Opinion Magazine
Number of visits: 9458442
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”, “એકાન્તનાં સૉ વર્ષ”, સાર-સંક્ષેપ (૭)

સુમન શાહ|Opinion - Literature|2 September 2022

એક વાર માર્ક્વેઝે સરસ કહેલું : છેવટે તો પુસ્તકો મિત્રો માટે લખાતાં હોય છે. પણ “વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ” લખ્યા પછી મને એક પ્રશ્ન થયો છે – મારા લાખો વાચકોમાંથી મેં કોના માટે લખ્યું, નથી જાણતો. એથી હું પરેશાન છું, અવરોધ અનુભવું છું. એવું થાય છે, લાખો આંખો મને જોઈ રહી છે પણ મને ખબર પડતી નથી કે તેઓ શું મારા માટે શું વિચારે છે.

પ્રકરણ : ૭ :

(૧૮ પેજ છે. કુળપૂર્વજ હોસેના મૃત્યુનું અને તે પછીના પીળાં પુષ્પોના વરસાદનું આકર્ષક આલેખન છે.)

મે-માં યુદ્ધ પૂરું થયું. એના બે અઠવાડિયાં પર સરકારે ઘોષણા કરેલી, સાફ સાફ જણાવેલું કે બળવો શરૂ કરનારા એકોએકની ખૅર નથી, આકરામાં આકરી સજા કરવામાં આવશે. એટલે, કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા છદ્મ વેશે પશ્ચિમી સરહદે પ્હૉંચવામાં હતો પણ એને જેલ થઇ. એની સાથે યુદ્ધમાં ૨૧ જણા જોડાયેલા, એમાંના ૧૪ લડતાંલડતાં મર્યા’તા, ૬ ઘવાયા’તા, અને હારના અન્તિમ તબક્કા સુધી એક બિલકુલ એની સાથે રહેલો – તે હતો, કર્નલ જેરિનાલ્ડો માર્કવેઝ.

કર્નલની ધરપકડના સમાચાર માકોન્ડોમાં બરાબર થાય એ માટે અલાયદી વિશિષ્ટ ઘોષણા કરવામાં આવેલી.

‘અરે અરે એ જીવે છે’, ઉર્સુલા એના પતિને કહેવા લાગી. ‘પ્રભુને પ્રાર્થના કરીએ કે એના દુશ્મનો એની પર દયા કરે.’ ઉર્સુલા ત્રણ દિવસ લગી રડી. એક બપોરે કિચનમાં કૅન્ડિ માટેનું ગળ્યું દૂધ હલાવતી’તી, ત્યારે કાનમાં એણે દીકરાનો અવાજ સાવ ચોખ્ખો સાંભળ્યો. ‘એ ઔરેલિયાનો છે ઔરેલિયાનો છે’ એ બૂમ પાડીને દોડતી દોડતી પતિને સમાચાર આપવા ચેસ્ટનટની દિશામાં ગઈ. કહેવા લાગી, ‘મને સમજાતું નથી કે શો ય ચમત્કાર થયો, પણ એ જીવે છે, ટૂંક સમયમાં જ આપણે એને મળવાનાં.’

ઉર્સુલાએ એમ બધું સાચું માની લીધેલું. ઘરની બધી ફ્લોર ઘસીકરીને ચકચકાટ કરી દીધેલી, ફર્નિચરને આમથી તેમ નવી રીતે ગોઠવી નાખેલું. પરન્તુ અઠવાડિયા પછી ઊડતી ઊડતી વાત આવી કે કર્નલને ‘ફાયરિન્ગ સ્ક્વૉડ’ વડે મૉતની સજા ફરમાવાઈ છે, સજા માકોન્ડોમાં જ થશે, લોકોને પાઠ ભણવવામાં આવશે. ઉર્સુલાની ધારણા ઊંધી પડેલી.

પરન્તુ, તેમછતાં, છેક છેલ્લી ઘડીએ કર્નલને એના ભાઈ હોસે આર્કાદિયોએ બચાવી લીધો. અને મુક્ત થતાંની વારમાં કર્નલે બળવાનો શુભારમ્ભ પણ કરી દીધો. એ બળવો તે એની લશ્કરી કારકિર્દી દરમ્યાનના ૩૨-માંનો એક.

કર્નલને નાની-મોટી સફળતા-નિષ્ફળતાઓ મળ્યા કરી. પણ બન્યું એમ કે લિબરલ પાર્ટીના અમલદારોએ એનો છૂટો કર્યો.

જો કે લડાઈઓથી એ હવે થાક્યો’તો. એને એમ પણ થયું’તું કે પોતે અભિમાન કે ગર્વ ખાતર લડેલો, કશી આઈડિયોલૉજિ  કે વિચારધારા માટે નહીં. એની નિર્ભ્રાન્તિ એને કાવ્યો લખવા કહે છે. અને એ રેમેડિયોસ સાથેના સંવનનકાળમાં કરતો’તો એવાં કાવ્યો કરવા માંડે છે.

ઔરેલિયાનોની લડાઇઓ ચાલુ હતી એ અરસામાં સાન્તા સોફિયા દ લા પિયાદાદે મૃત પતિ આર્કાદિયોનાં બે જોડિયાં બાળકોને જન્મ આપેલો. એકનું નામ, હોસે આર્કાદિયો સેગુન્દો અને બીજાનું, ઔરેલિયાનો સેગુન્દો રાખેલું.

પણ બ્નેન્દ્યા પરિવારની એ સુખદ ઘટના ઝાઝું ટકી નહીં. કરુણતાઓ વધ્યા જ કરી : કોઇ અકળ કારણે હોસે આર્કાદિયોનું મરણ થયું; ખૂન થયું હોય કે પછી એણે આપઘાત કર્યો હોય : એની પત્ની રેબેકા એકલતામાં ચાલી ગઇ ને જીવનભર વ્યથામાં સબડતી રહી. ઔરેલિયાનો બીજી વાર યુદ્ધમાં ગયો ત્યારે કર્નલ જેરિનાલ્ડો માર્ક્વેઝને ગામ સૉંપીને ગયેલો. એ માર્ક્વેઝને એકાકી જીવન ગુજારતી અમરન્તા સાથે પ્રેમ થઈ ગયો, લાંબા સમય લગી ઝૂરતો રહ્યો, પણ છેલ્લે અમરન્તાએ એના એ હાલ કર્યા જે પિએત્રો ક્રેસ્પીના કરેલા – તિરસ્કાર્યો અને કાયમ માટે ફગાવી દીધો : અને અધૂરામાં પૂરું, ચેસ્ટનટ સાથે બંધાઈને વરસો લગી એકલવાયું જીવતા કુળપૂર્વજ હોસે આર્કાદિયો બ્વેન્દ્યાનું મૃત્યુ થયું.

એના મૃત્યુ પૂર્વેની ઘટનાઓ સ્મરણીય છે. વાત એમ બનેલી કે યુદ્ધમાં ગયા બાદ કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા માકોન્ડોમાં વહીવટ કેમ ચાલે છે તેનો દર બે અઠવાડિયે હિસાબ લેતો’તો. આઠેક મહિના વીત્યા હશે, એણે ઉર્સુલાને સંદેશો લખી મોકલ્યો. ખેપિયો લાવેલો એ કવર સીલ્ડ હતું. ઉર્સુલાએ ખોલ્યું. સફેદ કાગળ પર ઔરેલિયાનોએ પોતાના હસ્તાક્ષરમાં માત્ર આટલું લખેલું : પાપાની થાય એટલી કાળજી કરજો, કેમ કે એમનું મૃત્યુ થવાનું છે : ઉર્સુલાને બેસી ગયું. એ બોલી કે, ‘ઔરેલિયાનો ક્હૅ છે, એનો મતલબ કે જાણીને ક્હૅ છે’.

ઉર્સુલા ચેતી ગઈ. ‘ચાલો’ કરીને માણસો લઈ ગઈ અને એ લોકોને હામ આપતી હોસે આર્કાદિયો બ્વેન્દ્યાને ઘરે લઈ આવી. હોસે પહેલાં જેટલો વજનદાર ન્હૉતો રહ્યો, પણ ચેસ્ટનટ વૃક્ષ નીચે લાંઆબા સમય લગી બંધાયેલા રહેવાને કારણે એને એક એવી સિદ્ધિ હાંસલ થયેલી, જેના પ્રતાપે એ પોતાનું વજન મરજી પડે એટલું વધારી શકતો’તો ! એટલે સુધી કે એને સાત સાત માણસો પણ ઊંચકી શકેલા નહીં; જોરથી ઘસડીને બેડ પર લેવો પડેલો.

તાજાં કૂણાં મશરૂમની સુગન્ધથી અને ફૂગથી શોભિતાં કાષ્ઠ-પુષ્પોથી જૂનાં પણ ધ્યાન દઈને સજાવાયેલાં બારણાંઓએ બેડરૂમના વાતાવરણને મઘમઘાટ કરી મેલેલું. કેમ કે તાપ અને વરસાદથી નંખાઈ ગયેલો પ્રચણ્ડ વૃદ્ધ એમાં શ્વાસ લેવાનો’તો.

પરન્તુ બીજી સવારે એ પથારીમાં ન્હૉતો. શક્તિ ઓછી ન્હૉતી પણ હોસેથી કશો પ્રતિકાર થાય એમ પણ હતું નહીં. એને મન બધું સરખું હતું. એ ચેસ્ટનટે પાછો જતો રહ્યો તે મરજીથી નહીં, પણ શરીરને વૃક્ષની ટેવ પડી ગયેલી એટલે.

ઉર્સુલા એનું ધ્યાન રાખવા લાગી, ખવરાવે-પીવરાવે, ઔરેલિયાનોના સમાચાર આપે, વગેરે. પરન્તુ હોસે આર્કાદિયો બ્વેન્દ્યા ખરેખર જેના સમ્પર્કમાં રહી શકે, તે તો હતો, જેને લાંબા સમયથી મળાયું ન્હૉતું, તે પ્રુદેન્સિયો આગિલાર. (પૂર્વાશ્રમમાં હોસેએ એની હત્યા કરેલી તે આગિલાર. સંભવ છે કે આગિલાર એને સાક્ષાત્ થતો હોય કે આભાસ રૂપે મળતો હોય). જો કે હોસે સાવ ખખડી ગયેલો.

આગિલાર દિવસમાં બે વાર આવતો, વાતો કરવા. બન્ને જણા કૂકડાઓની લડાઇઓ યાદ કરતા, બન્નેએ એકમેકને વચન આપ્યું કે મજાનાં પક્ષીઓ માટે આપણે ફાર્મ બનાવશું. પરાક્રમોની વાતો નહીં કરીએ. આમે ય એમને એની જરૂર ક્યાં હતી? કંટાળો આપતા મૃત્યુશીલ રવિવારોએ એ બન્ને બીજું કરે પણ શું?

પછી તો આગિલાર જ એનું ધ્યાન રાખતો’તો; ખવરાવે-પીવરાવે, ઔરેલિયાનોની વારતા કરે – એવી રીતે જાણે ઔરેલિયાનો નામનો કોઈ હતો ને યુદ્ધમાં એ કર્નલ હતો.

પણ હોસે એકલો હોય ત્યારે એને અનન્ત ઓરડાઓનું દૃશ્ય દેખાતું, એને સારું લાગતું. પોતે સપનામાં હોય એમ પથારીમાંથી બેઠો થઈ જાય, બારણું ખોલે, અને એકસરખા રૂમોમાં દાખલ થાય. બેડ એ જ હોય રૉટ-આયર્નના હેડવાળો, એ જ ‘વિકાર ચૅર’, અને પાછળની દીવાલે લટકતું એ જ ‘વર્જિન ઑફ હૅલ્પ’નું ‘આશા કુંવરીનું’ નાનકડું ચિત્ર. એ રૂમથી બારણું ખૂલે બિલકુલ એ રૂમ જેવા જ બીજા રૂમનું, એમાં પ્રવેશે, એ બીજા રૂમથી એવા જ બીજા રૂમમાં, ને એ પછી પણ બીજા એવા જ રૂમમાં, અને એમ અનન્તમાં. હોસેને એક રૂમમાંથી બીજા રૂમમાં પ્રવેશવું ગમતું’તું. એટલે સુધી કે સમાન્તર દર્પણોની ગૅલેરીએથી આગિલાર એના ખભે અડે નહીં, ત્યાં લગી.

એટલે પછી હોસે પોતાના માર્ગેથી પાછા પગે એક રૂમથી બીજા રૂમે જતો; ને આગિલાર એને વાસ્તવિક રૂમમાં મળી જતો. પણ એક રાત્રિએ, હોસેને બેડમાં લાવેલા એનાં બે અઠવાડિયાં પછી, આગિલાર એક વચગાળાના રૂમે એના ખભે અડ્યો અને એ રૂમને વાસ્તવિક સમજી હમ્મેશને માટે ત્યાંનો ત્યાં જ ખોડાઈ ગયો.

બીજી સવારે ઉર્સુલા હોસે માટે નાસ્તો લઈને નીકળતી’તી, ત્યાં એણે એક પુરુષને હૉલ ભણી આવતો જોયો. ખભા પ્હૉળા, બેઠી દડીનો, અને બાંધો મજબૂત. કાળા સૂટમાં હતો, હૅટ પણ કાળો મોટો હતો. હૅટને એણે પોતાની બેપરવાહ આંખો લગી નમાવી રાખેલો. ઉર્સુલાને થયું, અરે ! આ તો મેલ્કીઆદેસ છે ! પણ એ તો પેલી વિસિતાફ્યુમનો ભાઈ હતો ! ગામમાં અનિદ્રાનો રોગચાળો ફેલાયો ત્યારનો ગાયબ હતો, બાદમાં એના કોઈ સમાચાર હતા નહીં.

પછી એ લોકો હોસેના રૂમમાં ગયાં. હોસેને ઢંઢોળાય એટલો ઢંઢોળ્યો, એના કાનમાં જોરથી બોલી જોયું, એનાં નસકોરાં આગળ અરીસો ધર્યો, પણ તેઓ એને જગાડી શક્યાં નહીં.

Pic courtesy : Hayoun Seo

થોડા સમય પછી, સુથાર કૉફિનનું માપ લેતો’તો એ ટાણે એ લોકોએ બારીએથી જોયું કે નાનાં પીળાં પુષ્પો વરસી રહ્યાં છે. આખી રાત એ પુષ્પો ગામમાં વરસતાં રહ્યાં. એ એ શાન્ત હળવો વંટોળ હતો. એ બૂસકાંથી છાપરાં છવાઈ ગયાં. બારણાં સજ્જડ થઈ ગયાં. બહાર પ્રાણીઓને ગૂંગળામણો થઈ. 

આકાશેથી એટલાં બધાં પુષ્પ વરસેલાં કે સવારે શેરીઓમાં એની ઘાટી બિછાતો થઈ ગયેલી. બધું પાવડા-સાવરણાથી ચોખ્ખું કરવું પડેલું – જેથી સ્મશાનયાત્રા પસાર થઈ શકે.

(September 2, 2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ટ્વિન ટાવર તૂટયા એટલે ભ્રષ્ટાચારથી છૂટયા એવું નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|2 September 2022

હાલની કિંમત ગણીએ તો 800 કરોડની કિંમતના બે ટાવર ઉત્તર પ્રદેશના નોઈડામાં તૂટયા ને ભ્રષ્ટાચાર ધ્વસ્ત થયો હોય તેમ આખો દેશ રાજી રાજી થઈ ઊઠ્યો. ક્યાંક તો તાળીઓ પણ પડી. આમ પણ આપણને તાળીઓ પાડવાનો કે થાળીઓ વગાડવાનો કે દીવાઓ પ્રગટાવવાનો કંટાળો આવતો નથી, એટલે ટાવર તૂટે કે પાવર, આપણને તાબોટા ફોડવાનો વાંધો નથી આવતો. આપણને સરકાર ભ્રષ્ટાચાર મુક્ત જોઈએ છે, પણ ભ્રષ્ટાચાર આપણાં લોહીમાં ઊતરી ગયો છે તેનો વાંધો નથી. આપણી બિલ્ડર લોબી ને સરકારી તંત્રોની મિલી ભગતથી ગેરકાયદે મકાનોનાં અનેક વરદાનો આપણને મળેલાં છે. ખરેખર જો કોઈ તટસ્થ તપાસ કરે તો ગેરકાયદે બિલ્ડિંગો એટલી ધ્વસ્ત કરવી પડે કે જમીન ઉઘાડી થવામાં ભાગ્યે જ કૈં બાકી રહે. સાચું તો એ છે કે કોઈ સરકાર ભ્રષ્ટાચાર મુક્ત આવી નથી ને કોઈ બિલ્ડર એવો પાક્યો નથી કે કાયદેસર બાંધકામનો પ્રજા મુક્ત આનંદ લઈ શકે.

નોઈડાના 93 એ સેક્ટરમાં 32/29 માળના સુપરટેક ટ્વિન ટાવર, 3,700 કિલો વિસ્ફોટકો, દરેક માળ પર લગાવીને તોડી પાડવામાં આવ્યા. આ ટાવર બાંધતાં 13 વર્ષ લાગ્યાં ને તેને તોડતાં કેવળ 12 સેકન્ડ જ થઈ. ‘વોટર ફોલ ઇમ્પલ્ઝન’ ટેકનિકથી દેશમાં પહેલીવાર કુતુબમિનાર કરતાં પણ ઊંચા, 100 મીટરી ટાવર ધ્વસ્ત થયા એ સાથે જ 3 કિલોમીટરની ત્રિજ્યામાં ધૂળનું સામ્રાજ્ય ફેલાયું. ટાવરો તોડતાં પહેલાં સુરક્ષાની દૃષ્ટિએ એમરાલ્ડ કોર્ટ અને આસપાસના ફ્લેટ ખાલી કરાવવામાં આવ્યા. પોલીસની મંજૂરી બાદ અઢી વાગે ટ્રીગર દબાવવામાં આવ્યું ને ધરતી ધ્રૂજી ઊઠી. ઉત્તર પ્રદેશની અખિલેશ સરકારના સમયમાં આ ટાવરો ઊભા કરવામાં ભ્રષ્ટાચાર થયાની વાત છે. સુપ્રીમ કોર્ટે ગયે વર્ષે આ ટાવરો ધ્વસ્ત કરવાનો આદેશ આપ્યો એ વાતે ઉત્તર પ્રદેશની યોગી સરકારને સમાજવાદી પાર્ટી તરફ ‘આંગળી ચીંધ્યાનું પુણ્ય’ મળી ગયું હોય તો નવાઈ નહીં. ટાવરો તૂટતાં 80 હજાર ટન કાટમાળ વેરાયો ને તેમાંથી 50 હજાર ટન કાટમાળ તો ત્યાં જ સમાવી લેવાશે અને 30 હજાર ટન કાટમાળ રિ-સાઈકલ થશે. એ સાથે જ એ વિસ્તારમાં ધૂળને કારણે જેમને શ્વાસની ને અન્ય તકલીફો થશે તે નફામાં. આ વેપલામાં ઇમારત બનાવનાર કંપની સુપરટેક લિમિટેડના ચેરમેને 500 કરોડની ખોટ ગઈ હોવાનું જણાવ્યું. વારુ, એ ટાવરો તોડવામાં તંત્રોને જે ખર્ચ થયો તે તો ખાતર પર દિવેલ જ ને ! ખોટું કરવામાં તો ખર્ચ થાય જ છે ને ખોટાનું ખરું કરાવવાનું પણ મફત નથી થતું. આ કાટમાળ ખસેડવામાં ત્રણેક મહિનાનો સમય લાગે એમ બને.

આમ તો સુપ્રીમ કોર્ટના આદેશથી ભ્રષ્ટાચારને નાથવાનો આ ઉપક્રમ પ્રશંસાને પાત્ર છે. બિલ્ડર લોબીને સાધારણ રીતે એવો વહેમ હોય છે કે તંત્રોને ફોડીને, વગથી કે અન્ય રીતથી અનેક ખોટાં કામ પૈસા વેરીને કરાવી શકાય છે. તેવાઓને આ ટાવર તોડ કામગીરી સણસણતો તમાચો છે, પણ સવાલ એ છે કે જે ખરેખર જવાબદાર છે ત્યાં સુધી કાયદાના હાથ પહોંચ્યા છે ખરા? ટાવરો તૂટયા, પણ તેને બાંધનારા અકબંધ છે. સુપરટેક્ની સામે ટ્વિન ટાવરના રહેવાસીઓ બાખડ્યા તો વાત આટલે સુધી પહોંચી, પણ જે જવાબદારો છે તેનું કાયદો શું બગાડી શકે એમ છે તે જોવાનું રહે. નોઇડાના સત્તાધીશો અને સુપરટેક વચ્ચેની સાંઠગાંઠ બતાવી સુપ્રીમે એ મેસેજ પણ આપ્યો છે કે ઘર લેનારને કૈં પણ પધરાવો તો તે લઈ લેશે એવા ભ્રમમાં રહેવા જેવું નથી. સુપ્રીમે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ફ્લેટની સંખ્યા વધારીને કોમન એરિયામાં ઘટાડો કરતી વખતે ફલેટના માલિકોની મંજૂરી મેળવવી જરૂરી હતી. સત્તાવાળાઓને લાંચ આપીને અને કાયદાની ઐસીતૈસી કરીને વર્તનારને પાઠ ભણાવવો જ પડે ને એનાં પરિણામ સ્વરૂપ ટ્વિન ટાવરો તોડી પાડવામાં આવ્યા. જેમણે ફ્લેટનું બુકિંગ કરાવ્યું છે તેમને તો પૂરી રકમ કંપની ચૂકવશે. પણ, આ ઘટનાથી સુપ્રીમ કોર્ટે એ વાત પર મત્તું માર્યું છે કે સત્તાધીશો લાંચ લે છે ને બિલ્ડરો કાયદા જોડે ઈચ્છા મુજબ છેડછાડ કરે જ છે. જો સુપ્રીમ આ વાત પ્રમાણિત કરતી હોય તો સરકારો ક્યાં સુધી ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન કર્યા કરશે? સરકારી તંત્રો સામે લાલ આંખ કરતાં સરકારો એટલે ડરે છે, કારણ તેની જ મથરાવટી મેલી છે? એટલું સ્પષ્ટ છે કે સુપરટેક કંપનીએ તંત્રોને ખટાવીને કામ કઢાવી લીધું છે. જો નામ ફોડીને કંપનીનું નામ જણાવાયું હોય તો તેણે કોને કોને રાજી કરીને કામ કઢાવ્યું તે અધિકારીઓના નામ કેમ જાહેર થતાં નથી? એમને કેમ છાવરવામાં આવ્યા છે? એમની સામે સરકારે ખાતાકીય અને કાનૂની પગલાં બિલકુલ નિર્મમ રીતે લેવાં જોઈએ. કયા અધિકારીઓએ ટાવર બાંધવાની મંજૂરી આપી ને એના બદલામાં એમણે શું મેળવ્યું? એવાઓને પાઠ ભણાવાયો નથી તે હકીકત છે ને એ દિશામાં કોણે પ્રવૃત્ત થવાનું છે તે કહેવાની જરૂર છે? જે હરામની કમાણીમાંથી સત્તાધીશોએ પોતાનાં મકાનો બાંધ્યાં છે તે કાયદેસર છે? એ એટલે કાયદેસર હોઈ શકે કે તેને મંજૂર કરનાર પણ એ જ સાહેબો હોય ! એ જો કાયદેસર છે તો ટ્વિન ટાવર કાયદેસર કેમ નથી? બંને ગેરકાયદે હોય ને તેમાંથી જો ટ્વિન ટાવરનો ભૂકો કરી નખાતો હોય તો સત્તાધીશને સળિયા પાછળ કેમ ધકેલાતો નથી? એમાં થયું છે એવું કે એસ.આઈ.ટી.એ કોર્ટના કહેવાથી 26 અધિકારીઓને દોષી ઠેરવ્યા છે, પણ તેમાંથી 20 નિવૃત્ત છે ને બેનાં મૃત્યુ થયા છે, તો ચાર સસ્પેન્ડ છે. એ જે હોય તે, પણ જે પણ હયાત છે તેમની સામે કડક રીતે કાનૂની કાર્યવાહીનો પ્રારંભ થવો જ જોઈએ.

વાત ટ્વિન ટાવરની જ નથી. તેને તો ગેરકાયદે હોવાથી જમીનદોસ્ત કરવા પડ્યા, પણ કેટલાં ય એવાં બિલ્ડિંગો દરેક શહેરમાં ઊભાં થાય છે જેને આંગળી અડાડો તો ખરવાં માંડે. વળી એ ગેરકાયદે પણ નથી, પણ જેમ તેમ જીવ બચાવતાં ઊભાં છે. સુરતની જ વાત કરીએ તો અઠવા લાઇન્સનું સરગમ શોપિંગ સેન્ટર ત્રીસેક વર્ષનું પણ નહીં થયું હોય ને તેને ઉતારી લેવાની નોબત આવી. એવી તો નવયુગ કોલેજની સામેની બિલ્ડિંગો કે અન્ય વિસ્તારની ઇમારતો જોતાં ખ્યાલ આવશે કે તે ના છૂટકે ઊભી છે. સાધારણ માણસ પોતાનાં ઘરનું સપનું જોતો હોય છે ને તેને પૂરું કરવા ચાલુ નોકરીએ રાતદિવસ એક કરતો હોય છે. તેની પાસે પૈસા ન હોય તો વ્યાજે લોન લેતો હોય છે. કોઈ હાઉસિંગ સોસાયટીમાં જોડાતો હોય છે ને ફ્લેટ બુક કરાવતો હોય છે. તેને સહજ ઈચ્છા એવી હોય છે કે એ ફ્લેટમાં એના પછી પણ, તેનો પરિવાર આરામથી રહી શકે, ત્યાં ખબર પડે કે તેની ઇમારત કાચી છે ને થોડાં વર્ષમાં જ ઉતારી લેવી પડે એમ છે તો પેલો સાધારણ માણસ તો કમોતે જ મરવા પડે કે બીજું કૈં? સાધારણ માણસ કૈં વર્ષે વર્ષે ઘર બંધાવતો નથી. તેની તેવી ઈચ્છા હોય તો પણ તે બંધાવી શકે એમ જ નથી, કારણ તેની આર્થિક સ્થિતિ જ અનેક પ્રકારની નાની મોટી લોન પર નિર્ભર હોય ત્યાં તેને બીજું મકાન કરવાનું પરવડે જ કેવી રીતે? આવી સ્થિતિમાં નબળો ફ્લેટ કે નબળી દુકાન તેને કરમે ચોંટે તો તેને જીવતે જીવ જ મરવાનો વારો આવે છે. લોન ચાલુ હોય ને ઘર બદલવાની ફરજ પડે તો તેની હાલત અત્યંત દયનીય થઈ જાય છે.

આવું બને છે બિલ્ડરોની નાલાયકીથી. અધિકારીઓને ખટાવીને, નબળું મટિરિયલ વાપરીને તે તાબૂત તો ઊભું કરી દે છે, પણ તેમાં રહેવા આવનારની ગરદન મરાય છે. તે રહેવાસીને જ્યારે થોડાં વર્ષે ખબર પડે કે તે જે ફ્લેટમાં રહે છે તે ગમે ત્યારે દગો દે એમ છે, તો તેના જીવવા-મરવામાં પછી બહુ ફરક રહેતો નથી. કેમ થાય છે આવું? એનો એક જ જવાબ છે – ગમે તેને છેતરીને બિલ્ડરો પોતાની જ હોજરી ઠાંસતા હોય છે. એવું નથી કે ટકાઉ બાંધકામની એમને ખબર નથી, પણ ફ્લેટ લીધા વગર જ સામેવાળો તેની પૂરી કિંમત ચૂકવી દે તો સારું એવી દાનતથી, નાછૂટકાનું બાંધકામ કરીને બિલ્ડર ફ્લેટ વેચતો હોય છે. કેટલા ય મહેલો, કેટલા ય કિલ્લાઓ, કેટલી ય ઇમારતો સદીઓથી આ શહેરમાં, રાજ્યમાં, દેશમાં હજી પણ અડીખમ છે. તાજમહલ, દેલવાડાંના દહેરાં, અજંતા–ઈલોરાની ગુફાઓ, મીનાક્ષી મંદિર ને એવી તો કૈં કેટલી ય ઇમારતો મસ્તીથી ઊભી છે. એ બધું એન્જિનિયર કે આજના કોન્ટ્રાકટરો વગર થયું છે, આજના જેટલાં કાગળિયાં, ડોક્યુમેન્ટ્સ, આધારકાર્ડ, પાન કાર્ડની ઝંઝટ વગર થયું છે. આ બધું આમ તો સલામતી માટે થાય છે ને કમાલ એ છે કે જેમ જેમ ડોક્યુમેન્ટ્સ વધે છે તેમ તેમ અસલામતી પણ વધતી આવે છે. એ વિચારતાં તમ્મર આવી જાય છે કે કેવી રીતે આબુ પર્વત પર, હાથીઓ મંદિર માટેનો આરસ લઈને ચડ્યાં હશે ! દેલવાડાંનાં માખણ જેવાં કોમળ મંદિરો હજી પણ ટાઢ, તડકો ને વરસાદમાં આરતીની જેમ ઝગઝગે છે.

આ બધું આજે પણ શક્ય છે, પણ ખૂટે છે તે કેવળ પ્રમાણિકતા !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 સપ્ટેમ્બર 2022

Loading

ગરીબ / લાચાર માણસોના ‘માનવ ગૌરવ’નું કેટલું હનન થતું હશે?

રમેશ સવાણી|Opinion - Opinion|1 September 2022

ગરીબનું / લાચારનું કોઈ નથી. તેમનું શોષણ શક્તિશાળી / સમર્થ / સત્તાવાળા કરતા રહે છે. ઝારખંડના રાંચી શહેરની ઘટના આંખ ખોલનારી છે. પૂર્વ IAS મહેશ્વર પાત્રાનાં પત્ની સીમા પાત્રાને નોકશાહીનો નશો હતો અને સત્તાપક્ષની મહિલા વિંગની રાષ્ટ્રીય કાર્યસમિતિની સભ્ય હતી; એટલે ડબલ એન્જિન જેટલી શક્તિશાળી તુમાખી પણ હતી ! સીમાએ આદિવાસી મહિલા સુનિતાને (29) 10 વરસથી ઘરનોકર તરીકે રાખી હતી; પરંતુ ગુલામ સાથે પણ વર્તન ન કરે એવું વર્તન સીમા, સુનિતા સાથે કરતી હતી. સીમા સુનિતાને ગરમ તવાથી ડામ દેતી હતી; મારઝૂડના કારણે સુનિતાના દાંત તૂટી ગયા હતા ! સુનિતાને ખાવા-પીવાનું મળતું ન હતું; તેને રૂમમાં પૂરી રાખવામાં આવતી હતી; તે બેહોશ બની ઢળી પડતી અને તેને પેશાબ થઈ જતો ત્યારે જીભ વડે તે પેશાબ સુનિતા પાસે સીમા સાફ કરાવતી હતી ! સુનિતા ચાલી શકતી ન હતી. સારી વાત એ હતી કે સીમાના પુત્ર આયુષ્યમાને જ સુનિતાને રેસ્ક્યૂ કરવા પોતાના મિત્રને કહ્યું હતું; જેથી 22 ઓગષ્ટ 2022ના રોજ સુનિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

સોશિયલ મીડિયામાં ઊહાપોહ થતાં સત્તાપક્ષે 30 ઓગષ્ટના રોજ પક્ષમાંથી સીમાને દૂર કરી દીધી ! NWC-નેશનલ વિમેન કમિશને સીમા સામે કાર્યવાહી કરવા ઝારખંડના DGPને જણાવ્યું છે. સીમા પાત્રા સામે IPC કલમ-323 (મારઝૂડ કરવી, સજા-1 વરસ સુધીની કેદ/દંડ); 325 (જાણીજોઈને ગંભીર ઈજા કરવી, સજા-7 વરસ સુધીની કેદ/દંડ); 346 (બંધક બનાવી ત્રાસ આપવો, સજા-2 વરસ સુધીની કેદ/દંડ); 374 (બળજબરીથી કામ કરાવવું, સજા-1 વરસ સુધીની કેદ/દંડ); તથા એટ્રોસિટી એક્ટ કલમ-3(1) (a) (b) (h) (અખાદ્ય વસ્તુ ખવડાવવા બળજબરી કરવી/ મળ-કચરો ફેંકે/ ટોપલેલ-અર્ધનગ્ન કરે, સજા-5 વરસ સુધીની કેદ/દંડ) હેઠળ ગુનો દાખલ થયેલ છે અને પોલીસે સીમાને એરેસ્ટ કરેલ છે. આ પ્રકારની ઘટના; જો સીમા પાત્રા વિપક્ષ સાથે જોડાયેલી હોત તો ગોદી મીડિયાએ ઊહાપોહ મચાવી દીધો હોત ! પરંતુ સીમા સત્તાપક્ષ સાથે જોડાયેલી હતી એટલે ગોદી મીડિયાને સીમાનો અત્યાચાર ચર્ચા કરવા યોગ્ય લાગ્યો નહીં !

થોડાં મુદ્દાઓ :

[1] સીમા ઉચ્ચ અધિકારીની પત્ની અને સત્તાપક્ષની મહિલા વિંગ સાથે જોડાયેલ હતી; છતાં કોઈ અભણ વ્યક્તિ ન કરે તેવું ક્રૂર / જંગલી વર્તન સીમાએ કેમ કર્યું હશે? સત્તાનો નશો જ ને? મને કાયદો સ્પર્શી ન શકે; એવું જ સીમા માનતી જ હશે ને?

[2] સીમા IAS અધિકારીની પત્ની છે. શું ઘરમાં આદિવાસી મહિલા ઉપર થતા અત્યાચારની ગંધ મહેશ્વર પાત્રાને નહીં આવી હોય? શા માટે તેમણે સુનિતાને મુક્ત ન કરી? એક IAS અધિકારી તરીકે તેમણે રાજ્યના લોકોની કેવી ‘સેવા’ કરી હશે?

[3] શું આ એકાદ ઘટના હશે કે ઘરનોકરોનું / લાચાર વ્યક્તિઓનું વત્તાઓછા પ્રમાણમાં શોષણ થતું હશે? ગરીબ / લાચાર માણસોના ‘માનવ ગૌરવ’નું કેટલું હનન થતું હશે?

[4] સીમા સત્તાપક્ષ મહિલા વિંગની રાષ્ટ્રીય કાર્યસમિતિ સાથે જોડાયેલ હતી; તેમણે મહિલા માટે કેવી ‘સેવા’ કરી હશે? એક મહિલા તરીકે, બીજી મહિલા ઉપર આટલી ક્રૂરતા કેમ કરી શકી હશે? શું તેમના મસ્તિકમાં ગોડસેના વિચારો ઘૂમતા હશે?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,2681,2691,2701,271...1,2801,2901,300...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved