Opinion Magazine
Number of visits: 9663811
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આદિવાસીઓના અસ્તિત્વ અને અધિકારોની રક્ષાનો દિવસ એટલે વિશ્વ આદિવાસી દિન

ચંદુ મહેરિયા|Opinion - Opinion|13 August 2025

ચંદુ મહેરિયા

એકવીસમી સદીની પહેલી પચીસીની પૂર્ણાહૂતિના આરે ઊભા રહીને દેશ અને દુનિયાના આદિવાસીઓની સ્થિતિ વિશે વિચારીએ છીએ તો શું લાગે છે? આજે પણ આદિવાસીઓનો અસ્તિત્વ માટેનો સંઘર્ષ બરકરાર છે. ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા, અમાનવીય શોષણ અને અત્યાચારો, વેઠિયા મજૂરી અને બાળ મજૂરી, શિક્ષણ અને આરોગ્ય સેવાઓનો અભાવ, વિસ્થાપન અને સ્થળાંતર જેવી અનેક સમસ્યાઓથી તેમને પીડવામાં આવી રહ્યા છે. તેમના જળ, જંગલ અને જમીન છીનવાઈ રહ્યાં છે. 

આદિવાસી, ગિરિજન, વનવાસી, વનબંધુ, અત્વિકા, અનુસૂચિત જનજાતિ અને ટ્રાયબલ જેવા વિવિધ નામે ઓળખાતા આદિવાસીઓ પૃથ્વી પરના મૂળનિવાસી અને આદિ કાળથી વસતા અસલ વતની છે. વિશિષ્ટ સંસ્કૃતિ, ભૌગોલિક અલગાવ, કથિત મુખ્ય સમાજ સાથે સંપર્કનો સંકોચ, આદિમ લક્ષણોના સંકેત, પછાતપણું જેવી વિશેષતા ધરાવતા આદિવાસીઓની વિશ્વના ૯૦ દેશોમાં આશરે ૪૭.૬ કરોડ (વિશ્વની કુલ વસ્તીના ૬ ટકા) વસ્તી છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની કુલ વસ્તીમાં તેમની વસ્તી ૮.૬ ટકા (૧૦.૪ કરોડ) છે. ગુજરાતમાં ૮૯.૧૭ લાખ (કુલ વસ્તીના ૧૪.૮ ટકા) છે. દુનિયામાં, દેશમાં કે રાજ્યમાં ભલે તેમની વસ્તી લગભગ ૧૦ ટકાની આસપાસ હોય પરંતુ ગરીબીમાં તે અવ્વલ છે. કુલ ગરીબોમાં આદિવાસી ગરીબો સૌથી વધુ અર્થાત ૧૫ થી ૨૦ ટકા જેટલા છે. ભારતના કુલ ભૂભાગમાં ૨૦ ટકા આદિવાસી ક્ષેત્ર છે. રાષ્ટ્રીય સંસાધનોના ૭૦ ટકા ખનિજ, જંગલ, વન્ય પ્રાણી, જળ સંસાધન અને માનવ શ્રમ ત્યાં જ ઉપલબ્ધ છે. પરંતુ આદિવાસીઓ તેમના અસ્તિત્વ માટે નિરંતર સંઘર્ષ કરતા રહે છે. સરકારી વિકાસ યોજનાઓ તેમને વિસ્થાપિત કરે છે અને બે ટંક રોટલાના સાંસા તેમને સ્થળાંતરિત કરે છે. ભલે દેશનો સામાન્ય સાક્ષરતા દર ૭૩ ટકા હોય આદિવાસી સાક્ષરતાનો દર તેનાથી ઘણો નીચો ૫૯ ટકા જ છે. તેમાં આદિવાસી પુરુષોની સાક્ષરતા ૬૮.૫૩ ટકા અને મહિલા સાક્ષરતા ૪૯.૩૫ ટકા જ છે. 

દુનિયાના સૌથી નબળા અને વંચિત સમૂહ એવા આદિવાસીઓની સ્થિતિમાં બદલાવ માટે સંયુક્ત રાષ્ટ્રસંઘે પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ તેમનો માર્ગ આસાન નહોતો. યુનો રચિત વર્કિંગ ગ્રુપ ઓફ ઈન્ડિજિનસ પોપ્યુલેશનની પહેલી બેઠક ૯મી ઓગસ્ટ ૧૯૮૨ના રોજ જિનિવામાં મળી હતી. તેણે આદિવાસી અધિકારોનું ઘોષણાપત્ર તૈયાર કરવું શરૂ કર્યું. ફસ્ટ ડ્રાફ્ટમાં આદિવાસીઓને તેમના વિસ્તારોમાં પારંપરિક શાસન વ્યવસ્થા લાગુ કરવાનો આત્મનિર્ણયનો અધિકાર આપવામાં આવ્યો હતો. જળ, જમીન, જંગલ પર અને ઉપલબ્ધ કુદરતી સંશાધનો પર પહેલો અધિકાર આદિવાસીઓનો રહેશે તેમ પણ જણાવ્યું હતું. આ પ્રકારના આધિકારોનો અનેક દેશોએ વિરોધ કર્યો હતો. ૧૯૮૨ થી ૧૯૯૪ એમ બાર વરસ સુધી પહેલો ડ્રાફ્ટ ચર્ચાતો રહ્યો. સતત સંઘર્ષ અને અથાક મહેનત પછી પચીસ વરસે ૧૩ મી સપ્ટેમ્બર ૨૦૦૭ના રોજ યુનોમાં આદિવાસી અધિકારોનું ઘોષણા પત્ર સ્વીકૃત થઈ શક્યું હતું. વિશ્વના ૧૪૪ દેશોએ ઘોષણાપત્રનું સમર્થન કર્યું હતું, જ્યારે ૧૧ દેશો તટસ્થ રહ્યા હતા. દુનિયાના વિકસિત દેશો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે શરૂઆતમાં વિરોધ કર્યો પણ પછી તેને સ્વીકાર્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ૨૦૦૯માં અને ન્યૂઝીલેન્ડે ૨૦૧૦માં તેનો સ્વીકાર કર્યો હતો. આદિવાસીઓનો જંગલ, જમીન અને જળ સંસાધનો પર એકાધિકાર, આત્મ નિર્ણય અને સ્વશાસનનો અધિકાર, પૂર્વ સંમતિથી જ આદિવાસી વિસ્તારોના સંસાધનોનો ઉપયોગ વગેરે આદિવાસી અધિકારો ઘોષણાપત્રમાં સામેલ હતા. જો કે ઘોષણાપત્ર કાનૂની રીતે બાધ્યકારી નથી પરંતુ તેનાથી નૈતિક દબાવ બની રહે છે. 

સંયુક્ત રાષ્ટ્રસંઘે ૧૯૯૫ થી ૨૦૦૪ અને ૨૦૦૫ થી ૨૦૧૫ એમ બે દાયકા વિશ્વ આદિવાસી દાયકા રૂપે મનાવીને આદિવાસી અધિકારો માટે જાગૃતિ આણી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘની આદિવાસી અધિકારો માટેની નવમી ઓગસ્ટ ૧૯૮૨ની પહેલી બેઠકની સ્મૃતિમાં ૧૯૯૪માં દર વરસે ૯મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિન INTERNATIONAL DAY OF INDIGENOUS PEOPLES) મનાવવાનું યુનોએ નક્કી કર્યું હતું. ૧૯૯૫થી વિશ્વ નવમી ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ મનાવે છે. 

વિશ્વ આદિવાસી દિવસ ઠાલી ઉજવણીનો દિવસ નથી પરંતુ તેની પાછળ કેટલાક ઉદ્દેશ રહેલા છે. આદિવાસીઓની આગવી સંસ્કૃતિ, વિશિષ્ઠ જીવનશૈલી, ભાષા અને અસ્તિત્વનો સ્વીકાર અને રક્ષણ, સમાજની કથિત મુખ્ય ધારાથી કપાયેલા આદિવાસીઓનું સન્માન, તેમના યોગદાનને માન્યતા, તેમના સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત જ્ઞાનનું જતન-સંવર્ધન, બહારના તત્ત્વોથી તેમના જળ, જમીન, જંગલનું રક્ષણ, અધિકારો માટેની જાગૃતિ અને શોષણ સામે સંઘર્ષ, તે માટેની પ્રતિબધ્ધતા અને સંકલ્પના ઉદ્દેશ સાથે આદિવાસી દિવસની ઉજવણી થાય છે. દર વરસે કોઈ ચોક્કસ થીમ સાથે દુનિયામાં આદિવાસી દિવસ મનાવાય છે. ૨૦૨૩ના વિશ્વ આદિવાસી દિવસની ‘થીમ પારંપરિક જ્ઞાનના સંરક્ષણ અને પ્રસારણમાં આદિવાસી મહિલાઓની ભૂમિકા’, ૨૦૨૪માં ‘સ્વનિર્ણય માટે પરિવર્તનના વાહક તરીકે આદિવાસી યુવાનો’  અને ૨૦૨૫માં ‘આદિવાસીઓનો આત્મનિર્ણયનો અધિકાર, ખાધ્યસુરક્ષા અને સાર્વભૌમત્વનો માર્ગ’ની થીમ યુનોએ નક્કી કરી છે.

ભારતમાં ૭૦૦ આદિવાસી જનજાતિ છે. પ્રકૃતિપૂજક આદિવાસીઓ વિકાસમાં છેલ્લે છે. એટલે બંધારણના વિવિધ અનુચ્છેદ હેઠળ આદિવાસીઓને વિશેષ સગવડો આપવાની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ, નોકરી અને રાજનીતિમાં તેમને યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે તે માટે અનામતની જોગવાઈ છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધીના રાજકીય પ્રતિનિધિત્વ માટેની આ જોગવાઈઓને કારણે જ કદાચ આજે દેશના પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિના પદે આદિવાસી મહિલા વિરાજમાન છે. આઝાદીના પંચોતેર વરસો પછી શિક્ષણ, સરકારી નોકરીઓ અને રાજનીતિમાં આદિવાસીઓ થોડી પ્રગતિ સાધી શક્યા છે પરંતુ મંજિલ હજુ ઘણી દૂર છે.

અન્ય સમાજોની જેમ આદિવાસીઓમાં પણ પ્રભુત્વ ધરાવતો વર્ગ પ્રગતિમાં આગળ છે. પરંતુ કેટલીક આદિવાસી જાતિઓ સુધી કોઈ વિકાસ પહોંચ્યો નથી. એટલે સરકારે તેના તરફ વિશેષ લક્ષ આપ્યું છે. ઉછંગરાય ઢેબર કમિશનની ભલામણો પરથી ૧૯૭૫માં ૫૨ અને ૧૯૯૩માં ૨૩ આદિવાસી જાતિઓને વિકાસમાં અતિપછાત તરીકે ઓળખવામાં આવી હતી. તેથી દેશની ૭૦૫ અનુસૂચિત જનજાતિમાં ૭૫ અતિ પછાત આદિવાસી જાતિઓ છે. પહેલાં તેની પ્રિમિટિવ ટ્રાયબલ ગ્રુપ (PTG) કે આદિમ જાતિ તરીકે સરકારી ઓળખ હતી. ૨૦૦૬થી તે બદલાઈને PVTG (PARTICULARLY VALNERABLE TRIBAL GROUPS, ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ)ની થઈ છે. ગુજરાતની ૩૧ ટ્રાઈબ્સમાં કાથોડી, કોટવાળિયા, કોલધા, પઢાર અને સિદ્દી એ પાંચ  પી.વી.ટી.જી. છે. 

ત્રણ દિવસ પછી આવતો વિશ્વ આદિવાસી દિવસ ઉજવણીના ઉલ્લાસ સાથે સંકલ્પનો પણ દિવસ છે. આ સંકલ્પ સમાજ અને સરકાર બંનેએ લેવાનો છે. જ્યાં આદિવાસી વસ્તી ઓછી છે અને તે વોટ બેન્ક નથી તેવા અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાની સરકારો અને સમાજે ૨૦૦૮-૯માં અને તાઈવાને ૨૦૧૬માં આદિવાસીઓની જાહેર માફી માંગી હતી. સર્વોચ્ચ કેથોલિક ધર્મગુરુ પોપ ફ્રાન્સિસે પણ આદિવાસીઓ પ્રત્યેના અન્યાય માટે જ્ઞમાયાચના કરી હતી. પરંતુ ભારતમાં તો બિનઆદિવાસીઓને આદિવાસીઓની યાદ તેમના ધર્મપરિવર્તન વખતે જ આવે છે. આ વલણ બદલાય તો આદિવાસી દિવસની ઉજવણી સાર્થક બને.

e.mail : maheriyachandu@gmail.com

Loading

વ્યૂહાત્મક નહીં, મૂલ્યાત્મક મૂલવણીના પ્રશ્નોની વાત છે!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|13 August 2025

શંકાનો લાભ આપી સમુદાર સમજૂતની રીતે વિચારીએ તો દેવરસ કાં તો વ્યૂહાત્મક રમત રમી રહ્યા હતા અગર સંઘમાં બે મત હતા

પ્રકાશ ન. શાહ

સોમા વરસમાં પ્રવેશનાં ઉંબર અઠવાડિયાઓમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની સાથે નાભિસંબંધ ધરાવતો ભારતીય જનતા પક્ષ પરસ્પર અને પોતપોતાની વિજયક્ષણો ને કસોટીક્ષણો એક સાથે અનુભવતાં માલૂમ પડે છે.

સ્વરાજની અમૃતવર્ષી અને સંઘની પોતાની શતવર્ષીમાં આ પક્ષ અને પરિવાર આખો પોતાની કટોકટી સામેની સાચીખોટી લડાઈ પર કંઈક સોનેરી મદાર પણ બાંધી રહેલ છે. 1975ની 26મી જૂન સાથે કાઁગ્રેસે 1950ની 26મી જાન્યુઆરીને સવાલિયા દાયરામાં મૂકી દીધી હતી એ અલબત્ત સાચું છે. પણ 26મી જૂન સામે લડતના મુદ્દે ને મોરચે સંઘ પરિવાર ક્યાં હતો, કેમ હતો, કેટલે હતો, એ પ્રશ્ન હજારો મિસાબંદીઓમાં એના મોટા હિસ્સા છતાં હતો, છે અને રહેશે.

વચ્ચે અહીં જુલાઈ 1975માં ઉમાશંકર જોશીએ રાજ્યસભામાં આપેલા વક્તવ્યની અને એ જ દિવસોમાં ચંડીગઢ જેલમાંથી જયપ્રકાશ નારાયણે વડા પ્રધાનને લખેલ પત્રની જિકર કરવાનું બન્યું હતું. એમાં કટોકટી અકારણ લદાયાથી માંડી લોકશાહી અધિકારોની પુન:સ્થાપના સહિતના મુદ્દા તરી આવતા હતા.

ઊલટ પક્ષે, અહીં વાતની શરૂઆત ઓગસ્ટ 1975માં યરવડા જેલમાંથી તત્કાલીન સરસંઘચાલક મધુકર દત્તાત્રેય દેવરસે વડા પ્રધાનને લખેલા પત્રથી કરવાનો ખયાલ છે, જેમાંથી કટોકટી બાબતે સંઘ પરિવારની સંમિશ્ર ને સંદિગ્ધ ભૂમિકા સોડાય છે. બાવીસમી ઓગસ્ટે દેવરસ ઇંદિરા ગાંધીને લખે છે કે અહીં જેલમાં આકાશવાણી થકી પંદરમી ઓગસ્ટનું લાલ કિલ્લા પરનું આપનું ભાષણ સાંભળ્યું. આપનું વક્તવ્ય ‘સમયોચિત ને સંતુલિત’ હતું. વાચક યાદ રાખે, આ કટોકટીની જાહેરાત પછીનું અને એને ઘોર વાજબી ઠરાવતું પ્રવચન હતું જે દેવરસને ‘સમયોચિત ને સંતુલિત’ જણાયું હતું. વળી, એમણે ઉમેર્યું હતું કે ‘સમાજની સૌ સાચી શક્તિઓ પોતપોતાનાં ક્ષેત્રમાં પ્રામાણિકતાથી મચી પડે’ એવું જે આપે (ઇંદિરા ગાંધીએ) કહ્યું તે મુજબ ‘સંઘની શક્તિનો યોજનાપૂર્વક ઉપયોગ દેશના ઉત્થાન માટે જરૂરી છે.’

ઈંદિરા ગાંધી સાથે ‘દેશના ઉત્થાન’માં જોડાઈ શકવાના ગર્ભિત સૂચનથી ધાર્યું ઠેકાણું નહીં પડ્યા પછી નવેમ્બર 1975માં વાત આગળ ચાલે છે. દસમી નવેમ્બરે દેવરસ વડા પ્રધાનને લખે છે : ‘સર્વોચ્ચ અદાલતે આપની ચૂંટણીને કાયદેસર ઠરાવી તે માટે અભિનંદન ઘટે છે.’ (કટોકટીકાળે સર્વોચ્ચ અદાલત પાસેથી કેવી રીતે ચુકાદા મેળવાતા એ બધું ઇતિહાસદર્જ છે.)

વારુ. વચનમાં વળી કંઈક વાર્તિક સાથે દેવરસનો પત્ર પરાકાષ્ઠાએ પહોંચવા કરે છે: ‘શ્રી જયપ્રકાશ નારાયણજીના આંદોલનના સંદર્ભમાં સંઘનું નામ લેવામાં આવે છે. ગુજરાત આંદોલન, બિહાર આંદોલન સંબંધે સરકાર તરફથી સંઘનું નામ વારંવાર ને વિનાકારણ જોડવામાં આવ્યું છે … આ આંદોલનો સાથે સંઘનો કોઈ સંબંધ નથી.’ આ ‘છેડાફાડ’ શા વાસ્તે છે તે બાબતે દેવરસ પત્રોત્તરની પ્રતીક્ષા સાથે વાતનો બંધ વાળતાં ફોડ પાડે છે કે દૂષિત પૂર્વાગ્રહ છોડી આપ સંઘના હજારો લોકોને મુક્ત કરો અને સંઘ પરનો પ્રતિબંધ દૂર કરો. આમ કરવાથી સંઘના લાખો સ્વયંસેવકોની શક્તિ ગેરસરકારી રાષ્ટ્રોદ્ધારક કામોમાં લાગશે.

આટલે મહિને પણ ઇંદિરા ગાંધી અનુત્તર છે એટલે પવનારમાં વિનોબાજીની સંનિધિમાં આચાર્ય સંમેલન યોજાઈ રહ્યું છે અને તરતમાં ઇંદિરાજી પણ એમને મળશે એવા ભણકારા વચ્ચે દેવરસ વિનોબાજીને સાધવા રીગે છે : ઇંદિરાજીના મનમાંથી અમારે અંગેની ગેરસમજ દૂર કરી પ્રતિબંધ ઉઠાવડાવી લો. અમારા હજારો સ્વયંસેવક મુક્ત થતાં વેંત રાષ્ટ્રસેવાનાં ગેરસરકારી કામોમાં એમની સાથે જોડાઈ જશે, તે આ પત્રોનો સાર છે.

દેખીતી રીતે જ, જે.પી. આંદોલન સાથે કોઈ સંબંધ જ નહોતો એવા દાવા સાથેની આ સળંગ રજૂઆત કોઈ જનવાદી લડાયક તબકાની છાપ જન્માવતી નથી. બીજી બાજુ, નાના દેશમુખ સરખા સંઘશ્રેષ્ઠીઓ (ગુજરાતમાં ન.મો. સહિત) ભૂગર્ભ મોરચે હતા એ પણ હકીકત છે.

એટલે શંકાનો લાભ આપી સમુદાર સમજૂતની રીતે વિચારીએ તો દેવરસ કાં તો વ્યૂહાત્મક રમત રમી રહ્યા હતા અગર સંઘમાં બે મત હતા. આંદોલનના હિસ્સા તરીકે જયપ્રકાશ માર્ચ 1975માં નવી દિલ્હીમાં જનસંઘના અધિવેશનને સંબોધવા ગયા ત્યારે એમના દિલખુલાસ સંબોધન પછી આભાર માનવા ઊભા થયેલા વાજપેયીએ પણ દિલ ખોલ્યું હતું કે (સામાન્યપણે દેશભક્તિના ગર્જનતર્જનની રાજનીતિ કરતાં) અમારે માટે આ એક જુદો અનુભ‌વ છે … અબ હમ આમ જનતા કે આંદોલન સે જુડ રહે હૈ ઔર ઈસ દૌરાન હમારા ચરિત્ર બદલ રહા હૈ!

જૂનાનવા સંસ્કારો વચ્ચેની કશ્મકશ વરતાય છે તેમ કેવળ વ્યૂહાત્મક જ નહીં મૂલ્યાત્મક મૂલવણીના પ્રશ્નો પણ ઊભા થાય છે. જનસંઘ સાંસદ સ્વામી ત્યારે આબાદ ઝળક્યા હતા. છતે વૉરન્ટે એ ગૃહમાં હાજરી ભરી વિદેશ મોરચે પહોંચી ગયા હતા. એક અંતરાલ પછી દેશમાં પુન: કાર્યરત હતા ત્યારે માધવરાવ મૂળેએ એમને લગભગ રોતી આંખે કહ્યું કે તમે પાછા નાસી જાવ, કેમ કે અહીં તો મોટી સંખ્યામાં સંઘસાથીઓએ વિધિવત શરણાગતિનો પત્ર તૈયાર કરી નાખ્યો છે અને તહકૂબીના એક ભાગ તરીકે તમારા જેવાને પકડાવી દેવાનુંયે નક્કી છે. મૂળે ત્યારે સિનિયરો પૈકી હતા.

અહીં દેવરસના જે પત્રો ખપમાં લીધા છે તે મહારાષ્ટ્ર વિધાનસભાના પટલ પરથી તેમ જ અધિકૃત સંઘ પ્રકાશન ‘હિન્દુ સંગઠન ઔર સત્તાવાદી રાજનીતિ’ (દેવરસ, જાગૃતિ પ્રકાશન) દ્વારા પ્રાપ્ય છે. સ્વામીની મુલાકાત પણ ઈન્ટરનેટ પર સુલભ છે.

વર્તમાન શાસન અને સત્તા પક્ષના સૌ અનુરાગીઓને તેમ સંઘ સાથે નાભિસંબંધ ધરાવતા ભા.જ.પ. સહિત પરિવાર સમસ્તને આત્મનિરીક્ષણ માટે તો બીજે પક્ષે આમ નાગરિકને પાયાની સફાઈ માટે આ વિગતો ઉપયોગી થશે? ન જાને.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 13 ઑગસ્ટ 2025

Loading

એફિડેવિટ શા માટે?

રમેશ સવાણી|Opinion - Opinion|12 August 2025

એક તરફ ચૂંટણીપંચ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે. બીજી તરફ ગોદી મીડિયા ‘સ્પોન્સર્ડ ગોકીરો’ કર્યા કરે છે કે ‘રાહુલ ગાંધી સાચા હોય તો ચૂંટણી પંચને હલફનામા – સોગંદનામું – એફિડેવિટ કેમ આપતા નથી?’ 

ઘરમાં ચોરી થાય અને ઘર-માલિક પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જાય અને પોલીસ ચોરી થઈ છે એવું માને જ નહીં અને ફરિયાદીને શંકાની નજરે જુએ તેવી આ વાત છે. પોલીસ ફરિયાદીને એફિડેવિટ કરીને આપવાનું કહે તો તે વિચિત્ર કહેવાય કે નહીં? રાહુલ ગાંધીએ ચૂંટણી પંચના જ દસ્તાવેજોનો ઉપયોગ કરી મતચોરી સાબિત કરી છે, તો સોગંદનામાની જરૂર શા માટે? ચૂંટણી પંચ પોતાની ભૂલ / ગરબડ માટે વિપક્ષના નેતા પાસે સોગંદનામું શા માટે માંગે છે?ઊલટા ચોર કોટવાલ કો ડાંટે?

વળી રાહુલ ગાંધી; નાના રૂમમાં 80 લોકો રહે છે તેના નામ મતદાર યાદીમાંથી દૂર કરાવી શકે? અરે પોતાના નામ સિવાય, બીજા કોઈનું નામ મતદાર યાદીમાંથી દૂર કરાવી શકે? શું રાહુલ ગાંધી કે બીજા કોઈ  પાસે આવી સત્તા છે? બિલકુલ નહીં. આ કામ ચૂંટણીપંચે જાતે કરવાનું છે. રાહુલ ગાંધીએ મતદાર યાદીની ક્ષતિઓ દર્શાવી છે, તે દૂર કરવાની સત્તા રાહુલ ગાંધી પાસે નથી, આ સત્તા માત્ર ચૂંટણી પંચ પાસે જ છે. 

જે સત્તા ચૂંટણી પંચ પાસે છે તેનો ઉપયોગ કરવાને બદલે ચૂંટણી પંચ રાહુલ ગાંધી પાસે એફિડેવિટ માંગીને લોકોની આંખોમાં ધૂળ નાખી રહ્યું છે. ચૂંટણી પંચ જે નિયમો ટાંકે છે તે સંદર્ભહીન છે. શપથ / સોગંદનામા જેવી ઔપચારિકતાઓનો આગ્રહ શા માટે? રાહુલ ગાંધીએ જે ડેટાનો ઉપયોગ  કરેલ છે તે ડેટા ચૂંટણી પંચે જ આપેલો છે. રાહુલ ગાંધીએ તેમાં કોઈ સુધારા વધારા કર્યા નથી. ચૂંટણી પ્રક્રિયાની પ્રામાણિકતા અને વિશ્વસનીયતા અંગે મતદારોના મનમાં ઉદ્દભવતી શંકાઓને દૂર કરવી તે લોકશાહીના હિતમાં છે. આ કામ માટે જ ચૂંટણી પંચ છે. રાહુલ ગાંધીએ દર્શાવેલ ખામીઓને સરળતાથી દૂર કરી શકાય તેવી છે. રાષ્ટ્ર ખરેખર ચૂંટણી પંચ પાસેથી પ્રતિભાવ / સ્પષ્ટતા / શુદ્ધિકરણ ઇચ્છે છે.

મોદીજી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે 2002માં તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર લિંગડોહ સામે ઝેરીલી ઝૂંબેશ ચલાવી હતી. રમખાણોને કારણે જબરદસ્ત ધ્રુવીકરણ થયું હતું. મતોનો પાક લણવા મોદીજીએ તાત્કાલિક વિધાનસભા ભંગ કરી દીધી, જેથી ચૂંટણીઓ યોજાઈ શકે. અને બહુમતી સાથે સરકાર રચી શકે. પરંતુ લિંગડોહે ચૂંટણીની જાહેરાત કરી નહીં. તેમનો મત હતો કે સાંપ્રદાયિક તણાવ છે. ચૂંટણીઓ હિંસક બની શકે છે. 20 ઓગસ્ટ 2002ના રોજ, વડોદરા નજીક બોડેલીમાં એક જાહેર સભામાં, મોદીજીએ કહ્યું કે “ચૂંટણી પંચ બરાબર કામ કરી રહ્યું નથી કારણ કે જેમ્સ માઈકલ લિંગદોહ એક ખ્રિસ્તી છે, અને ઇટાલિયન ખ્રિસ્તી સોનિયા એન્ટોનિયો મૈનોના કહેવા પર કામ કરે છે !” તે વખતે મોદીજીએ કોઈ સોગંદનામું-એફિડેવિટ કરેલ નહીં. રાહુલ ગાંધીએ, મોદીજીની માફક, ચૂંટણી કમિશનર માટે હલકી વાત કરી નથી.

રાહુલ ગાંધી ચૂંટણી પંચને સવાલ કરે છે અને ભા.જ.પ. નેતાઓ તથા ગોદી મીડિયા રાહુલ ગાંધીને જૂઠા ઠરાવે છે; તેથી શંકા જાય છે કે ચૂંટણી પંચ ભા.જ.પ.નું કાર્યાલય તો નથીને?

માની લઈએ કે રાહુલ ગાંધી જૂઠા છે, ચૂંટણીપંચ દેવદૂત છે. તો ચૂંટણીપંચે રાહુલ ગાંધી સામે FIR નોંધાવવી જોઈએ કે રાહુલ ગાંધી ચૂંટણી પંચની માનહાનિ કરે છે, લોકોને ગેરમાર્ગે દોરે છે ! તેમને જેલમાં પૂરો ! ચૂંટણી પંચ રાહુલ ગાંધી સામે શા માટે FIR નોંધાવતું નથી? 

[કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય]
11 ઑગસ્ટ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...177178179180...190200210...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved