Opinion Magazine
Number of visits: 9746629
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જે.સી. કુમારપ્પા – ગાંધી વિચારના એક આદર્શ પુરસ્કર્તા

મૂળ લેખક : ડૉ. આર. રાજેન્દ્રન્‌ − અનુવાદક : આશા બૂચ|Gandhiana|24 August 2021

100 પેપર્સનું [100 Papers of the book on Gandhi] એક પુસ્તક વાંચવા હાથમાં લીધું છે, કેમ કે તેનો રિવ્યુ લખવાનું કામ તેના સંપાદક-લેખિકા શોબના નેલસ્કો[Shobana Nelasco]એ સોંપ્યું છે. તેમાંનો આ લેખ મને બહુ રસપ્રદ લાગ્યો. લાંબો છે, પણ ખૂબ ઉપયોગી છે, આજના સમયમાં આર્થિક અને સામાજિક વિકાસને સમજવા માટે. ગાંધીના આદર્શોને સમજવા હોય તો તેમના સાથીદારોનાં કાર્યોને સમજવા જરૂરી છે.

— આશા બૂચ

ઇતિહાસની તવારીખમાં ભાગ્યે જ અથવા એક પણ એવા કિસ્સાઓ નોંધાયા નહીં હોય જેમાં કોઈ નેતા પોતાના દેશને ગુલામીમાંથી મુક્તિ અપાવે અને સાથે સાથે સ્વતંત્ર દેશના વિકાસ માટે વિગતવાર યોજના ઘડી આપે. આથી જ મહાત્મા ગાંધી એક અદ્વિતીય હસ્તી હતા જેમણે દેશને ગુલામીની જંજીરોમાંથી મુક્ત થવા સજ્જ કર્યો અને વિકેન્દ્રિત વ્યવસ્થા પર આધારિત સ્વ નિર્ભરતાના ઉચ્ચતર તત્ત્વજ્ઞાન તરફ લઇ ગયા, જે સત્ય અને અહિંસાના સિદ્ધાંતો પર રચાયેલ હતા. એટલું જ નહીં, તેની સાથે જ ઉમદા ધ્યેય સાધવા માટે શુદ્ધ સાધનો પણ આપણા હાથમાં મૂક્યાં. પોતપોતાના ક્ષેત્રમાં નિષ્ણાત અને પૂર્ણ નિષ્ઠાથી કામ કરતા એવા ધુરંધરોને પોતાની આસપાસ ખેંચી લેવાની ગાંધીજીમાં એક અદ્દભુત શક્તિ હતી. રાજકીય અને વિકાસના ક્ષેત્રમાં નામાંકિત પ્રતિભાઓ ધરાવતા નિષ્ણાતો શોષણ અને દમન સામે લડવામાં અને લાખો લોકોને ગરીબીમાંથી તથા હીણપત ભરી સ્થિતિમાંથી ઉગારવા ગાંધીજી સાથે જોડાઈ ગયા.

રચનાત્મક કાર્યોનો ભાર ઉપાડવાની જવાબદારી જેમને સોંપવામાં આવી હતી તેની યાદીમાં વિનોબા ભાવે, જે.સી. કુમારપ્પા, ઈ.ડબલ્યુ. આર્યનાયકમ્‌, આશાદેવી આર્યનાયકમ્‌, કૃષ્ણદાસ જાજુ, શંકરલાલ બેન્કર, ઠક્કર બાપા, કૃષ્ણદાસ ગાંધી, ધીરેન્દ્ર મઝુમદાર, સુચેતા કૃપાલાણી, સુશીલા પાઇ, સુશીલા નય્યર, રાજકુમારી અમૃત કૌર, સરલાદેવી સારાભાઈ, દુર્ગાબાઈ દેશમુખ અને બીજાં અનેકોનો સમાવેશ થાય છે. આ બધાં મહાનુભાવોનું એક સામાન્ય લક્ષ્ય હતું અને છતાં દરેકનું અલગ વ્યક્તિત્વ અને જુદી દૃષ્ટિ હતી.

જે.સી. કુમારપ્પા તેમના વિચારોની સ્પષ્ટતા, નિર્ભયતા, પ્રામાણિકતા અને તીક્ષ્ણ વિવેચન શક્તિને કારણે એક જુદી જ કોટિની વ્યક્તિ ગણાયા.

કુમારપ્પાએ સિરેક્યુસ યુનિવર્સિટીમાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને વહીવટના તજ્જ્ઞની ઉપાધિ મેળવી અને કોલંબિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ઉપાધિ મેળવી. તેમનામાં અર્થશાસ્ત્રના વિદ્વાન અને વહીવટના તજ્જ્ઞની એવી ભાગ્યે જ જોવા મળે તેવી બુદ્ધિ અને શક્તિઓનું મિશ્રણ હતું. આથી જ તો તેમનું ચિત્ર પટલ માત્ર અર્થશાસ્ત્ર, વહીવટ કે હિસાબી ક્ષેત્રોમાં જ સીમિત ન હોતાં માનવ જીવનના દરેક પાસા સાથે સંદર્ભ ધરાવનારું હતું. તેમની સમગ્ર વિચારધારા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નિર્ધન માનવોના હિતને કેન્દ્રમાં રાખીને ઘડાયેલી હતી. આથી જ તો પોતાના વિચારોને ગામડાંના અશિક્ષિત લોકો પણ સમજી શકે તેવી ભાષામાં વ્યક્ત કરી શકતા.

કુમારપ્પાએ આપેલ સિદ્ધાંતોને ટૂંકમાં આ રીતે વર્ણવી શકાય. પ્રાણી જગત પણ પોતપોતાના કાર્યના હેતુ મુજબ વિભાગીકરણ કરવાની ક્ષમતા ધરાવે છે. પ્રાણીના સ્તર ઉપરથી જોઈએ તો આપણે આપણી ભૂખને સંતોષવા કામ કરીએ છીએ. પ્રાણીઓ પોતાની મૂળભૂત જરૂરિયાતો સંતોષવા પાંચ અલગ અલગ માર્ગો અપનાવે છે. પહેલો માર્ગ તદ્દન સરળ છે. વાઘ જંગલમાં રહેતા બીજા પશુનું મારણ કરે છે. આ પરાશ્રયની સ્થિતિ છે. ત્યાર બાદ આવે છે ધાડપાડુ કે બીજાં પ્રાણીઓનો શિકાર કરનારની સ્થિતિ, કે જેમાં વાનર ઝાડ પરથી સફરજન તોડી લઈને ભૂખ ભાંગે છે. એ મેળવવા માટે તેણે કશી મહેનતનું કામ કર્યું છે કે નહીં એનો તે વિચાર નથી કરતો. અહીં વાઘની હિંસાનું તત્ત્વ થોડા ઓછા પ્રમાણમાં જોવા મળે. પણ એ બંને કિસ્સાઓમાં ખોરાકના ઉપભોગમાં ઉપભોક્તાનો કોઈ ફાળો નથી હોતો. ત્રીજો માર્ગ છે, પક્ષી પોતાનો માળો બાંધે છે. અર્થશાસ્ત્રની વ્યાખ્યા મુજબ એ ઉત્પાદક અને ગ્રાહક બંને છે; અને તેમ કરવામાં હિંસાનો એથી ય વધુ હ્રાસ થાય છે. આને આપણે ઉદ્યમનું સ્તર કહી શકીએ. ચોથું સ્તર આપણને મધમાખીઓનાં જીવનમાં જોવા મળે છે. એ પોતાના વ્યક્તિગત ફાયદા માટે મધ પેદા નથી કરતી. એ મધમાખીઓ આખા સમૂહ માટે મધ પેદા કરે છે. હવે છેલ્લું સ્તર જોઈએ, સેવાનું ક્ષેત્ર, જેમાં માદા પક્ષી પોતાની ચાંચમાં ખોરાક લઈને માળામાં રાહ જોતા પોતાનાં બચ્ચાને આપે છે અને તે પણ કોઈ બદલાની અપેક્ષા વિના.

જે.સી. કુમારપ્પાનો અર્થશાસ્ત્રનો સિદ્ધાંત અહિંસા અને સત્યના પાયા પાર રચાયેલો હતો. તેમનામાં અને અન્ય રચનાત્મક કાર્યકરોમાં ફરક એ હતો કે ગાંધીને મળ્યા પહેલાં જ તેમના વિચારોને ગાંધીજીના વિચારો સાથે સામ્ય હતું. ખરું જોતાં તો કુમારપ્પાના સાર્વજનિક નાણાકીય વહીવટ અને એની ભારતની પ્રજા પરની અસર વિશેના વિચારોએ ગાંધીજીનું ધ્યાન આકર્ષિત કર્યું. ગાંધીજીને કુમારપ્પાને પ્રત્યક્ષ મળવાની ઈચ્છા હતી. એ ‘પ્રથમ દૃષ્ટિએ પ્રેમ’નો કિસ્સો હતો. તત્ક્ષણ કુમારપ્પા ગાંધીના અર્થશાસ્ત્રને લગતા વિચારોનું અર્થઘટન કરનારા અને ગ્રામોદ્યોગોને પુનર્જીવિત કરનારા મુખ્ય નિષ્ણાત બની ગયા. જ્યારે કોઈએ એવો ઉલ્લેખ કર્યો કે કુમારપ્પાનો ગાંધીએ ઘાટ ઘડ્યો છે ત્યારે તેમણે તેને રદિયો આપતાં કહેલું, “તેઓ તો મારી પાસે બન્યા બનાવેલા જ આવ્યા છે.”

પેટ્રોલિયમ વગેરે જેવા પદાર્થો કેટલી મર્યાદિત માત્રામાં આપણી પાસે છે તે વિષે તેમણે કરેલી આગાહી ઉપરથી સમજાય કે જે.સી. કુમારપ્પાના વિચારો અત્યંત સ્પષ્ટ હતા. તેમણે આપણને ચેતવેલા : કુદરતમાં એવી કેટલીક ચીજો હોય છે જેની કોઈ જીવન મર્યાદા નથી હોતી, તેનું ઉત્પાદન કરી શકાતું નથી કે તેમાં ઉમેરો કરી શકતો નથી; એટલે તેનો સતત ઉપયોગ કરતા રહેવાથી તેનો જથ્થો ઓછો થઈને નાશ પામે છે. દુનિયા પાસે કોલસા, કાચી ધાતુ અને લોખંડ, તાંબુ, સોનું, ચાંદી, યુરેનિયમ વગેરે જેવા પદાર્થોનો અનામત પુરવઠો મર્યાદિત પ્રમાણમાં છે. આ બધું જ ચોક્કસ પ્રમાણમાં મળી રહે, અથવા કહો કે ક્ષણિક મર્યાદામાં મળી શકે, જ્યારે નદીમાં વહેતાં પાણીનો જથ્થો, જંગલમાં સતત ઊગતા રહેતા લાકડા વગેરે હંમેશ મળતા રહેતા પદાર્થો છે જેને કાયમી મિલકત ગણી શકાય કેમ કે તેનો જથ્થો માનવની સેવામાં સદાય અખૂટ હાજર રહેવાનો છે. જો આપણી જીવન પદ્ધતિ શાશ્વત અર્થ તંત્ર પર આધારિત હશે તો વિશ્વ શાંતિનો માર્ગ મોકળો થશે, નહીં તો બીજો માર્ગ વિસંવાદિતા, ઘાતક હરીફાઈ, દુશ્મનાવટ અને વિશ્વયુદ્ધ ભણી દોરી જશે.

કુમારપ્પા આપણને ચેતવણી આપ્યા બાદ શાંત ન રહ્યા. વર્ધા સ્થિત અખિલ ભરતીય ગ્રામોદ્યોગ સંસ્થાન દ્વારા રસોઈ માટેના બળતણના બચાવ માટે મગન ચૂલાની રચના કરવામાં આવી. તેમણે એવા દીવાની શોધ કરી જે બિનઉપયોગી તેલ વાપરીને જલાવી શકાય. તેમણે નકામા કચરાને ફરી વાપરીને તેમાંથી બોર્ડ અને કાગળ બનાવવાના પ્રયોગો પણ કર્યા. જો કે તેમના અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનો એ એક બિનરૂઢિગત માર્ગ હતો. કુમારપ્પા માનતા કે ગ્રાહકોને શિક્ષિત કરવા જોઈએ અને તેમને સામાજિક જવાબદારી સોંપવી જોઈએ. રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદતી વખતે ગ્રાહકે નીચેની બાબતોનો ખ્યાલ કરવો જોઈએ :

(i) ખરીદવાની ચીજ ક્યાંથી આવી? 

(ii) એ ચીજ કોણે બનાવી છે?

(iii) તેની બનાવટમાં કયો માલ વપરાયો છે?

(iv) કારીગરો કેવી દશામાં જીવે અને કામ કરે છે?

(v) નફામાંથી કેટલો ભાગ તેમને વેતનના રૂપમાં પાછો મળે છે?

(vi) બાકીનું નાણું કઈ રીતે વહેંચવામાં આવે છે? 

(vii ) એ ચીજ કેવી રીતે બનાવવામાં આવે છે?

(viii) આ ઉદ્યોગ કુદરતના નિયમોમાં કેટલો બંધ બેસતો આવે છે?

(ix) એ ચીજોના ઉત્પાદનને બીજા દેશો સાથે કેટલી નિસ્બત છે?

હજુ એક વહીવટી પાસું પણ તેમાં શામેલ હતું, જેના વિષે તેમણે વિગતે છણાવટ કરી છે. તેમના મતે સત્તાનું વિકેન્દ્રીકરણ થવું જોઈએ અને તેના પર ખરો અધિકાર પ્રજાનો રહેવો જોઈએ. તેઓ ગરીબી અને વિનાશમાં પરિણમતા, શાંતિને ડહોળી નાખતા અને અંતે અને નરી હિંસાનો ઉપયોગ કરનાર કેન્દ્રિત આયોજનના સખત વિરોધી હતા. 

સ્વતંત્ર ભારતમાં સરકારનું કર્તવ્ય શું હશે એ વિશેના તેમના અભિપ્રાય જાણવાથી પ્રતીતિ થાય કે કુમારપ્પા પોતાના વિચારો અને વક્તવ્યમાં કેવા સુસંગત હતા. તેમણે કહેલું, “રાષ્ટ્રીયકરણનો ખરો અર્થ છે, સત્તા લોકોના એટલે કે આમ પ્રજાના હાથમાં રહેશે. સૌ પ્રથમ તો આપણા હરેક કાર્યક્ષેત્રમાં અનુભવોનો પાયો નંખાયેલો હશે. સુનિયોજિત ગ્રામ પંચાયતો દ્વારા ગામના લોકોની જરૂરિયાતોનો ખ્યાલ કરનારા સ્થાનિક લોકો પાસેથી આ માહિતી મળી શકે. આવા અનુભવી પંચાયતના સદસ્યોને જિલ્લા પંચાયતો પોતાના વહીવટદારો બનાવશે અને તેઓ જ રાજ્યના સાર્વજનિક વિભાગ અને ધારાસભાના સભ્યો પૂરા પાડશે. આવા મજબૂત પાયા વાળો અને યોગ્ય રીતે સંચાલિત પ્રાંતીય વહીવટ જ કેન્દ્રીય સરકારને કાબૂમાં રાખી શકે અને ગ્રામ્ય પ્રજાના હિતમાં કામ કરે તેની ખાતરી રાખી શકે.”

કુમારપ્પાએ બે ઉત્તમ પુસ્તકો લખ્યાં, એક, ‘જિસસનો ઉપદેશ અને આચરણ’ અને બીજું, ‘ઈકોનોમી ઓફ પરમેનન્સ’, જેને કારણે તેઓને મૌલિક વિચારક તરીકેનું સ્થાન મળ્યું. જેમ જરૂરિયાત શોધખોળની જનની છે, તેમ ગાંધીના સામાજિક અર્થકારણના અમલીકરણ કરનાર અને એક સ્વદેશાભિમાની તરીકે કુમારપ્પા પ્રથમ હરોળમાં પાંગરી ઉઠ્યા. 

જે.સી. કુમારપ્પા ખૂબ જ સ્પષ્ટવકતા હતા. તેઓ સામા માણસને જેવા હોય તેવા જ કહી દેતા. તેઓ કદી શબ્દોની મેલી રમત ન રમતા અને પોતાના દિલની વાત સાફ સાફ કહી દેતા. તેમની આવી અત્યંત નિખાલસતાને કારણે તેમના કેટલાક સાથીદારોમાં પ્રિય નહોતા. પોતાની ગફલત ઉઘાડી પડે તો તેમનો તેજાબી પ્રતિભાવ સહેવો પડે તેનો ડર મિત્રો અને સાથીદારોને રહેતો. એક વખત પોતાની એક જેલયાત્રા દરમ્યાન ટ્રેનમાંથી ગાંધીજીએ તેમને પત્રમાં સંબોધન કર્યું, ‘ડૉ. કુમારપ્પા, D.D. (ડોક્ટર ઓફ ડિવિનિટી), D.V.I, (ડોક્ટર ઓફ વિલેજ ઇન્ડસ્ટ્રી). આવા ગુણવાચક વિશેષણોથી કુમારપ્પાને ચીડ ચડી. એક દિવસ તેમનો આ પત્ર લઈને ગાંધીજીને સેવાગ્રામમાં મળ્યા અને પૂછ્યું, આવી ઉપાધિઓ આપવાનો અધિકાર તેમને કોણે આપ્યો? ગાંધીજીએ તરત રમૂજભર્યો જવાબ વાળ્યો, રાષ્ટ્રીય વિદ્યાપીઠ એવી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હોવાને નાતે કોઈને પણ ડોક્ટરેટની પદવી આપવાનો કે નવા પ્રકારની પદવી ઉપજાવી કાઢવાનો તેમને પૂરો અધિકાર છે. વધુ આનાકાની કર્યા વિના કુમારપ્પાને પોતાના માર્ગદર્શકે આપેલ આ ઉપાધિઓ સ્વીકારવી પડી.

કુમારપ્પા એક સાચા ખ્રિસ્તી હતા, જેમણે જીસસના ઉપદેશોનું પોતાના રોજિંદા જીવનમાં પાલન કરેલું. અલબત્ત જીવનના શરૂઆતનાં વર્ષોમાં તેમને વિલાયતી જીવન પદ્ધતિનું આકર્ષણ થયેલું, પરંતુ જ્યારે તેમને અહેસાસ થયો કે પોતાની આર્થિક શોષણ નીતિથી ભારતની પ્રજાના અધિકારોને બ્રિટિશરો વગર હક્કે છીનવી રહ્યા છે, ત્યારે તેમની પાસે એક ખરા ખ્રિસ્તીની માફક અંતરથી પૂરેપૂરા રાષ્ટ્રવાદી બન્યા સિવાય કોઈ ચારો નહોતો. 1934માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા નવી સ્થપાયેલી ઑલ ઇન્ડિયા વિલેજ ઇન્ડસ્ટ્રીના મંત્રી તરીકેની પસંદગી પામ્યા બાદ તેઓ કારીગરોનું કલા કૌશલ અને તેમના જીવનની પરિસ્થિતિનો પ્રત્યક્ષ ખ્યાલ મેળવવા ભારતનો ખૂણે ખૂણો ફરી વળ્યા અને કારીગરો સાથેના આ સંપર્કથી કુમારપ્પાને ત્રસ્ત અને શોષિત સમાજ માટે અપાર પ્રેમ પ્રગટ્યો. ગ્રામ્ય કલા અને કારીગરીની બારીકાઇ અને ઔપચારિક વિધિઓ સમજવા દિલ અને દિમાગ જોડીને પૂરી નિષ્ઠાથી તેઓના ઉદ્ધાર માટે ખૂંપી ગયા જેને પરિણામે આ ક્ષેત્રમાં નવો ચીલો પાડનારની મુખ્ય ભૂમિકા બજાવી શક્યા. ગ્રામ્ય પ્રજા માટેનો તેમનો પ્રેમ એટલો ઉત્કટ હતો કે વૃદ્ધ થયા છતાં વર્ધા પાસેના નાના ગામમાં સામૂહિક જીવનનો પ્રયોગ આદરવાની હિંમત કરી, જેથી કરીને રાષ્ટપિતાએ જે ઈચ્છેલું તે રીતે એ લોકો પોતાના પગ ઉપર ઊભા રહી શકે. એ પછાત વિસ્તારમાં રહીને અથાક પ્રયત્નો કરવાથી તેમને કાયમી બીમારીનો ભોગ બનવું પડ્યું અને પરિણામે સક્રિય જીવનમાંથી નિવૃત્તિ લેવાની ફરજ પડી.

નિવૃત્ત થઈને તામિલનાડુના ટી. કાલુપટ્ટીમાં આવેલ ગાંધી નિકેતન આશ્રમમાં રહેવાનું પસંદ કર્યું, આમ છતાં સરકારની વિકાસ અને આર્થિક બાબતોની નીતિઓનું વિશ્લેષણ કરવામાં તેમનો રસ ઓછો ન થયો. અમેરિકાના આલ્બર્ટ મેયરની પ્રેરણાથી જવાહરલાલ નહેરુએ ધમાકા સાથે આરંભ કરેલ સામાજિક વિકાસ કાર્યક્રમની યોજનાના તેઓ ટીકાકાર હતા. સમાજના વિકાસ માટેની જવાબદારી એસ.કે. ડેને સોંપવામાં આવી, કે જેઓ પહેલાં સમાજ વિકાસના વહીવટકર્તા હતા અને ત્યાર બાદ નહેરુના મંત્રી મંડળમાં રાજ્ય મંત્રી થયા. એસ.કે. ડેને હજુ ભારતના ગ્રામ્ય વિસ્તાર અને લોકોને સહેવી પડતી હાડમારીઓ વિષે માહિતી મેળવવાની બાકી હતી. તેમની તામિલનાડુની મુલાકાત દરમિયાન તેઓ ગાંધી નિકેતનમાં શ્રી કુમારપ્પાને મળ્યા અને કઈંક ગૌરવ સાથે કહ્યું કે સામાજિક વિકાસ યોજના ખૂબ સફળ થઇ છે. કુમારપ્પાએ તરત પૂછ્યું, “તમારા પ્રકલ્પની સફળતાનો તમારો માપદંડ શો છે?” એસ. કે. ડેએ ઉત્તરમાં માઈલો લાંબા રસ્તાઓ બંધાયા, કૂવાઓ ખોદાયા, શાળા માટે મકાનો બંધાયાં, દવાખાનાંઓ ખૂલ્યાં, ખાતરની વહેંચણી કરવામાં આવી, સુધારેલા બિયારણની લોકોને જાણ કરી, ખાતર માટેના ખાડા ખોદવામાં આવ્યા, વગેરે અને બીજા કાર્યોના સવિસ્તર આંકડા રજૂ કર્યા. કુમારપ્પાએ એસ.કે. ડે સામે સાશંક જોયું અને હસતાં હસતાં કઈંક વ્યંગાત્મક શૈલીમાં કહ્યું,  “તો આ તમારો માપ દંડ છે?” કુમારપ્પાની ટકોર એસ.કે. ડેને ખૂંચી અને પૂછ્યું, “તો તમારો સફળતાનો માપદંડ કયો છે?” કુમારપ્પાએ ભારપૂર્વક સ્વરમાં કહ્યું, “મિ. ડે, હું સામાજિક વિકાસ કાર્યક્રમ વિષે કઈં કહું, તે પહેલાં હું છએક ગરીબ માણસોને બોલાવું, તેમની પાંસળીઓ ગણું અને ત્રણ વર્ષ સુધી સામાજિક વિકાસ કાર્યક્રમનો અમલ કર્યા બાદ જો એ પાંસળીઓ પર માંસ દેખાય તો હું એ કાર્યક્રમ સફળ થયો ગણું.” ડે હતાશ થઇ ગયા અને અંદરખાને સ્વીકાર્યું કે તેમનો અભિગમ ખામી ભરેલો છે. કુમારપ્પાએ કહેવાનું ચાલુ રાખ્યું કે એસ.કે. ડે “ભૂખ્યા માણસને રેશમી વસ્ત્ર પહેરાવવાની કોશિશ કરે છે.” વિકાસની મૂળભૂત જરૂરતો આ એક વાક્યમાં સ્પષ્ટ કરી આપી. “વિકાસ એ કોઈના ઉપર ઉપકાર ભાવ બતાવવાની ચેષ્ટા નથી, વિકાસમાં સાચો અગ્રતાક્રમ હોવો જોઈએ, વિકાસ એ અપરાધભાવનો નિષ્કર્ષ ન હોવો જોઈએ.” 

16મી ઓગસ્ટ 1956ને દિવસે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ગાંધી નિકેતનમાં નાનકડી કુટિરમાં રહેતા પોતાના જૂના અને પ્રિય મિત્ર જે.સી.મકુમારપ્પાની મુલાકાતે પધાર્યા. તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે કુમારપ્પાએ આશ્રમના કર્મચારીઓ, અને સંચાલકોની સભા બોલાવી અને ઇટલીના મહિલા સ્થપતિ Clara quien Hopman દ્વારા ખાસ કંડારવામાં આવેલ ગાંધીજીનું શિલ્પ એક ખાસ તૈયાર કરવામાં આવેલ મંડપમાં મુકવાનો કાર્યક્રમ યોજ્યો. ત્યાં 4 ફૂટ લાંબો, 4 ફૂટ પહોળો અને 4 ફૂટ ઊંડો ખાડો કરવામાં આવ્યો. ગાંધીજીનાં અસ્થિ અને હાડકાનો એક ટુકડો, કે જે આશ્રમમાંથી મળી આવેલો તેને હાથ કાગળમાં વીંટીને આશ્રમના કુંભારવાડામાં બનેલ માટીના ઘડામાં મુકવામાં આવ્યા, જેનું મોં એ જ સંસ્થામાં વણીને બનાવેલ ખાદીનાં કપડાથી ઢાંકવામાં આવ્યું. શુક્રવારે સવારે ગાંધીજીના આ પવિત્ર અવશેષોને રામ ધૂન ગાતા ગાતા કુમારપ્પાના હસ્તે એ ખાડામાં ઊતારવામાં આવ્યા. બધાના આશ્ચર્ય વચ્ચે કુમારપ્પા અચાનક નાના બાળકની માફક રુદન કરવા લાગ્યા. જ્યારે એક બાળકે પૂછયું કે તેઓ શા માટે રડી પડયા, ત્યારે તેમણે ઝટ દઈને ઉત્તર આપતા કહ્યું, “ગાંધીને આપણા હૃદયમાં ઊતારવાને બદલે જમીનના ખાડામાં દાટી રહ્યા છીએ તેથી મને રોવું આવે છે.” આ ભવિષ્ય સૂચક ઉક્તિ ત્યાં એકઠા થયેલ લોકો પર ભારે અસર ઉપજાવી ગઈ અને એ સ્મૃતિ ચિન્હોને માટીમાં ભેળવી દેવાની ક્રિયા સમયે સ્વદેશી વસ્તુઓ વાપરવાની તેમની ચેષ્ટા વિષે સહુને વિચાર કરતા કરી મુક્યા. આ પેપરના લેખક તે સમયે બુનિયાદી તાલીમ શાળાના એક વિદ્યાર્થી હતા.

25મી ડિસેમ્બર 1956, આચાર્ય વિનોબા ભાવે તેમની તામિલનાડુની ભૂદાન યાત્રાના દૌર દરમ્યાન આશ્રમમાં આવ્યા. પોતાના જૂના સાથી સાથે તેમની કુટિરમાં જીવંત ચર્ચાઓ ચાલી. કુમારપ્પાએ વિનોબાજીને કહ્યું કે તેઓ ‘ભારતના એક નંબરના ચોર છે’! પોતાના અતિ અંગત મિત્ર પાસેથી આવું તહોમત સાંભળીને વિનોબાજી ડઘાઈ ગયા અને કુમારપ્પા પાસેથી સ્પષ્ટતાની માંગણી કરી. કુમારપ્પાએ શાંતિથી કહ્યું, તેઓ તો વિનોબાજી દાનમાં મળેલી જમીનનો તેની પુનઃ વહેંચણી કરવા માટેની યોગ્ય વ્યવસ્થા કર્યા સિવાય સંગ્રહ કરી રહ્યા છે, તેના તરફ નિર્દેશ કરવા માગે છે. વિનોબાજી તેમના કથન પાછળ છુપાયેલ સત્યને તરત પારખી ગયા અને જમીનની ન્યાયી અને સમાન વહેંચણી કરવાની તાબડતોબ વ્યવસ્થા કરી. આમ તેઓ પોતાના મિત્રો તેમ જ વિરોધીઓ સામે હકીકતોને રજૂ કરવાની એક અનન્ય રીત અપનાવતા. 

ગાંધી નિકેતન ખાતેનું નિવાસસ્થાન પોતે જ એક ખરા અર્થમાં અનુકરણીય નમૂનો છે. કુમારપ્પાની પોતાની ઈચ્છા અને યોજના મુજબ બનાવવામાં આવ્યું હતું. એક મોટો કમરો અને ચારેય બાજુ મોટા વરંડા સિવાય તેમાં કશું નથી. ચારેય ઋતુઓમાં ખુલ્લી હવા મળી રહે તે માટે બારીઓ ચારેય દીવાલોમાં ખૂબ જ નીચી રાખવામાં આવી છે. કાલુપટ્ટીના આસપાસના વિસ્તારોમાંથી જ ઈંટ, છાપરાની વળી અને ચૂનો મગાવવામાં આવ્યા હતા અને સ્થાનિક કારીગરોએ બનાવેલ નળિયાંથી તેની શોભા વધી. આગંતુકને આવતાની સાથે અહેસાસ થાય કે તેઓ એર કન્ડિશન કમરામાં પ્રવેશ્યા છે. તેમની એન્જીનિયરની દૃષ્ટિનું પ્રતિબિંબ આ સ્મારક સમા આવાસમાં થયું છે. એક અજાણ્યા ગ્રામવાસીની તસ્વીર હજુ એક દીવાલ પર શાનથી લટકે છે. કોઈ પણ મહત્ત્વના મહેમાનને એ તસ્વીરમાંની  વ્યક્તિને ઓળખી કાઢવાનું  કહેવામાં આવે છે. સ્વાભાવિક છે કે તેઓ અવઢવમાં પડી જાય. પછી કુમારપ્પા તેમની વહારે આવે અને કહે, “એ મારા શિક્ષકનો ય શિક્ષક છે.” આ વાક્યથી આવનારને વધુ મૂંઝવણ થાય જ્યારે કુમારપ્પા ઉમેરે, “મારા ગુરુ મહાત્મા ગાંધી અને તેમનો ગુરુ તે આ એક ગ્રામ્ય વાસી.” પછી એ માનવંતા મહેમાન ગાંધી ‘અન ટુ ધિસ લાસ્ટ’ માટે જીવ્યા એ કહેવાની કુમારપ્પાની ચાતુર્ય ભરી રીત સમજે ત્યારે નિરાંતનો શ્વાસ લે.

કુમારપ્પાનો ગાંધીજી પ્રત્યેનો લગાવ એક કહેવત રૂપ બની ગયેલ. 30 જાન્યુઆરી 1960માં કુમારપ્પા મદ્રાસની હોસ્પિટલમાં દરદી તરીકે રાજ્યના મહેમાન બનીને તેના હેડક્વાર્ટરમાં હતા. ડોક્ટરની સલાહ લઈને તેઓ રાજાજી હોલમાં ગાંધીજીની શહાદતનો દિવસ મનાવવા પહોંચી ગયા. મોટર કારમાં બપોરે પાછા વળતાં તેઓ સ્વગત બોલ્યા, મારા ગુરુ આ દિવસે નિધન પામ્યા, મારે પણ આ જ દિવસે મૃત્યુ પામવું જોઈએ. સાંજ સુધી તેઓ તદ્દન સ્વસ્થ હતા. પરંતુ રાત્રે તેઓ અચાનક પડી ગયા. પોતાના માર્ગદર્શકના સત્ય અને અહિંસાના સિદ્ધાંતોને જીવનમાં ઉતારનાર અડીખમ અને સમર્પિત યોદ્ધાની ગાથાનો અંત આવ્યો.

જૂનની નવમી 1996ના ‘ધ હિન્દુ’ મેગેઝીનમાં રામચંદ્ર ગુહાએ લખેલું, “ગયે મહિને આ લેખકે ટી. કાલુપટ્ટીના ગાંધી નિકેતનની મુલાકાત લીધેલી, જ્યાં જૂન 1953થી જાન્યુઆરી 1960 સુધી કુમારપ્પા રહ્યા. તેઓ જમનાલાલ બજાજ પુરસ્કારના 1981માં વિજેતા હતા. આશ્રમ 3000 જેટલા ગ્રામ્ય વિસ્તારનાં બાળકો માટેની શાળા ચલાવે છે, જેમાંથી અર્ધા ભાગની કન્યાઓ છે જેઓ સુંદર લીલી સાડીઓમાં સજ્જ જોવા મળે. ત્યાં ડૉ. જે.સી. કુમારપ્પા ઇન્સ્ટિટ્યૂટ ફોર રૂરલ ટેક્નોલોજી એન્ડ ડેવલપમેન્ટ પણ કાર્યરત છે. અહીં વણાટ, ચર્મ ઉદ્યોગ, માટી કામ અને મધમાખી ઉછેર માટેના અભ્યાસક્રમ શામેલ છે અને ત્યાં મણિપુર જેટલે દૂરથી પણ વિદ્યાર્થીઓ આવે છે. (આ પેપરના લેખકે એ ઇન્સ્ટિટ્યૂટનું અધ્યક્ષ પદ નવેમ્બર 1981થી નવેમ્બર 2010 – 29 વર્ષ સુધી સંભાળ્યું). રામચંદ્ર ગુહાએ વધુમાં જણાવ્યું, “લીમડા અને સાપોટાનાં વૃક્ષો વચ્ચે કુમારપ્પાની ખૂબ કાળજી પૂર્વક સાચવેલી કુટિર પણ છે. તેનો વિશાળ ઓરડો પુસ્તકાલયમાં ફેરવી નખાયો છે. દક્ષિણ મદુરાઈમાં આવેલ આ આશ્રમ એક નિષ્ચેત મ્યુઝિમને બદલે એક જીવંત સ્મારક છે. ગાંધીજી અને તેમના એક ઉત્તમ અનુયાયીનું અહીં તેમણે ચીંધેલા કર્યો દ્વારા સન્માન થાય છે. આશ્ચર્યની વાત એ છે કે એ કુટીર, કહો કે પુસ્તકાલયના પ્રવેશ દ્વાર પર કુમારપ્પા સાથે વિનોબાજીની તસ્વીર છે, જેની નીચે લખાણ છે, “બે સંત”.

લેખક : નિવૃત્ત પ્રાધ્યાપક કુમારપ્પા ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ ટેકનોલોજી એન્ડ ડેવલપમેન્ટ – કાલુપટ્ટી (દક્ષિણ ભારત)

e.mail : 71abuch@gmail.com

Loading

માનહાનિના કેસ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને રુંધે છે?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|24 August 2021

ભારતની અદાલતોમાં માનહાનિ કે બદનક્ષીના કેસોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. રાજનેતાઓ, પત્રકારો, ફિલ્મી સિતારાઓ, ઉદ્યોગકારો અને કર્મશીલો પર બદનક્ષીના દાવા મંડાયેલા છે. પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડાને તાજેતરમાં કર્ણાટકની એક અદાલતે માનહાનિ કેસમાં બે કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. આટલો આકરો દંડ ન્યાયતંત્રના ઇતિહાસમાં અભૂતપૂર્વ છે.

નરેન્દ્ર મોદી મંત્રી મંડળના વિદેશ રાજ્યમંત્રી અને વરિષ્ઠ પત્રકાર એમ.જે. અકબરને ભૂતકાળનાં સાથી મહિલા પત્રકાર પ્રિયા રમાનીના યૌન શોષણના આરોપોથી મંત્રી પદ છોડવું પડ્યું હતું. એટલે તેમણે અપરાધિક માનહાનિનો કેસ કર્યો હતો. પણ ત્રણેક મહિના પહેલાં દિલ્હીની અદાલતે પ્રિયા રમાની સામેની અકબરની બદનક્ષીની ફરિયાદ રદ્દ કરી દીધી છે. કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના ઉમેદવારી પત્ર સાથેના સોગંદનામામાં તેમની સામેના જે પાંચ પડતર કોર્ટ કેસોની માહિતી આપી હતી તે બધા માનહાનિના જ હતા. અમદાવાદ અને સુરતની અદાલતોમાં પણ રાહુલ ગાંધી સામે માનહાનિના કેસો ચાલે છે. દેશમાં સૌથી વધુ માનહાનિના કેસોનો સામનો દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે. આ હકીકતો માનહાનિના કેસોની વ્યાપકતા, અદાલતોનું વલણ અને અસરો દર્શાવે છે

બંધારણના અનુચ્છેદ ૨૧માં ભારતના નાગરિકોના જીવન જીવવાના અધિકારમાં માન અને પ્રતિષ્ઠા સાથેના જીવનનો અધિકાર સામેલ છે. વ્યક્તિનાં માન, સન્માન અને ખ્યાતિ પણ અધિકાર મનાય છે. પ્રતિષ્ઠાને ધન-સંપત્તિ બરાબર ગણવામાં આવી છે. એટલે માન, સન્માન, પ્રતિષ્ઠા કે ખ્યાતિને થતી હાનિ, માનહાનિ કે બદનક્ષી છે. વ્યક્તિ, વેપાર, ઉત્પાદન, ધર્મ, સરકાર, સમૂહ કે રાષ્ટ્રની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતું નિરાધાર અને જુઠ્ઠું, લેખિત કે મૌખિક કથન કે સંકેત માનહાનિ છે. બંધારણમાં અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો અધિકાર ખરો પણ તેનો અમર્યાદિત ઉપયોગ ન થઈ શકે. કોઈ એલફેલ, આધારહીન કે ખોટા આરોપો અને ટીકાઓ ન થાય તે જરૂરી છે. જાહેરમાં અપમાનજનક શબ્દ કે ભાષણ વાંચી-સાંભળીને તે જેના વિશે કહેવાયા-બોલાયા-લખાયા હોય તે વ્યક્તિ વિશે અપમાન, નફરત અને ઘૃણા જન્મે તો માનહાનિનો ગુનો બને છે.

માનહાનિ માટે દીવાની (સિવિલ) અને ફોજદારી (ક્રિમિનલ) ફરિયાદ થઈ શકે છે. દીવાની ફરિયાદ સામાન્ય કાયદા મુજબ અને ફોજદારી ફરિયાદ ભારતીય ફોજદારી કાયદાની કલમ ૪૯૯ હેઠળ થઈ શકે છે. ઇન્ડિયન પિનલ કોડની ધારા ૫૦૦ અને અન્યમાં બદનક્ષીની અપરાધિક ફરિયાદ માટે સજાની જોગવાઈ છે. તે મુજબ બે વરસની કેદ અને દંડની સજા થઈ શકે છે. માનહાનિની દીવાની અને ફોજદારી એમ બંને કે બે પૈકીની કોઈ એક ફરિયાદ થઈ શકે છે. દીવાની ફરિયાદમાં માનહાનિનું આર્થિક વળતર માંગવામાં આવે છે. પરંતુ ફરિયાદી જેટલી રકમનું વળતર માંગે તેના દસ ટકા કોર્ટ ફી તેણે ચુકવવાની હોય છે. જો કોઈ ૧૦ લાખનો માનહાનિનો દાવો માંડે તો દસ ટકા લેખે એક લાખ અગાઉથી જ કોર્ટ ફી ચુકવવી પડે છે. કોર્ટ ફી પરત ચુકવવાની હોતી નથી તથા તેને ફરિયાદીની હારજીત સાથે કોઈ સંબંધ હોતો નથી.

દસ ટકા કોર્ટ ફી ચુકવીને પણ કરોડોના માનહાનિના દાવા થાય છે. ૨૦૦૮માં ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ તેમના ઉદ્યોગપતિ ભાઈ મૂકેશ અંબાણી પર ૧૦ હજાર કરોડનો દાવો કર્યો હતો. રાફેલ વિમાન સોદા અંગેના લેખ બાબતે અનિલ અંબાણીએ અંગ્રેજી અખબાર ‘નેશનલ હેરાલ્ડ’ પર ૫,૦૦૦ કરોડનો દાવો કર્યો હતો. કોરોનાની એલોપથી સારવાર વિરુદ્ધના યોગગુરુ બાબા રામદેવના વિધાનો વિરુદ્ધમાં ‘ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન’ની ઉત્તરાખંડ શાખાએ બાબા રામદેવને રૂ. ૧ હજાર કરોડ માનહાનિ પેટે ચુકવવા કાનૂની નોટિસ આપી છે.

માનહાનિના મોટા ભાગના કેસોમાં કાં તો સમાધાન થાય છે, કેસો પાછા ખેંચાય છે કે આરોપી માફી માંગી લે છે. અનિલ અંબાણીએ મૂકેશ અંબાણી વિરુદ્ધનો દાવો બે વરસ પછી પાછો ખેંચી લીધો હતો. અરવિંદ કેજરીવાલે તેમની સામેના અડધા ઉપરાંતના બદનક્ષીના કેસોમાં માફી માંગી લીધી છે. જો કે અદાલતની પ્રક્રિયા, તેના સમય શક્તિ, કોર્ટ અને વકીલની ફીના પ્રશ્નો રહે છે. કોર્ટોમાં લાખો કેસો પડતર હોય છે ત્યારે માનહાનિના કેસોનો તરત નિકાલ થતો નથી. દેવગૌડા સામેના કેસનો નીચલી અદાલતનો ચુકાદો દસ વરસે આવ્યો છે. દિલ્હી ક્રિકેટ બોર્ડ અને તેના પ્રમુખ અરુણ જેટલી સામેના આરોપો અંગે કેજરીવાલે માફી માંગી લીધી હતી પણ તેમના વકીલ રામ જેઠમલાણીને બે કરોડની ફી ચુકવી હતી. કૈલાસ સત્યાર્થીએ તેમની બદનક્ષી બદલ તેમની સંસ્થા ‘બચપન બચાવો આંદોલન’ દ્વારા દાવો કર્યો હતો. તેમની માનહાનિની ફરિયાદ પડતર હતી તે દરમિયાન જ તેઓ વિશ્વના સૌથી મોટા શાંતિના નોબેલથી પુરસ્કૃત થયા હતા. જો નોબેલ સમિતિ માટે તેમની માનહાનિનો કોઈ અર્થ નહોતો તો પછી આવા દાવાઓ કેટલા મહત્ત્વના ગણાય તે સવાલ છે.

ત્રણ ભિન્ન રાજકીય પક્ષોના નેતાઓ રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને સુબ્રમણ્યમ સ્વામીએ  સર્વોચ્ચ અદાલતમાં અપરાધિક માનહાનિની જોગવાઈ ધરાવતી આઈ.પી.સી.ની કલમો રદ્દ કરવા કે ગેરબંધારણીય  ઠેરવવા અલગ અલગ પિટિશનો મારફતે દાદ માંગી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તે બાબત નકારી કાઢી હતી.

માનહાનિની ફોજદારી ફરિયાદો અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે આડખીલી રૂપ છે. માનહાનિના કેસો કરીને કેન્દ્ર અને રાજ્યોના સત્તા પક્ષો પત્રકારો, મીડિયા અને વિરોધ પક્ષોને  વિરોધ કરતાં અટકાવે છે. સરકાર વિરોધી લોકહિતના તથ્યાત્મક અહેવાલો પણ પ્રગટતા અટકે છે. પ્રતિષ્ઠાની આડમાં સત્યનું ગળું દબાવવામાં આવે છે. પ્રેસની આઝાદીના આંકમાં આપણે આમે ય પાછળ છીએ ત્યારે માનહાનિનો ડારો દઈને પત્રકારો અને કર્મશીલોને ચૂપ કરાવીને અભિવ્યક્તિની સ્વતંત્રતાને ક્ષીણ કરી દેવાય છે.

મૂળે અંગ્રેજોની દેણ એવી માનહાનિની આ જોગવાઈ ભ્રષ્ટાચારને અટકાવવાના પ્રયાસો પર લગામ લગાવે છે. રીઢા રાજકારણીઓ અને ભ્રષ્ટ સરકારો બદનક્ષીના કાયદાનો ઉપયોગ કરીને ટીકાઓથી મુક્તિ મેળવી લે છે. બંગાળના તૃણમૂલ સાંસદે કેન્દ્રના ગૃહ મંત્રી સામે બદનક્ષીની ફરિયાદ કરી છે એટલે જ્યાં જે પક્ષ સત્તામાં હોય ત્યાં તે આ કાયદાનો ઉપયોગ વિરોધી પક્ષ સામેના હથિયાર તરીકે કરે છે. સરકાર વિરોધી ઘણી ન્યૂઝ વેબસાઈટ્સના પત્રકારો માનહાનિના કેસોનો સામનો કરી રહ્યા છે. અગાઉ સાંસદ તથાગત સતપતિએ લોકસભામાં માનહાનિને લગતી અપરાધિક જોગવાઈ રદ્દ કરવા બિનસરકારી વિધેયક રજૂ કર્યું હતું. બોમ્બે યુનિયન ઓફ જર્નાલિસ્ટે પણ આ મુદ્દે ઝુંબેશ ચલાવી હતી. માનહાનિના કાયદાનો વિરોધને ડામવાના હથિયાર તરીકેના ઉપયોગને ખાળવા વધુ મક્કમ પ્રયાસોની જરૂર છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

૭૫,૦૦૦ તાલિબાનો સામે ૩,૦૦,૦૦૦ અફઘાન સૈનિકો કેવી રીતે હારી ગયા?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 August 2021

“અમે યુદ્ધ જીતી ગયા અને અમેરિકા હારી ગયું. અમે બધું કરવા તૈયાર છીએ. અમે શાંતિ માટે તૈયાર છીએ અને જેહાદ માટે પણ પૂરા તૈયાર છીએ.” છઠ્ઠી એપ્રિલે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને જાહેરાત કરી કે ૧૧ સપ્ટેમ્બર સુધીમાં અમેરિકન સૈન્ય અફઘાનિસ્તાન છોડી દેશે, તેના એક અઠવાડિયા પછી, અફઘાનિસ્તાનના બાલ્ખ જિલ્લાના તાલિબાન વડા હાજી હેકમતે બી.બી.સી.ના સંવાદદાતાને આ શબ્દો કહ્યા હતા. તેની બાજુમાં બેઠેલા તાલિબાન સૈન્યના કમાન્ડરે એમાં ઉમેર્યું હતું, “જેહાદ અમારા માટે ઈબાદત છે, અને ઈબાદત એવી વસ્તુ છે કે ગમે તેટલી કરો, તો પણ થાકી ન જવાય.”

એ શબ્દોમાં કોઈ જ અતિશયોક્તિ ન હતી. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ, ન્યૂયોર્કનાં ટવીન ટાવર્સ અને પેન્ટાગોન પર ઓસામા બિન લાદેનના અલ-કાયદા આંતકવાદીઓઓ હુમલો કર્યો, તે પછી અમેરિકાએ તેમનો સફાયો કરવા માટે અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું હતું. આ વીસ વર્ષના યુદ્ધમાં ૧,૦૦૦ બિલિયન ડોલર્સ હોમાઈ ગયા, ૨,૩૦૦ સૈનિકોનાં મોત થયાં અને ૨૦,૬૬૦ સૈનિકો જખ્મી થયા. આ ખાલી અમેરિકા બાજુના આંકડા છે. અફઘાન લોકો અને તાલિબાનોની જાનહાનિ તેમ જ દેશની બરબાદીની કહાણી અલગ જ છે.

૨૦ વર્ષમાં તાલિબાનો તો થાક્યા ન હતા, પણ અમેરિકા એવું થાકી ગયું હતું કે ૧૧મી સપ્ટેમ્બર પહેલાં સૈનિકોની ઘરવાપસી પહેલાં જ તાલિબાનોએ એક પછી એક અફઘાનિસ્તાનનાં શહેરો કબજે કરીને ૧૫મી ઓગસ્ટે કાબુલ પર જે રીતે ફતેહ કરી, તેનાથી દુનિયા દંગ રહી ગઈ. હજુ એક મહિના પહેલાં જ, એક પત્રકાર પરિષદમાં એક પત્રકારે રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને પૂછ્યું હતું, “તાલિબાનો અફઘાનિસ્તાન પર કબજો જમાવે તે હવે અનિવાર્ય છે?” ત્યારે બાઈડને આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું, “ના, કારણ કે ૭૫,૦૦૦ જેટલા તાલિબાનોની સામે ૩,૦૦,૦૦૦ તાલીમબદ્ધ અફઘાન સૈનિકો છે. એ સંભવ નથી.”

બીજા એક પત્રકારે પ્રતિપ્રશ્ન કર્યો હતો, “તમારી પોતાની ઇન્ટેલિજન્સ બિરાદરીનું અનુમાન છે કે અફઘાન સરકાર ગમે ત્યારે પડી ભાંગશે,” તેનો જવાબ પણ બાઈડને કહ્યું હતું, “ના, તેમનું એવું અનુમાન નથી. અફઘાન સરકાર ટકી રહેવા સક્ષમ છે.”

જમીન પરની હકીકત જુદી જ હતી. તાલિબાનો એવી રીતે કાબુલમાં આવી ચઢ્યા કે અમેરિકાએ તેના સ્ટાફને ત્યાંથી એર-લિફ્ટ કરવા માટે વધારાની સૈનિક સહાય મોકલવી પડી. કાં તો જો બાઈડનનું વહીવટીતંત્ર તાલિબાનોની વીજળી જેવી ગતિથી અંધારામાં રહી ગયું, અથવા તો તેમની સાથે તેની ગુપ્ત સમજુતી હતી, જેની દુનિયાને ૨૦-૨૫ વર્ષ પછી કોઈક પુસ્તકમાં ઘટસ્ફોટ થશે ત્યારે ખબર પડશે.

જે આતંકવાદીઓનો અમેરિકા સફાયો કરવા માગતું હતું, એ જ આતંકવાદીઓ અફઘાનિસ્તાનની ગાદી પર બેસશે. આમાં બે અસલી વિજેતા છે: તાલિબાનો અને તેમને લશ્કરી, રાજકીય, આર્થિક અને નૈતિક આશ્રય આપનાર પાકિસ્તાન. રશિયન લોકો અફઘાનિસ્તાનમાં હતા, ત્યારે પણ પાકિસ્તાને અફઘાન મુજાહીદ્દીનોને તાજા-માજા કર્યા હતા, અને અમેરિકા તાલિબનોનો સફાયો કરવા અહી આવ્યું, તો પાકિસ્તાનના સૈન્યએ ઢાલ પૂરી પાડી હતી. પાકિસ્તાનનાં વ્યૂહાત્મક હિતોમાં અફઘાનિસ્તાન શરૂઆતથી જ સૌથી મહત્ત્વનું રહ્યું છે.

પાકિસ્તાનની કુખ્યાત ઇન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ(આઈ.એસ.આઈ.)ના ભૂતપૂર્વ વડા જનરલ હમીદ ગુલે, ૨૦૧૪માં સાર્વજનિક રીતે એક એકરાર કર્યો હતો, જે અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિને સમજવા માટે ઉપયોગી છે. આતંકવાદ સામેના અમેરિકાના યુદ્ધમાં પાકિસ્તાનને મળેલી અમેરિકન સહાયના સંદર્ભમાં, હમીદ ગુલે ૨૦૧૪માં એક ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "ઇતિહાસ જ્યારે લખાશે, ત્યારે તેમાં એક નોંધ થશે કે આઈ.એસ.આઈ.એ અમેરિકાની મદદથી અફઘાનિસ્તાનમાંથી સોવિયત યુનિયનને મારી-ભગાવ્યું હતું. એ પછી એમાં એક બીજું વાક્ય ઉમેરવામાં આવશે-આઈ.એસ.આઈ.એ, અમેરિકાની મદદથી, અમેરિકાને મારી-ભગાવ્યા હતા."

અમરિકા અને તેના સાથી દેશોની અત્યાધુનિક વિશાળ ફૌઝ અને આર્થિક તાકાત સામે તાલિબાનો ૨૦ વર્ષથી ઝીંક ઝીલતા રહ્યા અને પાછલા ત્રણ જ મહિનાની અંદર તેજ ગતિએ એક પછી શહેરો, પ્રાંતો અને રાજ્યો સર કરીને કાબુલના રાષ્ટ્રપ્રમુખ મહેલમાં પહોંચી ગયા તે તેમની કુનેહ અને કૌવતનું પરિણામ છે અને દેખીતી રીતે જ તેની પાછળ પાકિસ્તાની સૈન્ય તેમ જ તેના ઊભા કરેલા બિન-લશ્કરી સંગઠન જૈશે-મહોમ્મદ અને લશ્કર-એ-તૈઈબાની મદદ હતી.

અમેરિકાએ લાદેનના અલ-કાયદાને ખતમ કરવા માટે કરોડો ડોલર પાકિસ્તાનમાં ઠાલવ્યા હતા. પાકિસ્તાને એ સહાયનો ઉપયોગ તાલિબાનોને તગડા કરવામાં કર્યો હતો. આજે એ જ તાલિબાનોએ  અમેરિકાનોને હંફાવી દીધા. ૨૦ વર્ષ પહેલાં, ૧૩ નવેમ્બર ૨૦૦૧ના રોજ, અમેરિકન સૈન્યના પીઠબળ સાથે અફઘાન નોર્ધન એલાયન્સના સૈનિકોએ કાબુલમાંથી તાલિબાનોને મારી ભગાવ્યા હતા અને નાગરિક સરકારની સ્થાપના કરી હતી. ગઈ ૧૫મી ઓગસ્ટે, તાલિબાનોએ એ જ કાબુલનો કબજો લઇ લીધો. એક ચક્ર આખું ફરી ગયું હતું.

આગામી મહિને, ૧૧મી સપ્ટેમ્બરે, અમેરિકાના ‘આતંક વિરોધી યુદ્ધ’ની ૨૦મી સાલગિરાહ છે. અફઘાનિસ્તાન છોડી દેવાની અમેરિકન સૈનિકોની આ છેલ્લી તારીખ મુક્કરર થઇ હતી. ૨૦મી સપ્ટેમ્બરે જો બાઈડન અફઘાનિસ્તાનમાં યુદ્ધ પૂરું થયાની જાહેરાત કરે, ત્યારે અખબારોમાં સાચી હેડલાઈન આ પ્રમાણે હોવી જોઈએ :

“વોર ઓન ટેરરનો પરાજય : આતંકવાદનો વિજય.”

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’, નામે લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 22 ઑગસ્ટ 2021

Loading

...102030...1,8431,8441,8451,846...1,8501,8601,870...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved