Opinion Magazine
Number of visits: 9458621
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

— એવું હોય તો અંગ્રેજીને જ રાષ્ટ્રભાષા કરવી જોઈએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 September 2022

સરકારની આરતી ઉતારનારા અને હિન્દુત્વનો શંખ ફૂંકનારાઓને અંગ્રેજી લોહીમાં ઊતરી ગઈ છે એનો વાંધો નથી. અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં પણ ભારતમાં અંગ્રેજી બોલાતી હોવાનું કેટલાક ભારતીય અંગ્રેજો માનતા હોય તો નવાઈ નહીં. જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી તેની માતૃભાષા અંગ્રેજી કરવા સરકાર અને તેનાં ભક્તજનો મથી રહ્યા છે તે જગજાહેર છે. એટલે જ ખાનગી સ્કૂલોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જે અંગ્રેજી માધ્યમની સ્કૂલો ચલાવીને નોટ છાપે છે ને બીજી તરફ ગુજરાતી માધ્યમની સ્કૂલો બંધ થાય છે ને ભૂલેચૂકે જો કોઈ સ્કૂલ ખૂલે છે તો તેનું માધ્યમ અંગ્રેજી હોય છે. ગુજરાતી માધ્યમની સરકારી સ્કૂલો બંધ કરાવવામાં સરકારનો ફાળો મોટો છે. એવી સ્કૂલો બંધ કરાવવામાં સરકારને રસ છે, કારણ સ્કૂલો બંધ થાય તો સ્કૂલો ચલાવવાની ઉપાધિમાંથી તેનો છૂટકારો થાય. શિક્ષકોને પે સ્કેલ આપવાનો ને તેનું પેન્શનનું કૂટવાનું ને ઉપરથી શિક્ષણ મફતમાં આપવાનું, એ ઝંઝટ જ શું કામ જોઈએ? એનાં કરતાં ખાનગી સ્કૂલો ખૂલે તો વધારે ફી ઉઘરાવીને અને સસ્તા માસ્તરો રાખીને સંચાલકો કમાતા હોય તો એ વેપલો શું કામ ન કરવો? એમાં સરકારને રસ એટલે પણ છે કે ઘણી સ્કૂલો સરકારી મંત્રીઓ ને તેમનાં મળતિયાઓ દ્વારા ચાલે છે એટલે છેવટે તો ઘી ઢોળાય તો ખીચડીમાં જ ને ! વળી ખાનગીમાં તો પગાર જ ખેંચીને આપવાનો હોય ત્યાં પેન્શનનો તો સવાલ જ નથી ઊભો થતો ! આવો નફાકારક વેપાર છોડીને સરકારી સ્કૂલો ખોલીને મફત શિક્ષણ આપવાનું ? છટ્ !

એક સમય હતો જ્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને નર્મદનું નામ આપવામાં ય ઘણા અખાડા થયેલા. નર્મદ ‘અર્વાચીનોમાં આદ્ય’ ગણાયો હોય તો ભલે, પણ તેનું નામ જોડતાં સુરતના જ શિક્ષણવિદોને પેટમાં દુખેલું, પણ, પછી તો ઝુંબેશ ચાલી ને વર્ષો પછી યુનિવર્સિટીને નર્મદનું નામ અપાયું. ગમ્મત તો એ છે કે દક્ષિણ ગુજરાતની યુનિવર્સિટી હતી, પણ એમાં ગુજરાતીનો વિભાગ જ ન હતો. અંગ્રેજીનો હતો, પણ ગુજરાતીનો વિભાગ ન હતો. યુનિવર્સિટીને નર્મદનું નામ હતું, પણ એ જે ભાષામાં લખતો હતો એ ગુજરાતીનો વિભાગ જ ન હતો ! તે આ લખનારે ને અન્ય સાહિત્યકારોએ ઉપાડો લઈને કરાવ્યો ને હવે દસેક વર્ષથી ગુજરાતીનો વિભાગ ચાલે છે. હિન્દીનો સ્વતંત્ર વિભાગ શરૂ થવાની વાત છે, તેનું ભવન પણ તૈયાર હોવાનું કહેવાય છે, પણ સંસ્કૃતમાં તો વિદ્યાર્થીઓ જ નથી ને થાય એને માટેની કોશિશો ને તકો ય ઓછી છે એટલે એનું ભવન તો કલ્પનામાં જ રચીને સંતોષ માનવો પડે એ સ્થિતિ છે.

આટલી વાત એટલે કરવી પડી, કારણ સંસ્કૃતને રાષ્ટ્રભાષા કરવી જોઈએ એવી અરજી સુપ્રીમકોર્ટ સામે આવી ને કોર્ટે અરજદારને વેધક પ્રશ્નો પૂછી અરજી ફગાવી દીધી. સુપ્રીમકોર્ટમાં નિવૃત્ત બ્યુરોક્રેટ કે.જી. વણઝારા તરફથી સંસ્કૃતને રાષ્ટ્રભાષા કરવાની અરજી કરાઇ હતી તેને ફગાવતાં સુપ્રીમના જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ કૃષ્ણ મુરારિની બેન્ચે જણાવ્યું કે આ મુદ્દો નીતિગત છે ને સરકારના દાયરામાં આવે છે એટલે સરકાર જ બંધારણમાં સુધારો કરીને જે તે નિર્ણય લઈ શકે, એટલે અરજદારે આ પ્રસ્તાવ સરકાર સમક્ષ મૂકવો જોઈએ – એવી સૂચના સુપ્રીમે અરજદારને આપી. અરજદારે કલમ 32નો હવાલો આપતાં કહ્યું કે સુપ્રીમકોર્ટ કેન્દ્રનો મત જાણીને એ અંગે ચર્ચા શરૂ કરી શકે. વધારામાં અરજદારે સુનાવણી દરમિયાન બ્રિટિશ શાસન વખતના કલકત્તાના સુપ્રીમના જજના નિવેદનનો હવાલો આપતાં કહ્યું કે તેમના તરફથી વાંચવામાં આવેલી 22 ભાષાઓમાં એક વાત સ્પષ્ટ છે કે સંસ્કૃત માતૃભાષા છે. તેનાં જવાબમાં જજોએ એ ઉમેર્યું કે સંસ્કૃત માતૃભાષા છે ને હિન્દી અને અન્ય પ્રાદેશિક ભાષાના શબ્દો સંસ્કૃતમાંથી ઊતરી આવ્યા છે એ અમે પણ માનીએ છીએ, પણ તેને આધારે કોઈ ભાષાને રાષ્ટ્રભાષા જાહેર ન કરી શકાય.

બેન્ચે અરજદારને એમ પણ પૂછ્યું કે કેટલાં શહેરોમાં સંસ્કૃત બોલાય છે ને તમે એક વાક્ય પણ સંસ્કૃતમાં બોલી શકો એમ છો? કે તમારી રીટ અરજીનો સંસ્કૃતમાં અનુવાદ કરી શકો એમ છો? સુપ્રીમે અરજદારની બોલતી તો બંધ કરી, પણ તેથી વાતનો છેડો આવતો નથી. અરજદારને સંસ્કૃત નથી આવડતું એટલે રાષ્ટ્રભાષા સંસ્કૃત ન થાય તો સવાલ એ છે કે અરજદારને સંસ્કૃત આવડતું હોત તો સંસ્કૃત રાષ્ટ્રભાષા થઈ હોત? ન જ થઈ હોત, કારણ અરજદારની આવડત કે અણઆવડત પર તો કોઈ ભાષા ને રાષ્ટ્રભાષા જાહેર કરવાનું અવલંબિત ન હોય ને ! વળી એ કામ સુપ્રીમનું નહીં, પણ સરકારનું છે તે કહેવાની જરૂર ખરી?

એ સાચું કે સંસ્કૃત તરફ પ્રજાનો ઝુકાવ જ નથી. આમ પણ ભાષા પ્રીતિ આપણા સ્વભાવમાં જ નથી. વ્યવહાર પૂરતી ભાષા જાણીને હેતુ તો વધુ આર્થિક ઉપાર્જનનો જ મોટે ભાગની પ્રજાનો હોય છે, ત્યાં સંસ્કૃતને રાષ્ટ્રભાષા કરવાની વાત કોઈને પણ ગળે ઉતારવાનું મુશ્કેલ છે. દક્ષિણની પ્રજાનું માતૃભાષા માટેનું વળગણ જ એટલું તીવ્ર છે કે તેઓ હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવા તૈયાર નથી. હિન્દીને નકારવા ત્યાં આંદોલનો પણ થયાં છે ને જો સરકારનો ‘વન નેશન, વન લેન્ગ્વેજ’નો કન્સેપ્ટ મનમાં હોય તો હિન્દીની બાબતે દક્ષિણનાં રાજ્યો સફળ થાય એવું લાગતું નથી. એવામાં અંગ્રેજી રાષ્ટ્રભાષા થાય તો બને કે દક્ષિણનાં રાજ્યોને ય વાંધો નહીં હોય. તેનું કારણ એ છે કે અંગ્રેજી બધે જ ચાલે છે. એ સ્થિતિમાં અંગ્રેજી માતૃભાષા ને રાષ્ટ્રભાષા થાય તો કદાચને સ્વમાની નહીં એવી આપણી પ્રજાને ય વાંધો નહીં હોય.

આપણી સરકારો પણ અંગ્રેજી માટે તૈયાર થાય તો આઘાત ન લાગે. એની નાનમ પણ ન હોય કદાચ. એકતરફ હિન્દુત્વનું આક્રમણ ને બીજી તરફ અંગ્રેજીની ગુલામી આપણાં લોહીમાં ઊતરી ગઈ છે. તેમાં પણ ગુજરાત તરફથી અંગ્રેજીને રાષ્ટ્રભાષા કે માતૃભાષા બનાવવાની પહેલ થાય તો નવાઈ નહીં. અંગ્રેજીનો એક ભાષા તરીકે કોઈ વાંધો નથી. એ પણ છે કે વિદેશ જઈને ભણનારને કે કેટલાક વિષય અહીં રહીને ભણનારને અંગ્રેજી વગર છૂટકો નથી, આટલાં વર્ષો પછી પણ એ સ્થિતિ નથી કે જે તે વિષયનાં પુસ્તકો પ્રાદેશિક ભાષામાં મળી રહે કે તેનું શિક્ષણ પ્રાદેશિક ભાષામાં સરળ થાય. એ સ્થિતિ ન સુધરે ત્યાં સુધી અંગ્રેજીમાં ભલે શિક્ષણ અપાતું, પણ બધાં કૈં વિદેશ જવાના નથી કે બધાં જ અહીં રહીને ય ડૉક્ટર, વૈજ્ઞાનિક કે એન્જિનિઅર થવાના નથી, તો જે અંગ્રેજી વગર ચલાવી શકે એમ છે તેમને માથે અંગ્રેજી થોપવાનો અર્થ ખરો? અંગ્રેજી માધ્યમની સ્કૂલો વધે ને ગુજરાતી માધ્યમની સકૂલો બંધ થાય, સરકાર, સરકારી સ્કૂલો બંધ કરતી જાય તો માતૃભાષાનું અને અન્ય પ્રાદેશિક ભાષાનું મહત્ત્વ ઘટે છે એવું ખરું કે કેમ? આમ થાય તો એ ભાષાનું સાહિત્ય, એને અનુષંગે આવતી સંસ્કૃતિ, લોપ પામે તે યોગ્ય છે? અંગ્રેજોને હોય તેનાં કરતાં આપણાં દેશી અંગ્રેજો, આટલે વર્ષે પણ અંગ્રેજીનો નફાકારક ધંધા તરીકે ઉપયોગ કરે ને એનો કોઈ સંકોચ ન હોય એ શરમજનક છે,

અંગ્રેજો આવ્યાં તે પહેલાં પણ ગુજરાતી, સંસ્કૃત, મરાઠી વગેરે ભાષાઓ હતી જ, તેનું શિક્ષણ અપાતું હતું, તેનું સાહિત્ય હતું, તેની સંસ્કૃતિ હતી. આજે તપાસવા જેવું છે કે માધ્યમિક શિક્ષણ દરમિયાન સ્કૂલોમાં કેટલી ભાષાઓ ભણાવાય છે? એક સમય હતો જ્યારે સંસ્કૃત તો ઠીક, અર્ધમાગધી બોર્ડની પરીક્ષામાં વિષય તરીકે લઈ શકાતી. આજે કેટલી ભાષાઓ સ્કૂલોમાં ભણાવાય છે તેનો સર્વે કરવા જેવો છે. અંગ્રેજીને બાદ કરતાં આજનું ભાષા શિક્ષણનું દારિદ્રય આંખે ઊડીને વળગે એવું છે. એક કાળે જે તે ભાષાના પંડિતો ને વિદ્વાનો મળી રહેતા, આજે તો આખું કોળું દાળમાં ગયું હોય એવો ઘાટ છે. અંગ્રેજીએ કારકૂનો પેદા કરવામાં એટલો મોટો ફાળો આપ્યો છે કે દેશ કારકૂની કરવામાંથી જ ઊંચો નથી આવતો. એમાંથી પણ પંડિતો ને વિદ્વાનો મળ્યા જ છે, પણ મોટે ભાગે તો દેશને કારકૂનો જ મળ્યા છે. એમાં ભાષા કરતાં પણ ગુલામ માનસિક્તાએ વધારે ભાગ ભજવ્યો છે ને હજી એની પકડમાંથી છૂટવા આપણે તૈયાર નથી તે દુખદ છે.

અરજદાર સુપ્રીમમાં સંસ્કૃતમાં જવાબ ન આપી શક્યો ને સંસ્કૃત હવે બોલાતી નથી તેને પરિણામે એ સ્થિતિ સર્જાઈ છે એવું કોર્ટનું કહેવું હતું, પણ આ જ દેશમાં એક કાળે સંસ્કૃતની બોલબાલા હતી, સંસ્કૃતમાં મહાકાવ્યો સર્જાયાં, વિશ્વ સાહિત્યમાં જોટો ન જડે એવા સર્જકો સંસ્કૃતે આપ્યા એ કદી ભૂલવા જેવું નથી. સંસ્કૃત દેવભાષા હતી, તો તેને  દેવલોક પહોંચાડી કોણે? સંસ્કૃત ભણવા દેશ તૈયાર નથી એ સ્થિતિ સર્જી કોણે? વિદેશથી લોકો સંસ્કૃત શીખવા ભારત આવતા હતા, તે હવે અહીંથી શીખવા વિદેશ જાય તેવી સ્થિતિ કોને આભારી છે? હિન્દી રાષ્ટ્રભાષા છે, પણ તેનો દક્ષિણનાં રાજ્યોમાં સ્વીકાર નથી. ત્યાંની પ્રજાને માતૃભાષાનું એટલું વળગણ છે કે હિન્દી ત્યાં સ્વીકૃતિ પામે એ અશક્યવત્‌ છે. એ પ્રજાને અંગ્રેજીનો વાંધો નથી એનું આશ્ચર્ય છે. એ રીતે જોતાં તો અંગ્રેજી આખા દેશમાં ચાલે એમ છે. સંસ્કૃત તો રાષ્ટ્રભાષા નહીં થાય, પણ અંગ્રેજી થાય તો નવાઈ નહીં? અહીં એવો પ્રશ્ન થાય છે કે આપણે સ્વતંત્ર થયા છીએ ખરાં ? કમ સે કમ અંગ્રેજીની ગુલામી આપણે સ્વતંત્ર થયા પછી પણ 75 વર્ષથી ચાલુ જ રાખી છે એવું નથી લાગતું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 સપ્ટેમ્બર 2022

Loading

ટૂંકમાં (૫) : ભાષાની હિફાજત 

સુમન શાહ|Opinion - Literature|4 September 2022

પોલી વિદ્વત્તાની વાંસળીમાંથી એક બસૂરો સૂર અવારનવાર ફૂટી નીકળે છે – ગુજરાતી ભાષા મરી રહી છે. સુજ્ઞ જનો કહે છે – ભાઈ, એવું નથી, બાબુ સુથાર તો ભાષાના આવા સ્થિત્યન્તરને સમજાવતી સિદ્ધાન્તપીઠિકા ય રજૂ કરે છે, પણ વાંસળીવાળાઓ વાત કાને નથી ધરતા.

ખરેખર તો જેને જેને માતૃભાષાની દાઝ હોય એ સૌએ પોતાના પક્ષેથી ભાષાની હિફાજત ઝટ શરૂ કરી દેવી જોઈએ. જાણ્યે-અજાણ્યે મારા બે ફેસબુક મિત્રો એ કામ કરી રહ્યા છે. એક છે, અડવો કડવો-ના નામે લખતા ભાષાવિદ અને બીજો છે મારો યુવાન મિત્ર શક્તિસિંહ.

અડવોકડવો-ભાઈ શબ્દોની આપસઆપસની સગાઈની તેમ જ શબ્દાર્થશાસ્ત્રની કોઈ શાખામાં ગામ્ભીર્યથી થતી હોય એવી કેટલીક વાતો સહજપણે ટૂંકમાં પણ મજા પડે એટલી સરળ રીતે કરે છે. અભિનન્દનીય છે.

લોકમાં જઈને શક્તિસિંહ ઉખાણાં મેળવે છે, લખીને રજૂ કરે છે, ઉકેલી આપે છે. મને એમ સમજાય છે કે તળમાં વાક્ચાતુર્યથી રંજિત કેટલું બધું ભાષાબળ પડ્યું છે. હું એને લિન્ગ્વિસ્ટિક પરફૉર્મન્સનાં સમૃદ્ધ દૃષ્ટાન્ત કહું છું. શહેરની સપાટ જીવનશૈલીમાં જીવતું કોણ કોને કેટલાં ઉખાણાં કહેતું હશે? જવાબમાં પ્રશ્ન મળશે : ઉખાણું એટલે -? મને તો એમ કે શક્તિ વાર્તાઓ વધુ લખે તો સારું કહેવાય. પણ વાર્તાસર્જન માટે ય આ એના માટે પોષક ખોરાકનું કામ કરશે.

મેં દસેક વર્ષ પર મારા એવા જ મિત્ર અતુલ રાવલની મદદમાં ‘બા-ની ભાષા, મારી ભાષા’ નામનો એક ઑનલાઈન પ્રોજેક્ટ જાહેર કરેલો. હેતુ એ હતો કે વિદેશવાસી ગુજરાતી સન્તાનોને પ્રાથમિક કક્ષાનું ભાષાજ્ઞાન આપવું, સર્જનાત્મક રીતે આપવું. સન્તાને નિયત દિવસે-સમયે ઘરના કમ્પ્યૂટર પર બેસી જવાનું અને સામે છેડેથી હું મારા શ્હૅરેથી મારા કમ્પ્યૂટર પર બેસી જે શીખવું એ એણે શીખવાનું. અતુલે ૧૨૦૦ ઇમેઇલ મોકલેલા. પણ મોટા ભાગના ઍન.આર.આઇ. થઈ ચૂકેલા ગુજરાતી માબાપોને નવરાશ નહીં મળી હોય, કે જરૂરત નહીં વરતાઈ હોય, તે ૧૨-ના પણ ઉત્તર નહીં મળેલા !

ભાષાની હિફાજત માટે એક પ્રયોગ રૂપે હું સૌને જોડણીકોશ જોવા કહું છું. જ્યારે ત્યારે ડોકિયું કરવું, ખુશ થવાશે – જેમ દિવસમાં જેટલી વાર અરીસામાં ચ્હૅરો જોઈએ એટલી વાર થવાય છે.

હું વરસો પહેલાંથી આપણી ભાષાની એક બાબત તારવી શક્યો છું. (બીજાઓ તારવી શક્યા હોય તો તેની મને ખબર નથી). એ વિશે કહેતાં આનન્દ થાય છે કે ગુજરાતી ભાષામાં મનુષ્યશરીરનાં પ્રમુખ અંગો સાથે જોડાયેલા શબ્દપ્રયોગોનો ભંડાર ભર્યો છે. દાખલા તરીકે, ‘જીભ’ સાથે જોડાયેલો આ પ્રયોગ – જીભનો કૂચો વળવો; અને આ સાધિત શબ્દરૂપ – જીભાજોડી. આ શબ્દપ્રયોગોને કહેણી, રૂઢિપ્રયોગ કે કહેવત જે કહેવું હોય એ કહો, કામચલાઉ ધૉરણે ચાલશે.

Pic courtesy : alamy

હેમન્ત દવે ‘ના મામો કરતાં કહેણો મામો સારો એ ન્યાયે’ આપણે ત્યાંના કોશોને ‘એમની પોતાની રીતે ઉપયોગી થાય એવા’ કહે છે. એવો એક છે, “સાર્થ જોડણીકોશ”. હું એમાં જોઈને કહું છું, સંખ્યા આશરે કહું છું. જુઓ —

ગુજરાતી શબ્દ ‘જીવ’. એ પોતે જ કેટલો પાલ્પેબલ છે – સ્પર્શક્ષમ. મને તો એને જોઉં કે તરત એ મને જોતો દેખાય છે ! એની સાથે જોડાયેલા ૬૦થી પણ વધુ પ્રયોગો છે.

આ પણ જુઓ — 

‘જીભ’ સાથે જોડાયેલા ૨૫થી પણ વધુ છે. 

‘છાતી’ સાથેના ૪૦થી વધુ છે.

‘હાથ’ સાથેના તો ૧૭૫થી વધુ છે. 

‘આંગળી’ સાથેના ૨૦થી વધુ છે.

‘પગ’ સાથેના ૧૨૦થી વધુ છે.

‘માથું’ સાથેના ૧૦૦થી વધુ છે. 

‘આંખ’ સાથેના ૫૦થી વધુ છે. અને વ્હાલા

‘હૃદય’ સાથેના ૫૦થી વધુ છે. 

બીજાં અંગો સાથેના પણ હશે, ખૉળ્યા નથી …

આ બધા પ્રયોગોની સદૃષ્ટાન્ત વાતો, હવે પછી ક્યારેક. 

મને ભાષાનું આ શારીર સાયુજ્ય અથવા બાયો કૉન્ફિગરેશન અપ્રતિમ લાગ્યું છે. રમૂજમાં કહી શકાય કે કદાચ એને કારણે જ ગુજરાતીઓ કાયનેટિક – વેગવન્તા કે તરવરિયા – ભમી શકતા હોય છે ! હું એને ભાષાની અનોખી લાક્ષણિકતા ગણું છું. અનોખી એટલા માટે કે કોઈપણ ભાષા જીભેથી પ્રગટે છે પણ ગુજરાતીમાં તો, જીભ છાતી હાથ પગ, ને જેના વિના શરીર કદી શોભે નહીં એ માથું, ને જેના વિના જગત દેખાય નહીં એ આંખ, ને હે ભગવાન ! જેના વિના જિવાય નહીં એ હૃદય – જેવાં પ્રમુખ અંગો સાથે જોડાયેલા, મેં ગણી બતાવ્યું તેમ, અનેક શબ્દપ્રયોગો છે, સંખ્યાબંધ છે. આ લાક્ષણિકતા વિશ્વની બીજી કોઈ ભાષાની ય હશે, પણ ન હોય તો સારું, આપણો ગર્વ અક્ષત રહે.

એ શબ્દપ્રયોગો કવિતાસાહિત્યમાં નથી ભળ્યા એટલા કથાસાહિત્યમાં ભળ્યા છે પણ પ્રજાજીવનમાંથી વીસરાતા ગયા છે. જો કે એનું રોણું ન કરાય, નૉંધ લેવાય, જેથી સાવધાન થવાય.

મારા મામાના ઘરે બાપદાદાના વારાનો ઇસ્કોતરો હતો, એ ખૂલે, એટલે એક અનોખી સુગન્ધ આવતી. પણ મારા નાના હાથ એના ઊંડાણે પ્હૉંચે નહીં તો પણ ઊંહ્હ ઊંહ્હ કરીને પ્હૉંચાડતો. સરસ કશી જૂની જીવલેણ સુન્દર વસ્તુ હાથ લાગતી, જેમ કે, રેશમી ભૂરું અબોટિયું – સસ્મિત સૂંઘ્યા કરતો …

સવાલ ભાષાના ઇસ્કોતરે હાથ ઊંડાણે પ્હૉંચાડીએ એનો છે.

(September 4, 2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મિખાઇલ ગોર્બાચેવઃ સુધારાવાદી નેતા જે સાબિત થયા વૈશ્વિક રાજકારણના ‘ટ્રેજેડી કિંગ’ 

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|4 September 2022

મિખાઇલ ગોર્બાચેવે વિશ્વના રાજકીય ઇતિહાસમાં બે સૌથી મોટા કામ કર્યાં – એક તો શિત યુદ્ધનો અંત આણવો અને સોવિયટ યુનિયન વિખેરવાનો નિર્ણય લીધો. જો કે ગોર્બાચેવ સોવિયેતના તંત્રને વિખેરવા નહોતા માગતા બલકે તેમાં સુધાર લાવવા માગતા હતા.

એંશીના દાયકામાં જન્મેલાઓ માટે મિખાઇલ ગોર્બાચેવ એક એવા રશિયન નેતા હતા જેમના માથા પર જાણે કોઇ બીજા દેશના નકશાના આકારનું નિશાન હતું. સોવિયેત યુનિયનના આખરી નેતાનું ગયા અઠવાડિયે ૩૧મી ઑગસ્ટના રોજ ૯૧ વર્ષની વયે મોત થયું. ગોર્બાચેવ એવા રશિયન રાજકીય નેતા હતા જેમણે વીસમી સદીમાં સામ્રાજ્યવાદી વલણના સામે પ્રવાહે તરવાનું નક્કી કર્યું. મિખાઇલ ગોર્બાચેવ સત્તા પર આવ્યા તે પહેલાં સોવિયેત યુનિયન એક એવો સુપર પાવર હતો જે યુ.એસ.એ.નો કાયમી શત્રુ હતો. મિખાઇલ ગોર્બાચેવે લીધેલા નિર્ણયોએ ઘણું બધું બદલી નાખ્યું.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગ્રેટ બ્રિટન, ફ્રાન્સ, સોવિયેત યુનિયન, યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન બધા સાથી સત્તાઓ હતી. એ સમયે ખાસ તો યુ.એસ.એ.ના રોનાલ્ડ રેગન, બ્રિટનનાં માર્ગારેટ થેચર અને ગોર્બાચેવ વૈશ્વિક રાજકીય નાટ્યમંચના મુખ્ય કિરદારો હતાં. સામ્રાજ્યવાદનો સૂરજ તપતો હોય અને એક માણસ નક્કી કરે કે તેણે લોકશાહીને કોટે વળગાડવી છે કારણ કે તેને લોકશાહીમાં વિશ્વાસ છે અને એ દિશામાં આગળ વધવું જ યોગ્ય સમજે – આ માણસ એટલે મિખાઇલ ગોર્બાચેવ. સોવિયેત યુનિયનને વધુ માનવીય બનાવવાની ગોર્બાચેવની ચાહ સામે ઘણાને વાંધો હતો અને આજે પણ ઘણા રશિયનો ગોર્બાચેવથી નારાજ છે.

મિખાઇલ ગોર્બાચેવે વિશ્વના રાજકીય ઇતિહાસમાં બે સૌથી મોટા કામ કર્યાં – એક તો શિત યુદ્ધનો અંત આણવો અને સોવિયત યુનિયન વિખેરવાનો નિર્ણય લીધો. જો કે ગોર્બાચેવ સોવિયેતના તંત્રને વિખેરવા નહોતા માગતા બલકે તેમાં સુધાર લાવવા માગતા હતા. તેમેણે શરૂઆત કરી આર્થિક સુધારાઓ સાથે અને આ સાથે જ તેમની સાથે આજ સુધી જોડાયેલો શબ્દ અસ્તિત્વમાં આવ્યો – ગ્લાસનોસ્ટ – એટલે કે ઓપનનેસ – નિખાલસતા – વાણી સ્વાતંત્ર્ય. સરકાર અને અર્થતંત્રની કાર્યવાહીમાં પૂરેપૂરી પારદર્શિતાની અપેક્ષા સાથે ગોર્બાચેવને આશા હતી કે લોકો યુ.એસ.એસ.આર.માં પોતાની જિંદગીને ફરી વ્યવસ્થાના પાટે ચઢાવી દેશે. આ પહેલાં તેમણે પેરેસ્ત્રોઇકા – એટલે કે પુનઃ ઘડતરનો મંત્ર આપ્યો કારણ કે યુ.એસ.એસ.આર.નું અર્થશાસ્ત્ર સાવ ખાડે ગયું હતું. ગોર્બાચેવને ખબર હતી કે યુ.એસ.એસ.આરે. પોતાના અર્થતંત્રનું પુનઃ બંધારણ કરવું જરૂરી છે અને માટે જ તેમણે પેરેસ્ત્રોઇકાનો વિચાર મૂક્યો. આ પુનઃ બંધારણ કે પુનઃ ઘડતર માત્ર આર્થિક બાબતો સ્થિર કરવાના હેતુથી નહોતા લૉન્ચ કરાયા. ગોર્બાચેવને ખાતરી હતી કે સામાજિક અને રાજકીય સ્તરે પણ સંજોગો બહેતર બનશે જે માઠા અર્થતંત્રથી વણસ્યા હતા. તે મરણિયા સામ્યવાદને પુનર્જિવિત કરી ૧૫ રિપબ્લિક્સ વચ્ચે સમાન ભાગીદારી લાવવાનો ઇરાદો ધરાવતા હતા. આ ૧૫ રિપબ્લિક્સમાં સૌથી શક્તિશાળી હતા રશિયા અને યુક્રેન પણ તેમના પ્રયાસો બાદ છ વર્ષના ગાળામાં સામ્યવાદ અને સોવિયેત સંઘ બન્ને પડી ભાંગ્યા. એમણે આ ફેરફારો સોવિયેત યુનિયનને વિખેરવાના આશયથી તો શરૂ નહોતા જ કર્યા. આર્થિક સ્થિતિ સુધારવી, યુ.એસ.એ. સાથે શસ્ત્રોની રેસનો અંત આણવો, યુરોપ સાથે સંબંધો બહેતર બનાવવા, અફઘાનિસ્તાનમાથી સૈન્યનું બિન જરૂરી સાહસ પાછું ખેંચી લેવા જેવા હેતુ સાથે ગોર્બાચેવે કામ શરૂ કર્યુ.  સોવિયેત યુનિયનનો પુનઃઉદ્ધાર એક રાષ્ટ્રલક્ષી પગલું છે તેમ ગોર્બાચેવ માનતા હતા પણ આમ કરવામાં જે માથાભારે તત્ત્વો પ્રવૃત્ત થયા તે તેમને માટે કલ્પના બહાર હતા. ૧૯૧૭ની રશિયન ક્રાંતિએ જે સામ્યાવાદી તંત્રની ભેટ આપી હતી તે પડી ભાંગી.

સાત દાયકાથી જે સોવિયેત યુનિયનનો વૈશ્વિક સ્તરે ભારે દબદબો હતો. સોવિયેત યુનિયને યુરોપમાં ફાસીવાદને હરાવવામાં, યુદ્ધ પછી યુરોપમાં સ્થિરતા લાવવામાં ફાળો આપ્યો અને સાથે વૈશ્વિક સ્તરે સામ્યવાદી ચળવળને પણ પ્રેરણા આપી. એંશીના દાયકાના પૂર્વાર્ધમાં સોવિયેત યુનિયનનું તંત્ર કથળી ગયું હતું અને ગોર્બાચેવને રાજકીય સ્તરે પ્રવૃત્ત થયા પછી આ તંત્રને સુધારવા તેમણે કવાયત કરી પણ સંઘ વિખેરાયો તેની પાછળ પણ ગોર્બાચેવ જ કારણભૂત બન્યા.

પશ્ચિમમાં ગોર્બી તરીકે ઓળખાનારા મિખાઇલ ગોર્બાચેવને નોબલ પીસ પ્રાઇઝથી નવાજવામાં આવ્યા હતા. સોવિયેતના સ્થાપક વ્લાદિમીર લેનિનના સિદ્ધાંતોને પુનઃજીવત કરવા માગતા ગોર્બાચેવના સારા ઇરાદાઓના પાસા પોબાર ન પડ્યા. રશિયા અને બીજા ૧૪ પૂર્વ-સંઘ સભ્ય એવા રિપબ્લિક્સ રાજકીય અસ્તવ્યસ્તતાનો ભોગ બન્યા જેમાંથી બેઠા થતા રશિયાને દાયકાનો સમય લાગ્યો. લોકશાહી રશિયાને માફક ન આવી. વ્લાદિમિર પુતિનના શાસન હેઠળ રશિયાનો રાષ્ટ્રપ્રેમ વાદમાં ફેરવાયો અને યુક્રેન સાથે જ થયું તે તો આપણે જાણીએ જ છીએ. ગોર્બાચેવની હાર આજે પશ્ચિમની જીત બની ચૂકી છે. રશિયનોને ગોર્બાચેવ પ્રત્યે ફરિયાદ જ રહી અને ફરી રાજકારણમાં પ્રવેશવાના તેમના પ્રયત્નોને કોઇ ટેકો ન મળ્યો કારણ કે સોવિયેત સંઘનું ખંડન ગોર્બાચેવનું રાજકીય મોત હતું. 

બાય ધી વેઃ

સોવિયેત યુનિયનના ભંગના ત્રણ દાયકા પછી વર્તમાન સંજોગો પર નજર કરીએ ગોર્બાચેવે જે પણ ધાર્યું હતું તેમાનું કંઇ પણ પાર નથી પડ્યું. રશિયામાં લોકશાહી ક્યારે આવી અને ક્યારે ગઇ એ ખબર પણ ન પડી. યુરોપમાં ગોર્બાચેવે સ્થાપેલી શાંતિ ફેબ્રુઆરી ૨૦૨૦માં ભડકે બળી જ્યારે રશિયાએ યુક્રેન પર ચઢાઇ કરી. ગોર્બાચેવને યુરોપ અને યુ.એસ.એ. સાથે સબંધ સુધારવા હતા પણ આજે પુતિન માટે આ બંન્ને રાષ્ટ્રો કટ્ટર દુશ્મન છે. ભારતને યુ.એસ.એસ.આર.નું ખંડન કઠ્યું હતું પણ તેને પગલે ભારતે પોતાના અર્થતંત્રને સુધારવાની ફરજ પડી, પોતાની વિદેશ નીતિનું પુનઃમૂલ્યાંકન કરવું પડ્યું અને વૈશ્વિક સ્તરે પોતાના સ્થાનને બહેતર બનાવવાની સૂઝ પડી. જો કે ૯૦ના દાયકાથી મોસ્કોની ગણતરીમાં દિલ્હી પ્રત્યેનો વ્યૂહાત્મક અભિગમ ઘટતો રહ્યો છે. સમયાંતરે ચીન સાથેની રશિયાની મૈત્રી અને પશ્ચિમ સાથે શિંગડા ભેરવવાનો અભિગમ ભારત સાથેની કડીને નબળી બનાવશે તેવી પૂરી શક્યતાઓ છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 સપ્ટેમ્બર 2022

Loading

...102030...1,2651,2661,2671,268...1,2801,2901,300...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved