Opinion Magazine
Number of visits: 9663470
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લાડુ અને ભૌતિકશાસ્ત્ર !

સુરેશ જાની|Opinion - Opinion|16 January 2026

દસમા ધોરણની પહેલા સત્રની પરીક્ષા ઢૂંકડી હતી અને આ હરીશભાઈને બધા વિષયોમાં ઉત્તીર્ણ થવાની પણ આશા ન હતી. નોન-મેટ્રિક થઈ મજૂરી અથવા બહુ બહુ તો ફીટર કે મિકેનિક બનવા સિવાય કશા ઉજળા ભાવિની એનાં માવતરને આશા ન હતી. સાવ રખડેલ અને અભ્યાસ તરફ ઉદાસીન જીવ. એની મા રામવતીનું હૈયું તો ડૂસકાં ભરે.

એ માહોલમાં છઠ્ઠના દિવસે ભગવાનને ધરાવવા તે લાડુ બનાવતી હતી ત્યારે એને એક ફળદ્રૂપ  વિચાર સૂઝ્યો. તરત એણે બાબલાને કહ્યું, “જો તું એક કલાક ભણે તો તને એક લાડુડી મળશે.

લાડુ આરોગવાનો શોખિન હરીશ તો મચી જ પડ્યો. ત્યારે એને ખ્યાલ આવી ગયો કે, પોતે માનતો હતો એટલો મંદબુદ્ધિ ન હતો. ધ્યાન દઈને વાંચેલું એને યાદ રહી શકતું હતું. ગણિતના દાખલાઓમાં તેની અક્કલ પણ બરાબર દોડી શકતી હતી.

૮, એપ્રિલ – ૧૯૫૨ના રોજ, બિહારના દરભંગાના શિક્ષક ગણેશચંદ્ર વર્મા અને રામવતીના ઘેર જન્મેલ હરીશની ગાડી તો પૂરપાટ પાટે ચઢી ગઈ. તે દસમા ધોરણની પરીક્ષામાં બધા વિષયમાં ઉત્તીર્ણ થયો; એટલું જ નહીં, એસ.એસ.સી.ની પરીક્ષા સારા માર્કથી પસાર કરી અને પટણાની વિજ્ઞાન કોલેજમાં પ્રવેશ મેળવી યુનિવર્સિટીની ફાઈનલ પરીક્ષામાં ભૈતિકશાસ્ત્રના વિષયમાં ત્રીજા નંબરે બહાર પણ પડ્યો.

પટણામાં જીવનની શરૂઆત કરનાર હરીશે આઈ.આઈ.ટી.(કાનપુર)માં અનુસ્નાતક અને પી.એચ.ડી.ની પદવીઓ પણ હાંસલ કરી છે.

હરીશ યુવાન વયે

ડો. હરીશ્ચન્દ્ર બન્યા બાદ, તેણે પટણાની વિજ્ઞાન કોલેજમાં ભૌતિકશાસ્ત્રના વિષયમાં શિક્ષણ કાર્ય શરૂ કર્યું. વિદ્યાર્થીઓને ભણાવતાં તેને સમજાયું  કે, ભૌતિકશાસ્ત્રના પચાવવા માટે અઘરા સિદ્ધાંતો સમજાવવા સરળ રીતો અજમાવી  શકાય. આઠ  વર્ષના શિક્ષણકાર્યના અનુભવ બાદ તેણે બે ભાગમાં ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતોનું પુસ્તક બહાર પાડ્યું છે.

૧૯૯૪ની સાલમાં તેની માનિતી સંસ્થા આઈ.આઈ.ટી.(કાનપુર)માં પ્રોફેસર તરીકે કામ કરવાની તક તેને મળી. ત્યાં તેણે શિક્ષણ ઉપરાંત ન્યુક્લિયર ફિઝિક્સના વિષયમાં સંશોધન પણ કરવા માંડ્યું. આ ઉપરાંત બીજા સહકાર્યકરો અને વિદ્યાર્થીઓના સહકારથી તે ‘શિક્ષાસોપાન’ નામની સંસ્થાનું સંચાલન પણ કરે છે. આ સંસ્થા આઈ.આઈ.ટી.ની આજુબાજુ રહેતા આર્થિક રીતે નબળા વિધ્યાર્થીઓને મદદ કરવાનું કામ પણ કરે છે.

આખા દેશના ભૈતિકશાસ્ત્રના પ્રોફેસરોની સંસ્થા IAPT(Indian Association of Physics Teachers)ની સંચાલન સમિતિમાં પણ તે સક્રીય સભ્ય છે. આ અઘરા વિષયની સરળ સમજ માટે તેણે ૬૦૦ જેટલા પ્રયોગોની રીતો બનાવી છે. દેશના ૨૨ જેટલાં શહેરોમાં આ અને  શિક્ષણની બીજી સરળ રીતોનો વ્યાપ થઈ રહ્યો છે. ભૌતિક શાસ્ત્રના શિક્ષકોની તાલીમ માટે પણ ઘણી શિબિરો આ સંસ્થાએ આયોજી છે. આ અભિયાન હેઠળ દેશના ૮,૦૦૦ શિક્ષકોને અદ્યતન તાલીમ આપવામાં આવી છે.

૨૦૧૭ની સાલમાં આ કાર્યની કદર રૂપે મૌલાના અબ્દુલ કલામ આઝાદ શિક્ષા પુરસ્કાર પણ તેને એનાયત થયો છે. ૨૦૧૦ની સાલમાં તેને ભારત સરકારની  પદ્મશ્રી પદવી પણ મળી છે.

આ ઉપરાંત તેને યોગ શિક્ષણમાં પણ અનહદ રસ છે. તેનો મોટો ભાઈ દેવીપ્રસાદ પણ પ્રોફેસર છે.

૩૮ વર્ષ શિક્ષણ કાર્ય કર્યા પછી, ૨૦૧૭ની સાલમાં તે નિવૃત્ત થયા છે.

https://www.youtube.com/watch?v=lbUxXZT5DlU

સંદર્ભ –

https://en.wikipedia.org/wiki/H._C._Verma

e.mail : surpad2017@gmail.com

Loading

ગાંધી, લેનિન અને સામ્યવાદનાં 100 વર્ષ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 January 2026

પ્રકાશ ન. શાહ

આજે કેમ જાણે અસ્તંગમિત મહિમા શો વરતાતો સામ્યવાદી પક્ષ, સો વરસ વટાવી ગયો છે. એક અર્થમાં એ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બેઉ સમવયી જ છે – 1925ના વિજયાદશમી પર્વે સંઘની સ્થાપના થઈ, અને એ જ વરસના ડિસેમ્બરમાં કાનપુર કોન્ફરન્સ સાથે સામ્યવાદી પક્ષનોયે વિધિવત્ પ્રારંભ થયો. જો કે, સામ્યવાદી પક્ષના ઉદય સંદર્ભે એક બીજી તારીખ પણ પ્રસંગોપાત આગળ કરાતી હોય છે : 1920માં તાશકંદમાં ક્રાંતિકારી પૃષ્ઠભૂ ધરાવતા કેટલાક ભારતીયોએ હિંદી સામ્યવાદી પક્ષનું ગઠન કર્યું હતું, જેમાં અગ્રભૂમિકા એમ.એન. રોયની હતી. રોય મૂળે તો કિશોરાવસ્થા અને તારુણ્યના સંધિકાળે દેશમાં ક્રાંતિકારી વલણો સાથે સક્રિય હતા.

અને તે માટે જરૂરી શસ્ત્રખોજ એમને દેશ બહાર લઈ ગઈ. અમેરિકા થઈ એ મેક્સિકો પહોંચ્યા હતા. અમેરિકામાં ત્યારે હિંદી મૂળના જે ક્રાંતિકારી તરુણો હશે તે પૈકી રોયની પ્રતિભા, ત્યાં ત્યારે દેશનિકાલ જિંદગી બસર કરતા લાલા લાજપતરાયને સવિશેષ સ્પર્શી ગઈ હતી. મેક્સિકોમાં સમાજવાદી વલણોવાળી ક્રાંતિમાં રોય સંકળાયા અને અગ્રસ્થાને પહોંચ્યા તે દરમ્યાન એમણે રૂસી ક્રાંતિનીયે છાલક ઝીલી હતી. આ સંપર્ક એમને રશિયામાં લેનિન સાથેના જીવંત સંપર્ક સુધી લઈ ગયો, અને કોમિન્ટર્ન (કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ) પર પણ એમનો પાટલો મંડાયો હતો. આગળ ચાલતાં એ ધરપકડનું જોખમ વહોરી દેશમાં પાછા ફર્યા ત્યારે રાષ્ટ્રીય મુક્તિ સાથે આર્થિક-સામાજિક પરિવર્તનના વ્યાપક માનવીય એટલા જ આંતરરાષ્ટ્રીય પરિવર્તનમાં એમની વિચારણા ઠરી હતી.

સામ્યવાદી પક્ષનો વિધિવત્ પ્રારંભ તાશકંદ (1920) ગણો કે કાનપુર(1925)થી, દેશમાં સામ્યવાદી વિચારોના પ્રવેશ ને પરિચયની અવિધિસરની શરૂઆત તો વહેલી થઈ ગઈ હતી. જે અનુશીલન સમિતિ સાથે કોકેન એ ગુપ્ત નામથી ક્યારેક સંઘસ્થાપક હેડગેવાર પણ સંકળાયા હતા તે પૈકી ઘણા રાષ્ટ્રીય આઝાદીના ખયાલની જોડાજોડ સામ્યવાદ ભણી પણ ખેંચાયા હતા. વિવેકાનંદના ભાઈ ભૂપેન્દ્રનાથ દત્ત આ સંદર્ભમાં તરત સાંભરે છે. બલકે, સમયમાં જરી આગળ જઈને સંભારું તો હેડગેવારને શરૂઆતનાં વર્ષોમાં સાંપડી રહેલા સરકાર્યવાહ બાલાજી હુદ્દાસે પણ, પછીથી, સામ્યવાદી સંધાન સ્વીકાર્ય જણાવ્યું હતું. 

જોગાનુજોગ જ, ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’નો નારો સંભાર્યો તે સાથે હસરત મોહાનીનું સહજ સ્મરણ થઈ આવ્યું. મોહાની આઝાદી જંગના લડવૈયા હતા અને આ નારો એમનું ફરજંદ હતો. 1921ની અમદાવાદ કાઁગ્રેસમાં હાજર રહી પૂર્ણ સ્વરાજની એમણે હિમાયત કરી હતી. 

આ મોહાનીનુંયે આગળ ચાલતાં, સામ્યવાદી સંધાન હતું, પણ અગત્યની વાત એ છે કે કાનપુરની સ્થાપના કોન્ફરન્સથી ચાર વરસ પૂર્વે આ કાઁગ્રેસના દિવસોમાં અહીં સામ્યવાદી સાહિત્ય વહેંચાયું હતું જેમાં નોંધપાત્ર પુસ્તક રોય કૃત ‘ઇન્ડિયા ઈન ટ્રાન્ઝિશન’ હતું. 

1920ની તાશકંદ ઘટના અને એ જ વરસની ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાની ઘટના, એ પણ એક ધ્યાન ખેંચતું ઇતિહાસજોડલું છે.

ઇન્દુલાલ યાજ્ઞિકનું સ્મરણ છે કે ગુજરાતને લેનિનનો પ્રારંભિક પરિચય ગૂજરાત વિદ્યાપીઠના આચાર્ય ગિદવાણીની દેણ હતી. ખરું જોતાં ગાંધી અને લેનિનને સાથે રાખીને ઇતિહાસનાં વહેણ તપાસ લાયક છે. દક્ષિણ આફ્રિકાથી, આગળ ચાલતાં સામ્રાજ્યવાદ સામેના રાષ્ટ્રીય આઝાદી જંગની ભૂમિકા રચીને ગાંધી વતનમાં 1915માં પાછા ફરે છે, અને લાંબી જલાવતન જિંદગી પછી સંઘર્ષ અને શાસનસૂત્ર સંભાળવા લેનિન 1917માં રશિયા પાછા ફરે છે. વીસમી સદીના પહેલા ચરણમાં, આમ, ઇતિહાસની કરવટબદલનું એક સ્પૃહણીય એટલું જ સ્વાધ્યાયલાયક જોડલું આપણી સામે આવે છે. 

હજુ તો રૂસી ક્રાંતિ થઈ પણ નહોતી અને લેનિને હિંદના આઝાદી લડવૈયા લેખે તિલકને બિરદાવ્યા હતા – એમને લાંબી કેદ પડી અને બ્રિટનના લિબરલો કેમ ચૂપ છે, એવું લેનિને લખ્યું હતું. 1917ની ક્રાંતિ વખતે તિલકે ‘કેસરી’માં ખાસ તંત્રીલેખ કર્યો હતો અને લેનિનના નેતૃત્વમાં એક શાંતિચાહક એટલા જ ન્યાય લડવૈયાના ગુણની નોંધ લીધી હતી. અત્યારે જે ખાસ પ્રકારનો રાષ્ટ્રવિમર્શ આપણી સામે આવી રહ્યો છે એની વચ્ચે તિલકનું એ અવલોકન રસપ્રદ થઈ પડે છે કે સત્તાસ્વાર્થ માટે જંગે ચડતા કે યુદ્ધ ઊભું કરતા ઉપલા વર્ગો સામે લેનિનનો ક્રાંતિકારી મિજાજ જાયજ છે અને લાલા લાજપતરાય? એમણે તો ઐટુક(ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કાઁગ્રેસ)ના સ્થાપના અધિવેશનમાં બિલકુલ લેનિનના જ વિચારદોરનો પડઘો પાડ્યો હતો કે મૂડીવાદ એ મનુષ્યજાતિનું લોહી ચૂસે છે.

લશ્કરવાદ અને સામ્રાજ્યવાદ એ બે મૂડીવાદનાં જોડિયાં સંતાન છે. બલકે, ત્રણે અવિભાજ્યપણે સંપૃક્ત છે. (લેનિન કૃત ‘ઈમ્પિરિયાલિઝમ ઈઝ ધ હાઈએસ્ટ સ્ટેજ ઓફ કેપિટલિઝમ’ સાંભરે છે?) 1928ના નવેમ્બરમાં ‘યંગ ઇન્ડિયા’ની એક ટિપ્પણીમાં તેમ જ લગભગ એ જ અરસામાં ગૂજરાત વિદ્યાપીઠ ખાતે બોલતાં ગાંધીજીએ લેનિન અને એમના બોલ્શેવિક સાથીઓના સંઘર્ષ ને સમર્પણનો આદરપૂર્વક ઉલ્લેખ કર્યો હતો –

અલબત્ત, હંમેશના કેવિયટનુમા અંદાજમાં કે હું એમના હિંસમાર્ગને સ્વીકારતો નથી. ગમે તેમ પણ, સમજવાનું એ છે કે વીસમી સદીએ એના પહેલા ચરણ અધવચ બે શકવર્તી નેતૃત્વ જોયા હતા, જેમની વચ્ચે રોમાં રોલાં જેવા વિશ્વમાનવતાના યાત્રી કંઈક સમન્વય ઝંખતા હશે એવું કાઠું એ બંનેનું હતું. શતક યાત્રાનું આ તો મુખડું માંડ બાંધ્યું છે. એના ચઢાવ-ઉતાર, 1942થી એનું ને સંઘ બંનેનું અંતર, સ્વરાજ પછી અપવાદ બાદ કરતાં પાર્લમેન્ટરી પદ્ધતિનો અંગીકાર, 1957માં લોકસભામાં મુખ્ય વિપક્ષ- ઘણુંબધું ચર્ચવું રહે છે, યથાનિમિત. 

પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 14 જાન્યુઆરી  2026

Loading

ગઝલ

પરેશ દવે 'નિર્મન'|Poetry|14 January 2026

કોઈ  આગળ ઊભી ગયું છે,
કંઈક  પાછળ છૂટી ગયું છે.

આભ ઓઢી બેસી રહ્યો છું,
એટલું દિલ દુઃખી ગયું છે.

એ જ સન્નાટો છે હજી પણ,
કોઈ એમાં ખૂંપી ગયું છે.

પરબડીને આકાશ આપી,
એક પંખી ઊડી ગયું છે.

શું કરું ખોબાનું કથાનક,
ટાંકણે જળ ખૂટી ગયું છે.

તા.14.1.26.

વૃન્દાવન બંગલોઝ,15, શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ., તા.જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com

Loading

...10...14151617...203040...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved