Opinion Magazine
Number of visits: 9677546
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્ત્રી સશક્તિકરણ : સિનેમા, સમાજમાં સ્ત્રી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 June 2021

સાહિત્યની ઉત્તમ કૃતિ પરથી સરસ ફિલ્મો બની હોય તેવાં ઉદાહરણો નથી, એવું નથી, પણ સામાન્ય ફિલ્મોમાં સ્ત્રીનું નિરૂપણ કેવુંક હોય છે એની વાત કરવા ધાર્યું છે. એમાં ઉદાહરણો સાથે વાત કરવામાં બીજા ઘણાં રહી જાય એમ છે એટલે તેનો મોહ પણ જતો કરું છું. ફિલ્મોમાં ગરીબ – તવંગરનો મુદ્દો ઠીક ઠીક સમય સુધી આવતો રહ્યો. નાયક કે નાયિકામાંથી એક ગરીબ હોય ને એક અમીર હોય ને એ વાત મિલનમાં કે લગ્નમાં મુશ્કેલી ઊભી કરે એવી વાતો ફિલ્મોમાં લાંબા સમય સુધી ચાલી.

ફિલ્મી ઘરોમાં એક મા હોય, તેની સાસુ હોય, એકાદ ભાભી હોય ને નાયિકા જે સુંદર હોય અને કોઈને ચાહતી હોય જેની ક્યાં ય સુધી ઘરમાં ખબર ન પડે, એવું ઘણી ફિલ્મોમાં આવ્યું છે. પછી પ્રેમની ખબર પડે કે આફત આવી જાય. નાયિકાને ધક્કો મારીને રૂમમાં પૂરી દેવામાં આવે અને ત્યાં નાયક ને અહીં નાયિકા, વિરહ ગીતો ગાઈને ફિલ્મ પૂરી કરવા મથે. ભાઈ કે બાપનું એક જ કામ હોય, નાયિકાને ફટકારવાનું કે નાયકને ઘરે જઈને તેના માબાપને ભાંડવાનું. પછી તો રાતોરાત છોકરી માટે મૂરતિયો શોધી કાઢવામાં આવે, માને ભાંડવામાં આવે કે છોકરીને સાચવી નહીં ને ખાનદાનની ઇજ્જત દાવ પર લાગી ન જાય એટલે પરણાવવાના પેંતરા શરૂ થઈ જાય. ખાનદાન સાધારણ હોય તો પણ તેને ઇજ્જત તો હોય જ ને તે મોટે ભાગે છોકરી પર જ નિર્ભર હોય. તે જ ઇજ્જત ધૂળમાં મેળવતી હોય કે તે જ બચાવતી પણ હોય.

છોકરી કોઈના પ્રેમમાં પડી કે ખલાસ ! ખાનદાનની ઇજ્જત ધૂળમાં મળી જાય. ફિલ્મમાં પંચાયત હોય ને તે ન્યાય કરે કે ફિલ્મી સમાજ હોય તે સામસામે આવી જાય અને તે છોકરી કે છોકરાને ગામમાંથી કઢાવીને જ જંપે. નાયિકા બીજે પરણાવી દેવાય ને તે મંજૂર ન હોય તો ઝેર ખાઈ લે કે પંખે લટકી જાય કે ફિલ્મ પૂરી થાય અથવા નાયક એવું કામ કરી બતાવે કે છેલ્લે શરણાઈ વાગે ને પ્રેક્ષકો ઘર ભેગા થાય. આવી ઢગલો ફિલ્મો આવી અને ગઈ. એમાં વેઠતી તો સ્ત્રી જ બતાવાઈ છે.

સાસુ હોય તે વહુ પર જુલમ ગુજારે. મા હોય તો દીકરી પર જાપ્તો રાખે કે નણંદ, ભોજાઈ પણ નાયિકાને સંભળાવતી રહેતી હોય. આ બધાં પાછાં અંદરોઅંદર તો કચકચ કરતાં જ રહેતાં હોય. નાયિકા પ્રેમ કરતી પકડાય ને બાપ કોઈ મુરતિયો ખોળી કાઢે ને પરણાવી દે તે વ્યસની હોય કે વ્યભિચારી હોય કે હરામખોર હોય તો તેનો બાપને વાંધો નથી હોતો, ત્યારે પ્રશ્ન થાય કે કોઈ પણ ફાલતુ માણસ જ નાયિકાને માથે મારવો હતો તો પેલો નાયક શું ખોટો  હતો? પણ નહીં, ખાનદાન કી ઇજ્જત માટે કિસી કો ભી બલિ ચડાયા જા સકતા હૈ …

વચ્ચે એવી ફિલ્મો પણ આવી જેમાં દહેજની માંગણી હોય ને છોકરીનો બાપ પાઘડી કે ટોપી ઉતારીને વેવાઈને વિનવતો હોય કે અત્યારે રકમ નથી, લગ્ન થઈ જવા દો, પછી થોડી થોડી કરીને પાઈ પાઈ ચૂકવી દઈશ, પણ વેવાઈ માને નહીં ને લાત મારીને નીકળી જાય ને લગ્ન કોઈનાં મરણનું કારણ બને. કોઈ જરા ઉદારતા દાખવીને લગ્ન તો થવા દે, પણ પછી આવેલી વહુનું આવી બને. રોજ દહેજની ઉઘરાણી થાય અને તેની પરાકાષ્ઠા વહુના અગ્નિસ્નાનમાં આવે. દીકરો ફરી પરણાવાય, ફરી દહેજની માંગ થાય ને નવી આવેલી વહુ માથું ફેરવીને સાસુ, નણંદ કે વરનું ભેજું ઠેકાણે લાવે. આ બધાંમાં વેઠતી તો સ્ત્રી જ હોય ને જુલમ ગુજારનાર પણ મોટે ભાગે તો સ્ત્રી જ હોય.

હવે દહેજ, ફિલ્મોમાં મુદ્દો રહ્યો નથી, પણ સમાજમાં તે જુદા સ્વરૂપે સક્રિય છે જ. ફિલ્મમાં કે સમાજમાં જુલમની પદ્ધતિઓ ખાસ બદલાઈ નથી. ફિલ્મોમાં નાયિકા હવે વિદેશથી ભણીને આવે છે. ડોક્ટર કે વકીલ હોય છે, મોટાં કુટુંબની લાડકી દીકરી હોય છે, બાપ કે ભાઈએ તેને જીવથી વધુ માની હોય છે. બાપ કે ભાઈની ગામમાં ધાક હોય છે ને તેની સામે કોઈ રાજકારણી કે ડોન પડે છે. ક્યારેક તો બાપ જ રાજકારણી કે ડોન હોય ને નાયિકા એના જ કોઈ શત્રુ-સંબંધીના યુવાન જોડે પ્રેમમાં પડે ને ભાઈ કે બાપને એ મંજૂર ન હોય કે સામસામે મારમારી, કાપાકાપી શરૂ થઈ જાય ને નાયક બધું પતાવીને નાયિકાને હાંસલ કરે કે પ્રેક્ષકોને રાહત થાય. આમાં નાયિકા ગાંઠે નહીં ને નાયકને મળતી જ રહે તો એ જ બ્લેક એન્ડ વ્હાઇટ દૃશ્ય ઈસ્ટમેન કલરમાં સામે આવે છે. નાયિકાને એમ જ રૂમમાં ધકેલી દેવામાં આવે છે અને બહારથી તાળું મારી દેવામાં આવે છે. પછી એ જ ધમાધમી, તોડફોડ ને ધી એન્ડ ! નાયકનાયિકા બંને મરે, બેમાંથી એક રહે કે વાત કોર્ટ કચેરીમાં પણ પહોંચે ને છેવટે ઘીના ઠામમાં ઘી પડી રહે.

એવું મનાય છે કે ફિલ્મો એ સમાજનો પડઘો છે તો એમ પણ કહેવાય છે કે ફિલ્મોનું જોઈને સમાજ શીખે છે. એક સમય હતો જ્યારે યુવાનો ફિલ્મો જોઈને ફેશન કરતાં કે ફિલ્મોમાં થાય છે એ ઝડપે પ્રેમ કરવા પ્રયત્નો કરતાં. નાયક જેવી રહેણીકરણી માટે મહોલ્લાનો યુવક પ્રયત્ન કરતો કે યુવતી નાયિકા જેવો શણગાર કરી મહોલ્લામાંથી નીકળીને યુવકોનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કરતી, પણ એથી વધુ ફિલ્મોનો સમાજ પર ખાસ પ્રભાવ ન હતો. ફિલ્મોની હિંસા કે ફિલ્મી જીવન સમાજ બહુ ઇચ્છતો નહીં. કોઈ ઘટના પરથી ફિલ્મો બનતી ખરી, પણ ફિલ્મ પરથી કોઈનું જીવન ઘડાતું નહીં. ક્યારેક કોઈ સામ્ય જણાતું તો તે અકસ્માત જ લેખાતો.

આજે સમાજ ઠીક ઠીક આગળ નીકળી ગયો છે. પ્રેમનું મહત્ત્વ ઓછું થયું છે, નાબૂદ થયું નથી. આંસુ આવવા બંધ થયાં નથી, એનો અર્થ એ કે પીડા, હરખ કે શોકનું મહત્ત્વ હજી છે. સંવેદના પણ પ્રસંગોપાત પ્રગટતી રહે છે એટલે સચ્ચાઈ, સ્નેહ, લાગણી પણ નથી જ એવું કહી શકાય નહીં. હજી પ્રેમને માટે જીવ આપનાર કે લેનાર જગતમાં છે જ, હજી માબાપ દીકરીને તેની ઇચ્છાથી પરણાવવા કરતાં પોતાના આગ્રહો થોપતા જ રહે છે. હજી પ્રેમિકાને ગોંધીને બીજે પરણાવી દેવાય છે કે મારી નંખાય છે કે આત્મહત્યા તરફ પણ ધકેલાય છે. આવું છોકરી સાથે જ થાય છે એવું નથી, એમાં પ્રેમીનો શિકાર થતો હોય એમ પણ બને, પણ ભોગ બનનારની ટકાવારીમાં સ્ત્રીઓની સંખ્યા વધારે હોય છે. સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, સમાજ પણ કેટલીક છૂટછાટોમાં માનતો થયો છે, ધર્મ કદાચ એક રહે છે, પણ જ્ઞાતિ, સમાજના આગ્રહો લગ્નની બાબતમાં ઘટ્યા છે. અન્ય ધર્મમાં લગ્ન કરવાની સાધારણ રીતે આજે પણ બહુ તૈયારી હોતી નથી, પણ એવું થતું જ નથી, એવું પણ નથી. ઘણીવાર એક ધર્મની વ્યક્તિને અન્ય ધર્મ અપનાવવાની ફરજ પડાતી હોવાના કિસ્સાઓ પણ બને છે, ત્યાં લગ્ન કરતાં ધર્મનું મહત્ત્વ વધે છે. કેટલાક એ મામલે ઉદાર પણ થાય છે ને લગ્ન પછી પોતાનો ધર્મ પાળવાની છૂટ પણ અપાય છે, પણ આ બધું છોકરીની ઇચ્છા પર નહીં, સામેવાળાની ઉદારતા પર નિર્ભર છે.

લગ્નો હજી થાય છે, પણ સાચું તો એ છે કે હવે લગ્નનું મહત્ત્વ ઘટતું આવે છે. પ્રેમ હવે લાગણી ઓછી ને જરૂરિયાત વધારે છે. લગ્ન વગર રહેવાનું વલણ પણ ઘર કરતું આવે છે. કોઈ જવાબદારી વગરનું  લીવ ઇન રિલેશન શહેરોમાં ઘણાં અપનાવે છે. અપરિણીતોના પરિણીતો સાથેના સંબંધોનો કે એકબીજા સાથે ન પરણેલાં હોય તેવાં પરિણીતોના સંબંધોનો, પણ ક્યાંક સ્વીકાર થતો હોવાનું હવામાન છે જ ! પરિણીત પ્રેમિકા કે પરિણીત પ્રેમી સાથેના સંબંધોને કારણે વૈમનસ્ય ને ઝઘડાના ઘણાં બનાવો આજકાલ ચર્ચામાં રહે છે ને વાત મરવા, મારવા પર પણ આવી જાય છે. આ વાતો ફિલ્મોમાં ઓછી આવે છે, એ રીતે ફિલ્મ કરતાં વાસ્તવિકતા વધુ વરવી છે. કોણ જાણે કેમ પણ ધીરજ અને સંતોષ ફિલ્મોની જેમ જ વાસ્તવિક જીવનમાં પણ ઓછા જ જોવા મળે છે.

ફિલ્મોમાં હિંસા સાચી નથી કે નથી લોહી સાચું. પ્રેક્ષકોને ગળે ઊતરે એટલા માટે એ બધું એવી રીતે ઉપજાવાય છે કે સાચું લાગે. જીવનમાં એથી વધુ લોહી કે હિંસા પ્રેમ સંદર્ભે થતી હોવાના કિસ્સાઓ શોધવા દૂર જવું પડે એમ નથી. એ રીતે સ્ત્રી, સમાજમાં બોલ્ડ લાગતી હોય તો પણ સરવાળે વેઠવાનું તો તેને જ આવે છે. વેઠવાના પ્રકારો ફિલ્મોમાં ને જીવનમાં બદલાયા છે, પણ સ્ત્રી ત્યારે વેઠતી હતી ને અત્યારે પણ વેઠે જ છે. કદાચ વધારે વેઠે છે. ટૂંકમાં, ફિલ્મમાં હોય કે જીવનમાં, શોષિત હોય કે શોષણખોર, પણ ખોટમાં તો સ્ત્રી જ રહે છે …

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

ગઝલ

પરેશ દવે 'નિર્મન'|Poetry|8 June 2021

તત્ત્વનું ટાંચણ મને આપો,
તથ્ય ને તારણ મને આપો.
 

હું કરું પીડાનું પારાયણ,
કોઈ સમજુ જણ મને આપો.

થાય તો એવી દુવા આપો,
જળકમળની ક્ષણ મને આપો. 

નાભિમાં હુલસે કમળ રાતું,
એટલું ઘારણ મને આપો.

કીમિયો એવો મને આપો,
ઝેરનું મારણ મને આપો.

ખેસવે છે પગ બધાં મારો,
કોઈ અંગદ ક્ષણ મને આપો.

કંઠ સૂકાઈ જશે મારો,
શબ્દનું ધાવણ મને આપો.       

ક્રોંચ વિંધાયો વળી પાછો,
અન્ય રામાયણ મને આપો.

હું ગઝલકુંવર વરું એવો,
દીવડો નામણ મને આપો.

કાફલો ચાલ્યો ગયો ‘નિર્મન’,
ધૂળ ને રજકણ મને આપો.

05.06.2021

e.mail : daveparesh1959@gmail.com

Loading

સુરેશ શાહ : સપનાંનો બૂક સ્ટોર અને બૂક સ્ટોરનું સપનું

રાજ ગોસ્વામી|Opinion - Opinion|8 June 2021

એવું કહેવાય છે કે ગુજરાતીઓ બહુ પુસ્તકો ખરીદતાં નથી. કદાચ એટલા માટે જ, સુરેશભાઈ છગનલાલ શાહ પુસ્તકો વેચવાં માટે છેક તત્કાલીન બેંગલોર જતા રહ્યા હતા, અને ત્યાં જઈને તેમણે એવાં અને એટલાં પુસ્તકો વેચ્યાં કે ગયા અઠવાડિયે ૨૫મી મેના રોજ, ૮૪ વર્ષની વયે તેમનું અવસાન થયું, ત્યારે તેઓ તેમની પાછળ સમગ્ર એશિયાના સૌથી મોટા બૂકસ્ટોર, સપના બૂક હાઉસની વિરાસત મૂકીને ગયા હતા. કોરોનાની મહામારી અનેક લોકોને આપણી વચ્ચેથી અણધાર્યા ઉપાડી ગઈ છે. એક એક સમાચારો આંચકા સમાન છે. એવી અનેક જિંદગીઓ અચાનક ટૂંકાઈ ગઈ છે, જેમાં હજુ ઘણી સંભાવનાઓ બાકી હતી.

સુરેશ શાહની અલવિદાના સમાચાર પણ એવા જ છે. કર્ણાટકના અનેક પુસ્તકપ્રેમીઓ માટે મંગળવારનો દિવસ મનહૂસ હતો. થોડા દિવસથી તેઓ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા હતા, પણ વધતી ઉંમર અને વાઇરસની જુગલબંધી સામે ડોકટરો હારી ગયા. કર્ણાટકના સાહિત્ય જગતમાં એ મોટી ખોટ હતી. રાજ્યના મુખ્ય મંત્રી બી.એસ. યેડીયુરપ્પા, તેમના શિક્ષણ મંત્રી અને અનેક કેબીનેટ સાથીઓએ સુરેશ શાહના જવાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.

કર્ણાટક સરકારે સપના બૂક હાઉસને ૨૦૦૮માં કર્ણાટક રાજ્યોત્સવ પુરસ્કાર આપ્યો હતો. લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં સળંગ સાત વર્ષ સુધી તેનું નામ દર્જ હતું. ૨૦૧૬ સુધી, સપના બૂક હાઉસે ૫૦૦ લેખકોનાં ૫,૦૦૦થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા હતાં. જેમાં જ્ઞાનપીઠ અને સાહિત્ય એકાદમી પુરસ્કાર વિજેતા લેખકો પણ હતા. સપના બૂક હાઉસે બ્રાઝિલમાં રહેતા કન્નડીગાઓ માટે કન્નડ ભાષામાં ૫,૦૦૦ પુસ્તકો નિકાસ કર્યા હતાં.

વિચાર કરો કે જે છોકરો મુંબઈના ગુજરાતીઓથી ભરેલા ઉપનગર ઘાટકોપરના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓના માલ-સામાન ઊંચકવાનું કૂલીનું કામ કરતો હોય, તે એક દિવસ ૧ લાખ પુસ્તકોનો ભાર વહન કરતો પુસ્તક વિક્રેતા બની જાય, એ હકીકત પોતે જ એક પુસ્તકની કહાનીથી કમ નથી.

સુરેશ શાહના પિતા છગનલાલ શાહ ગુજરાતના ધોરાજી શહેરના વતની હતા, પણ કામધંધા અર્થે મુંબઈના ઘાટકોપર ઉપનગરમાં સ્થાયી થયા હતા. છગનલાલ કાલબાદેવીમાં આવેલા કોટન એક્સચેન્જમાં કામ કરતા હતા. ૩ માર્ચ ૧૯૩૮ના રોજ સુરેશભાઈનો જન્મ થયો હતો. બાળપણથી સુરેશભાઈને લખવા-વાંચવાનો શોખ હતો, પરંતુ ઘરમાં બે છેડા માંડ ભેગા થતા હતા, એટલે તેમણે પણ પિતાને હાથ લાંબો કરવો પડ્યો હતો. “હું ૧૦ વર્ષનો હતો ત્યારથી મારા પિતાને એક્સચેન્જમાં મદદ કરતો હતો. પરિવારમાં હું જ મોટો દીકરો હતો,” એવું તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.

વાંચવા-લખવાના શોખના કારણે સુરેશભાઈ દસમા ધોરણમાં ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયા હતા, પણ ગરીબીના કારણે કોલેજનું ભણતર પૂરું કરી ન શક્યા. એના બદલે બે પૈસા કમાવા માટે એ પૈસાદાર ઘરોમાં સાબુ અને મોતી જેવી ચીજવસ્તુઓ પહોંચાડવાના ધક્કા-ફેરા કરતા હતા.

ઘાટકોપર રેલવે સ્ટેશનના માસ્તર સુરેશભાઈને ઓળખે અને એ માસ્તરે જ શહેરમાં રખડવા કરતાં સ્ટેશન પર કામ કરવા સૂચન કર્યું. એમાં સુરેશભાઈએ કૂલીનું કામ શરૂ કર્યું. માણસમાં ઘગશ હોય, તો જે પણ કામ કરે તે ખંતપૂર્વક જ કરે. સુરેશભાઈ ભલે ભણી ન શક્યા, પણ કૂલીના કામમાં પણ એવી જવાબદારી બતાવી કે મુંબઈ કૂલી એસોસિયેશનના ઘાટકોપર ડિવિઝનના પ્રમુખ બની ગયા.

ઘાટકોપર સ્ટેશન પર તેમનો પરિચય પોકેટ બૂક્સના વિતરક તુલસી શાહ સાથે થયો. ભાવતું હતું ને વૈધે કહ્યું. સુરેશભાઈએ તેમની ઓફીસમાં કામ શરૂ કર્યું. પુસ્તકોની દુનિયામાં તેમનાં કદમ અહીંથી મુકાયાં. જે ખંતથી કૂલીનું કામ કરતા હતા અને તેના કરતાં ય વધુ ગંભીરતાથી તે પુસ્તકોનું કામ કરતા હતા. ગમે તેમ તો ય કૂલીગીરીમાં સન્માન તો ન જ હતું. તુલસી શાહે કામથી ખુશ થઈને સુરેશભાઈને કંપનીની બેંગલોર ઓફીસમાં પ્રમોશન આપ્યું.

૬૦ના દાયકામાં, સુરેશભાઈ, તેમની પત્ની ભાનુમતી અને દીકરા નીતિનને લઈને બેંગલોર આવ્યા હતા. એ કામમાં ય સુરેશભાઈએ સફળતાના ઝંડા ફરકાવ્યા અને એમાંથી જ પુસ્તકો વેચવાનો આગવો વ્યવસાય શરૂ કરવાનું સાહસ આવ્યું. બેંગલુરુના ગાંધીનગર વિસ્તારમાં દસ બાય દસની પાનની એક દુકાનમાં સુરેશ શાહે પુસ્તકો વેચવાનું શરૂ કર્યું હતું. જે ખંત ઘાટકોપર સ્ટેશને માલ-સામાન ઊંચકવામાં હતો, એ જ ખંત ખુદનો વ્યવસાય જમાવામાં હતો. આજે એ ખંતના પ્રતાપે સપના બૂક હાઉસના નામથી ગાંધીનગરમાં ૪૦,૦૦૦ ચોરસ ફૂટના સ્ટોરમાં અંગ્રેજી, કન્નડ અને અન્ય ભાષાઓનાં મહાનથી લઈને નવોદિત લેખકોનાં પુસ્તકો છે, અને પૂરા રાજ્યમાં ૧૭ રિટેલ સ્ટોર છે.

આજે તેમનો દીકરો નીતિન શાહ કંપનીનો મેનેજીંગ ડિરેકટર છે, અને ત્રીજી પેઢીનો વંશજ, નિજેશ શાહ તેનો સી.ઈ.ઓ. છે. નીતિન શાહ એક ઈન્ટરવ્યુમાં કહે છે, “પોતાનો બૂક સ્ટોર હોય તે સ્વપ્ન મારી માતાનું હતું. તેમણે જ મારા પિતાને સાહસ આપ્યું હતું. તેમને ત્રણ દીકરા હતા, અને દીકરીનું સ્વપ્ન અધૂરું રહ્યું હતું. એટલે તેનું નામ સપના બૂક સ્ટોર છે.”

આજે સપના બૂકની બ્રાંડ તળે સાઈઠ ટકા પુસ્તકો અને બાકી સ્ટેશનરી, મલ્ટીમીડિયા પ્રોડક્ટ્સ, સ્પોર્ટ્સની વસ્તુઓ અને અન્ય ચીજો વેચાય છે. પુસ્તકોમાં ફિક્શનથી લઇને નોન-ફિક્શન, સ્કૂલ-કોલેજનાં પાઠ્યપુસ્તકો, મેનેજમેન્ટ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓનાં મટીરિયલ પણ રાખવામાં આવે છે. ૧૯૯૪થી તે કન્નડ ભાષામાં પણ પુસ્તકો પ્રગટ કરે છે. માત્ર કર્ણાટક જ કેમ? બીજા રાજ્યમાં કેમ નહીં? નીતિન શાહ જવાબમાં કહે છે, “સપના અને બેંગલુરુ સાથે જ મોટાં થયાં છે. બેંગલુરુ મારો પ્રથમ પ્રેમ છે.”

સુરેશ શાહનો પૌત્ર નિજેશ શાહ આ ‘સપના’ને હવે ઈ-કોમર્સમાં લઇ જવાનું કામ સંભાળે છે. ઇન્ટરનેટનો વિકાસ થયો અને એમેઝોન અને ફ્લિપકાર્ટે ઓનલાઈન સ્ટોર શરૂ કર્યો પછી સપના બૂક હાઉસે પણ એ દિશામાં ઝંપલાવ્યું છે. “અમે ઓનલાઈનમાં શિક્ષણનાં પુસ્તકોમાં ઘણું કામ કરી રહ્યા છીએ. અમે ૧૦,૮૦૦ સ્કૂલ અને કોલેજોને મટીરિયલ પૂરું પાડીએ છીએ. અમે આફ્રિકન દેશ ઘાનામાં પુસ્તકો સપ્લાય કરીએ છીએ. ત્યાં અમારી ઓફીસ પણ છે, અને તેના મારફતે ત્યાંની પાંચ યુનિવર્સિટીમાં પુસ્તકો આપીએ છીએ.”

ગુજરાતમાં ભલે એવું કહેવાતું હોય કે લોકો પુસ્તકો ખરીદતાં-વાંચતાં નથી, સુરેશ શાહે એકવાર તેનો ઇન્કાર કરતાં કહ્યું હતું કે લોકોમાં વાંચન વધી રહ્યું છે તેની સાબિતી સપના બૂક હાઉસની પ્રગતિમાં છે. “ભારતમાં બીજો એવો કયો સ્ટોર છે જે જ્યાં અલગ-અલગ વિષયોનાં એક સાથે ૧ લાખ પુસ્તકો હોય?” એવું સુરેશભાઈએ પૂછ્યું હતું. એકવારના કૂલી માટે આનાથી મોટું ગૌરવ શું હોય?

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’, નામે લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ’, 06 જૂન 2021

સૌજન્ય : રાજ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાભાર

Loading

...102030...1,8981,8991,9001,901...1,9101,9201,930...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved