Opinion Magazine
Number of visits: 9736197
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુદ્ધ : રણનું ને મનનું –

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 March 2026

રવીન્દ્ર પારેખ

અત્યારે ઈરાન V/S અમેરિકા અને ઇઝરાયલનું તાજું તાજું યુદ્ધ ચાલે છે. અત્યાર સુધીમાં આ યુદ્ધમાં હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. આમ તો આ ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ છે, પણ ઇઝરાયલ અમેરિકાને પક્ષે રહીને ઈરાન વિરુદ્ધ લડી રહ્યું છે. ઈરાની વડા ખોમેનીના મોતમાં ઈઝરાયલનો હાથ નથી એમ કહી શકાશે નહીં. ઇઝરાયલ અને અમેરિકાએ 17 ઈરાની જહાજો ડુબાડ્યાં છે. ઈરાને મિડલ ઇસ્ટના નવ દેશોમાંના 14 અમેરિકી બેઝ પર વળતો હુમલો કર્યો છે, તો ઇઝરાયલે પણ લેબેનોનના ત્રિપોલી શહેરમાં આવેલા પેલેસ્ટેનિયન શરણાર્થી કેમ્પ પર હુમલો કર્યો છે. ઈરાને ઇઝરાયલને ચેતવણી આપી છે કે જો અમેરિકા અને ઇઝરાયલ સત્તા પરિવર્તનનો પ્રયાસ કરશે, તો ઈરાન ઇઝરાયલના ડિમોના ન્યુક્લીઅર સેન્ટરને ટાર્ગેટ કરશે. એ ઉપરાંત અમેરિકાએ ભારતથી પરત ફરી રહેલા ઈરાની યુદ્ધ જહાજ IRIS દેના પર શ્રીલંકા નજીક હુમલો કરીને જહાજ ડુબાડી દીધું છે. આ હુમલામાં 180માંથી 100થી વધુ નૌસૈનિકોનાં મોત થયાં છે. આ જહાજ ભારતના વિશાખાપટ્ટનમમાં આયોજિત 2026 ઇન્ટરનેશનલ ફલીટ રિવ્યૂમાં ભાગ લઈને પરત ફરી રહ્યું હતું. હુમલાની પ્રતિક્રિયા આપતાં ઈરાને કહ્યું કે ઇઝરાયલે અમારું યુદ્ધ જહાજ ડુબાડીને ભૂલ કરી છે. આ ભૂલ બદલ અમેરિકાએ પરિણામ ભોગવવું પડશે. એવું અમેરિકા પણ બોલ્યા કરશે ને એમ ચાલ્યા કરશે.

આમ તો અમેરિકામાં ઈરાન પરનાં સંભવિત હુમલાનો વિરોધ થઇ રહ્યો છે. હાલમાં જ યુંનાઈટેડ સ્ટેટ્સ સેનેટની આર્મ્ડ સર્વિસિસ કમિટીની સુનાવણી દરમિયાન ભારે ધમાચકડી થઈ છે. ઈરાન પર અમેરિકી હુમલાનો વિરોધ કરવા જતાં એક પૂર્વ સભ્યનો હાથ ભાંગી ગયો. એ સાથે જ અઝરબૈજાન પર ડ્રોનનો હુમલો ઈરાને કરાવ્યો હોવાનો આરોપ પણ છે ને તેના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે ઈરાન માફી માંગે. જો કે, ઈરાને હુમલાનો ઇન્કાર કર્યો છે. વાત તો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના કાવતરાની પણ છે. ઈરાનના કમાન્ડરે પાકિસ્તાનીને હત્યાનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનું મનાઈ રહ્યું છે. ન્યૂયોર્કની કોર્ટમાં આવો ચોંકાવનારો દાવો થયો છે. ટૂંકમાં, આ બધા પ્રયત્નો યુદ્ધને ભડકાવવા થઈ રહ્યા હોવાનું લાગે છે. અમેરિકા દરેક પગલાંને ન્યાય્ય ઠેરવવા કંઇ પણ કરી શકે એમ છે એ સમજી લેવાનું રહે.

ભારતે ખોમેનીનાં મૃત્યુ બદલ શોક વ્યક્ત ના કર્યો એ સંદર્ભે પણ માછલાં ધોવાયાં, પણ ભારતે એ વિવેક દાખવ્યો છે ને પહેલીવાર શોક વ્યક્ત કર્યો છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ઈરાની દૂતાવાસની મુલાકાત લીધી અને ત્યાં શોકદર્શક પુસ્તિકામાં સહી પણ કરી ને શોકાંજલિ પણ અર્પણ કરી. આ શ્રદ્ધાંજલિ ભારત સરકાર દ્વારા આપવામાં આવી.

એક તરફ ઈરાન, ઇઝરાયલ, અમેરિકા યુદ્ધમાં સંડોવાયેલા છે, તો રશિયા અને યુક્રેન પણ યુદ્ધમાં રોકાયેલાં છે. ચાર વર્ષથી ત્યાં યુદ્ધ ચાલ્યા કરે છે ને તેનો છેડો આવતો નથી ને જે ગુજરી ગયા એ બંને પક્ષે લોકો છેડો મૂકતાં પરવારતાં નથી. બીજી તરફ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પણ એકબીજાને શિંગડાં ભરાવી રહ્યાં છે. બીજે પણ યુદ્ધ ચાલતું હશે કે યુદ્ધની તૈયારીઓ ચાલતી હશે ને મીડિયા તેની સાનંદ નોંધ લેતાં હરખાયા કરે છે. યુદ્ધના સમાચાર આપવામાં હરખાતું મીડિયા યુદ્ધ અંગેની ટિપ્પણીઓ બહુ ઓછી આપે છે. એ અત્યંત દુખદ છે કે સૌ યુદ્ધનો લાભ લઈ રહ્યા છે. એ સાથે જ શેરબજાર કડાકો બોલાવી રહ્યું છે અને ક્રૂડ મોંઘુ થવાની સંભાવનાઓ સાથે યુદ્ધ લાંબું ચાલ્યું તો ભારતની તકલીફ વધશે એવા વર્તારા પણ મીડિયા જ આપ્યે રાખે છે. કોણ જાણે કેમ પણ યુદ્ધનો લેવાય એટલો લાભ દુનિયા લઈ રહી હોય એવું વાતાવરણ છે.

આ પૃથ્વી ફરતી થઈ અને માનવ વસ્તી વધતી ગઈ તેમ તેમ યુદ્ધ થતું આવ્યું છે. માણસને લોહી વગર ચાલ્યું નથી, એટલે લોહી રેડવાનું પરાપૂર્વથી ચાલ્યું આવે છે. વહેતું લોહી જોઈને સ્વજનોને પીડા થતી હશે, પણ શત્રુને તો આનંદ જ આવે છે. મહાભારત કાળથી લોહીની નવાઈ નથી. ભીમ જેવાએ તો દુશાસનની છાતીનું લોહી પીને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી હતી, તો દ્રૌપદીએ તેનાં લોહીથી વાળ ધોયા હતા. યુદ્ધ કદાચ માનવને સૌથી વધુ ક્રૂર અને ઝનૂની બનાવે છે. આ ક્રૂરતા ઉત્તરોત્તર વધતી જ આવી છે ને તેના મૂળમાં સત્તાની પ્રાપ્તિ રહેલી છે. પહેલું યુદ્ધ પથ્થરોથી લડાયું હશે ને પછી તીરકામઠા. ભાલાતલવાર ને તોપબંદૂકોથી આક્રમણો થયાં ને થતાં રહ્યાં છે. આ બધી વખતે શત્રુ સામે રહેતો હતો ને કોને મારવાનો છે, એની ખબર મારનારને રહેતી હતી.

એક સમયે રાજા પણ રણભૂમિમાં યુદ્ધે ચડતો ને રાજ્ય માટે જીવ આપતો, હવે એવું થયું છે કે યુદ્ધ કરતી વખતે શત્રુનું દેખાવું અનિવાર્ય નથી. તેનો સંપર્ક હોય કે ન હોય સત્તાધીશો કેબિનમાંથી સામસામે આક્રમણ કરતાં રહે છે. યુદ્ધ ચાલતું રહે છે, હજારો સૈનિકો, નિર્દોષ નાગરિકો મોત પહેરી લે છે, પણ પેલા બેત્રણ સત્તાધીશોનો કાંગરો ય ખરતો નથી. હવેનાં રાજાઓ શત્રુને જોયા વગર જ કેબિનમાંથી આક્રમણ કરી શકે છે. મૃત્યુ માટે જેટલી તકો આપણે યુદ્ધમાં ઊભી કરી છે, એટલી જીવન માટે નથી કરી. યુદ્ધ માટે રણમેદાનની જરૂર જ ન રહે એટલો વિકાસ આપણે કર્યો છે. હવે હજારો માઈલ દૂર પડીને મિસાઈલ્સ ઘાતકી હુમલાઓ કરીને હજારો લોકોનાં કોલસા પાડી શકે છે ને કરોડોની માલમિલકતનો ધુમાડો પણ કરી શકે છે. જાતભાતના વિકાસ પછી સર્વનાશ એક માત્ર લક્ષ્ય રહી જાય છે.

શસ્ત્રથી દૂર રહેવાનું આજ સુધીમાં બે મોહને સ્વીકાર્યું છે. એક કૃષ્ણે ને બીજા મોહનદાસ કરમચંદ ગાંધીએ. કૃષ્ણે તો ભીષ્મ સામે રથચક્ર ઉપાડીને આક્રમણ કરવાનું કરેલું, પણ મોહનદાસ કરમચંદ ગાંધીએ એટલી ભૂલ પણ ન કરી. શત્રુ સિવાય નાગરિકો પર હુમલાઓ થતા ન હતા. હવે મિસાઇલોએ શત્રુ અને શહેરીજનો વચ્ચેનો ભેદ ભૂંસી નાખ્યો છે. એ સિવાય યુદ્ધ હંમેશાં લોહિયાળ અને વિજય ભૂખ્યાં રહ્યાં છે. સત્તા અને વિજય લોહીથી જ મેળવાય એવું યુગોથી ચાલી આવ્યું છે. એમાં યુદ્ધમાં ગુમાવનારા સ્વજનોની યાદમાં લોહી જેટલાં જ વહેલાં આંસુઓથી જરા પણ ફરક પડ્યો નથી. પડતો નથી. આંસુ વહેતાં જ રહ્યાં છે ને સમાંતરે લોહીનું વહેવાનું પણ અટકતું નથી. વ્યક્તિ શત્રુ દેશની હોય કે મિત્ર દેશની, યુદ્ધમાં સ્વજનનું મૃત્યુ માતાએ, પિતાએ, પત્નીએ, પતિએ, ભાઈએ, બહેને જીરવવાનું જીવ પર આવે છે. એ મિત્ર દેશની વ્યક્તિ હોય કે શત્રુ દેશની, યુદ્ધમાં મૃત્યુ, એવો કારમો ઘા હોય છે કે જે રહી જાય છે, તે સ્વજનોએ લોહીનાં આંસુ રડવાના આવે છે. આ દરેક યુદ્ધમાં થાય છે, પણ યુદ્ધ વગર માણસજાતને ચાલ્યું નથી. આદમ જ આદમખોર થઈ ઊઠ્યો હોય એમ આખું વિશ્વ યૌદ્ધિક હવામાનનો સામનો કરી રહેલું જણાય છે.

કોઈ પણ દેશમાં બોમ્બ પડે છે તો પ્રચંડ ભડકો થાય છે ને લોકો વરાળ થવા લાગે છે. પહેલી મિસાઈલ  પડે છે ત્યારે કોઈને અંદાજ નથી આવતો એના પડવાનો. કદાચ બધા જ વ્યવહારો ચાલતા હોય છે. કોઈ ‘આઈ લવ યૂ’ કહેવા હોઠ ખોલે છે ને શબ્દો બહાર જ નથી નીકળી શકતા. કોઈ પ્રાર્થના કરે છે ને ‘આમીન !’ શબ્દ જ તૂટી જાય છે. કોઈ માતા તેના દીકરાને દૂધ પાવા ઘોડિયામાંથી બહાર કાઢે છે ને તેનો ઝોળી પકડતો હાથ ત્યાં જ સ્થિર થઇ જાય છે ને દીકરો અડધો, ઝોળીમાં જ રહી જાય છે. પછી પવનથી થોડો સંચાર થાય છે ને બધા જ આકારો રાખનો ઢગલો થઇ જાય છે.

આપણે ચંદ્ર પર વસ્તી ઊભી કરવાનું સાહસ કરી રહ્યાં છીએ. પૃથ્વી બગાડીને હવે ચંદ્ર બગાડવા બેઠાં છીએ, પણ પૃથ્વીને વળગેલા લોહીના આકારોની આપણને નાનમ નથી લાગતી. યુદ્ધ દુખદ જ હોય છે, પણ દુનિયાને લોહી રેડાય તેવું ફાવે છે. લોહી રેડે છે તે રાજી થાય છે ને જેનું રેડાય છે તે આંસુઓમાં પણ લોહી જ વહાવે છે. આપણી ‘લોહીની સગાઈ’ જ આવી છે, શું કરીએ?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 માર્ચ 2026

Loading

એ પુસ્તક જે વાંચીને ડો.આંબેડકર ચોધાર આંસુએ રડ્યા હતા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|5 March 2026

ફ્રાંસના વિખ્યાત નવલકથાકાર, કવિ અને રાજનીતિજ્ઞ વિકટર હ્યૂગો(જન્મ – ૨૬ ફેબ્રુઆરી ૧૮૦૨, અવસાન – ૨૨ મે ૧૮૮૫)ની અજોડ નવલકથા ‘લે મિઝેરાબ્લ’ [Les Miserables] દોઢસો કરતાં વધુ વરસો પહેલાં (૧૮૬૨) પ્રકાશિત થઈ હતી. હ્યૂગોના શબ્દોમાં, “અજ્ઞાન અને દારિદ્રય આ પૃથ્વી ઉપર જ્યાં લગી કાયમ હશે, ત્યાં લગી આ જાતનાં પુસ્તકો હરગિઝ નિરુપયોગી નહીં બને”. બાબાસાહેબ ડો. આંબેડકર જે ત્રણ પુસ્તકો વાંચીને ચોધાર આંસુએ રડેલા તેમાંનું એક ‘લે મિઝેરાબ્લ’ હતું. ફ્રેન્ચ શબ્દ ‘લે મિઝેરાબ્લ’નો અર્થ દુ:ખ, દરિદ્ર, ગરીબ, કંગાળ, ચીંથરેહાલ, પીડિત એવો થાય છે. ૧૯૪૭માં આ નવલકથાનો પ્રથમ ગુજરાતી અનુવાદ પ્રગટ થયો હતો. જે સિલસિલો આજે પણ ચાલુ છે. હ્યૂગોની આ કાલજયી નવલના વિવિધ ગુજરાતી અનુવાદોનાં નામો પણ રસપ્રદ છે: દુખિયારા, ગુનો અને ગરીબાઈ,  ગુનેગાર..! તથા દરિદ્રનારાયણ. 

આ પ્રશિષ્ઠ કૃતિ જીન વાલજીનના પ્રમુખપાત્રના ખભે ઊભી છે. એ ઉપરાંતના ૬૩ જેટલાં પાત્રો, અનેક સ્થળો અને ઉપકથાઓમાં ગૂંથાયેલી આ નવલકથામાં કથારસ બરાબર જળવાય છે. ‘ડી. પરગણાના બિશપ’ના પ્રથમ પ્રકરણથી આરંભાતી અને ‘આટલું બધું અજવાળું શાનું?’ ના એકસો દસમા પ્રકરણે સમાપ્ત થતી નવલમાં બધું મંગળ જ મંગળ નથી. નવલકથાનો આરંભ આશાયેશ જગાડનારો અને અંત સુખમાં પરિણમનારો જરૂર છે, પરંતુ તેની વચ્ચેનાં પ્રકરણોમાં જે અન્યાય, અભાવ, દરિદ્રતા, શોષણ અને દુ:ખનાં વર્ણનો છે તે નવાસવા ઔદ્યોગિકીકરણ તરફ જઈ રહેલા ફ્રાન્સના સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક જીવનનું બિહામણું ચિત્ર રજૂ કરે છે. 

“વૈદના ઘરનું બારણું કદી બંધ ન કરવું જોઈએ; અને પાદરીના ઘરનું બારણું હંમેશ ઉઘાડું રહેવું જોઈએ”, એમ માનતા ડી. પરગણાના બિશપ અને તેમનું ઘર, તેમની સાદાઈ, ધાર્મિકતા, નૈતિકતા અને ઉચ્ચ વિચારોથી કૃતિનો ઉઘાડ થાય છે. ચારેકોરથી હાડેહાડે થતો, હડધૂત મુસાફર જીન વાલજીન ધર્માચાર્યના ઘરના મુખ્ય બારણે જોરથી લાકડી વડે ટકોરો મારે છે. ‘અંદર આવો’ના આત્મીય આવકાર અને ‘ટેબલ ઉપર બીજી તાસક મૂકો’ ના આદેશ સાથે ‘પરોણો’ ઘરમાં પ્રવેશે છે. આ પરોણો પોતાનો પરિચય આપતાં પાદરીસાહેબને સ્પષ્ટ જણાવે છે : ‘મારું નામ જીન વાલજીન છે. લશ્કરી વહાણ ઉપર કેદી, ગુલામ તરીકે ઓગણીસ વર્ષ સજા ભોગવીને હું ચાર દિવસ ઉપર જ છૂટ્યો છું’. 

સાત બાળકોની મા એવાં વિધવા મોટી બહેન અને તેમના કુટુંબનું ગુજરાન ચલાવવાનો ભાર જીન વાલજીન પર ભરયુવાનીમાં આવી પડેલો. કઠિયારાનું કામ કરતા યુવાન વાલજીનના એક પછી એક આકરાં વરસો ‘કામ વિનાના તથા કુટુંબ રોટી વિનાનું’ થઈ જતાં એક દિવસ પાઉરોટી ચોરવાનો પ્રયત્ન કર્યો, નિષ્ફળ નિવડ્યો અને પકડાયો. ભારે કષ્ટદાયી અને લાંબી સજા પામ્યો. અંતે ‘ગુનેગાર’ના પીળા પરવાના સાથે મુક્ત તો થયો પણ સમાજે તેને સ્વીકાર્યો નહીં. 

શારીરિક રીતે મજબૂત અને માનસિક રીતે ચપળ જીન વાલજીન મજૂરીમાં શોષાઈ રહ્યાનું જાણી ચૂક્યો હતો. પણ કંઈ કરી શકતો નથી. બિશપના ઘરેથી કે રસ્તામાં ગારુડી પાસેથી એ ચોરી કરે છે. ફરતો ફરતો નામરૂપ બદલતો બદલતો માલદાર બને છે. ગુનેગારમાંથી કારખાનાનો માલિક જ નહીં નગરનો નગરપતિ પણ બને છે. પ્રેમ મેળવી તો શકતો નથી પણ પોતે માનેલી દીકરીને પ્રેમ આપવામાં, ગરીબ-ગુરબાંને અભાવોમાંથી મુક્ત કરવામાં કોઈ કસર બાકી રાખતો નથી. એક નિર્ધન, અપરાધી જીન વાલજીન એક રાતના થોડા કલાકોના બિશપના સહવાસમાં જીવનમાં મોટું પરિવર્તન આણે છે. પોતાનું શોષણ અને ગરીબી સાવ ભૂલી જાય છે. અને એટલો તો ધર્માચાર્યના પ્રભાવમાં આવી જાય છે કે બિશપના અવસાનના ખબરે શોકનાં કપડાં પહેરેલો જોવા મળે છે. 

આ નવલકથા ભૂખ, અભાવ, દારિદ્રયની કથા છે તેમ તે કર્તવ્ય અને પ્રેમની પણ કથા છે. નવલકથામાં પ્રેમનું પ્રતીક ફેન્ટાઈન અને તેની દીકરી કૉસેટ છે તો કર્તવ્યનું પ્રતીક પોલીસ ઈન્સ્પેકટર જાવર્ટ છે. ફેન્ટાઈન કાચી ઉંમરે પ્રેમ કરી બેસે છે અને એનો બેવફા પ્રેમી એને સગર્ભા બનાવી ભાગી જાય છે. ફેન્ટાઈનના જીવનના એ અંતિમો લેખકની કલમે આમ અવતર્યા છે. જુવાન ફેન્ટાઈનના રૂપ વિશે લેખક અદ્દભુત ઉપમા પ્રયોજે છે : તે સુંદર હતી, તેને માથે સુંદર વાળ હતા અને તેના દાંત ફૂટડા હતા. આમ સોનું અને મોતી એ બે વસ્તુઓ સ્ત્રીધન તરીકે તેની પાસે હતા : સોનું માથા પર હતું અને મોતી મોંમાં .. અને પછી? ફેન્ટાઈન દીકરીને જન્મ તો આપે છે પણ તેને સાથે રાખી શકતી નથી. પૈસાના લોભી, લુચ્ચા અને સ્વાર્થી એવા થેનારડિયરની વીશીમાં એ દીકરીને રાખે છે. થેનારડિયર ફેન્ટાઈનની મજબૂરી જાણીને વધુને વધુ છેતરે છે. પૈસે ટકે સાવ નિર્ધન બની ગયેલી ફેન્ટાઈન પાસે જ્યારે દીકરીને ઠંડીથી બચાવવા ફ્રોક માટે દસ ફ્રાંકની માંગણી આવે છે ત્યારે? ફેન્ટાઈન રાત પડે હજામની દુકાને ગઈ. ત્યાં જઈ તેણે માથાનો ચીપિયો ખેંચી લીધો. એટલે તેના ગૂછળાબંધ વાળ કેડ સુધી છૂટા પથરાઈ ગયા. ‘કેવા સુંદર વાળ!’ હજામ આભો થઈ બોલી ઊઠ્યો! ‘તું  મને આ વાળનું શું આપીશ? ‘ દસ ફ્રાંક’, ‘ચાલ, કાપી લે..” ફેન્ટાઈન વિચારતી હતી કે મારી બચ્ચી હવે જરા ય થથરશે નહીં. કારણ મેં મારા માથાના વાળથી તેને ઢાંકી છે. 

જીન વાલજીન નામપલટો, રૂપપલટો કરીને  લખપતિ અને મેયર બને છે અને શાંતિથી છુપાઈને જીવે છે. પણ પોલીસ ઈન્સ્પેકટર જાવર્ટ એનું નામ-મૂળ-કૂળ શોધી કાઢે છે. જાવર્ટ એક રીતે તો રાજ્ય પ્રત્યેની પોતાની ફરજ અને કર્તવ્ય બજાવે છે તો એ રાજ્યનું વિકૃત રૂપ પણ છે. કેમ કે જીન વાલજીન નામના ગુનેગારને ઝબ્બે કરવાની લાયમાં એ એના ગુનાના સાચા કારણની અને એના ભૂતકાળની પરવા કરતો નથી. અંતે જાવર્ટને જીન વાલજીન બચાવે છે અને તે મંથન કરતો કરતો આત્મહત્યા કરે છે. 

આ નવલકથામાં અપાર દુ:ખ અને દારિદ્રયનું વર્ણન છે પણ એનાં મૂળ કે ઉકેલ વિશેનો લેખકનો દૃષ્ટિકોણ અલગ છે. હ્યૂગોના સમકાલીન કાર્લ માર્ક્સે (૧૮૧૮-૧૮૮૩) શોષિતોના દુ:ખનું મૂળ શોધ્યું છે, પણ હ્યૂગો આ બાબતે સાવ સામા છેડાનું વિચારે છે. હા, નવલકથામાં ફ્રાન્સના ક્રાંતિકારીઓના એ.બી.સી. મિત્ર મંડળ અંગેનું પ્રકરણ-૪૪ જરૂર છે. જેમાં વિવિધ ક્રાંતિકારી લોકોનો સરસ પરિચય લેખક કરાવે છે.

પરંતુ આ નવલકથાનો પ્રધાનસૂર તો “માનવ હ્રદયની મંગલશક્તિ સત્ય ધર્મપાલન” જ છે. એ આજે આટલાં વરસે જરૂર ખટકે છે. આ નવલકથા પ્રગટ થઈ ત્યારે પણ લેખકના આવા અભિગમનો વિરોધ અને વિવાદ થયાં હતાં. આજે જ્યારે રાજ્ય, ધર્મ અને મૂડી વિશે નવેસરથી વિચારવાની જરૂર છે, ત્યારે વિકટર હ્યૂગોની નવલકથાનો આ સૂર વિચારણા માંગી લે છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

‘પંચ’ના પાંચ અવતાર 

દીપક મહેતા|Opinion - Literature|4 March 2026

ગ્રંથયાત્રા – 26

નોંધ: આજે ‘ગ્રંથ’ને બદલે ૧૯મી સદીનાં કેટલાંક ‘ચોપાનિયાં’ વિષે થોડી વાત

આ વાત છે, ૧૯મી સદીની એક મુસાફરીની. ના, જી. કોઈ માણસની મુસાફરીની નહિ, પણ એક મેગેઝીન કહેતાં સામયિકની મુસાફરીની. અથવા ૧૯મી સદીમાં મેગેઝીન માટે ગુજરાતીમાં વપરાતો શબ્દ વાપરીને કહીએ તો એક ચોપાનિયાની મુસાફરીની આ વાત છે. માત્ર પચીસ પાઉન્ડની મૂડીથી એ મેગેઝીનની શરૂઆત થઈ હતી. પણ પૂરાં ૧૬૧ વર્ષ સુધી એ પ્રગટ થતું રહ્યું. એટલું જ નહિ, એનું નામ બ્રિટન બહાર, યુરોપ બહાર, આખી દુનિયામાં જાણીતું થયું. દુનિયાના કેટલાયે દેશોમાં, કેટલીયે ભાષાઓમાં એના અનુકરણ રૂપે, અથવા તો આજની રીતે કહીએ તો એમાંથી ‘પ્રેરણા લઈને’ મેગેઝીન શરૂ થયાં. વિક્ટોરિયન યુગના બ્રિટનમાં કઠપૂતળીના ખેલો લોકપ્રિય હતા. એ ખેલોમાંના એક જાણીતા પાત્રના નામ ઉપરથી એ મેગેઝીનનું નામ રખાયું ‘પંચ.’ તો પંચ નામના પીણામાં જેમ જુદાં જુદાં પીણાંનું મિશ્રણ હોય છે તેમ અહીં પણ રાજકારણ, હાસ્ય-કટાક્ષ, અને કાર્ટૂનનું અફલાતૂન મિશ્રણ થતું. થેકરે અને પી.જી. વૂડહાઉસ જેવા વિખ્યાત હાસ્યકારોનાં લખાણો પણ તેમાં પ્રગટ થતાં. પણ બહોળો ફેલાવો મળ્યો તે તો તેમાં છપાતાં કાર્ટૂનને પ્રતાપે. વર્ષો સુધી ‘પંચ’ અને ‘કાર્ટૂન’ એ બે શબ્દો એકબીજાના પર્યાય બનીને રહ્યા. પહેલો અંક ૧૮૪૧ના જુલાઈની ૧૭મી તારીખે પ્રગટ થયો. વખત જતાં ‘પંચ’ બ્રિટનની એક રાષ્ટ્રીય સંસ્થા જેવું બની રહ્યું. 

ઓગણીસમી સદીના હિન્દુસ્તાનમાં ઘણી વસ્તુઓ બ્રિટનની વસ્તુઓના અનુકરણ રૂપે શરૂ થઈ. પહેલું દેશી ‘પંચ’ ૧૮૫૯ના જૂનની ૧૩મી તારીખે શરૂ થયું. દિલ્હીથી પ્રગટ થતા આ મેગેઝીનનું નામ હતું ‘ધ ઇન્ડિયન પંચ.’ એ પ્રગટ થયું અંગ્રેજીમાં. એનું છાપકામ પણ જરા આગવી રીતે થતું. તેમાંનું લખાણ મૂવેબલ ટાઈપ વાપરીને છપાતું, જ્યારે ચિત્રો, કાર્ટૂન શિલાછાપથી છપાતાં. 

સજ્જાદ હુસેન કાકોરવી

ઇન્ડિયન પંચ પછી લખનૌથી ઊર્દૂમાં ‘અવધ પંચ’ શરૂ થયું. ૧૮૫૬માં જન્મેલા મુનશી મહમ્મદ સજ્જાદ હુસેને એ શરૂ કરેલું. તેનો પહેલો અંક ૧૮૭૭ના જાન્યુઆરીની ૧૬મીએ પ્રગટ થયો. ‘શૌક’ અને ‘વઝીરઅલી’ નામના બે ચિત્રકારો તેને માટે કાર્ટૂન તૈયાર કરતા. ‘શૌક’ના ઉપનામથી કાર્ટૂન તૈયાર કરનાર હકીકતમાં ગંગાસહાય નામનો એક હિંદુ ચિત્રકાર હતો. છેક ૧૯૩૬ સુધી તે ચાલુ રહ્યું હતું. ‘અવધપંચ’ના અનુકરણમાં લાહોરથી ‘દિલ્હી પંચ’ અને ‘પંજાબ પંચ’ નામનાં બે મેગેઝીન શરૂ થયાં. 

પારસી પંચ

પછી ‘પંચ’ આવ્યું ઉત્તર હિન્દુસ્તાનથી પશ્ચિમ હિન્દુસ્તાન. અંગ્રેજોનાં ભાષા, શિક્ષણ, રીતરિવાજ, રહેણીકરણી, વગેરે અપનાવવામાં પારસીઓ અગ્રેસર હતા. દાદાભાઈ અરદેશર શોહરી નામના એક પારસી સજ્જને ૧૮૫૪ના જાન્યુઆરીની પહેલી તારીખથી ‘પારસી પંચ’ નામનું અઠવાડિક શરૂ કર્યું. બરજોરજી નવરોજી તેના તંત્રી હતા. પહેલા અંકમાં ‘આ ચોપાનિયું કાઢવાની મતલબ’ નામના તંત્રીલેખમાં જણાવ્યું હતું : “જેઓ પોતાની જાહેર ફરજો બરાબર અદા નાહી કરશે તેઓના શોંગ કાઢી ચીતારેઆમાં આવશે કે તેઓની હશી થાએઆથી બીજાઓ કશુર ભરેલાં તથા નાલાએક કામો કરવાને આચકો ખાએ.” (અવતરણ ચિહ્નો વચ્ચે બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે.) શરૂઆતમાં ડેમી ક્વોર્ટો સાઈઝનાં આઠ પાનાંનો અંક આવતો. વાર્ષિક લવાજમ ૬ રૂપિયા. દરેક કાર્ટૂનની નીચે (અને ઘણાં કાર્ટૂનની અંદર પણ) અંગ્રેજી અને ગુજરાતી, એમ બે ભાષામાં લખાણ મૂકાતું. પણ તેની એક ખાસિયત એ હતી કે એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરીને તે લખાણ મૂકાતું નહિ, પણ બંને ભાષાનું લખાણ સ્વતંત્ર રીતે તૈયાર થતું. એકંદરે ગુજરાતી લખાણ વધુ સચોટ લાગે તેવું રહેતું. માત્ર દસ મહિના ચાલ્યા પછી આ અઠવાડિક બંધ પડ્યું. પણ પછી ૧૮૫૭ની શરૂઆતથી નાનાભાઈ પેશતનજી રાણાએ અસલ નામ કાયમ રાખી તે ફરી શરૂ કર્યું. તે વખતે દાદાભાઈ એદલજી પોચખાનાવાલા અને નાનાભાઈ તેના જોડિયા અધિપતિ (તંત્રી) બન્યા. પણ તેમણે પણ માંડ એક વર્ષ સુધી તે ચલાવ્યું. ૧૮૫૮થી યુનિયન પ્રેસના સ્થાપક-માલિક નાનાભાઈ રૂસ્તમજી રાણીના અને તેમના ખાસ મિત્ર અરદેશર ફરામજી મૂસે તે ખરીદી લીધું. પણ એ જ વર્ષના જુલાઈની છઠ્ઠી તારીખે તે બંનેએ એ ચોપાનિયું મનચેરશા બેજનજી મેહરહોમજીના અને ખરશેદજી શોરાબજી ચાનદારૂને વેચી નાખ્યું. અને તેમણે એ જ વર્ષના નવેમ્બરની પહેલી તારીખે પચીસ વર્ષના એક યુવાન, નામે નશરવાનજી દોરાબજી આપઅખત્યારને વેચી દીધું. 

પાંચેક વર્ષના ગાળામાં આટલી ઝડપથી માલિકો બદલાયા તે ઉપરથી એવું અનુમાન થઈ શકે કે ખરીદનારાઓમાંથી કોઈ ‘પારસી પંચ’ને સફળતાપૂર્વક ચલાવી શક્યું નહિ હોય. કારણ કમાઉ ચોપાનિયાને કોઈ વેચે નહિ. પણ આ બધા જે ન કરી શક્યા તે નશરવાનજી દોરાબજી આપઅખત્યાર કરી શક્યા. ૧૮૭૮ના જૂનની ૨૦મી તારીખે ૪૫ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું ત્યાં સુધી તેમણે ‘પારસી પંચ’ સફળતાથી ચલાવ્યું, એટલું જ નહિ તેને એક ગણનાપાત્ર સામયિક બનાવ્યું. આ નશરવાનજીની મૂળ અટક તો હતી ‘દાવર.’ પણ માત્ર ૨૧ વર્ષની ઉંમરે ૧૮૫૪ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખથી તેમણે ‘આપઅખત્યાર’ નામનું દર બુધવારે પ્રગટ થતું ચોપાનિયું શરૂ કર્યું, અને થોડા વખત પછી તેમણે ‘આપઅખત્યાર’ને પોતાની અટક બનાવી દીધી. તેમણે ૧૮૬૫ સુધી ‘આપઅખત્યાર’ ચલાવ્યું, અને પછી ૧૮૬૬ના પહેલા દિવસથી તેને ‘પારસી પંચ’ સાથે જોડી દીધું. નશરવાનજીના અવસાન પછી ૧૮૮૮માં નામ બદલાઈને ‘હિંદી પંચ’ થયું. નશરવાનજીના અવસાન પછી તેમના દીકરા બરજોરજી આપઅખત્યારે તે હાથમાં લીધુ ત્યારે તેમની ઉંમર પણ ૨૧ વર્ષની હતી. ૧૯૩૧ના ઓગસ્ટની છઠ્ઠી તારીખે ૭૪ વર્ષની ઉંમરે બરજોરજીનું અવસાન થયું ત્યાં સુધી તેઓ ‘હિન્દી પંચ’ના માલિક અને અધિપતિ રહ્યા. બરજોરજી વિષે ‘પારસી પ્રકાશ’ લખે છે: “જાહેર સવાલો ઉપરની એમની રમૂજ, એમનામાં સમાયેલી ઊંચી કુદરતી બક્ષેસ અને ઓરીજીનાલીટીનો ખ્યાલ આપતી હતે.”  શરૂઆતમાં ઘણાં વરસ રૂખ અંગ્રેજ-તરફી વધુ રહી હતી. પણ વખત જતાં તે ‘દેશી’ઓ પ્રત્યે કૂણું વલણ ધરાવતું થયું. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ચલાવેલી રંગભેદ વિરોધી ચળવળને વ્યંગ ચિત્રો દ્વારા તેણે સબળ ટેકો આપેલો. તેમાં દર અઠવાડિયે કોઈને કોઈ રાજકીય નેતાનું કાર્ટૂન પ્રગટ થતું. દાદાભાઈ નવરોજી, મહાદેવ ગોવિન્દ રાનડે, બદરુદ્દીન તૈયબજી, ફિરોજશાહ મહેતા, નારાયણ ગણેશ ચંદાવરકર વગેરે નેતાઓનાં કાર્ટૂન તેમાં પ્રગટ થયેલાં. તેમાંનાં કાર્ટૂનો તરફ બ્રિટન અને યુરોપના લોકોનું પણ ધ્યાન ગયેલું. વિલ્યમ ટી. સ્ટીડે તેમના ‘રિવ્યુ ઓફ રિવ્યૂઝ’ માસિકના અંકોમાં ‘હિંદી પંચ’માંનાં ઘણાં કાર્ટૂન પુનર્મુદ્રિત કરેલાં. બીજી એક નોંધપાત્ર વાત એ છે કે ‘હિંદી પંચ’નો મુખ્ય ચિત્રકાર ગુજરાતીભાષી પારસી કે હિંદુ નહોતો, પણ મરાઠીભાષી હતો. બાજીરાવ રાઘોબા ઝાઝું ભણ્યો નહોતો કે નહોતી તેણે ચિત્રકલાની તાલીમ લીધી. પહેલાં તે હસ્તપ્રતોમાં ચિત્રો દોરતો. પછી કાર્ટૂન દોરતો થયો. અસલ લંડનના પંચના કાર્ટુનિસ્ટ ટેનિયલે તેનાં કાર્ટૂન જોયા પછી કહ્યું હતું કે ‘આ માણસ તો મુંબઈનો ટેનિયલ છે.’ બાજીરાવ પછી તેના જ એક કુટુંબીજન કૃષ્ણાજી બળવંત યાદવ ‘હિન્દી પંચ’માં કાર્ટૂનિસ્ટ તરીકે જોડાયા, અને ૧૯૩૧માં તે બંધ પડ્યું ત્યાં સુધી તેમાં કામ કરતા રહ્યા.

પારસી પંચ(પાછળથી હિન્દી પંચ)માંથી પ્રેરણા લઈને મરાઠીમાં ‘હિંદુ પંચ’ મુંબઈ નજીકના ઠાણેથી શરૂ થયું. ઠાણેથી નીકળતા ‘અરુણોદય’ની હરીફાઈમાં ગોપાલ ગોવિન્દ દાબક નામના પત્રકારે પહેલાં ‘સૂર્યોદય’ નામનું ચોપાનિયું કાઢ્યું. ત્યાર બાદ ૧૮૭૨ના માર્ચની ૨૧મી તારીખે તેમણે ‘હિંદુ પંચ’ શરૂ કર્યું. એ પણ તેમના સૂર્યોદય છાપખાનામાં છપાતું. તેનું વાર્ષિક લવાજમ ત્રણ રૂપિયા દસ આના હતું. લોકહિતવાદી ગોપાળ હરિ દેશમુખ તેમાં નિયમિતપણે લખતા. વામન બાળકૃષ્ણ રાનડે દાબકેના સહાયક હતા. ઘડપણને કારણે દાબકેએ ૧૮૯૨માં ‘હિંદુ પંચ’ ગણેશ કૃષ્ણ શહાણે અને આપાજી ગોપાળ ગુપ્તેને વેચી દીધું અને પોતાના વતન પેણમાં રહેવા ચાલ્યા ગયા. ૧૯૦૪ સુધી શહાણે અને ગુપ્તેએ એ ચલાવ્યા પછી પોતાના હરીફ ‘અરુણોદય’ના માલિક ફડકેને વેચી દીધું. પણ ૧૯૦૯માં ‘હિંદુ પંચ’ અને ફડકે બેવડી મુશ્કેલીમાં સપડાયા. ૧૯૦૮માં લોકમાન્ય ટીળકને છ વર્ષની જેલની સજા થઈ ત્યારે ફડકેએ એ ચુકાદાની અને સરકારની આકરી ટીકા કરી. સાથોસાથ આ સજા માટે ગોપાલ કૃષ્ણ ગોખલે જવાબદાર છે એવો આક્ષેપ પણ છાપ્યો. ગોખલેએ તે અંગે બદનક્ષીનો દાવો માંડ્યો. કોર્ટે ફડકેને પાંચ રૂપિયાનો દંડ કર્યો અને ગોખલેને દાવા અંગે થયેલો ખર્ચ પણ ભરપાઈ કરવા જણાવ્યું. બીજી બાજુ સરકારે હિંદુ પંચનું છાપખાનું જપ્ત કર્યું. ‘અરુણોદય’ સામયિક સામેના બીજા એક ખટલામાં પણ ફડકેને સજા થઈ, અને અરુણોદય તથા હિંદુ પંચ બંધ થયાં. ફડકેની આવી માઠી દશા જોઈ ગોખલેને પારાવાર દુઃખ થયું અને ફડકેને બોલાવી તેમને આર્થિક મદદ કરી! એટલું જ નહિ, ૧૯૧૫માં ગોખલેનું મૃત્યુ થયું ત્યાં સુધી તેઓ ફડકેને અવારનવાર મદદ કરતા રહ્યા. 

લંડનનું ‘પંચ’ ૧૫૦ વર્ષ સુધી પ્રગટ થયા પછી સતત ઘટતા જતા વેચાણને કારણે ૧૯૯૨માં છપાતું બંધ થયું. ૧૯૯૬માં તેને ફરી બેઠું કરવાનો પ્રયત્ન થયો પણ તેને ઝાઝી સફળતા મળી નહિ. પછી તેનો ડિજિટલ અવતાર શરૂ થયો, પણ અગાઉ જેવી જાહોજલાલી તેને જોવા મળી નથી. પણ હજી આજે ય અંગ્રેજીભાષીઓ અસલ ‘પંચ’ને ભૂલ્યા નથી. આપણે ‘પારસી પંચ’ અને ‘હિન્દી પંચ’ જેવા તેના અવતારોને સદંતર ભૂલી ગયા છીએ.

XXX XXX XXX

04 માર્ચ 2026
e.mail : deepakbmehta@gmail.com

Loading

...10...12131415...203040...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved