી પેડ પર સૌથી વધુ કર નાંખવામાં આવ્યો છે. અમેરિકામાં પણ પિરિયડ પ્રોડક્ટ્સ પર દસ ટકા ટેક્સ છે. યુરોપના આ બધા જ દેશો પર હવે પિરિયડ પ્રોડક્ટસ પરના કર દૂર કરવાની નેમ રાખી છે, પણ આ પ્રોડક્ટના કરમાંથી ઊભી થતી આવકના મોહમાંથી હજુ ઘણી સરકાર મુક્ત થઈ નથી. ભારતમાં 2018થી તમામ સેનેટરી પ્રોડક્ટ્સ પર કર નાબૂદ કરી દેવામાં આવ્યો છે. આ પ્રોડક્ટ્સ પર કર નાબૂદ કરનારા અન્ય દેશોમાં કેનેડા, આઇરલેન્ડ, દક્ષિણ આફ્રિકા પણ છે.

મહિલાઓને માસિક દરમિયાન જે-તે પ્રોડક્ટસથી તેને સુરક્ષા મળે છે તે પોસાતી નથી તેને અનુલક્ષીને પશ્ચિમમાં ‘પિરિયડ પોવર્ટી’ નામનો શબ્દ પણ કોઈન થયો છે. ‘પિરિયડ પોવર્ટી’ની સૌથી વધુ ચર્ચા અત્યારે કોરોના કાળમાં થઈ રહી છે જ્યારે બહેનોના આ પ્રોડક્ટસના ખર્ચ પર સૌથી પહેલાં કાપ મૂકાયો છે. ભારતમાં માસિક સ્રાવ અંગેનું આ ચિત્ર વધુ ગંભીર છે. આપણે ત્યાં અંદાજે સિત્તેર ટકા બહેનો માસિક દરમિયાનની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા અક્ષમ છે, જેનું મુખ્ય કારણ આર્થિક છે. ભારતમાં માસિક સ્રાવ દરમિયાન બહેનોને થતો મહિનાનો સરેરાશ ખર્ચ રૂપિયા ત્રણસો છે. આ ઉપરાંત પણ માસિક સ્રાવને લઈને જે સામાજિક સ્થિતિ છે, તેને લઈને પણ બહેનોને યોગ્ય સુવિધા મળતી નથી. માસિક સ્રાવ અંગે આર્થિક ઉપરાંત અનેક કારણો છે જે વિશે ભારતમાં અનેક સંસ્થાઓ મુહિમ ચલાવી રહી છે. આપણે ત્યાં આવું જ એક કાર્ય ‘ધ પેડ પ્રોજેક્ટ’ અંતર્ગત થઈ રહ્યું છે. મૂળે અમેરિકાની આ સંસ્થાએ ભારતમાં માસિક દરમિયાન બહેનોને પડતી મુશ્કેલી અંગે પેડ ઉપલબ્ધ કરાવવા ઉપરાંત અનેક પાસાં પર કામ કર્યું છે. તેમાં એક માઇલસ્ટોન લાગે તેવું કામ થયું છે તે ઉત્તર પ્રદેશના નાનકડાં હપુર શહેરમાં. અહીંયાની મહિલાઓ સેનેટરી પેડનું મશીન ઓપરેટ કરવાનું જાતે શીખ્યાં જે મશીન કિફાયતી દામનું સેનેટરી પેડ ઉત્પાદન કરે છે.

ઉત્તર પ્રદેશના આ શહેરમાં માસિક સ્રાવમાં મહિલાઓને સુરક્ષા બક્ષતી પ્રોડક્ટ્સનું જે ક્રાંતિ થઈ છે તેની નોંધ ‘ધ પેડ પ્રોજેક્ટ’ વિશેષ રીતે લીધી છે અને તેને લઈને ‘પિરિયડ. એન્ડ ઓફ સેન્ટેન્સ’ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બની ચૂકી છે. 2018માં આ ફિલ્મને બેસ્ટ ડોક્યુમેન્ટરીનો એવોર્ડ મળી ચૂક્યો છે. આ ફિલ્મની હપુરની બહેનોની પહેલની કહાની કહે છે પણ તેના નાયક તમિલનાડુના સામાજિક કાર્યકર અરૂણાચલમ મુરુગાનન્થમ્ છે. અરૂણાચલમને જ સૌપ્રથમ કિફાયતી દરે સેનેટરી પેડનું ઉત્પાદન કરવાનો વિચાર આવ્યો હતો. આ વિચારને અમલી બનાવીને તેમણે એવું મશીન વિકસાવ્યું અને તે મશીનનો વ્યાપક પ્રચાર-પ્રસાર કર્યો, જે કારણે ભારતમાં આજે ખૂબ સસ્તા સેનેટરી પેડ મહિલાઓને સુલભ થઈ શક્યા છે. તેમના જીવન પરથી અક્ષયકુમારની ‘પેડ મેન’ ફિલ્મ નિર્માણ થઈ છે. 2014માં અરૂણાચલમને ‘ટાઇમ’ મેગેઝીન દ્વારા વિશ્વના સૌથી પ્રભાવિત કરનારા સો વ્યક્તિઓની યાદીમાં સામેલ કર્યા હતા. 2016માં તેઓને પદ્મશ્રી સન્માન પણ મળી ચૂક્યું છે. અહીંયા અરૂણચલમની વિસ્તૃત કહાનીનો ઉપક્રમ એટલો જ છે કે ભારતમાં પિરિયડ પોવર્ટી નાબૂદ કરવાનો આઇડિયા તો મળી ચૂક્યો છે, પણ તેને લઈને ઝડપથી કામ થઈ રહ્યું નથી. કેટલાંક હિસ્સામાં તેને લઈને ધરમૂળથી બદલાવ આવ્યો છે, પણ માસિક સ્રાવ દરમિયાન પિરિયડ પ્રોડક્ટ્સથી વંચિત મહિલાઓના જે મસમોટા આંકડા છે, તેનાથી હજુ સુધી છૂટકારો મળી શક્યો નથી. અરૂણાચલમની આ શોધ કેટલી મહત્ત્વની છે તેનું આકલન આર્થિક પાસાંને અનુલક્ષીને કરીએ તો તરત ખ્યાલ આવી શકે. જેમ કે સેનેટરી પેડ ઉત્પાદન કરવા માટે સામાન્ય રીતે જે રોકાણ કરવું પડે તે અંદાજે સાડા ત્રણ કરોડની આસપાસ હતું. અરૂણચાલમની શોધથી આ મશીન રૂપિયા સિત્તેર હજારમાં ઉપલબ્ધ થઈ શક્યું છે! આ મશીન પર દર કલાકે 120 સેનેટરી નેપકિન બનાવી શકાય છે. તેમાં ઉત્પાદન થોડું ઓછું હોવા છતાં રોકાણના મસમોટા ખર્ચથી બચીને નાના પાયે રોકાણ કરીને સતત મોટું ઉત્પાદન લઈ શકાય છે. ભારતમાં એ રીતે મેન-ફિમેલ ફોર્સની કમી નથી.

માસિક સ્રાવને લઈને સ્કોટલેન્ડે જે પહેલ કરી છે તેનાથી તો આપણે હજુ ખૂબ દૂર છીએ, પણ કમ સે કમ કિફાયતી દામે જો એકએક મહિલાઓને પિરિયડ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ થવા માંડે તો પણ તે ક્રાંતિ જ કહેવાશે.

e.mail : kirankapure@gmail.com

Loading

હવે તો એક જ લક્ષ્ય; લોકતાંત્રિક પરિવારમુક્ત કૉન્ગ્રેસ

રમેશ ઓઝા|Opinion - Opinion|6 December 2020

ગયા વરસે મે મહિનામાં લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસનો બીજી વાર કારમો પરાજય થયો એ પછી કૉન્ગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારીને પક્ષના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું. કેટલાક લોકોએ તેમને પ્રમુખપદે ચાલુ રહેવા વિનંતી કરી હતી તો બીજા કેટલાક લોકોએ નવા પ્રમુખ કોણ બની શકે તેની શોધ આદરી હતી. પક્ષ કોઈ નિર્ણય નહીં લઈ શક્યો, ત્યારે છેવટે બે મહિના પછી રાહુલ ગાંધીની જગ્યાએ સોનિયા ગાંધીની વચગાળાના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. પક્ષ સામે જ્યારે અસ્તિત્વનું સંકટ છે ત્યારે આજે દોઢ વરસ થયાં પક્ષ નેતૃત્વ વિષે નિર્ણય કરવાની સ્થિતિમાં નથી. આમ કેમ એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે.

ખરું પૂછો તો કૅન્ગ્રેસને જો બેઠી કરવી હોય તો અત્યારનો સમય તેના માટે શ્રેષ્ઠ સમય છે. એનાં બે કારણ છે. એક તો એ કે કૉન્ગ્રેસ સત્તામાં નથી અને નજીકના ભવિષ્યમાં સત્તામાં આવી શકે એમ નથી એટલે સત્તાલાલચુઓ કૉન્ગ્રેસમાં આવવાના નથી અને જે હતા એ કૉન્ગ્રેસ છોડીને જતા રહ્યા છે. ટૂંકમાં કચરો સાફ થઈ ગયો છે. બીજી અનુકૂળતા એ વાતની છે કે દેશમાં અત્યારે સમાજ બે ફાડિયામાં વહેંચાઇ ગયો છે. ભારતના જે નાગરિકો સર્વસમાવેશક સેક્યુલર લોકતાંત્રિક ભારતમાં શ્રદ્ધા ધરાવે છે એ લોકો બી.જે.પી.ના વિરોધી છે અને રહેવાના છે અને તેમને બી.જે.પી.નો વિકલ્પ જોઈએ છે. દેખીતી રીતે કૉન્ગ્રેસ બી.જે.પી.નો વિકલ્પ બની શકે એમ છે અને કૉન્ગ્રેસ તકનો લાભ નથી લઈ શકતી એને કારણે તેઓ દુઃખી છે. ૧૯૭૫માં ઈમરજન્સીમાં જેલમાં જઈ આવેલા લોકો પણ ઈચ્છે છે કે કૉન્ગ્રેસ બેઠી થાય. 

ટૂંકમાં કૉન્ગ્રેસનું ઠીક ઠીક પ્રમાણમાં પ્રક્ષાલન થઈ ગયું છે અને પ્રજાનો એક મોટો વર્ગ કૉન્ગ્રેસ બેઠી થાય એમ ઈચ્છે છે છતાં કૉન્ગ્રેસ એ દિશામાં કોઈ પ્રયાસ કરતી નથી, એવું કેમ? એ દિશામાં કોઈ ચર્ચા પણ જોવા મળતી નથી. બે મહિના પહેલાં કેટલાક લોકોએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો અને કૉન્ગ્રેસ કાર્યસમિતિની બેઠક બોલાવવામાં આવી હતી પણ સરવાળે એમાંથી કાંઈ જ નીપજ્યું નહોતું. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસના થયેલા ધબડકા પછી પણ કોઈ ઊહાપોહ જોવા મળતો નથી. કેમ કોઈ પહેલ નથી?

એનું કારણ એ છે, પહેલ કરે કોણ? ગાંધી પરિવારના કોઈ સભ્યમાં કૉન્ગ્રેસને બેઠી કરવાની ક્ષમતા નથી. સોનિયા ગાંધીની ઉંમર થઈ છે અને તેમની તબિયત પણ સારી નથી. પ્રિયંકા ગાંધી આવે છે અને ગાયબ થઈ જાય છે. રાહુલ ગાંધી સતત હાજર છે અને સતત હાજર નથી. ૨૦૦૪માં રાહુલ ગાંધી સક્રિય રાજકારણમાં આવ્યા હતા. યુવા કૉન્ગ્રેસનું પ્રમુખપદ સંભાળ્યા પછી ૨૦૦૭માં તેમને પક્ષના મહા મંત્રી બનાવવામાં આવ્યા હતા. ૨૦૧૩માં તેમને કૉન્ગ્રેસના ઉપ-પ્રમુખ અને ૨૦૧૭માં તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. કોઈના નેતૃત્વક્ષમતાની ચકાસણી માટે ૧૬ વરસ એ કોઈ ઓછો સમય નથી. સોળ સોળ વરસ પછી પણ કૉન્ગ્રેસીઓ જો રાહુલ ગાંધી ઉપર ભરોસો રાખીને બેઠા હોય તો એનો અર્થ એટલો જ થાય કે તેઓ મૂર્ખ છે.

પણ ના, તેઓ મૂર્ખ નથી. તેઓ રાહુલ ગાંધી ઉપર ભરોસો રાખીને બેઠા નથી. તેમને જાણ છે કે રાહુલ ગાંધી કૉન્ગ્રેસને બેઠી કરી શકે એમ નથી. તેમને એ વાતની પણ જાણ છે કે રાહુલ ગાંધીમાં નેતૃત્વનું કાઠું નથી. તેમને એ વાતની પણ જાણ છે કે પક્ષનું ઠીકઠીક પ્રમાણમાં પ્રક્ષાલન થઈ ગયું છે. તેમને એ વાતની પણ જાણ છે કે કૉન્ગ્રેસ બેઠી થાય એવી સમયની માગ છે અને પ્રજાનો એક વર્ગ કૉન્ગ્રેસ તરફ આશાની નજરે જોઈ રહ્યો છે. આમ છતાં ય કોઈ આગળ આવતું નથી.

લાખ રૂપિયાનો સવાલ એ છે કે કરે કોણ? અને જો કોઈ આગળ આવે તો એને કરવા દે કોણ? કોઈ વ્યક્તિ પક્ષની બાંધણી કરવા આગળ આવે તો એને કાં તો સર્વોચ્ચ સ્થાનેથી નેતૃત્વનું સમર્થન મળવું જોઈએ અથવા નીચેથી કાર્યકર્તાઓનો સાથ મળવો જોઈએ. કૉન્ગ્રેસમાં સર્વોચ્ચ સ્થાને જે નેતૃત્વ છે એને પોતે કાંઈ કરવું નથી અને કરવા દેવું નથી. અંદર શું ચાલી રહ્યું છે એ આપણે જાણતા નથી, પરંતુ સ્થિતિ લગભગ આવી છે. રહી વાત નીચેથી કાર્યકર્તાઓના સાથની તો નીચે કોઈ કાર્યકર્તાઓ જ નથી. પરિવર્તનનું બીડું ઉઠાવનારા માણસને જો બેમાંથી કોઈ સ્રોતમાંથી શક્તિ ન મળે તો એ કાંઈ જ ન કરી શકે. કૉન્ગ્રેસને બેઠી કરવાનો એક જ માર્ગ છે. ગાંધીપરિવાર કોઈને આગળ કરે, તેને સ્વતંત્રતા આપે એટલું જ નહીં તેને વિરોધીઓ સામે રક્ષણ પણ આપે. એક વાર બીજ કોળાઈ જશે તો છોડવો એની મેળે ઉછરવા લાગશે. એ પછી તેને પરિવારની મદદની જરૂર નહીં પડે. કદાચ એવું પણ બને કે તે પરિવારને દૂર ધકેલી દે અને તેને માટે પરિવારે તૈયાર રહેવું પડે.

અહીં સવાલ ઉપસ્થિત થવો જોઈએ કે કૉન્ગ્રેસને બેઠી કરવાના પ્રયાસનો કોણ વિરોધ કરે છે અથવા કોણ બાધારૂપ બને છે? એ લોકો જેઓ રાજ્યોમાં શાસન કરે છે. જેમની પાસે સત્તા છે એ લોકોને ત્યાં સુધી પરિવર્તનમાં રસ નથી જ્યાં સુધી તેમની પાસે સત્તા છે. એ લોકોને જે પાણીએ મગ ચડે એ પાણીએ ચડાવવામાં રસ છે. તેઓ પોતાનો તાત્કાલિક સ્વાર્થ જુએ છે, પક્ષનું જે થવું હોય તે થાય. મધ્યપ્રદેશમાં અને રાજસ્થાનમાં તાજેતરમાં આ જોવા મળ્યું છે.

તો પછી કરવું શું? ઉપાય એક જ છે. રાહુલ ગાંધીએ કૉન્ગ્રેસને લોકતાંત્રિક બનાવીને પરિવારમુક્ત કરી આપવી જોઈએ. એક જ લક્ષ; લોકતાંત્રિક પરિવારમુક્ત કૉન્ગ્રેસ. આ રીતે રાહુલ ગાંધી કૉન્ગ્રેસ અને દેશ ઉપર મોટો ઉપકાર કરી શકશે અને ઉમદા માણસ તરીકે ઇતિહાસમાં સ્થાન મેળવશે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 06 ડિસેમ્બર 2020

Loading

ચલ મન મુંબઈ નગરી—73

દીપક મહેતા|Opinion - Opinion|6 December 2020

સુરતના ફરદુનજીનો ‘ગુજરાતી છાપોખાનો’ શરૂ થયો મુંબઈમાં

પહેલું ગુજરાતી પુસ્તક છપાયેલું મુંબઈમાં

તારીખ-વાર તો જાણવા મળતાં નથી, પણ ઈ.સ. ૧૮૦૮ના કોઈક દિવસે લેડી જેન ડન્ડાસ નામનું શઢવાળું વહાણ હિન્દુસ્તાનથી લંડન જવા નીકળ્યું. સાથે બીજાં ત્રણ વહાણો હતાં – કલકત્તા, બેન્ગાલ, અને જેન ડચેસ ઓફ ગોર્ડન. આવી મુસાફરીને એ વખતે આઠ-દસ મહિના લાગતા, અને રસ્તામાં જોખમો પણ ઘણાં, એટલે કોઈ વહાણ એકલ-દોકલ ભાગ્યે જ જાય. કાફલામાં જ સફર ખેડે. ૧૮૦૯ના માર્ચની ૧૪મી તારીખ સુધી તો બધું હેમખેમ હતું. એ દિવસે ચારે વહાણો મોરેશિયસથી સુખરૂપ રવાના થયાં. પણ પછી ક્યાં ગયાં તેની કોઈને ખબર પડી નહિ. ભયંકર વાવાઝોડામાં ફસાઈને ચારે વહાણ ડૂબ્યાં. લેડી જેન ડંડાસ પર જે મુસાફરો હતા તેમાંના એક હતા ડોક્ટર રોબર્ટ ડ્રમન્ડ. મુંબઈ સરકારના સર્જન જનરલ. હિન્દુસ્તાનની કારકિર્દી પૂરી કરીને સ્વદેશ જવા રવાના થયા હતા. થોડા દિવસ પછી ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ‘લોસ્ટ એટ સી’ એવી નોંધ સાથે પોતાના દફતર પરથી તેમનું નામ દૂર કર્યું.

વહાણ લેડી ડન્ડાસ

પણ આપણી ભાષાના પુસ્તક પ્રકાશનના ઇતિહાસમાંથી તેમનું નામ દૂર નથી થયું, પણ ભુલાઈ તો ગયું છે. ૧૮૦૮માં પહેલવહેલું ગુજરાતી પુસ્તક છપાઈને બહાર પડ્યું તે આ ડો. ડ્રમન્ડનું લખેલું. પુસ્તકનું નામ જરા લાંબું લચક હતું: ‘ઈલસટ્રેશન્સ ઓફ ધ ગ્રામેટિકલ પાર્ટ્સ ઓફ ધ ગુજરાતી, મહરટ્ટ એન્ડ ઈંગ્લિશ લેન્ગવેજિસ’. ગુજરાતી અને મરાઠી વ્યાકરણનો તેમાં અંગ્રેજી દ્વારા પરિચય આપવામાં આવ્યો હતો. આમ, પુસ્તક હતું ત્રિભાષી. પણ જેમાં ગુજરાતી મજકૂર છપાયો હોય એવું તે પહેલું પુસ્તક. પુસ્તકનો હેતુ, અલબત્ત, હિન્દુસ્તાનમાં, ખાસ કરીને મુંબઈ ઇલાકામાં, કામ કરતા અંગ્રેજ અફસરો અને પાદરીઓને બે સ્થાનિક ભાષા જાણવામાં મદદરૂપ થવાનો હતો. આ પહેલું ગુજરાતી પુસ્તક છપાયું હતું મુંબઈમાં. જેણે પહેલી વખત ગુજરાતીમાં સરકારી જાહેરાત છાપેલી તે જ ‘બોમ્બે કુરિયર પ્રેસ’માં. અને તેમાં ગુજરાતી મજકૂર છાપવા માટે જે બીબાં વપરાયાં તે બહેરામજી છાપગરે બનાવેલાં તે જ.

આ પુસ્તકના લેખક ડો. ડ્રમન્ડનો જન્મ ક્યાં અને ક્યારે થયો તેની વિગતો તો મળતી નથી. પણ ૧૭૯૬માં તેઓ મુંબઈ સરકારની તબીબી સેવામાં જોડાયા એવી નોંધ મળે છે. વડોદરામાં રેસિડન્ટ સર્જન તરીકે અને ગુજરાતના અપીલ એન્ડ સર્કીટ જજના સર્જન તરીકે કામ કર્યું હતું એટલે તેમને ગુજરાતી ભાષાનો સારો એવો પરિચય. વખત જતાં તેઓ મુંબઈ સરકારના આસિસ્ટન્ટ સર્જન અને પછી સર્જન જનરલ બન્યા. આજની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈની પુરોગામી અને માતૃ સંસ્થા ‘લિટરરી સોસાયટી ઓફ બોમ્બે’ની સ્થાપના ૧૮૦૪ના નવેમ્બરની ૨૬મીએ થઇ, ત્યારે તેના સ્થાપક અંગ્રેજોમાંના એક હતા ડો. રોબર્ટ ડ્રમન્ડ.

ડૉ. રોબર્ટ ડ્રમન્ડના પુસ્તકનું એક પાનું

પુસ્તકની શરૂઆતમાં ગુજરાતી અને મોડી લિપિમાં સ્વર-વ્યંજનનો કોઠો આપ્યો છે. (શરૂઆતમાં મરાઠી પુસ્તકો છાપવા માટે મોડી લિપિ વપરાતી.) તે પછી સંસ્કૃત વ્યાકરણને અનુસરીને ગુજરાતી અને મરાઠી નામની સાત વિભક્તિનાં એક વચન અને બહુ વચનનાં રૂપ આપ્યાં છે. પછી સર્વનામ અને આખ્યાતનાં રૂપો આપ્યાં છે. ત્યાર બાદ સામાન્ય વપરાશના કેટલાક શબ્દો કે શબ્દ-સમૂહો ગુજરાતી અને મરાઠીમાં આપી અંગ્રેજીમાં તેની સમજૂતી આપી છે. એ વખતે ધૂડી નિશાળોમાં કક્કો, બારાખડી, આંક શીખવવા માટે જે ઉપદેશાત્મક વાક્યો ગોખાવાતાં તે પણ અહીં આપ્યાં છે. ગુજરાતી કહેવતોનો પણ સર્વ પ્રથમ સંગ્રહ – ભલે નાનો – પણ આ પુસ્તકમાં થયો છે. કહેવતોનો અંગ્રેજી અનુવાદ પણ આપ્યો છે. પુસ્તકનો છેલ્લો ભાગ છે ‘ગ્લોસરી.’ આમ તો ગ્લોસરી એટલે શબ્દસૂચિ કે શબ્દસંગ્રહ. પણ અહીં ડ્રમન્ડે જે આપ્યું છે તે તેના કરતાં ઘણું વધારે છે. ‘પારસી’ કે સતી’ જેવા શબ્દો સમજાવવા માટે તો તેમણે નાના નિબંધો જ લખ્યા છે. બાયડી અને બૈરી જેવા શબ્દોના પ્રદેશભેદે થતા અર્થભેદ પણ નોંધ્યા છે. વ્યાકરણ ઉપરાંત ભલે સંપૂર્ણ ન કહી શકાય, તો ય આપણી ભાષાનો આ પહેલો સાર્થ શબ્દકોશ છે, પહેલી ગુજરાતી-અંગ્રેજી ડિક્ષનરી છે. જેમાં મરાઠી ભાષામાં મજકૂર છપાયો હોય તેવું મુંબઈમાં છપાયેલું પણ આ પહેલું પુસ્તક છે. જો કે મરાઠીનું પહેલવહેલું પુસ્તક સેરામપુરના મિશન પ્રેસમાં છપાઈને ૧૮૦૫માં પ્રગટ થયું હતું. વિલ્યમ કેરેએ લખેલા એ પુસ્તકનું નામ હતું ‘અ ગ્રામર ઓફ ધ મહરટ્ટ લેન્ગવેજ.’ એ વખતે બંગાળમાં મોડી લિપિના ટાઈપ નહોતા બન્યા, અને એટલે આ પુસ્તક દેવનાગરી લિપિમાં છપાયું છે. મોડી લિપિના ટાઈપ પહેલી વાર વપરાયા તે ડો. ડ્રમન્ડના પુસ્તકમાં.

આમ, ગુજરાતી પુસ્તકના છાપકામ અને પ્રકાશનની શરૂઆત થઇ મુંબઈમાં. અમદાવાદનું પહેલું ગુજરાતી છાપખાનું છેક ૧૮૪૫માં ‘પુસ્તકવૃદ્ધિ કરનાર મંડળી’એ શરૂ કર્યું હતું. ત્યાર બાદ બાજીભાઈ અમીચંદનું અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનાં છાપખાનાં શરૂ થયાં, પણ ત્રણે થોડા વરસ ચાલી બંધ પડ્યાં. ૧૮૬૩ સુધી અમદાવાદમાં કુલ છ છાપખાનાં હતાં, અને તે બધાં જ લિથોગ્રાફ પદ્ધતિનાં હતાં. અમદાવાદમાં મૂવેબલ ટાઈપ વાપરતું પહેલું છાપખાનું છેક ૧૮૬૩માં શરૂ થયું, અમદાવાદ યુનાઈટેડ પ્રેસ. મુંબઈની મુલાકાત દરમ્યાન કવિ દલપતરામે દફતર આશકારા પ્રેસની મુલાકાત લીધા પછી, તે જોઇને તેમણે બીજા કેટલાક ભાગીદારો સાથે મળીને આ પ્રેસ શરૂ કરેલું. ૧૮૪૫ સુધીમાં છપાયેલાં ૧૨૪ ગુજરાતી પુસ્તકોની માહિતી મળે છે. તેમાંનાં મોટા ભાગનાં મુંબઈમાં અને થોડાં સુરતમાં છપાયેલાં છે.

આમ, પહેલવહેલાં ગુજરાતી બીબાં બનાવ્યાં એક પારસીએ, બહેરામજી છાપગરે. પણ ગુજરાતી છાપકામનો પાયો મુંબઈમાં નાખ્યો તે તો બીજા એક પારસીએ. સુરતની કણપીઠમાં કમનગરની શેરીને નાકે આવેલા મોબેદ (પારસી ધર્મગુરુ) પિતાના મકાનમાં ૧૭૮૭માં એવણનો જન્મ. નામ, ફરદુનજી મર્ઝબાનજી. બાર વર્ષની ઉંમરના થયા ત્યાં સુધીમાં પિતા પાસેથી ધાર્મિક વિધિઓ ઉપરાંત ગુજરાતી અને ફારસી શીખ્યા. પછી એક પંડિત પાસેથી સંસ્કૃત શીખ્યા અને એક મૌલવી પાસેથી ફારસીનો અભ્યાસ વધુ પાકો કર્યો. ભરૂચના એક વૈદ પાસેથી વૈદક શીખ્યા. પણ પછી બાપ કહે કે હવે બહુ ભણ્યા, બેટા. કામે લાગી જાવ. પણ બેટાને તો હજી વધુ ભણવું હતું, અને તે ય પાછું મુંબઈ જઈને. પણ બાપ માન્યા નહિ. એટલે ૧૭૯૯માં પોતાની બધી ચોપડીઓ પોટલામાં બાંધી કોઈને કહ્યા વગર ફરદુનજી ઘરમાંથી ભાગી ગયા. રાત પડી એટલે એક ગામમાં રોકાયા. કકડીને ભૂખ લાગેલી. પણ કોઈ પાસે હાથ લાંબો કેમ કરાય? ગામને ચોરે બેસીને મોટે મોટેથી સંસ્કૃત શ્લોકો લલકારવા લાગ્યા. ગામના લોકોને નવાઈ પણ લાગી અને ખુશ પણ થયા. ખાવાનું આપ્યું, રાતવાસાની સગવડ કરી આપી. પણ ફરદુનજી ભાગી ગયા તે પછી તેમના બાપે તેમને શોધવા માણસો મોકલ્યા હતા. બીજે દિવસે તેમને હાથે પકડાઈ ગયા અને પાછા સુરત ભેગા થયા.

ફરદુનજી મર્ઝબાનજી

પણ મુંબઈ જવાની તક અણધારી રીતે ૧૮૦૫માં મળી ગઈ. પિતા મર્ઝબાનજીના મુંબઈવાસી ખાસ મિત્ર દસ્તુર મુલ્લાફિરોઝના ઘરે લગ્ન પ્રસંગ હતો. તેમાં પોતે ન જતાં બાપે દીકરાને મોકલ્યો. બસ, તે પછી ફરદુનજીએ ફરી ક્યારે ય સુરતમાં પગ ન મૂક્યો. મુલ્લાફિરોઝ પાસેથી અરબી-ફારસી શીખ્યા, તેમના અંગત ‘પુસ્તકખાના’(લાઈબ્રેરી)નું ધ્યાન રાખ્યું. પછી પોતાના પગ પર ઊભા રહેવાના ઈરાદાથી અલાયદો બુક બાઇન્ડિંગનો ધંધો શરૂ કર્યો. પણ એ વખતે આખા મુંબઈમાં છાપખાનાં હતાં આંગળીને વેઢે ગણાય એટલાં. એમાં કેટલાં પુસ્તકો છપાય? પહેલા છ મહિનાની કુલ આવક રૂપિયો દોઢ!

ફરદુનજીએ છાપીને પ્રગટ કરેલાં પહેલાં બે પુસ્તક

બુક બાઇન્ડર તરીકે બોમ્બે કુરિયર પ્રેસ અને બીજાં છાપખાનાંમાં આવરો-જાવરો તો હતો જ. બહેરામજી છાપગરે બનાવેલાં ગુજરાતી બીબાં પણ કદાચ ફરદુનજીએ જોયાં હોય. વિચાર આવ્યો કે કેવળ ગુજરાતી છાપકામ કરવા માટે એક છાપખાનું શરૂ કેમ ન કરવું? લાગવગ લગાડીને એક લાકડાનો દાબ-પ્રેસ મેળવ્યો. જેમતેમ કરી છાપવા માટેનો બીજો સરંજામ પણ ઊભો કર્યો. પણ ગુજરાતી બીબાં ક્યાંથી મેળવવાં? ફરદુનજી વિષે લખનારામાંથી ઘણાખરાએ લખ્યું છે કે મિત્ર બહેરામજીની મદદથી તેમણે બીબાં બનાવ્યાં. ઘણી વાર એવું બનતું હોય છે કે દીવા જેવી દેખીતી વાત પણ નજર બહાર જાય. બહેરામજીનું અવસાન થયું ૧૮૦૪ના માર્ચની પાંચમી તારીખે. જ્યારે ફરદુનજી સુરતથી મુંબઈ આવ્યા ૧૮૦૫માં. એટલે એ બંને મિત્રો કઈ રીતે હોઈ શકે, અને બહેરામજી ફરદુનજીને મદદ કઈ રીતે કરી શકે? હકીકતમાં, ફરદુનજીએ એકલે હાથે ગુજરાતી બીબાંનો એક આખો સેટ તીખા લોઢા પર કોતર્યો. પછી પોતે જ તાંબાની તકતીઓ ઠોકી, અને તેને સીસામાં ઓતી ટાઈપ પાડ્યા. પોતે બનાવેલા ટાઈપને ઘસી ઘસીને સાફ કરવા માટે ઘરનાં બૈરાંઓને પણ બેસાડી દીધાં. અને ૧૮૧૨માં પોતાનું છાપખાનું શરૂ કર્યું, મુંબઈના કોટ વિસ્તારમાં જૂની માર્કેટની સામેના એક નાના મકાનમાં. અને ફરદુનજીની નમ્રતા – અથવા પારસીઓ કહે તેમ નમનતાઈ – તો જુઓ! કેવળ જાતમહેનતથી જે છાપખાનું ઊભું કર્યું તેને ન પોતાનું નામ આપ્યું, ન પોતાના કોઈ કુટુંબીનું. પ્રેસની બહાર નામનું પાટિયું જ લગાડ્યું નહિ! લોકો એને ‘ગુજરાતી છાપોખાનો’ તરીકે ઓળખે. ૧૮૧૪માં પહેલવહેલું પંચાંગ છાપ્યું. એ જમાનામાં ઘણી મોંઘી ગણાય એવી બે રૂપિયાની કિંમતે પણ નકલો ચપોચપ વેચાઈ ગઈ. ૧૮૧૫ના વર્ષમાં બે પુસ્તક છાપ્યાં: ઓક્ટોબરમાં ‘ફલાદીશ’ નામનું જ્યોતિષનું પુસ્તક અને ડિસેમ્બરમાં ‘દબેસ્તાન.’ ગુજરાતી ભાષામાં, એક ગુજરાતીએ, પોતાના છાપખાનામાં છાપેલાં આ પહેલાં પુસ્તકો. પછી તો ગાડી સડસડાટ ચાલવા લાગી. પોતાનાં ‘બનાવેલાં’ વીસેક પુસ્તકો છાપ્યાં. તેમાંનું એક તે ‘પંચોપાખીઆંન’ નામે કરેલો સંસ્કૃત પંચતંત્રનો અનુવાદ. ૧૮૨૪માં પ્રગટ થયેલું આ પુસ્તક તે સંસ્કૃતમાંથી અર્વાચીન ગુજરાતીમાં થયેલ અનુવાદનું પહેલું પુસ્તક. તો બીજાઓનાં ‘બનાવેલાં’ ૨૨ જેટલાં પુસ્તકો ફરદુનજીએ છાપ્યાં. પુસ્તકના લેખક, સંપાદક, અનુવાદક, બધા માટે ફરદુનજી ‘બનાવનાર’ શબ્દ વાપરતા. તેમાંનાં કેટલાંક પુસ્તકોની તો બે-ત્રણ આવૃત્તિ પણ થયેલી! જરૂર પડી તેમ પ્રેસ મોટું કરતા ગયા. દસ વર્ષ જાહોજલાલીનાં વીત્યાં. ગાડી ઘોડા, વાડી-બંગલા, નોકરચાકર. અંગ્રેજ અમલદારો, ‘દેશી’ વેપારીઓ, મુંબઈના અગ્રણીઓ વગેરે સાથે ઊઠતાબેસતા થયા. ‘ફરદુનજીશેઠ’ તરીકે ઓળખાવા લાગ્યા.

પણ ચડતી પછી પડતી. પારસી કેલેન્ડરની કાળગણના અંગે વિવાદ થયો તેમાં ઝંપલાવ્યું. વાત વણસી. બે પક્ષના માણસો વચ્ચે મારામારી પણ થવા લાગી. વિરોધીઓએ ચાલાકીપૂર્વક એક મિલકતના કિસ્સામાં ફરદુનજીને સપડાવ્યા. સાથોસાથ ‘ફરદુનજી ભાંગ્યા’ એવી અફવા ફેલાવી. દેવું ચૂકવવા વાડી-વજીફા વેચ્યા, છાપખાનું વેચ્યું. છતાં બે લાખ રૂપિયાનું દેવું બાકી રહ્યું. એ વખતે દેવાદાર માટેના બ્રિટિશ હકુમતામાંના કાયદા ભારે કડક હતા. એટલે મુંબઈ છોડી પહેલાં વસઈ ગયા, અને ૧૮૩૨ના ઓક્ટોબરની ૧૧મી તારીખે ત્યાંથી દમણ જઈ વસ્યા. કારણ દમણમાં પોર્ટુગીઝ શાસન હતું તેથી અંગ્રેજ સરકારના કાયદા ત્યાં લાગુ ન પડતા. ૧૮૪૭ના માર્ચ મહિનાની ૨૩મી તારીખે ફરદુનજી આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા.

ફરદુનજી એટલે અર્વાચીન ગુજરાતી ભાષાના પહેલા લેખક, સંપાદક, અનુવાદક, ખબરપત્રી, તંત્રી, મુદ્રક, પ્રકાશક, પુસ્તક વિક્રેતા. એક નહિ, અનેક જ્યોતિને ધારણ કરનાર જ્યોતિર્ધર. અને એમની એક જ્યોતિમાંથી ૧૮૬૭ સુધીમાં તો બીજાં ૫૧ છાપખાનાંની મશાલ મુંબઈમાં પ્રગટી. અને એ ૫૧ છાપખાનાંમાંથી ૩૧ છાપખાનાં ગુજરાતી છાપકામ કરતાં હતાં.

આ જ ફરદુનજીએ વખત જતાં બીજી એક વણખેડી દિશામાં પહેલ કરી, પણ તેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 05 ડિસેમ્બર 2020

Loading

...102030...2,1312,1322,1332,134...2,1402,1502,160...

Search by

Opinion

  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved