Opinion Magazine
Number of visits: 9674846
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કલ્પના કરો, દુનિયા કઈ દિશામાં જઈ રહી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|7 October 2021

આમ તો બધા દેશપ્રેમી છે, રાષ્ટ્રવાદી છે, તેમની રગેરગમાં એવું ગરમ લોહી વહે છે જે દેશ માટે ખપી જઈને વહાવી દેવા તૈયાર છે. વળી એ દરેકે એકએક દુશ્મન પાળી રાખ્યો છે જેનાથી ડરવા અને ડરાવવામાં આવે છે, ક્વચિત લલકારવામાં આવે છે. પ્રજા પણ મહાન પ્રાચીન વારસાને યાદ કરીને મરક મરક પોરસાય છે, એની વચ્ચે વળી ‘દુશ્મનનાં કુકર્મો’ની યાદ આવી જાય તો ક્રોધાયમાન થઈ જાય છે, તેનું અસ્તિત્વ મિટાવી દેવા માટે ભાવાવેશમાં આવી જાય છે, તો ક્વચિત ગ્લાનિગ્રસ્ત થઈને રડી પડે છે. એક વાત સારી છે કે તેમની તેમના દેવો ઉપર અખૂટ શ્રદ્ધા છે એટલે એને ભરોસે મીઠી નિંદર માણી શકે છે. એ શ્રદ્ધા ઘટે નહીં એ માટે મીડિયા (દરેક પ્રકારના) ક્યારેક દુશ્મનોનાં કુકર્મોની યાદ અપાવે છે તો ક્યારેક દેવતાઓની સ્તુતિ કરે છે. એ પણ બિચારા ચોવીસે કલાક સેવારત રહે છે.

આવું માત્ર ભારતમાં નથી બની રહ્યું, જગત આખામાં બની રહ્યું છે અને એની પાછળ તમે કલ્પના પણ ન કરી હોય એવા ખેલ ખેલાય છે. પણ કેટલાક લોકો છે જે પ્રજાને અને શાસકોને ‘ગમતાં સત્ય’ને નહીં પણ, સત્યને ઉજાગર કરે છે અને પ્રજાની આંખ ખોલવાનો પ્રયત્ન કરે છે. ઇન્ટરનેશનલ કૉન્સોર્શિયમ ઑફ ઇન્વેસ્ટીગેટિવ જર્નાલીસ્ટ્સ (આઈ.સી.આઈ.જે.) ૬૦૦ કરતાં વધુ પત્રકારોનું એક એવું જૂથ છે જે શાસકોની અને શાસકોને પોષતા ભાગીદારોની લીલા ઊઘાડી પાડે છે. એ જૂથમાં ભારતમાંથી ‘ઇન્ડિયન એક્સપ્રેસ’નો સમાવેશ થાય છે. શાસકો તો બિચારા ગજવામાં છે, મુખ્ય ઓપરેટરો તો આ ભાગીદારો છે. તેઓ દુનિયાને લૂટવા માગે છે એટલે શાસકોને ખરીદે છે અને પ્રજાને બહેકાવે છે. મીડિયા પણ તેમની માલિકીના છે, જે હમણાં કહ્યું એમ પ્રજાને ઉશ્કેરવાનું અને મીઠી નિંદરમાં સુવડાવવાનું કામ કરે છે.

આ જૂથે ૨૦૧૬માં ‘પનામા પેપર્સ’ ખુલ્લા કર્યા હતા, જેનો જથ્થો ૨.૬ ટેરાબાઇટ્સ હતો. તેમણે ૨૦૧૭માં ‘પેરેડાઇઝ પેપર્સ’ ખુલ્લા કર્યા હતા, જેનો જથ્થો ૧.૪ ટેરાબાઇટ્સ હતો. સોમવારે તેમણે ‘પેન્ડોરા પેપર્સ’ ખુલ્લા કર્યા છે, જેનો જથ્થો ૨.૯૪ ટેરાબાઇટ્સ છે. સમજાય એવી ભાષામાં કહેવું હોય તો કોરા સત્ય સાથે નિસ્બત ધરાવનારા ૬૦૦ પત્રકારોએ પેન્ડોરા પેપર્સની કુલ એક કરોડ ૧૯ લાખ ફાઈલોની ચકાસણી કરી હતી. આના ઉપરથી સમજાશે કે દુનિયાના  મૂલ્યનિષ્ઠ ૬૦૦ પત્રકારોએ ત્રણ ખેપમાં ઓછામાં ઓછી અઢી કરોડ ફાઈલો શોધી કાઢી હતી જેમાં શાસકોને પોષનારા અને પ્રજાને સુવડાવનારાઓના ગોરખધંધાની વિગતો મળે છે. અઢી કરોડ ફાઈલો! કલ્પના કરો, દુનિયા કઈ દિશમાં જઈ રહી છે અને એમાં આપણે અદના નાગરિકો ક્યાં છીએ! આ તો હાથ લાગેલી ફાઈલો છે, જે હાથ નથી લાગી એ તો મહાસાગર હશે.

પેન્ડોરા પેપર્સ એમ કહે છે કે દુનિયાના ૯૦ દેશોના ૩૫ શાસકો (આજી અને માજી વડા પ્રધાન, પ્રમુખ કે સરમુખત્યાર), ૯૦ દેશોના ૩૦૦ કરતાં વધુ સરકારી સેવકો (આજી અને માજી પ્રધાનો, અધિકારીઓ, લશ્કરી અધિકારીઓ, જજો અને શહેરોમાં સત્તા ધરાવતા મેયરો), સો કરતાં વધુ અબજોપતિઓ અને બીજા હજારેક લોકો પોતપોતાનાં દેશના કાયદાઓથી બચવા એવા કેટલાક દેશોમાં નાણું છુપાવે છે જ્યાં તેમને વ્યાજ ભલે નથી મળતું, પણ ગુપ્તતાનું કવચ મળે છે. જો પોતાના દેશમાં ઇન્કમટેક્ષ રીટર્ન ભરીને આવક બતાવે તો વેરો ચૂકવવો પડે. એ પૈસા ક્યાંથી આવ્યા અને કયે માર્ગે આવ્યા એ બતાવવું પડે. વેરા પેટે એક રૂપિયાની આવકમાંથી ૩૦થી ૪૦ પૈસા ઘસાઈ જાય અને ઉપરથી ખોટા માર્ગે પૈસા રળ્યા હોય તો ગુનો ગણાય એનાં કરતાં એવા દેશોમાં પૈસા છૂપાવવા સારા જ્યાં વ્યાજ પેટે આવક ભલે ન થાય, પણ વેરા પેટે નુકસાન ન થાય અને ગુનો કર્યો હોય તો ગુનેગાર ન ઠરે. આખરે દેશપ્રેમી ખરા ને!

સૌથી મોટું ઉદાહરણ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનનું છે. આ સાહેબ દેશપ્રેમી રાષ્ટ્રવાદી છે અને તેમણે પણ ઇસ્લામ અને મુસલમાનને દુશ્મન તરીકે પાળ્યા છે જેને યુરોપમાં ઇસ્લામોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. ૨૦૧૯માં વડા પ્રધાન બન્યા એ પહેલાં મુસલમાનો અને ઇસ્લામ વિષે ગમે તેમ બોલતા હતા, પણ હવે સાચવીને બોલે છે. વડા પ્રધાન બન્યા એનાં વરસ પહેલા ‘ડેઈલી ટેલિગ્રાફ’માં લખેલા લેખમાં તેમણે બુરખા પહેરેલી મુસ્લિમ મહિલાના દેખાવની સરખામણી ટપાલપેટી અને બેન્ક લૂંટનારા(બેંક રોબર્સ)ઓ સાથે કરી હતી. તેઓ પણ અંગ્રેજ પ્રજાને ઇસ્લામ અને મુસલમાનોથી ડરાવીને સત્તામાં આવ્યા છે. હવે પેન્ડોરા પેપર્સમાં બહાર આવ્યું છે કે વડા પ્રધાન બનવા માટેના પ્રચારનો તેમણે જે ખર્ચો કર્યો હતો એમાં સૌથી મોટું યોગદાન મહમદ અમરસી નામના મુસલમાન કુબેરપતિનું હતું જેણે ઉઝબેકિસ્તાનના પ્રમુખની દીકરીને બાવીસ કરોડ ડોલર્સની લાંચ આપી હતી. તો પછી પેલો ઇસ્લામ અને મુસલમાનનો ભય કોના માટે છે? બુદ્ધિશાળી વાચકો જવાબ શોધી લેશે. 

૯૦ દેશોના દેશપ્રેમીઓએ કરેલા ગોરખધંધાની વિગતો અહીં આપવી શક્ય નથી એટલે આપણે આપણા પોતાના કાંચન જેવા પવિત્ર દેશપ્રેમીઓની વાત કરીએ. એ પણ બે-પાંચ લોકોની, કારણ કે પેન્ડોરા પેપર્સમાં ૩૦૦ કરતાં વધુ ભારતીયોનાં નામ છે. જે વાચકોને દેશમાં અને દુનિયામાં પ્રજાને કેફમાં કેવા ગોરખધંધા ચાલી રહ્યા છે એ જાણવું હોય એ વાચકોએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અને એવા બીજા મીડિયાનો સંગાથ સેવવો જોઈએ. જેમને અર્ણવવાદ્ય સાંભળવાથી નશો ચડે છે એમના માટે એ અખબારો નથી.

અનિલ ધીરુભાઈ અંબાણીએ દેશની સરકારી બેંકોના ૮૦ હજાર કરોડ રૂપિયાનું આંધણ કરી નાખ્યું છે અને નાદારી જાહેર કરીને હાથ ઊંચા કરી નાખ્યા એ તો તમે જાણો છો. તમને એ પણ યાદ હશે કે તેમની સામે ત્રણ ચીની બેન્કોએ લંડનની કોર્ટમાં પૈસાવસૂલી માટે દાવો કર્યો હતો. એ મુકદમો અનિલભાઈ હારી ગયા હતા અને તેમને કુલ ૭૧ કરોડ ૬૦ લાખ ડોલર્સ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અનિલભાઈએ અદાલતને કહ્યું હતું કે તેઓ નાદાર છે અને સંપત્તિમાં તેમની પાસે ફૂટી કોડી નથી. લંડનની અદાલતે એ બહાનાને કાને ધર્યું નહોતું અને કાં પૈસા ચૂકવો અને કાં જેલમાં જાવ એવો આદેશ આપ્યો હતો. ધીરુભાઈ અંબાણીનો પુત્ર જેલમાં જાય એનાથી પરિવારનું ભૂંડું લાગે માટે મોટાભાઈ તરીકે મૂકેશ અંબાણીએ અનુજ વતી પૈસા ચૂકવી દીધા હતા.

હવે બહાર આવ્યું છે કે અનિલ અંબાણીનાં વિદેશની બેન્કોમાં એક અબજ ૩૦ કરોડ ડોલર્સ, એટલે કે ચીની બેંકોને જેટલા પૈસા ચૂકવવાના હતા તેનાથી લગભગ બમણા પૈસા છૂપાવેલા પડ્યા છે. આપણને ખબર નથી કે મોટાભાઈને પણ અનુજે છૂપાવેલા પૈસાની જાણ કરી હતી કે નહીં. આ દેશભક્ત ઉદ્યોગપતિને દેશભક્ત સરકારે, જરૂર પડી તો ખુદ સરકારને નુકસાન પહોંચાડીને પણ રાફેલનો કોન્ટ્રાક્ટ આપ્યો છે.

બીજા દેશભક્તોમાં ડગલેને પગલે જેમનું નામ સર્વત્ર જોવા મળે છે એ અદાણી પરિવારના જ્યેષ્ઠ વિનોદ અદાણી છે. એમની દેશભક્તિ જોઇને સરકાર સર્વત્ર ન્યોચ્છાવર કરી રહી છે. ક્રિકેટર સચિન તેંડુલકર એમાં છે. એમની દેશભક્તિના શિરપાવ તરીકે આગલી સરકારે તેમને રાજ્ય સભાનું સભ્યપદ આપવામાં આવ્યું હતું. બીજા એક નિવૃત્ત લશ્કરી અધિકારી લેફ્ટનન્ટ જનરલ રાકેશ કુમાર લૂંબા છે. લશ્કરી ખાતામાં જેટલો ભ્રષ્ટાચાર છે એટલો બીજા કોઈ ખાતામાં નથી, કારણ કે એમાં સંરક્ષણના નામે ગોપનીયતાનો લાભ મળે છે. ગાંધીપરિવારના એક સમયના મિત્ર કેપ્ટન સતીશ શર્મા છે, જેમનું હમણાં જ નિધન થયું છે. અને હા, ઇકબાલ મિર્ચીનો પણ એ મહાનુભાવોની યાદીમાં સમાવેશ થાય છે!

છેલ્લે, કોઈને કાંઈ થવાનું નથી. કોઈ જેલમાં જવાનું નથી, લખી રાખજો!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 07 ઑક્ટોબર 2021

Loading

એક ગુજરાતી લેખકે લીધી અમેરિકન પ્રમુખની મુલાકાત

દીપક મહેતા|Opinion - Opinion|7 October 2021

અમેરિકાની મુસાફરીએ ગયેલા કોઈ ગુજરાતી લેખકે વ્હાઈટ હાઉસમાં જઈ અમેરિકાના પ્રમુખની મુલાકાત લીધી હોય, તેની સાથે શેક હેન્ડ કરી હોય, તેની સામે ખુરસી પર બેસી વાતો કરી હોય, એવું બને ખરું? તમે કહેશો, આ તો શેખચલ્લીના વિચાર છે. ક્યાં રાજા ભોજ જેવા આપણા ગુજરાતી લેખકો, અને ક્યાં અમેરિકાનો પ્રમુખ! આપણા લેખકો કાંઈ અમેરિકન પ્રમુખનો ‘ઉધ્ધાર’ કરવા ત્યાં થોડા જ જાય છે? એમને માથે તો બીજી ઘણી વધુ મોટી, મહત્ત્વની, આર્થિક લાભવાળી જવાબદારી હોય છે – ત્યાં વસતા ગુજરાતી લેખકોનો ‘ઉધ્ધાર’ કરી નાખવાની! એમાંથી ટાઈમ મળે તો બચાડા પ્રમુખનો ઉધ્ધાર કરવા જાય ને!

પણ એક ગુજરાતી લેખક તો એવો પાક્યો છે જેણે વ્હાઈટ હાઉસમાં જઈ અમેરિકાના પ્રમુખની મુલાકાત લીધેલી. તમે પૂછશો : કોણે? ક્યારે? બીજા સવાલનો જવાબ પહેલાં : ૧૮૬૨ના ઓગસ્ટની ૧૯મી તારીખે સવારે દસ વાગ્યે. ના, ‘૧૮૬૨’ એ છાપભૂલ નથી હોં! એ લેખકના પોતાના જ શબ્દોમાં એ મુલાકાતની વાત સાંભળીએ : (અહીં અને હવે પછી બધે અવતરણ ચિહ્નોમાં જોડણી મૂળ પ્રમાણે.) ‘શીઉઅરડ પોતાની આફિસમાંથી હમારી સંગાથે ચાલીને પરેસીડેનટના ઘરમાં (વાઇટ હાલ) હમોને લઇ ગયેલો. આ મકાનના દરવાજા આગળ નહિ સિપાઈની ચોકી કે નહિ ઘરમાં ચોકીદાર માણસો, માતરે દરવાજા આગલ એક આદમી ઊભેલું હતું જે ઘર જોવા આવનારા લોકોને સટેટ રૂમ કે જાહાં પરેસીડેનટ લેવી ભરી લોકોની મુલાકાત લિએ છે તે જાગો દેખાડતો હતો. તે સિવાએ બીજા દેશની પઠે અમસથા ચોકી પોહોરા રાખી પોતાના દેશને ફોકતના ખરચમાં નથી નાખતા. પછી મી. શીઉઅરડે હમોને દરવાજો ઉઘાડી અંદર બોલાવેઆ. હમોએ મી. શીઉઅરડને સેજ વાત કરતા ચેતવણી આપી હતી કે હમો હમારી પાઘડી પહેરી રાખેઆથી વધારે માન ભરેલું સમજીએ છે. તેણે જવાબ દીધો જે હમો જાણીએ છ તે છતાં પણ જે શખસની ધારણા સારી હોએ એટલું જ બસ છે. હમો અંદર પેથા તેવો જ પરેસીડેંટ ઊભો થાએઓ. હમો આગલ વધેઆ, અને મી. શીઉઅરડે હમારી સાથે એ ગરહસથની ઓલખાણ કરાવી. હમોને પરેસીડેનટે શેક હેનડ કરીને કુરસી આપી. અને પોતે પણ બેઠો. એ ગરહસથની લખવાની ટેબલ સાદી હતી, અને ઓરડો પણ સાધારણ નાહાનો હતો. હમારી જોડે એ ગરહસથે વાતચીત કીધી અને હમોને કહીંઉ કે આ દેશમાં નવાઈ જેવું જોવાને તો કાંઈ નથી. પછી હમોને પુછીઉં કે તમોએ તમારું વતન છોડેઆને કેટલી મુદત થાઈ. તેનો જવાબ આપી હમોએ કહેઉં કે તારો વધારે વખત રોકવાને હમો ચાહતા નથી હેવું કહી હમો એ જાગો પરથી ઊઠીઆ. આ વેલાએ પોતે બી ઊઠી હમોને શેકહેનડ કીધી. આએ વેલા હમારીથી આટલું તો બોલેઆ વગર રેહેવાઈ શકાઉં નહિ કે હું તારી સરવે વાતે ફતેહમંદી ચાહું છઉં. એટલું કહી હમોએ રૂખસદ લીધી.’

પ્રેસિડન્ટ લિંકન ૧૮૬૧માં લેવાયેલો ફોટોગ્રાફ

આ મુલાકાતની સાલ તમે નોંધી? સાલ હતી ૧૮૬૨. અને એ વખતે અમેરિકાના પ્રેસિડન્ટ હતા બીજું કોઈ નહિ, પણ અબ્રહામ લિંકન! આપણા આ લેખકે તેને વિષે એક જ વાક્ય લખ્યું છે : ‘એ પરેસીડેનટ લીનકન હારે ઊંચો, શરીરે પતલો તથા દેખાવમાં તથા પેહેરવાસમાં ઘણો સાદો હતો.’ તમે પૂછશો : પ્રેસિડન્ટનું નામ તો કહ્યું, પણ તેની મુલાકાત લેનાર એ ગુજરાતી લેખકનું નામ શું? ‘અમેરિકાની મુસાફરી’ નામનું જે પુસ્તક ૧૮૬૪માં પ્રગટ થયેલું તેમાં ક્યાં ય તેના લેખકનું નામ છાપ્યું જ નથી! પુસ્તકના ટાઈટલ પેજ પર માત્ર આટલું છાપ્યું છે : ‘એક પારશી ઘરહસથે સન ૧૮૬૨માં ઇંગલેંડથી અમેરિકાના ઈઉનાઈટેડસટેસ ખાતેની મુસાફરીમાં કીધેલી દરરોજની નોંધ.’

વ્હાઈટ હાઉસ, ૧૮૬૦માં

લેખકે ભલે પુસ્તક પર પોતાનું નામ ન છપાવ્યું હોય. આપણે તો તેનું નામ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ ને? મુંબઈના અને ગુજરાતના પારસીઓ વિશેની માહિતી અંગે હીરાની ખાણોની ગરજ સારે એવાં પુસ્તકો તે ‘પારસી પ્રકાશ’નાં દફતરો. તેમાં જણાવ્યું છે કે ‘અમેરિકાની મુસાફરી’ પુસ્તક મુંબઈમાં ૧૮૬૪ના જાન્યુઆરીની ૨૧મી તારીખે પ્રગટ થયું હતું અને તેના લેખક હતા શેઠ પીરોજશાહ પેશતનજી મેહરહોમજી. શેઠ ડોશાભાઈ ફરામજી કામાજી પણ એ મુસાફરીમાં તેમની સાથે જોડાયા હતા અને તે બન્નેએ પહેલી જુલાઈથી દસમી સપ્ટેમ્બર સુધી અમેરિકાની મુસાફરી કરી હતી. એ વખતે ‘રાક્ષસી કદ’ની ગણાતી અને ખૂબ વખણાયેલી ‘ગ્રેટ ઇસ્ટર્ન’ નામની સ્ટિમરમાં તેમણે લીવરપુલથી આ મુસાફરી શરૂ કરી હતી. ૧૮૫૯માં બંધાયેલી આ સ્ટીમર પૂરાં ૪૦ વરસ સુધી દુનિયાની મોટામાં મોટી સ્ટીમર હતી. તેમાં ૪,૦૦૦ મુસાફરો આરામથી પ્રવાસ કરી શકતા. જો કે ૧૮૬૦ના જૂનની ૧૭મીએ તેણે પહેલો પ્રવાસ શરૂ કર્યો ત્યારે તેમાં ૩૫ મુસાફરો અને ૪૧૮ સ્ટાફના માણસો હતા! ઇન્ગ્લન્ડથી ઓસ્ટ્રેલિયા સુધીની મુસાફરી રસ્તામાં ક્યાં ય કોલસો લેવા રોકાયા વિના તે કરી શકતી.

   

એસ.એસ. ગ્રેટ ઇસ્ટર્ન

અગિયારમી જુલાઈએ રાતે આઠ વાગે સ્ટીમર ન્યૂ યોર્ક પહોંચેલી. એ જમાનામાં પાસપોર્ટ કે વિઝાનો તો સવાલ જ નહોતો. પણ ઉતારુઓના સામાનની ચકાસણી થતી. પણ એ કામ કસ્ટમના અધિકારીઓ સ્ટીમર પર જઈને જ કરતા! મુસાફરીમાં લેખક એક ‘ચાકર’ને પણ સાથે લઈ ગયેલા જે તેમને માટે અલાયદી રસોઈ બનાવતો. એક હોટેલે આ અંગે શરૂઆતમાં વાંધો લીધો, પણ પછી ‘હમારી ખુશી પરમાણે કરવા દીધું.’ એટલું જ નહિ, જતી વખતે એ હોટેલવાળાએ પોતાની નોંધપોથીમાં લેખક પાસે ગુજરાતીમાં તેમનું નામ પણ લખાવ્યું! તો એક રેલવે સ્ટેશન પર તેમને એક પાદરીનો ભેટો થયો. આ પાદરીએ લેખક અને તેના ‘ચાકર’ સાથે ગુજરાતી ભાષામાં વાત કરી. તેથી લેખક ‘તાજ્જુબ’ થઈ ગયા. જોવા જેવાં સ્થળોની મુલાકાત તો લીધેલી જ, પણ ખાસ પરવાનગી લઈને જેલ, સૈનિકોની છાવણી, સૈનિકો માટેની હોસ્પિટલ, તોપ બનાવવાનું કારખાનું, વગેરેની મુલાકાત પણ લીધેલી. લેખક વોશિન્ગ્ટન ડી.સી. ગયા ત્યારે હજી વોશિન્ગ્ટન મેમોરિયલનું બાંધકામ ચાલુ હતું, પણ તે જોવા ય ગયેલા. ફિલાડેલ્ફિયામાં મળેલો એક ભોમિયો પારસીઓના ધર્મગ્રંથોની ભાષા – ઝંદ અવસ્તા – જાણતો હતો અને સંસ્કૃત તો સારી રીતે લખી-બોલી શકતો હતો!

પુસ્તકના લેખક પીરોજશાહ બહુ મોટી હસ્તી નહિ. ડોસાભાઈની કંપનીમાં આસિસ્ટંટ તરીકે તેઓ કામ કરતા. ‘બોમ્બે ગેઝેટ’ નામના અખબારમાં જણાવ્યા પ્રમાણે ૧૮૫૮ના મે મહિનાની ૯મી તારીખે મેલ સ્ટીમર ‘ગેન્જીસ’ દ્વારા મુંબઈથી ઇન્ગ્લન્ડ જવા ચાર પારસીઓ નીકળ્યા : મંચેરજી હોરમજજી કામાજી, કાવસજી એદલજી ખંભાતા, અરદેશર કાવસજી મોદી, અને પીરોજશાહ. જો કે વખત જતાં ડોશાભાઈ અને પીરોજશાહ શેઠ અને નોકર કરતાં મિત્રો જેવા વધુ બન્યા. પીરોજશાહ જેવા નોકરિયાત માણસ માટે એ જમાનામાં અમેરિકાની મુસાફરી કરવાનું મુશ્કેલ. એટલે મુસાફરીનો ખર્ચ ડોશાભાઈએ જ ઉપાડ્યો હોય. આમ, અમેરિકાના પ્રવાસમાં મુખ્ય મુસાફર ડોશાભાઈ હતા, અને પીરોજશાહ હતા તેમના સાથી સફરી. પુસ્તકમાં અમેરિકાની મોંઘી હોટેલોમાં રહ્યાની વાત છે, અમેરિકાની વિસ્તૃત મુલાકાતની વાત છે, સરકારી, લશ્કરી, વૈદકીય, મોટી વેપારી સંસ્થાઓની મુલાકાતની વાત છે, અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકનની મુલાકાતની વાત છે. આ બધું પીરોજશાહ જેવા એક નોકરિયાત માટે ગજા બહારની વાત ગણાય. એટલે ડોશાભાઈને કારણે જ એ બધું શક્ય બન્યું હોય. પણ પુસ્તક લખાયું છે એવી રીતે કે પીરોજશાહ મુખ્ય મુસાફર હોય, અને ડોશાભાઈ તેમની સાથે ગયા હોય એમ લાગે. ખરું જોતાં ડોશાભાઈની સાથે પીરોજશાહ ગયા હતા તેમ કહેવું વધારે વાજબી ગણાય.

પણ પીરોજશાહ અને ડોશાભાઈ વચ્ચેનો સંબંધ બહુ લાંબો નહિ ચાલ્યો હોય તેમ લાગે છે. કારણ ૧૮૬૩માં પીરોજશાહ મુંબઈ પાછા આવ્યા તે પછી ડોશાભાઈ સાથેના તેમના સંબંધ અંગે કશું જાણવા મળતું નથી. પણ ૧૮૭૨માં ધનજીભાઈ રતનાગર એન્ડ કંપનીમાં પીરોજશાહ એક ભાગીદાર બન્યા એમ જાણવા મળે છે. ૧૮૭૭ના માર્ચ મહિનાની ત્રીજી તારીખે પીરોજશાહે મુંબઈના દાદર વિસ્તારમાં ઈનેમલનાં વાસણો બનાવવાનું પોતાનું કારખાનું શરૂ કર્યું હતું, પીરોજશાહ પોટરી વર્કસ. તેમાં બીજા બે ભાગીદારો હતા ધનજીભાઈ ખરશેદજી રતનાગર અને બરજોરજી ખોદાદાદ ઈરાની. કચ્છના મહારાવના આમંત્રણથી પીરોજશાહ ૧૮૭૮માં માંડવી ગયા હતા અને ત્યાં પણ એનેમલનું કારખાનું શરૂ કરી આપ્યું હતું. ૧૯૦૪ના જૂન મહિનાની ૭મી તારીખે પીરોજશાહનું અવસાન થયું.

ડોશાભાઈ ફરાંમજી કામાજી ૬૯ વર્ષની ઉંમરે ૧૮૯૨ના જાન્યુઆરીની ૨૫મી તારીખે બેહસ્તનશીન થયા હતા. તેઓ મુંબઈના જાણીતા વેપારી તો હતા જ, પણ સાથોસાથ સુધારાની પ્રવૃત્તિના સબળ ટેકેદાર પણ હતા. સમાજ સુધારો, કેળવણી અને પારસી ધર્મને લગતી સંસ્થાઓને તેમણે વખતોવખત દાન આપ્યાં હતાં. ધીમે ધીમે તેમણે પોતાનો વેપાર કલકત્તા, કેન્ટોન, શાંઘાઈ સુધી વિસ્તાર્યો હતો. તે માટે તેમણે ચીન, યુરોપ અને અમેરિકાની મુસાફરી કરી હતી. ‘સ્ત્રીબોધ' માસિક શરૂ થયું ત્યારે પહેલાં બે વર્ષ તેમણે તેને દર વર્ષે ૧,૨૦૦ રૂપિયાની મદદ કરી હતી. તો દસ વર્ષ સુધી પોતાને ખર્ચે ‘રાસ્ત ગોફતાર’ સામયિક ચલાવી દસ હજાર રૂપિયાની ખોટ ખમી ખાધી હતી. જો કે ૧૮૬૫માં શેરબજાર ભાંગ્યું ત્યારે બીજા ઘણાની જેમ એવણ પણ મંદીમાં સપડાયા હતા.   

આજે હવે ગુજરાતીઓ માટે અમેરિકાનો પ્રવાસ એ નવાઈની વાત રહી નથી. લેખકોએ તેમ જ અન્યોએ પણ પોતાની મુસાફરીનું વર્ણન કરતાં અનેક પુસ્તકો લખ્યાં છે, અને હજી લખાતાં રહે છે. પણ ૧૮૬૨માં બે પારસી સજ્જન લગભગ આખું અમેરિકા ખુંદી વળેલા. પુસ્તકને અંતે તેઓ કહે છે કે અમેરિકાનો કિનારો છોડતી વખતે અમોને ઘણી દિલગીરી થઈ, કેમ કે આ દેશના લોકોએ અમારી સાથે ઘણી જ મિત્રાચારી તથા દિલદારી બતાવી હતી.*

* મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાએ પોતાના સંગ્રહમાંનાં ૧૯મી સદીમાં પ્રગટ થયેલાં એક સો દુર્લભ પુસ્તકો સ્કેન કરીને સી.ડી. પર ઇ.બુક રૂપે સુલભ કર્યાં છે. તેમાં આ પુસ્તકનો પણ સમાવેશ થાય છે. ગાંધીનગરની ‘ગુજરાત સાહિત્ય અકાદમી’એ પણ આ પુસ્તક ફરી પ્રગટ કર્યું છે. તેનું સંપાદન અજયસિંહ ચવાણે કર્યું છે.

Flat no. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (East), Mumbai 400 051

e.mail : deepakbmehta@gmail.com       

પ્રગટ : “ગુર્જરી” ડાયજેસ્ટ, જુલાઈ 2021; પૃ. 44-46

Loading

અમીશ નામની અમેરિકામાં વસતી અનોખી પ્રજા

કિશોર દેસાઈ|Opinion - Opinion|7 October 2021

જગતના સૌથી વિકસિત દેશ તરીકે અમેરિકાની ગણતરી થાય છે. અદ્યતન ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરનારો સૌથી ધનાઢ્ય દેશ છે. આમ છતાં આ દેશની અંદર અમીશ નામની એક પ્રજા વર્ષોથી અહીં રહે છે, જે અદ્યતન  ટેકનોલોજીનો ઉપયોગ બિલકુલ કરતી નથી. એ લોકો કાર કે ઈલેક્ટ્રીસિટીથી ચાલતાં સાધનો વાપરતા નથી. ખેતી માટે ટ્રેક્ટર કે બીજા ઓજારોનો ઉપયોગ કરે છે પણ તે ઈલેક્ટ્રીસિટીને બદલે ઘોડાથી ચલાવવામાં આવે છે. વીજળીથી ચાલતાં સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ છે પણ જો એ બેટરી વડે ચાલતાં હોય તો ઉપયોગ થઇ શકે.

આ પ્રજા આજે પણ એની મૂળભૂત જીવનશૈલીને આધારે જીવન જીવે છે. એકવીસમી સદીમાં આવું અત્યંત સાદું અને નૈસર્ગિક જીવન જીવવા માટે જાણીતી આ પ્રજા વિષે જાણવું રસપ્રદ છે. ભારતથી મારે ત્યાં મહેમાન તરીકે આવેલા અનેક સાહિત્યકારોને હું એ પ્રદેશ જોવા લઇ જતો હોઉં છું. એ મારો એક સહજ બની ગયેલો ક્રમ છે. મને હતું કે તેઓમાંથી કોઈક તો આ વિષે લખશે. પરંતુ, મારા ખ્યાલ મુજબ એવું થયું નથી. સૌથી વધારે રસ ઇટાલીથી આવેલા કવિ અને ફોટોગ્રાફર  પ્રદ્યુમન તન્નાએ લીધો હતો. ખૂબ રસપૂર્વક તેમણે ફોટાઓ પાડ્યા હતા અને એક સરસ મજાનું ફોટો આલ્બમ તૈયાર કરીને મોકલવાનું વચન આપીને ગયેલા પણ ઈટાલી ગયા પછી તબિયત બગડતા અવસાન પામ્યા અને એ કામ અધૂરું રહ્યું.

પેન્સિલ્વેનિયા રાજ્યમાં આવેલા ફિલાડેલ્ફીઆ શહેરથી લગભગ ૮૦ માઈલ દૂર પશ્ચિમ તરફ આવેલું લેન્કેસ્ટર નામનું ગામ અમીશ લોકોને રહેવા માટેનું જાણીતું ધામ છે. અમેરિકાના ૨૮ રાજ્યોમાં અને કેનેડાના ઓન્ટેરીઓ પ્રદેશમાં તેઓ છૂટાછવાયા વસે છે ખરાં પરંતુ મુખ્યત્વે તેઓ પેન્સિલ્વેનિયા, ઓહાયો અને ઇન્ડિઆના રાજ્યમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. ૧૯૨૦ની સાલમાં તેમની વસ્તી માત્ર ૫,૦૦૦ની હતી જે વધીને આજે લગભગ ત્રણ લાખની આસપાસ છે. મૂળ તો અમીશ લોકો યૂરોપથી ભાગીને અહીં આવીને વસેલી પ્રજા છે. અમેરિકા આવવા પાછળ કયા પરિબળો હતા તે જાણવું અગત્યનું છે.

૧૫મી સદીની આસપાસ યુરોપમાં ધાર્મિક પરિવર્તનનું વાતાવરણ ઉગ્ર અને ઝનૂની બની ચૂક્યું હતું. તેમાં ય ખાસ તો ફ્રાંસ, સ્વીત્ઝર્લેન્ડ, હોલેંડ, જર્મની, રશિયા અને ઝૂરીચ જેવાં પ્રદેશો જ્યાં ખ્રિસ્તી ધર્મનું વર્ચસ્વ વધી રહ્યું હતું અને ધર્મગુરુઓ તો તે સમયના રાજાઓ કરતાં પણ વધારે શકિતશાળી બની રહ્યા હતા. આવા સમયે ખ્રિસ્તી ધર્મના નાના સંપ્રદાયોની વિચારધારા સ્થાપિત ધર્મગુરુઓને અનુરૂપ ન હોવાથી તેમના માટે પડકારરૂપ બની રહી હતી. આને કારણે આ સંપ્રદાયો માટે ભયજનક પરિસ્થિતિ ઊભી થઇ અને તેમનું અસ્તિત્વ જોખમમાં મુકાયું. અમીશ લોકો આવા નાના સંપ્રદાયમાં આવે છે. તેઓની ધાર્મિક માન્યતા એવી છે કે, ધર્મ એ કોઈ વાતો કરવાનો વિષય નથી, પરંતુ ધર્મમાં જે આદેશ આપવામાં આવ્યા છે તેનું ચૂસ્ત રીતે પાલન કરવામાં છે. એમાં કર્મકાંડ, બહિર્મુખી ક્રિયાઓ, દંભ, દેખાડો તથા કહેવું એક અને કરવું બીજું એ નહિ ચાલે. ખ્રિસ્તી ધર્મમાં બાળકોને નાની ઉંમરે દીક્ષા આપવાની પ્રથા છે. અમીશ લોકો આ પ્રથાનો વિરોધ કરે છે અને માને છે કે નાના બાળકોને દીક્ષા આપી ખ્રિસ્તી ધર્મ અપનાવવા કહેવું એ યોગ્ય નથી. તેઓ યુવાન વયના થાય, ધર્મ શું છે, ધર્મના સિદ્ધાંતો શું છે, એનું પાલન કરવું કેટલું મહત્ત્વનું છે એ બધું સમજતા થાય પછી જ એમને દીક્ષા આપવી જોઇએ. સ્થાપિત ધર્મગુરુઓ આવા વિચારોને સ્વીકારવા તૈયાર નહોતા. આ પ્રશ્ન એમને માટે અવરોધ ઊભો કરતો હતો તો સાથે એક પડકાર પણ હતો. પરિણામે આવા સંપ્રદાયોને મુખ્ય ધારાના ખ્રિસ્તી ધર્મથી વિમુખ કરવામાં આવ્યા, જેને આપણે ન્યાત બહાર મૂક્યા એમ કહીએ છીએ તેવું થયું. ત્યારથી આ લોકો Anabaptist તરીકે ઓળખાયા, મતલબ કે તેઓ Baptist નથી. વાતાવરણ એવું ઉગ્ર બન્યું કે આ સંપ્રદાયોના અનુયાયીઓ પર હિંસક હુમલાઓ અને અત્યાચારો થવા લાગ્યા – તેમની ધરપકડો કરવામાં આવતી, જેલમાં પૂરવામાં આવતા અને મૃત્યુને ઘાટ પહોંચાડવામાં આવતા. નાના જૂથના આ લોકોની આર્થિક સ્થિતિ નબળી રહેતી, તેમની પાસે કોઈ વ્યવસાય કે એવી કુશળતા પણ નહોતી. તેમની આજીવિકા માત્ર ખેતી પર નિર્ભર હતી અને તેમાં ય જમીન ઉપર તેમના કોઈ હક રહેતા નહિ. આવા અનેક ત્રાસોથી કંટાળીને છેવટે તેમણે સ્થળાંતર કરવાનો વિકલ્પ સ્વીકાર્યો. પેન્સીલવેનીઆમાં તે અરસામાં વિલિયમ પેન નામનો સુધારાવાદી વિચારો ધરાવતો એક સમજદાર, શાણો, પરોપકારી અને વગ ધરાવતો પ્રભાવી માણસ હતો, જેણે તેમને જમીન અને ધાર્મિક રક્ષણ આપવાનું વચન આપ્યું. આમ તેઓને લેન્કેસ્ટર જેવા પ્રદેશમાં સાવ મફતમાં માલિકીની જમીન મળી અને સાથે ધર્મનું પાલન કરવા માટેની સ્વતંત્રતા મળી. આમ સાલ ૧૭૦૦ની આસપાસ અમેરિકા આવવા માટે અમીશ લોકોનું સ્થળાંતર શરૂ થયું.

અમીશ લોકો શિસ્તબદ્ધ, શાંતિપ્રિય, ઈશ્વરનો ડર રાખીને ચાલવામાં માનનારી સીધી સાદી પ્રજા છે. ધર્મના આદેશોનું પાલન કરવામાં માને છે. દૈનિક જીવનના વ્યવહારમાં ધર્મ જો કોઈ રીતે મદદરૂપ ન થતો હોય તો ધર્મના નામે ખોટો આડંબર કરવાનો કોઈ અર્થ નથી એવી તેમની દ્રઢ માન્યતા છે. બાહ્ય દેખાવ અને કર્મકાંડ એમને માન્ય નથી. ઈશ્વરે આપણને અહીં આ ધરતી પર કોઈ ખાસ કામથી અને ઉચ્ચ હેતુ સાથે મોકલ્યા છે. એને પરિપૂર્ણ કરવાની આપણી ફરજ છે. એટલે આપણે પ્રેમપૂર્વક એકમેકને મદદરૂપ થવાની ભાવના રાખવી જોઇએ. પરિવાર અને સમાજને ઉપયોગી બનવું જોઇએ.

ઈશ્વરમાં પૂરી શ્રધ્દ્ધા હોવાને કારણે તેઓ ‘ઈન્સ્યુરન્સ’ જેવી વસ્તુ લેવામાં માનતા નથી. મેડિકલના બિલ પોતે જાતે ભરે છે. જો ખર્ચ મોટો થયો હોય તો પરિવારના સભ્યો અને સમાજ મદદ કરે છે અને ખર્ચની જવાબદારી ઉપાડી લે છે. એટલું જ નહિ પણ અમેરિકામાં પ્રચલિત એવી ‘સોસિયલ સિક્યુરિટી’ જેવી યોજનાને પણ તેઓ સરકાર તરફથી મળતા ઈન્સ્યુરન્સનો એક ભાગ માને છે. એટલા માટે એમાંથી મળતી સવલતો અને લાભ ગમે તેટલાં પ્રલોભન આપે એવાં હોય તો પણ લેવાં નહિ અને એ જતાં કરવા જોઇએ એવું માને છે. પરિણામે તેઓ ‘સોસિયલ સિક્યુરિટી’માંથી મળતાં આર્થિક લાભો લેતા નથી અને એ માટેનો ટેક્સ ભરવાનો પણ ઇન્કાર કરે છે. ટેક્સ ન ભરવાને કારણે એક વાર સરકાર તરફથી દંડ પણ કરવામાં આવેલો, ત્યારે સુપ્રીમ કોર્ટ સુધી વાત ગયેલી. તેમની ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખી સુપ્રીમ કોર્ટે તેમને એ માટે છૂટ આપી છે.

તેઓ કોઈ પણ વસ્તુ માટે બેંકમાંથી લોન લઇને ખરીદી કરતા નથી. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા નથી. બધી ખરીદી રોકડેથી કે ચેકથી કરે છે. આને કારણે અમીશ લોકોને માથે કોઈ દેવું હોતું નથી. ધુમ્રપાન કે મદ્યપાનનો નિષેધ હોવાથી એ બંને દૂષણોમાંથી તેઓ મુક્ત છે.

બહારના કોઈને અમીશ બનવું હોય તો એ શક્ય છે, પરંતુ એમણે તેમની વિચારસરણી અનુસારનો ખ્રિસ્તી ધર્મ અપનાવવો જરૂરી છે, તથા એમની ચૂસ્ત જીવનપદ્ધતિ સ્વીકારવી પણ જરૂરી છે. પરંતુ એવું ભાગ્યે જ બને છે કેમ કે આ જમાનામાં ભૌતિક સમૃદ્ધિથી ટેવાયેલા મનુષ્યને માટે અમીશ બનવું કઠણ છે, તો સામે પક્ષે અમીશ લોકો પણ એ માટે બહુ ઉત્સુક હોતા નથી.

કૌટુંબિક જીવન :

‘વહેલા સૂઈ વહેલા ઊઠવું’ એ નિયમમાં અમીશ લોકો માને છે. પ્રજા મહેનતુ હોવાથી સવારે સાડા પાંચ વાગે કામ શરૂ કરે છે. સવારે ૪:૪૫ વાગે ઊઠવું અને રાત્રે નવ વાગે સૂવું એવો સામાન્ય ક્રમ હોય છે. અમીશનું ખેતર સરેરાશ ૮૦ એકરનું હોય છે. એમાં એમનું ઘર હોય, આંખને ઠારે એવાં લીલાંછમ હરિયાળાં ખેતરો હોય, પશુધન હોય, ટ્રેક્ટર, ઘોડાગાડી ટાઈપની બગી હોય અને ઊંચા મિનારા જેવાં silo હોય જેમાં અનાજના દાણા અને પશુઓ માટે ગોચર રાખવામાં આવે છે. એ લોકોના ફાર્મમાં ૪૦ જેટલી ગાયો હોય, તમાકુ, મકાઈ, શાકભાજી, ફ્રૂટ્સ વગેરેથી આવકના સાધનો તેઓ ઊભા કરે છે. તેઓની વાર્ષિક આવક $૧,૨૫,૦૦૦ જેટલી માનવામાં આવે છે. આવકનો વીસ ટકા જેટલો હિસ્સો બચાવવામાં તેઓ માને છે. એક સર્વે અનુસાર છ બાળકો સાથે અમીશ પરિવારનો ખાવાપીવાનો, પહેરવેશ, તથા અન્ય ઘર ખર્ચ અંદાજે ૬,૦૦૦-૮,૦૦૦ ડોલરનો છે. તેમની સાદી જીવનશૈલીને આ આભારી છે. અમેરિકન લોકોની સરખામણીમાં અમીશ લોકોની અંદર હૃદયરોગ, કેન્સર, ડાયાબિટીસ જેવા રોગોનું પ્રમાણ ઓછું છે. એ કારણે અમીશ લોકોનું આયુષ્ય પણ સરેરાશ અમેરિકન કરતાં વધારે જોવા મળે છે. તેઓ બહારની દુનિયા સાથે સંપર્કમાં રહેવાનું ટાળે છે, કારણ કે બાહ્ય જગતમાં રહેલી મોહક વસ્તુઓથી પ્રલોભનમાં પડવું સહજ બની જાય છે જે જીવનના મૂળભૂત આશયો માટે અવરોધ બની રહે છે. તેઓ સંતતિનિયમનમાં માનતા ન હોવાને કારણે પરિવારમાં ૭થી ૧૦ બાળકો હોય એ સહજ છે. એમને માટે સમાજ અને પરિવાર સૌથી મહત્ત્વનો છે. પરિવારમાં પુરુષ ખેતીનું કામ કરે છે અને સ્ત્રી ઘરકામ સંભાળે છે. ઘરમાં જર્મન અને અંગ્રેજી ભાષાનો વપરાશ હોય છે. સ્ત્રીઓ બ્લુ રંગનો ડ્રેસ પહેરે છે, બ્લુ રંગનાં કપડાંથી માથું ઢાંકેલું હોય છે. પુરુષ કાળા રંગનું પાટલૂન, મરૂન રંગનું ખમીશ અને માથે હેટ એ મુખ્ય પોશાક છે.

શિક્ષણ પદ્ધતિ :

અમીશ લોકો બાળકોને શિક્ષણ આપવામાં માને છે, પરંતુ માત્ર આઠ ધોરણ સુધી. શિક્ષણ સરકારી શાળામાં નહિ પણ પોતે સ્થાપેલી શાળામાં આપે છે જેમાં માત્ર એક રૂમનો વર્ગ હોય છે અને બધા ધોરણના વિદ્યાર્થીઓ એક જ વર્ગમાં ભણતા હોય છે. માત્ર જીવન જરૂરિયાત પૂરતું શિક્ષણ અપાય છે જેમ કે ગણિત, ભૂગોળ તથા લખવું, વાંચવું વગેરે. આઠમાં ધોરણ પછી ભણતર પૂરું થાય છે અને પછી બાળકને ખેતીના કામમાં જોડવામાં આવે છે. તેમની આ ધાર્મિક માન્યતાને કારણે સુપ્રીમ કોર્ટ તરફથી એમને આવું કરવાની છૂટ આપવામાં આવી છે.

લગ્નવિષયક રિવાજ :

૧૬ વર્ષની ઉંમરે છોકરા છોકરીઓને ‘ડેટિંગ’ માટે મંજૂરી મળે છે. ૨૦ વર્ષની ઉંમરે તેઓ લગ્નગ્રંથિથી જોડાય છે. લગ્ન માટે બંને પરિવાર ચર્ચના મેમ્બર હોય એ જરૂરી છે. લગ્ન કર્યા પછી છૂટાછેડા લેવા પર પ્રતિબંધ છે. પતિ કે પત્ની ગુજરી જાય તો ફરી લગ્ન થઇ શકે. અંગત સંબંધ, જેવા કે કાકા, મામા, માસી, ફોઈ વગેરેનાં સંતાનો વચ્ચે લગ્ન ન થઇ શકે તથા એ માટે ચર્ચની પરવાનગી પણ નથી મળતી. લગ્નની વિધિ સાવ સાદી હોય છે. વીંટી પહેરાવવી, ફૂલોના ગુચ્છા આપવા, જમવા માટે બહારથી કેટરિંગ કરવું, ફોટોગ્રાફી વગેરે જેવી ખર્ચાળ વસ્તુઓને મહત્ત્વ આપવામાં આવતું નથી. સામાન્ય રીતે પાનખર પછી ખેતીના કામમાંથી નિવૃત્તિ મળે પછી, મંગળવાર કે ગુરુવારનો દિવસ લગ્ન માટે પસંદ કરવામાં આવે છે. લગ્નની વિધિ કન્યાના ઘરે કરવામાં આવે છે. લગ્ન થઇ જાય પછી નવદંપતી કન્યાના ઘરે રાત વીતાવે છે.

અંતિમ સંસ્કાર વિધિ :

સાદગી, એ અમીશ લોકોના જીવનનું મહત્ત્વપૂર્ણ અંગ છે. અંતિમ સંસ્કાર વિધિ પણ અત્યંત સાદાઈથી કરવામાં આવે છે. જેને ત્યાં મૃત્યુ થયું હોય એને ત્યાં આ વિધિ કરવામાં આવે છે. લાકડાની શબવાહિની સાદી અને જાતે બનાવેલી હોય છે. શબને દફનાવવાની અંતિમ વિધિ મૃત્યુના ત્રણ દિવસ પછી કરવામાં આવે છે.

ઊંચાઈએ પહોંચેલી અજોડ ધાર્મિક માન્યતા :

એક આખરી વાત અમીશ પ્રજાનાં ઊંચાં ચારિત્ર્ય વિષે કરવી છે. આમ તો બહુ કરુણ ઘટનાનો પ્રસંગ છે. ૨ ઓકટોબર, ૨૦૦૬નો દિવસ અમીશ લોકો માટે ગોઝારો દિવસ બનીને રહી ગયો. ૨૬ જેટલાં અમીશ વિદ્યાર્થીઓને શમાવી શકાય એવી માત્ર એક રૂમવાળી The West Nickel Mines Schoolના વર્ગમાં તે દિવસે ૩૨ વર્ષની વયનો દૂધ માટેની ટેન્કર ચલાવતો ચાર્લ્સ રોબર્ટ નામનો માણસ બંદૂક લઈને પ્રવેશે છે. ત્યાં હાજર હતાં એ ચાર પુખ્ત વયની વ્યક્તિઓને અને ૧૫ છોકરાઓને વર્ગમાંથી બહાર નીકળી જવાનો આદેશ આપે છે. ક્લાસ રૂમનું બારણું અંદરથી બંધ કરી બાકી રહેલી ૧૦ વિદ્યાર્થિનીઓ, જેની ઉંમર માત્ર ૬-૧૩ વર્ષની હતી, તેમના પગ વાયરથી બાંધી દઇ, તેમને બ્લેકબોર્ડ તરફ જોતાં સૂઈ જવાનું ફરમાન કરે છે, પછી ગોળીઓ છોડે છે. તેમાં પાંચ બાળકીઓ મૃત્યુ પામે છે અને પાંચને ગંભીર ઇજા થાય છે. પોલીસ વર્ગમાં પ્રવેશ કરે તે પહેલાં પોતાની જાતને ગોળીથી વીંધી ચાર્લ્સ રોબર્ટ મૃત્યુ પામે છે. આ કૃત્ય કરવા પાછળ કારણ એ હતું કે નવ વર્ષ પહેલાં એને ત્યાં એક બાળકીનો જન્મ થયો હતો, અને તે માત્ર ૨૦ મિનિટનું આયુષ્ય ભોગવીને મરણ પામી હતી. એ કારણે ઈશ્વર પરથી એની શ્રદ્ધા ઊઠી ગઈ અને ભગવાન સામે બદલો લેવા માટે એણે નક્કી કર્યું કે એ બીજી બાળકીઓને મોતને ઘાટ ઉતારી ઈશ્વર સાથે વેરનો બદલો લેશે. નવ વર્ષ પછી એની વિકૃત માનસિક અવસ્થાનું પરિણામ આ નિર્દોષ બાળકીઓને ભોગવવું પડ્યું, જેમને આ પ્રસંગ સાથે કોઈ નિસ્બત નથી. આમ કરુણ ઘટના તો ઘટી પણ એ પછી જે થયું તે અમીશ લોકોનાં ચારિત્ર્ય વિષે ઘણું કહી જાય છે.

જે દિવસે આ બન્યું તે દિવસે જે પૌત્રી મૃત્યુ પામી છે, એ બાળકીના પિતામહે પોતાના પરિવારના યુવાનોને ચેતવણી આપીને કહ્યું કે ‘જેણે આ ઘાતકી કામ કર્યું છે તેના તરફ આપણાથી ધિક્કારની ભાવના ન રખાય. એના પ્રત્યે આપણે દ્વેષ રાખવાનો નથી.’ બીજા એક પિતાએ કહ્યું કે, ‘એને માતાપિતા છે, પત્ની છે, બાળકો છે અને હવે એ પરમ કૃપાળુ પરમાત્માના દરબારમાં જઈને ઊભો છે, એ એનો ન્યાય કરશે.’ તે દિવસે અમીશ સમાજની એક પણ વ્યક્તિ એવી નહોતી કે જે ઇચ્છતી હતી કે એના તરફ ઘૃણાની ભાવનાથી જોવામાં આવે. સૌ ગુનેગારને ક્ષમા આપવાની મન:સ્થિતિમાં હતા. આ કેટલી મોટી વાત છે! અધ્યાત્મ ચિંતન અને જીવન વ્યવહારમાં કેટલી ઊંચી અવસ્થાએ પહોંચ્યા હશે ત્યારે આવું બની શકે. આપણે ત્યાં કહેવાય છે કે क्षमा वीरस्य भूषणम् કે ‘હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગના’. તો આ લોકોએ તો ખરેખર આ માણસને માફ કરી દીધો કારણ કે એ એમના ધર્મનું ફરમાન છે. તેઓ એ માણસની પત્ની પાસે પણ ગયા અને કહ્યું કે તેઓ એના પતિને માફ કરે છે. એક અમીશે તો ધ્રૂસકે ધ્રૂસકે રડતા ગુનેગારના પિતાને બાથમાં લઇ કલાક સુધી સાંત્વન આપ્યું. તેના પરિવાર માટે એક ચેરિટેબલ ફંડ ઊભું કર્યું. ૩૦ જેટલા અમીશ કમ્યુનિટીના સભ્યો ગુનેગારના અંતિમ સંસ્કાર વખતે હાજર રહ્યા. કલ્પનામાં પણ ન આવે એવો આ પ્રતિસાદ છે.

આ આખા પ્રસંગને લક્ષ્યમાં રાખીને ‘Forgiving the Unforgivable’ theme હેઠળ ‘Amish Grace” નામની એક ફિલ્મ બનાવાઈ છે. તક મળે તો જરૂર જોજો. સાલ ૧૯૮૫માં બનેલી એક બીજી પણ ‘Witness’ નામની ફિલ્મ છે જેમાં Harrison Fordનો અમીશ તરીકેનો અભિનય છે અને અમીશ પ્રજાના જીવન વિષે પણ માહિતી આપે છે.

e.mail : kdesai1938@gmail.com

પ્રગટ : “ગુર્જરી” ડાયજેસ્ટ, જુલાઈ 2021; પૃ. 25-28

Loading

...102030...1,7661,7671,7681,769...1,7801,7901,800...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved