Opinion Magazine
Number of visits: 9456314
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાષ્ટ્રીય ગૌરવની  સાર્થક ક્ષણ જયહિંદ …ઓપરેશન સિંદૂર ! 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|8 May 2025

પ્રજાના અવાજનો પડઘો

કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહની સંયત, શાલીન માંડણી તેમ જ  સદ્ય વિધવા હિમાંશી નરવાલના નરવા ઉરબોલ, આપણી પ્રજાકીય અસ્મત અને અસ્મિતાનું બુલંદ જયગાન છે.  

પ્રકાશ ન. શાહ

દેશ આખાએ સાતમી મે, બુધવારે એક નવપ્રભાત શો જે ચમકારો અનુભવ્યો, એ કલાકોને વડા પ્રધાન મોદીએ ‘દેશ માટે ગર્વની પળ’ રૂપે ઠીક જ વર્ણવ્યા. બાવીસમી એપ્રિલથી હજુ છઠ્ઠી મે સુધી પહેલગામ ઘટના સબબ જનમાનસ સરકારની સાથે તો બરાબર પણ સામે નહીં તો પણ પ્રસંગોપાત કંઈક ફરિયાદી અલગાવનો અનુભવ નહોતું કરતું એમ તો નહીં કહી શકાય. સાઉદીની મુલાકાત ટૂંકાવી દોડી આવવું અને તાકડે પહેલગામ નહીં પહોંચતાં અગ્રતા આપવી, પ્રવાસયોજકો વગર પરવાનગીએ બૈશરન જવા લાગ્યા એવું – આ ગાળામાં વગર પરવાનગીએ તાજેતરનાં વરસોમાં જવાનો સ્થાપિત રવૈયો છતાં – પરબારું ફટકારવું, આ બધું સંયમવશ મોટે સાદે ન બોલાયું સંભળાયું હોય  તો પણ ધ્યાનમાં નહોતું આવતું એમ તો નહીં કહી શકાય. પણ બુધવારની બપોરે આ લખી રહ્યો છું ત્યારે જોઉં છું, અનુભવું છું કે આ તરેહનો લાગણીઉછાળો શમી ગયો છે, અને દેશજનતામાં રહ્યો છે તે તો એક રાષ્ટ્ર તરીકે સાર્થક અસ્તિત્વનો ભાવ ન કેવળ ગર્વની પળઃ 

સવારે દસ વાગ્યા આસપાસ વિદેશ સચિવનાં પ્રાસ્તાવિક વચનો પછી કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જે સત્તાવાર બ્રીફિંગ સૌ નાગરિકો જોગ કીધું તે વિગતબદ્ધ એટલી જ સહજસ્વસ્થ સંયત શૈલીને સારુ સ્મરણીય રહેશે. જે વિગતજવર અભિવ્યક્તિ સત્તાપક્ષ પરત્વે અપેક્ષિત રહી શકતી નથી, તેનો આ એક રૂડો અવેજ હતો. જોસ્સો તો એમનો જી.ડી. બક્ષીથી ઓછો હોવાનો સવાલ નથી, પણ દાયિત્વ અને ઉત્તરદાયિત્વના પૂરા ખયાલ સાથેની સંયત રજૂઆત, જરૂર એક પ્રતિમાન લેશે યાદ રહેશે. 

‘ઓપરેશન સિંદૂર’ એ નામાભિધાન પાછળ એક કલ્પકતા જરૂર છે. નારી ત્રણની અસ્મત અને પ્રજાની અસ્મિતા એ પ્રકારનું કદાચ કૈંક દૂરાકૃષ્ટ પણ સંધાન એમાં જરૂર છે. પણ એની જે ગરવાઈ ને નરવાઈ તે એવા સૈનિકી વિવેકમાં છે કે કોઈ સિવિલિયન ને મિલિટરી નિશાન એની સૂચિ પર નથી. જે છે તે આતંકી થાણાં. જૈશ, લશ્કર, હિઝબુલ વગેરે અંગે આપણે પૂર્વે એકાધિક ડોસિયર પાક હુકમરાનોને આપ્યાં હશે. બાવીસમી એપ્રિલને પખવાડિયું થયા આવ્યું છતાં પાક સત્તાવાળાઓએ પોતા થકી પોષાતાં રક્ષાતાં આતંકી થાણાં બાબતે નકરી નામકરાઈ ને નાગડદાઈ શો રવૈયો દાખવ્યો તે પછી ઓપરેશન સિંદૂર તરેહની ઉપક્રમનું લૉજિક સાફ હતું અને છે. જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઉમર અબદુલ્લાએ તે સચોટ સદ્દગૃહસ્થાઈ સાથે બોલી પણ બતાવ્યું છે. 

વડા પ્રધાન જેને ગર્વની પળ કહે છે, જે હમણાં કહ્યું તેમ ક્ષણાર્ધ સારુ પણ સાર્થકતાનો ભાવ જગવી શકે તેવી તો ચોક્કસ જ છે, એ વખતે યાદ રાખવું રહે છે કે ઓપરેશન સિંદૂરે જગવેલ આશા ઘરઆંગણે આપણા થકી જ ભોંભેગી ન થઈ જાય, ‘એમણે ઘરમ પૂછ્યો’તો, જાત નહીં’ પ્રકારનાં કોઈ કોઈ સત્તાપક્ષી વર્તુળોના સનેડા કે દેશનાં અન્ય રાજ્યોમાં કાશ્મીરી છાત્રો સામે હિંસ્ર પ્રતિક્રિયાના કેટલાંક બનાવો યાદ કરતાં સરવાળે હિંદુ-મુસ્લિમ આડાઊભા વહેરાઈ મરવાની સ્થિતિ ટાળી શકાઈ છે તે જરૂર એક સધિયારો છે. જો કે, કાશ્મીરીઓને / મુસ્લિમોને નિશાન ન બનાવો એવી સદ્યવિધવા હિમાંશી નરવાલની આરતભરી અપીલને જે પ્રકારે ટ્રૉલબહાદુરોનો ભોગ બનવું પડ્યું તે આપણી આ ‘ગર્વની પળે’ સુરક્ષામાં કંઈ નહીં તો પણ છીંડું તો છે જ, અને તે પોતીકી કમાઈનું.

સંસદનું તાત્કાલિક અધિવેશન યોજાય એવી માંગ અને તે યોજના પરત્વે શાસકીય નેતૃત્વને પક્ષે નિર્ણયની ભીંસ, બેઉ પોતપોતાને ઠેકાણે ઠીક જ છે. પણ હવે તરતમાં સત્તાવાર પહેલથી સર્વપક્ષીય બેઠકનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ધોરણસરની આપલે સાથે એક સક્રિય એકંદરમતીની રીતે કંઈક બની આવશે એવી આશાઅપેક્ષા અસ્થાને નથી. નેતા વિપક્ષ રાહુલ ગાંધી જ નહીં, અસહુદ્દીન ઓવેસી સહિતના સકારાત્મક પ્રતિભાવોની મોટી મૂડી વડા પ્રધાન પાસે આ ક્ષણે છે. દેશજનતા ભોંઠી ન પડે તે જોવાની જવાબદારી આ સૌની છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 07 મે 2025

Loading

ચિકિત્સક બાપુ

એચ.સી. દાસપ્પા|Gandhiana|8 May 2025

એચ.સી. દાસપ્પા

1936ના અંતમાં મહાદેવભાઈ પોલીસોના અત્યાચારની તપાસ કરવા માયસોર આવ્યા ત્યારે હું ત્યાંની કાઁગ્રેસ કમિટિનો પ્રમુખ હતો. મહાદેવભાઈએ તપાસનો રિપોર્ટ બાપુને આપ્યો તેમાં મારો ય સારો ઉલ્લેખ કરેલો.

1940ના  જાન્યુઆરીમાં હું સખત માંદો પડ્યો. વાતરોગના હુમલાથી હું જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતો હતો. બાપુને જ્યારે મારી માંદગીની ખબર પડી તો મહાદેવભાઈ પાસે પત્ર લખાવીને મને સેવાગ્રામ બોલાવી લીધો.

એક રીતે હું અજાણ્યો માણસ હતો, પણ બાપુના રસને કારણે મને એમના સાનિધ્યનો લાભ મળ્યો. મુસાફરી કરી શકવા જેટલી સ્વસ્થતા પ્રાપ્ત થતાં જ 1940 ઓક્ટોબરમાં સેવાગ્રામ પહોંચ્યો. મારી માંદગી મારું સૌભાગ્ય બની ગઈ.

સૌથી પ્રથમ તો મને ખૂબ જ ચાવીચાવીને ખાવાની બાપુએ ફરજ પાડી. ત્યાર પછી ભારે પદાર્થો છોડાવી સાવ સાદું ભોજન આપવા માંડ્યું. મારું વજન ઘટવા લાગ્યું. પંદર દિવસમાં 158 પરથી 143 (રતલ) ઊતરી ગયું. પણ છેલ્લે છેલ્લે વજન ઘટવાની ગતિ ઓછી થતી ગઈ. એ અરસામાં નિસર્ગોપચારની તાલીમ લઈને શ્રી એસ.સી. દાસ વિલાયતથી આવી ગયા. બાપુએ મને ચિકિત્સા માટે એમને હવાલે કર્યો. એમણે તો બાપુ આપતા હતા એ ભોજન પણ બંધ કરી દીધું ! એમણે તો આખા દિવસમા માત્ર છ સંતરાં અને પાણીની જ રજા આપી. દરરોજ અરધો રતલ વજન ઘટાડવાની ક્રિયા ત્રણ મહિના સુધી ચાલી. છેલ્લા અઠવાડિયામાં તો મને માત્ર પાણી પર જ રાખ્યો. મારું વજન સાડીબેંતાલીસ રતલ ઘટી ગયું. દાસની સલાહથી બાપુએ મારો ખોરાક ચાલુ કર્યો. મારો રોગ તો કોણ જાણે ક્યાં નાસી ગયો! મારી રૂંધાયેલી પ્રાણશક્તિ જાણે ફૂટી નીકળી! હું હરવાફરવા લાગ્યો. મને નવજીવન જ મળ્યું.

મને શંકા છે કે બાપુ ન હોત તો હું ભાગ્યે જ આ આકરા નિયમોનું પાલન કરી શકત ! પાછળથી બાપુએ મને કહ્યું કે, ‘મેં તમારો ઈલાજ પૂરા વિશ્વાસથી શરૂ કર્યો હતો. કેમ કે દક્ષિણ આફ્રિકામાં મેં પારસી રૂસ્તમજીનો ઇલાજ આ જ રીતે કર્યો હતો.’ અત્યંત આશ્ચર્યની વાત તો એ કે અત્યંત અટપટા રાજદ્વારી રોકાણોવાળા રોજિંદા જીવનમાંથી બાપુ ચિકિત્સા માટે સમય ક્યાંથી કાઢી શકતા હતા !!

આશ્રમજીવનની વાત, કસ્તૂરબાનો ઉલ્લેખ કર્યા વિના અધૂરી જ ગણાય. બાપુની દેખરેખ ઉપરાંત રોગીઓના ભોજનની દેખરેખ પણ બા રાખતા હતાં. એમનો માતૃસ્નેહ અને વત્સલતા તો બહુ જાણીતાં છે. કસ્તૂરબા ખરેખર સાચા અર્થમા ‘મા’ હતાં. દેશભરના  જાણીતા નેતાઓ આવતા એમના ભોજનનો પ્રબંધ પણ બા જ કરતાં. અને હું તો એમના માતૃસ્નેહને કોઈ દિવસ નહીં ભૂલું. તે દિવસે સંક્રાંતિ હતી. આશ્રમમાં ગોળની મીઠાઈ બની હતી, પરંતુ મને તે ખાવાની મનાઈ હતી. જ્યારે બધા જમી પરવાર્યાં ત્યારે બા ચૂપચાપ આવી મને થોડી મીઠાઈ આપી ગયાં ! આ એક નાનકડો પ્રસંગ છે પણ એ માતૃત્વથી ભીંજાયેલો છે. જ્યારે બધાં ખાતાં હોય ત્યારે એક દીકરાને મા કેમ ભૂખ્યો જોઈ શકે?

સંસ્કૃતના પ્રકાંડ ૫ંડિત શ્રી પરચૂરે શાસ્ત્રીનું નામ તો જાણીતું છે. એમને કોઢ (લેપ્રસી) થયો હતો અને આશ્રમમાં આવ્યા હતા. એક વાર તો શાસ્ત્રીજી દર્દથી એટલા તો બેચેન થઈ ગયા હતા કે એમણે બાપુને કહી દીધું કે હું આમરણ ઉપવાસ કરીશ. બાપુએ કંઈક વિચારીને એમને હા પાડી. ઉપવાસ દરમ્યાન બાપુ પોતે એમના ઘા ધોતા. ઉપવાસ એક અઠવાડિયું ચાલ્યા અને ચમત્કાર થયો. એમના ઘા રુઝાવા લાગ્યા અને ખુદ શાસ્ત્રીજીએ પોતે ઉપવાસ છોડવાનું કહ્યું ત્યારે બાપુએ હા પાડી. શાસ્ત્રીજીએ ઉપવાસ છોડ્યા તે દિવસે આશ્રમમાં નાનકડો ઉત્સવ ઉજવાયો.

પંડિત પરચૂરે શાસ્ત્રીની સુશ્રુષામાં મગ્ન બાપુ

‘હિંદ છોડો’ની ચળવળને કારણે લાંબા સમય પછી હું બાપુને પંચગનીમાં મળ્યો. ત્યારે રાજાજી હાજર હતા. જેવો હું એમની પાસે ગયો તેવું જ બાપુએએ રાજાજીને કહ્યું :  ‘અરે ભાઈ! જુઓ તો! મેં આમનો  ઈલાજ કર્યો અને સારા પણ કરી દીધા. પણ હજી સુધી મને ફી નથી આપી.’

હુ તો ઠરી જ ગયો! માત્ર એટલું જ બોલી શક્યો :  ‘બાપુ!  શું આપે મારી પાસે કંઈ માગ્યું હતું કે મેં નથી આપ્યું?’

‘તમને યાદ છે કે મેં તમને કહ્યું હતું કે તમારાં પત્ની અને બાળકોને સેવાગ્રામ લાવો; તે તમે લાવ્યા?’

બાપુની ચોટ સીધી હતી.

૫ત્ની અને બાળકોને સેવાગ્રામ લઈ જવા સિવાય મારે છૂટકો ન હતો. જીત બાપુની થઈ, પણ ફાયદો તો મને જ થયો!

એક વાર પૂનામાં જ્યારે બાપુજી દીનશા મહેતાના નિસર્ગ ઉપચાર કેન્દ્રમાં હતા ત્યારે હું એમને મળવા ગયો હતો. ત્યારે મેં જોયું  તો બાપુ હિંદની પ્રાંત ભાષાઓની જાતજાતની વર્ણમાળા લઈને બેઠા હતા! આપણામાંથી કેટલામાં આવો ઉત્સાહ હશે? ત્યારે બાપુજીએ મને કહ્યું હતું કે ‘મારે સવા સો વર્ષ જીવવું છે. પણ દેશને હું કોઈ કામ લાગી શકું તો જ એટલુ જીવ્યું લેખે લાગ્યું ગણાય.’

08 મે 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 306

Loading

સંક્રાંતિ કાળના ભારતની કથા ‘ગોરા’

દીપક મહેતા|Opinion - Literature|7 May 2025

ગ્રંથયાત્રા : 3

ગુરુદેવ ટાગોરની સિદ્ધિ અને પ્રસિદ્ધિ મુખ્યત્વે કવિ તરીકેની. પણ તેમણે છ જેટલી નવલકથા પણ લખી છે. તેમાંની ‘ગોરા’ની ગણના ભારતીય સાહિત્યની ઉત્તમ નવલકથાઓમાં થાય છે. તેમના જન્મ દિવસ નિમિત્તે આજે તેમની ‘ગોરા’ નવલકથાનો ટૂંકો પરિચય આપ્યો છે.

“આખા ભારતવર્ષનાં સુખ દુઃખ, શુભ અશુભ અને જ્ઞાન અજ્ઞાન મારા હૃદયમાં આવી વસ્યાં છે. આજે હું ખરી સેવાનો અધિકારી થયો છું. હું જે થવા માટે રાત દિવસ મથતો હતો પણ થઈ શકતો નહોતો તે આજે થઈ ગયો છું. આજે હું ભારતવર્ષ છું. ભારતવર્ષની બધી જાતિઓ મારી જાતિઓ છે, બધાનું અન્ન એ મારું અન્ન છે.” આ શબ્દો છે ગૌરમોહન ઉર્ફે ગોરાના. આ ગૌરમોહન તે રવીન્દ્રનાથ ટાગોરની નવલકથા ‘ગોરા’નો નાયક. ‘તમે ગુરુદેવની ગોરા વાંચી છે?’ એવો પ્રશ્ન કોઈએ શરદબાબુને પૂછ્યો ત્યારે તેમણે જવાબ આપેલો: ‘મેં ગોરા વાંચી છે? હા, એક વાર નહીં, બે વાર નહીં, ચોસઠ વાર વાંચી છે!’ એવું તે શું છે આ ‘ગોરા’ નવલકથામાં કે શરદબાબુ જેવા અત્યંત લોકપ્રિય નવલકથાકાર એ ચોસઠ વખત વાંચે? પહેલી વાત તો એ કે ગદ્યમાં અને નવલકથા રૂપે લખાયેલી ગુરુદેવની આ કૃતિ મહાકાવ્યને આંબવા મથતી એક અસાધારણ નવલકથા છે. ઓગણીસમી સદીના સંક્રાંતિ કાળનું, એ કાળનાં મંથનો, વિચારો, પ્રવૃત્તિઓ, વ્યક્તિઓ, સંસ્થાઓ અને ઘટનાઓનું પ્રતિબિંબ આ નવલકથામાં ઝીલાયું છે. કહેવાય છે કે કથાનાયક ગૌરમોહનનું પાત્ર ટાગોરે આયરિશ ભારતપ્રેમી સન્નારી સિસ્ટર નિવેદિતા અને સ્વામી વિવેકાનંદના વ્યક્તિત્વના કેટલાક ઘટકોના મિશ્રણમાંથી નીપજાવ્યું છે અને એ મિશ્રણમાં પોતાના વ્યક્તિત્વના કેટલાક અંશો પણ ભેળવ્યા છે. કહેવાય છે કે સિયાલદા ખાતેની ટાગોરની જાગીરમાં એક સાંજે સિસ્ટર નિવેદિતા અને ટાગોર હાઉસ બોટમાં બેઠાં હતાં ત્યારે સિસ્ટર નિવેદિતાએ કહ્યું કે મને કોઈ વાર્તા કહો. ત્યારે ટાગોરે ગોરાની કથા કહી. પછીથી તેમણે એ વાર્તા નવલકથા રૂપે લખી જે બંગાળી ભાષાના જાણીતાં માસિક ‘પ્રવાસી’માં ૧૯૦૬થી ૧૯૦૯ દરમ્યાન હપ્તાવાર પ્રગટ થઈ. ૧૯૧૦માં તે પહેલી વાર પુસ્તકરૂપે પ્રગટ થઈ. સુરેન્દ્રનાથ ટાગોરે કરેલો તેનો અંગ્રેજી અનુવાદ ૧૯૨૪માં પ્રગટ થયો. ત્યાર બાદ ૧૯૯૭માં સુજિત મુખોપાધ્યાયે કરેલો અનુવાદ પ્રગટ થયો. રાધા ચક્રવર્તીએ કરેલો ત્રીજો અંગ્રેજી અનુવાદ ૨૦૦૯માં પ્રગટ થયો. રમણલાલ સોનીએ કરેલો ગુજરાતી અનુવાદ બે ભાગમાં ૧૯૮૦માં પ્રગટ થયો હતો.

કથાને આરંભે બાબુ કૃષ્ણદયાલ અને આનંદમયીના પુત્ર તરીકે ઓળખાતો ગૌરમોહન આ દેશને અત્યંત ઉત્કટ રીતે ચાહે છે અને તેની ઉન્નતિ માટે ગમે તે ભોગ કે ત્યાગ માટે તે હંમેશાં તત્પર રહે છે. પણ તેને મન ભારત એટલે પરંપરાવાદી, રૂઢિચુસ્ત હિન્દુઓની ભૂમિ, હિન્દુસ્તાન. હિન્દુઓના પવિત્ર અને ઉજ્જવળ વારસાનું જતન અને સંવર્ધન થાય તો જ હિન્દુસ્તાન પોતાના ભૂતકાળના સુવર્ણયુગને ફરી પ્રાપ્ત કરી શકે તેમ ગોરા માને છે. આથી જ સુધારાવાદી બ્રહ્મોસમાજનો તે ઉગ્રપણે વિરોધ કરે છે. ગોરાનો નિકટનો મિત્ર વિનયભૂષણ એક વાર અકસ્માતને કારણે બ્રહમોસમાજી પરેશબાબુ અને તેમના મિત્રની પુત્રી સુચરિતાના પરિચયમાં આવે છે. થોડા અણગમા સાથે ગોરા પણ વિનયની સાથે એ બંનેને અવારનવાર મળતો થાય છે. પરેશબાબુ, તેમની પત્ની વરદાસુન્દરી અને પુત્રી લલિતા, ત્રણે વિનય પ્રત્યે આકર્ષાય છે.

ગળીના કારખાનાના અંગ્રેજ માલિકો અને દેશી મજૂરો વચ્ચેના ઝગડામાં દરમ્યાનગીરી કરવા જતાં ગોરા પોલીસને હાથે પકડાય છે અને તેને એક મહિનાની જેલની સજા થાય છે. ગરીબ મજૂરો અને ખેડૂતો પરના અંગ્રેજોના અત્યાચાર જોયા પછી અને જેલની સજા ભોગવ્યા પછી ગોરાને દેશની પરાધીનતા સવિશેષપણે ખૂંચવા લાગે છે. ન્યાતજાત અને છૂતાછૂત વિશેના તેના મનમાં રહેલા ખ્યાલો પણ સ્વાનુભવે થોડા હળવા થાય છે. પરિણામે જેલવાસ દરમિયાન ઘરેથી મોકલેલું ‘શુદ્ધ બ્રાહ્મણિયા’ ભોજન ખાવાને બદલે તે બીજા બધા કેદીઓને અપાતો ખોરાક જ ખાવાનો આગ્રહ રાખે છે. જેલમાંથી છૂટ્યા પછી ઘરમાં તેને પ્રાયશ્ચિત કરાવવા માટેની તૈયારીઓ શરૂ થાય છે. પણ ચુસ્ત રૂઢિવાદી હિંદુ બાબુ કૃષ્ણદયાલ માટે ગોરા હિંદુ ધર્મવિધિથી પ્રાયશ્ચિત કરે એ વાત જ અસહ્ય બની જાય છે. જરા નવાઈ લાગે એવી વાત છે, નહીં? માત્ર કથાના વાચકો જ નહીં, બીજાં પાત્રો પણ નથી જાણતા તે રહસ્ય માત્ર કૃષ્ણદયાલ અને તેમની પત્ની આનંદમયી જાણે છે. એ રહસ્ય એ છે કે હકીકતમાં ગોરા તેમનો પુત્ર નથી, પણ ૧૯૫૭ના ‘સિપોય મ્યુટીની’ વખતે ભાગી છૂટેલા એક આયરિશ દંપતીનો દીકરો છે. કૃષ્ણદયાલ અને આનંદમયી તો તેના માત્ર પાલક માતાપિતા છે. જન્મે ખ્રિસ્તી એવો ગોરા ચુસ્ત હિંદુ ધર્મવિધિ પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરે એ ચુસ્ત હિંદુ કૃષ્ણદયાલ કઈ રીતે સહી શકે? તેઓ પ્રાયશ્ચિત્ત કરવાની મના ફરમાવે છે ત્યારે ગોરા તે માટેનું કારણ પૂછે છે. ત્યારે ગોરાના જન્મ અને જીવનનું રહસ્ય આનંદમયી તેને વ્યથાપૂર્વક જણાવે છે. એ સાંભળતા જ ગોરા ચિત્કાર કરે છે : ‘મા, તુ મારી મા નથી?’ મા કહે છે : ‘બાબા, ગોરા, હું પુત્રહીનનો તું જ પુત્ર. મારા પેટના સંતાન કરતાં તુ મને વધારે વહાલો છે.’ એક પળમાં ગોરાના આખા જીવનનો ભૂતકાળ  સરી પડે છે. તે બંધનમુક્તિ અનુભવે છે. હવે સુચરિતાના પ્રેમનો સ્વીકાર કરવા આડે કોઈ અંતરાય રહેતો નથી. ગોરાના લંબાયેલા હાથમાં સુચરિતા પોતાનો હાથ મૂકે છે અને બંને પરેશબાબુને પ્રણામ કરે છે.    

***

07 May 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...158159160161...170180190...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved