Opinion Magazine
Number of visits: 9961451
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નૂપુર શર્માનું સસ્પેન્સન વહેતા જખ્મ પર બેન્ડેડ સમાન છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|13 June 2022

કોઈ પણ દેશના રાજદૂતોને સાગમટે કામ કરવાનું ત્યારે જ આવે, જ્યારે તેમનો દેશ બીજા કોઈ દેશ સાથે યુદ્ધમાં સામેલ થયો હોય. જેમ કે, રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું, ત્યારે એ બંને દેશોની દુનિયાભરની રાજધાનીઓમાં પથરાયેલી એલચી કચેરીઓમાં કામ વધી ગયું હતું. એક સાથે તમામ રાજદૂતોઓએ યુદ્ધમાં તેમના યજમાન દેશોનું સમર્થન મેળવવા માટે અધરાત-મધરાતે દીવા બાળવા પડ્યા હતા.

કંઇક એવી જ હાલત, ખાડી દેશોમાં ભારતની એલચી કચેરીઓની 5મી અને 6ઠ્ઠી જૂને થઇ હતી. એ કોઈ યુદ્ધનો માહોલ તો નહોતો, પરંતુ કતાર, ઓમાન, કુવેત, જોર્ડન, સાઉદી અરેબિયા, ઈરાન, યુ.એ.ઈ., બહેરીન, ઈરાન, લીબિયા, તુર્કી અને આ તરફ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, માલદીવ તેમ જ ઇન્ડોનેશિયાના વિદેશ વિભાગોએ, ભારતીય એલચીઓને બોલાવીને કે તેમના કાર્યાલયોમાં બયાનો જારી કરીને, જે રીતે ભારતીય અધિકારીઓને જવાબો કે સ્પષ્ટતાઓ આપવા ફરજ પાડી, તે એક નાનકડી લડાઈથી ઓછું નહોતું.

નજીકના ભવિષ્યમાં આવું પહેલીવાર બન્યું હતું. છેલ્લે કદાચ 1999માં, કારગીલ યુદ્ધ વેળા ભારતીય એલચીઓને સાગમટે વિદેશી રાષ્ટ્રો સમક્ષ ભારતનો પક્ષ રજૂ કરવાનું બન્યું હતું. એ પછી આ અઠવાડિયે એક સાથે આટલા બધા ભારતીય એલચીઓ મુસ્લિમ દેશોમાં લાગેલી ડિપ્લોમેટિક આગને ઠંડી પાડવાનું ભગીરથ કામ કરવાનું આવ્યું હતું. કેમ?

ભારતમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની (હવે ભૂતપૂર્વ) રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્મા અને દિલ્હી ભા.જ.પ.ના પ્રવક્તા નવીન કુમાર જિન્દલે મહોમ્મદ પૈગંબરને લઈને કરેલી એક અભદ્ર ટીપ્પણીનાં પગલે મુસ્લિમ દેશોમાં ભડકો થયો હતો. નૂપુર શર્માએ, 27 મેના રોજ, “ટાઈમ્સ નાઉ” ચેનલ પર જ્ઞાનવ્યાપી મસ્જિદ વિષય પરની એક ડિબેટ દરમિયાન, પૈગંબરના અંગત જીવનને લઈને બેજવાબદાર ટીપ્પણી કરી હતી. એ ડિબેટની એક વીડિયો ક્લિપ સોશ્યલ મીડિયા પર વાઈરલ થઇ હતી.

ફેક ન્યૂઝ પર ફેક્ટ-ચેકિંગ કરતી “ઓલ્ટન્યૂઝ” નામની વેબસાઈટના પત્રકાર મોહમ્મદ ઝુબેરે, ટ્વીટર પર સૌ પહેલાં નૂપુર શર્માની આ ભડકાઉ ટીપ્પણી પર લોકોનું અને ખાસ તો દિલ્હી પોલીસમાં ધ્યાન ખેંચ્યું હતું. પાછળથી, નવીન કુમાર જિન્દલે પણ પૈગંબરનું અપમાન થાય તેવી ટ્વીટ કરીને બળતામાં ઘી હોમ્યું હતું. એમાં નૂપુર શર્માએ “મને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે” તેવું કહીને મોહમ્મદ ઝુબેર સામે પોલીસ કાર્યવાહી કરવાની માંગણી કરીને ટ્વીટમાં એવો દાવો કર્યો હતો કે તેના ઇન્ટરવ્યૂને એડિટ કરીને મુકવામાં આવ્યો છે. વધારામાં, નૂપુરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ભા.જ.પ.ના અધ્યક્ષ જે.પી. નડ્ડાને પણ ટેગ કર્યા હતા.

દેખીતી રીતે જ, ઝુબેર પરનો એ આરોપ ખોટો હતો, કારણ કે ત્યાં સુધીમાં તો ચેનલ પરની આખી ડિબેટનો વીડિયો વાઈરલ થઇ ગયો હતો, જેમાં સ્પષ્ટ રીતે જ નૂપુર જે બોલી હતી એ જ સંભળાતું હતું. બીજી બાજુ, નૂપુર સામે અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ દર્જ કરવામાં આવી હતી. ત્રણ દિવસ પછી, તેને મદદ કરવા માટે ગોઠવાયેલા એક ઇન્ટરવ્યૂમાં નૂપુરે કહ્યું હતું કે, “વડા પ્રધાનની ઓફિસ, ગૃહ પ્રધાનની ઓફિસ અને પાર્ટી અધ્યક્ષની ઓફિસનો તેને ટેકો છે.”

મુસીબત શરૂ થઇ 3જી જૂને. એ દિવસે વડા પ્રધાન મોદી, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિદ અને મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ ત્રણે એ દિવસે કાનપુર ગ્રામ્યમાં રાષ્ટ્રપતિના વતનના એક કાર્યક્રમમાં ઉપસ્થિત  હતા. એ જ વખતે, શુક્રવારની નમાજ પછી કાનપુર શહેરમાં નૂપુર શર્માની ટિપ્પણીને લઈને તોફાનો ફાટી નીકળ્યાં. ટ્વીટર પર તેને લઈને માહોલ ગરમ હતો, ત્યારે જ દેશના અને રાજ્યના ત્રણ સર્વોચ્ચ વડાની હાજરીમાં તોફાનો થાય તે હકીકતની ઉપેક્ષા થાય તેવું નહોતું.

વિશ્વનું ધ્યાન ખેંચાયું

નૂપુર શર્મા અને ભા.જ.પ. આ વિવાદથી પીછો છોડાવા મથી રહ્યા હતા, પણ મેળ ન પડ્યો. જે નુકશાન થવાનું હતું તે થઇ ચુક્યું હતું. ભા.જ.પ. કે સરકારને કંઈ સમજાય તે પહેલાં, આંતરરાષ્ટ્રીય સ્તરે તાબડતોબ નૂપુરના બયાનના પડઘા પડ્યા. સૌથી પહેલાં ઓમાન સલ્તનતના વરિષ્ઠ મુફ્તી અહેમદ બિન હમાદ અલ ખલીલીએ આકારો પ્રત્યાઘાત આપીને કહ્યું કે ભા.જ.પ.ની પ્રવક્તાની ટીપ્પણી “પ્રત્યેક મુસ્લિમ સામે યુદ્ધ” છે. તેનાં પગલે ખાડીને દેશો પણ જાગ્યા અને એક પછી એક તેમણે નૂપુરના બયાનને વખોડતાં નિવેદનો બહાર પાડ્યાં અને ભારતના એલચીઓને બોલાવીને ઠપકો આપ્યો. કુવેતે તો માંગણી કરી કે ભારત સરકાર આ ટીપ્પણી બદલ માફી માંગે.

ભારતને એ ખબર ન પડી કે મધ્ય પૂર્વ અને વેસ્ટ એશિયાનાં વિવિધ ઇસ્લામિક રાષ્ટ્રોમાં, પૈગંબરને લઈને થયેલી અભદ્ર ટીપ્પણીને લઈને જબરદસ્ત ગુસ્સો ભરાઈ રહ્યો હતો. અમુક રાષ્ટ્રોમાં તો ભારતીય સામાનનો બહિષ્કાર પણ શરૂ થયો હતો. વારાફરતી કુલ ૧૬ દેશો અને ૫૭ દેશોના ઓર્ગેનાઈઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશને ભારતની નિંદા કરી અને નૂપુર તેમ જ જિંદલ સામે કડક પગલાંની માંગણી કરી. અધૂરામાં પૂરું, આતંકના વૈશ્વિક સંગઠન અલ-કાયદાએ “પૈગંબરની માન-મર્યાદાની રક્ષા કરવા માટે” ગુજરાત, મુંબઈ, ઉત્તર પ્રદેશમાં આત્મઘાતી હુમલાની ધમકી જારી કરી.

ભારત માટે એક જબ્બર ડિપ્લોમેટિક સંકટ સર્જાયું હતું. મોટા ભાગના મુસ્લિમ દેશો ભારતના અત્યંત મધુર સંબંધો છે. જે કુવેતે ભારત પાસે માફીની માંગણી કરી હતી, ત્યાં મહેમાન બનેલા મોદીએ તો એવું કહ્યું હતું કે “કુવેત મારું બીજું ઘર છે.” ખાડીના દેશોમાં કુલ 89 લાખ ભારતીયો નોકરી-ધંધો કરે છે. આ દેશોના સૌથી મોટા રિટેલ સ્ટોર્સ અને રેસ્ટોરન્ટ ભારતીયોની માલિકીની છે. એકલા સંયુક્ત આરબ અમિરાતની કુલ આયાતમાં ભારતની હિસ્સો ૯૨ ટકા છે. ભારતનું અડધો અડધ રેમિટેન્સ યુ.એ.ઈ., સાઉદી અરેબિયા, કતાર, કુવેત અને ઓમાનમાંથી આવે છે. ભારતનું ૬૦ ટકા ક્રુડ ઓઈલ ખાડી દેશોમાંથી આવે છે.

ભારતમાં છેલ્લા ઘણા વખતથી ટેલિવિઝનની ડિબેટોમાં કે જાહેર રાજકીય-ધાર્મિક કાર્યક્રમોમાં મુસલમાનો વિરુધ બેરોકટોક ગમે તેમ બોલવામાં આવતું હતું. ખાસ કરીને, જ્યારે પણ કોઈ ચૂંટણી હોય ત્યારે ધાર્મિક ઉન્માદ જગાવવામાં આવતો હતો. ત્યાં સુધી કે કોણ વધુ કટ્ટર છે તેની જાણે હરીફાઈ થતી હોય તેવાં બયાનો કરવામાં આવતાં હતાં. એમાં ન્યૂઝ ચેનલોને ટી.આર.પી. દેખાતી હતી એટલે ડિબેટો જ એવી રીતે ગોઠવવામાં આવતી કે અભિવ્યક્તિની આઝાદીના નામે હિંદુ-મુસ્લિમ ધર્મના કથિત “રખેવાળો” ગમે તે હદ સુધી જતા હતા. નૂપુર શર્મા અને જિંદલે “વહાલા” થવાની હરીફાઈમાં એવું નિવેદન કર્યું હતું જે બદનસીબે ભારતમાં મુસ્લિમો પૂરતું સીમિત રહે તેવું ન હતું. શિવલિંગના વિવાદમાં પૈગંબરને ઢસડવા જતાં મુસ્લિમ દેશો ઊભા થઇ જશે એવું બંનેએ વિચાર્યું નહીં હોય અને વિચાર્યું હોય તો પણ “ઉપરથી ટેકો છે” એવો આત્મવિશ્વાસ પણ હશે.

સરકાર અને ભારતીય જનતા પાર્ટી માટે આ વણ જોઈતી મુસીબત હતી. એક અઠવાડિયા પહેલાં જ, ભા.જ.પ.ની સરકારનાં 8 વર્ષ થયાં તેનો ઉલ્લેખ કરીને વડા પ્રધાન મોદીએ રાજકોટમાં ગૌરવ સાથે કહ્યું હતું કે આઠ વર્ષમાં તેમણે એક પણ કામ એવું નથી કર્યું કે ભારતનું માથું શરમથી ઝૂકી જાય. અને અહીં, એક સાથે ૧૬ દેશો ભારતની નિંદા કરી રહ્યાં હતાં અને માફી માગી રહ્યાં હતાં. સરકાર સ્વીકારે કે ના સ્વીકારે, પણ નૂપુર શર્માના એક બયાને શરમજનક સ્થિતિ ઊભી કરી હતી.

દસ દિવસ સુધી નૂપુર શર્માના નિવેદન સામે આંખ આડા કાન કર્યા પછી, મુસ્લિમ દેશોના દબાવમાં આવીને આખરે ભા.જ.પ. અને સરકારે નિર્ણાયક કદમ ઉપાડવું પડ્યું, પહેલાં તો પાર્ટીએ બયાન જારી કરીને નૂપુર શર્મા અને નવીન કુમાર જિંદલની ટીપ્પણીથી ખુદને અલગ કરી. એ પછી એક બીજું બયાન જારી કરીને નૂપુર શર્માને છ વર્ષ માટે અને જિંદલને કાયમ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા.

પાર્ટીએ કોઈ નામ લીધા વિના કહ્યું કે, “ભા.જ.પ. કોઈ પણ ધર્મના વડાના અપમાનને સખ્ત શબ્દોમાં વખોડે છે. ભા.જ.પ. કોઈ પણ ધર્મ કે સમુદાયનું અપમાન કરે તેવી વિચારધારાની વિરુદ્ધમાં છે. ભા.જ.પ. આવા વિચારો કે વ્યક્તિઓને પ્રોત્સાહન આપતી નથી. અમુક “ફ્રિન્જ તત્ત્વો”ની ટિપ્પણીઓ ભારત સરકારનો મત નથી,” વળતાંમાં, નૂપુર અને નવીનને પણ તેમની બયાનબાજીની ગંભીરતા સમજાતાં માફી માગી અને પાર્ટીના નિર્ણયને માથે ચઢાવ્યો.

હવે શું?

રાજકીય વિચારકો માને છે કે ભારત અને મુસ્લિમ દેશોના સંબંધો પરસ્પર સ્વાર્થ આધારિત છે, એટલે આ બંને પ્રવક્તાઓ સામે લેવાયેલાં પગલાંથી વિવાદ શાંત થઇ જવો જોઈએ. ભારત માટે ખાડી દેશોમાં મોટી સંખ્યામાં રહેતાં ભારતીયોની સલામતી અગત્યની છે. એ દેશોને પણ ભારતીયોની અને ભારતમાંથી ચીજવસ્તુઓની આયાતની જરૂર છે. ખુદ મોદી અનેક દેશોમાં જઈને આ આર્થિક સંબંધો મજબૂત કરી આવ્યા છે. બંને પ્રવક્તાઓ પર તલવાર વિંઝાઈ તેનાથી દેશોને સંતોષ થશે અને ભા.જ.પે. પણ સરકારની સાખ બચાવવા માટે બંનેનો ભોગ લેવામાં મોડું ના કર્યું.

સરકાર સ્તરે આ દેશો હવે કોઈ ફરિયાદ નહીં કરે, પરંતુ એક બાબત સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ભારત કેટલો વિભાજીત દેશ છે તેની ખબર વિશ્વને ખબર પડી ગઈ છે. મોદી જ્યારે પણ વિદેશ જાય છે ત્યારે ગાંધી અને બુદ્ધની, અહિંસા અને સર્વધર્મ સમભાવની, શાંતિ અને સહિષ્ણુતાની વાતો કરતા હોય છે. ભારતમાં હિંદુ-મુસ્લિમના ધ્રુવીકરણના સમાચારો દેશ-દરાજ જતા તો હતા, પણ તેને આંતરિક મામલો ગણીને વિશ્વ ધ્યાન આપતું નહોતું.

પરંતુ પૈગંબરને નિશાન બનાવીને ભારતે તેની જાંઘને ખુલ્લી કરી નાખી છે. મંચ પરથી થતાં ભાષણો અને જમીન પરની હકીકતમાં કેટલો વિરોધાભાસ છે તે વાત હવે દુનિયાની નજર બહાર નહીં જાય. અત્યાર સુધી હેટ સ્પીચ ભારતના શ્રોતાઓના કાન પૂરતી સીમિત હતી. પહેલીવાર તેના શબ્દો દુનિયાના શ્રોતાઓના કાને વાગ્યાં.

વિડંબના એ છે કે, ભારતને આ વખતે અમેરિકા જેવા પશ્ચિમી રાષ્ટ્રોએ માનવાધિકારનું લેકચર આપ્યું નહોતું (હજી આ અઠવાડિયે જ, અમેરિકાએ જારી કરેલા આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વાતંત્ર્યના રિપોર્ટમાં, ભારતમાં ધાર્મિક સ્થળો અને માણસો પર વધતા જતા હુમલાઓથી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી). આ વખતે ભારતને તેની ઉદારતા અને સર્વધર્મ સમભાવની ભવ્ય પરંપરાની યાદ અપાવનારાં એ રાષ્ટ્રો હતાં જે ખુદ અનુદાર અને ધાર્મિક છે.

ભારતના રાજકીય પક્ષો અને પ્રબુદ્ધ નાગરિકો સમય-સમય પર નફરતી ભાષણોથી દેશને, સરકારને ચેતવતા હતા, પરંતુ તેમને સાંભળવાને બદલે તેમને જ દેશદ્રોહીનાં લેબલ ચીટકાડીને કલંકીત કરવામાં આવ્યા હતા. આજે વિશ્વના દેશોએ એ જ નફરત સામે અવાજ ઉઠાવ્યો તો ભા.જ.પે તેના અધિકૃત પ્રવકતાઓ વિરુદ્ધ તાબડતોબ કાર્યવાહી કરી, એટલુ જ નહીં, તેણે તેના પ્રવકતાઓ અને નેતાઓએ હવે પછી શું બોલવું અને ના બોલવું તેની ગાઈડલાઈન્સ જારી કરી છે.

સસ્પેન્સન અને ગાઈડલાઈન્સ બંને આવકારદાયક કદમ છે, પણ એ પૂરતાં છે? દુનિયામાં ભારતની નિંદા થઇ તેના બીજા દિવસના સંપાદકીય લેખમાં ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારે સંક્ષેપ્તમાં પણ માર્મિક રીતે તેનો જવાબ આપ્યો હતો. તે લખે છે, “દુનિયાને બતાવવા માટે થઈને નફરતી બયાનની ટીકા કરવી એ વહેતા જખ્મ પર બેન્ડેડ ચોંટાડવા જેવું છે. સરકાર જો એમ માનતી હોય કે (ટી.વી. પર) બે સાઉન્ડ-બાઇટ્સ એ સમસ્યા છે અને બે સસ્પેન્સન તેનું સમાધાન છે તો તે ભૂલે છે. લઘુમતીઓને નિશાન બનાવતાં શાસક પક્ષના સભ્યોના મોઢામાંથી આવતાં નફરતી ભાષણો જ અસ્વીકાર્ય છે.

એનાથી ખતરનાક વિભાજન ઊભું થાય છે અને એમાં દેશનું અહિત છે. આવો સંદેશો (પાર્ટીમાં) છેક ઉપરથી આવવો જોઈએ. એના માટે ખાડીના કોઈ દેશની જરૂર નથી.”

પ્રગટ : ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 12 જૂન 2022

સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પર્યાવરણની પ્રતિબદ્ધતાનાં પચાસ વર્ષ અને ઇંદિરા ગાંધીનું પ્રભાવી વક્તવ્ય …

કિરણ કાપુરે|Opinion - Opinion|13 June 2022

‘વર્લ્ડ એન્વાયર્મેન્ટ ડે’ની ઉજવણી થવી જોઈએ તે નિશ્ચયને પચાસ વર્ષ પૂરાં થયા છે. પર્યાવરણને સાચવવાનો ઉપક્રમ વિશ્વના તમામ દેશોની હિસ્સેદારી હોવી જોઈએ તેવું ઠર્યું 1972માં સ્વીડનમાં યોજાયેલી સ્ટોકહોમ સંમેલનમાં. આ સંમેલન 5થી 16 જૂનમાં સ્વિડનના સ્ટોકહોમમાં આયોજિત થઈ હતી. ‘યુનાઇટેડ નેશન્સ’ની આ પહેલ હતી અને તેમાં વિશ્વસ્તરે પ્રથમવાર ‘એન્વાયર્મેન્ટલ ગવર્નન્સ’નો ખ્યાલ મૂકવામાં આવ્યો. પર્યાવરણના દરેક મુદ્દાને સ્પર્શે અને તેની સુરક્ષા અર્થે 26 મુદ્દાઓનો ઠરાવ કરવામાં આવ્યો. આજે પણ આપણે થોડાં ઘણાં પર્યાવરણના જાગ્રતિ સાથે જીવી રહ્યા છે તેમાં સ્ટોકહોમ સંમેલનની ભૂમિકા મહત્ત્વની છે. સ્ટોકહોમ સંમેલનમાં તત્કાલિન વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેમણે આપેલાં વક્તવ્યમાં પર્યાવરણીય નિસબત ઝળકે છે. આ ભાષણમાંથી કેટલાંક મુદ્દાઓને આજના સંદર્ભમાં જોવા જોઈએ.

ઇંદિરા ગાંધીએ વક્તવ્યના આરંભે જ કહ્યું કે, “હું નસીબવંતી છું કે મને પ્રકૃતિના તમામ સ્વરૂપો સાથે રહેવાની તક મળી. પક્ષીઓ, ગ્રહો અને પથ્થર તમામ મારાં મિત્રો હતાં. તારાચ્છાદિત આકાશ નીચે રાત પસાર કરવાથી હું નક્ષત્રોના નામ અને તેમના ગતિથી પરિચિત થઈ હતી. જો કે તેમના પ્રત્યે મારો ઊંડો લગાવ એક માત્ર પૃથ્વીના કારણે નહીં બલકે તમામ મનુષ્યોના એક ઉપયોગી ઘરરૂપી હતો.” આગળ તેઓ સમ્રાટ અશોકનો હવાલો આપીને પર્યાવરણની વાત મૂકી છે : “કોઈ પણ સાચી વ્યક્તિ અને સભ્ય નાગરિક ત્યાં સુધી નથી બનતી, જ્યાં સુધી તે માત્ર પોતાના મિત્રવત્ લોકોને જ નહીં, બલકે તમામ જીવજંતુઓને પોતાના દોસ્તની જેમ ન જોઈ શકે. પૂરા ભારતમાં, પથ્થરો અને લોહસ્તંભ પર આલેખાયેલા શિલાલેખ તેની સ્મૃતિ કરાવે છે કે 22 સદી અગાઉ સમ્રાટ અશોકે રાજાનું કર્તવ્ય માત્ર નાગરિકોની સુરક્ષા કે ખોટા કામ કરનારને દંડિત કરવા સુધી જ સીમિત ન રાખ્યું, બલકે પશુપક્ષીઓ અને વનને સંરક્ષિત કરવામાં પણ જોયું હતું. થોડાં વર્ષો પહેલાં સુધી અશોક સમ્રાટ એક માત્ર એવાં રાજા હતા જેમણે રમત કે આહાર અર્થે મોટી સંખ્યામાં પ્રાણીઓને મારવાને લઈને પ્રતિબંધ લાધ્યો હતો.”

પર્યાવરણની આ સંમેલનમાં તત્કાલિન વડા પ્રધાન ઇંદિરા ગાંધીના ભાષણમાં ક્યાં ય રાજકીય મુદ્દા દેખાતા નથી અને ભારત સરકારની પર્યાવરણની સિદ્ધિના પણ તેમણે ગુણ ગાયા નથી. તેઓ ભારતની વાસ્તવિક સ્થિતિને બયાન કરતાં હોય તેમ લાગે છે. આગળ તેઓ જણાવે છે : “પૂરી દુનિયા સહિત અમે ભારતીયો પણ અશોકની આ શિખામણને નજરઅંદાજ કરીને અમારાં ભરણપોષણ અર્થે પ્રકૃતિના સ્રોતોની અનિયંત્રિત ઉપેક્ષા કરી છે. વનસ્પતિ અને પશુપક્ષીઓને ઝડપથી નાશ કરવાને લઈને અમારી ચિંતા તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. અમારા વન્યજીવનો કેટલોક હિસ્સો પૂર્ણ રીતે નષ્ટ થઈ ચૂક્યો છે. ઇતિહાસના મૂક સાક્ષી સમા સદીઓ જૂના સુંદર માઇલો લાંબા જંગલો આજે બરબાદ થઈ ચૂક્યાં છે. જો કે અમારા ઉદ્યોગોનો વિકાસ હજુ આરંભે છે, ત્યારે અમે સૌથી પડકારભર્યા તબક્કામાં છીએ. અને તેનાં કારણે થઈ રહેલા પર્યાવરણીય અસંતુલનને અટકાવવા માટે અમે પગલાં ભરી રહ્યા છીએ. આ પગલાં વ્યાપક સ્તરે લેવાઈ રહ્યાં છે કારણ કે અમારી ચિંતા સમગ્ર માનવજાતિ પ્રતિ છે.”

પ્રદૂષણ સમૃદ્ધિથી નીપજે છે તેવું ઇંદિરા ગાંધીએ અહીં વક્તવ્યમાં જણાવ્યું હતું અને ગરીબીનું પરિણામ કુપોષણ અને બીમારીનું જોખમ છે અને યુદ્ધથી કમજોરીનું. આગળ તેઓ તેમનાં પિતા નેહરુનો એક કિસ્સો ટાંકતા કહે છે : “એવું કહેવાય છે કે પ્રગતિ પ્રકૃતિ પર થઈ રહેલાં હૂમલાની પર્યાય બની જાય છે. આપણે સૌ જે પ્રકૃતિનો હિસ્સો છીએ, અને આપણી દરેક આવશ્યકતા માટે તેના પર આધારીત છીએ, તેમ છતાં તેના શોષણને લઈને અમલ અંગે કશું કરતા નથી. 1953માં જ્યારે દુનિયાના સૌથી ઊંચા પર્વત પર પર્વતારોહી પહોંચ્યો હતો. ત્યારે જવાહરલાલ નેહરુએ ‘એવરેસ્ટ પર વિજય’ના શબ્દપ્રયોગ પર નારાજગી દર્શાવી હતી. અને તેને અહંકારી રૂપ વલણ ગણાવ્યું હતું.” આગળ તેમણે ભાષણમાં વિકસિત દેશોની ઝાટકણી કાઢતાં હોય તેમ જણાવ્યું હતું કે, “આપણે અહીંયા સંયુક્ત રાષ્ટ્રના બેનર નીચે એકત્રિત થયાં છીએ. અમારી અપેક્ષા છે કે આપણે સૌ અહીં એક પરિવારની જેમ છીએ. જેમના ગુણો એકસમાન છે અને આકાંક્ષાઓ પણ. તેમ છતાં આપણે વિભાજિત દુનિયામાં વસીએ છીએ.” આવું કેમ છે? તેનો ઉત્તર આપતાં આગળ ઇંદિરા ગાંધી કહે છે : “આજે પણ આપણી વચ્ચે સમાનતા નથી. અને એકબીજાં પ્રત્યેનું સન્માન પણ નથી. જ્યાં સુધી રંગ અને જાતિ, ધર્મ અને માન્યતાઓનો પ્રશ્ન છે સમાજ પૂર્વનિર્ધારીત ધારણાઓથી સંચાલિત થઈ રહ્યો છે. લોકોની ઉગ્રતા અને શ્રેષ્ઠ હોવાપણાંના દંભથી તનાવ હંમેશાં વધે છે. મહાસત્તાઓની શક્તિ વાસ્તવિકતા હોવા છતાં તે કોઈ સારાં કાર્ય માટે નહીં બલકે કાલ્પનિક ઇચ્છાઓની પાછળ દોડવામાં પોતાની શક્તિ ખર્ચે છે. આ જ કારણે બીજાના અધિકારમાં દખલ કરવી અને કાર્યવાહી કરવાનો હક મેળવી લેવામાં આવે છે. સામાન્ય રીતે તેની મંજૂરી કોઈને આપવામાં આવતી નથી. આજના અનેક વિકસિત દેશો અન્ય દેશોના લોકો પર પ્રભુત્વ મેળવીને સંપન્ન થયા છે. તેમણે પ્રાકૃતિક સંસાધનોનો ખૂબ ઉપયોગ કર્યો છે. તેમણે આરંભથી જ ક્રૂરતાભર્યું વલણ રાખ્યું અને દયા, સ્વાતંત્રતા, સમાનતા અને ન્યાય જેવાં મૂલ્યોને પાછળ હડસેલીને આગળ વધવાનો નિર્ણય કર્યો. નાગરિકોના રાજકીય અધિકાર હોય કે સૌથી નીચેના વ્યક્તિના આર્થિક અધિકાર, તે તમામ બાબતોની ત્યારે જ ચર્ચા થઈ જ્યારે આ દેશોએ પોતાનો પૂરતો વિકાસ કરીને અત્યાધુનિક થઈ ગયા.”

તે વખતે આપણા દેશને આઝાદ થયા અઢી દાયકા જેટલો જ સમય વીત્યો છે અને તેમાં પશ્ચિમના દેશો તરફ આ રીતે ઇંદિરા ગાંધીએ નિશાન સાંધ્યુ હતું. અને આગળ આ સ્થિતિથી કેવી રીતે આગળ વધવું અને તે માટે શું ધ્યાન રાખીશું તે પણ કહ્યું : “આજે આપણે બિલકુલ અલગ સ્થિતિમાં છીએ અને આપણું જીવન વધુ સારું બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છીએ ત્યારે સ્વાભાવિક છે કે એના પર દૃષ્ટિ રાખીશું કે અમારા આવશ્યક કામ અર્થે પણ પર્યાવરણને નુકસાન ન પહોંચવું જોઈએ. અમે અમારાં આદર્શોથી બંધાયેલાં છીએ. અમે અમારા મજદૂરના અધિકારો માટે પ્રતિબદ્ધ છીએ અને અમે આંતરરાષ્ટ્રિય સંગઠનોના ચાર્ટરમાં લિખિત સિદ્ધાંતોનું પાલન પણ કરીશું. તેનાથી પણ આગળ એ કે, અમે અમારા દેશના રાજકીય અને જાગૃત કરોડો નાગરિકો પ્રત્યે પ્રતિબદ્ધ છીએ. આ તમામ બાબતો પ્રગતિને મોંઘેરી અને જટીલ બનાવે છે.”

પછી તેઓ ભારતમાં મહદંશે તે વખતે ગરીબી વર્ગની સંખ્યા વધુ હતી તેથી તેમણે પ્રદૂષણને ગરીબી સાથે જોડતાં કહ્યું : “પર્યાવરણને નુકસાન થાય તેવું કશું ય કરવાની અમારી ઇચ્છા નથી, પરંતુ અમે એ ભૂલતાં નથી કે મોટી સંખ્યામાં અમારાં નાગરિક ગરીબ છે. શું ગરીબી અને સૌથી વધુ પ્રદૂષણ ફેલાવનારાં એક જ સિક્કાના બે પાસાં છે? દાખલા તરીકે, જ્યાં સુધી અમે જંગલોમાં રહેતાં અમારા આદિવાસી લોકોને રોજગારી આપવા કે કશુંક ખરીદ કરી શકે તે સ્થિતિમાં નથી લાવી શકતા, ત્યાં સુધી તેમનાં આહાર કે આજિવિકા અર્થે તેમને જંગલો પર નિર્ભર ન રહેવાનું અમે ન કહી શકીએ. જ્યાં સુધી તેઓ પોતે ભૂખ્યા છે ત્યાં સુધી અમે તેમને પ્રાણીઓને બચાવવાનો આગ્રહ કેવી રીતે કરી શકીએ? અને જે લોકો ગામડાં અને કાચા મકાનમાં રહે છે તેમને દરિયા, નદીઓ અને હવા બચાવવા માટે કેવી રીતે કહી શકીએ જ્યારે તેમનું જ જીવન બદ્તર સ્થિતિમાં છે. ગરીબોની સ્થિતિમાં સુધાર ન આવે ત્યાં સુધી પર્યાવરણ સુરક્ષા નિશ્ચિત થઈ શકતી નથી. સાથે વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિના પણ ગરીબી દૂર ન થઈ શકે.”

ઇંદિરા ગાંધીએ તેમનાં આ વક્તવ્યમાં હજુ પણ અનેક મુદ્દા સમાવ્યાં છે. શબ્દમર્યાદાના કારણે તેની ચર્ચા અહીંયા થઈ શકતી નથી, પરંતુ તેમણે વક્તવ્યના અંતે જે કહ્યું છે તે સારરૂપી વાતમાં તેઓ કહે છે : “આધુનિક મનુષ્યએ પ્રકૃતિ અને જીવન સાથે અતૂટ સંબંધ પુનઃસ્થાપિત કરવો જોઈએ. અને તેણે સદીઓ પહેલાં ભારતના પૂર્વજોએ કર્યું હતું તે યાદ રાખવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ પૃથ્વી અને વાતાવરણથી એટલું જ લઈ શકે જેટલું તે તેને પાછું આપી શકે.”

e.mail : kirankapure@gmail.com

Loading

આત્મવંચના નહીં રાષ્ટૃવંચના કરતા શાસકો

રમેશ ઓઝા|Opinion - Opinion|12 June 2022

અરુણ શૌરી જ્યારે નરેન્દ્ર મોદીના મોટા સમર્થક હતા ત્યારે તેમણે, ૨૦૧૩ની સાલમાં, ભારતની ચીન વિશેની નીતિ ઉપર એક પુસ્તક લખ્યું હતું જેનું શીર્ષક હતું ; ‘સેલ્ફ-ડીસેપ્શન : ઇન્ડિયાઝ ચાઈના પોલિસી.’ એ પુસ્તકના મુખપૃષ્ટ ઉપર તેમણે તે સમયના વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને ચીનના પ્રમુખ હુ જિન્તાઓને ઝૂકીને અભિવાદન કરતા બતાવ્યા છે. પુસ્તકનું શીર્ષક. ‘સેલ્ફ-ડીસેપ્શન’ તો બોલકું છે જ પણ મુખપૃષ્ટ પરની તસ્વીર વધારે બોલકી છે. તેમણે પોતે ‘મંથન’ નામના થીંક-ટેંક પ્લેટફોર્મ પરથી બોલતા કહ્યું હતું કે તેમણે મનમોહન સિંહની ચીનના નેતાને ઝૂકીને અભિવાદન કરતી તસ્વીર ચાહી કરીને મૂકી હતી કે જેથી વાચકને ખબર પડે કે ભારતના શાસકો (કાઁગ્રેસ વાંચો) કેટલા બુઝદિલ છે. લળીલળીને ચીનના નેતાઓના ઓવારણા લેવામાં આવે છે અને ચીનના નેતા જુઓ, એક સેન્ટીમીટર પણ ઝુકતા નથી. તેમનું કહેવાનું એમ હતું કે દેશને એવા નેતાની જરૂર છે જે ચીનના નેતાઓ સામે ટટ્ટાર ઊભા રહે અને આંખમાં આંખ મેળવીને વાત કરી શકે. માટે નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદીએ ત્યારે એવો દાવો પણ કર્યો હતો.

એ સમયે ચારેકોરથી ડૉ. મનમોહન સિંહ ઉપર બાણવર્ષા થતી હતી. દેશને સિંહની જરૂર છે ત્યારે સસલું શાસન કરે એ કેમ ચલાવી લેવાય! દેશને મોટાં સપનાં જોઈ શકનારા અને બુલંદ ઈરાદો ધરાવનારા, કૃતનિશ્ચયી સ્વચ્છતાની મૂર્તિ સમાન નેતાની જરૂર છે ત્યારે ડૉ. મનમોહન સિંહ નામના શિયાળવાને કેમ ચલાવી લેવાય જે પડકારો ઝીલી શકતા નથી! ઔર તો ઔર જેની રાજકીય સમજ ગામડાના સરપંચ જેટલી પણ નથી અને સવારે પૂર્વ દિશામાં જાય અને સાંજે પશ્ચિમ દિશામાંથી નીકળે એ અણ્ણા હજારેએ ડૉ. મનમોહન સિંહ જેવા આંતરરાષ્ટ્રીય કીર્તિ ધરાવનારા અર્થશાસ્ત્રી ઉપર બાણવર્ષા કરી હતી. ત્યારે ડૉ. મનમોહન સિંહે માત્ર એટલું જ કહ્યું હતું કે મને ભરોસો છે કે સમય મને ન્યાય આપશે.

અરુણ શૌરીના પુસ્તક ઉપરનું કવર ડૉ. મનમોહન સિંહને અન્યાય કરનારું છે, કારણ કે ડૉ. મનમોહન સિંહે ચીનના ડરથી દલાઈ લામાને મળવાનું ટાળ્યું નથી. ખરું પૂછો તો ભારતનો ૨૦૧૪ સુધીનો એક પણ વડા પ્રધાન એવો નથી જેણે ચીનના ડરથી દલાઈ લામાને મુલાકાત ન આપી હોય. નરેન્દ્ર મોદી ભારતના પહેલા અને એક માત્ર વડા પ્રધાન છે જે ચીનના ડરથી દલાઈ લામાને મળતા નથી. દલાઈ લામાને આઠ વરસમાં એક પણ મુલાકાત આપી નથી. દલાઈ લામા માત્ર તિબેટી નેતા નથી, આખા જગતમાં આદરણીય પુરુષ છે.

ખેર, અરુણ શૌરીનાં ચીન વિશેના પુસ્તક ઉપરની તસ્વીર ડૉ. મનમોહન સિંહને અન્યાય કરનારી છે એમાં ના નહીં, પણ શીર્ષક સાચું છે અને અત્યારના શાસકો માટે તે વધારે સાચું છે. સેલ્ફ-ડીસેપ્શનનો અર્થ થાય છે, આત્મવંચના. પોતાની જાતને છેતરવી અથવા ખોટા ભ્રમમાં રહેવું. જવાહરલાલ નેહરુ ચીન વિષે ખોટા ભ્રમમાં રહ્યા હતા અને ચીન ઉપર ભરોસો કરવાની ભૂલ કરી હતી એ એક હકીકત છે. પણ અત્યારના શાસકો તો તેમનાથી એક ડગલું આગળ ગયા છે. તેઓ માત્ર આત્મવંચના નથી કરતા, રાષ્ટ્રવંચના પણ કરે છે. નહીં બોલીને, આંખ આડા કાન કરીને, મોઢું ફેરવી લઈને પ્રજાને પણ ભ્રમમાં રાખે છે કે ચીનની સરહદે બધું સમુસૂતરું છે, જ્યારે કે સ્થિતિ બિલકુલ ઊલટી છે.

ચીનની સરહદે શું ચાલી રહ્યું છે એના સમાચાર આપણને અમેરિકા આપે, યુરોપિયન યુનિયન આપે, સેટેલાઈટ તસ્વીરો આપે, ‘ઈકોનોમિસ્ટ’ અને એવાં બીજાં જાગતિક પ્રતિષ્ઠા ધરાવનારાં સામયિકો આપે, બી.બી.સી. અને અલ ઝઝીરા જેવી પ્રતિષ્ઠિત ન્યુઝ ચેનલો આપે, વિશ્વની પ્રતિષ્ઠિત થીંક-ટેન્કો આપે, સ્વતંત્ર રાજકીય નિરીક્ષકો આપે અને આપણા શાસકો? આપણા શાસકો મૂંગા રહે અને રાફેલ વિમાનને કોઈની નજર ન લાગે એ માટે તેના પૈડાંને લીંબુ-મરચાં બાંધે. વાહરે, ચીન વિશેની નીતિ. અરુણ શૌરી અત્યારે મરવા જેવી લાજ અનુભવી રહ્યા છે એનું કારણ આ છે.

બુધવારે અમેરિકન લશ્કરના કમાન્ડીંગ જનરલ ચાર્લ્સ એ. ફ્લીને દિલ્હીમાં (આય રિપીટ દિલ્હીમાં) કહ્યું છે ચીન ભારતની સરહદે લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યું છે એ જોતા સરહદે સ્થિતિ ચિંતાજનક છે. આવું અમેરિકાએ પહેલીવાર નથી કહ્યું. સૌથી પહેલાં આપણા વડા પ્રધાનના નાદાન અમેરિકન મિત્ર અને એ સમયના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ચીને ભારતની ભૂમિ ઉપર કબજો જમાવ્યો છે અને તેને કારણે મારા મિત્ર નરેન્દ્ર મોદી હતપ્રભ અને દુઃખી છે. દોસ્ત હો તો ઐસા. એ પછી વખતોવખત અમેરિકા ચીનની લશ્કરી તૈયારીઓ વિષે નિવેદન કરતું રહ્યું છે અને ભારતને ચેતવણી આપતું રહ્યું છે. વચ્ચે અહેવાલ આવ્યા હતા કે ચીનની સરહદે પહેલા આઠ હજાર ચીની સૈનિકો હતા જે હવે પચાસ હજાર છે. આ વખતે પહેલી પંક્તિના લશ્કરી અધિકારીએ દિલ્હીમાં આવીને કહ્યું એ ઓછી ગંભીર તાકીદ નથી. પણ ભારતના શાસકો ચૂપ છે. મોઢું ખોલે એ બીજા. અમંગળ વાસ્તવિકતાઓ જોવાની જ નહીં ને!

હજુ હમણાં પખવાડિયા પહેલાં યુરોપિયન સંઘના પ્રવક્તાએ કહ્યું હતું કે ભારત રશિયાની યુક્રેન ઉપરની ચડાઈની બાબતે ચૂપ એટલા માટે છે કે તેને ચીનનો ડર છે. રશિયા રશિયન રાષ્ટ્રવાદથી પ્રેરાઈને જેમ યુક્રેન ઉપર દાવો કરે છે એમ ચીન પણ ભારતના કબજા હેઠળની ભૂમિ ઉપર દાવો કરી રહ્યું છે. રશિયાની જેમ ચીન જો એ ભૂમિ કબજે કરવા આક્રમણ કરે તો રશિયા ભારતને મદદ કરશે એવી ભારતની અપેક્ષા છે. ચીન ભારત સાથેની સરહદે જે રીતે લશ્કરી તૈયારીઓ કરી રહ્યું છે એ જોતાં આવી શક્યતા ઘણી મોટી છે. ટૂંકમાં ચારે તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ચીન લશ્કરી જમાવટ કરી રહ્યું છે અને ભારત સામે ખતરો છે. રાહુલ ગાંધીએ પણ આમ કહ્યું હતું ત્યારે ગોદી મીડિયાએ અને બી.જે.પી.ના સાયબર સેલે તેમને ચીનના પ્રવક્તા તરીકે ઓળખાવ્યા હતા.

પણ ભારતના શાસકો ચીનની દિશામાં નજર સુદ્ધાં કરતા નથી. આ આત્મવંચના નથી રાષ્ટ્રવંચના છે. ડૉ. મનમોહન સિંહ ઝુકીને અભિવાદન કરતા હતા એ તેમની ખાનદાની હતી. અદના માણસને પણ ડૉ. મનમોહન સિંહ આદર આપે છે અને પૂરા આદર સાથે ગંભીરતાપૂર્વક તેની વાત સાંભળે છે એમ નોબેલ પુરસ્કૃત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને તેમનાં સંસ્મરણો વાગોળતા કહ્યું છે. એમાં આત્મવંચના નહોતી અને રાષ્ટ્રવંચના તો જરા ય નહોતી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 જૂન 2022 

Loading

...102030...1,5701,5711,5721,573...1,5801,5901,600...

Search by

Opinion

  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved