Opinion Magazine
Number of visits: 9572891
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમેરિકાની એપિસ્ટેમોલૉજિકલ ક્રાઇસિસ

રાજેન્દ્ર દવે|Opinion - Opinion|3 January 2021

નાતાલની સંધ્યાએ આ લખી રહ્યો છું ત્યારે ટ્રમ્પની લગભગ નિશ્ચિત વિદાય આડે પચ્ચીસ દિવસ બાકી રહ્યા છે. પૂરા ૩૦૬ ઈલેક્ટૉરલ મતદારોએ બાઇડનની તરફેણમાં મત આપીને બંધારણીય રીતે તેમની જીત પાક્કી કરી દીધી છે. આ બધું છતાં ટ્રમ્પે હજુ પોતાની હાર સ્વીકારી નથી. એટલું જ નહીં પોતે વીસમી જાન્યુઆરી પછી પણ પ્રમુખ હોઈ શકે તેવી હવાઈ વાતો ફેલાવાનું ચાલુ રાખ્યું છે. હવે છઠ્ઠી જાન્યુઆરીએ કૉંગ્રેસ મળે અને ઇલેક્ટ્રૉરલ કૉલેજના મતોને મતું મારે એટલે ચૂંટણીની બંધારણીય પ્રક્રિયાનો અંત આવશે (છઠ્ઠીએ ટ્રમ્પ તરફી સાંસદો કોઈ નાટક નહી કરે તેવી કોઈ બાંહેધરી નથી.)  ટ્રમ્પ જશે તો પણ ટ્રમ્પ અને ટ્રમ્પીઝમની અસર સીધી કે આડકતરી રીતે અમેરિકન રાજકારણ પર રહેવાની. આવનારી પેઢી એકવીસમી સદીના પ્રારંભમાં અમેરિકામાં એક કેવા પ્રમુખ હતા, તેની ચર્ચા થઈ રહી છે, કરશે. એ અંગે થોડી ચર્ચા અહીં પણ …

‘એટલાન્ટિક’ સામયિકના નવેમ્બરના પહેલા અઠવાડિયાના અંકમાં રાજકીય વિશ્લેષક થૉમસ રાઇટે મથાળું બાંધ્યું છે કે “આપણા મૂર્ખ રાજાની વાર્તા ચૂંટણી પછી પણ લાંબા સમય સુધી ચર્ચાતી રહેશે.” રાઇટે પોતાના લેખમાં જાણે આજનું જ્યોતિષ જોતા હોય તેમ લખ્યું છે કે ટ્રમ્પ જો ચૂંટણી હારશે, તો તે પોતાની હાર નહિ સ્વીકારે અને યેનકેન પ્રકારે સત્તા પર ચાલુ રહેવાના પ્રયત્નો કરશે. તેમણે એમ પણ લખ્યું છે કે ટ્રમ્પ ચૂંટણીને ગેરકાનૂની અને ગેરવ્યાજબી ઠેરવવાના પ્રયત્નો કરશે.

થૉમસ રાઇટ ટ્રમ્પને ઇતિહાસના અસ્થિર મગજના શાસકોની સાથે સરખાવે છે અને લખે છે કે અન્ય દેશોમાં આ બનતું ત્યારે સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે અમેરિકા જેવા લોકતાંત્રિક અને સૌથી ધનિક દેશમાં ટ્રમ્પ જેવા માણસ પ્રમુખ બનશે! ટ્રમ્પનું ચૂંટાવું અને ચાર વર્ષ સુધી ટકવું તે પોતે જ એક આશ્ચર્યજનક ઘટના છે. ટ્રમ્પ પ્રમુખ તરીકે ચુંટાયા ત્યારથી અમેરિકાના રાજકીય વિશ્લેષકોમાં ચર્ચા ચાલ્યા કરે છે કે તેમનું ચૂંટાવું તે એક વર્તમાન રાજકીય પરિસ્થિતિનું પરિણામ છે કે એક નવા રાજકીય પરિવર્તનની શરૂઆત છે!

મોટા ભાગના વિશ્લેષકો માને છે કે છેલ્લા બે-ત્રણ દાયકામાં અમેરિકાના રાજકારણમાં જે ઘટનાઓ બની-ટ્રમ્પ તેનું પરિણામ છે. કૉલેજશિક્ષણ વગરના શ્વેત મતદારોમાં રાજકીય પ્રથા સામે વધતો આક્રોશ, મહામંદી પછીની આર્થિક સ્થિતિ અને સત્તા પ્રતિ વધતો અવિશ્વાસ, વધતી અસમાનતા, અને નોકરીની ઘટતી તકો, ઓબામાનાં આઠ વર્ષના શાસન પછીનો શ્વેતઘાત … આ બધાંએ ‘ટ્રમ્પ’ નામની ઘટનાને જન્મ આપ્યો.

જો કે કેટલાક વિશ્વેષકો એવું માને છે કે ટ્રમ્પના અવિવેકી, તર્કશૂન્ય અને અભદ્ર વ્યવહારનું કારણ ટ્રમ્પ પોતે છે, રાજકીય પરિસ્થિતિ નથી. કદાચ ટ્રમ્પના સ્થાને અન્ય કોઈ રંગભેદી, જાતિવાદી ઉદ્દામ કન્ઝર્વેટિવ, અંધરાષ્ટ્રીય – કટ્ટર રાષ્ટ્રવાદી ને લોકરંજક રિપબ્લિકન નેતા ચૂંટાયા હોત, તો તેમનું અંગત વર્તન ટ્રમ્પ કરતાં જુદું હોત. તે નેતાએ પેન્ડેમિકમાં વિજ્ઞાન વિરોધી નિવેદનો કદાચ ના કર્યાં હોત. તેણે કદાચ ત્રણ લાખથી વધુ લોકોને આ મહામારીથી મરવા ના દીધા હોત. તેણે કદાચ તર્કવિહીન તથ્યવિહીન ષડ્‌યંત્રોની વાતો ના કરી હોત. આ વિવાદ ઇતિહાસકારો અને રાજ્યશાસ્ત્રીઓમાં લાંબા સમય સુધી ચાલ્યા કરવાનો. અત્યારની પાયાની સમસ્યા એ છે કે ટ્રમ્પે અમેરિકન લોકતંત્રને જે હાનિ પહોંચાડી છે, તેનાથી દેશને કેવી રીતે ઉગારવો.

પ્રમુખ તરીકે ટ્રમ્પે અમેરિકન લોકતંત્રના લગભગ બધાં માળખાં સંસ્થાઓ, વિભાગો, પ્રથાઓ અને પ્રક્રિયાઓને ‘સ્ટ્રેસ ટેસ્ટ’માંથી પસાર કરાવ્યાં છે. અમેરિકી લોકતંત્રને કેટલી હાનિ પહોંચી છે, તેનું સરવૈયું આ ‘સ્ટ્રેસ ટેસ્ટ’માંથી મળી રહે છે. કેટલાંક માળખાં આમાં હેમખેમ રહ્યાં તો કેટલાંકને ભારે નુકસાન થયું છે. કેટલાંક મહત્ત્વનાં ઉદાહરણો જોઈએ.

અમેરિકી પ્રમુખ સેનેટની મંજૂરીથી સર્વોચ્ચ અદાલતના ને રાજ્યોની વડી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂંક કરે છે. ટ્રમ્પ હંમેશાં એવું માનતા રહ્યા કે તે તેને અંગત રીતે વફાદાર રહેશે. તેમણે જાહેરમાં જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશની છેલ્લી નિમણૂકમાં ગણતરી એ હતી કે ચૂંટણીનાં પરિણામોને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવે, તો પોતે નીમેલા ન્યાયાધીશો તેને સાથ આપશે. ન્યાયતંત્ર સ્વતંત્ર છે, તે માનવું તેમની કલ્પનાની બહાર હતું, તેવી જ રીતે ઍટર્ની જનરલ, જે અમેરિકાના કાયદા મંત્રી તરીકે કાર્ય કરે છે તેની નિમણૂક પ્રમુખ કરે છે, પરંતુ તે પ્રમુખને વફાદાર નથી. ટ્રમ્પને જે ઍટર્ની જનરલ પોતાને વફાદાર ના લાગ્યા તેમને કાઢી મૂક્યા કે રાજીનામું આપવા મજબૂર કર્યા. હજુ ગયા અઠવાડિએ જ અત્યારના ઍટર્ની જનરલ, જે આમ તો અત્યાર સુધી ટ્રમ્પની નજીક હતા, વફાદાર હતા ને કેટલાક ગેરકાનૂની કામોમાં તેમના સાથીદાર હતા, તેમને રાજીનામું આપવાની ફરજ પાડી. ગુનો એ કે તેમણે કહ્યું કે ચૂંટણીમાં મોટા પાયે કોઈ ગેરરીતિઓ આચરાઈ નથી.

આવું જ, અમેરિકા હંમેશાં જેના પર ગર્વ લેતું હતું તે ગુપ્તચર વિભાગોનું થયું. ૨૦૧૬ની પ્રમુખની ચૂંટણીમાં રશિયાએ ટ્રમ્પના સાથીઓ સાથે મળીને તેમને મદદ કરેલી. મ્યુલર અહેવાલમાં આ સાબિત થયું છે. તેમાં ભાગ લેનારાને અદાલતે સજા પણ કરી છે. (હમણાં ટ્રમ્પે તે બધાને માફ કરી દીધા) આ બધું છતાં રશિયન પ્રમુખ પુતિનની ઉપસ્થિતિમાં ટ્રમ્પે કીધું કે મને રશિયન પ્રમુખની વાતમાં વિશ્વાસ છે અને અમારા ગુપ્તચર વિભાગની વાત પર વિશ્વાસ નથી. રશિયન ૨૦૧૬ની ચૂંટણીમાં કોઈ ભૂમિકા ભજવી નથી !! પ્રમુખ પોતાના જ દેશના ગુપ્તચર વિભાગોને દુશ્મન દેશ સામે ખોટો પાડે તે ઘટના જ અકલ્પ્ય છે.

ટ્રમ્પના ‘સ્ટ્રેસ ટેસ્ટ’માંથી ઉપ-પ્રમુખ પેન્સ પણ બાકાત નથી રહ્યા. ગઈ કાલના દૈનિકોના અહેવાલ પ્રમાણે ટ્રમ્પે પેન્સ પર દબાણ કર્યું છે કે છઠ્ઠી જાન્યુઆરીએ કૉંગ્રેસ ઇલેક્ટૉરેટ કૉલેજના મતોને મતું મારવા મળે, ત્યારે તે માન્ય ના ગણવું. ઉપ-પ્રમુખ તેમ ના કરી શકે. તે કેવળ બેઠકના અધ્યક્ષ છે. આવું જ કેટલાંક રાજ્યોના રિપબ્લિકન ગવર્નર્સના કિસ્સામાં બન્યું. ટ્રમ્પે જ્યૉર્જિયા ને એરિઝોનાના ગવર્નર્સને ચૂંટણી-પરિણામો પર સહી ના કરવાનું સૂચન કર્યું. બંને ગવર્નર્સ તેમ કરવાની ના પાડી. ટ્રમ્પે ટિ્‌વટ કરીને તેમને ધમકી આપી છે કે હવે તમે ફેર ચૂંટણીમાં ઊભા રહેશો ત્યારે જોઈ લઇશ. રાજ્યોના રિપબ્લિકન ચૂંટણી-અધિકારીઓના કિસ્સામાં પણ આવું જ બન્યું. સદ્‌ભાગ્યે રાજ્યોના ગર્વનર્સ ‘સ્ટ્રેસ ટેસ્ટ’માંથી હેમખેમ બહાર નીકળ્યા.

ટ્રમ્પે લશ્કરને પણ બાકાત નથી રાખ્યું. હજુ ગઈ કાલે જ ‘ન્યૂઝવીક’ સામયિકના સમાચાર છે કે ચૂંટણી પછી તરત જ ટ્રમ્પે પોતાના માણસોને મહત્ત્વના હોદ્દાઓ પર મૂકી દીધા હતા. આમાંના કેટલાક ટ્રમ્પના આદેશની રાહ જુએ છે. ૨૦૧૬ની ચૂંટણીમાં રૂસ સાથે મુલાકાત કરનાર માઇકલ ફલીન જે હમણાં જ ટ્રમ્પની માફી પછી જેલમાંથી બહાર નીકળ્યા છે, તેમણે જાહેરમાં સૂચવ્યું છે કે જે છ રાજ્યોમાં ટ્રમ્પ હાર્યા છે, ત્યાં માર્શલ લૉ લાગુ કરવો ને ચૂંટણીઓ કરાવવી, જો કે લશ્કરના મંત્રી અને લશ્કરી વડા બંનેએ જાહેર નિવેદન આપ્યું છે કે લશ્કર ચૂંટણીના મામલમાં નહીં પડે.

છેલ્લાં ચાર વર્ષમાં અનેક વિભાગોના વડાઓ ટ્રમ્પના અસ્થિર વર્તનથી ત્રાસી-થાકીને વહીવટીતંત્ર છોડી ગયા છે. બ્રૂકિંગ્સ ઇન્સ્ટિટ્યૂટ પ્રસિદ્ધ કરેલા એક અહેવાલ પ્રમાણે ગયા અઠવાડિયા સુધીમાં ટ્રમ્પ વહીવટીતંત્રમાં અન્ય પ્રમુખોની સરખામણીએ ટર્નઓવર ૯૧ ટકા વધુ હતું. સૌથી વધારે ફેરબદલી ટ્રમ્પના પોતાના ચીફ ઑફ સ્ટાફની હતી. ટ્રમ્પ ચૂંટણી હાર્યા તે પછી જ પંદરેક જેટલા ઉચ્ચાધિકારીઓને કાં તો કાઢી મુકાયા છે યા તો રાજીનામું આપવા ફરજ પડાઈ છે.

અમેરિકી લોકતંત્રમાં ને સમવાયતંત્રમાં ના બન્યું હોય તેવું તો ત્યારે બન્યું, જ્યારે ટેક્સાસના રિપબ્લિકન ઍટર્ની જનરલે અન્ય ૧૭ રાજ્યોના ઍટર્ની જનરલ્સ અને કૉંગ્રેસના નીચલા ગૃહના ૧૯૬માંથી ૧૨૬ રિપબ્લિકન સભ્યોએ સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી કે જ્યૉર્જિયા, મિશિગન, પેન્સિલવેનિયા અને વિસ્કોન્સિન રાજ્યોનાં ચૂંટણી-પરિણામો રદ્દબાતલ કરવાં. સ્વાભાવિક જ ન્યાયાધીશોએ આવી તર્કવિહીન અરજી ફગાવી દીધી ને ચોખ્ખું કહ્યું કે કયા રાજ્યે ચૂંટણી કેવી રીતે કરવી, તે નક્કી કરવાનો અધિકાર જે-તે રાજ્યને છે, અન્ય રાજ્યોને નહીં.

અત્યાર સુધી ટ્રમ્પ સાથે રહેલા સેનેટના બહુમતી નેતા મિચ મેક્કોલને ઇલેક્ટૉરલ કૉલેજના અંતિમ મત પછી બાઇડનને ચૂંટાવા માટે અભિનંદન આપ્યા, તેનાથી ટ્રમ્પે તેમને પણ છોડ્યા નથી.

આ સઘળાં ઉદાહરણો ટ્રમ્પે અમેરિકી લોકતાંત્રિક માળખાંઓએ અને સંસ્થાઓએ કઈ રીતે પોતાના સ્વાર્થ ખાતર ઉપયોગ કર્યો છે તે બતાવે છે.

ટ્રમ્પના વાણીવર્તનથી કેવળ રાજકીય પ્રથા જ નહીં, પરંતુ સામાજિક માળખાં પણ સ્ટ્રેસ ટેસ્ટમાંથી પસાર થયા છે અને તેની અસર બહુ દૂરગામી છે. ઓબામા પ્રમુખ તરીકે ચૂંટાયા, ત્યારે એવી એક આશા બંધાયેલી કે અમેરિકા હવે ‘પોસ્ટ રેશિયલ’ સમાજ બન્યો છે. જો કે ઓબામા પ્રમુખ હતા ત્યારે પણ અને ટ્રમ્પના પ્રમુખ બન્યા પછી તો અશ્વેત પ્રજાની સ્થિતિ વણસી. ૨૦૧૬માં શ્વેતઘાતને કારણે પ્રમુખ બનેલા ટ્રમ્પે વ્હાઇટ સુપ્રીમસિસ્ટ જૂથોને છાવર્યાં ને સહકાર આપ્યો. જ્યૉર્જ લોયડની એક પોલીસ-અધિકારી દ્વારા હત્યા પછી અમેરિકામાં જે ‘બ્લૅક લાઇવ્સ’ મેટર આંદોલન ચાલ્યું ત્યારે ટ્રમ્પે તેમને ‘ઠગ’ અને ‘લૂંટારા’ કહ્યા. રાજ્યોની મનાઈ હોવા છતાં લશ્કર મોકલવાની ધમકીઓ આપી. જાહેરમાં પ્રતિવાદી નિવેદનો કર્યાં. આશ્ચર્ય નથી કે ટ્રમ્પ ચૂંટણી હાર્યા પછી જે દેખાવો ને ધમાલ થઈ તેમાં વ્હાઇટ સુપ્રીમસિસ્ટ આગળ હતાં. પેન્ડેમિકમાં જે રાજ્યોમાં જાહેર મેળાવડા પર પ્રતિબંધ લગાવાયો, ત્યારે તેનો વિરોધ કરનારા મલેશિયા ગ્રુપ્સ હતાં અને તે સૌને ટ્રમ્પનું સમર્થન હતું.

જાણીતા રાજ્યશાસ્ત્રી પોલ લાઇટે કહ્યું કે રિપબ્લિકન પાર્ટીમાં જે રીતે ચૂંટણી પરિણામો અંગે ભ્રમ ફેલાયો છે અને જે રીતે ચૂંટણીમાં કોઈ ષડ્‌યંત્ર રચાયું છે, તેવી વાતો ચાલી છે, તેણે અમેરિકી લોકતંત્ર અને ચૂંટણી-પ્રક્રિયાની વિશ્વસનીયતા સામે મોટો ખતરો ઊભો કર્યો છે. તેમના મતે આ મનહૂસ વિચાર અમેરિકી લોકતંત્રને તોડી નાખશે. આ પડકારને વિગતે સમજવા જેવો છે.

ટ્રમ્પને સત્ય સાથે અબોલા છે અને તથ્ય સાથે વેર છે. પરિણામે કોઈપણ જાતના તથ્ય વગર અધ્ધરતાલ આરોપો કરવા ને તે સાચા છે, તેવું ઠસાવવાનો પ્રયત્ન કરવો, તેવી ગોબેલ્સગીરી તેમને ફાવી ગઈ છે. નર્યું જુઠ્ઠાણું ફેલાવવું ને તે અનેક વાર દોહરાયા કરવું, જેથી તેમનાં અનુયાયીઓ અને ભક્તજનો તેને સત્ય માનવા માંડે. ‘યુ.એસ.એ. ટુડે’ દૈનિકે નોંધ્યું છે કે અમેરિકાના રાજકીય ઇતિહાસમાં સૌ પ્રથમ વાર ટ્રમ્પે એક સંપ્રદાય ‘કલ્ટ’ ઊભો કર્યો છે. જેમાં સંપ્રદાયનો વડો જે બોલે તે સત્ય માનવું તેવો નિયમ છે. ટ્રમ્પે ૨૦૧૬ની ચૂંટણીપૂર્વે કોઈ ‘ડીપ સ્ટેટ’ તેમની સામે કામ કરી રહ્યું છે, તેવી વાતો ચલાવી. જમણેરી ન્યૂઝ ચૅનલ્સને રિપબ્લિકન પાર્ટીના ટ્રમ્પ તરફી લોકોમાં આ વાત સાચી મનાવા લાગી ‘ડીપ સ્ટેટ’ જેમાં કેટલાક અધિકારીઓ ડેમોક્રેટિક પાર્ટીના વડાઓ અને મેઇન સ્ટ્રીમ મીડિયાવાળા ટ્રમ્પ સામે હંમેશાં કોઈ ‘કાવતરું’ ઘડી રહ્યા છે, તેવી હવા ફેલાવાઈ. ટ્રમ્પના ચાર વર્ષના શાસન દરમિયાન મ્યુલર પંચના કામ દરમિયાન અને પછી મહાભિયોગ દરમિયાન આ થિયરી વધુ મજબૂત બની. ૨૦૨૦ની ચૂંટણીનું પરિણામ આ સદર્ભમાં જોવું જોઈએ. રૉઇટરની એક મોજણી પ્રમાણે ૭૦ ટકા રિપબ્લિકન મતદારો માને છે કે ૨૦૨૦ની ચૂંટણી મુક્ત અને ન્યાયી નહોતી. અન્ય એક મોજણી પ્રમાણે ૭૭ ટકા રિપબ્લિકન મતદારો માને છે કે બાઇડન છળકપટથી જીત્યા છે. રોઇટરની મોજણી પ્રમાણે કેવળ ૨૯ ટકા રિપબ્લિકન મતદારો માને છે કે બાઇડન સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે ચૂંટણી જીત્યા છે.

આ કોન્સ્પિરસી થિયરી કે ષડ્‌યંત્ર સિદ્ધાંત નવો નથી, પણ તેનો મોટા પાયે રાજકીય ઉપયોગ ટ્રમ્પે કર્યો છે. અને આ સિદ્ધાંતને બઢાવો આપવાનું કામ અમેરિકાના જમણેરી મીડિયાએ કર્યું છે. ‘ફોકસન્યૂઝ,’ ‘ન્યૂઝમેકર્સ અને ‘વન અમેરિકા’ જેવી સમાચાર ચેનલો એ અસત્ય અને તથ્યવિહોણી વાતો ફેલાવી ને ચગાવી છે. ૨૦૨૦ની ચૂંટણીમાં ગેરરીતિઓ આચરાઈ છે, તેવો એક પણ કેસ અમેરિકાની કોઈ અદાલતમાં સાબિત નથી થયો. અમેરિકાના ન્યાયવિભાગે પણ કહી દીધું છે કે તેમને એવો કોઈ કિસ્સો નથી મળ્યો, પણ આ જુઠ્ઠાણું ચાલ્યા કરે છે અને અત્યારની સ્થિતિ જોતાં લાગે છે કે ૨૦૨૪ની ચૂંટણી સુધી તે ચાલ્યા કરશે. આ જૂઠાણાંનો એક દાખલો જોઈએ. ડોમિનિયન નામની એક અમેરિકન કંપની મતગણતરીનું મશીન બનાવે છે. ટ્રમ્પના વકીલે અને જમણેરી ન્યૂઝચૅનલોએ પાયાવિહીન આક્ષેપો કર્યા કે આ મશીનને કારણે બાઇડન જીત્યાં. ડોમિનિયન કંપનીએ ન્યૂઝચૅનલો સામે દાવો માંડ્યો અને તેમને જૂઠી માહિતી ફેલાવવા બદલ માફી માગવી પડી.

પૂર્વ-પ્રમુખ ઓબામાએ અમેરિકાની આ રાજકીય સ્થિતિને “એપિસ્ટેમોલૉજિકલ ક્રાઇસિસ” કહી છે. અહીં એક એવી રાજકીય સંસ્કૃતિ ઊભી થઈ છે, જે મૂળભૂત રીતે નકારવાદી-અવિશ્વાસુ અને ભ્રમિત છે. એક એવું રાજકીય ટોળું જે હંમેશાં કોઈ ને કોઈ ષડ્‌યંત્ર ચાલી રહ્યું છે તેવી માન્યતામાં રહે છે. ષડ્‌યંત્ર સિદ્ધાંતમાં માને છે.આનું પરિણામ એ આવ્યું છે કે અમેરિકાનો એક મોટો વર્ગ ગુમરાહ અને હતાશ છે. આ એવો વર્ગ છે. જે પોતાના વિરોધીઓ સામે હંમેશાં રોષે ભરાયેલો છે અને અમેરિકાના ધ્રુવીકારણને વધુ ને વધુ ધેરો બનાવ્યા કરે છે.

રાજકારણીઓ ફેંકવામાં અને દુષ્પ્રચારમાં માહેર હોય છે. ટ્રમ્પ અસત્યના પ્રથમ પ્રયોગકર્તા નથી, પણ આ યંત્રમાં પોતાનાં પૂર્વકામોને કારણે તેમની હથોટી બેસી ગઈ છે, અસત્ય અને તથ્યવિહોણી વાતોનો તેમણે જે રીતે ઉપયોગ કર્યો છે, તે અદ્વિતીય છે, જે સમાજમાં ધ્રુવીકારણ ઊંચું હોય, ત્યાં દુષ્ટપ્રચાર ફૂલેફાલે છે.

એટલાન્ટિકના પિટર વેહનરને બાઇડનમાં આશાનું કિરણ દેખાય છે. તેમના મતે પ્લેટો જેને સત્યજ્ઞાન અને અભિપ્રાય કહે છે, તે ભેદ બાઇડન સારી રીતે સમજે છે. તેમને વાસ્તવિકતા અને કથોળકલ્પિત વાતો વચ્ચેનો ભેદ ખબર છે. બાઇડને અત્યાર સુધીના તેમનાં વાણીવર્તનથી આ સ્પષ્ટ કર્યું છે. સદ્‌ભાગ્ય એ છે રિપબ્લિકન પાર્ટીનો એક નાનકડો વર્ગ આ સમજતો થયો છે અને ષડ્‌યંત્રની માનસિકતાને કારણે લોકતંત્ર સામે જે ભય છે, તે પણ તેમને સમજાય છે.

જો કે નોંધવું જોઈએ કે રિપબ્લિકન પાર્ટીમાં આવું વિચારનારો વર્ગ અત્યારે લઘુમતીમાં છે. ટ્રમ્પના સ્ટ્રેસ ટેસ્ટમાં કોઈ સૌથી વધુ નિષ્ફળ નીવડ્યું હોય, તો તે રિપબ્લિકન પાર્ટી છે. ટ્રમ્પને કારણે તેની પાર્ટી અત્યારે એકહથ્થુવાદી અને શ્વેતરાષ્ટ્રવાદ બની ગઈ છે. ટ્રમ્પની વિદાય પછી રિપબ્લિકન પાર્ટી પરનો ટ્રમ્પનો કાબૂ ઘટશે, તેવું માનવાનું અત્યારે કોઈ કારણ નથી. એક અહેવાલ પ્રમાણે મોટાં ભાગના રિપબ્લિકન સાંસદો કે વિદ્વાન સભ્યોને ટ્રમ્પ કરતાં ટ્રમ્પ તરફી મતદારોનો વધુ ભય છે. તેમને લાગે છે કે ટ્રમ્પનો વિરોધ તેમની હારનું કારણ બનશે. ભવિષ્ય બતાવશે કે ટ્રમ્પનું વર્ચસ્વ રિપબ્લિકન પાર્ટી પર ક્યાં સુધી રહેશે. છેલ્લા થોડા દિવસોમાં રિપબ્લિકન પાર્ટીના બીજી હરોળના કેટલાક નેતાઓએ પાર્ટી છોડી છે. બહુ થોડાક ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાયા છે. રિપબ્લિકન પાર્ટી તૂટે છે કે એક રહે છે, તેની ચર્ચા રાજકીય વિશ્લેષકોમાં શરૂ થઇ ગઈ છે. અમેરિકન લોકતંત્ર અત્યારે તો બાઇડન-હેરિસના વિજયને કારણે હાશકારો અનુભવી રહ્યું છે, પણ પક્ષપ્રથાનું ભાવિ ધૂંધળું છે.

E-mail : rajandave@hotmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2021; પૃ. 10-11 તેમ જ 06

Loading

એક શ્લોક અને શ્લોકાર્ધ

પ્રૉ. જયંત ર. જોશી, પ્રૉ. જયંત ર. જોશી|Opinion - Opinion|3 January 2021

અન-લૉકડાઉન

લૉકડાઉન દરમિયાન ગીતાના કેટલાક શ્લોકો સાંભળવાની તક મળી. એમાંનો એક શ્લોક અને એક શ્લોકાર્ધ મને ગીતાકારની વિરાટ પ્રજ્ઞા અને સર્વવ્યાપી સંવેદનાના અર્ક જેવો લાગ્યો. વિચાર આવ્યો કે ગીતા પર પ્રવચન આપનારા અનેક કથાકારો અને ગીતાપઠનનાં સત્રો ગોઠવનાર આયોજકો આ શ્લોકોનો મર્મ સમજ્યા છે ખરા? જો સમજ્યા હોત અને ભાવકોને તે સમજાવ્યો હોત, તો આપણા દેશમાં આટલાં અર્ધભૂખ્યા લોકો, કુપોષિત બાળકો તેમ જ સવર્ણ-અવર્ણ અને રીતિ-જાતિના આટલા અન્યાય ભેદભાવ ન હોત.

પંદરમા અધ્યાયના ચૌદમાં શ્લોકમાં ઈશ્વર કહે છે કે હું જઠરાગ્નિ થઈને પ્રાણીમાત્રના દેહમાં વસું છું અને ચાર પ્રકારનું અન્ન પચાવું છું. દસમા અધ્યાયના બાવીસમાં શ્લોકનો ઉત્તરાર્ધ છે કે “ઇન્દ્રિયોમાં હું મન છું અને પ્રાણીમાત્રમાં ચેતના છું.”

ગીતાકારે ઈશ્વરની ઉપાસના અને સમાજસેવા – એ બંનેનો સમન્વય સાધતો એક સીધો રસ્તો આ દોઢ શ્લોકમાં બતાવ્યો છે. પ્રાણીમાત્રના દેહમાં વસનાર ઈશ્વરની ઉપાસના કઈ રીતે કરવી? ઈશ્વર પ્રાણીમાત્રના દેહમાં જઠરાગ્નિ થઈને વસે છે. એની ઉપાસનાનો ઉત્તમ ઉપાય એ છે કે પ્રાણીમાત્રને અને ખાસ કરીને માનવસમાજની દરેક વ્યક્તિને પોષક આહાર મળી રહે, એ માટે બધાએ પુરુષાર્થ કરવો જોઈએ. ઈશ્વરની ઉપાસના માટે હોમહવન કે અતિભવ્ય દેવાલયોની જરૂર નથી. એ જ રીતે ઈશ્વર માનવશરીરમાં મન થઈને વસે છે. મન એ બુદ્ધિ અને લાગણી બંનેનું આશ્રયસ્થાન છે. એટલે આ મનરૂપી ઈશ્વરને જ્ઞાનવિજ્ઞાનની અને સંવેદનશીલ સાહિત્યની સામગ્રીનું નૈવેદ્ય ધરાવવું જોઈએ. વિકસતા જ્ઞાનવિજ્ઞાનની નવીનવી વાનગીઓ પણ આવવી જોઈએ. પિરસાવવી જોઈએ.

આ દોઢ શ્લોકની જેમ જ બારમા અધ્યાયમાં આવતો એક શબ્દ બહુ મહત્ત્વનો છે. ઈશ્વરને અત્યંત પ્રિય એવા ભક્તોનાં લક્ષણ બારમા અધ્યાયમાં અપાયાં છે. (ગી. (૧૨.૪))  એમાં એક બહુ જ મહત્ત્વનું લક્ષણ છે. “સર્વ ભૂત હિતે રતાઃ” એટલે કે જે પ્રાણીમાત્રના હિતમાં રત છે. ભગવદ્‌ગીતાને આવું અધ્યાત્મ, ઈહવાદી અધ્યાત્મ, સાચું તત્ત્વજ્ઞાન આપવું છે. કુરુક્ષેત્રના યુદ્ધની વાત એ તો એક રૂપક માત્ર છે. આ સમાજમાં માણસે બધા માણસોના હિતમાં કામ કરવું જોઈએ. મનુષ્ય સંઘર્ષ પોતાની સાથે કરશે – ખરા લોકસંગ્રહાર્થે સજ્જ થવા સંઘર્ષ! તેમ જ સમગ્ર સમાજે સમાજ માટે કરવાનો છે.

સંત જ્ઞાનદેવે ‘જ્ઞાનેશ્વરી’ લખી છે ભગવદ્‌ગીતાના આવા લોકસંગ્રહને બિરદાવવા. ગ્રંથ પૂરો થતાં પહેલાં ગીતા વિશે એક સુંદર ઓવી છે.

“ગીતા નિત્કપટ માય, ચૂકોનિ તાન્હા ફિરોનિ વાય,
તે માય પૂતા ભેટી હોય, હા ધર્મ તુમચા.”

ગીતા નિત્કર્ય મા છે. નાનું બાળ ભૂલથી તેનાથી મોેં ફેરવી લઈને જુદી દિશામાં જતું રહે છે, તેનો માની સાથે મેળાપ કરાવવો એ ધર્મ છે. અહીં નાનું બાળ એટલે જુદી દિશામાં આવતો સમાજ! તે જો ભગવદ્‌ગીતાના આ શ્લોકોનો, શબ્દાર્થનો અર્થ સમજે, તો સમાજમાં સંવાદિતા સ્થપાય.

નવરંગપુરા, અમદાવાદ – ૦૯

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2021; પૃ. 16

Loading

નોબેલ ઇનામો : ઉમદા ઇતિહાસ અને થોડો વર્તમાન

પરેશ ર. વૈદ્ય|Opinion - Opinion|3 January 2021

ભાગ્યે જ કોઈ એવી શિક્ષિત વ્યક્તિ હશે, જેણે નોબેલ ઇનામોનું નામ નહીં સાંભળ્યું હોય. દર વર્ષે વિજ્ઞાનની ત્રણ શાખાઓ, સાહિત્ય અને શાંતિ એમ પાંચ ક્ષેત્રે નોબેલ ઇનામો અપાય છે. છેક ૧૯૦૧થી અપાતાં આ ઇનામોનું આ ૧૨૦મું વર્ષ છે. આ ઉપરાંત એક ઇનામ અર્થશાસ્ત્રનું પણ છે, જે મૂળથી નોબેલ ઇનામ નહોતું, પરંતુ ૧૯૬૯માં રૉયલ સ્વીડિશ બૅન્કે તે પોતા તરફથી શરૂ કર્યું છે, અને બીજાં ઇનામો જોડે જ જાહેર થવાથી હવે તેને લોકો નોબેલ ઇનામ જ ગણે છે. બધાં ઇનામોના વિજેતાઓનાં નામોની એક પછી એક જાહેરાત ઑક્ટોબરના પ્રથમ સપ્તાહથી શરૂ થાય છે અને ઇનામો નોબેલની જન્મતારીખ દશમી ડિસેમ્બરને દિવસે સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં અને શાંતિનું ઇનામ નૉર્વેના પાટનગર ઑસ્લોમાં અપાય છે. 

જેના નામે આ પારિતોષિકો અપાય છે, તે ઓલ્ફ્રેડ નોબેલનો જન્મ તો સ્વીડનમાં થયો, પરંતુ તે રશિયા, ઇંગ્લૅન્ડ, ફ્રાંસ અને છેવટ અમેરિકામાં રહી ચૂક્યો હતો. એની પ્રતિભા સર્વતોમુખી હતી; ઇજનેર હતો, પણ રસાયણશાસ્ત્ર જાણતો અને ઉદ્યોગપતિ હતો. તેની અનેક શોધોમાંથી મુખ્ય તે ડાયનેમાઇટની. રશિયાની ખનીજતેલની કંપનીઓમાં પણ તેનું રોકાણ હતું. પ્રખ્યાત તોપ બોફોર્સની કંપનીમાં ય તેનો હિસ્સો હતો. આ બધાથી તેને પુષ્કળ ધન મળ્યું. આજીવન અપરિણીત અને શરમાળ પ્રકૃતિના નોબેલને પોતાની જાતને આગળ ધકેલવાની ટેવ ન હતી. થોડો શોખ સાહિત્યનો હતો. એક ઑસ્ટ્રિયન મહિલા બર્થા વોન સટનર(જે એનાં સેક્રેટરી હતાં)ના પરિચયથી તેમને શાંતિના વિષયમાં બહુ રસ પડ્યો. આથી ૧૮૯૩માં તેણે જ્યારે વસિયતનામું બનાવ્યું ને ઇનામોની રચના કરી, ત્યારે શાંતિનો પણ તેમાં સમાવેશ કર્યો. લોકકથા એવી છે કે તેના મૃત્યુની ખોટી ખબર છપાયા બાદ જેવી ‘અંજલિ’ તેને મળી, તેનાથી તેનો આત્મા જાગ્યો અને તેણે ઇનામોનું દાન કર્યું; એ વાતને આધાર મળે તેવું કંઈ એની જીવનકથામાં વાંચવામાં ન આવ્યું. વિજ્ઞાનને ક્ષેત્રે કશુંક ઉપયોગી શોધી કાઢનારાઓને સન્માનવા તે જ મુખ્ય ઉદ્દેશ દેખાય છે. આથી જ ઇનામો માટે જાતિ, ધર્મ કે દેશની સીમાઓને તેણે શરત તરીકે અંકિત નથી કર્યાં.

નોબેલનું મૃત્યુ થયું ૧૮૯૬માં, પરંતુ ઇનામો ૧૯૦૧માં જ શરૂ થઈ શક્યાં કારણ કે એના ભત્રીજાઓએ ‘વિલ’ સામે વિવાદ કર્યો અને તેને ઉકેલતા પાંચ વર્ષ ગયાં. સૌથી પહેલું ઇનામ ક્ષ-કિરણોના શોધક વિલિયમ કોનરાડ રોન્જન(૧૮૪૫-૧૯૨૩)ને ગયું. ખાસ કરીને વિજ્ઞાનને લગતાં ઇનામોની જાહેરાતની વૈજ્ઞાનિકો રાહ જોતા હોય છે. તેમાં કોને મળ્યું તે કરતાં કયા વિષયને મળ્યું તેનું નામ વધુ લેવાય છે. જેમ કે આ વરસે મેડિસીનનું ઇનામ હિપેટાઈટિસ ‘C’ના વાઇરસની શોધને મળ્યું; વિજેતાનાં નામ હાર્વે અલ્ટર, માઇકલ હફટન અને ચાર્લ્સ રાઇસ ઓછાં મહત્ત્વના બને. સામાન્ય રીતે દર વર્ષે પહેલું જે ઇનામ જાહેર થાય તે ‘શરીરશાસ્ત્ર અથવા ઔષધવિજ્ઞાન’નું હોય છે. (આ ઇનામનું નામ વસિયતનામામાં Physiology OR Medicine એ રીતે લખાયું છે, એટલે કે આ બંને વિષય મળીને એક જ ઇનામ આપવાનું છે.) કમળાના એક પ્રકાર ‘હિપેટાઇટિસ-સી’નું કારણ એક વાઇરસ છે, તે બતાવી તેને જુદું તારવવા માટે આ પ્રાઇઝ ત્રણ વૈજ્ઞાનિકો વચ્ચે વહેંચાયું છે. અગાઉ કમળો થવા માટે A તથા B નામે ઓળખાતા વિષાણું જવાબદાર છે, તે નક્કી થઈ ગયું હતું. પરંતુ તે બંનેની ગેરહાજરીમાં પણ કમળો થાય છે અને તે આ વાઇરસ તેમ આ ત્રણ જણાએ દર્શાવ્યું. લોહીની તપાસમાં આ વિષાણુને પકડી શકાય છે. જેના યકૃત(લિવર)ને આ વાઇરસ લાગુ પડે તેમને લિવરનું કૅન્સર થવાની શક્યતા રહે છે. 

પદાર્થવિજ્ઞાન (Physics) માટેનું ઇનામ પણ ત્રણ જણ વચ્ચે સંયુક્ત રીતે મળ્યું. રોજર પેનરોઝ, ગેન્ઝેલ અને એન્દ્રિયા ઘેઝ (મહિલા) એ ત્રણે એ અલગ-અલગ સમયે Black Hole ‘શ્યામગર્ત’ ઉપર કાર્ય કરેલું. બ્લૅક-હૉલ એવા અવકાશી પિંડ છે, જેનું ગુરુત્વાકર્ષણ એટલું પ્રચંડ હોય છે કે તેમાં ગયેલો કોઈ પદાર્થ પાછો નીકળી શકતો નથી, તે એટલે સુધી કે પ્રકાશ પણ નહિ! જેમાંથી પ્રકાશ ન નીકળે તેને જોઈ કેમ શકાય? એટલે તેનું નામ ‘કાળું કાણું’ એવું પડ્યું. આપણી આકાશગંગાના કેન્દ્રમાં પણ આવું જ એક બ્લૅક-હૉલ છે. પેનરોઝે આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદનો ઉપયોગ કરી તેનું અસ્તિત્વ સમજાવ્યું, પરંતુ તે વાસ્તવમાં છે કે નહિ તેની સાબિતી ગેન્ઝેલ અને ઘેઝે આડકતરી રીતે આપી. તેઓએ અવલોકન કર્યું કે બ્રહ્માંડમાં અમુક તારાઓનું ટોળું એક અદૃશ્ય બિંદુની આસપાસ પ્રદક્ષિણા કરે છે. એનો અર્થ કે ત્યાં આગળ એક ભારે પિંડ છે, જેનું ગુરુત્વાકર્ષણ તેમને ફેરવે છે. પેનરોઝે કોલકાતાના એક પ્રોફેસર અમલકુમાર રાય ચૌધરીનું ગણિત વાપરેલું, એટલે અગાઉ એમને મળવા ખાસ કોલકાતા પણ આવી ગયા છે.

રસાયણશાસ્ત્રનું ઇનામ પણ આમ જુઓ તો બાયૉલૉજીને જ ગયું કહેવાય. આનુવંશિકતાના મહા અણુ DNAમાં આપણી ઓળખના જિન્સ (જનીન) રહેલા હોય છે. જિનેટિક એન્જિનિયરિંગમાં DNAના અમુક ભાગમાં રહેલા જિનને કાઢી નાખવાનું અથવા તેમાં ફેરફાર કરવાનો હોય છે. તો ખાસ જગ્યાએ એ મહા અણુમાં નવું જિન બેસાડવું હોય, તો તેને બરાબર જગ્યાએથી કાપવો પડે. અમુક રસાયણો આ કામ કરી આપે છે, જેને અણુને કાપવાની કાતર કહી શકાય. CRISPR Cas૧૯ નામની આ ટેક્‌નોલૉજી ઇમેન્યુઅલ ચાર પેન્ટિયર અને જેનિફર ડૂડના નામનાં બે સ્ત્રીવિજ્ઞાનીઓએ શોધી કાઢી છે. CRISPRએ લાંબા નામના પ્રથમ અક્ષરોથી  બનેલું નામ છે. આ યુક્તિ વનસ્પતિ તેમ જ પ્રાણીઓના જનીનમાં ફેરફાર કરવા માટે વપરાય છે. કેટલાકે તેનો ઉપયોગ માણસની પ્રજાતિ સુધારવાના સંશોધન માટે પડકાર અને એમ કંઈક વિવાદ પણ ઊઠેલો. નોબેલ પ્રાઇઝના ઇતિહાસમાં પ્રથમ વાર છે કે સંયુક્ત ઇનામનાં બંને દાવેદાર મહિલા હોય, પરંતુ ભાભા પરમાણુકેન્દ્રના ડૉ. રથે આ વિષયે વ્યાખ્યાન આપતાં કહ્યું કે આ બંને ઉપરાંત લિથુયાનિયાના ડૉ. સિકિસ્નસે પણ આ જ શોધ કરી હતી, અને એમનું શોધપત્ર આ બંને કરતાં પહેલા પ્રકાશન માટે અપાયું હતું (મે ૨૦૧૨), પરંતુ આ લોકોએ જે જર્નલને પેપર મોકલ્યું, તેના તંત્રીને આ વિષય નવો લાગતાં તેમણે મોડા આવેલ પેપરને જલદી (જૂનમાં મળેલ પેપરને જૂનમાં જ) છાપ્યું. નોબેલ કમિટીએ ધાર્યું હોત, તો ત્રણેને સંયુક્ત ઇનામ આપી શકી હોત, પણ તેણે જે શોધપત્ર વહેલું છપાયું તેને ઇનામ આપ્યું. (એ વાત જુદી છે કે આમાંથી એક મહિલા સ્વીડનનાં છે, જ્યાં આ ઇનામોનો નિર્ણય થાય છે.)

સાહિત્યનું ઇનામ ૭૭ વર્ષનાં અમેરિકન કવિયિત્રી લુઇસ ગ્લુકને અપાશે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ છેક ૧૯૬૮માં પ્રકાશિત થયો હતો. એમ કહે છે કે એમની ખાસિયત છે કે બધાને સમજાય તેવી કવિતા લખવી. એમના કાર્ય વિષે સિતાંશુભાઈએ ગયા મહિનાના ‘નવનીત સમર્પણ’માં વિસ્તારથી વાત કરી છે. શાંતિનું પારિતોષિક યુનોની એક સંસ્થા વર્લ્ડ ફૂડપ્રોગ્રામને અપાયું. ફૂડપ્રોગ્રામ અનેક દેશોમાં શાળાનાં કુપોષિત બાળકોને ખોરાક પહોંચાડવાનું કામ છેલ્લાં સાઠેક વર્ષથી કરે છે. શાંતિ અને સાહિત્યનાં ઇનામો બાબતે ક્યારેક નોબેલ કમિટી થોડું ઍક્ટિવિઝમ કરી લેતી હોય છે. અર્થશાસ્ત્ર (જેને નોબેલ કમિટી Econonomic Science કહે છે!) માટે પોલ મીલ્ગ્રોમ અને રૉબર્ટ વિલ્સનની વરણી થઈ છે. એ લોકોએ નીલામી (Auction) કરવાની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો અને તેની વિવિધ રીતો પેશ કરી છે. આપણા દેશમાં સ્પેક્ટ્રમ અને કોલસાની ખાણોના પટ્ટાના નીલામી બાબતે બહુ ચર્ચા થઈ. પરંતુ આ અર્થશાસ્ત્રી જોડીએ દર્શાવ્યું છે કે મોઘા ભાવે ખરીદાયેલ પટ્ટા સરકારોને ગમે, પરંતુ સરવાળે પ્રજાને માથે જ ભારે પડે છે. 

ઇનામ મેળવનારે સામાન્ય રીતે મંચ પર પોતાના કામ વિષે વ્યાખ્યાન આપવાનું હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાને કારણે કદાચ અર્પણવિધિ પ્રત્યક્ષ નહિ હોય. આમ છતાં વ્યાખ્યાન હોઈ પણ શકે. નોબેલ ફાઉન્ડેશનની વેબસાઇટ ઉપર આજ લગી થયેલા દરેક ભાષણની પ્રતિલિપિ મળે છે. બી.બી.સી. વર્લ્ડ ન્યૂઝ ડિસેમ્બરની દશમી તારીખે ઇનામ અપાયાં પછી આ બધી વ્યક્તિઓ સાથે વાતચીતનો કાર્યક્રમ કરે છે, જેમાં તેઓના અભિગમ તેમ જ કાર્યક્ષેત્ર વિષે વધુ જાણવા મળે છે. આમ તો નોબેલ ઇનામો વિષે બીજી પણ ઘણી રસપ્રદ વાતો છે, જેમ કે કોને બે વાર મળ્યું, એક કુટુંબમાં કેટલાને મળ્યું, કોને મળવું જોઈતું હતું ને ન મળ્યું અથવા ના મળવું જોઈતું હતું, તેને મળ્યું વગેરે … પણ તે ટ્રિવિયા વિષે ક્યારેક પછીથી.

E-mail : pr_vaidya@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2021; પૃ. 13 તેમ જ 15

Loading

...102030...2,0382,0392,0402,041...2,0502,0602,070...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved