ઇંગ્લિસ્તાનના એક એશિયાઈ આગેવાનના નિવાસસ્થાને, ગઈ સદીના આઠમા દાયકામાં, એક મુશાયરાનું આયોજન થયું. નાટ્યલેખક શમ્સુદ્દીન આગા ઉર્દૂ શાયરીના એક સર્વોચ્ચ કવિ મિર્ઝા ગાલિબને [જન્મ : 27 ડિસેમ્બર 1797, આગ્રા − અવસાન : 15 ફેબ્રુઆરી 1869, દિલ્હી] આ મુશાયરામાં લઈ આવે છે. મર્ત્યલોકના માનવીની જેમ આ અમર શાયર પણ મૂંઝાયેલા, ખોવાયેલા હોય તેવો અનુભવ થાય છે. આપણ સૌની જેમ, અહીં પાત્રો પણ, એશિયાઈ સમાજની અધકચરી, ઢંગધડા વિનાની વાતો પેશ કરે છે.
માનવીની સુપ્ત વૃત્તિઓની, વિનોદ તથા કટાક્ષ વાટે, અહીં રજૂઆત થઈ છે. શાયરી, સંગીત, ગપસપ, બોલચાલ અને નાચગાનમાં પણ વ્યસ્ત રહેતી બ્રિટિશ એશિયાઈ જમાતને મન ભાંગડા નૃત્યસંગીત સૌથી અદ્દભુત વસ્તુ છે. તેની મજાક પણ અહીં છે. જાણીતા વિચારક, લેખક યાવ્વર અબ્બાસ લખે છે તેમ, ગાલિબની રચનાઓ ભણી વાચકને, શ્રોતાને દોરી જવાનો જ આશય લેખકનો અહીં નથી; પણ ખુદની મજાક કરવાનો અને જાતતપાસનો મકસદ પણ હોય તેમ લાગે છે.
ગઈ સદીના પાંચમા દાયકામાં કન્હૈયાલાલ કપૂરે ઉપહાસાત્મક રચના કરેલી, નામે, ‘મિર્ઝા ગાલિબ જદીદ શોર કી મહેફિલમેં’. એ ઘૂમ ઉપડેલું. તે મૂળ નાટકનું માળખું કબૂલ કરી, શમ્સુદ્દીન આગાએ, 1982ના અરસામાં, ઉર્દૂમાં એકાંકી લખ્યું. તેના અનેક ખેલ લંડનમાં અને ભારતમાં થયા. ઉર્દૂમાં આ ચોપડી 1984માં પ્રગટ થઈ, અંગ્રેજીમાં 1995માં થઈ. એ નાટકનું ગુજરાતી સંસ્કરણ કરાવવાનું અમારું સૂચન લેખકે સ્વીકાર્યું. હવે, અહીં, તેનું ગુજરાતી રૂપાન્તર આપીએ છીએ. અનુવાદનાં આ કામમાં, રૂપાંતરકાર મનીષ પટેલને, ગુજરાતી સાહિત્યકાર પ્રૉ. જયન્ત પંડ્યાએ પાયાગત માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
રમણભાઈ નીલકંઠની અમરકૃતિ ‘ભદ્રંભદ્ર’ના મુખ્ય પાત્રને, ક્યારેક, લાવણ્યનગરી લંડનની સહેલ કરાવવાની જરૂર ખરી ! પ્રાચીનપક્ષવાદી રૂઢિચુસ્ત ભદ્રંભદ્ર ધોતિયું, અંગરખું, ચકરી પાઘડી પહેરી, સખા અંબારામ જોડે, વિમાનમાં બેસી, લંડન આવે અને સ્વભૂમિ પરત થાય ત્યારે, મહામયી નગરીના વિમાનમથકે, સૂટેડબૂટેડ, હેટધારી દેખા દે, એવું પણ બની શકે ! … આ પણ એક ઓરતો છે !! … ખેર !
— વિ.ક. [‘ઓપિનિયન”, 26 જુલાઈ 2006; પૃ. પ્રથમ]
•••••
આ 26 જુલાઈ 2006ના “ઓપિનિયન”ના અંકના અગિયાર અગિયાર પાનાં પર પથરાયું આ નાટક જમાવટ કરી જાય છે. સમાપ્તિ ભણી ધસમસતા આ નાટકનો છેલ્લો અંશ જોવા સમ છે :
મિર્ઝા ગાલિબ : હૈરાઁ હૂઁ દિલ કો રોઉં કે પીટૂં જિગરકો મૈં
મકદૂર હો તો સાથ રખૂઁ નોહાગરકો મૈં
(મિર્ઝા સાહેબ ઊભા થાય છે અને આસપાસ જુએ છે.)
મારે હવે સ્વર્ગમાં પાછા જવું પડશે − મારો વખત પૂરો થયો છે. મારી મુલાકાત આનંદ કરતાં દુ:ખ વધારે લાવી. મને પ્રશ્ન થાય છે કે મારું જીવવું નિષ્ફળ તો નથી ગયું ને ?
(જેવા તે સ્વર્ગમાં જવા હાથ ઊંચા કરે છે, કે ગાંધી ટોપી પહેરેલું અને હાથમાં ભારતીય ઝંડો લઈ એક પાત્ર પ્રવેશે છે.)
ભારતીય ઉર્દૂ : મિર્ઝા સાહેબ, ઊભા રહો. મારું નામ ઉર્દૂ છે. મારું ઘર હિન્દુસ્તાન છે.
(બીજું એક પાત્ર, જિન્નાહ ટોપી પહેરેલું પાકિસ્તાની ઝંડો લઈ પ્રવેશે છે.)
પાકિસ્તાની ઉર્દૂ : હજુ જવાનું નથી, ગાલિબ સાહેબ. મારું નામ ઉર્દૂ છે. મારું ઘર પાકિસ્તાન છે.
(ત્રીજું એક પાત્ર, બોલર હેટ પહેરેલું અને યુનિયન જેક લઈ પ્રવેશે છે.)
બ્રિટિશ ઉર્દૂ : ગાલિબ સાહેબ, મહેરબાની કરી સાંભળો. મારું નામ ઉર્દૂ છે. મારું ઘર ગ્રેટ બ્રિટનમાં છે. અમે જ્યાં પણ રહીએ, તમારું સ્થાન અમારા હૃદયમાં છે. તમારી શાયરી અમારી પ્રેરણા છે. જ્યારે અંધકાર હોય ત્યારે તમે પ્રકાશ પાથરો છો. જ્યારે અમે દુ:ખી હોઈએ ત્યારે તમે ઉત્સાહ બનીને આવો છો. જ્યારે અમે નિરાશ થઈએ ત્યારે આશાનું કિરણ બનીને આવો છો. અમારી ભાષા અને સંસ્કૃતિ વિષે તમે ચિંતા ન કરશો. જ્યાં સુધી તમારા જેવા શાયર છે, ત્યાં સુધી તે નાશ નહીં પામે − તેનો નાશ થઈ શકે જ નહીં.
(મિર્ઝા સાહેબ ટટ્ટાર થાય છે અને પોતાનો વિષાદ ભૂલી જાય છે. તે પોતાનાં પુસ્તકની નકલ પાત્રોને આપે છે. ગાલિબની ગઝલ ગવાતી સંભળાય છે : … ‘હૈ બસ કિ હર એક … … ‘ લાઈટ મંદ થતી જાય છે અને સાથે સાથે પડદો પડે છે.)
•••
આ શમ્સુદ્દીન ઇસ્માઈલ આગાનો 21 જુલાઈ 2021ના રોજ અહીં લંડનમાં દેહ પડ્યો. વળતે દિવસે વૉલ્ધમ ફોરેસ્ટના કબ્રસ્તાનમાં એમની દફનવિધિ સમ્પન્ન થઈ હતી. જાહેર જીવનને, નાગરિકી સમાજને, ઉદારમતી કોમને તેમ જ અહીં વસવાટી ભારતીય આલમને ન પૂરાય તેવી ખોટ પડી છે. લાંબા અરસા પહેલાં પત્નીનાં નિધન કેડે હવે શેષ પરિવારમાં પુત્રી, પુત્ર તેમ જ દોહિત્રી છે.
શમ્સુદ્દીન આગા મૂળ મુંબઈનિવાસી. એમનો જન્મ ભાયખલા ખાતે, સન 1936 વેળા, 19 જૂને થયેલો. મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ઉપાધિ મેળવ્યા બાદ એમણે નાટક અંગેની તાલિમ પણ લીધી હતી. શિષ્ટ ફારસી તેમ જ અંગ્રેજી વિષયના એ વ્યાખ્યાતા ય હતા.
બીજા અનેક યુવાનોની પેઠે, એ કાળે, રોજગારીની ઉજ્જવળ શોધમાં, સન 1964 દરમિયાન, શમ્સુભાઈએ વિદેશની વાટ પકડી. અને તે દિવસોમાં સઘળાની નજર જેમ વિલાયત પર મંડિત રહેતી તેમ આ બિરાદર પણ વિલાયત આવ્યા. આરંભે જાતભાતની રોજગારી કરતા રહ્યા. લેંકેશરના બોલ્ટન નગરમાં શિક્ષણકામ પણ કર્યું અને ત્યાં ગોઠવાઈ જવાનું વિચાર્યું; પરંતુ છેવટે પાટનગર લંડનમાં જ એમનો મેળ પડ્યો અને પૂર્વ લંડનના વૉલ્ધમ ફોરેસ્ટ વિસ્તારમાં ઠરીઠામ થયા. અંગ્રેજી ઉપરાંત બીજી બેપાંચ ભાષાઓ ય જાણે તેથી લેયટન લાઇબ્રેરીમાં ગ્રથપાલ / વસ્તુપાલ [curator] તરીકે નિયુક્ત થયા. ત્યાર પછી, ન્યુહમ બરૉ કાઉન્સિલના ભાષાન્તર વિભાગમાં વડા અધિકારી તરીકે ય એમણે વરસો લગી સેવાઓ આપેલી અને ત્યાંથી જ પા સદી પહેલાં એ સેવાનિવૃત્ત થયેલા.
શમ્સુભાઈ જોડેનો કુંજને તેમ જ મને લગભગ આ અરસામાં જ પરિચય થયો અને તે અંત લગી મધમીઠો રહ્યો. કુંજને અવારનવાર ચાનક ચડાવી એમની સંગાથે નાટકમાં ઊતરવા ને કામ કરવા ય સૂચવતા.
પંચ્યાશી વરસની વયને આંબી જનાર આ લેખકે અંગ્રેજીમાં અને ઉર્દૂમાં લખાઈ કેટલીક ચોપડીઓ આપી છે. ‘વહશત હી સહી’, ‘ટીપુ સુલતાન’, ‘મિર્ઝા ગાલિબ ઇન લંડન’ તેમ જ ‘ફ્લાઇટ ડિલેય્ડ’નો તેમાં સમાવેશ છે.
અહીંના વસવાટ દરમિયાન, એમણે 1969 વેળા ‘ઇન્ડિયન મુસ્લિમ ફેડરેશન’ની સ્થાપના કરી હતી અને તે સંસ્થાની એમણે ભરપૂર કાળજી કરી. વરસોથી એ આ સંસ્થામાં અંતિમ ક્ષણ લગી પ્રમુખપદે રહ્યા હતા. સંયુક્ત રાષ્ટૃ સંઘે આ સંસ્થાને સન 1999 વેળા NGOનો અધિકૃત મોભો પણ આપેલો. શમ્સુદ્દીન આગાના વડપણ હેઠળ આ સંસ્થાએ હરણફાળ ભરી અને પોતાનું કાયમી સરનામું પણ ઘડી કાઢ્યું. પોતાના કાર્યકાળ વેળા ફેડરેશન હેઠળ અનેક પરિસંવાદો તેમ જ પરિષદોનાં આયોજન પણ થયાં છે. ભારતીય મુસ્લિમોની દશા વિશે એમને ચિંતા રહ્યા કરતી અને જીનેવા, ન્યુ યોર્ક ખાતે તેમ જ દક્ષિણ આફ્રિકા જઈને પરિસંવાદોમાં અને બેઠકોમાં સક્રિય રજૂઆતો કરી હતી. વળી વિષયને લગતાં અનેક લખાણો ય એમણે કર્યા છે.
આમાંના એક ત્રિદિવસીય પરિસંવાદમાં ભાગ લેવાનો મોકો મને ય મળ્યો હતો. દેશવિદેશના અનેક કર્મઠ કાર્યકરો, વિચારકો તેમ જ આગેવાનો આ પરિસંવાદમાં સામેલ હતા. આમાં પ્રાદ્યાપક રામ પુન્યાની, તીસ્તા સેતલવડનો ય સમાવેશ હતો. ફેડરેશનના મકાનમાં જ સભાખંડની સગવડ. ગુજરાતી સાહિત્ય અકાદમીને કારણે ત્યાં બે’ક વાર સભાબેઠકને સારુ પણ જવાનું બન્યું છે. આ મકાન, આ સભાખંડનું પુનરુદ્ધાર થતું હતું તે દિવસોમાં, જ્યારે જ્યારે હળવામળવાનું થતું, ત્યારે ત્યારે શમ્સુભાઈ મારી કને વચન ઇચ્છતા, અકાદમીની એક સભા દર મહિને આ નવા સભખંડમાં શરૂ થાય !
ખેર ! … રાષ્ટૃીય સ્તરના આગેવાનો જોડે આગા સાહેબને નાતો રહેતો. સ્થાનિક નેતાગીરી અને અધિકારીગણ જોડે ય બેઠકઊઠક રહેતી. મોટે ભાગે વ્યાસપીઠથી દૂર, શ્રોતા વચ્ચે બેઠક કરતા આ આગેવાન સરીખા આજકાલ કેટલા હોય ? પરંતુ આ જણે, જાહેર જીવનનો ક્યારે ય તેવા સંપર્કનો અંગત ફાયદો લીધો જાણ્યો નથી. હંમેશાં કોમની જ સિફારસ; કોમવાદ અને જાતિભેદની સામેની જેહાદ; રૂઢિચુસ્ત વલણ તથા સામંતશાહી રીતિનીતિ સામેની લડત માંડી જ હોય અને વળી મનેખ તરીકે સમાનતા, ધર્મનિરપેક્ષતા અને ઋજુતાનો પરચમ લહેરાવ્યા કર્યો હોય. કોમના આગેવાન તરીકે નિષ્ઠા, પ્રામાણિક્તા, ન્યોછાવરીમાં, ભલા, એમનો જોટો મળવો મુશ્કેલ.
e.mail : vipoolkalyani.opinion@btinternet.com
હેરો, 27 જુલાઈ 2021
સૌજન્ય : "નિરીક્ષક", 01 ઑગસ્ટ 2021; પૃ. 10-11