Opinion Magazine
Number of visits: 9747122
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણે જય શ્રી રામથી રામનામ સત્ય હૈ – તરફ જઈ રહ્યાં છીએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 April 2021

હું જન્મે હિંદુ છું ને હિંદુ હોવાનું મને ગૌરવ છે, પણ હું કટ્ટર અને ધર્માંધ નથી. એક તબક્કે વિધર્મીઓએ તેમની કટ્ટરતા ને વટાળ પ્રવૃત્તિઓનો હિંસક પ્રચાર કર્યો ને આપણાં મંદિરો તોડ્યાં. આપણી આસ્થા પર એટલા પ્રહારો થયા કે હજી સુધી એમાંથી બહાર આવવાનું પૂરું નથી થયું. એ જો ખરાબ હતું તો હિંદુ ધર્માંધતા પણ બરાબર નથી. આપણી અત્યારની આસ્થા કુદરતી ઓછી ને રાજકીય વધારે છે. આ સાચું હોય તો તે પુનર્વિચારને પાત્ર છે.

રામ મંદિર અયોધ્યામાં થઈ રહ્યું હોય તો તેનો અપાર આનંદ જ હોય કે કાશી કે મથુરાનાં મંદિરો વિવાદમાં હોય તો તેનો કાનૂની રાહે ઉકેલ આવે ને મંદિરોનું સ્વતંત્ર અસ્તિત્વ નિર્માણ થાય તે જોવાવું જ જોઈએ, પણ રામ મંદિર કેટલું ભવ્ય હોય તે અંગે પણ વિચારવાનું રહે. જ્યાં લાખો ગરીબો બે ટંકનો રોટલો પામવા કૂતરાંબિલાડાંથી પણ બદતર જીવન જીવતાં હોય ત્યાં કેટલી ભવ્યતા શોભે તે નક્કી કરવાનું રહે. રામ મંદિર ભવ્યાતિભવ્ય હોય, તેની ના જ નથી, પણ રાજા તરીકે જે મહેલમાં રહ્યા તેનાથી ભવ્ય મંદિર તો રામ પણ ન જ ઇચ્છે ને ! ધોબી જેવા સામાન્ય માણસનો અપવાદ કરીને રામે પ્રાણથી પણ અધિક પ્રિય એવી અર્ધાંગિનીનો ત્યાગ કરી સાધારણ ધોબીનો મહિમા કર્યો હોય એ રામ એ મંદિરમાં રહેવા તૈયાર થશે જેની પ્રજા ભૂખ તરસથી પીડાતી હોય? આ આખો વ્યાયામ આપણે રામ કરતાં વધારે મહાન સાબિત થવા તો નથી કરી રહ્યાંને એ પ્રશ્ન જાતને પૂછવા જેવો છે.

એક સમય હતો જ્યારે ગાંધીને નામે રાજકીય પક્ષોએ રાજનીતિ કરી એ પછી ઇન્દિરા ગાંધીને નામે કે સરદારને નામે સત્તા મેળવવાની રાજરમતો ચાલી ને અત્યારે રામને નામે મત માંગવાનું ચાલે છે. વડા પ્રધાન ને મુખ્ય મંત્રી, પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં “જય શ્રી રામ“ના નારાથી હજારોની ભીડને આકર્ષી રહ્યાં છે ને વિજયી થવાનો દાવો કરી રહ્યાં છે. એનાં પરિણામો તો આવતાં આવશે, પણ ત્યાં સુધીમાં કોરોનાને નામે કેટલાંનું રામ નામ સત્ય થઈ જશે તે નથી ખબર. વડા પ્રધાન ને ગૃહ મંત્રી તો ભૂલી જ ગયા છે કે તેઓ ભારતના વડા પ્રધાન અને ગૃહ મંત્રી છે. એટલી હદે બંને બંગાળી ચૂંટણી પ્રચારમાં ઓતપ્રોત છે. દેશમાં બે લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે ને મરણનો આંક રોજનો હજારને પાર થઈ રહ્યો છે ત્યારે વડા પ્રધાન કોઈ બીજા જ દેશમાં હોય તેમ તટસ્થ ભાવે મંત્રીઓને વીડિયો કોન્ફરન્સમાં ટીકા ઉત્સવ કે કોરોના કરફ્યુની વધામણી ખાઈને સંતુષ્ટ છે. વડા પ્રધાનનું તાટસ્થ્ય કોઈ સંતને શરમાવે એવું છે. જો કે એ કેટલું બોદું છે તે એ રેલીને સંબોધે છે ત્યારે ખબર પડે છે. એમને એ પણ ખબર છે કે લોકોને માસ્ક પહેરવાની અને સોશિયલ ડિસ્ટન્સિંગની સલાહ અપાય છે ત્યારે સામે જ હજારો લોકો સભામાં જોખમ લેવા ને જોખમ વધારવા ઊભા દેખાય છે. વડા પ્રધાન એ પણ જાણે છે કે લગ્ન કે મૃત્યુ કે મેળાવડામાં નિયત સંખ્યાથી વધુ લોકો ભેગા થવા પર બંધી છે, પણ સામે હજારો લોકો ભેગા થાય છે તો તે સંખ્યા જોઈને સંકોચાવાને બદલે પોરસાય છે. એવે વખતે સીધું પૂછવાનું થાય કે ચૂંટણીસભામાં નિયમો પાળ્યા વગર ભેગા થતાં લોકોની કોઈ ગાઈડલાઇન નક્કી થઈ છે ખરી? ને તે મુજબ જ ભીડ ભેગી કરવામાં આવે છે કે એ પણ રામ ભરોસે જ ચાલે છે? સામાન્ય માણસ માટે માસ્ક ન પહેરવા માટે દંડની જોગવાઈ છે ને રેલી, સભા માટે કોઈ નિયમ નથી, એ બરાબર છે?

તાજેતરમાં જ ચૂંટણી પંચે ફરમાન કાઢ્યું હતું કે હવે પછી ગાઈડલાઇનનું પાલન નહીં થાય તો સભા-રેલી પર પ્રતિબંધ મૂકાશે. એ ફરમાન પછી પણ પશ્ચિમ બંગાળમાં ઘણી રેલીઓ – સભાઓ થઈ પણ પંચને એની ખબર જ ન હોય તેમ ભેદી રીતે મૌન છે.

કોરોનાએ એટલું તો સાબિત કરી જ આપ્યું છે કે રાજકારણીઓ અને તેનાં તંત્રો વિશ્વાસ તોડીને જ શ્વાસ લેતા હોય છે. એ જીવ બચાવવા ઇન્જેક્શનો આપતાં નથી, પણ પક્ષના લાભાર્થે આપે છે, એમાં કોઈનો જીવ બચી જતો હોય તો ઠીક છે, બાકી એમની કોઈ પણ મદદ ગણતરી વગરની નથી. ટૂંકમાં, એમાં સેવા સિવાય બધું જ છે. ગુજરાતનું આખું રેમડેસિવિર પ્રકરણ લોકોને કારણ વગર દોડાવવા જ ઊભું થયું હોવાનો વહેમ પડે છે. હાઇકોર્ટે પણ સરકારને પૂછ્યું છે કે જો ઇન્જેક્શનો પૂરતાં છે તો દરદીને તે મળતાં કેમ નથી? કોર્ટે સરકારની કામગીરી સામે ઘણા સવાલો ઉઠાવ્યા છે. સવાલ તો એ પણ છે કે ઇન્જેકશનો દરદીને જ આપવાના હોય તો હોસ્પિટલો દ્વારા તે સીધા દરદીને જ અપાય એ વધુ યોગ્ય નથી? જો સંબંધીઓ તે ન આપવાના હોય તો એમને દોડાવવા કરતાં એ જથ્થો સીધો ખાનગી કે સરકારી હોસ્પિટલોને પહોંચે એટલું જોવાય તો ય ઘણું !

એ પણ છે કે ગુજરાતમાં રોજના સાતેક હજાર કેસ નોંધાય છે. ગુજરાતની કુલ વસતિના પ્રમાણમાં આ ટકાવારી નગણ્ય છે. આ હાલતમાં અત્યારથી જ જો હોસ્પિટલોમાં જગ્યા ન રહે, ઇન્જેક્શનો ખૂટી પડે, ઓક્સિજનનો પૂરતો જથ્થો ન હોય, એમ્બ્યુલન્સ મળતી ન હોય ને સ્મશાનમાં ચોવીસ કલાક અગ્નિ સંસ્કારોમાં ચીમનીઓ પીગળી જતી હોય તો આનાથી વધુ કેસ આવતાં શું થશે તેની કલ્પના જ કાળજું કંપાવી દે તેવી છે. જો પ્રશાસન અને લોકો ગંભીર નહીં થાય તો જીવવાનું મુશ્કેલ થવાનું છે. થોડો વખત રાજકારણ બાજુ પર નહીં મૂકાય તો મત આપનારા જ નહીં રહે એમ બને. મત માટે પણ મતદારો તો જોઈશે ને ! અત્યારે સૌથી વધારે ખૂટે છે તે માણસાઈ. એની અપેક્ષા કેન્દ્રથી માંડીને સ્થાનિક સુધીના તમામ અધિકારીઓ પાસેથી રહે છે ને એ જ અપેક્ષા પ્રજા પાસેથી પણ રહે જ છે. નકલી નોટો, નકલી દવાઓ, કાળાબજાર આ બધું પ્રજાને નામે ચડે છે. પ્રજા ભ્રષ્ટ હોય તો સરકારની ભ્રષ્ટતા વકરે એમાં નવાઈ નથી ને અત્યારના સંજોગોમાં તો વ્યવહાર પારદર્શી હશે તો જ ટકી શકાશે એમ લાગે છે.

એમ પણ લાગે છે કે કોરોના મહારાષ્ટ્રની જેમ ઉત્તર પ્રદેશમાં વધુ તીવ્રતાથી પંજો ફેલાવી રહ્યો છે. ખુદ મુખ્ય મંત્રી ને પૂર્વ મુખ્ય મંત્રી કોરોનાગ્રસ્ત છે ને રોજના વીસ હજારથી વધુ સંક્રમિતો ઉમેરાતા જાય તો હાલત કફોડી જ થાય એમ છે. એમાં ઉત્તરાખંડના મુખ્ય મંત્રી બકવાસ કરે તો એમ થાય કે આટલું જ બાકી હતું ! માણસ ધાર્મિક હોય તે સમજી શકાય, પણ અંધશ્રદ્ધાળુ હોય ને તે પાછો મુખ્ય મંત્રી હોય તો કેવો દાટ વાળે તે જોવા જેવું છે. સાહેબ, દસ માર્ચે મુખ્ય મંત્રીપદ સંભાળે છે ને બે જ દિવસમાં કહે છે કે કોરોના જેવું કૈં નથી ને કુંભમેળાનું આયોજન થશે તો ગંગામાં ડૂબકી મારતાં જ વાઇરસ મરી જશે. હસવું એ વાતે આવે કે એમના કહેવા પ્રમાણે કોરોના જેવું કૈં હોય જ નહીં, તો તે મરી કેવી રીતે જાય? ગમે તેમ પણ કુંભનું આયોજન થયું જ અને લાખો લોકોએ શાહી સ્નાન પણ કર્યું ને સાધુસંતો સહિત હજારો લોકો સંક્રમિત પણ થયાં. એ વળી પોતાના વિસ્તારમાં જઈને બીજાને પણ સંક્રમિત કરશે તે નફામાં ! આ જ મુખ્ય મંત્રીએ મહિલાઓનાં જિન્સ પહેરવા અંગે પણ ટિપ્પણી કરેલી ને પછી માફી માંગવી પડેલી, એટલું ઓછું હોય તેમ 16મી માર્ચે એમણે એમ પણ કહ્યું કે હાલના વડા પ્રધાન તો રામ અને કૃષ્ણના અવતાર છે. ધન્ય છે આ અવતારને ! આટલું થાય છે પણ કોઈ એમને એ નથી પૂછતું કે વડા પ્રધાનને ભગવાન જાહેર કરવાની સત્તા તમને આપી કોણે? આવો જ લવારો હિમાચલ પ્રદેશના શહેર વિકાસ મંત્રીએ પણ કરેલો, એમણે તો વડા પ્રધાનને મહાદેવ કહી દીધેલા. સારું છે કે વડા પ્રધાન સુદર્શનધારી થઈને કહેતા નથી કે સાહેબ, સો ગુના પછી આ સુદર્શન તમારું સગું નહીં થાય.

આવા મંત્રીઓ હોય તો કોરોના ન વકરે તો જ આશ્ચર્ય થાય. આમાં ધર્મ નથી, ધર્માંધતા છે. ગયે વરસે  બે હજાર તબલીગીઓ મરકસમાં ભેગા થયેલા તો તેમને સુપર સ્પ્રેડર તરીકે જવાબદાર ઠેરવીને પસ્તાળ પાડેલી ને હવે કુંભમાં લાખો લોકો સ્નાન કરે તો કોરોના મરી જાય એમ કહીએ તો એ વાજબી છે? એનો અર્થ એવો પણ નથી કે તબલીગી જમાતનું એ પગલું વાજબી હતું. એ બનાવથી શરૂઆત થયેલી એ ભૂલવાનું નથી. જેમ એ ખોટું હતું એમ જ આ પણ ખોટું છે.

આજે જ્યારે બધું જીવ પર આવી ગયું છે ને અનેક લોકો વિશ્વભરમાં જીવ ગુમાવી રહ્યા છે ત્યારે એક પણ એવું ખોટું પગલું ન ભરીએ જે જિંદગી છીનવી લે. આજનો સમય બચવાનો તો છે જ, બચાવવાનો પણ છે એટલું સમજીએ તોય ઘણું ….

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 ઍપ્રિલ 2021

Loading

રક્ષક જ ભક્ષક અને સંરક્ષક મૂકબધિર

રમેશ સવાણી|Opinion - Opinion|16 April 2021

મહિલાના ગુપ્તાંગમાં જે પોલીસ અધિકારીએ પથ્થર ભર્યા; તેને રાષ્ટ્રપતિએ ગૅલેન્ટ્રી ઍવોર્ડ આપ્યો !

આદિવાસી એક્ટિવિસ્ટ હિમાંશુકુમારની ફેસબૂક પોસ્ટ રૂંવાડા ઊભા કરી મૂકે તેવી છે. છત્તીસગઢના બિજાપુરમાં ૨૨ જવાનો ૩ એપ્રિલ, ૨૦૨૧ના રોજ શહીદ થઈ ગયા. તે ગરીબ પરિવારના કિસાનોના પુત્રો હતા; બંદૂકધારી મજૂર જ કહેવાય. પોતાના બાળકોના પેટ ભરવા બંદૂક ટાંગીને નેતાઓની યોજના અનુસાર ગરીબ લોકોને મારવા માટે ગામડાંમાં મોકલી દેવાય છે. દલીલ એવી કરાય છે કે અશાંતિ માટે માઓવાદી દોષી છે; માઓવાદી ન હોત તો દેશમાં શાંતિ જ શાંતિ હોત. આરોપ એ પણ મૂકવામાં આવે છે કે માઓવાદી વિકાસનાં કામો થવા દેતા નથી! શું જ્યાં માઓવાદી નથી ત્યાં શાંતિ છે? ત્યાં ભ્રષ્ટાચાર સમાપ્ત થઈ ગયો છે? શું ત્યાં વિકાસ થઈ ગયો છે? સવાલ એ છે કે જે લોકો આદિવાસીઓના માનવાધિકારના હનનના મુદ્દા ઉઠાવે છે; વિકાસના ખોટા મોડલ, પર્યાવરણ, આદિવાસીઓની આજીવિકા અને જળ/જમીન/જંગલના મુદ્દાઓ ઉઠાવે છે તેમને સરકાર શા માટે જેલમાં પૂરે છે?

અદાણી દ્વારા છત્તીસગઢમાં અવૈધ રીતે ખાણો હડપવા અને ૨૦,૦૦૦ વૃક્ષો કાપવા બાબતે લખી રહ્યો છું. હું પાછલા બે વરસથી આદિવાસીઓએ તેમની સામે આંદોલન કર્યું જેથી સરકારે મજબૂર થઈને હાલે અદાણીને રોકી દીધેલ છે. આ આંદોલનમાં જોડાયેલ ચાર યુવાનો-પોદિયા/લચ્છૂ/ગુડ્ડી/ભીમાને ઘેરથી પોલીસ ઉપાડી ગઈ અને ફેઈક એન્કાઉન્ટરમાં મારી નાખ્યા! આદિવાસી મહિલા કાર્યકર્તા હિડમેને જેલમાં પૂરી દીધી અને તેની ઉપર UAPA લગાડી દીધો; જેથી ૧૦ વરસ સુધી જામીન ન મળે. છત્તીસગઢના મુખ્ય મંત્રીએ ઘોષણા કરી છે કે હવે આખરી યુદ્ધ લડીશું અને માઓવાદને સમાપ્ત કરીશું! આ પ્રકારની ઘોષણા અનેક વખત થઈ ચૂકી છે. એટલે આવી ઘોષણાથી ડર વધે છે; કેમ કે હવે માઓવાદ વધુ વકરશે! વાસ્તવમાં થાય છે શું? CMની ઘોષણા બાદ SP ઉપર બહાદુરી દેખાડવાનું દબાણ વધશે. માઓવાદી તો એમને મળતા નથી એટલે એમના જવાનો જઈને નિર્દોષ આદિવાસીઓને મારશે. અમારી જેવા સામાજિક કાર્યકર્તા તેના વિરુદ્ધ બોલશે તો અમને માઓવાદી સમર્થકનો સિક્કો મારી દેશે!

માઓવાદીને આદિવાસીઓથી તાકાત અને સમર્થન મળે છે. આદિવાસીઓ ઉપર જેટલો વધુ જુલમ થાય એટલા વધુ તેઓ માઓવાદીને પોતાના દોસ્ત સમજશે. આદિવાસીઓને સન્માન આપો; એમની વાત સાંભળો; એમની સાથે અન્યાય થાય તો ન્યાય આપો. સમસ્યા દૂર થઈ જશે ! પરંતુ આપણું વહિવટી તંત્ર/આપણી સરકાર/કોર્ટ આદિવાસી વિરુદ્ધ કામ કરે છે. ‘સલવા જુડૂમ’ મુવમેન્ટમાં આદિવાસીઓના ૬૫૦ ગામો પોલીસે સળગાવી દીધા. હજારો મહિલાઓ સાથે જવાનોએ બળાત્કાર કર્યા. હજારો નિર્દોષ આદિવાસીઓને માઓવાદી ચીતરીને જેલમાં ઠૂંસી દીધાં. ૧૨ વરસની આદિવાસી છોકરીઓનાં સ્તન/ગુપ્તાંગો ઉપર વીજળીના તાર વડે ડામ દીધા અને તેને જેલમાં પૂરી દીધી. આ બધું મેં ઉજાગર કર્યું ત્યારે મારા સમર્થનમાં જેલર વર્ષા ડોંગરેએ લખ્યું કે ‘હિમાંશુકુમાર સાચું કહે છે. મેં પણ જેલમાં આવી આદિવાસી છોકરીઓ જોઈ હતી અને હું ધ્રૂજી ગઈ હતી.’ એ પછી સરકારે આદિવાસીઓને ન્યાય આપવા અને દોષી પોલીસવાળાને સજા કરવાને બદલે જેલર વર્ષા ડોંગરેને જ સસ્પેન્ડ કરી દીધા! આદિવાસીઓ ઉપર થતા સરકારી જુલમ સામે અમે સુપ્રિમ કોર્ટમાં ગયા ત્યારે સુપ્રિમ કોર્ટે ‘સાલવા જુડૂમ’ને ગેરબંધારણીય ઠરાવ્યું અને છત્તીસગઢ સરકારને આદેશ કર્યો કે ૬૫૦ ગામોને ફરી વસાવો/દોષી પોલીસ સામે એફ.આઈ.આર. કરો / આદિવાસીઓને વળતર આપો. પરંતુ સરકારે એક પણ આદેશનું પાલન ન કર્યું. સુપ્રિમ કોર્ટના આ આદેશ બાદ અમારી સંસ્થાના કાર્યકર્તાઓએ ૪૦ ગામને ફરી વસાવી દીધા અને પોલિસના ગુનાઓ અંગે ૫૧૯ ફરિયાદો કલેક્ટર/એસ.પી. અને સુપ્રિમ કોર્ટને સોંપી પરંતુ બદલામાં સરકારે અમારા આશ્રમ ઉપર બુલડોઝર ચલાવી દીધું અને મારા કાર્યકર્તાઓને જેલમાં પૂરી દીધા. જે રાતે પોલીસ દ્વારા મારું એન્કાઉન્ટર થવાનું હતું; તે રાત્રે મારે છત્તીસગઢ છોડવું પડ્યું.

ભારતના બંધારણની પાંચમી અનુસૂચિમાં આદિવાસીઓને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે. બંધારણે રાષ્ટ્રપતિને આદિવાસીઓના સંરક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. રાષ્ટ્રપતિ જ્યારે ઈચ્છે ત્યારે સરકારને પૂછ્યા વિના આદિવાસીઓના હિતોની રક્ષા માટે સીધી કાર્યવાહી કરી શકે છે. પરંતુ આદિવાસીઓના ૬૫૦ ગામો સળગાવીને ઉઝાડી નાખ્યા હોય; પોલીસોએ હજારો આદિવાસી મહિલાઓ સાથે બળાત્કાર કર્યા હોય; આજ સુધી રાષ્ટ્રપતિએ આદિવાસીઓના પક્ષમાં એક વખત પણ પોતાના એ અધિકારનો ઉપયોગ કર્યો નથી. ઊલટાનું દંતેવાડા એસ.પી. અંકિત ગર્ગે આદિવાસી માનવાધિકાર કાર્યકર્તા સોની સોરીના ગુપ્તાંગોમાં પથ્થર ભરી દીધા ત્યારે રાષ્ટ્રપતિએ તેને ગૅલેન્ટ્રી-વીરતા પુરસ્કાર આપ્યો! છત્તીસગઢની અગાઉની સરકારે કોઈ કાર્યવાહી ન કરી; પરંતુ હાલની કૉન્ગ્રેસ સરકારે પણ તેમની સામે કોઈ કાર્યવાહી ન કરી! જ્યાં અન્યાય છે ત્યાં શાંતિ હોઈ શકે નહીં. જવાનોની બંદૂકના દમ પર બસ્તરમાં શાંતિ સ્થાપી શકાય નહીં. બસ્તરમાં સી.આર.પી.એફ.ની વધુ બટાલિયન ડીપ્લોઈ કરવાથી શાંતિ સ્થપાઈ જાય, એ શક્ય નથી. માઓવાદ વિકાસના ખોટા મોડલ/સરકારી જુલમ/અન્યાયના કારણે મજબૂત થઈ રહ્યો છે. ન્યાય આપો શાંતિ આવી જશે! પરંતુ આપણી સરકાર તો ન્યાયની વાત કરનારને જ જેલમાં પૂરે છે. જેણે આખી જિંદગી ગરીબ શ્રમિકો માટે વિતાવી એ સુધા ભારદ્વાજને જેલમાં પૂરેલ છે. ઝારખંડની જેલમાં ૪,૦૦૦ નિર્દોષ આદિવાસીઓ છે; તેની યાદી ફાધર સ્ટેન સ્વામીએ પ્રકાશિત કરી એટલે એમને જેલમાં પૂર્યા !

મારા પિતાએ ગાંધીજી સાથે કામ કર્યું હતું. હું અને મારી પત્ની લગ્નના વીસ દિવસ બાદ ૧૯૯૨માં દંતેવાડા આવી ગયા હતાં અને ગામમાં ઝૂંપડી બાંધી રહેતાં હતાં. વિનોબા ભાવેની માનસપુત્રી નિર્મલા દેશપાંડેએ મને બસ્તર જવા પ્રેરિત કર્યો હતો અને કહ્યું હતું કે ‘હિંસાગ્રસ્ત વિસ્તારમાં ગાંધીની અહિંસાની શક્તિને સાબિત કરો !’ મારો દાવો છે કે જો સરકાર સામાજિક કાર્યકર્તાઓને જેલોમાંથી મુક્ત કરે/આદિવાસી નેતાઓ અને માનવાધિકાર કાર્યકર્તાઓ સાથે વાત કરીને; આદિવાસી વિસ્તારમાં ન્યાય અને વિકાસના કામ કરે તો નિર્દોષ જવાનોની હત્યા રોકી શકાય. અમે જ્યારે બસ્તરમાં ૪૦ ઉઝડેલા ગામ ફરી વસાવ્યા ત્યારે છ મહિના સુધી એ વિસ્તારમાં એક પણ જવાનની હત્યા થઈ ન હતી. મેં આ વાત દંતેવાડાના તત્કાલિન એસ.પી. રાહુલ શર્માને કહી હતી; પરંતુ તેમના મનમાં અમારા પ્રયાસ માટે માન ન હતું; તેમણે જ અમારા આશ્રમ ઉપર બુલડોઝર ફેરવી દીધું. સિંગારમમાં ૧૯ આદિવાસીઓને લાઈનમાં ઊભા રાખી ગોળીથી ઉડાવી દીધાં ! થોડાં વર્ષો બાદ રાહુલ શર્માએ પોતાની રીવોલ્વરથી ખુદને ગોળી મારી દીધી. ૧૯ આદિવાસીઓને રહેંસી નાખ્યા તે કેસ ૧૨ વરસથી કૉર્ટમાં પેન્ડિંગ છે; કોઈને સજા નથી થઈ ! વાંક સરકારનો છે. મિનિસ્ટર પૂંજીપતિઓના દલાલ તરીકે કામ કરે છે. જેના ઈશારે આદિવાસીઓને એમની જમીનથી ખસેડવામાં આવી રહ્યા છે. આદિવાસીઓનો અવાજ બુલંદ કરનાર સામાજિક કાર્યકર્તાઓ સરકારને આંખના કણાની જેમ ખટકે છે ! સરકારોને જવાનોની મોતથી કોઈ ફરક પડતો નથી; સરકારને તો ઇન્વેસ્ટમેન્ટ/પૂંજીપતિઓની કૃપા અને તેમાં મળનાર કમિશનમાં જ રુચિ હોય છે ! પરંતુ અમને કિસાનના દીકરા જવાનોના મોતથી દુઃખ થાય છે અને ઊંડો ફરક પડે છે; એટલા માટે અમે શાંતિની સાચી કોશિશ કરતા રહીશું અને ન્યાય માટે અવાજ ઉઠાવતા રહીશું; ભલે સરકાર અમને જેલમાં પૂરે !

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2021; પૃ. 13

Loading

ત્યારે લખીશું શું?

શિલ્પા ભટ્ટ દેસાઈ|Opinion - Opinion|16 April 2021

હળવે હલેસે

“ભટ્ટજી, વાર્તા બહુ મોટી છે. કાપવી પડશે.”

“એમ? મને ય એવું લાગ્યું હતું, પણ પછી થયું કે ચાલી જાય તો ચલાવી દઈએ.”

“નથી ચાલે એવું. હવે આપણી પાસે ડેડ લાઈન પૂરી થવામાં છે. તો તમે વેળાસર ઍડિટ કરી આપશો કે અહીં કોઈ કાપે?”

“ના ભઈઈઈ … જોજો હોં … અમે હમણાં જ મોકલીએ છીએ. એક કામ કરીએ ? નવી જ વાર્તા કે લેખ આપીએ તો કેમ રહેશે? તમે કઈં ના કાપતા.” ગભરાઈને અમે બોલવામાં ગરબડ કરી નાંખી. ને સામેવાળાએ તો “હા, એ વધુ સારું.” કહીને ફોન મૂકી દીધો.

પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થામાંથી લખવાનું આમંત્રણ મળ્યું એના અતિ ઉત્સાહમાં શબ્દમર્યાદા કરતાં લગભગ ત્રણગણું લખાણ લખાઈ ગયું. મૌલિક લખવું અને તે ય શબ્દમર્યાદામાં બંધાઈને એ લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ છે. મોટા ભાગે શબ્દમર્યાદા જેટલા શબ્દો પૂરા કરતાં ય ભલભલા ચમરબંધી ફાટી પડે છે. ત્રણ ગણું વધુ લખાઈ જવા છતાં ય અમારા મનમાં અહંકાર સગીરે પ્રવેશ્યો નહીં એ ય પોતાની એક સિદ્ધિ જ કહેવાય, વળી!

ખેર, અમારે લખવા માટેની સામગ્રી તો લાવવાની નહોતી. હવે ‘લખીશું શું’નો વિચાર કરતાં કરતાં અમે ખાસ લેખ લખવા જ આણેલાં રાઇટિંગ પૅડ, પેન ખાનામાંથી બહાર કાઢયાં. રફ ડ્રાફ્ટ લખવા માટે ૨૦૧૬ની જૂની ડાયરી કાઢી. સારાં પાનાં હોવાથી લખવાની મજા આવશે એમ વિચારીને અમે મમતાથી પાનાં પર હાથ ફેરવ્યો. જાણે એ પાનું પણ અમને લખવા માટે નિમંત્રી રહ્યું હોય એમ લાગ્યું. આની પહેલાંની વાર્તા એક પ્રેમકથા હતી. વળી પેલો જાદુઈ ઇસ્કોતરો ખોલ્યો, જેમાં અમે વિષયવાર કટિંગ સાચવી રાખેલાં. આજે એ કામ લાગી જશે એવી કોને ખબર હતી!

ઓહો, આ તો કવિતા જેવું કંઈક રચાઈ જશે કે શું અમારાથી? ફરીથી થોડો વિચાર કર્યો અને ડાયરી ખોલી. ખાલી ડાયરીમાં સ્વસ્તિકનું શુભ ચિહ્‌ન દોરીને શરૂઆત કરેલી તો એમાં કોઈ જ સમસ્યા સર્જાઈ ન હતી એ અમને બરાબર યાદ હતું. આમ તો અમે એવા બધાં શુકન-અપશુકનમાં માનતા નથી, પણ આ કેસમાં અમે હવે કોઈ ચાન્સ લેવા માંગતા ન હતા, યુ સી. લાલ રંગની સ્કૅચપેન શોધી એમાં થોડું મોડું થયું. પણ જેમ થતું હોય એમ જ થાય. કોઈ જગ્યાએ ભૂરા રંગનો સ્વસ્તિક ચીતરેલો જોયો નથી. રસોઈ, બાળઉછેર, ઘરશણગાર, પર્સનાલિટી ડેવલોપમેન્ટ વગેરે વગેરે જેવા વિષયો અમારે મન ચૅલેન્જિંગ નથી. રસોઈમાં એક-બે ગરબડ થાય પછી ઑટોમૅટિક આવડી જ જાય, તેનું કંઈ રૉકેટ સાયન્સ નથી. બાળકો ય કંઈ આખી જિંદગી બાળક રહેવાનાં નથી. ઘરશણગારમાં આર્ટિફિશિયલ કે સાચા ફૂલનાં બેચાર કૂંડાં આમતેમ ગોઠવી દઈએ કે વાત પૂરી. પર્સનાલિટી તો આંતરિક બાબત છે. જેટલું અંતરમન સ્વચ્છ એટલી જ બાહ્ય છબી ચમકદાર! એમાં કંઈ ધાડ મારવાની નથી. આ ચાર ટૉપિક ઊંચા મૂકયા એટલે વિચારવાના રહ્યા આર્થિક અને સાહિત્યિક મુદ્દા!

હજુ હમણાં જ બજેટ રજૂ થયું છે. એટલે બૅક ઑફ માઇન્ડમાં દેશની નાણાકીય હાલત વિશે તરોતાજા ખયાલો ભરેલા જ છે. તેમ છતાં ય રેફરન્સ માટે પેલાં સંકટ સમયની સાંકળ સમાં કટિંગ્સ ઉથલાવ્યાં. આર્થિક બાબત આવે એટલે અખબારોમાં ગુલાબી ગુલાબી રંગ થઈ જાય. પિંક ફૉર ગર્લ ને બ્લુ ફૉર બૉય, એવું અંગ્રેજીમાં કંઈક કહેવાય છે, પણ આ આર્થિક બાબતો જેવા કઠોર મુદ્દાઓમાં કોમળ ગુલાબી રંગની હાજરી શું કરે છે એ હજી અમને સમજાયું નથી. ઍની વે, આર્થિક બાબતો અમારા માટે ખાસ માયને નહીં રખતી, ક્યોંકિ મુન્નાભાઈ કે રેડિયો-ટી.વી. સિવાય ચણા, જીરું જેવી કૉમૉડિટીમાં ય સર્કિટ આવે એ જ્ઞાન અમને માફક આવ્યું નથી.

કવિતા કરવાનો વિચાર પણ ઝબકી ગયો, પણ વરસાદી ફુદાં જેવો આ વિચાર અલ્પાયુષી નીકળ્યો. ગાંધીજી ભલે ખરાબ અક્ષરને અધૂરી કેળવણી માનતા, પણ કવિતામાં છંદ ન આવડતા હોય તો અમારા નમ્ર મતે એ પણ અધૂરી કેળવણીની નિશાની જ છે. એક વાર જાણીતા કવિ શ્રી સુરેશ દલાલને એમનાં કોઈ પ્રશંસક બહેને સારી કવિતામાં શું હોવું જોઈએ એ વિશે વિસ્તારથી સમજાવવા કહેલું. જવાબમાં સુરેશ દલાલે લાક્ષણિક શૈલીમાં કહેલુંઃ “બહેન, મારું નામ સુરેશ દલાલ છે. તરલા દલાલ નહીં કે હું તમને કવિતાનાં ઇન્ગ્રેડિયન્ટ્‌સ કહી શકું.” ખેર, સાદા વાક્યમાં ક્રિયાપદ છેલ્લે લખવાને બદલે વચ્ચે ક્યાંક ગોઠવી દેવાથી એ કવિતાની પંક્તિ કહેવાય છે. પછી તો છેલ્લાં શબ્દમાં પ્રાસ બેસાડતા જવાથી એ કવિતા બને એવી સમજ પડી … પણ છંદ અને અલંકાર તો ન આવડયા તે ન જ આવડયા. એટલે બહુજનહિતાય વિચારીને કવિતા ય બાજુ પર હડસેલી.

ગંભીર પ્રકારના લેખો કે બહુ વિચારવું પડે એવું લખવાથી ભાષાભંડોળ સારું હોવાની છાપ પડે છે એટલું જ. બાકી આપણો માંહ્યલો તો આપણી ગત જાણતો જ હોય છે. જેમ જેમ સમય પસાર થતો જતો હતો, એમ એમ અમારા લેખનના વિષયો ખૂટતા જતા હતા. અચાનક પુસ્તકનો રિવ્યુ લખવાનો વિચાર આવ્યો. આફરીન આફરીન … બધાં કટિંગ્સ પાછાં યથાસ્થાને મૂકયાં. પુસ્તક શોધવાની શરૂઆત કરી. નાનું પુસ્તક લેવાથી ઓછા સમયમાં વંચાઈ જશે અને પછી એ બીજા કોઈને વાંચવા પણ આપી દેવાશે. આમ, ‘વાંચે ગુજરાત’ અને ‘તરતાં પુસ્તક’ યોજનામાં અમે પણ ફૂલ નહીં તો ફૂલની પાંદડી સમ ફાળો આપ્યો ગણાશે. દેશદાઝ હોય ત્યારે માણસ કેવાં કેવાં સાહસો કરતો હોય છે! તો આપણાથી આ એક નાનકડું કામ નહીં થઈ શકે? અમને આમ તો અભિમાન નથી હોતું, પણ આ વાતે અમને કહેવા દો કે અમે પોરસાયાં છીએ. અમારું ૫૦ ટકા જેટલું કામ તો થઈ ગયું. શું લખવું છે એ નક્કી થઈ ગયું એટલે બેડો પાર. હવે પુસ્તક મળે અને અમે લખીએ એટલે પૂરું. આપેલો સમય સચવાઈ જશે એ નક્કી.

(આ જ શીર્ષકના નવજીવન સામ્પ્રત પ્રકાશનમાંથી સાભાર)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2021; પૃ. 16

Loading

...102030...1,9981,9992,0002,001...2,0102,0202,030...

Search by

Opinion

  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved