Opinion Magazine
Number of visits: 9456359
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વેપાર બંધ: નુકસાન ભારતને, પાકિસ્તાનને નહીં

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|30 April 2025

હેમન્તકુમાર શાહ

પહેલગામની ઘટના પછી ભારત સરકારે પાકિસ્તાન સાથેનો વેપાર બંધ કરવાનું પગલું ભર્યું છે. કેટલીક વિગતો જોઈએ:

(૧) પાકિસ્તાન સાથેનો વેપાર ૨૦૨૩માં ૫૩ કરોડ ડોલરનો હતો અને તે ૨૦૨૪માં ૧૨૦ કરોડ ડોલરનો થયો હતો. એટલે કે તેમાં ૧૨૭ ટકાનો જંગી વધારો થયો હતો. ૨૦૧૮માં તો ૩૦૦ કરોડ ડોલરનો વેપાર થયો હતો. 

(૨) એમ પણ એક અભ્યાસ કહે છે કે પાકિસ્તાનમાં ૧૦૦ કરોડ ડોલરની નિકાસ તો સીધી નહીં પણ વાયા બીજા દેશો થાય છે. એટલે કે ભારતની ચીજો પહેલાં બીજા દેશોમાં જાય અને પછી એ ત્યાંથી પાકિસ્તાનમાં જાય છે. ભારતના નિકાસકારોને એની ખબર ન હોય એવું તો બને જ નહીં. આવું થાય છે કારણ કે ૨૦૧૯માં ભારતે પાકિસ્તાનને જે MFN એટલે કે અતિ પ્રિય રાષ્ટ્રનો દરજ્જો આપેલો તે પાછો ખેંચી લીધેલો. 

(૩) ભારત સરકારે પંજાબની અટારી સરહદે થતી અવરજવર બંધ કરી છે એટલે પાકિસ્તાન સાથેનો વેપાર ત્યાંથી બંધ થઈ ગયો છે. 

વળી, અખિલ ભારત વેપારી મહામંડળ (CAIT) દ્વારા ભુવનેશ્વરમાં ગઈ કાલે જ મળેલા તેના અધિવેશનમાં પાકિસ્તાન સાથેનો બધો વેપાર બંધ કરવાનો ઠરાવ કરાયો છે. 

કાશ્મીરમાં ઉરી પાસે આવેલા અમન સેતુ પરથી જે વેપાર થતો હતો તે તો ઉરીમાં આતંકવાદી હુમલો થયેલો ત્યારથી બંધ જ છે. 

(૪) પાકિસ્તાન સાથેનો વેપાર બંધ કરવામાં નુકસાન ભારતને જ છે કારણ કે પાકિસ્તાન સાથેની ભારતની વેપાર તુલામાં સિલક છે. એટલે કે ભારત પાકિસ્તાનમાં નિકાસ કરે છે તેના કરતાં ત્યાંથી આયાત ઓછી કરે છે. એટલે કે એમાં ભારતને કમાણી થાય છે, ખોટ નથી જતી. જેમ કે, ગયા વર્ષે ભારતે ૧૨૦ કરોડ ડોલરની નિકાસ કરી પણ આયાત તો માત્ર પાંચ લાખ ડોલરની જ કરી!

(૫) પાકિસ્તાનમાં જેટલી નિકાસ ઓછી થશે એટલી બીજા દેશોમાં વધશે જ એવી તો કોઈ ખાતરી છે જ નહીં. સરવાળે નિકાસ ઘટે તો આવક, ઉત્પાદન અને રોજગારી ઘટે. 

(૬) જે ચીજોની આયાત પાકિસ્તાનથી કરીએ છીએ તે ત્યાંથી ન થાય અને બીજા દેશોમાંથી થાય તો એ મોંઘી પણ હોઈ શકે. એટલે એ રીતે પણ નુકસાન થાય. 

પાકિસ્તાનની ટીમ ભારતમાં નહીં આવવા દઈને કે ત્યાં આપણી ક્રિકેટ ટીમ નહીં મોકલીને શું લાભ થયો તે ખબર નથી પડતી. એમ જ વેપાર બંધ કરવાથી શો લાભ? નુકસાન તો નક્કી જ છે. 

ચીન સાથેના વેપારમાં ભારતને ગયા વર્ષે ૯,૯૨૦ કરોડ ડોલરનું નુકસાન થયું છે. પણ તેની સામે તે સરહદે મુસીબતો ઊભી કરે છે તેમ છતાં કોઈ પગલાં વેપાર વિશે લેવાતાં નથી. એમ કેમ? 

તા.૨૯-૦૪-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

રાષ્ટ્રીય સ્તરની નાગરિક સ્વાધીનતા પરિષદ : એ પરિષદને ગુજરાત ઓક્ટોબર 2025માં સંભારશે?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|30 April 2025

પ્રકાશ ન. શાહ

જે.પી. આંદોલન અને કટોકટીની પચાસીના આ દોરમાં બિપિન શ્રોફ અને અશ્વિન કારીઆ આદિ સાથીઓની પહેલથી જસ્ટિસ વિ.મ. તારકુંડે કૃત ‘રેડિકલ હ્યુમેનિઝમઃ સ્વાતંત્ર્ય અને લોકશાહીની ફિલસૂફી’નું નવસંસ્કરણ પ્રાપ્ત થઈ રહ્યું છે, એ સુભગ જોગાનુજોગ છે. જોગાનુજોગ તો, એમ તો, એ પણ છે કે મૂળે આ ગુજરાતી અનુવાદ અમે ચંદ્રકાન્ત દરુ ટ્રસ્ટ મારફતે રમતો મૂક્યો હતો અને અનુવાદક હતા દિનેશ શુક્લ.

કટોકટી સામેના લડવૈયાઓમાં ખાસ કરીને બંધારણીય નૈતિકતા અને નાગરિક સ્વાતંત્ર્યના મુદ્દે તારકુંડેનું નામ અગ્રહરોળમાં લેવાતું રહ્યું છે. કટોકટી સામેની લડતની વૈચારિક ચાલના એમને જે ભૂમિકાએથી મળી હશે એનો ઓછો ખયાલ એમના આ પુસ્તક વાટે મળી રહે છે. એ વર્ષોમાં દિલ્હી સ્થિત તારકુંડે અને અમદાવાદ સ્થિત દરુની ધરી અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના સંઘર્ષ માટે ભારત આખામાં ધ્યાનાર્હ બની રહી હતી, જેમ ‘ભૂમિપુત્ર’ અને ‘સાધના’ એ બે તનુકાય પત્રો પણ મસમોટાં છાપાં કરતાં સવિશેષ પ્રભાવક બની રહ્યાં હતાં. સેન્સરશિપની ઇંદિરાઈ જાહેરાતને અંગે તારકુંડેએ તૈયાર કરેલી નોંધ, આ મર્યાદાઓમાં રહીને પણ કેટલું કેટલું છાપી શકાય છે તે દર્શાવતી હતી. જો કે, છાપાંને એનો ખાસ ખપ નયે હોય … અને હા, સરકારી તંત્ર પણ પોતાના હુકમની મર્યાદામાં રહેવા સારુ ત્યારે ક્યાં બંધાયેલું હતું?

વિ.મ. તારકુંડે

આ લખતાં સાંભરે છે કે બરાબર એપ્રિલ 1974માં જ જયપ્રકાશ નારાયણની અધ્યક્ષતામાં, નવી દિલ્હીમાં જનતંત્ર સમાજ(સિટિઝન્સ ફોર ડેમોક્રસી- સી.એફ.ડી.)નું સ્થાપના સંમેલન મળ્યું હતું અને લોકશાહી મૂલ્યો ને પ્રક્રિયાનાં સંગોપન ને સંવર્ધનની ચિંતા ફરતે ચર્ચા કરી હતી.

દેશના જાહેર જીવનની રીતે 1974માં એક નિર્ણાયક મોડ પરની એ બીના હતી. 1974નાં આરંભનાં અઠવાડિયાં નવનિર્માણનાં હતાં. પરિવર્તનની રાજનીતિમાં ખાસી સ્થગિતતા અનુભવતા જયપ્રકાશને યુવા ચેતનામાં કંઈક પ્રકાશ વરતાયો ન વરતાયો ત્યાં તો બિહારમાં છાત્ર ઉદ્રેક પરત્વે દમનરાજના સંદર્ભમાં એમણે સીધી જવાબદારી લેવાની આવી. ‘આફ્ટર નેહરુ, હુ?’ આ પ્રશ્નના ઉત્તરમાં વખતોવખત સંભારાતા રહેલા જયપ્રકાશે સત્તાના સીધા રાજકારણથી કિનારો કરી લોકકારણમાં ઝંપલાવ્યું હતું, અને દેશમાં સંઘર્ષને બદલ કોન્સેન્સસ કહેતાં એકંદરમતી માટેની કોશિશમાં સાર્થકતા જોઈ હતી.

ગુજરાતના છાત્રોને અને સર્વોદયના સાથીઓને મળ્યા પછી પટણા પાછા ફરતાં પૂર્વે પણ એમણે દિલ્હીમાં વડા પ્રધાન ઇંદિરા ગાંધી સાથે ઠીક સમય ગાળ્યો હતો, એકંદરમતીભર્યા ઉકેલની ખોજમાં … પણ, દરમ્યાન, માર્ચમાં પટણા જે રીતે ભડકે બળ્યું, સમીકરણનું બદલાવું કદાચ દુર્નિવાર હતું.

જો કે વાત આપણે એપ્રિલ 1974ની કરતા હતા. જનતંત્ર સમાજના સંમેલનમાં ભાગ લઈ દરુ પાછા ફર્યા કે તરત અમે એમને ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન કેન્દ્રમાં, રસ ધરાવતા સૌને સંબોધવા તેડ્યા. ફેબ્રુઆરીની જે.પી. મુલાકાત પછી શાંતિ પ્રતિષ્ઠાન ત્યારે એક નર્વ સેન્ટર તરીકે ઉભરી રહ્યું હતું. બીજી પાસ, સંઘર્ષને અનિવાર્ય લેખવા માંડેલા અમે લોકો જનતંત્ર સમાજ તરેહની પ્રવૃત્તિને વકાલતી વ્યાયામની જેમ જોતા અને તે અમને આકર્ષતી નહીં. દરુ સાથેની ચર્ચાથી સમજાયું કે આ કોઈ સ્કિન-સેવિંગ મંડળી નથી, પણ લાંબી લડતના અનુસંધાનમાં નાગરિક અધિકારોની ઉપયોગિતા અને કાનૂની કવચની રીતે પરિવર્તનની રાજનીતિમાં માનનારી મંડળી છે.

કરવટ લઉં લઉં તવારીખમાં એક મોટો અવરોધ એ હતો કે ઇંદિરાજી 1974ના માર્ચની 15મીએ ગુજરાત વિધાનસભાનું વિસર્જન થયું તે પછી ક્યાં ય સુધી ચૂંટણી ટાળતાં જ રહ્યાં. ખાસું એક વરસ રાહ જોઈ મોરારજીભાઈએ અનશન પર જવાનું નક્કી કર્યું. અને એમની વય ને તબિયતનો ખયાલ રાખી વડા પ્રધાને ગૃહ પ્રધાન ઉમાશંકર દીક્ષિત ને મોરારજી દેસાઈની મુલાકાત યોજી ગુજરાતમાં જૂનમાં ચૂંટણી આપવાનું સ્વીકાર્યું તેમ મેઈન્ટેનન્સ ઓફ ઈન્ટરનલ સિક્યુરિટી એક્ટ (એમ.આઈ.એસ.એ. કહેતાં મિસા)નો રાજકીય ઉપયોગ નહીં કરવાની બાંહેધરી પણ આપી.

દરમ્યાન, પક્ષ-અપક્ષ સૌ મળીને જે.પી. આંદોલનની આબોહવામાં લોકસંઘર્ષ સમિતિ રચાઈ ચૂકી હતી અને એના ઠરાવ સાથે જનતા મોરચો અસ્તિત્વમાં આવ્યો હતો. 1977માં રચાનારી જનતા પાર્ટીનો એ અગ્ર સંકેત હતો, અને કહેવું હોય તો કહી શકાય કે સ્વરાજપૂર્વ કાઁગ્રેસ શો એ સુખાભાસ પણ હતો.

બારમી જૂને ગુજરાત વિધાનસભાનાં પરિણામોમાં જનતા મોરચો, કંઈક મોચવાતો પણ આગળ હતો. એ જ તારીખે અલાહાબાદ હાઈકોર્ટનો એ શકવર્તી ચુકાદો પણ આવી પડ્યો કે ચૂંટણીમાં ગેરરીતિ સબબ ઇંદિરાજી સાસંદ તરીકે ગેરલાયક ઠરે છે. આનો પ્રતિભાવ શો, ક્યારેક વિગતે વાત કરીશું. અત્યારે તો એટલું જ કહેવું બસ થશે કે ‘ઇંદિરાજી ઈઝ ઇન્ડિયા’ જેવા એકાધિકારશાહી સ્તુતિગાન વચ્ચે સત્તા-સમીકરણવશ ઇંદિરાજીએ આ વરસમાં જાહેર કરવામાં ઉગાર જોયો. પચાસીના આ વરસમાં વખતોવખત, પ્રસંગોપાત એની વિગતોમાં જઈશું, જરૂર જઈશું. પણ અહીં એટલું જ સંભારીએ કે ત્યારે ગુજરાત અને તમિલનાડુ (અનુક્રમે બાબુભાઈ જશભાઈ અને કરુણાનિધિના નેતૃત્વમાં) સ્વાધીનતાના ટાપુ બની રહ્યાં.

કવચિત અને સંકલન સમિતિરૂપે બાબુભાઈના ગાંધીનગરના નિવાસસ્થાને મળતા – શો જોગાનુજોગ! નિવાસમાં પ્રવેશતાં જ અશ્વમેધના ઘોડાને રોકતા લવકુશ નજરે પડતાઃ અમને એમાં બાબુભાઈ ને કરુણાનિધિ, ગુજરાત ને તામિલનાડુ દેખાતા.

જૂન 1975 પછી આવી એક બેઠકમાં, દરુએ બાબુભાઈને કહ્યું તારકુંડેએ અમદાવાદમાં રાષ્ટ્રીય સ્તરની નાગરિક સ્વાધીનતા પરિષદ યોજવા પુછાવ્યું છે. એ અવશ્ય હોય જ, આપણે ત્યાં જ હોય, આ નિર્ણય પર આવતા બાબુભાઈની આગેવાનીમાં અમે ત્રીસ જ સેકંડ માત્ર લીધી હતી.

ઓક્ટોબર 1975ની એ પરિષદને ગુજરાત ઓક્ટોબર 2025માં સંભારશે?

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 30 ઍપ્રિલ 2025

Loading

કાફિર કોણ?

રેખા સિંધલ|Opinion - Opinion|29 April 2025

રેખાબહેન સિંધલ

હૈયું કંપી જાય અને રૂંવાડા ઊભા થઈ જાય તેવા અમાનુષી હત્યાકાંડમાં હોમાયેલા પરિવારો પર પહેલગામમાં થયેલ હુમલો એ આખી માનવજાત પર હુમલો છે. દેશ-પરદેશમાં ખળભળાટ મચી ગયો છે. વેર જો પ્રેમથી શમતું હોત તો ગાંધીજીની હત્યા એક હિંદુએ ન કરી હોત. હિંદુ-મુસ્લિમ હુલ્લડોને કારણે સળગતાં મકાનોની જ્વાળાઓ અમારા ઘરની અગાશી પરથી મેં ઘણીવાર જોઈ છે. જે ગામમાં હું જન્મથી માંડી બત્રીસ વર્ષો સુધી રહી તે ગામમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે હુલ્લડો અવારનવાર થતાં રહેતાં. આ હુલ્લડોમાં નિર્દોષને દંડ અને દોષિતને દોલત મળ્યાના બનાવો પણ જણાયા છે. હિંદુ કાફિરોને અને મુસ્લિમ સંતોને મેં અમારે આંગણે આવેલા જોયા છે, એટલું જ નહીં એમની વ્યથાઓની વાતો પણ સાંભળી છે. આ વ્યથામાં સામા પક્ષે કેટલા લોકોને મારી નાખ્યા તે ગણતરી વધારે હોય અને તેનાથી વધારે લોકોને મારવાનો હુમલો ખાળવા અમારે ફળિયે મંત્રણા ચાલતી હોય. ક્યારેક સફળ અને ક્યારેક નિષ્ફળ એવી આ મંત્રણાઓમાં હોદ્દાધારીઓ પણ સામેલ હોય. 

એક અદૃષ્ય સીમારેખાની મર્યાદા જાળવી હિંદુ-મુસ્લિમ સૌ નાગરિકો સંપીને રહેતા હોય ત્યાં ઓચિંતી એક સવારે ઉડતી વાત આવે કે આજે ગામમાં હુલ્લડ થવાનું છે. સૂચનાઓ મળવા લાગે કે કોઈએ ગામમાં નથી જવાનું. આ સૂચના કર્ણોપકર્ણ ગામમાં પ્રસરી જાય જેમાં હુલ્લડનું સ્થળ પણ નક્કી હોય. આવા હુલ્લડો આયોજિત હોવાથી જાનહાનિ ઓછી થતી અને ચોરી લૂંટફાટ અને અવ્યવસ્થા વધી જતાં અને તેથી વસ્તુની તંગીના નામે રોજની જરૂરિયાતની ચીજોના ભાવો બીજે દિવસે ઊંચકાઈ જતા. કોઈક ધનિક વેપારી લૂંટાઈ જતો તો કોઈક ગરીબ વેપારી ન્યાલ થઈ જતો. નાના ગામમાં આવા વેપારીઓને બધા નજીકથી ઓળખે એટલે આ ફેરફારોની વાતો નામ સાથે કાને પડે અને એમની દુકાને ગ્રાહક થઈને જઈએ ત્યારે સાચી જણાય. મોટાભાગે સાંજે હુલ્લડ થાય અને રાતે લૂંટ અને આગના બનાવો જોવા મળે. આવા આયોજિત હુલ્લડોમાં રાજકારણીઓ સામેલ હોય છે. તેઓ ધારે તો તેને અટકાવી શકે અને ધારે તો ભડકાવી પણ શકે. એમાં મુખ્ય મુદ્દો મતબેંક અને સત્તાનો હોય છે. સેવાના નામે મેવા માટે તેમની સાથે ધર્મઝનૂની વડાઓ પણ જોડાયેલા હોય. ડાબેરી અને જમણેરીઓનો એકબીજા પ્રત્યેનો દ્વેષ પ્રજાના લોહી વાટે વહેતો જોવા મળે. હિંદુ ધર્મમાં સહિષ્ણુતા સ્વાભાવિક છે કારણ કે તેમાં તેત્રીસ કરોડ દેવી દેવતા અને અનેક પંથો છે. સ્વીકારની ભાવના વગર અનેક પંથોમાં વહેંચાયેલો આ ધર્મ વિવિધતામાં એકતા કેવી રીતે સ્થાપી શકે? ધર્મના દંભ સામે જીવનભર લડેલા મારા પિતાની હાર કોર્ટમાં થઈ પણ માનવતાનાં મૂલ્યથી એમનું જીવન ઊચું અંકાયું. એક ધર્માંધ સમાજને તેઓ જીવનના અંત સુધી જાગૃત કરવાની કોશિષ કરતા રહ્યા. 

રાજકારણ અને ધર્મ બંનેમાં અંધભક્તિ હોય ત્યાં ઝનૂનને સમર્થન મળતા વાર નથી લાગતી. આ ઝનૂનથી જાગી ઊઠેલી શક્તિ ગેરમાર્ગે દોરાઈને ગાડરિયો પ્રવાહ બની જાય ત્યારે બધી દિશાઓ ભયથી ઘેરાઈ જાય છે. આ વ્યાપક ભય સામે શાહમૃગની જેમ નીચી ડોક કરીને છુપાઈ જવાથી તે દૂર થવાનો નથી તે સૌ જાણે છે પણ એનો ઉપાય કોઈ જાણતું નથી. ભયનો વિસ્ફોટ યુદ્ધમાં પરિણમે છે અને આવા યુદ્ધમાં સપડાયેલા નિર્દોષ લોકોના નિર્દોષ પરિવારોની યાતના દૂર કરી શકે તેવો નેતા ચૂંટાય તો પણ લોકોના સાથ વગર નિષ્ફળ જાય. બે પક્ષમાં વહેંચાયેલા રાજકારણની નિષ્ફળતા એ એક રીતે તો પ્રજાની નિષ્ફળતા જ છે. 

મારી પડોશમાં શ્યામ વર્ણનો એક અમેરીકન સૈનિક રહેતો હતો. ખૂબ સાલસ સ્વભાવનો. જરૂર પડ્યે અમને સિનિયર સિટીઝનને વજનવાળી વસ્તુઓ આમતેમ ફેરવવી હોય તો મદદ કરે. એકવાર ફળિયામાં ઊભા ઊભા અમે વાતો કરતા હતા. મેં તેને લડાઈના અનુભવ વિષે પૂછ્યું, વાત કરતાં કરતાં તે ગળગળો થઈ ગયો. તેની વાતમાં મેં જાણ્યું કે તેણે ઈરાક, અફઘાનિસ્તાન અને કુવૈત જઈને ફરજો બજાવી છે. ગોળીબારથી બચવા માટે સંતાઈને દોડતા દોડતા મૃત્યુને તેણે એટલું નજીકથી જોયું હતું કે એક સેકંડ માટે તે બચી ગયો હોય અને પાછળ દોડતો સાથીદાર ગોળીથી વીંધાઈને ઢળી પડ્યો હોય. એ સમયે સાથીદાર ગાઢ મિત્ર હોય તો પણ પોતે બચી ગયાના ભાવ નીચે સાથીદાર ગુમાવ્યાનું દુઃખ દબાઈ જતું. વર્ષો પછી પણ હજુ ધડાકો સાંભળે તો એ વ્યગ્ર થઈ જતો. એ ધડાકો રમકડાંની પીસ્તોલનો હોય તો પણ અજાણ ડરથી સાબદો થઈ જતો. બે નાનાં બાળકો અને પ્રેમાળ પત્ની સાથે હવે તે પ્રેમથી જીવન જીવે છે પણ કહેતો હતો કે ક્યારેક સ્વપ્નમાં બિહામણો ભૂતકાળ હજુ ય તેને પજવી જાય છે. 

મુસ્લિમ અને ખ્રિસ્તી વચ્ચે પણ ત્રાસવાદ રાજકારણ રમે છે. અમારા ધર્મ જેવો શ્રેષ્ઠ ધર્મ બીજો એક પણ નથી એમ માનનારા અને મનાવનારા લોકોનો સામૂહિક અહંકાર બીજા સમૂહમાં પણ એવા જ અહંકારનો પડઘો પાડે છે. ધર્મ એ યુદ્ધનું નિવારણ બનવાને બદલે કારણ બની ગયું છે. મનુષ્ય સિવાયનાં પક્ષી, પ્રાણી કે અન્ય જીવો પાસે કુદરત સિવાય કોઈ ધર્મનો આશરો નથી અને કદાચ તેથી જ મનુષ્યને મનુષ્યનો ભય છે તેટલો બીજા જીવને તેમની જાતિનો નથી. કોઈપણ ધર્મ સુરક્ષા, શાંતિ અને સમાધાન માટે હોય છે, અવલંબન માટે નહીં. કાફિર એ છે જે નિર્દોષની હત્યા કરે છે. જો વિધર્મી લોકો જ કાફિર હોય તો જગતના બધા જ મનુષ્યો એકબીજા માટે કાફિર છે. એકબાજુ ‘જીવો અને જીવવા દો’-નો માનવતાવાદી વિચાર અને બીજીબાજુ ‘મરવું કાં મારવું’-નો ત્રાસવાદી વિચાર. આ બંને વિચાર અથડાઈને યુદ્ધોને આહવાન આપી રહ્યા છે ત્યારે સામાન્ય નાગરિક તરીકે આપણે શેની તરફેણમાં જોડાવું તે દરેકે પોતે નક્કી કરવાનું છે. ત્રાસવાદને જડમૂળમાંથી દૂર કરવા માટે ઊંડાં મૂળિયાં સુધી જવું પડે. આ મૂળિયાં જેમ જેમ મજબૂત થતાં જાય છે, તેમ તેમ એને ઊખેડવાનું અઘરું થતું જાય છે. ઉપરઉપરની કાપાકાપીને અટકાવી બધુ સરખું કરી દેવાથી શું ભારતમાંથી ત્રાસવાદ દૂર થઈ જશે? પોતાના ધર્મનો ગર્વ કરવો તે ખોટું નથી પણ અહંકારનો ઝંડો લઈ બીજા ધર્મના લોકોને તિરસ્કારીએ ત્યારે એના પરિણામો ભોગવવાની તૈયારી પણ રાખવી પડે. ત્રાસવાદને પોષતા અને ઊશ્કેરતા પરિબળો દોષમુક્ત કેવી રીતે હોઈ શકે? નેતાઓ પર બધો દોષ ઢોળી દઈને પ્રજા પોતાની જવાબદારીમાંથી છટકી જાય તો દેશમાં શાંતિનું સ્વપ્ન અધૂરું જ રહે. 

e.mail : rekhasindhal@gmail.com

Loading

...102030...167168169170...180190200...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved