Opinion Magazine
Number of visits: 9572133
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વૉક એક્ટિવિઝમઃ મજબૂત વિચારો જ્યારે દિશા હીન હોય ત્યારે વિકલ્પોને બદલે ઘોંઘાટ જ મળે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|28 February 2021

ગાંધીજી પણ આંદોલન કરતા, ચળવળને જન્મ આપીને તેમણે ભારતનો ઇતિહાસ બદલ્યો પણ તે જેનો વિરોધ કરતા, તેનો વિરોધ શા માટે કરતા, તે પ્રશ્નનો ઉકેલ શું હોઇ શકે, વૈકલ્પિક વ્યવસ્થા શું હોઇ શકે તે તમામના તેમની પાસે જવાબ હતા

જો તમે વેબ સિરીઝ ‘ક્રિમિનલ જસ્ટીસ – બિહાઇન્ડ ધી ક્લોઝ્ડ ડોર્સ’ જોઇ હશે તો તમને કદાચ એ દ્રશ્ય યાદ હશે જેમાં પંકજ ત્રિપાઠીની પત્ની તેમની સાથે વાત કરતી વખતે એક શબ્દનો ઉપયોગ કરે છે – વોક – (Woke) – અને કહે છે કે વોક હોવું એટલે કે જાગૃત હોવું.  2019માં વોક શબ્દને ગ્લોબલ લેંગ્વેજ મોનિટર દ્વારા એ વર્ષનો અંગ્રેજી શબ્દ જાહેર કરાયો હતો. છેલ્લા દસ વર્ષમાં આ શબ્દ સૌથી વધુ વપરાયો છે અને ગ્લોબલ લેંગ્વેજ મોનિટરનાં પ્રેસિડન્ટ – ચિફ વર્લ્ડ એનાલિસ્ટે કહ્યું હતું કે દરેક પેઢી આ જાગૃતિ કે વોક હોવાનો અનુભવ કરતી આવી છે.

આપણે અહીં ભાષાશાસ્ત્રની ચર્ચા નથી કરવાની પણ વોક શબ્દથી વાતનો શરૂઆત કરવાનું કારણ એટલું કે આજકાલની પેઢી એટલે કે જે મિલેનિયલ્સ છે તેઓ ખુદને ઘણાં વોક માને છે. તેમની આ જાગૃતિ આજકાલ આપણા દેશમાં પણ ચર્ચામાં છે. દેશ – દુનિયામાં જે પણ થઇ રહ્યું છે તે અંગે મિલેનિયલ્સ બધું જ જાણે છે અને માટે તેમને જે પક્ષ અંગે બોલવા જેવું કે પોતાનું મંતવ્ય પ્રગટ કરવા જેવું લાગે તે અંગે તેમણે એ કરવું જ જોઇએ. વળી તેમની પાસે સોશ્યલ મીડિયા જેવું મજબૂત માધ્યમ પણ છે. આપણા દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા તો છે જ અને હોવી જ જોઇએ પણ અભિવ્યક્તિ વિચારશીલ હોય તે વધારે અગત્યનું છે. જો કે આ મુદ્દો વધુ ગહેરો છે અને એ જ રીતે ચર્ચવો રહ્યો. તાજેતરમાં જ ખેડૂતોના આંદોલનમાં ભાગ લેનારી 22 વર્ષની દિશા રવિની ધરપકડ કરાઇ, ઘણો હોબાળો થયો, આપણને ટૂલકિટ શબ્દનો ઉપયોગ પણ સમજાયો.

અહીં દિશા રવિએ જ કર્યું તેની સામે કશો જ વાંધો નથી કારણ કે જો તમે મજબૂત વિચારો ધરાવતા હો, તમારા વિચારોમાં સ્પષ્ટતા હોય તો તમારો મત રજૂ કરવો જ જોઇએ. પરંતુ આ ફૂલ ટાઇમ ચળવળમાં જોડાઇ જનારા આ વૈચારિક યુવાનો એ ભૂલી જાય છે તેમણે કારકિર્દી ઘડીને સદ્ધર પણ થવાનું છે. તેઓ વર્તમાન રાજકારણમાં રસ ન લે તેવું અહીં નથી કહેવાઇ રહ્યું પણ માત્ર ચળવળમાં જોડાઇને અથવા તો સોશ્યલ મીડિયા પર ચર્ચાઓની હોળી સળગાવવાથી કંઇ વળવાનું નથી તે પણ તેમણે સમજવું રહ્યું. આર્થિક સ્વતંત્રતા અને સદ્ધરતા હશે તો તેઓ માત્ર વોક એક્ટિવિઝમ કરીને બેસી જવાને બદલે એવું એક્ટિવિઝમ કરી શકશે જેનાથી પરિવર્તન પણ આણી શકાય. અત્યારે વોક એક્ટિવિઝમને કારણે પ્રશ્નોનું કદ વધતું જાય છે અને સમસ્યાઓ કોરાણે મુકાતી જાય છે. વળી આમાં માત્ર મિલેનિયલ્સ જ જોડાય છે તેમ નથી. ઘણાં બધાં પોતાના મંતવ્યો ફંગોળ્યા કરે છે. એક્ટિવિઝમ એટલે કે ચળવળ કે આંદોલન એક લોકશાહી રાષ્ટ્રના સ્વાસ્થ્ય માટે બહુ જ સારી કસરત છે અને તે અનિવાર્ય પણ છે. પરંતુ, આ માત્ર જાગૃતિનો સ્થાયી ભાવ ધરાવતું વલણ ઉકેલ નથી આપતું અને ત્યાં જ સમસ્યા છે. ગાંધીજી પણ આંદોલન કરતા, ચળવળને જન્મ આપીને તેમણે ભારતનો ઇતિહાસ બદલ્યો પણ તે જેનો વિરોધ કરતા, તેનો વિરોધ શા માટે કરતા, તે પ્રશ્નનો ઉકેલ શું હોઇ શકે, વૈકલ્પિક વ્યવસ્થા શું હોઇ શકે તે તમામના તેમની પાસે જવાબ હતા. આજકાલ કમનસીબે વિરોધીઓ તો બિલાડીના ટોપની માફક ફૂટી નીકળે છે પણ તેઓને જે નથી જોઇતું તેના બદલામાં શું વિકલ્પ હોઇ શકે તેમનો જવાબ આપવામાં તે અક્ષમ હોય છે.

ગ્રેટા થનબર્ગની હિંમતની દાદ આપવી પડે પણ એ કમ્ફર્ટમાં થતું એક્ટિવિઝમ છે જે ‘વોક એક્ટિવિઝમ’ જેવું લાગવા માંડે છે. વિદેશમાં છતાં ય માનવાધિકારોને મામલે ઘણી મદદ, ટેકા અને પ્રોત્સાહન હકારાત્મક રીતે મળતાં રહે છે પણ એ ભારતની વાસ્તવિકતા નથી. અહીં રાજકીય રમતમાં આ વિચારશીલ જુવાનિયાઓ પ્યાદું બનીને રહી જાય છે અને તેમને ન તો રાજકારણીઓ બચાવે છે ન તો એક્ટિવિઝમમાં ઝંપલાવી ઘર-બાર નેવે મુકનારા કોઇ રાહ દેખાડી શકે છે. મોંઘીદાટ ડિગ્રીઓ લઇને બેઠેલા આ જુવાન મનને પરિવર્તનનો હિસ્સો બનવાની હોંશ હોય એ સમજી શકાય પણ કોર્પોરેટ વિશ્વમાં નોકરીના ઢસરડા કોઇ આંદોલનથી કમ નથી હોતા અને ત્યાં પણ શીખવાનું ઘણું હોય છે. ગજવામાં રોકડા હોય ત્યારે વિરોધો-વિચારો બધું વધારે સંતુલિત રીતે થઇ શકે અને પરિવર્તનની દશા પર બૂમરાણ કરવાને બદલે તે દિશામાં આગળ વધતા શીખી શકાય. વળી વોક એક્ટિવિઝમની પાછળનાં વિદેશી ભંડોળની શતરંજ પણ સમજવી રહી. ગ્લોરિયા સ્ટેઇનમનું ફેમિનિઝમ, રશિયન સાહિત્યનું ગ્લોબલાઇઝેશન અને વિશ્વ ભરમાં જાતભાતનાં વિરોધો અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીએ ફંડ કર્યા હોવાના રિપોર્ટ્સ જાહેર થઇ ચુક્યાં છે. એક્ટિવિઝમ ખોટું નથી પણ વૈશ્વિક રાજકારણનાં ફોર્સને કારણે તેને જે પ્રોત્સાહન મળે છે અને રાષ્ટ્રનાં ઘડતર માટે જરૂરી છે તેવા જુવાનિયાઓ કંઇક જુદું કરવા માંડે છે ત્યારે નુકસાન દેશને જ થાય છે.

ગ્રેટા થનબર્ગ જે પોતે કાર્બન ફૂટપ્રિન્ટ ન વધે તે માટે ફ્લાઇટનો ઉપયોગ કરવાને બદલે ઝો એમિશન યૉટમાં મુસાફરી કરતી હતી તેની એ યૉટને યુરોપ પાછી લાવવા માટે પાંચથી સાત જણાની ટીમને ટ્રાન્સ એટલાન્ટિક ફ્લાઇટમાં મોકલવાયા અને આ આખી ભાંજગડમાં સાત ગણું વધારે કાર્બન એમિશન થયું. આવું તો ઘણું ય રિહાનાથી માંડીને અન્ય સેલિબ્રિટી વોક એક્ટિવિસ્ટ્સ વિશે મળી શકે છે પણ અહીં મુદ્દો તેમનો નથી. વાત એ લોકોની કરવાની છે જેમનામાં ભારોભાર સમજણ છે, વિચાર છે પણ દિશાને મામલે ઘોડાનાં બ્લિન્કર્સ પહેરી લે છે અને પછી માત્ર વાતો હોય છે, વિકલ્પો કે જવાબો નથી હોતાં. સોશ્યલ મીડિયાના દેકારાથી સમસ્યાઓ ઉકેલાઇ જવાની કોઇ ગૅરંટી નથી હોતી એ આપણે સમજવું પડશે. સાચી માહિતી આપવી, પોતાના વિચાર પર મક્કમ રહેવું, કોઇના સવાલ પર ગુંચવાઇ ન જવું અને વિકલ્પની દિશામાં વિચારવું એ એક્ટિવિઝમની સાચી રાહ હોઇ શકે છે.

બાય ધી વેઃ

વોક એક્ટિવિઝમની ભાંજગડમાં પડ્યા વિના નક્કર કામ કરવાના રસ્તા શોધવા. દેશમાં જાતભાતની સમસ્યાઓ છે અને થયા કરવાની છે માટે જ જરૂરી છે કે લોકોમાં જાગૃતિ તો હોવી જ જોઇએ. એક્ટવિઝમ જો વિચાર વગર થાય તો લોકશાહીનું હથિયાર બનવાને બદલે તે તેને નુકસાનકર્તા બનશે. તમને સ્ટર્લાઇટ પ્લાન્ટના બંધ થઇ જવા અંગે જાણ હશે જ. વિરોધોને પગલે અહીં કૉપરનું ઉત્પાદન બંધ થઇ ગયું અને આપણા પાડોશી દેશો જે હજી આ કૉપર ઉત્પાદિત કરે છે તે ફાયદામાં છે. ભારતમાં લોકોએ નોકરી ગુમાવી અને જે પ્લાન્ટ પર્યાવરણને નુકસાન કરતો હોવાનું કહેવાયું હતું તેની પર વધુ રિપોર્ટ્સ આવ્યા અને તેમાં સ્પષ્ટ થયું કે જેટલા નુકસાનની બૂમરાણ મચી હતી તેટલું બધું નુકસાન તો પ્લાન્ટને કારણે થતું જ ન હતું. આપણે એક્ટિવિઝમ કરીએ પણ વિચારીને કરીએ, વિકલ્પો શોધીએ, પ્રતિભાવ આપવીએ પ્રતિક્રિયા નહીં – હા રિયેક્શન્સ આપવાથી જવાબ નહીં મળે અરાજકતા વધશે. વિચારી જુઓ કે મોટેરા – ઓહ સોરી નમો સ્ટેડિયમનું બીજું નામ શું હોવું જોઇએ?

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  21 ફેબ્રુઆરી 2021 

Loading

બીજા વિશ્વયુદ્ધ પછી આઝાદ થયેલો કોઈ દેશ આટલો સ્થિર નથી !

રમેશ ઓઝા|Opinion - Opinion|28 February 2021

તમને કદાચ જાણ હશે કે પડોશમાં નેપાળમાં રાજાશાહી પાછી લાવવા માટે આંદોલન ચાલી રહ્યું છે. એ આંદોલનને લોકોનો પ્રચંડ ટેકો તો નથી પણ ઠીકઠીક પ્રમાણમાં ટેકો છે. એક દાયકાના અસ્થિર અને ભ્રષ્ટ લોકતંત્રથી લોકો કંટાળી ગયા છે. તમને એ વાતની પણ જાણ હશે કે પડોશમાં મ્યાનમારમાં લશ્કરી અધિકારીઓએ ચૂંટાયેલી સરકારને ઉથલાવીને સરમુખત્યારી લાગુ કરી છે. શ્રીલંકા આઝાદ થયું ત્યારથી બૌદ્ધ રાષ્ટ્રવાદ અને બંધારણીય રાષ્ટ્રવાદ વચ્ચે ગોથાં ખાઈ રહ્યું છે અને બંધારણ બદલતું રહે છે. બંગલાદેશ ઇસ્લામિક રાષ્ટ્રવાદ અને ઇસ્લામિક રાષ્ટ્રવાદ વચ્ચે ગોથાં ખાઈ રહ્યું છે.

પાકિસ્તાનને તો પ્રથમ ગ્રાસે મક્ષિકાનો અનુભવ થયો હતો. ૧૧મી ઑગસ્ટ ૧૯૪૭ના રોજ પાકિસ્તાનના સ્થાપક મહમદઅલી ઝીણાએ પાકિસ્તાનની બંધારણસભામાં ભાષણ આપ્યું એ જ ઘડીએ મતભેદ શરૂ થયા. હકીકતમાં તો મતભેદ હતા જ અને મતભેદ છતાં તેમ જ મતભેદ સાથે પાકિસ્તાનની સ્થાપના થઈ હતી. મતભેદ એ વાતે હતો કે પાકિસ્તાન નામના દેશનું સ્વરૂપ કેવું હોવું જોઈએ. ઝીણા એમ માનતા હતા કે પાકિસ્તાનમાં મુસલમાનોની ધાર્મિક બહુમતી હોય એટલું પૂરતું છે, એ પછી એનાથી વધારે ધર્મને વચ્ચે લાવવાની જરૂર નથી. પાકિસ્તાન તેના દરેક અર્થમાં લોકતાંત્રિક અને સેક્યુલર હશે. અવિભાજિત ભારતમાં મુસલમાનો લઘુમતીમાં હતા એટલે અસુરક્ષાની ભાવનાથી પીડાતા હતા અને ધર્મનો રાજકીય આશ્રય લેતા હતા. હવે પાકિસ્તાનમાં મુસલમાનો બહુમતીમાં છે એટલે અસુરક્ષા રહેવાની નથી માટે ધર્મનો રાજકીય આશ્રય લેવાની જરૂર નથી. ધર્મનો રાજકીય ઉપયોગ કરવામાં જોખમ છે.

સામે મૌલવીઓ કહેતા હતા કે મુસલમાનોની ધાર્મિક બહુમતી ધર્મ પર આધારિત છે. ધર્મ છે તો તેના અનુયાયી છે અને ઇસ્લામ ધર્મના બહુમતી અનુયાયીઓએ રાષ્ટ્રની સ્થાપના કરી છે એટલે એનાં પાયામાં તો ઇસ્લામ જ હશે. બીજા શબ્દોમાં કહીએ તો પાકિસ્તાન ઇસ્લામિક રાષ્ટ્ર હશે. તેમની બીજી દલીલ એવી હતી કે ઇસ્લામ ધર્મ સંપૂર્ણ ધર્મ છે એટલે એમાં સમાજ, શાસન અને રાજ્ય વિષયી દરેક બાબતના ઉકેલ મળે છે. જે ધર્મ પોતે જ સામાજિક, રાજકીય અને આધ્યાત્મિક એમ ત્રણેય જરૂરિયાત પૂરી પાડતો હોય તેને આધુનિક રાજ્યના ઉછીના ઢાંચાની જરૂર જ શું છે? તેમની ત્રીજી દલીલ એવી હતી કે આધુનિક લોકતાંત્રિક સેક્યુલર રાજ્યમાં  નાગરિક સર્વસ્વ છે અને તે પ્રભુસત્તા (સોવરેન્ટી) ધરાવે છે જે ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ છે. પ્રભુસત્તા માત્ર અને માત્ર ખુદાની હોય અને બંદા એને શરણે છે માટે તેણે ખુદાએ આપેલા ધર્મના કાયદાઓને અનુસરવાના હોય, આધુનિક બંધારણના નહીં.

આમ પાકિસ્તાનની બંધારણસભામાં ઝીણાએ મંગળ પ્રવચન કર્યું એ સાથે જ મામલો ઘોંચમાં પડી ગયો તે આજ સુધી એનો ઉકેલ આવ્યો નથી. ૧૯૪૮ના ઓકટોબર મહિનામાં જ્યારે ઝીણા ગુજરી ગયા ત્યાં સુધીમાં તેમને સમજાઈ ગયું હતું કે ધાર્મિક બહુમતીવાળો લોકતાંત્રિક સેક્યુલર રાષ્ટ્રનો તેમનો પ્રયોગ નિષ્ફળ નીવડવાનો છે. મુસલમાનોની અસુરક્ષાનો અંત આવ્યો હોવા છતાં અને બહુમતીમાં હોવાનો આત્મવિશ્વાસ હોવા છતાં પાકિસ્તાનનું વિભાજન થયું, રાજકીય નેતાઓની હત્યાઓ થઈ, લશ્કરી સરમુખત્યારી આવી અને મૂળભૂતવાદ અને ત્રાસવાદનું ભોગ બની ગયું.

માત્ર દક્ષિણ એશિયાના જ નહીં, બીજા વિશ્વયુદ્ધ પછી એશિયા અને આફ્રિકાના જેટલા દેશો આઝાદ થયા એની લગભગ આવી જ દાસ્તાન છે. કોઈ દેશ ધર્મમાં અટવાયો, કોઈ વંશમાં અટવાયો તો કોઈ ભાષામાં. કેટલાક દેશોએ પશ્ચિમને નકારવાનો પ્રયાસ કર્યો જેમાં તે પશ્ચિમના દેશોના હાથનું રમકડું બની ગયા. પાકિસ્તાન આનું દૃષ્ટાંત છે.

આ બધા દેશોથી ઊલટું ભારતનો અનુભવ જુદો રહ્યો. હજારો વર્ષ જૂની પ્રાચીન અને જીવતી સભ્યતા ધરાવતો અને ઉપરથી વિશ્વમાં સૌથી વધુ વિવિધતા ધરાવતો આવડો મોટો દેશ! એક બીજાને સહન નહીં કરવા માટે અને એકબીજાનો છેદ ઉડાડવા માટે પર્યાપ્ત કારણો હતાં. ઇતિહાસ પણ હાથવગો હતો અને છતાં ય જગતના આશ્ચર્ય વચ્ચે ભારતે નિર્વિઘ્ને બંધારણ ઘડ્યું હતું. ભારતનું બંધારણ જ્યારે ઘડાતું હતું ત્યારે વિભાજનને કારણે હિંસાની બર્બર ઘટનાઓ બની રહી હતી. બંધારણસભાના સભ્યો રોજ સવારે રોષ પેદા થાય એવી ઘટનાઓના સમાચાર છાપામાં વાંચ્યા પછી બંધારણસભામાં જતા હતા અને આજુબાજુ બની રહેલી ઘટનાઓથી રતિભર વિચલિત થયા વિના બંધારણ ઘડતા હતા. વિવેકપૂર્વક સ્વસ્થ ચિત્તે કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ કે પક્ષપાત વિના તેમણે બંધારણ ઘડ્યું હતું. કોમી તંગદિલી અને તાણથી ભરેલા એ દિવસોમાં ભારતમાં જે રીતે બંધારણ ઘડાઈ રહ્યું હતું એ જોઇને દુનિયા અવાક થઈ ગઈ હતી.  આવું કેમ બની શકે?

આમાં આપણી પ્રજાકીય મહાનતાનો ફાળો છે. આમાં સામાજિક વાસ્તવિકતાઓનો ફાળો છે. આમાં અંગ્રેજોનું યોગદાન છે અને સૌથી વધુ આઝાદી માટેની લડત જે રીતે હાથ ધરાઈ એનો ફાળો છે. કોઈને ય પણ બહાર નહીં રાખવાનો એક પવિત્ર સંકલ્પ હતો. બીજા દેશોમાં તેનો મુખ્ય રાજકીય પક્ષ આટલો સંકલ્પબદ્ધ નહોતો જેટલી ભારતમાં કૉન્ગ્રેસ પક્ષ હતો.

આટલી ભૂમિકા બાંધ્યા પછી હવે ભારતનું બંધારણ કઈ રીતે ઘડાયું અને તેણે કેવી રીતે કેવા ભારતને આકાર આપ્યો એની વાત કરવામાં આવશે.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 28 ફેબ્રુઆરી 2021

Loading

ભાષાના ધોવાણ વિશે

બાબુ સુથાર|Opinion - Opinion|28 February 2021

માતૃભાષા દિન

 

૧. હું માનું છું કે બાળક માત્ર એના brain/mindમાં Universal Grammer (UG) લઈને જન્મતું હોય છે.

 

૨. આ UG જીવવૈજ્ઞાનિક હોય છે. એના અસ્તિત્વ માટે એક કરતાં વધારે genes અને એમની વચ્ચેનું આદાનપ્રદાન જવાબદાર હોય છે.

 

૩. આ UGમાંથી જે-તે બાળકની માતૃભાષા આકાર પામતી હોય છે. એટલે કે આ Universal Grammer માંથી particular ભાષાનો વિકાસ થતો હોય છે. આ વિષય પર ખૂબ જ સંશોધન થયું છે. UGથી એક સૌથી મોટો ફાયદો એ થતો હોય છે કે બાળકે ભાષાના વ્યાકરણને લગતા કેટલાક નિયમો શીખવાના રહેતા નથી. એના principles (જે UGનો ભાગ હોય છે) એ મદદ કરતા હોય છે.

 

૪. કહેવાય ’માતૃભાષા’ પણ father tongue hypothesis પ્રમાણે બાળકની માતૃભાષામાં પિતાના geneનો ફાળો મહત્ત્વનો હોય છે. જો કે, આ એક hypothesis છે. કેટલાક વૈજ્ઞાનિકોએ mother hypothesis પણ આપી છે અને કેટલાકે બન્ને વચ્ચેના interactionની વાત પણ કરી છે.

 

૫. મોટા ભાગના વૈજ્ઞાનિકો એમ માને છે કે બાળક ગર્ભમાં હોય, ત્યારથી જ એ માતૃભાષા શીખવાની શરૂઆત કરતું હોય છે.

 

૬. સંશોધન એમ કહે છે કે જ્યારે બાળક બીજી ભાષા શીખે, ત્યારે એ માતૃભાષાનો resource તરીકે ઉપયોગ કરતું હોય છે. એનો અર્થ એ થયો કે જે બાળકો પહેલેથી જ માતૃભાષાને બદલે બીજી ભાષાના માધ્યમમાં ભણવાનું શરૂ કરે, ત્યારે એમની પાસે બીજી ભાષા શીખવા માટેના resources ખૂબ જ મર્યાદિત હોય છે. એને કારણે એનું બીજી ભાષાનું જ્ઞાન ઘણી વાર કાચું રહી જતું હોય છે. જો કે, કેટલાંક બાળકો સખત પરિશ્રમ કરીને બીજી ભાષા શીખતાં હોય છે ખરાં પણ એ ભાષા મોટા ભાગના કિસ્સાઓમાં માતૃભાષાનું સ્થાન લઈ શકતી નથી.

૭. મુક્ત અર્થતંત્રના વિકાસની સાથે જે ભાષાઓ economically કે culturally strong ન હોય એ ભાષાઓનું ઘણું બધું ધોવાણ થયું છે. કોઈકમાં વધારે પડતું; કોઈકમાં ઓછું. જાપાની ભાષા પણ બચી નથી, જર્મન પણ, ગુજરાતી પણ. પણ સૌથી વધારે ધોવાણમાં કદાચ ગુજરાતી જેવી અસંખ્ય ભાષાઓ આવી જાય.

૮. ભાષાશાસ્ત્રીઓ કહે છે કે મુક્ત અર્થતંત્રના કારણે ઘણી બધી ભાષાઓનું ધોવાણ થશે, કેટલીક કદાચ સંપૂર્ણપણે ધોવાઈ જશે. જો કે, ઘણા ભાષાશાસ્ત્રીઓ એમ પણ કહે છે કે યોગ્ય ભાષા આયોજન દ્વારા ભાષાના ધોવાણની ઝડપને ઘણી ધીમી પાડી શકાય.

૯. કેટલાક ભાષાશાસ્ત્રીઓ lingustic catastropheની વાત કરે છે. એ લોકો કહે છે કે એક દિવસે કદાચ આર્થિક રીતે અને ટેક્‌નોલૉજીની રીતે સધ્ધર એવી જ ભાષાઓ ટકી રહેશે. આપણે એમાં ભાષાઓનો એક બીજો વર્ગ ઉમેરી શકીએઃ ધર્મ સાથે જોડાયેલી ભાષાઓ કદાચ ટકી રહે પણ fossilized સ્વરૂપે.

૧૦. છેલ્લે, ગુજરાતી ભાષાના ધોવાણનો નકશો બનાવવામાં આવે તો કદાચ નગરજીવનમાં એનું સૌથી વધારે ધોવાણ થયું છે. હવે ધીમે-ધીમે ગામડાં શહેર બનતાં જાય છે, એની સમાન્તરે એ ધોવાણ પણ વધતું જશે. બીજું, ગુજરાતી ભાષાના લેખન અને વાંચન (literacy) એમ બન્ને પાસાંમાં પણ અઢળક ધોવાણ થયું છે. એની અસર સાહિત્ય પર પણ પડી છે. આ ધોવાણ માટે અક્ષરજ્ઞાન સાથે સંકળાયેલું ભાષાશિક્ષણ જવાબદાર છે.

————————————————————————————————

બાબુ સુથારની મુખપોથીમાંથી સાભાર ઉતારેલી આ નોંધ છપાવા જઈ રહી છે ત્યારે જ છાપાં કહે છે કે રાજ્ય સરકાર સમક્ષ અખિલ ગુજરાત શાળા સંચાલક મહામંડળે ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળાઓને અંગ્રેજી માધ્યમમાં ફેરબદલ કરવાની છૂટ આપવી વિનંતી કરી છે. શિક્ષણશાસ્ત્રની પાયાની સમજ વગર વિવિધ કારણોસર માતૃભાષાને બદલે પ્રાથમિકનાં વર્ષોથી જ અંગ્રેજી માધ્યમ માટે જે ખેંચાણ અને પડાપડી દેખાઈ રહ્યાં છે એની વચ્ચે ટકવું કેટલું અઘરું બની રહ્યું છે તે મહામંડળે નાખેલી આ ‘ધા’થી સમજાય છે. નવી શિક્ષણ નીતિ મુજબ પ્રાથમિક શિક્ષણમાં માતૃભાષાના માધ્યમ પર મુકાયેલ ભાર સામે આ એક દુર્દૈવ વાસ્તવ છે. અંગ્રેજી માધ્યમના ખેંચાણ સામે એકથી આઠ ધોરણ સુધી ક્રમશઃ એક વિષય તરીકે ગુજરાતી ફરજિયાત કરતા જવાની રાજ્ય સરકારની નીતિ કોઈક વચલા રસ્તા માટેની સમાધાનશોધમાંથી આવેલી જણાય છે. મુદ્દે, શાસકીય સંકલ્પનું અને જાહેર સમજનું જે ટાંચુ પડેલું છે તે સર્વત્ર સાફ દેખાઈ રહ્યું છે. માતૃભાષા દિવસનો રસમી રાબેતો ઓળાંડી જઈ સક્રિય સહવિચારનો આ તકાજો ક્યારે સમજાશે ?

— ‘નિરીક્ષક’ તંત્રી

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2021; પૃ. 16

Loading

...102030...1,9791,9801,9811,982...1,9902,0002,010...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved