ઘણા ઝંઝાવાતો, ચડતી પડતી, ઓટ ભરતી,
વિધાતાએ વિઘ્નો જીવનપટ મૂક્યા વિકટ જે
સહ્યા તે, સંસારે ખટ મીઠું ઘણું એ ય સમજ્યો,
નથી જો કે કહેતો સુખ દુઃખ નથી આણ્યું મનમાં.
વિસામો લેવાનાં વરસ જૂજ જે વૃદ્ધ વયનાં
હવે આવ્યાં, છોડી ફૂટકપટ કંકાસ, કટકટ
નિરાંતે બેઠો ત્યાં, કરમ કઠણાઈ નકી લખી,
કરોનાની આવી, કમબખત ભૂંડી ભરખતી!
મહામારીમાં આ, અચરજ, સખી, એક નીરખું :
સવારે ને સાંજે સૂરજ ઊગતો નિત્ય, ઢળતો,
હજી પુષ્પો ખીલે, કલરવ કરે પંખીગણ, તો
પછી શાને માટે હરિવર ભરોસે ન જીવીએ ?
કહું? ચિંતા છોડી પ્રણયદિન મોંઘો ઉજવીએ,
બધી માઝા મૂકી, રતિ-મદન ઉલ્લાસ કરીએ!
![]()


ન્યુઝીલૅન્ડની સંસદમાં ડિબેટીંગ ચેમ્બરમાં પુરુષ સંસદ સભ્યએ પ્રશ્ન પૂછવા માટે ટાઈ પહેરેલી હોવી ફરજિયાત છે. આ પ્રથા ન્યુઝીલૅન્ડમાં બ્રિટિશ રાજ વખતની છે. આવો જ કાયદો બ્રિટનમાં ૨૦૧૭માં રદ્દ કરવામાં આવેલો. ૯ ફૅબ્રુઆરી, ૨૦૨૧ના રોજ રાવિરી વાઈટિટીને પ્રશ્નો પૂછવાથી સ્પીકર ટ્રૅવર મલાર્ડે બે વખત રોક્યા. “આ બાબત ટાઈને લગતી નથી, સાંસ્કૃતિક ઓળખને લગતી છે”, વાઈટિટીએ ચેમ્બરમાંથી બહાર નીકળતા કહ્યું એમ સ્થાનિક સમૂહ માધ્યમોએ જણાવ્યું. આદિવાસી પ્રતિકારના ભાગરૂપે વાઈટિટીએ ટાઈ પહેરવાનો ઇનકાર કર્યો હતો. ટાઈને “ઉપનિવેશક ગાળિયો” કહી એને બદલે એમણે ગળામાં “હેઇ-ટીકી” (પારંપારિક ગ્રીનસ્ટોનનું માઓરી પૅન્ડન્ટ) ધારણ કર્યું. પાંચ રાજકીય પક્ષોમાં કુલ ૧૨૦ સાંસદોના ૨૧% સાંસદો માઓરી છે. મિસ્ટર વાઈટિટી એમની લાક્ષણિક કાઉબૉય હૅટ અને આખા ચહેરા પરના ટૅટૂમાં સજ્જ (છૂંદણું, જેને માઓરી પરંપરામાં ‘ટા મોકો’ કહે છે) હોઈ પોતાની માઓરી હાજરી નોંધાવ્યા વિના રહેતા નથી.
ટીના ગાટા જેવાં માઓરી આદિવાસી કર્મશીલો મુજબ આજે પણ માઓરી આદિવાસીઓ ઉપનિવેશક વારસાથી પીડિત છે. “અમારા લોકોની કતલ કરનારનો, અને હજુ પણ ચાલુ હોય એવી અનુભૂતિનો પ્રારંભ જેણે કર્યો હોય એનો ઉત્સવ મનાવવામાં આવે તે અમારા માટે ખૂબ અપમાનજનક છે. આ તો એક આક્રમણની અને સામ્રાજ્યના વિસ્તરણની ઘટનાનો સ્મારક-ઉત્સવ છે. માઓરી આદિવાસીઓ દયનીય સ્થિતિમાં જીવી રહ્યાં છે. આત્મહત્યાનું પ્રમાણ ખૂબ ઊંચું છે, રહેણાક વ્યવસ્થા નબળી છે, બાળ મૃત્યુદર ઊંચો છે, કેદમાં બંધ માઓરી વ્યક્તિઓનો આંકડો પણ દુનિયામાં સૌથી ઊંચો છે,” ટીના ગાટા વધુમાં કહે છે કે, “ઉપનિવેશક પ્રક્રિયા દ્વારા અમારું આત્મનિર્ધારણ છીનવી લેવામાં આવ્યું છે. આ બધા મુદ્દાઓ માટે જવાબદાર કારણોનો ઉત્સવ મનાવવા માટે લખલૂટ ડૉલર ખર્ચવામાં આવી રહ્યા છે. આ જોઈને લાગણી દુભાય છે અને ખૂબ માઠું લાગે છે.”
રસપ્રદ બાબત એવી બની કે બીજા જ દિવસે હંગામી સમાધાનના ભાગરૂપે મિસ્ટર મલાર્ડે મિસ્ટર વાઈટિટીને ગળામાં ટાઈ પહેર્યાં વિના પ્રશ્ન પૂછવાની અનુમતિ આપી અને મોડી સાંજે જાહેરાત કરી કે હવે ફરજિયાત ટાઈનો નિયમ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે છે. એમણે કહ્યું કે સર્વસંમતિ ન થઈ શકી, પરંતુ બહુમતી આ નિયમ નાબૂદ કરવાની તરફેણમાં હોઈ આ નિર્ણય લેવાયો છે.
૨૦૧૯ના જૂન મહિનામાં બિહારના મુઝફ્ફરપુરની શ્રી ક્રિષ્ના મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં ૨૪ કલાકમાં ૧૦૦થી વધારે બાળકોનાં આરોગ્યસંભાળની સિસ્ટમની નિષ્ફળતાને કારણે મૃત્યુ થયાં, આ નિમિત્તે મારા મનમાં ત્રણ વિચાર આવ્યા. (આવું જ નજીકનાં વર્ષોમાં યુ.પી., મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પણ બન્યું.)