Opinion Magazine
Number of visits: 9663812
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બંધારણસભામાં ડૉ. આંબેડકરનું છેલ્લું વક્તવ્ય

રમેશ ઓઝા|Opinion - Opinion|31 August 2025

રમેશ ઓઝા

૨૫મી નવેમ્બર ૧૯૪૯ના રોજ, બંધારણસભાની બેઠકોના છેલ્લા દિવસે, બંધારણ ઘડવા માટેની મુસદ્દા સમિતિના વડા ડૉ. આંબેડકરે તેમનું છેલ્લું વક્તવ્ય આપ્યું હતું. તેમનું એ વક્તવ્ય તેમણે ૧૭મી ડિસેમ્બર ૧૯૪૬ના રોજ બંધારણ સભામાં બંધારણના ઉદ્દેશના ઠરાવ (ઓબ્જેક્ટીવ રિઝોલ્યુશન) પર આપેલા વક્તવ્ય જેટલું જ અપ્રતિમ હતું. તેમનું ૧૯૪૬ની સાલનું વક્તવ્ય સાંભળીને બંધારણસભાના સભ્યો દંગ રહી ગયા હતા અને તેમને બંધારણ ઘડવાના મુસદ્દા સમિતિના વડા બનાવ્યા હતા. દેશના વ્યાપક હિતમાં રાષ્ટ્રીય સર્વસંમતિ વિકસાવવા કોઈ માણસ કેટલી હદે આગ્રહો છોડીને નીચે ઉતરી શકે એનું એ ઉદાહરણ હતું. ડૉ. આંબેડકર બોલતા હતા ત્યારે કેટલાક સભ્યોને લાગતું હતું કે સાક્ષાત જવાહરલાલ નેહરુ બોલી રહ્યા છે. જવાહરલાલ નેહરુએ જ ઓબ્જેક્ટીવ રિઝોલ્યુશન બંધારણસભામાં ૧૩મી ડિસેમ્બરે રજૂ કર્યું હતું અને તેના પર ચર્ચા ચાલી હતી. 

બંધારણ ઘડાયું, તેને બંધારણ સભાની સામાન્ય સભાએ ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ અપવાદ વિના સર્વાનુમતે મંજૂર રાખ્યું અને ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ તેને લાગુ કરવામાં આવ્યું. ભારત તેના ઇતિહાસમાં પહેલીવાર પ્રજાસત્તાક બન્યું. પ્રજાસત્તાક એટલે પ્રજાનું રાજ્ય. 

પણ જે લોકોએ સક્રિય યોગદાન આપીને બંધારણ ઘડ્યું હતું એ લોકોને ત્યારે જ ખબર હતી કે ભારતનાં બંધારણ પર અને લોકતંત્ર પર જોખમ આવી શકે છે. નાનામોટા મતભેદો ભૂલીને જે એકવાક્યતા બંધારણસભાની અંદર જોવા મળી એ એના એ જ સ્વરૂપમાં બહાર નથી. બહાર ત્રણ પરિબળો કે જૂથો એવાં છે જેમને આપણે કલ્પેલો ભારત દેશ સ્વીકાર્ય નથી અને તેમની ભારત વિશેની કલ્પના અલગ છે. એ ત્રણ જૂથો કે પરિબળોમાં પહેલું પરિબળ સામ્યવાદીઓનું. બીજું પરિબળ હિન્દુત્વવાદીઓનું અને ત્રીજું પરિબળ સામંતી સમાજવ્યવસ્થા જળવાઈ રહે તેમાં પોતાનું હિત જોનારા રાજવીઓ, જમીનદારો અને પુરોહિતોનું. આમાંથી ત્રીજું પરિબળ સંગઠિત નહોતું, પણ પ્રભાવશાળી જરૂર હતું. દેખીતી રીતે તેમને સામ્યવાદીઓ ન પરવડે એટલે તેઓ હિન્દુત્વવાદીઓને અને કાઁગ્રેસમાંના રૂઢિચુસ્તોને મદદ કરતા હતા. એ સમયે હિન્દુત્વવાદીઓ ખાસ રાજકીય તાકાત નહોતા ધરાવતા એટલે તેઓ જમણેરી રૂઢિચુસ્ત કાઁગ્રેસીઓને અને તેમણે રચેલા સ્વતંત્ર પક્ષને મદદ કરતા હતા. 

ભીમરાવ આમ્બેડકર

ખેર, આપણે વાત કરી રહ્યા છે આશંકાની. ભારતનું બંધારણ અને લોકતંત્ર યાવત્ચન્દ્ર દિવાકરૌ સુરક્ષિત રહેશે તેની ખાતરી નહોતી. માટે ૨૫મી નવેમ્બર ૧૯૪૯ના રોજ સારસંક્ષેપી ભાષણમાં ડૉ. આંબેડકરે કહ્યું હતું: “અત્યારે મારા મનમાં બે સવાલ ઘોળાઈ રહ્યા છે. શું ભારત તેની આઝાદી જાળવી શકશે? કારણ કે ભારતને પરાજિત કરનારા કે કરાવનારા ભારતીયો જ હતા. બીજો સવાલ એ કે શું ભારત લોકશાહી જાળવી શકશે?” અને પછી કહે છે કે “આ દેશમાં અનેક વિચારો, માન્યતાઓ અને આગ્રહો (તેમણે અંગ્રેજીમાં creed શબ્દ વાપર્યો છે.) એવાં છે જેને તેઓ દેશ કરતાં ઉપરવટ સમજે છે. તેઓ વ્યાપક દેશહિતની વિરુદ્ધ જઈને પણ પોતાની કલ્પનાનો દેશ સાકાર કરવા માગે છે. … તો શું ભારત લોકતંત્ર ગુમાવશે? મને ખબર નથી, પણ એવું બની શકે છે. એવું પણ બને કે દેખવા પૂરતું લોકતંત્રનું માળખું જળવાઇ રહે, પણ વાસ્તવમાં સરમુખત્યારશાહી હોય.” પણ એવું ક્યારે બને? આ માણસની મૌલિકતા જુઓ. “If there is a landslide, the danger of the second possibility becoming actuality is much greater.” જ્યારે ચોક્કસ વિચારધારાનો જુવાળ પેદા થાય (તેમણે landslide શબ્દ વાપર્યો છે.) ત્યારે. અત્યારે હિન્દુત્વની landslideનો અનુભવ થઈ રહ્યો છે. 

ડૉ. આબેડકર તો દલિત હતા એટલે લોકશાહી જળવાઈ રહે એમાં દલિતો અને વંચિતોનું તેમણે હિત જોયું હતું. લોકશાહી એટલે પ્રજાનો અવાજ. લોકશાહી એટલે પ્રજાની સ્વતંત્રતા. લોકશાહી એટલે પ્રજાની સત્તા અને લોકશાહી એટલે કાયદાનું રાજ. પ્રજા પ્રત્યે અને કાયદા પ્રત્યે જવાબદારી ધરાવતું રાજ. સવર્ણો સમાજની સીડી પર ઉપરનું સ્થાન ધરાવે છે એટલે તેઓ વર્ચસ ભોગવે છે, ચડિયાતાપણાની સ્વતંત્રતા ભોગવે છે એટલે તેમને લોકશાહીની જરૂર નથી એમ જો તમે માનતા હો તો તમે ભૂલ કરો છો. કનૈયાલાલ મુનશી પણ આવો જ અભિપ્રાય ધરાવતા હતા. તેઓ બ્રાહ્મણ હતા અને હિંદુ હોવા માટે ગર્વ ધરાવતા હતા. તેઓ પણ ડૉ. આંબેડકરની સાથે બંધારણ ઘડનારી મુસદ્દા સમિતિના સભ્ય હતા અને બંધારણ ઘડવામાં તેમનો પણ મોટો ફાળો હતો. તેમણે સુદ્ધાં અનેકવાર કહ્યું છે કે કાયદાના રાજમાં માત્ર માત્ર દલિતો, વંચિતો, લઘુમતી કોમોનોને જ સુરક્ષા નથી મળતી, બહુમતી પ્રજાને પણ તેમાં ફાયદો છે. વર્ચસ ધરવાનારાઓના કાયદામાં અને  દેશના કાયદામાં ફરક છે. વર્ચસ ધરાવનારાઓના રાજમાં અને કાયદાના રાજમાં ફરક છે. કઈ રીતે એ હું સમજાવું. વર્ચસ ધરાવનારાઓ સાપેક્ષ છે. તેઓ બદલાતા રહે છે, તેમનો સ્વાર્થ બદલાય છે, પોતાની વગ કાયમ માટે ટકી રહે એ માટે તેઓ ટોળકી રચશે અને સત્તા પર કબજો કરશે. આ બાજુ બંધારણ આધારિત કાયદાનું રાજ સમૂહનિરપેક્ષ હોય છે. 

કનૈયાલાલ મુનશી

કનૈયાલાલ મુનશીને પણ ભારતમાં લોકશાહી ટકશે કે નહીં એ વિચે ચિંતા થતી હતી. ડૉ. આંબેડકરની માફક તેમને પણ ખબર હતી કે દેશમાં કેટલાક પરિબળ એવાં છે જેમના વિચાર, માન્યતા અને આગ્રહો રાષ્ટ્રહિત કરતાં પણ આત્યંતિક છે. દેશનું થવું હોય તે થાય, પણ દેશ તો આવો જ હોવો જોઈએ. 

તેઓ કોનાથી ભયભીત હતા? ૧૯૪૯ની સાલમાં કનૈયાલાલ મુનશીને ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ના તંત્રી દેવદાસ ગાંધીએ આઝાદ ભારતના ભવિષ્ય અને પડકારો વિષે લખવા કહ્યું હતું. તેમના લેખનું શીર્ષક હતું : ‘ધ આર.એસ.એસ. એન્ડ ધ કોમ્યુનિસ્ટ’ તેમાં તેઓ લખે છે કે ગાંધીજીએ વિકસાવેલો મધ્યમમાર્ગ અને નેહરુ-સરદારના અભિગમની પરસ્પર પુરકતા જો જળવાઈ રહે તો જ દેશનું ભવિષ્ય સુરક્ષિત છે. જો એ સુર્વણ-મધ્ય સર્વસમાવેશકતા અને અભિગમની પરસ્પર પુરકતા ગુમાવી દીધી તો સામ્યવાદીઓ અથવા હિન્દુત્વવાદીઓ હાવી થઈ જશે અને એ લોકોની કલ્પનાનું ભારત જૂદું છે. કનૈયાલાલ મુનશી લખે છે : “If the C.P.I. wins, India will be in chaos; if the R.S.S. wins India may lapse into a strong Fascist State.” 

ડૉ. આંબેડકર અને કનૈયાલાલ મુનશીને જે વાતનો ડર હતો એ આજે સાચી પડી રહી છે. એક દલિત અને બીજા હિંદુ બ્રાહ્મણ. એક સદીઓથી વંચિત અને એક સદીઓથી વર્ચસ્વી. એકની કોમનો હાથ નીચે હતો, બીજાની કોમનો હાથ ઉપર હતો. પણ એ બન્નેને લાગતું હતું કે લોકતંત્ર પર આગ્રહી વિચારધારા ધરાવનારાઓ તરફથી ખતરો છે અને લોકતંત્ર જળવાઈ રહે એમાં દરેકનો સ્વાર્થ છે. ડૉ. આંબેડકર જે સમાજમાંથી આવતા હતા તેનો પણ અને મુનશી જે સમાજમાંથી આવતા હતા તેનો પણ. 

ડૉ આંબેડકરે કહ્યું ભાખ્યું હતું એમ અત્યારે દેશમાં લોકતંત્રનું ખોખું બચ્યું છે અને વાસ્તવમાં સરમુખત્યારશાહી છે. ચૂંટણીપંચ ભારત સરકારનું ચૂંટણીપંચ બની ગયું છે. એકવાર ટી.એન. શેષને કહ્યું હતું કે આય એમ અ ચીફ ઈલેકશન કમિશનર ઓફ ઇન્ડિયા નોટ ઓફ ઇન્ડિયન ગવર્નમેન્ટ. લોકોની નાગરિકતા સાથે અને મતના અધિકાર સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. લોકોને મત આપવાથી વંચિત રાખવામાં આવે છે અને ભૂતિયા મતદાતાઓને નામે મતદાન થાય છે. વડી અદાલતના અને  સુપ્રીમ કોર્ટના કેટલાક જજ બીકાઉ અને પક્ષપાતી છે. મીડિયાની વાત જ કરવા જેવું નથી. કનૈયાલાલ મુનશીએ કહ્યું હતું એમ આની સૌથી મોટી કિંમત બહુમતી હિંદુઓને ચૂકવવાની આવશે, કારણ કે તેઓ બહુમતીમાં છે અને કાયદાના રાજમાં તેમનો વધારે મોટો સ્વાર્થ છે. 

જો તમને આવું ન લાગતું હોય તો લખી રાખજો તમે એક બેજવાબદાર અને નિંભર નાગરિક છો. મુસલમાનનું અહિત કરવા માટે તમે તમારા સંતાનનું અહિત કરી રહ્યા છો. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 31 ઑગસ્ટ 2025

Loading

‘મારો દુર્વ્યવહાર એ જ મારો સંદેશ છે !’

રમેશ સવાણી|Opinion - Opinion|30 August 2025

એક રેલીમાં, એક અજાણી વ્યક્તિએ વડા પ્રધાનને અપશબ્દ કહ્યા. તેથી વડા પ્રધાનનું આખું તંત્ર અશાંત છે. રાહુલ ગાંધી પાસે માફી માંગવાની માંગ છે. 

પરંતુ સત્ય એ છે કે મોદી પોતે વાવેલા ફસલને લણી રહ્યા છે. ઇતિહાસ નરેન્દ્ર મોદીને એવા નેતા તરીકે યાદ કરશે જેમણે મુખ્ય પ્રવાહમાં અપશબ્દો અને અસભ્યતા સ્થાપિત કરી. 

ગુજરાતમાં સત્તામાં આવ્યા ત્યારથી તેમના મોંમાંથી અપશબ્દોનો પ્રવાહ વહેતો રહ્યો છે. તેમનો માર્ગ વિપક્ષનું અપમાન કરવાનો અને તેમના પર બિનસંસદીય શબ્દોનો વરસાદ કરવાનો રહ્યો છે.

2002ના રમખાણો પછી તરત જ, ગુજરાત ગૌરવ યાત્રામાં, તેમણે સતત એક સમુદાય પ્રત્યે અસંવેદનશીલતા અને તિરસ્કાર દર્શાવ્યો. તેમણે મુસ્લિમોથી ભરેલી રાહત શિબિરોને બાળકો ઉત્પન્ન કરતી ફેક્ટરીઓ ગણાવી !  અને મહેસાણામાં, તેમણે ‘હમ પાંચ હમારે પચ્ચીસ’ કહીને તેમની મજાક ઉડાવી. આ રમખાણો પીડિતો સામે થયેલા ગુનાઓને સીધું પ્રોત્સાહન હતું. ત્યારથી આજ સુધી તેઓ કપડાં, ઘુસણખોર, કબ્રસ્તાન અને સ્મશાનગૃહ દ્વારા ઓળખ જેવી ટિપ્પણીઓ કરી રહ્યા છે.

તેમને સ્ત્રીઓ પર ખાસ કૃપા છે. ૫૦ કરોડની કિંમતની ગર્લફ્રેન્ડ, જર્સી ગાય, કાઁગ્રેસની વિધવા, દીદી ઓ દીદી એ ઇતિહાસમાં તેમના અવિસ્મરણીય શબ્દસમૂહો છે.

વ્યક્તિગત ટોણા તેમની શૈલી છે. નેહરુ અને સોનિયા તેમના પ્રિય વિષયો છે. તેમણે રાહુલ ગાંધી પર અપશબ્દોને સમગ્ર ભારતમાં કુટીર ઉદ્યોગ બનાવી દીધો છે.

પરંતુ વિપક્ષની સાથે, તેમણે બંધારણીય સંસ્થાઓને પણ બક્ષ્યા નહીં. તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર જે.એમ. લિંગદોહ પર વ્યક્તિગત રીતે ટોણા મારતા રહ્યા, એટલા માટે તો અટલ બિહારીએ તેમને ચૂપ કરવા પડ્યા.

જો રાજા બગીચામાંથી ફૂલ તોડે છે, તો સેના તેને મૂળમાંથી ઉખેડી નાખે છે. આ સેના તેમનો આઈ.ટી. સેલ, એન્કર અને પ્રવક્તા છે.

મોદીએ તેમના નાસમજ, મૂર્ખ અને જાતીય રીતે હતાશ મતદારોને બેશરમ, અભદ્ર રાજકીય સેનામાં પરિવર્તિત કરી દીધાં. 

તેમના સમર્થકો સોશિયલ મીડિયાથી લઈને ચોક-રસ્તા-બગીચાઓ અને તેમના ઘરની ચાર દીવાલોની અંદર મુક્તપણે ખરાબ ભાષાનો ઉપયોગ કરતા હતા.

મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે, દરરોજ સાંજે ટી.વી. પર એક સર્કસ શરૂ થતું હતું. એન્કર ઉશ્કેરણીજનક મુદ્દાઓ પસંદ કરતા હતા અને ઉશ્કેરણીજનક ભાષામાં બોલતા હતા. તેઓ એક પક્ષને ખુલ્લેઆમ દુરુપયોગ કરવા અને જૂઠું બોલવાની છૂટ આપતા હતા. 2019 સુધીમાં, ટી.વી. ખુલ્લામાં અપશબ્દો બોલવાનું અને અપશબ્દો બોલવાનું તાલીમ કેન્દ્ર બની ગયું હતું.

હવે, ફક્ત તે નેતાઓ અને પ્રવક્તાઓ જ પ્રમોટ થાય છે જે જૂઠું બોલે છે અને અપશબ્દો બોલે છે. કોઈ પણ ઉચ્ચ કક્ષાની વ્યક્તિ તેમની સામે ટકી શકતી નથી. તેથી, હવે, શાસક પક્ષ હોય કે વિપક્ષ, દરેક વ્યક્તિ અપશબ્દો બોલવાની સંસ્કૃતિમાં સંપૂર્ણ રીતે તાલીમ પામેલા છે.

મોદીની જાહેર સંદેશાવ્યવહાર પ્રણાલી મૂળભૂત રીતે અપશબ્દો બોલવાની પ્રણાલી છે. અસંસ્કારી અને બેશરમ ભાષાએ દરેક ખૂણામાં ઝેર ફેલાવી દીધું છે.

સામાન્ય કાર્યસ્થળમાં, મીટિંગ્સ, દ્વિપક્ષીય વાર્તાલાપ, શૈક્ષણિક ક્ષેત્રો અથવા સામાન્ય મંચોમાં, અપશબ્દો બોલવા હવે અનિચ્છનીય નથી, પરંતુ સામાન્ય છે.

એક સરળ ચર્ચામાં, અવજ્ઞા, જૂઠું બોલવું અને વરિષ્ઠ વ્યક્તિનું વ્યક્તિગત અપમાન હવે હાથવગાં શસ્ત્રો છે. ચર્ચામાંથી કોઈ નિષ્કર્ષ કાઢવો મુશ્કેલ છે.

સૌથી ખતરનાક બાબત એ છે કે આ આદતે યુવાનોને બેરોજગાર બનાવી દીધા છે. આ પેઢી હવે નોકરી મેળવવા અને ઉપયોગી કામ આપવા માટે યોગ્ય નથી.

મોદીએ ભારતની ભાષા બદલી નાખી છે. તેમના રાજકીય જીવનની સાંજે, તેમની પાસે આ વારસાને બદલવા માટે સમય બચ્યો નથી. બીજી કોઈ ઊંડી, ક્રાંતિકારી સિદ્ધિની ગેરહાજરીમાં, આ શબ્દકોશ તેમનું યોગદાન છે.

મહાત્મા ગાંધીનું પ્રખ્યાત વાક્ય છે – મારું જીવન મારો સંદેશ છે.

દુરુપયોગની સંસ્કૃતિ મોદીનો સંદેશ છે. સંદેશ હવે તેમની પાસે પાછો ફરી રહ્યો છે. આ દેશમાં દુરુપયોગની સુનામી બનાવનાર નેતા હવે પોતે દુરુપયોગની સુનામીમાં ડૂબી રહ્યા છે.

તો ફરિયાદ કેમ કરવી જોઈએ? તમારે ન કરવી જોઈએ. આ પાક તેમણે વાવ્યો છે. તે તેમનો ઇતિહાસ છે, તે તેમનો વારસો છે.

‘મારો દુર્વ્યવહાર એ જ મારો સંદેશ છે !’ 

[સૌજન્ય : મનીષસિંહ, ‘X’ ઉપર, 
કાર્ટૂન સૌજન્ય : કીર્તીશ ભટ્ટ]
29 ઓગસ્ટ 2025. 
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સરકારી સ્કૂલો, કોલેજો બંધ થાય એને માટે સરકાર જ મહેનત કરે છે…..

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 August 2025

રવીન્દ્ર પારેખ

અંગ્રેજી માધ્યમની સ્કૂલોને લાઈસન્સ આપીને અને ગુજરાતી માધ્યમની સ્કૂલોને બંધ કરીને ગુજરાત સરકારે દાટ વાળ્યો છે, તો, બીજી તરફ ખાનગી સ્કૂલોને ઉત્તેજન આપવાનો ને સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોને બંધ કરવાનો ઉપક્રમ એક નફાખોર વેપારીની જેમ રાખીને, સરકારે ધંધો જ કર્યો છે. સાચું તો એ છે કે સરકારને સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી ચલાવવાનું જીવ પર આવે છે, એટલે તે બંધ થાય અને ખાનગી સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીને ઉત્તેજન મળે એવી પેરવી કર્યા કરે છે, જેથી સરકારનો એજ્યુકેશન પર ખર્ચો બચે ને સરકારી અધિકારીઓ, વિધાનસભ્યોની ખાનગી શિક્ષણ સંસ્થાઓને ઉત્તેજન મળે ને તેમની કમાણી વધે. આવો હેતુ હોય તો, તે શરમજનક છે. સરકાર, ગ્રાન્ટેડ ને સરકારી સ્કૂલ, કોલેજો ને યુનિવર્સિટીઓ ચલાવે છે ને તેનો ખર્ચ ઉપાડે છે તો તે ઉપકાર નથી કરતી. આ ખર્ચ સરકાર, પ્રજાના જુદા જુદા ટેક્સમાંથી કરે છે. સરકાર એટલી ગરીબ નથી કે તેનો સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટી ચલાવવામાં હાથ તંગ રહે. ખરેખર, તો તે બધું ખાનગી સંસ્થાઓને સોંપીને હાથ ઊંચા કરી દેવા માંગે છે. આમ તો શિક્ષણ ‘ખાતું’ છે, પણ તે તઘલખી કારભાર માટે ‘ખ્યાત’ છે. એને એટલા બધા તુક્કાઓ આવે છે કે શિક્ષણનો ધુમાડો થયા વગર રહે નહીં !

પ્રાથમિકથી માંડીને યુનિવર્સિટી સુધીમાં સરકારનો હેતુ – ખાનગીને ઉત્તેજન અને સરકારી કે ગ્રાન્ટેડનું ઉઠમણું – એટલો જ રહ્યો છે. સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિકમાં શિક્ષકોનો દુષ્કાળ સર્જીને અને છે તે શિક્ષકોને શિક્ષણેતર પ્રવૃત્તિમાં જોતરીને, સરકારે પ્રાથમિકથી જ બાળકોને શિક્ષણથી વંચિત કર્યાં છે. તે એટલે પણ કે તેઓ ભણીગણીને, વિચારશીલ બનીને સામે શિંગડાં ન કરે. શિક્ષણ સંસ્થાઓ ચાલે, પણ શિક્ષણ ન ચાલે એવી વ્યવસ્થા યુનિવર્સિટી સુધી કરી દેવાઈ છે. સ્કૂલો બંધ કરવાનું હવે કોલેજો બંધ કરવા સુધી વિસ્તર્યું છે. મોટે ઉપાડે કોલેજો તો ખૂલી, પણ હવે તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા જ પૂરતાં પ્રમાણમાં નથી.

ગુજરાત કોમન એડમિશન સર્વિસથી 2025-’26 માટે અન્ડર ગ્રેજ્યુએટ એડમિશન ગયા જૂનથી શરૂ થયાં. એડમિશન્સ ત્રણ તબક્કાઓમાં 19 ઓગસ્ટે પૂરાં થયાં, છતાં વીર નર્મદ યુનિવર્સિટીમાં ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોમાં 22,745 સીટ ખાલી રહી છે. કોણ જાણે કેમ, પણ ગ્રાન્ટેડ તેમ જ સરકારી આર્ટસ, સાયન્સ, કોમર્સમાં સીટ ખાલી રહે છે. બી.કોમની 5,87૦, બી.એ.ની 12,50૦, બી.એસસી.ની 4,375 બેઠકો વીર નર્મદ યુનિવર્સિટીમાં ખાલી રહી છે. બી.કોમની 5,87૦ ખાલી સીટમાંથી 4,050 ગ્રાન્ટેડમાં અને સરકારી કોલેજમાં 1,820 સીટ ખાલી છે. બી.એ.ની ગ્રાન્ટેડ કોલેજોમાં 6,97૦ અને સરકારી કોલેજોમાં 5,53૦ સીટ ખાલી છે. બી.એસસી.ની ગ્રાન્ટેડ કોલેજોમાં 1,330 અને સરકારી કોલેજોમાં 3,045 સીટ ખાલી છે. આ તો વીર નર્મદ યુનિવર્સિટીની વાત થઈ, રાજ્યની વાત કરીએ તો બી.કોમની 22,920, બી.એ.ની 32,450 અને બી.એસસી.ની 35,250 બેઠકો ખાલી રહી છે. ટૂંકમાં, સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની કુલ 90,620 બેઠકો  ખાલી છે. બી.કોમની ગ્રાન્ટેડ કોલેજોમાં 17,350 અને સરકારીમાં 5,57૦ સીટ ખાલી છે. બી.એ.ની ગ્રાન્ટેડ કોલેજોમાં 24,990 અને સરકારીમાં 7,46૦ સીટ ખાલી છે. બી.એસસી.ની ગ્રાન્ટેડમાં 21,195 અને સરકારીમાં 14,055 સીટ ખાલી છે.

એવું નથી કે વિદ્યાર્થીઓ નથી. વિદ્યાર્થીઓ તો છે, પણ આર્ટસ, કોમર્સ, સાયન્સ ગ્રેજ્યુએટ થવા કરતાં તેમને સેલ્ફ ફાઈનાન્સ કોર્સનું ખેંચાણ વધુ છે, એ સાથે જ રોજગારલક્ષી અભ્યાસક્રમમાં પણ તેમને વિશેષ રુચિ છે. એક તરફ ફોરેન એજ્યુકેશનની નવી ક્ષિતિજો ખૂલી છે, તો પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તથા સેલ્ફ ફાઈનાન્સ કોર્સિસ ઝડપી પ્લેસમેન્ટની ખાતરી આપે છે. આ સ્થિતિમાં ગ્રેજ્યુએટ થઈને શિક્ષિત બેકારમાં ખપવાનું ભાગ્યે જ કોઈ સ્વીકારે. એક તરફ ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોમાં હજારો સીટ ખાલી છે, તો બીજી તરફ કેન્દ્રીય પ્રવેશના નાટક પછી હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે. આ સ્થિતિ આયોજનની ખામીને કારણે થઈ છે. એ કેવી અરાજકતા છે કે એક તરફ એડમિશન નથી ને બીજી તરફ ખાલી જગ્યાઓ ભરાતી નથી !

એ ખરું કે અર્થોપાર્જનની દૃષ્ટિએ વિદ્યાર્થીઓ એવું જ ભણતર કોલેજ કક્ષાએ ઈચ્છે છે. તેઓ ગ્રેજ્યુએટ થઈને નોકરી વગર લાંબો સમય રહેવાનું ન જ ઈચ્છે તે સમજી શકાય એવું છે. ઇવન બી.કોમ. કે બી.એસસી.ને પણ નોકરીના થોડા સ્કોપ છે, પણ આર્ટસ ને તેમાં ય સાહિત્ય શિક્ષણ મેળવનારને શિક્ષક સિવાયની તકો બહુ ઓછી રહે છે. એ સંજોગોમાં જતે દિવસે આર્ટસ કોલેજો બંધ થાય એવા પૂરા સંજોગો છે. 40 વર્ષ જૂની અમદાવાદની ગુજરાત કોલેજ બંધ થવાને આરે છે. ત્યાં એમ.એ., એમ.એસસી.ના વર્ગો ગયે વર્ષે જ બંધ કરવામાં આવ્યા છે. એ ઉપરાંત ઘણી કોલેજો અમદાવાદમાં બંધ થવાને આરે છે. 2022માં સાબરમતી આર્ટસ કોલેજે સામે ચાલીને બંધ કરવાની અરજી કરી. એ અને એવી બીજી કોલેજો એટલે બંધ થાય એમ છે, કારણ તેને સરકાર ગ્રાન્ટમાં 50,000 જ આપે છે. એટલામાં નિભાવ કરવાનું મુશ્કેલ થતાં ને પૂરતો સ્ટાફ ન મળતા તે બંધ જ થાય એમાં નવાઈ નથી. પગાર ન આપવો પડે એટલે સ્ટાફ ન રાખીને કે ગ્રાન્ટ ચીંથરા જેટલી આપીને સરકાર શિક્ષણની જ્યોત જલતી રાખવા માંગે છે, તો એનાથી અજવાળું નહીં, ધુમાડો જ વધે, તે સમજી લેવાનું રહે.

અહીં સવાલ એ થાય કે સાહિત્ય, કલાની પ્રાપ્તિ શી છે? આમ પણ કળા, સાહિત્ય, સંગીત. શિલ્પ-ચિત્રકળાની અનિવાર્યતા આજકાલ બહુ વર્તાતી નથી. જે શિક્ષણ અપાય છે તે પણ હવે કળા, સાહિત્યલક્ષી રહ્યું નથી અને કેવી રીતે ન રહે એની સરકાર ચિંતા કરે છે, એ જોતાં જતે દિવસે આર્ટસ કોલેજ બંધ થાય ને ન થાય તો સાહિત્ય, સંગીત તો બંધ થાય જ એમાં શંકા નથી ! આજે જે પ્રકારનું જીવન સામે આવી રહ્યું છે તે આનંદ આપનારું ઓછું જ છે. જે પ્રકારનો ધર્માંધ અને સંવેદનહીન સમાજ બહાર આવી રહ્યો છે તે કોઇથી અજાણ્યો નથી. શાળાના વિદ્યાર્થીઓ ચાકુ ચલાવતા થયા છે. આજે જે રીતે હત્યા, આત્મહત્યા, દુષ્કર્મ, હિંસા, શોષણનું વાતાવરણ ઘેરાતું આવે છે, તે આપણી સંવેદના બુઠ્ઠી થઈ રહી છે તેનું પ્રમાણ છે. એક તરફ કળા, સાહિત્ય, સંગીત….નો મહિમા ઘટતો આવતો હોય ને શિક્ષણ પણ સંવેદનહીન થતું આવતું હોય, તો સત્યનું સ્થાન અસત્ય, અહિંસાનું સ્થાન હિંસા અને પ્રેમનું સ્થાન તિરસ્કાર લે એમ બને. આપણે વધુને વધુ મટિરિયાલિસ્ટિક થવા તરફ છીએ, ત્યાં શિક્ષણ પણ એ જ દિશા ચીંધવાનું હોય તો આંસુ પણ ન બને એવી નિષ્ઠુરતા માટે માણસે તૈયાર રહ્યે જ છૂટકો છે. આ બધું અત્યારે બહુ નજરે પડે એવું ન હોય, તો પણ જે ગતિ શિક્ષણની છે તે ભવિષ્ય માટે બધું ન રહેવા દેતાં, વર્તમાનમાં લઇ આવે તો આઘાત ન લાગવો જોઈએ.

કમાવા કે આર્થિક લાભ અંગે ન વિચારવું એવું કહેવાનું નથી, પણ કમાણી આપે તે જ શિક્ષણ એવી વ્યાખ્યા સાકાર થઈ રહી હોય તો તે અંગે વિચારવું જોઈએ. ઉપજાઉ ન હોય તે શિક્ષણ નહીં. સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં ઉપજાઉ ન હોય તેવા વિષયો પ્રવેશી જ ન શકે એવી જડબેસલાક વ્યવસ્થા થાય તો નવાઈ નહીં ! હવેની મમ્મી પોતાનાં બાળકને હાલરડું સંભળાવવાને બદલે શેર બજારના ભાવ સંભળાવે એમ બને. શિક્ષણ આર્થિક બાબતો સાથે સંકળાય તેની ના જ નથી, પણ તે શેરના ભાવની સાથે ગઝલનો શેર પણ સાંભળે તે અપેક્ષિત છે. આપણે રોબોટ્સ તો ઘણાં બનાવ્યાં, પણ શિક્ષણ, માણસને રોબોટ તો નહીં બનાવે ને- એવી દહેશત પાળવા જેવી છે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 ઑગસ્ટ 2025

Loading

...102030...160161162163...170180190...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved