Opinion Magazine
Number of visits: 9961919
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રામભક્ત રંગબાજ : કોમી રંગની વાસ્તવિકતા ચિતરતી નવલકથા!

કિરણ કાપુરે|Opinion - Opinion|23 May 2022

રાકેશ કાયસ્થ હિંદી સાહિત્ય જગતમાં નવું નામ ઉભરીને આવ્યું છે, અને અત્યારે તે નામ ચર્ચામાં છે, તેમની નવલકથા ‘રામભક્ત રંગબાજ’ના કારણે. રાકેશ કાયસ્થ મૂળે પત્રકાર છે અને તેઓ દેશના ગ્રામિણ પરિવેશથી માંડીને શહેરી ચમકદમક ભર્યાં જીવનને સારી રીતે સમજે છે. તેમનાં પુસ્તકના ફ્લેપ પર આપેલી તેમની ઓળખમાં તેમનું મુખ્ય કાર્ય ન્યૂઝ ટી.વી. ચેનલમાં રાજકીય વ્યંગ લખવાનું રહ્યું છે. તે ઉપરાંત તેમણે ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકિંગ અને ‘મૂવર્સ એન્ડ શેખર્સ’ નામના જાણીતા શૉ માટે સ્ક્રિપ્ટ લખી છે. આ રીતે વર્ષો સુધી તેમનું કાર્ય ન્યૂઝ ટેલિવિઝન સાથે રહ્યું અને આ સાથે તેમણે રાજકીય વ્યંગલેખન પણ કર્યું. તેમનો વ્યંગસંગ્રહ ‘કોસ કોસ શબ્દકોશ’ હિંદી વાચકોમાં ખૂબ વંચાયો છે અને તે પછી તેમની નવલકથા ‘પ્રજાતંત્ર કે પકોડે’ પણ લોકપ્રિય થઈ છે. પણ અત્યારે આવેલી તેમની નવલકથા ‘રામભક્ત રંગબાજ’ની ચર્ચા ખૂબ થઈ રહી છે. જે સમયે આ નવલકથા આવી છે તે સમયમાં તેની કથાવસ્તુ આપણી આસપાસ ભજવાઈ રહી હોય તેમ લાગે છે અને તે કારણે તે વધુ પ્રસ્તુત છે.

હિંદી સાહિત્યમાં રાજકીય ધારદાર વ્યંગ લખવાનો શિરસ્તો ચાલતો આવ્યો છે. હરિશંકર પરસાઈ, શ્રીલાલ શુકલ, શરદ જોશી અને અશોક ચક્રધર જેવાં નામો તેમાં તરત સામે આવે છે. રાકેશ કાયસ્થના વ્યંગ હિંદીના આ જાણીતા વ્યંગકારોમાં સ્થાન પામશે એવો દાવો અત્યારે થઈ રહ્યો છે. આ દાવો થાય છે ખાસ કરીને ‘રામભક્ત રંગબાજ’ નવલકથાના કારણે. જેમાં તેમની કથાવસ્તુ હિંદુ-મુસ્લિમના સંબંધને જોડીને કહેવાઈ છે. પહેલાં તો નવલકથાનું નામ સાંભળીને એમ થાય કે તેમાં હિંદુ રાષ્ટ્રની કલ્પના હશે અને તેમાં હાલમાં થઈ રહેલાં જાતભાતનાં વિવાદોનો શોરબકોર હશે. પરંતુ તેવું જરા ય નથી અને લેખકે શરૂઆતમાં જ આ ભ્રમ ભાંગ્યો છે. અને પછી આપણી આસપાસ જે હિંદુસ્તાની પરિવેશ નિહાળીએ છીએ તે નાજુક દોરાથી જોડાયેલાં સમાજદર્પણ લેખક કરે છે. તેની સાથે એક વાર્તા આગળ વધી રહી છે. વાર્તાનો નાયક છે આશિક. નાયકથી વધુ તેને એક પાત્ર કહેવું યોગ્ય છે. આ પાત્ર મુસ્લિમ છે અને તે દરજીનું કામ કરે છે. આરામગંજ ચૌક પર તેની દુકાન છે અને મુસ્લિમ મહોલ્લા રૈયત ટોલીમાં તેનું ઘર આવેલું છે. તે તેના કામથી વધુ પોતાના વાતો કરવાના અંદાજથી વધુ ઓળખાય છે. અને આશિક દ્વારા જ સંવાદમાં એક વાક્ય આવે છે કે ‘ખાતે તો હમ વહી હૈ, જો હમે હમારે રામજી દેતે હૈ.’ હવે જન્મે મુસલમાન આશિક એક ઘોષિત ‘રામભક્ત’ છે. તે રામભક્ત બન્યો ઇંદ્રદેવ પાંડેના કારણે, જેની પાસે તેનું શિક્ષણ લીધું. માટે જ તે રામ અને રામના મહિમાથી પરિચિત છે અને ઘરમાં જે માહોલ છે તેના કારણે તે અલ્લાહ પણ આસ્થા ધરાવે છે. જો કે પાંડે પાસેથી શિક્ષણ લેતાં લેતાં સહજ રીતે તેના મોઢે રામ વધુ આવે છે. અને તે કારણે આરામગંજના લોકો તેને રામભક્ત કહે છે. તે મહિલા અને પુરુષ બંનેનાં કપડાં સીવે છે અને મહિલાઓ સાથે તેનો ઠીકઠીક પરિચય પણ કેળવાયો છે એટલે આરામગંજના તેના યુવાસાથીઓ તેને ‘રંગબાજ’ કહીને સંબોધે છે.

આપણા દેશના કોઈ પણ નાનાં શહેરોની પૃષ્ઠભૂમિ લઈએ તો ત્યાં આ પ્રકારનું વાતાવરણ જડી આવશે. આશિક જેવા પાત્રો પણ અને તેની આસપાસની આવી રસપ્રદ સૃષ્ટિ પણ. અહીંયા સુધીની કથાવસ્તુ સુંદર રીતે શબ્દમાં ઉતરી છે અને તેમાં ભારતનો એ પરિવેશ દેખાય છે જે સદીઓથી આપણે જીવી રહ્યા છે. જેમાં દોસ્તી છે, સહભાગિતા છે, અને એકબીજા પ્રત્યેનો પ્રેમ પણ ઝળકે છે. અહીંયા હિંદુ-મુસ્લિમોના ઝઘડા થાય તો તેને કોમી રંગ લાગતો નથી. આ ઝઘડાનો દાયરો સીમિત છે.

આ કથાની પૃષ્ઠભૂમિ 1990થી વર્તમાન સુધીની છે અને આરામગંજનો આ માહોલમાં ભંગ ત્યારે પડે છે, જ્યારે અડવાણીની રથયાત્રાનો આરંભ થાય છે. સોમનાથથી અયોધ્યા સુધીની આ યાત્રાનો રાજકીય લાભ તેના શરૂ થતાંવેત જ ભા.જ.પ.ને દેખાવા માંડ્યો. આ વાસ્તવિક ઘટનાને પોતાની કલ્પનાની વાર્તાથી લેખક આગળ વધારે છે, પણ ખરેખર તો આ કલ્પના નથી તેમાં દેશના અનેક નાનાં-નાનાં નગરોનું ચિત્ર આલેખિત થતું જાય છે. રથયાત્રાની ચર્ચા આરામગંજ સુધી પહોંચે છે. હિંદુ-મુસ્લિમનો અહીં ભેદ નહીંવત્ હતો ત્યાં પણ લોકો હવે પોતાને હિંદુ-મુસ્લિમ તરીકે જોવા લાગ્યા. અને તેમાં પિસાય છે પહેલાં આશિકનું દરજીકામ અને પછી તે પોતે. આ રીતે ‘રામભક્ત’ આશિક રાતોરાત આરામગંજમાં મુસલમાનોનું પ્રતિનિધિત્વ કરતો થઈ જાય છે. મુસ્લિમ મહોલ્લામાં આશિક પર પહેલાંથી જ ‘રામભક્ત’નું લેબલ લાગેલું છે. અને એ રીતે તેના માટે ઓળખની મુશ્કેલી તેની સામે આવે છે કે ખરેખર તે કોણ છે? અહીં લેખક પ્રશ્ન કરે છે કે, “ખરેખર એક વ્યક્તિની ઓળખ શું હોય છે, જે તે પોતે માને કે પછી અન્ય ઠરાવે તે?”

ગતિથી આગળ વધતી આ કથામાં કેટલાંક સંવાદ સમાજનું પરિદૃશ્ય બતાવે છે. અસ્પૃશ્યતા વિશે સમજાવવા અર્થે આશિક એક બહેનને કહે છે : “અરે ચાચી ઇ નયા જમાના હૈ, છુઆછૂત ભલા કૌન માનતા હૈ. રામજી ભી તો કેવટ કી નાવ પર ચઢે ઔર શબરી કે જૂઠે બેર ખાએ થે. ગલત બોલ રહે હૈ તો બતાઈએ.” આ વાતને લઈને તે બહેને આશિકને પોતાની હેસિયત દર્શાવી દીધી. તેમણે કહ્યું : “તુમ કૌન રે? બેસી પંડિતાઈ મત છાંટ, ઔકાત ભુલાઈ ગઈલ બાડે તૂ આપન?” આરામગંજમાં હવે કોમી વંટોળ આવી ચૂક્યો છે, જેમાં આશિક ફસાઈ ગયો છે. રાજકીય નેતાઓ અને કોર્પોરેશને આશિકના મહોલ્લા રૈયત ટોલીને ગેરકાનૂની જાહેર કરી છે. એક તરફ  ‘એર ધક્કા ઔર દો બાબરી મસ્જિદ તોડ દો’નો નારો બુલંદ થયો અને બીજી તરફ રામભક્ત રંગબાજના મહોલ્લા પર બુલડોઝર ફેરવી દેવાની તૈયારી થઈ રહી છે. આ નાટકીય ઉતાર-ચઢાવ વચ્ચે કોમી દાવાનળથી સમાજ ધાર્મિક આધારે એટલો વિભાજીત થયો નથી જેટલો દેખાય છે. સ્નેહસંબંધ છે અને ન્યાયના પક્ષે ઊભા રહેનારા પણ છે. આશિકના અબ્બૂ કહે છે કે, “ઇંસાન ચાહે જૈસા ભી હો, મગર અંદર સે અચ્છા હી હોતા હૈ.” આ રીતે નવલકથામાં દરેક પ્રસંગે માણસાઈના રંગ પૂર્યાં છે. જો કે હિંદુ મિત્રોની જ મદદથી આશિક કાયદાકીય લડાઈ જીતે છે અને પોતાનો મહોલ્લો સુરક્ષિત કરી શકે છે. પરંતુ તેના આ વિજય વચ્ચે કોમી દાવાનળ શાંત નથી થયો. અને તે અશાંત માહોલમાં જ આશિકને અર્ધવિક્ષિપ્ત વ્યક્તિ પેટ્રોલ છાંટીને સળગાવી દે છે. હત્યા કરનાર નિરંતર એવું સાંભળતો આવ્યો હતો કે મુસલમાન ખરાબ હોય છે અને આશિકની હત્યાથી તેનો કરુણ અંજામ આવે છે.

નવલકથાનો આ હિસ્સો આપણી કોમી માનસિકતાને છતી કરે છે. આશિકનો જનાજો તેના ગુરુ ઇંદ્રદેવ પાંડેના દરવાજાથી પસાર થાય છે, જ્યાં તે હંમેશાં થોડી વાર માટે રોકાતો હતો. પરંતુ આજે ત્યાં રોકાવવું આશિકના હાથમાં નહોતું. પાંડેજી કહેતા હતા, રામનો માર્ગ પીડાનો છે. આશિક પણ પોતાની જાતને એમ કહેતો રહેતો. આ નવલકથાનો અંત નથી. 30 વર્ષ પછી આશિકનો દીકરો ફરી આરામગંજમાં પાછો ફરે છે. તે ન્યૂઝિલેન્ડ સ્થાયી થવા જઈ રહ્યો છે. પરંતુ જતાં પહેલાં તે પોતાના પિતાની કહાની આરામગંજના લોકો પાસેથી સાંભળવા માંગે છે. હાલના સમયમાં જે રીતે મુસ્લિમો તરફ લોકોનું વલણ બદલાયેલું છે તેથી શમી નિરાશા અનુભવે છે. પરંતુ તેમ છતાં દેશ છોડતાં પહેલાં તેને નિર્ણય લેવામાં અસમંજસ છે. શમીનો માનસિક સંઘર્ષ લેખક આ રીતે બયાન કરે છે – “બેહતરી કી ઉમ્મીદ મેં કહીં ઔર ચલે જાના હી હિજરત હૈ. મગર હમ સિર્ફ અપને ફૈસલે ચુન સકતે હૈ. ઉનકે નતીજે નહીં. ક્યા મક્કા સે મદીના જાનેવાગે પગંબર કે વારિસ હમેશા કે લિએ સુખી હો ગયે? શાંતિ કી ખાતિર કૃષ્ણ ને મથુરા છોડકર જિસ દ્વારિકા કા રૂખ કિયા, વહ ભી અંતતઃ અપનોં કે રક્ત મેં નહાકર હમેશા કે લિએ સમુદ્ર મે સમા ગઈ.”

e.mail : kirankapure@gmail.com

Loading

નાનાં ગામની કન્યા-ખેલાડીઓની મોટી સિદ્ધિ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|22 May 2022

ગુજરાતની કન્યાઓની એક ટીમે 16 મે તારીખે નૅશનલ વૉલીબૉલ ચૅમ્પિયનશીપ મેળવી. આ ટીમે સોળ વર્ષથી વિજેતા બનતી રહેલી કેરળની ટીમને હરાવી.

સૌરાષ્ટ્રનાં નાનાં ગામની છોકરીઓની આ ટીમનો માર્ગ કપરો હતો. એમને રમવા માટે ઇન-ડોર સગવડ નથી. તેમને ખૂબ ગરમી અને આકરા હવામાનમાં રમવું પડે છે. થોડાં વર્ષો પહેલાં સુધી આ ગામમાં પાણીની ખૂબ તંગી હતી. મેદાનની આસપાસ પાણીની વ્યવસ્થા ન હતી, એટલે છોકરીઓને ઘરેથી પાણી લઈ  જવું પડતું.

‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં 19 મે તારીખે આવેલા સમાચાર મુજબ, ગુજરાતની આ ટીમની ખાસિયત એ છે કે તેમાંથી છ ખેલાડીઓ જૂનાગઢથી 21 કિલોમીટરના અંતરે આવેલાં સરખાડી નામનાં સાવ નાનાં ગામની છે.

કોડીનાર તાલુકાના આ ગામની વસ્તી 2011ની ગણતરી મુજબ 4397 છે, જેમાં સ્ત્રીઓનું પ્રમાણ 51.5% છે. ગામમાં કુલ સાક્ષરતા 73.6% છે જ્યારે મહિલા સાક્ષરતા 34% છે.

વિજેતા ટીમમાં સરખાડી ગામની જે છોકરીઓ છે તેમાં કૅપ્ટન સંધ્યા રાઠોડ ઉપરાંત ઉષા વાળા, દિશા વાળા, નિરાલી વાળા, પ્રિયાંકા ઝાલા અને મનીષા ઝાલાનો સમાવેશ થાય છે. અન્ય જગ્યાઓ પરની ખેલાડીઓમાં ઇશા જૈન, અનિશા ચૌધરી, નેહા પ્રજાપતિ નીપા બારડ, દેવુબાલા ચાવડા અને મહેક પાન્ડેનો સમાવેશ થાય છે.

ટીમના કોચ પરિતા વાળા કહે છે કે આ ગામની છ છોકરીઓ લાંબા સમયથી સાથે પ્રૅક્ટિસ કરતી રહી છે, જેને પરિણામે તેમને એકબીજાં સાથે સંકલનમાં સરળતા રહી છે.

પરિતા પણ સરખાડી ગામનાં જ છે. તેઓ 2014માં ચીનમાં જ્યુનિયર એશિયન ચૅમ્પિયનશીપમાં રમેલાં છે. આ જ ગામનાં કિંજલ વાળા 2014માં થાઇલૅન્ડમાં રમાયેલી એશિયન યૂથ ગર્લ્સ વૉલીબૉલ ચૅમ્પિયનશીપમાં ભારતની ટીમના કૅપ્ટન હતાં. શિલ્પા વાળા 2010માં મલેશિયામાં એશિયન યૂથ ચૅમ્પિયનશીપમાં રમેલાં છે.

સરખાડી ગામની છોકરીઓ જે 16 મે તારીખે મહારાષ્ટ્રનાં સાંગલી મુકામે રમાયેલી મૅચમાં વિજય મેળવ્યો, તે દિવસના અખબારોના  કેટલાક સમાચાર આ મુજબ છે : 

‘યુવતીને અશ્લિલ મેસેજ કરી હેરાન કરતાં યુવકની ધરપકડ’,

‘પરિણિતાને માર મારી દુષ્ક્રર્મ આચર્યું’ ,

‘જમાઈના પરિવારે સાસુની સરાજાહેર હત્યા કરી’,

‘સસરાના ત્રાસ સામે ત્રણ સંતાનોની માતા એવી વિધવા પુત્રવધૂની ફરિયાદ’, ‘ત્રાસ આપીને પત્નીની હત્યા કરવા બદલ પ્રોફેસરની ધરપકડ’,

‘નગ્ન થઈને સોસાયટીમાં ફરનાર પુરુષ સામે વાંધો ઊઠવનાર ત્રેપન વર્ષની મહિલાને તે પુરુષ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી’.

મહિલાઓ પરની હિંસાના સમાચારોથી અખબારો ભરેલાં હોય છે. આવી સામાજિક પરિસ્થિતિમાં મહિલાઓની સિદ્ધિઓ ખાસ નોંધવા જેવી જણાય છે.

સરખાડી ગામમાં ગયાં પાંચ-છ દિવસથી ઉજવણીનો મહોલ છે.

સૌજન્ય : નિમેષ ખાખરિયા, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’,19 મે 2022

21 મે, 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

ભારતીયોને ધર્મથી રિઝવી શકાય છેની માન્યતા વૈશ્વિક બની રહી છે, ત્યારે મંદિર-મસ્જિદના વિવાદો કેટલા વાજબી?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|22 May 2022

ધર્મ અને આસ્થા જેવી બાબતો અંગત પસંદગીની બાબત છે અને એમ માનવું કે ધર્મને પગલે લોકશાહી આદર્શો પર ઘડાયેલો સમાજ રચી શકાય, એનાથી મોટો રાજકીય વહેમ બીજો કોઇ ન હોઇ શકે.

હું નાની હતી ત્યારે મારી માને મેં ઘણીવાર એમ કહેતાં સાંભળી હતી કે, ‘મિયાંને મહાદેવ હંમેશાં સાથેને સાથે હોય’, થોડી મોટી થઇ પછી મેં એની એ કહેવત કહો તો કહેવત અને વાક્ય પ્રયોગ કહો તો એમ- તેની ખરાઇ કરવાનું શરૂ કર્યું. નવ્વાણું ટકા કેસિઝમાં એમ થતું કે દરગાહની બાજુમાં શિવની દેરી હોય અથવા તો મંદિરના પરિસરની સાવ નજીક અને ક્યારેક તો અંદર જ દરગાહ હોય, મોટા મસ્જિદની આસપાસ નાની દેરી હોય, વગેરે. મિંયા અને મહાદેવને એકબીજા સાથે ફાવે જ છે પણ એવા લોકો છે જેમને આ બેયને ગોઠે છે એ માફક નથી આવતું. બનારસની જ્ઞાનવાપી મસ્જિદ આજકાલ ચર્ચામાં છે.

ચિંતાની વાત એ છે કે બાબરી ધ્વંસના ત્રણ દાયકા પછી બીજી એક મસ્જિદનું નામ વંટોળે ચઢ્યું છે. આ મુદ્દાની વાત કરવી તો જરૂરી છે જ પણ પેલું કહેવાયું છે ને કે, “બાત નિકલેગી તો દૂર તલક જાયેગી…” આપણે દૂરથી જ વાત શરૂ કરીએ. ઑસ્ટ્રેલિયાની ચૂંટણી ઢૂંકડી છે, આ વંચાતુ હશે ત્યારે મતદાન પૂરું થઇ ગયું હશે. પ્રચારના ભાગરૂપે ત્યાંના બે મોટા પક્ષ લેબર અને લિબ્રલ – બન્નેએ હિંદુઓ અને શીખોને ઢગલો વચન આપ્યા છે. વચન આપવું રાજકારણીઓનું કામ છે. આ ઉપરાંત ઑસ્ટ્રેલિયાના વર્તમાન વડા પ્રધાન સ્કોટ મોરિસને ચૂંટણી પહેલાના અઠવાડિયાનો વીકેન્ડ હિંદુ અને શીખ કોમ્યુનિટીઝ સાથે મનાવ્યો, તે મંદિરમાં ગયા, ગુરુદ્વારમાં પણ ગયા. ઑસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા ભારતીયોની સંખ્યા મોટી છે. વળી તામીલ સમુદાયના લોકને લેબર પાર્ટીના ઉમેદવાર મળ્યા તે પણ તેમના ધાર્મિક સ્થળના પરિસરમાં. વાત ઑસ્ટ્રેલિયાની છે છતાં ય મુદ્દો એ છે કે ધાર્મિક સ્થળોએ પ્રચારના મેળાવડા થયા. સમયાંતરે અનેક રાષ્ટ્રોમાં રાજકારણમાં ધાર્મિક પ્રભાવ વધી રહ્યો છે. આવું પહેલાં નહીં જ થતું હોય એવું માનવાનું કારણ નથી પણ આવું વધી રહ્યું છે, એ રાષ્ટ્રોમાં પણ જ્યાં પહેલાં આવી પહેલ નહિવત્ હતી ત્યાં હવે આ પ્રકારે ધર્મની લાકડીનો ટેકો લેવાનું રાજકારણીઓ ચૂકતા નથી, એમાં ય વિદેશમાં વસતા ભારતીયોની વાત કરીએ ત્યારે તો ખાસ. ભારતીયોની ઓળખ ધર્મની સાથે જોડાઇ રહી છે. ભારતીય છે તો ચાલો, ધર્મનો ઉપયોગ કરી એવી માનસિકતા આપણને વૈશ્વિક સ્તરના નેતૃત્વમાં પણ દેખાઇ રહી છે – જે અયોગ્ય છે.

ઇતિહાસમાં અનેકવાર ધર્મને લઇને યુદ્ધો પણ થયા છે પણ આધુનિક ઇતિહાસની વાત કરીએ તો રાજનીતિ માટે ધર્મનો ઉપયોગ સમયાંતરે સાહજિક બન્યો છે. આ માટેનું સૌથી મોટું ઉદાહરણ ઘર આંગણે છે – ના, મંદિર મસ્જિદની વાત નથી થઇ રહી – એ તો જૂનું કાર્ડ છે. પરંતુ વિશ્વના અન્ય દેશો સાથે મૈત્રી વધારવા માટે ભારતે પણ બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર કરવામાં પાછું વળીને નથી જોયું. ચીન પણ બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરે છે જેથી વૈશ્વિક સ્તરે અન્ય રાષ્ટ્રો સાથેના સંબંધોમાં ધર્મના દૃષ્ટિકોણથી ફેર લાવી શકાય. યુ.એસ.એ. પણ વિશ્વ આખામાં ધાર્મિક સમુદાયો સાથે જોડાવામાં પાછો નથી પડતો. મોંગલિયન સંસદમાં વડા પ્રધાને એશિયા અને વિશ્વના રાજકીય પડકારોને પાર પાડવામાં બૌદ્ધ ધર્મની આગવી અગત્યતા છે. વૈશ્વિકરણના સમયમાં ધર્મ પ્રત્યેના પ્રતિભાવ, પ્રતિક્રિયાઓ અગત્યના બન્યાં છે. આધુનિકીકરણની વાતો થાય, સમય-સંજોગો-માધ્યમો બદલાય છતાં ય અંતે રાજનીતિને મામલે આપણે ધર્મ તરફ પાછા વળીએ છીએ. ધર્મથી દુનિયા ચાલતી હોત તો પરમ શાંતિ હોત પણ ફિલોસોફીથી રાજ્ય કેવી રીતે ચાલે. અહીં તો રાજકારણ માટે, સત્તા માટે ધર્મનો ઉપયોગ થાય છે. રાજકારણ તર્ક અને અનુભવને આધારે મળેલાં મૂલ્યો પર નિયત થવું જોઇએ, થતું આવ્યું છે – આ મૂલ્યો અને તર્કની ખરાઇ થઇ શકે. ધર્મની કે આસ્થાની ખરાઇ કેવી રીતે થઇ શકે? ધર્મ અને આસ્થા જેવી બાબતો અંગત પસંદગીની બાબત છે અને એમ માનવું કે ધર્મને પગલે લોકશાહી આદર્શો પર ઘડાયેલો સમાજ રચી શકાય એનાથી મોટો રાજકીય વહેમ બીજો કોઇ ન હોઇ શકે.

જ્ઞાનવાપી મસ્જિદ પછી મથુરાની શાહી ઇદગાહ મસ્જિદ કેસ શરૂ થયો. આર્કિયોલૉજિકલ સરવેના એક અધિકારી એવા પણ નિકળ્યા જેમણે દાવો કર્યો કે કુતુબ મિનાર રાજા વિક્રમાદિત્યએ સૂર્યનો અભ્યાસ કરવા માટે બંધાવ્યો હતો. ઇતિહાસ, આસ્થા અને કાયદાનું સંતુલન કરવાનો પ્રયાસ સુપ્રીમ કોર્ટે 3 વર્ષ પહેલાં કર્યો, જ્યારે બાબરી મસ્જિદ કેસની વાત થઇ. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે મુસલમાનોને 450 વર્ષ જૂની તેમની મસ્જિદથી દૂર રખાયા તે ખોટું થયું અને ધ્વંસની પણ ટીકા કરી પણ પછી એમ કહ્યું કે હિંદુઓનો આ જમીન પર માલિકી દાવો બહેતર છે. વળી સુપ્રીમ કોર્ટે અયોધ્યા રામ જન્મભૂમિ છે એટલે હિંદુઓની આસ્થાને ગણતરીમાં લેવી પડે તો જ શાંતિ અને સ્થિરતા સ્થપાશે એવી દલીલને પણ ગણતરીમાં લીધી. વળી સુપ્રીમ કોર્ટે ત્યારે એમ પણ કહ્યું કે ‘પ્લેસિઝ ઑફ વર્શિપ એક્ટ ૧૯૯૧’ અનુસાર અયોધ્યા બાબરી મસ્જિદ સિવાય દેશની કોઇપણ અન્ય ધાર્મિક સ્થળ પર બીજા ધર્મના લોકોના દાવાને સ્વીકારવામાં નહીં આવે, ત્યાં કોઇ પરિવર્તન નહીં કરાય. આઝાદીના દિવસ ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ના દિવસે એ ધાર્મિક સ્થળ જે રૂપમાં હતું, તે યથાવત્ રહેશે. આ એક્ટ આપણા ધર્મનિરપેક્ષ મૂલ્યના પાસાને મજબૂત કરે તેવો છે. જ્ઞાનવાપી વિવાદને કારણે ‘પ્લેસિઝ ઑફ વર્શિપ એક્ટ’ ફરી ચર્ચામાં છે, પણ બાબરી વિવાદની માફક આ વિવાદ પણ કાયદા કે ઇતિહાસનો છે જ નહીં – આ વિવાદ આધુનિક રાજકારણની સ્વાર્થી જરૂરિયાતનો છે. હિંદુત્વની જ્વાળા(હિંદુ્ ધર્મ નહીં વાદની વાદ થાય છે)ને ભડકાવવા માટે ફરિયાદનું ઇંધણ વપરાયા કરે છે. મુસલમાનોનું રાજકીય બળ ઘટ્યું છે એટલે તેમના તુષ્ટિકરણની કોઇ મહત્તા નથી. આ વાત વૈશ્વિક સ્તરે પણ લાગુ પડે છે કારણ કે ઇસ્લામોફોબિયા અને આતંકવાદ વૈશ્વિકરણની દેન છે.

ભારતમાં હિંદુવાદની લાગણીઓને પ્રાધાન્યતા અપાય છે અને માટે જ હિજાબ, લવ જેહાદ, ગૌહત્યા જેવા મુદ્દાઓના ભડકા થયા કરે તેની તકેદારી રખાય છે. શાસક પક્ષ માટે ઇતિહાસ પરનો આધાર જાણે તેમની સત્તાની હોડીનું સૌથી મજબૂત હલેસું છે. સત્તામાં હોવાને કારણે કાયદાના કારણે લોકચર્ચા કરાવવી તેમને માટે આસાન પણ છે. ભા.જ.પા. માટે પણ આ ધાર્મિક રાજનીતિ બે ધારી તલવાર છે કારણકે પોતે હિંદુત્વનું બળ છે એ ઓળખ પણ જાળવવાની છે અને રાજકીય તંત્રમાં મજબૂત પક્ષ હોવાની જવાબદારી પણ નિભાવવાની છે. તેઓ કશું પણ દેખીતી રીતે ન કરી શકે અને માટે જ ધર્મનો ઝંડો લઇ નીકળી પડનારા પ્રતિનિધિઓ તેમને માફક આવે છે. આ ભક્તો જે હિંદુવાદ કરીને ધર્મ જાળવવા નીકળ્યા છે તેમના ઘોંઘાટને કારણે રાજકીય સંસ્થાઓ આ બધાથી દૂર છે એવો ભ્રમ પણ સચવાયેલો રહે છે.

પશ્ચિમના ઇતિહાસમાં પણ ચર્ચ અને રાજકારણ વચ્ચેની ખેંચતાણ, ચર્ચાનું રાજકારણ પર જોર થતું જ આવ્યું છે. ઇતિહાસ પરથી શીખીને ભાવિ ઘડવાનું હોય, તેની ફરિયાદો લઇ નવા પ્રશ્નો ખડા કરવામાં કંઇ સાર નથી. પ્રશ્ન છે બેરોજગારી, મોંઘવારી, શિક્ષણ, સ્વાસ્થ્ય અને આપણે મંદિર – મસ્જિદની લડાઇમાંથી ઊંચા નથી આવતા.

બાય ધી વેઃ

તમે માનશો કે મોટા ભાગના મસ્જિદ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનેલા છે? આનું સીધું કારણ એ કે તે બાંધનારા હિંદુ કારીગર હતા. આની પર એક રિસર્ચ પણ થયો છે પણ તે રિપોર્ટ બનાવનાર હવે ભારતમાં નથી. સુલતાનો કે મુગલો (મુસલમાનો) પ્રત્યે આટલો રોષ બતાડવાનો કોઇ તર્ક નથી – તેઓ ભારતને પોતાનું ઘર બનાવવા આવ્યા હતા, અંગ્રેજોની માફક માત્ર સામ્રાજ્ય બનાવવા નહોતા આવ્યા. મંદિરો લૂંટાયા કારણકે તેમાં ધન હતું – અહીં ધર્મની વાત કરી લોકોને ગેરમાર્ગે ન દોરવા જોઇએ. આપણી જમીન પર જે છે તે આપણો વારસો છે, બિનસાંપ્રદાયિક દેશમાં આ હોબાળા વરવાં લાગે.  ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશ માટે ધર્મ અને રાજકારણને ભેગા કરવા જોખમી બાબત છે, પછી તે દેશના આંતરિક મુદ્દાઓ માટે હોય કે આંતરરાષ્ટ્રીય સ્તરે થતું હોય. ભારત જ નહીં પણ બીજા રાષ્ટ્રોએ પણ સમજવું રહ્યું કે ઐતિહાસિક રોદણાં – ફરિયાદો અને બહુમતી સંવેદના જે તરફ હોય તેના થકી જ ન્યાય બંધાયેલો નથી. બાબરી વિવાદના ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે એમ પણ કહેલું કે ગમે તેટલા પૌરાણીક શાસકો પ્રત્યે કોઇ વ્યક્તિને વિરોધ નોંધાવીને પગલાં લેવાં હોય એમાં કાયદાને કંઇ લેવા દેવા નથી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  22 મે 2022

Loading

...102030...1,5951,5961,5971,598...1,6101,6201,630...

Search by

Opinion

  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved