Opinion Magazine
Number of visits: 9762330
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જમનાલાલ બજાજ – કથની તેવી કરણી

ગુણનિવેદનમ્ : વિનોબા — અનુવાદ : ભદ્રા સવાઈ|Gandhiana|12 February 2021

સન 1942ની 11 ફેબ્રુઆરીએ જમનલાલજીએ આપણી વચ્ચેથી વિદાય લીધી. પાંચમા પુત્ર તરીકે બાપુની સાથે પૂરી રીતે જોડાયેલા હતા. બાપુના મિત્રમંડળમાં અને પરિવારમાં કોઈ ફરક હતો નહીં. જે પ્રેમ બાપુનો દેવદાસ પર હતો, તેવો જ, અને તેટલો જ પ્રેમ એમણે જમનાલાલજી પર કર્યો. આ રીતે જ્યાં પ્રેમક્ષેત્ર અને કર્મક્ષેત્ર એક થઈ જાય છે, ત્યાં ધર્મક્ષેત્ર થઈ જાય છે.

જમનાલાલજી સાથે મારો જે સંબંધ હતો એનું વર્ણન શબ્દોમાં નહીં થઈ શકે. મારો ચાર પરિવારો સાથે પરિચય છે. એક મહાત્મા ગાંધીનો પરિવાર, બીજો જમનાલાલજીનો પરિવાર, ત્રીજો અણ્ણાસાહેબ દાસ્તાને પરિવાર અને ચોથો રમાદેવી ચૌધરીનો પરિવાર. આ સિવાય બીજા કોઈ પરિવાર સાથે મારો પરિચય નથી. જમનાલાલજીની તીવ્ર ઇચ્છાને વશ થઈને બાપુએ સત્યાગ્રહ-આશ્રમની એક શાખા વર્ધામાં ખોલવાનું વિચાર્યું અને તેના સંચાલન માટે મને અહીંયાં આવવાનો આદેશ થયો. હું મારા કેટલાક સાથીઓ અને વિદ્યાર્થીઓની સાથે વર્ધા આવ્યો. (8-4-1921) અને અહીં આશ્રમ થયો.

બાપુ અહીંયાં – વર્ધા આવીને 15 વર્ષ રહ્યા. એમને લાવવાનું શ્રેય જમનાલાલજીને ફાળે જાય છે. જ્યાં જ્યાંથી જે-જે પવિત્રતા વર્ધામાં લાવી શકાય, જમનાલાલજી લાવ્યા. તેઓ ભગીરથની જેમ અહીંયાં ગંગા લાવ્યા અને વર્ધાને એક પુણ્યક્ષેત્ર બનાવ્યું. આ જે અનેક સંસ્થાઓ દેખાઈ રહી છે તે બધી જમનાલાલજીની જ કૃતિ છે. બાપુ વિચાર કરે અને જમનાલાલજી એને અમલમાં મૂકે, એવો એમનો સંબંધ હતો. બંનેએ જાતિ, ધર્મ વગેરે કોઈ પ્રકારનો ભેદ રાખ્યા વગર મનુષ્યમાત્ર બધા એક જ છે, એવું સમજીને સેવા કરી. ગરીબો સાથે એકરૂપ થવાનો નિરંતર પ્રયત્ન કર્યો.

परहित बस जिनके मनमांही,
तिन कहं जग दुर्लभ कछु नाही

તુલસીદાસજીના આ વચન પ્રમાણે પરહિતનું આચરણ કરીને દુનિયાનું બધું જ તેમણે પ્રાપ્ત કર્યું.

આજે હું જમનાલાલજીના કેટલાક પત્ર જોઈ રહ્યો હતો. એક પત્રમાં એમણે લખ્યું છે, “ગાંધીજીનું ઉત્તમ માર્ગદર્શન આપણને મળ્યું છે. એમણે બતાવેલા માર્ગ પ્રમાણે જો નિષ્કામ જનસેવા કરી, તો આ જન્મમાં મોક્ષને મેળવી શકીશું. આ જન્મમાં મોક્ષ મળ્યો નહીં તો પણ ચિંતાની કોઈ વાત નથી. અનેક જન્મ લઈને સેવા કરતા રહેવામાં પણ આનંદ છે. બુદ્ધિ શુદ્ધ રહે તો બસ છે.” પોતાની ડાયરીમાં એમણે આ લખ્યું છે.

વર્ધાની સેવા એમણે પ્રેમથી કરી. ફક્ત સ્વદેશી ધર્મને માટે એમણે વર્ધાને પ્રેમ કર્યો. તુલસીરામાયણમાં ભરતનું ચરિત્ર એમને બહુ જ ગમતું હતું. બાપુને પણ તે બહુ જ પ્રિય હતું. અહીંયાં જે ભરત-રામનું મંદિર છે તે જમનાલાલજીનું ઉત્તમ સ્મારક છે. સન 1938ની વાત છે. હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે આ બધી મૂર્તિઓ દેખાય છે તે નહોતી. ખેતી માટે જમીન ખોદવા માંડી ત્યારે મારા હાથમાં પહેલી મૂર્તિ આવી તે ભરત-રામની, અને આશ્ચર્યની વાત એ છે કે ભરત-રામની તે મૂર્તિ એવી હતી કે જે ગીતા-પ્રવચનમાં વર્ણવી છે. ધુલિયા જેલમાં ગીતા પર મારાં પ્રવચન થતાં હતાં. તે સાંભળવા જે શ્રોતાઓ આવ્યા હતા એમાં જમનાલાલજી પણ હતા.

ગીતા પ્રવચનના 12મા અધ્યાયમાં ભરત-રામની ભેટનું વર્ણન કરવામાં આવ્યું છે : “એક જંગલમાં રહેતા હતા, એક અયોધ્યામાં રહેતા હતા બંને પૂરા તપસ્વી હતા. કોઈ ચિત્રકાર એમનું ચિત્ર કરે તો કેટલું પાવન ચિત્ર થાય. જમનાલાલજીએ નીકળેલી મૂર્તિ જોઈ અને એમના પર એવી વિલક્ષણ અસર પડી ! એમણે કહ્યું, “1932માં તમે જે ઇચ્છા પ્રગટ કરતા હતા તેના જેવું ચિત્ર મળ્યું 1938માં તો ભગવત્-સાક્ષાત્કારનો એમને અનુભવ થયો. એક અદ્ભુત આશ્ચર્યકારક ઘટના બની ગઈ. એને હું મારી જિંદગીની સર્વશ્રેષ્ઠ ઘટના માનું છું. એનું પરિણામ એ આવ્યું કે જમનાલાલજીના મનમાં બહુ જ શ્રદ્ધા પ્રગટ થઈ. શ્રદ્ધા તો પહેલાથી જ હતી. એક બીજાને પોતાના સાથી માનતા હતા. પણ એ દિવસથી એમની મારા માટેની ગુરુભાવના વધી.

ગીતાઈના પહેલા પ્રકાશક જમનાલાલજી હતા. અમે બંને ધુલિયા જેલમાં હતા ત્યારે ચર્ચા ચાલી કે ગીતાઈની કિંમત કેટલી રાખવી જોઈએ. મેં પૂછ્યું કે “બીડીનું બંડલ કેટલામાં મળતું હશે ? તેઓ બોલ્યા, “મને ખબર નથી. મેં કહ્યું, “વ્યાપારી થઈને પણ તમને ખબર નથી ! બોલ્યા, “એ વ્યાપારમાં હું કદી પડ્યો નથી. પછી શોધતાં ખબર પડી કે એક બંડલ એક આનામાં મળે છે. તો ગીતાઈની જે પહેલી આવૃત્તિ પ્રકાશિત થઈ એની કિંમત એક આનો રાખવામાં આવી.

જમનાલાલજીની બાબતમાં જ્યારે હું બોલું છું, વિચારું છું તો બે વાત, જે તેઓ હંમેશાં કહેતા અને જેની એમના જીવન પર અસર હતી તે મને યાદ આવે છે. નાનપણમાં તેર-ચૌદ વર્ષની ઉંમરમાં કેજાજી- મહારાજનાં કીર્તન સાંભળવા જતા હતા. કેજાજીમહારાજ, કીર્તન માટે ઘોરાડમાં આવ્યા હતા. કબીરનું એક પદ એમણે ગાયું. ‘हीरा तो गया तेरा कचड़े में ’………’ वगैडी कौड़ी माया जोड़ी’, સંપત્તિ એકઠી કરો છો, પણ નરદેહ જેવું અમૂલ્ય રત્ન, તે કચરામાં જઈ રહ્યું છે ! એની તરફ ધ્યાન નથી આપતા ? આ વાક્યને પરિણામે સંપત્તિનો મોહ એમને જરા પણ રહ્યો નહીં.

એમણે કહ્યું ત્યારથી મારા ધ્યાનમાં આવ્યું કે આપણા હાથમાં જે ધન છે, તે તો એક ઉપાધિ છે. એટલે એનાથી જેટલા જલદી છૂટી શકીએ તેટલું સારું છે. પણ ધનને એમ જ ફેંકી દેવાથી છુટકારો મળશે નહીં. વ્યર્થ દાન આપવું પણ યોગ્ય નથી. યોગ્ય વ્યક્તિને દાન આપવું જોઈએ, ત્યારે જ એનો ઉપયોગ છે. જમનાલાલજી એવું જ કરતા. યોગ્ય વ્યક્તિને તેઓ શોધતા અને ધન આપતા. તેઓ માનતા હતા કે આ રીતે ધન ચરિતાર્થ થાય છે. તેનાથી દાન ગ્રહણ કરવાવાળાનો તેઓ ઉપકાર માનતા.

બીજું વાક્ય તુકારામનું હતું ‘ बोले तैसा चाले, त्यांची वंदीन पाउलें’ (કથની જેવી કરણી જેની હોય, ચરણ વંદના કરું છું તેની) હંમેશાં જેવું બોલે તેવું જ આચરણ હોવું જોઈએ, એની એમને નિરંતર ચિંતા રહેતી હતી.

એક વાર જાનકીમાતાજી સાથે વાતો થઈ રહી હતી. માતાજીને મરાઠી, ગુજરાતી, હિંદી, મારવાડી, ઉર્દૂ વગેરે કોઈ પણ ભાષામાં બોલવામાં સંકોચ થતો નહોતો. એમના વ્યાખ્યાનમાં ગ્રામીણોને બહુ મઝા આવતી. નાનાં નાનાં વાક્યો છટાદાર રીતે બોલતાં હતાં. મેં એમને કહ્યું, “આપ તો કેવું સરસ વ્યાખ્યાન આપો છો. પણ જમનાલાલજી દુનિયાભરનું કામ કરે છે પણ બોલવાનું એમને માટે મુશ્કેલીભર્યું થાય છે. તેઓ બોલ્યાં, “આનું કારણ છે, એમને હંમેશાં ચિંતા રહેતી હોય છે કે જેવું બોલું છું તેવું કરવું પડશે એટલે વિચારી વિચારીને બોલે છે. પછી વિનોદમાં કહ્યું, “પણ મારે તો આવું વિચારવાની ફરજ જ નથી. પછી રૂકાવટ શા માટે ? એથી બોલવાનું ફાવી ગયું છે.

મને યાદ આવે છે, હું હંમેશાં કોઈને વચન આપતો નથી. એનો ચિત્ત પર ભાર પડે છે. હું એવું કહું છું કે થઈ શકશે તો કરી આપીશ. કોઈને ‘પરમદિવસે મળશું’ કહેવું એટલે વચન થઈ ગયું. એનો અર્થ બે દિવસ જીવવાની જવાબદારી આવે છે અને જિવાડવાનું તો ઈશ્વરના હાથમાં છે. આવી ચર્ચા જમનાલાલજીની સાથે થયેલી. એમણે કહ્યું, “બહુ ગજબનું છે આ બધું. અમારે તો કાલે મુંબઈ, પરમ દિવસે કલકત્તા, આ રીતે કાર્યક્રમ બનાવવો પડે છે. તો વચન આપ્યું એવો જ એનો અર્થ થાય છે તો શું કરીએ ? તો નક્કી થયું કે, “પાંચમી તારીખે આવશું એમ નહીં કહેવાનું. “પાંચમી તારીખે મુંબઈ જવાનો અમારો કાર્યક્રમ થયો છે એવું કહીશું. ત્યારથી પોતાના શબ્દને સાચો કરવા માટે કોઈને પણ આવીશું એવું નહોતા કહેતા, “આવવાનો કાર્યક્રમ ગોઠવાયો છે એવું કહેતા હતા.

જમનાલાલજી અસાધારણ વ્યક્તિ તો નહોતા પણ છતાં એ બિલકુલ સાચી વાત છે કે છેલ્લાં ત્રીસ-પાંત્રીસ વર્ષોમાં કોઈ બીજા જમનાલાલજીએ જન્મ લીધો નથી. જમનાલાલજીએ વેપાર-વાણિજ્યમાં ઘણું કામ કર્યું. મહિલાશ્રમ વગેરે સંસ્થાઓની સ્થાપના કરી, બાપુનાં ઘણાં કામોમાં સહયોગ આપ્યો અને છેલ્લું કામ એમણે ગોસેવાનું ઉપાડ્યું. ગોસેવાનો સર્વોત્તમ નમૂનો કૃષ્ણ હતા. કૃષ્ણ પછી કોઈ હોય તો તે જમનાલાલજી છે. તેઓ ગોસેવા સાથે તન્મય થઈ ગયા હતા. એ કામ માટે પોતાનો મોટો મહેલ છોડીને ઝૂંપડીમાં રહેવા માંડ્યા હતા.

તે દિવસે સાંજે મહિલાશ્રમમાં મારું વ્યાખ્યાન હતું. હું પ્રવચન શરૂ કરવા જતો હતો અને એક મોટર આવી. આવેલી વ્યક્તિએ કહ્યું, જમનાલાલજી માંદા છે અને આપને બોલાવે છે. આમ તો તેઓ ગંભીર રીતે બીમાર નહોતા. બપોર સુધી હંમેશની જેમ કામ કરતા રહ્યા એ હું જાણતો હતો એટલે એમની બીમારીનો ઊંડો અર્થ સમજી શક્યો નહીં. છતાં વ્યાખ્યાન છોડીને ગાંધી ચોકમાં પહોંચી ગયો.

મોટરમાંથી ઊતર્યો તો દિલીપ ઉપરથી આવી રહ્યો હતો એને પૂછ્યું, “જમનાલાલજીની તબિયત કેવી છે ? એણે કહ્યું, “તે તો ચાલ્યા ગયા. આટલી અચાનક, અનપેક્ષિત અને ચિત્તને દુ:ખ પહોંચાડનારી ખબર સાંભળીને પણ મને બિલકુલ વિલક્ષણ અને અલગ જ અનુભવ થયો. મારા અંતરમાં કંઈક વિશેષ પ્રકારના આનંદનો આભાસ થયો અને એ આનંદની અવસ્થામાં જ તે ઓરડામાં પહોંચ્યો. જ્યાં એમનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો.

ત્યાં બેઠેલા લોકોના મોઢા પર જ્યારે મેં દુ:ખની છાયા જોઈ ત્યારે એવું લાગ્યું કે કોઈ એવી ઘટના બની છે, જેને કારણે ઘણાંને દુ:ખ થઈ જાય. પણ મારે કબૂલ કરવું પડશે કે મને અંદરથી જે આનંદનો અનુભવ થતો હતો તે સહેજપણ ઓછો થયો નહીં. છેલ્લે સાંજે અગ્નિસંસ્કાર માટે મૃતદેહને ચિતા પર મૂક્યા પછી ઈશોપનિષદ અને ગીતાઈના શ્લોકો બોલાવા લાગ્યા ત્યારે તે આનંદનો ઊભરો આવી ગયો. મારી આવી સ્થિતિ રાત્રે સૂવા ગયો ત્યાં સુધી રહી.

સવારે ઊઠ્યા પછી એમના મૃત્યુથી કેટલી ખોટ પડી છે અને અમારા બધાની જવાબદારીઓ કેટલી વધી ગઈ છે એનું ધીમે ધીમે ભાન થવા માંડ્યું. પણ મને આ આનંદનો અનુભવ શા માટે થયો એ જણાવવું અગત્યનું છે.

જમનાલાલજીએ ગોસેવાનું કામ પોતાના હાથમાં લીધું છે, એ સમાચાર મને જેલમાં જ મળ્યા હતા. એ સાંભળી મને સમાધાન થયું. મને લાગ્યું કે એનાથી દેશનું ભલું તો થશે જ પણ એનાથી એમને પણ શાંતિ મળશે. પણ એની સાથે હું એ પણ જોઈ રહ્યો હતો કે એમના થાકેલા શરીર માટે આ કામ ભારે પડશે. હું જેલમાંથી છૂટ્યો પછી પહેલી મુલાકાતમાં એમણે મને પૂછ્યું કે “મેં ગોસેવા-સંઘનું કામ હાથમાં લીધું, એ બાબતમાં તમારો મત શું છે ? મેં કહ્યું, “એ સમાચાર સાંભળીને મારા ચિત્તને સમાધાન થયું.

મારા આ શબ્દ સાંભળીને એમની આંખોમાં પાણી આવી ગયાં. પ્રેમભાવ ઉત્પન્ન કરવાવાળા અને આત્માની ઉન્નતિના સાધનરૂપ આ કામ મળી જવાને કારણે એમના ચિત્તમાં સમાધાન થયું હોય તેવું લાગ્યું હતું. અને તેઓ આ કામને હંમેશાં વધારે એકાગ્રતા અને તત્પરતાથી કરી રહ્યા હતા.

છેલ્લાં વીસ વર્ષોથી હંમેશાં પોતાના મનનું પરીક્ષણ કરતા રહેતા હોવા છતાં ઉન્નત અવસ્થા તેઓ મેળવી શક્યા નહોતા. તે આ બે-ત્રણ મહિનામાં એમણે બહુ ઝડપથી પ્રાપ્ત કરી લીધી. શરૂઆતથી નજીકનો પરિચય હોવાને કારણે હું આ વસ્તુને જોઈ શકતો હતો. આવી ઉન્નત અવસ્થામાં મૃત્યુ પ્રાપ્ત થવું તે બહુ મોટા આનંદની વાત છે. મૃત્યુ તો બધાનું થાય છે પણ મૃત્યુ-મૃત્યુમાં પણ અંતર હોય છે. છેલ્લે સુધી કામ કરતા કરતા, કોઈની સેવા લીધા વગર અને મનની એવી ઉચ્ચ અવસ્થામાં શરીરનો નાશ થાય એ મોટા ભાગ્યની વાત છે. આનાથી સુંદર જીવનનો અંત કેવો હોઈ શકે ? એ બધું વિચારતાં મને આનંદ થઈ રહ્યો હતો.

https://bhoomiputra1953.wordpress.com/2021/02/07/jamanalal-bajaj/

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ફેબ્રુઆરી 2021; પૃ. 03-04

Loading

રાષ્ટૃનિર્માણ માટે પ્રજાને ભાગીદાર બનાવવી પડે

રમેશ ઓઝા|Opinion - Opinion|11 February 2021

સંપત્તિનું સર્જન અર્થાત્ ક્રિએશન ઓફ વેલ્થ, એ વાક્યપ્રયોગ એ જમાનામાં ફેશનમાં હતો. જે લોકો મૂડીવાદનો વિરોધ કરે તેને કહેવામાં આવતું હતું કે કૂવામાં હશે તો હવાડામાં આવશે ને! પહેલાં કૂવામાં આવવા દો, હવાડામાં તો એ એની મેળે જશે. પાણી છલકાય છે ત્યારે એ ફેલાય છે. પાણીનો એ સ્વભાવ છે. ગાંધીજીએ કહ્યું હતું કે પાણીનો એવો સ્વભાવ હશે, મૂડીનો નથી. વધારાની મૂડી બીજાની સંપત્તિ ઉપર નજર દોડાવશે અને મૂડીના કૂવાને તો તળિયું જ નથી અને ઉપર આરો ધારો એટલો ઊંચો કરી શકાય છે. પણ દુનિયાએ સંપત્તિના સર્જન તરફ દોટ મૂકી હતી એટલે ભારત તેની વિરુદ્ધ તેનો આગવો રસ્તો કંડારે એ શક્ય નહોતું. આર્થિક બાબતો વિશેના ગાંધીજીના વિચારો અપ્રાસંગિક જ નહીં, અવ્યવહારુ છે, એમ જવાહરલાલ નેહરુ સહિત લગભગ બધા જ કૉનગ્રેસીઓ માનતા હતા.

તો સંપત્તિનું સર્જન કરવાનું હતું અને એ પણ બને એટલી ઝડપથી. એનું આયોજન એવું હતું કે ભૂખનો મોરચો ખેડૂતો સંભાળે અને ખેડૂતોએ એ સંભાળ્યો પણ હતો. ગયા અઠવાડિયે કહ્યું હતું એમ દેશપ્રેમના નામે ધૂણાવ્યા વિના સમજી-વિચારીને રાષ્ટ્રવેદીમાં સમિધા બનાવીને. એની ઝાંખી જોઈતી હોય તો નાથાલાલ દવે અને બીજા કવિઓનાં ગીતો જોઈ જાઓ. અહીં નાથાલાલ દવેનું એ જમાનામાં ઘરે ઘરે ગવાતું ગીત ટાંકુ છું:

સોનાવરણી સીમ બની, મેહુલિયે કીધી મ્હેર રે ભાઈ! મોસમ આવી મહેનતની.
નદિયુંના જળ નીતર્યાં, લોકોમાં લીલા લ્હેર રે ભાઈ! મોસમ આવી મહેનતની.
લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે ભાઈ! મોસમ આવી મહેનતની.
જુવાર લોથે લૂમેઝૂમે, ને હૈયામાં હુલ્લાસ રે ભાઈ! મોસમ આવી મહેનતની. 
ઉપર ઊજળા આભમાં, કુંજડિયુંના કિલ્લોલ રે ભાઈ! મોસમ આવી મહેનતની.
વાતા મીઠા વાયરા, ને લેતા મોલ હિલોળ રે ભાઈ! મોસમ આવી મહેનતની.
લિયો પછેડી દાતરડાં, આજ સીમ કરે છે સાદ રે ભાઈ! મોસમ આવી મહેનતની.
રંગેસંગે કામ કરીએ, થાય મલક આબાદ રે ભાઈ! મોસમ આવી મહેનતની.
લીંપીગૂંપી ખળાં કરો, લાવો ઢગલે ઢગલા ધાન રે ભાઈ! મોસમ આવી મહેનતની.
રળનારો તે માનવી, ને દેનારો ભગવાન રે ભાઈ! મોસમ આવી મહેનતની.

આ ગીતમાં તમે જોયું હશે કે ખેડૂતના ઓવારણા લેવામાં આવ્યા છે. તેને પ્રોત્સાહિત કરવામાં આવ્યો છે. મહેનતનો મહિમા કરવામાં આવ્યો છે. તેમાં સામાજિકતા અને સામૂહિકતાનો સંદેશ આપવામાં આવ્યો છે. મલકને આબાદ કરવાના ધ્યેયની વાત કરવામાં આવી છે. આવાં આપણી ભાષામાં બીજાં અનેક ગીતો રચાયાં હતાં. ભારતની તમામ ભાષાઓમાં આવાં ગીતો રચાયાં હતાં અને ઘરે ઘરે ગવાતા હતાં. આને કહેવાય રચનાત્મકતા. આ સિવાય ‘ખેડૂતમિત્ર’ અને એવાં અનેક ચોપાનિયાં નીકળતાં હતાં, જેમાં ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવતું હતું. આકાશવાણી ઉપર ખેતીવાડી અંગે કાર્યક્રમ આવતા હતા. ઉદ્દેશ હતો; ખેડૂતને પ્રોત્સાહિત કરી, ટકાવી રાખી, ખેતીની ઉત્પાદકતા વધારી તાત્કાલિક ધોરણે ભૂખનો સામનો કરવાનો અને લાંબા ગાળે દેશને અન્નસ્વાવલંબી કરવાનો.

રાષ્ટ્રનિર્માણ રચનાત્મક માર્ગે જ થઈ શકે. રચનાત્મક માર્ગે ચરોતર પ્રદેશમાં પોલસનની જગ્યા અમૂલે લીધી હતી. રચનાત્મક માર્ગે આણંદમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ એગ્રીકલ્ચરની સ્થાપના કરવામાં આવી હતી. રચનાત્મક માર્ગે સણોસરામાં લોકભારતીની સ્થાપના કરવામાં આવી હતી જેણે ગ્રામીણ ગુજરાતને શિક્ષકો, ખેડૂતોને સુગમ પડે એવાં ઓજારો અને વધારે ફાલ આપે એવાં બિયારણ આપ્યાં હતાં. આ તો માત્ર ગુજરાતનાં ઉદાહરણો છે, બાકી ભારતભરમાં રાષ્ટ્રઘડતરનું રચનાત્મક કામ થયું હતું. કહેવાની જરૂર નથી કે આવાં રચનાત્મક કામ કરનારા બધા ગાંધીવાદીઓ હતા, કોઈ સંઘીએ આવો રચનાત્મકયજ્ઞ કર્યો હોય એવું જાણમાં નથી. બાકી લોકોને ઉશ્કેરવાથી, નશામાં રાખવાથી, ધૂણાવવાથી વિધ્વંસક કામો થઈ શકે, રચનાત્મક કામ ન થઈ શકે. જો રાષ્ટ્રનિર્માણ કરવું હોય તો પ્રજાને ભાગીદાર બનાવવી પડે અને જો રાષ્ટ્રના ગજવામાંથી કાંઈક સરકાવીને કોઈકને આપી દેવું હોય તો લોકોને નશો કરાવીને અથવા ક્લૉરોફોમ આપીને સુવડાવી રાખવા પડે. દેશ આઝાદ થયો ત્યારે પહેલો માર્ગ અપનાવવામાં આવ્યો હતો અને આજે બીજો માર્ગ અપનાવાઈ રહ્યો છે. એજન્ડા અલગ છે.

કોઈ એવો આરોપ કરી શકે કે ખેડૂતોને લૂટવા માટે, તેમને તેમના હકના ભાવથી વંચિત રાખવા માટે ઓવારણા લેવામાં આવતા હતા. કોઈને ઉશ્કેરીને નશામાં રાખવા અને ઓવારણા લેવા એ આમ તો એક જ સિક્કાની બે બાજુ છે. હકીકતમાં આવા આરોપ સામ્યવાદીઓ, સમાજવાદીઓ અને કેટલાક ખેડૂત નેતાઓ કરતા પણ હતા. એ જમાનમાં ‘કિસાન સભા’ અને બીજા ખેડૂત સંગઠનોએ ખેડૂતોનાં આંદોલન કરવાના પ્રયાસ પણ કર્યા હતા, પરંતુ ભારતના ખેડૂતોએ તેમને કાઠું આપ્યું નહોતું. ખેડૂતોને ત્યારે એટલી જાણ હતી કે તેમના જે ઓવારણા લેવામાં આવી રહ્યા છે એ ઉત્પાદકલક્ષી રચનાત્મક છે, લૂટવા માટેના નથી. જે વાત એ જમાનામાં ખેડૂતોને સમજાઈ હતી, એ અત્યારે ભક્તોને નથી સમજાતી.

હવે બીજા છેડાની વાત. એ છે ભારતના ઔદ્યોગીકરણની. સંપત્તિનું સર્જન ઉદ્યોગો દ્વારા જ થઈ શકે એવું માનવામાં આવતું હતું અને આજે પણ માનવામાં આવે છે. કૃષિઉદ્યોગ એક હદથી વધારે સંપત્તિનું સર્જન ન કરી શકે એવી પણ એક માન્યતા પ્રવર્તતી હતી અને હજુ આજે પણ પ્રવર્તે છે. જો કૃષિઉદ્યોગ એક હદથી વધારે સંપત્તિનું સર્જન ન કરી શકે તો તેના પરનું લોકોના જીવનનિર્વહનનું ભારણ ઘટાડવું જોઈએ એવી પણ માન્યતા હતી. આ જોતા એ સમયના શાસકોની વિકાસની નીતિ એવી હતી કે ખેડૂતો ભૂખનો અને સ્વાવલંબી બની શકાય એટલા અન્ન ઉત્પાદકતાનો મોરચો સંભાળી લે, તો ભારતનું ઝડપથી ઔદ્યોગીકરણ થઈ શકે. એને કારણે ખેતી પરનું ભારણ ઘટશે અને દેશ બે-ચાર દાયકામાં દેશ આબાદ થઈ જશે. ભારત સરકારની એ નીતિનું છેવાડેના જમણેરીઓ અને છેવાડેના ડાબેરીઓ સિવાય લગભગ બધા લોકોએ સ્વાગત કર્યું હતું અને એ નીતિ અમલમાં મૂકાઈ હતી.

હવે હું એમ કહું કે ભારતનું ઔદ્યોગીકરણ કૃષિની કોખમાંથી થયું છે તો એ કથન ખોટું છે? ભારતના કૃષિવિકાસને ખેડૂતે પોષ્યો છે તો એ વિધાન ખોટું છે? ભારતનો પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ સાવ અજાણ્યા ખેડૂતનો ઓશિંગણ છે એમ કહું તો એ વિધાન ખોટું છે? જ્યારે સોયની આયાત કરવી પડતી હતી ત્યારે ખેડૂત ભોજનની દરેક જરૂરિયાત પૂરી પાડતો હતો. પાછા અંકુશો અને નિયમનોનો આદર કરીને! કઈ ચીજની ખેતી કરવી, કેટલા વીઘામાં કરવી, કયા ભાવે ઉત્પાદન વેચવું, ખુલ્લા બજારમાં વેચવું કે માત્ર સરકારને જ વેચવું એવા અનેક પ્રકારના અંકુશો અને નિયમનો હતા. ભારતના ખેડૂતે તેનો સ્વીકાર કરીને દેશના ઔદ્યોગીકરણ માટેની અનુકૂળતા પેદા કરી આપી હતી. માટે હું કહું છું કે ભારતનું ઔદ્યોગીકરણ કૃષિઉદ્યોગની કોખમાંથી થયું છે અને ભારતના ઉદ્યોગપતિનું પોષણ ખેડૂતે કર્યું છે.

પણ ઉદ્યોગપતિઓનું વલણ કેવું હતું? તેમનું રાષ્ટ્રયજ્ઞમાં કેટલું યોગદાન હતું? આની વાત હવે પછી. દરમ્યાન ભક્તોને વિનંતી કે ગાળો આપવાનું હમણાં મુલતવી રાખે. પાછળથી બે મોઢે આપવાનો મોકો મળશે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 11 ફેબ્રુઆરી 2021

Loading

ધારો કે એક સાંજ આપણે મળ્યાં … !

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|11 February 2021

બિનગુજરાતી કલાકારોનાં ગુજરાતી ગીતો

હૈયાને દરબાર

મઢ આઈલેન્ડના દરિયાની ક્ષિતિજ પર સાંજ ઢળી રહી છે. આકાશના ગુલાબી-જાંબલી રંગો અદ્ભુત છે છતાં જાણે ઉદાસી ઘેરાઈ હોય એવું લાગે છે. આઈપોડમાં ગુજરાતી ગીત શરૂ થાય છે; ‘ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં, પણ આખા આ આયખાનું શું?’ એક અધૂરા પ્રેમસંબંધની વાત કવિ જગદીશ જોશીના આ કાવ્યમાં છલકાઈ ઊઠી છે. મિલનની સાથે વિસ્તરતો વિરહ ગીતમાં સબળ રીતે પ્રગટ થયો છે. મનુષ્યમાત્ર વિરહની મૂંગી વેદના સતત અનુભવે છે અને માંડેલી વારતા અધૂરી રહી જાય એ વિહ્વળતા ભૂપિજીએ ગાયેલા આ ગીતમાં સાંગોપાંગ પ્રગટી છે. કવિ રાવજીનું ગીત ‘આંખે કંકુના સૂરજ આથમ્યા…’ને ભૂપિન્દરજીએ અમર બનાવ્યું છે એમ કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય. કવિ નર્મદનાં ગીતો ભૂપિજીએ સુંદર ગાયાં છે તેમ જ કવિ કમલેશ સોનાવાલાનું ઉદય મઝુમદારે કમ્પોઝ કરેલું ગીત ‘જીવનનો મધ્યાહ્ન છતાં સાંજ શોધું છું શાને …’ પણ ભૂપિજીનું સુંદર ગીત છે. બંધ આંખે ઉજાગરાને ઓઢવા જેવી કમનીય અભિવ્યક્તિમાં વેદનાનું માધુર્ય છલકાવતું ગીત ‘મને આપો ઉછીનું સુખ થોડું …’માં કવિ જગદીશ જોશી સંસારમાં જે અધૂરપ રહી જાય છે એને પૂરી કરવા સુખની માગણી કરે છે. એ વ્યથા ભૂપિજીએ આબેહૂબ વ્યક્ત કરી છે.

આજે વાત કરવી છે બિનગુજરાતી કલાકારોએ ગાયેલાં લાજવાબ ગીતોની. મંગેશકર બહેનો ઉપરાંત મોહમ્મદ રફી, કિશોર કુમાર, મુકેશ, મન્ના ડે, ગીતા દત્ત, સુમન કલ્યાણપુર, હરિહરન, જગજિત સિંહ, ભૂપિન્દરજી, કવિતા કૃષ્ણમૂર્તિ, સાધના સરગમથી લઈને શ્રેયા ઘોષાલ, શાન, મહાલક્ષ્મી ઐયર અને અરિજિત સિંહ સુધી અનેક બિનગુજરાતી કલાકારોએ ગુજરાતી ગીતો માત્ર ગાયાં જ નથી, અદ્ભુત નિભાવ્યાં છે. અજિત શેઠ અને પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીત નિર્દેશનમાં ભૂપિજીએ ગુજરાતી ગીતો ગાવાની શરૂઆત કરી હતી. છઠ્ઠી ફેબ્રુઆરીએ જન્મદિવસ ઉજવનાર ભૂપિન્દરજી આ સંદર્ભે કહે છે, "જીવવાની હામ …’ સૌ પ્રથમ પુરુષોત્તમ ઉપાધ્યાયે સ્વરબદ્ધ કર્યું હતું, પરંતુ સંગીતકાર અજિત શેઠના આલબમ ‘આંખે કંકુના સૂરજ આથમ્યા’થી શ્રોતાઓએ મારાં ગુજરાતી ગીતોને ખૂબ વખાણ્યાં. અવિનાશ વ્યાસ તથા ગૌરાંગ વ્યાસના સંગીત નિર્દેશનમાં કેટલીક ગુજરાતી ફિલ્મોમાં મેં ગાયું છે. દિલીપ ધોળકિયાના સ્વર નિયોજનમાં ગાયેલા ગુજરાતી ગીત ‘એકલા જ આવ્યા મનવા એકલા જવાના…’ને તો ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ ગીતનું પારિતોષિક પણ મળ્યું હતું. ગુજરાતી ગીતોમાં ગુજરાતની સંસ્કૃતિનો સ્પર્શ બરાબર અનુભવાય છે. ભાષા જુદી હોય એટલે ગાતી વખતે અનુભૂતિ પણ જુદી થાય. હિન્દી સ્વરકારોની તુલનાએ ગુજરાતી સ્વરકારો જુદા કોર્ડ્સ પ્રયોજે છે. એમની સિમ્ફની અલગ હોય છે. જો કે, હવે તો ગુજરાતી સંગીત ઘણું મોડર્ન થઈ રહ્યું છે.’

ભૂપિન્દરજીનાં જીવન અને સ્વરસંગિની મિતાલી મુખરજીએ ગાયેલાં અવિનાશ વ્યાસનાં બે ગીત ‘કોયલ ઊડી રે ગઈ’ તથા ‘ચૂડી ને ચાંદલો’ ઘણાં લોકપ્રિય થયાં હતાં. હરિહરને ગાયેલાં ગુજરાતી ગીતોમાં કવિ રાવજીનું ‘તમે રે તિલક રાજા રામના’ અને મણિલાલ દેસાઈનું ‘સરકી જાયે પલ’ ઉત્કૃષ્ટ છે. હરિહરનજીએ ગાયેલાં કવિ રાજેન્દ્ર શાહનાં ગીતો ‘નિરુદ્દેશે સંસારે’ તથા ‘ભાઈ રે આપણા દુ:ખનું કેટલું જોર …’ કેવાં ભાવવાહી ગીતો છે! મહાલક્ષ્મી ઐયરે ઉત્તંક વોરાનાં કેટલાંક ગીતો ગાયાં છે. કવિતા કૃષ્ણમૂર્તિએ સૌમિલ મુનશી, અજિત શેઠ, મોહન બલસારાનાં ગીતો ગાયાં છે. સુધા મલ્હોત્રાએ ‘રાધાની લટની લહેરાતી કાળાશે’ ગાયું છે તો સુમન કલ્યાણપુરનું ‘આભને ઘડૂલે’ બેમિસાલ છે. તમે માનશો, સુરેશ વાડકરે સોથી વધારે ગુજરાતી ગીતો ગાયાં છે! લતાજીનું ‘એક રજકણ’, આશા ભોસલેનું ‘માડી તારું કંકુ’, ઉષા મંગેશકરનું ‘આભમાં ઝીણી ઝબૂકે’, રફીસા’બનું ‘દિવસો જુદાઈના’, મુકેશનું ‘સજન મારી પ્રીતડી’, મન્ના ડેનું ‘હુતૂતૂતૂ’ તો કોઈ ગુજરાતી ભૂલી જ ન શકે!

અર્બન ગુજરાતી ફિલ્મો શરૂ થયા પછી સચિન-જિગર, નિશીથ મહેતા સહિત અનેક સ્વરકારોએ નવી પેઢીના કલાકારો પાસે ગુજરાતી ગીતો ગવડાવ્યાં. અરિજિતનું ‘સતરંગી’ ગીત ફેમસ થયું તો શાનનું ‘નૈનોથી જ્યાં મેં જોયાં’ તથા ‘મને કોણ આ સ્પર્શી ગયું’ શ્રોતાઓએ પસંદ કર્યું. શ્રેયા ઘોષાલે ‘રોમેન્સ કોમ્પ્લીકેટેડ’ માટે ‘માહી ગુજરાતી’ ગાયું. સોનુ નિગમે ફિલ્મ ‘પિયુ પરદેશી’ માટે ‘દેશને કદી ભૂલી ન જવાય’ ગાયું તથા એમનું ‘ઈશ્ક રંગ’ પણ ફેમસ થયું.

આમ, ગુજરાતી ગીતોને બિનગુજરાતી કલાકારોએ પણ સુંદર રીતે પ્રસ્તુત કર્યાં છે એ હકીકતની નોંધ ગુજરાતી ગીતોના ઇતિહાસમાં લેવી જ પડે.

થોડાંક વર્ષો પહેલાં સંગીતકાર અજિત શેઠ સાથેની મુલાકાતમાં મેં એક પ્રશ્ન પૂછ્યો હતો કે, ‘તમારી મોટા ભાગની કેસેટ્સમાં બિનગુજરાતી કલાકારોએ જ ગાયું છે એનું કારણ શું?’ના જવાબમાં એમણે જે વાત કરી એ અવગણી શકાય એમ નથી. અજિત શેઠે કહ્યું કે, ‘ગીતો ભલે બિનગુજરાતીઓએ ગાયાં છે પણ એનું પરિણામ જોયું? કેટલું સુંદર ગાયું છે! ગુજરાતીઓને ઊંડાણમાં જવાની, મહેનત કરવાની આદત નથી. હરિહરન, કવિતા કૃષ્ણમૂર્તિ ગીત સમજવા સામેથી ફોન કરે. એમને કોઈ ઈગો નડે નહીં. ગીત બરાબર ન ગવાય તો નમ્રપણે બારીક મુરકીઓ શીખવાનો આગ્રહ રાખે. ચોવીસ કલાક મહેનત કરે. આવી નિષ્ઠા ગુજરાતી કલાકારોમાં ઓછી જોવા મળે છે.’

કલા સિદ્ધ કરવા સાધના કરવી પડે. આજકાલના નવાસવા ગાયકોને રાતોરાત ફેમસ થઈ જવું છે. નવા ગુજરાતી કલાકારોમાં તો એટલો બધો ઉચ્ચારદોષ અને ભાષાની અશુદ્ધિઓ જોવા મળે છે કે પૂછો નહીં. એની સામે આ બિનગુજરાતી કલાકારો મિસાલરૂપ છે. સુંદર ગુજરાતી ગીતો સર્જવાની અને યોગ્ય રીતે પ્રસ્તુત કરવાની જવાબદારી આપણી છે. માતૃભાષાને સમજો, જાણો અને પછી ગાઓ. સાચી વાત છેને?

————-

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ
એને ફરીફરી કેમ કરી વાંચશું?
માનો કે હોઠ સ્હેજ મ્હોરી ઊઠ્યા
ને છાતીમાં મેઘધનુષ ફોરી ઊઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?
આકાશે આમ ક્યાંક ઝૂકી લીધું
ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?
માનો કે આપણે ખાધું-પીધું
અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?
ધારો કે રાણી! તમે જીતી ગયાં
અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?

•   કવિ : જગદીશ જોષી    •   સંગીતકાર: અજિત શેઠ    •   સ્વર : ભૂપિન્દર

http://gujaratigazal.com/2829/

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 11 ફેબ્રુઆરી 2021

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=684746

Loading

...102030...2,0712,0722,0732,074...2,0802,0902,100...

Search by

Opinion

  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335
  • પ્રચંડ ધડાકો અને ઉલ્કાપાત

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved