Opinion Magazine
Number of visits: 9676173
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

– ત્યાં સુધી ગંગા ‘શબવાહિની’ રહેશે

ભાલેન્દુ દેસાઈ|Opinion - Opinion|17 July 2021

૧ જૂન, ૨૦૨૧ અને ૧૬ જૂન બન્ને અંકોમાં ‘શબવાહિની ગંગા’ વિષે લગભગ બધા જ લેખ વાંચ્યા. ૧૬ જૂનના અંક પહેલા જ મારા મિત્ર ડંકેશભાઈ ઓઝાએ કવિતા મને મોકલી આપી હતી. આ વિશે મારે થોડુંક કહેવાનું છે, તે હું જણાવું છું.

ગંગાજી બધા ભારતીય માટે પૂજ્ય છે, અને દેશ માટે ઘણી જ ઉપયોગી છે. દરેક ભારતીયને ગંગાજીનાં દર્શન કરવાની હોંશ હોય છે. મારે સારે નસીબે મને મારી નોકરી દરમિયાન જુદે જુદે ઠેકાણે જવાનું થતું હોવાથી મને ગંગાદર્શનનો લાભ શરૂઆતથી અને સહેલાઈથી મળતો રહેતો.

સન ૧૯૫૭માં જ્યારે મારે તાલીમ અર્થે પંદર દિવસ કોલકાતા જવાનું થયું, ત્યારે પહેલી વખત ગંગાજીનાં દર્શન પામ્યો. તે સમય દરમિયાન લગભગ આઠ વખત ગંગાકિનારે જઈ શક્યો હાવરાબ્રિજથી કાલીઘાટ સુધી કિનારે ફરવાનું પણ બન્યું. એક વખત પ્રિન્સેપઘાટ ઉપર બેઠો હતો, ત્યાં એકાએક એક શબ તરતું, વહી જતું જોયું. મને થયું કે કોઈએ ગંગાજીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હશે.

ત્યાર બાદ, થોડેથોડે સમયે હરદ્વાર, કાનપુર, અલાહાબાદ, બનારસ, પટણા, વગેરે જગ્યાયે પણ ગંગાજીના દર્શનનો લાભ મળ્યો હતો. ૧૯૬૭માં હું કાનપુર ૧૫ દિવસ માટે ગયો હતો. ત્યાંનો એક પ્રસંગ મનમાં ઘર કરી બેઠો છે. કાનપુરમાં હું આર્મી કેન્ટોનમેન્ટના ગેસ્ટહાઉસમાં ઊતરેલો. ગામની લગભગ બહાર ગંગાજીથી માંડ બે ફર્લાંગ દૂર હતું. કિનારે, કાંઠોઘાટ શાંત અને બેઠકોની સગવડવાળો હતો. પહેલી વખતે દર્શન માટે ગયો, ત્યારે ગેસ્ટહાઉસનો મૅનેજર, જે કાનપુરનો જ રહેવાસી હતો, તે ભોમિયા તરીકે મારી સાથે આવ્યો હતો. અમે બન્ને કિનારે વાતો કરતા બેઠા હતા ને દસ મિનિટમાં હું શું જોઉં છું? પહેલા એક શબ નદીમાં વહેતું જતું હતું. ત્યાર બાદ બીજી પાંચ મિનિટમાં એક સાથે બીજાં બે શબ વહી જતાં દેખાયાં. પછી થોડી મિનિટમાં બીજું એક શબ આમ જ વહેતું ચાલ્યું. મને સખત આંચકો લાગ્યો. મારાથી બોલી જવાયું, “યે સબ ક્યા હો રહા હૈ?” મારા સાથીએ મડદા તરફ જોઈને કહ્યું ‘ઇસમેં કૌનસી નઈ બાતી હૈ? યે તો રોજ હોતા રહેતા હૈ”. હું અડધી મિનિટ અચંબામાં એની તરફ જોઈ રહ્યો, ત્યારે એણે કહ્યું, ગંગા-પ્રદેશ ગંગાજીની આજુબાજુ રહેતા ખૂબ ગરીબ લોકોને સ્મશાનના પાંચ-દસ રૂપિયા ખર્ચ પોસાતો નથી ત્યારે એ લોકો શબને ગંગાજીમાં વિસર્જિત કરે છે. ગંગાજીમાં એમને માટે શબ-વિસર્જનનું એક સાધન છે, આશરો છે.” પછીના ચોવીસ કલાક સુધી આની અસર મારા ઉપર રહી. પછી તો બીજી ચાર વખત મેં ગંગાકિનારેથી એક-બે શબ વહી જતાં જોયાં. આવું જ દૃશ્ય મેં અલહાબાદ, બનારસ, પટણા ખાતે પણ જોયું.

ભારતમાં અતિ ગરીબ પ્રજા જે ગંગાજી પાસે રહે છે તેમને માટે ગંગાજી આમ એક સાધન છે, એવો ખ્યાલ આપણને આવતો જ નથી. ભારત જ્યારે આઝાદ થયું, ત્યારે ૩૦ કરોડની વસ્તીમાં લગભગ ૬૫.૧ (ટકા) એટલે કે ૧૯ કરોડ લોકો ગરીબી રેખાની નીચે જીવતા હતા, આ “ગરીબી રેખા” એટલે શું? કૅલેરી-બેલેરીની વાત છોડીને આની સીધીસાદી, બધાને સમજાય એવી વાત કરીએ. વ્યક્તિ, કુટુંબ જ એટલું કમાતું ન હોય કે બે ટંક જમી શકે, એટલે કે કમાણી એટલી જ કે બીજી ટંક જમવાનું પોસાય નહીં, એટલે રોજ સાંજે ખાધાપીધા વગર ભૂખે પેટે જ સૂઈ જવું પડે તે ગરીબી રેખાની નીચે ગણાય.

આઝાદી પછી ૧૯૯૧ સુધીમાં ઘણી બધી પંચવર્ષીય યોજનાઓ થઈ, પ્રોજેક્ટો અને લોકકલ્યાણની યોજનાઓ અમલી થઈ. ‘ગરીબી હટાવો’ના નારા બધા જ રાજકીય પક્ષોએ અપનાવ્યા અને વચનો આપ્યાં. પરિણામ શું આવ્યું? ૧૯૯૧માં ભારતની વસતી ૧૦૦ (સો) કરોડે પહોંચી, એમાંથી ૨૮% (અઠ્યાવીસ ટકા) લોકો ‘ગરીબી રેખા નીચે’ જીવતા હતા. ૬૫% ટકામાંથી આપણે ૨૮% ટકા લાવી શક્યા એ સિદ્ધિ(?)નાં બણગાં ફૂંકાયાં પ્રગતિ થઈ, પણ ‘ભૂખ્યા સૂતા’ મનુષ્યોની વસ્તી આપણા દેશમાં ૧૯ કરોડથી વધી ૨૮ કરોડ થઈ ગઈ. ટકાવારીમાં પ્રગતિ થઈ, પણ ટકાને ભૂખ્યા સૂવું પડતું નથી ૨૮ કરોડ દારુણ ગરીબીવાળી વસ્તીએ ભૂખેપેટે સૂવું પડે છે. આ કઈ જાતની પ્રગતિ? ત્યારે પછી ૨૦૧૫-૧૬ના અંદાજિત આંકડા મુજબ વસ્તી ૧૨૦ કરોડ પહોંચી અને ગરીબીરેખા નીચે રહેતા લોકોની સંખ્યા ૨૩ ટકા એટલે કે ૨૭ કરોડ રહી. ૨૭ કરોડ લોકો ભૂખે પેટે સૂવા ગયા.

આપણે ત્યાં અત્યંત જમણેથી માંડીને અત્યંત ડાબેરી પક્ષો, પાર્ટીઓ, સંગઠનો આ પ્રશ્ન બાબતમાં બૂમાબૂમ કરે છે, પણ કોઈ ઠોસ કાર્યક્રમ આ પ્રશ્નને ઉકેલવા અમલમાં મૂકતાં નથી. આપણો મધ્યમવર્ગ (અને ઉપલો વર્ગ પણ) કે જે ખાધે-પીધે અને પૈસટકે સુખી છે, તેને આ ભીષણ ગરીબીની વાત કે ચર્ચા પ્રત્યે સખત અણગમો છે. યા તો આની ચર્ચા કરતા જ નથી, ટાળે છે. અથવા તો ચર્ચા થાય તો આડે માર્ગે દોરી જાય છે, બધા જ પક્ષો, પાર્ટીઓ સત્તામાં હોય, ત્યારે ફક્ત પોતાની છબી સારી રહે કે સુધરે એટલું (મને કમને) કરતાં હોય એવો દેખાવ કરે છે. ઉપલા અને મધ્યમવર્ગને તો ભારતની આ ભીષણ ગરીબી પ્રત્યે ‘આંખઆડા કાન’ કરવાનું સદી ગયું છે.

કોરોનાના ભયંકર રોગચાળામાં ખૂબ મોત થયાં. એમાં ખૂબ ગરીબ લોકો કે જે દવાદારૂ હૉસ્પિટલ વગેરેના ખર્ચા વેઠી શકે એવા હતા, તે પ્રમાણમાં વધુ મર્યા. સ્મશાનમાં દેહની અંતિમક્રિયાનો ખર્ચ રૂ. ૨૦૦થી રૂ. ૫૦૦ સુધી પહોંચી ગયો. આટલો મોટો ખર્ચ ગરીબ કુટુંબને ક્યાંથી પરવડે? એટલે એ ગરીબ કુટુંબો માટે (કે જે ગંગા કિનારે તે આસપાસ રહેતા હોય) ગંગાજી જ શબવિસર્જનનું સાધન રહ્યું છે. જેમ મૃત્યુ વધારે તેમ ગંગાજીના વહેતા મૂકેલા શબની સંખ્યા પણ વધારે.

આમ, ગંગાજી ભારત માટે ઘણી બધી રીતે ઉપયોગી અને આશીર્વાદરૂપ છે. પણ જ્યાં સુધી આપણે આ દારુણ, ભીષણ ગરીબી ઓછી નહીં કરીએ (નાબૂદીની તો વાત જ શી કરવી) ત્યાં સુધી ગંગાજી ‘શબવાહિની’ છે અને ‘શબવાહિની’ રહેશે.

ઇ-મેઇલ : mohinidesai1937@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 09

Loading

માનવમન પર કોરોનાનો પ્રભાવ

વાસુદેવ મ. વોરા|Opinion - Opinion|17 July 2021

એ વાત સાચી કે સમય ગતિશીલ છે અને તે સાથે પરિવર્તન તે તેની અસર હોય છે, પરંતુ માનવમન પર કોરોના મહામારીની ઘટનાએ જે અસર કરી છે, તેથી પરિવર્તનની એક વણકલ્પેલી સ્થિતિ સર્જાઈ છે. અસાધારણ એવી સામાજિક હતાશાની ગર્તામાં માનવી ધકેલાઈ ગયો ! માનવસમાજ માટે ભૌતિક વિકાસની અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચીને આ સ્થિતિનો અનુભવ તે પીડાદાયી ઘટના છે.

વૈશ્વિક રીતે માનવસમુદાય માટે આ એક તકલીફરૂપ મનઃ ચૈતસિક પ્રભાવ બની રહ્યો છે. ખુદના અસ્તિત્વ માટે એકાએક ઊભી થયેલી કટોકટીમાં મનુષ્ય ફસાઈ ગયો. અપાર લોકસમૂહો માટે ગંભીર આર્થિક, સામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ ખડી થઈ ગઈ. આ મહામારીમાં જેમણે પોતાનાં સ્વજનોને ગુમાવ્યાં છે, તેમની વસમી પીડા તો અનુભવે જ સમજાય તેવી દુઃખદ ને કરુણાજનક હોય છે. હૉસ્પિટલમાંથી મૃતદેહ ઘરે પણ ન લાવી શકાય તે સ્વજનની વિદાય હૈયું કેમ કરી સ્વીકારી શકે ? આ ઘા મનનાં પડળોને વટાવી ઊંડો અંતરમાં ધરબાઈ જાય છે! માનસિક સ્તરને વળોટીને ચેતના સુધ્ધાંને સ્પર્શી જતો તે અનુભવ છે. વિકાસ અને અસ્તિત્વ એવી છેડાની બે સ્થિતિ વચ્ચે અટવાઈ ગયા, તેવો અહેસાસ કરાવતી આ વાસ્તવિકતાના મૂળ સ્વરૂપને સ્પષ્ટ રીતે ઓળખવાની આપણે દરકાર કરવી જોઈએ, તે સમજવું જરૂરી છે.

આધુનિક રાજનીતિનો સૌથી ઘૃણાસ્પદ ચહેરો આ મહામારીમાં પ્રદર્શિત થઈ ગયો છે. યુદ્ધવિહીન શાંત સમયમાં બનેલી અને પૂરી દુનિયાને ભરડો લઈ લેતી આ અકલ્પનીય ઘટનાના વાસ્તવિક મૂળ કારણની શોધમાં વિશ્વસનીયતા પેદા કરવામાં આ એકવીસમી સદીનો માનવી નિષ્ફળ પુરવાર થઈ રહ્યો છે ! સામાન્ય રીતે એવું સમજાય છે કે, માનવસ્વભાવની જડ પ્રકૃતિના પ્રબળ પ્રભાવનું વૈશ્વિક પરિણામ તે આ કોરોનાની મહામારીનો અનુભવ છે. લોકોની પ્રાથમિક સાવચેતીમાં જડતા અને ખાનપાનની વૃત્તિ-પ્રવૃત્તિથી લઈને રાજસત્તાઓનાં પ્રમાદ, લોભ, અહંકાર અને વૈમનસ્ય સુધી વ્યાપક રીતે પ્રસરેલી કુંઠિત માનસિકતાનાં આવાં વલણને લીધે સમસ્ત માનવજગત આ મહામારીનો ભોગ બની ગયું છે, તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

મનુષ્યસમાજ આધુનિક બની ગયો છે તથા વિજ્ઞાન અને તંત્રવિજ્ઞાનમાં ચરમસીમાએ પહોંચી ગયો છે, તે તથ્ય તેમ જ તેનાં પ્રભાવનાં પરિબળ સાથે, એક વરવી વાસ્તવિકતા હવે સ્પષ્ટ રીતે નજર સામે આવી ગઈ છે. એક માનવસમૂહ પશુતાના પ્રાથમિક સ્વભાવમાં જ ડૂબેલો રહીને ઝડપથી વિકસતી આ શક્તિશાળી આધુનિક વ્યવસ્થાનો બેફામ લાભ ઉઠાવવા મથી રહ્યો છે. પરિણામે, માનવ ઇતિહાસમાં સૌથી વધુ તીવ્ર ભિન્નતા ધરાવતા એવા બે માનવસમાજ આજે સહઅસ્તિત્વ ધરાવી રહ્યા છે. એક કે જે ચેતનામય બૌદ્ધિક અભિગમથી માનવીય ગુણવિકાસ અને તેને અનુરૂપ વ્યવહારમાં પ્રગતિ માટે મથામણ કરે છે તેવા અને બીજા જે માનવીય ગુણવિકાસના બૌદ્ધિક અભિગમમાં જડ સ્વભાવના સ્તરે છે તેવા. વળી આ બીજા પ્રકારના લોકો મહત્તમ રીતે સત્તાની વિશાળ શક્તિઓ પણ ધરાવતા હોય છે. આ રીતની અસમાનતાની અનિવાર્ય અસરો સૌને ભોગવવી પડે તે સ્વાભાવિક છે. જીવનના દરેક ક્ષેત્રમાં તે અસમાનતાનો પ્રભાવ બન્ને તરફના સમૂહોમાં પડતો હોય છે. તેની અસર સામાજિક વિકાસના દરેક ક્ષેત્રમાં અડચણરૂપ બનતી હોવા છતાં, તે વિશે ચિંતત બનવાની અનિવાર્યતા ક્યારે ય આ શક્તિશાળી સમૂહોને તીવ્રતાથી અનુભવાતી નથી.

આ તથ્ય એ સ્પષ્ટ કરવા માટે પર્યાપ્ત છે કે અશિક્ષિત, વંચિત ને શોષિત બહુજન માનવસમૂહ પ્રત્યે શક્તિશાળી સમાજે, પોતાના સ્વાર્થી હેતુથી ઉપેક્ષા સેવીને તેની હંમેશાં અવગણના કરવાનું પસંદ કરેલું છે. તેટલું જ નહીં, આ શોષક ને શક્તિશાળી સમૂહ તેની તે દશાનો પોતાના લાભમાં ઉપયોગ કરવામાં અચકાયો નથી. વંચિત લોકોની નબળાનો વિકાસના ઓઠાં તળે ગેરઉપયોગ કરીને વાસ્તવમાં સતત તેવા લોકસમૂહની આહુતિ જ અપાતી રહી છે. ભારત જેવા ઘણા ખરા લોકશાહી દેશોની ચૂંટણીની રીતરસમ અને તે રીતે બનતી સરકારોની ચાલચલગત તે આ બાબતનું પ્રબળ ઉદાહરણ છે.

આ ચર્ચા વધુ એક વ્યાપક વિચારધારા સાથે પણ જોડાયેલી સ્પષ્ટ બને છે. ‘હિંદસ્વરાજ’ પુસ્તકમાં મહાત્મા ગાંધી જે મુદ્દો ઉઠાવે છે, તે ખરો વિકાસ એટલે શું તે માટે અગત્યની ચોખવટની હવે જરૂર ઊભી થાય છે. મતલબ કે વિકાસની પ્રક્રિયાની સાચી રીત અને દિશા વિશે વધુ ચોક્કસ અભિગમનો હવે સમય આવી ગયો ગણાય.

આધુનિક સમાજવિકાસની મુખ્ય મુશ્કેલી તેના ભૂલભરેલા બૌદ્ધિક વ્યવહારની સમજણ છે. માહિતીસંચાર વ્યવસ્થાપન – ઇન્ફૉર્મેશન ટેક્‌નોલૉજીની અદ્‌ભુત આધુનિક ઉપલબ્ધતાના સમયમાં પણ આપણે વિકાસની કંગાલિયતનો ભોગ બનવાની વિડંબના અનુભવી રહ્યા છીએ! તેથી તેના મૂળભૂત સ્વરૂપની તપાસ જરૂરી બને છે. આવનારાં ચાર-પાંચ વર્ષમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજનન્સ થકી સામાજિક-આર્થિક વ્યવસ્થાઓ પર ગંભીર અસરો ઊભી થવાની શક્યતા દર્શાવાય છે. આ માહોલમાં, આ બાબત વિજ્ઞાનના તત્ત્વજ્ઞાન(ફિલોસૉફી ઑફ સાયન્સ)ના ક્ષેત્ર સાથે વધુ ઘનિષ્ઠતાથી સંકળાય છે. માનવ માટે વૈજ્ઞાનિક સંશોધનમાં યોગ્ય-અયોગ્ય શું, કેવું ને કેટલું તે એક સવાલ વાસ્તવમાં આવી વ્યવસ્થાના વિરોધમાં ખડો થતો હોય છે. તેનો ઉકેલ લાવવો તે ન્યાય અને સમાનતા માટે કસોટીરૂપ બને છે. સ્વરાજની વાસ્તવિક અર્થમાં સ્વતંત્રતાની સમજ સ્પષ્ટતા પામે છે. એન્થની પરેલ કહે છે, “ગાંધીજીના મતે, સ્વતંત્રતાનાં અન્ય સર્વ પાસાંની એક જ સાથે શોધ કર્યા વગર એક પાસાની પ્રાપ્તિ માટે પ્રયાસ કરવો એ સ્વતંત્રતાના ખ્યાલને વિકૃત બનાવવા બરાબર છે તથા માનવવિકાસની પ્રક્રિયામાં તે બાધક છે.”

શ્રીમદ્‌ ભગવદગીતા આવી જ માનવીય વિડંબના માટે માર્ગદર્શક બની રહે છે. જેઓ ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત છે, એવા માણસોની નિશ્વયાત્મિકાબુદ્ધિ હોતી નથી. પ્રજ્ઞાની સમજ બૌદ્ધ ધર્મમાં સ્પષ્ટતા પામી છે. સાદી સમજણ એ કે માનવીનું મન જ્યારે શાંત, ઇચ્છાઓ અને અપેક્ષાઓથી મુક્ત હોય ત્યારે તેની બુદ્ધિ વધુ સારી રીતે કામ કરે છે.  સ્પષ્ટ અને શાંત મનથી તે સાચી સમજણનો સમતોલ અને શાણપણભર્યો નિર્ણય કરી શકે છે. આવી વ્યક્તિને સંસ્કૃતમાં ધીર કહેવાય છે. તેથી, ખરું શાણપણ તે છે, કે શાંત અને સ્વસ્થ, ધૈર્યશીલ વ્યક્તિ બનવા માટે બુદ્ધિનો ઉપયોગ કરીએ. તે એક શાણો સમાજ બનાવી શકે. આજના વૈશ્વિક સંદર્ભમાં, આ માટે વાસ્તવિક પરિણામની શક્યતા કહો કે જરૂરિયાત કહો તે વાત પણ જાણી લઈએ. “આધુનિક સમયના સવાલોના ઉકેલમાં ભારતીય ચિંતનપ્રણાલી ઉપયોગી પુરવાર થઈ શકે, જો આપણે પોતાને તેનાથી પરિચિત કરી શકીએ.” (પ્રો. ડેનિસ ડાલ્ટન, અમેરિકાના કોલંબિયા યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને ગાંધીવિચારના અભ્યાસી.)

મનુષ્યની પોતાના સ્વરૂપના વિકાસની એટલે કે પરિવર્તનની ગુંજાએશ શારીરિક નહીં, પરંતુ મનોગત સ્થિતિએ જ હોય છે. મતલબ કે અંતઃકરણના સ્તરે પરિવર્તન, બદલાવ કે વિકાસ સંભવિત હોય છે. મનુષ્ય પોતે પોતાના માટે કરી શકે તે આ જ છે. પોતાના શારીરિક તંત્રમાં કોઈ બદલાવ તેના હાથની વાત નથી, તે ઘટના માત્ર નૈસર્ગિક રીતે ઉત્ક્રાન્તિના સ્તરે થતી પ્રક્રિયા હોય છે. એટલે મનુષ્યના સ્વપુરુષાર્થની જે સંભાવના છે, તે મનોગત કહેતાં પોતાનાં અંતઃકરણ સાથે સંકળાયેલી બાબત છે.

માંડુક્યોપનિષદ પ્રમાણે, ‘ભોગ(નાં મુખો)ની જે ક્રિયા થાય છે તે ઇચ્છા થવાથી અને ઇચ્છા સંકલ્પથી જન્મે છે. આ સંકલ્પ પાછળ જ્ઞાન પડ્યું છે. અને ઇચ્છા જેનું જ્ઞાન છે, તેની જ થશે. ઇચ્છાનો ધક્કો લાગશે અંતઃકરણને. અંતઃકરણના ચાર વિભાગ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર.’

આ દાર્શનિક ચિંતન એ વાત સમજાવે છે કે દરેક પ્રાણી તેમ જ જીવ, માત્ર તેની ઇચ્છા કરે છે કે જેની તેને પોતાને સમજ છે. એ સમજણની મર્યાદા પ્રમાણે જ તેના અંતઃકરણના વિભાગ એટલે મન, બુદ્ધિ ને અહંકાર પોતાની પ્રવૃત્તિ કરશે. આ ઇચ્છા માટેના સંકલ્પનું જ્ઞાન ચિત્તમાં સંગ્રહીત થતું હોય છે. તેથી દરેક જીવ પોતાના સ્વભાવની મર્યાદા પ્રમાણે ઇચ્છાઓ ધરાવતો હોય એ તે મુજબનું જીવન વ્યતીત કરતો હોય છે. આ વિગતથી ખરા વિકાસની પાછળનું પ્રાણવાન પરિબળ હવે સમજમાં આવ્યું હશે. વિકાસની પ્રક્રિયામાં માનવીની ખુદની પ્રગતિ કેન્દ્રસ્થાને રહેતી હોય તો ખરો એટલે સાચો માનવીય વિકાસ સંભવ બની શકે. માનવ જેમાં સંસાધન બનાવાય છે, તેવા વર્તમાન આધુનિક વિકાસમાં તેની તો વાત જ નથી હોતી. એટલા માટે સમગ્રતાની અને સમતાના ભાવની સમજણ કેળવવી આધુનિક જીવનવ્યવસ્થા માટે હવે આવશ્યકતા બની રહે છે.

‘અસંતોષઃ શ્રીયોમૂલ’ એમ કહેવાયું છે. ભોગપ્રધાન આધુનિક વિકાસના વૈયક્તિક લાભ માટેની વૃત્તિનું કારણ ‘અદમ્ય ઇચ્છા’ જેને અંગ્રેજી ભાષામાં ડિઝાયર કહે છે તે છે. વિકાસ કરવો હોય તો તમારે ડિઝાયરની આગને સદા જલતી રાખવી જરૂરી છે, તેમ શીખવવામાં આવે છે. અસંતોષ કદી તૃપ્ત નથી થતો. તેમ જ જે માનવસમાજને ઉચ્ચતર જીવનના વિચારોની સમજણ નથી કે તેવી વૃત્તિ કેળવાઈ નથી, તે માનવસમાજને માટે ભોગમય જીવન જ આદર્શ બની રહે તે સ્વાભાવિક છે. સ્વસ્થ માનવજીવન માટે વિવેકપૂર્ણ રીતે યમ અને નિયમને સમજી તેનો રોજિંદા જીવનમાં વ્યવહાર થવો જોઈએ. હવે એ સમજાયું હશે કે શરીરને સાજુંસારું રાખવું તે ખાસ તો મહામારીના સમયમાં જીવતા રહેવા માટે કેટલું બધું અગત્યનું છે ! વિશ્વના ધનાઢ્યો તો આ ઘટનાથી સમજ્યા કે સંપત્તિથી પણ કંઈક વિશેષ છે, જે પૈસા દેતાં પણ ખરીદી નથી શકાતું!

માનવસમાજ સતતપણે લગભગ દરેક સો-સવાસો વર્ષે કોઈ ને કોઈ મહામારીનો ભોગ બનતો રહે છે. તે માટે પછી તેના ઉપાય તરીકે નવી અસરકારક દવા શોધીને તેના વ્યાપક ઉપચારથી આપણે બચી જવાનો પ્રયાસ કરતા આવ્યા છીએ. આ વખતે પણ કોરોનાની વૅક્સિન વિકસાવીને તેના ઝડપી રસીકરણની પ્રવૃત્તિની દુનિયામાં જાણે કે હોડ મચી છે ! સો વર્ષ, બસો વર્ષ પહેલાં પણ મનુષ્ય જે રીતે ઉપાય શોધતો તે જ રીતે તે આજે પણ પુરાણી રીતનું પુનરાવર્તન માત્ર, એ શું માનવ આધુનિક બન્યો કહી શકાય? મનુષ્ય જો આ મહામારીઓની પરંપરામાંથી કોઈ નવી વૈચારિક પ્રક્રિયા સમસ્યાના મૂલગત સ્વરૂપને સમજવાની શીખ નથી પામતો, તો તે સદી બે સદી જૂના મનુષ્યથી વધુ આધુનિક બન્યો કેમ કહેવાય? તાત્કાલિક તો રસીનો પરંપરાગત રીતે ઉપાય આપણે આ વખતે પણ અજમાવવો જ પડે. સવાલ તે નથી; પરંતુ એ છે કે શું આપણે હવે પોતાની માનવ ઇતિહાસની જીવન જીવવાની ચીલાચાલુ સમજ વિષે તલસ્પર્શી તપાસ કરવાનું જરૂરી નથી સમજી શકતા? અન્યથા પણ, પૃથ્વી પરની જૈવિક સૃષ્ટિ અને વાતાવરણને આધુનિક જીવન પદ્ધતિથી થયેલ પારાવાર નુકસાન – સંહાર અને વિનાશ – વિશે તો વિચારણા કરવા મજબૂર બનવું જ પડ્યું છે. કોવિડ-૧૯ની મહામારીને કારણે દુનિયાભરમાં લૉકડાઉનનો જે સિલસિલો ચાલ્યો, તેને લીધે, નાશ પામતી પૃથ્વીની જીવસૃષ્ટિમાં આ એક વર્ષના ટૂંકા ગાળામાં જે અપૂર્વ નવચેતન આવ્યું અને હવામાં શુદ્ધિ થઈ તે આપણી આંખ ઉઘાડી. તેવું અદ્‌ભુત છે ! બી.બી.સી. તરફથી હાલમાં જ પ્રસારિત થયેલી ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘એ યર ધેટ ચેઇન્જ્ડ ધી અર્થ’માં રજૂ થયેલી આ વાસ્તવિક વિગતો અત્યંત ધ્યાનાકર્ષક છે. મતલબ આપણી સમક્ષ પ્રકૃતિએ પોતાના દાવો મજબૂત રીતે સ્પષ્ટ કરી દીધો છે.

વિષ્ણુસહસ્રનામ સ્તોત્રમાં એક-છેલ્લે આવતું નામ ‘સર્વપ્રહરણાયુધઃ’ છે. મનુષ્યના અહંકાર અને અજ્ઞાનનો સંહાર કરવા પ્રભુ પાસે સર્વ પ્રકારનાં આયુધો છે. આ કોરોનાની વર્તમાન ઘટનામાં આપણને તેનો પરિચય મળતો હોય તેવું જણાય છે. જો સમજવાની શક્તિ હજી પણ થોડી ધણી બચી રહી હોય તો સાવધાનીની ઘંટી વાગી ચૂકી છે. પરમાત્માનાં આયુધ આપણને ઊર્ધ્વગામી વિકાસ માટે સક્ષમ પણ બનાવી શકે છે. આજે ટેક્‌નોલૉજીના માનવીય સંવેદનાપ્રેરિત ઉપયોગનું વલણ ચિંતનશીલ યુવાનોમાં પ્રસરતું દેખાઈ રહ્યું છે. કોરોનાકાળમાં સોશિયલ મીડિયા મારફત અસરગ્રસ્તોને અદ્‌ભુત કરુણાસભર મદદગારી હોય કે વર્ષ બે હજાર કોરોના કાળમાં સોશિયલ મીડિયા મારફત અસરગ્રસ્તોને અદ્‌ભુત કરુણાસભર મદદગારી હોય કે વર્ષ બે હજાર અઢારમાં થાઇલેન્ડની એક ગુફામાં દિવસો સુધી ફસાઈ ગયેલાં બાળકોની ઘટના હોય, માનવીય સંવેદનાની વ્યાપક બનતી ભાવના એક ઉજ્જવળ દિશાની ગવાહી પૂરે છે. તે વલણને વિકસાવવામાં અડચણરૂપ પરિબળોને આ આયુધ અવશ્ય ખાળી પણ શકે છે. તે માનવીય વિકાસની ખરી સંભાવના બની શકે. આધુનિક ટેક્‌નોલૉજીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આયોજનમાં જો બૌદ્ધ ધર્મની જ્ઞાનપ્રક્રિયાના સમાયોજનનો પ્રભાવ છે, તો માનવીના નેચરલ ઇન્ટેલિજન્સના સાચા શિક્ષણ માટે પણ તે જ્ઞાનપ્રક્રિયા આપણે કેમ ન અપનાવીએ?

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 10-11

Loading

પેરસીટમોલ

જાગૃત ગાડીત|Opinion - Opinion|17 July 2021

ગઈ ૨૪ મેએ જ્યારે મેં ‘રસીકરણ’ વિશે લેખ મેઇલ કર્યો, ત્યારે સત્યની ક્ષણ નજીક જ હતી. ૨૬મીએ મને તાવ શરૂ થયો. સિઝનલ ફ્લુ હશે! બે દિવસમાં પત્નીને પણ તાવ આવ્યો. ટેસ્ટ કરાવવા ગયો, ત્યારે તો ખાતરી જ હતી કે કોવિડ છે. ચિંતા એ હતી કે ક્યાંક false negative (આશરે ૧૫ ટકા શક્યતા) રિપોર્ટ પકડાવી ન દે. હું પેલાને નાક અને ગળામાં એની સળી વધારે ખોસવાનો આગ્રહ કરતો હતો. છોકરાએ હસતાં-હસતાં થમ્સઅપ કર્યું, ‘કાકા, ચિંતા ના કરો! જે હશે તે આવી જ જશે.’

સાંજે અપેક્ષિત positive રિપોર્ટ આવી ગયો. CT value (બધાંને જાણવી હોય છે!) ૧૭ની આસપાસ હતી. ઓળખીતાઓની પાસેથી થોડાં ચિંતિત સૂચનો મળ્યાં. આટલા ટેસ્ટ કે સ્કૅન કરાવવાં જ જોઈએ વગેરે. પત્નીને મારી થોડી ચિંતા હતી. ૫૭ની ઉંમરે ઘણા જે માટે નિયમિત દવાઓ લેતા હોય છે, તે ક્રોનિક તકલીફો મને પણ છે. પણ હું દવાઓ લેવાને બદલે જીવનપદ્ધતિને થોડી સુધારી પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરું છું. પણ આપણે કંઈ બાપુ નથી. ખાવાપીવાનો લોભ શોખ વધુ છે. સ્થિતિ આંશિક નિયંત્રણમાં રહે છે.

કોરોનામાં અચાનક આમ કે તેમ થઈ જાય એવો મોટો ખોફ ફેલાયેલો છે. Comorbidities બધા જાણે છે. CRP, D-Dimer, CT scan! અમુક દવાઓ તો લેવી જ જોઈએ, એવા અઢળક વૉટ્‌સએપ મૅસેજીસ! પણ મારી પૉલિસી નક્કી હતી. કોવિડ ઍક્યુટ ચેપ છે. થોડો વખત રહીને એની સાઈકલ પૂરી થાય એટલે વિદાય થશે. તાવ કે એવાં બીજાં લક્ષણો આપણામાં પ્રસ્થાપિત લાખો કરોડો વર્ષોથી કેળવાયેલી સંવેદનશીલ ઇમ્યુનિટીનો બચાવ-રિસ્પૉન્સ છે. તેની સાથે બિલકુલ અનિવાર્ય ન હોય ત્યાં સુધી છેડછાડ ન કરી શકાય.

મને નવ દિવસ સાધારણ (દરરોજ ૯૯થી ૧૦૧.૫ સુધી બદલાતો) અને પાંચ દિવસ ઓછો (૯૯થી ૧૦૦) તાવ રહ્યો. તાવ ઉતારવા એક પણ પેરસીટમોલ લીધી નથી. છઠ્ઠા દિવસથી મને થોડી ઉધરસ આવી. સાતમા-આઠમા દિવસથી ઉધરસ સાથે ગળફો (ખારો સ્વાદ) નીકળવાનો શરૂ થયો, જે તાવ ગયા પછી પણ થોડા દિવસ રહ્યું. એ માટે પણ કોઈ દવા લીધી નહીં. સતત એમ જ વાંચ્યું છે કે કોવિડમાં સૂકી ઉધરસ જ આવે છે. પણ મારા કેસમાં ગળફો કાઢવા માટે જ ઉધરસ આવી. ઇમ્યુનિટીને એની રીતે કામ કરવા દો, તો મોટે ભાગે દાખલો સાચો જ ગણે છે.

થોડી તકલીફ જરૂર થઈ. ત્રણચાર દિવસ કોઈ રીતે ઊંઘ આવે નહીં. દિવસે તો મટકું પણ ન મારી શકાય. બેએક (સાતમે-આઠમે) દિવસ ખાસી બેચેની લાગી. ભૂખ ઓછી થઈ. માંડ એક રોટલી કે ભાખરી કે થોડી ખીચડી ખાઈ શકાય. બેએક દિવસ (કદાચ સાતમો-આઠમો) મોઢાનો સ્વાદ ગયો. ભાખરી ખાતાં પૂઠું ચાવતા હોઈએ એવું લાગે. આ અનુભવ આટલો ખતરનાક હશે એ ખબર નહોતી. પણ એ બે દિવસ જ રહ્યું. મુખ્ય વાત એ છે કે તાવ ગયા પછી એક અઠવાડિયામાં બધું સામાન્ય થઈ ગયું.

દિવસમાં અમુક વાર શરીરનું તાપમાન અને ઑક્સિજન સેચ્યુરેશન (SPO2)  જોઈ લેતો હતો. Respiratory rate (RR) પણ સામાન્ય રેન્જમાં જ હતો. પણ આ વાઇરસના ખતરનાક ઇરાદાઓ વિશે એટલી હાઇપ જન્મી છે કે તાર્કિક સમજણ હોવા છતાં ચિંતા થાય કે આ જશે તો ખરો ને? કોઈ જોખમ તો પેદા નહીં થાય ને? સાલું રસી ન લઈને મૂર્ખામી તો નથી કરી ને? ભય એ તાર્કિક અને વૈજ્ઞાનિક સમજણની ઉપર પ્રવર્તે છે એ દેખાયું. ડેનિયલ કાયનેમાન!

દવા ન લો, પણ વિટામિન્સ કે બીજા સપ્લિમેન્ટ તો લો! કોઈ કાઢાઉકાળા તો પીઓ! કમ સે કમ અજમાલવિંગની પોટલી સૂંઘો, નાસ લો, ગરમ પાણીમાં લીંબુ નીચવીને પીઓ! કંઈક તો કરો! બધી સલાહોનો સાભાર અસ્વીકાર! હિતેચ્છુઓને થોડું માઠું લાગે છે, પણ સાચું કહું તો સક્રિય ચેપ વખતે આવું બધું શરીરમાં ઉમેરવું સલાહભર્યું નથી લાગતું.

આજકાલ ‘ઇમ્યુનિટી’ વિશેની આવકારદાયક સભાનતા એકદમ વધી છે. બધાને તાત્કાલિક કંઈ ખાઈને કે પીને ઇમ્યુનિટી વધારી દેવી છે. ગયા વર્ષથી વિવિધ વિટામિન્સ, મિનરલ્સ, અજમો, સૂંઠ, લવિંગ, વિવિધ કાઢા, લીંબુ વગેરે પર ભારે આક્રમણ થયું છે. ઘણા કસરત અને સાદા ખોરાક તરફ પણ વળ્યા છે. પણ ઇમ્યુનિટી તત્કાળ સુધારી કે boost કરી શકાય એવી સિસ્ટમ નથી.

અને શરીરમાં સક્રિય ચેપ હોય ત્યારે ઇમ્યુનિટી વધારવા ન બેસાય. કોવિડમાં મોટા ભાગની જીવલેણ સમસ્યાઓ ઇમ્યુનિટીની અતિ સક્રિયતાથી થઈ છે. નવા વાઇરસની હાજરીમાં શરીરનું Homeostasis સંવેદનશીલ હાઈ એલર્ટ પર સ્ટ્રેસમાં હોય છે. કાયમ જેની ટેવ હોય એવો સાદો ખોરાક અને આરામ સિવાય વધારાની વસ્તુઓ વધુ સંવેદનશીલ બનેલા Homeostasisમાં ભયજનક ખલેલ પાડી શકે. તો બધા કોવિડ પૉઝિટિવ લોકોને સરકાર તરફથી વિટામિન્સ, મિનરલ સપ્લિમેન્ટ, પેરસીટમોલ અને અન્ય દવાઓની એકસરખી કિટ કેમ વહેંચવામાં આવી? એનાથી કેટલા કેસ ખોટી રીતે બગડ્યા એનો કોઈની પાસે હિસાબ કે અભ્યાસ નથી.

‘તમારી હિંમત બહુ છે. વગર દવાએ કોરોનાને હરાવ્યો!’ કોઈ આમ કહે ત્યારે હું ત્રણ સુધારા કરું છું. એક, કોરોનાની આમે ય કોઈ દવા નથી. બીજું, મેં કોરોનાને હરાવ્યો કઈ રીતે? એ તો મસ્તીથી મને ગેસ્ટહાઉસ બનાવીને રહ્યો અને પૂરું આયુષ્ય ભોગવીને ગયો. મીયાંની મીંદડી થઈ બે અઠવાડિયાં ઘરમાં તો હું બેસી રહ્યો. મેં હાકોટા પડકારા કર્યા હોય કે મૂછે તાવ દીધા હોય એવું યાદ આવતું નથી. અને ત્રીજું, દવા ન લેવામાં મારી હિંમત નહીં પણ કાયરતા જવાબદાર છે. શરીરમાં નવો વાઇરસ સક્રિય બન્યો હોય, ત્યારે પૂર્વજો પાસેથી મળેલી અત્યંત સંવેદનશીલ અને બુદ્ધિમાન ઇમ્યુન સિસ્ટમ જે પ્રતિભાવ પેદા કરે, તેની સાથે બિનજરૂરી છેડછાડ કરવાની હિંમત હું બિલકુલ ધરાવતો નથી.

આ યુદ્ધની અવૈજ્ઞાનિક અને હાસ્યાસ્પદ પરિભાષાએ દાટ વાળ્યો છે. ‘કોરોના સામે જંગ’, ‘કોરોના વૉરિયર’! મેડિકલ પ્રોફેશન પણ અમુક અંશે આ પરિભાષાનો ભોગ બન્યો છે. ડૉક્ટરો અને તેમનાં પરિવારજનો વાઇરસના નામથી ડરેલાં દેખાય, ત્યારે સામાન્ય માણસોનું આતંકિત થવું સ્વાભાવિક છે. ભય અને આતંકમાં તાર્કિક રૅશનલ વિચાર પછડાયો છે. ઘણી બિનજરૂરી દોડાદોડ, દવાઓ અને ઇલાજના નામે અંધાધૂંધી થઈ છે. CT Scan, રેમડેસીવિર, હાઇડ્રૉક્સિક્લોરોક્વીન, આઇવરમેક્ટીન, પ્લાઝ્‌મા થેરાપી, પ્લાઝમા ડોનેશન કૅમ્પ! કદી બગડે નહીં એવા ઘણા કેસ એ રીતે બગડ્યા છે. ઘણા ડૉક્ટરોએ આ મહામારીમાં ભારણ હેઠળ અત્યંત ટાંચાં સાધનોથી પ્રશંશનીય કામ કર્યું છે. પણ સૌ પ્રથમ યુદ્ધની પરિભાષાનો વિરોધ કરી chill pill  મીડિયા, સરકાર અને લોકોને ગળાવવાની જરૂર હતી.

સ્વાનુભવથી હું જોઈ શક્યો છું કે કોવિડમાં ઇમ્યુનિટીએ તાવનો સમજણપૂર્વક વ્યૂહાત્મક ઉપયોગ કર્યો છે. તાવ જીવાણુને મારવા આવે છે, એ સૌથી સાદી સમજ છે. પણ તાવના એક કાંકરે શરીર કેટલાં પક્ષી મારે છે, એ ચોક્કસ કોઈ કહી શકે એમ નથી. કોવિડમાં blood-clottingની સમસ્યાઓ ઘણી થઈ. કદાચ hemodynamic stability જાળવવામાં તાવ મહત્ત્વની ભૂમિકા ભજવે. અને તાવ ફક્ત જીવાણુ-નિયંત્રણ કરતો હોય તો પણ તે ઉતારવાની દવા લેવામાં કયું ડહાપણ છે?

અસંખ્ય કેસમાં તાવ ઉતારવાની કોશિશથી જ સ્થિતિ બગડી છે. શક્ય હોય ત્યાં સુધી તાવ આવી જવા દેવાની સલાહ મેડિકલ પ્રોફેશન તરફથી મળવી જોઈતી હતી. પણ ઊલટાનું તાવ ઉપરાંત ખાંસી વગેરેની દવાઓ પણ આજની તારીખમાં ICMR/AIIMSની વેબસાઇટ પર ઘરે રહેલા દરદીઓ માટે symptomatic management માટે સૂચવાયેલી દેખાય છે. શરીરને પોતાના સંરક્ષણના ઉપાયો કરતાં રોકવાથી ચેપ વધુ ઊંડે ન જાય? Viral shedding અને એકથી બીજાને ચેપ લાગવાની શક્યતા ન વધે ? પણ આવા કોઈ અભ્યાસ થતા હોય એમ લાગતું નથી.

મોટા ભાગે મેડિકલ પ્રૅક્ટિસ લક્ષણોના મેનેજમેન્ટને જ પોતાનું કામ બનાવી બેઠી છે. અમુક સંજોગોમાં લક્ષણોને નિયંત્રિત કરવાં કે તેમને દબાવવાં ચોક્કસ જરૂરી હોય, પણ ઘણા ભાગે એમ કરવામાં જોખમ અને નુકસાન જ વધુ હોય છે. નવો વાઇરસ શરીરમાં આવે, ત્યારે બંનેને એકબીજાને નુકસાન કરવામાં કોઈ રસ હોતો નથી, પણ પોતપોતાને બચાવવા માટે વ્યૂહાત્મક બાજી જરૂર ગોઠવે છે. આ સંજોગોમાં તાવ શરીર માટે રામબાણ છે.

‘ડોલો’ એટલી પ્રખ્યાત થઇ કે ‘રેમડેસિવિર’ ફૅશનમાં આવી તે પહેલાં ઘણા લોકો ‘ડોલો’ને કોરોનાની મુખ્ય દવા માનતા હતા. ‘તાવ આવે તો કોરોના હોઈ શકે!’, પણ તાવ એ કોવિડ નથી. લોકો તાવથી ગભરાતા થઈ ગયા. દરેક મોટે દરવાજે થર્મલગન લઈ ચોકીદારો ગોઠવાઈ ગયા. એનાથી બચવા ઘણા લોકો પેરસીટમોલ લઈને કામ પર ગયા.

કદાચ લાખો કોવિડકેસ તાવ ઉતારવા માટે પેરસીટમોલના દુરુપયોગથી બગડ્યા હશે. એમાંના કેટલા ય અન્ય સગવડોની ઉપલબ્ધિને અભાવે રામશરણ થયા હશે. પેરસીટમોલ (કે તાવ ઉતારવાની અન્ય કોઈ દવા) ન મળતી હોત તો કેટલા બચ્યા હોત? એનો હિસાબ તમને કોઈ નહીં આપી શકે. જે થોડા ઘણા ડૉક્ટરોએ કોવિડમાં તાવ ઉતારવા સામે લાલબત્તી ધરી હોય તેમને હું સલામ કરું છું.

e.mail : jagrut.gadit@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 12-13

Loading

...102030...1,8481,8491,8501,851...1,8601,8701,880...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved