
કૃષ્ણવદન જોષી
જે અંદર હોય તે જ બહાર દેખાય છે. અંદર સુખ છે તો બહાર સુખ છે અને અંદર દુ:ખ છે તો બહાર પણ દુ:ખ છે. અંદર સત્ય છે તો બહાર પણ સત્ય જ હોય છે. અંદર અસત્ય છે તો બહાર પણ અસત્ય જ હોય છે. બાહ્ય એ તો અંદરનું પ્રતિબિંબ છે. બહારનું બદલવા અંદરનું બદલવું પડે છે. પરંતુ બહાર બદલવાથી અંદરનું બદલાતું નથી. અંદર અને બહાર જુદા હોવાનું સર્વત્ર દેખાઈ રહ્યું છે. બહારથી સજ્જન, સુખી કે સ્વસ્થ દેખાતા માનવી અંદરથી એવા હોય જ એવું માનવા જેવું નથી. દંભથી જાતને અને બીજાને છેતરવાની આવડત આપણે બધાએ હસ્તગત કરી લીધી છે, પરંતુ ક્યારેક તો દંભનો પર્દાફાશ થયા વિના રહેતો જ નથી.
કૃષ્ણવદન જોષીએ પોતાની જાતને અંદરથી બદલી એટલે બહાર આપોઆપ બદલાઈ ગયું. કોઈ શિલ્પકાર જ્યારે શિલ્પ બનાવતો હોય ત્યારે પોતાની અંદર મનોમંથન કરી એક ચિત્ર વિકસાવે અને પછી પથ્થર ઉપર કોતરકામ કરી શિલ્પને મૂર્તિમંત કરે. બસ, એમ જ કૃષ્ણવદને પોતાની જાતનું ચિત્ર તૈયાર કરી વધારાનું, ન કામનું કે આડે આવતું તમામ ખેરવી દીધું. દંભને દૂર મૂકી અંદર અને બહારનું એકત્વ સાધી લીધું. આ એકત્વને કારણે જ પોતે ઘડેલા વિચારોને આચારમાં મૂકી શક્યા. અંદરની સ્પષ્ટતાએ બહાર જે દેખાયું, જે જિવાયું એને ગૌરવ આપી દીધું.
જેલવાસ દરમ્યાન કૃષ્ણવદનને મળેલા મહાપુરુષોના સત્સંગ અને વાંચનનો સદુપયોગ પોતાને સાચી અને સારી દિશામાં વાળવામાં કર્યો. સ્વામી વિવેકાનંદે અમેરિકાના ધનાઢ્ય વ્યક્તિ રોકફેલરને કહેલું : તમે ભેગું કરેલું ધન એ તમારું નથી, તમે તો માત્ર એના વાહક છો અને તમારો ધર્મ જગતનું કલ્યાણ કરવાનો છે. ઈશ્વરે તમને જે સંપત્તિ આપી છે, તે લોકકલ્યાણનું કાર્ય કરવા અર્થે આપી છે. આટલી જ વાતે રોકફેલરમાં બદલાવ આવ્યો અને એ જમાનાના તે સૌથી મોટા દાતા બન્યા.
આવું કંઈક વાંચી, કૃષ્ણવદનને વિચાર આવ્યો કે મારી પાસે ધન તો નથી, પણ મારી જાતને જ સમાજ માટે કેમ સમર્પિત ના કરી દઉં? ધનનું દાન જ શું દાન ગણાય? એવો પ્રશ્ન પોતાની જાતને પૂછીને નિર્ણય કરી લીધો કે હું મારી જાત સમાજને સમર્પિત કરી દઈશ. સાથેસાથે ધનની તૃષ્ણા પણ છોડી દઈશ. ધન કમાવવા કોઈ પ્રવૃત્તિ હું કરીશ જ નહીં. અહીંથી જન્મ થયો એક એવી વ્યક્તિનો કે જેણે આજીવન સ્વૈચ્છિક ગરીબી સ્વીકારી, જેની શરૂઆત થઈ સાદગી અને સરળતાથી જીવન જીવવાની પ્રતિજ્ઞાથી. જેલમાં જ નક્કી કર્યું કે ખાદી પહેરીશ, જાતે કાંતીને જ પહેરીશ, જે જીવનના અંત સુધી તેમણે નિભાવ્યું. કમાઈ શકવા સક્ષમ હતા, પરંતુ હવે કમાવાની જ ઇચ્છા ન હતી.
કૃષ્ણવદન પોતાને સોંપાયેલું કામ અત્યંત ચીવટતાથી અને સાવધાનીથી કરે. આ જ સ્વભાવ છેક સુધી રહ્યો. મારા લાંબા સમયના સંબંધોમાં મેં ખૂબ નજદીકથી એમને નિહાળ્યા છે અને હું બધાને કહેતો ‘ભાઈ’ને કામ સોંપો એટલે તમે સૂઈ જાવ અને એ જાગે. એ મેયર હતા ત્યારે પણ નાનામાં નાની વ્યક્તિનું નાનામાં નાનું કામ પણ ભૂલે નહીં. એમને કહેવું નહોતું પડતું કે તમે સૂઈ જાવ, પણ તમે સૂઈ જ જાવ એટલો ભરોસો તમે એમના ઉપર મૂકી શકો.
જ્યારે સ્વૈચ્છિક ગરીબી સ્વીકારી ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે એ માટેની પહેલી જરૂર હશે સાદગીની. એક પૈસાનો ખોટો ખર્ચ ન થાય એ માટે પોતાને તથા પરિવારના સહુને તૈયાર કર્યા હતા. કોઈ નોકરી નહીં, કોઈ ધંધો નહીં, માત્ર સમાજસેવા એ જીવનમંત્ર હતો. પણ સમસ્યા ઘર અને પરિવારને પોષવાની હતી. કોઈ પણ સંસ્થામાંથી એમને એક રૂપિયો પણ પગાર ન હતો કે ન કોઈ વ્યક્તિગત ખર્ચ. સ્વયંસેવકોના ધ્યાનમાં આ વાત આવી ત્યારે એમને મહાદેવભાઈ દેસાઈ ટ્રસ્ટમાંથી મહિને દોઢસો રૂપિયા મળવા શરૂ થયા. બીજા માળે ભાડાનું બે રૂમનું ઘર, બે બાળકો અને પતિપત્ની એમ ચાર જણ સાથે રહે. આજે પણ કલ્પનાની બહાર છે કે જીવન કેવી રીતે વીતતું હશે! એટલું ચોક્કસ યાદ છે કે એમણે ક્યારે ય કોઈની પાસે ગરીબીનો વસવસો વ્યક્ત કર્યો હોય કે કોઈની પાસે હાથ લાંબો કર્યો હોય એવું બન્યું નથી.
ઘરવખરી નામે સૂવાનો એક ખાટલો, કપડાંમાં જાતે કાંતેલી ખાદીના ઝભ્ભા-લેંઘાની ત્રણ જોડ. એકેય કપડાએ ક્યારે ય ઇસ્ત્રીનો સ્પર્શ કર્યો હોય એવું બન્યું નથી. જાતે જ પોતાનાં કપડાં ધોવાનાં, એ પણ એટલી ચોક્કસાઈથી કે એમાં એક ડાઘ ના દેખાય! ઝભ્ભો-લેંઘો જ એમનો પર્યાય બની ગયો. પગમાં ગ્રામોદ્યોગના ચંપલ જેની એક જોડ ચાર-પાંચ વર્ષ ચાલે. જમવાનું બે ટંક, સાવ સાદું ભોજન, ચા-કોફીની જરૂરિયાત જ નહીં. આ તો વ્રતધારી એટલે એવું નહીં કે ઘરે તંગી હોય તો બીજાને ત્યાં જમી લેવું.
કૃષ્ણવદન જોષી ૧૯૭૨થી ૧૯૮૦ સુધીમાં ત્રણ વાર અમદાવાદના મેયર બન્યા. ભલે ટર્મ નાની-મોટી હતી, પણ સરળતાનો એ પર્યાય. એ જ સાદી ભાષા, હુંકાર ક્યારે ય નહીં, હુકમ તો કર્યો જ ન હોય એવું મેં અનુભવ્યું છે. વાદ-વિવાદ-ચર્ચાથી દૂર. પોતાની વાતનો આગ્રહ ક્યારે ય નહીં. સત્યની જ ભાષા. દંભ-આડંબર કે મોટાઈનો અભાવ! કોઈને ઉતારી પાડ્યાનું મને સ્મરણ નથી. કાર્યકર્તા હોય કે કર્મચારી, નાનો માણસ હોય કે મોટો, વ્યવહાર એકસરખો. જાણે બધું, સમજે બધું, પરંતુ સરળતાથી મૂક બની જાય. મેયર હતા ત્યારનો એક પ્રસંગ યાદ આવે છે : એક વાર રાતના આઠનવ વાગ્યે ઓચિંતા મારા ઘેર આવી ગયા. ચાલો ડોક્ટર, આપણે વી.એસ. હૉસ્પિટલ જવાનું છે. મેં કહ્યું, શું છે એવી ઇમર્જન્સી? એમનો ઉત્તર હતો, આપણી પોળની કોઈ દીકરી દાઝી ગઈ છે અને ગંભીર છે. આપણે જવું પડશે. તમે સાથે હશો તો સારું પડશે. અમે બંને સ્કૂટર ઉપર હૉસ્પિટલના વોર્ડમાં પહોંચ્યા. હું બહાર દર્દીનાં સગાં સાથે વાત કરવા રોકાયો અને મુરબ્બી ભાઈ અંદર ગયા. તરત જ બહાર પાછા આવ્યા. હું કંઈ કહું એ પહેલાં કહે, ડૉક્ટર અંદર જવા નથી દેતા. એમની સાથે ગયેલાં અન્ય સગાંએ કહ્યું કે ડૉક્ટરે એમને હડધૂત કરીને બહાર કાઢ્યા છે. ઘાંટો પાડીને કહે છે, સમજ નથી પડતી કાકા, તે અત્યારે દોડ્યા આવો છો? આ મળવાનો સમય નથી, બહાર નીકળી જાવ. અને ભાઈ અંદરથી બહાર આવી ગયા.
હું અંદર ગયો અને મને ડૉક્ટર ધમકાવે એ પહેલાં જ મેં કહ્યું, ભાઈ હું સર્જન છું, એટલે નમ્રતાથી એણે મારી સાથે વાત કરી. મેં એને હળવાશથી પૂછ્યું, ભાઈ તેં હમણાં જે કાકાને હડધૂત કરીને બહાર કાઢ્યા, એ કોણ છે તું જાણે છે? પેલાનો જવાબ નકારાત્મક જ હોય એ સ્વાભાવિક હતું. મેં એને સમજાવ્યો કે આ ‘કાકા’ અમદાવાદ શહેર, મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર છે. સાથેસાથે વાડીલાલ હૉસ્પિટલ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન છે! પેલાના હોશકોશ ઊડી ગયા. ધ્રૂજી ઊઠ્યો! હવે શું થશે, એની ચિંતામાં શિયાવિયા થઈ ગયો. ભાઈને બોલાવી માફી માગી. કરગર્યો. ભાઈ એટલા જ સ્વસ્થ અને જરા ય ખોટું લગાડ્યા વિના કહ્યું : ડૉક્ટર સાહેબ, તમે તો તમારી ફરજ બજાવી છે. જાણે બુદ્ધનો બીજો અવતાર! મેયર હોવા છતાં યે કોઈ ફરિયાદ નહીં, માન-અપમાનની પરવા નહીં. દર્દીને મળીને ઘરે.
લાંબો સમય મેયર હોવા છતાં ક્યારે ય એમણે મેયરની ગાડીમાં પગ મૂક્યો નહોતો. ઑફિસે ચાલતા જ જાય. સાઇકલ પણ વાપરે અને ઉતાવળ કે દૂર જવાનું હોય તો કોઈકના સ્કૂટર ઉપર. મેયર થતાંની સાથે જ પોતાની મેયરની ઑફિસમાંથી ઍરકન્ડિશનર દૂર કરાવી પંખા મુકાવ્યા. દરેક માટે દરવાજા ખુલ્લા. કોઈ પણ મુલાકાતી આવે એને રોકવો નહીં એવી સૂચના, બધાની સાથે પ્રેમથી વાતો કરવાની, શક્ય હોય એટલા પ્રશ્નો દૂર કરવાના. સામેથી લોકો ગમે તેટલો આક્રોશ વ્યક્ત કરીને બોલી જાય, પણ એમની સ્વસ્થતા એની એ જ! એમની બધી જ કાર્યપદ્ધતિ સાથે આપણે સહમત ન પણ થઈએ, પરંતુ આ આદર્શ વ્યક્તિની સાદગી, સરળતા અને નિરભિમાનતાનો ઉચ્ચ આદર્શ એમણે સહજ રીતે મને શીખવાડી દીધો.
બીજો એક પ્રસંગ યાદ આવે છે :
કોર્પોરેશનની મિટિંગમાં એક કોર્પોરેટરે ખૂબ બૂમાબૂમ કરી કે મારા વિસ્તારમાં પાણીનું ટીપુંયે આવતું નથી. લોકો તરસે મરે છે. ખૂબ ધમાલ થઈ. વિરોધ પક્ષના કોર્પોરેટર એમની ફરજ બજાવે એ સ્વાભાવિક છે. એમના અવાજની નોંધ લેવાઈ ગઈ પછી સાહેબ મિટિંગમાંથી ચાલી ગયા. સામાન્ય રીતે મિટિંગ પછી મીડિયા નોંધ લે, જે લેવાઈ ગઈ.
પરંતુ આ તો માનવતાવાદી મેયર! પક્ષાપક્ષી હોય, પરંતુ લોકો ખરેખર પાણી માટે ટળવળતા હોય ત્યારે મેયરે કંઈક કરવું જ પડે. બીજા જ દિવસે વહેલી સવારે મિટિંગમાં બૂમો પાડનાર કોર્પોરેટરના વિસ્તારમાં તેઓ પહોંચી ગયા. અંદાજે સવારના છ-સાડાછ વાગ્યા હશે. સાહેબ અવાચક થઈ ગયા. જોયું તો સામે શ્રી કૃષ્ણવદન જોષી! સાહેબે કહ્યું કે મેયરશ્રી આપ, અત્યારે?
મેયરશ્રીએ કહ્યું કે આપ ગઈ કાલે પાણી માટે ફરિયાદો કરતા હતા એટલે મને થયું કે ચાલો જાતે જઈને જ જોઈ આવું અને શક્ય હોય તો એનો રસ્તો આપણે સાથે મળી કાઢીએ. ‘સાહેબ’ ઢીલા પડી ગયા. પાણી બધે જ આવતું હતું અને પૂરતું પણ!
ત્રીજો પ્રસંગ વિશેષરૂપે જાણવા જેવો લાગ્યો છે :
એક વાર બપોરે ફોન આવ્યો. ડૉક્ટર સાહેબ ઘરે આવશો? મારી પત્નીને ઠીક નથી લાગતું. હું ગયો. એમનું ભાડાનું ઘર, બીજો માળ, સીડીનું પગથિયું ન સંભાળીએ તો કાં તો નીચે પડાય કાં તો માથું ઉપર ટકરાય! જોયું અને ખબર પડી કે એમને લકવાનો હળવો હુમલો છે. મેં સૂચવ્યું કે આપણે એમને દાખલ કરવાં પડશે એટલે સહજતાથી કહ્યું કે તમારી જ હૉસ્પિટલમાં લઈ જઈએ. એમના માટે હું જ ડૉક્ટર તરીકે બધું, સર્જન અને ફિઝિશિયનનો ભેદ નહીં.
મેં સમજાવ્યા અને સૂચવ્યું કે વી.એસ. હૉસ્પિટલમાં દાખલ કરવાં જોઈએ. તેઓ ભડક્યા! સાહેબ, ત્યાં તો નહીં જ! હવે ચમકવાનો વારો મારો હતો. પોતે શહેરના મેયર, વી.એસ. હૉસ્પિટલ બોર્ડના ચેરમેન.
મેં દબાણ કર્યું કે ત્યાં જવાનું છે, તો કહે સાચું કારણ એ છે કે મેં તો સ્વૈચ્છિક ગરીબી સ્વીકારી છે અને મને એનો કોઈ વસવસો નથી. ખેદ નથી, દુ:ખ નથી, પરંતુ મારા પરિવારજનો આ સ્થિતિ ન સમજી શકે અને એ લોકો ન સ્વીકારી શકે. પત્નીની અપેક્ષાઓ હોય અને વી.એસ.માં જાઉં તો આખું ગામ ઊમટી પડે. અંગત માંદગીને પ્રસંગ નથી બનાવવો. ડૉક્ટરો દોડશે, વહીવટદારો દોડશે અને સાથીઓ પણ. આપણને એ ના શોભે.
છેવટે મેં હાર સ્વીકારી. સિવિલ હૉસ્પિટલના સ્ત્રીઓ માટેના જનરલ વોર્ડમાં ભરતી કરાવ્યાં. પરંતુ મેયરની પત્નીના સમાચાર થોડા ઢાંક્યા રહે! સુપરિટેન્ડેન્ટ ડૉ. ગુપ્તા સાહેબ દોડી આવ્યા. સ્પેશિયલ રૂમમાં દાખલ કરાવવા આગ્રહ કર્યો. ખૂબ દબાણ કર્યું. ‘મહાત્મા’ તો ટસના મસ ના થયા. છેવટે જનરલ વોર્ડમાં જ એમણે પડદા લગાવી, થોડાં જુદાં પાડ્યાં, ભાઈની મંજૂરી વિના જ. પોતે મેયર, પણ ખબર કાઢવા કોઈકના સ્કૂટર ઉપર આવે. મુલાકાતીઓના સમયમાં જ આવે. સારું થયું એટલે ઘેર લાવવાનાં હતાં. બિલ હતું રૂપિયા ૫૭.૫૦. મહાત્મા પાસે તો એટલાયે ક્યાં હતા? વ્યવસ્થા થઈ, બિલ ચૂકવાઈ ગયું પછી જ ઘરે લઈ જવાયા.
આ બધું કરવા છતાંયે એ માટેની પ્રસિદ્ધિથી દૂર, વાજાં વગાડવાની આદત જ નહીં. એમની સાદગી એટલી કે એ ગમે ત્યાં જાય ખાદીના ઝભ્ભા-લેંઘા સિવાય બીજો કોઈ પોશાક નહીં. લગ્ન હોય કે મરણ, જાહેર સભા હોય કે અતિથિ વિશેષશ્રીઓ સાથેની મિટિંગ, એમનો પહેરવેશ એક જ! એક સમયે ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુને અમદાવાદમાં મળવા જવાનું થયું. ઝભ્ભો ક્યાંકથી થોડો ફાટેલો તો ક્યાંકથી થોડો થીગડાંવાળો. સાથીઓએ સમજાવ્યા કે આજે આ ઝભ્ભો બદલી નાખો, ત્યારે ખૂબ હળવાશથી એમનો જવાબ હતો : “નહેરુજીને મળવા હું જાઉં છું, મારો ઝભ્ભો નહીં.” આટલું કહી સસ્મિત વદને નહેરુજીને મળવા પહોંચી ગયા.
દેશ હોય કે પરદેશ, તેમનો પહેરવેશ એનો એ જ! સને ઓગણીસો ઈઠ્ઠોતેરમાં યુરોપ જવાનું થયું, પણ આ ફકીર પાસે તો એ જ ઝભ્ભા-લેંઘાની ત્રણ જોડ, વધારામાં એક શાલ અને એક સ્વેટર, પગમાં માત્ર ચંપલ. યુરોપની ઠંડી પણ એમને પોતાની સાદગીથી ચળાવી શકી નહીં. યુરોપના દેશોની અસંખ્ય મહત્ત્વની વ્યક્તિઓ વચ્ચે પણ અમદાવાદના મેયરને પોતાના પહેરવેશથી જરાયે ઊણપ નહોતી અનુભવાતી. મેયર તરીકે પહેલી વાર પરદેશ જવું પડ્યું ત્યારે એમની પાસે ના મળે બેગ કે ના મળે મોટો થેલો. જે થોડો સામાન હતો તે ઓશિકાના કવરમાં ભરીને લઈ ગયા. આ હતા અમદાવાદના મેયર!
કૃષ્ણવદન માનતા કે જો માણસ જાણે કે પોતે ક્યાં જઈ રહ્યો છે અને એ વિશે સ્પષ્ટ હોય તો જગત આખું એને માર્ગ કરી આપે છે. સાદગી અંગેની પોતાની માન્યતા અને એ અંગેની સ્પષ્ટતાથી કૃષ્ણવદનમાં ક્યારે ય લઘુતાગ્રંથિ નથી આવી કે ક્યારે ય ક્યાં ય નીચાપણું નથી અનુભવ્યું. થોડા જ વખતમાં સમાજના તમામ સ્તરના લોકોએ આ માનવતાવાદી માનવીને ‘મહાત્મા’ બનાવી દીધો. ગૌરવ પણ વધારી દીધું.
એમની સાદગી માટે ભૂતપૂર્વ સાંસદ જયાબહેન શાહે શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે એમના ઘરની જીર્ણશીર્ણ દીવાલો જોઈને હું આભી જ બની ગઈ હતી. દીવાલોમાં ક્યાંક-ક્યાંક જ પ્લાસ્ટર દેખાય અને રંગરોગાન તો મુદ્દલ નહીં.
અંદર-બહાર એકત્વ અનુભવતા આવા માનવીઓ જ જગતને સાચી દિશા ચીંધી શકે છે, જે સ્વ૦ કૃષ્ણવદને પોતાના વ્યક્તિત્વથી સિદ્ધ કરી બતાવ્યું હતું.
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 માર્ચ, 2025; પૃ. 20-21 તેમ જ 14