Opinion Magazine
Number of visits: 10,226,097
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇન્ટરનેટના નર્કમાં રાઈટ ટૂ બી ફોરગોટન

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 September 2021

દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે રાઈટ ટૂ પ્રાઇવસીની અંદર રાઈટ ટૂ બી ફોરગોટન પણ આવી જાય છે. રાઈટ ટૂ બી ફોરગોટન એટલે ગુમનામીનો અધિકાર. કોઈ મારા વિશે ન જાણે તે મારી પ્રાઇવસીનો જ હિસ્સો છે. રાઈટ ટૂ બી ફોરગોટન એ ભારતમાં એક નવી ધારણા છે. હજુ તે સંવેધાનિક અધિકારોમાં સામેલ નથી. ઇન્ટરનેટના પ્રચલન પછી યુરોપનાં ડેટા પ્રોટેક્શન ધારાઓમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એક બંગાળી અભિનેત્રીએ યૂટ્યુબ અને અન્ય વેબપોર્ટલ પર ફરતા તેના નગ્ન વીડિયોને ઊતારી લેવાની માંગણી સાથે કોર્ટનો સંપર્ક કર્યો, ત્યારે જસ્ટિસ આશા મેનને ઉપરોક્ત ટીપ્પણી કરતાં કહ્યું હતું કે કોઈ વ્યક્તિને તેની ઈચ્છા વિરુદ્ધ સાર્વજનિક કરવી તે તેની પ્રાઈવસીની ખિલાફ છે.

ભારતમાં આ વિષયમાં આ પાંચમો કિસ્સો છે. ૨૦૧૬માં, દિલ્હીના એક બેન્કરે તેની પત્ની સાથેના વિવાદમાં સમાધાન થઇ ગયું છે, તેવી દલીલ સાથે તેના કોર્ટ કેસની વિગતોને ઇન્ટરનેટ પરથી હટાવવા માટે દિલ્હી હાઈ કોર્ટ સમક્ષ માંગણી કરી હતી. ૨૦૧૭માં, કર્ણાટક હાઈકોર્ટે રાઈટ ટૂ બી ફોરગોટન હેઠળ એક સ્ત્રીનાં નામને ઇન્ટરનેટ પરથી હટાવવા માટે હુકમ કર્યો હતો. આ કેસમાં પણ એ સ્ત્રીનું તેના પતિ સાથે સમાધાન થઇ ગયું હતું.

૨૦૧૭માં, દિલ્હી હાઈકોર્ટમાં એક માણસે તેની માતા અને પત્નીની વિગતોને સર્ચ એન્જીનમાંથી દૂર કરવા માંગણી કરી હતી કારણ કે તેનાથી તેને રોજગારી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. મે મહિનામાં, દિલ્હી હાઈ કોર્ટે ૨૦૧૩માં કોર્ટના જ એક ચુકાદાને ઊતારી લેવા ગૂગલ અને ઇન્ડિયન કાનૂન વેબસાઈટને હુકમ કર્યો હતો, કારણ કે તેનાથી અરજીકર્તાને નોકરી મેળવવામાં તકલીફ પડી રહી હતી.

દિલ્હી કોર્ટ હજુ એ ચર્ચા કરી રહી છે કે રાઈટ ટૂ બી ફોરગોટનને કાનૂની સ્વરૂપ આપવું જોઈએ કે નહીં. તેને જો કાનૂનનું રક્ષણ મળે તો નાગરિકોએ તેમની વિગતોને સર્ચ એન્જીનમાંથી દૂર કરવા માટે કોર્ટ પાસે ધા નાખવાની જરૂર નહીં પડે.

આ કિસ્સાઓ પરથી સમજાય છે તેમ, કોઇ પણ વ્યક્તિને તેની અંગત માહિતી બિનજરૂરી અને અપ્રસ્તુત હોય તો ઇન્ટરનેટ, સર્ચ એન્જીન, ડેટાબેઝ કે વેબસાઈટ્સ પરથી તેને દૂર કરવાનો અધિકાર છે. દાખલા તરીકે, કોઈ વ્યક્તિનો કોર્ટમાં કેસ ચાલતો હોય ત્યાં સુધી તેને લગતી માહિતી ઉપલબ્ધ હોય તો યોગ્ય છે, પરંતુ કેસ પૂરો થઇ ગયો હોય તે પછી પણ વર્ષો સુધી તેના નામ અને કેસનાં ઢોલ-નગારાં વાગતાં રહે તે તેના જીવન જીવવાના મૂળભૂત અધિકારનું હનન છે.

રાઈટ ટૂ બી ફોરગોટન પ્રગતિશીલ વિચાર છે. એ સાવ નવો નથી. બ્રિટિશરો હંમેશાં સમય સાથે રહ્યા છે. ૧૯૭૪માં તેમણે રિહેબિલિટેશન ઓફેન્ડર્સ એક્ટ પસાર કર્યો હતો, જેની અંતર્ગત જે અપરાધીઓ તેમની સુધારણા(રિહેબિલિટેશન)માં અમુક સમય પસાર કરે પછી તેમના અપરાધ અને સજાનું કલંક મિટાવી દેવું જોઈએ જેથી તેમને કામ શોધવામાં તે આડું ન આવે.

ઇન્ટરનેટના જમાનામાં વ્યક્તિની પ્રાઇવસીને લઈને નવા પડકારો અને જોખમો ઊભાં થયાં છે. અગાઉ સમાચારપત્રોના કિસ્સામાં એવું હતું કે આપણી કોઈ માહિતી તેમાં પ્રગટ થાય તો તે મર્યાદિત સમય પૂરતી જ ઉપલબ્ધ રહેતી હતી, કારણ કે સમાચારપત્રોની આવરદા ટૂંકી હતી. ઇન્ટરનેટમાં એવું નથી. ત્યાં દરેક વિગત આજીવન રહે છે. દિલ્હી કોર્ટના જજે કહ્યું હતું તેમ, "ઇન્ટરનેટના સાર્વજનિક ક્ષેત્રમાં માહિતીનું હોવું એ ટૂથપેસ્ટ જેવું છે. એક વાર પેસ્ટ બહાર નીકળી જાય પછી તે પાછી અંદર ન જાય. કોઈ માહિતી એક વાર પબ્લિક ડોમેનમાં આવી જાય પછી એ ત્યાં જ રહે."

ઇન્ટરનેટ કશું ભૂલતું નથી તે ૨૧મી સદીની ટેકનોલોજીની એક કડવી વાસ્તવિકતા છે. તેની સામે, ઇન્ટરનેટ મને ભૂલી જાય તે મારો મૂળભૂત અધિકાર છે. સ્મૃતિ શું છે તેની એક નિશ્ચિત થિયરી ઘડવી અશક્ય છે. આપણે અમુક બાબતો યાદ રાખીએ છીએ અને અમુક ભૂલી જઈએ છે. અમુક સ્મૃતિઓ દીવા જેવી સ્પષ્ટ હોય છે, અમુક સ્મૃતિઓ જૂના કાગળની જેમ ઝાંખી થઇ જાય છે. સ્મૃતિઓ બૂક-સેલ્ફમાં પુસ્તકો જેવી હોય છે. એ ત્યાં પડી-પડી જીર્ણ થઇ જાય છે. સ્મૃતિઓ કેમ વિસરાઈ જાય છે તેનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીનો એક અભ્યાસ કહે છે કે મગજ બન્યાં છે જ વિસારે પાડવા માટે. આપણે જો બધું જ યાદ રાખીએ તો જીવવાનું દુષ્કર થઇ જાય.

ઇન્ટરનેટે મગજની આ ‘ત્રુટી’નું સમાધાન શોધી કાઢ્યું છે. હવે તે એ બધું જ યાદ રાખે છે, જે કહીકતમાં વિસારે પાડી દેવાનું હોય છે. એકલા ફેસબૂકમાં જ ૫૦ કરોડ યુઝર્સ છે અને દર મહીને તેઓ ૫ લાખ મિનીટ્સ ખર્ચે છે. એ જે લખે છે તે ફેસબૂકના ‘સ્મૃતિગ્રંથ’માં સ્ટોર થાય છે. એ બધું જ તમારી વિરુદ્ધ ઉપયોગમાં લઇ શકાય છે. ઇન્ટરનેટ પર ટ્રોલિંગ કરવાવાળા જૂના વીડિયોઝ અને જૂની પોસ્ટ શેઅર કરીને નફરત અને ઘૃણા પેદા કરે છે.

એવા અનેક દાખલા છે જેમાં લોકોની નોકરી ગઈ હોય, કારકિર્દી ધૂળમાં મળી ગઈ હોય, ઘરમાં કંકાસ થયો હોય, છૂટાછેડા થયા હોય અને આપઘાત પણ થયા હોય. દુનિયાની મોટા ભાગની કોર્પોરેટ કંપનીઓ સંભવિત ઉમેદવારોના પ્રોફાઇલને ઇન્ટરનેટ પર ચેક કરે છે. લગ્ન કરવા ઈચ્છુક છોકરા-છોકરીઓ એકબીજા વિશે જેટલું ઓનલાઈન જાણી શકે છે તેટલું ‘જોવાવાળી’ મિટિંગમાં જાણી શકતા નથી.

આપણા ધર્મોમાં નર્કની કલ્પના છે, જ્યાં દુષ્ટ આત્મા હંમેશ માટે સબડે છે. બાઈબલમાં ‘શાશ્વત સજા’ની ધારણા છે. આપણી વાસ્તવિક કાનૂન વ્યવસ્થામાં સજાની સીમા મર્યાદિત સમય પૂરતી હોય છે (આજીવન સજા ૧૪ કે ૨૦ વર્ષમાં પૂરી થઇ જાય છે). મર્યા પછી નર્કમાં જવાય છે કે નહીં તે ખબર નથી, પરંતુ ઇન્ટરનેટે નર્કને સાકાર કરી દીધું છે, જ્યાં તમે તમારા એક કલંક, એક ભૂલ કે એક અપરાધ માટે શાશ્વત સજા ભોગવતા રહો છે. એટલા માટે, રાઈટ ટૂ બી ફોરગોટન કાયદો બની જવો જોઈએ.

સૌજન્ય : રાજ ગોસ્વામીની ફેઈસબૂક દિવાલેથી સાભાર; 06 સપ્ટેમ્બર 2021

Loading

સ્ત્રીને વિચારવાની મોકળાશ છે ખરી?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|11 September 2021

બાળક જન્મે છે ત્યારે તેને ખબર નથી હોતી કે તે છોકરો છે કે છોકરી. છોકરી તરીકે જન્મીને પોતે, પોતાના જ કુટુંબની મુશ્કેલી વધારી છે એવું ભાન પણ છોકરીને હોતું નથી. એને ભાન નથી હોતું ને કુટુંબ નાનેથી જ ભાન કરાવતું રહે છે કે તે અનિચ્છનીય છે. આજે દીકરીના જન્મની બહુ છોછ નથી રહી, છતાં કેટલાંક કુટુંબોની માનસિકતા નથી જ બદલાતી. એવું જ છોકરાને પણ ખબર નથી કે પુત્ર તરીકે જન્મીને તેણે વિશેષ શું સિદ્ધ કર્યું છે? પણ કુટુંબ તેના જન્મથી રાજી થાય છે ને એ રાજીપો ઉછેર દરમિયાન પડઘાતો રહે છે. છોકરીના ઉછેરમાં તેના પર એક પ્રકારનો દાબ વર્તાય છે. એ દાબ છોકરાના ઉછેરમાં ખાસ વર્તાતો નથી. એને અભિવ્યક્તિની મોકળાશ મળતી રહે છે. આ મોકળાશ દીકરીને ઓછી જ મળે છે. એટલે કે છોકરાને મળે છે, તેના કરતાં ઓછી. નાનેથી જ તે વર્તન બાબતે, પહેરવા ઓઢવાને મામલે, ખાવાપીવાની બાબતે ટોકાતી રહે છે. સૂચનો, સલાહો, સાવચેતીનાં ખડકલાં તેની આસપાસ થતાં જ રહે છે ને એ બોજ રોજ બ રોજ વધતો જ જાય છે. આ બોજ વધારવામાં ઘરના પુરુષો ઉપરાંત ઘરની સ્ત્રીઓનો ફાળો પણ ઓછો હોતો નથી. ઘણું ખરું તો મા, દીકરીને પોતાના બીબાંમાં જ ઢાળતી રહે છે, તે એટલે કે એની માતાએ પણ તેને તેનાં બીબાંમાં જ ઢાળી છે. આ બધું છતાં દીકરો કે દીકરી, મા કે બાપની ઝેરોક્સ કોપી જેવાં નથી થતાં કારણ કે કુદરત નથી ઇચ્છતી કે દુનિયા ઝેરોક્સ કોપી બનીને ઠેરની ઠેર રહે. અનેક દબાણ વચ્ચે પણ માણસ અપૂર્વ વિચાર શક્તિ ધરાવતો આવ્યો છે ને એટલે જ દુનિયા સાવ વાસી થતી બચી ગઈ છે.

સ્ત્રીને વિચારની મોકળાશ નથી અથવા તો ઓછી છે એ વિચાર પણ પેલી અપૂર્વતાનું જ પરિણામ છે. માણસ માત્રની ઇચ્છા ગુલામ રહેવાની હોતી નથી. મોડો વહેલો તે ગુલામીમાંથી છૂટવા મથે જ છે. કોઈ લાંબો સમય દબાયેલું રહે કે ઓછો સમય, તે સ્ત્રી હોય કે પુરુષ, ગુલામી કોઈને માન્ય નથી. એમાં સૌથી વધુ તાબામાં સ્ત્રી રહેતી આવી છે. નાની બાળકી પોતીકી રીતે વિચારી શકતી નથી. વિચારે તો કોઈ વિચારવા દે એવું ઓછું જ બને છે. પોતે કોઈ જુદી વાત કરશે તો તરત પિતા કે માતા કે ઘરની વ્યક્તિ તેને રોકશે ને  સમજાવી, પટાવીને તેને પોતાની ઘરેડમાં લાવીને જ છોડશે. છોકરી કે છોકરો માથું ફેરવીને કૈં કરવા જશે તો ડરાવી ધમકાવીને વડીલો ઠેકાણે લાવશે. ઘરમાં પિતાનો અને અન્ય પુરુષોનો તીવ્ર દાબ સ્ત્રીને સ્વતંત્ર રીતે વિચારવાની તક લગભગ આપતો નથી ને જો કોઈ વિચારે તો એટલી દખલ હોય છે કે કોઈ વિચારસરણીનો સ્વતંત્ર ઉદય ભાગ્યે જ થાય છે.

એમાં જો કોઈ કન્યા પરણીને સાસરે આવે છે તો રહી સહી વિચારસરણીનો છેદ ઊડી જવાની પૂરી શક્યતા હોય છે. અપવાદો પિતાને ત્યાં કે સાસરામાં હોય જ છે, પણ સામાન્ય સ્થિતિ એવી હોય છે કે આજના મોડર્ન લાગતાં સમયમાં પણ સ્ત્રીએ, પિયર હોય કે સાસરું, મૌલિક વિચારોને ક્યારેક તો દફનાવી જ દેવા પડતા હોય છે. એમાં પિયરમાં તો થોડી ઘણી તક હોય પણ છે, પણ સાસરામાં તો બ્રેઇન વોશ કરવા માટે પતિ, સાસુ, સસરા, દિયર, જેઠ, દેરાણી, જેઠાણી, નણંદની આખી ફોજ હોય છે. ક્યાંક ને ક્યાંક ને ક્યારેક ને ક્યારેક તો શિકાર થઈને જ રહે છે. એક સગવડ કન્યાને પક્ષે એ રહે છે કે મોટે ભાગે જે પુરુષ તેનો પતિ બનવાનો હોય છે તેના ઘરનો ને તે ઘરની વ્યક્તિઓનો તેને પરિચય હોય છે, એટલે ખાસ અજાણ્યું તેને લાગતું નથી. નવી ને આવનારી વ્યક્તિ તરીકે તેનો ખ્યાલ પણ રખાય છે ને તેની સગવડો પણ સચવાય છે, પણ જેવી તે વહુ તરીકે કાયમી ધોરણે સાસરે આવે છે કે ક્રમશ: તે ઘરમાં દટાતી જાય છે. તેના પર ઘરની નાની મોટી વ્યક્તિઓનો એવો પ્રભાવ વધતો આવે છે કે તે બધાના વિચારોને ઝીલતું રિસિવિંગ સ્ટેશન જ બની રહે છે. તે લાંબું ના વિચારી શકતી હોય તો ગમે તેના વિચારોનો પ્રભાવ તે ઝીલે છે ને તેને અનુરૂપ વર્તતી રહે છે. સૌથી વધારે સંપર્કમાં તે પતિના આવે છે એટલે તેનો પ્રભાવ તેના પર વધુ પડે છે. તેમાં જો તે તેને ચાહતી હોય તો તેની વર્તણૂક, તેની બોલચાલની લઢણો, તેની પસંદગી, નાપસંદગી … વગેરેનો પ્રભાવ તેના પર પડે છે. પતિ જેવા થવાનું તેને ગમે છે ને તેના રંગમાં રંગાવાનું તેને પોતાનું અહોભાગ્ય લાગે છે, ધીમે ધીમે તે હુકમો ઉઠાવતી પૂતળી જ બની રહે છે, તે ત્યાં સુધી કે સંતાનો પર પ્રભાવ પાડવાને બદલે, તે સંતાનોના પ્રભાવમાં રહેતી થઈ જાય છે. એવું પણ બને છે કે થોડું ઘણું વિચારી શકતી આ દાસી ધીમે ધીમે પોતાપણું જ ગુમાવી દે છે ને એવી સ્થિતિમાં રહે છે કે તે સૌની માનીતી બની રહે અથવા તો સૌની મજાકનું પાત્ર બની રહે.

પણ જો કન્યા સ્વતંત્ર રીતે વિચારનારી હશે ને એવું વિચારવાની અનુકૂળતા તેના ઘરમાં હશે તો તે હા-માં હા કરનારી નહીં જ હોય. તે જ્યાં પણ જશે, તેની મૌલિક વાતો પર લોકો વિચાર કરશે ને તેનું માન પણ સમાજમાં વધશે. એમાં બધાં જ તેની વાત સ્વીકારી લેશે એવી અપેક્ષા તો વધારે પડતી છે. એવું બને કે તે એકાએક ન સમજાતી હોવાને કારણે તેનો વિરોધ પણ થશે. વિરોધ થશે તો તે પોતાની વાત સાચી હશે તો સમજાવવાની કોશિશ કરશે અથવા તો સામે સાચી વાત હશે તો સ્વીકારશે પણ ખરી. કારણ કે તે સ્ત્રી છે, તેને એકાએક સ્વીકૃતિ નહીં મળે એમ બને. જો તેની વાતમાં સચ્ચાઈ હશે અને તેની દલીલો તર્કબદ્ધ હશે તો મોડી મોડી પણ તેની વાતો સ્વીકારાશે. ઘણું ખરું તે સ્વમાની હશે એટલે પતિ તો ઠીક છે, બોયફ્રેંડ કે ફ્રેન્ડને પણ પોતાના વિચારો ઠસાવવાની કોશિશ તે કરશે. તે એકાએક લગ્ન કરવા પણ રાજી નહીં થાય. તેને કશુંક નોખું કરવાનું ગમતું હોય છે ને વિચિત્રતા એ છે કે એ ઘણાંને ગમતું હોતું નથી. ભૂલેચૂકે જો એ પરણે છે તો તે તેને ભાગ્યે જ પતિ સાથે કે તેના કુટુંબની વ્યક્તિઓ સાથે બને છે. ક્યાં તો તે છૂટાછેડા લે છે અથવા તો તે અપમૃત્યુ વહોરે છે. તે જો પતિ કે તેના કુટુંબના સભ્યોનું માનીને સમાધાન કરે છે તો ધીમે ધીમે તે પોતાનું સત્વ ને સ્વત્વ ગુમાવી દે છે. જો સ્ત્રી તેવું નથી કરતી તો તેને ઘણું વેઠવાનું આવે છે. અનેક લોકોના વિરોધનો સામનો કરવાનો તેને આવે છે. શરૂઆત પતિના વિરોધથી થાય છે. આમ પણ પત્ની, પતિથી જુદો વિચાર ધરાવતી હોય તો તે પતિને ગમતું હોતું નથી. ઘણીવાર તો પતિ, પત્નીએ શું જુદું કહેવું છે, એ સાંભળવા પણ તૈયાર હોતો નથી. પતિ ઘણી છૂટ આપતો હોય તો પણ તે પતિએ આપેલી છૂટ છે. એમાં જો સ્ત્રી પોતે કોઈ મોકળાશ શોધી લે તો તેનાથી પતિના અધિકાર પર તરાપ પડે છે એવું પતિને લાગે છે. એવા કિસ્સાઓ પણ છે કે પત્ની કોઈ જુદો વિચાર લઈને આવે તો તેને રોકાય ને તે ન માને તો વાત હિંસા ને હત્યા સુધી પણ લંબાય છે. એ તો ઠીક, સંતાનો પણ સમજણા થાય છે તો મમ્મી તેમને નાસમજ લાગવા માંડે છે. સામાન્ય વાતોમાં આ સ્થિતિ હોય તો કોઈ સર્જનાત્મક વિચાર સ્ત્રી પ્રસ્તુત કરે તો તેને સ્વીકૃતિ નહિવત મળે છે.

આ સ્ત્રીને માટે જ છે એવું નથી, કોઈ પુરુષ પણ કોઈ અપૂર્વ વાત લઈને આવે છે તો તેને સ્વીકૃતિ ભાગ્યે જ મળે છે. પૃથ્વી ફરે છે એવું કહેનારની શી સ્થિતિ થઈ છે એ આપણાથી અજાણ્યું નથી. કોઈ એવું સત્ય જે પહેલી વખત પ્રગટ થતું હોય તો તેને સ્વીકૃતિ મળતાં સમય લાગે છે, એમાં જો એ કોઈ સ્ત્રી દ્વારા પ્રગટ થાય છે તો મુશ્કેલી ઑર વધે છે ! તે એટલે કે તે ઘરેડથી અલગ પડે છે ને એવું માની લેવામાં આવે છે કે સ્ત્રી પાસે મૌલિકતા હોતી નથી, પણ સાવ એવું નથી. આ પૃથ્વી પર ઘણા આવિષ્કારો સ્ત્રીઓએ પણ કર્યા છે ને તે એટલે શક્ય બન્યું છે કેમ કે અનેક મુશ્કેલીઓ વચ્ચેથી પોતાની વાત કહેવાની મોકળાશ તેણે મેળવી છે, ઊભી કરી છે. સાચી વાત તો એ છે કે સમાજે સ્ત્રી હોય કે પુરુષ, તેની જુદી ને સાચી વાતને સમજવી જોઈએ ને તે એ વાત કરી શકે એવી મોકળાશ તેને આપવી જોઈએ. બાકી, જેને સત્ય લાધે છે તે તો જગતને પહોંચાડીને જ જંપે છે. જગત તેને સ્વીકારે તો તે વહેલું પ્રગટ થાય છે ને જો નથી સ્વીકારતું તો વાર લાગે છે, પણ અટકી જતું નથી. સૂર્ય થોડો વખત ઢંકાય છે, પણ તેને કાયમ માટે ઢાંકી શકાતો નથી. સત્યનું પણ એવું જ છે ….

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

એક પાક સાફ મજહબી ગુજરાતી મુસ્લિમ મહિલાની દાસ્તાં

અશોકપુરી ગોસ્વામી|Opinion - Opinion|11 September 2021

જીહા, અમીનાબહેન આદમ ઘોડીવાળા ખાકે સુપર્દ થયાં. મરહૂમ થયાં. આપણી વચ્ચેથી રુખસત લીધી.

અમીનાબહેન વલ્લભ વિદ્યાનગર ત્રણેક દાયકા રહ્યાં હશે. આદમ માસ્તર કહેતાં અધ્યાપક આદમ ઘોડીવાળાના આણંદ અને વિદ્યાનગરના જુદા જુદા રહેઠાણોને બહુ જલ્દીથી ઘર બનાવી દેનાર અમીનાબહેનના સ્વતંત્ર વ્યક્તિત્ત્વનો મારા સહિત અદમભાઈના મોટી સંખ્યાના મિત્ર વર્તુળને વધારે ઓછો પણ અચ્છો પરિચય. પતિના બહુર્મુખી વ્યક્તિત્વની સાથે / સમાંતરે ઊભી રહી શકે તેવી એમની પોતાની છબી. એ પોતે આંતરમુખી; ઓછાબોલાં. પરંતુ એમના આવકારના, આદરભાવથી બોલાતા ભરૂચની બોલશાવાળા બોલનું વ્હાલ આપણને અડે. ભીંજવે. વાને ઘઉંવર્ણા અદમના કરતાં અમીનાબહેન ઠીક ઠીક ગોરાં. ઈંગ્લેન્ડ વસવાટ પછી તો યુરોપિયન બોર્ન મુસ્લિમ વુમન લાગે. અદમની શૈક્ષણિક અને સાહિત્યિક ઊંચાઈને આંબી શકે તેવું એમનું એકેડેમીક ક્વૉલિફિકેશન કદાચ ન હતું પરંતુ ઘઉંની કણેક જેવા ઉજળા વાનમાં આપણા અદમથી તેઓ ચડિયાતાં લાગે. ઊંચાઇમાં તો અદમભાઇનાં સમોવડિયાં. પતિના અતિવ્યસ્ત અધ્યાપકીય તથા જાહેર જીવન માટેની જરૂરી  મોકળાશ એમણે જે કરી આપેલી તે … તથા, અદમના બચરવાળ પરિવારને જે રીતે ઉછેર્યો/જાળવ્યો/ પરણાવ્યો તેમાં તથા, તમામના શાદી-બ્યાહના મામલે અમીનાબાનુની કોઠાસૂઝથી સ્કૉલર કવિ અધ્યાપકને ઘણી મોટી રાહત થયેલી. અહીં અને ત્યાં ઈંગ્લેન્ડમાં પણ ઘરબહાર ઝાઝું રહેતા અદમભાઇના ઘરપરિવાર કે સંતાનો અને અન્ય સર્વે નિર્ણાયક વ્યવહારો પર અમીનાબહેનની સહી જોઇ શકાય. ગુજરાતી ભરૂચની મુસ્લિમ તહેજીબ છેક લગી તેમનામાં જળવાઈ રહેલી. તેઓ અદમભાઇની જેમ ભલે અમારે ત્યાં આવ્યાં ગયાં નથી, પરંતુ જ્યારે અમે એમને મળતા ત્યારે એ; અનસૂયા કે ગોપીબહેન કે ગીતાબહેન અને અમારાં સંતાનોને યાદ કરતાં.

દિવસની પાંચે પાંચ નમાજ બિનચૂક અદા કરનાર અમીનાબહેન જેટલાં મજહબી હતાં, એટલાં એમના સગાં વહાલાં માટે એમના અનુભવી અભિપ્રાયોને ન અવગણી શકાય તેવાં કોઠાસૂઝવાળાં હતાં. અમારા જેવા અદમભાઇના બિન- મુસ્લિમ મિત્રો માટે એમનો મીઠો આવકાર એક સંભારણું બની રહેશે હવે. અદમભાઇના કારણે અમારો – મારો અને ચતુર પટેલનો – ૧૯૯૫ની સાલમાં ઇંગ્લેન્ડ પ્રવાસ ભલે શક્ય બન્યો, પરંતુ સફળ અને સાર્થક થયો અમીનાબહેનને કારણે. અમને બંને મિત્રોને એમણે, ઈંગ્લેન્ડના એમના બોલ્ટનના એક બેડરૂમના નાના હાઉસમાં જે રીતે સમાવી લીધેલા  તે… ત્યાંના કલ્ચર પ્રમાણે ત્યાંના નિવાસીઓને માટે અગવડભર્યુ ગણાય. મિત્રો, બોલ્ટનમાં અમીના બહેનના ઘરે જેટલા દિવસ; ટુકડે ટુકડે એ પ્રવાસના ત્રીસેક દિવસમાં અમારા ચ્હા – નાસ્તા કે વેજિટેરિયન ખાનપાન માટે, ખાસ તો સબ્જી કહેતાં શાકભાજી માટે હું અને ચતુરભાઇ આટલાં વર્ષો પછી એ તો ખાસ કહીશું કે, એમણે અમને માફક આવે એવી રસોઈ અને સબ્જી તો બનાવી જ હોય પરંતુ એ રીપીટ પણ ન થાય તેની કાળજી રાખી હતી. જુદું જુદું અવનવું શાક એ ગમે ત્યાંથી શોધી કે મંગાવી લાવે. અદમભાઇ વહેલી સવારે એમની સ્કૂલે જાય અને બપોરે આવે ત્યાં સુધી અમારી સાથે શરૂઆતમાં ખપ પૂરતી વાત કરતાં અમીનાબહેન પાછળથી ખુલાસી અને મૉકળાપણે વાત કરતાં. તેમને ત્યાંથી નીકળતી વખતે અમે તેમને : તમને અમે ઘણી તકલીફ આપી એવું કહેતાં રોકી; ઊલટાના તમને બંનેને તો હજુ ય છ મહિના રખાય …" એવી માર્મિક વાત અગાઉ આવી ગયેલા એમના મહેમાનોએ કરાવેલા જરા અલગ અનુભવોના અનુસંધાને ત્યારે કહ્યું હતું.

અમે ઇંગ્લેન્ડ જઇ આવ્યા પછી, આપણા મૂર્ધન્ય કવિ હરીશ મિનાશ્રુ ઈંગ્લેન્ડ ગયેલા. અમીનાબહેને એમની સાથે અનસૂયા માટે સરસ મજાનું રૂપકડું લેડીઝ ઘડિયાળ મોકલેલું, જે આજે ય સાચો ટાઇમ બતાવવાની સાથે અમીનાબહેનની યાદ પણ અપાવે છે. કોઇને એ ઓછાબોલાં અવશ્ય લાગે પરંતુ બધું સઘળું એમની જાણકારીમાં હોય; નજર બહાર કશું ન હોય. અદમભાઇ અગર ઉત્તમ કવિ અધ્યાપક છે તો, અમીનાબહેન ઉત્તમ ગૃહિણી હતાં એ બાબત અદમભાઇ સહિત સહુ સ્વીકારશે.

એક પાક સાફ મજહબી ગુજરાતી મુસ્લિમ મહિલાને એમનો ખુદા એમને રાબીઆની પંગત સંગતમાં બેસાડે એવાં અમીનાબાનુ સદા સ્મરણમાં રહેશે.

સૌજન્ય : અશોકપુરી ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાદર; 11 સપ્ટેમ્બર 2021 

Loading

...102030...1,9331,9341,9351,936...1,9401,9501,960...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved