
હેમન્તકુમાર શાહ
યુદ્ધ ન જ ગમે. એ છેલ્લા ઉપાય તરીકે જ હોય. મોદી સરકારે એ છેલ્લા ઉપાય તરીકે જ શરૂ કર્યું હશે. જો કે, એ સિવાય કોઈ ઉપાયો યુદ્ધ શરૂ કરતાં પહેલાં પ્રયોજ્યા હોવાનું જાણમાં નથી.
સવાલ એ છે કે પહેલગામ આવીને જે ચાર આતંકવાદીઓએ પ્રવાસીઓને મારી નાખ્યા એ ક્યાં ગયા? એ ભારતમાં જ છે કે પાકિસ્તાનમાં? શું યુદ્ધ વિરામ એ શરતે થયો છે કે જો એ તેને ત્યાં હશે તો પાકિસ્તાન એમને ભારતને સોંપી દેશે? તેઓ ભારતમાં હોય તો વહીવટી તંત્ર કે લશ્કર એમને ક્યારે પકડી શકશે?
શું પાકિસ્તાન ભારત ઉપર આતંકવાદી હુમલા કરનારાં સંગઠનોને સાફ કરી નાખશે? કે પછી જેમ ચાલે છે એમ જ ચાલ્યા કરશે? એને માટે શું કોઈ સમજૂતી થઈ?
કઈ શરતોએ આ યુદ્ધ બંધ થયું એ અગત્યનું છે. ભવિષ્યમાં થનારા આતંકવાદી હુમલાને યુદ્ધ ગણવામાં આવશે એવી હૈયાધારણ પૂરતી કેવી રીતે કહેવાય?
વળી, સૌથી મહત્ત્વની વાત તો એ છે કે યુદ્ધ ભારતે શરૂ કર્યું અને પૂરું થયાની જાહેરાત અમેરિકાએ કરી! હદ થઈ ગઈ આ તો. કોણ કોને નમી રહ્યું છે? કોણ કોનું કહ્યું કરે છે? શા માટે? આટલી બધી બાહ્ય દરમ્યાનગીરી તો સ્વતંત્ર ભારતના કોઈ વડા પ્રધાને સ્વીકારી હોવાનું જાણમાં નથી.
યુદ્ધના ત્રણેક દિવસના ધમપછાડા પછી સિદ્ધ શું થયું? ભારતને શો લાભ? ભારતના લોકોને શું મળ્યું? એમ લાગતું હતું કે યુદ્ધ થોડું લાંબું ચાલશે અને કશુંક નક્કર સિદ્ધ થશે. એવું કશું થયું હોવાનું દેખાતું જ નથી.
પાકિસ્તાનમાં આવેલાં આતંકવાદીઓનાં મકાનો સાફ થઈ ગયાં. પણ એ તો ફરી બંધાઈ ન શકે? અને એ બધા ત્યાં આટલા દિવસથી રાહ જોઈને બેઠેલા હોઈ શકે? પુલવામાની ઘટના પછી જ્યાં ભારતે છાપા મારેલા ત્યાં હાલ શું છે?
યુદ્ધો હંમેશાં તમામ પ્રકારનો વિનાશ વેરે છે. એટલે આ યુદ્ધ બંધ થયું તે તો સારું જ થયું.
પણ ઉપર જે સવાલો ઊભા કર્યા છે એ જેમને ગોડસે ગેંગ અર્બન નક્સલ કે દેશદ્રોહી વગેરે કહે છે એવા મનુષ્ય તરીકે નહીં, પણ લોકશાહી અને સ્વતંત્ર ભારતના એક સ્વતંત્ર નાગરિક તરીકે, પૂછ્યા છે અને એ પૂછવાનો મારો જન્મસિદ્ધ અધિકાર છે.
તા.૧૦-૦૫-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર