Opinion Magazine
Number of visits: 9571621
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભાગવતનું ભેંશ આગળ ભાગવત …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 May 2021

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ભાગવતે કહ્યું કે સરકારની અને લોકોની બેદરકારીથી કોરોના વકર્યો. કોર્ટે પણ સરકારની જવાબદારી મોડે મોડે નક્કી કરી. તેણે પહેલાં તો લોકોને જ જવાબદાર ઠેરવ્યાં. એની સામે ભાગવતનું નિવેદન સ્પષ્ટ અને સંતુલિત છે. બેદરકારી માટે તેમણે સરકારને પહેલી મૂકી છે ને પછી લોકોને મૂક્યાં છે. ભાગવતનું નિવેદન મોડું છે, પણ સાચું છે. આ નિવેદન વહેલું આવ્યું હોત તો સરકારોને કદાચ જુદું વિચારવાનું થયું હોત, પણ દેર આયે દુરસ્ત આયે-ની જેમ મન મનાવવાનું રહે. ઇચ્છીએ કે ભાગવતની વાત ભેંશ આગળ ભાગવત ન બની રહે.

હાલની વૈશ્વિક અંધાધૂંધીમાં અમેરિકાએ એટલું કૌવત તો બતાવ્યું કે ત્યાં માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સિંગ વગર જીવી શકાય એ સ્થિતિ આવી છે, પણ એટલું બાદ કરતાં ઇઝરાયલ ને પેલેસ્ટાઇન યુદ્ધમાં સંડોવાયાં છે. ઈરાન, ઈરાક, અહીં આક્રમણોથી મૃત્યુ નીપજતાં રહે છે, તો બીજે મહામારીથી મોત નીપજે છે, જાણે મૃત્યુ નીપજતાં રહે એમાં જ વિશ્વને રસ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ પણ કોરોના મામલે ઘણી રમતો કરીને દુનિયાને અંધારામાં રાખી ને ઘણું ઘણું ફેરવી તોળ્યું તે અક્ષમ્ય છે.

કોરોનાને મામલે આપણે ત્યાં પણ ઓછો બકવાસ નથી થયો. ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય મંત્રીએ કોરોનાને જીવંત પ્રાણી ગણીને એને પણ જીવવાનો અધિકાર છે એવું કહ્યું. બધાંને જ જીવવાનો અધિકાર છે એની ના જ નથી, પણ એ પ્રાણી બીજાના જીવવાનો અધિકાર છીનવે ત્યારે શું કરવાનું તે મંત્રીશ્રીએ કહ્યું હોત તો એમને માટે માન થયું હોત. એવો જ લવારો કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રીએ પણ કરેલો કે રસીકરણ ઝડપી ન બને તો શું અમારે ફાંસીએ લટકી જવાનું? પુરુષ હોવા છતાં એમણે આવો છણકો કર્યો તેનું આશ્ચર્ય છે. એવા લવારા કરવામાં ગુજરાતના મુખ્યમંત્રી પણ બાકાત નથી. એમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે કોઈ પણ હૉસ્પિટલમાં ઓક્સિજનની કમીથી એક પણ મોત થયું નથી. આમ પણ મુખ્ય મંત્રીશ્રી કરમુક્ત મનોરંજન કરાવવાનું ચૂકતા નથી એટલે આ વાતને પણ હસી કાઢવાની જ રહે, પણ મંત્રીઓ એટલો બકવાસ કરતાં હોય છે કે એ જાતે તો શું ફાંસીએ લટકે, લોકો લટકાવી દે એમ બને. અત્યારે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય સૌથી વધુ જોખમમાં લાગે છે. બન્યું એવું કે વડા પ્રધાનના વિરોધમાં, દિલ્હીમાં, વિદેશને રસી કેમ આપી દીધી – એ મતલબના પોસ્ટર લાગ્યા તો 17 એફ.આઇ.આર. થઈ અને 15 લોકોની ધરપકડ થઈ. આવું તો ઇન્દિરા ગાંધીની ઈમરજન્સી વખતે પણ નથી થયું. પ્રશ્ન એ થાય કે લોકશાહીને આ શોભે છે ખરું કે ભારતને હવે આરતી ઉતારુઓ જ ખપે છે?

આ બધું ઓછું હોય તેમ વગર વરસાદે ગુજરાતનાં દરિયા કાંઠે તૌકતે વાવાઝોડું ગમે ત્યારે ત્રાટકે એવી સ્થિતિ છે. એમ લાગે છે કે કોઈ તત્ત્વ બધી રીતે આ દેશ પર જોખમ ઉતારવાના સોગંદ ખાઈને બેઠું છે ને એમાં સરકારોની ઢીલાશ અને બેદરકારી ઉમેરો કરે છે. સરકાર કૈં નથી કરતી એવું નથી, પણ આટલા મોટા દેશ પર સામટી આફત આવે ત્યારે બાર સાંધતાં તેર તૂટે – જેવી હાલતનો પણ વિચાર કરવાનો રહે. એમાં એક વર્ગ એવો છે જે સતત, દેશ ડરેલો રહે એની જ ચિંતા કરે છે. પાણી પહેલાં પાળ બાંધવામાં સરકારો મોડી પડે છે ને કેટલાંક તત્ત્વો પાળ બંધાવ બંધાવ કરવામાં જ પોતાને સફળ માને છે. આ બંને અંતિમો યોગ્ય નથી. હકીકત એ છે કે સત્ય એ બે અંતિમોની વચ્ચે છે.

મોડે મોડે સરકારે એ કબૂલ્યું છે કે માર્ચ-એપ્રિલ, 2020માં જ 61,000 ડેથ સર્ટિફિકેટ ઇસ્યૂ થયાં હતાં. સરકારમાં આવેલી આ પ્રમાણિક્તાનું સ્વાગત છે. એક નિર્ણય ગુજરાત સરકારે 10માં ધોરણમાં માસ પ્રમોશન આપવાનો કર્યો છે, તે સારો છે કે નબળો, તે પછીની વાત છે, પણ એ અને એ જ નિર્ણય લેવો પડે એમ હતું. આ મુદ્દે ઘણી ચર્ચાઓ થઈ શકે ને થશે પણ ખરી. જેમ કે સી.બી.એસ.ઈ.એ નિર્ણય વહેલો લીધો, પણ એની પાસે નિર્ણય લેવાની, પરિણામ તૈયાર કરવાની ચોક્કસ ભૂમિકા હતી, એ તક ગુજરાત પાસે ન હતી. એટલું સમજાય છે કે દરેક ધોરણમાં સતત મૂલ્યાંકનની ચોક્કસ વ્યવસ્થા ઊભી થવી જોઈએ. એવું થાય તો અંતિમ પરીક્ષા ન લેવાય તે સ્થિતિમાં પણ વિદ્યાર્થીનું સાચું મૂલ્યાંકન હાથવગું હોય. નવી શિક્ષણનીતિ સાથે આ બાબતનો પણ વિચાર થાય તેવી તંત્રો પાસેથી અપેક્ષા રહે છે.

એક વાત વાલીઓ અને સંચાલકોએ સમજવાની રહે કે સરકાર પહેલેથી જ માસ પ્રમોશનના પક્ષમાં ન હતી. એટલે જ તેણે અન્ય વર્ગોમાં પણ એકમ કસોટી અને સત્રાંત પરીક્ષાનો આગ્રહ રાખ્યો હતો. હવે જ્યારે કોરોનાને કારણે મે મહિનો લગભગ અડધો આવી જવા છતાં, પરીક્ષા જ શક્ય ન રહી તો માસ પ્રમોશન એ જ એક માત્ર વિકલ્પ હતો ને તે અપાયો. આમાં રિપીટર્સનો સમાવેશ નથી. ઘણાંનું માનવું છે કે માસ પ્રમોશન એમને પણ અપાવું જોઈએ. હા, અપાવું જોઈએ. લગભગ સાડા ત્રણ લાખ રિપીટર્સ છે ને એમની પરીક્ષાઓ લેવાય એવા અત્યારે તો કોઈ સંજોગો નથી, તો એમને લટકાવી રાખવાનો અર્થ ખરો? કમ સે કમ એમને પરીક્ષા આપવાનો અનુભવ તો છે ! જો નાપાસ થવા જેવાને પણ માસ પ્રમોશન મળતું હોય તો રિપીટર્સને તેનો લાભ ન આપવામાં કોઈ ડહાપણ નથી. તે સાથે જ સંચાલકો, વાલીઓ બીજા દાખલાઓ પણ ગણવા લાગ્યા છે. આમ પણ સંચાલકો ફી પડાવવામાં ને વાલીઓ ફી બચાવવામાં વધારે માને છે એટલે એ સિવાય બીજું ભાગ્યે જ વિચારે છે. વાલીઓએ એ જાણવાની કોશિશ કરી કે પરીક્ષા નથી લેવાઈ તો પરીક્ષા ફી પછી મળે કે કેમ? કેટલાકની મૂંઝવણ એ પણ છે કે માસ પ્રમોશનની કિંમત નહીં રહે ને બીજા રાજ્યોમાં કે વિદેશમાં પ્રવેશના પ્રશ્નો ઊભા થાય. એના ટેકામાં કેટલાક નવનિર્માણ આંદોલન વખતે માસ પ્રમોશન અપાયેલું ને તેણે નોકરી કે શિક્ષણ પ્રવેશની મુશ્કેલી સર્જેલી તે વાત આગળ કરે છે. એ ખરું કે ત્યારે જે થયેલું એ ખોટું હતું ને હવે જે થશે એ પણ ખોટું જ હશે. ખોટું એટલા માટે કે ત્યારે માત્ર ગુજરાતનો પ્રશ્ન હતો, અત્યારની સ્થિતિ વૈશ્વિક, રાષ્ટ્રીય છે. જો સી.બી.એસ.ઈ. બોર્ડની પરીક્ષા રદ્દ કરતી હોય તો ગુજરાત એક માત્ર વિકલ્પ બચતાં માસ પ્રમોશન આપે તેમાં કશું ખોટું નથી.

કેટલાક શિક્ષકો, સંચાલકો એ ફિકરમાં પડ્યા છે કે 11માંના વર્ગમાં પ્રવેશ કઈ રીતે આપવો? સાધારણ રીતે બોર્ડનું પરિણામ 70 ટકાની આસપાસ રહેતું હોય છે, પણ માસ પ્રમોશન અપાતાં, વધારાના 30 ટકા વિદ્યાર્થીઓનો સમાવેશ કઈ રીતે કરવો એ પ્રશ્ન છે. વારુ, સ્કૂલો ચાલુ થાય અને અંતર જાળવીને વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરવાની હોય તો 11માં ધોરણના એટલા વર્ગો નથી કે વધારાના 30 ટકા વિદ્યાર્થીઓનો સમાવેશ શક્ય બને. આવામાં વધારાના વર્ગો શરૂ કરવા પડે અથવા બેથી ત્રણ પાળીમાં વર્ગો ચલાવવા પડે. એ પણ ખરેખર તો વાતાવરણ સુધરે પછીની વાત છે.

બારમાં ધોરણમાં માસ પ્રમોશન નહીં અપાય એવી જાહેરાત મોટા ઉપાડે મુખ્ય મંત્રી અને શિક્ષણ મંત્રીએ કરી છે. વાતાવરણ સરખું થશે પછી 12ની પરીક્ષા લેવાશે એમ મંત્રીઓ કહે છે, પણ મેના 17 દિવસો પછી પણ વાતાવરણ સરખું થયું નથી. બાકી હતું તે વાવાઝોડાએ પૂરું કર્યું છે. કેસ ઘટ્યા છે ને એની પ્રમાણિક જાહેરાત થઈ હોય તો પણ, જૂન સુધીમાં બધું ઠેકાણે પડે એમ લાગતું નથી. જૂન પછી પરીક્ષા લેવાય અને એનું પરિણામ આવે ત્યાં સુધીમાં જુલાઈ આવી રહે. એ પછી કોલેજ પ્રવેશ ને તેની પ્રવેશ પરીક્ષાઓ ને એવું બધું ચાલે તો ઓગસ્ટ વગર પત્તો ન લાગે. એમ થાય તો સત્રો પાછળ ઠેલાય અથવા તો ટુંકાવવા પડે ને વળી વાત કોર્સ ટુંકાવવા પર જ આવે. આ સ્થિતિમાં 12માં ધોરણમાં પણ માસ પ્રમોશન અંગે વિચારાવું જોઈએ. કોઈ પણ કક્ષાએ માસ પ્રમોશન જરા પણ ઇચ્છનીય નથી, પણ સંજોગો એવા હોય ત્યાં સમાધાન કરવું જ પડે. એ સાચું કે 12મું ધોરણ કારકિર્દીનું મહત્ત્વનું વર્ષ છે ને તેમાં માસ પ્રમોશન ન જ હોય, પણ પરિસ્થિતિ જોખમી હોય ત્યાં જીવને ભોગે તો પરીક્ષા ન લેવાયને ! ધારો કે 10-12માં માસ પ્રમોશન આપ્યા પછી પણ, કોરોનાની સ્થિતિ સુધરી નહીં તો માસ પ્રમોશનનો ય કેટલો અર્થ રહેશે તે વિચારવાનું રહે. એવો ખ્યાલ હોય કે ઓનલાઈન શિક્ષણથી ચાલી જશે તો તેનાથી શિક્ષણનો મૂળભૂત હેતુ જળવાય એવું ઓછું જ બનવાનું. આમ પણ ઓનલાઈન શિક્ષણ મર્યાદિત વર્ગ ને વિસ્તાર પૂરતું જ કામ લાગ્યું છે ને એ જ વેપલો ફરી કરવામાં ડહાપણ એટલે નથી કારણ પ્રત્યક્ષ અને સાર્વત્રિક શિક્ષણનો હેતુ એનાથી પાર પડતો નથી.

આ સંજોગોમાં પ્રાર્થના એ જ કરવાની રહે કે વર્ગશિક્ષણ શરૂ કરવા જેવું વાતાવરણ સર્જાય અને બધું પૂર્વવત થાય. અસ્તુ.

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 મે 2021

Loading

અજય પાઠક

ડંકેશ ઓઝા|Opinion - Opinion|17 May 2021

છેલ્લાં વર્ષોમાં અજય પાઠકની ઓળખ ડંકેશભાઈએ નોંધ્યું છે તેમ – અને મેં અજયસિંહ ચૌહાણની આ અંગેની (કદાચ સર્વપ્રથમ) મુખટપાલ(ફેસબુક પોસ્ટ)માં પણ જોયું તેમ – હેવાલલેખક તરીકે સતત સામે આવતી રહી, પછી તે અસ્મિતા પર્વ હોય કે પરિસદ સત્ર. જો કે અજય વિશે મારી શરૂઆતની સાંભરણ અને સળંગ છાપ એક સહૃદય સમીક્ષક વ્યક્તિત્વની. પાંચેક દાયકા પર પહેલીવાર મળવાનું થયું ત્યારે સ્ટેટ બેંક ઑફ સૌરાષ્ટ્રની અમદાવાદ શાખામાં બદલી થઈ આવેલા એ ‘નિરીક્ષક’ના લેખકની શોધમાં હતા. પછી તો, તરતમાં, હું ‘વિશ્વમાનવ’ના સંપાદનમાં સંકળાયેલો અને એમાં અજયે ‘કાન્ત’ વિશે કોઈ મુદ્દો કર્યો હશે તેથી ખેંચાઈ ઑફ ઑલ ધ પર્સન્સ મુ. નગીનદાસ પારેખે મને પરિચયપૃચ્છા કર્યાનું સાંભરે છે. થોડા વખત પર વાત થઈ (હજુ ૨૪મી એપ્રિલે તો એમણે ટૂંકાક્ષરી મુખટપાલ મૂકેલી કે ‘ઠીક છે.’) ત્યારે ઈશ્વરલાલ ર. દવે વિશે વિગતે લખવા માટે સામગ્રી એકત્ર કર્યાનું કહેતા હતા. ઈ.ર.દ.ના છાત્ર તરીકે એક અભ્યાસીની હૈયાઉલટ એ હતી. આ સંદર્ભમાં સુદીર્ઘ અભ્યાસલેખ કરવો, પરિષદ-વ્યાખ્યાન તૈયાર કરવું ને ‘નિરીક્ષક’ લાયક નોંધ એવી ત્રિવિધ હોંશ એમને હવેના મહિનાઓ માટે હતી. પરિષદ પરત્વે કોઈ મહત્ત્વાકાંક્ષી ગોઠવણ વગર સ્વયંસેવી સંપૃક્તતા એ એમનો વિશેષ હતો. વિષમ સંજોગોમાં મંત્રી તરીકેનું દાયિત્વ આવ્યું તો વિવિધ વ્યાખ્યાન આયોજનનો આખો બૅકલૉગ એમણે એવો તો સુપેરે પાર પાડી આવ્યો હતો કે … ગમે તેમ પણ, વ્યક્તિગત સ્નેહસંબંધ ઉપરાંત ‘નિરીક્ષક’ના ૧૯૬૮થી સળંગ વાચક તરીકે તે શું વિચારે છે, શું સૂચવે છે એનું મને હંમેશ ખેંચાણ રહ્યું એ આ ક્ષણે વિશેષરૂપે સંભારું છું.

— “નિરીક્ષક” તંત્રી

અજય પાઠક, ભાવનગરના પ્રશ્નોરા નાગર અને નિવૃત્ત અધિકારી, સ્ટેટ બૅંક ઑફ સૌરાષ્ટ્ર. એંસી આસપાસની ઉંમરે આઠમીને શનિવારે કોરોનાગ્રસ્ત થઈને શહેરની સર તખ્તસિંહજી હૉસ્પિટલમાં અવસાન પામ્યા. સાહિત્યવ્યાસંગી અને કલાનુરાગી એવા અજય પાઠક છેલ્લાં વર્ષોમાં સાહિત્ય પરિષદનાં અધિવેશન અને જ્ઞાનસત્ર તથા સદ્‌ભાવના પર્વના અહેવાલલેખનકાર તરીકે ઘણાને યાદ આવશે.

બૅંકના અધિકારી હોવા છતાં એમનો સાહિત્યરસ પાકો અને ઊંડો હતો. યશવંત દોશીના પુસ્તક સમીક્ષાના માસિક ‘ગ્રંથ’ના શરૂઆતનાં વર્ષોના અંકોમાં તેઓ ટૂંકાં અવલોકનો લખતા. પાછળના એમના લાંબા અહેવાલોના સંદર્ભમાં આ નોંધવા યોગ્ય લાગે છે. પરિષદની મધ્યસ્થ સમિતિમાં તો જીવનનાં છેલ્લાં વર્ષોમાં તેઓ ઉમેદવારી કરતા રહ્યા. ક્યારેક ચૂંટાયા – હાર્યા અને તત્કાળ પૂરતો મંત્રીનો હવાલો સોંપાયો, ત્યારે પરિષદ વ્યાખ્યાનમાળાના આયોજનમાં મોટી ઉંમરે પણ નાનાં કેન્દ્રો સુધી દોડીને તેમણે સારું કામ બજાવ્યું. પરિષદના અધિવેશનમાં અને જ્ઞાનસત્રોમાં તેઓ છેક ૧૯૬૦થી લગભગ નિયમિતપણે જતા.

‘નિરીક્ષક’, ‘વિ. વિદ્યાનગર’, ‘સદ્‌ભાવના ફોરમ’, ‘પરબ’ વગેરેમાં તેઓ લખતા રહ્યા. યાદ આવે છે દક્ષાબહેન પટ્ટણી વિશે તેમણે ‘નિરીક્ષક’માં જે અંજલિલેખ લખેલો તે પછીથી ‘નવનીત સમર્પણ’માં પણ પુનર્મુદ્રિત થયેલો. અંજલિલેખો લખવા એ અહેવાલ લેખનની જેમ એમનું મનગમતું કામ હતું. આશ્ચર્યજનક રીતે તેઓ ફેસબુક ઉપર પણ સક્રિય હતા. ત્યાં પણ ટૂંકી સ્મૃતિઅંજલિ મૂકવામાં તેમને આનંદ આવતો.

વયોવૃદ્ધ માતાપિતાની આનંદથી સેવા કરી, જ્યારે તેમની પોતાની ઉંમર અને તબિયત સેવા લેવાની હકદાર હતી. સાંભળ્યા મુજબ, એમની દીકરી શૈલા તેઓ હૉસ્પિટલમાં માંદગી બિછાને હતા ત્યારે અવસાન પામી, જેના સમાચાર પણ તે સમયે અજયને આપી શકાય તેમ ન હતા. બીજી દીકરી હેમા ભાવનગર જ છે. હવે  રંજનબહેને આ બધું સંભાળવું રહ્યું.

શામળદાસ કૉલેજ, ભાવનગરમાં અભ્યાસ કર્યાનું તેમને ગૌરવ હતું. કોઈ અધ્યાપક લાંબી રજા પર હોય કે જગ્યા ખાલી રહી હોય, ત્યારે આપદ્‌ ધર્મ, તરીકે તેમણે અધ્યાપનકાર્ય પણ કર્યું, જેનો તેમને અનહદ આનંદ હતો. ભાવનગરની ‘ગદ્યસભા’ સહિતની જે કોઈ સાહિત્યિક પ્રવૃત્તિઓ હોય તે સાથે તેમનો લગાવ કાયમી રહ્યો. વ્યવસ્થિત રીતે અધ્યયન કરવું, વાંચતાં રહેવું એ તેમની શિસ્ત હતી. વિનોબાના રમેશ સંઘવી સંપાદિત પંચામૃત સંપુટનું અત્યારે તેઓ અધ્યયન કરી રહ્યા હતા. તે અંગે લખાય અને છપાય એવી મોકળાશની શોધમાં હતા.

મારો અજય સાથેનો પરિચય દિલીપ ચંદુલાલને કારણે. તેઓ પ્રકાશભાઈ, હરિકૃષ્ણ પાઠક, માધવ રામાનુજ વગેરેના અંતરંગ પરિચયમાં હતા. પછી તો એમાં ઘણા ઉમેરાયા, ગુરુકુળ મહુવા ખાતે મોરારિબાપુના સાંનિધ્યમાં કાર્યક્રમોમાં સામેલ થવું એમને ખૂબ ગમતું. ત્યાં સવારની વહેલી અને પહેલી ચા સાથે જે ચર્ચાઓ ચાલતી તે પણ હવે સ્મૃતિશેષ. વિજય પંડ્યા, સતીશ વ્યાસ, અજય અને અમે ચાય પે ચર્ચાનો જે આનંદ લૂંટ્યો છે, એ તો માત્ર અમારો જ. સ્મરણસ્થ અજય પાઠક ભુલ્યા ભુલાય તેમ નથી. મારી આદરાંજલિ.

અડાલજ – ૩૮૨ ૪૨૧

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 11

Loading

ખેડૂત આંદોલન વિશે

લાભુભાઈ ગ. પટેલ|Opinion - Opinion|17 May 2021

સતત ત્રણેક મહિનાઓથી મુખ્યત્વે પંજાબ-હરિયાણાના ખેડૂતો વડે આરંભાયેલું, કેન્દ્ર સકારના કાનૂનો વિરુદ્ધનું આ આંદોલન દેશની પ્રમુખ સાંપ્રત સમસ્યા બની બેઠું છે, સેંકડો ટ્રેકટરો અને ૧૨-૧૫ હજાર ખેડૂતો વડે દિલ્હી આસપાસના માર્ગો માઈલો સુધી જામ કરી દેવાયા હતા, અને હજુએ તેવી ધમકીઓ અપાવી ચાલુ છે. આંદોલનકારીઓ સાથેના સરકારના અગિયાર વાર્તાલાપો નિષ્ફળતાને વર્યા છે. સરકારનું કહેવું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી ખેડૂતોના હિતરક્ષણ માટે ડૉ. સ્વામીનાથને સૂચવેલી ભલામણો, કે જેના અમલીકરણ માટે તમામ વિરોધપક્ષો પણ સહમત હતા, તેને જ આ કાનૂન દ્વારા અમલરૂપ અપાયું છે. છતાંયે જો કાનૂનોનો કોઈ હિસ્સો ખેડૂતોને પોતાના હિતમાં બાધક જણાતો હોય તો  સરકાર તેને બદલવા તૈયાર છે. પરંતુ આંદોલનકારીઓની એક માત્ર જકકી હઠ ત્રણે કાનૂનોને સંપૂર્ણપણે રદ્દ કરવાની રહી છે. ત્રણે કાનૂનોની જોગવાઈઓ જોતાં તો તે સ્પષ્ટરૂપે નાના-મોટા તમામ ખેડૂતોના હિતની જણાય છે જેનો ઉલ્લેખ કરવા માત્રથી આંદોલનકારીઓ બચી રહ્યા છે, ત્યારે તેમના હેતુ પરત્વે સંશય જાગે છે.

દુનિયા જાણે છે કે જગતાત કહેવાતી ખેડૂત આલમ આજ સુધી આર્થિક અન્યાયનો ભોગ બનતી આવે છે. કાળજાંતૂટ મહેનત છતાં અસહ્ય આર્થિક બોજને પરિણામે તેણે આત્મહત્યા સુધ્ધાં કરવી પડી રહી છે. આ આંદોલન તેમના શોખનું નથી. મહિનાઓથી અગવડભરી સડકો પર જીવન વીતાવવું અતિ કષ્ટકારી છે. બાળકો, ઘરડાં, મહિલાઓ, બીમારો, બધાને સાથે રાખી શિયાળાની કાતિલ ઠંડીમાં, કયારેક વરસી જતા વરસાદમાં, ફુંકાતા પવનમાં ૧૨-૧૫ હજારની સંખ્યાએ ભીંસાતી ભીડમાં રહી ખાવું-પીવું, નહાવું-ધોવું, અને વિના લેટ્રીને કુદરતી હાજતો પાર પાડવી તે કેટલું નર્કાગારની યાદ અપાવે તેવું પશુતુલ્ય જીવન હોય છે! કઠોર હૃદયના માનવીને પણ તેમના પ્રત્યે ગહરી અનુકંપા ઉદ્‌ભવે, તે સહજ છે. પરંતુ આવી સહાનુભૂતિમાં ભળેલી કેટલીક તકસાધુઓની જમાતને યે ઓળખી લેવી જરૂરી છે. બધાનું તપ અતિ આકરું છે. પરંતુ ગલત હેતુપ્રાપ્તિ માટે કરાતી તપશ્ચર્યા યે હેતુને સાચમાં બદલી શકતી નથી.

જ્યારે કોઈ આવાં જનઆંદોલનો થાય છે ત્યારે રાજસત્તા પર આવવાનું એક માત્ર ધ્યેય રાખનારા રાજકીય પક્ષો વગર આમંત્રણે ઘૂસી જાય છે. તેવાઓએ આ આંદોલનની શરૂઆતમાં પ્રજાને પીડનારાં રસ્તા રોકોવાળા ધરણાં, જાહેર મિલકતોને સળગાવવી, પોલીસના વ્યવસ્થાતંત્ર પર હિંસક હુમલાઓ કરવા જેવા વિરોધપક્ષો જ્યારે પણ સત્તા મળી છે ,ત્યારે ય તેમણે ખેડૂત આલમની ભરપૂર ઉપેક્ષા જ કરી છે. આંદોલનકારીઓને જ્યારે આ સમજાયું ત્યારે આંદોલનમાંથી તેમને દૂર કરાયા. છતાં યે તેની અસરથી હજુ આંદોલનમુકત નથી. નહિતર વિરોધપક્ષોએ મોદીને દૂર કરવાનો શીખવાડેલો નારો તેમને બંગાળના ચૂંટણી જંગ પ્રસંગે કોલકાતા ન ખેંચી જાત ! ત્રણે કાનૂનો રદ્દ કરવાની વાત મોદીની સત્તાનો ઈન્કાર છે, જે પેલાએ શીખવાડેલો છે.

જ્યારે આ આંદોલનને ગાંધીબાપુના સત્યાગ્રહો જોડે સરખાવાય છે ત્યારે એ બન્નેની ભૂમિકાઓ વચ્ચેનો તફાવત સમજવો પડે તેમ છે. ગાંધી બાપુની સવિનય કાનૂનભંગની અહિંસક લડત પરદેશી-બ્રિટિશ હકૂમત સામેની હતી. પરદેશીઓના કાનૂનો જનહિતલક્ષી નહીં, અંગ્રજોનો પોતાના હિત તરફી ગુલામીને દ્રઢ કરનારા હતા. તેનો વિરોધ કરવો તે સ્વાતંત્ર્ય વીરોનો ધર્મ હતો. આજે આઝાદ ભારતના કાયદાઓ આમ જનતાએ ચૂંટેલા પ્રતિનિધિઓની બનેલી વિધાનસભા અને પાર્લામેન્ટ નિશ્ચિત બંધારણીય રીતે ઘડે છે. તેમાંન કશાયે ફેરફાર બંધારણીય રીતો વડે જ થઈ શકે છે. કોઈ પણ કાયદો બદલવા જનમતને તેની તરફેણમાં લાવવો પડે છે અને વિધાનસભા મારફત જ ફેરફાર સંભવી શકે છે. જનહિતના કાયદા યે કોઈના અયોગ્ય અધિકારોને નિયંત્રણમાં લાવતા હોય છે. તેવો વર્ગ તો વિરોધમાં હોવાનો જ . શુ તેવા અહં વર્ગીય આંદોલનને તાબે થવાય? આવાં તોફાની આંદોલનો લોકશાહીનો જ ઈન્કાર છે. એમાંયે જો તે હિંસાનો આશરો લે, તો તે દેશદ્રોહી બને છે.

કેટલાંક વિચારપત્રોએ કાનૂનો માટેની જોગવાઈઓની કરેલી ચર્ચાઓ મારા વાંચવામાં આવી છે. તેમાં મોટે ભાગે છેલ્લાં ચાલીસ વર્ષોથી ખેડૂતોની જે બેહાલી થતી આવી છે, તેનાં જ વર્ણનો કરાયાં છે. અને આ બધું કેમ જાણે આ નવા આવનારા કાનૂનોનો પ્રભાવ હોય તેવું ચિત્ર ઊભું કરાય છે. પણ આ કાનૂનોમાં આજ સુધી કરાયેલા અન્યાયી કારનામામાંથી છૂટવાના ઉપાય છે, તે જોવાનું ઈરાદાપૂર્વક ટળાય છે. કાલ્પનિક કુર્તકો વડે આ કાનૂનોથી ખેડૂતોને કઈ રીતે નુકસાન પહોંચી શકે, તેનાં કપોળકલ્પિત વર્ણનો કરાય છે. આજ સુધીના કાનૂનોએ તેવું કર્યું હશે, આ કાનૂનો તેવા નથી. પણ દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકીને પીએ છે. કેવા કેવા કુતર્કો લડાવાય છે, તેમાં એક દાખલો આપું.

ખેત ઉત્પાદનોની ખરીદીનાં સ્પર્ધાયુક્ત ક્ષેત્રો વધે તેમાં ખેડૂતોનું હિત છે. ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં જ પોતાનો માલ વેચવો પડે, તો તેમાં છેતરાવાની સંભાવના વધુ છે. ક્યાં, કોને વેચવો તેની આઝાદી આ કાનૂનો આપે છે. તે સામે કહેવાય છે કે ખરીદી ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરો (ખાસ તો અંબાણી-અદાણીના નામે ભડકાવાય) ઊંચા દામ આપી સંગ્રહખોરી કરશે. (આમાં જ ખેડૂતોનું હિત ન દેખાયું? પછી કેમ માની લીધું કે નવા વર્ષે નવો પાક બજારમાં નહીં આવે?) અને દુષ્કાળને કારણે માલની તંગી ઊભી થશે ત્યારે આ પ્રાઇવેટ સેક્ટરો બહુ ઊંચા દામ વસુલશે! હું નથી માનતો કે સંભવિત દુષ્કાળની રાહે સંગ્રહખોરો પોતાનો માલ બગડી જાય તે હદે સંગ્રહીને દેવાળું કાઢવાની મુર્ખાઈ કરે તેવા હશે. વળી સ્પર્ધાત્મક ખરીદીનું વિશાળ ક્ષેત્ર ખેડૂતોને વધુ ભાવ અપાવે છે એટલું જ નહીં, કોઈનીએ પ્રાઈવેટ મોનોપોલીને નિયંત્રણમાં રાખે છે. અંબાણી-અદાણીનીયે!

એક તર્ક કરાય છેઃ પ્રાઇવેટ સેક્ટરોની ખરીદીને સમાપ્ત કરી ખેતપેદાશની તમામ ચીજો સરકાર મેક્સિમમ મૂલ્ય આપીને ખરીદી લે. ધનકુબેરેય ન કરી શકે તેવું કામ કરવાનો પડકાર કરાયો છે, કારણ કે તેમણે સરકારને ભીંસમાં લેવી છે. છતાં ય માનો કે સરકાર વરસોવરસ ઓછામાં ઓછા ત્રીસ ત્રીસ લાખ કરોડ ચૂકવીને બધો માલ ખરીદી લે, તો તે માલની શી દશા થાય, તે કહ્યું છે? આનાથી મોટું એકાધિકારવાદી મોનોપોલીનું બીજું કોઈ દૂષણ કલ્પી શકાય છે? સરકારી અમલદારોના ભ્રષ્ટાચારી તંત્રને કેમ ભૂલી જવાય છે? સરકારી તંત્રથી જેટલા આઘા, તેટલા સલામત છીએ. અણીના સમયે સંબંધિત નોકરો મહિનાની હડતાળ પર ઊતરી જાય તો તેનું કોણ શું બગાડી લેવાનું છે? કેન્દ્રિત બજારુ અર્થવ્યવસ્થામાં ઉછરેલાઓની સામે ગામડાંઓની વિકેન્દ્રિત સ્વાવલંબી અર્થવ્યવસ્થાની વાત મારે કેમ માંડવી? સરકારને ય તે સમજાતી નથી. દુનિયાભરના દેશોએ તેના પર આવવું પડવાનું!

નવા કાનૂન પ્રમાણે કોન્ટ્રેક્ટ ખેતીમાં વધુ લાભ દેખાય તો જ ખેડૂતોએ સ્વેચ્છાએ જોડાવાનું હોય છે. અને લાભ ન દેખાય તો થયેલા કોન્ટ્રાક્ટ રદ્દ કરવાનો ખેડૂતોને અધિકાર છે. કોન્ટ્રાક્ટરે ખેત ઉત્પાદનના વધુ ભાવ મેળવ્યા હોય તો તેનો બે હિસ્સો ખેડૂતોએ નિશ્ચિત અવધિમાં ચૂકવી દેવો પડશે. જમીનના માલિકી હક્ક પરત્વે કોન્ટ્રાક્ટરની દખલઅંદાજી બંધ થાય છે. આ બધી કોન્ટ્રાક્ટરોને ગમતી વાત નથી. અને માર્કેટ યાર્ડના દલાલોને ગમતી વાત નથી કે ખેડૂતોને પોતાનો માલ યાર્ડમાં જ વેચવા બાધ્ય થવું પડે! આ કાનૂનોએ દલાલો અને કોન્ટ્રાક્ટરોની ઊંઘ ઉડાડી દીધી છે. પણ તેણે કાનૂનોનો વિરોધ કરવા જગતાત – ખેડૂતોનું મહોરું પહેરવું પડી રહ્યું છે!

આવા કુતર્કોનો પાર નથી. કહેવાય છે, આવા કાનૂનોનો અધિકાર કેન્દ્રને નથી. આ રાજ્યોનું અધિકાર ક્ષેત્ર છે. પરંતુ રાજ્ય પોતાની ફરજો ભૂલે તો તે પળાવવાની ફરજ કેન્દ્રની છે. કેન્દ્ર સરકાર આમાં બંધારણ વિરુદ્ધ નથી ચાલી.

બન્ને વચ્ચેના વિવાદ સમયે સ્થાનિક ન્યાય સમિતિની જોગવાઈ ખેડૂત તરફે ઢળે છે. તેમાંથી અતિ વિલંબી ન્યાયતંત્રના અન્યાયથી ખેડૂત બચી જાય છે. આવા બીજા વધુ કુતર્કોની ચર્ચા વાચકોને ત્રાસરૂપે ન બને તેથી અટકું છું.                                                     

(માર્ચ ૨૦૨૧)

મુ. પો. માલપરા, વાયા ઢસા, જિ. બોટાદ-૩૬૪ ૭૩૦.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 12-13

Loading

...102030...1,8881,8891,8901,891...1,9001,9101,920...

Search by

Opinion

  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved