Opinion Magazine
Number of visits: 9671845
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુનશી પ્રેમચંદનાં પત્ની, લેખિકા શિવરાની દેવી : વણગવાયેલાં સ્વાતંત્ર્ય સેનાની

મૂળ લેખ : મોહિતા તિવારી  • અનુવાદ : રૂપાલી બર્ક|Opinion - Opinion|14 August 2022

સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનાર મહિલાઓનાં નામની યાદીમાં એમનું નામ નહોતું મૂકાયું, પરંતુ એમણે ‘કપ્તાન’ બની મહિલા સેનાનીઓની આગેવાની કરેલી અને લખનઉની વિદેશી માલ વેચતી દુકાનોના પિકૅટીંગ માટે જેલમાં પણ ગયેલાં. સુપ્રસિદ્ધ હિન્દી લેખક મુનશી પ્રેમચંદનાં પત્ની, શિવરાની દેવીએ સ્વતંત્રતા સંગ્રામમાં તથા સાહિત્ય લેખન દ્વારા માતબર યોગદાન આપેલું.

“મુનશી પ્રેમચંદ ૧૯૨૪થી ૧૯૩૦, એમ સાડા છ વર્ષ એમના બે દીકરા, એક દીકરી અને પત્ની શિવરાની દેવી સાથે લખનઉમાં રહેલા. પતિ-પત્ની બન્નેને દેશની સ્વતંત્રતા માટેની લડતમાં ભાગ લઈને જેલમાં જવું હતું અને છેવટે શિવરાની દેવી બે મહિના માટે જેલમાં ગયાં,” એવું જાણીતા વિવેચક વિરેન્દ્ર યાદવ નોંધે છે. અમીનાબાદના ઝંડેવાલા પાર્કમાં ૧૧ નવેમ્બર, ૧૯૩૦ના રોજ વિદેશી માલ વેચતી દુકાનોના પિકૅટીંગ બદલ એમની ધરપકડ કરવામાં આવી હતી. યાદવ લખે છે, “લોકોના સામાજિક-આર્થિક ઉત્થાનમાં એમને હંમેશાં રસ હતો અને સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય ભાગ લેતાં. સ્વતંત્રતા સંગ્રામ દરમ્યાન ઝંડેવાલા પાર્કમાં ભૂતપૂર્વ પ્રધાન મંત્રી જવાહરલાલ નહેરુના માતૃશ્રી સ્વરૂપ રાની નહેરુનાં ભાષણ અને ધરપકડથી એ ખૂબ ચલિત થયાં હતાં. સ્વતંત્રતા માટેની તમામ પ્રવૃત્તિઓમાં એમની સક્રિયતાને લીધે એ એટલા લોકપ્રિય હતાં કે જ્યારે કૉંગ્રૅસ કાર્યકર્તા મોહનલાલ સક્સેનાએ મહિલા સેનાનીઓની યાદી બનાવી, શિવરાની દેવીને સર્વાનુમતે એમના કપ્તાન તરીકે પસંદ કરાયાં”.

યાદવ વધુમાં કહે છે, “સ્વતંત્રતા સંગ્રામમાં એમની ભાગીદારી અંગેની સૌથી રસપ્રદ બાબત એ છે કે મુનશી પ્રેમચંદ પણ એનાથી અજાણ હતા. એમને સેનાનીઓની નામાવલી હિન્દી અને ઉર્દૂમાં અનુવાદ માટે મોકલવામાં આવી, ત્યારે એમણે જોયું કે કૉંગ્રૅસની મહિલા શાખાના વડા તરીકે શિવરાની દેવીનું નામ છે.”

મનોહર બંધોપાધ્યાય લિખિત ‘લાઈફ ઍન્ડ વર્ક્સ ઑફ પ્રેમચંદ’માં (માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત) શિવરાની દેવીના પુસ્તક ‘પ્રેમચંદ ઘર મેં’માંથી શિવરાની દેવીની ધરપકડ અને એમની ધરપકડ કરનારા પોલીસકર્મીઓની ઉત્કટ લાગણીઓ વર્ણવતો હૃદયસ્પર્શી હિસ્સો સમાવિષ્ટ કર્યો છે. શિવરાની દેવીની ધરપકડ વખતે દેશને કાજે હસતા મુખે જેલ જતી નિ:સ્વાર્થ સ્ત્રીઓનાં માનમાં ભાવાંજલી અર્પણ કરતા એક પોલીસકર્મી પોતાને રોકી શક્યો ન હતો. પુસ્તકમાં પોલીસકર્મી સાથેનું એમનું આદાન-પ્રદાન આલેખાયું છે. પોલીસકર્મીએ એમને કહેલું “માતાજી, અમને અહીંથી ૨૩ રૂપિયા મળે છે પરંતુ અમને બીજે ક્યાં ય ૧૦ રૂપિયા પણ મળે ને તો અમે રાજીખુશી આ પાપી નોકરી છોડી દઈએ.” પોલીસકર્મીની વાતથી શિવરાની દેવી દ્રવિત થયેલાં અને પોલીસકર્મીને આશ્વાસન આપતાં એમણે કહેલું કે ગમે તેમ પણ એ પોતાની ઔપચારીક ફરજ નિભાવી રહ્યો હતો. જવાબમાં પોલીસકર્મીએ કહેલું, “તમે બહુ ઉદાર છો એટલે જેલ જાઓ છો. અમને દુ:ખ છે કે અમે અમારી માતાઓ અને બહેનોની પૂજા કરવાને બદલે એમને જેલ લઈ જઈ રહ્યાં છીએ.”

જેલમાંથી છૂટ્યાં બાદ પણ શિવરાની દેવી બેસી રહ્યાં ન હતાં. એમનાં કથળતા આરોગ્ય વચ્ચે પણ સી-ક્લાસ કેદીઓને ભૂખ્યા રાખીને અને શિયાળામાં ગરમ વસ્ત્રો નહીં આપીને એમની સાથેના અમાનવીય વ્યવહાર સામે સક્રિય વિરોધનું આયોજન કરેલું. સત્તાધીશોને આખરે એમની માંગણી સામે ઝુકવું પડેલું.

“શિવરાની દેવીની ધરપક્ડ વખતે પ્રેમચંદ વારાણસીમાં હતા. જ્યારે પ્રેમચંદ શિવરાની દેવીને જેલમાં મળવા ગયા ત્યારે એમણે પત્નીને કહેલું, “તું નહીં, બાળકોની સંભાળ લેવાની હોવાથી હું જેલમાં છું,” એમ લખનઉ યુનિવર્સિટીના હિન્દી વિભાગના અધ્યાપક અને વિવેચક રવિ કાન્ત ચંદન નોંધે છે અને ઉમેરે છે કે “પ્રેમચંદને લાગતું કે વારાણસીથી પરત ફરતા ગમે ત્યારે એમની ધરપકડ કરવામાં આવશે. વાસ્તવમાં તો એ ‘ભવ્ય’ દિવસની એમને પ્રતિક્ષા હતી. એમની પત્ની એમનાથી આગળ નીકળી ગયાંથી એમને હર્ષ થયો. પ્રેમચંદે કહેલું કે એમની પત્નીએ એમનું ગૌરવ સો ગણું વધારી આપ્યું હતું.” શિવરાની દેવીને અંગ્રેજી નહોતું આવડતું એટલે બ્રિટિશ રાજ વખતે સૌથી પ્રભાવક દૈનિક ‘લીડર’માં છપાતા સમાચારો મુનશી પ્રેમચંદ એમના માટે હિન્દીમાં અનુદિત કરી આપતા.

લખનઉમાં તેમના રહેવાસ દરમ્યાન આ યુગલ દર વર્ષે ઘર બદલતું કારણ કે ઉનાળાની રજાઓમાં પ્રેમચંદ વારાણસીના પોતાના ગામ લમ્હી જતાં અને ઘેર હોય તે દરમ્યાન ભાડાના નાણાં વેડફાય એ એમને પોસાય એમ નહોતું, એમ વિવેચક વિરેન્દ્ર યાદવનું કહેવું છે.

શિવરાની દેવી સાહિત્યિક કુશળતા ધરાવતા હતાં, પરંતુ એમણે ખાસ્સા સમય સુધી જાહેર ના થવા દીધું. ૧૯૩૧માં એમણે એમની પ્રથમ વાર્તા ‘સાહસ’ પ્રકાશિત કરી, ત્યારબાદ પ્રેમચંદને એની જાણ થઈ. શિવરાની દેવીની વાર્તા ‘સાહસ’ને ‘ચાંદ’ સામયિકના તંત્રી સેહગલે સુધારીને ‘શિવરાની દેવી, પ્રેમચંદના પત્ની’ નામ હેઠળ પ્રકાશિત કરી હતી. ‘સાહસ’ની નાયિકા એક બહાદુર યુવતી છે, જેણે લગ્ન વિધિ દરમ્યાન એના થનાર પતિને માર માર્યો હતો. સેહગલે પ્રેમચંદને અભિનંદન આપતા કહેલું કે “નવલકથાઓના રાજા”નાં પત્ની પણ લેખન કરતાં થઈ ગયાં છે. પ્રેમચંદના સાહિત્ય સંદર્ભે શિવરાની દેવીનું પુસ્તક ‘પ્રેમચંદ ઘર મેં’  ખૂબ ઉપયોગી છે અને વિદ્વાનો-સંશોધકો માટે અનિવાર્ય છે.

(“ધ ટાઈમ્લ ઑફ ઈન્ડિયા”, ઑગસ્ટ ૬, ૨૦૨૨) 
https://timesofindia.indiatimes.com/city/lucknow/premchands-wife-a-writer-an-unsung-freedom-fighter/articleshow/93352868.cms
e.mail: rupaleeburke@yahoo.co.in

Loading

આઝાદીના 75માં વર્ષે ભારત અને પાકિસ્તાનના અર્થતંત્રનું રોલર કોસ્ટર અણધાર્યા સંજોગોમાં ચકરાવા લે છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|14 August 2022

લાંબા સમય સુધી પાકિસ્તાન આર્થિક રીતે ભારત કરતાં સદ્ધર દેશ રહ્યો છે, પણ છતાં ય આજે દિશાહિનતાનો શિકાર છે, જ્યારે ભારત પાસે બધું હોવા છતાં સાર્વત્રિક દૃષ્ટિકોણ ચુકાઇ જાય છે

1947ના ઑગસ્ટ મહિનાની એ રાતે વિધાતાએ બે રાષ્ટ્રોનાં નસીબ લખ્યાં, ભારત અને પાકિસ્તાન. આ ઘટના અનેકો વાર ચર્ચાઇ છે, ચર્ચાતી રહેશે અને તેને લગતા નવા નવા પાસાઓ પર આવનારા વિચારકો, બિનવિચારકો, કર્મશીલોથી માંડીને સરમુખત્યારો પોતાની રીતે વાત કરવાનું ચાલુ રાખશે. 75 વર્ષ બહુ લાંબો સમય ગાળો છે – આજે બન્ને રાષ્ટ્ર આગવી રીતે એક એવા મુકામ પર છે જ્યાં જવાબો છે તો સવાલો પણ છે. આમ તો આ વિષય એવો છે કે, ‘બાત નીકલેગી તો ફિર દૂર તલક જાયેગી …’ એટલે આપણે બહુ લાંબા ન થવાને બદલે અર્થતંત્રની દૃષ્ટિ આ રાષ્ટ્રો ક્યાં ખડા છે તેની પર નજર નાખીએ.

શરૂઆતી વર્ષોમાં તો ભારત અને પાકિસ્તાન બંનેની હાલત લગભગ સરખી હતી – અરાજકતા, ઉત્સાહ, પીડા, અસ્પષ્ટતા સાથે બંને રાષ્ટ્ર પગભર થવાના પ્રયાસ કરી રહ્યા હતા. પચાસના દાયકાથી બન્ને રાષ્ટ્રોમાં વહીવટી તંત્રના એવા બદલાવ આવ્યા જેને કારણે તેમના આર્થિક-સામાજિક કલેવર પર પ્રભાવ પડ્યો. ભારતમાં ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસે સામાજવાદનું મોડલ અપનાવ્યું તો પાકિસ્તાને લોકશાહીનું બાળ મરણ થવા દીધું, જનરલ અયૂબ ખાનની પાકિસ્તાની સરકાર પરની દાદાગીરી ચાલી ગઇ. આ ફેરફારને કારણે તાત્કાલિક આર્થિક ખાઇ ખડી ન થઇ પણ પાકિસ્તાન માટે સાંઇઠના દાયકામાં આર્થિક વિકાસનો જાણે ધડાકો થયો – ભલે એ વિસ્ફોટ જેટલો મોટો નહોતો પણ તમે માનશો ભારત ત્યારે હજી દુકાળ, ગગડેલું નાણું અને યુદ્ધની સુરંગો પરથી સલામત રીતે પાર નીકળાય તેની માથાકૂટમાં હતો. સિત્તેરના દાયકાના અંતે પાકિસ્તાનની પર કેપિટા જી.ડી.પી. ભારત કરતાં દોઢ ગણી હતી અને પશ્ચિમી દેશોનો તેને તગડો ટેકો હતો. આ તરફ ભારત ત્યારે ઇંદિરા ગાંધીની સરકાર હેઠળ ખાનગી મિલકતોના રાષ્ટ્રીયકરણમાં વ્યસ્ત હતો. ભારત પાસે પોતાનું ધન હતું પણ તેને હસ્તગત કરવું, તેને વ્યવસ્થિત કરવું, વગેરે મહેનત માગી લે તેવું કામ હતું. પાકિસ્તાન ભારત કરતાં આર્થિક રીતે સદ્ધર હતું એ વાંચીને જો તમારા નાટકું ટિચકું ચઢી ગયું હોય તો આ જાણી લો કે 75 વર્ષમાં માત્ર તે સમયે જ એટલે કે 1970માં જ પાકિસ્તાનની આવક ભારત કરતાં વધારે હતી અને તેની આઝાદીના ઇતિહાસમાં સૌથી વધુ હતી – એ પછી એ દિવસો પાકિસ્તાનના નસીબમાં નથી લખાયા. વળી બાંગ્લાદેશના ભાગલા પછી પાકિસ્તાનનાં નાણાનું મૂલ્ય ઘટ્યું અને થોડા સમય માટે પર કેપિટા આવક ઘટી. જ્યારે ભારત અને પાકિસ્તાને આઝાદીના 25 વર્ષ ઉજવ્યા ત્યારે પણ બન્ને લગભગ અડોઅડ હતા. પાકિસ્તાનમાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ મોટા પાયે થતું હતું અને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ તરફથી એકથી વધુ વાર નાણાંકીય સહાય મળી ચૂકી હતી. ભારતમાં રાજકીય ચહલપહલ વધારે હતી, આર્થિક સ્તરે બદલાવ તો આવતા હતા પણ મોટામસ દેશ માટે સ્થિરતા અને નોંધપાત્ર વિકાસ થોડા અઘરા હતા.

જ્યારે Y2Kનો વખત આવ્યો, ભારતની ટેલિકોમ ઇન્ડસ્ટ્રીનું ડિલાઇસન્સિંગ થયું અને કારગિલ યુદ્ધ બાદ પશ્ચિમી મહાસત્તા ગણાતા અમેરિકામાં 9/11ની ઘટના ઘટી પછી બંન્ને રાષ્ટ્રોના આર્થિક ભવિષ્યમાં બહુ મોટા વળાંક આવ્યા.  ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો સુધર્યા જેને કારણે ભારત-પાકિસ્તાન વચ્ચેની આર્થિક ભેદરેખા ઘેરી બની. 2000ના દાયકામાં ભારત એટલું મજબૂત બન્યું કે તેને ચીનના સ્પર્ધક તરીકે જોવાયું. ભારત માટે ચીન શત્રુ બન્યું તો પાકિસ્તાને તો રશિયા, ચીન અને યુ.એસ.એ. પાસેથી જેટલું મળે એટલું લેવાનું રાખ્યું – આખરે લાલચ નડી અને તેમના રાજકીય તાણાવાણા પર ભારે અસર પડી. દાયકા સુધી ચીન અને યુએસએ વચ્ચે સેતુ બન્યાની રૂએ પાકિસ્તાને ઘણા લાભ મેળવ્યા પણ તાજેતરના સંજોગોની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાંથી યુ.એસ.એ સૈન્ય પાછું ખેંચી લીધું તે પછી તેને પાકિસ્તાનની લગીરેક પરવા નથી. આતંકવાદીઓ સાથેનો મેળ અને 10.886 બિલિયન ડૉલર્સના તગડા દેવાએ તો પાકિસ્તાનનો દાટ વાળ્યો જ છે પણ રાજકીય અસ્થિરતાએ જાણે ધાર પર ઉભેલાને ધક્કો મારી આપ્યો છે.

ભારતે છેલ્લા બે દાયકામાં વૈશ્વિક સ્તરે સર્વિસ એક્સપોર્ટર તરીકે પોતાનું ખાસ સ્થાન ખડું કર્યું છે તો વૈશ્વિક ટેક્નોલૉજી ડેવલપમેન્ટનો લાભ પણ ભારતે સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં પોતાના યોગદાનથી મેળવ્યો છે. મિડલ-ઇસ્ટમાં લેબરની નિકાસને કારણે પાકિસ્તાનને પાછળ પાડી દેવામાં ભારતને સરળતા રહી. યુ.એસ.એ. સાથે ભારતના સંબંધો ચોક્કસ સુધર્યા પણ કાશ્મીરને મામલે જે થયું તે પછી વૈશ્વિક સ્તરે ભારતની છબી પ્રત્યે જરા સંદિગ્ધ નજર પણ કરાઇ. જો કે વૈશ્વિક સત્તા મનાતા મજબૂત દેશોએ ભારતને મહત્ત્વ આપવાનું શરૂ કર્યું જેને લીધે અર્થતંત્ર પાકિસ્તાન કરતાં બહેતર બન્યું.

સામાજિક સ્તરે જોઇએ તો પાકિસ્તાન ગરીબી, નિરક્ષરતા, ભ્રષ્ટ સત્તાધીશો, ફુગાવો, બેરોજગારી, અવ્યવસ્થા, હિંસાના બનાવો, સ્ત્રી પુરુષમાં ભેદભાવ – પિતૃસત્તાક માનસિકતા જેવી સમસ્યાઓથી ભરપૂર છે. લાહોર, કરાચી કે ઇસ્લામાબાદ જેવા છુટાછવાયા શહેરોમાં આધુનિકતાનું એક સ્તર પથરાયેલું જોવા મળે, બૌદ્ધિક અને વૈચારિક કામ કરનારા પણ પાકિસ્તાનમાં છે જ પણ તેની સામે અરાજરકતા ફેલાવનારાઓની સંખ્યા મોટી છે. જે મુસલમાનો અલગ વિચારી શકે છે , કટ્ટરવાદી નથી તેઓ બીજા રાષ્ટ્રોમાં શિફ્ટ થઇ ચૂક્યા છે.

આ સામે ભારતની વાત કરીએ તો આપણે આર્થિક રીતે પાકિસ્તાન કરતાં બહેતર છીએ – બસ એટલું જ. બાકી આપણું અર્થતંત્ર અત્યારે ડામાડોળ છે, બેરોજગારીનો દર પણ વધતો રહ્યો છે અને વૈશ્વિક સ્તરે સરખામણી કરીએ તો આપણે તળિયે છીએ. આપણે એક રાષ્ટ્ર તરીકે સમજવું રહ્યું કે એક કોમની બીજી કોમ સામે લડાવી મારવાથી મહાન દેશ નહીં બની શકાય. બંધારણીય અધિકારોથી અમુક નાગરિકોની દૂર રાખવાથી દેશનો વિકાસ નહીં થાય. ધ્રુવીકરણનું રાજકારણ આપણને પોસાય તેમ છે જ નહીં. આપણે આસપાસ જોઇ રહ્યા છીએ કે શ્રીલંકાની શું વલે છે તો પાકિસ્તાન કેવી હાલતમાં છે ત્યારે આપણે કૉલર ઊંચા રાખીને ખુશ થવાને બદલે આપણે ક્યાંક આંધળુકિયા કરીને અથવા તો સફળતાના ભ્રામક મદમાં એ સંજોગોમાં ન મુકાઇ જઇએ તેની કાળજી રાખવી જરૂરી છે.

બાય ધી વેઃ

એક તુક્કો એવો કરીએ  કે ધારો કે ભારત અને પાકિસ્તાન એકબીજા સાથે સંબંધ સુધારવાનું નક્કી કરે તો શું થાય? હા પાકિસ્તાન તરફથી વધુ બદલાવની આવશ્યકતા છે. નૈતિક, સંવેદન, રાજકીય અને વ્યૂહાત્મક રીતે કાશ્મીરનો મામલો બહુ માઠી રીતે બિચકેલો છે પણ શું કેન્દ્ર સરકાર રાવલપીંડી અને ઇસ્લામાબાદના અગ્રણીઓને કોઇ વ્યવસ્થિત ઉકેલની દિશામાં વિચારતા કરી શકશે? શું પાકિસ્તાની વિચારશીલો સત્તાધીશોના હુંકારને અવગણી શકશે?

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 ઑગસ્ટ 2022

Loading

સેનાપતિની સલામ

સુરેશ જાની|Opinion - Opinion|14 August 2022

આમ તો આપણે તેમને સલામ ભરવી જોઈએ. આ સત્યકથાના અંતે આપણે ભરવાના જ છીએ. પણ તેઓ સેનાપતિ હતા, તે માટે નહીં – તેમણે ભરેલી અભૂતપૂર્વ સલામી માટે.

ભારતીય લશ્કરની 8th Jammu & Kashmir Light Infantryમાંથી ૩૭ વર્ષની સેવા બાદ ૨૦૧૬ની ૩૦મી સપ્ટેમ્બરે, મેજર જનરલ તરીકે નિવૃત્ત થયેલા સોમનાથને હવે પછીનું જીવન કેવી રીતે જશે, એની કોઈ જ કલ્પના ન હતી. લશ્કરી મથકમાંથી માન સન્માન મેળવીને સરકારી ક્વાર્ટરના એર-કન્ડિશન્ડ બેડરૂમમાં સોમનાથને ઊંઘ આવતી ન હતી. પ્રવૃત્તિ સભર કારકિર્દીની વિવિધ ઘટનાઓ તેમના ચિત્તમાં ઉપરતળે થઈ રહી હતી. પણ એ બધાંની વચ્ચે વળી વળીને તેમના બહુ જ વ્હાલા (*)સૂબેદાર નિહાલસિંહની યાદ તેમને સતાવતી હતી. નિહાલસિંહે કારગિલ મોરચે દેશની સેવામાં આપેલું, પોતાના જાનનું સર્વોચ્ચ બલિદાન તેમના દિલને કોરી રહ્યું હતું. ‘આ બધી આરામદાયક સુવિધાઓ અને તગડું પેન્શન, નિહાલસિંહની શહાદતની આગળ ધૂળ બરાબર પણ નથી. એના જેવા હજારો જવાનોની આહૂતિ વિના આ બધી સુખ સગવડો મારા જેવા લોકો શી રીતે ભોગવી શકે?’

(*) – કાલ્પનિક પાત્ર

સવાર પડતાં તેમણે પત્ની ચિત્રાને પોતાનો સંકલ્પ જણાવી જ દીધો.

બને તેટલી જલદી હું દેશના દરેકે દરેક રાજ્યમાંથી નિહાલસિંહ જેવા, દેશને ખાતર મરી ફીટેલા જવાનોને સલામી આપવા નીકળી પડવાનો છું – સાયકલ પર.

ચિત્રાને નિહાલસિંહની નિષ્ઠા અને જિંદાદિલી માટે બહુ જ આદર હતો. પણ તે ઘરરખુ ગૃહિણીમાં વહેવારિક જ્ઞાન વધારે હતું. તેણે સોમનાથને સમજાવ્યું કે, ‘રસ્તે સાયકલ બગડે, તો સાવ દૂરની જગ્યામાં એની મરામત માટે સ્પેર પાર્ટ હોવા જોઈએ. બીજી એક સાયકલ પણ તૈયાર હોવી જોઈએ, જેથી મોટી મરામતની જરૂર હોય તેવા સંજોગોમાં યાત્રા અટકી ન પડે. વળી રહેવા / જમવાની સગવડનું આગોતરું આયોજન પણ કરવું જોઈએ. હું અહીં ઘેર બેઠાં એકલી શું કરવાની? હું કારમાં બધો સરંજામ લઈ તમારી આગળ આગળ મુસાફરી કરીશ અને બધી વ્યવસ્થા કરતી જઈશ. કોઈ આપત્તિ આવી પડે તો હું એમાં તમને સહાય કરી શકું.’

લડાઈઓનું આયોજન તો સોમનાથની રગે રગમાં હતું જ. તેના ગળે પણ આ વાત ઊતરી ગઈ. તેના ઉપરી કોર કમાન્ડરને તેણે આ સંકલ્પની જાણ કરી. તેમણે પણ આ વાતને તરત વધાવી લીધી. પણ સાથે કહ્યું, “એમ ને એમ છાનામાનો વિદાય થઈશ તો લોકોમાં જાગૃતિ શી રીતે આવશે? હું એક નાનકડો સમારંભ ગોઠવીશ. એમાં બધાંની શુભેચ્છાઓ લઈને તમે બે જણ વિદાય થજો.”

૧૯ ઓક્ટોબરે સોમનાથ ઝા અંબાલા કેન્ટથી સાઈકલ પર એમની અફલાતૂન સફરે નીકળી પડ્યા. છ મહિના સાથે રહેવાની તૈયારીવાળા ડ્રાઈવર અને જરૂરી સાધન સામગ્રી લઈને એક કારમાં ચિત્રાએ પણ પતિને સાથ આપ્યો.

સોમનાથના પોતાના શબ્દોમાં –

“…. on the 19th of October I sat on my cycle saddle and took off to pay my homage to all the martyred soldiers of our country since Independence. I am paying this homage by paying two minutes for each fallen hero. And since the number of such heroes is close to 21,000, I have given myself the mandate of cycling 42,000 minutes on this journey. Another mandate I laid down for myself is to route myself through all the 29 states of our great nation because our fallen heroes come from every corner of the country. This is my symbolic homage to my brethren who didn’t have the privilege of retiring as I did. They made the supreme sacrifice before that.

I’m not on a publicity seeking mission nor on an adventure trip, nor on any record setting endeavour. Neither is my journey a touristy or a socialising trip. Mine is a kind of a pilgrimage, to honour our fallen heroes. This spirit of committed camaraderie must be upheld at all costs by us in the military, in spite of the pressures of a changing eco-societal environment around us. This is what sets us apart, the grain from the chaff.”

શરૂઆતમાં તો સોમનાથને આવનારા દિવસો અંગે આછો પાતળો ખ્યાલ જ હતો. પણ જેમ જેમ મુસાફરી આગળ ધપતી ગઈ, તેમ તેમ એક અનન્ય, લડાયક જુસ્સો સોમનાથની નસ નસમાં પ્રગટવા લાગ્યો. દેશના અવનવા વિસ્તારોના જાતજાતના અને ભાતભાતની ભાષા બોલતા લોકો સાથે ભળતાં લડાઈના જુસ્સાને ટપી જાય તેવો દેશભક્તિનો જુવાળ અને વતન માટેનો નિર્વ્યાજ પ્રેમ સોમનાથમાં ઊભરવા લાગ્યાં. જ્યાં રાતવાસો કરે ત્યાં ચિત્રાએ ઘર ઊભું કરી દીધું હતું. આમ દરેક જગ્યા સોમનાથને માટે વતન બનતી ગઈ.

ફેસબુકના મિત્રોએ તેમની યાત્રાના એકે એક ચરણને ઉત્સાહ અને પ્રેમથી સભર કરી દીધું. આખી યાત્રાનો સીલસીલો ત્યાં અકબંધ સચવાયેલો છે. મીડિયાએ પણ સોમનાથને પોંખવામાં અને નવાજવામાં ઉત્તમ સહકાર આપ્યો. આ યાત્રાના પ્રતાપે, સોમનાથની અંગત લાગણી અને મનોકામના તો પરિપૂર્ણ થયાં જ. પણ દેશવાસીઓમાં પણ લશ્કરી જવાનો માટે સન્માન અને પ્રેમની સરવાણીઓ ફૂટવા લાગી. સ્થાનિક નાગરિકો અને સરકારી / બિનસરકારી સંસ્થાઓએ આપેલ પ્રેમ, સત્કાર અને ઉત્તેજને સોમનાથ અને ચિત્રા ઝાની યાત્રાને ૨૯ ધામ યાત્રા બનાવી દીધી.  

●     સાત મહિના

●     ૨૯ રાજ્યો

●     ૧૨,૦૦૦ કિલોમિટર

●     ૨૧,૦૦૦ શહીદ થઈ ગયેલા જવાનોને સલામ  / શ્રધાંજલિ

૧૯ એપ્રિલ – ૨૦૧૭માં નવી દિલ્હીના ‘ઈન્ડિયા ગેટ’ માં આવેલ ‘અમર જવાન’ યુદ્ધ સ્મારકમાં શહીદ થયેલ અનામી સૈનિકને સલામી આપ્યા બાદ, બે એક આખરી મુકામો પછી સોમનાથની આ અમર યાત્રા પૂર્ણ થઈ છે.

આપણે આ સેનાપતિને બા-અદબ સલામ ભરીને વીરમીએ.

 

 

વીડિયો –
https://www.youtube.com/watch?v=qjSvQKicVQc
સાભાર –  Better India, Times of India, 
સંદર્ભ –
http://www.thebetterindia.com/96969/army-india-soldiers-veteran-martyrs/
http://www.indiatimes.com/news/india/meet-maj-gen-somnath-jha-a-retired-indian-army-officer-who-is-cycling-12-000-km-to-honour-fallen-soldiers-263963.html
https://www.facebook.com/somnath.jha.7545
http://www.ssbcrack.com/2017/03/major-general-somnath-jha.html
e.mail : surpad2017@gmail.com

Loading

...102030...1,4241,4251,4261,427...1,4301,4401,450...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved