Opinion Magazine
Number of visits: 9663878
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ, આજે (૨૯)  

સુમન શાહ|Opinion - Opinion|17 July 2025

સુમન શાહ

સામાન્યપણે માણસ આજે સપાટી પર જીવે છે. એક અર્ધજ્ઞાત કે અજ્ઞાત ભવિષ્યની આશામાં? એક ગઈકાલમાં? એક વર્તમાનમાં? ઘણુંખરું, ના; માત્ર સપાટી પર — સ્થળનું એવું સ્તર જે સપાટ છે, જ્યાં સમયનો અહેસાસ છે જ નહીં અથવા ઝીરો ડિગ્રીએ છે. આ વિલક્ષણ સમયશૂન્યતા છે, ચિન્તાનો વિષય છે. 

ઋતુ બદલાય એટલે કેટલાંક પક્ષીઓ સ્થાનાન્તર કરી જાય છે. એમને યાયાવર કહેવાય છે. સમાજસુધારક કરસનદાસ મૂળજીના જમાનામાં વિદેશગમનનો નિષેધ હતો. આજે તો સ્થાનાન્તર સહજ બલકે અનિવાર્ય બની ગયું છે. લગભગ પ્રત્યેક મનુષ્યને વતનથી દૂર જવું છે, કાં મુમ્બઇ, કાં કોલકાતા કે દિલ્હી. અથવા ભારતથી અમેરિકા બ્રિટન ઑસ્ટ્રેલિયા કે ન્યૂ ઝીલૅન્ડ. માત્ર ભારતવાસી જ નહીં મોરક્કન શ્રીલન્કન પાકિસ્તાની ચીની જપાની એમ વિશ્વભરની પ્રજાઓ સ્થાનાન્તર કરતી હોય છે. આ લખું છું એ ક્ષણે પણ વિશ્વના દરેક દેશેથી વિદેશગમન ચાલુ છે. 

ગામડાં નગર થયાં, નગરો મહાનગર થયાં, એ આધુનિકીકરણ પ્રક્રિયામાં સ્થાનાન્તર નૂતન પ્રકરણ છે. સ્થાનાન્તર હવે આધુનિક જીવનશૈલી છે, એ પર આપણું ખાસ ધ્યાન નથી ગયું.

મોટા ભાગનાઓને અમેરિકા પ્હૉંચવું હોય છે. કેમ કે The Amrican Dream વિશે એ ઉત્સાહીએ પોતાના દેશનાં છાપાંઓ દ્વારા સાંભળ્યું હોય છે કે અમેરિકા તો land of opportunity છે. એવી ઇદમ્ શ્રુતમ્ માહિતીથી ઝંકૃત ચિત્ત લઈને નીકળેલો એ બધી વાતે બેધ્યાન કે બેપરવા થઈ જતો હોય છે. લગભગ ઘાંઘો. જે સ્થાને પ્હૉંચવાનું હોય એ દિશામાં એની ‘ટ્રાવેલ’ કે ‘જર્નિ’ શરૂ થાય છે. હવે એ ‘પ્રવાસ’ કે ‘યાત્રા’ નથી બોલતો. યથાશક્તિ યથાશક્ય અંગ્રેજી શબ્દો બોલે છે કે બોલી નાખે છે. 

દાખલા તરીકે, એવો કોઈ જન વતનથી નીકળીને મુમ્બઇ પ્હૉંચે એ એનો પહેલો પડાવ. બધી ફૉર્માલિટીને અન્તે પ્લેનની સીટમાં હાશ કરતો બેસે એ બીજો પડાવ. સ્થાનાન્તરના દેશે પ્લેનમાંથી ઊતરીને બૅગેજ-કન્વેયરબેલ્ટ પર પોતાની બૅગેજીઝની રાહ જોતો ઊભો રહે એ ત્રીજો પડાવ. ઓળખીતા રીસીવ કરવા આવ્યા હોય ને એમને ઘરે બીજી વાર હાશ કરતો ને હસતો બેસે એ કદાચ એનો છેલ્લો પડાવ. 

મેં ‘કદાચ’ એટલા માટે લખ્યું કે પૂર્ણ સ્વરૂપના પરદેશવાસી – immigrant – થવા માટે એણે બીજા અનેક પડાવો પાર કરવાનું મોટું કામ બાકી હોય છે. એ કામ શારીરિક અને માનસિક શ્રમ માગી લેનારું હોય છે. એમાં એ સફળ થાય તો બરાબર, નહિતર પ્રતિગમનાર્થે સ્વદેશ ભણી પાછા ઊડવાનું હોય છે. એ બોલતો હોય છે – બાકી આપડો દેસ તો છે જ ને, યાર! 

ટૂંકમાં, ઊડતાં જતાં હોય ત્યારે યાયાવર પક્ષીઓનું ધ્યાન દિશા પર હોય છે તેમ સ્થાનાન્તરની સમગ્ર વિધિ-પ્રવિધિમાં માણસનું ધ્યાન ગન્તવ્ય પર હોય છે. પણ મારો મુદ્દો જુદો હતો – એ કે માણસ આજે સપાટી પર જીવે છે. ઝીરો ડિગ્રીના સમયની ધાર કહેવાય એવી સમયશૂન્યતામાં જીવે છે. 

પહેલાં તો એ ત્રણ ત્રણ સમયમાં જીવતો હતો. દેશનો સમય, પોતાના વૉચનો સમય અને ચિત્તનો સમય. દરેક સમય બીજાથી થોડો આઘોપાછો ભલે હતો, દેશના સમયે એ ઑફિસ પ્હૉંચી જતો, કાંડા પરના સમયે ઘરે પ્હૉંચી જતો. કશું ન ગમે ત્યારે ચિત્તના ઘડિયાળ મુજબ બચપણમાં પ્હૉંચી જતો, બાળસખીએ બનાવેલા રેતીના ઘરથી ઘર-ઘર રમવા. 

એ દિવસોમાં એણે ઝરણને પોતાનો રસ્તો કરતું જોયેલું, એના વ્હૅણના ખળખળ નિનાદને સાંભળેલો. બાગમાં ઊછળતા ફુવારાને જોયેલો, એની વાછંટથી ભીંજાયેલો ત્યારે એને સારું લાગેલું. પતંગને આકાશે ચગાવતાં દોરીને સડસડાટ ઊકલતી જોવાની એને મજા આવેલી. એ દોરીની લચ્છી વાળતાં થતી આંટી – loop – જોવાથી કે રાતે દોરીને પિલ્લામાં વાળવાથી અને વળેલી જોવાથી એને ખુશી થયેલી. બપોરે મહમ્મદમીંયાની લારી પર એ જોઈ રહેલો કે બરફ જેવા બરફનું કેટલું ઝીણું છીણ થાય છે, કેવો તો ગોળો વળે છે, એ પર શરબતનો કેવો તો છંટકાવ થાય છે. અરે, પ્રિયાને મળવા મિલનસ્થળે દોડીને ગયેલો ને પ્હૉંચ્યો ત્યારે ભાન પડેલું કે પોતે ૩૫ મિનિટ લગી અવિરત દોડેલો. તળાવકિનારે પાણીમાં પગ બોળીને બન્ને બેઠાં ત્યારે એકબીજાની આંખોમાં એણે શાન્તતાને ઝળહળતી જોઈ હતી. રાતે નિદ્રાના બાહુપાશમાં નિસ્સમયમાં ખોવાઇ જવાનું એને વારંવાર ગમેલું.

આવા બધા રમ્ય ભૂતકાળને સ્થાનાન્તરની ઘટનાઓ ભૂંસી રહી છે અથવા એનાં માત્રનિશાન – traces – ઉપસાવી રહી છે. વિચારો આદર્શો અનુભવો હવે સપાટી પર આવી ગયા છે, દેખાય છે કે અકબંધ નથી રહ્યા. સગાંવહાલાં સાથેની મમતા વિવિધ મૈત્રી પ્રેમપરિણય કે જાતીય સમ્બન્ધોની કારિકાઓ એટલી બધી બદલાઈ ગઈ છે કે જિવાયેલું બધું કોઈ જૂની વાર્તા લાગે. 

સંયુક્ત કુટુમ્બો ભાંગ્યાં અને વિભક્ત કુટુમ્બપ્રથા, અમે બે અમારાં બે, જેવી ન્યૂનતામાં વિકસી ત્યારે સમાજને એમાં પોતાનો વિકાસ દેખાયેલો. પણ આજે તો એ વિભક્તના પણ ભાગલા પડી રહ્યા છે. પોતે આ શ્હૅરમાં, પત્ની બીજા શ્હૅરમાં, સન્તાનો ત્રીજા શ્હૅરમાં, જેવી સુ-વિભક્ત પરિસ્થિતિ હવે સ્વાભાવિક ગણાય છે. 

વ્યક્તિસ્વાતન્ત્ર્ય સંજ્ઞાથી સમાજ પ્રગતિશીલ લાગતો હતો. હવે એ સ્વાતન્ત્ર્યની પરાકાષ્ઠા જોવા મળે છે. પરિણિત વ્યક્તિ હવે જરા પણ ચલાવી લેવા તૈયાર નથી, નથી ફાવતું એટલે ફવડાવવું જ નથી પણ છૂટાછેડા લઈ લેવા છે, એ માનસિકતા અને વર્તન જ હવે યોગ્ય ગણાય છે. વયોવૃદ્ધ મા કે બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાનું પણ એટલું જ યોગ્ય ગણાય છે. સાથોસાથ, નવતાઓ અને અપરિચિતતાઓ સાથેની અથડામણો રોજે રોજ વધી રહી છે. 

ખરું તો એ છે કે વાસ્તવિકતાઓ વાસ્તવિકતા અને તે વાસ્તવિકતા નવી વાસ્તવિકતા સરજ્યે જાય છે અને એ સંસૃજન સામે સત્ય કંઈ કરી શકતું નથી. સત્યની કશી વ્યાખ્યા થઈ શકતી નથી, જે કરીએ એ બીજી પળે ખોટી પડે છે. સત્ય જાણે માણસનો સાથસંગાથ છોડીને ભાગી ગયું છે. 

ઉપરાન્ત, માણસની સામે વૈશ્વિક રાજકારણ અને યુદ્ધગ્રસ્ત વિશ્વ છે. એને પોતામાં ગોઠવવા માણસ એક વધારાની મથામણ કરી રહ્યો છે. મૂળથી ઊખળેલા માણસે હવે નવી નવી લડાઈઓ લડવાની છે. 

સમયશૂન્યતાની વાતમાં આટલા સમયને આપણે સંભૃત કરી શક્યા એ વાત ઠીક ગણાય.

= = =

(160725USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સાત હાઈકુ

વસુધા ઈનામદાર|Poetry|17 July 2025

ઝાંકળ બિંદુ
ક્ષણભર વિસામો
લીલાં પાંદડે !

આરોપનામું,
કોર્ટમાં પતંગિયું
ચોરાયા રંગ!

મારાં મૌનનો
અર્થ બની, વિસ્તર.
વૃક્ષની જેમ !

તું મારી સાથે,
તડકામાં છાંયડે
ફરવાં જેવું !  

તારું સુકાવું
ને મારું આથમવું,
ભેટ્યાં સ્મશાને !

એકલતામાં
મનની ગુફા ગાજે
ને મનો યુદ્ધ!

ચાડીયો બની,
ઘરમાં જ ટહેલવું
ઓ, ઘડપણ ! 

[સડબરી, બોસ્ટન]
e.mail : inamdarvasudha@gmail.com

Loading

આ શિલ્પ થકી જગતભરના મૂળનિવાસીઓ પ્રેરણા મેળવશે !

રમેશ સવાણી|Diaspora - Features|17 July 2025

રમેશ સવાણી

13 જુલાઈ 2025ના રોજ ‘માઉન્ટ રશમોર મેમોરિયલ’ની મુલાકાત બાદ દક્ષિણપશ્ચિમમાં 17 માઈલ દૂર ‘ક્રેઝી હોર્સ મેમોરિયલ’ની મુલાકાત લીધી. 

‘ક્રેઝી હોર્સ વેલ્કમ સેન્ટર’માં મોટું અને વ્યવસ્થિત પ્રદર્શન છે. અમેરિકન મૂળનિવાસીઓનો ઈતિહાસ / જીવન શૈલી / હથિયારો / ખોરાક / શિકાર / નૃત્ય-સંગીત / પરંપરાઓ / રહેઠાણ / જીવન સંઘર્ષના ચિત્રો- નમૂના સાથે સમજૂતી આપી છે. અહીંથી વેલ્કમ સેન્ટરની બસમાં ‘ક્રેઝી હોર્સ’નું શિલ્પ બની રહ્યું છે તેની નજીક લઈ જવામાં આવે છે. તો પણ અડધો કિલોમીટર દૂર ઊભા રહીને જ આ અધૂરું શિલ્પ જોવા મળે છે. કેમ કે શિલ્પનું કામ ચાલી રહ્યું છે.

શું છે ‘Crazy Horse’? ક્રેઝી હોર્સ (1849-5 સપ્ટેમ્બર 1877) એ ઓગ્લાલા બેન્ડના લાકોટા યુદ્ધ નેતા હતા. તેમણે મૂળ અમેરિકન પ્રદેશ પર શ્વેત અમેરિકન વસાહતીઓએ કરેલ અતિક્રમણ સામે લડવા અને લાકોટા લોકોના પરંપરાગત જીવનશૈલીને જાળવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ ફેડરલ સરકાર સામે શસ્ત્રો ઉઠાવ્યા હતા.

સપ્ટેમ્બર 1877માં, જનરલ જ્યોર્જ ક્રૂકના નેતૃત્વ હેઠળ US સૈનિકો સમક્ષ શરણાગતિ સ્વીકાર્યાના ચાર મહિના પછી, ક્રેઝી હોર્સ ઉત્તરપશ્ચિમ નેબ્રાસ્કામાં કેમ્પ રોબિન્સનમાં કેદનો પ્રતિકાર કરતી વખતે લશ્કરી રક્ષક દ્વારા બેયોનેટથી જીવલેણ ઘાયલ થતાં મૃત્યુ પામ્યા હતા. તે ગરીબો, વૃદ્ધો અને બાળકો પ્રત્યે ઉદાર હતા.

‘ક્રેઝી હોર્સ મેમોરિયલ ફાઉન્ડેશન’ બિન-લાભકારી સંસ્થા છે, જેની સ્થાપના 1948માં ચીફ હેનરી સ્ટેન્ડિંગ બેર, કોર્ઝાક ઝિઓલકોવસ્કી અને રૂથ ઝિઓલકોવસ્કીએ કરી હતી. 

‘ક્રેઝી હોર્સ મેમોરિયલ ફાઉન્ડેશન’નો મુખ્ય ધ્યેય ઉત્તર અમેરિકન મૂળનિવાસીઓની સંસ્કૃતિઓ, પરંપરાઓ અને જીવંત વારસાનું રક્ષણ અને જાળવણી કરવાનું છે. 

ક્રેઝી હોર્સ મેમોરિયલનું શિલ્પકામ એક વિશાળ, સતત ચાલતું કાર્ય છે. ‘ક્રેઝી હોર્સ’ના શિલ્પકાર કોર્ઝાક ઝિઓલકોવસ્કી (1908-1982) હતા. તેમનું 1982 માં અવસાન થયું હોવા છતાં, તેમના પરિવાર અને ક્રેઝી હોર્સ મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા તેમના વિઝનને આગળ ધપાવવામાં આવી રહ્યું છે. 

કોર્ઝાકના પૌત્ર ડૉ. કાલેબ ઝિઓલકોવસ્કી, રોજિંદી કોતરણી પ્રક્રિયામાં સામેલ છે. આ કાર્ય એક સમર્પિત ‘માઉન્ટેન ક્રૂ’ દ્વારા હાથ ધરવામાં આવે છે જેમાં એન્જિનિયરિંગ, ભૂસ્તરશાસ્ત્ર અને કલામાં કુશળ માણસો સામેલ છે. શિલ્પની ચોકસાઈ અને અખંડિતતા સુનિશ્ચિત કરવા માટે, બ્લાસ્ટિંગ તકનીકો સાથે, લેસર સ્કેનર્સ અને ટોટલ સ્ટેશન જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.

‘તમારી જમીનો હવે ક્યાં છે?’ આવા મશ્કરીભર્યા સવાલનો જવાબમાં ક્રેઝી હોર્સે પોતાનો ડાબા હાથથી ઈશારો કરીને કહ્યું હતું : “મારી જમીનો તે છે જ્યાં મારા મૃતકોને દફનાવવામાં આવ્યા છે !”

1948માં ‘ક્રેઝી હોર્સ’ શિલ્પ શરૂ થયું હતું. ક્રેઝી હોર્સનો ચહેરો 1998માં બની ગયો હતો. જુલાઈ 2025 સુધીમાં તેના ડાબા હાથના પંજા સુધી કામ થયું છે. તેના ઘોડાનું મોંઢું હજુ કોતરાયું નથી ! ક્રેઝી હોર્સ શિલ્પનો પૂર્ણ થયેલ ચહેરો 87 ફૂટ, 6 ઇંચ ઊંચો છે. જ્યારે આખા પર્વતની કોતરણી પૂર્ણ થશે, ત્યારે તે પ્રતિમા 641 ફૂટ લાંબી અને 563 ફૂટ ઊંચી હશે. ક્રેઝી હોર્સ મેમોરિયલ નજીકના ભવિષ્યમાં પૂર્ણ થવાની શક્યતા નથી. સમગ્ર પ્રોજેક્ટ અધૂરો રહ્યો છે. એક અંદાજ મુજબ ઘોડાનું માથું, અને શિલ્પનું બાકીનું કામ 2037 સુધીમાં પૂર્ણ થઈ શકશે ! વિલંબ થવાના અનેક કારણો  છે : આ સ્મારક ખાનગી ભંડોળથી બની રહ્યું છે. પ્રવેશ ફી અને દાન પર આધાર રાખવો પડે છે. વળી આ સ્મારક વિશાળ છે, અને કોતરણી પ્રક્રિયામાં જટિલ વિગતો અને વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો પડે છે. ભારે હવામાનના કારણે કોતરણીનું કામ અટકે છે. 

ભલે અધૂરું સ્મારક છે, છતાં દર વરસે 10 લાખથી વધુ મુલાકાતીઓ અહીં આવે છે. આ શિલ્પ થકી જગતભરના મૂળનિવાસીઓ પ્રેરણા મેળવશે !

16 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...210211212213...220230240...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved