Opinion Magazine
Number of visits: 9746892
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાળણો

રવીન્દ્ર પારેખ|Poetry|13 July 2021

આંખ ચાળે છે
યાદને
અને ખરે છે 
આંસુઓ …
આભ
ચાળે છે પાણીને
અને જળકણો વેરાય છે
ધરતી પર
તે
નીચે બેઠી બેઠી 
વેરાયેલું જળ ચાળે છે
અને કસ્તર ઉછાળી મૂકે છે
તે 
ઘાસ થઈને ફૂટે છે …

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

સરકાર બોલવા માટે ને પ્રજા વેઠવા માટે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 July 2021

આમ કોઈનાં નામ દેવાં જેવાં નથી એટલે મંત્રી – એટલું કહેવું જ પૂરતું છે ને જ્યારે બધા જ સરખા હોય ત્યારે કોઈનું નામ ન દઈએ તો ચાલે. હા, કોઈ વિશિષ્ટ કૈં કરે તો નામ દેવાનું ઠીક પણ લાગે. બધા જ સરખા હોય ત્યાં નામ પણ શું દેવાના? મધ્ય પ્રદેશના એક મંત્રીએ પેટ્રોલના ભાવ વધારા સંદર્ભે કહ્યું કે જીવનમાં સમસ્યા ન હોય તો સુખનો ખ્યાલ જ નહીં આવે. દુ:ખ વિના આનંદનો અનુભવ જ નહીં થાય. દુ:ખ આપણને સુખનું મહત્ત્વ સમજાવે છે. કોઈ સંતની વાણી હોય એવી વાત મંત્રીએ કરી છે. મંત્રીએ કેન્દ્ર સરકાર ભાવ વધારાને મામલે નિષ્ફળ ગઈ છે એવું પૂછાતાં કહ્યું કે આ માત્ર તમારા જેવા કેટલાકનું જ માનવું છે, તેઓ જ આવી અફવા ફેલાવે છે.

એમ લાગે છે કે આ દેશ સલાહો, ઉપદેશો, જાહેરાતોથી ખદખદે છે. ખૂબી એ છે કે જે આવે છે તે આપણું ભલું કરવા આવે છે ને પોતાનું ભલું કરીને આગળ નીકળી જાય છે ને આપણે હતા ત્યાંથી વધુ પાછળ જઈ પહોંચીએ છીએ. મધ્ય પ્રદેશના મંત્રીએ દુ:ખ વગર સુખનું મહત્ત્વ નહીં સમજાય એવો ઉપદેશ આપ્યો, પણ તે પ્રજા માટે છે, પોતાને માટે નથી. મંત્રી એટલું તો સમજે છે કે પેટ્રોલનો ભાવ વધારો દુ:ખદાયક તો છે જ, પણ પ્રજાએ તે કોઠે પાડી લેવા જેવો છે. જેમ કોરોના કોઠે પડી ગયો છે, એમ જ પેટ્રોલનો ભાવ પણ કોઠે પડી જશે. પેટ્રોલનો ભાવ વધારો સમસ્યા તો છે જ, પણ સમસ્યા છે તેથી સુખનો ખ્યાલ આવે છે એવું મંત્રીનું કહેવું છે. દુ:ખ નહીં હોય તો આનંદની કિંમત નહીં સમજાય ને આનંદની કિંમત સમજાય એટલે તો પેટ્રોલના ભાવ વધે છે ! મંત્રીનું એમ પણ માનવું છે કે ઈંધણના ભાવ વધારાને મામલે સરકાર નિષ્ફળ ગઈ નથી. જેમને એવું લાગે છે એવા તો ઓછા જ છે. મતલબ કે ભાવ વધારો મોટે ભાગની પ્રજાને માફક આવી ગયો છે. મંત્રીને તો કરોડો કમાવાના મળતા હશે, એટલે ઈંધણનો ભાવ એમને અસર નહીં જ કરે. એટલે જે દુ:ખ મંત્રીને અનુભવાતું નથી તે દુ:ખ લોકોએ વેઠતાં શીખવું જોઈએ એવું સંતમંત્રી કહે છે, તો પ્રશ્ન એ થાય કે સુખનું મહત્ત્વ સમજાય એ માટે પણ સાહેબે થોડું દુ:ખ વેઠવું જોઈએ એવું નહીં? એવી તૈયારી સાહેબ બતાવે તો કેવું સારું ! પણ એમને તો બોલવાનું છે. એ બોલવા માટે ને પ્રજા વેઠવા માટે છે.

આ અગાઉ પણ મધ્ય પ્રદેશના શિક્ષણ મંત્રીએ વધુ ફી ન ભરી શકતા વાલીઓને મરી જવાનું કહ્યું જ છે, તો છત્તીસગઢના પૂર્વ મંત્રીએ પણ કહ્યું છે કે ઈંધણનો ભાવ વધારો માફક ન આવતો હોય તેમણે  ખાવાપીવાનું છોડી દેવું જોઈએ, મતલબ કે મરી જવું જોઈએ. મંત્રીઓ આવી નિર્લજ્જ સલાહો આપે એના કરતાં મોંઘવારી કાબૂ કરવાની પ્રમાણક કોશિશો કરે તો પ્રજા પર ઉપકાર જ થશે.

મંત્રીમંડળનાં વિસ્તરણ પછી ખાતાંઓ બદલાયાં, એ પછી પણ લૂંટ ઘટી નથી. નવા પેટ્રોલિયમ મંત્રીએ પણ ભાવ વધારવાનું તો ચાલુ જ રાખ્યું છે. માથાના વાળ વધે એમ ભાવો વધે છે. સરકાર કર વધારીને કમાણી કરે તે તો સમજાય, પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારીને લૂંટે તેને પણ કમાણી ગણે એ શરમજનક છે. મજબૂરીથી ભાવ વધારવા પડે એનો વાંધો ન હોય, પણ બેશરમી અને નફફટાઈથી ભાવ વધારો થાય એ લૂંટથી પણ બદતર ગુનાહિત કૃત્ય છે. છેલ્લા છ મહિનામાં 4.91 લાખ કરોડની લૂંટ સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારીને ચલાવી છે ને એને એ કમાણી ગણાવે છે તે દુ:ખદ છે.

આશ્ચર્ય તો એનું પણ છે કે ભાવવધારો માત્ર વિપક્ષોને જ લાગે છે. એ જુદી જુદી રીતે ભાવવધારાનો વિરોધ કરે છે ને તેને તેમ કરતાં અટકાવવામાં આવે છે કે તેની ધરપકડ થાય છે, તો સવાલ એ થાય કે શાસક પક્ષના સભ્યોને પેટ્રોલ, દૂધ, કઠોળ, શાકભાજી મફત મળે છે કે એમનું સરકાર પૂરું કરે છે કે કોઈ ગુપ્ત રાહત મળે છે કે ભાવ વધારો નડતો જ નથી? એવું તો કેમ માનવું કે શાસક પક્ષનો કોઈ સભ્ય પેટ્રોલ પુરાવે તો તેનું બિલ નહીં ફાટે? ખબર નથી પડતી કે મોંઘવારી વિપક્ષને જ કેમ નડે છે? જો, મોંઘવારી ખરેખર હોય તો એ તો શાસક પક્ષને કે કોઈ પક્ષમાં ન હોય તેવી પ્રજાને પણ લાગેને ! ભા.જ.પ.ના કોઈ સભ્યને દૂધ લિટરે બે રૂપિયા મોંઘું થયું કે પેટ્રોલ શ્રીગંગાનગરમાં 112 રૂપિયે લિટર થયું એ નડે જ નહીં એ કેવું? કે એ સૌને સરકારી સાલિયાણું મળે છે? જો નહીં, તો એમને મોંઘવારી ન નડવાનું શું કારણ છે? વિશ્વમાં દર મિનિટે 11 લોકો ભૂખે મરી જતાં હોય ને અહીં કારમી ગરીબી અનેકોનો ભોગ લેતી હોય એ પીડા સરકારને ને પ્રજાને સ્પર્શે જ નહીં એ કેવું?

આપણી મોટા ભાગની પ્રજા અંધવિશ્વાસે જીવે છે. શાસકોમાં તેને ભારોભાર વિશ્વાસ છે. તે પ્રજાનું ખોટું નહીં જ કરે એમ માને છે ને પેટે પાટા બાંધીને પણ જીવવા તૈયાર છે. એ સારી વાત છે, પણ સારું ખરાબ જોવાનું તો બંધ ન કરાય ને ! સારું ખરાબ કૈં સ્પર્શે જ નહીં એવું તો કેમ બને? સારું થાય ત્યારે સરકારને વખાણવી ને નબળું થાય ત્યારે વખોડવી – એ ગુણ જો પ્રજા નહીં વિકસાવે તો તેણે કોઈ પણ પ્રકારનાં શોષણ માટે તૈયાર રહેવું પડશે. લૂંટારાઓ તો તેને લૂંટશે જ, પણ સાધુસંતો પણ તેને ઠગે તો આશ્ચર્ય ન થવું જોઈએ. સરકારમાં વિશ્વાસ હોવો સારી વાત છે, પણ કેવી સરકારમાં તે પણ વિચારવાનું રહે.

વિસ્તરણ પામેલી સરકારમાં 36 નવા મંત્રીઓ ઉમેરાયા છે. તેમણે નવાં સ્થાન પર હજી કોઈ કામ શરૂ પણ નથી કર્યું ત્યાં તો તેમની આરતી ઉતારવાનું શરૂ થઈ ગયું છે. કોઈ કામ થયું હોય તો તેની પ્રશંસા થાય તે સમજાય, પણ ખુરશી પર બેસવાની પણ જાહેરાતો? રોજ જ દર્શન દેવાની આ ટેવ વડા પ્રધાને પાડી છે, એમનું જોઈને મંત્રીઓ પણ પ્રાકટ્ય મહોત્સવો ઉજવવાનું ચૂકતા નથી. આ કોઈ રીતે યોગ્ય નથી. આ મહોત્સવો કરોડોમાં પડે છે. કાલ ઊઠીને પટાવાળો પણ પાટોત્સવ ઊજવે તો નવાઈ નહીં ! એ પણ ખોટી રીતે કમાઈને ઊઘડતે પાને મંગળાની આરતી ઉતરાવે તો આપણે તો ભાવિક ભક્તોની જેમ દર્શનનો લાભ જ લેવાનો રહે. વિસ્તારાયેલા મંત્રીમંડળમાં 42 ટકા મંત્રીઓ દાગી છે. 78માંથી 33 મંત્રીઓનાં નામ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે. એમના પર હત્યાના, હત્યાની કોશિશનાં, લૂંટ વગેરેના કેસો ચાલે છે. નવું મંત્રીમંડળ યુવા અને શિક્ષિત હશે, પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ સંડોવાયેલું છે ને પ્રજા જોયા મૂક્યા વગર વિશ્વાસે વહાણ ચલાવ્યે રાખે એ કમનસીબી છે. એ નથી સમજાતું કે પ્રજા આટલી નિર્માલ્ય કેમ છે? તે સજીવ છે તેની પ્રતીતિ કેમ થતી નથી?

એનાં બે કારણો હોઈ શકે. પ્રજા ક્યાં તો આઘાતોથી મૂઢ થઈ ગઈ હોય અને સાચુંખોટું સમજવાની શક્તિ ગુમાવી દેતાં ચૂપ થઈ ગઈ હોય એમ બને. તે એ વિશ્વાસે પણ હોય કે ગમે તેવી સ્થિતિમાં પણ તેને ઉગારનારું કોઈ આવી ચડશે. ક્યાં તો તે સરકારથી ચાર ચાસણી ચડે એવી હોય કે સરકારે છો લૂંટવું હોય એટલું લૂંટે, તે તો ગમે ત્યાંથી સરકાર સહિત અનેકને છેતરીને તળિયું ટાઢું કરી જ લેશે. આવું હોય તો પેટ્રોલ હજાર રૂપિયે લિટર થાય તો પણ તેના પેટનું પાણી નહીં હાલે. જે વેઠે છે તે વેઠાય ત્યાં સુધી વેઠશે ને નહીં વેઠાય તો આપઘાત કરતાં તેને કોણ રોકે છે? જીવવા માટે તેની પાસે એક માર્ગ નહીં હોય, પણ મરવા માટે અનેક માર્ગો હશે.

એમ લાગે છે કે સરકારને યોજનાઓની જાહેરાતમાં છે એટલો રસ યોજનાઓમાં નથી. રસીકરણની જાહેરાત તો કરી દે છે ને બધાંને રસી મુકાવવાનો આગ્રહ પણ કરે છે, પણ તે મુકાય છે કે કેમ તેની ચિંતા તે કરતી નથી, નહિતર રસી અમુક દિવસ બંધ રહેવાની જાહેરાત સરકાર શું કામ કરે? સરકાર જો ચોક્કસ હોય તો એવું તો ન જ બનેને કે લોકો રસી મુકાવવા જાય ને ધક્કા ખાઈને પાછા ફરે? લોકો આવી ઢીલાશને ચલાવી લે છે ને પછી સમસમીને રહી જાય છે તે કાયરતાનું જ પરિણામ છે. કદાચ લોકો વધારે જવાબદાર છે. પ્રજાને પેટ્રોલ મોંઘું લાગે જ છે, દૂધ, તેલ, અનાજ, કઠોળ વગેરેમાં લોકોનો પનો ટૂંકો પડે જ છે, પણ પક્ષની વફાદારી આડે આવતી હોય એવું બને ને એ જ કારણે કદાચ તે વેઠી રહી છે. સરકારે કમસેકમ એની દયા ખાઈને પણ મોંઘવારી ઘટાડવા કૈં કરવું જોઈએ, એવું  નથી લાગતું?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 જુલાઈ 2021

Loading

એક મિત્રના કા’ન પેલા ગીતાના કા’નાની ખોટ પૂરે છે!

વિજય ભટ્ટ|Opinion - Opinion|12 July 2021

ફ્રાઈડેની સાંજ, સરસ પવન, બેકયાર્ડમાં બેસીને, મારો પ્રિય રેડ-વાઈન, જે હું નાપા વેલી વાઈન કન્ટ્રીમાંથી ખાસ લાવ્યો હતો, તેની લિજ્જત લેતો હતો, અને સાથે હતી ભરૂચી સિકંદરની શિંગ!

અચાનક જ મિત્ર મહેશનો ફોન આવ્યો. સહેજ કેમ છો, કેમ નહિ, આમ તેમ વાત. લાગ્યું કે તે વાતો કરવાના મૂડમાં હતો. પછી તો તરત જ એ માંડ્યો બોલવા. જાણે બોલવે ચઢ્યો. પોતાના બધાં જ પ્રશ્નો, મૂંઝવણ, ઘરની, કામની, પત્નીની, અને બોસની ફરિયાદ. એક પછી એક અનેક, એકી શ્વાસે!

મને મજા આવતી હતી. નહિ કેમ કે તેને ઘણી મુશ્કેલીઓ હતી. નહિ કેમ કે તે ફરિયાદ કરતો હતો. પણ કારણ કે હું મારો પ્રિય વાઈન, સાથે સિકંદરની શિંગ, અને એક મિત્ર સાથે નિરાંતે વાતો કરતો હતો, તે પણ ફ્રાઈડે સાંજે!

જો કે માર્ચ ૨૦૨૦ પછી આજ સુધી સોમવાર અને શુક્રવારમાં ખાસ ફરક નથી હોતો. તો પણ, જેમ કહે છે ને TGIF! (થેન્ક ગોડ ઈટ ઇસ ફ્રાઈડે!)

મારી પાસે સમય જ સમય હતો તેના માટે. તેનો એકધારો એકતરફી સંવાદ, જો કે સંવાદ જ્યારે બે વ્યક્તિ વાત કરે ત્યારે ગણાય. આ તો મોનોલોગ કહી શકાય, ડાયલોગ નહિ. અમુક વાત પત્ની વિશે, તો વાત જાય બોસની ફરિયાદ પર, અને બીજી મૂંઝવણો. બધી જ વાતમાં અને બધાને વિષે જેમ અગ્નિશામક પાઇપનો આખો નળ ખૂલી ગયો હોય તેમ ધોધમાર, વિના સંકોચે, ખુલ્લી તલવારથી ફરિયાદ અને ભાંડે.

હું અવારનવાર "હા" .. "હં" .. "યસ"… "બરાબર" .."યસ" બોલ્યા કરતો, તેથી તેની વાગ્ધારાને ટેકો મળતો રહેતો. જાણે ઘણા વખતથી બોલવાનો ભૂખ્યો થયેલ અને પોતાની આપવિતી સંભળાવવા તત્પર માણસને કોઈ કાંઈ પૂછે અને એ જેમ તૂટી પડે, તેમ જ.

'બેફામ'ની ગઝલનો શેર યાદ આવી ગયો :

"થાય સરખામણી તો ઉતારતા છીએ તે છતાં આબરૂને દીપાવી દીધી ..
કોણ જાણે હશે કેવી વર્ષો જૂની જિંદગીમાં અસર એક તન્હાઇની,
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું કેમ છો, તેને આખી કહાની સુણાવી દીધી."

સાચે જ જો મેં પૂરેપૂરા ધ્યાનથી સાંભળ્યું હોત, તો મને બધી જ વાત પૂરા સંદર્ભથી સમજણ પડત. પણ શું ખરેખર એવા ધ્યાનથી સાંભળવાની જરૂરિયાત હતી, તેને કે મને? ના. હું માત્ર એક સારા મિત્ર તરીકે વર્તાતો હતો, પણ એક આદર્શ અને ધ્યાનસ્થ શ્રોતા તરીકે તો નહીં જ. છતાં કોઈ માણસ પિસ્તાલીસ મિનિટ સુધી એકધારી જુદી જુદી ફરિયાદ અને ગાથા ચલાવે રાખે, તે સાબિતી છે કે તે માણસને કાંઈક કહેવું છે!

ખેર, જે હોય તે. હજી સુધી તો મેં માત્ર સાંભળ્યું. મેં કોઈ સૂચન કે સલાહ આપી ન હતી.

હું તો હતો માત્ર તેની કહાનીનો, તેના પ્રશ્નોનો, એક માત્ર રડ્યો ખડયો, ઝપાટામાં આવી ગયેલો સહાનુભૂત શ્રોતા!  

હું રાહ જોતો હતો કે તે જરા થંભે તો હું કાંઈ કહું. મારું શાણપણ બતાવી હું તેને કાંઈક એવું આપું જે મફત આપવા મોટા ભાગના લોકો તત્પર હોય છે તે – 'સલાહ'! મારા વર્ષોના નીવડેલ અનુભવની મહામૂલી મૂડીના ખજાનામાંથી કાઢીને એક બે સલાહરૂપી જણસો તેને આપવા હું પિસ્તાલીસ મિનિટથી રાહ જોતો રહ્યો.

તેની આટલી લાંબી વાતો કાંઈ ફોગટમાં થોડી સાંભળી છે?

પણ મારું આજનું નસીબ માત્ર સરસ રેડ વાઈન અને સિકંદરની શિંગ પૂરતું જ મર્યાદિત હતું. મારી મૂલ્યવાન મફત સલાહ એક જરૂરમંદ મિત્રને વહેંચવા જેટલું મારું સદ્ભાગ્ય મારી આજની કુંડળીમાં ન હતું !

છેવટે તે થોભ્યો. મને કહે "વિજય, થેન્ક યુ, આજે એટલું બધું સારું લાગ્યું કે આપણે બે મિત્રો એકબીજાને આપણા પ્રશ્નોની વાત કરી અને એક બીજાને (!) સલાહ આપી.  કેમ ચાલે છે બીજું? કેમ છે પત્ની, બાળકો? તું, યાર, લકી છે. ખેર, કાંઈ પણ કામકાજ હોય તો કહે જે. સંભાળજે. સમય બહુ ખરાબ છે. આજે આપણે ગપ્પા માર્યા એટલે સારું લાગ્યું. બહુ ચિંતા કરવી નહીં. બધું બરાબર થઈ જશે. બસ, આ સમય નીકળી જાય એટલે છૂટ્યા!" આમ એણે મને સલાહ આપી. એ બોલ્યા જ કર્યો. હું હજી કાંઈ મારા તરફથી કહું ત્યાં તો તેણે કહ્યું "ચાલ, બાય, થેન્ક યુ.” એણે ફોન મૂકી દીધો.

મને થયું, કે બે કે ત્રણ પૂરા વાક્ય બોલ્યા વગર જ, મેં મારા મિત્રને કેટલું સારું લાગે તેવી મદદ કરી! તેને પ્રશ્નો હતા, પણ તેને શું ખરેખર તેના પ્રશ્નોના જવાબ કે નિરાકરણ જોઈતા હતા? ના. તેણે મને સલાહ લેવા કે જ્ઞાન લેવા ફોન કર્યો હતો? ના. તેને માત્ર જરૂર હતી બે કાનની! સહાનુભૂતિપૂર્ણ, ધીરજ વાળા કાનની.

એક એવો જણ જે તેને 'સંભળાવે નહિ' પણ તેને 'સાંભળે'!  

આ કોવિડ કાળમાં, બધાને અનેક મૂંઝવણ અને પ્રશ્નો છે. પણ મોટિવેશનલ સ્પીકરસને બદલે  જરૂર છે મોટિવેશનલ લિસનર્સની!

અહો રૂપમ્‌ અહો ધ્વનિ જેવા, નવા ફૂટી નીકળેલ ડેલ કાર્નેગીઓ, ઓન લાઈન ભાષણકારો, પૉવર પોઇન્ટ  પ્રેઝન્ટેશન્સ, લાઈફ કોચિંગ એડવાઈઝર, ઝૂમ અને યુટબ પરના જ્ઞાનીઓ, કરતાં  જીવંત અને પ્રત્યક્ષ 'સાંભળનાર કા'ન'ની જરૂર છે.

એક મિત્રના કા'ન પેલા ગીતાના કા'નાની ખોટ પૂરે છે!

બાય ધ વે, હું દરેક શુક્રવારે સાંજે છ પછી ફ્રી જ હોઉં છું, સાંભળવા. શરત એટલી કે રેડ વાઈન નાપા વેલીનો અને શિંગ ભરૂચી, સિકંદરની શિંગ હોવી હોવી જરૂરી છે.

July 10th  2021

e.mail : vijaybhatt01@gmail.com

Loading

...102030...1,8861,8871,8881,889...1,9001,9101,920...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved