Opinion Magazine
Number of visits: 9572530
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડ્રેગનનું “કમલમ” કરવા જતાં “કમલમ”નું ડ્રેગન ન થાય તો સારું …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 January 2021

આપણા મંત્રીઓ આખા દેશની મંતરી રહ્યા છે ને પ્રજાને બેવકૂફ માનીને પોતાની મહાનતા સિદ્ધ કરી રહ્યા છે તે સારું નથી. દેશમાં એક સમયે ગુજરાત, મોડેલ રાજ્ય ગણાતું હતું ને તે હાલના વડા પ્રધાન અને તે વખતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની સૂઝબૂઝનું, આગવા વિઝનનું પરિણામ હતું તે હવે ઇનોવેશનને મામલે નવમા નંબર સુધી પાછળ ધકેલાયું છે, તેવું નીતિ આયોગનો બે દિવસ પહેલાંનો જ રિપોર્ટ કહે છે. ગુજરાત શિક્ષણને મામલે દયા આવે એ હદે પાછળ ગયું છે ને “મંતરી”મંડળ પ્રયોગો કરવામાથી જ ઊંચું નથી આવતું. અમદાવાદનું કર્ણાવતી તો ન થયું, પણ હાલના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ઘેરબેઠાં જ ચીનની પથારી ફેરવી નાખી છે. તેમણે તઘલખી ફરમાન બહાર પાડ્યું છે કે હવેથી ચીની ડ્રેગન ફ્રૂટ “કમલમ્‌” તરીકે ઓળખાશે. કેવો મોટો “વિજય?!” વારી જવાનું મન થાય. છે ને કમાલ ! નવરા બેઠા જે વાળી શકાય તે વળી રહ્યું છે એવું નહીં?

કાલથી ચીનનું ગુજરાતી ભાષાંતર “કમલમ્‌” થાય તો નવાઈ નહીં ! અરે, હવેથી નામચીન ચીનને જ “કમલમ્‌” તરીકે ઓળખાવાય તો શું આશ્ચર્ય ! એ તો ઠીક, પણ ડ્રેગનને “કમલમ્‌”નું સ્ટિકર મારવા જતાં “કમલમ્‌”ને ડ્રેગનનો સિક્કો ન લાગી જાય તે જોવાનું. આવી ગમ્મત કરીને આ સજજનો કમળને જ “ક” વિહોણું કરી રહ્યાં છે એવું નથી લાગતું? હા, ડ્રેગનનો ખાતમો બોલાવવાને બદલે “કમલમ્‌”નું સ્ટિકર મારવાથી હકીકત બદલાતી નથી એ સમજી લેવાનું રહે.

વેલ, રાષ્ટ્રીય સ્તરે બે વાતો ચાલ્યા કરે છે. એક તરફ કારણ વગર ઓઈલના ભાવો વધે છે ને બીજી તરફ કરોડો કરોડોના પેકેજોની જાહેરાતો થતી રહે છે. થોડે થોડે વખતે (તા)રાજનાથ સિંહ થરથરતો  અવાજ કાઢ્યા કરે છે કે ચીન વાતો શાંતિની કરે છે, પણ તેનું વર્તન અશાંતિભર્યું છે. તસુ ભર જમીન પણ ચીનને લેવા નહીં દઈએ – જેવી ડંફાસ મંત્રીઓ મારતા રહે છે, પણ ડંફાસથી પરિણામ મળતાં નથી તે કહેવાની જરૂર નથી. વાતોનાં વડાં થાય તો પણ, “વાતોનાં વડા” પ્રધાન ન થાય તે નક્કી છે. ઈન શોર્ટ, ચીનને મામલે આંખ આડા કાન કરવાનું જોખમી છે.

એક વાત સ્પષ્ટ છે કે વિશ્વ આખામાં ચીન જેવું શઠ ને જૂઠ રાષ્ટ્ર બીજું કોઈ નથી. તેના પર માત્ર અવિશ્વાસ જ રાખી શકાય. કોરોનાને મામલે આખા વિશ્વને તેણે છેતર્યું છે. તેનો એક જ હેતુ હતો આર્થિક કટોકટી ઊભી કરીને વિશ્વને રઘવાયું કરવાનો ને મહાસત્તા તરીકે સ્થાપિત થવાનો. એમ કરવામાં તે કોઈ પણ હદે જઈ શકે ને તે ગયું જ ! અનીતિ જ ચીનની એક માત્ર નીતિ છે. તેણે આખા વિશ્વનો ભરોસો તોડ્યો છે ને તેની તેને જરા જેટલી પણ શરમ નથી. કોરોના વાયરસ ચીનની પેદાશ છે. તેણે પહેલાં રસી બનાવી ને પછી વાયરસ વહેતો મૂક્યો. આ રોગ સંપર્કથી ફેલાય છે એ વાત પણ તેણે વિશ્વથી સંતાડી. તે એટલે કે શરૂમાં વાયરસને જગત ગંભીરતાથી ન લે. ચીની ડોક્ટરો રોગની ભયંકરતાથી વાકેફ હતા, પણ તેમને એ હકીકત જાહેર ન કરવાનું દબાણ કરાયું. એ તો એક ગુપ્ત મીડિયાએ વુહાનના ડોકટરોનાં લીધેલાં નિવેદનોમાં બહાર આવ્યું કે ચીની ડોક્ટરોને કોરોનાની ભયાનકતા વિષે જૂઠું બોલવાની ફરજ પાડવામાં આવી હતી. પરિણામે વાયરસ આખા વિશ્વમાં ફેલાયો. આજે તો આખા વિશ્વમાં મરણનો આંક લાખોમાં છે. એમાં સૌથી ઓછો આંક ચીનનો છે. વિશ્વના ખૂણે ખૂણે ફેલાયેલો કોરોના ચીનને ખૂણે ખૂણે ફેલાયો નથી તે સૂચક છે.

બીજી તરફ નેપાળ કે પાકિસ્તાન જેવાં રમકડાં હાથમાં રાખીને ચીને ભારત સાથે વર્ષોથી મનમાની કરી છે. 1962માં મૈત્રી દ્રોહ કરીને તેણે ભારતને યુદ્ધમાં હરાવ્યું ને તે પછી ફરી એક વાર તેણે મૈત્રીનું નાટક કરી ભારતનું આતિથ્ય માણ્યું ને ખાધું તેનું જ ખોદ્યું. ભારતની સરહદમાં ઘૂસણખોરી કરવાનો તેનો રોગ કોરોના કરતાં પણ જૂનો છે. ભારતે કોઈ પણ સ્થિતિમાં ચીનને જરા પણ હળવાશથી લેવા જેવું નથી, 2020નાં છેલ્લા મહિનાઓમાં લાઇન ઓફ એક્ચ્યુયલ કંટ્રોલનો ભંગ કરીને ચીને ઘૂસણખોરી કરી યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ કર્યું તો સામે ભારતે ચીની સૈનિકોનો ખાતમો બોલાવી વળતો જવાબ આપ્યો. આ ઘટના પછી એવી વાતો પણ આવી કે ચીને ઘૂસણખોરી કરી જ નથી, તો પ્રશ્ન થાય કે ઘૂસણખોરી થઈ નથી તો ચીની સૈનિકોને ભારતીય સૈનિકોએ મારી હટાવ્યા કઈ રીતે? જો ભારત સામેથી આક્રમણ કરતું નથી ને સૂત્રોના જણાવ્યા મુજબ ચીની સૈનિકો સરહદમાં ઘૂસી આવ્યા નથી તો સૈનિકોને ખદેડવાનું કયું કારણ હતું? એમાં પણ ન પડીએ, પણ આપણા સૈનિકો મરે છે તે જરા પણ ભૂલવા જેવું નથી. કમ સે કમ સરહદી મામલાઓમાં કોઈ પણ પ્રકારની રાજનીતિ કોઈ પણ સરકાર કે વિપક્ષો ન કરે તેવી અપેક્ષા રહે. ગોપનીયતા જો રાજનીતિનો ભાગ હોય તો પણ પ્રજા ગૂંચવાયેલી ન રહે ને સરકારમાંનો તેનો વિશ્વાસ ન ઘટે એટલું તો ધ્યાને લેવાનું રહે જ છે.

એક તરફ ચીનને પાઠ ભણાવવા ચીની એપ સરકાર બંધ કરે છે ને બીજી તરફ ચીન ઉત્તર પ્રદેશનો રેલવે પ્રોજેકટ, શાંઘાઈ ટનલ એન્જિનિયરિંગ કંપનીને આપે છે. આ ખોટું છે. એમાં બચાવ એવો આવ્યો કે એ કંપનીનું ટેન્ડર સૌથી ઓછા ભાવનું હતું. એ જાણીતી વાત છે કે ચીન સસ્તું પડે છે ને ઓછું ટકે છે, પણ ખબર હોય કે ટેન્ડર ચીની કંપનીનું છે તો એને યાદીમાં સામેલ કરાય જ નહીં ને !

courtesy : Subhani Shaik, "The Deccan Chronicle", 21 january 2021

આખો દેશ જાણે છે કે અરુણાચલ પ્રદેશ જોડે ચીને સૌથી વધુ છેડછાડ કરી છે ને સરકારોએ તેને હળવાશથી લીધી છે. આટલું ઓછું હોય તેમ 19 જાન્યુઆરીએ આઘાતજનક સમાચાર એ આવ્યા કે ચીને અરુણાચલમાં આખું ગામ વસાવી દીધું છે. સેટેલાઈટ તસવીરોમાં એ જોવા મળ્યું કે 2 ઓગસ્ટ, 2019માં ગામ ન હતું ને 1 નવેમ્બર, 2020ની તસ્વીરોમાં ગામનું નિર્માણ થઈ ચૂક્યું હતું. લગભગ 15 મહિનાના ગાળામાં ભારતમાં ચીનનું 101 ઘરોનું ગામ બની જાય ને તંત્રોને ખબર જ ન પડે એ કેવું? આ તસ્વીરો ભારતને નહીં, પણ અમેરિકી કંપની પ્લેનેટ લેબ્સને મળે છે. સેટેલાઈટ તો ભારતને ય છે, પણ ખબર અમેરિકાને પડે છે. સંઘર્ષ ભારત અને ચીન વચ્ચેનો છે, પણ ચીન, ભારતમાં ગામ વસાવે તો એની ખબર ભારતને અમેરિકી કંપની દ્વારા પડે છે. એના પરથી જ ખ્યાલ આવવો જોઈએ કે ભારતીય તંત્રો કેટલા સજાગ છે?

સરકાર છાશવારે બોલતી રહે છે કે ચીનને તસુ જમીન લેવા નહીં દઈએ, વડા પ્રધાન અને સંરક્ષણ મંત્રી સરહદી વિસ્તારોમાં ભારતીય જવાનોને રૂબરૂ થાય છે, પણ અરુણાચલમાં ગામ વસી જાય છે એની ભનક પણ પડતી નથી. એનો વળી એવો પણ બચાવ ચાલુ થઈ ગયો છે કે આ ગામ ભારતમાં થયું નથી. હવે ચીન પેકિંગમાં ગામ બનાવતું હોય તો એની ખબર સેટેલાઈટથી અમેરિકી કંપની ભારતને શું કામ આપે? એ શંકાસ્પદ હોય તો જ એની ચર્ચા હોય ને ! જો એ ચીનની સરહદમાં જ હોય તો એ ચીન જાણે, પણ એ ભારતની સરહદમાં હોય તો ભારતે જરા પણ ગાફેલ રહેવા જેવું નથી. બીજી તરફ વિદેશ મંત્રાલય ને સરકાર એ જ જૂનો રાગ આલાપે છે કે ગામ સરહદની અંદર નથી ને તસવીરોમાં એવો દાવો કરાયો છે કે ગામ વાસ્તવિક સરહદથી સાડા ચાર કિલોમીટર અંદર છે. એ જે હોય તે, પણ ચીન અરુણાચલ પ્રદેશમાં ઘૂસી આવે છે એની નવાઈ નથી. એની પૂરી સંભાવના છે કે ગામ ભારતીય સરહદમાં બન્યું હોય અને સરકાર એવો બચાવ લેતી હોય કે ગામ અરુણાચલ પ્રદેશની બહાર છે. બચાવ ભલે થાય, પણ ગામ ખરેખર જ જો ભારતમાં બન્યું હોય તો, ભારતે પૂરી ગંભીરતાથી એને નામશેષ કરી પોતાનો વાસ્તવિક કબજો સિદ્ધ કરવો જોઈએ. એવું ન થાય કે ખોટા બચાવમાં બચવું મુશ્કેલ થઈ જાય.

ટૂંકમાં, ચીન બધી રીતે ધિકકારને પાત્ર છે ત્યારે સરકારોએ ડ્રેગન ફ્રૂટને કમળ કહેવાની બાલિશ રમતોમાં ન પડતાં કે ગામ વસી જાય ત્યારે ધાર્તરાષ્ટ્રી નજર ન રાખતાં, દેશને સુરક્ષિત રાખવાનો પ્રમાણિક, રિપીટ, પ્રમાણિક પ્રયત્ન કરવો જોઈએ. ભારતે એક મહાભારત તો જોયું જ છે, બીજું જોવાનું ન થાય તેવી પ્રાર્થના કરીએ …

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 જાન્યુઆરી 2021

Loading

પ્રજા અને પૃથ્વીની સંભાળના ઘટકનો ઉમેરો : માનવ વિકાસના સૂચકાંક પર ત્રણ દાયકાને અંતે એક દ્રષ્ટિપાત

જ્હોન એસ. મૂલાકાટુ અને જે.ડી.એસ. ચાથુકુલમ [અનુવાદક : આશા બૂચ]|Opinion - Opinion|22 January 2021

માનવ વિકાસનો 2020નો અહેવાલ આપણને જાગૃત થવાની હાકલ કરી રહ્યો છે. ગાંધી અને જે.સી. કુમારપ્પાના આદર્શોને ફરીથી અપનાવવાનો સમય આવી ગયો છે. 

મહેબૂબ ઉલ હક અને અમર્ત્ય સેને પ્રદાન કરેલ માનવ વિકાસ સૂચકાંકની વિભાવના અને તેની રચના, એ માનવીની પ્રગતિ વિશેની વિવેચનાત્મક બૌદ્ધિક વિચારસરણીના ઇતિહાસમાં એક સીમાચિહ્ન રૂપ ઘટના ગણી શકાય. માનવ વિકાસ સૂચકાંકનો આધાર લોકોના સામર્થ્ય ઉપર છે; એટલે કે લોકો શું કરે છે અને શું બનવા માગે છે એ મહત્ત્વનું છે. Human Development Index (HDI)માં અત્યાર સુધી ત્રણ નિર્દેશકોનો સમાવેશ હતો : દીર્ઘ અને સ્વસ્થ આયુષ્ય, જ્ઞાન મેળવવાની તકની ઉપલબ્ધિ અને શિષ્ટ કહી શકાય તેવું જીવન ધોરણ. 1990માં તેના પ્રારંભના સમયથી જ મોટા ભાગના દેશોની સરકારો પોતાના દેશના સ્થાનીય, પ્રાંતીય અને રાષ્ટ્રીય સ્તરે થયેલ વિકાસના માપદંડ તરીકે તેનો ઉપયોગ કરે છે. 

દરેક દેશના રાજકીય અર્થકારણના સંદર્ભમાં આ સૂચકાંકોને સુધારવાના પ્રયાસો સતત થતા રહ્યા છે. તેમાં બીજી ક્ષમતાઓનો પણ ઉમેરો કરવામાં આવ્યો, જેમાં પોતાના જીવનને સ્પર્શતી બાબતોમાં નિર્ણય લેવાનો અધિકાર, હિંસાથી મુક્તિ મેળવવાનો અધિકાર, સ્વમાનની ભાવનાને માન્યતા મળે અને પૂરતા પ્રમાણમાં નવરાશ ભોગવવાના અધિકારને પણ આગળ ધરવામાં આવ્યા. ઘણા દેશોએ પોતાના આંકડાકીય અભ્યાસમાં માનવ વિકાસ સૂચકાંકનો સમાવેશ કર્યો છે. દર વર્ષે જ્યારે તેનો અહેવાલ બહાર પડે ત્યારે જે તે દેશના રાજકારણીઓ અને વહીવટકર્તાઓ વચ્ચે આ વિષય પર ગંભીર વિચારણાઓ થાય છે અને તેમાં થયેલ સુધારા નોંધવાનો પ્રયાસ થતો હોય છે.

માનવ વિકાસ સૂચકાંકનો આંક ઊંચો હોય તેવા મોટા ભાગના દેશોનું પર્યાવરણની જાળવણી માટેનું  માથા દીઠ પ્રદાન પણ વધુ જોવા મળે છે. માનવ વિકાસ સૂચકાંકનું આ પાસું કે વિકાસનો આ નમૂનો કે જેને બઢાવો અપાઈ રહ્યો છે તેના ટકાઉપણા વિષે તેમ જ તેની વિશ્વવ્યાપકતા વિષે સવાલ ઊભો થાય છે. દાખલા તરીકે અમેરિકા ઉચ્ચ જીવનધોરણ ધરાવતું હોવા છતાં પર્યાવરણ પર અવળી અસર પાડનાર દેશ છે તે આ નવા  સૂચકાંક પ્રમાણે 45 ક્રમ નીચે ઊતરવું જોઈએ. આ હકીકત અન્ય વિકસિત દેશોને પણ લાગુ પડી શકે.

નોર્વે 15, કેનેડા 40 અને ઓસ્ટ્રેલિયા 72 ક્રમ નીચા ઊતરી શકે. આપણા ગ્રહના પર્યાવરણીય સુરક્ષાના મુદ્દાને લક્ષ્યમાં લઈએ તો લક્સમબર્ગ જેવા કદમાં નાનો છતાં ઉચ્ચ માથા દીઠ આવક ધરાવતો દેશ 131 ક્રમ નીચે ઊતરવો જોઈએ. આ બધા દેશો આ નવા અહેવાલથી ખુશ ન થાય.

અહીં કહેવાનો મતલબ એ નથી કે જે દેશો માનવ વિકાસ સૂચકાંકમાં અગ્ર સ્થાને છે, તેઓના ક્રમમાં પતન થશે. ઊલટાનું યુનાઇટેડ કિંગ્ડમ 10 અને ન્યુઝીલેન્ડ 6 ક્રમ આગળ આવી શકે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના વહીવટી અધિકારીએ કરેલ આ અવલોકનમાં આ બદલાયેલ દ્રષ્ટિનું પ્રતિબિંબ પડે છે, જેમાં તેમણે કહ્યું, “નવા યુગમાં જીવિત રહેવા અને વિકાસ પામવા માટે આપણે પ્રગતિનો નવો રાહ કંડારવો જોઈશે, જે માનવી અને પૃથ્વીની પરસ્પરાધારિત નિયતિનો આદર કરે અને પિછાને કે જેમની પાસે વધુ (સંપત્તિ) છે તેઓ જેમની પાસે ઓછું (ધન) છે તેમનો વિકાના અવસરનો માર્ગ રૂંધે છે.”

માનવ વિકાસ અહેવાલના 30મા અંક : The Next Frontier : Human Development and the Anthropocene, (માનવ વિકાસ અને માનવ ઉત્પત્તિના અભ્યાસ) એક નવા અંગભૂત ઘટકની વાત કરે છે; દેશના કાર્બન ડાયોક્સાઇડના હવામાં ફેલાવાનું પ્રમાણ અને તેની આપણા રોજિંદા વપરાશની વસ્તુઓ પર પડતો પ્રભાવ. આ અહેવાલ એવું સૂચવે છે કે આપણે માનવ અને પૃથ્વી પરના તમામ જીવોના સ્વાસ્થ્યને સમાવી લે નહીં કે માત્ર માનવીને જ કેન્દ્રમાં રાખે તેવા વિકાસના માર્ગે નક્કર પગલાં ભરવા જોઈએ. એ માનવ તથા માનવેતર જીવસૃષ્ટિના સાતત્ય વિષે વાત કરે છે.

આપણે પર્યાવરણની સુરક્ષા કેટલી સમતાપૂર્વક કરી શકીએ છે તે મહત્ત્વનું છે. આ અહેવાલ માનવ સમાજ કેવો પર્યાવરણના વિનાશની ધારે આવીને ઊભો છે તે વિષે વાત કરીને આ સમસ્યાની તીવ્રતા અને તત્કાલીનતા પર ભાર મૂકે છે. આ અહેવાલમાં દુનિયામાં વધતું ઉષ્ણતામાન, વિનાશ પામતા જીવો, કુદરતી સંસાધનોંમાં થતો ઘટાડો, અને પ્રકૃતિમાં આવતા અસમતોલન જેવા જોખમો વિષે નિરાશાવાદી થયા વિના વિશદ ચર્ચા કરે છે. વિકલ્પ રૂપે નવા સામાજિક ધોરણો અને કુદરત આધારિત નવી ઉર્જા શક્તિ ઊભા કરવાના હલ શોધવા પડકાર ફેંકે છે.

કુલ ઉપશમનની જરૂરિયાતનો ચોથો ભાગ જંગલો ફરી વાવવાથી સંતોષી શકાય તેમ છે. આ અહેવાલ હવામાં ફેલાતા પ્રદૂષણ અને ઘટતા જતા પ્રાકૃતિક સ્રોતો માટે અસમાનતા અને નીતિ ઘડનારાઓના નિર્ણયને જવાબદાર ગણે છે. જગતની કુલ જનસંખ્યાના 1% સહુથી ધનાઢ્ય લોકો 50% જેટલા નિર્ધન લોકો કરતાં 100 ગણો વધુ કાર્બન ડાયોક્સાઇડ પેદા કરે છે. નવા અહેવાલ મુજબ આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા નવા સામાજિક ધોરણોનો વિકાસ કરવો, આર્થિક પ્રલોભનો પૂરા પાડવા અને પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને હલ શોધવાનો છે. મોટી સંખ્યામાં લોકો પર્યાવરણની સુરક્ષાને પ્રગતિની ચાવી માનવા લાગ્યા છે, આબોહવાને રક્ષવા કર્મશીલોની વધતી સંખ્યા અને દુનિયા આખીમાં કાર્બનનો ફેલાવો ઘટાડવા થતા પ્રકલ્પોને કારણે આ અહેવાલ તૈયાર કરનારાઓને આશા બંધાઈ છે.

કોવિદ – 19ની મહામારીએ પણ આપણને પ્રાકૃતિક તત્ત્વોને પહેચાનવા અને કૃદરતને ધ્યાનમાં લઈને આગળ વધવા જાગૃત કર્યા છે. આ રીતે હલ શોધવાને કારણે આબોહવામાં આવતા બદલાવોનું ઉપશમન કરવામાં, આપત્તિકાળનું જોખમ ઘટાડવામાં અને પોષક ખોરાક તથા સ્વચ્છ પાણીની ઉપલબ્ધિ જેવા ફાયદાઓ થશે.

માનવ વિકાસનો અહેવાલ દરેક દેશને પોતાના દેશના મૂળ વતનીઓ અને સ્થાનિક સમાજના સભ્યો પાસેથી માનવ ઉત્પત્તિના નિયમોની મર્યાદામાં રહીને માનવેતર જીવો સાથે સુમેળથી રહેતા શીખવાની ભારપૂર્વક સલાહ આપે છે. એક મર્મભેદક સવાલ પણ તે પૂછે છે : “આપણે શું એક એવા પ્રાણીવર્ગના સમુચ્ચયના એવા અવશેષો મૂકી જઈશું કે જે ઘણા સમય પહેલાં નાશ પામ્યો હોય, કાદવમાં અશ્મિભૂત થઈને દટાઈ ગયો હોય અને તેની બાજુમાં પ્લાસ્ટિકના ટૂથબ્રશ, પ્લાસ્ટિક બોટલનાં ઢાંકણાં પડ્યાં હોય? આપણી દેણગી નુકસાન કરેલી વેરાન ભૂમિની હશે? કે પછી વધુ મૂલ્યવાન પગલાંની છાપ મૂકી જઈશું કે જેમાં પ્રજાનો વિકાસ લોકો અને પૃથ્વી વચ્ચે સમતુલા જાળવીને થયો હોય, જેનું ભાવિ ન્યાયી હોય?

જ્યારે પર્યાવરણનો મુદ્દો માનવ વિકાસ સૂચકાંકમાં ઉમેરવામાં આવ્યો ત્યારે ભારત બે ક્રમાંક નીચે ઊતરી ગયું, પરંતુ તે તુરંતમાં ફરી ઊંચા ક્રમાંક પર આવી જશે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશે આ દિશામાં ઘણી પ્રગતિ કરી છે, જ્યારે બિહાર અને ઉત્તર પ્રદેશ હજુ ઘણા પાછળ છે.

મધ્ય પ્રદેશમાં સહુથી પ્રથમ માનવ વિકાસ અહેવાલ લાગુ કરવામાં આવ્યો. કર્ણાટકે તેનાથી એક ડગલું આગળ વધીને એક સરખું પદ્ધતિનું માળખું અને સમય સારણી તમામ જિલ્લાઓ માટે તૈયાર કરી આપ્યું.

ગુજરાતમાં પણ 33 જિલ્લાઓનો અહેવાલ તૈયાર થયો. ત્યાર બાદ સ્થનિક સરકારો પણ જોડાઈ, જેમાં મુંબઈ અને કેરાલાના ઇડુકી જિલ્લા પંચાયતનું કામ નોંધનીય છે. સ્થાનિક સરકારો પર્યાવરણને લાભકર્તા હોય તેવી નીતિઓ સ્થાનિક કક્ષાએ સફળતાથી ઘડી શકે.

મોટા ભાગના દેશોએ પર્યાવરણમાં આવતા બદલાવના મુદ્દાને હૃદયપૂર્વકનો સાથ ના આપ્યો હોવાને પરિણામે આ અહેવાલની અસર દરેક દેશના વહીવટી માળખા પર, નીતિ ઘડવામાં અને તે મુજબ આયોજન કરવા ઉપર  કેવી થશે તે હજુ જોવાનું રહે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના 2020ના અહેવાલમાં કોવીડ – 19ની અસરનો સમાવેશ કરવામાં નથી આવ્યો. જ્યારે એ પરિબળને ઉમેરવામાં આવશે ત્યારે 2030 સુધીમાં સાધવાના લક્ષ્યાંકોને ધક્કો પહોંચશે. આમ તો ઘણી રીતે આ અહેવાલ આપણને જાગૃત થવાની હાકલ કરી રહ્યો છે. ગઈ સદીમાં જેની ભારપૂર્વક ભલામણ કરેલી તે ગાંધી અને જે.સી. કુમારપ્પાના આદર્શોને ફરીથી અપનાવવાનો સમય આવી ગયો છે તેમ સૂચવે છે.

(જ્હોન મૂલાકટ્ટુ – આંતરરાષ્ટ્રીય સંબંધો અને રાજકારણ વિભાગ કાસરગોડ, કેન્દ્રીય વિશ્વવિદ્યાલય કેરેલાના પ્રાધ્યાપક, ISEC – બેંગલુરુ ખાતે વિકેન્દ્રીકરણ પર રામકૃષ્ણ હેગડે ચેરના પૂર્વ અધિકારી ડૉ. જોસ ચાથુકુલમ)

e.mail : 71abuch@gmail.com

Loading

માનવમનની આંતરબાહ્ય ગહ્વારોની લેબિરીન્થમાં અટવાતા એક સ્ત્રીપાત્રની વ્યથા અને વેદનાને આલેખતી ટૂંકીવાર્તા – ‘પાશ’

અરવિંદ વાઘેલા|Opinion - Literature|22 January 2021

એકવીસમી સદીના પ્રથમ દાયકાના અંતિમ વર્ષે, પ્રગટ થયેલ ‘વાર્તાસંગ્રહ ‘પારિજાતક’ના સર્જક  હેમાંગિની રાનડે ગુજરાતી સાહિત્યમાં ઓછાં જાણીતા વાર્તાકાર છે. સામાન્ય ભાવકોને એમનો ઝાઝો પરિચય નથી. ગુજરાતની સાક્ષરભૂમિ તળાજામાં એક સંસ્કારી મુસ્લિમ ખોજા પરિવારમાં જન્મેલ લેખિકાનો ઉછેર અને અભ્યાસ મધ્ય પ્રદેશના ઇન્દોરમાં થયો. ઇન્દોરમાં જ  આકાશવાણીના  હિન્દી વિભાગમાં નોકરી કરી અને  ત્યાર બાદ મુંબઈ  આકાશવાણીમાં  નિવૃત્તિ સુધી સેવા આપી. આકાશવાણીના કાર્યક્રમો નિમિત્તે લેખનનો પ્રારંભ કરનાર લેખિકાની સર્જનયાત્રા હિન્દીમાં શરૂ થઇ કેટલીક ટૂંકીવાર્તાઓ અને ચાર હિન્દી નવલકથાઓ પ્રગટ થઇ છે. કવિમિત્ર મેઘનાદ ભટ્ટની પ્રેરણા અને પ્રોત્સાહનથી હેમાંગિની રાનડે પોતાની મૂળભાષા(ગુજરાતી)માં લખવા પ્રવૃત્ત થયાં. ગુજરાતીમાં ઈ.સ. 2010 પ્રગટ થયેલ ‘પારિજાતક’ એમનો પહેલો વાર્તાસંગ્રહ છે.

ક.લા. સ્વાધ્યાય મંદિર સંચાલિત બી.કે. મજમુદાર પ્રકાશનશ્રેણી અંતર્ગત સાહિત્ય અને કળાના ક્ષેત્રે નવા સર્જકોને ઉત્તેજન આપવાના હેતુસર પ્રકાશિત થતી કૃતિઓની શ્રેણીમાં ત્રેવીસમું પુસ્તક હેમાંગિની રાનડેનો વાર્તાસંગ્રહ ‘પારિજાતક’ છે. પ્રકાશકીયમાં ક.લા. સ્વાધ્યાય મંદિરનાં તત્કાલીન કાર્યકારી નિયામક પારુલ દેસાઈ આ વાર્તાસંગ્રહ વિશે નોંધે છે કે – ‘આ વાર્તાઓમાં નારીચેતનાના વિવિધ રૂપો આલેખાયાં છે’ ‘પારિજાતક’માં સ્ત્રીનાં વિવિધ રૂપો – બાલિકા, કિશોરી, કન્યા,  અર્નિંગ વુમન, પત્ની, માતા, ગૃહિણી, આધેડ અને વૃદ્ધા જેવાં સ્ત્રીનાં વિવિધ રૂપો –  ચરિત્રોનું આલેખન લેખિકાએ સૂક્ષ્મ સંવેદનોનાં તાણાવાણાની ગૂંથણી અને વાસ્તવની પીઠિકા પર કર્યું છે, ‘પારિજાતક’ સંગ્રહની વાર્તાઓમાં’ વિષયવસ્તુની યોગ્ય માવજત, સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ અને ભાષાની તાજગી’ લેખિકાનું જમા પાસું છે. માનવ મનની આંતરગહ્વારોની લેબિરીન્થમાં અટવાતા સ્ત્રીપાત્રોની વ્યથા અને વેદનાને આલેખતી, અને મે 2006ના ‘ગદ્યપર્વ’ના અંકમાં પ્રગટ થયેલી અને ‘પારિજાતક’ સંગ્રહની ટૂંકીવાર્તા ‘પાશ’ની સમીક્ષા કરવાનો ઉપક્રમ આ લેખમાં રાખ્યો છે.

‘પાશ’ ટૂંકીવાર્તા એક નારીના મનોજગતની ઊંડી, અણધારી અને રહસ્યમય ગહ્વારોનું દર્શન કરાવતી વાર્તા છે. વાર્તાની નાયિકા વસુ – વસુંધરા કાકી છે. ‘પાશ’ સમયની સહોપસ્થિતિ દ્વારા નારી સંવેદનની વાત માંડે છે. સમયના વર્તમાન બિંદુથી શરૂ થતી વાર્તાને આરંભે વસુંધરાકાકી જૂના ઘરની ઓસરીના થાંભલાને અઢેલીને બેઠાં છે. કાકીના સુખ દુઃખનો સાક્ષી આ થાંભલો એમના વ્યક્તિત્વ સાથે અભિન્ન રીતે જોડાયેલો છે. સારા-નરસા સંસ્કાર વારસા અને સ્મૃતિઓનું પ્રતીક બનીને વાર્તામાંએ આવે છે.

ભત્રીજો અનિલ જૂના ઘરની સામે જ નવું ઘર બનાવી રહ્યો છે. એટલું જ નહિ જૂનું ઘર તોડીને વેચી પણ મારવાનો છે. ઘરના સંસ્કારો અને રૂઢિઓના બોજાથી દમિત વસુંધરા, જૂના રીતરિવાજો અને સંસ્કાર સાથે જીવવા માંગે છે. નવાને સ્વીકારવું એમના માટે સહજ નથી. એમને  લાગે છે કે, – ‘ઊંચા મકાનની અપશુકનિયાળ છાયાએ એના ફળિયાનો ઉજાસ ઝૂંટવી લીધો છે.’ (પૃ. ૬૫.) સંધ્યાનો સમય થતાં પરંપરાના નિયમને અનુસરતાં તેઓ પૂજાની ઓરડીમાં જાય છે. આ ઓરડા સાથે જોડાયેલી એક મનહૂસ ઘટનાનો અતીત એમણે ઘેરી વળે છે. – ‘વસુંધરાએ સાંજનો દીવો કરવા પૂજાની ઓરડીમાં પ્રવેશ કર્યો, ત્યાં એક કદાવર અને ઉગ્ર પુરુષના બાહુપાશમાં તે જકડાઈ ગઈ. કામાંધ પશુની તીવ્ર ગંધ અંગે અંગમાં વ્યાપી ગઈ, અને એ લોખંડી બાથમાં વસુંધરાનું શરીર જરીક વારમાં પાણી પાણી થઇ ગયું’. (પૃ. ૬૫) વસુંધરા પૂજાના રૂમમાં ઘરના જ કોઈ સભ્ય(?)ની વાસનાનો શિકાર બની હતી … કોણ હતો એ કામાંધ ? એનું ઈંગિત ગંગાના પ્રશ્ન- ‘ત્યાં અંધારામાં એટલી વાર શું કરતાં’તા ભાભી ?’ (પૃ. ૬૬)માંથી મળી રહે છે. પણ શા માટે ? એ પ્રશ્ન પાછળ ઘણાં રહસ્યો અકબંધ છે. લેખિકાએ કલાત્મક આલેખન દ્વારા એનો સ્ફોટ કર્યો છે જ. વસુંધરા આખી ઘટનાનું રાઝ મનમાં ઢબૂરી થરથરતા હાથે ભગવાનને દીવો કરે છે ! ? અહીં ભગવાન, ભક્તિ અને પરંપરા સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે.

વસુંધરાના વ્યક્તિત્વની પરતો લેખિકા ધીરે ધીરે ઉઘાડે છે. આ ઘરમાં પતિપ્રેમથી વંચિત વસુંધરા એકલી પડી ગઈ છે. એની ઉદાસી એને  મીની(બિલાડી)માંથી પ્રેમ શોધવા મજબૂર કરે છે. ચોકીદાર જેવા સામાન્ય એક ત્રાહિત વ્યક્તિ સાથે નવા ઘરમાં શિફ્ટ થવા અંગે કે સમાન બંધાઈ ગયો કે કેમ? એવી ઔપચારિક વાતચીત કરી માનવીય સંવેદના શોધવા મથામણ કરે છે.

નાયિકા વસુંધરા, વાર્તાને આરંભે ભાવક સમક્ષ વસુંધરા કાકી તરીકે પ્રત્યક્ષ થાય છે. જીવનના એકાંતથી ભાગવા, ભાગવત વાંચે છે એ પણ સૂચક છે. કૃષ્ણનું બાળપણ, પ્રેમ –મસ્તીની વાતો એમના ખાલીપામાં પૂરક બને છે. વસુંધરાની સખી મીની આજકાલ હીંચકા પર બેસે છે, જેથી હીંચકાના ચીંચકારનો અવાજ આવે છે. આ અવાજ ફરી કાકીને ભૂતકાળમાં ખેંચી જાય છે. અતીતની આ યાદો વસુના જીવનની દુ:ખદ અને કડવી યાદો છે. માધવરાય દેસાઈ, વસુંધરાનો પતિ, નિર્બળ, માંદલો અને કાયર. હીંચકે બેસી બીડીઓ ફૂંકવા સિવાય બીજું કોઈ કામ નથી, હીંચકા નીચે બળેલી દીવાસળીઓ વેરાયેલી હોય છે, જાણે સળગી સળગીને ઓલવાતા વસુંધરાના અરમાનો!

વર્તમાનનું દુઃખ માણસને અતીતપ્રિય બનાવી દે છે, પછી ભલેને ભૂતકાળ સુખદ હોય કે દુ:ખદ. વસુંધરા વલોવી નાખતા વર્તમાનથી ભાગીને ભૂતકાળમાં મોં છુપાવી લે છે. શૈશવનાં સંસ્મરણો એને ઘેરી વળે છે. ત્રણ ભાઈઓ વચ્ચે એકલી બહેન વસુંધરા પણ મા બાપના પ્રેમથી વંચિત રહી, મા બાપે કદી ખોળામાં બેસાડી નથી. સૌથી નાની એટલે બાળપણમાં ભાઈઓનો માર ખાધો, લૂંટવા ઝૂંટવાની તેમની પ્રવૃત્તિ સાંખી, વસુનું વિશ્વ રસોડાની દીવાલો વચ્ચે સંકોચાઈ ગયું. માતા પિતાના ઘરેતો પ્રેમ નહોતો જ મળ્યો, પતિગૃહે પણ એ વંચિતા જ રહી! એની ઝંખના તો જુઓ – ‘ક્યારે બીમાર પડી હોત … તો કદાચ પ્રેમભર્યા બે શબ્દો સાંભળવાનો લહાવો તો મળત !’ (પૃ. ૬૮) . પણ … એ માટે ય ભાગ્ય જોઈએ, એના ભાગ્યમાં તો મીનીનો પ્રેમ અને પેલા થાંભલાનો આધાર !

વસુંધરાની યુવાનીના દિવસોનું એક દૃશ્ય ફરી એના સ્મરણપટ પર ઉપસે છે. એક યુવાન સ્ત્રીના અરમાનોની જેમ જ –‘ માસિકધર્મ પછી નાહી, વાળધોઈ, સદ્ય:સ્નાતા વસુંધરાને પોતાનું યુવાન શરીર નવું નવું લાગેલું, તાજું, કુમળું, આતુર મનમાં એક ઊર્મિ ઊઠી’તી … એને થયું, કોઈ એનું અંગ વલોવી નાંખે … રાતે અભિસારિકાનો પાલવ ઢળ્યો, દેહ આતુર થયો, શયનકક્ષમાં દાખલ થઇ, વસુંધરા સૂતા પતિને વળગી પડી. એને થયું આ પુરુષ શરીરને પોતાનામાં અંદર સુધી સમાવી લે, પણ ત્યારે જ એક આંચકા સાથે એ શરીર તેની પકડમાંથી છૂટી, આંખના પલકારામાં ઓરડામાંથી બહાર નાસી ગયું.’ (પૃ. ૬૯) લેખિકા અહીં નાન્યતર ક્રિયાપદનો ઉપયોગ કરી, નિષ્ફળ દામ્પત્ય તરફ ઈંગિત કરે છે. આખી રાત હીંચકાની ચૂં … ચૂંનો કર્કશ અવાજ સાંભળતો વસુંધરાનો અતૃપ્ત દેહ, આત્મગ્લાનિ અને અપમાન અનુભવતો એક ખૂણામાં પડી રહ્યો.  પડ્યા પર પાટુંની જેમ દેરાણીના ટોણા – ‘ હેં ? આ શું જેઠાણી ? કાલે આખી રાત હીંચકો બોલતો રહ્યો …’ દેરાણીના અંગ પ્રત્યંગમાં વિલસતી તૃપ્તિ એને મૌન કરી દે છે. અતીતના સ્મરણોને વલૂરી વલૂરી જીવતી વસુંધરાકાકીને હવે જિંદગીના અંત તરફ પહોંચવાની ઉતાવળ છે. આજે પણ … દેવપૂજાનો નિત્યક્રમ જાળવીને બેઠેલાં કાકી વારે વારે ભૂતકાળના સ્મરણોમાં સરી પડે છે. ઘરની સમૃદ્ધિને યાદ કરતાં અતીતને જીવંત કરે છે. આરતી ટાણે આખું ઘર ભેગું થતું વાતાવરણ શુભ બની જતું, એવું લાગતું કે, આ કુટુંબની સવાર કેટલી મંગલ છે. એના પર દૈન્ય, દુઃખ કે દુશ્ચિંતાનો પડછાયો કદી ન પડે.

મધ્યમ વર્ગની થોડી ઓછી સુંદર કન્યા વસુ બાર વર્ષની ઉંમરે, આ જાહોજલાલીવાળા ઘરમાં, દાન દહેજ વગર પરણીને આવી, જમાઈ શરીરે થોડા દૂબળા પણ … મન મનાવ્યું. કદાચ વસુને વહુ તરીકે પસંદ કરવાનું કારણ એ જ તો નહોતું ? ઉપરથી રંગ અને રસભર્યું આ ફળ અંદરથી સાવ સડેલું અને પોકળ નીકળ્યું. લેખિકાનું આ કથન પતિ અને કુટુંબ બંને માટે યથાર્થ ઠર્યું. વસુંધરા શરીરે સશક્ત, નિરોગી અને કામગરી હતી, એ લાયકાતે તે આ ઘરની વહુ બની. એનો પતિ તો તન અને મનથી સાવ નબળો હતો. એટલે લગ્ન પછી વર્ષો સુધી એની સાસુએ ગર્ભાધાનના યોગ્ય મુહૂર્તની રાહ જોવાના બહાના હેઠળ વસુને પોતાની સાથે જ સુવરાવી, પણ મુહૂર્ત ક્યારે ય ન આવ્યું. દિયરના લગ્ન પછી વગર મુહૂર્તે સાસુએ એને માધવની ઓરડીમાં ધકેલી દીધી! વસુંધરા યુવાન થઇ ગઈ હતી, શરીરે ભૂખ ઓળખવી શરૂ કરી દીધી હતી. માધવે નબળા પ્રયત્નો કર્યા, પણ નિષ્ફળ રહ્યો . – ‘કૂવો ઊંડો હતો, ખૂબ યત્ન પછી ચાંગળુંક પાણી નીકળ્યું, વસુંધરાનો ઘડો કદી પૂરો ભરાયો જ નહિ! અતૃપ્તિની આગ સદા સળગતી રહી. નાયિકાની આ અતૃપ્તિ સતત એના વાણી વર્તનમાંથી જાણે અજાણ્યે ડોકાતી રહે છે. પૂજાના ફૂલ ચૂંટતી વસુંધરા છોડ વિશે વિચારે છે કે, – ‘ન કોઈ પાણી આપે, ન સંભાળ રાખે તો ય આ ફૂલ દીધે જાય છે ‘ ( પૃ. 70 .) … વાર્તાના જાતીય સંદર્ભોને ઔચિત્યપૂર્ણ અને સુરુચિ ભંગ ન થાય એ રીતે લેખિકાએ શિષ્ટ  રીતે આલેખી બતાવ્યા છે.

જૂના ઘરની જાહોજલાલી ખત્મ થઇ ગઈ હતી, વસુંધરા એકલી ઘરમાં બચી હતી, સસરાના ઓરડામાં એ પ્રથમવાર પગ મૂકે છે. ઓરડામાં ભૂતકાળની સમૃદ્ધિના અવશેષો જોઈ તે અવાક થઇ જાય છે. ઘર છોડતાં ઓરડાની ધૂળમાં પડતાં પગલાં એણે ગૃહપ્રવેશનાં પગલાંની યાદ અપાવે છે. વસુંધરાના મન:પટલ પર અતીતનો આયનો ઉઘડી જાય છે. આખું ઘર જીવંત થઇ ઊઠે છે. લેખિકાએ ફલેશબેક પ્રયુક્તિ પ્રયોજી, જેઠાણીને મુખે વસુને આખી વાત સાંભળવી. – ‘કુટુંબના ત્રણ દીકરા જેઠ દામોદરરાવ, પતિ માધવરાવ અને દિયર અનંતરાવ. સાસુની છ સુવાવડ થઇ પણ બચ્યા ત્રણ જ. બે દીકરીઓ અને એક દીકરો જીવ્યાં નહિ. સાસુજીને દીકરીની ખૂબ હોંશ હતી, એટલે દીકરાઓને જલદી પરણાવી વહુઓ લાવી, તેમને શણગારી, સજાવી ઈચ્છા પૂરી કરવી હતી’. (પૃ. ૭૧.) રૂપ, ગુણ અને શિક્ષણથી સંપન્ન છતાં સારું દહેજ લાવેલી દેરાણીના આગમન પછી કુટુંબની રહેણીકરણી બદલાઈ, પરિવારની સમૃદ્ધિનો ઢાળ શરૂ થયો . –‘આ તે કંઇ જિંદગી છે.’ કહી દેરાણીએ ગામડું ન ગમતા શહેરમાં રહેવાનો નિર્ણય જાહેર કર્યો. કૌટુંબિક નારાજગી છતાં તેઓ ગામ ઘર છોડી શહેરમાં સ્થાયી થયાં. એ પછી એમનો કોઈ સંપર્ક ન હતો. ઘર, ગામ અને કુટુંબ સાથેનો નાતો તૂટી ગયો હતો.

અનિલ આ વાર્તાનું એક મહત્ત્વનું પાત્ર છે, છે જેઠાણીનો દીકરો અને આ કુટુંબનો પહેલો પૌત્ર. સાસુએ એને વસુના ખોળામાં આપ્યો હતો. નિ:સંતાન વસુંધરાએ પોતાના પુત્રની જેમ વાત્સલ્ય વહેવડાવ્યું હતું. આ એ જ અનિલ છે જે હવે મોટો થઇ ગયો છે અને જૂનું ઘર તોડી પડાવી નવું ઘર બાંધવા તૈયાર થયો છે. વસુંધરા એને કહે છે કે – ‘તું એક વાર આંખ અને મન ઉઘાડીને જો તો ખરો. એ બધા અહીં જ છે . તેમનો આત્મા અહીં જ વસે છે.’ (પૃ. ૭૭ )વસુંધરા સદ્દગત સ્વજનોની યાદ અપાવવા પ્રયત્ન કરે છે. પણ વ્યર્થ .. જૂના ઘર સાથે જોડાયેલી સ્મૃતિઓને કારણે કાકીને દુઃખ તો ઘણું થાય છે પણ અનિલ કંઇ માને તેવો નથી. વસુંધરાકાકી પોતાની વ્યથા આ રીતે વ્યક્ત કરે છે કે, – ‘મારે ક્યાં ય નથી જવું, અજવાળું મારી આંખોમાં ગળે છે, મારા જાણીતા અંધારામાં તે બધાં મારી પાસે હોય એમ લાગે છે. ‘નવા ઘરમાં એ બધાં ખોવાઈ જશે …. મને મારા ભૂતકાળના પડછાયાઓથી શું કામ વિખૂટી પાડો છો ?’ (પૃ. ૭૩). જૂના ઘરનાં સંસ્મરણોમાં વસુંધરા ઘરની ઉન્નતિ અને અવનતિને જુએ છે. છેલ્લે ઘરમાં માત્ર બે જ માણસ રહી ગયાં, વસુંધરા અને માધવરાવ. હજુયે એમનો જીવનક્રમ એ જ છે હીંચકે ઝૂલવું, બીડીઓ ફૂંકવી, બળેલી દીવાસળી અને ઠૂંઠાની પેશાબ જેવી વાસ આજે ય વસુંધરાના નાકમાં બળજબરી કરે છે. વસુંધરા અજબ છે, આટઆટલા દુઃખ, અત્યાચાર, અવહેલના અને કાપુરુષની પત્ની બનીને આ ઘરમાં અત્યાર સુધી ઢસરડા જ કર્યા છતાં …. એને જૂનું ઘર એની સ્મૃતિઓ ગમે છે. શું વસુંધરા  ભારતીય નારીનું પ્રતીક છે ! બધું સહન કરીને, વેઠીને પણ પ્રેમ વરસાવે, સહનશીલતાની મૂર્તિ ? વસુંધરાના વ્યક્તિત્વના અનેક રંગો લેખિકાએ ઉજાગર કર્યા છે.

નોસ્ટેલેજિયાનો ભોગ બનેલી વસુંધરાને અંગત સામાન સંકેલતાં સાસુનાં નાકની નથ મળે છે, અને એ સાથે જ શરૂ થાય છે સ્મૃતિઓની વણઝાર … પ્રભાવી અને કડક વ્યક્તિત્વ ધરાવતી, રુઆબદાર સાસુના વ્યક્તિત્વના ય બે પાસાં પ્રભાવી અને પ્રેમાળ ! સાસુની સ્મૃતિઓ સાથે ભૂતકાળના પડછાયા લંબાયા, સાત સાત વરસ એણે વસુને પોતાની પથારી પાસે સુવરાવી ! શું આ પ્રેમ કે પછી છળ ? ભૂતકાળ માણસના અસ્તિત્વનું અભિન્ન અંગ છે. વિચારોના વમળમાંથી નીકળવા માંગતી વસુ, અતીતના એ વમળમાં વધુને વધુ ઊંડી ઊતરતી જાય છે. વસુંધરાની અતીત યાત્રામાં જેઠાણીની કરમ કઠણાઈ એણે જ જોવી પડે છે, એક પુત્રની યુવાન મા, પોતાની જેઠાણીને ગર્ભાશયમાં જખમ પડ્યા હતા, રુઝે નહિ ત્યાં સુધી પતિસંગનો પરહેજ હતો. જેઠાણીની બીમારીના સમયમાં ઘરમાં ગંગાનું આગમન કોઈ સંયોગ નથી, પણ સાસુની સંમતિથી જ થાય છે. જેઠાણીની ગેરહાજરીનો ગેરફાયદો ગંગાએ બરાબર ઉઠાવ્યો. ચાલાક ગંગાએ સ્વભાવ અને સેવાભાવથી સાસુનું દિલ જીતી લીધું !! વહુઓ સામે રૂઆબ દેખાડતાં સાસુ કોઈ દૂરની બહેનની દીકરી પર આમ રીઝે ? હા, કદાચ આ તેમની જ યોજના હોય?

વસુંધરા છૂટવા માંગે છે આ ભૂતાવળથી પણ અતીતની વાતો એનો કેડો મુકતી નથી. જેઠાણીની તબિયત સુધર્યા પછી એમની દશા વધુ દુઃખદ અને દયાજનક બની. પતિ પત્ની વચ્ચેના ઝઘડાના પડછાયા ઓરડાની બહાર ડોકાઈ રહ્યાં હતા. સાસુએ જેઠાણીને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ અંતે ધરબાયેલો લાવા સ્ફોટ સાથે બહાર આવ્યો – ‘એઠું ખાવાની મને ટેવ નથી … …. એટલી જ ખંજવાળ હતી, તો ક્યાંક બીજે જઈ મો કાળું કરવું ’તું ને, બેનના સગપણની ય લાજ ન રાખી ?’(પૃ. ૭૯) ઘરની માન મર્યાદાને નામે કુટુંબની કુત્સિતતા અને જુગુપ્સાને, સંતાડવાનો પ્રયત્ન કરતાં સાસુ, વહુને બદલે પુત્રનો પક્ષ લેતાં કહે છે કે, – ‘પશુ ભૂખ્યું હશે તો માંસ દેખી ખાવા ધાશે જ’, (પૃ. ૭૯). વસુની સામે જોઈ ઉચ્ચારાયેલા સાસુના આ માર્મિક શબ્દો, ઘણાબધા પ્રશ્નોનો ઉત્તર છે . – ‘… શરીરનો વ્યભિચાર અવસર મળેથી થાય છે. જેને અવસર નથી મળતો એ જાતને પવિત્ર ન સમજી લે, માનસિક વ્યભિચાર ઉપરથી દેખાતો નથી, પણ તે વ્યભિચાર જ . કોઈ છાતી ઠોકીને કહી શકે, તેણે કદીયે માનસિક વ્યભિચાર નથી કર્યો’ (પૃ. ૭૯.) વાત તો સાસુની સાચી હતી, પણ ઘરની જૂઠી મર્યાદાને નામે વહુઆરુઓના થતાં શોષણ અને અત્યાચારને છાવરનારી સાસુની જોહુકમી તો જુઓ – ‘આ મારા ઘરની વાત છે આનો ફેંસલો હું જ કરીશ … … જો આ વાતનો અણસાર સરખોયે ક્યાં ય અને ક્યારે ય સંભળાયો છે તો વાત કરનારને જીવતી દાટી દઈશ, ધ્યાન રાખજો’. (પૃ. ૭૯)

સાસુની સારી નાખતી નજરથી, તીર નજરથી એ બચી શકી નહોતી, એ મનોમન પોતાની જાતને જ પ્રશ્ન કરે છે . – ‘મારા મનમાં ત્યારે ખોટ હતી ખરી ? હા, હતી. પૂજાની ઓરડીમાં બે ધબકતી જાંઘો વચ્ચે સમર્પિત થઇ જવાની અદમ્ય ઈચ્છા ત્યારે મારા મનમાં નહોતી જાગી ? અને ત્યાર પછી પણ કેટલી વાર મારું મન જે મળ્યું નથી એ પામવા નહોતું તલસ્યું ? (પૃ. ૮૦)

વસુંધરા નિયતિ અને ભાગ્યમાં વિશ્વાસ ધરાવે છે . – ‘સાસુજીના ભાગ્યમાં દીકરીનું સુખ નહોતું લખાયું, તેમણે ગંગાને રાખીને નિયતિને પડકારી હતી, એમાં તેમની હાર થઈ, જે સુખ નસીબમાં ન હોય તેની ઈચ્છા ન કરવી જોઈએ’. (પૃ. ૮૦) …વ સુ જીવનમાં આને જ આધીન રહી … !!

અતૃપ્ત ઈચ્છાઓ કુંઠા બની ગઈ હતી, વૃત્તિના વિચારવમળો વસુને ઊંડા કળણમાં ખેંચી રહ્યાં હતા, મ્યાઉં મ્યાઉં કરતી મીનીને ઉપાડતાં વધતા જતા પેટની માંસલતા એના હાથો કળી લે છે – ‘મૂઈ પેટથી છે’. મીની કદાચ વસુંધરાની ઈચ્છાપૂર્તિ છે. એનું જ બીજું વ્યક્તિત્વ છે. માધવરાવને મીની દીઠી ગમતી નથી, એક વાર તે મીનીને લાત મારે છે ત્યારે વસુંધરા જીવનમાં પહેલીને છેલ્લી વાર પતિ પર ફિટકાર વરસાવે છે – ‘ખબરદાર, મીનીને મારી છે તો’ … માધવરાવ પતિ તરીકેનો અધિકાર જમાવતાં કહે છે . – ‘એને શું તને ય મારીશ’. (પૃ. ૮૧) ગુસ્સે થયેલા માધવરાવને તે જ વખતે જોરથી ખાંસી ઉપડે છે, થુંક અને બલગમથી કુરતો ભીનો થઇ જાય છે, વસુંધરા નાના બાળકની જેમ પતિના હાથ મોઢું લૂછી કપડાં બદલાવે છે. પતિના હીંચકાની બેઠકને નિર્વિકાર જોતી વસુંધરાને પ્રશ્ન થાય છે કે, – ‘શું આપ્યું છે આ માણસે વસુંધરાને ? કંઇક અસફળ પ્રયત્નો? કદીયે ન બુઝાય તેવી તરસ ? આ વસુંધરાનો પતિ નથી, એનો પુત્ર છે.’ (પૃ. ૮૧)  એને ખવરાવવું –પીવરાવવું, એની દેખરેખ કરવી, એની ખામીઓ પર પડદો નાખવો, મમતાભર્યા હાથે એની પીઠ પંપાળવી બસ આજ વસુંધરાના ભાગ્યમાં લખાયું હતું . નિયતિ સમજીને તેણે આ સ્વીકારી લીધું હતું. ક્યારેક મન બંડ પોકારતું તો પોતાની જાતને  કામમાં એ એટલી વ્યસ્ત કરી દેતી કે મન આપમેળે શાંત થઇ જતું .ઝવેરચંદ મેઘાણીની વાર્તા ‘વહુ ઘોડો’ની જેમ જ.

વસુંધરા પતિના મૃત્યુની દર્દનાક અને જુગુપ્સાજનક સ્થિતિમાં પણ એની પડખે રહી. બલગમ સાથે માધવરાવને ઘણુંબધું લોહી પડ્યું. વસુંધરા સમજી ગઈ હતી. માધવરાવના ભીના, ધ્રુજતા દેહને હૂંફ આપવા પોતાનો દેહ ચાંપી એની બાજુમાં સૂઈ ગઈ અને સાંત્વના આપતાં કહે છે કે, – ‘હું છું ને ? ગભરાતા નહીં હોં? તમને કંઇ નહિ થાય’. (પૃ. ૮૨) ધ્રુજતા શરીરે માધવ, વસુંધરાને વળગી પડ્યો, વસુંધરાએ પણ પતિના શરીરને વધારે ભીંસી લીધું … અંતે શરીર ઢળી પડ્યું. વસુંધરાએ નિર્જીવ  હાથોના પાશમાંથી પોતાને જેમતેમ છોડાવી.

પતિ મૃત્યુના આ દુ:સ્મરણને તોડ્યું ટપાલીના અવાજે, નવા મકાનમાં ભાગ માંગતો દેરાણીનો કાગળ હતો. વસુંધરાને કુટુંબના આવા સ્વાર્થી લોકો પ્રત્યે ધૃણા જન્મે છે. કાકાના આ વર્તનથી અનિલ પણ ગુસ્સે ભરાયો હતો. એ પણ કુટુંબની કડવી વાસ્તવિકતાને અનુભવી ચૂક્યો હતો. એટલે જ તો એ કાકીને કહે છે – ‘તમે ય કાકી, જ્યારે હોય ત્યારે જૂના જમાનાના ગુણ ગાઓ છો. જાણે એ … દેવ માણસો હોય’ (પૃ. ૮૪) કાકીને અનિલની વાતમાં તથ્ય તો લાગે છે, છતાં અનિલને તોછડાઈથી બોલતો રોકે છે. અનિલ પોતાના કુટુંબીજનોને કાયર કહે છે અને તેમના દંભને ઉઘાડો કરી દે છે. આ સંદર્ભે વસુ સામે સાસુની સ્મૃતિઓ જીવંત થવા માંડે છે. મરણપથારીએ પડેલી સાસુ પોતાની ગુનાહિત કબૂલાત કરે છે. – ‘એક વાતનો બહુ અફસોસ છે બેટા, એ વાત તને નહિ કહું ત્યાં સુધી મને મરણ નહિ આવે, …. તારી સાથે મેં ભારે અન્યાય કર્યો, વહુ ! મારો દીકરો તો … કરી શકે, તો મને માફ કરી દેજે, વહુ ! (પૃ. 85) અહીં સાસુનો અધ્યાહાર ….વસુંધરાના  જીવનની કરુણ વ્યથાકથાનું બયાન કરી દે છે. આ ઘરના કેટકેટલાં સંભારણા વસુંધરાને પજવે છે. – ‘કેટલાં આંસુ આ ધરતીમાં સુકાણાં છે, આ દીવાલોએ કેટલાં નિશ્વાસ પોતાનામાં વસાવી લીધા છે. કેટલા હાસ્યોના પડઘા આ છાપરા પરથી પટકાઈને વિખરાઈ ગયા છે.’ (પૃ. ૮૬)

અતીતના રહસ્યમય ખજાના જેવું આ ઘર હવે છોડવું પડશે, છેલ્લી વાર એણે ઘરમાં પૂજા કરી અને પ્રભુઈચ્છાના સ્વીકાર સાથે અનિલની રાહ જુએ છે.

બે ખંડમાં વિભાજીત આ વાર્તાનો પ્રથમ ખંડ વહાલનાં વલખાં અને વ્યથાના વીતક સાથે પૂરો થાય છે.

બીજો ખંડ, સાંપ્રત સમયના ભ્રામક માનવ સંબંધોને ઉજાગર કરે છે. વર્તમાનની વાસ્તવિકતા ફરી વસુંધરાને અતીતના ઓરડામાં ખેંચી જાય છે. સામાજિક મર્યાદાઓ અને દંભ અહીં પણ હાજર હતો ! નવા ઘરમાં ઊંઘતાં કાકીનું અચેતન મન મીનીનું મ્યાઉં સાંભળે છે. જૂના ઘરમાં એકલા હોવા છતાં એકલું નહોતું લાગ્યું, મીની વગર આ ઘરમાં એકલું એકલું લાગે છે. મીનીની ચિંતા થાય છે પણ અનિલ આગળ કશું બોલાતું નથી. સ્ત્રીના જીવનની આ જ નિયતિ છે, નાની છોકરી હોય તો પિતાના, મોટી થાય ત્યારે ભાઈના, લગ્ન થાય પછી પતિ અને વૃદ્ધ થાય પછી દીકરાઓના અધિપત્યમાં રહે છે …. હંમેશ કાંટાળી સેજ પર જ સૂવાનું !!

લાચાર વસુંધરા નવા ઘરની બારીમાંથી જૂના ઘરને જોયા કરે છે. ખુલ્લા બારી, દરવાજા જાણે એને ચીઢવતાં હતાં. હીંચકા વગરની ઓસરી વિધવાના ચાંદલા વગરના કપાળ જેવી અપશુકનિયાળ લાગે છે. ઘર તોડવાની શરૂઆત થઇ, પહેલી કોદાળી પડી ત્યારે વસુંધરાના મોઢાંમાંથી અસ્ફૂટ ચીસ નીકળી ગઈ હતી …. પૂજાની ઓરડીમાંના વસુંધરાના બધા ભગવાન પ્લાસ્ટિકની એક કોથળીમાં આવી ગયા હતા. એક બાલકૃષ્ણ સિવાય બધી મૂર્તિ તેણે  પુરોહિતને સંભાળવા આપી દીધી. વસુંધરાકાકીની વ્યથાને સમજતી વહુ, એમને સાંત્વના આપતાં કહે છે કે, મેં એમને પૂજાની ઓરડી માટે કહ્યું હતું પણ … કાકીના આ શબ્દો – ‘જ્યારે જૂનું બધું તૂટી રહ્યું છે … હવે આમનુંયે સ્થાન અહીં નથી.’(પૃ. ૯૦) નવી પેઢીની પરંપરા પ્રત્યેની આ ઉદાસી અને ભૌતિકતા તરફનું ખેંચાણ કાકીને વ્યથિત કરી દે છે, ઘર જૂનું હોય કે નવું, પેઢી જૂનવાણી કે નવવાણી પણ વેઠવાનું, સહન કરવાનું તો સ્ત્રીએ જ. કાકીની બદલાતા સમયનો સ્વીકાર કરવાની વૃત્તિ જ એમને  ટકાવી રાખે છે. વસુંધરા એ શોષિત દમિત નારીનું  પ્રતિબિંબ છે. પૈસાથી સંબંધોને તોળનારા અનિલ અને અનંત જેવાની વચ્ચે કાકીને મિલકત કે સંપત્તિની કંઇ પડી નથી, તેઓ તો શોધે છે લાગણીનો સાચો સંબંધ !

તૂટી રહેલું ઘર કાકીને હાડપિંજર સમું ભાસે છે. બધું તૂટી ગયું, પેલા એક થાંભલા સિવાય ! વસુંધરાકાકીનો થાંભલો, – ‘આ નિર્જીવ થાંભલો પરિસ્થિતિનો મુકાબલો કરી રહ્યો છે. વસુંધરાકાકીની આશાનો તંતુ અનિલના આવનાર સંતાન સાથે જોડાય છે. કાકી ભૂતકાળને ભંડારી સગર્ભા વહુની સેવામાં લાગી જાય છે. મીતભાષી કાકી વાચાળ બની ગયાં. વહુ અને સાસુ વચ્ચે આત્મીયતાનો તાર બંધાય રહ્યો છે. – ‘આ વંશની વેલમાં ફૂલ ખીલી રહ્યું હતું’. ખોળો ભરવાના દિવસે વસુંધરાએ વહુના નાકમાં પોતાની સાસુની નથ પહેરાવી, પરંપરાના એક તાંતણે સાસુ, વસુંધરા અને વહુ બંધાયાં. સ્ત્રી જ પરંપરાની વાહક છે.

એક સદ્દગુણી સાસુની જેમ એ વહુની કાળજી લેવા માંડે છે. વહુની પથારી પોતાના ઓરડામાં કરાવે છે. ખડે પગે વહુની સેવા કરે છે. હિંમત અને ધીરજના પાઠ ભણાવે છે. વંશ પરંપરાને જાળવવા મથતી વસુંધરા હિંમત કરી અનિલને કહે છે – ‘આ થાંભલો રહેવા કેમ નથી દેતા, કેટલો મજબૂત છે ? (પૃ. ૯૪) કાકી પોતાના સુખ દુઃખના સાથી, પૂર્વજોના ઘરનો ભાર ઝીલનાર એ થાંભલાને નવી ઈમારતમાં સમાવી લેવામાં આવે એમ ઈચ્છે છે. પરંતુ અનિલ એ મતનો નથી, એ તો કહે છે કે , -‘એવું તે શું છે એ થાંભલામાં કે તમે એને ચોંટી રહ્યાં છે?’ (પૃ. ૯૪) કાકી મૌન થઇ ગયાં, એ એમનો આશરો હતો. મજબૂત, અડીખમ. પેલી ‘Cast away’ ફિલ્મના નાયકને જીવવા માટે ફૂટબોલનો આધાર મળે છે, એમ ક્યારેક નિર્જીવ ચીજ પણ જીવતાનો આધાર બની જતી હોય છે. રાત્રે ચાંદનીમાં ન્હાતા થાંભલાને જોઈ કાકીનું મન રડી ઊઠે છે – ‘રહેવા દે અનિલ, આ એંધાણીને’ (પૃ. ૯૫)

જૂના ઘરના આધાર સમ આ થાંભલાને વસુંધરા જાણે વહુની પ્રસૂતિના પ્રસંગ સાથે જોડી દે છે. પ્રસૂતિમાં ઘણીવાર  થતાં, ભયભીત અને અધીરા બનેલા અનિલને કાકી ખૂબ માર્મિક વચન કહે છે –‘કૂખમાંથી કાળજાનો કટકો કાઢવો નાનીસૂની વાત નથી’. (પૃ. ૯૫) પણ .. આ વાત અનિલ જેવાની સમજ બહાર છે. વસુંધરાને પુત્રજન્મનો આનંદ અને સંતોષ એટલો છે કે, જાણે પોતે મા અને દાદી એક સાથે બની હોય ! સંયોગ તો જુઓ નિયતિએ વસુંધરાની ઈચ્છા પૂર્ણ કરી. એક તરફ દેસાઈ પરિવારનો વંશજ અવતર્યો હતો, અને બીજી તરફ એ જ વખતે થાંભલો નીકળી ગયો હતો ! કાકીના સુખદુઃખનો નિર્જીવ સાથી ઢળી પડ્યો હતો અને નવો જીવનથી ભરપૂર થાંભલો ઊગી નીકળ્યો હતો. કાકીના આયખા ભરનાં અરમાનો પૂરા થયાં હતાં. દુઃખદાયી, સારી નાખતા ભૂતકાળને ભંડારી દેવાનો સમય હતો. અનિલને પેંડા વહેંચવાની સૂચના આપી પોતે વહુ માટે કંસારના આંધણ મૂકે છે. વસુંધરા અતીત ઉપર પગ મૂકી ઉદિત ભાવિ તરફ નવું કદમ માંડે છે.

‘પાશ’ બે ખંડમાં વહેંચાયેલી — લેખિકાની એક નોંધપાત્ર ટૂંકી વાર્તા છે. વસુંધરાના પાત્ર દ્વારા નારીના મન અને હૃદયની ભૂલભૂલામણી સમી ઊંડી ગહ્વરોના અંધારા, અજવાળાંનાં દર્શન સર્જક બખૂબી કરાવે છે.

e.mail : arvindvaghela1967@gmail.com

Loading

...102030...2,0182,0192,0202,021...2,0302,0402,050...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved