ગમે તો જુએ તેજરાયા અગાસી,
નહીંતર સૂએ જોગમાયા અગાસી.
અતિવૃષ્ટિમાં છત્રરૂપે છવાઈ,
થથરતી લઈ ભીની કાયા અગાસી.
ઉનાળે કડપથી દઝાડે ને પાછી,
શિયાળે હુંફાળી છે આયા અગાસી
વિરહી પ્રિયાના વ્યથિત કૃષ્ણપક્ષે,
કળાઓ ગણે ખેલખાયા અગાસી.
કદી વિસ્તરી જઈને અંતાક્ષરીમાં,
રચે કો નવી અર્થછાયા અગાસી.
અથાણાં, વડી, પાપડોને સૂકવતી,
ગૃહિણીની છે ભ્રાતૃજાયા અગાસી.
ધરી સ્વપ્ન હેન્ગિન્ગ-ગાર્ડનનું મનમાં,
ઉછેરે છે પીપળો ભૂજાયા અગાસી.
પતંગોની રંગીન ગતિના ચલનથી,
કળે ઉત્તરાયણની છાયા અગાસી.
નથી બીચનું સખ્ય જેનાં નસીબમાં,
છે એવા જનોને ‘પટ્ટાયા’ અગાસી.
તેજરાયા – અકાશના તેજસ્વી પદાર્થો (સંઃ ભોગીલાગ ગાંધી – “તું તારા દિલનો દીવો થા ને”)
જોગમાયા – સૃષ્ટિ ઉત્પન્ન કરવામાં સહાયક બનતી ઈશ્વરની પોતાની બાર શક્તિઓમાંની એક શક્તિ, કારસ્તાની સ્ત્રી
કૃષ્ણપક્ષ – અંધારિયું પખવાડિયું; વદિ પક્ષ
ખેલખાયા – અનુભવી કે જાણીતી સ્ત્રી ( સામાન્ય રીતે વેશ્યાના અર્થમાં)
અર્થછાયા- શબ્દ પોતાનો સંપૂર્ણ અર્થ ન આપતાં ઓછો ખ્યાલ માત્ર આપે એવી પરિસ્થિતિ, ‘ન્યુઅન્સ’
ભ્રાતૃજાયા – ભાભી; ભોજાઈ, [ ભ્રાતૃ ( ભાઈ ) + જાયા ( સ્ત્રી )]
હેન્ગિન્ગ-ગાર્ડન – Trees being planted on a raised structure such as a terrace.
ભૂજાયા- [ભૂ ( પૃથ્વી ) + જાયા ( જન્મેલી ) ], પૃથ્વીમાંથી નીકળેલી, સીતા
પટ્ટાયા – Pattaya is a city on Thailand’s eastern Gulf coast known for its beaches.
![]()


આપણને એક જ જિંદગી મળી છે અને એમાં આપણે નક્કી કરવાનું છે કે તે કઈ રીતે જીવવી. આપણાં સંતાનને પણ એક જ જિંદગી મળી છે, અને એક મા-બાપ તરીકે જો કોઈ શિખામણ આપવાની હોય તો વિચારવું પડશે કે તેને તે કેવી જિંદગી જીવે એવી શિખામણ આપવી. જ્યારે શિખામણ આપશો ત્યારે તમારી પાસે પોતે નહીં જોયેલો અને નહીં અનુભવેલો, પણ કોઈકે કહેલો ભૂતકાળ (ઇતિહાસ) છે, તમે પોતે જોયેલો અને અનુભવેલો વર્તમાન છે અને તમારાં સંતાનને જેમાં જીવવાનું છે એવો ભવિષ્યકાળ છે. યાદ રહે, તમારી પાસે અને તમારાં સંતાનો પાસે જિંદગી એક જ છે અને તેમાં મૂલ્યવાન આયખું કેમ જીવવું એ અંગેનો મહત્ત્વનો નિર્ણય તમારે લેવાનો છે.
આપણી ડિક્શનરીમાં છેલ્લા બે વર્ષમાં જાતભાતના શબ્દો ઉમેરાયા છે. આપણે આલ્ફા અને બિટા વેરિયન્ટથી માંડીને રેમડેસેવીર જેવા શબ્દો ગૂગલ કરીને ઘણું બધું જરૂરી બિન જરૂરી જાણ્યા કરીએ છીએ. એમાં હવે છેલ્લા એક અઠવાડિયાથી આપણે સાંભળીએ છીએ પેગાસસ અને સ્નૂપિંગ વિશે. આપણું શબ્દભંડોળ વધુ સમૃદ્ધ કરનારા પેગાસસને રોગચાળા સાથે કોઇ સબંધ નથી, પણ રાજકારણીઓની જાસૂસી કોઇ નવી વાત નથી. પેગાસસનું વાવાઝોડું એકદમ નવું નક્કોર છે અને આ પહેલાં ભારતીય રાજકારણમાં સ્નૂપિંગ એટલે કે જાસૂસીનાં કાંડ થયાં જ છે પણ પેગાસસ સ્પાયવેરથી થયેલું સ્નૂપિંગ સૌથી સોફેસ્ટિકેટેડ કહી શકાય, જેમાં ટેક્નોલૉજીનો એટલી સટિકતાથી ઉપયોગ થયો છે કે એક નાનકડું સ્પાયવેર શું કરી શકે છે તેના વિચાર માત્રથી મોટાં માથાઓને અથવા તો જેમના કબાટમાં જાતભાતના કંકાલતંત્ર છે તેમને કંપારી છૂટી જાય.