Opinion Magazine
Number of visits: 9571868
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક સ્ત્રીની આત્મકથામાં પાટીદારોના ઇતિહાસની ઝાંખી

સોનલ શુક્લ|Opinion - Opinion|17 April 2021

− 1 −

બ્રાહ્મણો શ્લોકો બોલતા બોલતા વરમાળ તૈયાર કરતા હતા અને હું એકદમ ઊઠીને ઊભી થઈ ગઈ. બધાં જ બૈરાં ખડખડ હસી પડ્યાં, "અરે, કન્યા તો ઊઠી ગઈ! મારાં બા … કહેવા લાગ્યાં. "જો, પરણતાં પરણતાં આમ ઉઠાય નહીં. મેં કહ્યું મારે નથી પરણવું, મને ઊંઘ આવે છે. બાએ કહ્યું, "પરણવું તો પૂરું કરવું પડે મેં મોટો ઘાંટો પાડીને કહ્યું; એમાં શું છે? અડધું કાલે પરણશું. આજ તો ઊંઘ આવે છે. પાછી બાએ બીજી વાત કરી; સ્પર્ધાની. એમણે કહ્યું, ‘જો, સામે બેઠેલો તારો વર કાંઈ બોલે છે? કેવો ડાહ્યો થઈને બેઠો છે! અને તું આમ કરીશ તો ગાંડી નહીં કહેવાઉં? … વર સાથે સમાન થવાને માટે હું બેસી ગઈ.

(ગંગાબહેન પટેલની આત્મકથા "સ્મૃતિસાગરને તીરે”, એન.એમ. ત્રિપાઠી પ્રાઈવેટ લિમિટેડ, ૧૯૬૪).

પરણનાર કન્યા એટલે ગંગાબહેન પટેલ લગ્ન સમયે ચાર વર્ષનાં હતાં. ગુજરાતી સાહિત્યમાં સ્ત્રીઓનાં આત્મકથાનક લખાણો જૂજ છે ત્યારે આ પુસ્તકને યાદ કેમ નથી કરાતું એ એક સવાલ છે.

ગંગાબહેન દોઢ ચોપડી ભણેલાં હતાં. લગ્ન પછી સુંદર પાલખીમાં ત્યારે વરકન્યા પતિગૃહે જતાં પણ કન્યા તરત પાછી વળતી. એ મોટી થાય, માસિકધર્મ શરૂ થાય, પછી એનાં વળામણાં થતાં. અહીં ગંગાબહેન સાસરે જાય છે ત્યારે, "જાનીવાસે સુખપાલ પહોંચી એટલે રિવાજ પ્રમાણે વરરાજાને ઉતારી લીધા અને મને પાછી ઘેર લઈ જવાની હતી, પણ સુખપાલ ઉપાડનારા ભાઈઓ ઉપાડે તે પહેલાં જ હું તેમાંથી ઊતરી ગઈ. બધાં ખડખડાવીને હસી પડ્યા, … ‘કેમ ઊતરી પડ્યાં? જોડે આવવું છે? મેં કહ્યું; "હા, હું તો સાથે જ આવીશ. મને તો આ બહુ જ ગમે છે. એમ કહીને આંગળી કરીને વરને દેખાડ્યા. માંડ માંડ એમને સમજાવીને સાથે આવેલ વાળંદ અને બાઈ પાછાં લઈ ગયાં.

છોકરી માથાની ફરેલી હતી. મનમાન્યું કરતી, પિતા સૌરાષ્ટ્રની એક રિયાસતમાં ફોજદાર હતા. ઊંચા કુળની (કે ગામની) આ પાટીદાર છોકરી છ વર્ષની વયથી ત્યાં જ જુદી જુદી જગ્યાઓએ માબાપ જોડે રહેવા લાગી. ખૂબ તોફાની, બાપની સોટી ખાવી પડે તો પણ બપોરે પીપળે ચડી ભુસકા મારે અને બહેનપણીઓ જોડે નદીમાં ધૂબકા મારીને બંગડીરેત વગેરે રમે.

ગંગાબહેન સમજાવે છે કે એમાં છ ફૂટ જેટલું પાણી હોય ત્યાં પાણી નીચે એક બંગડી નાખીને માંડ્યોમાંહ્ય ફેરવવાની અને પછી … જે કાંઈ પછી પણ આમ આમ કરતાં એકવાર ઘોડાપુર આવ્યો ત્યારે સૌ માંડ બચ્યાં. ભણવા-ગણવાને નામે આરતી કરી બહેન તો ચણોઠીથી રમે, કોડીઓથી રમે, નવઘર કાંકરી, પાંચીકા, સાતતાળી, તડકોછાંયો, નીસરણી વગેરે એ રમતાં ગંગાબહેન લખાણની એક ખૂબી છે કે કોઈ પણ વિગત એમને નકામી નથી લાગતી પરિણામે આપણને ૧૯મી સદીના અંત અને વીસમી સદીના પ્રારંભના ચરોતરના પટેલોના જીવનની ઊંડાણપૂર્વકની માહિતી મળે છે. દા.ત. એમને ત્યાં કોઈના પણ લગ્નની, ખાસ તો દીકરીના લગ્નના છ માસ અગાઉથી તૈયારી ચાલતી.

ગંગાબહેન કહે છે, ‘તે વખતે ચોખા કાઢવાનાં, દાળ પાડવાનાં, ઘઉં દળવાનો બધાં જ કામ હાથે કરવાનાં હતાં, ચોખા છડવાનું કામ સ્ત્રીઓ કરે. ગોળાં તુવેર ભરડી જાય તે સ્ત્રીઓ એ છડી જતી. ચોખા ને અડદ ઘરમાંથી લઈ ભટડવાના. … કુટુંબની સ્ત્રીઓ ભેગી થઈને કામ કરતી, અમારી જ્ઞાતિમાં માટલાં પૂરવાનો રિવાજ. એ પૂરવા અને લગ્ન માટે વડી કરવામાં આવતી. … વાળંદણ ઘેરઘેરથી ચાળણીઓ અને ત્રાંબા કુંડીઓ લઈ આવતી. … પ્રૌઢ સ્ત્રીઓ આ કામમાં વધારે આવતી, મગની દાળને ધોઈ – સાધારણ સાફ કરીને ચાળણીમાં લેવામાં આવતી. ચાળણીમાં પાણી ભરાય એવી રીતે ત્રાંબાકૂંડીમાં બોળતાં અને હળવે હાથે મસળતાં. પાણીમાં છૂટાં પડેલાં છોતરાં હળવે હાથેથી કાઢી નાખતાં, આમ પાણી આપનારી પાણિયારીઓ, દાળ ભરી આપનારી વાળંદણો અને ધોવાયેલી દાળ. એક મોટા પવાલામાં નાખવા જનારી છોકરીઓનું કાર્ય એવું સુંદર લાગતું કે જાણે એક ફેક્ટરી જોવા ગયા છીએ. … સ્ત્રીઓ ગીત ગાતી, અંદરોઅંદર ઠઠ્ઠામશ્કરી ચાલતી અને દીવા વખતે સૌ ઘરે જતી. … સવારમાં ચાર વાગે બાઈ બોલાવવા જતી, ‘એ દાળ વાટવા હેંડો …’

સ્ત્રીઓ દરેક ઘરેથી એક ને નજીકના કુટુંબમાંથી બેત્રણ વાટવા જતી. સવારે આઠ વાગતામાં વળી પાછો સાદ પડતો, "એ વડીઓ મૂકવા હેંડજોને … પાપડ વણવાનું કામ પાછું બીજું વિગતવાર છે.

આત્મકથા નોંધ છે કે એક દીકરીના લગ્નમાં નવ મણ પાપડ વણાતા, માટલામાં સવા મણ મૂકવા ઉપરાંત સગાંસંબંધીઓને, દીકરીઓના સાસરે અને મોસાળમાં પણ પકવાન સાથે વડીપાપડ મોકલાતાં. પીઠી ચડે ત્યારે ખૂણા એટલે કે બાજરીનાં નાનાં તળેલાં ઢેબરાં જે પાટીદારની વિશિષ્ટતા છે તે વહેંચે. પીઠી ચોળે ત્યારે છ કે સાત મણનાં ઢેબરાં જોઈએ.

વાળંદ અને ગોર એ તો જાણે પાટીદારનાં હાથપગ. … એમની અનેક ફરજો, દીકરી સાસરેથી આવે ત્યારે પણ આ બન્નેએ તેડવા જવાનું અને પાછી મૂકવા પણ જવાની. લગ્નના એક રિવાજને ‘હાજરી આપવી’ કહેતા. હાજરી એટલે સવારનો નાસ્તો. આ નાસ્તામાં માલપુઆ, ગરમાગરમ ભજિયાં, અથાણાં, મઠિયાં, મગજ, ગુંદરપાક અપાતું. કોઈને ખીચડી કઢી ને ઢેબરાં જોઈએ તો તે પણ ગંગાબહેન જમાડવાની વિધિનું વર્ણન કરે છે અન્ય સ્થળે નોંધીએ.

આમ તો અમેરિકન સિવિલ વૉર, આંતરયુદ્ધે ગુલામી નાબૂદીના મુદ્દે થયેલી ત્યારે લિંકન સરકારે દેશમાંથી છૂટા પડવા માગતા દક્ષિણના રાજ્યોનો માલ વેચાય નહીં તે માટે સમુદ્રમાં નૌકાદળ બેસાડેલું. એટલાંટિક કે પેસિફિક એકે મહાસાગર દ્વારા બોટમાં એમનો કપાસ અને તમાકુના પાક લઈ જવાતો નહીં. યુદ્ધ લાંબું ચાલ્યું.

બ્રિટનની કાપડ અને સિગરેટની મિલો-ફેક્ટરીઓને કાચો માલ મળતો બંધ થઈ ગયો. અમેરિકાના દક્ષિણ રાજ્યોમાં આફ્રિકન ગુલામોની કાળી મહેનતથી બનતા કપાસ અને તમાકું લાવવા ક્યાંથી? અંગ્રેજોની નજર સૌ પ્રથમ ભારત ઉપર જાય. એમણે ગપચાવેલી અન્ય ભૂમિઓમાં કૌશલ્યવાન ખેડૂતો ક્યાં હતા? ભારતમાં ગુજરાત-મહારાષ્ટ્રમાંથી આ કાચો માલ મળી શકે એમ હતું.

ચરોતરની જમીન તે માટે ઉત્તમ હતી. અહીં મોટે પાયે વેચાણ માટેની ખેતી વધી ગઈ. રોકડા આવવા માંડ્યાં. વણિકોની નિકાસ વધી. શેરબજાર એવું તો ઉછળ્યું કે શેરોમેનિયામાં ભલભલા ડૂબી ગયા. ચરોતરના લેવા પટેલો ખૂબ કમાઈ ગયા. કદાચ દહેજપ્રથા પણ આથી વકરી હશે કેમ કે બાપની મિલકતમાંથી દીકરીને તે સિવાય તો શું મળે? છોકરાવાળાની ડિમાંડો વધી ગઈ.

બીજી બાજુ પણ જોવા જેવી છે. પશ્ચિમનો પવન ગમે તે રીતે આવે પણ એનાં સારાં પરિણામ પણ આવેલાં છે. નાગરો અને વણિકો સાથે સાથે પાટીદાર છોકરાઓમાં પણ અંગ્રેજી શાળા-કૉલેજમાં જવાની પ્રવૃત્તિ વધી. ભૂલવું ન જોઈએ કે વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ પટેલ નહેરુની જેમ જ બેરિસ્ટર હતા. વકીલો, ડૉક્ટરો અને આઈ.સી.એસ. ઑફિસરોમાં પણ આપણે પટેલ અટકો પહેલેથી જોઈએ છીએ.

એન્જિનિયરો પણ ખરાસ્તો, રજવાડાંમાં પટેલ વહીવટદારો દેખાય છે. ગંગાબહેનનો પરિવાર જૂની સામંતશાહી અને આધુનિક સમાજ વચ્ચેના સંક્રમણ કાળમાં હતો, માત્ર દોઢ ચોપડી ભણીને ઊઠી ગયેલાં ગંગાબહેનના પતિ વડોદરામાં હૉસ્ટેલમાં રહીને ભણતા હતા. બાળલગ્ને વિવાહિત યૌવનમાં આવેલી પત્નીઓ પોતાના પતિઓ જોડે પત્રવ્યવહાર કરતી, પોતાની કઝિન બહેનો આમ પત્ર લખતી અને ગંગાબહેન પાસે પણ લખાવ્યો.

ગંગાબહેન પુષ્કળ વાંચતા પણ લખવામાં કાનામાત્રના પણ ઠેકાણાં નહીં. છતાં ય બહેનોના આગ્રહથી એમણે કાગળ લખ્યો, અઠવાડિયામાં બધી બહેનોના પત્રના જવાબ આવ્યા પણ ગંગાબહેન પર નહીં. બેત્રણ દિવસે એમના નામનો પણ કાગળ આવ્યો. "આ કાગળ ઉઘાડતાં મારી છાતીમાં ધબકારા થવા મંડ્યા, અવશ્ય આનંદના જ હતા; પરંતુ કવરમાંથી કાગળ નીકળતાં એ ધબકારા ક્ષોભના અને ડરના જ થઈ ગયેલા, કારણ કે કાગળ મારો પોતાનો જ લખેલો પાછો આવ્યો હતો. એના એક છેડા પર લખેલું હતું કે "આવા કાગળો વાંચવાની મને ટેવ નથી. માટે આવા અક્ષરનો કાગળ ફરી લખવો નહીં. ખૂબ રડીને ગંગાબહેને નિશ્ચય કર્યો કે હવે પૂરું શીખીને જ કાગળ લખવો.

એ કેવા દૃઢનિશ્ચયી હશે તે જોઈ શકીએ છીએ કે ધબકારા ‘અવશ્ય આનંદના જ હતા’ જેવી ભાષા એમની આત્મકથામાં ઠેકઠેકાણે દેખાય છે, પિક્ચર અભી બાકી હૈ … ૧૯૭૨માં સ્થપાયેલી પ્રથમ સ્ત્રી સંસ્થા ગુજરાતી હિંદુ સ્ત્રીમંડળ(હવે માત્ર સ્ત્રીમંડળ)ના પ્રમુખ લેડી (એમના પતિને અંગ્રેજ સરકારે કોઈ ખિતાબથી સન્માન્યા હશે) તારાબેન ચુનીલાલ મહેતાએ ગંગાબહેન માટે કહેલું કે "એમની લખવાની અને બોલવાની છટાથી અમારી પત્રિકાના તંત્રી નિમાયાં, એમની પત્રિકા એટલે બહેનોને સામાજિક અને આધ્યાત્મિક વિષયોનો બોધ. તેમના ભાષણથી મિસિસ (સરોજિની) નાયડુ જેવાં પણ ખુશ થતાં. ચાર વર્ષની વયે પરણેલી નાનકડી જિદ્દી અને તોફાની છોકરી મોટી થઈને આવી પ્રશંસા અને પદવી માટે કઈ રીતે આગળ વધી એ હવે આવતા અંકે.

••••

− 2 −

જીવનમાં જ્યારે પડકાર આવે ત્યારે ગંગાબહેન શિસ્તબદ્ધ રીતે મહેનત કરી પહેલા નંબરે આવે

ગયા અઠવાડિયે શીર્ષક અલગ આપેલું પણ કથા તો આ ગંગાબહેનની જ કથા હતી.

બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટનની શિક્ષણપ્રથા અંગે નિર્ણયો લેવા મીટિંગો થઈ, પાઠ્યક્રમ બદલાયા અને એમાં માત્ર શાળાઅભ્યાસ સિવાયની બાબતો સામેલ કરવામાં આવી? કેમ? કારણ એ કે આખા યુદ્ધ દરમ્યાન હિંમત રાખનાર, આપનાર, નાત્સીઓ સામે માથું ટટાર રાખનાર અને જર્મનીના બૉંબમારા સામે નાગરિકોને હિંમત આપનાર, બચાવનાર વગેરે અનેક રણનીતિઓ વાપરનાર વિન્સ્ટન ચર્ચિલને વર્ગશિક્ષણ ગમતું નહીં. એ બીજા છોકરાઓને પણ પ્રેરી નદીકિનારે, ઝાડ ઉપર કે બીજે તોફાનો કરવામાં આગળ પડતો હતો. શાળાએ કાઢી મૂકવાની ધમકી આપેલી. એના શિક્ષકો ત્રાહિમામ થઈ જતાં ત્યાં કબૂલ રાખવું પડયું કે શાળાશિક્ષણમાં જ કશું હોવું જોઈએ જે બહાદુરી અને નિર્ણયશક્તિ દાખવે તેવા વિદ્યાર્થીઓને શાળાની બહાર ભણવાની જરૂર ન પડે. અલબત્ત, ચર્ચિલ આપણા માટે તો બદમાશ વિલન હતો, પણ ઈંગ્લેન્ડમાં એ ગઈ સદીનો મહાપુરુષ જાહેર થયો.

ચર્ચિલની સામ્રાજ્યવાદી હઠીલાઈને એક બાજુ રાખીએ તો પણ મને ગંગાબહેન પટેલનું પુસ્તક ‘સ્મૃતિ સાગરને તીરે’માં એનું નામ યાદ આવ્યું. કારણ કે ગંગાબહેન પણ શાળાએથી ભાગી જતાં, બહેનપણીઓ જોડે જાતજાતની રમતો રમતાં, દોઢ ચોપડી ભણી પછી આગળ ભણવા શિક્ષક આવતા તેની પાસે માંડે બેસતાં, વડીલો આઘાપાછા થાય કે ‘તમને તો કાંઈ આવડતું નથી એવું મહેતાજીને કહીને એ રમવા ભાગી જાય. તે છતાં જીવનમાં જ્યારે પણ પડકાર આવે છે ત્યારે ગંગાબહેન દૃઢતાપૂર્વક શિસ્તબદ્ધ રીતે મહેનત કરી પહેલા નંબરે આવે છે. પતિએ પોતાના ગરબડિયા અક્ષરવાળા પત્રનો અસ્વીકાર કર્યો તો એમણે પ્રેક્ટિસ કરીને સુંદર મરોડવાળા અક્ષર સાથે બીજો પત્ર લખ્યો. વિપુલ પ્રમાણમાં ધાર્મિક અને સાહિત્યિક પુસ્તકો વાંચવાની એમને ટેવ હતી જ, હવે લખવાની ટેવ પાડી. પતિના પહેરણમાં સાંધવાને બદલે થીંગડા જેવું મારી દીધેલું તો બીજો વારો આવ્યો તે અગાઉ ઓટણ, બળિયા વગેરે કાઢી હાથસિલાઈની એટલી પ્રેક્ટિસ કરેલી કે સાંધાને બદલે વસ્તુ રફૂ કર્યા જેવી દેખાય, આવી તો ઘણીએ ગૃહિણી આવું બધું કરતું હોય. ગંગાબહેનનું મહત્ત્વ છે કે પોતે રાજકારણ, સાહિત્ય અને સામાજિક કાર્ય સુધી પહોંચ્યાં અને ખ્યાતિ પામ્યાં તો પણ આ બધી બાબતોને એમણે ગૌણ ગણી નથી. સોજિત્રા, ધર્મજ, વસો જેવાં ઊંચાં ગણાતાં ગામની અંદર એમના પિયર સાસરાઓ મોસાળ સમાવિષ્ટ છે. ઉપરથી પિતા કાઠિયાવાડના એક રજવાડામાં ફોજદાર હતા એટલે પ્રારંભનાં ઘણાં વર્ષ એમણે કાઠિયાવાડમાં કાઢ્યાં છે. અરે સ્વગામ વળતાં આઠ દિવસ એ એક કાઠી રાજ્યમાં રહે છે ત્યાંની પણ કેટલી બધી વિગતો એ લાવે છે? કાઠીનાં ઘર, ત્યાં સ્ત્રીસંસાર, કપડાં, ઘરેણાં, ભીંતે તલવાર વગેરે અંગે વાંચતાં આપણી સામે દૃશ્યો ખડાં થઈ જાય છે. યુવાપ્રેમી કાઠી પુરુષોની પત્નીઓ એક હાથે બંગડી/કડું પહેરે અને બીજું માતાજીની મૂર્તિ પાસે મૂકયું હોય જેથી એમનું સૌભાગ્ય સલામત રહે. નાની વયે જોયેલા આ ગામનું વર્ણન ગંગાબહેન મોટી વયે વિગતવાર કરે છે.

સવારના નાસ્તા અને સાંજના જમણની વિગતો જોઈ લો કોઈ વિખ્યાત પુરુષની આત્મકથામાં આવી મહત્ત્વની વિગતો જોવા નહીં મળે. રાજકારણી કે અન્ય ક્ષેત્રોની આગેવાન મહિલાઓ પણ સ્ત્રીઓની દુનિયાને ગૌૈણ લેખે, સ્ત્રીઓ માટેના મહત્ત્વની ઘટનાઓનું અવમૂલ્યાંકન કરે. ગંગાબહેન જે લખે છે તે ખેડા જિલ્લાની પાટીદાર કોમ પર રિસર્ચ કરનાર કોઈપણ સંશોધકને કામ લાગે અને વાંચતા આપણને પણ મજા પડી જાય. સવારે નાસ્તામાં જાનને ઉતારે શું મોકલવામાં આવે? માલપૂઆ, ગરમ ગરમ ભજિયાં, અથાણાં, મઠિયા, મગજ, ગુંદરપાક વગેરે. કોઈને વળી ઢેબરાં ને દહીં જોઈએ તો તે મોકલવામાં આવે, કોઈને ખીચડીકઢી ખાવા હોય તો તે માંડવે જમવા આવે. અને જાનને જમાડવાની વિધિ માંડવામાં લાઈન બંધ પાટલા, તેની આગળ રંગોળી ને વચમાં સવાગજ (મોટાં) પતરાળાં, ચારપાંચ પડિયા, બાજુમાં અગરબત્તીઓ, ઉપર માંડવે ઝુમ્મરો અને પ્યાલાની રોશની. ત્યાં જાનૈયા અને મોસાળિયા (પુરુષો) આવીને બીજા માંડવે પોતાના કોટ, પાઘડી વગેરે કાઢી જમણના માંડવામાં આવે, વાજતે ગાજતે. મધ્યસ્થ વરરાજાના બે પાટલા, ચાંદીના લોટા-પ્યાલા એમનો વાળંદ લઈને જ વરપક્ષના ઘરેથી લાવ્યા હોય તે મુકાય. વરની આજુબાજુ અણવર અને નજીકનાં કુટુંબીજનો અને સગાં દરેકનાં વાળંદ પોતપોતાના પટેલનો લોટો પ્યાલો મૂકી જાય, ત્યાર પછી તરત જ વીસવીસ યુવાનોની બે ટુકડી સામસામે એકએક ચીજ લઈ ચૂપચૂપ પીરસવા માંડે. જમણમાં શું? પંદરથી વીસ જાતનાં શાક, ફરસાણ, દહીં, રોટલીના ટુકડા અને કંસાર પર ઘી અને ખાંડની રેલમછેલ, બીજે દિવસે છૂટું ચૂરમું અને ઘી પાપડપાપડી, વીસબાવીસ શાક વગેરે. જાન બળદગાડીઓમાં આવે એટલે બળદો અને ૨૫ ચલાવનારની પણ મહેમાનગતિ.

નવી વહુએ શું પહેરીને સગાંમાં જવાનું? હાથમાં ત્રણ નંગ છંદ, એક શિવલિંગિયું, એક કંગણી, એક સોનાનું વાઘમોઢાનું કડું જે સોનાના ગોળ ઘાટનું હોય. એની આગળ કાંડિયું જેમાં એક મણકો લીલા કાચનો સોનેરી લાઈનવાળો અને એક મોતીના ફૂલવાળો આ વાળમાં ભરાવવાનો, પછી પોંચાસાંકળા જેમાં પાંચે આંગળીઓમાં પહેરાવવાની વીંટીઓને સોનાની સાંકળીથી એક મોટા પેંડન્ટ જેવા ચકતામાં જડેલી હોય. કોણી ઉપર બેરખી, ઘૂઘરી કે વાંક પહેરવાનો જમણા હાથમાં કૂંડું, કાનમાં નંગ જડેલા કાઘ જેમાં જડતરની મોતી લટકતી સેરોને વાળમાં ખોસવાની, કાનમાં કાણું પાડીને કોકરવું, જેમાં મોતી લટકાવેલું હોય, કાનમાં ઉપર ચાર કાણાં પાડ્યાં હોય ત્યાં ત્રણ પાંદડી જડતરને મોતીવાળી પહેરાવે અને ચોથા કાણામાં નથની જે જડ અને મોતીની અર્ધચંદ્રાકાર જેવી હોય તે પહેરાવે. કોઈને પાંચમું કાણું હોય તો એમાં મોતીની છેળકડી પહેરાવે.

ગંગાબહેનને સૂઝકો ઘણો છે. પતિ મુંબઈમાં અને પોતે ધર્મજ ગામમાં સાસરે રહેવાનું. પતિની જમવાની સગવડ માટે એમને એક કોઈ ચતુરભાઈ જોડે ગંગાબહેનને મોકલવાનું નક્કી થતું હતું, પરંતુ તકલીફ એ હતી કે ગંગાબહેને ચતુરભાઈની લાજ કાઢવાની હોય તેથી કેવી રીતે મોકલાય? પટ કરીને પોતે કહી દીધું, "હું ચતુરભાઈની લાજ નથી કાઢવી ફલાણી ભાઈના મોસાળે એ ઢીંકણા કારણે આવતા અને હું ત્યાં હોઉં એટલે લાજ નહોતી કાઢતી! નક્કી થઈ ગયું. એક તો પતિગૃહે જવાનું મળે અને બીજું કશું ન જોયેલી મોહમયી નગરી મુંબઈમાં રહેવાનું. યુક્તિ કરીને જેવા ચતુરભાઈ આવ્યા કે પોતે સામે જઈને નમસ્કાર કર્યા. ચતુરભાઈ બઘવાયા તો જરૂર પણ પછી તોડો ના ફૂટ્યો અને ગંગાબહેન મુંબઈ પહોંચ્યાં, ત્યારે કોલાબા સુધી ટ્રેઈન જતી એ ખબર પડે છે કેમ કે ત્યારનું મુખ્ય રેલવેધામ મુંબઈ સેંટ્રલને બદલે ગાડી ગ્રાંટરોડ પહોંચે છે ત્યારે એમના પતિને વિચાર આવે છે કે ચર્નીરોડ જઈ ઉતરવું. (ભદ્રંભદ્ર મોહમયીની બે મૂલ્યપત્રિકા માગે છે ત્યારે મૂંઝવણમાં પડેલા રેલવે કલાર્કને કોઈ કહે છે કે એને ગ્રાંટરોડની બે ટિકિટ આપી દો. ભદ્રંભદ્રની ભાષા હવે પાછી આપણે માથે ઠોકાઈ રહી છે ત્યારે આ હવે હાસ્યનવલ નહીં રહે.)

ગંગાબહેન માળાની રૂમ, પાડોશીઓ, મિત્રો અને સંપર્કમાં આવેલા લોકોની વાત કહે છે. રમીબહેન કામદાર (ત્યારના જાણીતાં સ્વાતંત્ર્યસેનાની અને સામાજિક કાર્યકર્તા) વિશે નોંધતા પોતે લખે છે કે એ સમયે ખ્યાલ પણ નહોતો કે બંને જોડે કૉંગ્રેસ હાઉસમાં કામ કરીશું અને જેલમાં મળીશું. પોતે પહેલી વાર નાટક, ક્રિકેટ વગેરે જોયાનું વર્ણન કરે છે. તે સમયના ઘોડાગાડી અને ટ્રામના ટ્રાન્સપોર્ટ વિશે લખે છે, બ્રિટનના રાજા પંચમ જ્યોર્જ મુંબઈ આવેલા ત્યારે ભરાયેલા પ્રદર્શન, એમાં ચકડોળ વગેરે સૌ કોઈ ગંગાબહેન વાચક સાથે શેર કરે છે, જે વાત બિલકુલ આ પુસ્તકમાં નથી દેખાતી તે છે એમના આઝાદી, સ્ત્રી, સંસ્થા અને સાહિત્ય અંગેનાં કામની. સ્મૃતિસાગરમાંથી એમણે વીણેલાં મોતી આપણને મળે છે પણ જેને કારણે આવી આત્મકથા કે સ્મૃતિકથા લખવાના એ હકદાર બન્યા એ કાર્યની કોઈ વિગત અહીં દેખાતી નથી. બીજો બિલકુલ જ ઉલ્લેખ નથી તે દહેજપ્રથાનો. મોટી ખેતી હોય અને એ જમીન પર દીકરીઓનો જરા પણ હક ન હોય તેવા પાટીદારો અને વલસાડના અનાવિલોમાં મોટી દહેજપ્રથા હતી. બંનેમાં સૌથી ઊંચા ગામ, ઉતરતાં ગામ વગેરેની નિસરણી હતી. મોટા ગામનો દીકરો નીચા ગામમાં પરણે તો દોથો ભરીને દહેજ મળે એટલે એવું પણ બનતું. બીજી બાજુ દહેજને કારણે ખુવાર જતા પાટીદારો છેક આફ્રિકા જઈ કમાણી કરતા. પૂર્વ આફ્રિકામાં અંગ્રેજોએ રેલવે નાખી ત્યારે સિંહવાળા પ્રદેશોમાં જઈ રેલવેના પાટા નાખવાનું કામ પણ પાટીદારોએ કરેલું છે. કોઈ ચરોતરનો પટેલ આફ્રિકા અને પછીથી ઈંગ્લૅન્ડ કે અમેરિકા જાય તો ભૂખ્યો ન મરે. એની રહેવાખાવાની સગવડ, નોકરીધંધો શોધી આપવાની જવાબદારી બધું નાનીમાઓ કરી આપે. આજે પણ પરદેશથી આવેલા પટેલો વલ્લભનગરની યુનિવર્સિટીને કોઈ ખોટ વરતાવા દેતા નથી.

ગંગાબહેન તબિયત વગેરેને કારણે દક્ષિણ મુંબઈથી સાંતાક્રુઝ રહેવા આવે છે. પુસ્તકમાં બે દીકરાની વાત આવે છે તો દીકરી પછી સાંતાક્રુઝ આવ્યાં પછી જન્મી હશે. એ દીકરી તે આપણા સર્વોત્તમ લેખકોમાંના એક અને મારાં જીવનભરનાં સૌથી પ્રિય લેખક ધીરુબહેન પટેલ. એમણે ગંગાબહેનનું જીવનવૃત્તાંત કેમ નથી લખ્યું તે એક કોયડો છે. પ્રતિમા બેદીના અકાળ અવસાન પછી પોતાનાં નિરીક્ષણો અને માતાના દસ્તાવેજો, પત્રો વગેરેને આધારે એમની દીકરીએ માની આત્મકથા પૂરી કરી છે. જો કે, ધીરુબહેને ગંગાબહેનના નામે બે એવૉર્ડ જરૂર જાહેર કરેલા છે. પોતાની માતા અંગે એમની પોતાની મરજી મુજબ એ કાંઈ પણ કરે એમાં આપણને બડબડ કરવાનો શો હક? તે છતાં …

સૌજન્ય : ‘ઘટના અને અર્થઘટન’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર; ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 08 તેમ જ 15 ઍપ્રિલ 2021

Loading

કોણ?

મનીષી જાની|Poetry|17 April 2021

વાત, વાત ને વાત.
આખો દિ' વાત.
પણ
આંખોને જે દેખાય છે, નરી આંખે દેખાય છે, તેની વાત કોણ કરશે ?
કાનને જે સંભળાય છે, ચોખ્ખુચટ્ટ સંભળાય છે, તેની વાત કોણ કરશે ?
હ્રદય ધબકારા
ક્યારેક વધે
ને
ક્યારેક ચૂકાય,
તેની વાત કોણ કરશે ?
ડરના ડુંગર હેઠળ દબાયેલી
ખાલીખમ અન્નનળીઓ ને હોજરીઓની વાત કોણ કરશે?
જીવવાની સલામતીને નામે
ડંડા ને મરણતોલ માર ખાતા,
ડૂસકાં થી ભીના થયેલા
હકડેઠઠ,
ગીચોગીચ,
શ્વાસ ઉચ્છવાસની વાત કોણ કરશે ?
રાજાશાહીથી ચાલી આવતી, ચાલ્યા કરતી,
રોજેરોજ આ અપૂર્ણ વિરામ ને પૂર્ણવિરામની વાત વચ્ચે
પ્રશ્નોના વિરામ વગરના
પ્રશ્ન વિરામની વાત કોણ કરશે ?
અરેરે !
ઉદ્દગાર ચિન્હની વાત કોણ કરશે ?
ક્યારે કરશે ?

(14 એપ્રિલ 2020)

Loading

ચલ મન મુંબઈ નગરી—91

દીપક મહેતા|Opinion - Opinion|17 April 2021

જ્યારે આખા મુંબઈની રખેવાળી ૧૫૮ પોલીસ કરતા

ચોરીના ગુના માટે ફાંસીની સજા!

ગ્રેટ વેસ્ટર્ન બિલ્ડિંગના અનેક અવતાર

આખા મુંબઈની રખેવાળી કરવા માટે કેટલા પોલીસ જોઈએ? આજે ૪૦ હજાર પોલીસ પણ ઓછા પડે છે. પણ ઈ.સ. ૧૭૯૩માં ફક્ત ૧૫૮ પોલીસ આખા મુંબઈ(ત્યારે તેની સીમા માહિમ સુધીની જ હતી)ની રખેવાળે કરતા. તેમાંના ૨૮ ગોરા ‘કોન્સ્ટેબલ’ હતા, ૧૩૦ ‘દેશી’ ‘પિયુન’ હતા! શહેરમાં ૧૪ જગ્યાએ તેમની ટુકડી રખેવાળી કરતી. દરેક ટુકડીમાં બે ગોરા કોન્સ્ટેબલ અને ઓછામાં ઓછા ૬ અને વધુમાં વધુ ૧૨ પિયુન રહેતા. આ ૧૪ ટુકડીઓ જ્યાં રાખવામાં આવેલી એ જગ્યાઓ હતી : ધોબી તળાવ, બેક બે, પાલવા, ગિરગાંવ, ગામદેવી, પીલાજી રામજી (?), મુંબાદેવી, કાલબાદેવી, શેખ મેમણ સ્ટ્રીટ, બુચર્સ માર્કેટ (?), કાઝી માર્કેટ, ઈબ્રાહીમ ખાન માર્કેટ, સાત તાડ સ્ટ્રીટ, પોર્ટુગીઝ ચર્ચ, કાવેલ. આ સિવાયના વિસ્તારોમાં કાં તો જુદી જુદી વાડીઓ હતી અથવા જંગલ હતાં. એ વિસ્તાર ‘ડોંગરી અને જંગલ’ તરીકે ઓળખાતો અને તેમાં ચોર-લૂટારાનો વસવાટ રહેતો. જ્યાં બાર પોલીસ ચોકીઓ હતી એ વિસ્તારમાં પણ નહોતા પાકા રસ્તા કે નહોતી સ્ટ્રીટ લાઈટ. એટલે ડોંગરી અને જંગલ વિસ્તારમાંથી ચોર-લૂંટારા રાતે ગમે ત્યારે ત્રાટકતા. આ પોલીસ ટુકડીઓને કારણે લૂંટફાટ ઓછી થતી, પણ બંધ તો નહોતી જ થઈ. જ્યારે માહિમ, શિવ (સાયન) અને શિવરી જેવી જગ્યાઓએ ફક્ત દેશી પોલીસની ટુકડીઓ તહેનાત કરવામાં આવતી હતી. દરેક ટુકડીનો વડો પણ દેશી જ હતો. એ જમાનામાં મુંબઈના રસ્તાઓની દશા આજે છે તેના કરતાં પણ ઘણી વધારે ખરાબ હતી. એટલે સર્વેયર્સ ઓફ રોડ્ઝ મિસ્ટર લેન્કહટના મૃત્યુ પછી રસ્તાઓને સંભાળનું ખાતું પણ સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસને સોંપવામાં આવેલું. ઈ.સ. ૧૮૦૦માં મુંબઈની બધી બજારોની દેખરેખ પણ પોલીસને સોંપાઈ, અને ૧૮૦૧માં માહિમ ખાતેની પોલીસ ટુકડી પણ સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ નીચે કામ કરતી થઈ. આ બધા વધેલા કામને પહોંચી વળવા માટે ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસની નવી જગ્યા ઊભી કરવામાં આવી. ૧૮૦૮ સુધી એ જગ્યાએ જેમ્સ ફીશર રહ્યા.

ગોરા સાર્જન્ટ અને ‘દેશી’ પોલીસ

પણ આ બધું કરવા છતાં મુંબઈની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરી નહિ, બલકે વધુ બગડી. ગુનેગારી સતત વધતી જતી હતી. ૧૮૦૬ અને ૧૮૦૭માં સશસ્ત્ર ધાડપાડુઓની ટોળી બહારથી મુંબઈમાં ઘૂસી આવી હતી. લોકોને ધમકાવી-મારીને આ લોકો લૂંટ ચલાવતા. આ ટુકડીઓ પોતાનું કામ પતાવીને તરત મુંબઈ બહાર ચાલી જતી, પણ તેમાંની એક પણ ટુકડીને પોલીસ પકડી શકી નહોતી! પરિણામે મુંબઈમાં ઠેર ઠેર ચોરીનો માલ – ખાસ કરીને સોના-ચાંદીની જણસો – વેચાતો થયો હતો. આથી સરકારે સત્તાવાર સોનીઓ અને સરાફોની નિમણૂક કરી હતી. તેઓ સોના-ચાંદીની કે રોકડ રકમની જે લે-વેચ કરે તેની વિગતો તેમણે દર મહીને પોલીસને આપવી પડતી. શહેરની બીજી એક મુશ્કેલી હતી ભાગી છૂટેલા ખલાસીઓ. કંપની સરકારનાં કે રોયલ નેવીનાં વહાણો જ્યારે મુંબઈ બંદરે નાંગરતાં ત્યારે ઘણી વાર થોડા ખલાસીઓ વહાણ છોડીને શહેરમાં સંતાઈ રહેતા. વહાણ જાય પછી નાની-મોટી ટોળીઓ બનાવીને શહેરમાં ચોરી-લૂંટ કરતા. તેઓ દેશી પિયુન સાથે સાંઠગાંઠ કરી લેતા એટલે ભાગ્યે જ પકડાતા. વળી દેશી પોલીસો ફરજને સમયે ભાગ્યે જ હાજર રહેતા, સિવાય કે તેમને ખબર પડી હોય કે આજે તો ગોરા સાહેબ આવવાના છે. બાકીનો વખત તેઓ દારૂ-જુગાર વગેરેમાં ગાળતા.

૧૮૧૨થી આવો હતો પોલીસનો યુનિફોર્મ

તો બીજી બાજુ એ વખતે પોલીસ સુપરિટેન્ડન્ટના હાથમાં ઘણી વધારે પડતી સત્તા હતી. પકડાયેલા કોઈ પણ ગુનેગાર પર પોલીસ ચોકીમાં જ કામ ચલાવીને તેને તાત્કાલિક સજા કરવાની તેને સત્તા હતી. આ સજા પણ પોલીસ ખાતાએ ઘડેલા નિયમો પ્રમાણે અપાતી. એ નિયમો સરકારે ક્યારે ય મંજૂર કર્યા નહોતા! કેટલાક ગુનેગારોને સાંકળથી બાંધીને બાંધકામનાં કે બીજાં જાહેર કામોમાં જોતરવામાં આવતા. તો કેટલાક ગુનેગારોને તડીપારની સજા થતી. ૧૮૦૮ના ૪૭મા કાયદા દ્વારા પોલીસ ખાતામાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા. આથી ૧૮૦૯માં મુંબઈ સરકારે પોલીસ ખાતા અંગે વિચારણા કરવા માટે એક સમિતિ નીમી. મુંબઈ સરકારના ચીફ સેક્રેટરી એફ. વોર્ડનના વડપણ હેઠળ રચાયેલી આ સમિતિએ પોતાનો અહેવાલ ૧૮૧૦ના નવેમ્બરની ૧૫મી તારીખે સુપ્રત કર્યો. તેમાં ગુનેગારને સજા કરવાની પોલીસની સત્તા લઈ લેવામાં આવી અને તેને બદલે ત્રણ પોલીસ મેજિસ્ટ્રેટ નીમવામાં આવ્યા. જો કે આ પોલીસ મેજિસ્ટ્રેટ પણ જે સજાઓ કરતા તે આજે તો આપણને જંગલી લાગે. જેમ કે ૧૭૯૯માં ચોરીના ગુના બદલ ઈસ્માઈલ શેખ નામના વહોરાને ફાંસી અપાઈ હતી. ૧૮૦૪માં ખોટી જુબાની આપવા માટે એક સ્ત્રીને પાંચ વરસની કેદની સજા થઈ હતી. એટલું જ નહિ, દર વરસે ઓક્ટોબરમાં એક દિવસ કોર્ટ હાઉસની બહાર તેણે આખો દિવસ ઊભા રહેવું પડતું હતું. એ દિવસે એની પીઠ અને છાતી પર તેના ગુનાની વિગતો જણાવતાં પાટિયાં પહેરાવવામાં આવતાં. એ જ વરસે હરજીવન નામના ગુનેગારને ફાંસીની સજા તો થઈ જ હતી, પણ તે પછી પણ તેના મૃતદેહને જાહેરમાં લટકાવવામાં આવેલો. ૧૮૦૬માં એક ઘડિયાળની ચોરી કરવા માટે એક શખ્સને બે વરસ માટે મુંબઈની ગોદીમાં મજૂરી કરવાની સજા થયેલી.

ડોંગરી વિસ્તારમાં ધાડપાડુઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી

ચિત્ર: ૧૮૧૬માં પ્રગટ થયેલા પુસ્તક ‘Qui Hi in Hindostan’માંથી

૧૯મી સદીની શરૂઆત સુધી ગુનેગારોને જાહેરમાં થાંભલા સાથે બાંધીને ફટકા મારવાની સજા તો બહુ મામૂલી ગણાતી! આજે જ્યાં મ્યુનિસિપાલિટીની ઈમારત આવેલી છે તે જગ્યાએ આ માટેના થાંભલા ખોડવામાં આવેલા. છેલ્લે ૧૮૩૪માં બે ગુનેગારોને અહીં થાંભલા સાથે બાંધવામાં આવ્યા હતા અને તેમને એક કલાક સુધી સડેલાં ટમેટાં, ઈંડાં, કાદવ અને નાના પથ્થર મારવાનું છોકરાઓને કહેવામાં આવ્યું હતું! અને તે દરમ્યાન કોર્ટના ભંડારી નોકરોએ મોટે મોટેથી ભૂંગળ બજાવી હતી. અને આ સજા કરી હતી એ વખતની મુંબઈની સુપ્રિમ કોર્ટે. આ સુપ્રિમ કોર્ટ તે આજની બોમ્બે હાઈકોર્ટની પુરોગામી કોર્ટ. અને છતાં એ વખતના અખબારોમાં ચોરી અને ધાડના અહેવાલો લગભગ રોજ છપાતા. તેમાં ય ગિરગાંવ, મઝગાંવ, ભાયખળા, અને તેની આસપાસના વિસ્તારોમાં ધાડપાડુઓનો ભય સતત રહેતો. તેમની ટોળીઓ પાસે તલવાર અને પિસ્તોલ જેવાં હથિયારો જ નહિ, બ્રિટિશ લશ્કરના સૈનિકો વાપરતા તેવી મસ્કેટ પણ રહેતી. અને રાતે ધાડ પાડતી વખતે એવી ટોળીઓ હાથમાં મશાલો લઈને ફરતી – પોલીસની સહેજ પણ બીક રાખ્યા વગર. લશ્કરના દેશી સૈનિકોની ચોથી રેજિમેન્ટના સૈનિકો ધાડપાડુઓ સાથે મળેલા હતા એમ કહેવાતું હતું. એક વાર એક મેજિસ્ટ્રેટે શંકાને આધારે ૧૧મી રેજિમેન્ટના બે સૈનિકોને પકડ્યા ત્યારે એ રેજિમેન્ટના બીજા સૈનિકોએ મેજિસ્ટ્રેટ પર પથ્થરમારો કર્યો હતો! તે પછી પૂનામાં રહેલી લશ્કરી ટુકડીના ૫૦ સૈનિકોને મુંબઈ લાવીને રોજ રાતે રસ્તાઓની રખેવાળી કરવાનું કામ તેમને સોંપવું પડ્યું હતું.

આવી સ્થિતિને કારણે પૈસાદાર વર્ગના લોકો પોતાનાં ઘર કે ધંધાની જગ્યાનું રક્ષણ કરવા માટે ખાનગી ‘પગી’ઓ રાખતા, જેમ આજે સોસાયટીઓ, ઓફિસો, કારખાનાં ખાનગી સિક્યુરિટી ગાર્ડ રાખે છે તેમ જ!

ગ્રેટ વેસ્ટર્ન હોટેલ

જ્યાં ગુનેગારોને સજા અપાતી તે કોર્ટ હાઉસનો ઇતિહાસ પણ મજેનો છે. ૧૭૧૫માં બંધાયેલું આ મકાન આજે પણ ઊભું છે, અને મુંબઈની કેટલીક જાણીતી કંપનીની ઓફિસો તેમાં આવેલી છે. મુંબઈમાં આવેલું ખાનગી માલિકીનું આ જૂનામાં જૂનું મકાન છે. હોર્નબી રોડ અને હોર્નબી વેલાર્ડ નામ જેમના પરથી પડેલાં તે મુંબઈના ગવર્નર વિલિયમ હોર્નબીનું આ સત્તાવાર નિવાસસ્થાન હતું. તેમના પછી ૧૭૭૦થી ૧૭૯૫ સુધી તે એડમિરાલ્ટી હાઉસ તરીકે ઓળખાતું હતું અને બ્રિટિશ નૌકા દળના વડા અહીં રહેતા હતા. ઈ.સ. ૧૮૦૦ના અરસામાં મુંબઈ સરકારે આ મકાન ખરીદી લીધું હતું અને તેમાં રેકોર્ડર્સ કોર્ટ શરૂ કરી હતી. ૧૮૭૮ સુધી આ કોર્ટ અહીં કામ કરતી હતી. મૂળે આ મકાનના આગળના ભાગમાં પોર્ચ હતો પણ રસ્તો પહોળો કરવા માટે તે તોડી નાખવામાં આવ્યો હતો. સરકાર પાસેથી આ મકાન પહેલાં રૂસ્તમજી જીજીભાઈએ ખરીદી લીધું હતું અને પછી તે ડેવિડ સાસુનના કુટુંબને વેચ્યું હતું. પણ ફરી ૧૪ ઓગસ્ટ, ૧૮૬૨ના દિવસે બોમ્બે હાઈકોર્ટની સ્થાપના થઈ ત્યારે સરકારે આ મકાન પોતાને હસ્તક લીધું અને તેમાં હાઈકોર્ટની શરૂઆત કરી. ત્યાર બાદ હાલનું મકાન બાંધવાની શરૂઆત થઈ હતી, અને ૧૦ જાન્યુઆરી ૧૮૭૯થી બોમ્બે હાઈ કોર્ટની કામગીરી નવા મકાનમાંથી શરૂ થઈ હતી. હાઈ કોર્ટે ખાલી કાર્ય પછી આ મકાનમાં ગ્રેટ વેસ્ટર્ન હોટેલ શરૂ થઈ હતી. એ વખતે મૂળ મકાનની બાજુમાં પાંચ માળનું એક નવું મકાન બંધાયું હતું. તેની ડિઝાઈન તે વખતના પ્રખ્યાત સ્થપતિ એસ.એમ.એન. ચાંદાભાઈએ તૈયાર કરી હતી. પછીથી ખાસ બ્રિટિશ મહેમાનો માટે અલગ વ્યવસ્થા કરવા માટે ત્રણ માળનું વધુ એક મકાન બંધાયેલું. આ હોટેલ ચોક્કસ ક્યારે બંધ થઈ તે જાણવા મળતું નથી. પણ તે પછી તેના ઓરડાઓ જુદી જુદી કંપનીઓને ભાડે આપવામાં આવ્યા.

મુંબઈ વિષે વાત કરવાની આ એક મજા છે. એક વાતમાંથી બીજી વાતમાં ક્યારે સરી પડાય એની ખબર જ ન પડે. પણ આવતે વખતે પાછા પોલીસદાદાની વધુ વાતો કરશું.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 17 ઍપ્રિલ 2021

Loading

...102030...1,9301,9311,9321,933...1,9401,9501,960...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved