Opinion Magazine
Number of visits: 9570625
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમેરિકામાં હાથવગાં હથિયારો, જાતિગત હિંસા અને પૂર્વગ્રહોના આર્થિક-સમાજિક તાણાવાણા

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|19 December 2021

વિશ્વભરમાં ગન વાયલન્સને કારણે રોજના ૫૦૦ લોકો મોતને ભેટે છે અને આવા અંધાધૂંધ ગોળીબારમાં રોજેરોજ ઇજા પામનારાઓનો આંકડો ૨૦૦૦ છે

બે અઠવાડિયા પહેલાં અમેરિકાના કોલંબસ સિટીમાં મૂળ નડિયાદના એક ગુજરાતી યુવકની હત્યા થઇ. બૅંકમાં પૈસા જમા કરાવવા ગયેલા યુવકની લૂંટ ઇરાદે હત્યા થઇ હોવાનું પ્રાથમિક તારણ પણ બહાર આવ્યું. આ ખબરને ભારતના, ખાસ કરીને ગુજરાતી મીડિયા દ્વારા ‘ગુજરાતી યુવકની USAમાં હત્યા’ પ્રકારના હેડિંગ સાથે પ્રકાશિત કરાઇ. ઘણા રિપોર્ટમાં એમ પણ લખાયું કે આ રીતે ગુજરાતીઓની હત્યા ત્યાં – U.S.A.માં અવારનવાર થતી રહે છે. વાત એ જ મુદ્દાની કરવી પડે એમ છે કે શું ખરેખર ગુજરાતીઓને ટાર્ગેટ કરવામાં આવે છે? અમેરિકામાં થતા લૂંટના પ્રયાસ કે ગન ક્રાઇમની વાત આવે ત્યારે ગુજરાતીઓને નિશાને રાખીને આ બધું કરવામાં આવે છે; એ વાતમાં કેટલો દમ છે?

જરા હળવાશથી વાત કરીએ તો મૂળ અમેરિકનો સ્વકેન્દ્રી પ્રજા છે, તેમને પોતાના દેશની બહારની દુનિયાની કોઇ પરવા નથી. આમ કહીએ તો એમને ઘણીવાર એ ખ્યાલ પણ નથી હોતો કે અમેરિકા સિવાય પણ એક બહુ મોટી દુનિયા છે. આ અતિશયોક્તિ લાગી શકે છે પણ છે નહીં, સાવ સાચું છે. હવે સોશ્યલ મીડિયાના વિસ્તારને કારણે આ હકીકતમાં થોડો ફેર પડ્યો છે પણ છતાં ય અમેરિકન્સને કંઇ ફેર પડતો નથી. આ એક વાસ્તવિકતા છે. બીજા વાસ્તવિકતા એ છે કે ગુજરાતીઓને શોધી શોધીને ઉડાડી દેવાની જહેમત અમેરિકન્સ શું કામ કરે? માત્ર ગુજરાતીઓ જ અમેરિકામાં લૂંટ અને હત્યાનો ભોગ બને છે એ વાતમાં કોઇ દમ નથી. ગુજરાતીઓના સ્ટોર્સ કે મોટેલ્સ લૂંટાય છે, એવી વાત જો તમારે માનવી હોય તો એ પણ સમજો કે ગુજરાતી ડાયસ્પોરા આકરી મહેનત કરીને કમાય છે, પૈસા એકઠા કરે છે અને વિદેશના અર્થતંત્રમાં તેમનું યોગદાન હોય છે – એ ત્યાંનું નાગરિકત્વ સ્વીકારે પછી તો ચોક્કસ. એ યોગદાન હજારો લાખો કરોડોમાં નહીં હોય પણ વિચારો કે કેટલા ગુજરાતીઓની મોટેલ્સ હશે, કેટલા ગુજરાતીઓ સ્ટોર ચલાવતા હશે અને તે બધું રોજિંદી જિંદગીનો ભાગ હશે ઘણાયને માટે. ગુજરાતીઓ NRI થાય અને ત્યાં જઇને તનતોડ મહેનત કરે જેથી પૈસા કમાઇને બચાવી શકે, આગલી પેઢીની જિંદગી બહેતર કરી શકે. ટૂંકમાં, ત્યાં ગુજરાતીઓ પૈસે ટકે સ્થિર હોય કારણ કે એ જ તેમનું ફોકસ હોય. હવે કોઇ પણ લૂંટફાટ કરનારાની દૃષ્ટિએ જુઓ તો તમે એને જ લૂંટો જેની પાસે પૈસા હોય. સ્ટોર ચલાવનારાના ગલ્લામાં પૈસા હોય તે સ્વભાવિક છે, બૅંકમાંથી આવ જા કરનારા પાસે રોકડ રકમ હોય તે પણ સ્વાભાવિક છે. તો લૂંટ કરનારા આવા જ લોકોને લૂંટવાનો પ્લાન કરે. લૂંટવા માટે માણસ ગુજરાતી છે કે નહીં એ જોવા કોઇ નથી બેસતું, આને માટે જ એવું માનવું કે એમ વાત ચલાવવી કે ગુજરાતીઓને USAમાં ટાર્ગેટ કરાય છે એ તદ્દન પાયા વગરની વાત છે.

હવે જરા વધારે બહોળા દૃષ્ટિકોણથી વાત કરીએ તો USAમાં ગન કલ્ચર – ગન ક્રાઇમ અને રંગભેદ નવા પ્રશ્નો નથી. ત્યાં ગન કલ્ચરને મામલે વોટ બૅંક્સનું રાજકારણ ખેલાય છે. વિશ્વભરમાં ગન વાયલન્સને કારણે રોજના ૫૦૦ લોકો મોતને ભેટે છે અને આવા અંધાધૂંધ ગોળીબારમાં રોજેરોજ ઇજા પામનારાઓનો આંકડો ૨૦૦૦ છે. USAની વાત કરીએ તો ૨૦૧૭માં એક જ વર્ષમાં ફાયરઆર્મથી જેને શૂટ કરી દેવાયા હોય કે પછી આ કારણે ઇજા થઇ હોય તેવા લોકોની સંખ્યા ૧ લાખ ૩૪ હજાર હતી. ગન ક્રાઇમ્સમાં થતી હિંસા પાછળ સામાજિક અને આર્થિક પરિબળો બહુ મોટો ભાગ ભજવે છે. અમેરિકા જેવા દેશોમાં આસાનીથી વેચાતાં હથિયારો માનવ અધિકાર પર બહુ મોટું જોખમ છે. અમેરિકામાં હાઇ સ્કૂલ શૂટિંગના કેસિઝ પણ ઓછા નથી. આખી દુનિયામાં સૌથી વધુ ગન ક્રાઇમ્સ યુ.એસ.એ.માં જ થાય છે. આ પાછળ મોટે ભાગે લૂંટનો ઇરાદો હોય છે, તો બીજું સૌથી મોટું કારણ છે રંગભેદ.

છેલ્લા ૧૨ વર્ષમાં અમેરિકામાં હેટ ક્રાઇમ્સની સંખ્યા વધી છે અને તેની પાછળનું કારણ છે અશ્વેત અને એશિયન અમેરિકન્સ સાથે આચરાતો ભેદભાવ. હેટ ક્રાઇમ્સ એટલે હંમેશાં ગન ક્રાઇમ્સ નહીં. દાખલા તરીકે ગયા વર્ષે જ્યોર્જ ફ્લોઇડ નામના અશ્વેત માણસની ધરપકડ કરવા ગયેલા અમેરિકન અધિકારીએ તેને ગળે સાથળનું દબાણ એ હદે આપ્યું કે તેનો જીવ નીકળી ગયો. આ હેટ ક્રાઇમ છે પણ અહીં ગન ક્રાઇમ નથી. હેટ ક્રાઇમની વાત કરીએ તો એક ડેટા અનુસાર ૨૦૨૦માં એશિયન્સ સામેના હેટ ક્રાઇમમાં ૭૦ ટકા વધારો થયો તો અશ્વેતોના વિરોધમાં થતા હેટ ક્રાઇમનો આંકડો ૪૦ ટકા જેટલો વધ્યો છે. મુસલમાન અને યહૂદીઓના વિરોધમાં થતા હેટ ક્રાઇમ્સ પણ વધ્યા છે. ‘વોશિંગટન પોસ્ટ’ના એક તાજા અહેવાલ અનુસાર ભારતીય મૂળના અમેરિકન્સને હિંસા અને રંગભેદનો સામનો કરવો પડે છે. વળી ભારતીય જો મહિલા હોય, તેમાં વળી મુસ્લિમ હોય તો વધુ ભેદભાવ અને પૂર્વગ્રહો તેમને વેઠવા પડે છે. ત્વચાના રંગને કારણે ભારતીય અમેરિકનોએ સૌથી વધુ ભેદભાવ વેઠવા પડે છે. જે ભારતીયો ડેમોક્રેટિક પાર્ટીને ટેકો આપતા હોય તેમને પણ આ ભેદભાવનો સામનો કરવો પડે છે. ભારતીય અમેરિકન્સ રિપબ્લિકન પાર્ટીની લઘુમતિ પ્રત્યેની અસહિષ્ણુતાને કારણ કે ડેમોક્રેટિક પાર્ટી પ્રત્યે વધુ ઝુકાવ ધરાવે છે

બાય ધી વેઃ

ગન ક્રાઇમનો ભોગ અમુક જ લોકો બને છે એમ નથી. ગન ક્રાઇમની પાછળનાં કારણો સામાજિક-આર્થિક છે અને તેમાં પાછો રંગભેદની માનસિકતાનો અમેરિકન પૂર્વગ્રહ. હથિયારો બનાવનારાઓની લૉબીનો પ્રભાવ અમેરિકન અર્થતંત્ર પર બહુ મોટો છે અને એટલે જે તેમની સામે આકરાં પગલાં લેવા કે કોઇ આકરો પ્રતિબંધ જાહેર કરવો પણ આસાન નથી. વાત ત્યાં આવીને જ અટકે છે કે વ્હાઇટ હાઉસમાં બેઠેલાઓ કઇ રીતે ગન કલ્ચર પર કાબૂ લાવી શકે છે. ગન કલ્ચરને લગતા કાયદા બદલાય તો બેફામ હથિયારો ખરીદનારાં ઘટે અને ગન ક્રાઇમમાં ઘટાડો થાય. આપણે ગુજરાતી અને ભારતીય તરીકે એ વાત માનવી અને ફેલાવવી અટકાવવી જોઇએ કે ગુજરાતીઓ પર વધારે હુમલા થાય છે કારણ કે આપણા કોઇ જ્યોર્જ ફ્લોઇડને ગળું રૂંધીને મારી નથી નખાયો, આપણે કલ્પના કરીએ તેના કરતાં કંઇક ગણી વરવી પરિસ્થિતિ છે. બાય ધી વે, આપણે ત્યાં જય શ્રીરામ ન બોલનારાને રહેંસી નખાયા હોય કે દલિતોએ આત્મહત્યા કરવી પડી હોય કે તેમને મારી નાખી ઝાડે લટકાવી દેવાયા હોય, ઢોર માર મારાયા હોવાના કિસ્સા પણ છે. આપણે એક સુસંસ્કૃત રાષ્ટ્ર તરીકે આ બધું યાદ કરી લઇને નજર શરમથી ઢાળવી તો પડે જ, હં.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  19 ડિસેમ્બર 2021

Loading

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN == / [7]

સુમન શાહ|Opinion - Opinion|19 December 2021

અમેરિકા પ્હૉંચ્યાં … કેટલાક બનાવો (2)

વિદ્યાયાત્રાનો અર્થ જ એ છે કે ચાલતા રહેવું, આગળ ને આગળ ચાલતા રહેવું. શરીર ચાલે એટલે મન ચાલે અને મન ચાલે એટલે શરીર. અને, સાહિત્યકારજીવ માટે ચિત્તનું ડ્હૉળાવું કે ચકરાવે ચડવું પણ બહુ જરૂરી હોય છે. નહિતર એમ બનવાનો સંભવ ખરો કે પોતાના ગામમાં કે શ્હૅરમાં પોતાની જગ્યાએ ધીમે ધીમે કરીને ઠરી જાય. તાત્પર્ય, સૅન્સમ-નિવાસ એક નિવાસી ભારતીય લેખક માટે સુયોગ્ય કહેવાય એવો હતો – વિચારજગત અને ભાવજગત બેયને એકમેકમાં ગૂંચવ્યા કરે …

પેલી બે શું, ચાર ટ્રૉલીઓ આવી જાય એવી વિશાળ લિફ્ટ. સૅન્સમ 22 માળનું બિલ્ડિન્ગ. સ્યુઈટમાં બધું જ હતું : નાનકડો ડ્રૉઈન્ગરૂમ. સોફા ટી.વી. રાઈટિન્ગ-ટેબલ ફોન બૂકશેલ્ફ. કીચન નાનું પણ ફ્રિજ ઓવન સહિતનાં બધાં જ ઍપ્લાયન્સિસ સાથેનું. સ્ટોરેજ. ડબલબેડ-રૂમ. કપડાં માટે ક્લોઝેટ્સ. ઈસ્ત્રી. ટૉયલેટ. અને, આખા ઘરના હવામાનને હૂંફાળું રાખનારી હીટિન્ગ સિસ્ટમ.

ફિલાડેલ્ફીઆની સ્કાયલાઇન નિરન્તરાય દેખાય એવી ખાસ મોટી ગ્લાસવિન્ડોઝ – બેડમાં સૂતાં સૂતાં જુઓ કે સોફામાં પડ્યા પડયા જુઓ. બે-ત્રણ દિવસમાં જ ખયાલ આવ્યો કે અમારું સૅન્સમ-ઈસ્ટ છે અને તેની સામે એવું જ સૅન્સમ-વેસ્ટ પણ છે, બિલકુલ નકલ !

બીજો ખયાલ એ આવ્યો કે સામે, પણ આઘે દેખાતા કોઇ બિલ્ડિન્ગ પરથી રોજ સવારે હૅલિકૉપ્ટર ઊડે છે અને રોજ સાંજે પાછું ફરીને ત્યાં જ ઊતરે છે. માનેલું કે એ ભાઈ કે બાઈ પોતાની ઑફિસે એ રીતે જતાં હશે – હૅલિકૉપ્ટર લઈને !

પણ ત્રીજો એક ખયાલ આવ્યો જે દુ:ખદ હતો : મેં જોયું કે વિન્ડોનો ગ્લાસ ૮-૧૦ ઈન્ચથી વધારે સ્લાઈડ થતો ન્હૉતો. કેમ? મને એમ જણાવાયું કે ફ્લૅટમાં રહેનારું જણ ધારો કે બારીએથી સ્યુસાઈડ કરવા માગે તો એટલી ખૂલેલી વિન્ડોમાં થઈને કૂદી પડવાનું એને ન ફાવે. મેં કલ્પના કરી જોઈ. લાગ્યું કે ન ફાવે પણ પછી તરત જ એમ પણ લાગ્યું કે ફાવે, ફાવે જ ! મરનારને કોણ રોકી શક્યું છે? એ તો કાચ તોડીને ય કૂદી પડે !

કોઇ નવલકથાનાં નાયક-નાયિકા કરે એમ રાત માથે કરીને મેં અને રશ્મીતાએ બધો સામાન ગોઠવી દીધો. અને એમ અમારું નવું ‘ઘર’ ચાલુ કરી દીધેલું. ગોઠવાયેલું બધું જોતાં એવી લાગણી થયેલી કે અરે, આ તો આપણું જ ઘર છે જેમાં ક્યારનાં ય રહીએ છીએ.

બીજે દિવસે, મારે ડિપાર્ટમૅન્ટમાં હાજર થવાનું હતું. મને યાદ આવેલું કે એ ક્ષણની તો હું કેટલાયે દિવસોથી ટાંપીને રાહ જોતો’તો. સૌરાષ્ટ્રની ઉપલેટા-કૉલેજમાં પ્રૉફેસર તરીકે ૧૯૬૪માં પહેલવહેલો જોડાયેલો ત્યારે થયેલા અપૂર્વ આનન્દનું મને સ્મરણ થયેલું. અહીં ૨૦૦૩માં થયેલો એ આનન્દ પણ એવો જ અપૂર્વ હતો. તેમછતાં, મારું મન બન્નેની તુલનાએ ચડ્યું’તું –

જેનો સાર એ હતો કે સાચા શિક્ષકનો પ્રત્યેક પ્રારમ્ભ અપૂર્વ હોય છે અને તેનો આનન્દ પણ અપૂર્વ હોય છે.

બાબુભાઈ મને લેવા આવેલા. હું બરાબરનો ભૉમિયો થઈ જઉં એ માટે એકાદ અઠવાડિયા લગી એમણે એમ જ કરેલું. મેં જોયું કે સૅન્સમથી ડિપાર્ટમૅન્ટ ચાલીને ગયા છતાં માત્ર સાત મિનિટમાં પ્હૉંચી જવાયેલું. સખત ઠંડી જરૂર હતી, પણ મારો ઉત્સાહ પણ અદમ્ય હતો; પછી શું !

હું સૌ પહેલાં મળ્યો, ડિપાર્ટમૅન્ટનાં કો-ઑર્ડિનેટર મિસિસ જોડી ચાવેઝને. મારા મનમાં એમની સાથેના મેઇલ-ઈ.મેઈલ અને ફૅક્સના સંદેશાવ્યવહારથી ઊભી થયેલી એક કાલ્પનિક છબિ હતી. પરન્તુ એ છબિ પ્રત્યક્ષ દર્શનથી સાવ ખોટી પડી.

રશ્મીતા શાહ જોડે જોડી ચાવેઝ [Jodi Chavez, Rashmita]

મેં એમને ધારેલાં મોટી ઉમ્મરનાં પણ એ તો ૩૦-૩૨ની લાગતી યુવતી હતી, પાતળી અને રૂપાળી. કૅલિફોર્નિયા-સાન્તાક્રુઝ યુનિવર્સિટીની ઇતિહાસ વિષયની ગ્રૅજ્યુએટ. એકાદ-બે વર્ષ પહેલાં, ડિપાર્ટમૅન્ટમાં જોડાઈ હતી. એ પહેલાં, વૉશિન્ગ્ટન-ડી.સી.માં દિવ્યાંગોની સેવા-સંસ્થામાં કામ કરી ચૂકેલી. હવે, છેલ્લા એકાદ વર્ષથી ઍસેઍસ છોડીને એ ‘સ્કૂલ ઑફ આર્ટ્સ ઍન્ડ સાયન્સિસ’-ના ડીનની ઑફિસમાં કામ કરે છે.

હૅલો-હાય થયું. ખબરઅંતર પૂછાયા. મેં રમૂજમાં કહ્યું કે ગુજરાતીમાં ‘જોડી’ તે અંગ્રેજીમાં ‘પૅર’. તો એ કહે : હું પૅરમાં જ છું, મારા હસબન્ડ પેઈન્ટર છે અને પેન્ટિન્ગના શિક્ષક છે : પતિનો ફોટો બતાવ્યો. મેં ‘જોડીબેન’ ‘જડીબેન’ એમ બધું ગુજુ ગુજુ એને સમજાવ્યું. ‘સુમન’ એટલે ‘ફ્લાવર’ કહ્યું. અને એમ ઠીક ઠીક પ્રકારે હઁસીમજાકો થઈ.

‘નાઉ, બિઝનેસ’ – કહીને એ બોલી : મિસ્ટર સુમન, તમારે ચાર વસ્તુઓ કરવાની છે – સોશ્યલ સિક્યોરિટી કાર્ડ માટેની ઍપ્લિકેશન કરવાની છે – પૅન્નકાર્ડ મેળવવાનું છે – આઇ.એન.ઍસ.માં, મીન્સ, ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ઍન્ડ સ્કૉલર્સ સર્વિસિસની ઑફિસમાં, રીપોર્ટ કરવાનો છે અને – બૅન્કઍકાઉન્ટ ખોલાવવાનો છે. ચારેયની એણે ફટાફટ કાપલી બનાવી આપી.

હાથમાંની કાપલી મને ક્હૅતી’તી – તું ક્યાં જાણે છે ભલા, આ બધી જગ્યાઓ … મને મૂંઝાતો જોઈ જોડી સ-સ્મિત બોલી : ડોન્ટ વરી, આઇ વિલ્લ કમ વિથ યુ : મેં ઓકે કહી થૅન્ક્સ કહ્યું, શેકહૅન્ડ કર્યા …

પછી તો મને જોડીની કો-ઑર્ડિનેટિન્ગ શક્તિની રોજે રોજ મદદો મળતી રહી. ને એમ અમદાવાદથી માઈલો દૂર પડેલો હું પૅન્નમાં વધુ ને વધુ સંકળાતો ગયો.

= = =

(December 19, 2021: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

મા, તારે જ કારણે જગતનાં સર્વ સુખ મળ્યાં

ચંદુ મહેરિયા|Profile|18 December 2021

નેવું કરતાં વધુ વરસના પૂર્ણાયુષ્યે, લીલીવાડી ભોગવીને અને મૂકીને, મા ગઈ. સંસારનો ધારો તો આવા મૃત્યુનો શોક ન કરવાનો છે. પણ માના મૃત્યુ વખતે તો આંસુનો સમંદર વહ્યો હતો. વિશાળ મહેરિયા – પરિવારની ચાર પેઢી મા વિના નોંધારી થઈ ગઈ હોવાનો માહોલ હતો. દીકરીઓ-દીકરાઓના તો ઠીક, વહુઓનાં આંસુ પણ રોકાતાં નહોતાં. સૌથી મોટાં વિધવા ભાભી, દાયકા પહેલાં મોટાભાઈ સત્તાવન વરસના હતા અને અપમૃત્યુથી મૃત્યુ પામ્યાં ત્યારે ય, આટલું નહોતાં રડતાં જેટલું મા પાછળ રડતાં હતાં. કહે, “મા તો મા જ હતાં. આવાં મા બીજાં ન હોય.” દક્ષાભાભી પંદર-સોળની વયે પરણીને આવેલાં. લગ્ન પછીનાં તુરતનાં વરસોમાં મા સાથે સૌથી વધુ રિસામણાં-મનામણાં એમનાં ચાલેલાં, પણ એમના અવિરત આંસુ એટલે હતાં કે એમની જનેતા સાથે તો એ માંડ પંદર વરસ જ રહેલાં, બાકી તો પચીસ વરસથી એ મા સાથે હતાં. મા કોરોનાગ્રસ્ત થઈ ત્યારથી જ મારું રડવાનું ચાલતું હતું, પણ જે છાના ખૂણે કે રાતના અંધારામાં હતું, તે હવે બધા બંધ તૂટીને વહેતું હતું. જિંદગીમાં આટલું તો ના કદી રડ્યો છું કે ના રડવાનો છું.

ફેબ્રુઆરી, ૨૦૨૦માં માને અમદાવાદ હૉસ્પિટલાઇઝડ કરેલી. એ દિવસોમાં એ નાના ભાઈ રાજુના ઘરે હતી અને કોરોના મહામારી અને લૉકડાઉન આવ્યાં. એ કપરા દિવસોમાં અમે એને ખૂબ સાચવેલી. છેલ્લાં ઘણાં વરસોથી માને કારણ વિના દવા અને દવાખાનાની ટેવ પડેલી. પણ આ વખતે તે અમારું માનીને દવાખાનાનું નામ નહોતી લેતી. રાજુના ઘરેથી એ બીજા નાના ભાઈ દિનેશના ઘરે રહેવા ગઈ એટલું જ અમે એને ઘરની બહાર નીકળવા દીધેલી. શિયાળાની ટાઢ એને બહુ આકરી પડતી. ઉંમરને કારણે થતી શારીરિક તકલીફો સિવાયના કોઈ રોગ એના શરીરમાં નહોતા. પણ ડિસેમ્બર આવતાં-આવતાં તો એણે દવાખાનાની અને ગાંધીનગર આવવાની જીદ પકડી. માના બોલને અમારે આદેશ ગણવો પડતો. ગાંધીનગર રમણભાઈના ત્યાં આવીને એણે અમદાવાદના ગોમતીપુર વિસ્તારની ડૉ. અશ્વિન ગઢવીની હૉસ્પિટલે જ લઈ જવાની હઠ કરી. મેં એને ઘણું સમજાવી, કાલાવાલા કર્યા. અમદાવાદના દવાખાને જવું કેટલું જોખમી છે. તે સમજાવ્યું, પણ તે એકની બે ન જ થઈ. આખરે બેત્રણ વારની એની અમદાવાદની દવાખાનાની મુલાકાતો એને કોરોનાથી સંક્રમિત કરીને જ રહી.

અમદાવાદની બારસો બેડની કોવિડ હૉસ્પિટલમાં માને દાખલ કરી, ત્યારે રમણભાઈ અને એમનાં દીકરો-દીકરી પણ કોરોના પૉઝિટિવ હતાં. માને હૉસ્પિટલમાં એકલા મૂકતાં જીવ નહોતો ચાલતો અને તે સિવાયનો કોઈ વિકલ્પ પણ નહોતો. મેં જેને જેને મદદ માટે કહી શકાય તે સૌની મદદ લીધી. માને શ્રેષ્ઠ સારવાર મળે અને તેની બરાબર કાળજી લેવાય તેની તકેદારી લેવામાં કોઈ કચાશ ન રાખી. મોટાભાઈના બે પુત્રો, જૈમિન અને હાર્દિકે કોરોનાની બીક રાખ્યા સિવાય માની રોજેરોજ મુલાકાતો લીધી અને તેની જરૂરિયાતો પૂરી કરી. ડૉક્ટરોના માની સારવારના ફોન અને સારા થઈ રહ્યાંનાં અશ્વાસનો આવતાં હતાં. વીડિયોકૉલથી રોજ મા સાથે નાની બહેન અંજુ અને બીજાની વાત થતી. માનાં નિયમિત હેલ્થ-બુલેટિનો પણ મળતાં રહેતાં. એમ કરતાં-કરતાં બાવીસ દિવસો વહી ગયા. માને એકેય વાર વૅન્ટિલેટર પર નહોતી રાખવી પડી અને હવે તો રૂમ ઍર પર રહેતી હતી, એટલે ગમે ત્યારે ડિસ્ચાર્જ મળી જશે એમ લાગતું હતું.

૨૬મી જાન્યુઆરી, ૨૦૨૧ની સવારે મારા ફોન પર વીડિયોકૉલ આવ્યો. સામાન્ય રીતે હું વીડિયોકૉલ પર મા સાથે વાત કરવાની હિંમત કરી શકતો નહીં. પણ એ સમયે ઘરે બીજું કોઈ નહોતું, એટલે મેં જ મા સાથે વાત કરી. કાલે સવારે દવાખાનેથી ઘરે આવી જવાનું છે એમ કહ્યું. માએ મને હાથ જોડ્યા અને મેં માને. એ સમયે અણસાર સરખો નહોતો કે આ અમારું મા-દીકરાનું  છેલ્લું મિલન હશે. એ રાતના આઠ વાગે માની તબિયત સ્થિર હોવાના સમાચાર વૉર્ડમાં ફરજ પરના ડૉક્ટર સાથે વાત કરીને મેં મેળવ્યા હતા. …. અને અચાનક બરાબર મધરાતે માના મૃત્યુના ખબર મળ્યા. અમારા માટે એ સાવ જ અણધાર્યું અને આઘાતજનક હતું. જે મા સવારે સાજી થઈને ઘરે આવવાની હતી, તે આમ અચાનક અમને છોડીને ચાલી ગઈ.

૨૭મી જાન્યુઆરી, ૨૦૨૧ ને બુધવારની શિયાળુ સવારે જે માને મેં ક્યારે ય નિરાંતવે જીવ પગ વાળીને બેઠેલી જોઈ નહોતી, તેનો  નિશ્ચેતન દેહ પી.પી.ઈ. કીટમાં જોવાનો થયો. અંતિમ વિધિ અને ટેલિફોનિક બેસણા પછી માના અસ્થિવિસર્જનનો પ્રસંગ આવ્યો. અગાઉ કોઈના ય અસ્થિવિસર્જનમાં હું ગયો નથી. પણ માના અસ્થિવિસર્જનમાં ગયો. ગાંધીનગરથી રેવાકાંઠે ચાંદોદ, માના અસ્થિવિસર્જન માટે જતા હતા, ત્યારે આખા રસ્તે માનો અસ્થિકુંભ મારા ખોળામાં હતો. જિંદગીભર સુખદુઃખમાં જે માનો ખોળો મારો આશરો બનેલો, તેનાં અસ્થિ મારા ખોળામાં રાખીને એકએક પળ કાપવી ભારે કપરી હતી. માની સંઘર્ષમય જિંદગી જેવી ભર બપોરે, રેવા કિનારે, પૂજા માટેના પાત્રમાં માનાં અસ્થિ ગોઠવાયાં એ ક્ષણો જીવવી અને જીરવવી એ તો એથી ય અધિક કઠિન હતી. એકાદ કલાક પછી નર્મદાનાં વહેતાં જળમાં અમારા સૌના ચોધાર આંસુ વચ્ચે અસ્થિકુંભ વહેતો કરાયો. માની છેલ્લી ભૌતિક નિશાની વિસર્જિત થઈ અને શેષ રહ્યાં તે જીવનભર પીડનારાં માનાં અજરાઅમર સ્મરણો.

કહે છે કે માના બાપાને ત્યાં ભારે જાહોજલાલી હતી. એના બાપા અને દાદાએ ન્યાત કરેલી અને રાણીછાપના રૂપિયા વહેંચેલા. કહેવાતા નીચલા વરણ માટે સહજ એવા એનાં બાળલગ્ન થયેલાં. બહુ નાની ઉંમરે, આઝાદીના વરસે, ૧૯૪૭માં, મા એક પુત્રની મા બની એ પછીના વરસે તે રંડાઈને પિયર આવી ગઈ હતી. જુવાન બહેન-દીકરીને માબાપ કેટલું રાખે ? એટલે માને ફરી ‘ઠામ બેસાડવા’માં (પુનર્લગ્ન) આવી. પોતાના પ્રથમ લગ્નના પુત્રને સંતાનવિહોણા મોટાકાકાના હવાલે કરીને માએ ‘બા’(અમે બાપાને ‘બા’ કહેતા)નું ઘર માંડ્યું હતું. માના પિયરથી બહુ દૂરના ગામના, એક દીકરીના પિતા બન્યા પછી ઘરભંગ થયેલાં, અમદાવાદની મિલમાં મજૂરી કરતા, ‘કાળા સીસમ જેવા’, બા સાથે માનું પુનર્લગ્ન થયું ત્યારે, ફળિયાના લોકોએ માના ભાઈઓ પર ‘છોડીન ખાડ માર્યાનો’ ફિટકાર વરસાવેલો. પણ જિંદગી આખી દુઃખની ભઠ્ઠીમાં શેકાવાના સંકલ્પ સાથે માએ જાણે કે એ પડકાર ઉપાડી લીધો અને જીવતર ઉજાળ્યું.

ગામડાગામની મા મહાનગર અમદાવાદમાં આવી વસી. પ્રથમ લગ્ન પછી ઘરભંગ થઈ ‘ભગત’ બની ગયેલાં ‘બા’ને એણે સંસારમાં પલોટવા માંડ્યાં. ઓરમાન દીકરી સહિતનાં બહોળાં સાસરિયાં અને એટલાં જ બહોળાં પિયરિયાં વચ્ચે રહીને મા સ્વયં પોતાનો મારગ કંડારતી રહી.

‘તરેવડ ત્રીજો ભઈ તે બૈરું સ. ઘર ચ્યમનું ચલાવવું એ બૈરાના હાથમાં સ. તારાં બા તીસ રૂપિયા પગાર લાવતાં … એમન તો ઘર ચ્યમનું ચાલ સ એ જ ખબર નંઈ. તમન ચ્યમનાં ભણાયાં-ગણાયાં, મોટા કર્યાં, બોન – ભાણેજના અસવર કાઢ્યા એ તમન શી ખબર …’ એમ મા ઘણી વાર કહેતી. માના જીવનસંઘર્ષને જેમણે જોયો છે, એ સૌ મોંમાં આંગળાં નાંખી જતાં. ‘આ ડઈ હોય નય  ન  રામાના ઘરની વેરા વર નય.’ એમ કહેતાં ઘણા વડીલોને મેં સાંભળ્યા છે.

પાંચ ભાઈ અને બે બહેનોનું અમારું વસ્તારી કુટુંબ ચલાવવાની જવાબદારી માના શિરે હતી. મારા ‘બા’ તો સાવ ‘ભગત’ માણસ, માએ જો સઘળા સામાજિક-આર્થિક વ્યવહારો નિભાવતાં નિભાવતાં અમને ભણાવ્યાં ન હોત, તો અમે આજે કદાચ આ સ્થિતિએ ન પહોંચ્યાં હોત.

મા કારખાનામાં તનતોડ મજૂરી કરતી, રજાના દિવસે મિલમાં સફાઈકામે જતી, ઘરના કામથી પરવારીને છાણ વીણવા જતી, લાકડાં લાવતી, ભૂસું (લાકડાનો વ્હેર) લેવા જતી, રેશનની દુકાનોની લાઇનોમાં ટીચાતી, અમને સાજે-માંદે દવાખાને લઈને દોડતી. અમદાવાદના ચાલીના ઘરમાં નહોતી વીજળી, પાણીનો નળ કે જાજરૂ. એ બધાંનો વેત કરતી. આ બધું કરતાં-કરતાં અમારી અભણ મા, જેના માટે કાળા અક્ષર ભેંસ બરાબર હતા, અને અમે ચોપડી સીધી પકડી છે કે ઊંધી એની ખબર નહોતી પડતી, એ અમારા ભણવાનું બરાબર ધ્યાન રાખતી. નિશાળે નિયમિત મોકલતી અને ઘરે આવ્યા પછી સામે બેસાડી લેસન કરાવતી, આંક પૂછતી, કક્કો મોઢે બોલવા કહેતી.

પોતાનાં છોકરાંઓની સાથે જ એણે પોતાના બે વિધુર મોટા ભાઈઓના છોકરાના ઉછેરનું ધ્યાન રાખ્યું. એ પરણીને થાળે પડ્યાં ત્યારે માએ ફરી ‘ધાર મારીન એમના હામું જોયું’ સુધ્ધાં નહીં અને તેમના કશા ઓરતા રાખ્યા વિના પોતાના સંસારમાં લીન થઈ ગઈ. ઓરમાન દીકરી સાથે માએ ઓરમાન મા જેવું વર્તન કર્યું હશે, પણ એમના ઉછેરમાં કચાશ ન રાખી.

હું તો જન્મ્યો ત્યારથી જ મા માટે દુઃખના ડુંગરો લઈ આવેલો. મારા જન્મ સમયે માને સુવારોગ લાગુ પડેલો, જેણે એના શરીરને કાયમ માટે ચૂસી લીધેલું. મારા ભણતરથી મા ખુશ હતી પણ વિચારો અને વર્તનથી દુ:ખી રહેતી. મારો બુદ્ધિવાદ માને અકળાવતો પણ ‘એન જે જોગ્ય લાગ એ  કર’; કહી હંમેશાં મારા પક્ષે રહેતી. મારાં લગ્ન નહીં કરવાના નિર્ણયને એ સમજી શકતી પણ કોઈનાં લગ્નમાં નહીં જવાનું, સગા ભાઈઓનાં લગ્નમાં પણ નહીં જવાનું વલણ, માને પરેશાન કરી મૂકતું.

મોટાભાઈનાં પહેલાં બાળલગ્ન નિષ્ફળ ગયા પછી બીજાં લગ્ન એમની મરજી મુજબ ભારે દેવું કરીને થયાં એ વખતે હું કદાચ નવમીમાં ભણતો હતો. મારે લગ્નમાં નહોતું જવું એટલે સવારે જ ઘર છોડી દીધેલું. એક તરફ મોટા દીકરાનાં લગ્નનો ઉમંગ અને બીજી તરફ નાનો દીકરો કશું કહ્યા વિના ક્યાંક ચાલ્યો ગયેલો .. માની એ સમયની મનઃસ્થિતિ કેવી હશે ? છેક રાત્રે હું ઘરે આવ્યો ત્યારે, ‘આખરે તેં તારું ધાર્યું જ કર્યુંન’ એટલું જ મા બોલેલી.

સરકારી નોકરી કરતો હતો અને ઘરે કોઈ પ્રસંગમાં મને વાંકું પડ્યું એટલે મેં ઘર છોડ્યું અને મારા ઓરમાન મોટાભાઈ કાંતિભાઈના ઘરે રહેવા જતો રહ્યો. કાંતિભાઈ એ વખતે અમરાઈવાડી શિવાનંદનગરમાં રહેતા. સુખરામનગરના અમારા સ્ટાફ બસના સ્ટૅન્ડે એ રોજ મને એમના લ્યુના પર લેવા-મૂકવા-આવતા. થોડા દિવસથી ચાલતા આ બધા તમાશાની માને ખબર. એટલે એક દિવસ સાંજે મા સુખરામનગર આવીને સંતાઈને ઊભી રહી. જેવો હું બસમાંથી ઊતર્યો કે મારી સામે આવી. માની એક આંખમાં કરુણા હતી અને બીજીમાં ક્રોધ. હું કશું બોલ્યા વિના એની સાથે ચાલવા લાગ્યો. પંદરેક મિનિટનો રસ્તો અમે ચાલતાં-ચાલતાં નિઃશબ્દ પસાર કર્યો હતો. ઘરે ગયા ત્યારે અને એ પછી પણ માનું અને ઘરના સૌનું જાણે કે કશું જ ન થયું હોય એવું વર્તન હતું. મારાં આવાં તો કંઈક વર્તન માને અકળાવતાં પણ મારા સુખમાં સુખ જોતી માએ કદી એ બાબતોએ મને ટપાર્યો નથી.

માની ર્નિભયતા અને સાહસિકતાના તો અનેક કિસ્સા છે. ગાંધીશતાબ્દી-વરસે, ૧૯૬૯માં, અમદાવાદમાં ફાટી નીકળેલાં રમખાણોએ જ્યારે માઝા મૂકી ત્યારે એક દિવસ કરફ્યુ છૂટ્યો કે તુરત મા અમને બધાં ભાઈબહેનોને મોસાળ (છીંપડી, તા. કઠલાલ, જિ. નડિયાદ) મૂકવા ચાલી નીકળેલી. અત્યંત ડરામણા એ દિવસોમાં રાજપુરથી મણિનગર સુધીના રેલવેના પાટે-પાટે તે સૂનકારભર્યા રસ્તે પોતાનાં બાળકોને લઈને જતી માની ર્નિભયતા હજુ આજે ય સ્મૃતિપટે સચવાયેલી છે. એ પછી તો અનામત કે કોમી રમખાણોની હિંસા વખતે અનેક વાર માની નીડરતાનાં દર્શન થયાં છે. મહીજીકાકાને ટી.બી. થયેલો તે સમયે એમની દીકરીનાં લગ્ન થઈ ગયેલાં અને કાકી રિસામણે પિયર જતાં રહેલાં, ત્યારે માએ વતનના ગામે જઈને એમની સેવા કરેલી. વડોદરા કઈ દિશામાં આવેલું એની કશી ભાળ નહોતી તો ય એ કાકાને લઈને એકલી આણંદ જિલ્લાના અમારા ગામ(ખડોલ, તા. આંકલાવ)થી વડોદરાની સરકારી હૉસ્પિટલે જતી હતી. નાનાભાઈ દિનેશને રાજકોટ નોકરી મળી, ત્યારે ય મા એકલી જ રાજકોટ જઈને એને જરૂરી ઘરવખરી પહોંચાડી આવેલી. ‘અભણ છું, ટ્રેન કે બસની કશી ખબર નહીં પડે,’ એમ માનીને ગભરાવાને બદલે એ ગમે તેવા મહાનગરમાં ય પહોંચી જવાનું સાહસ દાખવતી હતી.

માતા-પિતા અને સાસુ-સસરા તો માએ બહુ વહેલાં ગુમાવેલાં. મારા ‘બા’ના અવસાન પછી મા ત્રણ દાયકા કરતાં વધુ જીવી. અવસાન સમયે તો મારા પિતૃ અને માતૃ એમ બેઉ પક્ષે માની ઉંમરની એક માત્ર હયાત વ્યક્તિ મા જ હતી. ભાઈઓ-ભોજાઈઓ, બહેન-બનેવી, દિયર-દેરાણી, નણંદો-નણદોઈઓ ઉપરાંત ભાઈના કેટલાક દીકરાઓ સહિતનાં ત્રણ ડઝન કરતાં વધુ નિકટનાં સ્વજનોનાં મૃત્યુ એણે જોયાં હતાં. બે મોટા દીકરા અને ઓરમાન દીકરીનાં અવસાન માની હયાતીમાં થયાં હતાં. ચાલુ નોકરીએ સત્તાવન વરસની વયે અમારા આખા કુટુંબ માટે આઘાતજનક એવા મોટાભાઈના અપમૃત્યુનો ઘા મા જીરવી નહીં શકે અને ઝાઝું નહીં જીવે એમ લાગતું હતું. પણ વિધવા પુત્રવધૂની ઓથ બનવા અને એમના આખા કુટુંબને થાળે પાડવા એ દસ વરસ જીવી અને ઝઝૂમી. આખરે ડેથ સર્ટિફિકેટમાં એમના ઘરનું સરનામું લઈને ગઈ.

પણ આ જ માને મેં ઘણી વાર સાવ જ નિરાશ કે હતાશ થયેલી પણ જોઈ છે. મોટાભાઈનાં ત્રણ-ત્રણ લગ્નો નિષ્ફળ ગયાં અને એ માટે માનું સાસુપણું કંઈક અંશે જવાબદાર લેખાયું, ત્યારે મા ઠીક-ઠીક હતાશ થઈ ગઈ હતી.

મારી માનું જે એક લક્ષણ મને ખૂબ ગમતું તે એનો દીકરીઓ પ્રત્યેનો પક્ષપાત. મેં ક્યારે ય દીકરીઓ કરતાં દીકરાઓને વધુ ચાહતી માને જોઈ નથી. જો માએ પુત્રનાં દુઃખ ને પુત્રીનાં દુઃખ એ બેમાંથી કોઈ એકના પક્ષે રહેવાનું આવે, તો એ હંમેશાં પુત્રોને છોડીને પુત્રીઓનાં દુઃખમાં સહભાગી થવું જ પસંદ કરતી હતી.

મેં બહુ ઓછી સ્ત્રીઓને આ રીતે પુત્રોને નારાજ કરીને પણ પુત્રીઓના પક્ષે રહેતી જોઈ છે. મૅટ્રિકની પરીક્ષા પછી મોટીબહેન માંદાં પડ્યાં હતાં ત્યારે દિવસો સુધી મા ખાધા-પીધા કે નહાયા-ધોયા સિવાય એમની સાથે હોસ્પિટલમાં રહી હતી. એમના પ્રથમ બાળલગ્નની ફારગતી લખી ઘરે આવીને સાવ હતાશ થઈ બેસી પડેલા પિતાને માએ જ સંભાળી લીધા હતા. બીજી વારનાં લગ્ન પછી એક પુત્ર પામી ઘરભંગ થયેલાં બહેનને સૌથી મોટો સહારો માનો જ હતો. સાવ જ ગરીબડી ગાય જેવાં બહેન ગ્રૅજ્યુએટ થઈ શક્યાં અને સારી સરકારી નોકરી મેળવી કાયમ માટે આર્થિક પગભર થયાં તે માને જ કારણે. એમને સરકારી નોકરીમાં દૂર સાબરકાંઠા રહેવાનું થયું, ત્યારે મા જ અમદાવાદનું બહોળું કુટુંબ, પતિ, દીકરા-વહુ સૌને છોડી એમની સાથે એ અજાણ્યા પ્રદેશમાં રહેવા ગઈ હતી. નાનીબહેન અંજુ પ્રત્યેનો માનો પ્રેમ લખવાનો નહીં, અનુભવવાનો વિષય છે. અંજુએ પણ માની સેવામાં કોઈ કચાશ ન રાખીને સાટુ વાળ્યું હતું. મોટાં બહેનનો દીકરો અતીત અને અંજુનો દીકરો અનાગત માનો સર્વાધિક લાડ-પ્યાર પામ્યા છે. આ બેની આગળ અમે બધા તો ઠીક, આ આખો સંસાર મા માટે ગૌણ બની જતો.

“કાનમાં વેડલા, ઘુલર લોરિયું, ગળામાં આંહડી, ચીપોવાળાં બલિયાં, હવાશેરનાં હાંકરાં …” એવાં એનાં કંઈક ઘરેણાં મા ઘણી વાર સંભારતી. સોના-ચાંદીના આ દાગીના વેચીને, વ્યાજુકા રૂપિયા લાવીને, ઉછી-ઉધાર કરીને, કાળી મજૂરી કરીને એણે અમને ભણાવ્યાં. છતાં એણે ભાગ્યે જ કદી ‘હું નહીં હોઉં ત્યારે મારા ઓરતા આવશે’ એમ કીધું છે. એ તો કહેતી : ‘મારે સું, ઉં તો હારાના હાતર કેસ … જે કરો એ થોડાના હાતર … હું કંઈ કાયમ થોડી જોવા રેવાની સું …’

અમે બધાં ભાઈ-બહેન ભણીગણીને સારી નોકરીઓ મેળવી થાળે પડ્યા ત્યારે પણ આખી જિંદગી અભાવોમાં જીવેલી માએ નિરાંત ન લીધી. પિતાના અવસાન પછી માની જવાબદારીઓ વધી ગઈ હતી. ઉંમરના વધવા સાથે ભણતર અને સમજણમાં કાચાં જણાતાં મોટાભાઈનાં બાળકો માની ચિંતાનો વિષય હતાં. માની નજરે ભાભીઓની અણઆવડત એને વારંવાર સાસુપણું દાખવવા ઉશ્કેરતી હતી. “હું લોકોનાં છોકરાંની વાતો કરતી’તી અને મારા જ ઘરમાં આવાં છોકરાં’ એમ મા વેદના સાથે કહેતી. શાયદ આ જ વેદનામાંથી મા નાના ભાઈ દિનેશ માટે ‘ભણેલી અને નોકરી કરતી વહુ’ લાવી હતી.

સુગરીના માળાની જેમ તણખલે-તણખલે બનાવેલા રાજપુરના સંયુક્ત કુટુંબના ઘર પ્રત્યે માને ગજબનો લગાવ હતો. રાજપુરનું ઘર એટલે માનું રજવાડું. મા એટલે પાવર (સત્તા) અને પાવરહાઉસ (શક્તિનો ભંડાર) એની પ્રતીતિ અહીં પળેપળે થતી. અમે બધા ભાઈઓ અહીં આ ઘરમાં સુખેદુઃખે સાથે જ રહીએ એવો એનો આગ્રહ રહેતો .. એ ઘરમાં પડતી સંકડાશ, જરૂરિયાતોનો અભાવ અને અમને નોકરીને કારણે અપડાઉનમાં પડતી મુશ્કેલીઓ માની કોઈ વિસાતમાં નહોતાં. અમે અન્યત્ર સારાં મકાન બનાવીએ તેનાથી એ બેહદ ખુશ થતી. પણ તેને ઘર બનાવીએ તે જાણે કે તેને મંજૂર નહોતું. પિતાની હયાતીમાં, એમની મરણમૂડીમાંથી, મણિનગરમાં એક રૂમ-રસોડાનું મકાન માએ ભારે જહેમત કરીને બનાવ્યું હતું. પણ કોમી કે અનામતનાં તોફાનોમાં સંચારબંધી સમયે થોડા દિવસ પૂરતો જ એનો ઉપયોગ થતો. કોઈ ત્યાં રહેવા જતું નહીં.

માની આરંભિક નારાજગી પછી એક પછી એક ભાઈઓ રાજપુરના ઘરથી જુદા પડતા ગયા પણ મા અમારા લાખ વાનાં છતાં કોઈના ભેગી રહેવા ના ગઈ. નાના ભાઈ રાજુએ છેલ્લે જુદારું કર્યું, એ પછીનાં પાંચેક વરસ રોજ રાજુ-નીલાના ઘરેથી ટિફિન આવે એવી ગોઠવણ કરાવીને મા એકલી રાજપુરના ઘરમાં રહી. ૨૦૧૩માં બહેન નિવૃત્ત થયાં ત્યારે હું હઠ કરીને તેને અમારી સાથે ગાંધીનગર રહેવા લઈ આવ્યો. એ છેલ્લે કોરોનાગ્રસ્ત થઈ અને કોવિડ હૉસ્પિટલમાં દાખલ કરવી પડી તે પૂર્વે અનાયાસે જ એને રાજપુરના જૂના ઘરે લઈ જવાની થયેલી તે મોટું આશ્વાસન છે.

ધાર્મિક વૃત્તિની મા માટે દેવ એટલે સત્યનારાયણ. રોજ સવારે ઊઠીને ‘સતનારણદેવનો જે, આશનો આધાર વાલાજી’ કહેતી મા જેટલી સત્યનિષ્ઠ અને આશાવાદી હતી એટલી જ પરગજુ  હતી. ઘરના ન હોય તો અડોશપડોશના કે પછી કુટુંબ-સમાજના કોઈ ને કોઈ કામે મા કાયમ દોડાદોડી કરતી રહેતી. “ભઈ શું હારે બાંધી જવાનું સ.’ એમ કહેતી માની લોકચાહના ગજબની હતી. મારી ડઈમા (માનું નામ ડાહીબહેન હતું) મારી જ નહીં, રસ્તામાં જનારની પણ ‘ડઈમા’ થઈ જતી.

મહારાષ્ટ્રના અને એના ચીલે દેશના કેટલાક પ્રગતિશીલો અને કર્મશીલો પોતાની ઓળખમાં પિતાને બદલે માતાનું નામ લખે છે. પણ અમારે એવું કરવાની જરૂર પડી નથી. મોટાભાઈ અમદાવાદના રેલવે-સ્ટેશન પર ટિકિટ-કલેકટર તરીકે નોકરી કરતા હતા ત્યારે ઘણા પરિચિત લોકો સ્ટેશન પર એમને ચેકરસાહેબ કે મહેરિયાસાહેબને બદલે ‘ડઈમાના દીકરા’ કે ‘છોકરા’ તરીકે ઓળખતા. રાજપુર-ગોમતીપુરમાં અમને બધાં ભાઈબહેનોને અમારા નામ કે અટકને બદલે અમને ‘ડઈમાના દીકરા’ કે ‘દીકરી’ તરીકે જ લોકો વધુ ઓળખતા હતા.

વાણિયા-બામણનાં ભણેલાં-ગણેલાં, શાણા-સમજદાર સંતાનોને મા ‘ડઈમાના દીકરા’ તરીકે ઓળખાવતી. અમે પણ ભણી-ગણી, સારી નોકરીઓ મેળવી, સમજદાર બની એ અર્થમાં ‘ડઈમાનાં દીકરા–દીકરી’ બની શક્યાં એમાં અમારી અભણ, રાંક પણ મજબૂત માનો ફાળો નાનોસૂનો નથી.

સંતાનમાત્રની નિયતિ, ‘માએ મને જન્મ આપ્યો, મેં માને અગ્નિદાહની’ હોય છે. પણ શું માએ માત્ર જન્મ જ આપ્યો છે ?

પૂર્વ અમદાવાદના રાજપુર વિસ્તારની દલિત-કામદાર વસ્તીની અબુ કસાઈની જે ચાલીમાં અમે રહેતાં હતાં ત્યાં દલિતોનાં પચાસેક ઘર હતાં. સરકારી નોકરીઓમાં અનામતનો લાભ તો એ તમામ ઘરનાં સંતાનોને મળતો હતો. પણ માંડ પાંચેક ઘર જ એનો લાભ લઈ શક્યા. કેમ કે અનામતની પૂર્વશરત શિક્ષણનો બહુધા અભાવ હતો. અમારાં માવતર અમને તે અપાવી શક્યાં હતાં, તેથી થોડી અમારી પ્રતિભા અને ઝાઝા માએ, બાએ, પંડે ભારે મહેનત-મજૂરી કરીને અને અમને મજૂરીથી છેટા રાખીને અપાવેલા શિક્ષણ થકી રાજપુરની દોજખભરી જિંદગીમાંથી અમે બહાર નીકળી શક્યાં.

રાજપુરના માથે લોખંડના પતરાના મકાનમાંથી અમે બધાં ભાઈ-બહેનો અમદાવાદ-ગાંધીનગરમાં મેડીબંધ મકાનો બનાવી શક્યાં, એક સાઇકલ લેવાનાં ફાંફાં હતાં તેના સ્થાને મારા સિવાયનાં તમામ ભાઈ-બહેનો ફોરવ્હીલર્સ વાહનોના માલિકો બની શક્યાં, મા-બાએ કાંધા ભરીને, વ્યાજે રૂપિયા લઈને, દરદાગીના વેચીને અમને ભણાવ્યાં, એટલે જ આજે અમે ફિક્સ ડિપૉઝિટ અને મિચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરી શક્યાં છીએ. પંખો તો ઠીક, બારી વગરના ઘરમાં જન્મ્યાં, ઊછર્યાં, મોટાં થયાં, શિક્ષણ મેળવ્યું, નોકરીએ લાગ્યાં ત્યારે આજે વાતાનુકૂલિત ઓફિસો અને ઘર પામી શક્યા છીએ. મા કદી પાવાગઢ જવાની પાવલીનો જોગ કરી શકી નહોતી. અમે એને ઝાંઝરકે, રણુંજે, ચોટીલે તો ઠીક છેક તિરુપતિના દર્શન કરાવી શક્યા. આ બધી ભૌતિક સુખસગવડોનું તો જાણે સમજ્યા પણ જ્યાં દારૂ, જુગાર, ગાળાગાળી અને મારામારીની બોલબાલા હતી, એવા વિસ્તારમાં અને એ ય જાહેર રસ્તે આવેલા ઘરમાં રહીને અમે નિર્વ્યસની, ભણેશરી, અહિંસક એવા સારા માણસ અને નાગરિક બની શક્યાં તે પ્રતાપ માના શિક્ષણનો છે.

અવસાનના છેલ્લા પાંચેક મહિના મા નાના ભાઈ દિનેશના ઘરે હતી. એ દિવસોમાં પાંચમી સપ્ટેમ્બર ૨૦૨૦ના શિક્ષક દિને મહેરિયા ફૅમિલીના વ્હોટ્‌સઅપ ગ્રૂપમાં સવારસવારમાં દીપિકા( દિનેશનાં પત્ની)એ છાપું વાંચતી માનો ફોટો શેર કર્યો હતો અને નીચે લખેલું; “મા ભલે ભણ્યાં નથી, પણ છાપું તો રોજ હાથમાં લેવા અને પાનાં ફેરવવા એમને જોઈએ જ. જે ભણ્યાં નથી પણ અમને ભણાવ્યાં છે, એવાં અમારાં માને, અમારા સાચા શિક્ષકને, શિક્ષક દિને વંદન.” માના જીવનકાર્યને, એની હયાતીમાં, આખા પરિવારની લાગણીનો પડઘો પાડતી, એની ‘ભણેલી વહુ’એ આપેલી એ શ્રેષ્ઠ અંજલિ વાંચીને હું ન્યાલ થઈ ગયેલો.

જાણીતા મરાઠી દલિતલેખક દયા પવારે એમની આત્મકથા ‘બલુંત’ની આરંભિક અર્પણ પંક્તિઓમાં લખ્યું છે : “મા તારે જ કારણે દલિતોનાં વિરાટ દુઃખોના દર્શન થયાં.” મારે જો કોઈ પુસ્તક લખવાનું થશે, તો એની અર્પણ પંક્તિ હશે : “મા તારે જ કારણે જગતનાં સઘળાં સુખ મળ્યા”.

(સાભાર : “સાર્થક જલસો-૧૫”, ઑક્ટોબર 2021; પૃ. 56 – 62 )

E-mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2021; પૃ. 12-14

Loading

...102030...1,6611,6621,6631,664...1,6701,6801,690...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved