Opinion Magazine
Number of visits: 9680226
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શકીરા, શકરી, અને સમૂહ માધ્યમો

અશ્વિનકુમાર|Opinion - Opinion|9 March 2021

સહેજ પણ પરસેવો ન પડે એવો અંગૂઠાદાબ વ્યાયામ કરી રહ્યો હતો. હાથમાં રિમોટ-કંટ્રોલ પકડીને ખુરશીમાં આરામથી બેઠા બેઠા સેટેલાઇટ ચેનલને કુદાવી રહ્યો હતો. ત્યાં કોઈ એક ચેનલ ઉપર ગોરી ગાયિકા શકીરાને ગાતાં-નાચતાં, ઊછળતાં-કૂદતાં જોઈ. થોડી વારમાં ફળિયાની બહાર પાકા રસ્તા ઉપર ઝાડુ ઘસવાનો કર્કશ અવાજ કાને અથડાયો. મારો નજરભંગ થયો. એક સફાઈ-નારી જાહેરમાં પરસેવા-સ્નાન કરતી કરતી કચરો વાળી રહી હતી. રસ્તાની ધૂળ ઘરમાં ભરાઈ જશે એ મધ્યમ વર્ગીય બીકે મેં બારી-બારણાં ધડાધડ બંધ કરી દીધાં. હું તો ઘરમાં સલામત રીતે જાતે જ પુરાઈ ગયો.

હું ટેલિવિઝનના પડદા ઉપર શકીરાને પુનઃ જોવા-સાંભળવા લાગ્યો. પણ કોણ જાણે કેમ મારા ચિત્ત ઉપર તો પેલી ઝાડુધારી શ્રમિકાનું જ ચિત્ર દૃશ્યમાન થતું લાગ્યું. આપણે ત્યાં સફાઈ-કામદારો સહિતના કોઈ પણ મજૂરોને એમનું નામ પૂછવાની સભ્યતા કે સમજણ નથી. આથી, મેં મારી જાતને જ એક પ્રશ્ન પૂછી કાઢયો : એનું નામ શું હશે? થોડી વિચાર-રકઝકને અંતે ‘કોઈની કામચલાઉ ફોઈ’ બનતાં મેં એનું નામ પાડી દીધું : 'શકરી'! આમ પણ, શકીરા (Shakira) અને શકરી(Shakari)ની જોડણીમાં ઘણી સામ્યતા છે. જો કે હવે મારું ધ્યાન શકીરામાંથી શકરી તરફ વધારે ખેંચાવા લાગ્યું. શબ્દોનાં માપિયાં લઈને હું શકીરા અને શકરીની તુલના કરવા લાગ્યો.

શકીરા સિંગર છે. શકરી સ્વીપર છે. શકીરાના હાથમાં માઇક છે. શકરીના હાથમાં ઝાડુ છે. શકીરા વિદેશી છે. શકરી દેશી છે. શકીરા ગોરી છે. શકરી રોગી છે. શકીરાને પૂરતાં કપડાં પહેરવાં નથી. શકરીને પહેરવાં પૂરતાં કપડાં નથી. શકીરા જિન્સના પેન્ટને કમર નીચે ખેસવીને કૂદકા મારે છે. શકરી ફાટેલા સાડલાની કિનારને કમર ઉપર ખોસવીને કચરો વાળે છે. શકીરાને પેટમાં ખાડો પાડવો હોય છે. શકરીને પેટનો ખાડો પૂરવો હોય છે. શકીરા માટે સલાડ ડિશ પૂરતી હોય છે. શકરી માટે વાળુનો થાળ પૂરતો હોતો નથી. શકીરા પૂરતું ખાતી નથી એટલે પાતળી છે. શકરીને પૂરતું ખાવા નથી મળતું એટલે પાતળી છે.

શકીરા ગ્લેમરસ છે. શકરી નિરસ છે. શકીરાને જોઈને લોકોને લાળ ટપકે છે. શકરીને જોઈને લોકોને ઊબકા થાય છે. શકીરાને અડી લઈએ એટલે ગંગા નાહ્યા એવી અનુભૂતિ થાય છે. શકરીને અડી જઈએ એટલે ગંગાજળથી નાહવું પડે એવી અનુભૂતિ થાય છે. શકીરા તો લોકોને કામદેવતા લાગે છે. શકરી માટે તો કામ એ જ દેવતા છે. શકીરાના અંગપ્રદર્શનને લોકો ફાટી આંખે જોઈ રહે છે. શકરીના અંત્યજદર્શનથી લોકો મોઢું ફેરવી લે છે. શકીરા જે કંઈ કરે છે એ એની મરજીથી કરેછે. શકરી જે કંઈ કરે છે એ એની મજબૂરીથી કરે છે.

શકીરા નૃત્ય કરી જાણે છે. શકરી કૃત્ય કરી જાણે છે. શકીરા કેડ ઝુલાવે છે. શકરી કેડ ઝુકાવે છે. શકીરા ગમે તેમ ચાલી-વળી શકે છે. શકરી આખી ચાલી વાળી શકે છે. શકીરા બ્રેક ડાન્સ કરે છે. શકરીનું આખું શરીર ભાંગી ગયું છે. શકીરા ઊછળી શકે છે. શકરી ઊકળી મરે છે. શકીરા કૂદકા મારે છે. શકરી વલખાં મારે છે. શકીરા ચેનચાળા કરે છે. શકરીને ચેન નથી. શકીરાના ઠુમકા સૌને દેખાય છે. શકરીનાં ડૂસકાં કોઈને સંભળાતાં નથી. શકીરા સન બાથ લે છે. શકરી સૂર્યને બાથ ભરે છે.

શકીરા લોકપ્રિય છે. શકરી લોપપ્રિય છે. શકીરાનું તો નામ જ એવું છે કે તેને કોઈ કામ પૂછતું નથી. શકરીનું તો કામ જ એવું છે કે તેને કોઈ નામ પૂછતું નથી. શકીરાના એક જ ગાયન ઉપર કરોડો તાળીઓ પડતી રહે છે. શકરીના આખા જીવન ઉપર કોઈની નજર પણ પડતી નથી. શકીરા સાથે લોકો હાથ મિલાવે છે. શકરી લોકો માટે હાથ ચલાવે છે. શકીરાના હસ્તાક્ષર લેવા પડાપડી થાય છે. શકરી પોતાની હાજરી પુરાવવા મુકાદમને વિનંતિ કરે છે. શકીરા ‘હિપ્સ ડૉન્ટ લાઈ’ના ગીતથી ખ્યાતનામ બની છે. શકરી ‘એ…વાળુ આલજો…બા’ના સાદથી બદનામ બની છે. શકીરા આંતરરાષ્ટ્રીય હસ્તી છે. શકરી છેવાડાના છેવાડાની જણી છે. શકીરા પેજ થ્રી છે. શકરી પેજ ફ્રી છે. શકીરા ઓગણત્રીસ ઇંચના લંબચોરસ ટેલિવિઝન સ્ક્રીન ઉપર ધમાલ-મસ્તી કરતી નાચતી-ગાતી રહે છે. શકરી એકસો બત્રીસ ફૂટના રિંગરોડ ઉપર મૂંગી મૂંગી કામ કરતી રહે છે. શકીરા આજે ઇન્ટરનેટના કારણે આપણાથી નજીક છે. શકરી આજે પણ આભડછેટના કારણે આપણાથી દૂર છે. શકીરા સેંકડો વેબસાઇટ્‌સમાં છે. શકરી હજુ છેવટવાસમાં છે.

શકીરા માથામાં મેલું ઠાલવે છે. શકરી માથે મેલું ઉપાડે છે. શકીરા આંખોમાં ધૂળ નાખી શકે છે. શકરી તો આંખોને ધૂળમાં જ રાખ્યા કરે છે. શકીરા તો ચેષ્ટા સાથે કામ પાર પાડે છે. શકરી તો વિષ્ટા સાથે કામ પાર પાડે છે. શકીરા એકાદ ગીત ગાતાં ગાતાં કાદવ-કીચડમાં આળોટે તો ય આપણને કંઈક કંઈક થાય. શકરી આખું આયખું છલકાતાં છલકાતાં મેલાંને માથે ઉપાડે તો ય આપણને કશું ન થાય. શકીરા જીવતાં કૂતરાંને પંપાળી શકે છે. શકરી મરેલાં કૂતરાંને તાણી જાણે છે. શકીરા તો ક્યારેક સ્ટેજ શૉ આયોજિત કરે છે. શકરી તો રોજેરોજ વેસ્ટેજ શૉ દૂર કરે છે. શકીરાના ભાગે ઝાઝું મળતર હોય છે. શકરીના ભાગ્યમાં કેવળ મળ તરતું હોય છે. શકીરાના વ્યવસાયમાં જરીકે શરમ નથી. શકરીનો વ્યવસાય નર્યો શરમનો છે. શકીરાને કામની તાણ નથી. શકરીને તાણનું કામ છે. શકીરા મોડી રાત સુધી ગાતી રહે છે. શકરી વહેલી સવારથી કામે લાગે છે. શકીરા મોઘીંદાટ મોટરકાર ચલાવે છે. શકરી જર્જરિત ઠેલણગાડી હડસેલે છે.

શકીરા કોલંબિયન છે એનું ગૌરવ એનો આખો દેશ લે છે. શકરી ઇંડિયન છે એનું ગૌરવ એ પોતે લઈ શકતી નથી. શકીરા ભારતમાં ક્યારે આવવાની છે એની આપણાં સમૂહ માધ્યમોમાં ભારે ચર્ચા થઈ હતી. શકરી ભારતમાં જ રહે છે, છતાં એની આપણાં સમૂહ માધ્યમોમાં ભાગ્યે જ ચર્ચા થાય છે. શકીરા સનસનાટી ફેલાવી શકે છે. શકરી સૂગસૂગાટી અટકાવી શકે છે. અખબારોમાં શકીરાની તસવીરો-મુલાકાતો છપાતી-પ્રગટતી રહે છે, પણ શકરી સંદર્ભે લખાતું-ચર્ચાતું નથી. રેડિયોમાં શકીરાનાં ગીત-સંગીત ગૂજતાં-ગાજતાં રહે છે, પણ શકરીની આપવીતી સંભળાતી નથી. ટેલિવિઝનમાં શકીરાનાં નાચ-ગાન જોવાં-સાંભળવાં મળે છે, પણ શકરીનો ઉલ્લેખ થતો નથી. ઇન્ટરનેટમાં શકીરા વિષયક સંખ્યાબંધ વેબપેજ છે, પણ શકરી વિશે ડાઉનલોડ કરવા જેવું ખાસ કશું નથી.

આપણે એ ન ભૂલીએ કે શકીરા પાસે કંઠસૂઝ છે તો શકરી પાસે કોઠાસૂઝ છે. શકીરા સૌંદર્યવાન છે તો શકરી સફાઈદાર છે. શકીરા હાથમાં માઇક નહીં પકડે તો આપણને બહુ ફેર નહીં પડે, પણ શકરી હાથમાં ઝાડુ નહીં પકડે તો આપણે ક્યાં ય હેરફેર નહીં કરી શકીએ. શકરી સાચા અર્થમાં શ્રમમાતા અને સફાઈદેવી છે. આપણા સમાજને શકીરા કરતાં શકરીની વધારે જરૂર છે. શકરી સમાજ માટે જે ભોગ આપે છે એના માટે અંગ્રેજી ભાષામાં 'સેકરીફાઇસ'ની નજીકના શબ્દ તરીકે 'શકરીફાઇસ' શબ્દ ઉમેરવો જોઈએ! કમનસીબે આપણાં સમૂહ માધ્યમો શકીરાની સરખામણીમાં શકરીને બહુ જ ઓછી જગ્યા (Space) અને બહુ જ ઓછો સમય (Time) ફાળવે છે. આપણે સૌએ સમાજમાં શકરીનું મૂલ્ય આંકવાની-સ્વીકારવાની જરૂર છે. શકરી સમાજ-મૂલ્ય ધરાવતી હશે તો કોઈ દિવસ સમાચાર-મૂલ્ય પણ ધરાવતી થશે!

લેખક-સંપર્ક : પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ-માર્ગ, અમદાવાદ – ૩૮૦ ૦૧૪

ઈ-મેઈલ: ashwinkumar.phd@gmail.com

બ્લોગ-લિંક: https://ashwinningstroke.blogspot.com/

Loading

હું વેશ બદલું છું

દેવિકા રાહુલ ધ્રુવ|Poetry|9 March 2021

તખ્તા પર આવી ઊભો છું, ને રોજ હું વેશ બદલું છું,
સંવાદો કોઈ જ યાદ નથી, ને તો ય હું રોલ ભજવું છું.

નાયક છું, ખલનાયક છું, વક્તા છું ને શ્રોતા પણ છું,
તાળી સાંભળી ફુલાઈ મનમાં, દરિયા જેટલું હરખું છું.

અંધાર તેજની વચ્ચે વચ્ચે, ચાંદ સૂરજ ભમતા જાય,
દૃશ્યો, અંકો ફરતા જાય, ને રોલ બદલાતાં મલકું છું.

વારાફરતી પાત્રો આવે, કોઈ ટકે, કોઈ વહી જાય છે,
ક્યાંથી શરૂ ને ક્યાં ખતમ, વિચારી મનને મૂંઝવું છું.

હસતાં, રડતાં, પડતાં, ઊઠતાં, મળેલ મંચને ગજવું છું.
પડદો પડતાં, વેશ ઉતારી, અજ્ઞાત રહીને વિરમું છું.

e.mail : ddhruva1948@yahoo.com

Loading

નારી તો જન્મવા જેટલી પણ મુક્ત નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 March 2021

આજે મહિલા દિવસ. ખરી ખોટી વાતોથી દિવસ પૂરો થશે. નેતાઓ ને કલાકારો નારીનાં ગુણગાન ગાશે, નારી છે ત્યાં દેવતાઓનો વાસ છે – જેવી વાતોથી આરતી ઉતારાશે અને દિવસ દરમિયાન જ નારી વળી અપમાન, છેડતી, બળાત્કાર કે હત્યાનો ભોગ બનશે. મહિલા દરેક ક્ષેત્રે આગળ વધી છે ને ઉજવણી વગર કે ઉજવણી સાથે પણ આગળ વધતી જ રહેશે. મહિલાઓને મફત શિક્ષણ અને નોકરી, રાજનીતિ, વગેરેમાં ભાગીદારી અપાઈ છે એની ના નથી, પણ આ બધું અધિકારને નામે દયાદાન જેવું વધારે છે, કારણ તેમાં સચ્ચાઈ ઓછી છે. મહિલા દિવસે થતાં સન્માનોમાં મહિલાઓ જ બીજી મહિલાનો હક મારીને કેવી રીતે સેલિબ્રિટિઝ સાથે ફોટા પડાવવા તે જાણી ગઈ છે એટલે એ મામલે તે પુરુષોને પાછળ મૂકી દે તો નવાઈ નહીં !

એક કાળે સ્ત્રીઓને મતાધિકાર ન હતો. તેનું સ્થાન “સેકન્ડ સેક્સ”નું, આજે પણ અનુભવાશે. મહિલા દિવસ અમેરિકામાં 28 ફેબ્રુઆરીએ, 1909ને રોજ ઉજવાયાની વાત છે. એ વખતે હેતુ તો મહિલાઓને મતાધિકાર આપવાનો જ હતો. 1917માં સોવિયેત સંઘે એ દિવસને રાષ્ટ્રીય અવકાશ તરીકે જાહેર કર્યો ને એનો પ્રભાવ આખા વિશ્વે ઝીલ્યો. 1917માં રૂસની મહિલાઓએ “બ્રેડ એન્ડ પીસ”ની માંગ સંદર્ભે  હડતાળ પાડી, આ હડતાળ ફેબ્રુઆરીના આખરી રવિવારે પડી. તેનું ઐતિહાસિક મૂલ્ય એ રીતે પણ છે કે ત્યારે રૂસના ઝારે સત્તા છોડી ને તે વખતની સરકારે મહિલાઓને મતાધિકાર આપ્યો. રશિયામાં ત્યારે જુલિયન કેલેન્ડર અમલમાં હતું ને બાકીના જગતમાં ગ્રેગેરિયન કેલેન્ડર ચલણમાં હતું ને તે મુજબ રશિયન 1917ના છેલ્લા રવિવારે 23 ફેબ્રુઆરીની સમાંતરે ગ્રેગેરિયન કેલેન્ડર 8 માર્ચ બતાવતું હતું. એ તારીખ વિશ્વભરમાં મહિલા દિવસની ઓળખ પામી. એમાં પણ 1996થી સંયુક્ત રાષ્ટ્ર સંઘે મહિલા દિવસને સ્પેશિયલ થીમ સાથે ઉજવવાનું નક્કી કર્યું છે ને 2021નો થીમ છે, “વુમન ઇન લીડરશિપ: એચિવિંગ ઇન એક્ચ્યુયલ ફ્યુચર ઇન અ કોવિડ-19 વર્લ્ડ.”

એ હિસાબે આખું વિશ્વ મહિલા દિવસ ઉજવશે, પણ વાસ્તવિક પરિસ્થિતિ જુદી છે ને તે, ઉજવણીનો ઉત્સાહ બહુ ટકવા દે એમ નથી. છેલ્લા થોડા દિવસની કેટલીક ઘટનાઓ જોઈએ તો પણ ખ્યાલ આવશે કે સ્ત્રીઓની દશા કેવીક છે !

શનિવારની સુરતની ઘટના છે, 13 વર્ષની કિશોરીને ગર્ભવતી બનાવી તરુણ ફરાર થયો. શનિવારે જ કપડાં સુકવવાની પિન લેવા જતાં યુવતી છઠ્ઠા માળેથી પટકાઈને મૃત્યુ પામી. અમદાવાદની પત્નીએ પતિ સાથે મનમેળ કરવા કોઇની મદદ માંગી, તો તેણે જ તેનો ગેરલાભ ઉઠાવ્યો. રાજકોટની 7 વર્ષની બાળા સાથે 27 વર્ષના પડોશીએ અધમ કૃત્ય કર્યું. રાજસ્થાનમાં રેપ પીડિતાને આરોપીએ સળગાવી મારી. વિરમગામમાં માતપિતાએ પૈસા લઈ 15 વર્ષની દીકરીને પરણાવી અને મહિના એકમાં જ પતિએ મારઝૂડ શરૂ કરી દીધી. ભુવનેશ્વરમાં વિદાય વેળાએ નવ પરિણીતા એટલું રડી કે હાર્ટએટેક આવ્યો ને તે મૃત્યુ પામી. શાહજહાંપુરમાં 12 વર્ષની ઉંમરે બળાત્કારનો ભોગ બનેલી પીડિતાએ 27 વર્ષ પછી કેસ દાખલ કર્યો. હાથ-પગ બાંધેલી આંધ્રની યુવતીએ અપહરણનું નાટક કર્યું. દિલ્હીમાં પતિ સાથે થયેલા ઝઘડા પછી પત્નીએ બે બાળકોની હત્યા કરી આત્મહત્યા કરી લીધી. બિહારમાં સગીર યુવતી પર થયો ગેંગરેપ. 5 લાખ ન ચૂકવાતાં હોસ્પિટલે ટાંકા માર્યા વગર જ 3 વર્ષની બાળકીને બહાર કાઢી મૂકતાં મૃત્યુ પામી. ગ્રેટર નોઇડામાં પડોશીના બે નોકરોએ 90 વર્ષની મહિલાની હત્યા કરી. એવી તો બીજી ઘણી ઘટનાઓ હશે. એવો કોઈ ગુનો નથી જે સ્ત્રી સંદર્ભે થવાનો બાકી રહી ગયો હોય. અહીં સૌથી વધુ પીડા તો હોસ્પિટલની એ રાક્ષસી વૃત્તિથી થાય છે જેણે 3 વર્ષની બાળકીને પૂરી બેરહેમીથી ટાંકા લીધા વગર જ મરવા માટે બહાર મોકલી દીધી. બાળકીના સંબંધીઓ જવાબદાર હોય તો પણ, એ પૂછવાનું તો થાય જ છે કે બાળકીને બહાર મોકલી દીધી તો ફી આવી ગઈ? હોસ્પિટલ સત્તાવાળાઓનું આ અમાનવીય અને અધમ કૃત્ય છે ને એમની સામે કાનૂની રાહે કામ ચલાવવું જોઈએ. પ્રશ્ન તો એ પણ છે કે બાળકીની એવી તે કેવીક સારવાર થઈ કે બિલ પાંચ લાખનું થયું?

આ ઉપરાંત વટવાની એક પરિણીતાએ પતિની દહેજની માંગણીથી ત્રાસીને ગઈ 25મીએ સાબરમતીમાં ઝંપલાવી આત્મહત્યા કરી કે એના મહિના અગાઉ દહેજની માંગણીથી ત્રાસીને સુરતની મહિલા પી.એસ.આઈ.એ પોતે ગોળી ખાઈને આત્મહત્યા કરી- જેવી ઘટનાઓ સ્ત્રીનાં અસ્તિત્વ સંદર્ભે અનેક પ્રશ્નો ઊભા કરે છે.

આ બધું જોતાં એમ લાગે છે કે શિક્ષણ અને આર્થિક ભાગીદારી વધી હોવા છતાં મહિલા મુક્ત મને કોઈ નિર્ણય લેવા સક્ષમ નથી. એ ખરું કે જ્યાં અધિકારની ખબર છે ત્યાં સ્ત્રી શોષણ કરતી થઈ છે, પત્ની પીડિત પતિઓનાં મંડળો પણ શરૂ થયાં છે કે પત્ની દહેજના ખોટા કેસ કરીને સાસરિયાંઓને સળિયા ગણાવતી પણ થઈ છે, છતાં મહિલાઓ મુક્ત ઓછી જ છે. આપણે ત્યાં મોટા ભાગની મહિલાઓ અધિકારથી વાકેફ નથી, ત્યાં એનું શોષણ થયાં વગર ભાગ્યે જ રહે છે. બળાત્કાર અને દહેજને મામલે મહિલા ઘણે બધે અંશે શોષિત છે ને તેની સાથે કુટુંબથી માંડીને કોઈ પણ વ્યક્તિ ગમે તે પ્રકારનો વ્યવહાર કરી શકે છે. કાયદાએ સ્ત્રી-પુરુષને સમાન અધિકારો આપ્યા તે ઉપરાંત ઘરેલું હિંસા, પ્રેગ્નન્સી ટર્મિનેશન કાયદો, ખોરાકીનો હક, પિતાની મિલકતમાં હક વગેરે લાભો સ્ત્રીને જ અપાયા છે, તે છતાં સ્ત્રી હંમેશ રક્ષવા યોગ્ય જ રહી છે. એ ખરું કે તે પિતા, પતિ કે પુત્ર દ્વારા રક્ષણને યોગ્ય છે, આ સ્થિતિ એ જ તેનાં શોષણની તકો પણ પૂરી પાડી છે.

જ્યાં શિક્ષણ કે આર્થિક મામલે સમાનતા છે ત્યાં તક, ભાગ ભજવે છે. તક મળે તો, સ્ત્રી કે પુરુષ અધિકારનો દુરુપયોગ કેમ કરવો તે જાણે છે. એ સિવાય સ્ત્રીઓ શોષણને પાત્ર છે એવી સમજ, સમાજમાં ઘર કરી ગયેલી છે. લગ્ન એ કેવળ સ્ત્રીની ગરજ છે અને પુરુષ લગ્ન કરીને સ્ત્રી પર ઉપકાર કરી રહ્યો છે એવી સમજ રોગની જેમ ફેલાયેલી છે. પતિ ડોક્ટર હોય તો પણ, એવું માનતો હોય છે કે બાળકીનાં જન્મ માટે પત્ની જવાબદાર છે, જ્યારે ગર્ભમાં બાળકની જાતિ નક્કી કરવામાં પુરુષનાં રંગસૂત્રો નિર્ણાયક ભૂમિકા ભજવે છે તે કહેવાની જરૂર નથી.

ગર્ભ પરીક્ષણ, બાળકની જાતિ જાણવા બાબતે ગુનો છે, છતાં એ પૂર્ણપણે રોકી શકાતું નથી. એક સમયે બાળકી જન્મતી તો તેને દૂધપીતી કરવામાં આવતી. એમાં એટલું તો હતું કે બાળકીને જનમવા તો દેવાતી હતી, હવે આપણે સુધર્યાં છીએ એટલે જન્મ પહેલાં જ તેને ગર્ભમાં મારીને મુક્ત કરી દઈએ છીએ. એક સમયે પતિ મૃત્યુ પામતો તો પત્ની તેની પાછળ સતી થતી, હવે પતિ પોતે જ પત્નીને સતી કરી મૂકે એની નવાઈ નથી.

આ સ્થિતિ સુધરી શકે એમ છે, પણ સરકારો એ દિશામાં સક્રિય થાય તો જ ફરક પડે. બંધારણે સૌને સમાન તકો આપી છે તો તમામ ફોર્મમાંથી જાતિ, ધર્મનાં ખાનાં દૂર થવાં જોઈએ. એને બદલે જ્ઞાતિ, પેટાજ્ઞાતિનાં ખાનાંઓ વધતાં જ આવે છે. બાળઉછેરમાં મોટે પાયે ફેરફારની જરૂર છે. છોકરા કે છોકરીને ઘરકામની તાલીમ સમાન ધોરણે અપાય તો કેટલાંક કામ છોકરા – છોકરીમાં જે ભેદ જન્માવે છે એ ન રહે. રસોઈ કે કચરાપોતાં કે વાસણકપડાં એ સ્ત્રીનાં જ કામ છે, એવી સમજ સ્ત્રીને નીચલે સ્થાને રાખે છે ને નોકરી-ધંધો કે અન્ય ક્ષેત્રો ઉચ્ચ સ્થાનો છે ને એ વાત ગેરસમજ ફેલાવે છે. રસોઈ સ્ત્રીનું જ કામ હોત તો રસોઈયાઓ પાક્યા ન હોત. એ પણ કમાલ છે કે રસોઇયો ઘરમાં રસોઈ કરતો નથી. કપડાં સ્ત્રીએ જ ધોવાં એવું હોત તો ધોબી શબ્દ જ અસ્તિત્વ ધરાવતો ન હોત. જો કે, એ ધોબી પણ ઘરમાં તો કપડાં નહીં જ ધોતો હોય. રસોઇયો કમાય છે, ઘરવાળી કમાતી નથી. ધોબી કમાય છે, ઘરવાળી વૈતરું કરે છે. જે ઘરકામ બહાર કરવાથી પુરુષને પૈસા મળે છે, એ કામ મહિલા – મા, પત્ની, બહેન હોવાને લઈને એમ જ કરે છે, પણ તેની કિંમત કુટુંબ કે સમાજને નથી. એથી સ્ત્રી નીચી ગણાઈ છે. જે કામ સ્ત્રી, પ્રેમને કારણે કરે છે એ કામ બહાર કરાવવામાં આવે તો કેટલો ખર્ચ થાય તે દાખલો દરેક પુરુષે ગણી જોવા જેવો છે.

બીજી એક સમજ પણ બદલવાની જરૂર છે ને તે એ કે સ્ત્રીએ પુરુષ સમોવડી બનવું જોઈએ. સ્ત્રી, સ્ત્રી છે ને જે છે તેમાં તે સંપૂર્ણ છે. તેનામાં એવું કૈં ખૂટતું નથી જે પુરુષ જેવા બનવાથી જ સરભર થાય. પાયાનો પ્રશ્ન તો એ છે કે સ્ત્રીએ પુરુષ જેવા થવું જ શું કામ જોઈએ? આ ભાવના જ સ્ત્રીમાં લઘુતા જન્માવે છે.

સંસારને સ્ત્રી વગર ચાલવાનું નથી એ વાતે દરેક સ્ત્રીએ ગૌરવ અનુભવવાની જરૂર છે. તંદુરસ્ત સ્પર્ધા દરેક ક્ષેત્રે અપેક્ષિત છે, પણ શત્રુતા તે તંદુરસ્ત સ્પર્ધા નથી. એક વાત સમજી લઈએ કે સ્ત્રી અને પુરુષ એક બીજાના વિરોધી નથી, પણ એકબીજાંના પૂરક છે અને બંનેનો એ ધર્મ છે કે એકબીજાંને માનથી જુએ. મહિલા દિવસે આટલું તો થઈ જ શકે ને એ પણ ધ્યાન રાખીએ કે આ માન મહિલા દિવસ પૂરતું જ સીમિત ના રહે. અસ્તુ !

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 માર્ચ 2021

Loading

...102030...2,0082,0092,0102,011...2,0202,0302,040...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved