Opinion Magazine
Number of visits: 9573445
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અનસૂયાબહેન સારાભાઈ : ગુજરાતની ગાંધીવાદી મજૂર ચળવળનાં માતા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|11 November 2020

દુનિયાભરના મહેનતકશો પહેલી મેના દિવસે મજૂર દિન મનાવે છે, પરંતુ અમદાવાદની કાપડમિલોના મજૂરો વરસોથી ચોથી ડિસેમ્બરે મજૂર દિવસ મનાવતા હતા. આજે તો અમદાવાદમાં મોટા ભાગની કાપડ મિલો બંધ થઈ ગઈ છે, પરંતુ એક જમાનામાં ભારતના માન્ચેસ્ટર ગણાતા અમદાવાદમાં બહુ ઉમંગથી ચોથી ડિસેમ્બરે મજૂર દિવસ ઉજવાતો હતો. દુનિયાના કામદારો કરતાં અમદાવાદના મિલ કામદારોના નોખા મજૂર દિવસનો પણ અનોખો ઇતિહાસ છે. અમદાવાદમાં પહેલી કાપડ મિલ તો ઈ.સ. ૧૮૬૧માં શરૂ થઈ હતી. કામના અમર્યાદિત કલાકો અને ઓછા વેતનની કામદારોની નિયતિ અને તે સામેનો તેમનો વિરોધ અને હડતાળો પણ પડી હતી. પરંતુ ૧૯૧૭ની ચોથી ડિસેમ્બરે પડેલી હડતાળ ઇતિહાસના પાને કાયમ અંકિત થઈ ગઈ છે.

આજથી ૧૩૫ વરસો પૂર્વે, ૧૧મી નવેમ્બર ૧૮૮૫ના રોજ જન્મેલાં, અનસૂયાબહેન સારાભાઈએ જે સમયે ગુજરાતમાં મજૂર ચળવળ કે હડતાળ દૂરની વાત હતી, ત્યારે ૪થી ડિસેમ્બર ૧૯૧૭ની મજૂર હડતાળનું નેતૃત્વ કર્યું હતું. હડતાળ પર જનારા મોટાભાગના દલિત કામદારો હતા તે હકીકત પણ નોંધપાત્ર છે. પ્રથમ વિશ્વયુદ્ધ(૧૯૧૪-૧૮)ના એ સમયે અમદાવાદની કાપડ મિલો ધૂમ ઉત્પાદન અને નફો કરતી હતી, ત્યારે જુલાઈ ૧૯૧૭માં પ્લેગની મહામારી અમદાવાદમાં પ્રસરતાં મિલ કામદારો વતનમાં જવા માંડ્યા. તેથી મિલમાલિકોએ તેમને ૭૦ ટકા પ્લેગ બોનસની લાલચ આપી રોકી લીધા. જો કે પ્લેગ બોનસ સાળ કે વણાટખાતાના મજૂરોને જ અપાતું હતું. અમદાવાદના સ્થાનિક અને સ્પિનિંગ કે તાણાખાતાના મજૂરો પ્લેગના ડરથી બીજે ક્યાં ય જવાના નહોતા એટલે તેમને આ બોનસ મળતું નહોતું. એટલે દલિત કામદારોએ ૨૫ ટકા પગાર વધારાની માંગ સાથે હડતાળ પાડી. અમદાવાદના મિલમાલિક અંબાલાલ સારાભાઈનાં બહેન અનસૂયાબહેનના પ્રેરક નેતૃત્વમાં પડેલી આ હડતાળ સફળ રહી હતી.

બહુ નાની ઉંમરે અનસૂયાબહેને માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. એ જમાનાની રૂઢિ મુજબ એમના બાળલગ્ન થયેલાં પણ લગ્ન લાંબુ ન ટક્યું. ઉધ્યોગપતિ પરિવારનાં અનસૂયાબહેન અભ્યાસમાં તેજસ્વી હતાં. અભ્યાસ અધવચ્ચે છોડવો પડેલો પણ સારુ વાચન ચાલુ રહેલું. ધાર્મિક અને સેવા પ્રવૃત્તિના સંસ્કારો કુટુંબમાંથી જ મળેલા. સત્તાવીસ વરસની વયે, ઈ.સ, ૧૯૧૨માં,  તેઓ ડોકટરીનો અભ્યાસ કરવા ઇંગ્લેન્ડ ગયાં. સંજોગોવશ ડોકટર તો ન થઈ શક્યાં પણ ત્યાંની મહિલા અને સેવા પ્રવૃત્તિને નજીકથી જોઈ અને સ્વદેશ પરત આવી અમદાવાદના મિલકામદારોના કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. અમદાવાદની જ્યુબિલી મિલ પાસેના અમરપુરામાં તેમણે મિલકામદારોનાં બાળકોની શાળાથી કામનો આરંભ કર્યો હતો. પછી તે રાત્રિશાળા, પ્રૌઢ શિક્ષણના વર્ગો,મહિલા પ્રવૃત્તિ, દવાખાનાથી માંડીને સહકારી મંડળી સુધી વિસ્તરી હતી.

આ સેવા કાર્યો ચાલતાં હતાં ત્યારે જ તેમને ગાંધીજીનો પણ પરિચય થતો હતો. દેશમાં ચાલતી હોમરૂલ લીગની પ્રવૃત્તિઓમાં તે જોડાયાં હતાં. સેવાકાર્યો સાથે કામદારોના પ્રશ્નોમાં પણ તેમણે રસ લેવા માંડ્યો. મજૂરોના પ્રશ્ને શંકરલાલ બેન્કર સાથે મળીને ‘મજૂર મિત્ર મંડળ’ની રચના કરી હતી. પ્લેગની અસર અને મજૂરોની હિજરતનો ડર ઓસરતાં માલિકોએ પ્લેગ બોનસ બંધ કર્યું. વિશ્વ યુદ્ધને કારણે મંદી અને મોંઘવારીનો માહોલ હતો. મજૂરોએ પ્લેગ બોનસના બદલામાં પગાર વધારો માંગ્યો, અને તે માટે અનસૂયાબહેનની મદદ માંગી. અનસૂયાબહેનને મજૂરોની માંગણી વાજબી લાગી. એટલે તેમણે ચંપારણ સત્યાગ્રહમાં વ્યસ્ત ગાંધીજીને કામદારોનો પ્રશ્ન ઉકેલવા વિનંતી કરી. ગાંધીજીએ અમદાવાદ આવી મિલમાલિકોને લવાદથી પ્રશ્ન ઉકેલવા વિનંતી કરી પણ મિલમાલિકો સંમત નહોતા એટલે ફેબ્રુઆરી-૧૯૧૮માં હડતાળ પડી. એકવીસ દિવસ ચાલેલી એ હડતાળ દરમિયાન ગાંધીજીએ ત્રણ દિવસના ઉપવાસ કર્યા અને અંતે પગારવધારો મેળવવામાં સફળ રહ્યા.

૧૯૧૭ અને ૧૯૧૮ની સફળ હડતાળોથી કામદારોમાં નવાં જાગૃતિ અને જોમ આવ્યાં. અનસૂયાબહેન પ્રત્યેની તેમની આસ્થા અને વિશ્વાસ મજબૂત થયાં. સંઘર્ષ નહીં પણ સદ્દભાવ અને સમાધાનથી કામદારોના પ્રશ્નો ઉકેલવાની ગાંધીજીની રસમથી આગળ વધવા ગાંધીવાદી મજૂર સંગઠન ‘મજૂર મહાજન સંઘ’ની ૨૫મી ફેબ્રુઆરી ૧૯૨૦ના રોજ સ્થાપના થઈ. આ વરસે જેની સ્થાપનાનું  શતાબ્દી વરસ છે તે ‘મજૂર મહાજન સંઘ’ના અનસૂયાબહેન સ્થાપક અને આજીવન પ્રમુખ હતાં. ‘મજૂર મહાજન સંઘ’ મારફતે તેમણે કામના કલાકોમાં ઘટાડો, કામના સ્થળે સલામતી, વેતન વધારો અને બોનસ જેવી માંગણીઓ તો સ્વીકારાવી સાથે સાથે કામદાર કલ્યાણનાં અનેક કામો કર્યાં. મજૂરોનાં જીવન ધોરણમાં સુધારો આણવા તેમણે પ્રયત્નો કર્યાં હતાં. મિલોમાં કામ કરતી મહિલાઓ માટે ઘોડિયાઘર અને સમાન વેતન અપાવ્યાં હતાં. મહિલા મંડળો,છાત્રાલય, કન્યાગૃહ,  વ્યાયામ શાળા, વાચનાલય અને કામદાર કલ્યાણ કેન્દ્રો શરૂ કર્યાં હતાં.

અસંગઠિત ક્ષેત્રે કામ કરતી મહિલાઓનાં અધિકારો અને કલ્યાણ માટેની તેમની પ્રવૃત્તિ આજે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સંસ્થા ‘સેવા’માં વિસ્તરેલી જોવા મળે છે. અનેકવિધ પ્રવૃત્તિઓ કરતાં અનસૂયાબહેનમાં અભિમાન કે મોટાઈનો છાંટો પણ નહોતો. કામદારો અને તેમના પરિવારોમાં તેઓ ‘મોટાબહેન’ તરીકે જાણીતાં હતાં. મજૂર ચળવળનાં માતાતૂલ્ય અનસૂયાબહેનના માતૃવાત્સલ્યનો અનુભવ અનેકને થયો હતો. જેમ અંગત જીવનમાં લગ્નથી તેઓ દૂર રહ્યાં અને કામદારોને જ પોતાનું કુટુંબ માન્યું તેમ સત્તા, હોદ્દો, પદ કે માન-મરતબાથી પણ તે દૂર રહ્યાં હતાં.

અનસૂયાબહેને એકવાર કહેલું, ‘સૌને સમાન હક, તક અને સગવડ મળે, સૌનું સ્વમાન સચવાય, સૌની શક્તિનો ઉદય થાય અને કોઈ એકબીજાનું શોષણ ન કરે એવી સમાજરચના સ્થાપવા આપણે ઝંખી રહ્યા છીએ. જે સમાજરચનામાં મનુષ્યને મનુષ્ય માટે પ્રેમ, સ્વાર્થને સ્થાને એકમેકને માટે ત્યાગ કરવાની વૃત્તિ હોય એ જ સમાજરચના મનુષ્ય જાતિને સુખી કરી શકે.’

માલિકો અને કામદારોના સંબંધો વધુ નફો અને શોષણના બની ગયાં છે કામદાર ચળવળો વેતન વધારા અને સોદાબાજીમાં સીમિત થઈ ગઈ છે ત્યારે અનસૂયાબહેન સારાભાઈનું જીવનકાર્ય  યાદ આવે છે.

(તા.૧૧-૧૧-૨૦૨૦)

e.mail : maheriyachandu@gmail.com

Loading

આ મુશ્કેલ સમયમાં (43)

સુમન શાહ|Opinion - Opinion|10 November 2020

એકબીજાની વિરોધી તેમ જ વિરોધાભાસી હકીકતોનો ખડકલો થઈ રહ્યો છે. સત્યની શોધ ન કરવી, મિથ્યા પુરવાર થશે.

ઘર ઘરમાં દીવાળી છે પણ કોવિડ-૧૯ને કારણે જે લોકોએ સ્વજનો ગુમાવ્યાં છે એમનાં હૈયે હોળી છે.

જોય બાયડન ઐતિહાસિક વિજયને વર્યા છે. બડાશખોર ટ્રમ્પ હાર્યા છે. પત્રકારોએ ટ્રમ્પના દોષ અને મર્યાદાઓ દર્શાવતાં ઘણું ઘણું લખેલું. જેમ કે —

સમકાલીન સામ્યવાદીઓ, સૅન્ટ્રલ અમેરિકાનાં ઇમ્મિગ્રન્ટ કારવાંઝ જેવી જેનું અસ્તિત્વ જ ન્હૉતું એવી બાબતોથી અમેરિકનોને ભડકાવતા રહ્યા. ઇમ્મિગ્રન્ટ્સ વગેરેને પાયાની નેશનલ-સિક્યૉરિટી થ્રેટ ગણતા રહ્યા. ખરેખર તો એક નમ્બરની નેશનલ સિક્યૉરિટી થ્રેટ કોરોના વાયરસ છે. પણ ટ્રમ્પ એને બાયપાસ કરી ગયા -કહ્યું કે પોતે કોરોનાથી સર્વાઇવ્ડ થયા છે. લોકોએ એની સાથે જીવતાં શીખી લેવું પડશે. પોતે વૅક્સીનની રાહ જોશે, દરમ્યાન ભલે ને લાખ્ખો અમરિકનો મરણશરણ થાય. બાકીની વાતોને એમણે ‘હાઈપર-પર્સનલ’ કહી દીધી ! એમણે એ બાબતે પણ કશો રસ ન દાખવ્યો કે હવે પછીના પૅન્ડેમિક માટે શી શી પૂર્વતૈયારીઓ કરવી જોઈશે. વિચાર્યું નહીં કે કેવા કેવા રાષ્ટ્રીય અને આન્તરરાષ્ટ્રીય પ્રશ્નો ખડા થશે. ચૂંટણી વિશે રશિયાએ કરેલી દરમ્યાનગીરી બાબતે બાયડને ટ્રમ્પને ઠપકારેલા કે તેઓ પુતિનને કેમ કશું કહેતા નથી. ટ્રમ્પ માનતા રહ્યા કે યુનાઇટેડ સ્ટેટ્સ દુનિયાના અન્ય દેશોથી ripped off થઈ રહ્યું છે. દરમ્યાન, અમેરિકન ડૅમોક્રસીનું ઇરોઝન – ધોવાણ – સતત ચાલુ રહ્યું. ‘ક્લાઇમેટ ચેન્જ’ વિશે પણ એમણે ખાસ કશું કર્યું કે કહ્યું નહીં. વગેરે વગરે.

ટ્રમ્પે એમ સૂચવેલું કે પોતે ચૂંટણી હારશે તો દેશ છોડીને જતા રહેશે. એમના જવાની કેટલાક લોકો હવે રાહ જોઈ રહ્યા છે. જો કે ટ્રમ્પ પોતાના સલાહકારોને જણાવે છે કે પોતે ૨૦૨૪માં પ્રૅસિડેન્ટ થવા ઊભા રહેશે, હોડ બકશે.

કેટલાંયે જૂથ એમ કહે છે કે – વી ડુ નૉટ સૅલિબ્રેટ બાઈડન્’સ વિન, વી સેલિબ્રેટ ટ્રમ્પ્’સ લૉસ !

ઇલેક્શન કૅમ્પેઇનમાં બાયડને જેમને 'રનિન્ગ મેટ' કહેલાં એ કમલા હૅરીસ વાઈસ-પ્રૅસિડેન્ટ તરીકે ચૂંટાયાં છે. એમનો જન્મ ઑક્લૅન્ડમાં, ૧૯૬૪. ભારતવાસીને આનન્દ થાય એવી વાત એ છે કે એમનાં માતા બાયોલૉજિસ્ટ શ્યામલા ગોપાલન ૧૯૫૮માં તામીલનાડુથી અમેરિકા ગયેલાં. યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયા, બર્કલિમાં ભણવા. ગ્રેજ્યુએટ થયેલાં ત્યારે એમની વય માત્ર ૧૯ હતી ! બ્રેસ્ટ કૅન્સરના સંશોધનક્ષેત્રે તેઓ સુખ્યાત છે. કમલાના પિતા ડોનાલ્ડ જે. હૅરીસ ૧૯૬૧માં બ્રિટિશ જમાયિકાથી અમેરિકા ગયેલા અને તેઓ પણ એ જ યુનિવર્સિટીમાં ભણેલા. ઇકોનૉમિક્સના પ્રૉફેસર ઇમેરિટસ તરીકે સ્ટેન્ડફર્ડમાં ભણાવે છે.

જોય બાયડન અને કમલા હૅરીસ

પત્રકારો કહે છે કે બાયડને હવે અનેક કોયડાઓનો સામનો કરવો પડશે, કઠિન નિર્ણયો લેવા પડશે. કેમ કે તેઓ એવી મોટી બહુમતિથી નથી જીત્યા. યુનાઇટેડ સ્ટેટ્સ રીપબ્લિકનો અને ડૅમોક્રેટ્સ એમ બે બ્લૉકમાં વહૅંચાઈ ગયું છે. એ સંજોગો વચ્ચે બાયડને ટ્રમ્પે સરજેલી મુસીબતોને હલ કરવી પડશે, અ કાઈન્ડ ઑફ ટફ રીપૅરેશન.

કોરોનાએ ગ્લોબલ ઇકોનૉમીના બેહાલ કર્યા છે, કરોડોના રોજિંદા જીવનને રંજાડ્યું છે, ૧.૨૬ મિલિયન મનુષ્યો મૃત્યુ પામ્યાં છે, બે લાખ ચાળીસ હજાર તો એકલા યુઍસમાંથી !

સમાચાર છે કે ડ્રગ કમ્પની ફાઇઝરે કોવિડ-૧૯ વૅક્સીન શોધી કાઢી છે અને પ્રાથમિક ધોરણે તે ૯૦% સફળ થઈ છે. ઇમરજન્સી યુઝ માટેની પરવાનગી મળે એ માટેની કાર્યવાહી ચાલુ છે. અમેરિકન સ્ટૉક માર્કેટ ઘણું ઊંચું ગયું છે.

વિશ્વનું પહેલું ઍક્ટિવ માસ્ક UV-C છે. એ વાયરસિસ, બૅક્ટેરીઆ, સ્મોક, પૉલ્યુશન વગેરેથી તુરન્ત પૂરેપૂરું રક્ષણ આપી શકે છે. બજારમાં મુકાયું છે.

ટ્રમ્પના પ્રેમી પ્રધાનમન્ત્રી નરેન્દ્ર મોદીએ બાયડનને એમના ‘સ્પૅક્ટેક્યુલર’ વિજય માટે અભિનન્દન આપ્યાં છે. એટલું જ નહીં, બાયડન વાઈસ-પ્રૅસિડેન્ટ હતા ત્યારે  ઈન્ડો-યુઍસ સમ્બન્ધો માટે બાયડને કરેલા પ્રયાસોને એમણે મૂલ્યવાન કહ્યા છે. મોદીએ એવા મતલબનું કહ્યું છે કે ફરીથી સાથે મળીને એ સમ્બન્ધોને વધારે ઊંચાઈ અર્પવા પોતે આતુર છે.

ફૉર્મર પ્રૅસિડેન્ટ જ્યૉર્જ ડબલ્યુ બુશે બાયડનને અભિનન્દન આપતાં કહ્યું કે બાયડન આપણા દેશને દોરવાની અને સુગઠિત કરવાની તકને જીત્યા છે. એમ કરીને એમણે ચૂંટણીના પરિણામો વિશે પ્રશ્નો ખડા કરનારા ટ્રમ્પ સહિતના અન્ય રીપબ્લિકન્સને પણ સંકેત આપી દીધો છે. બુશ પોતે રીપબ્લિકન છે.

નિષ્ણાતો કહે છે કે આ પોસ્ટ-ટ્રુથ એરા છે. ’પોસ્ટ-ટ્રુથ’ વાત એને કહેવાય જેમાં પબ્લિક ઓપિનિયન વસ્તુલક્ષી હકીકતોના આધાર વગર રચવામાં આવ્યો હોય અને જેમાં ભાવનાઓને વાપરવામાં આવી હોય, અંગત માન્યતાઓને આગળ કરવામાં આવી હોય. રાજકારણમાં એવા સ્થિતિસંજોગો જાણીસમજીને ઊભા કરાય છે. કહેવાય વ્યક્તિસ્વાતન્ત્ર્ય અને સ્વમતને વરેલી લોકશાહી, પણ ચૂંટણીબાજો અને રાજકારણના ખેલાડીઓ તમામ સ્વાર્થોની સિદ્ધિ અર્થે પ્રજાની લાગણીઓ જોડે રમતા હોય છે. નિષ્ણાતો ઉમેરે છે કે પોસ્ટ-ટ્રુથ એરા વકરી રહ્યો છે.

વિધિની વક્રતા એ છે કે આવા બધા વારાફેરા છે છતાં કોરોના અને કોવિડ-૧૯ની ઘાતક લીલા ચાલુ છે.

= = =

(November 10, 2020: Peoria, IL, USA)

Loading

સવાઈ ગુજરાતી ફાધર વાલેસ

દીપક મહેતા|Opinion - Literature|10 November 2020

જેને સવાઈ ગુજરાતીનું બિરુદ આપી શકાય એવા બે મહાનુભાવો વીસમી સદીમાં આપણને મળ્યા: એક, કાકાસાહેબ કાલેલકર અને બીજા, ફાધર વાલેસ. બંનેએ કવિતા, નવલકથા, નાટક જેવાં સર્જનાત્મક સ્વરૂપોમાં કશું જ નથી લખ્યું. અને છતાં બંને મોટા ગજાના લેખક, પણ માત્ર લેખક નહિ. બંને અઠંગ કર્મઠ. કાકાસાહેબને ગાંધીવિચારની ઓથ. પણ તેમાં બંધાઈ ન રહ્યા. ફાધર વાલેસને ખ્રિસ્તી ધર્મભાવાનાની આણ, પણ તેઓ તેની આણમાં રહીને પણ તેની સીમાની બહાર વિસ્તરતા રહ્યા. અને છતાં બન્નેએ પોતાનાં મૂળ સાબૂત રાખ્યાં.

આખું નામ કાર્લોસ ગોન્ઝાલેઝ વાલેસ. ૧૯૨૫ના નવેમ્બરની ચોથી તારીખે સ્પેન દેશના લોગરોના શહેરમાં જન્મ. એટલે થોડા દિવસ પહેલાં જ ૯૫મો જન્મ દિવસ ગયો. અને ૮મી નવેમ્બરે ભારતીય સમય પ્રમાણે રાતના બે વાગ્યે સ્વદેશમાં જ અવસાન થયું. પિતા જાણીતા એન્જિનિયર. દસ વરસની ઉંમરે પિતા ગુમાવ્યા. તે પછી છ મહિનામાં સ્પેનમાં આંતર વિગ્રહ ફાટી નીકળતાં માતા અને ભાઈની સાથે હિજરત કરી એક ચર્ચમાં આશરો લીધો અને તેની સ્કૂલમાં ભણ્યા. ૧૫ વરસની ઉંમરે સર્વન્ટ્સ ઓફ જિસસ સોસાયટીમાં જોડાઈ જેસુઈટ નોવટેટ, એટલે કે ખ્રિસ્તી ધર્મના સેવક બન્યા. પૂર્વના કોઈ દેશમાં જઈને કામ કરવાની ઈચ્છા ધાર્મિક વડાઓ સમક્ષ રજૂ કરી. એટલે તેમને ૨૪ વરસની ઉંમરે ભારત મોકલવામાં આવ્યા. એ વખતે એ સંસ્થા અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજ શરૂ કરવાની તૈયારીઓ કરી રહી હતી. એટલે તેમને અમદાવાદ મોકલવાનું નક્કી થયું. અને ફાધરે ૧૯૬૦ના મે મહિનાની પહેલી તારીખે પહેલી વાર અમદાવાદમાં પગ મૂક્યો. તે દિવસે જ નવા ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અને તે દિવસે જ ફાધર વાલેસના જીવનના એક નવા પ્રકરણની પણ શરૂઆત થઈ.

ક્યાં સ્પેનનું માદરે વતન અને ક્યાં અમદાવાદ! ગુજરાતી રહેણીકરણી, ખાનપાન, રીતરિવાજોથી સાવ અપરિચિત. ૨૪ વરસનો એ નવયુવાન પહેલાં તો વલ્લભવિદ્યાનગર યુનિવર્સિટીમાં ચાર વરસ રહી ગુજરાતી શીખ્યો. પછી ફાધર ખ્રિસ્તી ધર્મના શિક્ષણ માટે ચાર વરસ પૂણે રહ્યા ત્યારે રોજના બે કલાક ગુજરાતીમાં લખવાનું શરૂ કર્યું. રોજ લખે, અને લખીને કચરાની ટોપલીમાં જાતે જ પધરાવી દે! આ બધું ભણવાનું પૂરું થતાં ૧૯૫૮ના એપ્રિલની ૨૪મી તારીખે સત્તાવાર રીતે ‘ધર્મગુરુ’ (પ્રિસ્ટ) બન્યા. ૧૯૬૦માં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિત ભણાવવાનું શરૂ કર્યું તેની સાથોસાથ ગુજરાતના લોકો, જીવન, સંસ્કૃતિ, વગેરેને ઓળખવાનું શરૂ કર્યું. શરૂઆતમાં મુશ્કેલીઓ તો આવી. નવી શરૂ થયેલી કોલેજ, અને તે પણ એક ખ્રિસ્તી સંપ્રદાયે શરૂ કરેલી. એ વખતે ઘણા લોકો ખ્રિસ્તી ધર્મ-સંસ્થાઓ અને તેના પાદરીઓ સામે શંકાભરી નજરે જોતા. પણ પોતાની સાચકલાઈ અને નિષ્ઠાથી ફાધર વાલેસ અવરોધોને ઓળંગતા ગયા. વિદેશી ભાષાના ઉચ્ચારોની છાંટવાળું ગુજરાતી બોલતા થયા, એટલું જ નહિ, ગુજરાતીમાં નાના નાના લેખો લખવા લાગ્યા. એવા લેખોનું પહેલું પુસ્તક તૈયાર થયું તેને નામ આપ્યું ‘સદાચાર.’ એક પ્રકાશક પાસે હસ્તપ્રત લઈને ગયા, પણ નામ જોઈને જ તેમણે મોઢું મચકોડ્યું: ‘સદાચાર’ જેવા શુષ્ક, સીધાસાદા નામવાળું પુસ્તક કોઈ ખરીદે શા માટે? અને તેમણે ફાધરની નજર સામે હસ્તપ્રત જમીન પર ફેંકી દીધી અને કહ્યું : ‘આવું પુસ્તક કોઈ વાંચે જ શા માટે? અને તે પણ પાછું એક ખ્રિસ્તી પાદરીએ લખેલું!’ એટલે વતનથી માતા પાસે પૈસા મગાવી પોતાને ખર્ચે ૧૯૬૦માં એ પુસ્તક છપાવ્યું. વેચ્યા કરતાં વહેચ્યું વધુ. પણ લોકોને, ખાસ કરીને યુવાનોને, પુસ્તક ગમી ગયું. પછી તો ત્રણ ભાષામાં તેની કુલ વીસ આવૃત્તિ પ્રગટ થઈ. ત્રણે ભાષામાં મૂળ નામ જ કાયમ રાખેલું, ‘સદાચાર.’

પછી અમદાવાદથી પ્રગટ થતા ‘કુમાર’ માસિકમાં લેખો લખવાનું શરૂ કર્યું. વરસને અંતે આ લેખો માટે ‘કુમાર ચંદ્રક’ એનાયત થયો. પછી અમદાવાદના એક અખબારની રવિવારની પૂર્તિમાં ‘નવી પેઢીને’ નામની કોલમ લખવાનું શરૂ કર્યું અને ફાધરની વાતો ઘર ઘરના લોકો – ખાસ કરીને યુવાનો – સુધી પહોંચી. હવે પ્રકાશકો ફાધર વાલેસનાં પુસ્તકો છાપવા પડાપડી કરવા લાગ્યા. પણ ફાધરે તેમાંથી એક જ પ્રકાશકને પસંદ કર્યા, અને છેલ્લી ઘડી સુધી ગુજરાતી પુસ્તકોના પ્રકાશન માટે તેઓ એ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયને જ વળગી રહ્યા. તેમનાં ગુજરાતી પુસ્તકોની સંખ્યા ૭૦ કરતાં વધુ થવા જાય છે. ગુજરાત સરકારનાં ઇનામો ઉપરાંત ૧૯૭૮માં ફાધર વાલેસને રણજિતરામ સુવર્ણ ચંદ્રક આપવામાં આવ્યો.

કોલેજમાં ગુજરાતીમાં ગણિત ભણાવતા હતા, ગુજરાતી છાપામાં કોલમ લખતા હતા, ગુજરાતી પુસ્તકો ધૂમ વેચાતાં હતાં. છતાં ફાધરને લાગ્યું કે પોતે ગુજરાતી લોકો સાથે હજી સમરસ થયા નથી. કોલેજની ખ્રિસ્તી પાદરી-અધ્યાપકો માટેની હોસ્ટેલમાં રહેતા હતા ત્યાં ઘણે અંશે પશ્ચિમી વાતાવરણ, રહેણીકરણી, ખાનપાનની સગવડ હતી. તેમાં ગુજરાતીપણું ઓછું. એટલે તેમણે ૧૯૭૩માં હોસ્ટેલ છોડીને અમદાવાદની પોળોમાં ‘વિહાર-યાત્રા’ શરૂ કરી. એક બગલ થેલામાં બે જોડ કપડાં અને બીજી થોડીક અંગત જરૂરિયાતની વસ્તુઓ ભરીને સાઈકલ પર નીકળી પડે. કોઈ સાવ અજાણ્યા ઘરનું બારણું ખખડાવે. ‘થોડા દિવસ તમારે ત્યાં રહેવા દેશો?’ હા સાંભળવા મળે તો ત્યાં જ અઠે દ્વારકા, અઠવાડિયા માટે. પોતાનાં બધાં કામ તો જાતે કરે જ પણ ઘરનાં કામોમાં પણ મદદ કરે. કુટુંબનાં સૌ નાનાં-મોટાં સાથે ઘરનાની જેમ જ વર્તે. રડતા બાળકને હિંચકા પણ નાખે. પણ માગ્યા વિના સલાહ ન જ આપે. આમ, હોસ્ટેલની પ્રમાણમાં સુખ-સગવડવાળી જિંદગી છોડી, અને અમદાવાદના મધ્યમ વર્ગના લોકો વચ્ચે જઈને વસ્યા અને તેમના થઈને રહ્યા. હવે માત્ર ગુજરાતી ભાષા જ નહિ, ગુજરાતી રહેણીકરણી, ખાનપાન કુટુંબ જીવનને પણ પોતીકાં કર્યાં. પૂરાં દસ વરસ તેમણે આ રીતે લોકો સાથે રહીને ગાળ્યાં. એ અનુભવોનાં પણ ત્રણ પુસ્તક લખ્યાં. વખત જતાં પ્રકાશકોની માગણીથી ફાધર વાલેસે અંગ્રેજી અને સ્પેનિશ ભાષામાં પણ પુસ્તકો લખ્યાં, જેને પણ મોટો વાચક વર્ગ મળ્યો.

પણ કહ્યું છે ને કે જનની અને જન્મભૂમિ તો સ્વર્ગ કરતાં પણ અદકેરી! વતનમાં માતા વૃદ્ધ થયાં હતાં. ઘડપણની આધિ, વ્યાધિ, ઉપાધિઓથી ઘેરાવા લાગ્યાં હતાં. ૯૦ વરસની ઉંમરે માતાએ ફાધર વાલેસને લખ્યું કે દીકરા, હવે ઘડપણમાં મને તારી જરૂર છે, તો ઘરડી માતાની લાકડી થવા પાછો આવી જા. અને પોતાની સંસ્થાના અધિકારીઓની મંજૂરી લઈને ફાધર વાલેસે પ્રિય થઈ પડેલું ગુજરાત છોડ્યું, સ્પેનના માદ્રિદ શહેરમાં રહેતાં મા પાસે પહોંચી ગયા અને ૧૦૧ વરસની ઉંમરે માતાનું અવસાન થયું ત્યાં સુધી તેમને હૂંફ આપી, કાળજી રાખી, સેવા કરી. માતાના અવસાન પછી કેટલીક વાર ગુજરાત આવ્યા ખરા, પણ થોડા થોડા વખતની મુલાકાતે. લખતા પણ રહ્યા. પણ ધીમે ધીમે ગુજરાતીને બદલે અંગ્રેજીમાં અને માતૃભાષા સ્પેનિશમાં વધુ લખતા થયા.

સવાઈ ગુજરાતી ફાધર વાલેસે પોતાનું એક અંગ્રેજી પુસ્તક ‘નાઈન નાઈટ્સ ઇન ઇન્ડિયા’ કાકાસાહેબ કાલેલકરને અર્પણ કર્યું છે. એક વખત આ બંને મહાનુભાવો કવિ ઉમાશંકર જોશીના અમદાવાદના ઘરે અકસ્માત મળ્યા. ત્યારે કાકાસાહેબે ફાધર વાલેસને કહ્યું કે લોકો મને અને તમને, બંનેને ‘સવાઈ ગુજરાતી’ તરીકે ઓળખે છે. પણ તમે મારા કરતાં ચડિયાતા છો. મારી માતૃભાષા તો મરાઠી, ગુજરાતીની ભગિનીભાષા. જ્યારે તમે તો સ્પેનના. તમારી ભાષાને ગુજરાતી ભાષા સાથે કશો સંબંધ નહિ. અને છતાં તમે ગુજરાતી ભાષાને આત્મસાત કરી અને તેનું ગૌરવ વધાર્યું.

એક વખત ફાધર વાલેસે લખ્યું હતું: ‘લાંબુ જીવવાનો મને મોહ નથી. મરવું તો ગમતું નથી. કારણ કે જીવનમાં મને મઝા આવે છે. પણ ઊપડવાની આજ્ઞા આવે ત્યારે ફરિયાદ નહિ કરું. પૂરું જીવન જીવ્યો. સાચો આનંદ માણ્યો. હવે આગળ બીજો કોઈ ઉત્કૃષ્ટ અને ઊંચી જાતનો આનંદ માણવા તૈયાર. ચાલો, આગળ જઈએ.’

આજે જ્યારે ફાધર વાલેસ બીજો ઉત્કૃષ્ટ અને ઊંચી જાતનો આનંદ માણવા રવાના થયા છે ત્યારે એટલી જ પ્રાર્થના કરીએ : ‘મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો.’

xxx xxx xxx

e.mail : kalchakraniferie@gmail.com

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 10 નવેમ્બર 2020

Loading

...102030...2,0882,0892,0902,091...2,1002,1102,120...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved