Opinion Magazine
Number of visits: 9553997
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક અનોખા ચિત્રકારની જીવનકથા વિશે

અભિજિત વ્યાસ|Opinion - Opinion|6 August 2025

ભારતીય ચિત્રકલામાં આધુનિકતાના પુરસ્કર્તા અને પોપ આર્ટ શૈલીના સ્થાપક ભૂપેન ખખ્ખર અનેક રીતે સ્મરણીય છે. ચિત્રકલા ઉપરાંત એમણે સાહિત્ય સર્જન પણ કરેલું છે અને તે પણ ખાસ્સું ઉલ્લેખનીય છે. ભૂપેન ખખ્ખરના જીવન ઉપર હમણાં એક પુસ્તક પ્રગટ થયું છે જે એમના અવસાન બાદ બે દાયકાથી પણ વધુ સમય બાદ એમના જીવનની કથની રજૂ કરે છે. આ પુસ્તક ‘ભૂપેન ખખ્ખર’ના લેખક છે જાણીતા પત્રકાર અને અનેક જીવનકથાઓના લેખક બીરેન કોઠારી. સાર્થક પ્રકાશને આ પુસ્તક પ્રગટ કરેલું છે.

ભૂપેન ખખ્ખર વિશે અનેક લોકો પાસેથી એમના વિશે મળેલી માહિતીના આધારે આ જીવનકથા લખાયેલી છે. કોઇ વ્યક્તિના અવસાન બાદ જ્યારે એમના જીવન વિષે લખવા માટે આજ એક માત્ર માર્ગ હોય છે. વળી ઘણી વખત બધા જ મિત્રો ઇચ્છીત માહિતી ઘણી વખત આપતા પણ નથી. તે ઉપરાંત કેટલાકનો સંપર્ક પણ થતો નથી. એટલે જે  કંઇ માહિતી મળી તેના આધારે ચિત્ર દોરવું રહ્યું. પણ ભૂપેન ખખ્ખર એક ચિત્રકાર અને સાહિત્યકાર હતા. એમને વિપુલ માત્રામાં બન્ને માધ્યમમાં સર્જન કરેલું છે. એટલે એ બધા પર પણ ખાસ્સું લખાયું છે. આમ આ બધી સામગ્રી પરથી અત્યંત મુશ્કેલ એવું ચિત્ર સર્જવામાં બીરેન કોઠારી મહદઅંશે સફળ રહ્યા છે. આ સંદર્ભમાં બીરેન કોઠારી લખે છે, “કોઇ પણ જીવનકથાનો આરંભ ‘સ્ક્રેચ’થી કરવો પડે, ભલેને એ વ્યક્તિ વિશે આપણે ગમે તેટલું જાણતા હોઇએ.  કથાનાયકની સિદ્ધિઓ કઇ, એનાં વ્યક્તિત્વનાં પાસાં કયાં, એના વિશે કોણ અધિકૃત રીતે કહી શકશે, વગેરે બાબતોનો  ખ્યાલ ધીમે ધીમે આવતો જાય. એવે ટાણે સામેવાળા કોઇ પણ કારણસર અસહયોગ કરે, કે એમ વિચારે કે જેને કથાનાયક વિશે કશી ખબર નથી એ જીવનકથા શું લખવાનો, ત્યારે મુશ્કેલી વધી જાય. ભૂપેન સાથે સંકળાયેલા કોઇએ મને આમ કહ્યું નહોતું, પણ અમૂક વાક્યો કહ્યા વિના સંભળાતા હોય છે.” (પૃષ્ઠ 163)

ભૂપેન ખખ્ખર પરના આ પુસ્તકને લેખકે ચાર ખંડમાં રજૂ કર્યું છે. તેમાં પહેલા ખંડમાં – ભારતીય ચિત્રકલા સફરની ઝાંખી, હું કોણ?, મુંબઇની માયાઓ, પેનની સમાંતરે પીંછી, કળાક્ષેત્રે અધિકૃત પ્રવેશ, આધુનિકતાનો નવો અધ્યાય, શૈલીમાં બદલાવ, સામાન્ય લોકો : જીવનમાં અને ચિત્રોમાં, ભારતીય નજરે અંગ્રેજી જીવન, ખ્યાતિનો દાયકો, આંતરરાષ્ટ્રીય ફલક પર, રોગ, રોગી અને શહેર, પીડા અને યાતનામાંથી છૂટકારો – એવા તેર પ્રકરણમાં એમની જીવન કથાની રજૂઆત થઇ છે. એવી જ રીતે ખંડ બીજામાં પણ એમના જીવનની ઘટમાળાઓના સંદર્ભમાં જ વાંચવા મળે છે. આ બીજા ખંડમાં – ગુપ્ત વલણની ઘોષણા, ભૂપેનની ગૃહસ્થી : કલ્પનાનું કમઠાણ, રંગમાં સત્સંગ, વિવાદ : ભૂપેનનો મરણોત્તર સાથી, ચિત્રકારના જીવન રંગ શોધતા શોધતા – બીજા પાંચ પ્રકરણોમાં રજૂ થઇ છે. આ બન્ને  ખંડમાં ભૂપેન ખખ્ખરના જીવનની મહત્ત્વની ઘટનાઓને આવરી લેવાઇ છે.

શ્રદ્ધાંજલિ – એવા શિર્ષક, ખંડ ત્રીજામાં રામચંદ્ર પટેલે ભૂપેન ખખ્ખરને શ્રદ્ધાંજલિ રૂપે લખેલી ચાર કવિતાઓ, ચિત્રકાર જ્યોતિ ભટ્ટ, અને કવિ જયદેવ શુક્લએ લખેલી શ્રદ્ધાંજલિ સમાવવામાં આવી છે. તે ઉપરાંત ભૂપેન ખખ્ખરનાં લખાણોનો સમાવેશ થયો છે. આ લખાણોમાં ભૂપેન ખખ્ખરના નિબંધો અને અવલોકનોનો સમાવેશ થાય છે. અને ભૂપેન ખખ્ખરની કૃતિઓ પર અન્યોએ લખેલા લેખોનો સમાવેશ થયો છે. જ્યારે છેલ્લા અને ચોથા ખંડમાં ભૂપેન ખખ્ખરની ચિત્રસૃષ્ટિ વિશે વાંચવા મળે છે. આ ચોથા ખંડમાં ભૂપેન ખખ્ખરના કેટલાંક ચિત્રો સમાવિષ્ટ થયાં છે  અને તેના વિશે બીરેન કોઠારીએ આસ્વાદ કરાવેલ છે. આ બધાં ચિત્રો રંગીન છપાયાં છે. તેથી જોવા ગમે એવા છે. પ્રસ્તુત પુસ્તકની પ્રસ્તાવના જાણીતા ચિત્રકાર અને ભૂપેન ખખ્ખરના મિત્ર જ્યોતિ ભટ્ટે લખી છે.

‘હું કોણ’ એવા શિર્ષક હેઠળના પહેલા ખંડના બીજા પ્રકરણમાં ખૂદ ભૂપેન ખખ્ખરે પોતાની ડાયરીમાં લખેલી  ઓળખાણથી ભૂપેનની જીવનીની વાત શરૂ થાય છે. તે તેમના 111માં પૃષ્ઠ પર લખાયેલી અંતિમવિધિ સુધીની ઘટમાળ વાંચવા મળે છે.

પ્રસ્તુત પુસ્તકમાં ભૂપેન ખખ્ખર વિશે ઘણું વાંચવા મળે છે એમ અનેક બાબતો રહી જાય છે. એમ બધા જ પ્રકરણમાં અનેક ફોટાઓ પ્રગટ કર્યા છે તો પણ અનેક ફોટાઓ રહી જાય છે એવું લાગ્યા કરે છે. અલબત, આવું તો બનવાનું જ. કારણ કે કેટલુંક તો લેખક – સંપાદક પર છોડવું રહ્યું. અને તો પણ કેટલાંક નિરીક્ષણો કરવાં ગમે એવાં છે.

બીજા ખંડમાં ‘ગુપ્ત વલણની ઘોષણા’ જે તટસ્થતાથી એમણે લખ્યું છે કે ખરે જ આવકાર્ય છે. આવી તટસ્થતા કે સંયમ પાળવો ઘણી વખત મુશ્કેલ પણ હોય છે. આ ખાસ કરીને જ્યારે આવી બાબતો પ્રત્યે સામાજિક અરુચિકરતા હોય. તેમ કેટલીક જગ્ચાએ કંઇક ખૂંટતું હોય તેવું પણ લાગ્યા કરે છે. તેમાં પણ સુનીલ કોઠારી સાથેની ભૂપેનની દોસ્તી અનેરી હતી. જેની વિગતો સુનીલ કોઠારીએ ન આપી એ સમજી શકાય પણ અન્ય સ્રોતમાંથી કેટલીક વિગતો મેળવી શકાઈ હોત. પૃષ્ઠ 110-111 ઉપર લખ્યું છે, “દિલ્હીના સુનીલ કોઠારી નામના તેમના ઘનિષ્ઠ મિત્ર છે, જે નૃત્યવિદ છે. ભૂપેનની પાસે રહી શકાય એ માટે તેઓ બે મહિના તેમની સાથે હતા. મને લાગે છે કે ભૂપેન માટે એ બહુ સારું થયું.” પણ આ નોંધ બાદની છેલ્લા મહિનાની, છેલ્લા દિવસોની અને છેલ્લી ઘડીઓની વિગત લખતા ક્યાં ય સુનીલ કોઠારીનો ઉલ્લેખ વાંચવા મળતો નથી. અહીં ગુલામ મોહમદ શેખના ભૂપેન પરના લેખ ‘ભેરૂ’માંથી કેટલીક વિગતો સમાવાઇ શકી હોત. આ ઉપરાંત એ દિવસોમાં સાથે રહેલા અન્ય મિત્રો પાસેથી પણ ખૂટતી વિગતો મેળવી શકાઈ હોત. શક્ય છે કે જેમ સુનીલ કોઠારીએ પછીથી ભૂપેનની વિગતો ન આપી તેમ અન્ય લોકોએ પણ કેટલીક વાતો અધ્યાર રાખીને રજૂઆત કરી હોય. તો પણ એ છેલ્લા દિવસોની વિગત હ્રદયસ્પર્શી રીતે લખાઇ છે.

અહીં ભૂપેનની અંતિમવિધિ વિશે શાલિની સહાનીએ લખેલ વર્ણન હ્રદયસ્પર્શી છે. “હું સવારે 6.30 વાગ્યે પહોંચી અને સીધી ભૂપેનને ઘેર ગઇ. તેમનો દેહ તૈયાર કરાઇને મુકેલો હતો. તેમને સફેદ ચાદરમાં લપેટેલા હતા. મહિલાઓ  તેમના માથાની તરફ અને પુરુષો આસપાસ બેઠેલા હતા. તેઓ ભજનો ગાઇ રહ્યાં હતાં (એમાંનું એક મને બહુ  હ્રદયસ્પર્શી લાગેલું – ચાલો જઇએ આપણા મલકમાં, કોલ આવ્યો ઇશ્વરતણો, મારો એ આખરી મુકામ). ભજન એટલે એક પ્રકારનાં ભક્તિગીત, જે એકદમ યોગ્ય અંજલિ હતી. દોઢેક કલાક સુધી એ ચાલ્યા. કલાકાર બિરાદરીના તમામ લોકો આવેલા. મોટાભાગના લોકોએ શોક અને આદર દર્શાવવા માટે શ્વેત વસ્ત્રો પહેરેલા.

અંતે સૌ નજદીકી મિત્રોએ તેમના દેહને ફૂલહાર ચઢાવ્યા. અમારામાંના કેટલાકે ફૂલની પાંખડીઓ મૂકી. તેમના મિત્રો અને સગાંએ તેમના દેહને કાંધ આપી અને સ્મશાનભૂમિએ લઇ ગયા. મને લાગે છે કે તેમને ગેસની ચિતા પર અગ્નિદાહ અપાયો. એ વિધિ પતી ગયા પછી કોઇને ખ્યાલ નહોતો આવતો કે હવે શું કરવું. એ સ્નેહમિલનની જિંદગી જાણે કે અદૃશ્ય થઇ ગઇ હતી. બહુ ઉદાસ ક્ષણો હતી. સૌ જાણે કે વિખૂટા પડી ગયા હતા. મને લાગે છે કે ભજનો  ગવાઇ રહ્યાં હતાં એ બહુ હ્રદયસ્પર્શી ક્ષણો હતી. અમને સૌને ભિતરમાં ને ભિતરમાં ભૂપેન વિશેની સ્મૃતિઓ  સંભારવા મળી – એક જાતનો અંગત તેમ જ જાહેર શોક કહી શકાય. 

 – શાલિની”  (14-8-2003) પૃષ્ઠ – 111.

એક લેખક તરીકે બીરેન કોઠારીનું કાર્ય થોડું કઠિન હતું, કારણ કે એમણે અનેક લોકો પાસેથી મળેલી માહિતીના આધારે કડીઓ જોડવાની હતી. અને આ કડીઓ જોડવામાં લેખક તરીકે બીરેન કોઠારી મહદઅંશે સફળ રહ્યા છે. ભૂપેન ખખ્ખર વિશે અંગ્રેજીમાં ખાસ્સું તથા કેટલેક અંશે ગુજરાતીમાં પણ લખાયું છે. એમાં આ પુસ્તક વધારો કરે છે એવું નહીં પણ એક જુદી જ રીતે ભૂપેન ખખ્ખરને રજૂ કરે છે. જેને રીતસરની જીવનકથા કહીએ તેવું તો ગુજરાતીમાં આ એક માત્ર પુસ્તક વાચકોને પ્રાપ્ત થયું છે. ખાસ તો ચોથા ખંડમાં બીરેને ભૂપેન ખખ્ખરના ચિત્રોનો આસ્વાદ કરાવ્યો છે એ પણ ભૂપેનને સમજવામાં અને એમનાં ચિત્રો માણવામાં સહાયભૂત થાય છે. કોઇ પણ પુસ્તકના વાચકો તે અનેક કારણસર વાંચતા હોય છે. અને આ જ ભૂપેન ખખ્ખરના ગયાના બે દાયકા બાદ જે પેઢી આવી છે એમના માટે ભૂપેન  ખખ્ખરને જાણવા માટે આ એક ઉત્તમ પુસ્તક બની રહ્યું છે. સુધીરચંદ્રે લખેલી એક વાત અહીં નોંધવી રહી, “ભૂપેનના મિત્રો અને પરિચિતો માટે હવે જીવન બે ભાગમાં હવે વહેંચાઇ જવાનું હતું. ભૂપેનની સાથે અને ભૂપેન બાદ.” (પૃ. 111)

————————————

ભૂપેન ખખ્ખર : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, પદ્મશ્રી સન્માનથી વિભૂષિત ચિત્રકારના જીવનરંગોની  ઝલક  –   લેખન – સંપાદન : બીરેન કોઠારી : પૃષ્ઠ : 252 + 24 (રંગીન) = 278 કિંમત – રૂ. 450/- : પ્રકાશક : સાર્થક પ્રકાશન : 14, ભગીરથ સોસાયટી, શાંતિ ટાવર પાસે, વાસણા બસ સ્ટેન્ડ પાછળ, વાસણા, અમદાવાદ – 380 007 : પ્રાપ્તિ સ્થાન : બુકસેલ્ફ, અમદાવાદ

e.mail : abhijitsvyas@gmail.com

Loading

કોઈ દૂર સે આવાઝ દે, ચલે આઓ …

સોનલ પરીખ|Opinion - Opinion|6 August 2025

જિયા બુઝા બુઝા નૈના થકે થકે

પિયા ધીરે ધીરે ચલે આઓ, ચલે આઓ

કોઈ દૂર સે આવાઝ દે ચલે આઓ …

રાત રાત ભર ઈન્તઝાર હૈ

દિલ દર્દ સે બેકરાર હૈ 

સાજન ઈતના તો ન તડપાઓ … 

આસ તોડ કે મુખ મોડ કે 

ક્યા પાઓગે સાથ છોડ કે 

બિરહન કો યું ન તરસાઓ … 

‘તમે અભિનય કેમ નથી કરતા? ફોટોજેનિક છો.’ ‘હા, પણ એક્ટોજેનિક ન યે હોઉં.’ ‘એક્ટિંગ કરી તો જુઓ.’ આ સંવાદના પરિણામે આપણને એક ઉત્તમ ફિલ્મસર્જકની અંદર રહેલો મજાનો અભિનેતા મળ્યો, જેનું નામ હતું ગુરુ દત્ત. એમને અભિનય કરવાનું કહેનાર હતા અબ્રાર અલ્વી. ગુરુ દત્તની ફિલ્મોના લેખક જ નહીં, ગુરુ દત્તની સમગ્ર સર્જનપ્રક્રિયાનો હિસ્સો એવા અબ્રાર અલ્વી અને ગુરુ દત્તના જન્મદિન તાજા પસાર થયાં છે ત્યારે વાત કરીએ ગુરુ-અબ્રાર ટીમની, ‘સાહબ, બીબી ઔર ગુલામ’ ફિલ્મની અને ‘કોઈ દૂર સે આવાઝ દે’ એ ગીતની. 

ગુરુ દત્ત અબે અબ્રાર અલ્વી

અબ્રાર અલ્વીના નામ સાથે આપણને સત્યા શરણનું પુસ્તક યાદ આવે, ‘ટેન યર્સ વિથ ગુરુ દત્ત.’ વાત કરનાર છે અબ્રાર અલ્વી, પણ વાત કરે છે ગુરુ દત્તની. અબ્રાર અલ્વી અંગ્રેજીમાં એમ.એ. થયેલા. પિતાની ઈચ્છા એવી કે દીકરો વકીલ બને, પણ અબ્રાર અલ્વી અભિનેતા બનવા મુંબઈ આવ્યા. દૂરના ભાઈ જશવંત ફિલ્મોમાં કામ કરતા, એમની પાસે આવે જાય. એક વાર ગુરુ દત્તની ફિલ્મ ‘બાઝ’નું શૂટિંગ ચાલતું હતું, અબ્રાર હાજર હતા, કોઈ સૂચન કર્યું અને ગુરુ દત્તના ધ્યાનમાં આવી ગયા. 1954ની ‘આરપાર’ અબ્રાર અલ્વીએ લખી ત્યાર પછીનો દસકો આ બેનો હતો : ‘મિ. એન્ડ મિસીસ 55’, ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’, ‘ચૌદહવીં કા ચાંદ’, ‘સાહબ બીબી ઔર ગુલામ.’ છેલ્લી ફિલ્મ તો એમણે ડાયરેક્ટ પણ કરી. 

બિમલ મિત્રનું પુસ્તક હોય કે અબ્રાર અલ્વીની ફિલ્મ, ‘સાહબ બીબી ઔર ગુલામ’ પોતાનામાં એક અદ્દભુત રચના હતી. શિક્ષિત મધ્યમ વર્ગનો ઉદય અને જમીનદારી યુગનો અંત – આ સંધિકાળ આ કૃતિમાં એવો જીવંત થયો છે કે આપણે પોતાને એ સંધિકાળના સાક્ષી અનુભવીએ. કલકત્તામાં રહેતા, બહારની દુનિયાને તુચ્છ ગણતા, ખેડૂતોને રોળવતા, ગામોના ગામોની ઉપજ ખાતા ને કબૂતરબાજી, નોકરચાકરોનો કાફલો, નાચગાનની મહેફિલો અને આત્યંતિક ડોળદમામમાં મગ્ન રહેતા જમીનદારોની ભવ્ય હવેલીમાં ગામથી આવેલો ભૂતનાથ (ગુરુ દત્ત) આશરો લે છે. તેને મોહિની સિંદૂરના કારખાને નોકરી મળે છે અને પતિનો પ્રેમ ઝંખતી હવેલીની નાની વહુ (મીનાકુમારી) એની પાસે મોહિની સિંદૂર મગાવે છે એ છે ભૂતનાથ અને છોટી બહુની પહેલી મુલાકાત. આપણે પણ તેને ત્યારે જ પહેલી વાર જોઈએ છીએ, ફિલ્મની લગભગ 40 મિનિટ વીત્યા બાદ. વિધવા મોટી વહુની જેમ પૂજાપાઠથી કે વચેટ વહુની જેમ ઘરેણાંકપડાં અને દાસીઓની ફોજથી છોટી બહુને ચાલે તેમ નથી. તેને જોઈએ છે પતિ. પતિનો પ્રેમ.  

આ છોટી બહુ પડદા પર ભલે 40 મિનિટ પછી દેખાઈ હોય, ભૂતનાથ તો છોટી બહુને એ આવ્યો તે રાતથી ઓળખે છે. એ રાત … રાત ઘણી વીતી ગઈ છે, હવેલીની ધૂમધામ શાંત પડી છે, દરવાન ઝોકાં ખાય છે. હવેલી અસંખ્ય દીવાઓથી ઝગમગી રહી છે. અચાનક છેવાડાની અંધારી મેડી પરથી દર્દભર્યો સૂર ઊઠે છે: જિયા બુઝા બુઝા, નૈના થકે થકે, પિયા ધીરે ધીરે ચલે આઓ … આટલા શબ્દોમાં જ વાતાવરણ બંધાઈ જાય છે અને ગીત ઉપડે છે, ‘કોઈ દૂર સે આવાઝ દે ચલે આઓ’ શકીલ બદાયુનીના શબ્દો અને હેમંત કુમારના સંગીતમાં ગીતા દત્તના કંઠની કસક ભળ્યાથી ગજબ જાદુ થયો છે – ‘ન જાઓ સૈંયા’ અને ‘પિયા ઐસો જિયા મેં’ પણ ભૂલ્યા નહીં જ હો. 

‘ચલે આઓ’નાં આવર્તનો પ્રેમ અને પીડાની સૃષ્ટિ રચી રહ્યાં છે, અને જેને એ પોકારે છે એ આવે છે. નાચનારીને ત્યાંથી. શરાબના નશામાં ચૂર. ચાર ઘોડાની સુંદર બગીમાંથી નોકરો તેને ઊંચકીને ઉતારે છે ને ઢોલિયા પર સુવાડે છે. પ્રતીક્ષા કરનાર હતાશ થઈ ખસી જાય છે. દર્દભર્યો સૂર વિલાઈ જાય છે. એ જ છે છોટી બહુ. ત્યારે તેની માત્ર છાયા દેખાઈ છે – ઘણે દૂરથી, અંધકારથી વીંટળાયેલી – છતાં ગીત, એ હતભાગી સ્ત્રીની આખી કહાણી એની સમગ્ર વ્યથા સાથે વ્યક્ત કરી દે છે.  

પછી? પતિને પોતાનો કરવા છોટી બહુ પહેલા મોહિની સિંદૂરને અને પછી શરાબને શરણે જાય છે. ભૂતનાથ હવે એક કોન્ટ્રાક્ટરને ત્યાં નોકરી કરે છે ને કલકત્તા આવે ત્યારે છોટી બહુ અને જબા(વહીદા રહેમાન)ને મળે છે. યુગપરિવર્તનને પચાવી નહીં શકેલો જમીનદાર પરિવાર આ દરમ્યાન બરબાદ થતો ગયો છે. ભેંકાર હવેલીમાં બીમાર પતિની સેવા કરતી છોટી બહુ, ‘તું આવ્યો છે તો મને લઈ જા’ કહી એક સાધુનાં આશીર્વાદ લેવા ભૂતનાથ સાથે જાય છે. મેડી પરથી જેઠ જુએ છે – જમીનદારોની કુળવધૂ રાતના વખતે પરાયા પુરુષ સાથે? બગી પર હુમલો થાય છે, ભૂતનાથ ઘાયલ થાય છે, છોટી બહુ ગાયબ. શું થયું હતું તેનું? એ જાણવા માટે ફિલ્મ જોવી પડે. 

‘સાહબ બીબી ઔર ગુલામ’ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલોમાં ગઈ હતી અને અનેક અવૉર્ડ મેળવી ક્લાસિકલ ગણાઈ હતી. નાનામોટા વિવાદો પણ સર્જાયા હતા. એ બધી વાતો પણ અખૂટ રસથી ભરેલી છે, પણ ‘સાહબ બીબી ઔર ગુલામ’ના નામ સાથે મન સમક્ષ ખડી થઈ જાય છે પતિને સર્વસ્વ માનતી ને એને પામવા સર્વસ્વ લૂંટાવી દેતી છોટી બહુ. બગી પર હુમલો થયા પહેલા તેણે કહ્યું હતું, ‘ભૂતનાથ, જબ મૈં મર જાઉં, ખૂબ સજાના મુઝે. તાકિ લોગ યે કહે, સતીલક્ષ્મી ચલ બસી …’ મીનાકુમારી, ગુરુ દત્ત અને ગીતા દત્ત ભાગ્યમાં સિદ્ધિ અને દર્દ બંને લખાવીને આવ્યાં હતાં. ‘સાહબ બીબી ઔર ગુલામ’ની છોટી બહુનું દર્દ કદાચ એથી જ અનેકગણું થઈ દર્શકના હૃદયમાં હાહાકાર કરી મૂકે છે. 

‘સાહબ બીબી ઔર ગુલામ’ એટલી સમૃદ્ધ ફિલ્મ હતી કે એના એક એક પાસા પર, એની સાથે સંકળાયેલા એક એક વ્યક્તિત્વ પર ઘણું લખી શકાય અને તો પણ બધું અધૂરું રહે. ફિલ્મ રિલિઝ થઈ પછી ગુરુ દત્તે એનું ક્લાઇમેક્સ ગીત ફિલ્મમાંથી હટાવી દીધું હતું, કેમ કે એમાં છોટી બહુને ભૂતનાથના ખોળામાં માથું મૂકીને સૂતેલી બતાવી હતી. એને થયું કે દર્શકો આ દૃશ્યને પચાવી નહીં શકે. આ ગીતની ધૂન ત્યાર પછી હેમંત કુમારે 1966ની ફિલ્મ ‘અનુપમા’માં ‘યા દિલ કી સુનો દુનિયાવાલો’ ગીતમાં વાપરી હતી. ‘યા દિલ કી સુનો’ કૈફી આઝમીએ લખ્યું હતું, પણ અહીં શકીલ બદાયુનીએ ‘સાહબ બીબી ઔર ગુલામ’ માટે લખેલા મૂળ ગીતની પંક્તિઓ મૂકવાનું મન થાય છે, ‘સાહિલ કી તરફ કશ્તી લે ચલ, તૂફાં કે થપેડે સહના ક્યા, તૂ આપ હી અપના માઝી બન, લહરોં કે સહારે બહના ક્યા … કુછ નીંદ ભી હૈ કુછ હોશ ભી હૈ, ના જાને યે આલમ કૌન સા હૈ, યા ડૂબ જા યા ચલ સાહિલ પર, તિનકે કે સહારે રહના ક્યા’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 11 જુલાઈ  2025

Loading

પીડિતાને દોષિત ઠેરવતી પિતૃસત્તાત્મક માનસિકતા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|6 August 2025

ચંદુ મહેરિયા

સુરતના કોંચિંગ ક્લાસમાં અધ્યાપન કાર્ય કરતી પાટીદાર યુવતી પર નીલ દેસાઈ નામનો સગીર તેની સાથે સંબંધ રાખવા બળજબરી કરતો હતો. તેની સતત હેરાનગતિ અને ધાકધમકીથી કંટાળીને યુવતીએ આત્મહત્યા કરી. આત્મહત્યા માટેની દુષ્પ્રેરણાના આરોપસર સગીરની અટકાયત પછી, ‘સંદેશ’ના ખબરપત્રીના અહેવાલ પ્રમાણે કથિત આરોપી સગીરના કુટુંબીજનો અને જ્ઞાતિજનોએ યુવતીના મેસેજિસ સોશિયલ મીડિયામાં વાઈરલ કરી તેને દોષિત ઠેરવવાનો પ્રયાસ કર્યો છે.

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની આર.જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા તબીબ પર બળાત્કાર અને હત્યાના બનાવને હજુ તો વરસ પણ થયું નથી અને કોલકાતાની કાયદાની કોલેજમાં ચોવીસ વર્ષિય કોલેજ છાત્રા પર કોલેજ પરિસરમાં જ સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો છે. બળાત્કારીઓ  પૈકીનો એક રાજ્યના સત્તાપક્ષ તૃણમૂલ કાઁગ્રેસનો સક્રિય કાર્યકર છે. ઘટનાના રાજકીય પ્રત્યાઘાત પડ્યા તો તૃણમૂલ વિધાયક મદન મિત્રાએ કહ્યું કે જો યુવતી ઘટનાસ્થળે ગઈ જ ના હોત, જતાં પહેલાં કોઈને વાત કરી હોત કે  કોઈ બહેનપણીને સાથે લઈ ગઈ હોત તો બળાત્કારની ઘટના જ ન બની હોત. પક્ષના વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનરજીએ એથી પણ આગળ વધીને એમ કહ્યું કે શું દરેક સ્થળે પોલીસ પહેરો હોઈ શકે? બળાત્કારનો ભોગ બનેલી યુવતી પર દોષનો ટોપલો ઢોળી દેવાનું આ તે કેવું વલણ?

ઓડિશાના બાલાસોરની ફકીર મોહન અધ્યાપન કોલેજની બી. એડની વિદ્યાર્થિની સાથે કોલેજના પ્રોફેસર સમીર રંજન સાહુ જાતીય સતામણી કરતા હતા. છાત્રાએ તેની ફરિયાદ કોલેજના આચાર્યને કરી પણ તેની ફરિયાદ તરફ દુર્લક્ષ સેવવામાં આવ્યું. ઉત્પીડનના આરોપી અધ્યાપક સામે પગલાં લેવા છાત્રાએ  ધરણાંનો માર્ગ અખત્યાર કર્યો. એ વેળા પ્રોફેસરને નિર્દોષ દર્શાવી ફરિયાદી છાત્રાને કોલેજમાંથી સસ્પેન્ડ કરવાની માંગણી તેના ૭૧ સહછાત્રોએ કરી. લાંબા સંઘર્ષ છતાં  ન્યાયની કોઈ આશા ન જણાતાં યુવતીએ કોલેજમાં જ આત્મદાહ કર્યો અને સારવાર પછી તેનું અવસાન થયું. આ ઘટનામાં પણ કોલેજ અને સહપાઠીઓનું વલણ પીડિતાનો જ દોષ  જોવાનું રહ્યું હતું. 

ગરીબ, આદિવાસી, દલિત, કાળા અને મહિલા જેવા પીડિતોને દોષી ગણવાનું વલણ જાણે કે સહજ અને સાર્વત્રિક છે. જો તમે ગરીબ છો તો તમને કામચોર, આળસુ, વ્યસની ગણીને તમારી આર્થિક હાલતનું કારણ સંસાધનોની અસમાન વહેંચણી છે તે ભૂલવી દઈને તમને જ જવાબદાર ગણવામાં આવે છે. રંગભેદ, જ્ઞાતિભેદ , લિંગભેદ જેવા અનેક ભેદભાવનો શિકાર બનેલા લોકોને સામાજિક પૂર્વગ્રહો તથા સાંસ્કૃતિક માપદંડોના આધારે બ્લેઈમ કરી તેમણે કંઈક એવું કર્યું છે કે જે તેમણે ભોગવવું પડે છે એવું ઠસાવવામાં આવે છે. કાળાઓ પ્રત્યેના ધોળિયાઓના અન્યાય અને રંગભેદ છતાં તેમને જ દોષિત ગણવા સંદર્ભે  અમેરિકી મનોવૈજ્ઞાનિક અને માનવ અધિકાર કર્મશીલ વિલિયમ રયાને (જન્મ-૧૯૨૩, અવસાન-૨૦૦૨) ૧૯૭૧માં લખેલ પુસ્તક ” BLAMING THE  VICTIM’ માં આ પ્રકારના કૃત્યને કોઈ માનસિકતા કે વલણને બદલે વિચારધારા ગણાવી છે. પીડિતોને  દોષિત ઠેરવવા તે ફાસીવાદી ચરિત્રનું સૌથી ભયાવહ સ્વરૂપ છે. 

આ સૌમાં મહિલા પીડિતને દોષિત ગણી લેવાનો ચાલ તો રોજેરોજનો છે. યૌન અને ઘરેલુ હિંસા, શારીરિક છેડછાડથી બળાત્કાર જેવી હિંસાનો ભોગ બનેલી પીડિતાઓને તેમની સાથે થયેલા ખરાબ વર્તન કે બળાત્કાર માટે એ પોતે જ દોષિત હોય તેવું વર્તન અને વ્યવહાર કરવામાં આવે છે. મહિલાઓ સાથે હિંસા આચરતા પુરુષો તો જાણે દેવના દીકરા હોય તેમ ‘લડકે હૈ કભી કભી ભૂલ હો જાતી હૈ’  કહીને તેમને છાવરવામાં આવે છે કે તેમનો બચાવ કરવામાં આવે છે. જ્યારે મહિલાઓને માથે એ તો છે જ એવી, આવા અડધા ઉઘાડાં દેખાવાય એવાં કપડાં તે પહેરાતા હશે ? પણ એ અડધી રાતે ગઈ જ શું કામ ? એવા સવાલો, આરોપ, દોષથી માંડીને એ જ લાગની છે સુધીના જજમેન્ટ અપાય છે. પીડિતાને દોષિત ઠેરવવી તે આપણી જડબેસલાક પિતૃસત્તાત્મક માનસિકતાને કારણે છે. જે કુટુંબ, સમાજ, રાજકારણ,મીડિયા અને અદાલતો એમ  ઠેરઠેર જોવા મળે છે.

વિનયભંગની પીડિતાને અવિશ્વસનીય ગણવી, તેના પર આચરાયેલ જુલમને હળવાશથી લેવો  એ તો ખરું જ પણ આવા બનાવ પછી પોલીસ સ્ટેશન, હોસ્પિટલ અને કોર્ટામાં ટ્રાયલ દરમિયાન તેને બળાત્કાર કે જાતીય સતામણી કરતાં ય  વધુ મોટો આઘાત સહેવો પડે છે. બળાત્કારની તપાસ માટે પ્રતિબંધિત ટુ ફિંગર પરીક્ષણ, પોલીસ ફરિયાદમાં વિલંબ કે નહીં નોંધવાનું વલણ અને ટ્રાયલ દરમિયાન વકીલોના આક્ષેપો અને અંગત સવાલોથી જાણે કે તેના પર બીજો બળાત્કાર થાય છે. 

જ્યાં ન્યાયની આશા લઈને પીડિતા જાય છે ત્યાં પણ તેને ઘણીવાર અન્યાય થાય છે. ૨૦૨૦માં કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ કૃષ્ણ દીક્ષિતે બળાત્કારના આરોપીને મુક્ત કરતાં બળાત્કાર પછી સર્વાઈવર સૂઈ ગઈ હતી તે બાબતને ગંભીર ગણી હતી અને તેને પરંપરાગત ભારતીય મહિલાના વલણ કરતાં જૂદું ગણાવી ફરિયાદને ખોટી માની હતી. તહેલકાના તરુણ તેજપાલ સામેની ફરિયાદ અંગે ગોવા હાઈકોર્ટે ઘટનાના આગલા દિવસની તસવીરોમાં પીડિતાના ચહેરા પર કોઈ પરેશાની જણાતી નથી અને તે ખુશ જણાય છે, તે બનાવ પછી ગોવામાં રોકાઈ હતી અને આખા કાર્યક્રમમાં હાજર રહી હતી તે બાબતને પણ ધ્યાનમાં રાખી ફરિયાદને અવિશ્વસનીય ગણાવી તેજપાલને આરોપ મુક્ત કર્યા હતા. ૧૯૯૫માં રાજસ્થાનના ભંવરી દેવી બળાત્કાર કાંડના ચુકાદામાં પણ અદાલતે કથિત નિમ્ન જ્ઞાતિની મહિલા પર કથિત ઉચ્ચ જ્ઞાતિના પુરુષો કે કાકા-ભત્રીજા સાથે કે વિવિધ વયજૂથના પુરુષો એક સાથે બળાત્કાર કરે તેને અસ્વીકાર્ય બાબત ગણી હતી. આ ઉદાહરણો દર્શાવે છે કે પીડિતાઓ પ્રત્યેનું અદાલતોનું વલણ ક્યારેક ખાપ પંચાયતો જેવું હોય છે. 

મહિલાઓને વસ્તુ નહીં પણ વ્યક્તિ માનવાની માનસિકતા હજુ કેળવાઈ નથી. મધ્ય પ્રદેશના એક બળાત્કાર કેસમાં જ્યારે સર્વોચ્ચ અદાલતે સ્ત્રીના શરીરને મંદિર જેવું ગણાવ્યું ત્યારે પણ તેમની માનસિકતા મહિલાને દેવી ગણાવાની, તેના શરીરને પવિત્ર ગણવાની હતી. જાતીય શોષણનો ભોગ બનેલી મહિલાને કલંકિત ગણી તેનો ત્યાગ કરવો, અલગ પાડી દેવી, હડધૂત કરવી જેવી બાબતો સમાજમાં સહજ છે તેના મૂળમાં સ્ત્રીના શરીરને મંદિર કે પવિત્ર માનવાનું વલણ છે. 

શારીરિક અત્યાચારોનો ભોગ બનેલી સ્ત્રીએ થાકીને સૂઈ જવાનું નથી પણ રડવાનું છે, ગભરાવાનું છે, બૂમો પાડવાની છે, ન્યાયની ભીખ માંગવાની છે – જેવા માપદંડો સમાજે તેના પર થોપ્યા છે. જ્યારે મહિલા તેના કરતાં જૂદું વલણ અપનાવે છે ત્યારે તેને દોષિત ગણવામાં આવે છે. હવે આ વલણ બદલવાનું છે. મહિલાનું શરીર મંદિર કે પવિત્ર નથી. બળાત્કારથી તે કલંકિત થઈ જતી નથી. તેણે જાતીય અત્યાચાર પછી દુ:ખી, બાપડી, બિચારી થવાનું નથી. પરંતુ સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક પૂર્વગ્રહોનો સામનો કરવાનો છે. તો જ પીડિતાને દોષી માનતી માનસિકતામાં પરિવર્તન આવશે.  

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...139140141142...150160170...

Search by

Opinion

  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 
  • આસ્થા અને ભ્રમ વચ્ચે જન્મેલી સચ્ચાઈ; પંથની  ગાથાનો એક છૂપો પક્ષ
  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved