Opinion Magazine
Number of visits: 9573168
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખંજર મીયાં સુઘોષ મઝમુદાર​

સૂચિ વ્યાસ|Profile|12 December 2020

આમ આપણા રામ જ્યારે જ્યારે મુંબઈ પહોંચી જઈએ, ત્યારે ત્યારે સોનલ શુક્લને ત્યાં ધામા નાખીએ. મને જે રૂમ આપ​વામાં આવે, તે માટે કાયમી ધોરણે ‘સુઘોષની રૂમ છે.’ એવું કહેવામાં આવે. આમ​, મારી ઍન્ટ્રી અને સુઘોષની ઍક્ઝિટ ​- એવું વર્ષો સુધી ચાલેલું. મેં ક્યારે ય સુઘોષને જોયેલો નહોતો. ફક્ત એટલી જ માહિતી હતી કે સુઘોષ એ ઉત્કર્ષ અને સોનલબહેન એ બધાંનો કઝીન છે.

સુઘોષની બહેને એનાં કુટુંબનાં તમામ સભ્યોને સ્પોન્સર કરી, ગ્રીનકાર્ડ અપાવી અમેરિકા સ્થિર કર​વાનો નિર્ણય લીધેલો. એમાં આપણાં સુઘોષનો છેલ્લો વારો આવેલો. મુંબઈમાં ફિઝિકલ થૅરપિસ્ટ તરીકે બોમ્બે હૉસ્પિટલ જેવી જગ વિખ્યાત હૉસ્પિટલનું કામ ઠેબે ચડાવી, ભાઈ તો અમેરિકા પહોંચી ગયેલા!

એકાદ મોડી સાંજે આ ભાઈ સુઘોષનો ફોન આવ્યો કે: “હું સાન ફ્રાન્સિસ્કો પહોંચી ગયો છું.” મારા ખ્યાલથી ૧૯૮૪ કે ૧૯૮૫ની સાલ હશે. પછી ધીમે ધીમે રોજ ફોન આવ​વા લાગેલા. ભાઈ પોતે લોસ એન્જલસ મૂવ થઈ ગયેલા. પછી તો મહિનાઓ ને મહિનાઓ અમે ફોનમાં વાતો કરતાં કરતાં પાક્કા ભાઈબંધ થઈ ગયાં. એની સાથેની વાતો દ્વારા મેં એનું આખું વ્યક્તિત્વ માપી લીધેલું. હું ફક્ત અવાજથી જ સુઘોષને ઓળખતી હતી. વાતો વાતોમાં મેં જાણી લીધેલું કે સુઘોષને બહેન – બનેવીથી ‘કંઈક’ અસંતોષ છે!

સુઘોષે એક દિવસ મને જણાવ્યું કે પોતે લોસ એન્જલસથી ગ્રેહાઉન્ડ​, ૧૦૦ ડોલરની ટિકિટ લઈને બસમાં ફિલાડેલ્ફિયા આવે છે. મેં તો મારી ટેવ મુજબ કહી દીધું : “આવ​, આવ, મજા પડશે! જલસા કરશું. તારું સન્માન છે, મુંબઈ નરેશ​!”

રખડી રખડીને, ખાધા-પીધા વગરનો, આઠ દિવસથી નાહ્યા-ધોયા વગરનો સુઘોષ, ગ્રેહાઉન્ડ બસ સ્ટોપ પર ઊતર્યો. સલ​વાર-કમીઝ પહેરેલી હું, એને લેવા માટે બહાર ઊભેલી. આઘેથી મોટા ભરાવદાર ઘુંઘરાળા વાળ​વાળો એક છોકરો જોયો. દેશી છે કે આફ્રિકન કે અમેરિકન – એ ખબર ન પડી. ગ્રેહાઉન્ડ ઉપર હું એકલી દેશી છોકરી! મને જોઈને, દોડતો’ક પાસે આવીને પૂછેલું : “તમે સૂચિ છો?” મેં સુઘોષને તો જોયેલો નહોતો, પણ એનો અવાજ ઓળખી ગઈ. મેં જોરથી અને લાગણીથી કહેલું : “વેલકમ ટુ સિટી ઑફ બ્રધર્લી લ​વ – ફિલા.” સુઘોષ તો જેલમાંથી છૂટ્યો હોય એવો ખુશખુશાલ અને ભાવ​વિભોર હતો. ફિલા.નાં ઐતિહાસિક મકાનો જોઈ ગેલમાં આવી ગયેલો. નાગર … એટલે જીભમાંથી મધ જ ઝરતું રહે. વાતો કરતાં કરતાં ઘર ભેગાં થઈ ગયાં. નાહી-ધોઈ નિરાંતે જમ્યો અને થાકેલો-પાકેલો સુઘોષ સૂઈ ગયો.

બીજે દિવસે ફટાકડો ફોડ્યો! વિધાન બહાર પાડ્યું કે : “મારે બકનેલ યુનિવર્સિટી જ​વું છે.” સુઘોષે બકનેલના કોઈ પ્રોફેસરની ચોપડી વાંચી હતી અને તે એમનાથી પ્રભાવિત થઈ ગયેલો. “મારે આ પ્રોફેસરને મળવું છે.” બકનેલ યુનિવર્સિટી એટલે પેન્સિલ​વેનિયાની એક મોંઘીદાટ સ્કૂલ​! જ્યાં ન્યુયોર્કના નબીરાઓ ભણ​વા જઈ શકે. આપણાં જેવાં નબળાં-ગરીબ લોકોનું કામ નહીં, હોં! સુઘોષના હાથમાં રાતી કોડી – રાતી પાઈ પણ ન મળે અને પૈસા ક્યાંથી આવશે, એની કોઈ બીક કે ભય પણ ન મળે! હ​વે આ છોકરાને કોણ સમજાવે?

મને કહેલું કે : “૩૦૦ ડોલર ઉછીના આપ.” હું બાપલડી મારું માંડ માંડ પૂરું કરતી હતી. પતિદેવ તો બહારગામ કામ કરતા હતા. એ જમાનામાં મારી પાસે પણ ૩૦૦ ડોલર એક્સ્ટ્રા હોવા જોઈએ ને! પણ​, આ નાગર પુત્રનું, કુંવરબાઈનું મામેરું ભરાઈ ગયું – એક મિત્ર પાસેથી! મેં ઉછીના માંગી એને ફરી બસમાં બેસાડી ર​વાના કર્યો. સુઘોષ એટલો બધો કુશળ અને બાહોશ માણસ, કે વગર પૈસે, વગર લાગ​વગે, પોતાની બુદ્ધિ, વાચા અને કુશાગ્રતાથી બકનેલમાં માસ્ટરનું ભણ​વા બેસી ગયો … આ બાજુ અમે સૌ મોઢામાં આંગળાં નાખી જોઈ જ રહ્યાં!

મુંબઈથી પોતે ફિઝિકલ થૅરપિસ્ટનું ભણીને અને પાંચ વર્ષનો અનુભવ લઈને તો આવેલો જ​. પણ​, ફિલૉસૉફીમાં માસ્ટર ડિગ્રી લેવી, એવું એનું ગાંડપણ હતું. આમ​, બકનેલ યુનિવર્સિટીથી એનાં અમેરિકન જીવનનો સંઘર્ષ ચાલુ થઈ ગયો. કૉલેજ ચાલતી હોય​, ત્યારે તો રહેવા-જમ​વાની વ્ય​વસ્થા હોય​. પણ​, ઉનાળાનાં વૅકેશન, ક્રિસમસ વૅકેશન … વગેરેમાં ભાઈ દિવસો સુધી ભૂખ્યો રહેતો હતો. જે વાત મને હ​વે સમજાય છે.

ક્યારેક આવાં વૅકેશન દરમિયાન ગાડી મારી મૂકતો અને ફિલા આવતો. પાછા જ​વાનાં પૈસા ન હોય​, તો હું ગાડીમાં ગૅસ ભરાવી ઘર ભેગા થવાનાં પૈસા આપતી. અમે બધાં અલ્લડ જુવાન હતાં. અમે સુઘોષનાં ભૂખ​, દુ:ખ​, વ્યથા અને સંઘર્ષોની વાત પણ ન કરતાં. મસ્તી-તોફાનમાં જ જલસા જલસા કરતાં.

પૈસા વગર ચાર વર્ષ ભણી ગણીને છેવટે સુઘોષે પેન્સિલ​વેનિયામાં જ ફિઝિકલ થૅરપિસ્ટ તરીકે કામ ચાલુ કર્યું. છેલ્લાં ૩૦-૩૧ વર્ષમાં અમે વારંવાર મળતાં જ રહેતાં. જેમ જેમ મોટા થતાં ગયાં, તેમ તેમ એકબીજાંને વધુ સમજતાં થયાં છીએ. પણ​, છેલ્લાં પાંચ વર્ષથી સુઘોષ ફિલા.માં રહે છે.

સુઘોષ મઝમુદાર અને કવિ હરીશ મીનાશ્રુ

સામાન્ય રીતે કે અસામાન્ય રીતે, મારાં ગામમાં સુઘોષ આવે તો એનું નિવાસસ્થાન તો મારાં ઘરે જ હોય ને! આવો વણલખ્યો કાયદો છે. પહેલાં ૪-૬ મહિના શાંતિથી સાથે ખાધું-પીધું ને રાજ કર્યું. ત્યારબાદ ખંજર મીયાંએ પીઠમાં નહીં, પણ છાતી ઉપર જ ખંજર માર્યું! બાજુમાં રહેતા સાક્ષર​, વાચક, વિવેચક​, પ્રેમસભર બાબુભાઈની સંગતે ચડીને હળ​વેકથી બાબુભાઈની માથે પડ્યો છે. સુઘોષ અને બાબુભાઈ બંને લોકો જગતનાં (… ..) સાહિત્યનાં આજીવન વિદ્યાર્થીઓ છે. રોજ સાંજ પડ્યે એમનાં પગથિયે ૪-૬ પુસ્તકો અને ૨-૪ જગ મશહૂર મૂવીઓ આવે. તો આ બંને સાથે બેસી દસ​-દસ​, બાર​-બાર કલાકની મૂવીઓ જુવે. એનાં પર ચર્ચા-વિચારણા કરે. તેથી તેમને મારી કંપની નબળી જ લાગે ને!

પ્રેમનો સંબંધ તો (… .)ની જાળ​વણી સાથે છે, એમ માની મેં સુઘોષને કાઢી નથી મૂક્યો. અમારી દોસ્તીમાં ઘોબો પડ​વા નથી દીધો. કારણ કે સુઘોષ એક અચ્છો માણસ છે. અમે બધાંએ હંમેશાં સુઘોષને આખો ને આખો જોયો છે. અમારી સાથે ખીલી ઊઠ્યો છે, ખૂલી શક્યો છે. અમે બધાં એને ઝીલી શક્યાં છીએ અને પોતે હજુ સુધી હિલ્લોળા લેતો ઝૂલી રહ્યો છે!

સુઘોષ હંમેશાં તમામ સ્ત્રીઓને કહેતો ફરે છે કે : “જો હું આ પૃથ્વીનો રાજા હોઉં, તો કોઈ પણ સ્ત્રીને ક્યારે ય રસોઈ કર​વી ન પડે!” વાત તો ભાઈ સાચી હોં! સુઘોષનું નિવાસસ્થાન એક જ એવું છે, જ્યાં રસોડાની તમામ કૅબિનેટ્સ પુસ્તકોથી ભરપૂર હોય અને દિવસમાં ત્રણ​‌-ચાર વાર બહારથી ગરમાગરમ રસોઈ આવી જાય​! એનાં ઘરનું વર્ણન કરું, તો બીજાં દસ​-બાર પાનાંનો લેખ થઈ જાય​. ટૂંકમાં કરું તો પણ ​… !

આ રખડતા માણસે પેન્સિલવેનિયામાં એક મોટો ગંજાવર બંગલો ભાડે રાખ્યો છે. જ્યાં પોતે વરસમાં ૧૦-૧૨ વખત જતો હશે, પણ હજારો લોકો પાસે ઘરની ચાવી છે. ઘરને તાળાં નથી. પ્ર​વેશતાં જ સામે માઇલ જેટલો લાંબો ડ્રાઇવ વૅ છે. સો-બસ્સો વૃક્ષો પાછળ તળાવ અને ૪ ગાડી રહે એવડું મોટું ગરાજ​! ૪-૫ બેડરૂમ અને રાચરચીલાંથી ભરપૂર મહેલ છે, બાપુ!! રાત્રે ઊઠીને પેશાબ લાગે, તો એકલાં બાથરૂમમાં જતાં પણ ફાટી પડાય​! ગરાજમાં જરા પણ અતિશયોક્તિ વગર કહું તો ૧૦૦-૨૦૦ કમ્ફર્ટર, ઓશીકાં, ચાદરો મળી રહે. શું કામ … ખબર છે? કોઈપણ નવા મહેમાન આવે ત્યારે, દોડતો’ક જ​ઈને સુઘોષ નવી ચાદર​, ઓશીકાં, કમ્ફર્ટર લાવે છે. એ જૂની વાપરેલી ચાદરો કે કમ્ફર્ટર ધોવાની માથાકૂટમાં નથી પડતો. મિત્રો માટે અડધો અડધો થઈ જાય ​… સાવ હૈયાકૂટો છે! પોતાના તમામ પૈસા ખૂટી જાય​, ત્યાં સુધી ઘસાઈ શક્તો શક્તિમાન​, બેતાજ બાદશાહ છે. આ રંગમહેલમાં લાખો પુસ્તકો અને લાખો વીડિયો મૂવીઝ છે. તમારે કમ્પલસરી એક મૂવી જોવી જ પડે. જેનું નામ છે, સત્યજીત રે નું ‘જલસાઘર.’ એ મૂવી જોયા પછી સમજાઈ જાય કે જલસાઘરનો જાગીરદાર કે જમીનદાર માણસ એટલે એ પોતે! બીજું કોઈ નહીં. પણ​, સાક્ષાત્‌, સદેહે તમારી સામે હાજરાહજૂર ઊભેલો સુઘોષ પોતે!!!

એની રોજિંદી વાતોમાં ખાસ એ આવે કે તબિયતની કાળજી શી રીતે રાખ​વી, શું ખાવું-પીવું અને કેટલી કસરત કર​વી! વાંચનનો આમરણાંત વિદ્યાર્થી છે. એટલે એ બધાંને એક સલાહ આપે કે : “જગતના મહાન લેખકો મુખ્યત્વે ન​વ છે. એમને વાંચ્યા પછી જ કલમ હાથમાં ઉપાડવાની … જેમ કે, હોમર​, વર્જીલ, દાન્તે, શેક્સપિયર​, મિલ્ટન​, સર​વાન્ટીસ​, ટોલ્સ્ટોય​, દોસ્તોયેવસ્કી, જેમ્સ જોયસ અને માર્શલ પ્રુસ્ય​.”

દરરોજ મશ્કરી કરે કે : “મારો બાપ​, મારી મા અને આ સૂચિ … એ બધાં ‘C’ કક્ષાનાં લેખકો છે!”ત્યારબાદ અમારાં અંગત લોકોને ગ્રેડ આપે. બાબુ સુથાર ‘B’ કક્ષાના અને મધુ રાય એકલા ‘A’ કક્ષાના. આ રીતે જગતના લેખકોની હારમાળામાં મૂકે. લુચ્ચું હસતાં કહે કે : “હું લોકોને ‘C’ ગ્રેડથી નીચે ગ્રેડ નથી આપતો.” બોલો! મારાં ઘરે તો છાશ​વારે મોટા મોટા સાહિત્યકારો આવે. ભલભલાં લોકોને સુઘોષનો ડર લાગે. હું એને મશ્કરીમાં કહું છું કે : “તું કઈ વાડીનો વિવેચક છે કે અમારી આમ પત્તર રગડે છે!” મારે ત્યાં આવતાં તમામ મહેમાનોને લોંગ​વુડ ગાર્ડન, સ્ટ્રક્ચરલ ગાર્ડન અને પોતાનાં નિવાસસ્થાને આગ્રહ કરી કરીને અચૂક લઈ જાય​. બહુ પ્રેમથી રાખે અને દોડી દોડીને આવાં જગ મશહૂર સ્થળોનું દર્શન કરાવે. તમે જો જગતના મહાન લેખકોને વાંચ​વાની તૈયારી બતાવો, તો તમારે ઘરે ‘કોઝીઝ ઑફ ગ્રાંટ અમેરિકા’ની ચોપડીઓ અને વીડિયોનો રોજ સાંજે વરસાદ પડે, પડે ને પડે જ​! તમે તો ગભરાઈ જાવ કે આટલું બધું લેસન કેમ કરશું! વાંચતાં વાંચતાં કે લેસન કરતાં કરતાં ગોથું ખાવ, ને સુઘોષને ફોન કરીને પૂછો, તો તમને નોકરી છોડી, હડી મેલતો ભણાવ​વા આવે!

આમ પાછો બહુરૂપિયો છે. જાતજાતનાં કપડાં પહેર​વાનો શોખ છે. નાટકિયો અને ફારસિયો છે. મુસલમાની ઢબ​-છબનાં રંગીન, ચકચકિત કપડાં પહેર​વાનો શોખીન છે. એક વખત કોઈ મોટા ખાં-સાહેબનો જલસો પીટસબર્ગનાં મંદિરમાં હતો. ત્યાં આવા વેશ કાઢી, એક સામાન્ય શ્રોતા તરીકે ગયેલો. ખાં-સાહેબ મોડા પડેલા. તો આ ભાઈસાહેબને જોઈને ઑર્ગેનાઇઝર લોકોને થયું કે ખાં-સાહેબ આવી ગયા! સુઘોષને ધામધૂમ સાથે સ્ટેજ પર લ​‌ઈ ગયા. આપણો બાપલિયો પાછો ઠાઠથી સ્ટેજ પર ચડી પણ ગયો! ગુજરાતી એકૅડેમીનાં કોઈ પણ ફંક્શનમાં આવા વેશ કાઢીને જ આવે છે. ત્યારે હું એને હંમેશાં કહું છું કે : “મારી પાસે ન બેસતો હોં … બધાં મને પૂછે છે કે આ ભાઈ કોણ છે?”

સુઘોષને જિંદગીમાં કોઈ ટાઇમટેબલ નથી. જેથી પરણ્યો પણ નથી. એકલો રહે છે. કારણ કે એને પત્ની કરતાં સ્વતંત્રતા વધુ વહાલી છે! મૅરેજ ઇન્સ્ટિટ્યૂટનો વિરોધી છે. હંમેશાં ગાતો ફરે છે : “આ પૃથ્વીનું હું પુષ્પ​, માન​વી ગુલામ ​…”

સાવ ખિસકોલી જેવો છે. ક્યાં કૂદકો મારશે એ ખબર ન પડે! આપણને કહે કે : “દસ મિનિટમાં આવું છું.” અને બે કલાક પછી ખબર પડે કે ભાઈ તો કેલિફોર્નિયા જ​વા માટે ઍરપૉર્ટ પર બેઠા છે! ગામે ગામ નોકરી કરે. ગમે ત્યારે નોકરી છોડી, મહિનાઓ સુધી યુરોપના પ્ર​વાસે ઊપડે! ઇટાલીનાં ફ્લોરેન્સ મ્યુઝિયમમાં આપણા મધુસૂદન કાપડિયાને ‘હલ્લો’ કરતો મળે!

એક બીજી પણ ખાસિયત છે … હજારો મિત્રો છે. પણ કોઈ પણ મિત્રની વાત કરે, ત્યારે પુરુષ મિત્ર મહેમૂદ અને સ્ત્રી મિત્ર એટલે ઝુબેદા! આપણે પૂછીએ કે “ઈ કોણ​?” ત્યારે જ​વાબ મળે કે, “આ મેં પાડેલાં જિનેટિક નામ છે.”

પોતે સાવે સાવ નાસ્તિક માણસ છે. ભગ​વાન કે અલ્લાહમાં માનતો નથી. પણ ચુસ્ત​, હળાહળ હિન્દુઓને ચીડ​વ​વા-મસ્તી કર​વા માટે જોર​-શોરથી બોલતો ફરે છે : “સલામ આલેકુમ​. ખુદા હાફિઝ. લા ઇલાહી ઇલ્લલા મહમદ રસુલ અલ્લા.” અમારાં ખોજા મિત્રનાં બાળકો તો એને કોઈ મોટો સૂફી સંત માની એના હાથ ચૂમે છે. અરે! ‘જય સ્વામીનારાયણ’ બોલતાં લોકોને ભરી છાતીએ સામે બોલે છે : ‘જય તાલિબાન​.’

‘વસુધૈવ કુટુંબ’ જેવડો એનો સંસાર મોટો છે. મિત્રોને પ્રેમ કર​વો, કોઈ પણ માટે ખડે પગે ઊભા રહેવું, મદદ કર​વી અને એનો લેશમાત્ર ભાર ઉભય પક્ષે ન રહે, એવી દિલોજાની શીખ​વી હોય તો … પતિદેવની ભાષામાં કહું તો ‘આ બાઘડાને મળો!’

કોઈની ગાડી ન્યુયોર્કમાં ફસાઈ જાય તો પોતે ભલે ને પેન્સિલવેનિયામાં હોય​. પણ (પાઇક) ઉપરથી પાછો ફરી, ન્યુયોર્ક જઈ, પોતાનું ટ્રિપલ એ કાર્ડ વાપરી ગાડી સમી કરાવે. મિત્રોનાં જુવાન બાળકોને ગાડી આપે. ઇન્ટર​વ્યૂમાં લાંબે અંતરે જ​વા પ્લેનની ટિકિટ કઢાવી આપે. રાત્રે રહેવા માટેની મોટેલ બુક કરે. સાવ અજાણી વિધ​વા સ્ત્રીને ૫૦૦ માઇલ ભાગી રાઇડ આપે. નોકરી મળે ત્યાં સુધી રહેવાં-જમ​વાની વ્ય​વસ્થા કરે.

આ બધાં ઉપરાંત એક મોટી ઉંમરનાં દંપતીને તો ગંજાવર મહેલનાં માલિક બનાવી દીધાં છે. સાવ ‘બાગબાન​’ મૂવી જેવી વાત છે. દીકરા-વહુએ દગો દીધેલાં ઘરડાં મા-બાપને પ્રેમથી સાચ​વે છે.

મોટાં, પહોળાં ક્ષેત્રમાં પથરાયેલા સુઘોષને શબ્દોમાં પરોવ​વો અઘરો છે. આ છોકરા પાસેથી એટલું શીખી છું કે ભગ​વાનની પૂજા કરતાં પણ વિશેષ, મિત્રો સાથે કરેલી મિજબાની છે. મારું અહોભાગ્ય છે કે હું પણ એની જિનેટિક ઝુબેદા ડોશી છું!

e.mail : girishsuchi@comcast.net

Loading

ગાંધીનો દાંડી પીટનારો

મહાવીર ત્યાગી|Opinion - Opinion|12 December 2020

પહેલા વિશ્વયુદ્ધમાં ફૌજી નોકરીમાં મને ઈરાન મોકલવામાં આવ્યો હતો. ત્યાંથી બલુચીસ્તાન આવ્યો અને 1920માં અમે દેશ ભેગા થયા કે તરત જ હું ગાંધીજીને મળવા સીધો અલ્હાબાદ પહોંચ્યો. ત્યારે ખાદીનાં કપડાં સીવડાવી લેવા જેટલો પણ હું થોભ્યો નહોતો. છાપામાં ગાંધીજીની અપીલ વાંચી હતી એટલે નોકરીનું રાજીનામું આપીને જ આવ્યો હતો. આનંદભવનમાં પંડિત મોતીલાલ નહેરુ, મહાત્મા ગાંધીજી અને મૌલાના મહમદઅલી–શૌકતઅલી અંદરઅંદર ચર્ચા કરી રહ્યા હતા; છતાં મને એમની સમીપ જવાની રજા મળી ગઈ. ત્યાં બેસવા માટે ખુરશી આપી એટલે તરત જ મહાત્માજી આગળ મારો બધો વૃત્તાંત કહી નાખ્યો. છેવટે પ્રાર્થના કરી : ‘મને કાંઈ કામ બતાવો.’

ગાંધીજી હસીને બોલ્યા : ‘જે કામ બતાવું તે કરશો?’

મેં કહ્યું : ‘જરૂર કરીશ.’ એટલે ગાંધીજીએ જણાવ્યું : ‘જાવ, એક નગારું ખરીદી દાંડી પીટજો.’

મેં નમસ્કાર કર્યા અને પાછો આવ્યો. મનમાં વિચાર્યું કે કામ તો સહેલું છે! એમાં કંઈ બુદ્ધિની ખાસ જરૂર પણ નથી. ફક્ત એક નગારું ખરીદી લાવવાની વાર છે – પછી દાંડી પીટી દઈશ. શેની દાંડી પીટીશ તેનો વિચાર કરતો હું ઘરે પહોંચ્યો. ઘરે પહોંચ્યા પછી ગાંધીજીની આજ્ઞા મુજબ ખરેખર દાંડી પીટવા માંડી. ત્યારથી તે આજ દિન સુધી મારું કામ કૉંગ્રેસની દાંડી પીટવાનું રહ્યું છે. હવે તો મને પણ સમજાય છે કે જે કામ મને સોંપવામાં આવ્યું હતું તે કામ ભારે જવાબદારીવાળું અને સારું હતું. એ કામ કરતાં કરતાં જ તો હું નેતા બની ગયો છું.

પહેલાંના જમાનામાં મહેતર લોકો દાંડી પીટવાનું કામ કરતા હતા. એટલે જ્યારે એ કામ મેં ચાલુ ર્ક્યું ત્યારે એ કામને મહત્ત્વ મળી ગયું. જ્યાં ચાર રસ્તા મળ્યા કે એક મૂડો મુકતો ને એના પર હું ઊભો થઈ જતો. કાં તો ઢોલ બજાવતો; કાં તો બ્યુગલ ફૂંકતો ને કાં તો ઘંટ વગાડતો. એનાથી ભીડ થઈ જતી. પછી મહાત્મા ગાંધીજીની આજ્ઞાઓનો પ્રચાર શરૂ કરતો. ભીડ વધવા માંડી, ત્યારે પતરાનું ભૂંગળું લઈ આવ્યો; કેમ કે એની મદદથી અવાજ દૂર સુધી પહોંચતો. થોડા જ દિવસોમાં મારા શહેરના લોકો મને ઓળખી ગયા. બજારના લોકો તો ચહેરા પરથી ઓળખી શકતા; પરંતુ દૂર છાપરાં અને અગાસીઓ પર બેસીને સાંભળતી બહેનો તો મારા માથાની ટાલ પરથી મને ઓળખતી થઈ. કોઈ પણ આગેવાન માટે આટલી વાત ઘણી મોટી હતી કે ચારે તરફથી લોકો એને ઓળખી લે. મારી આગેવાનીની શરૂઆત દાંડી પીટવાથી થઈ.

●♦●

જવાહરલાલનું ધોતિયું

સન 1921માં ખાદી મળે; પણ 30 ઈંચના પનાની. ઉત્તર પ્રદેશની સ્ત્રીઓને જાડું સૂતર કાંતવાની ટેવ હતી. અમે બધા ઘૂંટણ સુધીનું ધોતિયું પહેરીને ચલાવતા. નાહ્યા પછી તેને નીચોવવા માટે પણ કોઈ સાથીને મદદમાં બોલાવવો પડતો. અથવા એક તરફનો છેડો પગ નીચે દબાવી, પાંચ ઈંચનું આ જાડું દોરડું આમળવું પડતું.

એ દિવસોની વાત છે. ગાંધીજીએ જ્યારે કૉંગ્રેસના એક કરોડ સભાસદ નોંધવાનો અને ‘તિલક સ્વરાજ ફંડ’માં એક કરોડ રૂપિયા એકઠા કરવાનો આદેશ આપ્યો હતો. એ વર્ષે અમારી પ્રાંતિક સમિતિના મંત્રી હતા : સ્વ. કપિલદેવ માલવિય, ગૌરીશંકર મિશ્ર, જીયારામ સક્સેના અને જવાહરલાલ નેહરુ.

એ દિવસોમાં બીજનૌર જિલ્લામાં મારું કાર્યક્ષેત્ર હતું. અમારા બધામાં વધારેમાં વધારે ફૅશનેબલ તરીકે જવાહરલાલને ગણવામાં આવતા. એ જ્યારે બીજનૌરમાં ફરવા આવ્યા, ત્યારે એમણે જે ધોતિયું પહેરેલું હતું તે દોઢ પનાનું હતું. 30 ઈંચ પનાના થાનમાં, પંદરથી અઢાર ઈંચનો એક બીજો પટ જોડેલો હતો. એથી એમનું ધોતિયું નીચે ઝૂલે એવું બન્યું હતું અને છેક ઘૂંટીની નીચે સુધી પહોંચતું હતું. ત્યારે પાંચ વારનું પહેરવાનો સામાન્ય રિવાજ હતો, ચાર વારનું ધોતિયું ચાલુ થયું નહોતું. જવાહરલાલ પણ પાંચ વારનું ધોતિયું પહેરતા અને બંગાળીઓની માફક સામે પાટલીની કલ્લી ઝૂલતી રાખવાને બદલે, એના વડે ભેટ બાંધી દેતા. એમનું જોઈ અમે પણ દોઢ પટનાં ધોતિયાં સીવડાવી લીધાં. મને બરાબર યાદ છે કે લોકો કૉંગ્રેસના સભાસદ થતાં ઘણા ગભરાતા હતા. પચાસ ઘર ફરીએ ત્યારે માંડ ચાર–પાંચ સભાસદો નોંધી શકાતા. સવારથી સાંજ સુધી ફરતા રહેતા અને ચાર–પાંચ જણાને પણ નોંધી શકતા, તો અમે ધન્ય બની જતા. શહેરમાં જેટલા સભાસદ થાય તેમનાં નામ અમને મોઢે રહેતાં.

જવાહરલાલ નેહરુના આવવાથી અમારી હિંમત વધી ગઈ. એ અમારી સાથે કૉંગ્રેસના સભાસદ નોંધવા નીકળી પડ્યા. એક દુકાને ફાળો ઉઘરાવા એમણે એમનું પહેરણ સામે ધરી દીધું – જાણે ભિક્ષા માગતા હોયને! એની એવી તો અસર થઈ કે, અમે ગાંડા જેવા થઈ ગયા. અમે બધા દિવસ અને રાત, રાત અને દિવસ કામ કરતા હતા. ત્યારે મોટરોનો રિવાજ નહોતો. ઘણું કરીને પગે ચાલીને જ અમે ફરતા. આપણા વડા પ્રધાન નેહરુને અમારી સગી આંખે સાધારણ ચંપલ પહેરીને રાયબરેલી, પ્રતાપગઢ, વગેરે ક્ષેત્રોનાં ગામેગામ અને જંગલ કે ઝાડીઓમાં પગે ચાલીને જતા જોયા છે. કેવો જુસ્સો હતો, કેવો ઉમંગ હતો કેવો ઉત્સાહ હતો! વિદ્યાર્થીઓનાં ટોળેટોળાં એમનું ભાવિ મૂઠીમાં લઈ ઊલટભેર કૉંગ્રેસની આગેવાની નીચે સ્વાતંત્ર્યના આંદોલનમાં ભાગ લેવા આવતાં હતાં.

એ આંદોલનના પ્રતાપે જ આજે આપણો દેશ સ્વતંત્ર થયો છે. મારું એ કહેવું છે કે, જ્યારે પણ કોઈ સાર્વજનિક આંદોલન શરૂ કરવું હોય ત્યારે એને માટે નાનામાં નાનું કામ કરવામાં અપમાન ના સમજવું જોઈએ. જઈને જુઓ દુનિયાભરમાં, ફાવે તો ઇતિહાસોમાં જોઈ લો. આ સંસારમાં જેટલાં પણ મહત્ત્વનાં આંદોલનો ચાલ્યાં છે; પછી એ ગૌતમ બુદ્ધે ચલાવ્યું હોય કે ઈસુ ખ્રિસ્તે કે મહંમદ પયગંબરે કે પછી રાજકારણમાં પડેલા નેતાઓએ ચલાવ્યું હોય; એ બધાં આંદોલનો ભિક્ષુઓની મારફતે ચાલ્યાં, ત્યાગના બળ ઉપર ચાલ્યાં છે, ભૂખે પેટે અને પગે ચાલીને થયાં છે. મોટરો, હૉટેલો અને ‘મટનચૉપ’ મારફતે પણ પ્રચાર તો થઈ શકે છે; પરંતુ એ પ્રચાર સાર્વજનિક બની શકતો નથી. અને એમાંથી સમૂહ–આંદોલન સંભવતું પણ નથી. મારો અનુભવ છે કે દાંડી પીટવા જેવાં નાનાં કામમાંથી એક વ્યક્તિ ઊંચું પદ મેળવી શકે છે – શરત એટલી કે એ એમાં રત થઈ જવો જોઈએ.

આજે તો હું ભારતનો રક્ષા–સંગઠન મંત્રી છું. એમ છતાં બેચાર દિવસ પહેલાં જ દહેરાદૂનમાં ઢોલ બજાવીને જગ્યાએ જગ્યાએ જાહેરાત કરતો ફર્યો છું કે, ‘આપણા નગરમાં જવાહરલાલ નેહરુ પધારે છે. સહુ ભાઈ–બહેનોએ પુષ્પમાળા લઈ સડકોની બન્ને બાજુએ ઊભા રહી એમનું સ્વાગત કરવું જોઈએ – એમનાં દર્શન કરવાં જોઈએ. એમની મોટર હું ધીરેધીરે ચલાવરાવીશ, જેથી આપ લોકો પેટ ભરીને એમનાં દર્શન કરી શકો.’ દાંડી પીટવાનો પોર્ટફોલિયો તો મને મહાત્મા ગાંધીજીએ સોંપ્યો છે અને મિનિસ્ટ્રી જવાહરલાલની આપેલી છે. જો આ બે વચ્ચે ક્યારે ય પણ ઝઘડો થશે તો જવાહરલાલનો પોર્ટફોલિયો છોડી શકાશે; ગાંધીજીએ આપેલો નહીં છૂટે.

•••••••••••

લેખકના ‘નગારખાનામાં તતૂડીનો અવાજ’ (પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, ભદ્ર પાસે, અમદાવાદ અને પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ – 2, પ્રથમ આવૃત્તિ : 1962, ત્રીજી આવૃત્તિ : 2001, પાન :152, મૂલ્ય : રૂપિયા : 20, પ્રાપ્તિસ્થાન : લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર : પુસ્તકના પાન 68 ઉપરથી સાભાર.

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ ત્રીજું – અંકઃ 144 – March 09, 2008

આ પોસ્ટ વૉટ્સઍપ વાટે ફેર મોકલાઈ : 2020-08-28

@@@

Loading

‘મારી ખીર શરૂ કરાવી દે’

મહાવીર ત્યાગી|Opinion - Opinion|12 December 2020

સને 1938માં દહેરાદૂન જિલ્લાની જમીનોની સરકાર તરફથી તપાસ શરૂ થઈ હતી. પહેલાં મેં આવો બંદોબસ્ત થતો જોયો ન હતો. એટલે મારે માટે એ વાત નવી હતી. એમાં આખા જિલ્લાની જમીનનાં માપ લેવાય. પછી દરેક ગામના ખેડૂતો અને જમીનદારો ઉપર નોટિસ નીકળે. એમાં જણાવવામાં આવે છે કે, તમારા ખાતામાં અમુક અમુક નંબરો છે. એ જમીન ‘મૌરૂસી’ (વારસાગત) છે કે ‘શિકમી’ (સાંથે), ‘સૂફી’ (ચોમાસુ) છે કે ‘પીત’ની, એ જમીન ઉપર મહેસૂલ કેટલું છે અને કેટલા દિવસથી તમારો કબજો છે તે જણાવો. બધાં જ ગામના ખેડૂતોએ વહિવટી ખાતાની કચેરીએ પહોંચી બધી વાતની સચ્ચાઈની ખાતરી કરાવી સહી – અંગૂઠા કરવા પડતા.

ઓચિન્તો મને વિચાર આવ્યો કે લાંચરૂશ્વત અટકાવવી હોય અને સાથે ખેડૂતોને ય મદદ કરવી હોય તો આથી વધારે સારો અવસર જિન્દગીભર ફરી નથી મળવાનો. થઈ રહ્યું. મેં ઘોષણા કરી દીધી કે, ગામેગામના ખેડૂતો પગે ચાલતા સરઘસ કાઢીને દહેરાદૂન આવે અને મારા ‘રૈનબસેરા’ (મારા ઘરનું નામઃ ‘રાતવાસો’)માં મુકામ કરે. ખાવાપીવાની સગવડ પણ ત્યાં હશે અને કાયદાકાનૂનની સલાહ પણ ત્યાં મફત મળશે. પછી તો શું? દિવસમાં કેટલાં ય સરઘસો ગીતો ગાતાં અને ‘જય’ પોકારતાં ‘રેનબસેરા’માં આવવાં લાગ્યાં. ગાંધીજીની જય દસ વાર બોલે તો મારી પણ બે વાર બોલે! રોજ બસોત્રણસો માણસ આવે, વિશ્રામ કરે અને રાતે સૌ ફરિયાદ સંભળાવે. બીજા દિવસના સવારે દસ વાગતાં સુધીમાં તમામ અરજીઓ તૈયાર થઈ જતી. પછી એ કાફલો સરઘસના રૂપમાં મારી સાથે કચેરીએ પહોંચતો. હું અને કોન્ગ્રેસના મારા સાથીદારો આખો દિવસ કચેરીમાં ચોંટી રહેતા. ત્રીજો પહોર થાય એટલે લંગર (રસોડું) ખોલવામાં આવતું. બધા માણસો દાળ–ભાત, ચટણી અને છોલ્યા વગરનાં બટાકા–ટામેટાંનું શાક ખાઈને પાછા ચાલ્યા જતા.

જનસેવાનાં કામમાં મને એક વિચિત્ર અનુભવ થયો છે. જો કોઈ વ્યક્તિ તન્મય થઈને સેવાકાર્યમાં લાગી જાય અને પોતાને લુંટાઈ જવા દે તો લોકો એને લુંટાવા દેતા નથી. એના પર લટ્ટુ થઈ જાય છે. માત્ર આઠ દિવસ મારા દાળ–ચોખા ખાધા પછી ખેડૂતોમાં એવી હવા ફેલાઈ ગઈ કે જે આવે તે તેની સાથે લોટ, દાળ કે ચોખાની પોટલી બાંધતો આવે. કોઈ કોઈ વાર તો ગુણની ગુણ ભરીને લેતા આવે. શી વાત! સીધું ભરપૂર મળી રહેતું. એમાંથી એકલું ખાવાનું જ નહીં; પેલા મુનશીઓનો પગાર અને વકીલોની ફી પણ નીકળી જતાં. આ કામ છ મહિના સુધી રોજ ચાલ્યું.

જ્યારે કોઈને કામ ઘણું રહેતું હોય ને એ સમયે એની પત્ની (નામ : શર્મદા) મરી જાય ત્યારે એણે, સતત રમૂજ કરતા રહેવાની પોતાની ભૂખ પણ, એણે પોતે ઉપાડેલા કામ કરતાં કરતાં જ સંતોષવી પડે છે. જ્યારે કોઈ ખેડૂત પોતાની વાત કહેવા મારી સામે ઊભો રહેતો ત્યારે હું એને કહેતો, ‘પહેલાં નક્કી કરો કે તમારું કામ થઈ જાય, ત્યારે મને થાળી ભરીને ખીર ખવડાવશો?’ આખી સભા હસી ઊઠતી. એ જવાબ આપે, ‘ખીર તમનેયે ખરી ને તમારા કૂતરાને ય ખરી.’ જો કોઈ ખીરની વાત ભૂલી જાય તો હું એને ધમકાવતો –‘તમારી વાત તો કહેતા જાઓ છો, ને મારી વાત તો ભૂલી જવાની, એમ ને? માળા, કંજૂસ!’ બધા લોકો એકબીજા તરફ આંખ મારતા ને હસતા. આ રીતે મારી પાસે કંઈ નહીં તોયે હજાર ખીરની થાળીઓનાં વચન પડેલાં છે. આખી જિન્દગી સુધી ખાઉં તો ય ખૂટે તેમ નથી. અને હવે તો રાજકીય વારસાનો રિવાજ પડ્યો છે એટલે મારા પછી મારા છોકરાંને ખીર ખાવાનો હક રહેવાનો. આ ખીરવાળા મારા સાથી ખેડૂતો જ મને મત આપીને પાર્લામેન્ટમાં મોકલે છે.

જમીનોનું કામ પૂરું થયું એટલે વ્યક્તિગત સત્યાગ્રહ કરવાનો આવ્યો, એમાં જેલની સજા થઈ. એકાદ વરસ પછી છુટ્યો કે પાછો જેલમાં ગયો. આ અમારો છેલ્લો જેલવાસ હતો. બે વરસ પછી પાછો ફર્યો ત્યારે ‘રેન બસેરા’માં ભાડૂતો રહેતા હતા. માત્ર મોટરનું ગૅરેજ અને ઘાસ ભરવાની ઓરડી ખાલી હતી. આવડું મોટું ઘર અને હું તો એકલો! સામાન ઘાસમાં મુકાવી હું આમથી તેમ ફરવા લાગ્યો. મન જ્યારે વર્તમાનને ભૂલીને ભૂતકાળના કોઈ પ્રસંગમાં અથવા ભવિષ્યનાં કોઈ સ્વપ્ન કે કલ્પનામાં ડૂબી જાય છે, ત્યારે આ શરીર પણ મનની આજ્ઞા લીધા વગર શાસનમુક્ત થઈને જૂના સ્વભાવ ને ટેવ અનુસાર કામ કરવા માંડે છે.

સામે કાંટાળા તારની વાડ હતી. તેમાં થઈને હું પેલી પાર પહોંચ્યો. અંદર ફૂલવાડી બનાવી હતી. એક બાજું જંગલી ગુલાબનું ઝૂંડ હતું ત્યાં પહોંચ્યો. એના પર નાનાં નાનાં ગુલાબો ભરચક ખીલ્યાં હતાં. ફૂલોની વેરાયેલી પાંખડીઓ એમની અનાથ અવસ્થા જણાવતી હતી. એમાંથી એક ફૂલ તોડીને મેં સુઘ્યું તો શર્મદાના અંબોડાની મહેક આવી ગઈ. જ્યારે શર્મદા યુ.પી. ઍસેમ્બલીની મૅમ્બર હતી ત્યારે તેણે આ ગુલાબની કલમ ગવર્નરની મડમ પાસથી આણી હતી. કહેવાય છે કે એ ગુલાબને વિલાયતના કોઈ પ્રદર્શનમાં ઈનામ મળ્યું હતું. અસલમાં આ શર્મદાએ વાવેલો છોડ હતો. એ વધ્યો તેમ તેમ અમે પતિપત્ની એની નવી કૂંપળો, પાંદડાં અને કળીઓ જોયા કરતાં હતાં. શર્મદા એનાં ફૂલો પોતાના અંબોડામાં નાખતી હતી. મારા પગને આ તરફ આવવાની ટેવ પડેલી તે અહીં લઈ આવ્યા. એક ફૂલ સુંઘતાં જ એવું લાગ્યું કે આ ફૂલમાં કોઈનો આત્મા વસેલો છે. અને એકદમ મારા આખા શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. હું લાગલો જ ઉર્દૂનો શેર બોલી ગયો. એનો અર્થ મારા સિવાય બીજો કોઈ સમજી શકવાનો નથી.

અપને ચમનમેં ઘુમતા હું, મિસ્લે અજનબી,
હૈ શાખો-શજર સબ વહીં; પર આશયાં નહીં.

દુનિયામાં ધીરજ પણ એક એવી ચીજ છે, જેનો સહારો લઈને સંસારમાં જેમને દુઃખ પડ્યાં હોય તે બધાં એમનાં દુખી દિલને દિલાસો આપે છે. આમ તો આંસુઓથી જીવની જ્વાળા હોલવાતી નથી; છતાંયે જરાક ઠંડક તો મળે છે. એ વખતે જે જે વાતોથી બીજાનું દિલ દુભવ્યું હોય તે તે યાદ આવે છે. પણ પંખી ઊડી ગયા પછી પશ્ચાત્તાપ કર્યો તોયે શું! મરેલાં પાછાં આવી શકે એ સંભવિત હોત તો દુનિયાનો રંગ જ જુદો હોત.

પત્નીવાળાઓને મારી સલાહ છે કે : જે કરવું હોય તે કરે; પણ રાતે પત્ની દૂધનો પ્યાલો આપે તો એને પથ્થર પર પછાડશો નહીં. એમ ન કહેશો કે તેં નથી પીધું તો હું પણ નહીં પીઉં. જો વળી પત્ની મરી ગઈ તો એના દિલનો ડાઘ પેલા પ્યાલા પર મૂકતી જશે. એ પ્યાલાને પછી નથી ફેંકી દેવાતો કે નથી એમાં દૂધ પીવાતું મારા બધા જ પ્યાલાંઓ ઉપર એવી મહોબતના ડાઘ છે.

હું બહારની ઓરડીમાં રહેવા લાગ્યો. એમાં સૂવા માટે એક ખાટલો, એમાં જ મારી ઑફિસનું ટેબલ, એમાં જ રેડિયો અને એમાં જ ચાનાં વાસણ. અહીં જ કલેક્ટર ને કમિશ્નર ને ગ્રામનિવાસીઓ આવતા હતા અને ખાટલા પર બેસી વાતો કરતા.

એક દિવસ દેહરાદૂનથી વીસેક ગાઉ દૂર ઢકરાની ગામના બે મુસલમાનો મારી ઓરડી તરફ આવતા હતા. સામે ચક પડ્યો હતો તે જોઈને અટકી ગયા. મેં અંદરથી એમને ઓળખી લીધા અને મોટેથી કહ્યું, ‘‘આવો મખમુલ્લા, અંદર ચાલ્યા આવો.’’ એમણે એકબીજા તરફ જોયું ને જરી વારમાં મખમુલ્લાની આંખમાંથી આંસુની ધારા ઢળતી ઢળતી દાઢીમાંથી ચુવા લાગી. મને થયું કે એમને ઘરે કશીક દુઃખદ ઘટના ઘટી હોવી જોઈએ. જેમને કોઈ કષ્ટ આવી પડતું તે મારે ઘરે આવી મન હળવું કરી લેતા. મખમુલ્લાને રોતા જોઈ ચકનો પડદો ઊઠાવી હું બહાર આવ્યો અને એમના ખભે હાથ મૂકી મેં પ્રેમથી પૂછ્યું, ‘કહો શી વાત છે? ઘરે બધા ખુશીમઝામાં છે?’ આંસુ લૂછી એણે જરા હસીને કહ્યું, ‘કોઈ ખાસ વાત નથી. તેં મારું નામ લઈને મને બોલાવ્યો તેથી મને રડવું આવી ગયું.’ અંદર આવી મખમુલ્લા અને તેના ભાઈ બન્ને પગ સાફ કરી ખાટલા ઉપર બેઠા. હું સામે ખુરસી ઉપર બેઠો હતો. મેજ ઉપર વીસ કે પચીસ રૂપિયા મૂકી મખમુલ્લાએ કહ્યું, ‘જેલમાંથી છૂટીને તું આવ્યો છે, કોણ જાણે તારી પાસે ખાવાનું ય હશે કે નહીં.’ જમીનની આકારણી થઈ તે દિવસોમાં ખેડૂતો વિવિધ પ્રકારની ચીજો મને ભેટ આપતા હતા. એક વખત ગામના એક માણસે નશો કરેલો, તેની ગંધ મને આઘેથી આવતી હતી. એણે ભરી સભામાં કાચા દારૂનો શીશો મારા હાથમાં ઠસાવી દીધો અને કહ્યું, ‘ગાંધી માર્કાની છે. થોડી થોડી પીજે.’ મેં મખમુલ્લાના રૂપિયા રાખી લીધા અને પૂછ્યું, ‘ઘરે બધા મઝામાં છે?’ એણે કહ્યું, ‘ખુદાની મહેર છે. બધા મોજ કરે છે અને તને દુઆ દે છે. આકારણી થઈ ત્યારે તેં મહેસૂલ ઓછું કરાવી આપ્યું હતું. તું તો જેલમાં જતો રહ્યો. એ પછી પરવર દિગારની એવી બરકત થઈ કે બસ પૂછો જ નહીં. એક તરફ જર્મન લોકોની લડાઈ શરૂ થઈ અને બાસમતીના ભાવ પિસ્તાળીસ રૂપિયા સુધી ચડી ગયા. મજૂરોએ મજૂરીનો રોજનો સવા રૂપિયો કરી દીધો. બસ, મેં, મારા છોકરા, છોકરાની વહુઓ અને છોકરીઓના જમાઈઓ એ બધાંને કામમાં જોડી દીધાં. ખેતરોમાં બાસમતી ચોખા રોપી દીધા. એક જ ફસલમાં મારું કરજ પણ ઊતરી ગયું અને બે ભેંસ પણ ખરીદી લાવ્યો. બેચાર દિવસ તો બળી ખાધી. પછી જ્યારે દૂધ ફાટવાનું બંધ થયું ત્યારે છોકરાની વહુએ ખીર બનાવી. થાળીમાંથી બે કોળિયા ખાધા હશે ને અચાનક મને તું સાંભર્યો. યા અલ્લા ! જેણે ખીર ખવરાવી તે તો જેલમાં પડ્યો છે અને તું ખીર ખાય છે? બસ, ત્રીજો કોળિયો મોંમાં ના પેઠો. તે દી’ની ઘડી ને આજનો દી’ – ત્રણ વરસ થઈ ગયાં. તારા ખેદમાં મારે ઘેર ખીર નથી બની. હવે તું ચાલ, મારી ખીર શરૂ કરાવી દે.’

મખમુલ્લાની વાત યાદ કરીને મને આજે પણ એમ લાગે છે કે જનસેવાનું આથી ઊંચું પ્રમાણપત્ર મને આજ સુધી મળ્યું નથી ને હવે પછી મળશે પણ નહીં. ખરો ‘ગાંધી માર્કો’ તો આ હતો. એના નશાના અમે બંધાણી હતા. હવે તો મોસમ બદલાઈ ગઈ છે. સેવા અને શાસન બન્ને નશા એક સાથે નથી કરી શકાતા. જો સેવા મુખ્ય હોય તો શાસન પણ સારી રીતે  ચાલે; પણ જ્યારે શાસન ઊંચે અને સેવા નીચે – એવું થઈ જાય છે ત્યારે દેશની સલામતી નથી. આ ચોપડી છપાય તે પહેલાં મારા મિત્ર મખમુલ્લાનો ફોટો લેવા હું ઢકરાની ગયો હતો. પણ તેમનો તો દેહાંત થઈ ગયો હતો. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે.

•••••••••

અને છેલ્લે …

પં. મોતીલાલ નેહરુને પોતાને હાથે શાકભાજી બનાવવાનો ને કડક ચા તૈયાર કરવાનો ભારે શોખ હતો. સને 1921ની વાત છે. લખનૌ જેલની દિવાની બૅરેકમાં અમને રાખવામાં આવ્યા હતા. ત્યારે એમનાં શાકભાજી હું સુધારી આપતો હતો. એક વાર એમણે બટાકાની સૂકી ભાજી બનાવી હતી. હું કોઈ બીજી બૅરેકમાં ગપ્પાં હાંકવા ચાલ્યો ગયો હતો. પાછા આવીને મેં પૂછ્યું, ‘ભાજી ઠંડી પડી ગઈ છે, ભાઈજી, તમે કેમ ખાધી નહીં?’ એમણે કહ્યું, ‘કેવા ઉમંગથી બનાવ્યું છે! પણ તું જતો રહ્યો તડાકા હાંકવા. હું શું એકલો એકલો ખાઉં?’ સુખની ખરી મઝા તો સહિયારી રીતે માણવામાં છે. આ જ નિયમ દુઃખને પણ લાગુ પડે છે. હસવા માટે કોઈ સાથીદારની જરૂર પડે છે; તેમ રડવાનું પણ પોતાના ગણાય એવા માણસોની વચમાં હોય તો જ ફાવે.

આજકાલ સંસાર વ્યાપારપ્રિય થતો જાય છે. આથી પ્રેમ પણ એક ધંધાદારી વસ્તુ બની ગઈ છે. બધું જોઈ વિચારીને જ પ્રેમ કરવામાં આવે છે; અને ઘીમાં લોકો જેમ ડાલ્ડા ભેળવે છે તેમ પ્રેમમાં ખુશામત ભેળવે છે. પોતે તો કોઈના પર પ્રેમ કરતા નથી; છતાં બીજા એમના પર આશક થઈ જાય એમ ઈચ્છે છે.

‘સ્વરાજની લડતના તે દિવસો’ પુસ્તિકાની લેખકે લખેલી ‘પ્રસ્તાવના’ના અંશો ..

લખાયા તારીખ 31-12-1962; ‘રૈનબસેરા’ – દેહરાદુન

લેખકના ‘સ્વરાજની લડતના તે દિવસો’ પુસ્તક (પ્રકાશક–‘સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય’, ભદ્ર, અમદાવાદ–380 001 ચોથી આવૃત્તિ – 2001 પૃષ્ઠસંખ્યા –1 32 મૂલ્ય – રૂપિયા વીસ)ના પાન ક્રમાંક 62થી 71 પરથી–થોડું ટૂંકાવીને સાભાર.

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ પાંચમું – અંકઃ 181 –December 20, 2009

Loading

...102030...2,0582,0592,0602,061...2,0702,0802,090...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved