‘ચુનીભાઈ વૈદ્ય સ્મૃતિગ્રંથ : અગ્નિપુષ્પ’ – પ્રવેશલેખ

‘ચુનીભાઈ વૈદ્ય સ્મૃતિગ્રંથ : અગ્નિપુષ્પ’; સંપાદન : કેતન રૂપેરા; પરામર્શન : ઇલાબહેન પાઠક, પ્રકાશ ન. શાહ; પ્રકાશન : ગુજરાત લોકસમિતિ; પ્રથમ આવૃત્તિ – 19 ડિસેમ્બર 2015; ISBN: 978-93-83814-51-0; પૃ. 256 (પાકું પૂંઠું); કિં. રૂ. 250/-

આપણે સૌ સદ્ગત ઇલાબહેન પાઠક અને સંજય શ્રીપાદ ભાવેની પહેલકારી મથામણના તેમ જ આ કામગીરી સાથે સક્રિય મનોયોગપૂર્વક સંપાદકીય કાર્યબોજ ઉઠાવનાર અને પાર પાડનાર કેતન રૂપેરાના એ વાતે ઓશિંગણ રહીશું કે એક સમૃદ્ધ જીવનયાત્રાની ઝલક ઠેકઠેકાણેથી ઝિલાઈ ગુજરાતસુલભ બની રહી છે.
ચુનીકાકાની આ જે સમૃદ્ધિ, એનું રહસ્ય શી વાતે હશે વારુ? સંઘર્ષ અને રચનાનાં જે પણ કામો એમને ખોળતાં આવ્યાં અગર એમણે ખોળી કાઢ્યાં એ સૌ થકી એમની સમૃદ્ધિ તમને અને મને પમાય છે એ સાચું; પણ એનાં વિકસન પ્રફુલ્લનનું રહસ્ય ખરું જોતાં ગાંધીયુગે સરચાર્જ થયેલી એ સંસ્કાર પરંપરામાં રહેલું છે જેનો વિશેષ સાધારણ માણસમાં રહેલી અસાધારણતાને બહાર આણવાનો હતો.

આ લખું છું ત્યારે સાંભરે છે કે ‘ભૂમિપુત્ર’ની કીર્તિદા કામગીરી છોડીને લોકશક્તિ સંગઠનના મનભાવન કામમાં સીધા પરોવાવાનું એમણે નક્કી કર્યું ત્યારે વડોદરામાં અરુણાબહેન લાખાણી વગેરે મિત્રોએ એક વિદાયમિલન યોજ્યું હતું; કેમ કે ઠીક ઠીક વરસોના વડોદરાવાસ પછી હવે એ લોકસમિતિની સીધી જવાબદારીસર અમદાવાદમાં થાણું નાખવાના હતા. એમને લેવા તો શું પણ આ મિલનમાં સામેલ થવાના સહજ ઉમળકાને વશ વરતી હું અમદાવાદથી વડોદરા પહોંચી ગયો એ મને પાછળથી બહુ સારું લાગ્યું : ચુનીભાઈ વૈદ્ય અને સુરેશ જોષી, બેઉનો એકસાથે કેમ જાણે નવો જ પરિચય થયો. શો વિષય કરવો આ અવસરે, એવું કંઈક કાકાએ પૂછ્યું હશે તો શી ખબર કેમ સુરેશભાઈએ લાગલું જ સૂચવ્યું કે અધ્યાત્મ વિશે તમારો અભિગમ શો છે એ કહો. કાકાની આબરૂ એક લડવૈયાની અને સુરેશભાઈનો પણ ધમાકાબંધ પ્રવેશ તો ગુજરાતી સાહિત્યના એમને સમજાયેલ અયલાયતનની દુર્ગભેદ મુદ્રાનો. એમને અધ્યાત્મ મુદ્દે રસ પડવો અને એ માટે નોટ્સ કમ્પેર કરવા લાયક ઠેકાણું કાકામાં જડી રહેવું! પણ મને
નોંધ લેવાની ખાંખત નહીં અને કાકાનું કહ્યું તો કે’ દીનું સ્મૃતિમાંથી સરી ગયું છે. છતાં ચિત્ત પર જે છવિ રહી ગઈ છે તે તો રહી જ ગઈ છે. પોતપોતાની તરેહના બે તીખા તરુણોની, આ ગામમાં હું પણ એક ‘ક્યારેક્ટર’ છું તરેહની ખોપરીઓની, ભલે કદાચ કૌતુકરાગી પણ અધ્યાત્મજિજ્ઞાસાનું.
ગમે તેમ પણ, ચુનીકાકાના વ્યક્તિત્વમાં અને કર્તૃત્વમાં (એમને ખુદને સુધ્ધાં વહેમ ન હોય એ રીતે) કોઈને અધ્યાત્મનાં ઓસાણ વરતાય તો હું એનો અર્થ એટલો જ ઘટાવું છું કે આપણો સમય મૂર્ત એવા માનવ્યને સેવવા અને ઉપાસવાનો સમય છે, અને એ દૃષ્ટિએ સંઘર્ષ ને રચનાનાં જે પણ કામોમાં કાકા ખેંચાયા તે એમનો આ અભિનવ ચૈતન્યબોધ દર્શાવે છે. રામકૃષ્ણ પરમહંસની સર્વધર્મસાધના અને વિવેકાનંદની મઠ-અને-મિશન-પ્રવૃત્તિ, આપણે સારુ તો દરિદ્રનારાયણની ગાંધીસાધના થકી જ પ્રત્યક્ષ થાય છે ને? ગાંધીજગવ્યા વાયુમંડળે જે નવું રાજકારણ, નવું સંઘર્ષકારણ, નવું રચનાકારણ – બલકે, ખાનાંગિનતીથી હટીને કહું તો, ખરેખર તો, નવું ધર્મકારણ પ્રેર્યું, જે મંથન મનોરથ મથામણ જગવ્યાં એને સારુ દરબદર ભટકતો, દેખીતો ઉત્પાતિયો, સતપતિયો, અવગતિયો જો કે ખરેખર તો સદ્દગતિએ સુખિયો જીવ એ હતા.
જીવ મુમુક્ષુનો પણ રાજ્ય તો નહીં જ મોક્ષ સુધ્ધાં ન જોઈએ, જોઈએ દુઃખતપ્ત પ્રાણીઓના કષ્ટનો નાશ, એવી જે મહાયાન પરંપરા એમાં આવેલા ગાંધીએ પશ્ચિમદીધા લિબરલ લોકશાહી વિચારને સત્યાગ્રહની કલમ કરી જાણી. અને એ જ પરંપરામાં, પોતાની રીતે, શોધનવિવેકપૂર્વક જયપ્રકાશે લોકસંઘર્ષનું આવાહન કીધું. અહીં એ આંદોલનની તપસીલ અને તવારીખમાં નહીં જતાં એટલું જ કહીશું કે એને પગલે બીજા સ્વરાજ શો જોગસંજોગ ઊભો થયો અને લોકશાહીની પુનઃપ્રતિષ્ઠા થઈ. આજે પાછળ નજર કરું છું ત્યારે એ જોગાનુજોગ કેવળ જોગાનુજોગ નથી લાગતો કે લાંબા આસામવાસ પછી બરાબર જેપી આંદોલનનાં વરસોમાં અને તે પછીનાં વરસોમાં ચુનીકાકા પાછા ગુજરાતવાસી બની રહ્યા.
વાત એમ છે કે જેપી આંદોલનમાં સીધી સર્વોદયી ભરતી બાદ કરતાં મારા જેવાઓ જે આવ્યા એમનો ઉછેર લિબરલ ડેમોક્રસીનાં મૂલ્યો અને પ્રક્રિયાનો વધુ તો હશે. અમને અભિવ્યકિત સ્વાતંત્ર્ય જેવા મુદ્દાઓ જેટલી ઝડપથી પકડાતા હશે; ન્યાયતંત્રની સ્વતંત્રતા, અખબારી આઝાદી, એ બધી બાબતે ક્વૉટૅબલ ક્વૉટ્સ જેવાં ને જેટલાં ધાણીફૂટ ફૂટતાં આવતાં હશે, સત્યાગ્રહનો ઍકૅડૅમિક મહિમા પણ વસ્યો હશે એટલી તળ આંદોલનની રગ કદાચ નહોતી. જરી અવિનય વહોરીને મારી પોતાની વાત કરું તો હવે તો એ વાતને ખાસાં પંચાવન વરસ થયાં જ્યારે ગુજરાતભરની ત્યારે તો કદાચ એકની એક હશે એવી મહાદેવ દેસાઈ વક્તૃત્વસ્પર્ધામાં પ્રથમ પારિતોષિકને પાત્ર ઠરેલા વક્તવ્યમાં મેં સંસદીય લોકશાહી અને સીધાં પગલાંનાં આંદોલનો સાથે જઈ શકે એવી ભૂમિકા લીધી હતી. અને તે પણ કોઈ ડિબેટિંગ પવિત્રા તરીકે નહીં પણ કાલીઘેલી કાચીપાકી જે પણ સમજ બંધાઈ હશે, એને ધોરણે. વડા નિર્ણાયક જયન્તિ દલાલ હતા જેમની સાથેના પરિચયનો આ યોગ, પછીનાં વરસોમાં મને જયપ્રકાશજી સાથે પહેલી વ્યક્તિગત મુલાકાત લગી લઈ જવાનો હતો. મારી આ ભૂમિકા છતાં મુદ્દાની વાત આપણી ચર્ચા પૂરતી એ છે કે પ્રત્યક્ષ વ્યવહારમાં લિબરલ ડેમોક્રસીના ઔપચારિક ખયાલમાળખાની બહાર મારી જેમ અનેકને મૂકી આપનારો પારસધક્કો જેપી આંદોલનનો અને જેપી આંદોલનનો જ હશે.
બીજા સ્વરાજ પછી પણ પ્રત્યક્ષ રાજકીય સત્તા અને રાજકીય પક્ષ બેઉની બહાર છાત્ર યુવા સંઘર્ષ વાહિની તથા લોકસમિતિ સરખાં સંગઠનોની તેમ જ તળ આંદોલનોની જરૂરત જેપીએ વાજબીપણે પ્રીછી હતી. આ બીજા ને નવા તબક્કા માટે ચુનીકાકાની હોઈ શકતી હતી એવી ને એટલી સહજ ગતિ અમારા જેવાઓની નહોતી. એમાં પણ દેખીતી મોટી લડાઈથી કંઈક હટીને ગ્રાસરુટ જમાવટ એ તો વળી એક નવો જ ઈલાકો હતો. આ સંદર્ભમાં જોતાં ચુનીકાકા ભલે ને કેટલીક વાર દેખીતા નિષ્ફળ પ્રયોગોના પણ સફળ સમાજવિજ્ઞાની રહ્યા છે, અને એ રીતે ગુજરાતમાં એમના પુનરાગમનનો જોગાનુજોગ કેવળ જોગાનુજોગ નહોતો એમ માનવું મને હંમેશ ગમ્યું છે.
બેશક, સંસદીય લોકશાહીનાં મૂલ્યો અને પ્રક્રિયા આસપાસનો વિમર્શ કંઈ ખોટો નથી. કતલને બદલે કાનૂનનો, અરાજકતાને બદલે કાયદાના શાસનનો વિકલ્પ મનુષ્યજાતિની યાત્રામાં એક સીમાચિહ્ન ખસૂસ છે. સ્વરાજ પછી તરતનાં વરસોમાં વિનોબાના અનન્ય આંદોલને કાનૂનની સાથે કરુણાનું વાનું પણ રૂડું ઘૂટ્યું. પણ કાનૂન ને કરુણા છતાં પરિવર્તનનાં ચક્રો ધાર્યાં ઉંજાતાં નથી અને ઘડિયાળના કાંટા કદાચ પાછા પણ જઈ શકે છે એમ પમાતાં જયપ્રકાશે આપણા જાહેરજીવનના ચેતાકોશમાં સંઘર્ષના પરિમાણનું પુનઃ આવાહન કીધું. ગાંધીપ્રણીત સત્યાગ્રહની એ સુલભ લોકઆવૃત્તિ હતી. આ લોકસંઘર્ષ, પાછો, લિબરલ ડેમોક્રસીનાં મૂલ્યો, પ્રક્રિયાઓ અને સંસ્થાઓના જતનને જાણનારો હતો. એની આ બાલાશ અને આ બૂજ, જેમ એનું સંઘર્ષનું પાસું, એને વિનોબાના આંદોલન કરતાં એક જુદી પીઠિકાએ મૂકી આપતી બાબત હતી. નાગરિક ચેતનાને ત્યારે મળી રહેલું સૌભાગ્ય પેલા વૃક્ષનું હતું જે કાલિદાસની નાયિકાના પાદપ્રહારે કુસુમિત થઈ ઊઠે છે.

૧૯૭૪થી નવનિર્માણે સરચાર્જ માહોલમાં લોકસ્વરાજ આંદોલન, લોકશક્તિ સંગઠન, લોકસંઘર્ષ સમિતિ, જનતા મોરચો, જનતા પક્ષ, લોકસમિતિ એ બધા જે તબક્કા ગુજરાતના જાહેરજીવનમાં આવ્યા એમાં પોતપોતાને છેડેથી ઉભરી રહેલાં બે સર્વાગ્ર વ્યક્તિત્વ ભોગીભાઈ ગાંધી અને બાબુભાઈ જશભાઈ પટેલનાં હતાં. બાબુભાઈ સોજ્જો પ્રજાચહેરો હતા. સ્વરાજસંધાનપૂર્વકની સંસ્થા કૉંગ્રેસના પ્રમુખ તરીકે એમની ચોક્કસ સ્વીકૃતિ પણ હતી. દેખીતા ઓછા જાણીતા ભોગીભાઈ ગુજરાતમાં જેપી નાગરિક સંગઠનાનો સમો બાંધી શકનારી અનન્ય બિનપક્ષીય પ્રતિભા હતા. લો પ્રોફાઈલ પર કામ કરનારા, યથાર્હ સંગઠન બાંધનારા અને સંગઠકમાં નયે હોય એવી બૌદ્ધિક વિશદતા ધરાવતા સમર્પિત જીવ હતા. બાબુભાઈનું વ્યક્તિત્વ જનતા મોરચાની સરકારના નિર્ભીક વડા અને પ્રજાપરક રાજકારણી તરીકે ખાસ કરીને જૂન ૧૯૭૫થી માર્ચ ૧૯૭૭ના ગાળામાં ઉભરી રહ્યું.
બીજા પણ પ્રત્યક્ષ-અર્ધપ્રત્યક્ષ સંકળાયેલા વડીલ સાથીઓ હતા. બી.કે. મઝુમદાર, ઉમાશંકર જોશી, ચન્દ્રકાન્ત દરૂ, મનુભાઈ પંચોળી, ઇશ્વર પેટલીકર, પુ.ગ. માવળંકર. દરૂસાહેબ તો ‘ભૂમિપુત્ર’નો ઐતિહાસિક કેસ લડનારા ધારાશાસ્ત્રી પણ ખરા અને ચુનીકાકા તંત્રી. વકીલ અને અસીલ બેઉ જેલમાં ભેગા થઈ ગયા. એમને પોંખવા સારુ મારા જેવાઓ તો જેલમાં આગળથી હતા જ. (બાય ધ વે, થોરો-એમર્સનનો કારા-સંવાદ સાંભરે છે ને?) વડોદરા જેલના ૧૯૭૬ના એ મહિનાઓ! એવી ઓપન યુનિવર્સિટી થઈ નથી ને થાવી નથી … અને એક મીઠી અંગત સાંભરણ. કાકાએ વડોદરા જેલમાં વકીલ જ્યોતીન્દ્ર ભટ્ટની ઘટતી કુમકથી બિનકેફ અવસ્થામાં એમનું વિલ કરેલું અને મને વારસ જાહેર કર્યો હતો. ભાઈદાસ પરીખ કે નવલભાઈ શાહ તો હવે આપણી વચ્ચે નથી. પણ હસમુખ પટેલ અને અતુલ મહેતા જરૂર સાખ પૂરશે કે કાકાએ ઠરાવેલો વારસ હું અને હું જ હતો. (ત્યારે નીતા પંડ્યા – હવે નીતા મહાદેવ – હજુ ચિત્રમાં નહોતાં) પણ કાકાએ આ વિલ જ્યારે એમની પાસે ખાસ કશું નહોતું ત્યારે કરેલું – અને બહાર આવ્યા પછીનાં વરસોમાં પણ ખાસ કંઈ ફેર પડ્યો નહોતો. ચિરસિનિક વાસુદેવ મહેતા ત્યારે મૂર્છિત થતા માંડ બચ્યા હતા જ્યારે હસમુખે અને મેં ૧૯૭૯માં એમને કહ્યું કે પ્રેસ કમિશને જુબાની સબબ ૧,૫૦૦ રૂપિયાનો ચેક ચુનીભાઈ વૈદ્યને નામજોગ મોકલેલો. પણ ખાતું હતું જ કોનું કે એ ભરાય. જો કે, પછીથી, ૨૦૦૧ના ઑક્ટોબરમાં એમને વિશ્વપ્રતિભા ઍવૉર્ડ-ખાસો અઢી લાખ રૂપિયાનો અને ગુજરાતમાં ત્યાં સુધીમાં તો સૌથી મોટો – મળ્યો ત્યારે આ નાચીજ વારસને તરત ચીત કર્યો હતો, એવી જાહેરાત કરીને કે આ રકમ ટ્રસ્ટમાં જશે.

૧૯૭૪-૭૫થી ગુજરાતના જાહેરજીવનમાં ઊભરી રહેલા નેતૃત્વની ચર્ચા કરતે કરતે ઑક્ટોબર ૨૦૦૧ના પ્રથમ વિશ્વ પ્રતિભા ઍવૉર્ડ લગી સેલારા મારતે આજે ૨૦૧૫માં સંભારું છું ત્યારે જોઉં છું કે છેલ્લા ત્રણેક દાયકા દરમિયાન આપણા જાહેરજીવનમાં બિનસરકારી-બિનપક્ષીય એવું સૌથી વડું નેતૃત્વ કદાચ ચુનીકાકાનું હતું. નહીં કે વિશ્વ પ્રતિભા તરીકે પોંખી શકાય અને ગુજરાત બહાર ધરી શકાય એવાં બીજાં નામો નહોતાં. પણ લોકપ્રશ્નોમાં સીધી લડત આપનારું નામ તો એકમાત્ર આ અને આ જ છે.
ચુનીકાકા નર્મદા અને સીપુ આંદોલનોથી ઓળખાયા, અને છેલ્લે છેલ્લે કનુભાઈ કળસરિયાના મહુવા આંદોલનને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં મૂકવા સાથે ઊંચકાયા. ભાનુભાઈ અધ્વર્યુએ ડૂબમાં જતી અને ખુલ્લી થતી જમીનોના ન્યાયી ભોગવટાહકનો સવાલ ઉપાડ્યો ત્યારે એના પહેલા તબક્કામાંયે લોકસમિતિનું યોગદાન હતું. વડોદરાઝાલાને મોચાથી ઉમરગામ સહિત ક્યાં ક્યાં ને કેટલે કેટલે કાકા જોવા નથી મળતા? જળ, જમીન ને જંગલ કોનાં, એ સવાલના જવાબનું ગુજરાત ખાતેનું આંદોલનવાર્તિક જાણે. નહીં કે શહેરના સવાલોમાં પણ એમની હાજરી બોલતી નથી. આશ્રમ પરિવારોના રહેણાકની વાત હોય કે પછી રિવરફ્રન્ટના રહેવાસીઓની અગર તો મીઠાખળી શાળા નંબર વીસની, બધે જ તમને એમની પહેલ નહીં તો સક્રિય સંડોવણી માલૂમ પડશે. પ્રાકૃતિક સંસાધનોનો સવાલ એમણે હાથમાં લીધો તે સાથે જેને સામાન્યપણે રાજની માલિકી કહેવાનો ચાલ છે એ વાનાં વસ્તુતઃ સરકારને પક્ષે ટ્રસ્ટીશિપનો અભિગમ માગી લે છે, તે બંધારણની ભાવનામાં અનુસ્યૂત મુદ્દો કેમ જાણે આળસ મરડીને બેઠો થયો. નર્મદા બચાવો આંદોલન એક છેડે હશે, કાકાએ છેડેલ કોઈક આંદોલનો બીજે છેડે હશે, પણ તે બંને પોતપોતાને છેડેથી અહીં એકત્ર આવી પ્રાકૃતિક સંસાધનોની લોકમાલિકી ઘૂંટતા નવ્ય વિમર્શને ઉપસાવી આપે છે.
જ્યાં સુધી બીજા સ્વરાજના સંગોપન અને સંવર્ધનનો સવાલ છે, જનતા અવતાર છાંડીને ભા.જ.પ.રૂપે નવરચિત જનસંઘે (તેમ જ એકંદર સંઘ પરિવારે) અયોધ્યાજ્વર વાટે અને સાથે લીધેલો રાહ છે તો જનવિરોધી, પણ ઇંદિરાઈ એકાધિકાર સામેની લડાઈનો જનસંઘ એક સાથી હતો એ કારણે કશાક વ્યામોહવશ એની સામે સ્પષ્ટ ભૂમિકા લેવા બાબતે જેઓ મોળા અને મોડા પડ્યા, કાકા તે પૈકી નહોતા. એ જ રીતે સંઘ પરિવારની કથિત ધર્મભાવનાવશ એને અંગેના સમ્યક્ આકલનમાં ગોથું ખાનારા પૈકી પણ એ નહોતા. આજે છઠ્ઠી ડિસેમ્બરે (૧૯૯૨ પછી તેવીસ વરસે) આ લખી રહ્યો છું ત્યારે સાંભરે છે કે ૧૯૯૩ના ફેબ્રુઆરીમાં સેક્યુલર લોકશાહી આંદોલન(મૂવમેન્ટ ફૉર સેક્યુલર ડેમોક્રસી)ના સ્થાપના અધિવેશનમાં જુદે જુદે છેડેથી સૌને એકમંચ કરવામાં મિત્રોના સહયોગથી હું નિમિત્ત બન્યો – ‘ઇન્ડિયા ટુડે’એ ‘બાય ફાર ધ મોસ્ટ કૉન્સર્ટેડ ઍકશન’ તરીકે જેની નોંધ લીધી – એમાં ચુનીકાકાની અને નારાયણ દેસાઈની પ્રતિબદ્ધ હિસ્સેદારી હતી.

જેમ નવી આર્થિક નીતિ તેમ સંઘ પરિવારની હિંદુત્વ રાજનીતિ, બેઉ સામે એકસરખા જોસ્સાથી બહાર આવેલા ચુનીકાકાના કિસ્સામાં ખાસ કરીને બીજો નિર્ણય અત્યંત નોંધપાત્ર હતો. સર્વોદયી ગોત્રને કારણે સાધારણપણે એ અધ્યાત્મભાવના અને સર્વધર્મસમભાવ આદિથી પરિચાલિત થતા હોય એ સહજ હતું … અને સરળભોળી માનવતાનું ખેંચાણ તો કોને નથી હોતું! પણ હિંદુ ધર્મ અને હિંદુત્વ વચ્ચે વિવેક કરવો અને ધર્મ તેમ જ અધ્યાત્મ વચ્ચે વિવેક કરવો એ સૌના વશની વાત નથી હોતી. ચુનીભાઈ વૈદ્ય, નારાયણ દેસાઈ, કાન્તિ શાહ, જગદીશ શાહ આદિએ ૧૯૯૨ અને ૨૦૦૨ પછીના ગાળામાં આ મોરચે સતત રૂડો હિસાબ આપ્યો, અલબત્ત પોતપોતાની રીતેભાતે.
કાકા ઘટનાનું ઓઠું લઈને હું આ મુદ્દે થોડીક વધુ ચર્ચા કરવા ઇચ્છું છું; કેમ કે ગુજરાતમાં વ્યામોહવશ ખવાતું રહેલ વિમર્શગોથું દુરસ્તી માગે છે. નમૂના દાખલ, વિમલાતાઈ ગુજરાતનાં સર્વોદય વર્તુળોમાં જ નહીં પણ એને વટી જતી વ્યાપક બિરાદરીના શ્રદ્ધાભાજન રહ્યાં છે. એમનું એક પ્રિય પ્રતિપાદન ‘આધ્યાત્મિક લોકશાહી’ રહ્યું છે. સામાન્યપણે એમની વાત સ્વીકારવામાં હું વાંધો નથી જોતો; કેમ કે એમાં સંગઠિત ધર્મસંસ્થાથી ખસીને માનવમાત્રમાં રહેલ સત્ત્વના સમાદરની અને લોકશાહી રાહે નાનાંમોટાં સૌ સરખાં છીએ એવી આધ્યાત્મિક ભૂમિકાનો મહિમા છે. મુશ્કેલી જોકે એ છે કે કેટલી વાર ‘સેક્યુલર ડેમોક્રસી’ના વિકલ્પે ‘સ્પિરિચ્યુઅલ ડેમોક્રસી’ને મૂકીને વૈચારિક ગોંધળ જગવવાનો ભય રહે છે. દર્શકે તાઈના સંદર્ભમાં ‘નિરીક્ષક’માં આ મુદ્દો ઊભો કર્યો હતો, અને કહ્યું હતું કે લોકશાહી રાજવટ એક દુન્યવી બાબત છે. તેમાં સેક્યુલર કહેતાં બિનસાંપ્રદાયિક અગર ધર્મનિરપેક્ષ અભિગમ અપેક્ષિત છે. એટલે ‘સ્પિરિચ્યુઅલ’ જેવા પ્રયોગોથી આ સંદર્ભમાં બચીને ચાલીએ તે ઠીક રહેશે. ઊલટ પક્ષે, તાઈ અલબત્ત આ બાબતે સભાન હશે જ, કેમ કે ગોધરા અનુગોધરા દિવસોમાં છેક જ શરૂઆતને તબક્કે એમણે એક પત્રમાં એ મતલબનું લખ્યું હતું કે કેટલાક લોકો ધર્મનિરપેક્ષતાને નહીં ચાલવા દેવા પર ઉતારુ છે.

વિમલાતાઈના પ્રતિપાદનને ખોટી રીતે આગળ ધરીને વિમર્શને ગોટે ચડાવવાના વલણ કે નરી નિર્દોષતા જેવું જ એક વાનું ધર્માંતર ચર્ચાનું પણ છે. કાકાના નિધન પછી કેટલાકે ધર્માંતરનિષેધની એમની હિમાયતનો સવિશેષ ઉલ્લેખ કર્યો. પંદરસત્તર વરસ ઉપર ડાંગનો મુદ્દો ઉછળ્યો ત્યારે ય કાકાએ ધર્માંતરનિષેધની હિમાયત કરી હતી. તે કારણે તેઓ ક્યાંક વિશેષ પ્રીતિપાત્ર બની ઊંચકાયા હશે તો ક્યાંક ટીકાપાત્ર લેખાઈ પટકાયા હશે. ગમે તેમ પણ, વડા પ્રધાન વાજપેયીની ડાંગની મુલાકાત વેળાએ કેટલેક અંશે તો ‘ગેટક્રેશ’ કરીને એ પહોંચી ગયા અને ત્યાં પણ એમણે ધર્માંતરનિષેધનો મુદ્દો કીધો. વાજપેયીએ એક બિનપક્ષીય સર્વોદય સેવકની આ વાતમાં ‘સેફ પેસેજ’ની સંધિ જોઈ અને ‘રાષ્ટ્રીય સ્તરે સંવાદ અને ચર્ચા’ની જરૂરત ઉત્સ્ફૂર્તપણે જાહેર કરી.
એક વાત મારે અહીં નિઃસંકોચ કહેવી જોઈએ. કાકાને મન, ૧૯૮૪માં, લોકસમિતિના હોદ્દેથી ભાઈદાસભાઈ, હસમુખભાઈ અને હું વિધિવત્ છૂટા થયા – રાજકીય વિકલ્પમાં સીધી સંડોવણી ‘ઇષ્ટ’ જણાતાં – તે પછી પણ લગભગ બધો વખત અહેતુક પક્ષપાતવશ હું વાતવિસામો તો કવચિત્ ‘કોન્શ્યન્સકીપર’ જેવો રહ્યો. ડાંગ દિવસોમાં ય તેઓ ધર્માંતરનિષેધનો મુદ્દો લેવા માગતા હતા એની પૂર્વચર્ચા એમણે મારી સાથે કરી હતી. મેં આવી ચર્ચા જરૂર કરી શકાય એવું કહ્યું હતું, પણ સાથે અધોરેખિતપણે ઉમેર્યું હતું કે આ એનો સમય નથી. ડાંગ ઘટના હિંદુત્વ રાજનીતિ પોતાનો વક્કર સ્થાપવા સક્રિય બની એને કારણે છે. જો કે કાકા બીઇંગ કાકા, એમણે આ સંદર્ભ ગણકાર્યો નહીં, કેમ કે એમને મતે ‘લોઢું જ્યારે ગરમ હોય ત્યારે જ ટીપી શકાય’ એ ન્યાયે અહીં એક નિમિત્ત હતું. અને કાકા બીઇંગ કાકા, ટીકા વહોરતાં એ બીને પણ શાના.
હશે. એમણે ટીકા વહોરી તે વહોરી. કેટલાંક વર્તુળોમાં આવકાર મેળવ્યો તે મેળવ્યો. પણ વાજપેયીને દેશના લિબરલ મત અને કટ્ટર હિંદુત્વ મત બેઉ છેડેથી ‘સેફ પેસેજ’, ‘ચાલો ડાયલોગ ડાયલોગ, ડિબેટ ડિબેટ’ રમીએની તરજ પર મળ્યો તે મળ્યો. વસ્તુતઃ ચુનીકાકાને માટે, તેઓ વાજપેયી રૂબરૂ પહોંચ્યા એ એક સાક્ષાત્કારક ક્ષણ હતી, કેમ કે એક અન્ય સર્વોદયી સાથી, ઘેલુભાઈ નાયક પણ ત્યાં હાજર હતા. આ બંને સર્વોદયીજનોને આગળ કરીને ગુજરાતની હિંદુત્વ રાજનીતિ પોતાની રમત રમી ગઈ, એમ જ કહેવું જોઈશે. કારણ, પાછલાં વરસોમાં વિશ્વ હિંદુ પરિષદ સાથે સંધાન ધરાવતા મનાતા ઘેલુભાઈ સાથે એકકૌંસ થવા કાકા રાજી ન જ હોય. ઘેલુભાઈના સમર્પિત જીવન વિશે સમાદરપૂર્વક પણ અહીં એમની આ મર્યાદાનો ઉલ્લેખ એટલા વાસ્તે કર્યો છે કે યથાશક્ય સમ્યક્પરિપ્રેક્ષ્ય શક્ય બને. થાય છે, સફાઈની રીતે એક પૂરક વિગત પણ જોડી દઉં. ૨૦૦૧ના ઑગસ્ટના પહેલા અઠવાડિયાની કોઈક તારીખ હશે. વસ્ત્રાગારમાં દર્શક ફાઉન્ડેશનના સૌ સાથીમિત્રો મળ્યા હતા. દર્શક પણ ઉપસ્થિત હતા. ઍવૉર્ડ માટે, સંબંધિત સમિતિ તરફથી ઘેલુભાઈનું નામ આવ્યું હશે (કે અન્યથા સૂચવાયું હશે). ટ્રસ્ટે વિકલ્પો વચ્ચે આખરી પસંદગી કરવાની હોય એ તબક્કે મેં સસંકોચ પણ ઘેલુભાઈના આ સંધાનવશ વણછાની જિકર કરી હતી. પોતપોતાની જાણકારી અગર નહીં જાણકારીવશ કે ગમે તે કારણે તરત તો કોઈ જ કશું બોલ્યું નહીં. પણ કર્ણસુખિયા દર્શક ધ્યાનબહેરા નહોતા. એમણે મારા સંકોચનું સમર્થન કર્યું. ચૌદ વરસને અંતરે, દર્શક અને ઘેલુભાઈ બંને નથી ત્યારે, આ વિગત જાહેરમાં મૂકવાનો આશય એ મુદ્દો સવિશેષ સ્ફુટ કરવાનો છે કે વ્યામોહ આપણે કલ્પીએ છીએ એના કરતાં વધુ વ્યાપેલો હોઈ શકે છે, અને એની વચ્ચે ‘સ્ટૅન્ડ અપ એન્ડ બી કાઉન્ટેડ’ એવા ખુદાના બંદા પણ પ્રસંગે મળી રહેતા હોય છે.

કાકાએ ધર્માંતર ઊહાપોહ માટે ખોટો સમય પસંદ કર્યો હતો એ સાચું, પણ એમને જે ખાસ ચાહકો ડિસેમ્બર ૨૦૧૪માંયે અંજલિ નિમિત્તે મળી રહ્યા હતા એમના શ્રેયાર્થે અને લોકમતના શોધનની દૃષ્ટિએ મારે એમના ધર્મચિંતન વિશે જરી તસ્દી લઈને એકબે વાતો અહીં લખવી જોઈએ. એ જ્યારે ધર્માંતરનો વિરોધ કરતા ત્યારે એમાં રિકન્વર્ઝન ઉર્ફે ઘરવાપસીનો પણ વિરોધ અભિપ્રેત હતો. અમારે એકવાર વાત થતી હતી, એમના આસામ દિવસોની – ત્યારે એમણે ઇશાન ભારતમાં કોઈક ઠેકાણે રામકૃષ્ણ મિશનના કોઈક આયોજનમાં એક આદિવાસી મહિલાને ‘હિંદુ’ બનાવવા જેવી ચેષ્ટા જોયાનું અને એથી પોતે અકળામણ અનુભવ્યાનું યાદ કર્યું હતું. જ્યાં જે છે, ધર્મમુદ્દે, ત્યાં તે સહજ છે. મેં એમને યાદ કરાવ્યું કે નાગાલૅન્ડમાંથી રેવરંડ માઇકલ સ્કોટ રજા લે તેવું એક તબક્કે ખુદ જયપ્રકાશે ઇચ્છ્યું હતું. એમણે કહ્યું કે વાત જ્યારે રાજકીય પરિમાણ પકડે ત્યારે તે જુદો મુદ્દો બને છે. ધર્મસમ્પ્રદાય બદલાવવાની – અને તે જ રસ્તે મુક્તિ હોવાની – વાતમાં હું માનતો નથી. ઈશ્વરનો ને મારો સંબંધ પોતાને ઠેકાણે છે. જન્મતાંવેંત મનુષ્યબાળને ગળે અમુકતમુક ધર્મનું પાટિયું લાગી જાય એવું શા માટે. માણસ પુખ્ત બને ત્યારે પોતાનો ધર્મ પોતે પસંદ કરી શકે છે. જન્મગત ફરજિયાતપણું શા માટે, એ એમનો સવાલ હતો. અને હા, ધર્મને આધારે રાષ્ટ્રની વ્યાખ્યા કરવાનું તો એ સ્વીકારે જ શાના. એક તબક્કે આખી વાતને નો-નોન્સેન્સ ઢબે સવિગત સમ્યક્પરિપ્રેક્ષ્યમાં મૂકી આપવાની સિંહજવાબદારી દેશના ગાંધીજનોમાં એક ચુનીકાકાએ જ ઉઠાવી હતી. નારાયણ દેસાઈના ગાંધીચરિત્ર પૂર્વે ગાંધીહત્યા વિશે આટલી સટીક સંદર્ભગૂંથણી ભાગ્યે જ થઈ હશે. ‘સૂરજ સામે ધૂળ’ના લેખન પૂર્વે અને તે દરમિયાન અમારી વચ્ચેનો સતત ચર્ચાદોર આ ક્ષણે તીવ્રપણે સાંભરે છે અને (મહાત્મા માફ કરે) મીઠી વલૂરનું સુખ આપે છે. દર્શકે આ મોરચો સંભાળ્યા બદલ એમને અંગે અભિનંદન જ નહીં કૃતજ્ઞતાનો ભાવે વ્યક્ત કર્યો હતો એ એક રૂડી સાંભરણ મારે અહીં નોંધવી જોઈએ. બંગસાહેબ આદિએ રસ લીધો અને અંગ્રેજી-હિંદી સહિત વિવિધ ભાષાઓમાં આ પુસ્તિકા ગઈ એ એક થવા જેવું કામ હતું, જેમ ૧૯૯૨ પછીના સાંપ્રદાયિક દૌરમાં કાકાએ ‘હિંદુઓની મૂંઝવણના ખુલાસા’ રૂપે પણ કર્યું હતું.
વાત કરતાં કરતાં જરા પાછળ જાઉં?
ડાંગ ઘટનાનાં સત્તરઅઢાર વરસ પહેલાં પણ ચુનીકાકાએ વાજપેયી સાથે ચર્ચાનો અવસર મેળવવાની કોશિશ કરી હતી, એનું અહીં સ્મરણ થાય છે. નિમિત્ત, જનસંઘે જનતા અવતાર છાંડીને ભારતીય જનતા પક્ષરૂપે ‘ગાંધીવાદી સમાજવાદ’નો એક નિષ્ઠા તરીકે સ્વીકાર કરી આગળ ચાલવાનું નક્કી કર્યું એ હતું. ખાસાં પાંત્રીસેક વરસ થયાં એને જ્યારે કાકાએ ગાંધી કહેતાં શું શું સમજાય છે એની છણાવટ કરતો એક વિગતવિશદ પત્ર લખ્યો હતો. એમાં હ્રસ્વ ઇ – દીર્ઘ ઈ ઉપરાંત શબ્દફેરે ઝોકફેરે, કંઈક કાકુ, બાબતે મેં પણ આવડ્યો એવો હાથ બટાવ્યો હતો. વાજપેયીની અમદાવાદ મુલાકાતની પૂર્વસંધ્યાએ તે હાથોહાથ પહોંચાડવા પક્ષની ગુજરાત ઑફિસને મોકલાવ્યો હતો. એમને તે મળ્યો કે કેમ એવી કોઈ પહોંચનો ખયાલ નથી, પણ પાછળથી હિંદીભાષી વિસ્તારોમાં તે સપ્રેસ મારફતે ઠીક ઠીક પ્રસર્યો એમ યાદ આવે છે.
ગોડસેની ભૂમિકાએથી ‘ગાંધીવધ’ને વાજબી ઠરાવતું નાટક મરાઠીમાં લખાયું અને ગુજરાતીમાં પણ ભજવાયું ત્યારે આખી કોમવાદ-ફાસીવાદ સબબ કાકા જેટલું બોલ્યાલડ્યા એટલું એ મુદ્દે કેમ નહીં બોલ્યાલડ્યા હોય કે મુસલમાનો સામે રાજકીય ધોરણે ગોળબંદ થઈ શકતા હિંદુઓ ઘરઆંગણે દલિત સમાજ સાથે સામાજિક ધોરણે ગોળબંદ થઈ શકતા નથી? અસ્પૃશ્યતા ન રહેવી જોઈએ એ વિશે કાકાના મનમાં સ્વાભાવિક જ આનાકાની નહોતી પણ તે માટેની લડતમાં એમને પક્ષે પ્રામાણિક પણ દ્વિધાભાવનું એક તત્ત્વ કદાચ ભળતે રસ્તેમુદ્દે દાખલ થઈ ગયું હતું, અને તે અનામતના સવાલમાં મેરિટના સંભવિત ભોગની બાબતે. જેમ ધર્માંતર ઊહાપોહ તેમ આ મુદ્દે પણ કાકાએ સંદર્ભની પરવા નહોતી કરી. ગુજરાતમાં જે અનામત વિરોધી આંદોલન ઉર્ફે ઉત્પાત બીજા સ્વરાજ પછી તરતનાં વરસોમાં આવ્યો એને માત્ર હિંસા-અહિંસાની રીતે વખોડવાનો જ સવાલ નહોતો. સામાજિક અન્યાયરૂપે અંતર્નિહિત હિંસાના એક આવડ્યા એવા વારણરૂપે આવેલી અનામત જોગવાઈ સામેના વિરોધની અસલિયત પ્રીછી લોકમતને પડકારભેર જાગ્રત કરવાનો સવાલ હતો.
આ લખું છું ત્યારે અનામત વિરોધી આંદોલન આવ્યું તેનાં થોડાં વરસ આગમચ, ૧૯૭૭ના ઐતિહાસિક બીજા સ્વરાજ ચુકાદા પછી તરતનાં વરસોમાં, પાટડી-દસાડાના ધારાસભ્ય, અમારા સૌના મિત્ર ભીમાભાઈ રાઠોડ જે એક રાવ લઈને આવ્યા હતા એ સાંભરે છે. સુરેન્દ્રનગરનાં ગામડાંમાં સ્થાપિત હિતો ‘તમારી મા (ઇંદિરા ગાંધી)’ ગઈ, હવે તમને કોણ બચાવવાનું હતું?’ એવા યુદ્ધઘોષ સાથે હરિજનો પર તૂટી પડવા તૈયાર હોવાનું એમનું કહેવું હતું. અસ્પૃશ્યતા સરખા અન્યાયનિવારણ બાબતે લગીરે દિલચોરી વગરના ચુનીકાકા આખી ચર્ચા મેરિટના કુંડાળામાં ગોટવાઈ ન જાય તે બાબતે કેમ પૂરતા સભાન નહીં હોય?
છતાં, આ જ કાકા – તમે જુઓ કે અનામત આંદોલન દરમિયાન દાદા ધર્માધિકારીએ સામાજિક સમતાની દૃષ્ટિએ મેરિટના કુંડાળામાં પડ્યા વગર વિચારવાની રીતે બેબાકપણે મૂકેલી ભૂમિકાનો એકેએક શબ્દ કેડે કાંકરો મેલી ‘લોકસ્વરાજ’માં ઉતારવાનું ચૂક્યા નહોતા. અમે ‘લોકસ્વરાજ’માં સ્વામી આનંદનો ઐતિહાસિક લેખ ‘હિંદુઓના હાડનું કેન્સર’ ત્યારે જ ઉતાર્યો હતો અને દયા પવારને પણ મૂક્યા હતા. એ રીતે કાકા ચાલતા ખુલ્લાપણાથી હતા. જો કે, ઘણીવાર એવું લાગે છે કે ભૂદાન આંદોલનના ચાહકો અને ટીકાકારો બેઉને, વિનોબાએ મેળવેલું પહેલું ભૂમિદાન અને પહેલો આંદોલનધક્કો હરિજનો માટે જમીન સુલભ કરવાના ખયાલે હોવા વિશે બૂજ નથી તે નથી. જેને આપણે ભૂમિહીન કિસાન કહીએ છીએ તે ઘણુંખરું દલિત જ હોય છે અને એક આખો સમુદાય આમ વર્ણ ને વર્ગ બેઉં ધોરણે વંચિત છે તે મુદ્દે લડવાપણું હતું, છે અને રહેશે. ઢેબરભાઈના નેતૃત્વમાં સૌરાષ્ટ્ર સરકારે લીધેલું પ્રગતિશીલ પગલું, સાઠહજાર સગરપુત્રો લગી પહોંચે તે પૂર્વે જહ્નુની જંઘામાં કેમ અટવાઈ ગયું હશે? અલબત્ત, સાંથણીની જમીનમાં ઉત્તર કાકાએ લીધેલો ઉત્કટ રસ નિરાયાસ પણ ઇતિહાસન્યાયની રીતે દુરસ્તી અને સંતુલનની દિશામાં હતો, અને એમનું કાળજું ઠેકાણે હોવાની સાહેદીરૂપ પણ!

છેલ્લાં વરસોમાં દેશ આખામાં સર્વોદય ક્ષેત્રે બે ગુજરાતી ચહેરા સર્વાધિક સુખ્યાત અને સુપ્રતિષ્ઠ રહ્યા, ચુનીકાકા અને નારાયણભાઈ. ૨૦૦૨ સાથે ઊભો થયેલો પડકાર બંનેએ પોતપોતાને છેડેથી ઝીલી જાણ્યો. વયના જે મુકામ પર, નારાયણ દેસાઈએ કોમવાદ સહિતના પડકારો સામે નોળવેલરૂપે આકર ગાંધીચરિત્રનું કામ લીધું અને પાર પાડ્યું તે નિઃશંક એક પ્રતિમાન છે. કાકા, સેક્યુલર લોકશાહી આંદોલન સાથે અને પોતાની રીતેભાતે, સવિશેષ અલબત્ત જમીન મોરચે રચનાત્મક રાહે તેમ સંઘર્ષને રસ્તે સક્રિય રહ્યા. પ્રત્યક્ષ પડકાર વખતે કથાથી શું નીપજે, એવી હાડના આંદોલકની ફરિયાદ હશે. ચાલો, મૂળ વાત સમજીએ અને સમજાવીએ એવી હાડના શિક્ષકની લોકાયની ભૂમિકા હશે.
કુલપતિ નારાયણ દેસાઈની એ વિવેકદક્ષતા જ લેખાશે કે એમણે ચુનીકાકાને વિદ્યાપીઠમાં દીક્ષાંત અભિભાષણ સારુ સંયોજ્યા, સંડોવ્યા. આયુર્યાત્રાના અંતિમ તબક્કે કાકાને પક્ષે હંસગાન શી જે વાણી ચાલી આવી તે અલબત્ત આંદોલનના સંદેશની હતી, અને વિદ્યાપીઠના પદવીધરે સદા સન્નદ્ધ રહેવાની હતી. તે દિવસે નારાયણ દેસાઈનાં કુલપતિવચનોમાં હૃદયસોંસરી વહી આવેલી એક અપીલ એ હતી કે વિદ્યાપીઠ વરસમાં ઓછામાં ઓછા એક આંદોલનમાં તો પડે જ પડે. નઈ તાલીમનું એ એક સાર્થક્ય હશે. ગાંધીનું દૂધ પીધેલા બે ભિલ્લુઓનું એકસ્વર થવું, અને એ સંગમતીર્થે આપણે પ્રત્યક્ષ સહભાગી હોવું, એથી વધુ શું માગવું?
આશા છે, ચુનીકાકાના જીવનકાર્ય વિશેના સ્મરણલેખો તેમ એમના વિચારમંથનના પસંદ કરેલા અંશો સાથેનો આ સંગ્રાહ્ય ને સેવ્ય સ્મૃતિગ્રંથ સૌને હૃદ્ય થઈ પડશે.
ડિસેમ્બર ૫-૬-૭, ૨૦૧૫
***
સૌજન્ય : કેતન રુપેરા – મુદ્રાંકન તથા છવિ
![]()


કર્ણાટકની એક શૈક્ષણિક સંસ્થામાં કેટલીક વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આવી તો તેને સંસ્થામાં પ્રવેશતાં રોકવામાં આવી. આ ઘટના અણધારી હતી, કારણ વિદ્યાર્થિનીઓ તો આમ જ પહેરતી આવી હતી ને ત્યારે અટકાવાઇ ન હતી, તો એકાએક શું થયું કે હિજાબનો વાંધો પડ્યો? એ પછી કર્ણાટક સરકારે હિજાબ પર એમ કહીને પ્રતિબંધ મૂકી દીધો કે ધાર્મિક પ્રતીક શૈક્ષણિક સંસ્થામાં ન ચાલે. વાત હાઇકોર્ટે ચડી છે ને સરકાર હવે કોર્ટમાં કહે છે કે હિજાબ ધાર્મિક પ્રતીક નથી કે પરંપરા નથી. જો, એ ધાર્મિક પ્રતીક નથી ને પ્રતિબંધ ધાર્મિક પ્રતીક પર જ હોય તો હિજાબ પહેરતાં કોઈને રોકવાનું જરૂરી ખરું? સરકાર કહે છે કે હિજાબ ધાર્મિક નથી, પણ નક્કી કરેલો યુનિફોર્મ વિદ્યાર્થિનીઓએ પહેરવો જોઈએ. એવો આગ્રહ સંસ્થાઓ રાખે એમાં કશું ખોટું નથી. વિદ્યાર્થિનીઓ યુનિફોર્મ પહેરતી હોય ને વર્ગમાં હિજાબ કાઢીને બાજુએ મૂકતી હોય તો હિજાબ પહેરવાનો વાંધો ન લઈ શકાય. એ પછી પણ વાંધો હોય તો કોઈનો રેઇનકોટ કે સ્વેટર પહેરીને પણ સંસ્થામાં પ્રવેશનો વાંધો લઈ શકાય, કારણ એ યુનિફોર્મ ઉપર પહેરાય છે. ઠંડીમાં સ્વેટર વગર કે વરસાદમાં રેઇનકોટ વગર વિદ્યાર્થીઓને રાખવાનું યોગ્ય ખરું? વિદ્યાર્થીને એમ કહેવાય કે સ્વેટર કાઢીને ક્લાસમાં બેસો? જો એ ન કહેવાય તો હિજાબ પહેરીને આવનારને પણ રોકી ન શકાય. આવા વિચિત્ર આગ્રહોથી શિક્ષણ સુધરતું નથી, પણ માનસ બગડે છે. સાચું તો એ છે કે હિજાબને ધાર્મિક પ્રતીક માની લેવામાં આવ્યું છે. વાંધો પણ એ જ કારણે છે. એ રીતે અન્ય ધર્મના પ્રતીકો પણ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશે જ છે તો તેનું શું કરીશું? શીખ વિદ્યાર્થી તેની પાઘડી પહેરે કે હિન્દુ પરિણીત વિદ્યાર્થિની મંગલસૂત્ર પહેરે કે સિંદૂર પૂરે કે ખ્રિસ્તી વિદ્યાર્થી ક્રોસ પહેરે કે કોઈ મુસ્લિમ વિદ્યાર્થી લાંબી દાઢી રાખે તેનો પણ વાંધો કોઈ લઈ શકે. એવો વાંધો લેવા જેવો ખરો? મુસ્લિમો શૈક્ષણિક સંસ્થાઓની નજીક રસ્તા પર નમાજ પઢે કે માઇક પરથી બાંગ પોકારે ને એવું બધા જ ધર્મના લોકો એક સાથે માઇક પરથી આરતી કે પ્રાર્થનાઓ કરે તો કેટલી શાંતિ રહે એ વિચારવાનું રહે.