Opinion Magazine
Number of visits: 9570993
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાયદાનું પાલન કરાવવાને નામે પણ લૂંટ જ ચાલે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|1 October 2021

કાયદા તોડવા માટે જ છે એવું ઘણાં માને છે ને એવું માનનારાઓમાંથી કાયદાનું પાલન કરાવનારા પણ બાકાત નથી. ઘણાં પોતાનાં કામને બહુ વફાદાર હોય છે, તો ઘણાં અધિકારીઓ કાયદાને જ ગજવામાં ઘાલીને ફરતાં હોય છે. મોટે ભાગે તો કાયદાનું પાલન કરાય એટલે પાલન કરાવનારા તંત્રો સક્રિય રહે છે, પણ કાયદાને નામે કેટલાક અધિકારીઓ લોકોને લૂંટે પણ છે. આ લૂંટનો અનુભવ ઘણાંને છે, હશે. પટાવાળાથી માંડીને ઉપરી અધિકારીઓ સહિતના ઘણાં આ લૂંટમાં સામેલ હોય છે. ઘણાં, પોલીસનું ગુજરાતી, હપ્તો, એવું પણ કરે છે તે સાવ ખોટું નથી લાગતું.

આજના જ સમાચાર છે કે ટ્રાફિક પોલીસ કોમર્શિયલ વાહનો પાસેથી હપ્તા વસૂલે છે. જુદાં જુદાં વાહનોના ભાવ નક્કી થયેલાં છે. જેમ કે સ્કૂલ ઓટો કે વાન હોય તો તેનો ભાવ 500 કે 1,000 રૂપિયા છે. ટેમ્પાના 1,000થી 1,500, ટ્રક, ટ્રેક્ટરના 2,000, લક્ઝરી બસના 2,500 ને હાઈવા ટ્રકના 3,500 એમ ભાવ નક્કી થયા છે. આ ગેરકાયદે છે, પણ કાયદેસર હોય તેમ સૌ સરવાળો કરતા જાય છે. ટ્રાફિક શાખાના જ એ.સી.પી.ના એક અંગત રિક્ષાવાળાએ આવાં ઉઘરાણાંના વીડિયો જાહેર કર્યા છે તેના પરથી ટ્રાફિક વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો ખ્યાલ આવે છે. આ ઉઘરાણી કેમ થાય છે તેનો ખુલાસો નથી, પણ થાય છે એ જગજાહેર છે. એક સમયે ભ્રષ્ટ માણસ શરમાતો, હવે ભ્રષ્ટતા એટલી વધી છે કે શરમ માટે જગ્યા જ બચી નથી.

આર.ટી.ઓ.માં પણ ટેસ્ટ લીધા વિના ડ્રાઇવિંગ લાઇસન્સ કાઢી આપનારા આસપાસ ભમતા હોય છે. ગોળના ઢેફા પર પણ આટલો બણબણાટ નથી હોતો. એક તરફ ટ્રેનિંગ લીધી હોય તેને નાપાસ કરવામાં આવે છે ને બીજી તરફ વગર ટેસ્ટે લાઇસન્સ કાઢી આપવાનું પણ ચાલે છે. વાહન વ્યવહાર સરળતાથી ચાલે એ માટે જે ધોરણો કે કાયદા ઘડાયાં હોય એમાં જ મનસ્વી રીતે અધિકારીઓ પોતાની રીતિ(અ)નીતિ દાખલ કરી લૂંટ ચલાવે છે ને એમાં માલેતુજારો ઉપરાંત સાધારણ વાહન ચાલકોને ય લૂંટવામાં આવે છે ને એને કોઈ પડકારી શકે એમ નથી, કારણ ફરિયાદ કોને કરવાની? જેમને કરવાની હોય એ જ આરોપી હોય તો રડવાનું કોને ને રડવાનું કોનું?

આજ સ્થિતિ વેપારીઓ અને જી.એસ.ટી. વસૂલતા અધિકારીઓ સંદર્ભે પણ છે. ભૂતપૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીએ જે મૂરતમાં જી.એસ.ટી.નું ભૂંગળ વગાડ્યું છે તે એટલી મૂંઝવણો ઊભી કરે છે કે એનો આજીવન નિકાલ આવે એમ લાગતું નથી. આમ તો જી.એસ.ટી.ની વાત આવેલી ત્યારે બીજા ટેક્સ નહીં લાગે એવી મજાક પણ થયેલી, પણ રમત એવી થઈ છે કે બીજા ટેક્સ વધ્યા છે ને જી.એસ.ટી. તો કરમે ચોંટેલો જ છે. સરકાર જી.એસ.ટી.માંથી કેટલો ટેક્સ કમાઈ છે એના અબજો અબજોના આંકડા જાહેર કરતી રહે છે ને એનું ટેક્સનું માળખું આજે પણ એટલું મૂંઝવનારું છે કે સરકાર સિવાય કોઈને રાહત થતી નથી. એમાં વળી કોઈએ રિફંડ લેવાના થતાં હોય તો આ ટેક્સના કેટલાક કન્સલ્ટંટ્સ કે સી.એ. પણ પોતાની હોજરી ભરી લે છે. રિફંડ પચાસ લાખથી ઓછી રકમનું હોય તો આ લોકો 5 ટકાનું ને 50 લાખથી વધુનું હોય તો 3 ટકાનું ઉઘરાણું વેપારીઓ પાસેથી કરતાં હોય છે. એમાં અધિકારીને નામે દોઢ બે ટકા જુદા કઢાય છે. જો આ માંગ સંતોષાય તો કલાકોમાં વેપારીને રિફંડ મળી જાય છે ને એમાં જો કોઈ સિદ્ધાન્ત કે કાયદાની વાત કરવા ગયું તો રિફંડ ને દંડ વચ્ચે ઝાઝો ફરક રહેતો નથી. આ અધિકારીઓ, સી.એ. કે ટેક્સ કન્સલ્ટંટ્સ પર તપાસ મૂકાય તો જ વેપારીઓની કનડગત અટકે તેમ છે. વેપારીઓ આવા કેસમાં ફરિયાદ કરી શકે, પણ પછી એમના કાન માથા સાથે જડેલા છે ને ભવિષ્યમાં આ જ નમૂનાઓ જોડે પાણીમાં રહેવાનુ હોય તો વેર કરીને ક્યાં જવું? ટૂંકમાં, વધારે હેરાનગતિ ન થાય એટલે લૂંટાઈને પણ સૌ ચૂપ રહે છે.

એમ લાગે છે કે ભ્રષ્ટ લોકો કે અધિકારીઓ મળી સમજીને તોડ પાડી લે છે ને ભાગે પડતું હક વગરનું લઈને કમાણી કરી લે છે. એમાં કોઈને જરા પણ ઓછું આવ્યું તો હેરાનગતિ શરૂ થઈ જાય છે. આમાં કોઈ પ્રમાણિક કે સિદ્ધાન્તવાદી ભૂલેચૂકે અડફેટે ચડ્યો તો એનું એટલું લોહી પીવાય છે કે તેણે મરવા સુધી જવું પડે અથવા તો આ કહેવાતાં તંત્રનું શરણું સ્વીકારી લેવું પડે. ભ્રષ્ટતા જાણે કે લોહીમાં વણાઈ ગઈ છે. આ એવો રાષ્ટ્રીય પ્રવાહ છે કે એનાથી જુદો પડીને કોઈ સામા પૂરે તરવા ઇચ્છે તો તેણે આત્મહત્યા કે શહીદી જ વહોરવી પડે. કેવું છે આ? સત્યમેવ જયતે-નું સૂત્ર બોલતાં જઈને અસત્યનો મહિમા કરનારી ભીડમાં તણાતાં જવાનું ભાગ્ય લઈને આવ્યાં હોઈએ એવી સ્થિતિ છે. આમાં કેટલાક અધિકારીઓ પ્રમાણિક અને સત્યનિષ્ઠ છે જ, એ જ રીતે કેટલાક પ્રજાજનો પણ સત્યનિષ્ઠ સાત્વિકતાને સ્વીકારે છે, પણ મોટો ભાગ પ્રજાનો અને તંત્રનો પૈસા વેરીને કામ કઢાવી કે કાઢી લેવામાં માને છે. આ બધામાં ઘણુંખરું તો હેતુ વધુને વધુ પૈસા ભેગા કરવાનો જ હોય છે. એટલા પૈસા કે અનેક પેઢીઓ સુધી ખાતાં ખૂટે નહીં, જ્યારે વાસ્તવિકતા તો એ જ છે કે જીવવાનું અનેક પેઢીઓ સુધી કોઈનું નથી ચાલતું, ભલે પછી એ સાધુ હોય કે શેતાન જ કેમ ન હોય !

આજે એવું છે કે કેમ તે ખબર નથી, પણ એક સમય હતો જ્યારે પોલીસ અધિકારીઓ સુરત કે ગુજરાતમાં બદલી માંગતા ને એને માટે લાખોની લાંચ પણ આપતા. એમને વિશ્વાસ હતો કે લાખો રૂપિયા પછી તો મળી જ રહેવાના છે ને એમાં એ ખોટા ન પડતા એ પણ ખરું. તે એટલા માટે કે એ સૌ જાણતા હતા કે ગુજરાતમાં દારૂબંધી છે. ગાંધીજી ગુજરાતનાં હતા એટલે અહીં તો દારૂબંધી જ હોય ને ! એમ કરીને આપણે ગાંધીજીને ગુજરાત પૂરતા જ સીમિત કરી દીધા કે પછી ગુજરાતમાં જ દારૂબંધી રાખીને એમાંથી વધુ કમાવાની સગવડ ઊભી કરી તે નથી ખબર, પણ દારૂને કારણે થતી અન્ય રાજયોની કમાણી કરતાં ગુજરાતની કમાણી ઓછી છે કે વધારે એની તપાસ કરવા જેવી છે. બને કે ગુજરાતની કમાણી વધારે હોય. આ દારૂબંધી આમ તો નામની છે, બાકી દારૂને નામે વધુ કમાણી અહીં છે તે તંત્રો જાણે છે, એટલે અહીં બે નંબરની આવક સરળ છે, એ ગણતરીએ અહીં અધિકારીઓ બદલી માંગી લે છે ને બીજે બદલી ન થાય એની કાળજી પણ રાખે છે. અગેઇન, આમાં પણ કેટલાક ખરેખર સેવા કરનારા લોકો છે જ, પણ મોટો ભાગ મેવા લૂંટનારો છે તેની ના પાડી શકાશે નહીં. દારૂબંધીને કારણે કેટલા અધિકારીઓ ગાડી બંગલાવાળા થયા છે તે આસપાસ નજર નાખીએ તો પણ સમજાય એમ છે. એ ઈમાનદારીનું પરિણામ નથી, બેઇમાનીનું હોય તો હોય, આ કમાણી પગારમાંથી કદી શક્ય નથી ને કોઈ વારસો ન મળ્યો હોય તો, આટલો વૈભવ ધરાવનારા અધિકારીઓ કેવી રીતે બધું પામ્યા હશે તે કહ્યા વગર પણ સમજાય એમ છે.

આમ તો આ અરણ્યરુદન જ છે. એવું પણ માની લેવાયું છે કે ભ્રષ્ટ થયા વગર હવે ચાલે એમ જ નથી. નાનો, નાની ચોરી કરે ને મોટો, મોટી ચોરી કરે એવું ઘણાંએ સ્વીકારી લીધું છે. આમ કરવું જ પડે એવું પણ માની લેવાયું છે. કોણ નથી કરતું આવું, એવું કહીને તેની પાછળ પોતાની જાત પણ સંતાડાય છે, તો ભલે તેમ ! સ્વીકારી લઈએ આ ભ્રષ્ટતા, પણ પછી આપણાં બાળકોને એ શીખવવું પડશે કે ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર છે. એને કહેવું પડશે કે લુચ્ચાઈ જ સચ્ચાઈ છે. એને ભણાવવું પડશે કે ચંદ્ર એની ચાંદની વેરે છે તેમાં એનો કોઈ સ્વાર્થ છે, કારણ સ્વાર્થ વગર તો દુનિયા ચાલતી જ નથીને ! એને કહેવું પડશે કે સૂર્ય અજવાળું કરવાનું બિલ મોકલે છે ને પેલાં મૂરખ ફૂલો એટલાં સ્વાર્થી છે કે તમને હસાવવા ન હોત તો એણે કદી સ્મિત વેર્યું ન હોત ! શું કહીશું એ નદીને જેનો સ્વાર્થ જ તમને તૃપ્ત કરવાનો છે. આ સમુદ્રો એટલે જળ સંઘરી બેઠા છે જેથી સૂર્ય એને શોષે અને એક એક ટીપું ભેગું કરીને વરસતી ઋતુ બનાવે. હવે તો પંખીને જોવાનો જ સમય નથી, ત્યાં એના ટહુકાના એ કેટલા લે છે તે પૂછવું પડે. સ્વાર્થ વગર તો પંખી પણ શું કામ ગાય? આ ને આવનારી પેઢીને એ કહેવું પડશે કે કુદરત જો આટલી સ્વાર્થી હોય તો આપણે પહેલો એકડો તો અબજોનો જ પાડવો જોઈએ. કહી શકાશે, આવું?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 ઑક્ટોબર 2021

Loading

સોનલ શુક્લ : નારીવાદી ચિંતન અને પ્રવૃત્તિના અગ્રયાયી

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|1 October 2021

સોનલ શુક્લ જીવંત વ્યક્તિત્વનાં સ્વામિની. એમની હાજરીથી ઉત્સવનો માહોલ આપોઆપ સર્જાય. એમની સાથેની સામાન્ય વાતચીત કે ગપસપ ક્યારે શિક્ષણકાર્યમાં બદલાઈ ગઈ એનો ખ્યાલ ન રહે એટલી સામગ્રી એમને મોંવગી હોય. એમની યાદદાસ્ત ધારદાર, સિત્તેર-એંસીના દાયકાથી એમની પાસે નારીવાદનો સંપૂર્ણ આલેખ વૈશ્વિકથી તૃણમૂળ સુધી મળી રહે એવું લખું તો એમાં અતિશયોક્તિ નથી. શરૂઆતનાં વર્ષોમાં તો એમણે ગાંધીસંસ્થાનમાં શૈક્ષણિક કાર્ય કર્યું, પરંતુ આંતરરાષ્ટ્રીય મહિલાવર્ષ પછી તો તેઓ નારીવાદી પ્રવૃત્તિઓ અને ખાસ કરીને સ્ત્રીઓ પરની હિંસાના ઉકેલ માટે કાર્યરત રહ્યાં. વિમેન-સેન્ટર – સ્ત્રીકેન્દ્રની પ્રવૃત્તિઓ માટે એમનું ઘર શરૂઆતમાં ધમધમતું રહેતું.

હું એમને પહેલી વાર એમના ઘરે શ્રી અમૃતલાલ યાજ્ઞિકની ભલામણથી મળેલી. સ્ત્રીઓના દરજ્જા માટે અભ્યાસ થઈ રહ્યો હોય, સૈદ્ધાંતિક રીતે તમામ વર્ગ, વર્ણ, જાતિ, વયની સ્ત્રીઓની સમસ્યાઓ પર સંશોધન થતું હોય, એના ઉકેલ માટે સ્ત્રી-સંગઠનો સક્રિય હોય એ અંગે મને વધારે જાણ ન હતી. મને તો લાગતું હતું કે સામાજિક રીતરિવાજો સ્ત્રીઓની જિંદગીને કુંઠિત કરે છે, એટલે હું એના પર જ ધ્યાન કેન્દ્રિત કરી પુસ્તક લખી રહી હતી. કુન્દનિકાબહેનની નવલકથા ‘સાત પગલાં આકાશમાં’ પ્રભાવક બની રહી હતી. પહેલી મુલાકાતમાં એ વિશે ખાસ્સી વાતો થઈ. વલસાડમાં અસ્તિત્વની સ્થાપના વિશે પણ વાતો થયેલી અને એમણે એને નારીવાદી સંગઠન તરીકે ઓળખાવેલું એવું યાદ આવે છે.

ત્યાર પછી તો એમનો ખાસ્સો પરિચય થતો રહ્યો અને વલસાડમાં એમની સાથે પ્રવૃત્તિઓનો એક દોર શરૂ થયો. અમૃતા શોધન સાથે તીથલ અમૂલકાકાના બંગલે ‘ઇતિહાસમાં ડોકિયું’ કાર્યશાળા, સ્ત્રીઓની અભિવ્યક્તિ પર સેન્સરશિપ અંતર્ગત લેખિકા-સંમેલન, રાજુલબહેન સાથે નારીવાદી ગીતોની કાર્યશાળા, વાચા-વર્તુળ અંતર્ગત બૌદ્ધિક ચર્ચા અંગે વર્ષો પર કરેલા કાર્યક્રમો યાદ છે, તેમાં એક વાર એમનાં બહેન મીનળ પટેલ પણ આવેલાં. અચ્યુતભાઈ યાજ્ઞિક, ઉત્કર્ષ મજુમદાર, ડૉ. નીરા દેસાઈ, કુમુદ શાનબાગ, વિભૂતિ પટેલ જેવાં અનેક વિદ્વાનોનો વલસાડને પરિચય થયો. તેમાં સોનલબહેનની નિસબત અને સંપર્ક ક્યાંક ને ક્યાંક હોય જ. નારીમુક્તિની મિટિંગો અલગ-અલગ સ્થળે હોય અને જ્યારે વલસાડ થાય, ત્યારે એ મારા ઘરે હોય, સોનલબહેનનું જેટલું ધ્યાન મિટિંગની ચર્ચામાં હોય, તેટલું રસોડાની ગતિવિધિ પર પણ હોય અને પૂછપરછ કરતાં હોય. મને એમની આ લાગણી ખૂબ સ્પર્શતી. જ્યારે એમણે ‘વાચા’ની પ્રવૃત્તિઓ સાતત્યપૂર્વક વેગવંત બનાવી, ત્યારે વલસાડમાં ‘વાચા કિશોરી પ્રકલ્પ’ અંતર્ગત વિદ્યાર્થિનીઓ સાથે અને કિશોરો સાથે પણ કામ કર્યું. હિમાંશી શેલત, આશા વીરેન્દ્ર, હું, જિજ્ઞેશ પટેલ પણ સામેલ હોઈએ. સુમન બાલી, અંજુ શીંગાલા અને મુંબઈથી વાચા ટીમમાં યજ્ઞા, દર્શના, નિશ્ચિત અને અન્ય સક્રિય. વલસાડ એમનું પ્રિય સ્થળ, પરંતુ એમણે વડોદરા, અમદાવાદ, સુરત ખાતે પણ કાર્યક્રમો કરેલા અને તૃપ્તિ શેઠ સાથે બનાસકાંઠા, સુરેન્દ્રનગર જેવાં સ્થળોએ પણ પહોંચ રાખેલી.

મુંબઈ તો એમનું મુખ્ય મથક, એટલે અહીં તો વાચાની પ્રવૃત્તિઓ અઢાર જેટલી બસ્તીમાં ધમધમતી જ રહી. એમની કૉલમ ‘ઘટના અને અર્થઘટન – સ્ત્રીની દૃષ્ટિએ’ ખાસ્સી લોકપ્રિય રહી. સાંપ્રત મુદ્દા પર એમનું લખાણ અભ્યાસુ તરીકે હોય. કિશોરીઓ અને ખાસ કરીને બાલકિશોરીઓ જેમની ઉંમર આઠથી બાર વર્ષમાં આવે એમને ધ્યાનમાં રાખીને માનવીય મૂલ્યોનું સિંચન અને નારીકેન્દ્રિત વિભાવનાની રોપણી એ એમનું જીવનલક્ષ્ય અને ધ્યેય બની ગયું હતું. બાલિકાઓને નેતૃત્વ માટે તૈયાર કરવી, વિવિધ કૌશલ્ય માટે તાલીમ આપવી જેવા અભિક્રમમાં પત્રિકા કાઢવી, ફોટોગ્રાફી તાલીમ, શેરીનાટકો, કેફિયત, કલેક્ટર – ડી.એસ.પી. કક્ષાના અધિકારીશ્રીની મુલાકાત  જેવી નાનાવિધ પ્રવૃત્તિ એ તાલીમનો ભાગ હોય. પોતે જ્યારે તાલીમ માટે આવે, ત્યારે બુલંદ સ્વરે ગવાતાં નારીમુક્તિનાં ગીતો અગત્યનો હિસ્સો હોય. ૧૯૭૮થી એમનું નારીવાદી કાર્ય  શરૂ  થયેલું તે ૨૦૨૧ સપ્ટેમ્બર સુધી અવિરત ચાલ્યું. એક વાર એમણે વૃદ્ધા સ્ત્રીઓના પ્રશ્નો પર પ્રકાશ પાડતી કાર્યશાળા કરેલી ત્યારે હું પણ મુંબઈ ગયેલી. એમણે વયસ્ક સ્ત્રીઓ માટે નહીં, પરંતુ ‘વર્ધના’ નામે ઓળખ સૂચવેલી. પોતાનાં વિવિધ કાર્યક્ષેત્રનાં વિસ્તૃત ફલકમાં એમણે અ.. ધ.. ધ.. ધ લેખો લખ્યા, સેમિનાર કર્યા, મિટિંગો કરી, ગૃહિણીથી લઈ વિદ્વાનો સાથે સંપર્કો જાળવી રાખ્યા. એમના સમૃદ્ધ પુસ્તકાલયનો ઉપયોગ પણ થતો રહ્યો. એમની પ્રવૃત્તિઓનાં સહયાત્રી ડૉ. વિભૂતિ પટેલે સોનલબહેનને ભાવાંજલિ આપતો લેખ લખ્યો છે. એમાં એમની વિશદ કારકિર્દી, નારીવાદી સૂઝ-સમજ, પ્રવૃત્તિઓના વ્યાપની નોંધ લીધી છે, એના પરથી ખ્યાલ આવે છે કે એમનું વ્યક્તિત્વ કેવું ભાતીગળ અને વિવિધ ક્ષેત્રે પ્રદાન  કેટલું માતબર રહ્યું છે.

થોડા દિવસ પર સોનલબહેને મને ફોન પર કહેલું કે વલસાડમાં ફરીથી કામ શરૂ કરીએ. જો કે એ ન થઈ શક્યું, પરંતુ એમનાં મનમાં વલસાડ હતું, અમે હતાં એ નક્કી. બીજી પણ એક વાત રહી ગઈ. હિમાંશુભાઈ હતા, ત્યારે એમની સાથે વલસાડ આવવાનો એમનો વિચાર પણ શક્ય ન બન્યો. પાંચેક વરસ પર વાચાના કાર્યક્રમમાં સામેલ થવાનું બનેલું ત્યારે સોનલબહેન માટે આ રચના સ્ફુરેલી.

                               સોનલબહેન તમે એટલે
                               ખુશમિજાજ
                               વાસંતી સદાબહાર
                               માંહ્યલાની સ્વામિની.
                               સોનલબહેન તમે એટલે
                               સંવેદનાત્મક
                               સંચેતનાયુક્ત
                               સંવાદસભર
                               સંતર્પક શીતળસખ્ય.
                               સોનલબહેન તમે એટલે
                               નારીવાદી ચિંતનનાં આરાધક
                               નારીવાદી અક્ષર, આલેખક
                               નારીવાદી ચળવળ-સમર્થક
                               અમારા વાચાસ્થંભ.
                               તમારું હોવું એટલે અમારું
                               આશ્વસ્ત રહેવું
                               નિશ્ચિંત બનવું
                               સહજ થવું
                               ઝળહળવું
                               કારણ તમે એટલે અમારી વાચા
                               વાચા એટલે તમારાં અમે અને
                               અમારાં તમે, ખરું કે નહીં ?

હજી પણ તમારો અવાજ પડઘો બનીને કાને રણકે છે કે આ ડિસેમ્બરમાં વલસાડ મળીએ, ત્યારે ઉંબાડિયા પાર્ટી નક્કી … પરંતુ !

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 15

Loading

સમાંતર ફિલ્મો : સુખદ સંસ્મરણો

પીયૂષ પારાશર્ય|Opinion - Opinion|1 October 2021

ફ્લેશબેક

૬૦થી ૭૦ના દાયકામાં આવેલી ફિલ્મ “અનુપમા”નો આસ્વાદ “એક ઉપમાલાયક અનુપમા” શીર્ષક નીચે ‘સંસ્કૃતિ’માં પ્રકાશિત થયેલો. આ આસ્વાદના આધારે ઉમાશંકર જોશી આ ફિલ્મ જોવા ગયેલા અને તે જોયા પછી પોતે નિરાશ થયેલા અને મંતવ્ય પ્રકટ કરતાં કહેલું કે આ ફિલ્મમાં સર્જકકર્મ નહિવત્‌ છે. પછી આવા આસ્વાદો સંસ્કૃતિમાં પ્રકાશિત કરવાનું બંધ કરેલું. એવું જરા પણ નહોતું કે પરફોર્મિંગ આટ્‌ર્સમાં તેમને રસ ન હતો. ‘સંસ્કૃતિ’ સામયિકના મુખપૃષ્ઠ ઉપર નાટ્ય અદાકાર પ્રવીણ જોશીનું દેહાવસાન થયું ત્યારે તેમનો ફોટો પ્રકાશિત કરીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપેલી. પ્રવીણ જોશીનાં સારાં નાટકો દિનેશ હૉલ, અમદાવાદમાં જોયાની વાત તેમણે કરી હતી એ પછી એક વખત તેઓ ભાવનગર આવેલા અને પિતાશ્રી (મુકુંદરાય પારાશર્ય) પાસે સાતેક દિવસ રહેલા. આ સમયે સમાંતર ફિલ્મો (ન્યુ વેવ ફિલ્મો) અંગે તેમની સાથે વાતો થયેલી. ભાવનગરમાં સપ્તકલા સિને કલબ નામની એક સંસ્થા અમે મિત્રો ચલાવતા. આવી એક સંસ્થા અમદાવાદમાં અને એક વડોદરામાં સરસ કામ કરતી હતી. ફિલ્મ ફેડરેશન ઑફ ઈન્ડિયા દ્વારા આયાત કરવામાં આવતી આ ફિલ્મો ૧૬ એમ.એમ. અને ૩૫ એમ.એમ.ની સાઈઝમાં આવતી. ફિલ્મની લંબાઈ પ્રમાણે તેનાં સ્પૂલ આવતાં. બેથી ત્રણ સ્પૂલમાં તેનો સમાવેશ થઈ જતો. આ ફિલ્મોનાં સ્પૂલ લેવા માટે અમે અમદાવાદમાં પારેખ્સના સ્ટોરમાં જતા, અને તે જ રાત્રે ભાવનગર તે ફિલ્મને શો કરી બીજા દિવસે પારેખ્સમાં એ પરત કરતા. આ ફિલ્મોને ગુજરાત સર્કીટમાં બતાવ્યા પછી તેને પછીના કેન્દ્રમાં પહોંચાડવામાં આવતી. અદ્‌ભુત ફિલ્મો જોયાનું યાદ આવે છે, જેમાં ઈન્ગમાર બર્ગમેન, ઝ્‌યાં રેનવા, રોમન પોલાન્સ્કી વ.નો સમાવેશ થાય છે. ઈરાન જેવા દેશમાંથી પણ એક આર્ટ ફિલ્મ આવેલી. વર્ષ હતું ૧૯૮૦.

આ ફિલ્મો અંગે ઉમાશંકર સાથે વાતો થયેલી અને તેઓ ભાવનગર હતા તે દરમિયાન જ ૧૬ એમ.એમ.ની એક આર્ટ ફિલ્મ આવેલી. એ, અમે ભાવનગરની મહિલા કૉલેજમાં એક હોલમાં પ્રોજેક્ટર મેળવીને બતાવેલી. આ ફિલ્મ જોવા હું તેમને સાથે લઈ ગયેલો. ત્યારે આ ફિલ્મો નીચે પાથરેલી જાજમ ઉપર બેસીને જ જોવાતી. અમારા મિત્રો ઉમાશંકર માટે ખુરશી લઈ આવ્યા, પણ તેમણે કહ્યું કે તમે બધા મિત્રો જે રીતે બેસીને ફિલ્મ માણશો એ રીતે હું પણ જોઈશ. પરદેશની અનેક ફિલ્મો અંગ્રેજી સબટાઈટલ્સવાળી જ આવતી અને તે રીતે સત્યજિત રે કે ઋત્વિક ઘટકની ફિલ્મો પણ અંગ્રેજી સબટાઈટલ્સવાળી આવતી. શર્મિલા ટાગોરના અભિનયવાળી ફિલ્મ ‘દેવી’ના તા. ૪-૧-૧૯૬૫ના પ્રદર્શનથી સપ્તકલા સિને કલબનો પ્રારંભ થયેલો. કાળક્રમે વીડિયો હોમ સિસ્ટમ અને ટેલિવિઝનના પ્રસારથી ધીરે ધીરે આવી ફિલ્મ કલબો બંધ થઈ. મિત્રો સાથે નીચે બેસીને ફિલ્મ જોવાની ઉમાશંકરની સજ્જતા-નમ્રતા ભૂલી નહીં શકાય. પણ ભાવનગરને સંસ્કારવામાં અને આંતરરાષ્ટ્રીય ચેતના પ્રવાહમાં લોકોને જોડવા માટે સપ્તકલા સિને કલબનું બહુ મોટું યોગદાન રહ્યું છે. જ્યારે શહેરની વસ્તી બે લાખ જેટલી હશે ત્યારે સત્યજિત રે દિગ્દર્શિત અને માધવી મુખર્જી અભિનીત ફિલ્મ ‘ચારુલતા’ ભાવનગરના પેલેસ ટોકીઝમાં પૂરા સાત દિવસ ચાલેલી. સબટાઈટલ્સ અંગ્રેજી છતાં લોકોએ તે ખૂબ માણેલી. આ ફિલ્મમાં બે ગીતો કિશોરકુમારે ગાયેલાં છે મારી સાથેનો મિત્ર સાંભળીને બોલી ઊઠેલો કે આ તો કિશોરકુમારનો અવાજ છે.

આ જ રીતે ફિલ્મ અભિનેતા ઓમ પુરી ભાવનગરમાં એક ડૉક્યુમેન્ટરી ફિલ્મના શુટિંગ માટે આવેલા. ગ્રોફેડ માટે ગોવિંદ નિહલાની તેનું શુટીંગ કરી રહ્યા હતા. ઓમ પુરીએ મારી પિતરાઈ બહેન દીપ્તિ ભટ્ટ સાથે આરોહણ ફિલ્મમાં કામ કરેલું. આવી જ એક ફિલ્મ જોવા માટે અમે ઓમ પુરીને આમંત્રણ આપ્યું. ‘અર્ધસત્ય’ એ તેમના હિંદી ચલચિત્રથી ચાહકો પરિચિત હતા. કોઈ ફિલ્મના સ્ક્રીનિંગ પહેલાં તે ફિલ્મોના ટૂંક પરિચય ચાર-પાંચ મિનિટમાં કોઈ આપી દેતું. ઓમ પુરી સાથે હસ્તધૂનન કરતાં એક આત્મીય પરિચય થયો. ઓમ પુરીના કલકત્તાનિવાસ દરમિયાન એ ગમે ત્યારે દીપ્તિના પિતાશ્રી અત્રિકુમાર ભટ્ટને ત્યાં આવતા, જમતા અને આરામ કરતા. ૧૬ એમ.એમ.ની ફિલ્મ શરૂ થતા પહેલાં ઓમ પુરીના વ્યક્તિત્વનો સુપેરે પરિચય કોઈએ આપેલો. બિમલ રોયના પુત્રરત્ન પણ સાથે આવેલા ઓમ પુરી સાથે થોડી વાતચીત થયા પછી શો શરૂ થયો એટલે પોતાની ખુરશીઓ દીવાલ પાસે ગોઠવીને અમારી સાથે પલાંઠી વાળીને ફિલ્મ જોવા તે બેસી ગયા. તેમણે કહ્યું “ફિલ્મ સાથે બેસીને જોવાથી વધારે આનંદ આવે છે” જે હોટેલમાં તેઓ ઊતર્યા હતા તેની બહારથી એક ટોળું પસાર થયું. ઓમ પુરીએ પૂછ્યું તો જવાબ મળ્યો કે એક સનિષ્ઠ મ્યુનિસિપલ કમિશનરની સરકાર બદલી કરી રહી છે તેનો વિરોધ પ્રદર્શિત કરવા નગરજનોએ આ સરઘસ કાઢ્યું છે. જાહેર સેવાના કોઈ વરિષ્ઠ અધિકારી અંગે આ પ્રકારની લોકોની સંવેદના જોઈને તેઓ ખૂબ પ્રભાવિત થયેલા. પીડિતો અને વંચિતોના ઉત્કર્ષના હિમાયતી હતા. ઈન્દિરા ગાંધીના સમયમાં જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી સિદ્ધાર્થશંકર રે હતા ત્યારે ‘આરોહણ’ ફિલ્મને તેમણે પ્રદર્શિત કરવા ન હોતી દીધી. કટોકટી પાછી ખેંચી લીધેલી તે પછીના સમયની આ વાત છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 16

Loading

...102030...1,7341,7351,7361,737...1,7401,7501,760...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved